ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19

મા-બાપછોકરાનોવ્યવહાર

(૧૦)

શંકાનાં શૂળ !

છોડી પર શંકા, મારી નાખે જાતને;

શંકા પડતાં જ મૂળથી કાઢને !

શંકાથી આખું જગત સપડાયું છે. હું તો એટલું કહી દઉં. જે વ્યવસ્થિત છે એને કોઈ ફેરવી શકવાનું નથી. એક ભઈ એની છોકરી સંબંધી વાત કરતા'તા. તે મને કહે છે, 'આ બીજી નાતનો છોકરો મારી છોકરી જોડે ફરે છે ને એ બધું, મને રાતે ઊંઘ નથી આવતી.' મેં કહ્યું, 'કેમ નથી આવતી ?' ના ઊંઘું તેથી કંઈ આ છૂટી જશે ?

પ્રશ્નકર્તા : ના છૂટે.

દાદાશ્રી : મેં કહ્યું, 'આ શંકા કાઢી નાખ.' કારણ કે ચાર છોડીઓનો બાપ હોય અને તે પાછો બ્રિલિયન્ટ હોય, જાગ્રત હોય. એટલે ફર્સ્ટ યરમાં આવી છોકરી, ત્યાંથી દેખરેખ રાખ્યા કરે એની દ્રષ્ટિ. 'કોની જોડે ફરતી હશે ? શું કરતી હશે ? ક્યાં ગઈ હશે ?' ચારનું જોવા જાય તો શું રહે એની પાસે ? એ તો સારું છે, આ પબ્લિક મોહી છે ને, તે ભાન જ ભૂલી જાય. બેબીઓ ગઈ હોય કોલેજમાં અને એ ભૂલી ગયો હોય અને એ ધંધામાં હોય. તેથી ગાડું સારું ચાલે છે ને ! નહિ તો મરી જાય મૂઆ. માટે શંકા જ્યાંથી ઉત્પન્ન થાય ગમે તેવી કોઈ પણ પ્રકારની શંકા ઉત્પન્ન થાય, ત્યાંથી તે બીજમાંથી કાઢીને ફેંકી દેવી. શંકાથી કશું વળશે નહીં અને એ શંકા તમને મારી નાખશે તે જુદી !

છોડી નાસી ગઈ પરનાતમાં;

સ્વીકારી લે નહિ તો આપઘાતમાં !

એક માણસ મારી પાસે આવતો. તે એને એક છોડી હતી. તેને મેં પહેલેથી જ સમજાવ્યું હતું કે આ તો કળિયુગ છે, એમાં કળિયુગની અસર છોડીને ય થાય. માટે ચેતતો રહેજે. તે એ માણસ સમજી ગયો અને જ્યારે એની છોડી બીજા જોડે નાસી ગઈ. ત્યારે એ માણસે મને યાદ કર્યો. ને મારી પાસે આવ્યો ને કહેવા લાગ્યો. 'તમે કહી હતી તે વાત સાચી. જો તમે મને આવી વાત ના જણાવી હોત તો મારે ઝેર પીવું પડત.' આવું છે આ જગત પોલંપોલ. જે થાય તે સ્વીકાર્ય કરી લેવું પડે. એમાં તે કંઈ ઝેર પીવાય ? ના મૂંઆ ! એ તો તું ગાંડો ગણાઈશ. આ તો કપડાં ઢાંકીને આબરૂ રાખે છે અને કહે છે કે અમે ખાનદાન !

એક ભાઈ મને કહે, 'મારી છોડીઓ તો બહુ ડાહી.' મેં કહ્યું, 'હા, સરસ.' પછી એ ભાઈ બીજી છોડીઓની ટીકા કરવા માંડ્યા. ત્યારે મેં તેમને કહ્યું, 'ટીકા શું કરવા કરો છો લોકોની ? તમે લોકોની ટીકા કરશો તો તમારી હઉ લોકો ટીકા કરશે !' ત્યારે એ કહે છે, 'મારામાં ટીકા કરવા જેવું છે શું ?' ત્યારે મેં કહ્યું, 'દેખાડું, ચૂપ રહેજો.' પછી છોડીઓની ચોપડીઓ લાવીને દેખાડ્યું બધું. જુઓ આ, કહ્યું. ત્યારે એ કહે, 'હેં !' મેં કહ્યું, 'ચૂપ થઈ જાવ. કોઈની ટીકા કરશો નહીં. હું જાણું છું. તો ય હું તમારી જોડે કેમ ચૂપ રહ્યો છું ?' આટલું બધું તમે રોફ મારો છો તો ય હું ચૂપ કેમ રહ્યો છું ? હું જાણું કે ભલે રોફ મારીને પણ સંતોષ રહે છે ને, એમને ! પણ જ્યારે ટીકા કરવા માંડી ત્યારે કહ્યું કે, 'ના કરશો ટીકા.' કારણ કે છોડીઓના બાપ થઈને આપણે કો'કની છોડીઓની ટીકા કરીએ એ ભૂલ છે.

અને આજની છોડીઓ ય બિચારી એટલી ભોળી હોય છે કે મારા બાપા કોઈ દહાડો ડાયરી નહીં વાંચે એવું માને. એની 'સ્કૂલ'ની લખવાની ડાયરી હોય ને, એની મહીં પત્રો મૂકે. એના બાપે ય ભોળા હોય, તે છોડી પર વિશ્વાસ જ આવ્યા કરે. પણ હું તો આ બધું જાણું કે આ છોડીઓ ઉંમરલાયક થઈ છે. હું એના 'ફાધર'ને એટલું જ કહું કે આને પૈણાવી દેજો વહેલી. હા, બીજું શું કહું તે ?!

કોલેજીયન છોડી પર કરે શંકા;

'છોડ' એ, યાદ કર દાદાઈ ડંકા !

એક અમારો ખાસ સગો હતો, તેને ચાર છોડીઓ હતી. તે જાગૃત બહુ. તે મને કહે, 'આ છોડીઓ મોટી થઈ, કોલેજમાં ગઈ, તે મને વિશ્વાસ નથી રહેતો.' ત્યારે મેં કહ્યું, 'જોડે જજો. કોલેજમાં જોડે જઈએ અને એ કોલેજમાંથી નીકળે ત્યારે પાછળ આવજે.' એ તો એક દહાડો જઈશ. પણ બીજી વખત શું કરીશ ? વહુને મોકલજે (!) અલ્યા, વિશ્વાસ ક્યાં રાખવો ને ક્યાં રાખવો નહીં એટલું ય નથી સમજતો ?! અહીંથી આપણે કહી દેવાનું, 'બેન જો, આપણે સારા માણસ, આપણે ખાનદાન, કુળવાન છીએ.' આમ એને આપણે ચેતવી દેવાનું. પછી જે બન્યું એ 'કરેક્ટ'. શંકા નહીં કરવાની. કેટલાક શંકા કરતા હશે ? જે જાગ્રત હોય તે શંકા કર્યા કરે. એવો સંશય રાખે ક્યારે પાર આવે ?

માટે ગમે તેવી શંકા તો ઉત્પન્ન થતાં પહેલાં જ તેને ઉખાડીને ફેંકી દેવી. આ તો આ છોડીઓ બહાર ફરવા જાય, રમવા જાય, એની શંકા કરે. અને શંકા ઉત્પન્ન થઈ કે ત્યાં સુખ આપણને બહુ વર્તે ખરું ?

પ્રશ્નકર્તા : ના. પણ પછી શંકા કરવાનો અર્થ નથી.

દાદાશ્રી : હા, બસ, એટલે ગમે તેવું કારણ હોય તો ય પણ શંકા ઉત્પન્ન થવા દેવી નહીં. સાવધાની રાખવી, પણ શંકા ના કરવી. શંકા કરે કે 'મરણ' આવ્યું જાણો.

પ્રશ્નકર્તા : પણ શંકા તો એની પોતાની મેળે જ ઉત્પન્ન થાય છે ને ?

દાદાશ્રી : હા, પણ એ ભયંકર અજ્ઞાનતા છે. એનાથી બહુ દુઃખ પડે. છોકરીઓ બહાર ગઈ હોય, તો કોઈ કહેશે કે એને એનો ફ્રેન્ડ મળ્યો છે ! એટલે પાછી છોકરીઓ ઉપર શંકા પડી, તે શો સ્વાદ થાય ?

પ્રશ્નકર્તા : બસ, પછી અશાંતિ રહ્યા કરે.

દાદાશ્રી : અશાંતિ કરે. તેથી બહાર ઠેકાણે પડી જવાનું છે ? ફ્રેન્ડ જોડે ફરે છે તેમાં કંઈ ફેરફાર થઈ જવાનો છે ? ફેરફાર કંઈ થાય નહીં અને એ શંકાથી જ મરી જાય ! એટલે આ શંકા ઉત્પન્ન થાય કે તરત જ 'દાદાએ ના પાડી છે.' એટલું યાદ કરીને બંધ કરી દેવી. બાકી, સાવધાની બધી રાખવી.

લોકોને પોતાની છોડીઓ તો હોય ને ? ત્યારે એ 'કોલેજ'માં ના જાય ? જમાનો એવો છે, એટલે કોલેજમાં જાય ને ? આ કંઈ પહેલાંનો જમાનો છે કે છોડીઓને ઘરમાં બેસાડી રાખવાની ?! એટલે જેવો જમાનો એ પ્રમાણે વર્તવું પડે ને ?! જો બીજી છોડીઓ એના 'ફ્રેન્ડ' સાથે વાત કરે, ત્યારે આ છોડીઓ ય એવું એના 'ફ્રેન્ડ' સાથે વાત ના કરે ? હવે છોડીઓની જ્યારે કંઈક એવી વાત સાંભળવામાં કે જોવામાં આવે ને શંકા પડે ત્યારે એની ખરી મઝા (!) આવે. અને મને આવીને પૂછે તો તરત કહી દઉં કે શંકા કાઢી નાખ. આ તો તેં જોયું તેથી શંકા પડી અને ના જોયું હોત તો ?! જોવાથી જ જો શંકા પડી છે તો નથી જોયું, એમ કરીને 'કરેક્ટ' કરી નાખને ! આ તો 'અંડરગ્રાઉન્ડ'માં બધું છે જ. પણ એને મનમાં એમ થાય કે 'આમ હશે તો ?' તો એ વળગ્યું એને. પછી ભૂતાં છોડે નહીં એને, આખી રાત છોડે નહીં. એટલે શંકા રાખીએ તે ખોટું છે.

કાળજી લો પણ શંકા ન કરાય;

આસક્તિથી મુક્તિ એ જ ઉપાય !

આપણી છોડીને ઉઠાવી ગયા હોય તો ય શંકા નહીં રાખવાની. કારણ કે છોડી 'જોડે લઈ જવાની' ચીજ નથી. અને ઉઠાવી જાય એ ગેરકાયદેસર હોતું નથી. એની પાછળ લૉ છે ! લૉ હશે કે નહીં હોય ?

પ્રશ્નકર્તા : ખરું.

દાદાશ્રી : હા... આ જ્ઞાન તો તમને કેટલું બધું સેફ રાખે છે, કશી હરકત ના આવે. પેલા શંકાવાળા, અજ્ઞાની જ બગાડે છે આ બધું. એવો સંશય રાખે ક્યારે પાર આવે ? ન્યાય એ થર્મોમીટર છે, ન્યાય શું કહે છે ? જો એ પ્રમાણે બને તો કરેક્ટ કહેવું !

આ બેન કહેતી હતી કે અમથો કો'ક આવ્યો હોય તો ય, 'યે કોન આયા ?' એ શંકાવાળા ફાધર, એ બિચારા દુઃખી-દુઃખી થઈ જાય. આ લોકો મારી કને પૂછતા હોય ને તો હું એમને સમજણ પાડી દઉં કે મૂઆ દુઃખી ના થવંુ જોઈએ. એની પર કાળજી રાખો. બધા જ પ્રિકોશન્સ લો. પણ એની ઉપર શંકા નહીં. પણ આપણા લોકો બિચારાને સમજણ નહીં ને !

પ્રશ્નકર્તા : ધારો કે એનાં પેરેન્ટસ, એનાં મા-બાપ એનાં માટે પ્રિકોશન લેતા હોય, જાપ્તો રાખતા હોય, તો એને પોતાને ખબર તો પડે ને કે....

દાદાશ્રી : જાપ્તો નહીં રાખવાનો, પ્રિકોશન્સ લેવાનાં.

પ્રશ્નકર્તા : પ્રિકોશન રાખે, તો પણ એને ખબર તો પડે ને કે આ શંકા માટે મારી પ્રિકોશન રાખે છે.

દાદાશ્રી : એ તો ભલે ખબર પડે.

પ્રશ્નકર્તા : તો પછી એને લાગે ને કે આ મારા ઉપર શંકા કરે છે એવું થાય નહીં !

દાદાશ્રી : નહીં, એનું નામ શંકા ના કહેવાય. શંકા ના કરાય. પ્રિકોશન્સ એટલે એને બધા છોકરાંના ટોળામાં એકલી જવા ના દેવી, એવું તેવંુ તે બધા લેવા જોઈએ. આપણે તો અમુક ઉંમરની છોકરી બહાર જ ન્હોતા કાઢતા. ખબર છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : કારણ કે પેટ્રોલ અને અગ્નિ બે સાથે મૂકી શકાય નહીં. જોખમ ભરેલું તે જગતના લોકો ય સમજે કે બે છૂટાં રાખજો. પછી હવે આ જ્ઞાનવાળાને તો કશું અડે જ નહીં. પાંચ છોડીઓ ફ્રેંડસ્ જોડે ફરતી હોય ને, તો ય ના અડે એવું આપણું જ્ઞાન છે.

પ્રશ્નકર્તા : કોને ના અડે ? મા-બાપને ના અડે કે પેલી ફરનારીને ના અડે ?

દાદાશ્રી : કોઈને ય અડે નહીં એ તો, આ 'જ્ઞાન' હોય પછી તો.

પ્રશ્નકર્તા : એ છોકરીઓને 'જ્ઞાન' હોય તો ને !

દાદાશ્રી : ના, છોકરીઓને નહીં, આપણને જ્ઞાન હોય ને, તો શા માટે આ બોધરેશન કરવાનું ?! આ તો આપણી છોકરી જેવું લાગે છે આપણને એ ય આપણી છોકરી હોતી નથી. આ તો તરબુચાનું બીજ રોપ્યું એટલે તરબુચા થયા જ કરે. એ તો બધા કેટલાય તરબુચા બેસે. માલિકીપણાનું દુઃખ છે આ માલિકીપણાનું.

પ્રશ્નકર્તા : એટલે બાળકો માટે એવું ના થાય કે એ લોકો દુઃખી થઈ જશે, સાવ ખોટા રસ્તે ચઢશે તો ?

દાદાશ્રી : એ થાય. પણ તે એનો અર્થ એવો નહીં કે આપણે એને માટે શંકાઓ કરવી. દુઃખી ના થાય એવો રસ્તો લો. કોલેજ બદલી નાખીએ, જગ્યા બદલી નાખીએ, સંજોગો બદલી નાખીએ. તેમ છતાં ય ફેરફાર ના થાય તો ઉપાય નથી, નિર્ઉપાય છે, શુદ્ધાત્મામાં રહેવું, જેનો ઉપાય જ નથી ત્યાં !

પ્રશ્નકર્તા : આપણે એની કોલેજ બદલી નાખીએ, એનું સર્કલ બદલી નાખીએ, પણ આપણને એની શંકા પડે ત્યારે પછી આવું બધું કરીએ ને આપણે !

દાદાશ્રી : શંકા નહીં.

પ્રશ્નકર્તા : તો ?

દાદાશ્રી : સેફસાઈડ માટે !

પ્રશ્નકર્તા : એમાં શું ફેર છે ?

દાદાશ્રી : શંકા નહીં, સેફસાઈડ, અટકાવવું. કંઈ પણ ઉપયોગ કરો. મારી છોડી હોત તો ય શંકા ના કરત. હીરાબાની જોડે ય શંકા ના કરું. કોઈની ઉપર હું શું કરવા શંકા કરું ?! આમચા ક્યા લેના દેના ? 'અમારે શું લેવાદેવા ?' તુમચા ય નહીં ને આમચા ય નહીં, જગત માજા માજા કર્યા કરે છે. અમારે શું લેવાદેવા ? (તમારું ય નહીં ને અમારું ય નહીં. જગત મારું મારું કર્યા કરે છે !)

પ્રશ્નકર્તા : જ્યાં આગળ આસક્તિ હોય, ત્યાં આગળ જ શંકા થાય ને આપણને ?!

દાદાશ્રી : હા, ત્યાં જ. બીજી કોઈ જગ્યાએ નહીં. કોઈ પૈસા લઈ ગયો હોય તો શંકા થાય. કોઈ બાગમાંથી ફૂલાં લઈ ગયો હોય તો શંકા થાય. બધી બહુ જાતની શંકાઓ થાય.

શંકાઓ તો પાર વગરની થાય. અને આપણે ત્યાં તો બાબાને... 'મારો બાબો રૂપાળો, મારા બાબાને પેલા જોઈ લેશે, એની નજર લાગી જશે.' એવી શંકા પડે. તે કાળું ટપકું મારીને આવે અહીંયા આગળ. અલ્યા મૂઆ, શું કરવા નજર લાગે ! એ કંઈ ખાવાની ચીજ છે ? કો'કને છોકરા ના હોય, ત્યારે પહેલાંના જમાનામાં એવું થતું હતું. અત્યારે કંઈ પડેલી નથી !

છોડી મોડી રાત્રે આવે ઘેર;

કાઢી ના મૂકાય, કળથી કર ફેર !

હવે એક ચાર છોડીઓનો બાપ સલાહ લેવા આવ્યો હતો. એ કહે છે, 'મારી આ ચાર છોડીઓ કોલેજમાં ભણવા જાય છે, તે એ બધી શંકા તો આવે જ ને ! તો મારે શું કરવું આ ચાર છોડીઓનું ? છોડી બગડી જાય તો શું કરું ?' મેં કહ્યું, 'પણ એકલી શંકા કરવાથી સુધરશે નહીં.' અલ્યા, શંકા ના લાવીશ. ઘેર આવે ત્યારે ઘેર બેઠાં બેઠાં એની જોડે કંઈ સારી વાતોચીતો કરીએ. આપણે 'ફ્રેન્ડશીપ' કરીએ. એને આનંદ થાય એવી વાતો કરવી જોઈએ અને તું ફક્ત ધંધામાં, પૈસા માટે પડ્યો છે, એવું ના કરીશ. પહેલાં છોકરીઓનું સાચવ, એની જોડે 'ફ્રેન્ડશીપ' કરીએ. એની સાથે જરા નાસ્તો કરીએ, જરા ચા પીએ, તે પ્રેમ જેવું લાગે એને. આ પ્રેમ તો ઉપરચોટિંયો રાખો છે, એટલે પછી એ પ્રેમ બહાર ખોળે છે.

પછી મેં કહ્યું કે, અને તેમ છતાં ય છોડીને કોઈ જોડે પ્રેમ થઈ ગયો. તો એ પછી રાતે સાડા અગિયાર વાગે આવે, તો તમે કાઢી મૂકો ? ત્યારે એ કહે, 'હા, હું તો ગેટ આઉટ કરી દઉં. એને ઘરમાં પેસવા જ ના દઉં.' મેં કહ્યું, 'ના કરશો એવું. એ કોને ત્યાં જશે રાત્રે ? એ કોને ત્યાં આશરો લેશે ?' એને કહીએ, 'આવ, બેસ, સૂઈ જા.' પેલો કાયદો છે ને, કે નુકશાન તો ગયું, પણ હવે એથી વધુ નુકશાન ન જાય એટલા માટે સાચવવું જોઈએ. એ બેન કંઈક નુકશાન કરીને આવી અને વળી પાછા આપણે કાઢી મૂકીએ એટલે તો થઈ રહ્યું ને ! લાખો રૂપિયાની ખોટ તો જવા માંડી છે, પણ તેમાં ખોટ ઓછી જાય એવું કરીએ કે વધી જાય એવું કરીએ ? ખોટ જવા જ માંડી છે, તો એનો ઉપાય તો હોવો જ જોઈએ ને ? એટલે બહુ ખોટ કરીશ નહીં. તું તારી મેળે એને ઘેર સૂવાડી દેજે. અને પછી બીજે દહાડે સમજણ પાડી દઈએ કે 'ટાઈમસર આવજે. મને બહુ દુઃખ થાય છે અને પછી નહીં તો મારું હાર્ટફેઈલ થઈ જશે.' કહીએ. એટલે એમ તેમ કરીને સમજાવી દેવાનું. પછી એ સમજી ગયો. રાતે કાઢી મેલે તો કોણ રાખે ? લોકો કંઈનું કંઈ કરી નાખે. પછી ખલાસ થઈ ગયું બધું. રાતે એક વાગે કાઢી મૂકે તો છોડી કેવી લાચારી અનુભવે બિચારી ?! અને આ કળિયુગનો મામલો, જરા વિચાર

તો કરવો જોઈએ ને ?!

એટલે કોઈ ફેરો છોડી રાતે મોડી આવે તો પણ શંકા ના કરીએ, શંકા કાઢી નાખીએ, તો કેટલો ફાયદો કરે ? વગર કામની ભડક રાખ્યાનો શો અર્થ છે ? એક અવતારમાં કશો ફેરફાર થવાનો નથી. પેલી છોકરીઓને વગર કામનું દુઃખ દેશો નહીં, છોકરાંઓને દુઃખ દેશો નહીં. ફક્ત મોંઢે એમ કહેવું ખરું કે, 'બેન તું બહાર જાય છે તે મોડું ના થવું જોઈએ. આપણે ખાનદાન ગામનાં, આપણને આ શોભે નહીં. માટે આટલું મોડું ના કરશો.' આમતેમ બધી વાતચીત કરવી, સમજાવીએ કરીએ. પણ શંકા કર્યે પાલવે નહીં કે 'કોની જોડે ફરતી હશે, શું કરતી હશે.' અને પછી રાતે બાર વાગે આવે તો ય પાછું બીજે દહાડે કહેવાનું કે, 'બેન, આવું ના થવું જોઈએ !' તેને જો કાઢી મૂકીએ તો એ કોને ત્યાં જશે એનું ઠેકાણું નહીં. ફાયદો શેમાં ? ઓછામાં ઓછું નુકસાન થાય એમાં ફાયદો ને ?! એટલે મેં બધાને કહ્યું છે કે મોડી આવે તો ય છોડીઓને ઘરમાં પેસવા દેજો, એમને કાઢી ના મૂકશો. નહીં તો બહારથી કાઢી મેલે, આ કડક મિજાજના લોકો એવાં ખરાં કે ? કાળ કેવો વિચિત્ર છે ! કેટલી બળતરાવાળો કાળ છે !! ને પાછો આ કળિયુગ છે, એટલે ઘરમાં બેસાડીને પછી સમજાવવું.

સામો કરે શંકા તો ન દેવું અડવા;

ભોગવે તેની ભૂલ ને માંડ ભાંગવા !

પ્રશ્નકર્તા : હવે સામો કોઈ આપણા ઉપર સંશય રાખે તો એનો કેવી રીતે પોતે ઉકેલ લાવે ?

દાદાશ્રી : એ સંશય રાખે છે એવું આપણે જ્ઞાન જ ભૂલી જવાનું. એ જે જ્ઞાન છે આપણને, એ જ્ઞાન જ ભૂલી જવાનું. સામો સંશય રાખે છે કે નથી રાખતો, એ શું તમને ખબર પડે ?

પ્રશ્નકર્તા : મને આવી આવી શંકા છે, એવું મોંઢે કહે તો ?

દાદાશ્રી : મોંઢે કહે, તો કહીએ, 'શંકા તમને છે, દુઃખી તમે થશો. શંકા રાખશો તો દુઃખી થશો.' એવું કહી ચૂકીએ. પછી જે થાય તેને આપણે શું કરીએ ? ! અને તમારાં એવાં આચરણ નહીં હોય તો તમને કોઈ શંકા કરશે ય નહીં. જગતનો નિયમ જ છે એવો !! કો'ક દહાડો એવાં આચરણ કરેલાં છે, તેથી આ શંકા ઊભી રહી છે. કારણ કે ગુનો થયો હોય પચ્ચીસ વર્ષનો હતો ત્યારે, અને સાઠ વર્ષનો થાય ત્યારે કોર્ટમાં કેસ ચાલ્યો ! આ આવું બધું હોય છે બધું. માટે કોઈ શંકા કરે છે તે આપણો જ ગુનો છે.

પ્રશ્નકર્તા : એને આપણા પર સંશય આવ્યો હોય, તો આપણે પૂછવું પડે કે કેમ સંશય આવ્યો ?

દાદાશ્રી : પૂછવામાં મજા જ નહીં. એ પૂછવું નહીં. આપણે તરત જ સમજી જવું કે આપણો કંઈક દોષ છે. નહીં તો શંકા કેમ આવી ? કેટલાક માણસો ચોર નથી હોતા. છતાં એના પર ચોરની શંકા આવે છે. તો એ ચોર પહેલાં હોવો જોઈએ. નહીં તો એમ ને એમ શંકા ના પડે.

પ્રશ્નકર્તા : સામા માણસની દ્રષ્ટિ એવી હોય તો શું કરીએ આપણે ?

દાદાશ્રી : ના, સામાની દ્રષ્ટિ એવી નથી હોતી, એ આપણી જ ભૂલનું પરિણામ છે. એટલું જગત ગેરકાયદેસર નથી કે તમારામાં ભૂલ ના હોય તો સામાને દ્રષ્ટિ આવી ઉત્પન્ન થાય. જગત બિલકુલ કાયદેસર, એક સેંકડે સેંકડે કાયદેસર છે !

'ભોગવે એની ભૂલ' એ વાક્ય લગાડી દીધું કે ઉકેલ આવી ગયો. શંકા કરનાર છે તે ભોગવે છે કે શંકા જેની પર થાય છે તે ભોગવે છે, એ જોઈ લેવું.

મોક્ષ માર્ગમાં શંકા બહુ બાધક;

'સમભાવે કર નિકાલ' હે સાધક !

એટલે આપણે શું કહ્યું કે ફાઈલોનો સમભાવે નિકાલ કરો. આ બધી ફાઈલો (ઋણાનુબંધી સગાઈઓ) છે. આ કંઈ તમારી છોડીઓ નથી કે આ તમારી વહુ નથી. આ વહુ, છોડીઓ એ બધી 'ફાઈલો' છે. 'ફાઈલો'નો સમભાવે નિકાલ કરો. જ્યારે પક્ષાઘાત થયો હોય ને, ત્યારે કોઈ તમારું સગું થાય નહીં. ઊલટું બહુ દહાડા થાય ને, તો લોક બધા ચિઢાયા કરે. પેલો પક્ષાઘાતવાળો ય મહીં મનમાં સમજી જાય કે બધા ચિઢાયા કરે છે. પણ શું કરે તે ?! આ 'દાદા' એ દેખાડેલો મોક્ષ સીધો છે, એક અવતારી છે. માટે સંયમમાં રહો ને 'ફાઈલો'નો સમભાવે નિકાલ કરો. છોકરી હોય કે બૈરી હોય, કે બીજું હોય કે ત્રીજું હોય, પણ બધાનો સમભાવે નિકાલ કરો. કોઈ કોઈની છોકરી હોતી નથી દુનિયામાં. આ બધું કર્મના ઉદયને આધીન છે અને 'જ્ઞાન' ના મળ્યું હોય તેને આપણાથી આવું કશું કહેવાય નહીં. આવું બોલે તો તે એ વઢવા તૈયાર થઈ જાય.

હવે મોક્ષ ક્યારે બગડશે ? મહીં અસંયમ થશે ત્યારે ! અસંયમ થાય એવું આપણું 'જ્ઞાન' જ નથી. નિરંતર સંયમવાળું 'જ્ઞાન' છે. ફક્ત શંકા કરી કે ઉપાધિ આવી ! માટે એક તો શંકા રાખવી, કંઈ પણ શંકાશીલ બનવું એ મોટામાં મોટો ગુનો છે. નવ છોડીઓના બાપને નિઃશંક ફરતા મેં જોયેલા, અને તે ય ભયંકર કળિયુગમાં ! અને નવે ય છોડીઓ પૈણી. આ શંકામાં રહ્યો હોત તો કેટલો જીવત એ ?! માટે કોઈ દહાડો શંકા ના કરવી. શંકા કરે તો એને પોતાને ખોટ જાય.

કોણ છોડી ને કોણ બાપ?

નાટકનાં પાત્રો ન કો' સાચ !

એકની એક છોડી હોય ને તેને કોઈ ઉઠાવી જતો હોય, ને બાપ વીતરાગ હોય તો તે શું કરે ? મહાવીરને છોડી હતી કે નહીં ? એવું વીતરાગની એકની એક છોડી હોય ને કોઈ ઉઠાવી જતો હોય તો શું કરે ?

પ્રશ્નકર્તા : એને અટકાવવા પ્રયત્ન કરે. ને છતાં ય લઈ જાય તો કંઈ નહિ.

દાદાશ્રી : એ પ્રયત્નો પણ ડ્રામેટિક કરે. ડ્રામેટિક, નાટકમાં આમ કરે ને કે, 'શું સમજે છે તું તારા મનમાં ? તારા પર દાવો માંડીશ. તને કોર્ટમાં ફરિયાદ કરીશ. આમ કરીશ, તેમ કરીશ.' બધું બોલે. નાટકી બધું બોલે.

પોતાની એકની એક છોકરી હોય, ત્યાં જ્ઞાની પુરુષ શું કરે ? નાટકી કરે. છોકરી હોતી જ નથી પોતાની ! જ્યાં દેહ જ પોતાનો નથી ત્યાં છોકરી પોતાની શી રીતે હોઈ શકે ? અને જે બને છે, જે બની રહ્યું છે, એ કોઈની સત્તાની વાત નથી. પણ છતાં ય તે ઘડીએ તમારાથી એમ ના કહેવાય કે, 'સારું ભઈ, ત્યારે તું લઈ જા બા.' એવું ના બોલાય. એ વ્યવહાર પાંગળો દેખાય.

પ્રશ્નકર્તા : બધું કરવું છતાં નિર્લેપ રહેવું.

દાદાશ્રી : હા. છતાં નિર્લેપ રહેવું. ખરું સમજી ગયા. દેહ જ આપણો નથી. આ તો ગાળો ખાઈને કર્મ બાંધવા નીકળ્યા છે લોકો !!

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19