ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19 

 

અભયદાન, કયા જીવો માટે ?

પ્રશ્નકર્તા : હું તો વાત કરું છું કે ત્યારે દસ વર્ષ પહેલાથી, જીવોને જો અભયદાન મળતું હોય તો કંદમૂળની તરત જ બંધી લઈ લીધી હતી અમે.

દાદાશ્રી : અભયદાન તો, એ જીવ હાલી-ચાલી શકે એવો હોય, એ જીવ ગભરાતો હોય, ભયને સમજતો હોય, તેને અભયદાન આપવાનું છે. ભયથી ત્રાસ થતો હોય, એને અભયદાન આપવાનું છે. બીજા લોકો ભયને સમજતા નથી, એને અભયદાન કેવા હોય ?

અભયદાન એટલે જે જીવો ભય પામી શકે એવા છે, નાની કીડી પણ આપણે હાથ અડાડીએને તો એ ભય પામે. એને અભયદાન આપો. પણ આ ઘઉંનો દાણો, બાજરીનો દાણો એ ભય પામતો નથી. એને શું નિર્ભય બનાવવાના ? ભય સમજતા જ નથી, અભયદાન કેમનું આપવાનું તે ?

પ્રશ્નકર્તા : એકદમ કરેક્ટ વાત છે.

દાદાશ્રી : એટલે આ સમજણ વગરનું બધું ચાલે છે. તે આ ચોપડવાની પી જાય છે. પછી કહેશે, 'ભગવાન મહાવીરની દવા પી ગયો ને મરી ગયો !' 'અલ્યા, મહાવીર ભગવાનને શું કરવા ફજેત કરે છે.' અત્યારે એ જ વ્યાપાર ચાલુ છે. ચોપડવાની પી જાય ને પછી કહેશે ધર્મ ખોટો છે. મુંઆ, ધર્મ તો ખોટો હોતો હશે ? પહેલા ચોપડવાની દવા છે તે પીતો હતો ?

પ્રશ્નકર્તા : પહેલા તો કંઈ ખબર જ ન હતી.

દાદાશ્રી : આ ચોપડવાની કે પીવાની ખબર જ ન હતી ! જે જીવો ભય પામે છે, એને ત્રસકાય જીવો કહ્યા. એટલે આ ભય સંજ્ઞા ઉત્પન્ન થઈ છે એના માટે ભગવાને વાત કરી છે. બીજા માટે તો એવું જ કહ્યું છે કે પાણીને નકામું ઢોળાઢોળ ના કરશો. ન્હાજો, પીજો, ધોજો, કપડાં ધોજો. પણ અનર્થ એટલે તમારે હેતુ ના હોય ને ઢોળાઢોળ ના કરશો.

અભયદાન એ મહાદાન !

પ્રશ્નકર્તા : તો જૈનધર્મમાં અભયદાનને આટલું બધું મહત્વ કેમ આપ્યું ?

દાદાશ્રી : અભયદાનને તો બધા લોકોએ મહત્વ આપ્યું છે. અભયદાન તો મુખ્ય વસ્તુ છે. અભયદાન એટલે શું કે અહીં ચકલાં બેઠાં હોય તો એ ઊડી જશે એમ માનીને આપણે આમ ધીમે રહીને પેલી બાજુથી જતા રહેવું. રાત્રે બાર વાગે આવ્યા હોય અને બે કૂતરાં ઊંઘી ગયા હોય તો આપણા બૂટથી એ ખખડીને જાગી ઉઠશે, એમ માનીને બૂટ પગમાંથી કાઢી લઈ અને ધીમે ધીમે ઘેર આવવું. આપણાથી કોઈ ભડકે, એને માણસાઈ કેમ કહેવાય ? બહાર કૂતરાં ય આપણાથી ના ભડકવાં જોઈએ. આપણે આમ પગ ખખડાવતા ખખડાવતા આવ્યા અને કૂતરું કાન આમ કરીને ઊભું થાય તો આપણે સમજી જવું કે ઓહોહો, અભયદાન ચૂક્યો ! અભયદાન એટલે કોઈ પણ જીવ આપણાથી ભય ના પામે. ક્યાંય જોયા અભયદાની પુરુષો ?! અભયદાન તો મોટામાં મોટું દાન છે.

હું બાવીસ વર્ષનો હતો ત્યારે ય કૂતરાંને નહોતો ભડકવા દેતો. અમે નિરંતર અભયદાન જ આપીએ છીએ, બીજું કશું આપતા નથી. અમારા જેવું અભયદાન આપવાનું જો કોઈ શીખી ગયો તો એનું કલ્યાણ થઈ જાય ! ભયનું દાન આપવાની તો લોકોને પ્રેક્ટિસ પહેલેથી છે, નહીં ? 'હું તને જોઈ લઈશ' કહેશે. તો એ અભયદાન કહેવાય કે ભયનું દાન કહેવાય ?!

પ્રશ્નકર્તા : તો આ જીવ બચાવીએ છીએ એ અભયદાન નહીં ?

દાદાશ્રી : એ તો બચાવનારને જબરજસ્ત ગુનો છે. એ તો ખાલી અહંકાર કરે છે. ભગવાને તો એટલું જ કહ્યું હતું કે તમે તમારા આત્માની દયા પાળજો. બસ, એટલું જ કહેલું છે આખા શાસ્ત્રમાં કે ભાવદયા પાળજો. બીજી દયા માટે તમને નથી કહ્યું. અને વગર કામના હાથમાં લેશો તો ગુનો થશે.

એ છે બચાવવાનો અહંકાર !

આ તો બધા એમ જ સમજે છે કે આપણે બચાવીએ છીએ તેથી આ જીવડા બચે છે. તે આપણા લોકો તો કેવા છે ? ઘેર માને ગાળો ભાંડતો હોય છે અને બહાર છે તે બચાવવા નીકળ્યો હોય !

આ લોકોને દરિયામાં મોકલવા જોઈએ. મહીં દરિયામાં તો બધું શાકભાજી ને અનાજ બધું ઉગતું હશે, નહીં ? આ માછલાં ખાતા હશે, તે ?! ત્યારે અહીંથી આપણે અનાજ મોકલતા હશે, નહીં ? કેમ ચણા ને એ બધું નાખીને ખવડાવીએ નહીં ?! તો શું એમનો ખોરાક ? આવડાં આવડાં નાનાં નાનાં માછલા હોય, તેને આવડાં મોટાં માછલાં ગળ્યા કરે. આવડાં મોટાંને પાછાં એથી આવડાં મોટાં હોય તે ગળ્યા કરે. એમ ગળ્યા જ કરે નિરાંતે. અને માલ પાક્યા જ કરે એક બાજુ ! હવે ત્યાં અક્કલવાળાને બેસાડ્યા હોય તો શી દશા થાય ?!

જગતમાં કેવી માન્યતા ચાલી રહી છે ? 'અમે બચાવીએ છીએ' કહેશે અને કસાઈ ઉપર દ્વેષ કરે છે. એ કસાઈને આપણે પૂછીએ કે, 'તું આવો નાલાયક ધંધો કરે છે ?' ત્યારે એ કહે, 'કેમ સાહેબ, મારા ધંધાને નાલાયક કહો છો ? મારે તો આ બાપ-દાદાઓની પેઢીઓથી ધંધો ચાલતો આવ્યો છે. અમારી પેઢી છે આ તો.' એટલે એવું કહે આપણને. એટલે આ એમની પેઢી કહેવાય. આપણે કશું બોલીએ તો એને એમ લાગે કે 'આ અક્કલ વગરના માણસ કશું સમજતા નથી'.

એટલે જે માંસાહાર ખાય છે તે એવો અહંકાર નથી કરતા કે 'અમે મારીશું ને આમ કરીશું.' 'આ તો અહિંસાવાળા બહુ અહંકાર કરે છે કે, 'હું બચાવું છું'. અલ્યા, બચાવવાવાળા છો તો ઘેર નેવું વર્ષનાં બાપા છે, મરવાની તૈયારી છે. એમને બચાવને ! પણ એવું કોઈ બચાવે છે ?

પ્રશ્નકર્તા : કોઈ ન બચાવે.

દાદાશ્રી : ત્યારે આવું શું બોલે છે કે મેં બચાવ્યું ને મેં આમ કર્યું ?! કસાઈના હાથમાં ય સત્તા નથી. મારવાની સત્તાવાળો કોઈ જન્મ્યો જ નથી. આ તો વગર કામનાં ઈગોઈઝમ કરે છે. આ કસાઈ કહે છે કે, 'ભલભલા જીવ કાપ્યા.' તે એનો ઈગોઈઝમ કરે છે, એટલે રિયલ શું કહે છે ?! આ મારનારનો મોક્ષ થશે કે આ બચાવનારનો મોક્ષ થશે ? બેઉનો ય મોક્ષ નહીં. બેઉ ઈગોઈઝમવાળા છે. આ બચાવવાનો ઈગોઈઝમ કરે છે ને પેલો મારવાનો ઈગોઈઝમ કરે છે. રિયલમાં ના ચાલે, રિલેટિવમાં ચાલે.

એ બન્ને, અહંકારી છે !

ભગવાન કંઈ કાચી માયા નથી. ભગવાનને ત્યાં તો મોક્ષમાં જવા માટે કાયદો કેવો છે ? એક દારૂ પીવાનો અહંકાર કરે છે ને એક દારૂ ન પીવાનો અહંકાર કરે છે. એ બન્નેને ભગવાન મોક્ષમાં નથી પેસવા દેતા. ત્યાં કેફીને પેસવા દેતા નથી. ત્યાં નિષ્કેફીને પેસવા દે છે.

એટલે જે લોકો દારૂ નથી પીતા ને એની મનમાં ખોટી ઘેમરાજી રાખવી એ તો ભયંકર ગુનો છે. એ તો દારૂ પીનારા કરતા ય ભૂંડું છે. દારૂ પીતો હોય એ તો બિચારો એમ જ કહે કે, 'સાહેબ, હું તો મૂરખમાં મૂરખ માણસ છું, ગધેડો છું, નાલાયક છું.' અને બે માટલાં પાણી રેડીએ ને, તો ય એનો કેફ ઉતરી જાય. પણ આ લોકોને મોહનો જે દારૂ ચઢેલો છે, તે અનાદિ અવતારથી ઉતરતો જ નથી ને 'હું કંઈક છું, હું કંઈક છું' કર્યા કરે છે.

એનો તમને એક દાખલો સમજાવું. એક નાના ગામમાં એક જૈન શેઠ રહેતા હતા. સ્થિતિ સાધારણ હતી. એને એક છોકરો ત્રણ વર્ષનો ને એક દોઢ વર્ષનો. ઓચિંતો પ્લેગ ચાલ્યો ને માબાપ બેઉ મરી ગયા. બેઉ છોકરાં રહ્યા. પછી ગામવાળાએ જાણ્યું, તે બધા ભેગા થયા કે 'હવે આ છોકરાઓનું શું થાય ? આપણે એનો રસ્તો કાઢો. કોઈ છોકરાનો પાલક નીકળે તો સારું. એક સોની હતો, તેણે મોટો છોકરો લીધો. અને બીજાને કોઈ લેનાર જ નહોતો. એટલે એક હરિજન કહે છે, 'સાહેબ, હું પાલક બનું.' ત્યારે લોકો કહે, 'અલ્યા, આ જૈન શેઠનો છોકરો ને તું હરિજન.' પણ બીજા લોક કહે, 'એ નહીં લે તો ક્યાં મૂકશો ? મરી જાય એના કરતાં જીવશે તો ખરો. તો એ શું ખોટું ?!' એટલે બેઉ ઉછર્યા. પેલો સોનીને ત્યાં ઉછર્યો. એ વીસ-બાવીસ વર્ષનો થયો ત્યારે કહે છે, 'દારૂ પીવો એ ગુનો છે, માંસાહાર કરવો એ ગુનો છે.' પેલો અઢાર-વીસ વર્ષનો થયો ત્યારે કહે છે, 'દારૂ પીવો જોઈએ, દારૂ ગાળવો જોઈએ, માંસાહાર કરવો જોઈએ.' હવે આ બે ભાઈઓ એક ભીંડાના બે દાણા, કેમ આમ જુદું જુદું બોલ્યા ?

પ્રશ્નકર્તા : સંસ્કાર.

દાદાશ્રી : હા, સંસ્કાર, પાણી જુદું જુદું સિંચન થયું ! એટલે પછી કોઈકે કહ્યું કે, 'આ તો જૈન કહેવાય જ નહીં ને !' એક સંત હશે, તેમને પૂછયું કે, 'સાહેબ, આ બે ભાઈઓ હતા ને આવું જુદું જુદું કહે છે. આમાં મોક્ષ કોનો થશે ?' ત્યારે સંત કહે છે, 'આમાં મોક્ષની વાત કરવાની રહી જ ક્યાં ?! પેલો દારૂ નહીં પીવાનો અહંકાર કરે છે, માંસાહાર નહીં ખાવાનો અહંકાર કરે છે. અને આ દારૂ પીવાનો અહંકાર કરે છે, માંસાહાર ખાવાનો અહંકાર કરે છે. આમાં મોક્ષની વાત જ ક્યાં રહી ? મોક્ષની વાત તો જુદી જ છે. ત્યાં તો નિર્અહંકારી ભાવ જોઈશે.' આ તો બેઉ અહંકારી છે. એક આ ખાડામાં પડ્યો છે, પેલો બીજા ખાડામાં પડ્યો છે. ભગવાન બેઉને અહંકારી કહે છે.

ફક્ત અહિંસાના પૂજારીઓ માટે જ !

લોકો જે માને છે એવું ભગવાને નથી કહ્યું. ભગવાન, બહુ ડાહ્યા પુરુષ ! ભગવાને એવું કહ્યું કે આ વર્લ્ડમાં કોઈ એવો છે નહીં કે જે કોઈને મારી શકે. કારણ કે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. શી રીતે મારી શકે ? બધા કેટલાંય સંજોગો ભેગા થાય ત્યારે એ મરી જાય ! અને પછી જોડે જોડે એમે ય કહ્યું કે આ બિલકુલ ગુપ્ત રાખવા જેવી વાત છે. ત્યારે કોઈ કહેશે, 'સાહેબ, આમે ય બોલો છો ને આમે ય બોલો છો ?' ત્યારે ભગવાન કહે છે, 'જુઓ, આ વાત ડાહ્યા માણસો માટે, જે અહિંસાના પુજારીઓ છે એને માટે આ વાક્ય કહીએ છીએ. અને હિંસાના પુજારીઓ છે એને માટે આ નથી કહેતા. નહીં તો એ ભાવના કરશે કે મારે આ લોકોને મારી નાખવા છે. એટલે આ ભવમાં તો એ નથી થવાનું, પણ આ ભાવના કરશે તો આવતા ભવમાં ફળ આવશે.' એટલે આ વાત કોની પાસે કરવાની છે ? આ અહિંસાના પુજારીઓ પાસે આ વાત કરવાની કહી છે.

'આ' બધાં માટે નથી !

ભગવાને કહ્યું છે કે મારવાનો અહંકાર ના કરીશ અને બચાવવાનો અહંકારે ય ના કરીશ. તું મારીશ તો તારો આત્મભાવ મરશે, બહાર કોઈ મરવાનું નથી. એટલે એ પોતાની હિંસા થાય છે, બીજું કશું નહીં. આત્મા કંઈ એમ મરતો નથી, પણ આ તો પોતે પોતાની હિંસા કરી રહ્યો છે. એટલા માટે ભગવાને ના કહ્યું છે. અને તું બચાવીશ તે ખોટો અહંકાર કરી રહ્યો છે. તે ય તું આત્મભાવની હિંસા જ કરી રહ્યો છે. એટલે આ બન્નેવ ખોટું કરી રહ્યા છે. આ બધું તોફાન છોડ ને ! બાકી કોઈ કોઈને મારી શકે જ નહીં. પણ ભગવાને જો એવું ચોખ્ખું કહ્યું હોત કે મારી શકે જ નહીં, તો લોક અહંકાર કરત કે મેં માર્યો ! આ બધું કોઈનામાં તાકાત નથી. વગર તાકાતનું આ જગત છે. અમથા વગર કામના વિકલ્પો કરીને ભટક ભટક કરે છે. જ્ઞાનીઓએ જોયું છે. આ જગત કેવી રીતે ચાલ્યા કરે છે. એટલે આ બધા ખોટા વિકલ્પો પેસી ગયા છે, ત્યાં પછી નિર્વિકલ્પ કેમ કરીને થાય તે ?!

એટલે આ બધા જીવો છે ને, તે કોઈ કોઈને મારી શકે જ નહીં. મારી શકવાની કોઈનામાં શક્તિ જ નથી. છતાં ય ભગવાન બોલ્યા કે હિંસા છોડી ને અહિંસામાં આવો. એ શું કહે છે કે મારવાનો અહંકાર છોડો. બીજું કશું છોડવાનું નથી, મારવાનો અહંકાર છોડવાનો છે. તમારાથી માર્યું મરાતું નથી, તો પછી અહંકાર શું કરવા કરો છો વગર કામના ? અહંકાર કરીને વધારે લપેટમાં આવશો, ભયંકર જોખમ વહોરશો. એ જીવને એના નિમિત્તથી મરવા દો ને ! એ મરવાનું જ છે, પણ તમે અહંકાર શું કરવા કરો છો ? એટલે અહંકાર બંધ કરાવવા માટે ભગવાને અહિંસાની પ્રેરણા આપી. મારવાનો જે અહંકાર છે એ છોડાવવા માટે આ બધી વાત કરી.

પ્રશ્નકર્તા : આટલું પચાવવું સાધારણ માણસ માટે વધારે પડતું નોલેજ(જ્ઞાન) ના કહેવાય ?

દાદાશ્રી : ના, એ પચે એવું નથી. એટલે ખુલ્લું નથી કર્યું. બધાને એમ જ કહ્યું કે તમે બચાવો, નહીં તો આ મરી જશે.

મારવા-બચાવવાનું ગુપ્ત રહસ્ય !

હવે 'આણે જીવ માર્યો, આણે આમ કર્યું, આણે બચાવ્યો' એ બધું વ્યવહારમાત્ર છે. કરેક્ટ નથી આ. રિયલમાં શું છે ? કોઈ પણ જીવ કોઈ પણ જીવને મારી શકે જ નહીં. એ મારી શકવામાં તો બધાં સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય તો જ મરે. એકલો કોઈ માણસ સ્વતંત્ર આમ મારી શકે નહીં. હવે એવિડન્સ ભેગા થાય તો જ મરે અને એવિડન્સ આપણા હાથમાં છે નહીં. એટલે કોઈ પણ જીવ કોઈ જીવને બચાવી શકે જ નહીં. એ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ હોય તો જ બચે, નહીં તો બચે નહીં. આ તો ખાલી બચાવ્યાનો અહંકાર કરે છે. પણ જોડે જોડે એવું કહ્યું કે તું મનમાંથી ભાવ કાઢી નાખ કે મારે મારવો છે. કારણ કે ભાવ એક એવિડન્સ છે. એ બીજા એવિડન્સ ભેગા થાય ને આ એવિડન્સ ભેગો થાય તો કાર્ય થઈ જશે. એટલે એમાંનું 'વન ઓફ ધી એવિડન્સ' 'પોતાનો' ભાવ છે. તેને લઈને બધા ય એવિડન્સનો 'પોતે' ઇગોઈઝમ કરે છે.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19