ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19 

જ્ઞાની, હિંસાના સાગરમાં સંપૂર્ણ અહિંસક !

અરે, અમને જ લોક પૂછે છે કે આપ જ્ઞાની થઈ અને મોટરોમાં ફરો છો, તો મોટર નીચે કેટલી જીવહિંસા થતી હશે, એની જવાબદારી કોની ? હવે જ્ઞાની પુરુષ જો સંપૂર્ણ અહિંસક ના હોય તો જ્ઞાની કહેવાય જ કેમ કરીને ? સંપૂર્ણ અહિંસક એટલે હિંસાના સાગરમાં ય સંપૂર્ણ અહિંસક ! એનું નામ જ્ઞાની !! એમને કિંચિત્માત્ર હિંસા ન બેસે.

પછી અમને એ લોકો કહે છે કે, 'આપનું પુસ્તક અમે વાંચ્યું, બહુ આનંદ આપનારું છે અને અવિરોધાભાસ લાગે છે. પણ આપનું વર્તન વિરોધાભાસ લાગે છે.' મેં કહ્યું, 'કયું વર્તન વિરોધાભાસ લાગે છે ?' ત્યારે કહે છે, 'આપ ગાડીમાં ફરો છો તે.' મેં કહ્યું, 'તમને સમજાવું, ભગવાને શાસ્ત્રમાં શું કહ્યું છે તે પહેલું સમજાવું. પછી આપ જ ન્યાય કરજો.' ત્યારે કહે છે, 'શું કહ્યું છે શાસ્ત્રમાં ?' મેં કહ્યું, 'આત્મસ્વરૂપ એવા જ્ઞાની પુરુષને જવાબદારી કેટલી છે !? જ્ઞાની પુરુષને દેહનું માલિકીપણું ના હોય. દેહનું માલિકીપણું એમણે ફાડી નાખેલું છે. એટલે કે આ પુદ્ગલનું માલિકીપણું એમણે ફાડી નાખેલું છે. એટલે પોતે આના માલિક નથી. અને માલિકીપણું નહીં હોવાથી એમને દોષ બેસતો નથી. બીજું, જ્ઞાની પુરુષને ત્યાગ સંભવે નહીં.' ત્યારે કહે છે, 'એ માલિકીપણાનું મને સમજાયું નહીં.' ત્યારે મેં કહ્યું, 'આપને એમ શાથી લાગે છે કે મારાથી હિંસા થઈ જશે ?' ત્યારે કહે, 'મારા પગ નીચે જીવ આવી જાય તો મારાથી હિંસા થઈ કહેવાયને ?' એટલે મેં કહ્યું, 'આ પગ તમારો છે માટે હિંસા થાય છે. જ્યારે આ પગ મારો નથી. આ દેહને આજે તમારે જે કરવું હોય એ કરી શકો છો. આ દેહનો હું માલિક નથી.' પછી કહે છે, 'આ માલિકીપણ

ું ના માલિકીપ

ણું કોને કહેવું એ અમને દેખાડો.' ત્યારે મેં કહ્યું, 'હું આપને દાખલો આપીને સમજાવું.'

''એક ગામમાં એક એરિયા એવો સરસ છે, આજુબાજુ દુકાનો ને વચ્ચે પાંચેક હજાર ફૂટનો આમ કિંમતી એરિયા. તેને માટે કો'કે અરજી કરી સરકારને કે આ જગ્યામાં એક્સાઈઝનો માલ દબાયેલો છે. એટલે પોલીસવાળું ખાતું ત્યાં ગયું, ચોમાસું ગયેલું, એટલે તે જગ્યા ઉપર આમ સરસ લીલી ઝાડી ને છોડવા બધું ઉગેલું. તે જગ્યા પહેલાં ખોદી નાખી. પછી બે-ત્રણ ફૂટ ઊંડુ ખોદ્યું, ત્યારે પછી મહીંથી પેલો એક્સાઈઝનો માલ બધો નીકળ્યો. એટલે ફોજદારે આજુબાજુવાળાને પૂછાવડાવ્યું કે, 'આનો ઓનર કોણ છે ?' એટલે લોકોએ કહ્યું કે, 'આ તો લક્ષ્મીચંદ શેઠનું છે. પછી ફોજદારે પૂછયું કે, 'એ ક્યાં રહે છે ?' ત્યારે ખબર પડી કે અમુક જગ્યાએ રહે છે. એટલે પોલીસવાળાને મોકલ્યા કે લક્ષ્મીચંદશેઠને પકડી લાવો. પોલીસો લક્ષ્મીચંદશેઠ પાસે ગયા. ત્યારે લક્ષ્મીચંદશેઠે કહ્યું કે, ભાઈ, આ જગ્યા મારી છે એવું તમે કહો છો એ બરોબર છે. પણ મેં તો પંદર દહાડા પહેલાં વેચી દીધેલી છે. આજે હું આ જમીનનો માલિક નથી. ત્યારે પેલાએ પૂછયું કે, કોને વેચી છે એ કહો. તમે એનો પુરાવો દેખાડો. પછી શેઠે પુરાવાની નકલ દેખાડી. એ નકલ જોઈને એ લોકો જેણે આ જગ્યા વેચાતી લીધી હતી, તેમની પાસે ગયા. તેને કહે છે કે, ભાઈ, આ જગ્યા તમે વેચાતી લીધી છે ?

ત્યા

રે પેલો કહે છે, હા, મેં લીધી છે. પોલીસવાળાએ કહ્યું કે, તમારી જમીનમાંથી આવું નીકળ્યું છે. ત્યારે પેલો કહે છે, પણ મેં તો આ જમીન પંદર દહાડા પર જ લીધી છે અને આ માલ તો ચોમાસા પહેલાં દબાયેલો લાગે છે, એમાં મારો શો ગુનો ? ત્યારે પોલીસવાળો કહે છે, એ અમારે જોવાનું નથી. 'હુ ઈઝ ધી ઓનર નાઉ ? આજ કોણ માલિક છે ?' આજે માલિકીપણું નથી તો જોખમદાર નથી. માલિક છો તો જોખમ છે.''

એટલે એ લોકો ય સમજી ગયા. જો પંદર દહાડા પર જ લીધું તો ય જોખમદાર થયો ને ? બાકી, આમ બુધ્ધિથી જોવા જતાં એ ચોમાસા પહેલાં દબાયેલું છે.

હવે આટલી બધી ઝીણવટથી સમજે તો ઉકેલ આવે. નહીં તો ઉકેલ જ આવે કેમ કરીને ? આ તો પઝલ છે. ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ. આ પઝલ સોલ્વ કેમ કરી શકાય ? ધેર આર ટુ વ્યુ પોઈન્ટસ ટુ સોલ્વ ધીસ પઝલ. વન રિલેટિવ વ્યુ પોઈન્ટ, વન રિયલ વ્યુ પોઈન્ટ. આ જગતમાં જો પઝલ સોલ્વ નહીં કરે તો એ પઝલમાં જ ડિઝોલ્વ થયેલો છે. આખું જગત, બધા જ આ પઝલમાં ડિઝોલ્વ થઈ ગયેલા છે.

પ્રશ્નકર્તા : આવાં અર્થ કરીને પછી બધાં લોકો મઝા જ કરે ને, કે હું માલિક નથી એમ ? ને પછી બધાં આવી રીતે કહીને દુરુપયોગ કરે ને ?

દાદાશ્રી : માલિક નથી એવું કોઈ બોલે - કરે નહીં. નહીં તો હમણે ધોલ મારીએ ને, તો ય માલિક થઈ જાય ! ગાળ ભાંડીએ તો ય માલિક થઈ જાય, તરત જ સામો થઈ જાય. એટલે આપણે જાણવું કે માલિક છે આ. માલિક છે કે માલિક નથી એનો પુરાવો તરત જ મળે ને ?! એનું ટાઈટલ દેખાઈ જ જાય કે આ માલિક છે કે નથી ? ગાળ ભાંડીએ કે તરત જ ટાઈટલ દેખાડે કે ના દેખાડે ? એટલે વાર જ ના લાગે. બાકી, આમ મોઢે બોલે તે કંઈ દહાડો વળે કે ?

પ્રશ્નકર્તા : પણ આ ગાડીઓમાં ફરે એમાં પાપ નથી ?

દાદાશ્રી : આ પાપ તો, નર્યું આ જગત જ પાપમય છે. જ્યારે આ દેહનો માલિક નહીં હોય તો જ નિષ્પાપી થાય. નહીં તો આ દેહનો માલિક છે ત્યાં સુધી બધા પાપ જ છે.

આપણે શ્વાસ લઈએ તો કેટલાંય ય જીવ મરી જાય ને શ્વાસ છોડતાં ય કેટલાંય જીવ મરી જાય છે. અમથા અમથા આપણે હેંડીએ ને, તો ય કેટલાંય જીવને આપણો ધક્કો વાગ્યા કરે છે ને જીવો મર્યા કરે છે. આપણે આમ હાથ કર્યો તો ય જીવો મરી જાય છે. આમ, એ જીવો દેખાતા નથી તો ય જીવો મર્યા કરે છે.

એટલે એ બધું પાપ જ છે. પણ આ દેહ તે હું નથી એવું જ્યારે ભાન થશે, દેહનું માલિકીપણું નહીં હોય, ત્યારે પોતે નિષ્પાપ થશે. હું આ દેહનો છવ્વીસ વર્ષથી માલિક નથી. આ મનનો માલિક નથી, વાણીનો માલિક નથી. માલિકીભાવના દસ્તાવેજ જ ફાડી નાખેલા છે, એટલે એની જવાબદારી જ નહીં ને ! એટલે જ્યાં માલિકીભાવ ત્યાં ગુનો લાગુ થાય. માલિકીભાવ નથી ત્યાં ગુનો નથી. એટલે અમે તો સંપૂર્ણ અહિંસક કહેવાઈએ. કારણ કે આત્મામાં જ રહીએ છીએ. હોમ ડિપાર્ટમેન્ટમાં જ રહીએ છીએ અને ફોરેનમાં હાથ ઘાલતા જ નથી. એટલે આ બધા હિંસાના સાગરમાં સંપૂર્ણ અહિંસક છીએ.

પ્રશ્નકર્તા : આ 'જ્ઞાન' લીધા પછી અહિંસક થઈ જાય છે ?

દાદાશ્રી : આ જ્ઞાન તો મેં તમને આપ્યું છે કે આ તમને પુરુષ બનાવ્યા છે. હવે અમારી આજ્ઞા પાળવાથી હિંસા તમને અડે નહીં. તમે પુરુષાર્થ કરો તો તમારો. પુરુષાર્થ કરો તો પુરુષોત્તમ થશો, નહીં તો પુરુષ તો છો જ. એટલે અમારી આજ્ઞા પાળવી એ પુરુષાર્થ છે. અહિંસકને હિંસા કેમ અડે ?

પ્રશ્નકર્તા : નવ કલમો જે અનુભવમાં લાવે, એને હિંસા નડે જ નહીં.

દાદાશ્રી : હા, એને ય હિંસા નડે. પણ નવ કલમો બોલે તેનાથી તો અત્યાર સુધી હિંસા થયેલી હોય એ ધોવાઈ જાય. પણ આ જે પાંચ આજ્ઞા પાળેને, એને તો હિંસા અડે જ નહીં. હિંસાના સાગરમાં ફરે, નર્યો સાગર જ આખો હિંસાનો છે. આ હાથ ઊંચો કરે તો કેટલાંય જીવ મરી જાય. નર્યું જીવથી જ ભરેલું જગત છે. પણ અમારી પાંચ આજ્ઞા પાળે તે ઘડીએ આ દેહમાં પોતે ના હોય. અને દેહ છે તે સ્થૂળ હોવાથી બીજા જીવોને દુઃખદાયી થઈ પડે છે. આત્મા સૂક્ષ્મ હોવાથી કોઈને ય નુકસાન કરતું નથી. માટે અમે અમારા પુસ્તકમાં ચોખ્ખું લખ્યું છે કે અમે હિંસાના સાગરમાં સંપૂર્ણ અહિંસક છીએ. સાગર છે હિંસાનો, તેમાં અમે સંપૂર્ણ અહિંસક છીએ. અમારું મન તો હિંસક છે જ નહીં, પણ વાણી જરા હિંસક છે થોડી જગ્યાએ, તે ટેપરેકર્ડ છે. અમારે એનું માલિકીપણું નથી. છતાં ય ટેપરેકર્ડ અમારી, એટલા પૂરતો ગુનો અમને. એનાં પ્રતિક્રમણ અમારે હોય. ભૂલ તો પહેલાં અમારી જ હતી ને ! હું ઈઝ ધી ઓનર ?! ત્યારે આપણે કહીએ કે 'વી આર નોટ ધી ઓનર.' ત્યારે કહે કે પહેલાના ઓનર એ. તમે વચ્ચે વેચેલી નહતી, વચ્ચે વેચાયેલી હોય તે જુદી વસ્તુ.

પ્રશ્નકર્તા : દાદા, તમારી અહિંસક વાણીથી અમે બધાં મહાત્માઓ અહિંસક બની રહ્યાં છીએ.

દાદાશ્રી : અમારી આજ્ઞા પાળો તો તમે અહિંસક છો, એવું આટલું બધું સુંદર કહું છું પછી ! અને તે અઘરી હોય તો મને કહી દો, બદલી આપીએ.

સંપૂર્ણ અહિંસા ત્યાં પ્રગટે કેવળજ્ઞાન !

એટલે ધર્મ કયો ઊંચો કે જ્યાં આગળ સૂક્ષ્મ ભેદે અહિંસા સમજમાં આવેલી હોય. સંપૂર્ણ અહિંસા એ કેવળજ્ઞાન ! એટલે હિંસા બંધ થાય તો સમજવું કે અહીં સાચો ધર્મ છે.

હિંસા વગરનું જગત છે જ નહીં, જગત જ આખું હિંસામય છે. જ્યારે તમે પોતે જ અહિંસાવાળા થશો તો જગત અહિંસાવાળું થાય અને અહિંસાના સામ્રાજ્ય વગર કોઈ દહાડો ય કેવળજ્ઞાન નહીં થાય, જે જાગૃતિ છે એ પૂરી આવશે નહીં. હિંસા નામ ના હોવી જોઈએ. હિંસા કોની કરે છે ? આ બધું પરમાત્મા જ છે, બધાં જીવમાત્ર પરમાત્મા જ છે. કોની હિંસા કરશો ? કોને દુઃખ દેશો ?!

ચરમ અહિંસાનું વિજ્ઞાન !

જ્યાં સુધી તમને એમ લાગે છે કે 'હું ફૂલ તોડુ છું, મને હિંસા લાગે છે.' ત્યાં સુધી હિંસા તમને લાગશે અને એવું નથી જાણતા, તેને ય હિંસા લાગે છે. પણ જાણી અને જે તોડે છે છતાં પોતે સ્વભાવમાં આવી ગયેલા છે, તેને હિંસા લાગે નહીં.

કારણ કે એવું છે ને, ભરત રાજાને તેરસો રાણીઓ સાથે, લડાઈ લડતાં પણ જ્ઞાન રહ્યું હતું. ત્યારે એ અધ્યાત્મ કેવું ? અને આ લોકોને એક રાણી હોય તો ય નથી રહેતું. ભરત રાજાએ ઋષભદેવ ભગવાનને કહ્યું કે, 'ભગવાન, આ લડાઈઓ લડુ છું અને કેટલાંય જીવોની હિંસા થાય છે અને આ તો મનુષ્યોની હિંસાઓ થાય છે, બીજાં નાનાં જીવોની હિંસા થઈ હોય તો ઠીક છે પણ આ તો મનુષ્ય હિંસા ! અને તે લડાઈઓ લડીએ છીએ માટે થાય છે ને !' એટલે ભગવાને કહ્યું કે, 'આ બધો તારો હિસાબ છે અને તે ચૂકવવાનો છે.' ત્યારે ભરત રાજા કહે છે કે, 'પણ મારેય મોક્ષે જવું છે, મારે કંઈ આવું બેસી રહેવું નથી.' ત્યારે ભગવાન કહે છે કે, 'અમે તને અક્રમ વિજ્ઞાન આપીએ છીએ, એ તને મોક્ષે લઈ જશે. એટલે સ્ત્રીઓ સાથે રહેવા છતાં લડાઈઓ લડવા છતાં કશું અડે નહીં. નિર્લેપ રહી શકે, અસંગ રહી શકે એવું જ્ઞાન આપીએ છીએ.'

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19