ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19 


તપો, પ્રાપ્ત તપો...

પ્રશ્નકર્તા : પણ માકણ ચટકો ભરે તેનું શું ?

દાદાશ્રી : પણ એનો ખોરાક જ લોહી છે. એને કંઈ આપણે ખીચડી આપીએ તો ખાય ? એને બહુ ઘી નાખીને ખીચડી આપીએ તો ય ખાય ? ના. એનો ખોરાક જ 'બ્લડ' છે.

પ્રશ્નકર્તા : પણ એને કરડવા દેવો એ વ્યાજબી નથી જ ને ?!

દાદાશ્રી : પણ અપવાસ કરીને મહીં લ્હાય બળે છે તે ચલાવી લેવી ?! ત્યારે આ તપ કરો ને !! આ તપ તો પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. જાતે ઊભા કરેલાં તપ શું કરવા કરો છો ?! આવી પડેલાં તપ કરો ને ! એ આવી પડેલાં તપ એ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે અને ઊભાં કરેલાં તપ એ સંસારનું કારણ છે.

પ્રશ્નકર્તા : હા, બહુ મઝાની વાત કહી. પેલું બહુ તાણીને તપ કરીએ છીએ, એના કરતાં આ જે આવી પડે તે તપ થવા દો.

દાદાશ્રી : હા, પેલું તો આપણે ખેંચીને લાવીએ છીએ અને આ તો પ્રાપ્ત છે, આવી પડેલું છે નિરાંતે ! આપણે બીજાને કંઈ બોલાવવા નથી જતા. જેટલા માકણ આવ્યા હોય એટલા જમો નિરાંતે, તમારું ઘર છે ! તે જમાડીને મોકલીએ.

માતાએ સંસ્કાર્યો અહિંસા ધર્મ !

અમારાં મધર મારાથી છત્રીસ વર્ષ મોટાં. મેં મધરને પૂછયું કે, 'ઘરમાં માકણ થયા છે તે તમને કૈડતા નથી ?' ત્યારે મધર કહે છે, ''ભઈ, કૈડે તો ખરા. પણ એ ઓછું કંઈ ફજેટીયું લઈને આવે છે બીજાં બધાંની જેમ કે 'આપો, અમને માબાપ ?' એ બિચારો કશું વાસણ લઈને આવતા નથી અને એનું ખાઈને પાછો ચાલ્યો જાય છે !'' મેં કહ્યું, ધન્ય છે માજી ને ! અને આ દિકરાને ય ધન્ય છે !!

કોઈને ઢેખાળો મારીને આવ્યો હોઉં ને, તો માજી મને શું કહે ? 'એને લોહી નીકળશે. એની મા નથી તો એને બિચારાને દવા કોણ કરશે ? અને તારે તો હું છું. તું માર ખાઈને આવજે, હું તને દવા કરી આપીશ. માર ખાઈને આવજે, પણ મારીને ના આવીશ.' બોલો હવે, એ મા મહાવીર બનાવે કે ના બનાવે ?!

પ્રશ્નકર્તા : અત્યારે તો બધું ઊંધું છે. અત્યારે તો કહેશે, જો માર ખાઈને આવ્યો છે તો !

દાદાશ્રી : આજે નહીં, પહેલેથી જ ઊંધું. અત્યારે આ કાળને લઈને કંઈ ફેર નથી. એ તો પહેલેથી અવળું હતું. આવું જ છે આ જગત ! આમાંથી જેને ભગવાન મહાવીરના શિષ્ય થવું હોય તે થઈ શકે છે, નહીં તો લોકોના શિષ્ય તો થવું જ પડશે. એ ગુરુ, એ બોસ ને આપણે એના શિષ્ય. માર ખાયા જ કરો ને ! એના કરતાં મહાવીર ભગવાન આપણા બોસ તરીકે સારા, એ વીતરાગ તો ખરા. લઢે-કરે નહીં !

સફાઈ રાખો, દવા ના છાંટો !

કેટલાંક માકણ મારે-કરે નહીં, પણ ગોદડાં ને એ બધું બહાર તડકામાં સૂકવે. પણ મેં તો તે ય અમારે ઘેર ના કહેલું, ગોદડાં સૂકવવાની ના પાડી હતી. મેં કહ્યું, 'તાપમાં શું કરવા બિચારા માકણને હેરાન કરો છો ?' ત્યારે એ કહે, 'ત્યારે એનો ક્યારે પાર આવશે ?' મેં કહ્યું, 'માકણ મારવાથી માકણની વસ્તી ઘટી જતી નથી. એ એક અણસમજણ છે કે માકણ મારવાથી ઓછા થાય છે. મારવાથી ઓછા ના થાય. ઓછા લાગે ખરા, પણ બીજે દહાડે એટલાં ને એટલાં જ હોય.'

માટે આપણે તો સાફસૂફી બધી રાખવી જોઈએ. સાફસૂફી થાય તો માકણ ઊભા ના રહે. પણ એની ઉપર દવા છાંટે તો એ ગુનો જ કહેવાય ને ! અને દવાઓથી મરતા નથી. એક ફેરો મરી ગયેલા દેખાય છે, પણ ફરી બીજી જગ્યાએ ઉત્પન્ન થાય છે. માકણનો એક નિયમ હોય છે. મેં શોધખોળ કરેલી આના ઉપર, કે અમુક કાળે એક પણ દેખાતો નથી. કારણ કે આ અમુક કાળવર્તી છે અને જ્યારે એની સિઝન આવે ને ઉભરાય, ત્યારે ગમે તેવી દવા નાખો તો યે ઉભરાયા જ કરશે.

પતાવો પેમેન્ટ પટોપટ !

પ્રશ્નકર્તા : એ માકણ એનો હિસાબ હોય એટલું જ લેને ?

દાદાશ્રી : અમે તો પહેલેથી પેમેન્ટ ચૂકવી દીધેલું, તે અત્યારે બહુ ભેગા થતાં નથી. પણ અત્યારે ય માકણ કોઈ વખત અમારી પાસે આવી જાય તો ય તે અમને ઓળખે કે આ અહીં કશું મારવાના નથી, પજવવાના નથી. અમને ઓળખે. એ અંધારામાં ય અમારા હાથમાં જ આવે. પણ એ જાણે કે અમને છોડી દેશે. અમને ઓળખે. બીજા બધા જીવને પણ ઓળખે કે આ નિર્દય છે, આ આવો છે. કારણ કે એની મહીં યે આત્મા છે. તો કેમ ના ઓળખે ?!

અને આ હિસાબ તો ચૂકતે કર્યા સિવાય છૂટકો જ નથી. જેનાં જેનાં લોહી પીધાં હશેને, તે એને લોહી પાવાં પડશે. એવું છે ને, પેલી બ્લડ બેન્ક હોય છે ને ? એવી આ માકણ બેન્ક કહેવાય. કોઈ બે લઈને આવ્યો હોય તો બે લઈને જાય. એવું આ બધું બેન્ક કહેવાય, તો બેન્કમાં બધું જમે થઈ જાય.

એ લોહી પીવે કે છોડાવે દેહભાવ ?

એટલે માકણ કૈડતો હોય તો એને ભૂખ્યો ના જવા દેવાય. આપણે આટલા શ્રીમંત માણસને ત્યાંથી એ ગરીબ માણસ ભૂખ્યો જાય એ કેમ પોષાય ?

અને મારું કહેવાનું કે આપણને ના પોષાય તો એને બહાર મૂકી આવવા. આપણને પોષાવું જોઈએ, એને જમાડવાની શક્તિ હોવી જોઈએ. એ શક્તિ ના હોય તો બહાર મૂકી આવવા કે ભઈ, તમે બીજી જગ્યાએ જમી આવો. અને જમાડવાની શક્તિ હોય તો જમાડીને જવા દેવા. અને એ જમીને જશે તો તમને બહુ લાભ આપીને જશે. આત્મા મુક્ત કરી દેશે. દેહમાં જરા ભાવ રહ્યો હશે તે છૂટી જશે. અને આ માકણ શું કહે છે ? 'તમે ઊંઘો છો શું જોઈને ? તમારું કંઈ કામ કરી લો ને !' એટલે એ તો ચોકીદાર છે.

નથી એ કાનૂનની બહાર !

પ્રશ્નકર્તા : અને આ મચ્છરો બહુ ત્રાસ આપે છે તે ?

દાદાશ્રી : એવું છેને, આ જગતમાં કોઈ પણ વસ્તુ ત્રાસ આપે ને, એ કાયદાની બહાર કોઈ ત્રાસ આપી શકે એમ છે જ નહીં. એટલે એ કાયદાની બહાર નથી. તમે કાયદેસર ત્રાસ પામી રહ્યા છો. હવે તમારે બચવું હોય તો તમે મચ્છરદાની રાખો. બીજું રાખો, સાધનો કરો. પણ એને મારવું એ ગુનો છે.

પ્રશ્નકર્તા : બચાવ કરવો, મારવું નહીં.

દાદાશ્રી : હા, બચાવ કરવો.

પ્રશ્નકર્તા : પણ મચ્છરને મારીએ અને 'શ્રીરામ' કહીએ તો એની ગતિ ઊંચી જાય ?

દાદાશ્રી : પણ તે આપણી અધોગતિ કરે. કારણ કે એ ત્રાસ પામે છે.

પ્રશ્નકર્તા : સંતોને મચ્છર કરડે કે નહીં ?

દાદાશ્રી : ભગવાનને કૈડ્યા હતા ને ! મહાવીર ભગવાનને તો બહુ કૈડ્યા હતા. હિસાબ ચૂકવ્યા વગર રહે નહી ને !

આપણા જ હિસાબો !

એટલે એક મચ્છરું અડે છે એ ગપ્પું નથી. તો બીજી કઈ વસ્તુ ગપ્પામાં ચાલે ?! અને પાછું અહીં આગળ પગે એને અડવું હોય તો ય ના અડાય, અહીં હાથે જ અડે ત્યારે જ મેળ પડે, આ જગ્યા જ ! આટલું બધું ગોઠવણીવાળું આ જગત છે. એટલે આ જગત કંઈ ગપ્પું છે ? બિલકુલ 'રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ' છે અને વર્લ્ડને નિરંતર 'રેગ્યુલેશન'માં જ રાખે છે અને આ બધું હું જાતે જોઈને કહું છું.

ન કરાય કયાંય, હીટલરીઝમ !

વર્લ્ડમાં કોઈ તમને ડખોડખલ કરી શકે એવી સ્થિતિમાં જ નથી. માટે વર્લ્ડનો દોષ કાઢશો નહીં, તમારો જ દોષ છે. તમે જેટલી ડખલ કરી છે તેનાં જ આ પડઘા છે. તમે ડખલ ના કરી હોય, તેનો પડઘો કોઈ તમને વાગે નહીં.

એટલે એક મચ્છર પણ તમને અડી ના શકે, જો તમે ડખલ ના કરો તો. આ પથારીમાં નર્યા માકણ છે ને ત્યાં તમને સુવાડે અને જો તમે ડખલ વગરના હો તો એકુંય માકણ તમને અડે નહીં. શું કાયદો હશે આની પાછળ ? આ તો માકણ માટે લોકો વિચાર કરવાના ને, કે 'એય, વીણી નાખો, આમ કરો, તેમ કરો ?' એવી ડખલ કરે છે ને, બધા ? અને દવા ફેંકે ખરા ? હિટલરીઝમ જેવું કરે ? કરે ખરાં એવું ? તો ય માકણ કહે છે, 'અમારી વંશ નાશ નહીં થવાની. અમારી વંશ વધતી જવાની.'

એટલે જો તમારી ડખોડખલ બંધ થઈ જશે તો બધું સાફ થઈ જશે. ડખલ ના હોય તો કશું કૈડે એવું નથી આ જગતમાં. નહીં તો આ ડખોડખલ કોઈને છોડે નહીં.

હંમેશાં ય હિસાબ ચૂકતે થયો ક્યારે કહેવાય ? મચ્છરોની વચ્ચે બેઠો હોય તો ય મચ્છર ના અડે ત્યારે ચૂકતે થયું કહેવાય. મચ્છર એનો સ્વભાવ ભૂલી જાય. માકણ એનો સ્વભાવ ભૂલી જાય. અહીં આગળ કોઈ માર માર કરતો આવ્યો હોય ને, પણ મને દેખે તો એ મારવાનું ભૂલી જાય. એના વિચારો જ બધા ફરી જાય, એને અસર થાય, અહિંસાની એટલી બધી ઈફેક્ટ થાય.

મચ્છરને ખબર નથી કે હું ચંદુભાઈ પાસે જાઉં છું કે ચંદુભાઈને ખબર નથી કે આ મચ્છર મારી પાસે આવે છે. આ 'વ્યવસ્થિત' સંયોગકાળ બધું એવું કરી આપે છે કે બન્નેને ભેગાં કરી આપીને બેઉનો ભાવ ચૂકવી અને છૂટા પડી જાય પછી. એટલું બધું આ 'વ્યવસ્થિત' છે ! એટલે મચ્છર હવામાં ખેંચાતું ખેંચાતું અહીં લાવે અને પાછો ચટકો મારીને હવામાં ખેંચાઈ જાય. પછી ક્યાંય એ માઈલ દૂર ગયું હોય ! જે વાંકો થાય તેને ફળ આપે પાછુ.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19