ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19 


પહેલાં મોટા જીવો બચાવો !

હવે ભગવાન શું કહેવા માગે છે કે પહેલાં મનુષ્યોને સાચવો. હા, એ બાઉન્ડ્રી શીખો કે મનુષ્યોને તો મન-વચન-કાયાથી કિંચિત્માત્ર દુઃખ ના દેવું. પછી પંચેન્દ્રિય જીવો - ગાય, ભેંસ, મરઘા, બકરા એ બધાં જે છે, તેમની મનુષ્યો કરતાં થોડી ઘણી ઓછી પણ એમની કાળજી રાખવી. એમને દુઃખ ના થાય એવી કાળજી રાખવી. એટલે અહીં સુધી સાચવવાનું છે. મનુષ્ય સિવાયના પંચેન્દ્રિય જીવોને, પણ એ સેકન્ડરી સ્ટેજમાં. પછી ત્રીજા સ્ટેજમાં શું આવે ? બે ઇન્દ્રિયથી ઉપરનાં જીવોને સાચવવાનું.

આહારમાં ઊંચામાં ઊંચો આહાર કયો ? એકેન્દ્રિય જીવોનો ! બે ઇન્દ્રિયથી ઉપરના જીવોના આહારનો, જેને મોક્ષે જવું છે એને અધિકાર નથી. એટલે બે ઇન્દ્રિયથી વધારે ઇન્દ્રિયોવાળા જીવોની જવાબદારી આપણે ના કરવી જોઈએ. કારણ કે જેટલી એની ઇન્દ્રિય એટલા પ્રમાણમાં પુણ્યની જરૂર છે, એટલું માણસનું પુણ્ય વપરાઈ જાય ને !!

માણસને ખોરાક ખાધા વગર છૂટકો જ નથી અને એ જીવની ખોટ તો માણસને અવશ્ય જાય છે. આપણું જે ભોજન છે એ એકેન્દ્રિય જીવો જ છે. એમનું ભોજન આપણે કરીએ તો એ ભોજ્ય અને આપણે ભોક્તા છીએ ને ત્યાં સુધી જવાબદારી આવે છે. પણ ભગવાને આ છૂટ આપી છે. કારણ કે તમે મહાન સીલ્લકવાળા છો ને તમે એ જીવોનો નાશ કરો છો. પણ એ જીવ ખાઈએ છીએ, તેમાં એ જીવોને શું ફાયદો ? અને એ જીવોને ખાવાથી નાશ તો થાય છે જ. પણ એવું છે, આ ખોરાક ખાધો એટલે તમને દંડ પડે છે. પણ એ ખાઈને ય તમે નફો વધારે કમાવ છો. આખો દહાડો જીવ્યા અને ધર્મ કર્યો તો તમે સો કમાવ છો. એમાંથી દશનો દંડ એમને તમારે ચૂકવવો પડે છે. એટલે નેવું તમારી પાસે રહે છે અને તમારી કમાણીમાંથી દશ એમને મળવાથી એમની ઊર્ધ્વગતિ થાય છે. માટે આ તો કુદરતના નિયમના આધારે જ ઊર્ધ્વગતિ થઈ રહી છે. એ એકેન્દ્રિયમાંથી બે ઇન્દ્રિયમાં આવી રહ્યા છે. એટલે આવી રીતે આ ક્રમેક્રમે વધતું જ ચાલી રહ્યું છે. આ મનુષ્યોના લાભમાંથી એ જીવો લાભ ઊઠાવે છે. એમ હિસાબ બધો ચૂકતે થયા કરે છે. આ બધું સાયન્સ લોકોને સમજાય નહીં ને !

એટલે એકેન્દ્રિયમાં હાથ ના ઘાલશો. એકેન્દ્રિય જીવોમાં તમે હાથ ઘાલશો તો તમે ઈગોઈઝમવાળા છો, અહંકારી છો. એકેન્દ્રિય ત્રસ જીવો નથી. માટે એકેન્દ્રિય માટે તમે કશો વિકલ્પ કરશો નહીં. કારણ કે આ તો વ્યવહાર જ છે. ખાવું-પીવું પડશે, બધું કરવું પડશે.

બાકી, જગત બધું જીવડું જ છે. એકેન્દ્રિય જીવનું તો બધું આ જીવન જ છે. જીવ વગર તો આ દુનિયામાં કોઈ વસ્તુ જ નથી અને નિર્જીવ વસ્તુ ખવાય એવી નથી. એટલે જીવવાળી વસ્તુ જ ખાવી પડે, તેનાથી જ શરીરનું પોષણ રહે છે. અને એકેન્દ્રિય જીવ છે એટલે લોહી, પરુ, માંસ નથી એટલે એકેન્દ્રિય જીવો તમને ખાવાની છૂટ આપી છે. આમાં તો એટલી બધી ચિંતાઓ કરવા જાય, તે ક્યારે પાર આવે ? એ જીવની ચિંતા કરવાની જ નથી. ચિંતા કરવાની હતી તે રહી ગઈ અને ના કરવાની ચિંતા ઝાલી પડ્યા છે. આ ઝીણી હિંસાની તો ચિંતા કરવાની જરૂર જ નથી.

કયો આહાર ઉત્તમ ?

પ્રશ્નકર્તા : ક્રમિક માર્ગમાં અમુક ખોરાક ખાવાના કેમ બંધ રાખ્યા ?

દાદાશ્રી : એવું છે, ખોરાકના પ્રકાર છે. તેમાં મનુષ્યને અત્યંત અહિતકારી ખોરાક, કે જેનાથી આગળ બીજું વધારે અહિતકારી ના હોય એવું છેલ્લામાં છેલ્લી પ્રકારનું અહિતકારી તે મનુષ્યનું માંસ ખાવું તે છે. હવે એનાથી સારું ક્યું ? જે જાનવરની ઔલાદ વધતી હોય તે જાનવરનું માંસ ખાવું તે સારું. એટલે આ મરઘાં-બતકાં, એમની ઔલાદ બહુ વધે. આ ગાયો-ભેંસોની ઔલાદ ઓછી વધે. આ માછલાની ઔલાદ બહુ વધે. તો આ માંસ ખાવું સારું. એના કરતાં કોઈ કહેશે, 'અમારે પ્રગતિ માંડવી છે.' તો આ માંસ ખાવું ય નુકસાનકારક છે. એની બદલે તું ઇંડાં ખા. માંસ ના ખાઈશ તું. હવે એથી ય આગળ વધવું છે, તો એને કહું કે, 'તું કંદમૂળ ખાજે.' એથી પણ આગળ વધવું હોય તો એને અમે કહીએ, 'આ કંદમૂળ સિવાય દાળભાત, રોટલી, લાડવા, ઘી, ગોળ બધું ખા.' અને એથી આગળ વધવું હોય તો આપણે કહીએ કે, 'આ છ વીગઈ છે - ગોળ, ઘી, મધ, દહીં, માખણ ને એ બધું બંધ કર ને આ દાળ-ભાત-રોટલી-શાક ખા.' પછી આગળ આ કશું રહેતું નથી.

આ પ્રમાણે ખોરાકના ભાગ છે. એમાં જેને જે ભાંગો પસંદ પડે તે લે. આ બધા રસ્તા બતાવેલા છે. આ રીતે ખોરાકનું વર્ણન છે. અને આ વર્ણન જાણવા માટે છે, કરવા માટે નથી. આ ભાંગા શેને માટે ભગવાને પાડ્યા છે ? કે આવરણ તૂટે એટલા માટે. આ રસ્તે ચાલે તો મહીં આવરણ તૂટતા જાય.

વિજ્ઞાન રાત્રિભોજન તણું !

પ્રશ્નકર્તા : રાત્રિભોજન અંગે કંઈક માર્ગદર્શન આપો. જૈનોમાં એ નિષેધ છે.

દાદાશ્રી : રાત્રિભોજન જો ન કરાય તો એ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે. એ સારી દ્રષ્ટિ છે. ધર્મને ને એને લેવા-દેવા નથી. છતાં આ તો ધર્મમાં ઘાલેલું, એનું કારણ શું ? કે જેમ શરીરની શુધ્ધિ હોય એટલું ધર્મમાં આગળ વધે. એ હિસાબે ધર્મમાં ઘાલેલું. બાકી, ધર્મમાં કંઈ એની જરૂર નથી. પણ શરીરની શુધ્ધિ માટે સારામાં સારી વસ્તુ એ છે.

પ્રશ્નકર્તા : તો આ વીતરાગોએ લોકોને જે કહ્યું કે રાત્રિભોજન ન લેવું. એ પાપ-પુણ્ય માટે હતું કે શારીરિક તંદુરસ્તી માટે હતું ?

દાદાશ્રી : શારીરિક તંદુરસ્તી અને હિંસા માટે ય કહેલું.

પ્રશ્નકર્તા : પણ રાત્રિભોજન શા માટે ન લેવું જોઈએ ?

દાદાશ્રી : સૂર્યની હાજરીમાં સાંજનો ખોરાક લેવો જોઈએ. એવું જૈનમતે કહ્યું અને વેદાંતે ય એવું કહ્યું. સૂર્ય જ્યાં સુધી હોય ત્યાં સુધી અંદર પાંખડી ખુલ્લી રહે છે, માટે તે વખતે જમી લેવું, એવું વેદાંતે કહ્યું. એટલે રાત્રે તું ખોરાક લઈશ તો શું નુકસાન થશે ? કે પેલું કમળ તો બીડાયું, એટલે પાચન તો જલદી ના જ થાય. પણ બીજું શું નુકસાન થશે ? એ આમણે, તીર્થંકરોએ કહ્યું કે રાત્રે સૂર્યનારાયણ આથમે એટલે જીવજંતુઓ જે ફરે છે એ બધા જીવો પોતાના ઘર ભણી પાછાં વળે. કાગડા, કૂતરા, કબૂતર પછી આકાશના જીવો બધા ઘર ભણી વળે, પોતાના માળા ભણી વહન કરે. અંધારું થતાં પહેલાં ઘરમાં પેસી જાય. ઘણી વખત આકાશમાં વાદળ જબરજસ્ત હોય અને સૂર્યનારાયણ આથમ્યો કે ના આથમ્યો એ ખબર ના પડે. પણ જીવો પાછાં ફરે તે વખતે સમજી લેવું કે આ સૂર્યનારાયણ આથમ્યો. પેલા જીવો એમની આંતરિક શક્તિથી જોઈ શકે છે. હવે તે વખતે નાનામાં નાના જીવો પણ ઘરમાં પેસે છે અને બહુ સૂક્ષ્મ જીવો, જે આંખે ના દેખાય, દૂરબિનથી ના દેખાય, એવા જીવો પણ ઘરમાં મહીં પેસી જાય. અને પેસીને જ્યાં આગળ ખોરાક હોય તેની પર બેસી જાય. આપણને ખબરે ય ના પડે કે મહીં બેઠાં છે. કારણ કે એનો રંગ એવો હોય છે કે ભાત ઉપર બેસે તો ભાતના

જેવો જ રંગ હોય અને ભાખરી પર બેસે તો એ ભાખરીના રંગના દેખાય, રોટલા પર બેસે તો રોટલાના રંગના દેખાય. એટલે રાત્રે આ ખોરાક નહીં ખાવો જોઈએ.

રાત્રિભોજન ન કરવું જોઈએ, છતાં પણ લોકો કરે છે. એ કેટલાક લોકોને ખબર નથી કે રાત્રિભોજનથી શું નુકસાન છે અને ખબરવાળા હોય તે બીજા સંજોગોમાં ગૂંચાયેલા હોય. બાકી રાત્રિભોજન ના કરે તો બહુ ઉત્તમ છે. કારણ કે એ મહાવ્રત છે. એ પાંચ ભેગું છઠ્ઠું મહાવ્રત જેવું છે.

પ્રશ્નકર્તા : સંજોગવશાત રાત્રિભોજન કરવું પડે તો એમાં કર્મનું બંધન ખરું ?

દાદાશ્રી : ના. કર્મનું બંધન કશું ય નહીં. તે શેનાં આધારે તોડવું પડે છે ? અને જે રાત્રિભોજન ત્યાગ કર્યું, તે કોઈકે શીખવાડ્યું હશે ને ?

પ્રશ્નકર્તા : જૈન તરીકેના સંસ્કાર હોય ને !

દાદાશ્રી : હા. તો ભગવાન મહાવીરનું નામ દઈને પ્રતિક્રમણ કરવું. એ ભગવાનની આજ્ઞા છે એટલે આજ્ઞા પાળવી. અને જે દહાડે ના પળાય તો એમની માફી માગી લેવી. એટલે જો અહિંસા પાળવી હોય તો બનતાં સુધી દિવસે જમો તો ઉત્તમ. તમારું શરીર પણ બહુ સુંદર રહેશે. એવું વહેલું કાયમને માટે જમો છો ?

પ્રશ્નકર્તા : હમણાં હમણાં ચાલુ કર્યું છે.

દાદાશ્રી : કોણે કરાવડાવ્યું ?

પ્રશ્નકર્તા : પોતાની ઈચ્છાથી.

દાદાશ્રી : પણ હવે આ અહિંસાના હેતુપૂર્વક કરું છું એવું માનજો. 'દાદા'એ મને સમજણ પાડી છે અને મને એ ગમી એટલે અહિંસા માટે જ હું આ કરું છું એવું કરજો. કારણ કે એમ ને એમ હેતુ ના હોય તો ત્યાં સુધી બધું નકામું જાય. તમે કહો કે મારે ફોરેન જવા સારુ જ આ પૈસા ભરું છું. તો ફોરેન જવાની ટિકિટ તમને ભેગી થાય. પણ તમે કશું ના કહ્યું હોય તો શેની ટિકિટ આપે ? તમને સમજ પડી ને ?

કંદમૂળ, સૂક્ષ્મ જીવોનો ભંડાર !

પ્રશ્નકર્તા : કંદમૂળ ખાય એમાં કંઈ નિષેધ ખરો ?

દાદાશ્રી : બહુ મોટો નિષેધ. રાત્રિભોજન જેટલો નિષેધ નહીં. રાત્રિભોજન સેકન્ડ નંબરે આવે.

પ્રશ્નકર્તા : કાંદા-બટાકામાં અનંત જીવ છે.

દાદાશ્રી : હા, અનંતકાય જીવો છે, તે ?

પ્રશ્નકર્તા : તો એ ખાવાનો આપ બોધ આપો છો ?

દાદાશ્રી : ભગવાને ના પાડી છે. ભગવાને ના પાડી છે એ તમારી બિલીફમાં રહેવું જ જોઈએ. અને તેમ છતાં ખવાય એ તમારા કર્મના ઉદય છે. છતાં તમારી શ્રધ્ધા બગડવી નહીં જોઈએ. ભગવાને જે કહ્યું છે, એ બધી શ્રધ્ધા નહીં બગડવી જોઈએ.

પ્રશ્નકર્તા : કંદમૂળ ન ખાવાનું કેમ કહ્યું ?

દાદાશ્રી : કંદમૂળ તો મગજને જાગૃત ના થવા દે એવું છે.

પ્રશ્નકર્તા : એકેન્દ્રિયની જીવની હાનિ થાય એટલા માટે નહીં ?

દાદાશ્રી : આ તો લોકો એવું જાણે કે બટાકાના જીવડાના રક્ષણ કરવા સારું નહીં ખાવાના. હવે બટાકા ભાવતા હોય ત્યારે બહુ આઘુંપાછું ના કરશો. કારણ કે બીજું કશું આ કાળમાં ખાવાનું લોકોને ભાવતું નથી હોતું. અને એ છોડી દીધું તો શું કરશે ?

પ્રશ્નકર્તા : પણ એવું કહે છે કે બટાકા ખાય તો પાપ લાગે.

દાદાશ્રી : એવું છે, કોઈ જીવને દુઃખ દેશો તો પાપ લાગશે. ધણીને, વાઈફને, છોકરાને, પાડોશીને દુઃખ દેશો તો પાપ લાગશે. બાકી, બટાકા ખાવામાં તમને નુકસાન શું થશે ? કે મગજની સ્થૂળતા આવશે, જાડી બુધ્ધિ થઈ જશે. કંદમૂળમાં સૂક્ષ્મ જીવો બહુ છે, નર્યું જીવનો જ ભંડાર છે. તેથી કંદમૂળથી જડતા આવે ને કષાય ઉત્પન્ન થાય. આપણને જાગૃતિની જરૂર છે. એટલે જો કંદમૂળ ઓછાં ખવાય તો સારું, પણ તે ય ભગવાનની આજ્ઞામાં અવાય ત્યાર પછી જાગૃતિની જરૂર છે. અને કંદમૂળ ખાશો તો આ જાગૃતિ મંદ થઈ જાય છે ને જાગૃતિ મંદ થઈ તો મોક્ષે શી રીતે જઈશ ?

એટલે ભગવાને આ બધી સાચી વાત કહી છે. આ બધી તમારાથી પળાય તો પાળો ને ના પળાય તો કશો વાંધો નથી. જેટલી પળાય એટલી પાળો. જો પળાય તો સારી વાત છે.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19