ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19 

ભણતરમાં હિંસા ?!

પ્રશ્નકર્તા : આ એગ્રીકલ્ચર કોલેજમાં ભણે છે, સ્ટુડન્ટ છે અહીંયા. તો કહે, અમારે અહીંયા પતંગિયા ભણવા માટે પકડવા પડે છે અને એને મારવા પડે, તો એમાં પાપ બંધાય ખરું ? પકડીએ નહીં તો અમને માર્કસ ના મલે પરીક્ષામાં, તો અમારે શું કરવું ?

દાદાશ્રી : તો ભગવાનને રોજ પ્રાર્થના કરો એક કલાક કે ભગવાન આ મારે ભાગે આવું ક્યાંથી આવ્યું, લોકોને બધાને કંઈ આવું હોય છે ?! તારે ભાગે આવ્યું તો ભગવાનને પ્રાર્થના કરવાની કે 'હે ભગવાન ક્ષમા માગું છું. હવે આવું ન આવે એવું કરજો'.

પ્રશ્નકર્તા : એટલે, આમાં જે પ્રેરણા દેનાર માસ્તર હોયને, તે અમને એવા પ્રેરે કે તમે આ પતંગિયા પકડો ને આ રીતના આલ્બમ બનાવો, તો એમને કંઈ પાપ નહીં.

દાદાશ્રી : એનો ભાગ પડે, પ્રેરણા આપે તેને સાઈઠ ટકા અને કરનારને ચાલીસ ટકા !

પ્રશ્નકર્તા : આ કોઈ પણ વસ્તુ જે થઈ રહેલી છે એ વ્યવસ્થિતના નિયમ પ્રમાણે એ બરાબર ન ગણાય ? એ નિમિત્ત થયા ને એમને કરવાનું આવ્યું. તો પછી એમને ભાગે પાપ કેમ રહે ?

દાદાશ્રી : પાપ તો એટલા જ માટે થાય છે કે આવું કામ આપણે ભાગ ના હોવું જોઈએ છતાં આપણે ભાગે આવું આવ્યું ? બકરા કાપવાનું ભાગે આવે તો સારું લાગે ?

પ્રશ્નકર્તા : સારું તો ના લાગે. પણ દાદા, કરવું જ પડે એવું હોય તો ? ફરજિયાત કરવું જ પડે, છૂટકો જ ના હોય તો શું ?

દાદાશ્રી : કરવું પડે તો...... પસ્તાવાપૂર્વક કરવું પડે તો જ કામનું છે. એક કલાક પસ્તાવો કરવો પડે રોજ, એક ફુદું બનાવી આપ જોઈએ ?! ફોરેનના સાયન્ટિસ્ટ એ બનાવી આપશે એક ફુદું ?

પ્રશ્નકર્તા : ના, એ તો શક્ય જ નહીં ને દાદા !

દાદાશ્રી : તો પછી બનાવી ના શકીએ તો પછી મારી શી રીતે શકીએ ?!

એ લોકોએ બધાએ પ્રાર્થના કરવી જોઈએ ભગવાનને, કે અમારે ભાગે આ ક્યાંથી આવ્યો, ખેતીવાડીનો ધંધો ક્યાંથી આવ્યો..... ખેતીવાડીમાં તો નરી હિંસા જ છે પણ આવી નહીં, આ તો ઉઘાડી હિંસા.

પ્રશ્નકર્તા : બહુ સરસ નમૂનો લઈ આવે મારીને, તો પાછાં ખુશ થાય કે હું કેવો મારી લાવ્યો, કેવો સરસ નમૂનો મળ્યો. તેના વધુ માર્ક મળે. કેવું સરસ મેં પકડયું !

દાદાશ્રી : ખુશ થાયને ! ત્યાં આગળ એટલું જ કર્મ લાગશે, એનું ફળ આવશે પાછું, જેટલા ખુશ થયા એટલું જ કડવાટ ભોગવવી પડશે.

નોખાં હિસાબો પાપનાં...

પ્રશ્નકર્તા : એક માણસે ઘાસ તોડ્યું, બીજા માણસે ઝાડ કાપ્યું, ત્રીજા માણસે મચ્છર માર્યું, ચોથા માણસે હાથી માર્યો, પાંચમા માણસે મનુષ્યને માર્યો. હવે એ બધામાં જીવ હત્યા તો થઈ જ પણ એનું પાપનું ફળ જુદું જુદું ને ?

દાદાશ્રી : જુદું જુદું. એવું છેને, તણખલાની કંઈ કિંમત જ નથી.

પ્રશ્નકર્તા : પણ એમાં આત્મા તો ખરો ને ?

દાદાશ્રી : એ ખરો. પણ એ પોતે જે ભોગવે છેને, તે બેભાનપણામાં ભોગવે છેને !

પ્રશ્નકર્તા : એટલે સામાના ભોગવટા ઉપર પાપ છે ?

દાદાશ્રી : સામાને ભોગવટો કેટલો છે, એનાં ઉપર આપણને પાપ લાગે.

પ્રશ્નકર્તા : બંગલાની આસપાસ પોતે પોતાનું ગાર્ડન બનાવે છે.

દાદાશ્રી : તેનો વાંધો નહીં. એટલો ટાઈમ આપણો નકામો જાય, એટલા માટે ના પાડી છે. એ જીવો માટે ના નથી પાડી.

પ્રશ્નકર્તા : પણ આપણે નિમિત્ત બન્યા કહેવાઈએ.

દાદાશ્રી : નિમિત્તનો વાંધો નહીં. જગત નિમિત્તરૂપ જ છે. એ એકેન્દ્રિય જીવોને કંઈ દુઃખ નથી દેતા આપણે. એ બધું ચાલ્યા જ કરે. એકેન્દ્રિય જીવો કે જેની ચિંતા કરવાની નથી, તેની મૂંઝવણ ઘાલી દીધી. પણ જાણી-જોઈને રસ્તે જતાં ઝાડનાં પાંદડા કામ ના હોય તો તોડશો નહીં, અનર્થકારી ક્રિયાઓ ના કરશો. અને દાતણની જરૂર હોય તો તમારે ઝાડને કહેવું કે, 'મને એક ટુકડો જોઈએ છે.' એવું માગી લેવું.

પ્રશ્નકર્તા : એક માણસ ફૂટપાથ ઉપર ચાલતો હોય, બીજો માણસ ઘાસ ઉપર ચાલતો હોય. ફેર તો ખરો જ ને ?

દાદાશ્રી : ખરું પણ એમાં બહુ લાંબો ફેર નથી. આ તો લોકોએ ઉલટું ઘાલ ઘાલ કર્યું છે. મોટી વાત રહી ગઈ ને નાની વાતો ઘાલી. લોકોની જોડે ચિઢાવું એ મોટી હિંસા કહી છે. સામાને દુઃખ થાય ને !

નિયમ, ખેતીમાં પુણ્ય-પાપનો...

પ્રશ્નકર્તા : આ ખેડૂત ખેતી કરે છે એમાં પાપ છે ?

દાદાશ્રી : બધે પાપ છે. ખેડૂત ખેતી કરે એમાં ય પાપ છે અને આ અનાજના દાણાનો ધંધો કરે એ બધા ય પાપ છે. દાણામાં જીવડાં પડે કે ના પડે ? અને લોક જીવડાં સાથે બાજરો વેચે છે. અરે, જીવડાંના ય પૈસા લીધા ને તે ખાધા ?!

પ્રશ્નકર્તા : પણ ખેતી કરનારને એક છોડને ઉછેરવો પડે છે અને બીજા છોડને ઉખેડવો પડે છે. તો ય એમાં પાપનો ભાર ખરો કંઈ ?

દાદાશ્રી : ખરો ને !

પ્રશ્નકર્તા : તો ખેડૂત ખેતી કેવી રીતે કરે ?

દાદાશ્રી : એ તો એવું છે ને, એક કાર્ય કરો તેમાં પુણ્ય ને પાપ બંને ય સમાયેલું હોય. આ ખેડૂત ખેતી કરે, તે બીજા છોડવાને ઉખેડી નાખે ને પેલા કામના છોડવાને રાખે, એટલે એને ઉછેરે છે. જેને ઉછેરે છે, એમાં એને બહુ પુણ્ય બંધાય અને જેને કાઢી નાખે છે, એનું એને પાપ બંધાય છે. આ પાપ પચ્ચીસ ટકા બંધાય ને પુણ્ય એને પંચોત્તર ટકા બંધાય પછી પચાસ ટકાનો ફાયદો થયો ને !

પ્રશ્નકર્તા : તો એ પાપ અને પુણ્ય 'પ્લસ-માઈનસ' થઈ જાય ?

દાદાશ્રી : ના. એ 'પ્લસ-માઈનસ' કરવામાં નથી આવતું. ચોપડે તો બેઉ લખાય. 'પ્લસ-માઈનસ' થઈ જતું હોય ને, તો તો કોઈને ત્યાં જરાય દુઃખ ના હોય. તો તો કોઈ મોક્ષે જ ના જાત. એ તો કહેત, 'અહીં સારું છે, કાંઈ દુઃખ નથી.' લોકો તો બહુ પાકાં હોય. પણ એવું કશું બને નહીં.

અને જગત આખું તો પાપમાં જ છે ને પુણ્યમાં ય છે. પાપની જોડે જોડે પુણ્યૈ પણ થાય છે. પણ ભગવાને શું કહ્યું કે લાભાલાભનો વેપાર કરો.

સ્પેશ્યલ પ્રતિક્રમણ, ખેડૂતો માટે !

પ્રશ્નકર્તા : આપની ચોપડીમાં વાંચ્યું કે 'મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના હો' એવું વાંચ્યું, પણ એક બાજુ અમે ખેડૂત રહ્યા, તે તમાકુનો પાક પકવીએ ત્યારે અમારે ઉપરથી દરેક છોડની કૂંપણ, એટલે એની ડોક તોડી જ નાખવી પડે. તો આનાથી એને દુઃખ તો થયું ને ? એનું પાપ તો થાય જ ને ? આવું લાખો છોડવાઓનું ડોકું કચડી નાખીએ છીએ. તો આ પાપનું નિવારણ કેવી રીતના કરવું ?

દાદાશ્રી : એ તો મહીં મનમાં એમ થવું જોઈએ કે બળ્યો આ ધંધો કંઈથી ભાગે આવ્યો ? બસ એટલું જ. છોડવાની કૂંપણ કાઢી નાખવાની. પણ મનમાં આ ધંધો ક્યાંથી ભાગમાં આવ્યો, એવો પશ્ચાત્તાપ થવો જોઈએ. આવું ના કરવું જોઈએ એવું મનમાં થવું જોઈએ, બસ.

પ્રશ્નકર્તા : પણ આ પાપ તો થવાનું જ ને ?

દાદાશ્રી : એ તો છે જ. એ જોવાનું નહીં, એ તમારે જોવાનું નહીં. થયા કરે છે એ પાપ જોવાનું નહીં. આ નહીં થવું જોઈએ એવું તમારે નક્કી કરવાનું, નિશ્ચય કરવો જોઈએ. આ ધંધો ક્યાં મળ્યો ? બીજો સારો મળ્યો હોત તો આપણે આવું કરત નહીં. પેલો પશ્ચાત્તાપ ના થાય. આ ના જાણ્યું હોય ને ત્યાં સુધી પશ્ચાત્તાપ ના થાય. ખુશી થઈને છોડવાને ફેંકી દે. સમજણ પડે છે તમને ? અમારા કહ્યા પ્રમાણે કરજોને, તમારી બધી જવાબદારી અમારી. છોડવો ફેંકી દો તેનો વાંધો નથી, પશ્ચાત્તાપ થવો જોઈએ કે આ ક્યાંથી આવ્યું મારે ભાગે ?

પ્રશ્નકર્તા : સમજ્યો.

દાદાશ્રી : આ ખેડૂત કરતાં વેપારીઓ પાપ વધારે કરે છે અને વેપારીઓ કરતાં આ ઘેર બેસી રહે છે તે બહુ પાપ કરે છે મૂઆ. પાપ તો મનથી થાય છે, શરીરથી પાપ થાય નહીં. તમારે વાત સમજવાની. આ બીજા લોકોને સમજવાની જરૂર નહીં. તમારે તમારા પૂરતી સમજવાની. બીજા લોકો જે સમજે છે એ જ બરોબર છે.

પ્રશ્નકર્તા : કપાસમાં દવા છાંટવી પડે છે તો શું કરવું ? એમાં હિંસા તો થાય જ ને ?

દાદાશ્રી : નાછૂટકે જે જે કાર્ય કરવું પડે, તે પ્રતિક્રમણ કરવાની શરતે કરવું.

તમને આ સંસાર વ્યવહારમાં કેમ ચાલવું તે ના આવડે. એ અમે તમને શીખવાડીએ. એટલે નવાં પાપ બંધાય નહીં.

ખેતરમાં તો ખેતીવાડી કરે એટલે પાપ બંધાય જ. પણ એ બંધાય તેની સાથે અમે તમને દવા આપીએ કે આવું બોલજો. એટલે પાપ ઓછાં થઈ જાય. અમે પાપ ધોવાની દવા આપીએ. દવા ના જોઈએ ? ખેતરમાં ગયા એટલે ખેડો - કરો, એટલે પાપ તો થવાનાં જ. મહીં કેટલાંય જીવો માર્યા જાય. આ શેરડી કાપો તો પાપ કહેવાય નહીં ? એ જીવો જ છે ને બિચારાં ? પણ એનું શું કરવાનું એ અમે તમને સમજાવીએ, એટલે તમને દોષ ઓછાં બેસે અને ભૌતિક સુખો સારી રીતે ભોગવો.

ખેતીવાડીમાં જીવજંતુ મરે, તેનો દોષ તો લાગે ને ? એટલે ખેતીવાડીવાળાએ દરરોજ પાંચ-દસ મિનિટ ભગવાન પાસે પ્રાર્થના કરવી કે આ દોષ થયા તેની માફી માગું છું. ખેડૂત હોય તેને કહીએ કે તું આ ધંધો કરું છું, તેનાં જીવો મરે છે. તેનું આ રીતે પ્રતિક્રમણ કરજે. તું જે ખોટું કરું છું, તેનો મને વાંધો નથી. પણ તેનું તું આ રીતે પ્રતિક્રમણ કર.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19