ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19 

મરણકાળે જ મરણ !

આ તો અમે ઝીણી વાત કહેવા માગીએ છીએ કે કોઈ જીવને એનો મરણકાળ ભેગો થયા સિવાય કોઈથી મારી શકાય નહીં. હમણાં સાત બકરા હોયને, તે પેલો બે વેચેને, તે જેનો મરણકાળ આવ્યો હોય તેને જ વેચે. અલ્યા, સાતમાંથી આ બે તને વહાલા નહોતા ? એ ય સારા જ છે બીચારા, તો તું એને કેમ આપી દઉં છું ? અને બકરુ યે પેલાની જોડે ખુશી થઈને જાય. કારણ કે મરણકાળ આવ્યો એટલે ! પછી ત્યાં એને કસાઈખાનામાં રંગે કરે ને, તો એ મ્હાલે હઉ. એ જાણે દિવાળી આવી. આવું જગત છે. પણ બધું આ સમજવા જેવું છે.

એટલે એના મરણકાળ વગર બહાર તો કોઈ મરતું નથી. પણ તું મારવાનો ભાવ કરે છે એટલે તને ભાવહિંસા લાગે છે અને એ તારા આત્માની હિંસા થઈ રહી છે. તું તારી જાતની હિંસા કરી રહ્યો છે. બહારનું તો એ મરવાનો હશે ત્યારે મરશે. એનો ટાઈમ આવશે, એનો સંયોગ બાઝશે અને એ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. કેટલા બધા એવિડન્સ ભેગા થાય અને એ તો આંખે દેખાય નહીં એવા એવિડન્સ ભેગા થાય ત્યારે એ જીવ મરે. એટલે એને મનમાં એમ લાગે કે 'મેં મારી નાખ્યો.' 'અલ્યા, તારી મારવાની ઇચ્છા તો નથી ને શી રીતે માર્યો તેં ?' ત્યારે કહેશે, 'પણ મારો પગ એની પર પડ્યો ને !' 'અલ્યા, પગ તારો ? તારા પગને પક્ષાઘાત નહીં થાય ?' ત્યારે કહે, 'પક્ષાઘાત તો પગને થાય.' તો એ પગ તારો ન્હોય. તારી વસ્તુને પક્ષાઘાત ના થાય. તું પગ ઉપર તારી માલિકી કરે છે પણ ખોટી માલિકી છે. કોઈ જ્ઞાની પુરુષને પૂછી તો આવ કે આ મારું છે કે પરભાર્યું છે ? એ પૂછને ! પૂછે તો જ્ઞાની પુરુષ ખબર પાડી આપે કે ભઈ, આ બધું ન્હોય તારું. આ પગે ય પરભાર્યો, આ બીજું બધું ય પરભાર્યું અને આ તારું. એમ જ્ઞાની પુરુષ બધી ચોખવટ કરી આપશે. જ્ઞાની પુરુષ પાસે 'સર્વે' કરાવી લે. આ તો લોકો પાસે 'સર્વે' કરાવે છે. પણ આ સરવૈયાં તો ગાંડા છે.

તો પરભારી વસ્તુને જ મારી કહે છે. એટલે સાચી 'સર્વે' થઈ જ નથી. જ્ઞાની પુરુષ 'સર્વે' કરીને જુદુ પાડી આપે ને લાઈન ઓફ ડીમાર્કેશન નાખી આપે કે આ આટલો ભાગ તમારો, આ આટલો ભાગ પરભાર્યો. જે કોઈ દહાડો ય આપણો ના થાય, એનું નામ પરભાર્યો કહેવાય. ગમે એટલી માથાકૂટ કરીએ તો ય પણ એ આપણો ના થાય.

હવે મરણકાળ કોઈના હાથની વાત નથી. પણ ભગવાને આ ખુલ્લું નથી કરેલું કે આની પાછળ કોઝિઝ છે. કેટલાંક જ્ઞાન ખુલ્લા કરી શકાતાં નથી. આ રીતે વાત ભગવાને જો વિગતવાર કરી હોત તો લોકોને બહુ સમજાત. છતાં તે વાત ભગવાને કરી છે, પણ લોકોને એ સમજમાં નથી. ભગવાને બધો જ ફોડ પાડ્યો છે. પણ તે બધું સૂત્રોમાં છે. તે લાખ સૂત્રો ઓગાળે ત્યારે આટલું ઓગળે. ભગવાન બોલ્યા તે સોનારૂપે નીકળ્યું અને ગૌતમસ્વામીએ બધા સુતર ઉપર ચઢાવ ચઢાવ કર્યું. હવે જ્યારે કોઈ ગૌતમસ્વામી જેવા હોય ત્યારે પાછાં એ સૂત્રોમાંથી સોનું કાઢે. પણ એ ગૌતમસ્વામી જેવા આવે ક્યારે અને સોનું નીકળે ક્યારે અને આપણો શુક્કરવાર વળે ક્યારે ?!!

'મારવા નથી'નો નિશ્ચય કરો !

હવે કેટલાંય લોકોએ નિશ્ચય કર્યો કે 'આપણે નામે ય હિંસા કરવી નથી. કોઈ જીવજંતુને મારવો નથી.' એવો નિશ્ચય કર્યો હોય તો પછી એનાથી જીવજંતુ કોઈ મરવા નવરું યે ના હોય. એના પગ નીચે આવે તો ય બચીને ચાલ્યું જાય. અને 'મારે જીવો મારવા જ છે' એવો જેણે નિશ્ચય કર્યો છે ત્યાં મરવા ય બધાં તૈયાર છે.

બાકી, ભગવાને કહ્યું છે કે આ જગતમાં કોઈ માણસ કોઈ પણ જીવને મારી શકે જ નહીં. ત્યારે કોઈ કહે, 'હે ભગવાન, આવું શું બોલો છો ? અમે મારતા બધાને જોઈએ છીએ ને !' ત્યારે ભગવાન કહે છે, 'ના, એણે મારવાના ભાવ કર્યા છે અને આ જીવનો મરણકાળ આવી રહ્યો છે. એટલે આનો મરણકાળ આવે ત્યારે પેલાનો સંયોગ ભેગો થાય, મારવાના ભાવવાળાને ભેગો થાય. બાકી મારી શકે તો નહીં જ. પણ મરણકાળ આવે તો મરે છે અને ત્યારે જ પેલો ભેગો થાય. આ વાત બહુ ઝીણી છે. વર્લ્ડ જો સમજ્યું હોયને આજ, તો અજાયબ થઈ જાત !

પ્રશ્નકર્તા : ટ્રેનમાં એક્સિડન્ટ થાય છે ને ટ્રેન નીચે માણસ મરી જાય છે. તો એમાં ટ્રેને ક્યાં નિશ્ચય કર્યો ?

દાદાશ્રી : ટ્રેનને નિશ્ચયની જરૂર જ નથી હોતી. આ જેમનો મરણકાળ ભેગો થાયને, ત્યારે એ કહેશે કે, 'આપણે ગમે તે રીતે મરીશું.' તો 'એ પડેલી યે નથી' એવા ભાવ હોય તો એને એવું મરણ આવે. એણે જેવા ભાવ કર્યા હોય તેવા ભાવે જ એનો હિસાબ થાય છે. પણ મરણકાળ આવ્યા સિવાય કોઈથી મરે નહીં.

એટલે આમાં 'સેન્ટન્સ' કયું સમજવાનું છે ? કે એ જીવનો મરણકાળ ના આવ્યો હોય ત્યાં સુધી કોઈ મારી શકે જ નહીં અને મરણકાળ કોઈના હાથમાં નથી.

નથી 'મરતો' કોઈ ભગવાનની ભાષામાં !

પ્રશ્નકર્તા : પણ આ જે હિંસા ના કરવી એ દૈવીગુણ છે કે નહીં ? એટલે કે હિંસા કરવી એ ગુનો ખરો કે નહીં ?

દાદાશ્રી : હું તમને ખાનગી વાત ઉઘાડી કરી દઉં ?! આ બધાની રૂબરૂમાં, કોઈ દુરૂપયોગ કરે એવો નથી એટલે કહું છું.

આ જગતમાં ભગવાનની દ્રષ્ટિએ કોઈ મરતો જ નથી. ભગવાનની ભાષામાં કોઈ મરતો નથી, લોકભાષામાં મરે છે. આ ભ્રાંતિની ભાષામાં મરે છે. આ ખુલ્લી વાત કહી. કોઈ દહાડો ય બોલતો નથી. આજે તમારી રૂબરૂ કહું છું.

ભગવાનના જ્ઞાનમાં જે વર્તતું હોય, તે મારા જ્ઞાનમાં વર્તે છે, તે એ છે કે આ જગતમાં કોઈ જીવતો જ નથી ને કોઈ મર્યો જ નથી. અત્યાર સુધી આ દુનિયા ચાલે છે ત્યારથી કોઈ મર્યો જ નથી. જે મરતું દેખાય છે તે ભ્રાંતિ છે અને જન્મતું દેખાય તે ય ભ્રાંતિ છે. આ ભગવાનની ભાષાની ખુલ્લી હકીકત કહી દીધી મેં. હવે તમારે જૂનાને વળગી રહેવું હોય તો વળગી રહેજો અને ન વળગવું હોય તો નવાને વળગજો. આ અમારી વાત સમજાઈ તમને ?

પ્રશ્નકર્તા : વાત સમજાઈ, પણ તમે બહુ મોઘમમાં કહી.

દાદાશ્રી : હા, એટલે ભગવાનની ભાષામાં કોઈ મરતો નથી. હજારો માણસ ત્યાં કપાયા હોય. તે મહાવીર ભગવાન જાણે, તો મહાવીર ભગવાનને કશી અસર થાય નહીં. કારણ કે એ જાણે છે કે કોઈ મરતું જ નથી. આ તો લોકોને માટે મરે છે, ખરેખર મરતું નથી. આ દેખાય છે એ બધી ભ્રાંતિ છે. મને કશું કોઈ દહાડો ય મરતું દેખાયું નથી ને ! તમને દેખાય છે, એટલી શંકાઓ તમને થયા કરે છે, કે 'શું થઈ જશે, શું થઈ જશે ?' ત્યારે હું કહું કે, 'ભઈ, કંઈ થશે નહીં. તું મારી આજ્ઞામાં રહેજે.'

એટલે આજે ઝીણી વાત મેં કરી નાખી કે ભગવાનની ભાષામાં કોઈ મરતો નથી. છતાં ભગવાનને લોકોએ કહ્યું કે, 'ભગવાન, આ જ્ઞાન ખુલ્લું જ કરી દો ને !' ત્યારે ભગવાન કહે છે, 'ના, ખુલ્લું કહેવાય એવું નથી. લોકો પછી એમ જ જાણશે કે કોઈ મરતું જ નથી. એટલે એ ગમે તેને ખાઈ જવાના એવાં ભાવ કરશે, ભાવ બગાડશે.' લોકોના ભાવ બગડે એટલા માટે ભગવાને આ જ્ઞાન ખુલ્લું કર્યું નથી. અજ્ઞાની લોકોને ભાવ બગાડતાં વાર ન લાગે ને ભાવ બગડે એટલે 'પોતે' તેવો થઈ જાય. કારણ કે જે છે તે પોતે જ છે, એનો કોઈ ઉપરી જ નથી.

એટલે જ્યાં સુધી ભ્રાંતિ છે ત્યાં સુધી આવું બોલાય જ નહીં કે ભગવાનની ભાષામાં કોઈ મરતું નથી. આ તો તમે પૂછયું બરોબર ત્યારે મારે ખુલ્લું કરવું પડ્યું. તેમાં આપણા 'મહાત્માઓ'માં કહેવામાં વાંધો નથી. આ 'મહાત્માઓ' દુરુપયોગ કરે એવા નથી. તમે 'ભગવાનની ભાષામાં કોઈ મરતો નથી' એવું ત્યાં આગળ બધાને કહી દેશો ?

પ્રશ્નકર્તા : મને કોઈનો ડર નથી. હું તો હિંમતથી કહું.

દાદાશ્રી : ના કહેશો. આ જ્ઞાન ખુલ્લું કરાય એવું નથી. આ ભગવાનની ભાષાનું જ્ઞાન તો જે 'શુધ્ધાત્મા' થયો છે તેને જ જાણવા જેવું છે. બીજાને જાણવા જેવું આ જ્ઞાન નથી. બીજા લોકોને માટે આ પોઈઝન છે.

ભારતમાં ભાવહિંસા ભારે !

પ્રશ્નકર્તા : અહિંસાનો વ્યાપક પ્રચાર કરવામાં વધુ સમય લાગશે ?

દાદાશ્રી : ઘણો સમય લાગે તો ય પ્રચાર પૂરેપૂરો ના થાય. કારણ કે સંસાર એટલે શું ? હિંસાત્મક જ વલણ બધું. એટલે એ તો મેળ ના ખાય. આ તો હિન્દુસ્તાનમાં થોડુ ઘણું અહિંસા પાળવા માટે તૈયાર થાય, બાકી અહિંસા તો સમજે જ નહીંને બધા લોકો !

પ્રશ્નકર્તા : પણ જીવોને બચાવવા એની પાછળ સૂક્ષ્મ અહિંસાનો ભાવ છે ?

દાદાશ્રી : એ બચાવવું એટલે સૂક્ષ્મ નહીં, સ્થૂળ અહિંસા છે. સૂક્ષ્મ તો સમજે નહીં. સૂક્ષ્મ અહિંસા શી રીતે સમજે તે ?! આ લોકોને સ્થૂળ જ હજી સમજણ પડતી નથીને, તો સૂક્ષ્મ ક્યારે સમજાય ?! અને આ સ્થૂળ અહિંસા તો એમના લોહીમાં પડેલી છેને, તેથી આ નાના પ્રકારના જીવોની અહિંસા સાચવે છે. બાકી, આ બધા લોકો પોતાના ઘરમાં આખો દહાડો હિંસા જ કર્યા કરે છે, બધાંય, અપવાદ સિવાય !

પ્રશ્નકર્તા : આ વેસ્ટર્ન કંટ્રિઝમાં પણ નિરંતર હિંસા જ કર્યા કરે છે. ખાવામાં-પીવામાં, દરેક કાર્યમાં. ઘરમાં પણ હિંસા. માખો મારવી, મચ્છર મારવા, બહાર લોનમાં પણ હિંસા, દવાઓ છાંટવી, જંતુઓ મારી નાખવા, બાગ-બગીચામાં પણ હિંસા, તો એ લોકો કઈ રીતે છૂટે ?

દાદાશ્રી : બળ્યું, એમની હિંસા કરતાં આ હિન્દુસ્તાનનાં લોકો વધારે હિંસા કરે છે. પેલી હિંસા કરતાં આ હિંસા બહુ ખરાબ. આખો દહાડો આત્માની જ હિંસા કરે છે. ભાવહિંસા કહેવાય છે એને.

પ્રશ્નકર્તા : આ લોકો તો પોતાના આત્માની જ હિંસા કરે છે, પણ પેલા લોકો તો બીજાના આત્માની હિંસા કરે છે.

દાદાશ્રી : ના. આ લોકો તો બધાના આત્માની હિંસા કરે છે. જે જે ભેગો થાય એ બધાની હિંસા કરે છે. ધંધો જ આમનો ઊંધો છે. તેથી તો પેલા લોકો સુખી છે ને ! બીજું, આવું જેને ને તેને દુઃખ દેવાના વિચાર જ નહીં અને 'આઈ વીલ હેલ્પ યુ, આઈ વીલ હેલ્પ યુ' કર્યા કરે અને આપણા અહીં તો ઘાટમાં આવે, 'મને કામ લાગે' તો હેલ્પ કરે, નહીં તો ના કરે. પહેલો હિસાબ કાઢી જુએ કે મને કામ લાગશે ! એવો હિસાબ કાઢે કે ના કાઢે ?

એટલે ભગવાને ભાવહિંસાને બહુ મોટી હિંસા કહી છે અને તે બધું આખું હિન્દુસ્તાન ભાવહિંસા કરી રહ્યું છે.

પ્રશ્નકર્તા : પણ અહીં તો અહિંસા ઉપર વધારેમાં વધારે ભાર મૂકે છે.

દાદાશ્રી : છતાં વધારેમાં વધારે હિંસા અહીંના લોકોની છે. કારણ કે આખો દહાડો કકળાટ, કકળાટ ને કકળાટ જ કર્યા કરે. એનું શું કારણ ? કે અહીંના લોકો વધારે જાગૃત છે. છતાં ય આજના છોકરાઓ જે ઊંધે રસ્તે ચઢી ગયા છે, એમને આવી ભાવહિંસા બહુ નથી બિચારાને ! કારણ કે એ માંસાહાર કરે ને એ બધું કરે એટલે જડ જેવા થઈ ગયા છે. એટલે જડમાં ભાવહિંસા બહુ ના હોય. બાકી, વધારે જાગૃત હોય ત્યાં નરી ભાવહિંસા હોય. એટલે આખો દહાડો કકળાટ, કકળાટ.... પ્યાલા ફૂટ્યા તો ય કકળાટ ! કશું થયું તો ય કકળાટ !!

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19