ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19 

શંકા ત્યાં લગી દોષ !

'આ' જ્ઞાન પછી પોતે શુધ્ધાત્મા થઈ ગયો. હવે દરઅસલ શુધ્ધાત્મા સમજમાં આવે તો કોઈ પણ જાતની હિંસા કે કશું અશુભ કરે, એ પોતાના ગુણધર્મમાં છે જ નહીં. એને શુધ્ધાત્માનું લક્ષ પૂરેપૂરું છે. પણ જ્યાં સુધી હજુ પોતાને શંકા પડે છે કે મને દોષ બેઠો હશે ! જીવ મારાથી વટાઈ ગયો ને મને દોષ બેઠો છે એવી શંકા પડે છે ત્યાં સુધી સવારના પહોરમાં પોતે નિશ્ચય કરીને નીકળવું. 'કોઈ જીવને મન-વચન-કાયાથી કિંચિત્માત્ર દુઃખ ના હો' એવું પાંચ વખત બોલીને નીકળો, એવું 'આપણે' 'ચંદુભાઈ' પાસે બોલાવડાવવું. એટલે આપણે આવું સહેજ કહેવું કે ચંદુભાઈ, બોલો, સવારના પહોરમાં ઊઠતાંની સાથે, 'મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો, એ અમારી દ્રઢ પ્રતિજ્ઞા છે.' અને એવું 'દાદા ભગવાન'ની સાક્ષીએ બોલીને નીકળ્યા કે પછી બધી જવાબદારી 'દાદા ભગવાન'ની.

અને જો શંકા ના પડતી હોય તો એને કશો વાંધો નહીં. અમને શંકા પડે નહીં અને તમને શંકા પડે એ સ્વાભાવિક છે. કારણ કે તમને તો આ આપેલું જ્ઞાન છે. એક માણસે લક્ષ્મી જાતે કમાઈને ભેગી કરેલી હોય અને એક માણસને લક્ષ્મી આપેલી હોય, એ બેના વ્યવહારમાં બહુ ફેર હોય !

ખરી રીતે જ્ઞાની પુરુષે જે આત્મા જાણ્યો છે ને, એ આત્મા તો કોઈને ય કિંચિત્માત્ર કશું દુઃખ ના દે એવો છે અને કોઈ એને કિંચિત્માત્ર દુઃખ ન દે એવો એ આત્મા છે. ખરી રીતે મૂળ આત્મા એવો છે.

વેદક ! નિર્વેદક !! સ્વસંવેદક !!!

એક માણસ મને પૂછતો હતો. એ મને કહે છે, 'આ મચ્છરાં કૈડે એ શી રીતે પોષાય ?' ત્યારે મેં કહ્યું, 'ધ્યાનમાં બેસજે. મચ્છરાં કૈડે તો જોજે.' ત્યારે એ કહે છે, 'એ તો સહન નથી થતું.' ત્યારે મેં કહ્યું, 'એવું બોલજે કે હું નિર્વેદ છું. હવે વેદક સ્વભાવ મારો નથી, હું તો નિર્વેદ છું. એટલે થોડે અંશે તું પાછો તારા હોમ ડિપાર્ટમેન્ટ ભણી આવ્યો. એમ કરતો કરતો એવું સો-બસ્સો વખત તને મચ્છરાં કૈડે, એમ કરતું કરતું પોતે નિર્વેદ થઈ જશે.' નિર્વેદ એટલે શું ? જાણનાર ખાલી, કે 'મચ્છરું આ અહીં આગળ કૈડ્યું.' પોતે વેદ્યું નહીં, એ નિર્વેદ ! ખરેખર પોતે વેદતો જ નથી પણ વેદે છે એ પૂર્વ અભ્યાસ છે. પૂર્વનો અભ્યાસ છે ને, તેથી એ બોલે છે કે 'આ મને કૈડ્યું.' એટલે ખરેખર પોતે નિર્વેદ જ છે. પણ આપણે આ સત્સંગમાં બેસી બેસીને એ પદ સમજી લેવાનું છે, એ આખું પદ સમજી લેવાનું છે કે આત્મા ખરી રીતે આવો છે. માટે અત્યારે આપણે શુધ્ધાત્માપદથી ચલાવી લેવાનું. એટલું બોલીએ તો ય એને કર્મ આવતા બંધ થઈ ગયા. એ આરોપિત ભાવથી છૂટ્યો એટલે કર્મ બંધાતા અટકી ગયાં.

પ્રશ્નકર્તા : આ મચ્છર કૈડ્યું હોય તો ય 'હું વેદક નથી' કહેવું ?

દાદાશ્રી : હા, આ તમે આમ બેઠા હોય અને અહીં હાથે મચ્છર બેઠું. એટલે 'બેઠું' એ તમને પહેલો અનુભવ થાય. એ તમને જાણપણું થાય. આ મચ્છર બેઠું તે ઘડીએ જાણપણું હોય છે કે વેદકપણું હોય છે ? તમને શું લાગે છે ?

પ્રશ્નકર્તા : બેઠું હોય તે વખતે તો જાણપણું જ થાય.

દાદાશ્રી : હા, પછી એ ડંખ મારે છે તે ઘડીએ પણ જાણપણું છે. પણ પછી 'મને મચ્છર કૈડ્યું, મને કૈડ્યું' કહે છે એટલે એ વેદક થાય છે. હવે ખરેખર પોતે નિર્વેદ છે, એટલે મચ્છર ડંખ મારે તે ઘડીએ આપણે કહેવું કે, 'હું તો નિર્વેદ છું.' પછી ડંખ ઊંડો જાય ત્યારે આપણે ફરી કહેવું, 'હું નિર્વેદ છું.'

પ્રશ્નકર્તા : હવે આપે નિર્વેદની વાત કરી. પણ બીજો એક શબ્દ વાપરેલો છે કે સ્વસંવેદન હોય છે.

દાદાશ્રી : સ્વસંવેદન તો ના બોલાય. એ તો બહુ ઊંચી વસ્તુ છે. સ્વસંવેદન એ તો છેલ્લી વાત કહેવાય. અત્યારે તો આપણે 'હું નિર્વેદ છું' બોલવું કે જેથી આ વેદના ઓછી થાય. મારું શું કહેવાનું કે તો ય વેદના એકદમ જાય નહીં. અને સ્વસંવેદન તો 'જ્ઞાન' જ થયું કહેવાય. એને 'જાણે' જ ! છો ને ડંખ વાગે, જબરજસ્ત ડંખ વાગે તો ય એને જાણ્યા જ કરે, વેદે જ નહીં. એ સ્વસંવેદન કહેવાય.

પ્રશ્નકર્તા : પણ આ મચ્છર જે કૈડ્યું અને એની જે પ્રતિક્રિયા થઈ કે 'આ મને મચ્છર કૈડ્યું.' તે પ્રતિક્રિયાને પણ સ્વસંવેદનમાં જાણે !

દાદાશ્રી : હા, તેને ય જાણે.

પ્રશ્નકર્તા : પણ આપે કહ્યું કે, 'હું વેદતો નથી, વેદતો નથી' કહીએ એટલે લોક એવું સમજે કે વેદનતા જતી રહી.

દાદાશ્રી : ના, એવું નથી. વેદનતાને પણ એ જાણે. પણ એટલું બધું માણસોનું ગજુ નથી. એટલે 'હું નિર્વેદ છું' એવું બોલને, તો એને અસર ના થાય. 'આત્મા'નો સ્વભાવ નિર્વેદ છે. આ બોલે એટલે 'એને' કશું અસર ના થાય. પણ સ્વસંવેદન એ ઊંચી વસ્તુ છે. એ જો જાણતો જાય તો સ્વસંવેદનમાં જાય. એમાં તો એણે જાણવાનું જ કે આ ડંખ વાગ્યો. એને જ જાણ્યું. પછી એ ડંખ ઊડી ગયો તેને પણ જાણ્યું. એમ કરતો કરતો સ્વસંવેદનમાં જાય. પણ નિર્વેદ તો એ એક સ્ટેપ છે કે અકળામણ સિવાય એ સહન કરી શકે.

પ્રશ્નકર્તા : આત્મા જ સ્વસંવેદનથી જણાય ને ?

દાદાશ્રી : આત્મા પોતે સ્વસંવેદન જ છે. પણ તમને 'આ' જ્ઞાન લીધું છે છતાં પાછલો અહંકાર ને મમતા જાય નહીં ને, હજુ !

પ્રશ્નકર્તા : સ્વસંવેદનશીલ છે, તેનું દર્શન સમગ્ર હોય ને ?

દાદાશ્રી : સમગ્ર હોય. પણ એ દશા હજુ આ કાળમાં નથી થાય એવી. એટલે સ્વસંવેદન એટલું કચાશ રહે છે. સંપૂર્ણ સ્વસંવેદન થઈ શકતું નથી આ કાળમાં. સમગ્ર દશા તો કેવળજ્ઞાન થાય ત્યારે થાય.

'લાઈટ'ને કાદવ રંગે ?

તમને આત્માના પ્રકાશની ખબર નહીં હોય ? આ મોટરની લાઈટનો પ્રકાશ આ વાંદરાની ખાડીમાં જાય, તો એ પ્રકાશને ગંધ અડે કે ના અડે ? અગર તો એ પ્રકાશ છે તે ખાડીનાં રંગવાળો થાય ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : ત્યારે કાદવવાળો થાય ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : આ પ્રકાશ કાદવને અડે, પણ કાદવ એને અડે નહીં. તો આ મોટરનો પ્રકાશ આવો છે, તો આત્માનો પ્રકાશ કેવો હશે !! એને કોઈ જગ્યાએ લેપ જ ના ચઢે !! તેથી આત્મા નિરંતર નિર્લેપ જ હોય છે, અસંગ જ રહે છે ! કશું અડે જ નહીં, ચોંટે જ નહીં એવો આત્મા છે !!!

એટલે આત્મા તો લાઈટ સ્વરૂપ છે પણ આવું લાઈટ નથી એ. એ પ્રકાશ મેં જોયેલો છે, તે પ્રકાશ છે !! આ મોટરની લાઈટનો પ્રકાશ તો ભીંતથી અંતરાય. ભીંત આવીને એટલે એ પ્રકાશ અંતરાય. 'પેલો' પ્રકાશ ભીંતથી અંતરાય એવો નથી. ફક્ત આ પુદ્ગલ જ એવું છે કે જેનાથી તે અંતરાય, ભીંતથી ના અંતરાય. વચ્ચે ડુંગર હોય તો અંતરાય નહીં.

પ્રશ્નકર્તા : પુદ્ગલમાં કેમ અંતરાય ?

દાદાશ્રી : આ પુદ્ગલ છેને, તે મહીં મિશ્રચેતન છે. જો જડ હોતને તો ના અંતરાત. પણ આ મિશ્રચેતન છે તેથી અંતરાય છે.

પ્રશ્નકર્તા : આ ખાડીનો અને પ્રકાશનો દાખલો આપ્યો તે બહુ જ સચોટ છે.

દાદાશ્રી : હા, પણ એ અમે આપીએ જ કોઈક દહાડો. નહીં તો ના અપાય. આ દાખલો બધાને અપાય નહીં. નહીં તો લોક અવળે રસ્તે ચઢી જાય.

ન અડે હિંસા, આત્મસ્વરૂપીને !

હવે આ રોડ ઉપર ચંદ્રમાનું અજવાળું હોય તો પેલી આગળની લાઈટ ના હોય, તો ગાડી ચલાવે કે ના ચલાવે લોકો ?

પ્રશ્નકર્તા : ચલાવે.

દાદાશ્રી : તો એને કશી શંકા ના પડે. પણ લાઈટ થાય ત્યારે શંકા પડે. બહાર આગળ લાઈટ હોય તો એ અજવાળામાં એને દેખાય કે ઓહોહો, આટલાં બધાં જીવડાં ફરે છે ને ગાડી જોડે અથડાય છે તે બધાં મરી જાય છે. પણ ત્યાં એને શંકા પડે છે કે મેં જીવહિંસા કરી.

હા, તે લોકોને લાઈટ નામે ય નથી, એટલે એને જીવડાં દેખાતાં જ નથી. એટલે એમને આ બાબતમાં શંકા જ ના પડે. જીવ વટાય છે એવું ખબર જ ના પડે ને ! પણ જેને જેટલું અજવાળું થાય એટલા જીવ દેખાતા જાય. લાઈટ જેમ જેમ વધે તેમ તેમ લાઈટમાં જીવડાં દેખાતાં જાય કે જીવડાં ગાડીને અથડાય છે ને મરી જાય છે. એવું જાગૃતિ વધતી જાય તેમ પોતાના દોષ દેખાય. નહીં તો લોકોને તો પોતાના દોષ દેખાતા જ નથી ને ? આત્મા એ લાઈટ સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, એ આત્માને અડીને કોઈ જીવને કશું દુઃખ થતું નથી. કારણ કે જીવોની ય આરપાર નીકળી જાય એવો આત્મા છે. જીવો સ્થૂળ છે ને આત્મા સૂક્ષ્મતમ છે ! એ 'આત્મા' અહિંસક જ છે. જો એ આત્મામાં રહો તો 'તમે' અહિંસક જ છો. અને જો દેહના માલિક થશો તો હિંસક છો. એ આત્મા જાણવા જેવો છે. એવો આત્મા જાણે, પછી એને શી રીતે દોષ બેસે ?! શી રીતે હિંસા અડે ?! એટલે આત્મસ્વરૂપ થયા પછી કર્મ બંધાય જ નહીં.

પ્રશ્નકર્તા : પછી જીવહિંસા કરે તો ય કર્મ ના બંધાય !

દાદાશ્રી : હિંસા થાય જ નહીં ને ! 'આત્મસ્વરૂપ'થી હિંસા જ થાય નહીં. 'આત્મસ્વરૂપ' 'જે' થયો, હિંસા એનાથી થાય જ નહીં.

એટલે આત્મજ્ઞાન થયા પછી કોઈ કાયદા અડતાં નથી. જ્યાં સુધી દેહાધ્યાસ છે ત્યાં સુધી બધા કાયદા છે અને ત્યાં સુધી જ બધાં કર્મ અડે છે. આત્મજ્ઞાન થયા પછી કોઈ શાસ્ત્રનો કાયદો અડતો નથી, કર્મ અડતું નથી, હિંસા કે કશું અડતું નથી.

પ્રશ્નકર્તા : અહિંસા ધર્મ કેવો છે ? સ્વયંભૂ ?

દાદાશ્રી : સ્વયંભૂ નથી. પણ અહિંસા આત્માનો સ્વભાવ છે અને હિંસા એ આત્માનો વિભાવ છે. પણ ખરેખર સ્વભાવ નથી આ. મહીં અંદર કાયમને માટે રહેનારો સ્વભાવ ન્હોય આ. કારણ કે એવું તો ગણવા જઈએ તો બધા બહુ સ્વભાવ હોય. એટલે આ બધા દ્વન્દ્વો છે.

એટલે વાતને જ સમજવાની જરૂર છે. આ 'અક્રમ વિજ્ઞાન' છે. આ વીતરાગોનું, ચોવીસ તીર્થંકરોનું વિજ્ઞાન છે ! પણ તમે સાંભળ્યું નથી એટલે તમને અજાયબી લાગે કે આવું વળી નવી જાતનું તો હોતું હશે ?! એટલે ભડકાટ પેસે. ને ભડકાટ પેસે એટલે કાર્ય ન થાય. ભડકાટ છૂટે તો કાર્ય થાય ને !

એ આત્મસ્વરૂપ તો એટલું સૂક્ષ્મ છે કે અગ્નિ અંદર આરપાર નીકળી જાય તો ય કશું ના થાય. બોલો હવે, ત્યાં આગળ હિંસા શી રીતે અડે ? આ તો પોતાનું સ્વરૂપ સ્થૂળ છે, એવું જેને દેહાધ્યાસ સ્વભાવ છે ત્યાં આગળ એને હિંસા અડે. એટલે એમ થતું હોય, આત્મસ્વરૂપને હિંસા અડતી હોય તો તો કોઈ મોક્ષે જ ના જાય. પણ મોક્ષની તો બહુ સુંદર વ્યવસ્થા છે. આ તો અત્યારે તમે જે જગ્યાએ બેઠા છો ત્યાં રહીને એ બધી વાત સમજાય નહીં, પોતે આત્મસ્વરૂપ થયા પછી બધું સમજાઈ જાય, વિજ્ઞાન ખુલ્લું થઈ જાય !!!!

- જય સચ્ચિદાનંદ

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19