ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19 


ચીઢ, માંસાહારી પર !

દાદાશ્રી : તમે વેજીટેરિયન પસંદ કરો કે નોનવેજીટેરિયન ?

પ્રશ્નકર્તા : મેં હજુ નોનવેજીટેરિયનનો ટેસ્ટ કર્યો નથી.

દાદાશ્રી : પણ એ સારી વસ્તુ છે, એવું બોલેલા નહીં ?

પ્રશ્નકર્તા : ના. હું વેજીટેરિયન ખાઉં છું. પણ એનો અર્થ એવો નથી કે નોનવેજીટેરિયન ખરાબ છે.

દાદાશ્રી : બરોબર છે. ખરાબ હું એને કહેતો નથી.

હું પ્લેનમાં આવતો હતો. મારી સીટ ઉપર હું એકલો જ હતો, મારી જોડે બીજું કોઈ હતું જ નહીં. એક મોટો મુસલમાન શેઠ હશે, તે એની સીટ ઉપરથી ઊઠીને મારી બાજુમાં બેઠો, હું કંઈ બોલ્યો નહીં. પછી મને ધીમે રહીને કહે છે, 'હું મુસલમાન છું અને અમે નોનવેજીટેરિયન ફૂડ ખાઈએ છીએ. તો તમને એના પર કંઈ દુઃખ ન થાય ?' મેં કહ્યું, 'ના, ના. હું તમારી જોડે જમવા બેસી શકું છું. ફક્ત હું લઉં નહીં. તમે જે કરી રહ્યા છો તે વ્યાજબી જ કરી રહ્યા છો. અમારે એમાં લેવાદેવા નથી.' ત્યારે શેઠ કહે, 'તો ય અમારા ઉપર તમને અભાવ તો રહે જ ને ?' મેં કહ્યું, 'ના, ના. એ તમારી માન્યતા છોડી દો. કારણ કે તમને આ ગળથૂંથીમાં મળેલો છે. તમારા મધરે નોનવેજીટેબલ ખાધેલું છે અને બ્લડ જ તમારું આ નોનવેજીટેબલનું છે. હવે ફક્ત વાંધો કોને ? કે જેના બ્લડમાં નોનવેજીટેબલ ન હોય, જેની માતાના ધાવણમાં નોનવેજીટેબલ ન હોય, તેને લેવાની છૂટ નહીં. અને તમે લો છો તે ફાયદાકારક-નુકસાનકારક ગણ્યા વગર લેતા હો છો. ફાયદાકારક-નુકસાનકારક જાણીને લેતાં નથી.'

એટલે માસાંહાર જે ખાતા હોય, તેની પર ચિઢ રાખવા જેવું નથી. આ તો આપણી ખાલી કલ્પના જ છે. બાકી, જે લોકોને પોતાનો ખોરાક છે, એનો અમને વાંધો નથી.

જાતે કાપીને, ખાશો !?

પ્રશ્નકર્તા : પણ આજ તો સોસાયટીમાં પેસી ગયા એટલે માંસાહાર ખાતા હોય છે.

દાદાશ્રી : એ બધો શોખ કહેવાય. આપણા મધરના દૂધમાં આવેલું હોય તો તમારે કાયમને માટે ખાવાનો વાંધો નથી.

પ્રશ્નકર્તા : મધર માસાંહાર ના ખાતા હોય તો શું કરવું ?

દાદાશ્રી : તો તો પછી તમારાથી શી રીતે ખવાય ? તમારા બ્લડમાં ના આવ્યું હોય એ તમને પાચન કેવી રીતે થશે ? એ તમને આજે પાચન થયેલું લાગે છે, પણ એ તો છેવટે એન્ડમાં નુકસાન આવીને ઊભું રહે છે. આજે તમને એ ખબર નહીં પડે. એટલે ન ખાય તો ઉત્તમ છે. છૂટે નહીં તો 'ખોટું છે, છોડાય તો ઉત્તમ છે' એવી ભાવના રાખવી !

બાકી, આપણી આ ગાયો કોઈ દહાડો માંસાહાર કરતી નથી, આ ઘોડા ને ભેંસો ય કરતી નથી અને તે શોખે ય ના કરે. બહુ ભૂખી હોય, તે માંસાહાર મૂકીએ તો ય એ ના કરે. એટલું તો જાનવરોમાં હોય છે ! જ્યારે અત્યારે તો આ હિંદુઓનાં છોકરા અને જૈનોનાં છોકરા, જેમનાં માબાપ માંસાહાર નથી કરતાં, તે ય માંસાહાર કરવાનું શીખી ગયા છે. ત્યારે મેં તેમને કહ્યું કે 'તમારે માંસાહાર કરવો હોય તો મને વાંધો નથી, પણ જાતે કાપીને ખાવ. મરઘી હોય, તે તમે જાતે કાપીને ખાવ.' અલ્યા, લોહી જોવાની તો શક્તિ નથી ને માંસાહાર કરે છે ? લોહી જુએ તો આમ આમ ગભરાઈ જાય ! એટલે ભાન નથી કે આ શું ખાઉં છું તે અને લોહી જોઈશ તો તે ઘડીએ તને અરેરાટી છૂટશે. આ તો લોહી જુએને, તેમનું કામ છે. જે લોહીમાં રમેલા હોય એ ક્ષત્રિયોનું આ કામ છે. લોહી જુએ તો ગભરાઈ જાય કે નહીં ?!

પ્રશ્નકર્તા : અકળામણ થઈ જાય.

દાદાશ્રી : તો પછી એનાથી માંસાહાર ખવાય જ કેમ કરીને ?! કોઈક કાપે અને તમે ખાવ એ મિનિંગલેસ છે. તમે એ મરઘુ કપાતું હોય, તે ઘડીએ એની જે આર્તતા સાંભળોને, તો આખી જિંદગી સુધી વૈરાગ ના જાય, એટલી આર્તતા થાય. મેં જાતે સાંભળેલું. ત્યારે મને થયું કે ઓહોહો, કેટલું દુઃખ થતું હશે ?!

મહિમા સાત્વિક આહારનો !

પ્રશ્નકર્તા : ભગવાનની ભક્તિમાં શાકાહારી લોકોને અને માંસાહારી લોકોને કંઈ રૂકાવટ આવી શકે ? એમાં આપનું શું મંતવ્ય છે ?

દાદાશ્રી : એવું છે ને, માંસાહારી કેવો હોવો જોઈએ ? એની મધરના દૂધમાં માંસાહારનું દૂધ હોવું જોઈએ. એવા માંસાહારીને ભગવાનની ભક્તિ માટે વાંધો નથી. એની મધરનું દૂધ માંસાહારી ના હોય ને પછી માંસાહારી થયેલો તેનો વાંધો છે. બાકી, ભક્તિ માટે શાકાહારી અને માંસાહારીમાં વાંધો બિલકુલે ય નથી.

પ્રશ્નકર્તા : તો શુધ્ધ અને સાત્વિક આહાર વિના ભક્તિ થઈ શકે કે ના થાય ?

દાદાશ્રી : ના થઈ શકે. પણ આ કાળમાં તો હવે શું થાય ? શુધ્ધ સાત્વિક આહાર એ આપણને પ્રાપ્ત થવો કે એ હોવો બહુ મુશ્કેલ વસ્તુ છે ને માણસ આવાં કાળમાં લપટાઈ ના જાય, કળિયુગ અડે નહીં એવા માણસો બહુ થોડા હોય છે. ને ના હોય તો ભાઈબંધી પેસી જાય કે કોઈ એવો ભેગો થાયને, તે એને અવળે રસ્તે ચઢાવી દે. કુસંગ પેસી જાય.

પ્રશ્નકર્તા : અજાણપણે અઘટિત ખોરાક લીધો હોય તો પછી એની કંઈ અસર પડે ખરી ?

દાદાશ્રી : બધાંનું અજાણપણે જ થઈ રહ્યું છે. તો ય એની અસર થાય. જેમ અજાણપણે આપણો હાથ દેવતામાં પડે તો ? નાના છોકરાને ય ના બાળે ? નાના છોકરા હઉ બળી જાય. એવું આ બધું જગત અજાણપણે કે જાણપણે બધાને સરખું ફળ આપે છે. ફક્ત ભોગવવાની રીત જુદી છે. અજાણવાળાને અજાણ રીતે ભોગવાઈ જાય અને જાણવાળો જાણી જાણીને ભોગવે એટલો જ ફેર છે.

પ્રશ્નકર્તા : એટલે અન્નની અસર મન પર પડે છે, એ પણ નિશ્ચિત છે ?

દાદાશ્રી : બધું આ ખોરાકની જ અસર છે. આ ખોરાક ખાય છે, તે પેટની મહીં એની બ્રાન્ડી થઈ જાય છે અને બ્રાન્ડીથી આખો દહાડો બેભાનપણે તન્મયાકાર રહે છે. તે આ સાત્વિક ખોરાક છે ને, એની પણ પણ બ્રાન્ડી નહીં જેવી થાય છે. પેલી બોટલની બ્રાન્ડી પીવે છે ત્યારે ભાન જ ના આવે, એવું છે. એવું આ ખોરાક મહીં જાય છે, એની બધી બ્રાન્ડી જ થઈ જાય છે. આ લાડવા છે, શિયાળાના વસાણા કહે છે, એ બધું ન્હોય એ સાત્વિક ! સાત્વિક એટલે ખૂબ હલકો ફૂડ અને લડ્ડુ તો કેફ વધારનારો. પણ લોકો ય ફાવતું લઈ લે, સગવડિયું કરી નાખે છે.

પ્રશ્નકર્તા : આ માંસાહારની આધ્યાત્મિક વિચારોમાં કંઈ અસર થાય ખરી ?

દાદાશ્રી : ચોક્કસ. માંસાહાર એ સ્થૂળ ખોરાક છે, એટલે આધ્યાત્મની બુધ્ધિ ઉત્પન્ન ના થાય. આધ્યાત્મમાં જવું હોય તો લાઈટ ફૂડ જોઈશે કે જેનાથી મદ ચઢે નહીં ને જાગૃતિ વધે. બાકી, આ લોકોને જાગૃતિ છે જ ક્યાં ?!

પેલા ફોરેનના સાયન્ટિસ્ટો આપણી વાત ના સમજે. એ સાયન્ટિસ્ટો કહે, 'ઓહો ! આ તો બહુ વિચારવા જેવી વાત છે. પણ અમારા માન્યામાં નથી આવતી.' તે મેં કહ્યું, 'હજુ ઘણો ટાઈમ લાગશે. ઘણા કૂકડા ને મરઘા ખઈ ગયા છો એટલે વાર લાગશે. એ તો દાળભાત જોઈશે. પ્યૉર વેજીટેરિયનની જરૂર છે.' વેજીટેરિયન ફૂડ હોય છે એનું આવરણ પાતળું હોય છે એટલે એ જ્ઞાનને સમજી શકે, બધું આરપાર જોઈ શકે અને પેલું માંસાહારીને જાડું આવરણ હોય.

શું માંસાહારથી નર્કગતિ ?

પ્રશ્નકર્તા : કહેવાય છે કે માંસાહાર કરવાથી નર્કગતિ થાય.

દાદાશ્રી : એ વાત તદ્દન સાચી છે અને ખાવાની બધી બહુ ચીજો છે. શું કરવા બકરાને કાપો છો ? મરઘીને કાપીને ખાય છે તો એને ત્રાસ નહીં થતો હોય ? એનાં માબાપને ત્રાસ નહીં થતો હોય ? તમારા છોકરાને ખાઈ જાય તો શું થાય ? એ માંસાહાર એ વિચાર્યા વગરનું છે બધું. નરી પાશવતા છે બધી, અવિચારૂ દશા છે અને આપણે તો વિચારશીલ છીએ. એક જ દહાડો માંસાહાર ખાવાથી તો માણસનું મગજ ખલાસ થઈ જાય, પશુ જેવા થઈ જાય. એટલે મગજ જો સારું રાખવું હોય તો ઇંડાં ખાવા સુધીનું બંધ કરી દેવું જોઈએ. ઇંડાંથી નીચેની બધી પાશવતા જ છે.

આ માંસાહારમાં એ જીવને મારવાનો દોષ છે ને, તેનાં કરતાં તો મહીં આવરણનો દોષ વધારે બેસે છે. મારવાના દોષનો તો ગુનો ઠીક છે એ તો. એ ગુનો કેવી રીતે થાય છે ? મૂળ વેપાર કરે તેને વહેંચાઈ જાય છે. ખાનારને ભાગે તો અમુક જ દોષ જાય છે. પણ આ તો પોતાને મહીં આવરણ કરે ને, એટલે મારી વાત એને સમજવા માટે બહુ આવરણ કર્યા કરે. આ વ્યવહારની વાત કેટલાંક લોકો સ્પીડીલી સમજી જાય છે, એ ગ્રાસ્પિંગ પાવર કહેવાય.

હિસાબ પ્રમાણે ગતિ !

પ્રશ્નકર્તા : પણ એવું બને ખરું કે હિંસક માણસ અહિંસક યોનિમાં જાય અગર તો અહિંસક માણસ હિંસકની યોનિમાં જાય ?

દાદાશ્રી : હા, ખુશીથી જાય. અહીં અહિંસક હોય ને બીજા ભવમાં હિંસક થાય. કારણ કે એને ત્યાં એનાં માબાપ હિંસક મળ્યાં. એટલે પછી આજુબાજુ સંજોગ મળ્યાં એટલે એવો થઈ ગયો.

પ્રશ્નકર્તા : એનું કારણ શું ?

દાદાશ્રી : એવું છે, અહિંસક હોય ને, તે જાનવરમાં જાય તો ગાયમાં જાય, ભેંસમાં જાય. હિંસાવાળો અહીંથી વાઘમાં જાય, કૂતરામાં જાય, બિલાડીમાં જાય, જ્યાં હિંસક જાનવર હોય ત્યાં જાય. પણ મનુષ્યમાં અહિંસક હોય ને, તો ય હિંસકને ત્યાં અવતાર લે છે. પછી એના પાછાં હિંસકના સંસ્કાર પડે. એ ય ઋણાનુબંધ છે ને ?! હિસાબ છે ને ! રાગ-દ્વેષ થાય એ જ ઋણાનુબંધ. જેની જોડે રાગ થયા એટલે ચોંટ્યું. એની પર દ્વેષ કરે તો ય ચોંટે. દ્વેષ કરે કે 'આ નાલાયક છે, બદમાશ છે, આમ છે, તેમ છે', તો ત્યાં જ અવતાર થાય.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19