ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19 


ન અડે કશું અહિંસકને !

પ્રશ્નકર્તા : આ કૂતરું કરડે એમાં ક્યાં ઋણાનુબંધ હોય ?

દાદાશ્રી : ઋણાનુબંધ વગર તો એક રાઈનો દાણો તમારા મોઢામાં ના જાય, બહાર જ પડી હોય.

પ્રશ્નકર્તા : જો કૂતરો આપણને કરડે છે તો આપણે કંઈ એની જોડે કર્મ બાંધ્યું હશે ?

દાદાશ્રી : ના, એવું એની જોડે કર્મ બાંધેલું નહીં. પણ આ તો આપણે ત્યાં મનુષ્ય થઈને ય બચકાં નથી ભરતો ?! એવું પણ લોક બોલે છેને, કે મૂઓ આ મને બચકાં ભરે છે ! એક જણ તો મને કહે છે કે, 'મારી વાઈફ તો સાપણ જ જોઈ લો. રાતે બચકાં ભરે છે. હવે એ ખરેખર બચકાં ભરતી નથી. પણ એવું કંઈ બોલે છે તે આપણને બચકું ભરવા જેવું લાગે. હવે એવું બોલ્યા ને, તેના ફળરૂપે આ કૂતરાં બચકાં ભરી જાય, બીજાં બચકાં ભરી જાય. કુદરતને ઘેર તૈયાર સામાન હોય છે, બધે બોમ્બાર્ડિંગ કરવા. તમે જે કર્મ બાંધ્યા છે, એ કર્મ ચૂકવવા માટે એની પાસે બધું જ સાધન તૈયાર છે.

એટલે જો તમારે આ જગતમાંથી, આ દુઃખોમાંથી મુક્ત થવું હોય તો કોઈ તમને દુઃખ દે, પણ તમારે સામે દુઃખ ના દેવું જોઈએ. નહીં તો સહેજ પણ દુઃખ દેશો તો આવતે ભવ એ સાપણ થઈને તમને કૈડશે, બધી હજાર રીતે વેર લીધા વગર રહેશે નહીં. આ દુનિયામાં સહેજે ય વેર વધારવા જેવું નથી. પછી આ દુઃખો આવે છે, તે આ બધી ઉપાધિ કરી, કોઈકને દુઃખ દીધાં, તેનાં જ દુઃખો આવે છે ને ! નહીં તો દુઃખ હોય નહીં દુનિયામાં.

પ્રશ્નકર્તા : એટલે આ જીવન તો એક શાશ્વત સંઘર્ષ જ છે.

દાદાશ્રી : હા, પણ જો તમે અહિંસક વાતાવરણ કરશો તો સાપ પણ તમને કરડે નહીં. સામો તમારી પર સાપ નાખે તો યે કરડે નહીં, નાસી જાય બિચારો. વાઘે ય તમારું નામ ના દે. આ અહિંસાનું એટલું બધું બળ છે કે ન પૂછો વાત ! અહિંસા જેવું કોઈ બળ નથી અને હિંસા જેવી નિર્બળતા નથી ! આ તો બધું હિંસા થકી દુઃખ છે, નરી હિંસાથી જ દુઃખ છે.

બાકી, આ દુનિયામાં કોઈ વસ્તુ તમને કરડી શકે એમ છે જ નહીં. અને જે કરડી શકે છે એ જ તમારો હિસાબ છે. માટે હિસાબ ચૂકતે કરી દેજો. અને કરડી ગયા પછી તમે મનમાં જે ભાવ કરો કે 'આ કૂતરાંને તો મારી જ નાખવા જોઈએ, આમ કરવા જોઈએ, તેમ કરવા જોઈએ.' તો એ પાછો નવો હિસાબ ચાલુ કર્યો. ગમે તેવી પરિસ્થિતિમાં સમતા રાખીને ઉકેલ લાવે, મહીં સહેજે ય વિષમ ના થાય !

પ્રશ્નકર્તા : પણ એ અવસ્થામાં તો જાગૃતિ-સમતા રહેતી નથી.

દાદાશ્રી : આ સંસાર પાર કરવો બહુ મુશ્કેલ છે, તેથી આ અક્રમ વિજ્ઞાન આપીએ છીએ.

ગુનેગાર, કસાઈ કે ખાનાર ?

પ્રશ્નકર્તા : એક કસાઈ હોય, એ 'દાદા' પાસે જ્ઞાન લેવા આવ્યો. 'દાદા' એ જ્ઞાન આપ્યું. એનો ધંધો ચાલુ જ છે ને ચાલુ જ રાખવો છે, તો એની દશા શું થાય ?

દાદાશ્રી : પણ કસાઈની દશા શું ખોટી છે ? કસાઈએ શું ગુનો કર્યો છે ? કસાઈને તમે પૂછો તો ખરાં કે, 'ભાઈ, તું કેમ આવો ધંધો કરે છે ?' ત્યારે એ કહેશે કે, 'ભાઈ, મારા બાપ-દાદા કરતા હતા, તેથી હું કરું છું. મારા પેટને માટે, મારાં છોકરાનાં પોષણ માટે કરું છું.' આપણે પૂછીએ, 'પણ તને આ શોખ છે ?' ત્યારે એ કહે, 'ના, મને શોખ નથી.'

એટલે આ કસાઈ કરતાં તો માંસાહાર ખાનારને વધારે પાપ લાગે છે. કસાઈને તો એનો ધંધો જ છે બિચારાનો. એને હું જ્ઞાન આપું. અહીં મારી પાસે આવ્યો હોય તો હું જ્ઞાન આપું. એ જ્ઞાન લઈ જાય તો ય કશો વાંધો નહીં. ભગવાનને ત્યાં આનો વાંધો નથી.

કબૂતર, શુધ્ધ શાકાહારી !

આપણે ત્યાં કબૂતરખાના અહીં હિન્દુસ્તાનમાં હોય છે પણ કાગડાખાના નથી રાખ્યા ? કેમ પોપટખાના, ચકલીખાના એવું નથી રાખતા ને કબૂતરખાના જ રાખે છે ? કંઈ કારણ હશે ને ? કારણ કે આ કબૂતર એકલું જ બિલકુલ વેજીટેરિયન છે, નોનવેજને એ અડે જ નહીં. એટલે આપણા લોકો સમજ્યા કે ચોમાસાને દહાડે આ બિચારું શું ખાશે ? એટલે આપણે ત્યાં કબૂતરીઓ રચી અને ત્યાં પછી જુવાર નાખી આવે. હવે મહીં સડેલો દાણો હોય તો એ અડે નહીં. એની મહીં જીવાત છે માટે અડે નહીં. બિલકુલ અહિંસક ! આ મનુષ્યોએ બાઉન્ડ્રી છોડી, પણ આ કબૂતર બાઉન્ડ્રી નથી છોડતાં. કબૂતરે ય પ્યૉર વેજીટેરિયન છે. એટલે શોધખોળ કરી કે એનું બ્લડ કેવું ? બહુ જ ગરમ. વધારેમાં વધારે ગરમ બ્લડ એનું છે અને એનામાં સમજણે ય બહુ હોય. કારણ કે એ વેજીટેરિયન, પ્યૉર વેજીટેરિયન છે.

એટલે મનુષ્યો એકલાં જ ફળાહારી છે એવું નથી. પણ આપણી ગાયો-ભેંસો, ગધેડા બધાં ફળાહારી છે. એ કંઈ જેવી તેવી વાત છે ? આ ગધેડા બહુ ભૂખ્યા થયા હોય ને માંસાહાર નાખીએ તો ના અડે. એટલે આપણે અહંકારે ય લેવા જેવો નથી કે, 'ભઈ, અમે પ્યૉર વેજીટેરિયન છીએ.' ના અલ્યા, પ્યૉર વેજીટેરિયન તો આ ગાયો-ભેંસો ય છે, એમાં તેં શું કર્યું બીજું ? આ પ્યૉરવાળા તો કોઈક દહાડો ઈંડા ય ખાઈ આવે. જ્યારે પેલા તો કશુંય નહીં. 'અમે પ્યૉર, પ્યૉર, પ્યૉર' કરવા જેવું ય નથી અને જે કરે છે એની ટીકા કરવા જેવું છે નહીં.

ઈંડાં ખવાય ?

પ્રશ્નકર્તા : કેટલાંક લોકો તો એવી દલીલ કરે છે કે ઇંડાં બે પ્રકારનાં હોય છે, એક જીવવાળા અને બીજાં નિર્જીવવાળા. તો એ ખવાય કે નહીં ?

દાદાશ્રી : ફોરેનમાં એ લોકો દલીલ કરતા હતા કે અહિંસક ઇંડાં ! એટલે મેં કહ્યું, આ જગતમાં જીવ વગર કશું ખવાય જ નહીં. અજીવ વસ્તુ છેને, એ ખવાય જ નહીં. ઇંડામાં જો જીવ ના હોય તો ઇંડું ખવાય નહીં, એ જડ વસ્તુ થઈ ગઈ. કારણ કે જીવ ના હોય એ જડ વસ્તુ થઈ ગઈ. આપણે જીવને ખાવું હોયને તો એને આમ કાપી અને બે-ત્રણ દહાડા સુધી ઊતરી ના જાય ત્યાં સુધી જ ખવાય. આ શાકભાજી ય તોડ્યા પછી અમુક ટાઈમ સુધી જ ખવાય, પછી એ ખલાસ થઈ જાય. એટલે જીવતી વસ્તુને ખવાય. એટલે ઇંડું જો નિર્જીવ હોય તો ખવાય નહીં, સજીવ હોય તો જ ખવાય. એટલે આ લોકો જો ઇંડાંને સજીવ ના કહેતા હોય તો એ વાતો બધી હમ્બગ છે. તો શા માટે લોકોને ફસાવો છો આવું ?

એ બીજી જાતનાં ઇંડાંવાળાએ આ જગતમાં એ ઈંડાંને ક્યા રૂપમાં મૂક્યું છે તે જ અજાયબી છે. બીજી જાતના ઇંડાંવાળાને પૂછયું કે આ બીજી જાતવાળો જીવ નિર્જીવ છે કે સજીવ છે એ મને કહે. નિર્જીવ હોય તો ખવાય નહીં. આખી દુનિયાને મૂરખ બનાવી, તમે લોકો કઈ જાતનાં છો તે ?! જીવ ના હોય એ ખવાય નહીં આપણાથી, એ અખાદ્ય ગણાય છે.

પ્રશ્નકર્તા : પણ આ વેજીટેરિયન ઇંડું ફળતું નથી.

દાદાશ્રી : એ ફળતું નથી એ ડીફરન્ટ મેટર. પણ આ જીવતું છે.

એટલે આવું બધું ઠસાવી દીધું, તે આ જૈનોનાં છોકરાંને કેટલી મુશ્કેલી ! એની પર તો બધા છોકરાઓ મારી જોડે બાઝયા હતા. પછી મેં એમને સમજાવ્યું કે, 'ભઈ, આમ જરા વિચાર તો કરો. અજીવ હોય તો વાંધો જ નથી પણ અજીવ તો ખવાય જ નહીં.' પછી મેં કહ્યું, 'નહીં તો પછી બહુ જો ડાહ્યા થશો તો તમારે અનાજ કશું ખવાય નહીં. તમે નિર્જીવ ચીજ ખાવ.' ત્યારે નિર્જીવ ચીજ તો આ શરીરને કામ લાગે નહીં. એમાં વિટામીન ના હોય. નિર્જીવ જે ચીજો છે એ શરીરને ભૂખ મટાડે ખરી, પણ એમાં વિટામીન ના હોય. એટલે શરીર જીવે નહીં. જોઈતું વિટામીન ના મળે ને ! એટલે નિર્જીવ વસ્તુ તો ચાલે નહીં. ત્યારે એ છોકરાઓએ સ્વીકાર કર્યો કે આજથી એ ઇંડાં અમે નહીં ખાઈએ. સમજાવે તો લોક સમજવા તૈયાર છે અને નહીં તો આ લોકો તો એવું ઠસાવી દે છે કે બુધ્ધિ ફરી જાય.

આ બધા ઘઉં ને ચોખા ને આ બધું ખાઈએ છીએ, આવડા આવડા દૂધીયાં ખાઈ જઈએ છીએ, એ બધાં જીવો જ છે ને ! નથી જીવો ? પણ ભગવાને ખાવાની બાઉન્ડ્રી આપી છે કે આ જીવો છે તે ખાજો. પણ જે જીવ તમારાથી ત્રાસ પામતો હોય તેને મારો નહીં, એને ખાવ નહીં, એને કશું જ ના કરો.

પ્રશ્નકર્તા : આ ઇંડાં એ ત્રાસ પામતા નથી, તો એ ખાવા સારા કે નહીં ?

દાદાશ્રી : ઇંડાં ત્રાસ પામતા નથી. પણ ઇંડાંમાં અંદર જે જીવ રહ્યો છે ને, તે બેભાન અવસ્થામાં છે. પણ એ ફૂટે ત્યારે આપણને ખબર પડે કે નહીં ?

પ્રશ્નકર્તા : તરત ખબર પડે. પણ ઈંડું આઘુપાછું ના થાય ને ! તો ?

દાદાશ્રી : એ તો ના થાય. કારણ કે બેભાનપણામાં છે. એટલે થાય નહીં. એ તો મનુષ્યનો ય ગર્ભ ચાર-પાંચ મહિનાનો હોય, તે ઇંડાંની પેઠ જ હોય છે. માટે કંઈ એને મરાય નહીં. એમાંથી ફૂટે છે તો શું થાય છે, એ આપણે માણસ સમજી શકીએ છીએ.

દૂધ લેવાય ?

પ્રશ્નકર્તા : જેવી રીતે વેજીટેરિયન ઇંડું ખવાય નહીં, એવી રીતે ગાયનું દૂધ પણ ના ખવાય.

દાદાશ્રી : ઇંડુ ખવાય નહીં. પણ ગાયનું દૂધ સારી રીતે ખવાય. ગાયના દૂધનું દહીં ખવાય, અમુક માણસથી માખણે ય ખવાય. ના ખવાય એવું કંઈ નથી.

ભગવાને શા સારું માખણ નહોતું ખાવાનું કહ્યું ? તે જુદી વસ્તુ છે. તે પણ અમુક જ માણસને માટે ના કહ્યું છે. ગાયના દૂધનો દૂધપાક કરીને ખાજો નિરાંતે. એની બાસુંદી કરજો ને તો ય વાંધો નથી. કોઈ શાસ્ત્રોએ વાંધો ઉઠાવ્યો હોય તો હું તમને કહીશ કે વાંધો નથી ઉઠાવ્યો જાવ, એ શાસ્ત્ર ખોટું છે. છતાં એવું કહે છે કે વધારે ખાઈશ તો તરફડામણ થશે. એ તમારે જોવાનું. બાકી લિમિટમાં ખાજે.

પ્રશ્નકર્તા : પણ દૂધ તો વાછરડા માટે કુદરતે મૂક્યું છે. આપણા માટે નથી મૂક્યું.

દાદાશ્રી : વાત જ ખોટી છે. એ તો જંગલી ગાયો ને જંગલી ભેંસો હતી ને, તેને પાડુ ધાવે, તે બધું દૂધ પી જાય. અને આપણે ત્યાં તો આપણા લોકો ગાયને ખવડાવીને પોષે છે. એટલે વાછરડાને ધવડાવવાનું ય ખરું અને આપણે બધાએ દૂધ લેવાનું ય ખરું. અને તે આદિ-અનાદિથી આ વ્યવહાર ચાલુ છે. અને ગાયને વધારે પોષણ આપેને, તો ગાય તો ૧૫-૧૫ લિટર દૂધ આપે છે. કારણ કે એને ખવડાવવાનું જેવું સરસ ખવડાવીએ એટલું એનું દૂધ નોર્મલ જોઈએ, તેના કરતાં ઘણું વધારે હોય. એવી રીતે લેવાનું અને બચ્ચાને ભૂખ્યું મારશો નહીં.

ચક્રવર્તી રાજાઓ તો હજાર-હજાર, બબ્બે હજાર ગાયો રાખતા. એને ગોશાળા કહેતા હતા. ચક્રવર્તી રાજા દૂધ કેવું પીતા હશે ? કે હજાર ગાયો હોય ગોશાળામાં, એ હજાર ગાયોનું દૂધ કાઢે, તે સો ગાયોને પાઈ દે. એ સો ગાયોનું દૂધ કાઢવાનું, તે દસ ગાયોને પાઈ દે. એ દશ ગાયોનું દૂધ કાઢવાનું તે એક ગાયને પાવાનું અને એનું દૂધ ચક્રવર્તી રાજા પીતા હતા.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19