ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19 


અહિંસાથી વધી બુધ્ધિ...

એવું છે, આર્તધ્યાન ને રૌદ્રધ્યાન તો મુસલમાનોને થાય, ક્રિશ્ચિયનોને થાય, બધાને થાય ને આપણા લોકોને ય થાય, એમાં ફેર શો ? ડીફરન્સ શો ? ઉલ્ટું આપણા લોકોને વધારે થાય. કારણ કે જીવહિંસામાં જરાક મર્યાદા રાખી છે. અહિંસા ધર્મ પાળે છે એ બદલ વધારે થાય છે. કારણ કે એનું મગજ બહુ તોર હોય, બુધ્ધિશાળી હોય. અને જેમ બુધ્ધિ વધારે એમ દુષમકાળમાં ભયંકર પાપો બાંધે. અને વધારે બુધ્ધિશાળી ઓછી બુધ્ધિવાળાને મારે હઉ.

ફોરેનવાળા ને મુસ્લિમો, કોઈ બુધ્ધિથી મારે નહીં. આપણા હિન્દુસ્તાનના લોકો તો બુધ્ધિથી મારે છે. બુધ્ધિથી મારવાનું તો કોઈ કાળમાં હતું જ નહીં. આ કાળમાં જ નવું લફરું ઊભું થયું આ. પણ બુધ્ધિ હોય તો મારે ને ?! ત્યારે બુધ્ધિ કોને હોય ? એક તો આ જીવોની જે ઘાત ના કરતાં હોય, અહિંસક ધર્મ પાળતા હોય, છ કાયની હિંસા ના કરતા હોય, એમને બુધ્ધિ વધે. પછી કોઈક કંદમૂળ ના ખાતા હોય, તેમને બુધ્ધિ વધે. તીર્થંકરની મૂર્તિના દર્શન કરે, તેમને બુધ્ધિ વધે. અને આ બુધ્ધિ વધી, તેનો શો લાભ થયો ?!

પ્રશ્નકર્તા : આ લોકોને તમે અન્યાય કરો છો.

દાદાશ્રી : અન્યાય નથી કરતો. વધુ બુધ્ધિશાળી છે માટે એમને નુકસાન થશે, એવું મેં પુસ્તકમાં લખ્યું છે. જેમ છે એમ ના કહીએ તો વધારે ઊંધે રસ્તે ચાલશે. બુધ્ધિથી મારવા એ ભયંકર ગુનો છે. તો બુધ્ધિ વધી તેનો આવો દુરુપયોગ કરવાનો છે ? ને જાગૃતિ ઓછી હોય એ બિચારા મંદકષાયી હોય છે.

અહિંસાનો ધર્મ પાળે છે, જન્મજાતથી જ નાના જીવોને નહીં મારવું એવું એની બિલિફમાં છે, એના દર્શનમાં છે, એ વધારે તીક્ષ્ણ બુધ્ધિવાળા હોય.

પ્રશ્નકર્તા : જન્મથી જ અહિંસા પાળે છે એટલે એટલા વધારે મૃદુ કહેવાય ને ?

દાદાશ્રી : મૃદુ ના કહેવાય. અહિંસા પાળવાનું ફળ આવ્યું. તેનું ફળ બુધ્ધિ વધી ને બુધ્ધિથી લોકોને મારામાર કર્યા છે, બુધ્ધિથી ગોળીઓ મારી. એમ ને એમ ખૂન કરી નાખે તો એક અવતારનું મરણ થયું, પણ આ તો બુધ્ધિથી ગોળી મારવામાં અનંત અવતારનું મરણ થશે.

મોટી હિંસા, લડાઈની કે કષાયની ?

પહેલાના જમાનામાં ગામના શેઠ હોય, તે વધારે બુધ્ધિવાળા હોય ને ! ગામમાં બે જણને ઝઘડો હોય તો શેઠ એમનો લાભ લેતા નથી ને બેઉને પોતાને ઘેર બોલાવે અને બંનેના ઝઘડાનો નિકાલ કરી આપે ને પાછાં પોતાને ઘેર જમાડે. કઈ રીતે નિકાલ કરે ? કે બેમાંથી એક જણ કહે કે, 'સાહેબ, મારી પાસે બસો રૂપિયા છે નહીં, તો હમણે શી રીતે આપીશ ?' ત્યારે શેઠ શું કહે કે, 'તારી પાસે કેટલા છે ?' ત્યારે પેલો કહે, 'પચાસેક છે.' તો શેઠ શું કહે કે, 'તો દોઢસો લઈ જજે.' અને ઝઘડાનો નિકાલ લાવે. અને અત્યારે તો હાથમાં આવેલું ચકલું ખઈ જાય !

આ હું કોઈને આક્ષેપ નથી કરતો. હું આખા જગતને નિરંતર નિર્દોષ જ જોઉં છું. આ બધી વ્યવહારિક વાતો ચાલે છે. મને ગાળો દે, માર મારે, ધોલો મારે, ગમે તે કરે, પણ હું આખા જગતને નિર્દોષ જ જોઉં છું. આ તો વ્યવહાર કહું છું. વ્યવહારમાં જો ન સમજે તો આનો ઉકેલ ક્યારે આવશે ? અને જ્ઞાની પુરુષ પાસે સમજ્યા વગરનું કામ નહીં લાગે. બાકી, મારે કોઈની જોડે ભાંજગડ નથી.

પ્રશ્નકર્તા : આટલું નાનું છોકરું પણ આપણે અહીં અહિંસા પાળતું હોય છે, એ એના પૂર્વના સંસ્કાર છે ને ?

દાદાશ્રી : હા, તેથી જ સ્તો ને ! સંસ્કાર વગર તો આવું મળે જ નહીં ને ! પૂર્વજન્મના સંસ્કાર અને પુણ્યૈના આધારે એ મળ્યું, પણ હવે દુરુપયોગ કરવાથી કયાં જશે એ કંઈ જાણો છો ?! હવે ક્યાં જવાનું છે એ સર્ટિફિકેટ છે કોઈ જાતનું ?

પ્રશ્નકર્તા : એ તો અહિંસા જ પાળે છે. એનો દુરુપયોગ ક્યાં કરે છે ?

દાદાશ્રી : આને અહિંસા કહેવાય જ કેમ ? મનુષ્યો જોડે કષાયો કરવા એના જેવી મોટામાં મોટી હિંસા આ જગતમાં કોઈ નથી. એવો એક ખોળી લાવો કે જે ના કરતો હોય, ઘરમાં કષાય ના કરે, હિંસાઓ ના કરે એવો. આખો દહાડો કષાયો કરવા ને પછી અમે અહિંસક છીએ એમ કહેવડાવવું એ ભયંકર ગુનો છે. એના કરતાં ફોરેનવાળાઓને એટલા કષાયો નથી હોતા. કષાયો તો જાગૃતિ વધારેવાળો જ કરે ને ! તમને એવું સમજાય કે જાગૃતિ વધારેવાળો કરે કે ઓછી જાગૃતિવાળો કરે ? તમને નથી લાગતું કષાય એ ભયંકર ગુનો છે ?

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : હા, તો એના જેવી હિંસા કોઈ નથી. કષાય એ જ હિંસા છે અને આ અહિંસા એ તો જન્મજાત અહિંસા છે, પૂર્વે ભાવના ભાવેલી છે ખાલી અને આજ ઉદયમાં આવી. એટલે ક્રોધ-માન-માયા-લોભ એ હિંસા અટકે તો હિંસા અટકી જાય.

પ્રશ્નકર્તા : એ બરોબર છે. એ સમજાયું. શાસ્ત્રમાં ય એમ કહ્યું છે. ચક્રવર્તી રાજાઓ આટલી બધી લડાઈઓ લડે છે, હિંસા કરે છે, છતાં એને અનંતાનુબંધી કષાય લાગતા નથી. પણ કુગુરુ, કુધર્મ અને કુસાધુમાં માને છે એ લોકોને જ અનંતાનુબંધી કષાય બંધાય છે.

દાદાશ્રી : બસ, એના જેવી અનંતાનુબંધી બીજી નથી ! આ તો ખુલ્લું કહ્યું છે ને !!

બુધ્ધિથી મારે એ હાર્ડ રૌદ્રધ્યાન !!!

પ્રશ્નકર્તા : પણ આમાં બધા કર્મના ભેદ છે કે નહીં ?

દાદાશ્રી : પણ આ ના સમજાય ? એ નાના છોકરાને સમજાય એવું છે. આપણે ફાનસ લઈને જતા હોય અને પેલાને કોડિયું હોય, એને બિચારાને અંધારામાં ના દેખાતું હોય, તો આપણે કહીએને કે ઊભા રહો કાકા, હું આવું છું, ફાનસ ધરું છું. ફાનસ ધરીએ કે ના ધરીએ ? ત્યારે બુધ્ધિ એ લાઈટ છે. તે જેને ઓછી બુધ્ધિ હોય એને આપણે કહીએ કે, 'ભઈ, આમ નહીં, નહીં તો છેતરાઈ જશો. અને તમે આ રીતે લેજો.' પણ આ તો તરત શિકાર જ કરી નાખે. હાથમાં આવવો જોઈએ કે તરત શિકાર ! એટલા માટે મેં ભારે શબ્દો લખ્યા કે હાર્ડ રૌદ્રધ્યાન ! ચાર આરામાં ક્યારેય થયું નથી એવું આ પાંચમા આરામાં થયું છે. બુધ્ધિનો દુરુપયોગ કરવા માંડ્યો છે.

અને આ વેપારીઓ જે છે તે વધારે બુધ્ધિવાળા ઓછી બુધ્ધિવાળાને મારામાર કરે છે. વધારે બુધ્ધિવાળો તો, ઓછી બુધ્ધિવાળો ઘરાક આવેને તો એની પાસે પડાવી લે. ઓછી બુધ્ધિવાળા પાસે કંઈ પણ પડાવી લેવું, ભગવાને એને રૌદ્રધ્યાન કહ્યું છે ને એનું ફળ જબરજસ્ત નર્ક કહ્યું છે. એ બુધ્ધિનો દુરુપયોગ કરાય નહીં.

બુધ્ધિ એ તો લાઈટ છે. તે લાઈટ એટલે અંધારામાં જતાં હોય, એને લાઈટ ધરવાના ય પૈસા માગો છો તમે ? અંધારામાં કોઈ માણસની પાસે ફાનસ નાનું અમથું હોય તો આપણે લાઈટ ના ધરવું જોઈએ એને બિચારાને ? બુધ્ધિથી લોકોએ દુરુપયોગ કર્યો એ હાર્ડ રૌદ્રધ્યાન, નર્કમાં જતાં યે છૂટાશે નહીં. હાર્ડ રૌદ્રધ્યાન કોઈ કાળે થયું નથી એવું આ પાંચમા આરામાં ચાલ્યું છે. બુધ્ધિથી મારે ખરાં ? તમે જાણો છો ?

એ બુધ્ધિથી મારેને એ ભયંકર ગુનો છે. જો આ હજુ પણ છોડી દેશેને અને અત્યાર સુધીનો પસ્તાવો લે અને હવે નવેસરથી ન કરે તો હજુ સારું છે. નહીં તો આનું કંઈ ઠેકાણું નથી. એ બેજવાબદારી છે.

આટલું કરો, ને અહિંસક બનો !

આપણે મનમાં હિંસકભાવ નહીં રાખવો. 'મારે કોઈની હિંસા કરવી નથી' એવો ભાવ જ સજ્જડ રાખવો અને સવારના પહોરમાં બોલવું જોઈએ કે, 'મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો.' એવો ભાવ બોલી અને પછી સંસારી ક્રિયા ચાલુ કરજો, એટલે જવાબદારી ઓછી થઈ જાય. પછી આપણા પગે કોઈ જીવ વટાઈ ગયું તો ય તમે જોખમદાર નથી. કારણ કે આજે તમારો ભાવ નથી એવો. તમારી ક્રિયા ભગવાન જોતાં નથી, તમારો ભાવ જુએ છે. કુદરતને ચોપડે તો તમારો ભાવ જુએ છે અને અહીંની સરકાર અહીંના લોકોના ચોપડે તમારી ક્રિયા જુએ છે. લોકોનો ચોપડો તો અહીં ને અહીં જ પડી રહેવાનો છે. કુદરતનો ચોપડો ત્યાં કામ લાગશે. માટે તમારો ભાવ ક્યાં છે તે તપાસ કરો.

એટલે સવારના પહોરમાં એવું પાંચ વખત બોલીને નીકળ્યો એ અહિંસક જ છે. ગમે ત્યાં પછી લપઝપ કરી આવ્યો તો ય એ અહિંસક છે. કારણ કે ઘેરથી નીકળ્યો ત્યારે નિશ્ચય કરીને નીકળ્યો હતો અને પછી ઘેર જઈને પાછું તાળું વાસી દેવું. ઘેર જઈને એવું કહેવું કે આખા દહાડામાં નિશ્ચય કરીને નીકળ્યો છતાં જે કંઈ કોઈને દુઃખ થયું હોય તેની ક્ષમાયાચના કરી લઉં છું. બસ થઈ રહ્યું. પછી તમારે જોખમદારી જ નહીં ને !

કોઈ જીવની હિંસા કરવી નથી, કરાવવી નથી કે કર્તા પ્રત્યે અનુમોદવી નથી અને મારા મન-વચન-કાયાથી કોઈ જીવને દુઃખ ન હો. એટલી ભાવના રહી કે તમે અહિંસક થઈ ગયા ! એ અહિંસા મહાવ્રત પૂરું થઈ ગયું કહેવાય. મનમાં ભાવના નક્કી કરી, નક્કી એટલે ડિસીઝન. એટલે આપણે જે નક્કી કરીએ ને તેને કમ્પ્લિટ સિન્સિયર રહ્યા, એની એ જ વાતને વળગી રહ્યા તો મહાવ્રત કહેવાય અને નક્કી કર્યું પણ વળગી ના રહ્યા, તો અણુવ્રત કહેવાય.

ચેતો, છે વિષયમાં હિંસા !

ભગવાન જો કદી વિષયની હિંસાનું વર્ણન કરે તો માણસ મરી જાય. લોક જાણે કે આમાં શું હિંસા છે ? આપણે કોઈને વઢતા નથી. પણ ભગવાનની દ્રષ્ટિએ જુએ તો હિંસા ને આસક્તિ બે ભેગાં થાય છે, તેને લીધે પાંચેય મહાવ્રત તૂટે છે અને તેનાથી બહુ દોષો બેસે છે. એક જ ફેરાના વિષયથી લાખો જીવો મરી જાય છે, તેનો દોષ બેસે છે. એટલે ઈચ્છા ના હોય છતાં એમાં ભયંકર હિંસા છે. એટલે રૌદ્રસ્વરૂપ થઈ જાય છે.

એક વિષયને લીધે તો સંસાર ઊભો રહ્યો છે. આ સ્ત્રીવિષય ના હોય ને, તો બીજાં બધાં વિષય તો કોઈ દહાડો નડતાં જ નથી. એકલા આ વિષયનો અભાવ થાય તો ય દેવગતિ થાય. આ વિષયનો અભાવ થયો કે બીજાં બધાં વિષયો બધું જ કાબુમાં આવી જાય. અને આ વિષયમાં પડ્યો કે વિષયથી પહેલાં જાનવરગતિમાં જાય. વિષયથી બસ અધોગતિ જ છે. કારણ કે એક વિષયમાં તો કંઈ કરોડો જીવ મરી જાય છે. સમજણ ના હોય છતાં ય જોખમદારી વહોરે છે ને !!

એટલે જ્યાં સુધી સંસારીપણું છે, સ્ત્રીવિષય છે, ત્યાં સુધી એ અહિંસાનો ઘાતક જ છે. એમાં ય પરસ્ત્રી એ મોટામાં મોટું જોખમ છે. પરસ્ત્રી હોય તો નર્કનો અધિકારી જ થઈ ગયો. બસ, બીજું કશુંય એણે ખોળવું નહીં અને મનુષ્યપણું ફરી આવશે એવી આશા રાખવી પણ નહીં. આ જ મોટામાં મોટું જોખમ છે. પરપુરુષ અને પરસ્ત્રી એ નર્કે લઈ જનારાં છે.

અને પોતાને ઘેર પણ નિયમ તો હોવો જોઈએ ને ? આ તો એવું છેને, પોતાના હક્કની સ્ત્રી જોડેનો વિષય એ અજૂગતું નથી. છતાં ય પણ જોડે જોડે એટલું સમજવું પડે કે એમાં ઘણાં બધાં જર્મ્સ(જીવો) મરી જાય છે. એટલે અકારણ તો એવું ના જ હોવું જોઈએ ને ? કારણ હોય તો વાત જુદી છે. વીર્યમાં 'જર્મ્સ' જ હોય છે અને તે માનવબીજનાં હોય છે. એટલે બને ત્યાં સુધી આમાં સાચવવાનું. આ અમે તમને ટૂંકમાં કહીએ. બાકી, આનો પાર આવે નહીં ને !!

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19