ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19

મા-બાપછોકરાનોવ્યવહાર

(૯)

મધર-ફાધરની ફરિયાદો !

મોડો ઊઠે તો મા-બાપની કચકચ;

કહેવાનું બંધ કરો એ જ રસ્તો સચ!

પ્રશ્નકર્તા : હવે અમે તો છોકરાંને કહીએ છીએ કે ભઈ, સવારે વહેલા ઊઠો, વહેલા ભણો. પણ આજના છોકરાઓ બધા જ મોડા ઊઠે, સૂર્યવંશી. હવે આ રોજની જ ટસલ ઘરમાં થયા કરે છે.

દાદાશ્રી : ને તમે કેટલા વાગે ઊઠો ?

પ્રશ્નકર્તા : હું તો પાંચ વાગે ઊઠું છું.

દાદાશ્રી : અને સાહેબ ?

પ્રશ્નકર્તા : સાહેબ પણ પાંચ-સાડા પાંચે.

દાદાશ્રી : એમ કે ! તો પછી હવે એમને, છોકરાંઓને આ સમજાવી-પટાવીને કામ લેવું પડે.

પ્રશ્નકર્તા : છોકરો દસ વાગતા સુધી ઊંઘી રહેતો હોય, તો મને ગુસ્સો આવે અને તેને હું વ્યાજબી ગણું છું !

દાદાશ્રી : હા, પણ ગુસ્સો આવે તો પછી છોકરો માને નહીં, જો ગુસ્સો ના આવતો હોય તો છોકરો તમારું માન્ય રાખે. તમારી નબળાઈ દેખે એટલે એ છોકરો શું જાણે કે આમનો સ્વભાવ જ એવો છે, વિચિત્ર સ્વભાવવાળા છે અને બહાર લોકોને કહે ય ખરો કે 'મારા ફાધર એટલા વિચિત્ર સ્વભાવના છે, વાત વાતમાં ચિઢિયા કરે છે ! એવું બોલે એ. એ તો બાપ પ્રભાવશાળી હોવો જોઈએ ! બાપ છોકરા જોડે ગુસ્સો ના થાય ને તો છોકરો કહ્યા પ્રમાણે ચાલે જ ! આ તો ગુસ્સે થાય તે નબળાઈ દેખે છે ને એટલે ભડકે છે કે આ ક્યાં ફસાયો હું અહીં ! આવા મા-બાપ ક્યાં મળ્યા ! એવું બધું ઠસાય મનમાં ! મને છોકરા કહી દે છે, કે અમારા મા-બાપ તો સાવ કંડમ છે ! આપણે કંડમ નહીં રહેવું જોઈએ. આપણે બિલકુલ કરેક્ટ, એટલે નબળાઈ ના ઉત્પન્ન થાય. નબળાઈ ઊભી થતી હોય તો એના કરતાં નહીં કહેવું સારું, એક જગ્યાએ બેસી રહેવું. અને કહ્યાથી સુધરતો નથી. નબળાઈ હોય ત્યાં સુધી સુધરે જ નહીં. ત્યાં સુધી તો પેલો, તમારા દેખાવ ખાતર કરે. પાછળથી મનમાં ભાવ અવળો કરે.

પ્રશ્નકર્તા : સમાજની વ્યવસ્થા પણ જાળવી રાખવી પડે, નહીં તો એ અવ્યવસ્થિત.

દાદાશ્રી : ના, એ સમાજની વ્યવસ્થા જાળવી ન કહેવાય. ના સમજવાથી પોતે ગમે તેમ વર્તે, ગુસ્સો કરવાની જરૂર નથી. સમાજ એવું નથી કહેતો કે ગુસ્સો કરો.

પ્રશ્નકર્તા : પણ ધારો કે અહીંયા કોઈ ગુન્ડાઓ ચોરી કરતા હોય અને પોલીસવાળા એને દંડ ના કરે તો એ ચાલે નહીંને. દંડ તો કરવો જ જોઈએને.

દાદાશ્રી : એ તો કરવું જ પડે. એમાં ચાલે જ નહીં. દંડ કરો તેનો વાંધો નહીં, પણ ગુસ્સો થવો એ વાંધો છે. નબળાઈ ના થવી જોઈએ. મારું કહેવાનું, નબળાઈ થાય તો સામા માણસ ઉપર પ્રભાવ ના પડે અને પ્રભાવ ના પડે એટલે કાર્ય થાય નહીં. કોઈ પણ કાર્ય, હંમેશા પ્રભાવથી જ થાય છે. માટે આપણે વિચારી અને નબળાઈ હોય તો બોલવાની નહીં. આવું નબળાઈથી માણસને છોકરાઓ બધા બગડી જાય છે બધા. એનો આવતો ભવ બગાડે છે બિચારાં. અત્યારે તો આપણા કહ્યા પ્રમાણે દોડે, પણ મનમાં ભાવ કરે કે આવું મને ખોટું કહે છે ને ઊંધે રસ્તે દોરે છે, એટલે અવળું બગાડે એનો આવતો ભવ. એટલે આવતો ભવ ન બગડે એટલા માટે આપણે એને ધીમે રહીને કહેવું.

પ્રશ્નકર્તા : તો પછી ઘરમાં અત્યારે બધા ભેગાં રહેતા હોય, તો કશું કહેવાનું નહીંને એમ.

દાદાશ્રી : ના કહેવાનું બધું ય, પણ રાગદ્વેષ વગરનું સવારે કહીએ કે તમે બધા વહેલા ઉઠો તો શું ખોટું ? ત્યારે કહે, 'અમે વહેલા નથી ઊઠવાના, બહુ કચ કચ ના કરીશ' ત્યારે કહેવું, 'હવે કચ કચ નહીં કરું' એમ કહેવાનું આપણે, લોકો તો કચ કચ કરેને !

પ્રશ્નકર્તા : અત્યારે બધા બહુ આ છોકરાઓ હોય, સ્કૂલે સાથે જવાનું હોય. ન્હાવા-ધોવાનું હોય અને એ બધા આરામથી કરતા હોયને, તો આપણે કહેવું પડે. એટલે એ કહે, તારે કશું કોઈને કહેવાનું નહીં.

દાદાશ્રી : એ તો કહેવું પડે ખરું, કહેવું તો પડે, હલાવું તો પડે. ઘંટ વગાડવો.

પ્રશ્નકર્તા : અને એ તો સવારના નીકળી જાય ને રાત્રે આવે. એટલે ઘરમાં શું આવે જાય, ખાવા-પીવાનું પછી ખબર પડે નહીં. ત્રણ ગેલન તો દૂધ લાવવાનું રોજ. દૂધ આટલું ના હોય તો 'દૂધ નથી' બૂમાબૂમ થઈ જાય. એટલે આપણે કહેવું તો પડેને, એટલે આ મને કહે, તારે કશું કોઈને કહેવાનું નહીં એમ.

દાદાશ્રી : નહીં, કહેવાનું. નહીં કહેવું એ ય ગુનો છે અને 'કહે કહે કરવું' એ ય ગુનો છે. કહેવાનું અને રાગ-દ્વેષ નહીં રાખવાનો.

પ્રશ્નકર્તા : ના, રાગદ્વેષ તો જરા ય નહીં.

દાદાશ્રી : 'ના કહેવું' એ એક જાતનો અહંકાર છે. જે નીકળી જાય, એ બોલી ગયા પછી પેલા કહેશે, આવું શું બોલો છો ? તો કહીએ, આ મારી ભૂલ થઈ ગઈ. હવે નહીં બોલું.

એક ભઈ કહે છે, અમારો ભત્રીજો રોજ નવ વાગે ઊઠે છે. ઘરમાં કશું કામ થતું નથી. પછી ઘરનાં બધાં માણસોને પૂછયું કે આ વહેલો નથી ઊઠતો એ તમને બધાને નથી ગમતું ? ત્યારે બધાં ય કહે છે કે અમને નથી ગમતું, છતાં ય એ વહેલો ઊઠતો જ નથીને. મેં કહ્યું કે સૂર્યનારાયણ આવ્યા પછી તો ઊઠે છે કે નથી ઊઠતો ? ત્યારે કહે છે કે ત્યાર પછી ય એક કલાકે ઊઠે છે. એટલે મેં કહ્યું કે સૂર્યનારાયાણની ય મર્યાદા નથી રાખતો ? માટે તો એ બહુ મોટો માણસ હશે ને ? નહીં તો લોક તો સૂર્યનારાયણ આવતા પહેલાં પોતે ઊઠી જાય, પણ આ તો સૂર્યનારાયણને ય નહીં ગાંઠતો. પછી એ લોકો કહે છે, હવે તમે કંઈક ઠપકો આપો. મેં કહ્યું કે અમારે ઠપકો ના અપાય. અમે ઠપકો આપવાં નથી આવ્યા. અમે સમજણ આપવા આવ્યા છીએ. અમારો ઠપકાનો વેપાર જ નહીં. અમારે તો સમજણ આપવાનો વેપાર. પછી એ છોકરાંને કહ્યું કે દર્શન કરી લે, પછી બોલજે કે દાદા, મને વહેલું ઊઠવાની શક્તિ આપો. એટલું કરાવ્યા પછી ઘરનાં બધા માણસોને કહ્યું કે હવે એ ચાના ટાઈમે ના ઊઠે તો આપણે પૂછવું કે ઓઢાડું ભઈ તને. વખતે શિયાળાની ઠંડી છે તે ઓઢવું હોય તો ઓઢાડું. એટલે મશ્કરી ખાતર નહીં, રીતસરનું એને આપણે ઓઢાડવું. ઘરનાં માણસોએ એવું કર્યું. તે છ મિ

હનામાં એટલો બધો વહેલો ઊઠે છે એ ભઈ, કે ઘરનાં બધા માણસોની બૂમ મટી ગઈ.

આ લોકો કહે છે કે અમારે એમને સુધારવાના નહીં ? જે સુધારનારા અહીં જગતમાં પાક્યા છે ને એ લોકોએ જ આમને બગાડ્યા છે. કારણ એ રસ્તો જાણતાં નથી. વકીલાતનો ધંધો કરતાં ના આવડતો હોય. એ માણસને વકીલાત કરવા તેડી જઈએ તો ?

એની પ્રકૃતિ જુદી તે મોડો ઊઠે ને કામ વધારે કરે ને અક્કરમી ચાર વાગ્યાનો ઊઠ્યો હોય તો ય કશું ના કરે. હું ય દરેક કામમાં હંમેશાં 'લેટ' હતો. સ્કૂલમાં ય ઘંટ સાંભળ્યા પછીથી ઘેરથી નીકળતો અને કાયમ માસ્તરનો કકળાટ સાંભળતો ! હવે માસ્તરને શી ખબર કે મારી પ્રકૃતિ શું છે ? દરેકનું 'રસ્ટન' જુદું, 'પીસ્ટન' જુદું જુદું હોય.

પ્રશ્નકર્તા : પણ મોડામાં 'ડિસિપ્લિન' ના રહે ને ?

દાદાશ્રી : આ મોડો ઊઠે એટલા માટે તમે કકળાટ કરો તે જ 'ડિસિપ્લિન' નથી. માટે તમે કકળાટ કરવાનું બંધ કરી દો. તમારે જે જે શક્તિઓ માગવી હોય, તો આ 'દાદા' પાસે રોજ સો-સો વખત માગજો, બધી મળશે.

રમતીયાળને વાળવા ભણવા;

યોજના ઈનામની કાઢો જીતવા!

પ્રશ્નકર્તા : આજના છોકરાઓ ભણવા કરતાં રમતમાં ધ્યાન વધારે આપે છે, તેઓને ભણતર તરફ દોરવાં તેમની પાસેથી કેવી રીતે કામ લેવું, જેથી છોકરાઓ પ્રત્યે કંકાસ ઊભો ના થાય ?

દાદાશ્રી : ઈનામની યોજના કાઢો ને. છોકરાને કહીએ કે પહેલો નંબર આવશે તેને આટલું ઈનામ આપીશ અને છઠ્ઠો નંબર આવશે તેને આટલું ઈનામ. અને પાસ થશે તેને આટલું ઈનામ. કંઈક એને દેખાડો. હમણે તરત જ વેપાર થાય અને તેમાં નફો થાય એવું કંઈક દેખાડો એને તો લલકારશે. બીજો રસ્તો શું કરવાનો ! નહીં તો પ્રેમ રાખો. જો પ્રેમ હોય ને તો છોકરા બધું ય માને. મારી જોડે છોકરાઓ બધું ય માને છે. હું જે કહું એ કરવા તૈયાર છે. નહીં તો પછી આપણે એને સમજણ પાડ પાડ કરવી પડે. પછી જે કરે એ સાચું.

પ્રશ્નકર્તા : છોકરો કંઈ બીજું કંઈ ભણતો ના હોય ત્યારે તો એમને વઢવું પડે, એને કહેવું પડેને વાંચવા બેસવા માટે ?

દાદાશ્રી : હા, પણ કેટલી વાર ? બે કલાક સુધી ?

પ્રશ્નકર્તા : ના, ના, એમ નહીં. બે કલાક એમ નહીં.

દાદાશ્રી : કેટલી વાર કહેવું પડે ?

પ્રશ્નકર્તા : એ છોકરાનું ભણવામાં લક્ષ જ નથી. એ છોકરાને બીજી કોઈ લાઈનની અંદર રસ છે, ભણવામાં રસ નથી.

દાદાશ્રી : એટલે માણસને રસ ના હોય ને તે જેમ તેમ કરીને મેટ્રિક સુધી જાય તો બહુ થઈ ગયું. એ બિઝનેસમેન થવાનો હોય અને પછી મહીં પ્રકૃતિ એવી હોય, તેને કોઈ શું કરે ? નહીં તો આપણે એને ભણવાનું છોડી દેવાનું કહીએ તો ય ના છોડી દે.

છોકરામાં જોવું કે કયા કયા ગુણો એનામાં વર્તે છે. તે આપણે જોવું કે ચોરી કરતો નથી, જાણી જોઈને જીવડાં મારતો નથી. એવું બધું જોઈ લેવું પડે, તો ચલાવી લેવાય.

પ્રશ્નકર્તા : મૂળ પ્રશ્ન એમ છે કે છોકરાઓને આપણે ઘણી રીતે સમજાવીએ ભણવા માટે. પણ આપણે કહીએ તો ય એ લોકો સમજતાં નથી, આપણું સાંભળતા નથી.

દાદાશ્રી : ના, તે નથી સાંભળતા એટલે મા થતાં આવડ્યું નહીં તેથી. મા થતાં આવડે તો કેમ ના સાંભળે ? કેમ એનો છોકરો માનતો નથી ? ત્યારે કહે, 'એના મા-બાપનું એણે માન્યું જ નહોતું ને.'

પ્રશ્નકર્તા : દાદા, એમાં વાતાવરણનો દોષ ખરો કે નહિ ?

દાદાશ્રી : ના, વાતાવરણનો દોષ નહીં. મા-બાપને મા-બાપ થતાં જ આવડ્યું નથી. મા-બાપ થવું એ તો બહુ મોટામાં મોટી જવાબદારી છે, વડાપ્રધાન થવું એ જવાબદારી ઓછી હોય.

પ્રશ્નકર્તા : એ કઈ રીતે ?

દાદાશ્રી : વડાપ્રધાન થવાનું એ તો લોકોનું ઓપરેશન થવાનું. આ તો પોતાનાં છોકરાનું જ ઓપરેશન થવાનું. ઘરમાં પેસીએ બાબો-બેબી બધાં ખુશ ખુશ થઈ જાય. અને અત્યારે તો છોકરાં શું કહે ? 'અમારા ફાધર ના આવે તો સારું ઘરમાં. અલ્યા મૂઆ, શું થાય ત્યારે ?!

બાળક સાથે બાળક બની જાય;

કાઉન્ટર પુલી મૂકી એડજસ્ટ થાવ!

કેટલાક તો છોકરો ભણતો ના હોય, પ્રશ્નનો જવાબ આપતો ના હોય તો માસ્તર એને વઢે ને, 'કંઈ સમજ પડે છે તને ? બોલ ને બોલ, મૂરખ બોલ !' હવે ત્યાં પરીક્ષામાં પાસ થાય માટે માસ્તરનું ટ્યુશન રાખે છે. પણ આમ કરે તો પેલો છોકરો બિચારો બાઘો બની જાય ને આ માસ્તર અકળાયા કરે. તે માસ્તરની શી દશા થાય. તે આપણા જેવા જોનાર કહે કે એ બાઘો થઈ ગયો. તું શું કરવા આમ ગાંડા કાઢે છે ? પાંસરો મરને ! સીધો મરને ! નહિ તો તું તારી બઈના કામમાં નહિ રહું ! એ છોકરો બિચારો બાઘો થઈ ગયો ! એને તારી વાત મહીં પહોંચતી નથી, એટલે બાઘો થઈ ગયો છોકરો બિચારો. એમાં આ ગાંડા કાઢ કાઢ કરે, તે ચિઢાય ચિઢાય કરે. ને 'બોલને બોલ, કંઈ બોલતો નથી, મૂંગો થઈ ગયો છું.' અને આમ કાનપટ્ટી પકડાવે ! ચક્કર, શું કરવા આવું કર્યા કરે છે ? કેટલાય માસ્તરો આવું કરે છે. ટયુશન રાખે છે ને આવું...! કેટલાય કરે છે અને પછી શું કહે કે છોકરો મને માથે પડ્યો છે ! અલ્યા, છોકરો નથી માથે પડ્યો, તું છોકરાને માથે પડ્યો છે. આપણે ના સમજીએ કે આ છોકરો ડલ છે. એટલે આપણે એને ડલનેસમાં જેટલું પાણી પિવડાવાય એટલું પાવું, બીજું વધારાનું પાણી પાવું નહીં. એને કહીએ કે આ કવિતા ગોખી લાવજે. પછી ના બોલે તો કંઈ નહિ. પણ

આ તો મનની કલ્પનાઓ કરે, 'સાલો બોલતો જ નથી. મૂંગો છે !' 'અલ્યા ન્હોય મૂંગો. એને વાત પહોંચતી નથી. તું વાત શું કહેવા માંગે છે એ એને પહોંચતી નથી. એટલે એ કુંઠિત થઈ ગયો છે બિચારો ! એને તું બહુ એ કર કર કરીશ, ગોદા માર માર કરીશ, તો એને શૉક લાગશે. ઈલેક્ટ્રિકનો શૉક લાગે ને માણસ થઈ જાય, એવો એ પછી થઈ જાય. વગર કામનો ગોદા માર માર કરે ! હવે જો એને બૈરી આવી મળી હોય ને ના સમજે એવી, તો શું થાય તે ? આખી જિન્દગી શી રીતે કાઢે ?

પ્રશ્નકર્તા : મોટા ભાગનું તો પોતે જે સમજ્યો હોય તે પેલો માણસ તરત સમજી જાય, એવો આગ્રહ વધારે ઉત્પન્ન થઈ જવાથી અવળાં પરિણામ ઊભાં થઈ જાય છે.

દાદાશ્રી : પોતાની દ્રષ્ટિથી સામાને માપે છે. તું સામાની દ્રષ્ટિ શોધી કાઢ. સામાની દ્રષ્ટિ એટલે શું કે દરેકને એડજસ્ટ થવું એવી દ્રષ્ટિથી જો. આ તો પોતાની દ્રષ્ટિથી સામાને માપ માપ કરે છે. કેટલાં વિશેષણ બોલ્યો ?! 'મૂંગો છે, અલ્યા, મરી જા ને !' પાછો 'મરી જા' હઉં કહે. છોકરાનો બાપ સાંભળે તો, એ કહે, 'માસ્તર, એવું ના બોલશો. અમારો એકનો એક છોકરો છે.' આમ એના મા-બાપ પાછાં કલેઈમ માંડે કે માસ્તર આવું બોલશો નહિ.

પ્રશ્નકર્તા : અમે વાતો કરવામાં એટલા બધા મીકેનિકલ થઈ જઈએ છીએ કે કાઉન્ટર પુલી ગોઠવવાની જાગૃતિ જતી રહે છે.

દાદાશ્રી : માણસ જાત તો બહુ ચોક્કસ જાત છે. માણસ કંઈ ઘેલી જાત નથી. લોકો એ માણસ જાતની ઉપર પોતે અજ્ઞાન ઓઢે છે. નહિ તો કોઈ માણસ એવો નથી. આવડાં નાનાં ચાર વર્ષના છોકરાંને કહે કે, 'તું અક્કલ વગરનો છે, મારું સમજતો નથી.' ત્યાં કેવી રીતે બોલાય ? એની કાલી ભાષામાં લોક બોલે. આ છોકરાંની જોડે લોકો કાલી કાલી ભાષામાં બોલે. આ ત્રણ-ચાર વર્ષની ઉંમરનાં છોકરાં જોડે મોટી ઉંમરનાં છોકરાં જેવું ના બોલે. શાથી એવું ના બોલે ?

પ્રશ્નકર્તા : એને એની ભાષામાં વાત કરવી જોઈએ.

દાદાશ્રી : પોતે બધું સમજે છે કે આ બાળક ભાષા છે. આપણે બાળક ભાષામાં વાત કરો, નહીં તો એ બિચારો સમજશે નહીં. એને તો કહેવું, 'જો બાબા, આ રમકડું પેલા જેવું છે ને ? તે પેલું જોયું હતું ને ?' એમ બે-ચાર વખત કહેવું. ત્યારે એ કહેશે, 'હા'. ત્યારે આપણે જાણીએ કે આ મહીં પહોંચ્યું. હવે એવી રીતે આની જોડે આપણે વાત કરવી જોઈએ. આપણે જાણીએ કે આનું ડલ મગજ છે. એટલે આપણે જાણીએ કે બાળક જેવી અવસ્થા છે એટલે 'બાબા, બાબા' કરવું જોઈએ.

પ્રશ્નકર્તા : પણ બાળકની અવસ્થા સમજવામાં ચેતનતાનો ઉપયોગ જોઈએ.

દાદાશ્રી : અરે, અજ્ઞાનદશામાં ય બાળક જોડે એની મા સુંદર વ્યવહાર કરે છે. બાળકની જોડે એની મા સુંદર વ્યવહાર નહીં કરતી હોય ? એ કોણે શીખવાડ્યું એમને ?

પ્રશ્નકર્તા : એ તો કુદરતી છે.

દાદાશ્રી : કુદરતી નહીં, આવી બધી આપણી અંદર જાગૃતિ છે. પણ મોટી ઉંમરનો થાય છે એટલે પાછો અહમ્ બહુ ઊભો થાય છે. ત્યાં તમને એમ થાય કે આ તો મોટો થયેલો છે. આ આવું કેમ કરે છે ? નાનાને આવું હોય, મોટાને પણ હોય ? પણ મોટાને બીજી ભાષામાં તું સમજ કે આ નાના કરતાં ય મોટો ભૂંડો છે બિચારો ! એટલે મોટો ડલ લાગે તો આપણે જાણવું કે ત્રણ વર્ષનું છોકરું છે. એટલે એની જોડે એવું આપણે વર્તન રાખવું જોઈએ. પછી આમથી આમ ગોદો મારે. કોણ પછી સાંભળે ?

પ્રશ્નકર્તા : છોકરાં જોડે છોકરાં થઈ જવું અને એ રીતે વર્તવું, તો એ કઈ રીતે !

દાદાશ્રી : છોકરા તરીકે અત્યારે છોકરા જોડે વર્તન રાખો છો. એટલે આપણે મોટાં હોય તો એનો ભય લાગ્યા કરે. એ ભય ના લાગે એવી રીતે વર્તવું જોઈએ આપણે. એ સમજણ પાડીને એનો દોષ કાઢવો જોઈએ, બીવડાવીને ના કાઢવો જોઈએ. નહીં તો બીવડાવીને કામ લાગે નહીં. તમે મોટી ઉંમરના, એ નાની ઉંમરના, ભડકી જાય બિચારા ! પણ તેથી કંઈ દોષ જાય નહીં, દોષ તો વધ્યા કરે અંદર. પણ જો સમજાવીને કાઢો તો જાય, નહીં તો જાય નહીં.

પ્રશ્નકર્તા : માનસિક ઉંમર નાની હોય ને ?

દાદાશ્રી : તે માનસિક ઉંમર જોઈને આપણે એડજસ્ટ કરવું જોઈએ. અમે દરેકની જોડે વાત કરીએ તે એની માનસિક ઉંમર કેટલી છે એ જોઈને એને આપીએ. તેથી અમે કહીએ છીએ કે અમે કાઉન્ટર પુલી મૂકી દઈએ છીએ. એટલે અમારે અથડામણ થતી નથી, મતભેદ થતો નથી. કારણ કે અમે કાઉન્ટર પુલી મૂકી દઈએ ને ! એનું માનસિક ગ્રેડેશન, વાચિક ગ્રેડેશન, શરીરનું ગ્રેડેશન કેવું છે એ બધું જ જોઈ લઈએ. શરીરથી ઉંમરમાં મોટો છે, વાણીમાં બહુ જબરો છે, શૂરો છે. પણ માનસિક બધું લૉ (નીચું) છે. એટલે રીવોલ્યુશન ઓછાં કરી નાખવાં. બાળક જેવું જ માની લેવાનું.

પ્રશ્નકર્તા : મારે મારા મોટા દીકરા જોડે બહુ ખટપટ થાય છે. તો કાઉન્ટર પુલી નાખવી ક્યારે ? ક્યા પ્રકારની ? એ સમજણ પડતી નથી અને ઇચ્છા ન હોવા છતાં બફાટ થઈ જતો હોય છે. તો શું કરવું ?

દાદાશ્રી : અરે, ઇચ્છા વગરે ય બફાટ થઈ જાય છે ! આ તો હું તમને રસ્તો દેખાડું છું, તે રસ્તે ધીમે ધીમે તમારે ગોઠવણી કરવાની છે.

બાબો દસ-બાર વરસનો હોય, એની જોડે તમે વાત કરો, તો તમારી વાત સમજે કે ના સમજે ? અમુક વાતો ન સમજે ને ! એવું ના બને ?

પ્રશ્નકર્તા : એવું થાય છે, આ તો મારો પોતાનો અનુભવ છે એ જ કહું છું, મારો જે પ્રશ્ન છે એ જ વાત છે. આ મારો પોતાનો જ પ્રશ્ન છે અને વારે ઘડીએ મારે આવું બની જ જતું હોય છે.

દાદાશ્રી : હા, એટલે હું આ દાખલો આપું છું કે બાબો તમારો હોય તો એ બાર વર્ષનો હોય, હવે એને તમે બધી વાત કરો. તો બધી વાતમાં કેટલીક વાત એ સમજી શકે અને કેટલીક વાત ના સમજી શકે ? તમે શું કહેવા માગો છો તે એની સમજમાં આવતું નથી. તમારો વ્યુ પોઈન્ટ શું છે એની સમજમાં નથી આવતું એટલે તમારે ધીમે રહીને કહેવું કે મારો હેતુ આવો છે. મારો વ્યુ પોઈન્ટ આવો છે. હું આવું કહેવા માગું છું. તને સમજાય કે ના સમજાય, મને કહેજે. અને તારી વાત મને નહીં સમજમાં આવે તો હું સમજવા પ્રયત્ન કરીશ, કહીએ. એ સમજ પડીને ? એટલે આપણો એની જોડે ફોડ કરી લેવો જોઈએ અને કેવો ? ફ્રેન્ડલી ટોનમાં હોવો જોઈએ.

તેથી આપણે લોકોએ કહ્યુંને કે ભઈ, સોળ વર્ષ પછી, અમુક વર્ષ પછી ફ્રેંડ તરીકે સ્વીકારજો એમ કહ્યું, નથી કહ્યું ? ફ્રેંડલી ટોનમાં હોય તો આપણો ટોન સારો નીકળે. નહીં તો રોજ બાપ થવા જઈએ ને, તો ભલીવાર આવે નહીં. ચાલીસ વર્ષનો થઈ ગયો હોય અને આપણે બાપ થવા ફરીએ, તો શું થાય ?!

ગાડીનું પંચર કરી, કેવું સંવારે?

એમ ઘૈડીયાનું હ્રદય ઠારે!

'કોઈને દુઃખ ન થાય' એવી બુદ્ધિ હોવી જોઈએ. નાનું બાળક હોય તેને ય દુઃખ ન થાય એવી બુદ્ધિ હોવી જોઈએ. એ બાળક જોડે બાળક જેવું મેળવી લઈએ. ત્યાં તીક્ષ્ણ બુદ્ધિ રાખીએ તો શું થાય, બાળક જોડે ? બાળક છોલાઈ જાય બિચારો. એટલે આવી વાત છે, બીજી કંઈ નહીં.

પ્રશ્નકર્તા : તો વડીલો સાથે કેવી બુદ્ધિ રાખવાની ? એમાં પણ તીક્ષ્ણ બુદ્ધિ રાખવાની ?

દાદાશ્રી : વડીલો સાથે બાળક જેવી બુદ્ધિ રાખવાની.

પ્રશ્નકર્તા : એમના પણ જૂના બધા વિચારો ચુસ્ત થઈ ગયા હોય !

દાદાશ્રી : ના. એવા બધા થઈ ગયા હોય, તેની જોડે બાળક જેવી બુદ્ધિ રાખીએ એટલે આપણી બુદ્ધિ એને વાગે નહીં.

પ્રશ્નકર્તા : પણ દાદા, ઘરડાં માણસ પણ આપણી સાથે એવું વર્તન કરે, એમના મંતવ્યો પેલા જૂના બંધાઈ ગયા હોય, તો પણ કેવી રીતે આપણે એમની સાથે હેન્ડલ કરવું જોઈએ ? કેવી બુદ્ધિથી ?

દાદાશ્રી : આ ગાડીને પંકચર પડે, ખરે ટાઈમે ઉતાવળ હોય ને, તો આપણે પછી એના વ્હિલને માર-માર કરવું ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : ખરે ટાઈમે ઉતાવળ હોય ને, ગાડીને પંકચર પડ્યું. તો વ્હિલને કંઈ મરાય ? એ તો ઝટપટ સાચવીને આપણે કામ કરી લેવાનું. ગાડી તો બિચારી પંકચર પડે જ. એમ ઘૈડા માણસનામાં પંકચર પડે જ. આપણે સાચવી લેવાનું. ગાડીને માર માર કરાય ?

પ્રશ્નકર્તા : ના કરાય.

છોકરાં અંદરોઅંદર લઢે;

જોયા કરે તો જ સંબંધ બઢે!

પ્રશ્નકર્તા : બે દિકરાઓ અંદર અંદર લઢતા હોય. આપણે જાણીએ કે આ કોઈ સમજવાનું નથી. તો ત્યાં આપણે શું કરવું ?

દાદાશ્રી : એક ફેરો બન્નેને બેસાડીને કહી દેવું કે માંહ્યોમાંહ્ય વઢવામાં ફાયદો નહીં, લક્ષ્મી જતી રહેશે.

પ્રશ્નકર્તા : પછી એ માનવા જ તૈયાર ન હોય તો શું કરવું, દાદા ?

દાદાશ્રી : રહેવા દેવું. જેમ છે તેમ રહેવા દો.

પ્રશ્નકર્તા : છોકરાઓ આપસમાં લઢે, એમાંથી મોટું થઈ જાય, આપણે એમ કહીએ કે આ કેમ થઈ ગયું આમ ?

દાદાશ્રી : એમને ઉપદેશ લેવા દોને, આપસમાં લઢીને એમની મેળે જ ખબર પડશે, ભાન થશે ને ! આમ આંતર આંતર કરીએ ને, ત્યાં સુધી ઉપદેશ મળે નહીં. જગત તો જોયા કરવા જેવું છે !

પ્રશ્નકર્તા : જે વસ્તુ હાથમાં આવે છોકરાઓને, એ એકબીજાને પછી મારે, એને લઈને એ ઉપાધિ આપણે જ થાય.

દાદાશ્રી : ઉપાધિ આપણે કરીએ શું કામ ? આપણે શું લેવાદેવા ? ઉપાધિ નહીં કરવાની, બધું ડ્રામેટિક કર્યા કરો કે ભઈ, કેમ મારે છે ? આમ તેમ, આમ તેમ !

પ્રશ્નકર્તા : ક્યારેક હાથ ઉપડી જાય છે.

દાદાશ્રી : હાથ ઉપડી જાય એ બધું ખોટું, આપણા હાથને વાગે.

આજના છોકરાંઓ તો વગર ફોડ્યે, ટેટા ફૂટી જાય એવાં છે. અહીં ટેટા મૂક્યા હોય તો દેવતા-બેવતા નાખ્યા વગર એમ ને એમ ફૂટે તો આપણને ના સમજણ પડે, આ કઈ જાતનાં ટેટા ? દેવતા પડ્યા વગર ફૂટે. દુકાનમાં મૂક્યા હોય ને ત્યાં ફૂટે.

આપણે તો ઊલ્ટું એને કહીએ ખૂબ વઢોે. આજે અમારે જોવું છે, ખૂબ લઢો આજ મારંમાર કરો, કહીએ. આપણે કહીએ, તમે લઢો. ત્યારે ના લઢે મૂઆ ! આપણે કહીએ, ના લઢશો, ત્યારે લઢે. બધું વાંકું કરવું એનું નામ છોકરાં આજનાં. એમને કહેજો, 'લઢજો, તમે બધા લઢો જોઈએ, કોણ જીતે છે ? એ મારે જોવું છે !'

કોઈના છોકરાં જ નથી હોતાં આ બધાં, આ તો માથે પડેલી જંજાળ છે, એટલે આપણે મદદ કરવી એમની. પણ મહીં ડ્રામેટિક રહેવું.

જે પહેલી કરે ફરિયાદ;

તે જ ગુનેગાર રાખ યાદ!

પહેલું ફરિયાદ કરવા કોણ આવે ? કળિયુગમાં તો ગુનેગાર હોય, તે જ પહેલો ફરિયાદ કરવા આવે ! અને સત્યુગમાં જે સાચો હોય તે પહેલા ફરિયાદ કરવા આવે. આ કળિયુગમાં ન્યાય કરનારા પણ એવા કે જેનું પહેલું સાંભળ્યું એના પક્ષમાં બેસી જાય !

આ નાની બેબી હોય તે સાંજે બાપા ઘેર આવે કે તરત જ બેબી બાપા પાસે જાય ને કહે, 'બાપા, આ બાબાએ મને આમ, આમ કહ્યું' તે પછી બાપા તરત જ બેબીના પક્ષમાં બેસી જાયને, બાબાને કહે કે 'એ ય અહીં આવ ! આમ કેમ કર્યું ?' અલ્યા, બાબાને ભાંડતા પહેલાં બાબાને પૂછ, બેબીની વાતનો પડઘો શો હતો ? અને કેમ બેબીએ ફરિયાદ કરી ? બાબાએ કેમ ફરિયાદ ના કરી ? બાબાએ શું કર્યું હતું ? આ તો પોતે સેન્સિટિવ તે બેબીની વાત સાચી માની લે. પાછો કહે કે હું જરા કાનનો કાચો, તે ભૂલ થઈ ગઈ ! આ તો પોતે ડફોળ ને કાનની ભૂલ કહે છે ! પોતે તારણ ના કાઢે કે બેબી ગુનેગાર તે પહેલી ફરિયાદ કરવા આવી ! ઘરમાં બધી વાતો થાય, અમારી પાસે બધાની ફરિયાદ થાય તો અમે શું કરતા કે બધાંની વાતો સાંભળીએ ને પછી ન્યાય કરીએ. સાચો ન્યાય કરવાથી ગુનેગાર પછી વધે નહીં. ગુનેગાર સમજે કે આ તો ન્યાય કરે છે, માટે આપણી ભૂલ પકડાઈ જશે !

ઘરમાં ચાર છોકરાં હોય. તેમાં બેની કંઈ ભૂલ ના હોય તો ય બાપ એમને ટૈડકાય ટૈડકાય કરે અને બીજા બે ભૂલો કર્યા જ કરે, તો પણ એને કંઈ ના કરે. આ બધું એની પાછળના 'રૂટકોઝ'ને લઈને છે. પોતાને ઘેર બે છોકરાં હોય, પણ બેઉ સરખાં લાગવાં જોઈએ. આપણે કોઈના પક્ષમાં હોઈશું કે 'આ મોટો જરા દયાળુ છે ને આ નાનો કાચો પડી જાય છે.' તો એ બધું બગડી ગયું. બેઉ સરખાં લાગવાં જોઈએ. તમને હજુ પેલો પક્ષ રહ્યો છે ને ?

એટલે આ ત્રાજવું નમે ને પેલું ત્રાજવું ઊંચું જાય તો પેલાં ત્રાજવામાં વેઈટ મૂકીને સરખું કરો. હવે એ વેઈટ આપણે બીજામાંથી કાપીને આમાં ના મૂકાય. એટલે આપણે બહારનું વેઈટ મૂકીને પણ સરખું કરવું પડે. એટલે જ્યારે જુઓ ત્યારે આપણે બેલેન્સ જોવું, નહીં તો પક્ષાપક્ષી થઈ જાય.

રીસાય છોરું તો બાપ મુંઝાય;

બોલવાનું બંધ એ જ ઉપાય!

પ્રશ્નકર્તા : બાબો જલ્દી થોડી થોડી વારે રીસાઈ જાય છે.

દાદાશ્રી : મોંઘા બહુને ! મોંઘા બહુ એટલે પછી શું થાય ? બેબી સસ્તી તે રીસાય નહીં બિચારી.

પ્રશ્નકર્તા : આ રીસાવાનું શાથી થતું હશે, દાદા ?

દાદાશ્રી : આ પેલા ફરી બોલાવે એટલે. મારી પાસે રીસાય જોઈએ ?! કોઈ રીસાયેલું જ નહીં મારી જોડે. ફરી બોલાવું જ નહીં ને ! ફરી બોલાવું નહીં. ખાય કે ના ખાય તો ય ફરી બોલાવું નહીં. એ હું જાણું કે કુટેવ પડી જાય ઊલ્ટી, વધારે કુટેવ પડી જાય. ના, ના, બાબા જમી લે, બાબા જમી લે. અરે, એની મેળે ભૂખ લાગશે એટલે બાબો જમશે. ક્યાં જવાનો છે ? તમારે આવું ના કરવું પડે, એમ તો અમને તો બીજી કળાઓ આવડે. બહુ આડું થયું હોય, તો ભૂખ્યું થાય તો ય ના ખાય. એટલે અમે પાછા એના મહીં વિધિ મૂકીએ પછી. તમારે આવું ના કરવું. તમે તો જે કરો છો એ કરો. બાકી રીસાય નહીં મારી જોડે ! ને રીસાઈને શું કાઢે ?

પ્રશ્નકર્તા : માટે શીખવાડોને દાદા એ કળા. કારણ કે આ રીસાવાનું-મનાવાનું તો બધાને રોજનું હોય દાદા. તો આ ચાવી એકાદી આપી દો તો બધાને ઊકેલ આવી જાય ને !

દાદાશ્રી : એ તો આપણો બહુ ગરજાવ હોય ત્યારે એ રીસાય. એટલી બધી ગરજ શી વળી ?

પ્રશ્નકર્તા : એટલે શું, ના સમજાયું, બહુ ગરજાવ હોય ત્યારે રીસાય ? કોને ગરજ હોય ?

દાદાશ્રી : સામાને ગરજ. આ રીસાનારો માણસ, સામાને ગરજ એની હોય ત્યારે રીસાય.

પ્રશ્નકર્તા : એટલે આપણે ગરજ જ નહીં દેખાડવાની.

દાદાશ્રી : ગરજ હોય જ નહીં. ગરજ શેની વળી તે ! કર્મના ઉદયે જે બનવાનું હશે એ બનશે, એની ગરજ કેટલી રાખવાની ! અને પાછાં કર્મના ઉદય જ છે. ગરજ દેખાડવાથી હઠે ચઢે ઊલ્ટું.

ક્રોધી છોકરાં સાથે શું થાય?

પહેલાં પોતે બંધ કરે સદા ય!

પ્રશ્નકર્તા : નાનાં બાળકોને ગુસ્સો દૂર કરવા ટૂંકાણમાં કેવી રીતે કહેવું ?

દાદાશ્રી : એમનો ગુસ્સો દૂર કરીને શું ફાયદો ?

પ્રશ્નકર્તા : ઝઘડે નહીં આપણી જોડે.

દાદાશ્રી : પછી ઠંડું પડી જાય એ તો. મહાપરાણે દવાઓ કરીએ ત્યારે ગુસ્સો થાય માણસને. પાછું ટાઢું પડી જાય, ટાઢું પડી જાય એ તો સારું નહીં, ગુસ્સો સારો.

પ્રશ્નકર્તા : ના, ના, એમ નહીં. છોકરાં કોઈ વખત બહુ હોટ-ટેમ્પરનાં હોય ને.

દાદાશ્રી : એનાં માટે તો દવા બીજી કરવાં કરતાં એના મા-બાપે ગુસ્સાનો દેખાવ ન દેખે એવી રીતે રહેવું જોઈએ. એ દેખીને થાય છે કે મારા ફાધર કરે છે, હું એના કરતાં સવાયો ગુસ્સો કરું ત્યારે ખરો. એ તો તમારે બંધ કરી દો, તો એની મેળે બંધ થઈ જશે. આ મેં બંધ કર્યો છે, મારો બંધ થઈ ગયો છે, તો કોઈ મારી જોડે કરતું જ નથી. હું કહું કે ગુસ્સે થાવ તો પણ નહીં થતાં. છોકરાઓ ય નહીં થતાં, હું મારીશ તો ય નહીં થાય ગુસ્સે.

ગુસ્સો કરો છો કે થાય છે?

એ છે વીકનેસ અંતે તો થાય છે!!

પ્રશ્નકર્તા : છોકરાને સારા માર્ગે વાળવા મા-બાપની ફરજ તો પૂરી પાડવી જોઈએને, એટલે ગુસ્સો તો કરવો પડે ને ?

દાદાશ્રી : ગુસ્સો શું કરવાં કરવો પડે ? એમ ને એમ સમજાવીને કહેવામાં શું વાંધો છે ? ગુસ્સો તમે કરતા નથી. ગુસ્સો થઈ જાય છે તમને. કરેલો ગુસ્સો એ ગુસ્સો ગણાતો નથી. આપણે જાતે કરીએ ગુસ્સો, એ તો આપણે દબડાવીએ એ નહીં, એ ગુસ્સો ન કહેવાય. એટલે ગુસ્સો કરજો. પણ ગુસ્સે થઈ જાવ છો તમે. ગુસ્સો કરતા હોઈએ તો વાંધો નહીં.

એક બાળક છે તે આ કોઈ વસ્તુ ફેંકે તો જાણી જોઈને ફંેકે, એટલે ભાંગવા ના દે પણ એમ ને એમ ફેંકે તો પડી જાય એ તો ભાંગી જાય. એવું ગુસ્સો તમારે નથી કરવો તો ય થઈ જાય છે. એટલે ગુસ્સો જો કરો ને તો કંટ્રોલેબલ હોય. ગુસ્સો કરીએ આપણે, તો કંટ્રોલેબલ હોય કે ના હોય ? બાબા ક્યાં ગયો હતો ? આમ છે, તેમ છે ? બોલીએ પણ મહીં ક્રોધ ના હોય, ગુસ્સામાં. આ તો તમે ગુસ્સે થઈ જાવ છો એટલે ઊલટો બાબો સમજી જાય છે કે આ મમ્મી નબળા સ્વભાવની છે, યુઝલેસ છે, સારી નથી એવું સમજે. એવો અભિપ્રાય આપી દે.

પ્રશ્નકર્તા : ગુસ્સે થઈ જવાનું કારણ શું ?

દાદાશ્રી : વિકનેસ. એ વિકનેસ છે ! એટલે એ પોતે ગુસ્સે થતો નથી. એ ગુસ્સે થઈ ગયા પછી પોતાને ખબર પડે છે, આ સાલું ખોટું થઈ ગયું, આવું ના થવું જોઈએ. એટલે એના હાથમાં કાબૂ નથી. આ મશીન ગરમ થઈ ગયું છે, રેઈઝ થઈ ગયું છે. એટલે આપણે તે ઘડીએ જરા ઠંડું રહેવું. એની મેળે ટાઢું થાય એટલે હાથ ઘાલવો.

છોરાંને વઢો સમજ્યા વગર ઈન્સીડન્સ;

ભૂલી ગયાં નવ મહિનાનો રેસીડન્સ?

દાદાશ્રી : હવે તને કોની ઉપર ગુસ્સો આવે છે ?

પ્રશ્નકર્તા : ઘણી વખત મારા બાબા ઉપર ગુસ્સે થઈ જઉં. વર્ક ઉપર ગુસ્સે થઈ જાઉં.

દાદાશ્રી : કામ ઉપર કોની ઉપર આવે છે ?

પ્રશ્નકર્તા : કો-વર્કર સાથે.

દાદાશ્રી : એ લોકો કંઈ ભૂલ કરે તેથી ગુસ્સો આવી જાય, ખરું !

પ્રશ્નકર્તા : હા, બરાબર.

દાદાશ્રી : રસ્તામાં કાંટો વાગી જાય તો એની ઉપર ગુસ્સો આવે ખરો ?

પ્રશ્નકર્તા : ના, તેની ઉપર કેવી રીતે આવે ગુસ્સો ? તેની ઉપર ગુસ્સો ના આવે.

દાદાશ્રી : કેમ ના આવે ?

પ્રશ્નકર્તા : ઇટ્સ એ ઓબ્જેક્ટ ને.

દાદાશ્રી : તો આ ય જડ જ છે વસ્તુ, આ ય તમને જે દેખાય એ જડ જ વસ્તુ જુઓ છો.

અને બાબા ઉપર તો ગુસ્સો કરાય નહીં, કારણ કે બાબાને તો આપણે નવ મહિના પેટમાં રાખેલો. હવે આટલું બધું કામ કર્યુ. હેલ્પ કરી ને પછી હવે ગુસ્સો કરીને શું કામ છે ? પછી આ ગુસ્સો કરીને ડેબિટ શું કામ કરાવીએ ? જ્યાં આટલું બધું જમે થયું હોય તો ડેબિટ કરવાનું કારણ શું ? નવ મહિના કોણ રાખે આવું રેસિડન્સ ?! નવ મહિના આટલો ઉપકાર કર્યો, તો હવે ગુસ્સો કરવાની જરૂર ના હોય.

છોકરાઓ જોડે તમે ચિઢાઓ તો એની નવી લોન લીધી કહેવાય. કારણ કે ચિઢાવાનો વાંધો નથી, પણ તમે પોતે ચિઢાઓ છો તે વાંધો છે.

પ્રશ્નકર્તા : છોકરાઓ છે તે વઢીએ નહીં ત્યાં સુધી શાંત જ ના થાયને, એટલે વઢવું પડેને !

દાદાશ્રી : ના, વઢવાને માટે વાંધો નથી. પણ જાતે વઢો છો એટલે તમારું મોઢું બગડી જાય છે, એટલે જવાબદારી છે. તમારું મોઢું બગડે નહીં ને વઢોને, મોઢું સારું રાખીને વઢો, ખૂબ વઢો ! તમારું મોઢું બગડે છે એટલે તમે જે વઢવાનું છે તે તમે અહંકાર કરીને વઢો છો !

પ્રશ્નકર્તા : તો તો છોકરાઓને એમ લાગે કે આ ખોટું ખોટું વઢે છે !

દાદાશ્રી : તો એ એટલું જાણે તો બહુ થઈ ગયું. તો એને અસર પડશે, નહીં તો અસર જ નહીં પડે. તમે ખૂબ વઢો એટલે એ જાણે કે આ નબળા માણસ છે. એ લોકો મને કહે છે, અમારા ફાધર બહુ નબળા માણસ છે, બહુ ચિઢાય-ચિઢાય કરે છે.

કેમ કાઢે આવો ટોન?

વઢીને લે નવી લોન!

આપણા લોક હિસાબ તો ચૂકવે છે, પણ નવી લોન લે છે. નવી લોન લે નહીં તો આપણી મુક્તિ થાય.

પ્રશ્નકર્તા : નવી લોન કોને કહેવાય ?

દાદાશ્રી : આપણો છોકરો કોલેજમાં હોય ને બરોબર ભણતો ના હોય, તો એની જોડે ખૂબ ચીઢાવ તો એ નવી લોન લીધી કહેવાય. તે હજી જૂની લોન હતી તે તો આપણાથી પૂરી થઈ નથી. ત્યાર પહેલાં નવી લોન આપણે જમે કરાવી. કાયદો શું કહે છે ? ચીઢાવાનો કોઈ કાયદો નથી. તે આઊટ ઓફ કોન્ટ્રાક્ટ થયું કહેવાય. કોન્ટ્રાક્ટની શરતોની બહારનું આ થયું, એટલે 'એકસ્ટ્રા આઈટમ' થઈ જાય છે. બધાં દેવાં એનાં ઊભાં થઈ જાય છે. આમ જૂનાં દેવાં આપતો જાય છે ને નવાં દેવાં ઊભાં કરતો જાય છે.

અહંકાર શું મનાવડાવે કે હું બધું સમજું છું અને હું જાણું છું, બસ. એટલું મનાવડાવે ને, એટલે જાણવાની વાત રહી જાય. એટલું પેલું અજ્ઞાનતાથી આ માર્ગ છે બધો. જ્યાં જ્યાં કંઈ પણ અડચણ આવે છે તે અણસમજણથી છે, સમજણ નહીં પડવાથી. સમજણથી અડચણ નીકળી જાય. હવે સમજણ નથી અને અહંકારનો સ્વભાવ એવો કે જેમ મોટો થાય તેમ એ બધાને કહે કે હું તો જાણું બધું, બધું જાણું છું.

અને આખો દહાડો કકળાટ કર્યા કરતાં હોય. કોઈ છોકરું બે-ત્રણ વસ્તુ ખોઈને આવ્યું હોય ને તો છોકરાને ટૈડકાવે. અલ્યા, એમાં ખોઈને આવ્યું, તે એમાં કયું સાયન્સ આમાં કામ લાગશે, તે ટૈડકાવું છું ? છોકરું સમજી જાય કે આ બધું બરકત નથી, એટલે આ ટૈડકાવે છે. છોકરું ય સમજે કે પડી ગયું એનો ઉપાય શું ? તો ય મા વઢે. અને ઉપાય હોય તો વઢવાની જરૂર નથી. ફક્ત સમજાવાની જરૂર છે બધાંને. વઢાય કેમ કરીને ? આપણે છોકરાને વઢીએ તો એ ય પાછો બાપ તો થવાનો ને ! એ જાણે કે જેવું મારા બાપાએ મને આપ્યું છે તેવું હું મારા છોકરાને આપું. તો એમ વઢંવઢાનું જ ચાલ્યુંને, તો સુખ જ શું રહેશે. એટલે હિસાબ દેખાડી સમજાવી લઈએ તો એ છોકરું આગળ આવશે અને છોકરું ય સમજે કે બાપા સારા મળ્યા છે, નહીં તો એ સમજે કે અન્ટેસ્ટેડ છે એવું સમજી જાય મહીં. આ બાપ ટેસ્ટેડ નથી, કહેશે.

છોકરાં જ્યમ્ પાકેલાં ચીભડાં;

અડતાં જ ફાટે ધૂઓ ઓરડાં!

દાદાશ્રી : દુષમકાળના જીવો છે બધા, મેં દેખાડ્યું હોય કે આ ભૂલ થઈ તો પાછો જતો રહેશે, ફરી કોઈ દહાડે નહીં આવે. એટલે ધીમે ધીમે પટાવી પટાવીને કામ લઈએ અમે.

પ્રશ્નકર્તા : પેલો ચીભડાંનો દાખલો આપ્યો'તો ને, પાકેલાં ચીભડાં જેવાં.

દાદાશ્રી : હા. પાકેલાં ચીભડાં જેવાં છે આજના જીવો, તે આપણે રૂમમાં અંદર મૂક્યાં હોય અને જો હલાવીએ તો, પાકેલું ચીભડું ફાટી જાય અને આખો ઓરડો ધોવો પડે. તેમ આ છોકરાને જો વઢીએ, તો ફાટી જાય તો તો પાછો એને મનાય મનાય કરવો પડે. આ કાળ એવો છે. દુષમકાળના જીવો છે એટલે અમે કોઈને ય સહેજે ય હલાવીએ નહીં. મારી જોડે અવળું બોલેને, તેને ય ના હલાવીએ. બેસ બરોબર છે તારી વાત.

એક બાપે એના છોકરાને સહેજ જ હલાવ્યો એટલે છોકરો ફાટી ગયો, ને બાપને કહેવા લાગ્યો કે, 'મારે ને તમારે નહીં ફાવે.' પછી બાપ છોકરાને કહેવા લાગ્યો કે, 'ભાઈ ! મેં તને કશું ખરાબ નથી કહ્યું. તું શું કામ ગુસ્સે થાય છે ?' ત્યારે મેં બાપને કહ્યું કે, 'હવે શું કામ ઓરડો ધૂઓ છો ? પહેલાં હલાવ્યું શું કામ ? કોઈને હલાવશો નહીં, આ પાકાં ચીભડાં છે. કશું બોલશો નહીં. મેરી ભી ચૂપ ને તેરી ભી ચૂપ. ખઈ, પીને મોજ કરો.'

શીખ, છોરાંને લઢવાની રીત;

નાટકી લઢવું ને નાટકી પ્રીત!

પ્રશ્નકર્તા : તમે રસ્તો કંઈક બતાવો કે ક્રોધ જતો રહે.

દાદાશ્રી : એ છોકરાઓને પછી શી રીતે વઢીશ ? હથિયાર જતું રહે.

પ્રશ્નકર્તા : એવું કંઈક ના થાય કે છોકરાને વઢવું જ ના પડે.

દાદાશ્રી : ના, વઢવું તો પડે. એ તો આ સંસારમાં રહ્યા એટલે વઢવું તો પડે ને !

પ્રશ્નકર્તા : એવું વઢવાનું ના થવું જોઈએ કે આપણને પોતાને જ મનમાં વિચારો આવ્યા કરે અને પોતાને અસર રહ્યા કરે !

દાદાશ્રી : એ તો ખોટું છે. એવું વઢવાનું ના થવું જોઈએ. વઢવાનું સુપરફ્લુઅસ, જેમ કે આ નાટકમાં લઢે છે એવી રીતનું હોય. નાટકમાં લઢે છે, 'કેમ તું આમ કરું છું ને આમ તેમ' બધું બોલે, પણ મહીં કશું ય ના હોય એવું વઢવાનું હોય.

દુઃખ થાય છોકરાંને, વઢવાથી;

ચોખ્ખું થાય પ્રતિક્રમણ કરવાથી!

પ્રશ્નકર્તા : છોકરાંઓને કહેવા જેવું લાગે તો વઢીએ, તો એને દુઃખ પણ લાગે તો શું કરવું ?

દાદાશ્રી : પછી આપણે અંદર માફી માગી લેવી. આ બેનને વધારે પડતું કહેવાઈ ગયું હોય ને દુઃખ થઈ ગયું હોય તો તમારે બેનને કહેવું કે, માફી માગું છું. એવું ના કહેવા જેવું હોય તો અતિક્રમણ કર્યું એટલે અંદરથી પ્રતિક્રમણ કરો. તે તમે તો 'શુદ્ધાત્મા' છો. તે તમારે ચંદુલાલને કહેવું કે 'પ્રતિક્રમણ કરો. તમારે બેઉ જુદા ભાગ રાખવા.' આપણે ખાનગીમાં અંદર પોતાની જાતને બોલીએ કે 'સામાને દુઃખ ના થાય' એવું બોલજો. અને તેમ છતાં છોકરાને દુઃખ થાય તો ચંદુભાઈને કહીએ કે 'પ્રતિક્રમણ કરો.'

પ્રશ્નકર્તા : પણ આપણાથી નાનો હોય, આપણો દિકરો હોય તો એ કેમ માફી માંગવી ?

દાદાશ્રી : અંદરથી માફી માંગવી. હ્રદયથી માફી માંગવી. દાદા આમ દેખાય અને એમની સાક્ષીએ આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન એ છોકરાનાં કરીએ તો તરત પહોંચી જાય.

ચંદુભાઈ છોકરા પર ગુસ્સે થઈ ગયા ને ચંદુભાઈએ એક-બે ધોલ આપી દીધી. તો પછી આપણે ચંદુભાઈને કહેવું કે, છોકરાને મોઢે કહેવું નહીં, પણ એનાં મનથી પ્રતિક્રમણ કરો. આ છોકરાને ધોલ મારી એ ભૂલ કરી હવે ફરી નહીં કરું આવું. એને મોંઢે કહીએ તો છોકરું અવળું ફાટે. એ ય બુદ્ધિશાળીને પાછું એનો દુરુપયોગ થાય હંમેશાં. પ્રતિક્રમણ કરવું તે એ જાણે નહીં એવી રીતે કરી લેવું. નહીં તો એ ચઢી બેસે પાછાં.

ક્રોધ કરે હીત માટે મા-બાપ!

પુણ્યૈ બંધાય, નથી એમાં પાપ!

કોઈ બાપ પોતાના છોકરા પર ગુસ્સો કરે અને એનો એ જ બાપ પાડોશી જોડે ગુસ્સો કરે, એ બેમાં ફેર શું ?

પ્રશ્નકર્તા : બાપનો પુત્ર પ્રત્યેનો ગુસ્સો હશે તે કંઈક અંશે ફળદાયી હશે, એ પરપઝ્લી કરતો હશે.

દાદાશ્રી : હા, એ તો પણ આ બેઉ ગુસ્સા જ કહેવાયને ?

પ્રશ્નકર્તા : પણ બન્નેયમાં ફેર છે ને ?

દાદાશ્રી : શો ફેર ?

પ્રશ્નકર્તા : પેલો જે ગુસ્સો કરે છે, તેનો હેતુ પેલાને સુધારવા માટેનો છે.

દાદાશ્રી : પણ લોક તો એમ જ જાણેને કે આ બાપ છોકરા જોડે ગુસ્સો કરે. એવું કહે કે ના કહે ?

પ્રશ્નકર્તા : લોક તો કહે.

દાદાશ્રી : અને આ પાડોશી જોડે ય ગુસ્સો કર્યો. આ કેટલા ક્રોધી માણસ છે. આ છોકરા પરે ય ગુસ્સો કર્યો. એ હેતુ પછી જોવાનો હોય, પણ આમ દેખાવમાં શું દેખાય છે ?

પ્રશ્નકર્તા : આપણે કોઈને વઢીએ, પણ એના સારા માટે વઢતાં હોઈએ. હવે છોકરાંને વઢીએ તો એ પછી પાપ ગણાય ?

દાદાશ્રી : ના. એ પુણ્ય બંધાય. છોકરાના હિતને માટે વઢીએ, મારીએ તો ય પુણ્ય બંધાય. એ ક્રોધ કરેલાનું પુણ્ય બંધાય છે. ત્યાં ભગવાનને ઘેર તો અન્યાય હોય જ નહીં ને ! છોકરાને હિતને માટે પોતાને અકળામણ થઈ, છોકરો આવું કરે છે એટલા માટે અકળામણ થઈ અને એ છોકરાના હિતને માટે એને બે ધોલો મારી, તો ય એનું પુણ્ય બંધાય. એવું જો એ પાપ ગણાતું હોય તો આ ક્રમિકમાર્ગના બધા સાધુ- આચાર્યો કોઈ મોક્ષે જ ના જાય. આખો દહાડો શિષ્ય જોડે અકળાયા કરે, પણ બધું પુણ્ય બંધાય. કારણ કે પારકાના હિતને માટે એ ક્રોધ કરે છે. પોતાના હિતને માટે ક્રોધ કરવો એનું નામ પાપ. તે ન્યાય કેવો સરસ છે આ ! કેટલું બધું ન્યાયી છે ! ભગવાન મહાવીરનો ન્યાય કેવો સુંદર છે, એ ન્યાય તો ધર્મનો કાંટો જ છે ને !!

એટલે છોકરાંને વઢતાં હોય, મારતાં હોય એના ભલા માટે તો પુણ્ય બંધાય. પણ એનાં જો પાછા ભાગ પડે. 'હું બાપ છું, એને તો જરા મારવું પડે' એવો બાપનો ભાવ મહીં આવ્યો હોય તો પાછું પાપ બંધાય. એટલે જો સમજણ ના હોય તો પાછું ભાગ પડી જાય !!

એટલે બાપ છોકરા પર અકળાય તો તેનું ફળ શું આવે ? પુણ્યૈ બંધાય.

પ્રશ્નકર્તા : બાપ તો અકળાય, પણ છોકરો સામે અકળાય તો શું થાય ?

દાદાશ્રી : છોકરો પાપ બાંધે. ક્રમિક માર્ગમાં 'જ્ઞાની પુરુષ' શિષ્ય ઉપર અકળાય તો એનું જબરજસ્ત પુણ્ય બંધાય, પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. એ અકળામણ કંઈ નકામી જતી નથી. નથી એમનાં છોકરાં, નથી એમને લેવાદેવા, છતાં શિષ્ય ઉપર અકળાય છે !!

આપણે અહીં વઢવાનું બિલકુલ નહીંને ! વઢવાથી માણસ ચોખ્ખું કહે નહીં ને પછી કપટ કરે. આ બધા કપટ તેથી ઊભાં થયાં છે જગતમાં ! વઢવાની જરૂર નથી જગતમાં. છોકરો સીનેમા જોઈને આજે આવ્યો હોય અને આપણે તેને વઢીએ તો બીજે દા'ડે બીજું કંઈ કહીને, મારી સ્કૂલમાં કંઈક હતું તેમ કરીને સીનેમા જોઈ આવે ! જેના ઘરમાં મા કડક હોય તેના છોકરાને વ્યવહાર ના આવડે.

પ્રશ્નકર્તા : ઘરમાં આપણું નાનું બાળક હોય, તે આપણી ઈચ્છા ન હોવા છતાં પણ એના દોષ દેખાઈ જ જાય. આપણે જાણીએ કે આ નથી જ જોવું, છતાં પણ આપણી નજરમાં એવું આવી જ જાય કે આ બરોબર નથી. એટલે એને ટકોર કરવી પડે, નહીં તો આપણાં મનમાં એને માટે દુઃખ થાય, મનમાં કલેશ થાય. આ બધું શું, આ કઈ જાતનો વર્તે છે ? તો આ બધાનું શું કારણ ?

દાદાશ્રી : એવું છે, કે આપણી જાગૃતિ ઊંધે રસ્તે છે. આપણી જાગૃતિ મિથ્યાત્વમાં છે. અત્યારે તમારી દ્રષ્ટિ એ બાજુ છે એટલે અવળું બધું દેખાય છે. 'જ્ઞાની પુરુષ' દ્રષ્ટિ ફેરવી આપે એટલે આ જાગૃતિ સમ્યક્ત્વમાં જાય. ત્યાર પછી જાગૃતિ છતે રસ્તે આવે, ત્યારે આપણને બધું છતું દેખાય. મિથ્યાત્વ એટલે અવળી દ્રષ્ટિ અને સમ્યક્ત્વ એટલે સવળી દ્રષ્ટિ. સવળી દ્રષ્ટિ થાય એટલે બધું સુખ થાય. ત્યાં સુધી અત્યારે તમે તમારી ઊંધી દ્રષ્ટિથી બધું કરો છો, તેથી મહીં દુઃખ થાય છે. છતાં ય પણ પોતાનાં છોકરાં માટે આવું બધું કરે છે એટલે પુણ્ય બંધાય. તમે છોકરાંને આશરો આપો, સારાં સંસ્કાર માટે ટકોર કરો, એ બધાથી તમને પુણ્ય બંધાય. એનું ભૌતિક સુખ મળે. પણ એ સુખો બધા ટેમ્પરરી હોય. 'જ્ઞાની પુરુષ' દ્રષ્ટિ સવળી કરી આપે, એટલે પછી પરમેનન્ટ સુખ ઉત્પન્ન થાય.

અવળા ચાલે ત્યાં કરવી પડે ટકોર;

નહિ તો માને અમે છીએ બરોબર!

છોકરાથી પ્યાલા પડી ગયાને ફૂટી ગયા, એટલે એ તો બિચારો ગભરાઈ ગયો. પ્યાલો ફૂટી જાય એની પર વઢવાનું નથી. પણ, આપણે કહીએ, 'કેમ ધકમક કર્યા કરે છે ? ધીમે ધીમે ચાલ.' ટકોર તો કરવી જ જોઈએ ને ! હરેક બાબતમાં ટકોર તો હોવી જ જોઈએ. અમથા અમથા નહીં. પણ સાધારણ ટકોર હોવી જોઈએ. આ તો કહે છે, 'હું કશું કહેતો નથી !' પહેલા છોકરાં જાણે કે 'આપણે જેટલું કરીએ છીએ એ બધું કરેક્ટ જ છે. બાપ ખુશી થઈને સ્વીકારી લે છે ! પોતે જેટલું કરે છે એ કરેક્ટ જ છે, એ માની લે છે. હવે ઈન્કરેક્ટ હોય એટલે ચેતવો કે આ ખોટું છે. અહીં નહીં, આમ નહીં ચાલે. પછી ચલાવી લેવું પડે. પણ પહેલું આપણે બોલવું, એ એમ ન જાણી જાય કે 'આ હું બોલું છું, કરું છું એ બધું બરોબર છે.'

એટલે છોકરાંઓને છે તે વઢીએ નહીં ને, ત્યાં આગળ એને પૂછીએ કે ભઈ, દઝાયો નથી ને. ત્યારે કહે, ના, નથી દઝાયો. તો આપણે કહીએ કે જરા ધીમે ધીમે ચાલજે. એટલું જ એક જ વાક્ય કહેવાની જરૂર કે તું વિચારજે એની ઉપર. તો પછી એ વિચારે કે 'સાલું હવે મારી ક્યાં ભૂલ થાય છે', એ શોધખોળ કરે. આ તો એને મારો, એટલે પછી પેલો શું કહે, 'એવું જ કરવાનો.' એવું અવળું ચાલશે. આપણા લોક, ઇન્ડિયનો કેવું ચાલે ? અવળા ચાલવું એ આ ઇન્ડિયનનો સ્વભાવ. તમે મારો ને તો ય કહેશે, 'હવે એવું જ કરવાનો. જાવ, તમારાથી જે થાય એ કરજો.' એવું બને કે ના બને ? તમને કેમ લાગે છે, અવળા ચાલે કે ના ચાલે?

પ્રશ્નકર્તા : ચાલે.

દાદાશ્રી : તે આ અવળા ના ચલવશો, ઊલટાં બગાડે છે અને એના માથે હાથ ફેરવીને કહીએ, 'ભઈ, હવે ફરી આવું ના થાય, એવું કરજે. આપણા કેટલા પૈસા બગાડ્યા જો આ ! અને તારા બગડ્યા ને, મારા શું બગડવાના છે ? આ તારે ભાગે આવીને બગડ્યાને.' એવું કહીએ એટલે પાછું સમજે. બધું સમજે છે અને આ એ તોડતો નથી. ખરેખર આ તો આ કુદરત તોડે છે, કારણ કે નહીં તો પેલા પ્યાલાના કારખાનાવાળાનું ચાલે જ નહીં. આ તો હું જોઈને બોલું છું, ગપ્પું નથી આ, એકઝેક્ટ કહું છું હું તમને. માટે આ પુસ્તક વાંચજો ને ઘરના ઝઘડા મટાડી દેજો. પહેલાં ઘરના ઝઘડા મટવા જોઈએ.

એટલે છોકરાને હાથે કશું તૂટી જાય, તો વઢીશ નહીં.

પ્રશ્નકર્તા : તૂટી જાય તો નથી વઢતી.

દાદાશ્રી : તો શું કરે ત્યારે વઢું છું ?

પ્રશ્નકર્તા : બહુ પેપ્સી પીએ, બહુ કોક પીવે, ચોકલેટ બહુ ખાય ત્યારે વઢું.

દાદાશ્રી : તે વઢવાની શી જરૂર, એને સમજણ પાડીએ કે બહુ ખાવાથી નુકસાન થશે. તને કોણ વઢે છે ?! આ તો ઉપરીપણાનો અહંકાર છે ખોટો. 'મા' થઈને બેઠાં મોટાં !! મા થતાં આવડતું નથી અને છોકરાને વઢ-વઢ કર્યા કરે આખો દહાડો ય ! એ તો સાસુ વઢતી હોય ને ત્યારે ખબર પડે. છોકરાને વઢવાનું કોઈને સારું લાગતું હોય ! છોકરાને ય મનમાં એમ થાય કે આ સાસુ કરતાં ય ભૂંડી છે. એટલે વઢવાનું બંધ કરી દે છોકરાને. ધીમે રહીને સમજણ પાડવી કે આ ના ખવાય, શરીર તારું બગડશે અમથું. ધણીને હઉ વઢું છું ?!

પ્રશ્નકર્તા : ના, એ મને વઢે છે.

દાદાશ્રી : એ શાનો વઢે પાછો ! કંઈ લખી આપ્યું છે ?! વઢવાનું કંઈ લખી આપ્યું નથી. એને કહેજે કે દાદા કહેતા કે 'વઢવાનું લખી આપ્યું નથી. તમારે જે કહેવું હોય તે સીધી વાત કરો.' વઢવાનું હોતું હશે ?! આ તે ગાયો-ભેંસો છે કે વઢે છે ! માણસ છે આ તો. માણસને વઢવાનું હોય ? તમને કેમ લાગે છે ! આપણામાં માનવતા ના હોય ?! ગાયો-ભેંસો લઢી પડે !

ગુસ્સે થાય તેની સામે સમતા;

છાપ પડે જ્ઞાનની, ને વધે પૂજ્યતા!

તમારે ઘરમાં વઢવાડો બંધ છે કે નહીં ? બિલકુલે ય બંધ ?

પ્રશ્નકર્તા : હવે આ વઢવાનું ફાવતું નથી.

દાદાશ્રી : હા, શું કરવા બોલીએ ? પોતાનું મગજ બગાડવું, મૂરખ બનવું એ કોના ઘરની વાત છે તે ? પોતે મૂરખ બને અને પાછો મગજ બગાડે ! શું કાઢ્યું સારમાં ? સાર કશો કાઢવાનો નહીં !!

મોટાભાઈ કચકચ કરતા હોય ને, તો ય આપણે કચકચ કરવા જેવી નથી. એ આપણને મૂરખ જાણે તો મૂરખ જાણવું. એમના હાથમાં કંઈ ઓછો કાયદો છે મોક્ષે લઈ જવાનો ? દાદાની પાસે સર્ટીફીકેટ લેવું, બસ !

અને બને એવું આપણા સંજોગમાં આવે ને, તો એની જોડે એવું વર્તન કરવું કે એની છાપ પડવી જોઈએ. તમને જ્ઞાન છે તો તમે છાપ પાડી શકો કે ના પાડી શકો ? પેલો અકળાયો હોય તો તમે શાંત રહી શકો કે ના રહો ?

પ્રશ્નકર્તા : ચોક્કસ.

દાદાશ્રી : પછી એને છાપ પડે કે ઓહોહો ! આ કેવા માણસ છે. તે જુઓને હું ગુસ્સે થયો છું, તો ય કેવા શાંત છે આ ! પણ તે એ છાપ જ ક્યાં પડે છે અત્યારે તો. જો છોકરો ચીઢાયો એટલે બાપ બાર ગણું ચીઢાય. ત્યારે છોકરો કહેશે, આવી જાવ !!

આ જેટલાં મા-બાપ છે, તે છોકરાંને લઢે છે. એની છોકરાંઓ કંઈ નોંધ નથી કરતાં. એના કરતાં વઢ્યા વગરનું હોય છે, તેની નોંધ થાય છે. કારણ કે આ દુષમકાળમાં ફાધર પ્રત્યે એટલી બધી પૂજ્યતા નથી હોતી. આ દુષમકાળના પ્રતાપે એેટલે પછી ઊંધું કરે છે !

નથી ભૂલમાં દીકરો કે ફાધર;

લઢાઈ છે પૂર્વકર્મની ફાચર!

લઢવાનો શોખ હોય છે ? છોકરા ને બાપ લઢે ખરાં, પણ લઢવાનો શોખ કોને હોય છે ?

પ્રશ્નકર્તા : એ તો જેનું માથું ગરમ હોય એ લઢે. જેનો જેનો સ્વભાવ ગરમ હોય તે લઢે. એમાં છોકરાનો સ્વભાવ ગરમ હોય તો છોકરો લઢે ને બાપનો સ્વભાવ ગરમ હોય તો બાપ લઢે.

દાદાશ્રી : બાપનો ઠંડો હોય ને પેલાનો ગરમ હોય, તો લઢવું શા માટે પણ ?

પ્રશ્નકર્તા : છોકરો લઢે એટલે એ લઢે એમ.

દાદાશ્રી : પછી બાપ શું કરે ? બાપ પછી શું કહે ? મારા મોઢામાં આંગળા ઘાલીને તું બોલાવડાવું છું. પણ જો ઠંડા છો, તો તમારે બોલવાની જરૂર છે આ ? પણ ના રહેવાય, ઠંડા શી રીતે રહે ? કારણ કે એ પોતે ચંદુભાઈ છે. ખુદાનો બંદો થયો હોત તો ના ભાંજગડ આવત. પણ એ તો ચંદુભાઈ રહ્યા છે. એટલે આ ભાંજગડ અડે જ ને પછી ! હવે ખરી રીતે બાપ-દીકરાને વઢવાડો થાય છે, એમાં દીકરાની ય ભૂલ નથી ને બાપની ય ભૂલ નથી. કર્મની ફાચર છે. કર્મ પેલાને ઉશ્કેરે છે અને આને ય ઉશ્કેરે છે, કર્માધીન. કરૂણા ખાવા જેવું ! એને આપણાં લોક કહેશે, 'શું આ બાપને ગાળો દે છે ? નાલાયક માણસો !' ના, અભિપ્રાય ના આપશો ભઈ. 'એ દે છે કે કોઈ દેવડાવે છે ?' એ તમને ખબર નથી. શા માટે અભિપ્રાય આપો છો ? એ દે છે કે કોઈ દેવડાવે છે ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : હા, દેવડાવે છે.

દાદાશ્રી : હા. કો'ક દેવડાવે છે. કોઈ ભૂતનું વળગણ છે એની પાછળ. આપણાં લોકો ન્યાય કરી નાખે. 'શું આ નાલાયક છે, બાપને ગાળો દે છે !!' ના, તું ન્યાય ના કરીશ મૂઆ. તારે ન્યાયાધીશ થવાની જરૂર નથી. વાળવું હોય તો વાળ બન્નેને. તને વાળવાનો અધિકાર છે, ન્યાયાધીશ થવાનો અધિકાર નથી. કારણ કે કર્મનાં ઉદયો બધું લઢાવે છે બિચારાંને. કર્મનાં ઉદયો બધું આ કરે છે અને સારું રાખે છે તે ય કર્મનાં ઉદયો. આ તો મારો સ્વભાવ સારો તે ઘરમાં હું ઝઘડો થવા દેતો નથી. પણ એ તો એક અહંકાર છે. કર્મનાં ઉદય સારા છે, તે એટલે ઝઘડા નથી થયા.

જેને સંસાર વધારવો હોય તેણે આ સંસારમાં વઢંવઢા કરવી, બધું ય કરવું. જેને મોક્ષે જવું હોય તેને અમે 'શું બને છે' તેને 'જુઓ' એમ કહીએ છીએ. આ સંસારમાં વઢીને કશું સુધરવાનું નથી, ઊલટો મનમાં અહંકાર કરે છે કે હું ખૂબ વઢ્યો. વઢ્યા પછી જુઓ તો માલ હતો તેનો તે જ હોય, પિત્તળનો હોય તે પિત્તળનો જ. ને કાંસાનો હોય તે કાંસાનો જ રહે. પિત્તળને માર માર કરે તો એને કાટ ચઢ્યા વગર રહે ? ના રહે. કારણ શું ? તો કહે, કાટ ચઢવાનો સ્વભાવ છે એનો. એટલે મૌન રહેવાનું. જેમ સીનેમામાં ના ગમતો સીન આવે તો તેથી કરીને ત્યાં આપણે જઈને પડદો તોડી નાખવો ? ના, એ ય જોવાનું. બધા જ ગમતાં સીન આવે કંઈ ? કેટલાક તો સીનેમામાં ખુરશી પર બેઠા બેઠા બૂમાબૂમ કરે કે, 'એ ય મારી નાખશે, મારી નાખશે !' આ મોટા દયાળુનાં ખોખાં જોઈ લ્યો ! આ તો બધું જોવાનું છે. ખાવ, પીવો, જુઓ ને મઝા કરો !!

ડરાવીને કરવા જાય કંટ્રોલ;

પ્રેમ સિવાય ન જીતાય, ડફોળ!

ઘરમાં ધણીને પણ ભય ના લાગે આપણો. છોકરાંને કોઈને આપણો ભય ના લાગે. એવી રીતે જીવન જીવવું જોઈએ.

પ્રશ્નકર્તા : હું એવા આશયથી કરતી નથી કે એમને ભય લાગે, પણ કદાચ કંઈ લાગતો હોય તો આપણને ખબર નથી.

દાદાશ્રી : કોઈ પણ કારણે ભય ના લાગવો જોઈએ. પ્રેમસ્વરૂપ થવું જોઈએ. ભય ના લાગવો જોઈએ આપણો.

પ્રશ્નકર્તા : હવે એવો પ્રયત્ન કરીશું.

દાદાશ્રી : હા. તમને ભય લગાવો એવું ગમે છે ?

પ્રશ્નકર્તા : કંટ્રોલ રાખવો ગમે છે.

દાદાશ્રી : હા. ભયથી જ તમે શીખવાડો. મોટો થશે ભયથી, પછી કલ્યાણ કાઢી નાખશે (!)

પ્રશ્નકર્તા : બાળકને આપણે કંટ્રોલ તો રાખવો પડેને, એટલે કંટ્રોલ રાખવા માટે પછી એને બીક તો લાગે જ ને, આપણે એવું કંઈ કરીએ તો ! એને ડિસિપ્લિન તો શીખવાડવી પડેને ?!

દાદાશ્રી : પછી ડિસિપ્લિનવાળા થયા છે ખરાં ?

પ્રશ્નકર્તા : અમુક વસ્તુમાં પછી એ શીખે છે કે આ ખોટું છે કે આ સાચું છે.

દાદાશ્રી : ગપ્પું છે બધું ! કોઈને ય ભય નહીં પમાડવાં જોઈએ. આપણને કોઈ પમાડે, તે આપણે સહન કરી લેવાનું. કેટલાક લોક ઘેર કોઈને મારામાર ના કરે પણ ભય બહુ પમાડે. બીતી ને બીતી રહે બિચારી, વાઈફ. છોકરાં રાત-દહાડો બીતાં ને બીતાં રહે. મૂઆ, આવું શું કરવાં કરે છે ?! ભય તો કોઈ જીવ ના પામવો જોઈએ આપણાથી. આ ભય કોણ પમાડે કે વાઈલ્ડ જાનવરો છે, તે ભય પમાડે અને વાઈલ્ડ માણસો. જેવા જાનવરો વાઈલ્ડ હોય છે, એવા માણસો પણ વાઈલ્ડ હોય છે તે ભય પમાડે. બાકી આ ગાયો, ઘોડા કંઈ કોઈને ભય પમાડે ? એક દીપડો આવ્યો હોય તો આખા રોડ ઉપર માણસ આઘુંપાછું થઈ જાય. એવા માણસો ય વાઈલ્ડ ખરાં. જોયેલા માણસો વાઈલ્ડ ?

પ્રશ્નકર્તા : નથી જોયા.

દાદાશ્રી : આપણા હિન્દુસ્તાનમાં ઘેર ઘેર મૂઆ છે. છોકરાં ય દરરોજ કહે, 'પપ્પા મારશે, પપ્પા મારશે.' પપ્પો મારે ય ખરો.

પ્રશ્નકર્તા : પહેલાંના જમાનામાં કહેવાતું હતું કે સોટી વાગે ચમ ચમ ને વિદ્યા આવે ઘમ ઘમ. જ્યાં સુધી માર ના પડે ત્યાં સુધી વિદ્યા ચઢે નહીં એમ.

દાદાશ્રી : પહેલાનાં જમાનામાં તો એ એકલી કહેવત નહોતી. 'બુધે નાર પાંસરી' કહેતાં હતાં. એ જમાનાની આ વાતો બધી, ડેવલપ જમાનાની નહીં. તે દહાડે અગિયાર વર્ષનાં થતાં ત્યાં સુધી લુંગી પહેરતાં ન્હોતા. તે જમાનાની વાત આ અને અત્યારે કેવડાં છોકરાં લુંગી પહેરે છે ?! જન્મે ત્યારથી હોય.

પ્રશ્નકર્તા : પણ દાદા, અમુક વાતનો તો ભય હોવો જ જોઈએ. ધારો કે પરીક્ષાનો ભય ન હોય, તો છોકરાં વાંચે જ નહીં.

દાદાશ્રી : પણ વાઈલ્ડ ભય નહીં હોવો જોઈએ. વાઈલ્ડ ના હોવો જોઈએ. ભય વડીલ તરીકેનો હોવો જોઈએ.

માર સહે બની બાપડાં;

વેર બાંધી બને દીપડા!

એ ખોટંુ કરતો હોય, તો એને ધીબ ધીબ કરવાનો ના હોય. ખોટું કરતો હોય અને એને ધીબ ધીબ કરીએ તો શું થાય ? એક જણ તો લુગડાં ધુએ એમ ધોતો'તો. અલ્યા મૂઆ ! બાપ થઈને આ છોકરાની આ દશા શું કરે છે ? છોકરો મનમાં શું નક્કી કરે છે તે જાણો છો તે ઘડીએ ? સહન ના થાય ને, તે કહે, 'મોટો થઉં એટલે તમને મારું, જોઈ લો.' મહીં નિયાણું કરી નાખે એ ! પછી એને માર માર જ કરે રોજ મોટો થઈને પછી ! ત્યારે મૂઆ અત્યારે શું કરવા બગાડ્યું છોકરાં જોડે ? રીતસર એને સમજાવી, પોપલાવીને કામ લે ! હંમેશાં મારવાથી દરેક કામ બગડે છે. મારવું એનું નામ કહેવાય કે એનાથી એ ભય પામ્યો હોય. તે ય કો'ક દહાડો જ ! ખાલી ભય જ પમાડવાની જરૂર છે. એને મારવાની જરૂર નથી. એટલે આ બાજુના ભાવ કરવાના બંધ કરી દે. પછી અને આ ખોટું છે એવું સમજાઈ જાય એને.

મા બાપની ધાક હોય માત્ર આંખથી;

ક્યારેક દંડ કે સંકોરી પ્રેમ પાંખથી!

પ્રશ્નકર્તા : ઘણાને એવી બીલિફ હોય છે કે છોકરાંને મારીએ તો જ સીધાં થાય, નહીં તો બગડી જાય. આપણે મારીને ધાકમાં રાખવાં જ જોઈએ. તો જ છોકરાં પાંસરા ચાલે, એ શું બરોબર છે ?

દાદાશ્રી : જ્યાં સુધી મારવા જેવી એની ઉંમર હોય ત્યાં સુધી મારવા જોઈએ અને ૩૦ વર્ષની ઉંમર થઈ ને મારવા જઈએ તો ?

પ્રશ્નકર્તા : એ સામા આવે.

દાદાશ્રી : માટે અમે એમ કહીએ કે મારજો અને એમે ય કહીએ કે ના મારજો. જ્યાં સુધી ખમી શકે એવો એનો અહંકાર જાગૃત થયો નથી, ત્યાં સુધી છેવટે મારીને પણ સીધા રાખવાં જોઈએ. નહીં તો અવળે રસ્તે જાય.

ખરી રીતે સીધા કરતાં લોકોને આવડતાં નથી. એવું જ્ઞાન નહીં હોવાથી એ આવડતું નથી. નહીં તો છોકરાંને સીધા કરવા માટે પ્રેમના જેવું તો ઔષધ જ નથી. પણ એવો પ્રેમ રહે નહીંને, માણસને ગુસ્સો જ આવેને ! છતાં એ ગુસ્સો કરીને મારીને ય એને સવળે રસ્તે લાવે છે એ સારું છે. નહીં તો એ અવળે રસ્તે ચાલ્યો જાય. કારણ કે એને જ્ઞાન જ નથી અને ૩૦ વર્ષની ઉંમરનાને આપણે મારીએ તો એ સામો થાય. તે જ્યાં સુધી આપણું ચાલે ત્યાં સુધી કરી લેવું. ના ચાલે તો પડતું મેલવું.

પ્રશ્નકર્તા : પણ કહ્યું માને નહીં, એટલે કોઈ વખત મારવાં પડે બાળકોને !

દાદાશ્રી : ના માને, તે મારવાથી કઈ માની જાય છે ? એ તો મનમાં રીસ રાખે મોટો થઈશ ત્યારે મારી મમ્મીને જોઈ લઈશ, કહેશે. મનમાં રીસ રાખે જ, દરેક જીવ રીસ રાખે જ ! પોતે હંમેશાં સમાધાનીપૂર્વક કાર્ય કરો, દરેક કાર્ય ! મારવું હોય તો કહેવું, 'ભઈ તું કહેતો હોય તો તને મારું, નહીં તો નહીં મારું.' એ કહે કે 'ના, મને મારો.' તો મારો, સમાધાનપૂર્વક મરાય. એવું કંઈ મરાતું હશે ? નહીં તો એ વેર બાંધે ! એને ના ગમતું હોય ને તમે મારો તો વેર બાંધે. નાનો હોય ત્યારે વેર ના બાંધે, પણ મનમાં નક્કી કરે કે આ હું મોટો થઈશ ને મમ્મીને મારીશ !

પ્રશ્નકર્તા : પણ દાદા, મારી બેબી એને તો આપણે વઢીએ તો કશું નહીં, સેકન્ડમાં બધું ભૂલી જાય.

દાદાશ્રી : એ ભૂલી જાય છે. તો કંઈ એટલી ચાલાકી ઓછી છે. ચંચળતા ઓછી છે જરા, એટલે ભૂલી જાય. પણ ચંચળ માણસો બહુ ઊગ્ર હોય. એટલે વઢવાનું શું કામ છે હવે ? બાબાને કહેવું વઢવું હોય તો કે બોલ તને હું વઢું આવું કામ કર્યું ને ખરાબ કર્યું આ. હું તને વઢું તો કહે, 'હા, વઢો.' તો આપણે વઢવું. એ ખુશી થઈને વઢવાનું કહે, તો આપણે વઢવું.

છોકરાંને તમે મારશો નહીં, છોકરાનું વ્યક્તિત્વ છે.

પ્રશ્નકર્તા : આપણામાં કહે ને કે બાળક ઉપર ધાક રાખવી મા-બાપે. દાદાનું શું માનવું છે ? બાપ કે માની ધાક હોવી જોઈએ ? કેવી હોવી જોઈએ ?

દાદાશ્રી : હા. ધાક તો ફક્ત આંખની જ હોવી જોઈએ, હાથની નહીં. અને રોજ જે પ્રેમ આપતા હો ને, તે બંધ કરીએ એટલે એની મેળે જ મહીં સમજી જાય.

પ્રશ્નકર્તા : એવી તમે મહાત્માઓ ઉપર રાખો છો ને !

દાદાશ્રી : હા, રાખું છું. એવી સહેજ રાખીએ નહીં ને તો એને ખબર શી રીતે પડે ? દંડ થયેલો એવું ! એટલે જાગૃતિ રાખવા માટે. એટલે આ આવી રીતે કરવું, એને બીજું કંઈ મરાય નહીં. છોકરાંઓને સોળ વર્ષ પછી તો મિત્ર જ કરી નાખવાનો, સોળ વર્ષ સુધી ટકોર કરવી જોઈએ.

છોકરાંને સમજણ પડાય. સમજાવી-પટાવીને કામ લેવાનું. એ તો મરાય નહીં બિચારાને. એમની બુદ્ધિ હજુ પ્રગટ થઈ નથી, મારવાથી ઊલ્ટું ભડકી જાય. આ તો બે ધોલો મારી દે. અલ્યા મૂઆ, ના મરાય છોકરાંને. એ તો ફૂલ જેવાં કહેવાય.

પ્રશ્નકર્તા : અહીંયાં બહારના જે અમેરિકનો છે, અમેરિકનોનું વાતાવરણ જે છે, એમનાં જે સંસ્કાર, એની અસર આપણા બાળકો ઉપર ના પડે ?

દાદાશ્રી : પડે. આપણે ઘેર છે તે માર-માર કરીએ છોકરાને, તો એ રક્ષણ ખોળે. એટલે જવાન ફ્રેન્ડ મળી આવે કે થયું, ચાલ્યું. આપણે તો છોકરાને માર-માર ના કરાય, છોકરાને તો મનમાં એમ થાય કે ક્યારે ઘેર જઉં તો મારા પપ્પાજીની પાસે બેસું. એટલો બધો પ્રેમ હોવો જોઈએ. આ તો માર-માર કરે એટલે પ્રેમ જ ના હોય બિચારાં, એટલે ગમે ત્યાં રખડી મરે છે. સમજાય એવી વાત નથી ?

પ્રશ્નકર્તા : મારવાથી છોકરાં સુધરે કે નહીં ?

દાદાશ્રી : કોઈ દહાડો સુધરે નહીં, મારવાથી કશું સુધરે નહીં. આ 'મશીન'ને મારી જુઓ તો ! એ ભાંગી જાય. તેમ આ છોકરાં ય ભાંગી જાય. ઉપરથી સાજાં સમાં દેખાય, પણ મહીં ભાંગી જાય. બીજાને 'એન્કરેજ' કરતાં ના આવડે તો પછી મૌન રહે ને, ચા પીને છાનોમાનો. બધાંના મોઢાં જોતો જા, આ બે પૂતળાં કકળાટ માંડે છે તેને જોતો જા. આ આપણા કાબુમાં નથી. આપણે તો આનાં જાણકાર જ છીએ.

મારવાથી જગત ના સુધરે, વઢવાથી કે ચિઢાવાથી કોઈ સુધરે નહીં. કરી બતાવવાથી સુધરે છે. જેટલું બોલ્યાં તેટલું ગાંડપણ.

વંઠેલાને વાળો વીતરાગતાથી;

નહીં તો સામો થશે નિર્દયતાથી!

પ્રશ્નકર્તા : છોકરાંઓને બહુ કહ્યા પછી પણ જો ના વળતાં હોય તો પછી એમને મારવાં ? ઘેરથી બહાર કાઢવાં કે પછી એમને એમનાં જે હાલ થાય તે પર છોડી દેવાં ?

દાદાશ્રી : બીજા કોઈને મિલકત આપવાની હોય તો ઘર બહાર કાઢજો. પણ ત્યારે એ દાવો માંડે, એના કરતાં ઘરમાં રહેવા દેજોને ! તમે કહો કે મારી જાતે મિલકત નહીં આપું ? તો એ દાવો માંડશે, એટલે ખોટું તો દેખાશે ને ! ઘરે રાખીને શોભા રાખજો. માર માર તો કરશો જ નહીં. કારણ કે એ જોરદાર વધારે હોય મૂઓ, આપણે ઘૈડા થયેલા હોઈએ ત્યારે બદલો વાળે.

પ્રશ્નકર્તા : આ કેવી રીતે પ્રશ્ન સોલ્વ કરવો ? જો છોકરાઓને આપણે આપણા રસ્તે લાઈનમાં ના લઈએ, ન વાળી શકતા હોઈએ, તો શું કરવું જોઈએ ?

દાદાશ્રી : આપણું કહેલું ના માનતા હોય તો ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : થઈ રહ્યું, આપણે હાથમાંથી લગામ છૂટી ગઈ. પછી કરવું શું તે ?

એ મારી પાસે મોકલે તો સુધારી આપીએ. બાકી કોઈ સુધારનારો છે નહીં. આ ફેરે છોકરીને કહ્યું કે મીટ નહી ખાવાનું. તે ઓલરાઈટ થઈ ગયું પેલી છોકરીને !

પ્રશ્નકર્તા : તો આનું સોલ્યુશન શું ?

દાદાશ્રી : ના, ના. એ છોકરાઓ ડિસિપ્લિન રાખે છે ને, તે ડિસિપ્લિન્ડ પુરુષો પાસે જ રાખે છે. પણ અન્-ડિસિપ્લિન્ડ પાસે એ ડિસિપ્લિન રાખે જ નહીં. એટલે બધો મા-બાપનો જ દોષ છે.

એક ભાઈ હતા. તે રાત્રે બે વાગે શું શું કરીને ઘેર આવતાં હશે તેનું વર્ણન કરવા જેવું નથી. તમે જાણી જાઓ. તે પછી ઘરમાં બધાંએ નિશ્ચય કર્યો કે આમને વઢવું કે ઘરમાં પેસવા ના દેવાં ? શો ઉપાય કરવો ? તે તેનો અનુભવ કરી આવ્યા. મોટાભાઈ કહેવા ગયા, તો એ મોટાભાઈને કહે કે, 'તમને માર્યા વગર છોડીશ નહીં.' પછી ઘરનાં બધાં મને પૂછવા આવ્યા કે, 'આનું શું કરવું ? આ તો આવું બોલે છે.' ત્યારે મેં ઘરનાંને કહી દીધું કે, 'કોઈએ તેને અક્ષરે ય કહેવાનું નહીં. તમે બોલશો તો એ વધારે 'ફ્રંટ' થઈ જશે, અને ઘરમાં પેસવા નહીં દો તો એ બહારવટું કરશે. એને જ્યારે આવવું હોય ત્યારે આવે ને જ્યારે જવું હોય ત્યારે જાય. આપણે રાઈટે ય નહીં બોલવાનું ને રોંગે ય નહીં બોલવાનું. રાગે ય નહીં રાખવાનો ને દ્વેષે ય નહીં રાખવાનો. સમતા રાખવાની, કરુણા રાખવાની.' તે ત્રણ-ચાર વર્ષ પછી એ ભાઈ સરસ થઈ ગયો ! આજે એ ભાઈ ધંધામાં બહુ મદદરૂપ થાય છે ! જગત નાકામનું નથી, પણ કામ લેતાં આવડવું જોઈએ. બધા જ ભગવાન છે, અને દરેક જુદાં જુદાં કામ લઈને બેઠાં છે, માટે ના ગમતું રાખશો નહીં.

જ્ઞાનમાં શું બને તે જુઓ;

સાથે પ્રતિક્રમણથી ધૂઓ!

પ્રશ્નકર્તા : આખો દહાડો છોકરાં બહાર રખડે. ઘરનું કામ હોય, અગત્યનો ફેરો ખાવાનો હોય, તેવું તો એણે કરવું જોઈએ ને. વઢીએ તો ય કશું કરે નહીં. પછી મૌન રહેવાય નહીં ને છોકરા પર હાથ ઉપડી જાય.

દાદાશ્રી : ના, એવું મૌન થઈ જવાય નહીં. તમારે શુદ્ધાત્માનું લક્ષ રહે છે કે નથી રહેતું ?

પ્રશ્નકર્તા : રહે ને.

દાદાશ્રી : પછી શો વાંધો છે ? એવું છે ને ખરી રીતે તો આપણું સાયન્સ શું કહે છે કે મારતી વખતે તમે એને જોયાં કરો. 'ચંદુભાઈ' છોકરાંને મારતાં હોય તે ઘડીએ તમારે 'ચંદુભાઈ'ને જોયાં કરવું. 'ચંદુભાઈ' શું કરી રહ્યા છે, એટલું જ જોયા કરવાનું અને પછી 'ચંદુભાઈ'ને કહેવાનું કે આ તમે અતિક્રમણ કર્યું, શા માટે આ બિચારાને માર્યું ? તમારાથી આવું વઢાય, તમે કેમ વઢ્યા ? માટે આ બધાનું પ્રતિક્રમણ કરો. એટલે 'ચંદુભાઈ' છોકરાંને મારે તે ઘડીએ તમારે જાણ્યા જ કરવું અને જોડે જોડે પ્રતિક્રમણ કરાય કરાય કરવું. આવું ફાવે ને ?

એક માણસ સંડાસના બારણાંને લાતો માર માર કરતો હતો. મેં કહ્યું કે કેમ લાતો મારો છો ? ત્યારે કહે છે કે બહુ સાફ કરું છું, તો ય ગંધાય છે. ખૂબ સાફ કરું છું તો ય ગંધાય છે. બોલો, હવે એ મૂર્ખાઈ કેટલી બધી કહેવાય ? જાજરૂના બારણાને લાતો મારીએ તો ય ગંધાય છે. તેમાં ભૂલ કોની ?

પ્રશ્નકર્તા : લાતો મારનારની.

દાદાશ્રી : કેવડી મોટી ભૂલ કહેવાયને ? કંઈ દરવાજાનો દોષ છે બિચારાનો ? આ લાતો મારી મારીને જગત આખું ગંધાય તેને સાફ કરવા જાય છે. પણ એ સંડાસના બારણાને લાતો મારીને પોતાને ઉપાધિ થાય છે અને બારણાં ય તૂટી જાય છે.

કેટલી બધી આ મુશ્કેલીઓ. સંસાર બધો મુશ્કેલીમાં મુકાયો છે, નહીં સમજણ પડવાથી મુશ્કેલીમાં મુકાયો છે. આ મુશ્કેલી સોલ્વ થઈ જાય કે કલ્યાણ થઈ ગયું.

પ્રશ્નકર્તા : હવે બીજું કહીએ ને કે ડખોડખલ કરવી નહીં અને જોયા કરવું બધું. હવે ઘરમાં ચાર વર્ષનું બાળક હોય અને કંઈ ખોટું કરતો હોય, તે આપણને એમ કે હવે આ એને સમજણ ઓછી છે એટલે લાવ આપણે એને ટકોર કરીએ કે વઢીએ, ડખો કરીએ. એવું થઈ જાય આપણાથી, આપણે એવું કરવું પડે, આપણું બાળક છે એમ કરીને. તો એ શું બરાબર કહેવાય કે શું કરવું ત્યાં ?!

દાદાશ્રી : હા, પણ જે કરે એ, આપણે જોયા કરવાનું.

પ્રશ્નકર્તા : કશું કહેવાનું નહીં ?

દાદાશ્રી : 'ચંદુભાઈ' એને વઢતા હોય, મારતા હોય તો ય જોયા કરવાનું, પણ વધુ મારે ત્યારે કહેવું કે ભઈ આવું ના મરાય.

પ્રશ્નકર્તા : હવે મારવાનું નહીં. પણ શું છે, આપણે જાણતા હોઈએ કે આ 'ચંદુભાઈ' જ કરે છે. પણ એ જે અંદર ડખલ કરી એની ક્રિયામાં, એ યોગ્ય છે કે અયોગ્ય છે ?

દાદાશ્રી : કરવું બધું ય. ડખો, ટકોર-બકોર બધું ય કરવું. કરવી એવો ભાવ ના હોવો જોઈએ, શું થાય છે એ જોવાનું. કરવી એ તો કરવાપણું રહ્યું જ નહીંને હવે. કર્તાપદ જ રહ્યું નહીં ને હવે. શું થાય છે એ જોયા કરવાનું. એ ડખો કરી નાખે તે જોવું અને આ સારું કરે તે ય જોવું !

પ્રશ્નકર્તા : છોકરાઓ બહુ તોફાની થઈ જાય, તો પછી સમાજ એને સ્વીકારે નહીંને.

દાદાશ્રી : હા, પણ તમારામાં સુધારવાની શક્તિ હોય તો સુધારો. પણ મારી-ઠોકીને ના સુધરે એ. મારી ઠોકવાના એક જ રસ્તાથી ના સુધરે. એ તો પધ્ધતસર સુધરે.

પ્રશ્નકર્તા : એટલે એને દસ મિનિટ ઊભા રાખીએ અથવા એવી રીતે પનિશ (શિક્ષા) કરીએ, તો એના આત્માને હર્ટ (દુઃખ) થાય ?

દાદાશ્રી : શિક્ષા કરવાથી શું ફાયદો કાઢવાનો, શિક્ષા કરીને ! શિક્ષા કરવા કરતાં તને ઠીક લાગે એ ભગવાનનું નામ લેજે, કહીએ. અને માફી માગજે. તો કંઈક એમાં મન સારું થાય બળ્યું, એમ માનો ને તમને શિક્ષા કરે ધણી તો તમે શું કરો ?! મનમાં એમ થાય કે ક્યારે વખત આવે તો એમનું તેલ કાઢી નાખું. એમને મારા ઘાટમાં આવવા દો! મજા નથી આમાં, આવું ના હોય. જેવા છે એવા, તમે જો પ્રેમ રાખો તો જગત પ્રેમવાળું હશે. જગત તમારો ફોટો જ છે, અરીસો જ છે બધો તમારો. મારી પાસે પચાસ હજાર માણસ છે, પણ મારે કોઈની જોડે મતભેદ પડતો નથી. એ મને કહે કે 'તમે દાદા ચોર છો.' તો હું કહું, 'બેસ ભઈ, મને શી રીતે ચોર છું ?' એ મને તું સમજાવ. ત્યારે કહે છે, તમારા કોટની પાછળ લખ્યું છે કે 'દાદા ચોર છે.' મેં કહ્યું, 'કરેક્ટ.' લખેલું હોય તો પછી એવું કહે જ ને લોકો. લખ્યું હોય તો ના કહે ?!

પ્રશ્નકર્તા : હા, કહે. તો પછી બધો સમાજ છે તો એમ કહે કે, આ મા બરાબર નથી, છોકરાંઓને સાચવતી નથી. એવી રીતના માને બધા વગોવે કે, એવું ના થાય ?

દાદાશ્રી : એ તો આપણા મનના ખોટાં ભય છે, લોકો મને આમ માનશે ને તેમ માનશે ! છોકરાંઓ સુધરવાં જ જોઈએ આપણાં. આપણા સંસ્કાર એવા સુંદર કરી નાખો કે છોકરાંઓ સુધરે. આ તો છોકરાંઓ શું કરે છે કે પપ્પો ને મમ્મી બે વઢતા હોય ચાળા કરીને, તે ઘડીએ બાબો એમ જોયા કરે. 'પપ્પો જ ખરાબ છે, આ મમ્મી તો બિચારી સારી છે.' તે ઘણા મા-બાપને તો મેં ઇન્ડિયામાં કહી દીધેલું કે મૂઆ આવું ના કરશો, નહીં તો એ છોકરાં મોટા થશે ને, ત્યારે મમ્મી ને છોકરાં બધા ભેગા થઈને તમારું તેલ કાઢી નાખશે. માટે એવું ના કરો. આ પ્રેમમય જીવન જીવો. આવું શા માટે કરો છો ?!

હવે તમે હિતમાં કરવા જાવ છો. તમે અહિત નથી કરતા, પણ હિત કરતાં આવડતું નથી, તેનું શું થાય તે ?! જીવન જીવવું એ તો કળા છે. હિત કરતાં ના આવડવું જોઈએ ! મારે કોઈ માણસ જોડે મતભેદ નથી પડતો, એનું શું કારણ હશે ?! તો તમારે પચાસ-સો માણસ જોડે મતભેદ ના પડવો જોઈએ એટલું ના કરવું જોઈએ એટલું ?

પ્રશ્નકર્તા : કરવું જોઈએ.

દાદાશ્રી : હં.... માટે થઈ શકે એમ છે, તમે નક્કી કરો એક વાર કે આપણે આમ જ જીવન જીવવું છે આવું. તો તમારી લાઈફ ઊલટી સુધરી જાય છે સરસ. અને આપણા ઘરના માણસોને તો સુખ હોવું જ જોઈએ. તમારે મારવાનો શોખ હોય તો બહાર પોલીસવાળાને મારીને આવો. પણ આ લોકોની જોડે કશું એવું ના કરો. તમને શોખ હોય તો બહાર તમારા હાથ ઊંચા કરો અને અહીં ઘરમાં ?! ના શોભે આપણને. આપણે ખાનદાન કવૉલિટી, આપણે અનાડી ન હોય. આપણે આર્ય પ્રજા છીએ અને બેનોએ વેર ના વાળવું જોઈએ કોઈ પણ રીતે, એમણે એમની મર્યાદામાં રહેવું જોઈએ. આપણે આપણી મર્યાદામાં રહેવું જોઈએ.

પ્રશ્નકર્તા : છોકરાઓ જોડે કકળાટ, ઝઘડો થઈ જાય છે. તે એનું શું કારણ ?

દાદાશ્રી : એ તો મા થતાં નથી આવડતું એટલે. છોકરાં તો બાળકો છે બિચારાં, એ તો તોફાન કરે જ ને ! પણ માને મા થવું જોઈએને ! તે તોફાન વધારે કરે ને તો ધીબ ધીબ કરે.

છોકરાં સાચવો ગ્લાસ વીથ કેર;

આ છે ભારતના ભાવિ હેયર!

કેટલાક તો છોકરાને માર માર કરે, આ મરાતી હશે ચીજ ?! આ તો ગ્લાસવેર છે. ગ્લાસવેર તો ધીમે રહીને મૂકાય. ગ્લાસવેરને આમ ફેંકે તો ? હેન્ડલ વીથ કેર ! એટલે ધીમે રહીને મૂકવાનું. હવે આવું ના કરાય.

પ્રશ્નકર્તા : ઘરમાં છોકરાં-છોકરીઓ ગાંઠતાં નથી. હું ખૂબ વઢું છું તો ય કઈ અસર થતી નથી.

દાદાશ્રી : આ રેલવેનાં 'પાર્સલ' પર 'લેબલ' મારેલું તમે જોયું છે ? 'ગ્લાસ વિથ કેર' એવું હોય છે ને ? તેમ ઘરમાં પણ 'ગ્લાસ વિથ કેર' રાખવું. હવે ગ્લાસ હોય અને તમે હથોડા માર માર કરો તો શું થાય ? એમ ઘરમાં માણસોને કાચની જેમ સાચવવાં જોઈએ. તમે એ બંડલ પર ગમે તેટલી ચીઢ ચઢી હોય તો ય તેને નીચે ફેંકો ? તરત વાંચી લો કે 'ગ્લાસ વિથ કેર !' આ ઘરમાં શું થાય છે કે કંઈક થયું તો તમે તરત જ છોકરીને કહેવા મંડી પડો, 'કેમ આ પાકીટ ખોઈ નાખ્યું ? ક્યાં ગઈ હતી ? પાકીટ કેવી રીતે ખોવાઈ ગયું ?' આ તમે હથોડા માર માર કરો છો. આ 'ગ્લાસ વિથ કેર' સમજે, તો પછી સ્વરૂપજ્ઞાન ના આપ્યું હોય તો ય સમજી જાય.

આપને સમજાયું ને ? છોકરાં એ 'ગ્લાસ વીથ કેર છે.' મૂઆ સમજતા નહીં. છોકરાંને ધીબવાનાં હોય ?! પણ એ સમજણ જ પડતી નથી ને બાપ થયો છે તે પરાણે અજાણપણે બાપો થઈ ગયો છે. આ તો દૂધીયું વાવ્યું, એટલે દૂધીયું પહેલાં બે પાંદડા ફૂટે. પછી પાંદડે પાંદડે આવડું દૂધીયું બેસે.

ત્યારે આ ધીબવાની વસ્તુ ના હોય. એ બંડલ ઉપર લખ્યું હોય કે 'ગ્લાસ વીથ કેર.' તો એ લોકો કેવી રીતે ઉતારે ?

પ્રશ્નકર્તા : સાચવીને ઉતારે.

દાદાશ્રી : પેલી સીમેંટની ગુણીઓ ઉતારે એવું નહીંને ?!

આ બાળકો છે, એ કંઈ લોખંડના ઘડેલા નથી કે ઘણથી મારવાનાં હોય ! આ તો 'ગ્લાસ વીથ કેર.' ગ્લાસને વધારે મરાય ?

પ્રશ્નકર્તા : સાચી વાત છે.

દાદાશ્રી : 'ગ્લાસ વીથ કેર' એટલે પછડતું ના નાખે અને સાચવીને ઉતારે. આપણા છોકરાં પછડતાં નાખે છે. અલ્યા મૂઆ, આ છોકરાં એ તો 'ગ્લાસ વીથ કેર' છે, સાચવીને મૂક. લોકો છોકરાં પછડતાં નાખે છે. આ છોકરાં એટલે તો ભાવિ પેઢી આપણા હિન્દુસ્તાનની છે. એને કેમ બગાડાય તે ! આમને સોંપીને તો જવાનું આપણે દુનિયામાંથી. દુનિયા આમને સોંપવાની બધી, જુઓને ભઈબંધ હતાને તે સોંપીને ગયાને બધાને ! સોંપીને જ જવાનું છે. હવે પછી મેં છોકરાઓ સુધારવા માટે 'ગ્લાસ વીથ કેર' લખ્યું છે. હવે બોક્સની પાછળ જુઓ તો ખરાં.

પ્રશ્નકર્તા : ગ્લાસ વીથ કેર.

છોડીને મારવાથી વળાય?

પારકી થાપણ, સોંપી દે 'દાદાય'!

લે તું કંઈ પૂછતી કરતી નહીં ને જોયા કરે છે ! વાંધો નહીં, એ તો પૂછાય બધું.

પ્રશ્નકર્તા : હું પૂછું એના વતી. એને એક બેબી છે, પણ એણે એને સાચવવી બહુ ભારે પડે છે.

દાદાશ્રી : કેમ ?

પ્રશ્નકર્તા : બહુ પજવે છે, એમ કહે છે. એ એને પ્રોબ્લેમ (પ્રશ્ન) મોટો છે બેબીનો.

દાદાશ્રી : બધો પ્રોબ્લેમ એને, પહેલેથી કહ્યું, એ ફાઈલ છે. ફાઈલ એટલે પ્રોબ્લેમ જ છે ને !

પ્રશ્નકર્તા : એ જરા એની વધારે છે, બુદ્ધિ બહુ ડેવલપ વધારે થયેલી છે. તો કહે કે એ ઊંધે રસ્તે ના જાય, એની મને બીક લાગે છે.

દાદાશ્રી : ફાઈલ છે એટલે એવી જ હોય. કોઈ ચીકણી હોય, કોઈ મોળી હોય. આપણો હિસાબ જ છે ને આ તો. એટલે ફાઈલ છે. ફાઈલનું કહેવાય નહીં કેવી નીકળે એ !

પ્રશ્નકર્તા : એનો સમભાવે નિકાલ કેવી રીતે કરવો ?

દાદાશ્રી : લે જે, દાદાનું નામ લઈને કરજે ને બધું. હું આશીર્વાદ આપીશ. એ છોકરી છે તે સારી છે. તે કોઈકને ઘેરે જતી રહેશે. છોકરો હોત તો આખી જીંદગી સુધી....

પ્રશ્નકર્તા : દુઃખી કરત.

દાદાશ્રી : હં.... માટે એવું ! આપણે મનમાં સમજવું કે એને ઘેર જતી રહેવાની છે. છોકરી છે તે વાંધો નહીં. છોકરો હોય તો મારીને પાંસરો કરે. ના સમજણ પડી ?

પ્રશ્નકર્તા : હા, બરાબર છે.

દાદાશ્રી : એટલે અમને તરત જ વિચાર આવ્યો કે આ છોકરી છે ને ! દસ વર્ષ સુધી ગ્રહ નડે, પછી ? એને ઘેર જતી રહે. એને ધણી એવો મળી આવે પાછો. છોકરો હોય તો ઉપાધિ. ઠેઠ ખાટલામાં પડ્યા હોય તો ય હજુ પાણી-પાણી મૂઓ કરાવતો હોય.

પ્રશ્નકર્તા : એવી ફાઈલ ચીકણી હોય, તો, એને મારીને સીધી કરવાની ? એને ઝાટકવાની ?

દાદાશ્રી : બળ્યું, એ મારવાથી સુધરતું હોય તો મારીને સુધરે નહીં અત્યાર સુધી ! એ તો આપણી પાશવતા છે. છોકરાંઓ મારવા માટે નથી. સમજાવીને ડાહ્યાં કરવા માટે છે, 'એઝ ફાર એઝ પોસીબલ.' અને ના થાય તો એનું નસીબ, આપણું શું ? ખોટ ગઈ તો એને ગઈ, આપણે શું ? જેને નામ કાઢવું હોય તેને ભાંજગડ. આપણે નામ તો કાઢવું નહીં ને !

મેં એક ભઈને પૂછયું, તમારે નામ કાઢવું છે ? ત્યારે કહે, ના બા, હું તો થાક્યો. કંટાળ્યો આ ફાઈલોથી. મેં કહ્યું, મને સોંપી દો. તે પછી આ ચીકણી ફાઈલો બધી મને સોંપી દીધી. હવે એ ય રાગે પડી ગઈ. પેલો તો કહે, હવે મારે તો દાદાના આશીર્વાદ જોઈએ છે. તે ખરો ફાવી ગયો. એટલે એમને શાંતિ થઈ ગઈ. મને સોંપી દેવી ચીકણી ફાઈલો.

હું કંઈ એનું પ્રારબ્ધ બદલી શકું નહીં, પ્રારબ્ધ તે કંઈ બદલાય નહીં, પણ પ્રારબ્ધ ઢીલું કરી આપું. દુઃખ આવવાનું હોય ને તેને હલકું કરી આપું. ભાગાકાર કરતાં આવડે ને બળ્યું !

પ્રશ્નકર્તા : હા જી.

દાદાશ્રી : એટલે આપણે ભગવાનને કહી દેવું કે શેષ તમારી, ભાગાકાર મારો. ભાગાકાર કરતાં કરતાં શેષ વધે તે તમારી અને ભાગાકાર મારો પછી.

સમજો શું છે કુદરતનો જવાબ;

બાપ કરે મજૂરી ને દીકરો નવાબ!

પ્રશ્નકર્તા : એકબીજા સાથે મેળ નથી બેસતો. બધા એકબીજા સાથે લડ્યા વગર રહે, એને માટે શું કરવું ?

દાદાશ્રી : ના બેસે, કોઈ દા'ડો બેઠો જ નથીને. આ કળિયુગ છે ને, સત્યુગમાં બેસતો હતો. મને તમારા ફાધર કહેતા હતા, મને કોઈની જોડે મેળ નથી.

પ્રશ્નકર્તા : બધા મનમોજી રીતે રહે, જેને જેમ રહેવું હોય એમ રહે. એનું શું કરવું ?

દાદાશ્રી : શાના માટે ?

પ્રશ્નકર્તા : કુટુંબમાં બધા પોતાને મન ફાવે એમ રહે, તો એને માટે શું કરવું આપણે ?

દાદાશ્રી : તે આપણે બધા ભેગાં થઈને કંઈક કાયદો કરવાનો. કાયદો કરવો કે આ પ્રમાણે રહેવું જોઈએ. ગમે તેવું સ્વચ્છંદી વર્તન ના હોવું જોઈએ. કંઈક કાયદેસર હોવું જોઈએ વર્તન.

પ્રશ્નકર્તા : અને ના માને તો ?

દાદાશ્રી : ના માને તો ગયું. છોકરો ના માને તો છોકરો જુદો થઈ જાય અને બાપ જુદો થઈ જાય.

પ્રશ્નકર્તા : તો પછી જુદા થઈ જઈએ તો કોઈ વડીલ હોય તો કહેશે, તમે કેમ ધ્યાન ન્હોતું રાખ્યું છોકરાઓનું ?

દાદાશ્રી : એ તો કહે તો ખરાં, ટકોર કરે ને લોકો. મૌન રહેવું એ વખતે આપણે. આ વાત તો ખરીને ! આપણી કંઈક ભૂલ તો થઈ તેથી છોકરાની જોડે આવું થયું ને. બધે જ એવું થયા કરવાનું એ તો.

પ્રશ્નકર્તા : ઘરના જે મુખ્ય માણસ હોય, એને જે ચિંતા હોય એ કઈ રીતે દૂર કરવી ?

દાદાશ્રી : કૃષ્ણ ભગવાને શું કહ્યું છે, કે 'જીવ તું શીદને શોચના કરે, કૃષ્ણને જે કરવું હોય તે કરે.' એવું વાંચવામાં આવ્યું છે ?

પ્રશ્નકર્તા : મારું એવું માનવું છે કે માણસે શ્રમ તો કરવો જ જોઈએ, દેખભાળ તો કરવી જ જોઈએ.

દાદાશ્રી : શ્રમ તો પુષ્કળ કરવો. શ્રમ તમે પાંચ વાગે ઊઠીને કર્યા કરો, પણ ચિંતા-વરીઝ તમારે શું કરવા કરવાની જરૂર છે ?

પ્રશ્નકર્તા : ઘરનાં ચાલીસ માણસો ખરાંને, એટલે ચિંતા તો રહ્યા જ કરવાની ને ?

દાદાશ્રી : ના, પણ આ તમે ચલાવો છો ? કૃષ્ણ ભગવાન શું કહે છે કે મને ચલાવવા દો ને ! તમે શું કરવા ભાંજગડ કરો છો ?

પ્રશ્નકર્તા : એવું છે, ઘરમાં મારે બધી મહેનત કરવી પડે છે. છોકરાંઓ કશું કરતાં નથી. આપણે છોકરાંઓને શ્રમ કરતાં શીખવાડીએ તો એ બરાબર ચાલે. પણ એ લોકો શ્રમ કશું કરતાં નથી, કામ કશું કરતાં નથી, જે કહીએ તેનાથી ઊલટું ચાલે છે.

દાદાશ્રી : એવું છે, કે આ તો અત્યારનાં છોકરાંઓની ચિંતા આપણે કરવી જોઈએ. પણ ગયા અવતારમાં છોકરાં હતા, તેનું શું કર્યું ? દરેક અવતારમાં બચ્ચાં મૂકી મૂકીને આવ્યા છે, જે અવતારમાં આવ્યાને તે અવતારમાં બચ્ચાં મૂકી મૂકીને આવ્યો છે, તે નાના નાના આવડાં રખડી જાય એવું મૂકીને આવ્યો છે. ત્યાંથી જવાનું જરા ય ગમતું નહોતું તો ય ત્યાંથી આવ્યા. પછી ભૂલી ગયો ને પાછાં આ અવતારમાં બીજા બચ્ચાં ! એટલે બચ્ચાંનો કકળાટ શું કરવા કરો છો ? ધર્મને રસ્તે વાળી દો એમને, સારાં થઈ જશે.

એક શેઠ મને કહે, 'આ મારા છોકરાને કશું કહોને, મહેનત કરવી નથી. નિરાંતે ભોગવે છે.' મેં કહ્યું, 'કશું કહેવા જેવું જ નથી.' એ એના પોતાની ભાગ્યની પુણ્યૈ ભોગવતો હોય. એમાં આપણે શું કરવા ડખો કરીએ ? ત્યારે એ મને કહે કે, 'એમને ડાહ્યાં નથી કરવાં ?' મેં કહ્યું કે 'જગતમાં જે ભોગવે છે એ ડાહ્યો કહેવાય, બહાર નાખી દે એને ગાંડો કહેવાય ને મહેનત કર્યા કરે એ તો મજૂર કહેવાય.' પણ મહેનત કરે છે એને અહંકારનો રસ મળે ને. લાંબો કોટ પહેરીને જાય એટલે લોકો 'શેઠ આવ્યા, શેઠ આવ્યા' કરે એટલું જ બસ. અને ભોગવનારને એવી કંઈ શેઠ-બેઠની પડેલી ના હોય. આપણે તો આપણું ભોગવ્યું એટલું સાચું.

પ્રશ્નકર્તા : છોકરાં એની જવાબદારી સમજીને રહેતાં નથી.

દાદાશ્રી : જવાબદારી 'વ્યવસ્થિત'ની છે, એ તો એની જવાબદારી સમજેલો જ છે. એને કહેતાં તમને આવડતું નથી તેથી ડખો થાય છે. સામો માને ત્યારે આપણું કહેલું કામનું. આ તો મા-બાપ બોલે ગાંડું, પછી છોકરાં ય ગાંડાં કાઢે.

પ્રશ્નકર્તા : છોકરાઓને ફરવાનું બહુ હોય છે.

દાદાશ્રી : છોકરાં કોઈ આપણાં બંધાયેલાં નથી, સહુસહુના બંધનમાં છે. આપણે તો એટલું કહેવું પડે કે, 'વહેલા આવજો.' પછી જ્યારે આવે ત્યારે 'વ્યવસ્થિત.' વ્યવહાર બધો કરવાનો, પણ કષાયરહિત કરવાનો. વ્યવહાર કષાયરહિત થયો તો મોક્ષ ને કષાયસહિત વ્યવહાર તે સંસાર.

આ છોકરો તમારો ને ? હવે એ કોઈ દહાડો સામો થાય છે ખરો ? એ સામો થશે ત્યારે તમે શી રીતે સુખી રહેશો ?

પ્રશ્નકર્તા : એ તો ભગવાનની મરજી.

દાદાશ્રી : વળી મરજી કોઈકને ઘેર એવું કેમ ? આ છોકરાં આપણાં, દવાખાનામાં આપણે જઈએ, ડીલીવરી આપણે કરાવીએ અને પાછી મરજી પારકે ઘેર ? એવું તે હોતું હશે ? મરજી કોઈકની હોતી હશે ? આપણે ઘેર આપણી મરજી. તમે ભગવાનની મરજીનું શાક લાવો છો ? આ સાડીઓ ય તમારી મરજીની જ લાવો છો ને ! અને આમાં ભગવાનની મરજી ?! ભગવાનનો કાગળ-બાગળ કશું કોઈ દહાડો આવેલો ? શી રીતે આ લોકોનું ચાલે છે ગાડું ? કે ધકમ્ ધક્કા જ પછી ? છોકરો સામો થયો કે પછી દહાડો સુખમાં જાય ખરું ને ? (!) પોતાનો છોકરો સામો થાય ખરો ?

પ્રશ્નકર્તા : થાય છે ને !

દાદાશ્રી : એટલે આ દુનિયામાં કશું ના બને એવું નથી ને ! બધું જ બને અને જોખમ કેટલાં બધાં ?! છોકરાં હોય પછી છોડીઓ હઉં હોય ! આપણે પૂછીએ કે બહેનો તમે શું કરવા આવી ? ત્યારે કહેશે કે એ પૂછશો નહીં, અમારા હિસાબથી અમે આવ્યા ને તમારા હિસાબથી તમે છો. આવું કહે, તે આપણાથી કશું પૂછાય પણ નહીં. એટલે કોઈ કોઈની ઉપર ઉપકાર નથી કરતા, એવું સરસ છે આ જગત !

પ્રશ્નકર્તા : છોકરાં તોછડાઈથી બોલે છે.

દાદાશ્રી : હા, પણ એ તમે શી રીતે બંધ કરશો ? આ તો સામસામું બંધ થાય ને તો બધાનું સારું થાય.

કોલેજનું સર્ટીફીકેટ આવ્યું કે આઘુંપાછું ના થાયને ? જુઓને, આ વકીલને એલ.એલ.બી.નું સર્ટીફીકેટ મળે તે છે આઘુંપાછું થાય છે પછી ? જ્યારે જુઓ ત્યારે..... અને બાપનું આપેલું તો કલાકે કલાકે ફરે. બાપ ધર્મિષ્ઠ હોય તો છોકરાંની ખોડ કાઢ કાઢ કરે. પ્રકૃતિની ખોડ કાઢવી ના જોઈએ. પ્રકૃતિની ખોડ કાઢવાથી ભગવાનને વાત પહોંચે છે. પ્રકૃતિ નિયમિત છે, 'વ્યવસ્થિત' છે.

માને, બુઠ્ઠાની બુદ્ધિ બહેર મારી;

તો ય પ્રેમથી તો સંબંધ સુધારી!

પ્રશ્નકર્તા : છોકરાંઓ એવું માને છે કે બુઢ્ઢાઓમાં બુદ્ધિ ઓછી છે. એટલે એ લોકો આપણું માને જ નહીં. અમે કરતાં હોય એમ કરવા દો અમને, એટલે છોડી દેવાનું એ લોકોને કે ભઈ, ચાલો તમારું ખરું.

દાદાશ્રી : ના. છોડી નહીં દેવાનું. આપણે આપણું કર્યા જવાનું. એ ગમ્મે તેવું બોલે તો ય આપણે આપણું કર્યે જવું. આપણી ફરજ છે, ચૂકાય નહીં. છોકરાં નથી ગાંઠતાં એ આપણી ભૂલો છે, આપણી ખામી છે, ડિફેક્ટ છે.

પ્રશ્નકર્તા : એ ખામી દૂર કરવા માટે શું કરવું ?

દાદાશ્રી : આપણે પ્રેમ કેળવવો જોઈએ. આ તો છોકરાથી રકાબી ભાંગી ગઈ. તારા હાથ ભાંગલા, એમ કહીને છે તે બે-ચાર મુઠીઓ મારી દે.

પ્રશ્નકર્તા : આ જમાનામાં આપણાં જ સંતાનો આપણું સાંભળતાં ન હોય, અને અવળે રસ્તે ચઢી ગયાં હોય. તો એમને કેવી રીતે પાછાં વાળવાં ? અને જો ન માને તો એમને શું કરવું ? જવા દેવાં એમને રસ્તે ?

દાદાશ્રી : શું કરે તે, ના માને તેને ? માને નહીં, તેને શું કરવાનું ? આપણામાં બાપ થવાની તૈયારી જ ના હોય, સમજણ જ ના હોય બાપ થવાની, એટલે પછી માને જ કેવી રીતે ? પોલીસવાળાનું ય લોક માને છે, નહિ ? એ પોલીસવાળો છે જો અને આ બાપ થયા તો ના માને ?

સામું છોકરાં આપે વણતોલ્યું;

નોંધ જ ન રાખો ગમે તે બોલ્યું!

છોકરો સામો થાય તો તમે શું કરો છો ?

પ્રશ્નકર્તા : સમજાવું કે આ ખોટું છે, આવું ના કરવું જોઈએ.

દાદાશ્રી : પણ એ સામો થાય, ત્યારે તમે કડક ના થઈ જાવ ?

પ્રશ્નકર્તા : કોઈ વાર એવું થાય.

દાદાશ્રી : પણ અથડામણ ના થઈ જાય ? કોઈ દહાડો વાસણો ખખડતાં નથી ?

પ્રશ્નકર્તા : ખખડે. ત્યારે જરા ફૂંફાડો મારવો પડે. બસ એટલું જ, બીજું નહીં.

દાદાશ્રી : ફૂંફાડો મારો છો ? ત્યારે પેલો સામે ફૂંફાડો મારે તો શું થાય ?

પ્રશ્નકર્તા : એવો અનુભવ નથી થયો, એ સામે નથી ફૂંફાડો મારતો.

દાદાશ્રી : હા, પણ એ ફૂંફાડો મારે તો શું થાય ? માટે ફૂંફાડો ય ના કરવો જોઈએ. ફૂંફાડો શેને માટે ? ફૂંફાડો સાપ કરે. આપણે શેને માટે ફૂંફાડો કરવો પડે ? ફૂંફાડો તમને આવડે પણ શી રીતે ? ફૂંફાડો કોને કહેવાય, એ પણ તમે જાણતા નથી. ફૂંફાડામાં અહંકાર ના હોય. તમારા ફૂંફાડામાં તો અહંકાર હોય ને !

નહીં તો ઢેડફજેતો જ થાયને ! એ આપણને નાલાયક કહે. એટલે આપણે બીજું હથિયાર વાપરીએ, પછી રહ્યું જ શું ઘરમાં ? પછી લોકો ભેગા થાય, 'જુઓને, આ છોકરો આટલું બધું ભણેલો છે, આ બાપનામાં અક્કલ નહીં ને !' કહેશે. એ આપણી અક્કલ પાછા લોક જુએ. એનાં કરતાં આપણી અક્કલ આપણે જ જોઈએ, એ શું ખોટી ? નહીં તો લોક તો તાયફો જુએ ! લોકોને તો જોઈએ છે એવા તાયફા !!

એટલે આ શોધખોળ છે મારી !! અને છોકરાને તો કહીએ કે લઈ જા પેલી પોટલી ! ભઈ, તારી પોટલી લઈ જા. એવું મેં વ્યવહારમાં કહેલું. અમારો એક ઓળખાણવાળો આપી જતો હતો આવડું આવડું, એટલે પછી મેં શું કર્યંુ ? આ વણતોલ્યું ને વણમાપ્યું આપે છે, એટલે આપણે અહીં બાજુએ મૂકી રાખો. આપણે કંઈ બોલવા જઈએ અગર તો આખી રાત તોલ તોલ કરીએ તો ઉપાધિ થાય. તમે કોઈ દહાડો આખી રાત કશું તોલેલું ? પહેલાં તોલ્યું હશેને ?!

પ્રશ્નકર્તા : હાજી, કોઈકવાર બન્યું હોય.

દાદાશ્રી : હા, તોલે. રાતે તોલે પાછો હં, સાડા અગિયાર-બાર થાય તો ય તોલે. 'ઓહોહો, આવું મોટું, આવું મોટું !' કાટલા ના હોય, કશું ય ના હોય ને તોલે !!

પ્રશ્નકર્તા : છોકરો ખરાબ શબ્દ બોલ્યો, સામો થયો હોય, તે નોંધી રાખ્યું. તો એ અભિપ્રાયથી લૌકિક વર્તનમાં ગાંઠ પડી જાય. આનાથી સામાન્ય વ્યવહાર ગૂંચાઈ ના જાય ?

દાદાશ્રી : નોંધ જ આ દુનિયામાં નકામી છે. નોંધ જ આ દુનિયામાં નુકસાન કરે છે. કો'ક બહુ માન આપે તે નોંધ ના રાખીએ. અને કો'ક ગાળો ભાંડે, ''તમે નાલાયક છો, અનફીટ છો.'' તે સાંભળી ને નોંધ નહીં રાખવાની. નોંધ એણે રાખવી હોય તો રાખે. આપણે આ પીડા ક્યાં લઈએ પાછી ?! ચોપડા-બોપડા લાવીને પાછી નોંધો રાખવા માંડીએ !! નોંધવહી ને એ બધું એ કર્યા કરે. જેને ખાતાવહી રાખવી હોય તે, આપણે તો નોંધીએ નહીં, તને જે બોલવું હોય તે બોલ. કારણ કે એ આગલા હિસાબ હશે તો જ બોલાશે, નહીં તો બોલાશે નહીં.

પ્રશ્નકર્તા : ઉદયકર્મનું છે એમ સમજે તો પછી નોંધનો સવાલ જ ન આવે.

દાદાશ્રી : કારણ કે ઉદયકર્મ સમજે તો પછી કશું છે નહીં, બધું જ ઉદયકર્મ છે. આ કશું છે નહીં.

અહંકાર જાગૃત થાય એટલે સામો જવાબ આપેને. જ્યાં સુધી અહંકાર છે નહીં, ત્યાં સુધી એનાં પગ પહોંચતા નથી, ત્યાં સુધી એ પોતાનુ ધારેલું કરે નહીં. મોટો થયો, એટલે પોતાનું મન ધાર્યું કરેને, આપણું માને ખરો ?

પ્રશ્નકર્તા : માને નહીં, ત્યાં સુધી એ બરોબર. પણ પછી તો દોષો કાઢે આપણાં.

દાદાશ્રી : હા, દોષો કાઢે. જેણે મોટો કર્યો, જેનું એ કર્યું. તે બધાંનાં દોષો કાઢે. તે વખતે કેવી દશા થતી હશે ? કોઈનું અપમાન ના સહન કરેલું હોય ને તે વખતે છોકરો સામું બોલે તો શું થાય ?

પ્રશ્નકર્તા : આપણામાં દોષ હોય અને દોષ બતાવે, એમાં ખોટું શું ?

દાદાશ્રી : એ ખોટું નહીં. ખોટું તો કશું હોતું નથી. પણ સહન ના થાય માણસને. છોકરાં કે વહુ દેખાડે તે માણસથી સહન થાય નહીં.

પ્રશ્નકર્તા : એ વખતે જાગૃતિ રાખવી જોઈએ કે આ મારામાં દોષ છે, ને કહ્યો.

દાદાશ્રી : ના. એ જાગૃતિ રાખે તો ય ઊડી જાય. કારણ કે બીજા બહારનાં માણસ જોડે જાગૃતિ રાખે, પણ એનાં ઘરનાં માણસ જોડે જાગૃતિ રહે નહીં. કારણ કે 'હું એનો બાપ છું.' એ તો ખ્યાલમાં ભૂલી જાય કે ? 'હું એનો બાપ છું.' એ ભૂલી ના જાયને ? એ તો તમારે અનુભવ થાય ત્યારે ખબર પડે.

સ્વતંત્રતા આપી વાળ્યો સત્યાનાશ;

ભૂલ સુધારો હવે, રાખી હળવાશ!

પ્રશ્નકર્તા : એ લોકો હંમેશાં આર્ગ્યુમેન્ટ બહુ કરે.

દાદાશ્રી : એ આર્ગ્યુમેન્ટ એટલા માટે કરે કે 'હું છું તે આ..... મોટા મોટા લેખકો હોય ને અને મોટા મોટા પ્રધાનો હોય, એનાં જેવો થઈ ગયો છું.' એવું માને છે બધાં. 'મારા બાપ ને બધા કરતાં હું હોશિયાર છું' એવું માને છે. તમારા બધાનું જુએ છે ને એને કાચું લાગે છે કે આ લોકો જીવન જીવતાં નથી બરાબર. જીવન તો આપણને જીવતાં આવડે છે. 'આપણે જ હોશિયાર છીએ' એવું માને છે એક જાતનું. એમને સમજણ નથી બિલકુલ.

બાળકોના હાથને સ્વતંત્રતા અપાવી પાછી આ લોકોએ, આપણે શું કર્યું ? આપણે ત્યાં રિવાજ છે કે ઉછરતા યુવાનને સ્વતંત્રતા આપવી એ સ્વતંત્રતા સત્યાનાશ વાળે છે. એ સ્વતંત્રતા ના અપાય. તે આ લોકોએ સ્વતંત્રતા આપી. ડેમોક્રેટ કરી નાખે છે. એટલે કંટ્રોલમાં રહેવું જોઈએ. એ સ્વતંત્રતા સત્યાનાશ વાળે છે.

પ્રશ્નકર્તા : તો આ સ્વતંત્રતા આપી છે, તો હવે ડિસિપ્લિન્ડ કેવી રીતે થાય ?

દાદાશ્રી : હવે એ તો એવું છે ને કે અંધારી રાત્રી હોય અને કાળો ઘોડો હોય અને ખીલે બાંધેલો હોય, પછી રાત્રે છોડીએ એને, પછી આપણે 'ઘોડા આય આય' કરીએ તો આવે ?

પ્રશ્નકર્તા : ના આવે.

દાદાશ્રી : ઘોડો છૂટી ગયો એ છૂટી ગયો, અંધારી રાત ને પાછો કાળો, શી રીતે જડે આપણને ?! આ તો પતંગની દોરી છૂટી ગઈ. દોરી હોય ત્યાં સુધી પતંગ ગુલાંટ ખાય તો ખેંચીએ. પણ હવે દોરી જ હાથમાંથી છૂટી ગઈ તો શું થાય ? એટલે હવે બીજો ઉપાય કરવાનો. ઉપાય તો હોય જ એની પાછળ.

પ્રશ્નકર્તા : હા, હવે બીજા ઉપાય શું કરવા ?

દાદાશ્રી : એ તો એની મેળે ઉપાય ખોળે. ત્યાર પછી ઇન્વેન્શન થાય પાછું કે આ ઉપાય કરવો. આ તો નવી વસ્તુ પેસવાની, પેલી જૂની હતી તે છૂટી ગઈ. અનુભવની હતી તે તો. હવે ઉપાય ખોળી કાઢો તો જડી આવશે ઉપાય એનો એવી આશા રાખીએ આપણે.

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : જુવાનને સ્વતંત્રતા ના અપાય, પણ આ સ્વતંત્રતા બે પેઢીથી અપાય છે તે સત્યાનાશ વાળી દેશે.

પ્રશ્નકર્તા : મા ને બાપ બન્ને ઘરમાં છે, તો એમાં એક છે તો છોકરાને સ્વતંત્રતા આપવાના પક્ષમાં હોય અને બીજા છે તો સ્વતંત્રતા ના આપવાના પક્ષમાં હોય. એટલે એને, છોકરાને દેખતાં જ મા-બાપ સામાસામી ઝઘડી પડે.

દાદાશ્રી : હા, એ ઝઘડી પડે. એક સ્વતંત્રતા આપવા માંગતો હોય બીજો ના આપવા માંગતો હોય. એ ઝઘડી પડે એટલે છોકરો જાણે કે હવે એકનો વોટ આવે છે, તો પછી આપણે શું વાંધો ! એટલે આમાં ભલીવાર ના આવે.

શું બેબીને સુધારવી છે કે;

કશું ઓપરેશન કરવું છે?

પ્રશ્નકર્તા : બીજું કાંઈ નહીં, દાદા. બસ ગમ્મે તેની સામું બોલે એટલી જ, આ છોકરીને ટેવ છે.

દાદાશ્રી : એ છો ને બોલે ! એ તો એની મેળે માર ખાશે. નહીં તો છેવટે સાસુ તેલ કાઢી નાખશે. કશું નહીં, એ તો બધું ભૂલી જાય પછી. જેમ જેમ સમજણ આવેને, આપણે એને સમજણ પાડવી કે આવું ના બોલાય સામું, એટલું કહેવું આપણે શું ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : એ સમજે ખરું પાછી, એ ના બોલાય એવું સમજે. ઘણાં ફેરા તો ગુરુ હોયને પોતાને, તે છોકરો થઈને આવ્યો હોય, હવે પછી ટૈડકાવે બાપને. પેલી ટેવ છે ને પહેલાંની ને જાય નહીં. આ તો બધંુ ઋણાનુબંધ છે ને ! ગુરુ છોકરો થઈને બેઠો હોય તો શું થાય ? એટલે આવા ઋણાનુબંધ હોય છે. લોકોને સમજાય નહીં અને માર-માર કરીએ તો ખોટું દેખાય ઉલ્ટું. એટલે પહેલાં આત્માનું પોતાનું કરેને, તો છોકરા ડાહ્યા થઈ જાય. પોતે પોતાનું કરતા નથી ને છોકરાનું ભણાવા જાય ! અને બધા સમજણવાળા છોકરા. પાછા એવું તેં કંઈ ગાંડા-ઘેલા હોય તો ઠીક છે.

પ્રશ્નકર્તા : સામાને સમજાવવા મેં મારો પુરુષાર્થ કર્યો, પછી એ સમજે-ના સમજે એ એનો પુરુષાર્થ ?

દાદાશ્રી : આટલી જ જવાબદારી આપણી છે કે આપણે એને સમજાવી શકીએ. પછી એ ના સમજે તો એનો ઉપાય નથી. પછી આપણે એટલું કહેવું કે, 'દાદા ભગવાન! આને સદ્બુધ્ધિ આપજો.' આટલું કહેવું પડે. કંઈ એને અધ્ધર ના લટકાવાય, ગપ્પું નથી.

છેવટે નહીં તો પ્રાર્થનાનું 'એડજસ્ટમેન્ટ' !

ન ચલાવાય આપણી દ્રષ્ટિથી કોઈને;

વીતરાગથી વિરુધ્ધ છે, કહે દાદા જોઈને!

પ્રશ્નકર્તા : ફાઇલ ચીકણી અને પાસેની, એટલે એવું જ લાગે. એને તો એ ફાઈલો બધી કલેઈમવાળી કહેવાય.

દાદાશ્રી : ચીકણી ફાઈલો બધી પોતાની ભૂલો છે એ.

પ્રશ્નકર્તા : એ કઇ ભૂલ ?

દાદાશ્રી : જેટલો પારકાં જોડે નોબલ રહે છે, ઓપન માઇન્ડ, એટલો અહીં ઓપન માઈન્ડ રહેતો નથી. એટલે પછી શોધખોળ કરેલી અમે, તે ઓપન માઇન્ડથી જ અમે ચાલેલા. એટલે અમારે આમની જોડે ય ફાવે ને આમની જોડે ફાવે. આ તો ઓપન માઇન્ડથી ચાલતાં નથી, મનમાં એમ છે કે હું એનું સીધું કરી આપું, આવી રીતે ના ચાલવું જોઈએ.

પ્રશ્નકર્તા : હા, દાદા એવું જ છે.

દાદાશ્રી : આપણી દ્રષ્ટિએ ચલાવવો છે એને, ચાલે છે જે દ્રષ્ટિએ એ નહીં ચાલવા દેવાનો. એ વીતરાગ મતની વિરુધ્ધ છે, એ વીતરાગોના સામાવળીયા કહેવાય છે. જે પોતાની દ્રષ્ટિએ બીજાને ચલાવડાવે, વીતરાગોના સામાવળીયા કહેવાય.

પ્રશ્નકર્તા : ચાનક લાગે એવું વાક્ય છે કે વીતરાગોના સામાવળીયા થાવ છો તમે આવું કરીને !

દાદાશ્રી : છે જ સામાવળીયા, તેથી જ દુઃખ છે ને ! ફરે કશું ય નહિ. તૂટી જાય ત્યાં સુધી ખેંચે એટલું જ. કેટલાક ડાહ્યા હોય તે કહેશે, 'ભઈ, તૂટ્યાં પછી ગાંઠ વાળવી.' તેના કરતાં આપણે તૂટવા જ ના દઈએ એ શું ખોટું ! પછી ગાંઠ વાળવાનું ના સમજે એ. તૂટ્યા પછી ગાંઠ વાળવી ડાહ્યા થઈ જાવ તેના કરતાં !

પ્રશ્નકર્તા : કોઈ વખત એવું થાય, તો સમજણ પાડવા માટે કંઈક કહેવું કે નહીં ?

દાદાશ્રી : બળ્યું, પારકાંને સમજણ પાડો છો ?! તે આ કંઈ નિશાળિયાં છે આપણાં ! આ તો હિસાબ લેવા આવ્યા છે, રાગ-દ્વેષના. આ કંઈ આપણા નિશાળિયાં ન્હોય. નિશાળિયાં એટલે માસ્તરને ક્યારેક પૈસા મળે, બીજું મળે. આ તો બધાં રાગ-દ્વેષનાં પૂતળાં છે, બધું લેવા આવ્યાં છે. ઊલટો હિસાબ આપણી પાસે શીખવાડે કે મારા કહ્યા પ્રમાણે ચાલતાં નથી.

પ્રશ્નકર્તા : આવી જ વાત છે દાદા, આ હકીકત છે. છોકરાઓ એમ જ કહે છે.

દાદાશ્રી : ખરું કહે છે એ. હવે આવું આપણે મોઢે કહે, ત્યાંથી પછી ઠેકાણાં વગરનાં થઈને ફરીએ ! આ તો કહેશે, 'હું ઠેકાણાવાળો છું.' બહારનો કોઈ ના કહે આપણને, બહારનો એવો કોઈ કહે નહીં કે 'તમે ઠેકાણાં વગરનાં છો.'

પ્રશ્નકર્તા : બહારનું કોઈ કહેતું નથી.

દાદાશ્રી : એટલે છોકરાઓની જોડે એવી રીતે વર્તીએ કે છોકરાઓ કહે કે મારા જેવા ફાધર કોઈને મળશે નહીં. કોઈ દહાડો અમારે ભાંજગડ નહીં, મતભેદ નહીં, કશું નહીં.

પ્રશ્નકર્તા : બીજી કંઈ ભાંજગડ પડતી નથી, પણ હું જ્યારે કહેવા કંઈક જાઉં, એટલે અટક્યું બધું.

દાદાશ્રી : કહેવાની ઇચ્છા જ ના રાખવી, આ નિશાળિયાં ન્હોય. નિશાળિયાં એ કોનું નામ કહેવાય કે જેને શીખવાડીએ, વઢીએ તો એ સ્વીકાર કરે. આ તો સામા થાય છે, તે બળ્યું એ શી કમાણી ! આ હું તમને શીખવાડું અને તમે સામા થાવ, તો હું તો અહીંથી છોડીને જતો રહું ને હડહડાટ !

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એટલે કોઈ દહાડો કોઈને વઢું છું ?

પ્રશ્નકર્તા : નથી વઢતા.

દાદાશ્રી : બધા વાંકાચૂકા નહીં હોય ?! મારા કહેવા પ્રમાણે ચાલે ! મારા ધાર્યા પ્રમાણે કોઈ ચાલતાં હશે ?! સહુ સહુની પ્રકૃતિ પ્રમાણે ચાલે.

પ્રશ્નકર્તા : દાદા, આપની પાસે જ્યારથી આવ્યો છું ત્યારથી આપ એક શબ્દકોષ જેવા જ મને દેખાવ છો. ડિક્ષનરી જેવા જ હો, જ્યારે કંઈક અમે ગૂંચવાઈએ ત્યારે આપની પાસે પૂછવા આવીએ એટલે તરત જ એનો ખુલાસો આપો છો !

દાદાશ્રી : બધા ખુલાસા, બધું દર્શન પ્રાપ્ત કરેલું છે. ચોવીસ તીર્થંકરોનું ભેગું દર્શન પ્રાપ્ત કરેલું છે. જેનો જે ગૂંચવાડો હોય તેનો ખુલાસો તરત મળશે. તેનું જ્ઞાન થયું નથી પૂર્ણતાએ પણ દર્શન તો છે જ. સમજમાં આવી ગયું છે. કેવળજ્ઞાન સમજમાં આવી ગયેલું છે. અનુભવમાં નથી આવ્યું ત્યાં સુધી હું ય 'દાદા ભગવાન, દાદા ભગવાન' કર્યા કરું. એ અનુભવમાં આવ્યું નથી ને ! આ ઊંચામાં ઊંચી આટલી જો આવડત આવે જગતમાં, આટલું ડહાપણ ફરી વળેને, તો કામ કાઢી નાખે જગતના લોકોનું. માન્યતાઓ ઠોકી ના બેસાડાય.

ન કપાય બાવળીયો ઘણથી!

કપાય એ તો કરવતની કળથી!

પ્રશ્નકર્તા : સ્વતંત્રતા અને સ્વચ્છંદતા ઘરમાં એટલી બધી ઘુસી ગઈ છે ને, પોતાનાં જ બાળકોને કહીએ તો આપણું સાંભળતાં જ નથી.

દાદાશ્રી : બળ્યું, આ પાંચ મિનીટમાં જ મારી પાસે સુધરી જાય છે. આમની પાસે આખી જીંદગી નહીં સુધરતાં તે ના સમજીએ કે એ ઘણથી બાવળીયા પાડવા જાય છે, કુહાડાથી બાવળીયા પાડવા જોઈએ કે ઘણથી પાડવા જોઈએ ?

પ્રશ્નકર્તા : કુહાડાથી !

દાદાશ્રી : તો ઘણથી મારઠોક કરે, આમ ઠોકે કે આમથી ઠોકે, પડે છે બાવળીયો ?

એક બાપ છે તે એનો આવડો ત્રણ વર્ષનો છોકરો હતો. તેને લઈને અહીં દર્શન કરાવવા તેડી લાવ્યો અને છોકરાને કહે છે, ''ભઈ, તું દર્શન કર દાદાનાં, દાદાજીને જે' જે' કર.'' ત્યારે પેલા કહે, 'ના.' ચોખ્ખું જ ના કહ્યું, 'નહીં કરું', કહે છે. ના માન્યું તે ના જ માન્યું. ત્યારે બાપાએ શું કર્યું ? આખો ઊંચકીને અહીં અડાડી દીધો. એટલે પેલો જ બાપા સામે જોઈને આમ ચીઢાયો, તે પછી માર માર કર્યો બાપાને. આની પાછળ શું હશે ? ત્યારે મેં કહ્યું, 'આ બાપાની ભૂલ છે.' છોકરાની ભૂલ છે કે મારી ભૂલ છે આ ? કોની ભૂલથી આ ઝઘડા ? કોની ભૂલથી આ ગાડી ઊભી રહી છે ? એનું શું કારણ ?

પ્રશ્નકર્તા : એને સંસ્કાર એવા નથી, એટલા માટે.

દાદાશ્રી : સંસ્કાર નથી એવું કેમ કહેવાય આપણાથી ? પછી એનાં બાપને કહું કે તને આ તાળાની ચાવી ઊઘાડતાં આવડતી નથી. તારા પોતાનાં ઘરનાં કારખાનાનું તાળું, એને ચાવીથી ઊઘાડતાં તને નથી આવડતું. હા, લોકોનાં કારખાનાનું તાળું હોય ને ના ઊઘડે તો એ વાત જુદી છે ! એટલે પછી બાપે બહુ જોર કર્યું. આમ લાવી આપીશ, તેમ લાવી આપીશ. બહુ લાલચો આપી ને, ત્યારે એણે જે' જે' કર્યું, પણ આમ પાછળ હાથ રાખીને. જે' જે' કર્યું તો ય સીધું ના કર્યું. આમ ઊંધા ફરીને કર્યું. એટલે હું સમજી ગયો કે કયાં ડીફેક્ટ છે. આ છોકરાને કેટલો અહંકાર હશે તે સામું જોઈને જે' જે' પણ નથી કરી શકતો. ત્યારે એ પૂર્વનો કેટલો અહંકાર લઈને આવેેલો છે !

એટલે પછી એના બાપે કહ્યું, ''આમ ના થાય. સીધું જે' જે' કર.'' ત્યારે એમ કંઈ થતું હશે ? સમજણ સીધી પાડો. ત્યારે કહે, 'આ સમજણ પાડું છું, પણ નથી માનતો ને !' મેં કહ્યું, 'શી રીતે માને ?' બાપા થયા છે એટલે બાપ ના થયા હોત, ને ભાઈ થયા હોત તો માનત. પણ તમે તો બાપ થઈ બેઠા છો પાછાં. કે' કર, કરે છે કે નહીં ? મને કહે છે, 'આ નથી કરે એવો.' ત્યારે મેં કહ્યું, 'ઊભા રહો. બાબા, હું તને જે' જે' કરું તો ? તું અહીં આવ. 'જય સચ્ચિદાનંદ'. તો એણે તરત કર્યું. આમ હાથ સીધા જોડીને બોલ્યો, 'જય સચ્ચિદાનંદ'. અરે વાળ તો ખરો ! એને વાળવામાં શું જાય છે ? પછી કર્યા કરશે. એક ફેરો વાળી આપીએ એટલે પછી કર્યા કરે. મેં જે' જે' કર્યું ને ત્યારે તરત એણે કર્યું. એ એમની અટકણ આવી ! ત્યારે બાપો કહે છે, 'તમે ખરું કર્યું.' ત્યારે મેં કહ્યું, 'આટલું શીખ.' એમ ને એમ બાપ થઈ બેઠો છે, વગર કામનાં ! પણ આંખો કાઢીને બીવડાવે. બાપ ના થઈશ મૂઆ, છોકરું હઠે ચઢ્યું છે અને આ છોકરું એ છોકરું નથી. ગયે અવતારે ૮૦ વર્ષનો થઈને મરી ગયો ને એ ૮૩ વર્ષનો થયો છે અત્યારે.

બોલો પુનર્જન્મની હયાતી વગર એ છોકરાને એટલો બધો અહંકાર ક્યાંથી આવ્યો ? અને તે આવો ? આ તો મેં જોયેલું જ નહીં આવું તો, ''આમ જે' જે' કહું, પણ આ આંખે દેખતાં નહીં કરું'' ત્યારે એ અહંકાર કેટલો ભારે ?!

એટલે ચાવી ઊઘાડતાં આવડવી જોઈએ. પથ્થર માર માર કરીએ તો તાળાં ઊઘડે ? તાળું ઊઘાડતાં ના આવડવું જોઈએ ?!

પ્રશ્નકર્તા : આપ જે જે લેવલના માણસ હોય તેની સાથે તે તે રીતની વાત કરો છો.

દાદાશ્રી : હા, પણ શું કરીએ ત્યારે !

એક છોકરો તો, એવો આડો હતો, તે કડવી દવા પાય, તે પીવે નહીં, ઉતારે નહીં ગળે એવો આડો થયેલો. ત્યારે એની માએ બહુ પાકી હતી. એ તો જેમ છોકરું આડું હોય તો એની મા કંઈ કાચી હોય કે ! તે માએ શું કર્યું, નાક દબાવ્યું. તે હુડહુડ કરીને ઊતરી ગયું. એટલે છોકરો વધારે પાકો થઈ ગયો. એટલે બીજે દહાડે જ્યારે પાતી હતી ને, ત્યારે મા નાક દબાવા ગઈ, તો આણે ફૂઉઉઉ કરીને આંખમાં ફેંક્યું ! આ તો આની આ કવૉલિટી ! પેટમાં નવ મહિના નફામાં રહે વગર ભાડે અને વળી પાછાં ઉપરથી પાછાં ફૂંકારા મારે, મૂઆ ! વિધાઉટ એની રેન્ટ નાઈન મન્થ !

ભોગવે તેની ભૂલ એ ન્યાય;

દારૂડિયો દીકરો નથી અન્યાય!

એક બાપ અમને કહેતા હતા કે 'આ મારો ત્રીજા નંબરનો છોકરો બહુ જ ખરાબ છે. બે છોકરા સારા છે.' મેં કહ્યું, 'આ ખરાબ છે, તો તમે શું કરશો ?' ત્યારે કહે, 'શું કરે બળ્યું આ ? પણ બે છોકરાને મારે કશું કહેવું નથી પડતું અને આ ત્રીજા છોકરા માટે મારી આખી જીંદગી જ ખરાબ થવા માંડી છે' મેં કહ્યું, 'શું કરે છે એ છોકરો તમારો ?' ત્યારે એ કહે, 'રાત્રે દોઢ વાગે આવે છે, દારૂ ઢીંચીને આવે મૂઓ. મેં કહ્યું, 'પછી તમે શું કરો છો ?' ત્યારે કહે, 'હું જોઉં છું, જો એને મોઢું દેખાડું તો એ ગાળો ભાંડે. હું છેટો રહીને બારીમાં રહીને જોયા કરું કે શું કરે છે !' ત્યારે મેં કહ્યું, 'દોઢ વાગે ઘરે આવીને પછી શું કરે છે ? ત્યારે કહે છે, 'ખાવા કરવાની કશી વાત નહીં કરવાની, આવીને પથારી એની કરી આપવાની, મહીં સૂઈ જવાનું એણે તરત અને સૂઈ જાય છે ને, તરત નાખોરા બોલે છે.' ત્યારે મેં કહ્યું, 'તમારી શી દશા થાય છે ?' ત્યારે એ કહે, 'એ સૂઈ જાય ને તરત ઊંઘી જાય નફિકરો' મેં કહ્યું, 'તો ફિકર કોણ કરે છે ?' ત્યારે કહે, 'તે તો હું જ કરું છું.'

પછી કહે છે, 'મને તો આખી રાત ઊંઘ નહીં આવતી, એનો આ વેશ જોઈને.' મેં કહ્યું, 'આ દોષ તમારો છે. એ તો સૂઈ જાય છે નિરાંતે. તમારો દોષ તે તમે ભોગવો છો. આ પૂર્વભવે શીખવાડનારો તું આ દારૂનું વ્યસન.' પેલાને શીખવાડીને ખસી ગયાં. શા હારું શીખવાડે ? લાલચનાં માટે. તે આ ગયા અવતારે ફટવ્યો છે, ઊંધે રસ્તે ચઢાવ્યો છે. તે એ શીખવાડ્યાનું ફળ આવ્યું આ ફેરે. તે હવે ફળ નિરાંતે ભોગવો ! તે ભોગવે એની ભૂલ. જો પેલો ઢોંગરો તો સૂઈ ગયો છે ને નિરાંતે ? અને બાપ આખી રાત ઉપાધિ કરતો કરતો, પાછો દોઢ વાગે જાણે ય ખરો. આવેલો છે, જાણે ને બોલાય નહીં પાછો. બોલે તો કહે, આવડી ગાળો આપે અને સૂઈ જાય તો પાછો નાખોરા હડહડાટ બોલે. પાછો સીગરેટ પીઈને સૂઈ જાય નિરાંતે. જોને કોનાં બાપની પડેલી છે ? તે ભોગવે પેલો. ભૂલ એની.

એટલે એવા છોકરાનું આપણે ચલાવી લેવું પડે બધું. એમાં ચાલે નહીં. વહુ હોય તો ડાઈવોર્સે ય આપીએ. પણ છોકરાને ડાઈવોર્સ અપાય નહીં, આ દુનિયામાં એવું સાંભળવામાં આવ્યું છે ?

પ્રશ્નકર્તા : ઘણા લોકો છોકરાંને કાઢી મૂકે છે.

દાદાશ્રી : એવું કાઢી મૂકવો એ ગુનો છે એક જાતનો. એ બેજવાબદારી કહેવાય. એ છોકરો પછી ક્યાંય હોટલમાં ગમે ત્યાં આખી જીંદગી બગાડે. આપણે ત્યાં જન્મ્યો એટલે એને માટે આપણી કંઈક જવાબદારી તો હોવી જોઈએને !! એટલે રીસ્પોન્સીબીલીટી આપણી છે !

વહુની ગાળો કાનથી જાય સંભળાઈ;

ભાંગો ભૂલ, ત્યાં હતા જ નહીં કરી!

વહુ જાણે કે સસરા પેલા રૂમમાં બેઠાં છે. એટલે વહુ બીજા જોડે વાત કરે કે 'સસરામાં જરાક અક્કલ ઓછી છે.' હવે આપણે તે ઘડીએ ત્યાં આગળ ઊભા હોય તો આપણને આ સાંભળવામાં આવે. તો આપણી મહીં એ રોગ પેઠો. તો ત્યાં આપણે શો હિસાબ કાઢવાનો કે આપણે પેલા રૂમમાં ત્યાં બેઠા હોત તો શું થાત ? તો કશો રોગ ઊભો ના થાત. એટલે અહીં આવ્યા તે ભૂલનો રોગ છે ! આપણે એ ભૂલ ભાંગી નાખીએ. આપણે એમ માનોને કે ત્યાં જ બેઠા હતાં. ને આ નહોતું સાંભળ્યું એટલે એ ભૂલ ભાંગી નાખીએ.

મહાવીર ભગવાનની ય પાછળ તો લોકો બોલતા હતા. એ તો બોલે લોક. આપણે આપણી ભૂલ ભાંગી નાંખવી. એને ફાવે એવું બોલે અને આપણા કર્મના ઉદય હોય, તો જ એનાથી આવું બોલાય. આપણા ઉદય રાશી હોય તો જ બોલાય.

આપણે સાંભળી ગયા કે વહુ આપણી માટે 'અક્કલ વગરનાં છે' એવું બોલી. તો ય આપણે જાણીએ કે આ તો આવું જ ચાલવાનું છે. આપણે કોઈકને ઘરે રહેવા ગયા હોય, ને કોઈકનાં છોકરાની વહુ હોય તો આપણે ચલાવી લઈએ કે ના ચલાવીએ ? એવું જ અહીં માની લેવાનું. નહીં તો આનો ક્યારે પાર આવે ? આ સોનું ચોખ્ખું થાય નહીં ને દહાડો વળે નહીં. એના કરતાં છાશીયું ને છાશીયું રહેવા દેવું. આ સોનું કોઈ દહાડો ચોખ્ખું થાય નહીં. આજે આપણે ગાળીને લગડી મૂકીએ તો ય પાછી કાલે હતી તેવી ને તેવી થઈ જાય અને આ તો બધું હિસાબ અમે જોઈને બેઠેલા, અનંત અવતારથી હિસાબ ખોળી કાઢેલો. એટલે અમને તો ભાંજગડ જ ના થાય ને આની ! અને અમને તો તરત કીમિયા જડે. અમારી પાસે લાખો ચાવીઓ હોય !

છોકરાં જોડે કરો ડહાપણથી 'ડીલીંગ';

નહીં તો કરશે એ હાર્ટનું 'ડ્રીલીંગ'!

પાછું ઉંમરનું, જેમ ઉંમર વધેને, તેમ એ જાણે કે મારી ભૂલ થાય નહીંને, છોકરાની ભૂલ બહુ થાય છે. પોતાની ભૂલ બહુ થાય છે, પણ પોતે માને કે પોતાની ભૂલ થાય નહીં, જાણે મેજીસ્ટ્રેટ ના હોય. છોકરો પાછો કહે ય ખરો કે તમારામાં અક્કલ નથી. તો ય એ મનમાં વિચાર કરે કે આ નાનો છે, સમજણ નથી. અલ્યા મૂઆ, એ કહે છે તો તોલી તો જો. આપણામાં અક્કલ છે કે નહીં તે તોલવી ! એ કહે તો તોલવી ના જોઈએ કે 'મારામાં અક્કલ નથી', તે લાવ તોલ તો કરવા દે. તો મહીં વિચાર કરે તો ખબર પડે ને કે કશું અક્કલ નથી. અક્કલ હોય તો આવું હોય નહીં. અક્કલ હોય તેને ત્યાં ક્લેશ ના હોય. અક્કલવાળા હોયને, તેને ત્યાં ખાય-પીવે શાંતિથી બધા. ઓછું હોય તો ઓછું ને ઘણું હોય તો ઘણું, પણ ક્લેશ ના હોય. તે અહીં કેટલા ક્લેશ વગરનાં ઘર હોય ?

પ્રશ્નકર્તા : છોકરાંની બાબતમાં કયું ઘટિત છે ને કયું અઘટિત છે એ સમજાતું નથી.

દાદાશ્રી : જેટલું સામા જઈને કરીએ છીએ એ જ દોઢડહાપણ છે, તે પાંચ વર્ષ સુધી જ કરવાનું હોય. પછી તો છોકરો કહે કે, 'બાપુજી મને ફી આપો.' ત્યારે આપણે કહીએ કે, 'ભઈ, પૈસા કંઈ અહીં આગળ નળમાં આવતા નથી. અમને બે દહાડા આગળથી કહેવું. અમારે ઉછીના લાવવા પડે છે.' એમ કહીને બીજે દહાડે આપવા. છોકરાં તો એમ સમજી બેઠાં હોય છે કે નળમાં પાણી આવે એમ બાપુજી પાણી જ આપે છે. માટે છોકરાં જોડે એવો વ્યવહાર રાખવો કે એની સગાઈ રહે અને બહુ ઉપર ચઢી વાગે નહીં, બગડે નહીં. આ તો છોકરાં ઉપર એટલું બધું વહાલ કરે કે છોકરો બગડી જાય. અતિશય વહાલ તે હોતું હશે ? આ બકરી જોડે વહાલ આવે ? બકરીમાં ને છોકરામાં શો ફેર છે ? બેઉમાં આત્મા છે. અતિશય વહાલે ય નહીં ને નિઃસ્પૃહ પણ નહીં થઈ જવાનું. છોકરાંને કહેવું કે, 'કંઈ કામકાજ હોય તો પૂછજો. હું બેઠો છું ત્યાં સુધી કંઈ અડચણ હોય તો પૂછજો.' અડચણ હોય તો જ, નહીં તો હાથ ઘાલીએ નહીં. આ તો છોકરાના ગજવામાંથી પૈસા નીચે પડ પડ કરતા હોય તો બાપ બૂમાબૂમ કરી મેલે, 'એય એય...' એમ. આપણે શું કામ બૂમાબૂમ કરીએ ? એની મેળે પૂછશે ત્યારે ખબર પડશે. આમાં આપણે કકળાટ ક્યાં કરીએ ? અને આપણે ના હોત તો શું થાત ? 'વ્યવસ્થિત'ના તાબામાં છે, અ

ને વગર કામનો ડખો કરીએ છીએ. સંડાસે ય વ્યવસ્થિતના તાબામાં છે, અને તમારું તમારી પાસે છે. પોતાના સ્વરૂપમાં પોતે હોય ત્યાં પુરુષાર્થ છે. અને પોતાની-સ્વસત્તા છે. આ પુદ્ગલમાં પુરુષાર્થ છે જ નહીં. પુદ્ગલ પ્રકૃતિને આધીન છે.

છોકરાંનો અહંકાર જાગે, ત્યાર પછી તેને કશું કહેવાય નહીં અને આપણે શું કામ કહીએ ? ઠોકર વાગશે તો શીખશે. છોકરાં પાંચ વર્ષનાં થાય ત્યાં સુધી કહેવાની છૂટ. અને પાંચથી સોળ વર્ષવાળાને વખતે બે ટપલી મારવી ય પડે. પણ વીસ વર્ષનો જુવાન થયા પછી એનું નામે ય ન લેવાય, કશું અક્ષરે ય બોલાય નહીં, બોલવું એ ગુનો કહેવાય. નહીં તો કો'ક દહાડો બંદૂક મારી દે.

અમારી પેઠ 'અબુધ' થઈ ગયો તો કામ જ થઈ ગયું. બુધ્ધિ વપરાઈ તો સંસાર ઊભો થયો પાછો. ઘરનાં પૂછે તો જ જવાબ આપવો આપણે અને તે વખતે મનમાં થાય કે 'આ ના પૂછે તો સારું' એવી આપણે બાધા રાખવી. કારણ કે ના પૂછે તો આપણે આ મગજ ચલાવવું ના પડે. એવું છે ને, કે આપણા આ જૂના સંસ્કાર બધા ખલાસ થઈ ગયા છે. આ દુષમકાળ જબરજસ્ત વ્યાપેલો છે, સંસ્કારમાત્ર ખલાસ થઈ ગયા છે. માણસને કોઈને સમજણ પાડતાં આવડતી નથી. બાપ છોકરાંને કંઈક કહે તો છોકરો કહેશે કે, 'મારે તમારી સલાહ નથી સાંભળવી.' ત્યારે સલાહ આપનારો કેવો ને લેનારે કેવો ? કઈ જાતના લોક ભેગા થયાં છો ?! આ લોક તમારી વાત શાથી નથી સાંભળતા ? સાચી નથી તેથી. સાચી હોય તો સાંભળે કે ના સાંભળે ? આ લોક શાથી કહે છે ? આસક્તિને લીધે કહે છે. આ આસક્તિને લીધે તો પોતે પોતાના અવતાર બગાડે છે.

પ્રશ્નકર્તા : એટલે હવે પછી એમાં બીજો મને પ્રશ્ન એ થયેલો કે કોઈપણ વસ્તુ કે બને ત્યાં સુધી સલાહ ના આપવી. પણ જો મોંમાં આંગળા નાખીને જ પૂછવામાં આવે, તો પછી જો સાચું તમે કહો તો સાંભળનારને ગમે નહીં અને ખોટું તમે કહી ના શકો, તો એ વચ્ચે દ્વિધામાં હું છું.

દાદાશ્રી : 'વણમાગી સલાહ આપવી નહીં' એવું અમે લખ્યું છે ખરું ! એટલે કોઈ કહે, આપણને પૂછે, તો આપણે સલાહ આપવી અને તે ઘડીએ આપણને ઠીક લાગે એવું આપણે કહી છૂટવું અને સલાહ આપ્યા પછી આપણે એમ કહીએ કે તમને અનુકૂળ આવે એમ કરજો. અમે તો આ તમને કહી છૂટીએ. એટલે એને પછી કંઈ ખરાબ લાગે એવી વસ્તુ નથી. એટલે આપણે આ જે બધું કરવાનું છે ને એની પાછળ વિનય રાખવાનો છે.

આ કાળમાં ઓછું બોલવું એના જેવું એકે ય નથી. આ કાળમાં બોલ પથ્થર જેવા વાગે એવાં નીકળે છે, અને દરેકના એવાં જ હોય. એટલે બોલવાનું ઓછું કરી નાખવું સારું. કોઈને કશું કહેવા જેવું નથી. કહેવાથી વધારે બગડે છે. એને કહીએ કે, 'ગાડીએ વહેલો જા.' તો એ મોડો જાય અને કશું ના કહીએ તો ટાઈમે જાય. આપણે ના હોઈએ તો બધું ચાલે એવું છે. આ તો પોતાનો ખોટો અહંકાર છે. જે દહાડાથી છોકરાં જોડે કચકચ કરવાનું તમે બંધ કરશો, તે દહાડાથી છોકરાં સુધરશે. તમારા બોલ સારાં નીકળતા નથી, એનાથી સામો અકળાય છે. તમારો બોલ એ સંઘરતો નથી, ઊલટાં એ બોલ પાછાં આવે છે. આપણે તો છોકરાંને ખાવાનું-પીવાનું બનાવી આપીએ ને આપણી ફરજ બજાવીએ, બીજું કહેવા જેવું નથી. કહેવાથી ફાયદો નથી, એવું તમને તારણ નીકળે છે ? છોકરાં મોટાં થયાં છે એ કંઈ દાદરેથી પડી જાય છે ? તમે તમારો આત્મધર્મ શું કરવા ચૂકો છો ? આ છોકરાં જોડેનો તો 'રિલેટિવ' ધર્મ છે. ત્યાં ખોટી માથાકૂટ કરવા જેવી નથી. કકળાટ કરો છો, તેના કરતાં મૌન રહેશો તો વધારે સારું રહેશે. કકળાટથી તો પોતાનું મગજ બગડી જાય ને સામાનું પણ બગડી જાય.

છોકરાંથી બગડે તો ય, ન કર દ્વેષ;

જ્ઞાનથી ઉકેલો હિસાબો અંતે નિઃશેષ!

છોકરા જોડે અથડામણ થાય છે કે ?

પ્રશ્નકર્તા : ચાલે એ તો.

દાદાશ્રી : બહુ નહિ. થોડી થોડી, નહીં ? શું ચાલે ?

પ્રશ્નકર્તા : અથડામણ.

દાદાશ્રી : હા, પણ એમાં છોકરાઓનું શું જાય, આપણું જાય. એ તો અથડાવા હારું જ આવ્યા છે. પણ આપણને મોક્ષ જ જોઈએ ને !

પ્રશ્નકર્તા : એ એમ ન કહે, હું અથડાવ છું. તમે અથડાવ છો, એમ કહે એ તો. કોઈને પોતાના દોષ દેખાય નહીં ને !!

દાદાશ્રી : દોષ ના દેખાય ત્યાં સુધી મોક્ષે જવાનું વિચારી જ ના શકે ને. એને દ્રષ્ટિ જ ના કહેવાય ને ? દ્રષ્ટિ સમ્યક્્ હોવી જોઈએ.

પ્રશ્નકર્તા : છોકરાં આપણી જોડે ઝઘડે, રાગ-દ્વેષ કરે. હવે આપણને છોકરાંઓ માટે ખૂબ લાગણી હોય. આપણી કુટુંબ ભાવના હોય, બધા સંપીને રહીએ એવી બધી ભાવના હોય, પણ આવું થયા કરે. ત્યારે મા-બાપે શું કરવું?

દાદાશ્રી : શું કરો છો, આવું બને છે ત્યારે ?

પ્રશ્નકર્તા : આવું બને છે ત્યારે શું થાય ? છોકરાઓ જોડે થોડીવાર ચકમક થાય પછી એની મેળે જ ટાઢું પડે. પાછું બે-ચાર દા'ડે થાય. એવું ચાલ્યા કરે.

દાદાશ્રી : આનો પાર જ ના આવે ! તમને મારતાં તો નથી ને?

પ્રશ્નકર્તા : ના. કોઈ દહાડો છોકરાઓ મારવા કરવાનું કરતાં નહીં.

દાદાશ્રી : તમે કહો છો કે મારા છોકરા મારતા નથી મને, એટલે હજુ સારાં કહેવાય.

પ્રશ્નકર્તા : હા, સારાં કહેવાય.

દાદાશ્રી : એ તમને ખરાબ કહે, તમે એમને ખરાબ કહો. અને પછી વાતાવરણ દૂષિત થતું ચાલ્યું અને પછી ભડકા થશે આમાં. એટલે તમારે એમને સારાં કહેવા, કઈ દ્રષ્ટિએ ? એક દ્રષ્ટિ મનમાં સમજી લો કે 'આફટર ઓલ હી ઇઝ એ ગુડ મેન.' (અંતે તો એ સારા માણસ છે.)

પ્રશ્નકર્તા : પણ દાદા, બીજી જાતની પણ અથડામણ થાય છે. તીવ્ર બુધ્ધિના છોકરાઓ એમ કહે કે તમે વીસ વર્ષ પછાત છો.

દાદાશ્રી : આવું બધું તો કહેશે ! ને આ કાળમાં તો પાછળથી ભણેલા છોકરાઓ અને એમના ભેગા રહેવું, તે આ બ્રેઈન (મગજ)ની કઢી કરવા જેવું છે. એટલે મને પૂછી લેવું, ખાનગીમાં પૂછી જવું. હું દેખાડીશ પછી તમને રસ્તો. આ પ્રોબ્લેમ દરેકને જુદો જુદો હોય એટલે જુદી જુદી રીતે કહેવાનું હોય. એટલે મને ખાનગીમાં પૂછી લેવાનું. બાકી આનો નિવેડો આવે એવો નથી. આ બધે આનો આ જ પ્રોબ્લેમ છે. કારણ કે દરેકના છોકરા જુદી જુદી રીતનાં, કર્મો જુદી જાતનાં અને રીતે ય જુદી હોય.

પ્રશ્નકર્તા : છોકરાઓ સાથે અથડામણ થાય તો આપણે કેવો એપ્રોચ લેવો, આપણે શું કરવું, આપણે કેવું વર્તન કરવું ?

દાદાશ્રી : તે આપણે મહીં જાતને પૂછવું, 'કેમ અથડાવ છો, એમાં શું સ્વાદ કાઢવાનો છે હવે ? મોક્ષે જવું છે કે અથડાઈ અથડાઈને માર ખાવો છે ?!' ઉદય પ્રમાણે બધું થયા કરે.

પ્રશ્નકર્તા : અથડામણ જ્યારે થાય ત્યારે છોકરાઓ સાથે કેવું વર્તન કરવું ?

દાદાશ્રી : રાગ-દ્વેષ ના થવો જોઈએ, એણે કંઈ બગાડ્યું હોય કે નુકસાન કર્યું હોય, તો ય એની ઉપર દ્વેષ ના થવો જોઈએ અને એને 'શુધ્ધાત્મા' રીતે જોવો જોઈએ બસ. રાગ-દ્વેષ ના થાય એટલે બધો નિવેડો આવી ગયો અને આપણું જ્ઞાન રાગ-દ્વેષ ના થાય એવું છે.

પ્રશ્નકર્તા : અને ધારો કે છોકરાને રાગ-દ્વેષ થાય, તો આપણને રાગ-દ્વેષ થઈ જાય તો શું કરવું પછી ?

દાદાશ્રી : ના થાય. આ જ્ઞાન જો લીધેલું છે ને મારી આજ્ઞા પાળશે તો રાગ-દ્વેષ થાય નહીં અને થાય છે તો મારી આજ્ઞા પાળતો નથી. આ રાગ-દ્વેષનું જ્ઞાન ન હોય અને જે રાગ-દ્વેષ જેવું કંઈ દેખાતું હોય તો તે ફાઈલનું છે, આપણું ન્હોય. ભરેલો માલ છે એ બહાર નીકળી જાય.

ગૂંચ પડતાં જ કરો તપાસ મહીં;

રાખ જુદો ગૂંચાયો 'હું' નહીં!

આપણું મન સ્હેજ ગૂંચાય, તે એ ગૂંચ બીજાની નહીં, આપણી જ. એટલે આપણે સમજી જવું કે આ ગૂંચ આપણી છે. એને બાજુએ મૂકી દેવી. આપણે 'શુધ્ધાત્મા' જ જોવો. જેટલી ગૂંચ દેખાય એ ગૂંચ બધી આપણી. કોને ગૂંચ પડી ? આપણને પડી ગૂંચ. શાથી ગૂંચ પડી ? એ આપણને જોતાં ના આવડ્યું તેથી, પણ ગૂંચ ના પડવી જોઈએ. ગૂંચ આપણે ભાંગી નાખવાની. 'હું શુધ્ધાત્મા છું', બીજું બધું 'વ્યવસ્થિત' છે. આ 'સોલ્યુશન' મેં આપ્યું છે. ગૂંચ પડે એટલે જાણવું કે આપણી ભૂલ થઈ. ગૂંચ છે જ નહિ જગતમાં. તમને ગૂંચ છે નહીં, છતાં ય દેખાય છે ને ગૂંચો ?

પ્રશ્નકર્તા : દેખાય તો ખરીને ! પણ પછી જતી રહે છે.

દાદાશ્રી : પછી જતી રહે, નહીં ? પણ એ દેખાય ખરી ? એ આપણી ભૂલથી ગૂંચ પડી. કોઈની ભૂલ નથી. કોઈ પણ ગૂંચ પડે. તે આપણી જ ભૂલ, બીજા કોઈની ભૂલ હોતી નથી. ગૂંચ કેમ દેખાય ?! ગૂંચ વગરનું જગત !! આત્મા જ દેખાય છે બધે. બીજું તો બધું નિર્દોષ છે જગત આખું. કેવી રીતે ગૂંચ પડે ? એટલે ગૂંચ ના પડવા દેશો, બહુ દહાડા, અનંત અવતાર ગૂંચો જ પાડ પાડ કરી છે. બીજો કશો ધંધો કર્યો નથી, ગૂંચો જ પાડ પાડ કરી. એટલે હવે ગૂંચ ના પડવા દેશો, અને ગૂંચ પડે તો તમારી જ ભૂલ. તમારા અમેરિકાવાળા છોકરાઓની ભૂલ નહીં ?

પ્રશ્નકર્તા : ના, મારી ભૂલ.

દાદાશ્રી : હા, તમારી ભૂલ. છોકરાંની ભૂલ નહિ. છોકરાઓ તો લખે. એ લખે એમના કર્મના ઉદયે. એ પોતે તો આત્મા છે. ચંદુભાઈના કર્મના ઉદય પ્રમાણે પેલા છોકરા લખે. તે 'આ' જાણે કે મારે ગૂંચ પડી ગઈ એની જોડે. ના, 'આપણને નહિ', 'ચંદુભાઈ'ને ગૂંચ પડી. હા, તે 'આપણે' કહીએ કે 'ભાઈ, મારી ન હોય આ ગૂંચ.' એટલે અમસ્તો બોજ માથે લેશો નહીં હવે, કર્માધીન છે. એક જ શબ્દ છોકરાએ એવો લખ્યો હોય ને તે મહીં વાગ્યા કરે, ઘંટની પેઠ. તે પછી ગૂંચ પડે. 'આવું ?! આવું લખ્યું ?' ત્યારે કહેવું, જેવા છો એવું લખ્યું. મોટા ઘંટનો મોટો અવાજ હોય ને ? મોટો ઘંટ હોય તેને આપણે કહીએ કે ધીમે રહીને વાગજે તો ?

પ્રશ્નકર્તા : ના વાગે ?

દાદાશ્રી : કેમ ના વાગે ?

પ્રશ્નકર્તા : એનો સ્વભાવ, એનાં એવાં લક્ષણ બધાં.

દાદાશ્રી : તે આપણા હિસાબની ગૂંચો પડે છે. જેવા તેવા નહીં. આ તો મોટો માણસ ! ગૂંચો પાડી લાવે ને ?! પણ ભાંગી જાય, જતી રહે છે ખરી હવે, નહીં ? ઊભી નથી રહેતી, નહીં ?

પ્રશ્નકર્તા : હા. તરત જ પાછળથી યાદ આવે કે આપણું જ છે ને આપણી સામે આવ્યું છે.

દાદાશ્રી : હા, ખરી વાત છે. ગૂંચો જતી રહે તો બહુ થઈ ગયું. 'સોલ્યુશન' કરવાનું છે ને આપણે તો ? ખરેખર ગૂંચો છે જ નહીં, ગૂંચો જ નથી ને ! આ તો આમ દ્રષ્ટિ કરીએ તો કહેશે, કશું થયું ? અલ્યા, કશું થતું નથી. આત્મા સિવાય કશું થતું જ નથી. ટાઈમે શું થાય છે એ જોઈ લેવું. જમવાનું મળે છે કે નથી મળતું ? અને તે રસ-રોટલી નહીં, પણ ખીચડી એકલી એ મળે છે ? એકલી ખીચડી મળે તો મોટો રાજા જાણવું પોતાની જાતને ! તે શરીરને તો ખીચડી એકલી જ જોઈએ છે. આ તો બધાં ચેનચાળા છે. છતાં ય બીજું મળે તો ખાજો. મારું કહેવાનું કે એની મેળે થાળીમાં આવે તે ખાજો. ગૂંચાવાનો પ્રયત્ન ના કરશો કે 'મારે આમ કેમ નહીં ?' એવું તેવું ના કરશો. મળે તો ખાજો. પણ ના આવે તો ખીચડી એકલીની જ જરૂર. ખીચડી-કઢી બે જ જોઈએ. બીજું કશું જોઈએ નહીં. શી ધમાલ આ વગર કામની ? છતાં ય આવે તો લઈએ, થોડી પ્રસાદી ખાઈ લઈએ.

ન કરાય ન્યાય કોઈના ઝઘડામાં;

વિનંતી કરું છું કહી પડો રગડામાં!

પ્રશ્નકર્તા : મારા ભઈબંધને ત્યાં ઘરમાં મા-બાપ જોડે ઝઘડો થયો. બે મહિના ઉપર બનેલો પ્રસંગ, પેલો ભઈબંધ મને પરાણે ખેંચી ગયો કે, ચાલ અમને સમાધાન કરી આપ. હવે ત્યાં જોયું કે એનાં મા-બાપ સાચા છે, ભઈબંધનો વાંક છે. એટલે હવે સમાધાન કરતી વખતે ભાઈબંધને કહું કે તારી ભૂલ છે, તો પેલા ભાઈબંધ જોડે કટ થઈ જાય વ્યવહાર. એની જોડે દ્વેષ ઊભો થાય અને ભઈબંધનું સાચવવા જાય તો પછી એનાં મા-બાપને અન્યાય થાય. તો મા-બાપ પાછાં દ્વેષ કરે અને મૌન રહીએ તો પછી એનો અર્થ નથી. તો શું કરવું આવા વખતે ?

દાદાશ્રી : એવું છે ને આ દુનિયામાં એક પણ માણસ એવો નથી કે જે બે માણસનો ન્યાય કરી શકે અને આ ન્યાય કરવા ગયા !! આ તો દારૂખાનું ફોડ્યા જેવું થઈ ગયું. પછી દઝાય ત્યારે શું થાય ? કોઈ દહાડો ન્યાય કરવા જશો નહિ કોઈ જગ્યાએ.

પ્રશ્નકર્તા : દાદા, બે લડતા હોય ને છોડાવા જાય તો ડફણાં ય ખાવાં પડે. બે લડતાં હોય બાથમ્બાથા, તો કેટલાય છોડાવનારા મરી ગયેલા છે.

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : આ જેવો એક મિત્રનો દાખલો કીધો. એવું ઘણીવાર ઘરની અંદર પણ થાય. હવે ઘરની અંદર પણ આવું મૌન તો સેવાય જ નહિ, બોલાય પણ નહિ. આવું ઘરમાં પણ બને તો ત્યાં આગળ શું કરવું ? કંઈક તો કહેવું પડે, કરવું પડે, સમાધાન લાવવું હોય તો. તો ત્યાં પણ થઈ જાય આવું તો શું કરવું ઘરમાં ?

દાદાશ્રી : વારે ઘડીએ અમે તમને વિનંતી કરીએ છીએ, એમ કહેતાં ય રહેવું. વિનંતી કહે એટલે એનો વાંધો નહિ. બાકી એને ન્યાય કરવા જશો નહિ. ન્યાય કોણ કરી શકે ? જેનો શબ્દ, વાદી-પ્રતિવાદી ઓળંગે નહિ એ ન્યાય કરી શકે.

છોકરાં-વહુ બાપને વારે વારે ટોકે;

નાના થઈને ગુજારે તેને કોણ રોકે?

પ્રશ્નકર્તા : દાદા, મારો છોકરો પંદરસો રૂપિયા મહિને કમાય છે. હું 'રિટાયર્ડ' છું, તેની સાથે રહું છું. હવે છોકરા અને વહુ મને ટોક્યા કરે છે કે તમે આમ કેમ કરો છો ? બહાર કેમ જાવ છો ? એટલે હું તેમને કહેવાનો છું કે હું ઘરમાંથી ચાલ્યો જઈશ.

દાદાશ્રી : ખવડાવે-પીવડાવે છે સારી રીતે ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : ત્યાર પછી 'ચાલ્યો જઈશ' એમ ના બોલાય. વખતે કહ્યા પછી જવાનું ના બને, તો આપણા બોલ આપણે જ ગળવા પડે.

પ્રશ્નકર્તા : એટલે મારે એમને કશું જ કહેવાનું નહીં ?

દાદાશ્રી : બહુ ત્યારે ધીમે રહીને કહીએ કે, 'આમ કરો તો સારું, પછી માનવું-ના માનવું તમારી મરજીની વાત છે.' તમારી ધોલ સામાને વાગે તેવી હોય અને તેનાથી સામાનામાં ફેરફાર થતો હોય તો જ ધોલ મારજો ને જો પોલી ધોલ મારશો, તો એ ઊલટો વિફરશે. તેના કરતાં ઉત્તમ તો, ધોલ ના મારવી તે છે.

પ્રશ્નકર્તા : છોકરાઓ વીસ-બાવીસ વર્ષના થઈ જાય એટલે ચાલે.

દાદાશ્રી : નહીં તો પછી શું ? પડી રહેવું પડે. છોકરાઓ કહે, સૂઈ રહો છાનાં માનાં. એના કરતાં આપણે આપણું સબ સબકી સંભાલો, એ શું ખોટું ?! નહીં તો છોકરાઓ તો આ ગાદી ઉપર બેઠાં પછી સૂઈ રહેવાનું કહે. સૂઈ રહો છાનાંમાનાં, કહે કે ના કહે ?

પ્રશ્નકર્તા : કહે.

દાદાશ્રી : તમે સાંભળેલું નહીં આવું તેવું, નહીં ?!

પ્રશ્નકર્તા : હજી નથી સાંભળ્યું.

દાદાશ્રી : હા. એ કહે, સૂઈ રહો છાનાંમાનાં. એ તો બહુ બોલીએ ત્યારે કહેશે, તમારામાં સમજણ નહીં ને વગર કામનાં બોલ બોલ કરો છો ! એટલે થઈ રહ્યું, આવી રહ્યું એ બધું સહન કરવું પડે. એનાં કરતાં આપણે પોતાનું હોય ત્યાં રહેવું નિરાંતે ! આપણે તો નાના થઈને કામ કાઢી લેવું. બાબાને બે વખત કહીએ કે અલ્યા, પેલું લાવ, પેલું લાવ. ત્યારે એ પટિયાં પાડતો હોય તો આપણે તરત જાતે ઊઠીને લેવું. છોકરા કહેશે કે રહેવા દો, રહેવા દો. ત્યારે આપણે કહીએ, ના, હું લઈ લઉં છું. એમ કહીને કામ કાઢી લેવું. આપણે તો આ સંયોગો જોડે સંયોગ પૂરા કરવાનાં છે, આ સંયોગોમાં આવી ફસાયા છીએ, તો આ સંયોગો જેમ તેમ કરીને ઊંચા મૂકવાના છે. આપણે તો ધણી થવા માટે નથી આવ્યા, બાપા થવા નથી આવ્યા, આ તો સંયોગોને ઊંચા મૂકવાના છે, ઉકેલ લાવવાનો છે.

પ્રશ્નકર્તા : બાળકો છે અહીંયા અમેરિકામાં, તો અમેરિકાનું જે કલચર છે, એજ્યુકેશન છે સોસાયટીનું, તો બાળકોએ ઘણીવાર એ એક્સેપ્ટ કરવું હોય અને કરે છે. અને પેરેન્ટ્સ એનો વિરોધ કરે, તો તે માટે આપનું શું કહેવું ?!

દાદાશ્રી : વિરોધ કરવો હોય તો એ જગ્યાએ મોકલવાં નહીં. અને મોકલ્યાં એટલે પછી વિરોધ કર્યાનો શો અર્થ છે ?! તે સમજાવીને કામ લો ને ! આપણે છોકરાને ત્યાં લઈ ગયા, ઊંધા રસ્તે ગયા, અને પછી વિરોધ તો થવાનો જ છે ને ! વિરોધ નહીં, ગોળીઓ મારશે હજુ તો, મોટા થશે ત્યારે. કારણ કે મગજ એમના તોર રહેવાના. આ લોકોના સંગમાં 'યુ, યુ' કરીને ગોળી મારી દેશે. આ ભાન વગરનાં છે. હવે મોકલ્યા એટલે પછી હવે શું કરવા સુખ ખોળો છો એમાંથી. તે હજુ છે તે ચેતવવા હોય તો ચેતી લો. કોઈ લાઈન ઉપર ચઢાવી દો એને.

પ્રશ્નકર્તા : નહીં, એ પોતે પૂછે છે કે અમે આ સોસાયટીમાં છીએ, અને મા-બાપો વિરોધ કરે છે !

દાદાશ્રી : તો શું થાય ને ! મા-બાપને શી રીતે રુચે ! મા-બાપ પહેલાનું એકઠું કરવા જાય છે, આ અત્યારની વાત કરવા જાય છે, મેળ પડે નહીં ને ! મા-બાપે છોડી દેવું જોઈએ.

ભેગાં રહી સાસુ-વહુ કરે કકળાટ;

પ્રેમથી સાચવો કરી જુદો વસવાટ!

એટલે બધા અમે જ્યાં જ્યાં ગયાં ને અમેરિકામાં, તે બધા ય છોકરાંની બૂમો પાડતાં હતાં કે 'દાદાજી, અમારા છોકરાઓનું શું થશે ?' ત્યારે મેં કહ્યું, 'શું વાંધો આવે ?' તે કાલે સવારે 'મેરી'ને પૈણીને લાવે તો મારે શું કરવું ? એનાં ભેગું ભણવાનું. અને 'મેરી' જોડે પૈણે તો મારી શી દશા થાય, કહે છે ? ત્યારે મેં કહ્યું, 'મેરી'ની સાસુ થજો. એમાં શું ખોટું છે ?! સાસુ થવાનું ના ફાવે મેરીનું ? એ પછી, આવ્યા પછી કંટાળીએ તો ચાલે નહીં, તે પહેલાં ચેતીએ. ભેગાં રાખશો તો ક્લેશ ઊભા થશે અને એનું જીવન બગડશે અને આપણું બગાડશે. જો પ્રેમ જોઈતો હોય તો એને જુદો રાખી અને પ્રેમ સાચવો, નહીં તો જીવન બગાડશો. નહીં તો આમાં પ્રેમ ઘટી જશે. હંમેશાં એની વાઈફ આવી હોય ને, તો આપણે એમ ભેગો રાખવા જઈએ તો વાઈફનું કહેલું એ માનશે, તમારું નહીં માને. અને વાઈફ કહેશે, કે 'આજ તો બા છે તે આવું બોલતાં હતાં અને તેવું બોલતાં હતાં.' ત્યારે કહે, 'હા, બા એવા જ છે.' એ ચાલ્યું તોફાન. હવે એનાં કરતાં છેટે રાખવાં અને રોજ સાસુ થવું એની ઘેર જઈને એ સારું. છેટેથી બધું સારું.

પ્રેમમાં આપણે આંધળા થઈ જવાની જરૂર છે ? પ્રેમમાં આંધળા ના થઈ જવું જોઈએ ને ? ત્યારે તમારા વહુને હઉં ઘેર રાખવી છે અને છોકરાંને ઘેર રાખવો છે ? પાછો તે બાપો થાય ત્યાં સુધી ?!

એક છ મહિનામાં કકળાટ ઊભો થશે એવી વસ્તુ જ ના કરશો. મોટો થાય તો આપણે આ ફોરેનવાળાને પેઠે રાખવું. અઢાર વર્ષનો થાય બાબો, એટલે પછી તું જુદો રહે, કહીએ. આપણું 'ડીલીંગ' બહુ ઊંચું છે, ફોરેનવાળા કરતાં. જુદો રહ્યા પછી એકતા જેવું જ ડીલીંગ રાખીએ છીએ, પેલા નથી રાખતાં બરાબર. કારણ કે હવે આ જમાનો જુદી જાતનો છે. જમાના પ્રમાણે ના વર્તીએ તો મૂર્ખ થઈએ.

ન કર દૂર વસેલા પુત્રની હાયહાય;

સુખી સહુ ઘેર ન લગાડ લ્હાય!

પ્રશ્નકર્તા : છોકરાં પરદેશ છે એ યાદ આવ્યા કરે, ચિંતા થાય છે એમની.

દાદાશ્રી : એ છોકરાંઓ તો ત્યાં ખાય-પીને મઝા કરતાં હશે, બાને યાદ પણ ના કરતાં હોય અને આ બા અહીં ચિંતા કર્યા કરે, આ કોનાં ઘરની વાત ?

પ્રશ્નકર્તા : એ છોકરાઓ ત્યાંથી લખે છે કે તમે અહીં આવી જાવ.

દાદાશ્રી : હા, પણ જવું કંઈ આપણા હાથમાં છે ? એનાં કરતાં આપણે જ જેમ છે તેમ ગોઠવી દઈએ, એ શું ખોટું ? એનું એને ઘેર, આપણું આપણે ઘેર ! આ પેટે અવતાર થયો માટે કંઈ એ બધા આપણાં છે ? આપણાં હોય તો આપણી જોડે આવે. પણ કોઈ આવે આ દુનિયામાં?

પ્રશ્નકર્તા : જોડે કોઈ ના આવે.

દાદાશ્રી : એટલે આ તો વગર કામની હાય હાય કરવાની. આપણું કોઈ થાય નહીં. આપણાં છોકરાઓને જરૂરિયાત હોય, કાગળ આવે કે 'બા, આ લઈને મોકલી આપજો.' તો આપણે મોકલી આપવાનું. બાકી ના આવે તો ચિંતા કરવાની નહીં. આ કંઈ જોડે આવવાનાં સોદા ન હોય! તેમ મસ્કો પણ આપણે નહીં લગાડવાનો. 'સુપરફલ્યુઅસ વ્યવહાર' બધો કરવાનો !

અહીંથી કોઈક દહાડો જવાનું તો ખરુંને આપણે ? તે બધા કંઈ જોડે આવશે ? જોડે આવવાનાં હોય તેની ચિંતા કરવી. આ તો વગર કામના આપણે ચિંતા કરીએ ! નહીં લેવા, નહીં દેવા, નહીં જોડે આવવાના. એની શી ચિંતા કરવાની તે ? જેનો સંગાથ કરવાનો હોય એની ચિંતા કરવાની હોય. સંગાથ તો આપણો આત્મા એકલો જ કરે એવો છે, બાકી સંગાથ કોઈ કરે નહીં. તો આમની ચિંતા આપણે ક્યાં કરીએ ?! આ છોકરાં આપણી જોડે આવવાનાં છે ? બેન, આવે ખરાં ? તમે જાણોને કે એ જોડે ના આવે તો આપણે ચિંતા નહીં કરવાની. આપણે આત્માની ચિંતા કરો, પોતાના આત્માની ચિંતા કરો.

એટલે છોકરા છે તે વાંધો નહીં આપણને. જ્યારે આવે ત્યારે 'આવ બા, તારું ઘર, બેસ. હું ય તારી, આ બધું તારું.' એવી વાતો-ચીતો કરીએ. એને કંઈ વાગ્યું કર્યું હોય તો માથે હાથ ફેરવવો, બધું ય કરવાનું. પણ કોઈ પણ ચીજ, જે સંભારણું આપણને સતાવે, એ સંભારણું આપણે અડવા ના દઈએ. આપણને સતાવે એ સંભારણાને આપણે શું કરવાનું ?

માટે કશું નવકાર મંત્ર બોલો. કારણ કે છેલ્લી ઘડીએ કોઈ હાથ પકડે નહીં. બધા તે ઘડીએ ખસી જશે. શું કહે કે અમે શું કરીએ? એટલે આ તો આપણા કરેલાં કર્મ તો ભોગવવાં જ પડે ને ! તમે કહો કે નવકારમંત્ર બોલું પણ કર્મ તો નથી ભોગવવાં, તો ના ચાલે. એ તો ભોગવવાં જ પડે ને ! કોઈ આપણું થાય નહીં. માટે નવકાર મંત્ર બોલે તે અડધી રાતે બોલશો તો ય એ ફળ આપશે, નહીં તો 'દાદા ભગવાન સર્વજ્ઞ શરણં ગચ્છામિ' બોલો. ધીસ ઈઝ ધી કેશ બેન્ક, રોકડું ફળ આપે.

છોકરાં પરદેશ વસે, ન ગમે બાપને;

ક્ષેત્ર-કાળને આધીન બેઠક સંજોગ મા-બાપને!

પ્રશ્નકર્તા : છોકરાં બધાં જ પરદેશ જવાનું કહે છે, અહીંનો મોટો ધંધો છોડીને. તો મારે શું કરવું ?

દાદાશ્રી : તમે અત્યારે જે જગ્યાએ બેઠા છો એ જગ્યા, ટાઈમ બધું સાથે ગુણાકાર થયેલા હોય છે. ટાઈમ અને સ્પેસ બેનો ગુણાકાર હોય છે. એમાં માણસનું ચાલે એવું નથી. તમારે તો કહેવાનું ખરું કે ભાઈ, મારી ઇચ્છા આવી છે. તમે ના જાવ તો સારું. પછી શું બને છે એ જોવાનું. કારણ કે ટાઈમ અને સ્પેસ, એ બેના ગુણાકાર થયેલા જ હોય છે. માણસ ધારે કે સ્પેસ બદલવી છે, પણ ટાઈમ થયા વગર સ્પેસ નહીં બદલાય અને ટાઈમ થશે ત્યારે સ્પેસ આવ્યા વગર રહેશે નહીં. આ બેનાં ગુણાકાર હોય છે. એટલે મુખ્ય વસ્તુ, આ ટાઈમ અને સ્પેસ છે.

એટલે છોકરાઓનો પરદેશમાં પ્રવેશ કરવો એ સ્પેસ ત્યાં હશે તો ટાઈમ મળશે, નહીં તો નહીં મળે. એટલે આમાં તમારે તો કહી છૂટવું કે 'ભાઈ, અહીં રહો તો આપણે ત્યાં ધંધા બહુ સારા છે આમ છે, તેમ છે.' બધું કહી છૂટવું, તેમ છતાં ય એમને એ ન થાય, તો શું બને છે એ જોયા કરવાનું. બીજું કશું આપણા હાથમાં નથી. આપણે તો કહી છૂટવું, બસ.

પ્રશ્નકર્તા : દાદા, પરદેશ જવાથી મનનો વિકાસ થાય એટલે બે-ત્રણ વર્ષ માટે પરદેશ જવાની મારી ઇચ્છા છે.

દાદાશ્રી : પણ 'શું બને છે' એ જોયા કરવું. આગ્રહ નહીં કરવો કે આમ જ કરવું છે. પણ શું બને છે, કુદરત ક્યાં લઈ જાય છે, તે આપણે જોયા કરવાનું. છેવટે તો કુદરત ધારેલાં ઠેકાણે જ લઈ જાય છે. ટાઈમ અને સ્પેસ બેનો ગુણાકાર હોય છે. કારખાનામાં હતા ત્યારે ખબર તમને હતી કે અહીં આ જગ્યાએ બેસશો ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : મકાન તમારું છે. તમે ધારો ત્યાં બેસી શકો તેમ છો. પણ ના, એ જગ્યા અને ટાઈમ બે નક્કી થયેલું હોય, 'ત્યારે મારે તમારી જોડે આ કોર્નરમાં વાતચીત થાય. નહીં તો પેલા કોર્નરમાં વાતચીત થાય. તે આ બધી ગોઠવણી છે. ફક્ત આપણે પુરુષાર્થ શું કરવાનો છે ? આપણે નિશ્ચય રાખવાનો કે મારે આમ જ કરવું છે. કોઈનું બૂરું નથી કરવું એવો નિશ્ચય રાખવાનો. છતાં થઈ જાય તો ઇટ ઇઝ એ ડીફરન્ટ મેટર. એ આપણા હાથની સત્તા નથી. તેને માટે પણ આપણે ક્ષમા માગીએ છીએ કે આવું ના થવું જોઈએ. 'આપણે સારું થવા દેવું જ છે, સારું કરવું જ છે.' એવું મનમાં રાખવું અને તેમ છતાં અવળું થઈ જાય, આપણે તેના જોખમદાર નથી. ફક્ત એટલું જ પશ્ચાતાપ રાખવો જોઈએ કે આ ના થાય તો સારું.

પ્રશ્નકર્તા : અમે ૧૮ વર્ષ અમેરિકા રહ્યા. પછી છેલ્લા સાત વર્ષ ભારત રહી આવ્યા અને ત્યાં પેલું ગુજરાતમાં તોફાનો ચાલ્યા કરે. એટલે બે વર્ષ ઉપર પાછા અહીં આવી ગયા. પણ અમને ભારત જવાનું બહુ આકર્ષણ રહ્યા કરે. એટલે મહીં પેલું ઘર્ષણ ચાલ્યા કરે. 'પૈસા માટે અહીં રહેવું છે' એવું નથી. પણ છોકરાઓનાં ભણતર માટે અહીંયા રહેવું પડે એમ છે. ત્યાં એડમીશન હવે નથી મળતું, તો હવે શું કરવું ? ભારત રહેવાનું મન છે અને રહેવું પડે છે અહીંયા.

દાદાશ્રી : તો ભણતર બંધ કરી દો અને ભણતર ચાલુ રાખવું હોય તો છોકરાને છોડી દેવાનાં આપણે. જેમ ઠીક લાગે એમ કરો.

પ્રશ્નકર્તા : છોકરાંને કેવી રીતે મૂકી દેવાય ?

દાદાશ્રી : તો એનાં કરતાં ભારત રહેવાનું છોડી દેવું. બેમાંથી એક છોડી દેવાનું. કાં તો છોકરાં છોડી દેવાનાં. કાં તો ભારત છોડી દેવાનું. બે સાથે થાય નહીંને. એમાંથી મનમાં ગંૂચવાડો રહ્યા કરે ને થાય નહીં કશું ય. ને ગૂંચવાડો આખી જીંદગી રહ્યા કરે. એટલે ગૂંચવાડાને કહીએ કે તું તારે ઘેર જા. ડીસાઈડ વન્સ, ડીસીઝન ઇઝ ધી ફાઈનલ !

પ્રશ્નકર્તા : તમે કઈ બાજુનું ડીસીઝન લો ? ભારત જવાનું લો કે છોકરાઓ જોડે અમેરિકામાં રહેવાનું લો ?

દાદાશ્રી : છોકરાં પર પ્રીતિ હોય તો છોકરા જોડે રહું. પ્રીતિ શેની પર છે એ હું જોઈ લઉં. કઈ બાજુ માટે પ્રીતિ છે, તે બાજુ તરફ લઈ જવાનું ડીસીઝન !

સત્યુગમાં ઘર એટલે ખેતરાં એક સ્વભાવી;

કળિયુગમાં ઘર બગીચો પ્રકૃતિઓ ઓળખાવી!

કંઈ વાતચીત કરજો. ખુલાસો થવો જોઈએને ! આ ક્યાં સુધી ચાલવા દેવું ?! છોકરો મોટી ઉંમરનો થયો અને મતભેદ પડે તો આખી રાત ઊંઘ ના આવે અને પોતાના જ છોકરાથી ઊંઘ ના આવી જુઓને ?!!

આ લાઈફ બધી, યુઝલેસ લાઈફો ! ચિંતા આખો દહાડો, મનુષ્યપણંુ જતું રહે ! લાઈફ સારી ના જોઈએ બળી ?! મતભેદ જોયેલો કે નહીં જોયેલો ?

પ્રશ્નકર્તા : જોયેલો ને.

દાદાશ્રી : ઘણાં જોયા છે ને ? એ મતભેદ જ બધું રઝળપાટ છે. જ્યાં મતભેદ છે ત્યાં રઝળપાટ છે. મતભેદ એટલે જુદા જુદા માર્ગ લઈને બેસવા. એડજસ્ટમેન્ટ નથી થતું, એનું કારણ શું ? કુટુંબમાં બહુ માણસ હોય તેથી ને, બહુ માણસ હોય તે બધાની જોડે મેળ પડતો નથી ને ! અને દહીંનો ડખો થઈ જાય પછી, દહીં આખરીયું હોય ને ડખો થઈ જાય સવારમાં.

એટલે એવું છે આ મનુષ્યોનો સ્વભાવ, જે માનવતાનો સ્વભાવ છે ને, તે એક જાતનો નથી. જેવો યુગ હોય ને તેવો સ્વભાવ થઈ જાય છે. સત્યુગમાં બધાં એકમતે રહ્યાં કરે, સો માણસ ઘરમાં હોય ને તો ય પણ એ દાદાજી કહે એ પ્રમાણે ! ત્યાંથી આ કળિયુગમાં દાદાજી કહે તેમને આવડી ચોપડે, બાપ કહે તેને ય આવડી ચોપડે. કળિયુગમાં એવું હોય, અવળું હોય. એનાથી આ યુગનો સ્વભાવ છે. હવે કહે છે, યુગનો સ્વભાવ, પણ બદલાઈ કેમ ગયું ? ત્યારે કહે, માનવ તો માનવ જ છે, મનુષ્ય જ છે. પણ તમને ઓળખતાં નથી આવડ્યું. ઘરમાં પચાસ માણસ હોય, પણ આપણને ઓળખતાં આવડ્યું નહીં, એટલે ડખો થયાં કરે, એને ઓળખવા જોઈએ ને ? કે આ ગુલાબનો છોડ છે કે આ તો શેનો છોડ છે, એવું તપાસ ના કરવી જોઈએ ?

પહેલાં શું હતું ? સત્યુગમાં એક ઘેર બધાં ગુલાબ અને બીજાને ઘેર બધાં મોગરાં, ત્રીજાને ઘેર ચંપો ! અત્યારે શું થયંુ છે એક ઘરે મોગરો છે, ગુલાબ છે ! જો ગુલાબ હશે તો કાંટા હશે અને મોગરો હશે તો કાંટા નહીં હોય, મોગરાનું ફૂલ સફેદ હશે, પેલાનું ગુલાબી હશે, લાલ હશે. એમ દરેક જુદાં જુદાં છોડવાં છે અત્યારે. આપને સમજમાં આવી એ વાત?

સત્યુગમાં જે ખેતરાં હતા તે કળિયુગમાં બગીચારૂપે થયું છે ! પણ એને જોતાં નથી આવડતું, એનું શું થાય ? જેને જોતાં ના આવડે તેને દુઃખ જ પડે ને ? તે આ જગતની દ્રષ્ટિ નથી આ જોવાની. કોઈ ખરાબ હોતું જ નથી. આ મતભેદ તો પોતાના અહંકાર છે. જોતા નથી આવડતું તેના અહંકાર છે. જોતાં આવડે તો દુઃખ જ નથી. મને આખી દુનિયા જોડે મતભેદ નથી પડતો. મને જોતાં આવડે છે કે ભઈ, આ ગુલાબ છે કે આ મોગરો છે. આ પેલો ધતૂરો છે કે કડવી ગીલોડીના ફૂલ છે, એવું બધું ઓળખું પાછો.

લાવેલા સંસ્કારનું માત્ર કર સિંચન;

ન અપેક્ષા, ન વઢ, ન કર તું પીંજણ!

પ્રશ્નકર્તા : અહીંયા જે અમેરિકામાં જે આપણા હિન્દુ લોકો વસે છે. એમનો મુખ્ય પ્રશ્ન એ છે કે એમના જે બાળકો છે, એમને આપણા સંસ્કાર નથી, તો એ કઈ રીતે જાળવી રાખવા ?

દાદાશ્રી : સંસ્કાર તો એવું છે ને, કે સંસ્કાર તો ગુલાબનું બીજ હોય ને, તે ગુલાબ જ થાય. ફક્ત એને માટી, પાણી અને ખાતર આપવાની જરૂર. પછી એને મારમાર નહીં કરવાનું રોજ. આપણા લોકો છોકરાઓને મારે ને વઢે. અલ્યા મૂઆ, ગુલાબને વઢીએ આપણે, કેમ કાંટા છે, તો શું થાય ? કોની મૂર્ખાઈ ?

પ્રશ્નકર્તા : આપણી જ.

દાદાશ્રી : ત્યારે ચંપાને કહીએ, તું કેમ ગુલાબી રંગનો નથી ? તો એ ઝઘડામાં પડે ? એટલે આપણા લોકો શું કરે છે કે એમનાં છોકરાને એમના પોતાના જેવાં બનાવે છે. પોતે ચીકણો હોય તો છોકરાને ચીકણો કરે, પોતે નોબલ હોય તો છોકરાને નોબલ બનાવે. એટલે પોતાનાં આશય ઉપર ખેંચી જાય છે, એટલે આ ઝઘડા છે. બાકી એને ખીલવા દોને છોકરાને. ફક્ત એને સાચવીને પાણી, ખાતર એ બધું નાખ્યા કરવાનું.

છોકરાં બહુ સરસ છે, એ કોઈ વાર બગડે નહીં, એમાં બીજમાં છે ગુણ એટલા જ બગડવાના, એટલું જ થવાનું. આમ રેડો, આમ ઊંધા કરો કે આમ કરો પણ એનું એ જ થવાનું. તમારે પાણી છાંટવાની જરૂર. તમારામાં સંસ્કાર જો એને દેખાય, તો એને હેલ્પ (મદદ) કરે એ. આ તો એને મારી ઠોકીને, 'તું ગુલાબ કેમ છું ? આવો કાંટાવાળો કેમ છું?' બૂમાબૂમ કરી મેલે છે.

એટલે આપણે સમજી જવાનું કે આની પ્રકૃતિ ગુલાબ જેવી છે, એની પ્રકૃતિને તો ઓળખવી પડે કે ના ઓળખવી પડે ?

પ્રશ્નકર્તા : ચોક્કસ.

દાદાશ્રી : આપણે આ લીમડો દેખીએ, પછી કોઈ મોઢામાં પાંદડા ઘાલે ખરાં ? શાથી ? પ્રકૃતિ ઓળખે કે આ કડવો ઝેર જેવો. ફરી લાવ ટ્રાયલ કરીએ કંઈક મોળો થયો હશે કે નહીં થયો ?

બાપ લોભી ને દીકરો નોબલ;

પ્રકૃતિ ઓળખીને કર લેવલ!

એક મા-બાપ હતાં, તે સારું કુટુંબ હતું. ખાનદાન શ્રીમંત ફેમીલી હતું. છતાં એના છોકરાંને શું કહે છે ? એના છોકરાની ફરિયાદ કરી મને, કે આ અમારો છોકરો આ દુકાન પર બેસાડીએ છીએ. તે સાંજે દસ રૂપિયા લાવતો નથી, કહે છે. તે એ છોકરાની દુકાન મેં જોયેલી, હું ત્યાં આગળ જતાં-આવતાં બેસું થોડીવાર, મને બોલાવે એટલે. કાપડની દુકાન કરે બિચારો, સીધો માણસ. હવે આ શું કહે છે, તું ગમે તે રસ્તે દસ રૂપિયા લાવ. જરા વધતું-ઓછું કરીને પણ દસ રૂપિયાનું લાવ. ત્યારે પેલો છોકરો કહે છે, ના. મને એ નહીં ફાવે. એટલે આ છોકરાંને કહે છે કે આ છોકરો અમારો કુસંસ્કારી પાક્યો. હવે બોલો, આ મા-બાપના સંસ્કાર છોકરો લે તો સારું કે ન લે તો સારું ?!

પ્રશ્નકર્તા : ના લે તો સારું.

દાદાશ્રી : પણ આવું ! આવું કંઈ આ મા-બાપ બધા સંસ્કારી છે અત્યારના !! પોતપોતાનાં વ્યુપોઈન્ટ ઉપર લઈ જાય છે બધાં. એવું બને કે ના બને ? એટલે પછી બહુ લોકોની ભાંજગડો થવા માંડીને. પછી મને સારા સારા વિચારક માણસો આવીને પૂછવા માંડ્યા, તો આ કાળમાં કરવું શું ? મેં કહ્યું, પ્રકૃતિને ઓળખો આ કાળમાં.

આ તો એના ધાર્યા પ્રમાણે ના કરે. એટલે છોકરા જોડે લઢવા આવે. તમારા ધાર્યા પ્રમાણે થતાં હશે ! આપણા ધાર્યા પ્રમાણે છોકરાએ ચાલવાનું ? બાપ લોભિયો હોય એટલે છોકરાને લોભિયો કરવો ? છોકરા તો નોબલ હોય ને બાપ લોભિયો હોય તો શું થાય ? રોજ લઢવાડ થાય. બાપ નોબલ હોય ને છોકરો લોભિયો હોય તો ય લઢવાડ થાય. હવે એ લઢવા જેવી વસ્તુ નથી. એ પહેલાના જમાનામાં હતું કે લોભિયાના છોકરા-છોડી બધું લોભી હોય, સત્યુગમાં ! આ તો કળિયુગ છે લોભિયાને ત્યાં મોટા મોટા નોબલ માણસો જન્મે છે !

એક બાપ એનાં છોકરાને વગોવ વગોવ કરે. છોકરો બહુ ખરાબ, કેમ એમ ? ત્યારે બાપ કરકસરિયા હતા જરા, ઘરે પૈસા બહુ હતા. પણ કરકસરિયા સ્વભાવનાં. છોકરો જરા નોબલ હતો. તે બાપની શી ઇચ્છા ? કે આ છોકરો મારા જેવો થાય, તો મારા ઘરનું રાગે પડે. તે પછી બાપ મને પાછા કહેવા માંડ્યા, કે જુઓને આ છોકરો મારો બગડી ગયો છે. મેં કહ્યું, કેમ દુનિયામાં બીજા કોઈ નોબલ માણસો નહીં હોય ? તમારો છોકરો એકલો જ નોબલ છે. બીજા નોબલ ખરાં કે દુનિયામાં ? ત્યારે કહે, ના, પણ મારા જેવો થાય તો એનું રાગે પડશે ને પછી, અત્યારથી દુઃખ ના આવે ને ? મેં કહ્યું, પ્રકૃતિને ઓળખો. એક હજાર કોઈકના કાઢી ય લાવનારો હોય પાછો. અમે કરીએ નહીં કશું, એ તો આવું જ હોય. હા, એને સમજણ પાડ પાડ કરીએ. મારા જેવા પાસે તેડી લાવો તો દવા કરીએ અમે. પણ માર માર કરવાનો શું અર્થ છે એને મૂઆ ! તારાં જેવો બબૂચક બનાવું છું ! ચાર આના તો વપરાતાં નથી તારાથી અને આવો મોટા મનનો માણસ, એને માર માર કરું છું ? મોટા મનનો તો કો'ક હોય, એકાદ માણસ. મોટા મનનો ક્યારે થાય ? કેટલા સંસ્કાર થાય ત્યારે મનનો મોટો થાય. આ ભાઈનું કેટલું મોટું હશે ? માટે કહે છે, બધું ય આમાં, સત્સંગમાં જ વાપરવું છે. ત્યારે મન કેટલું મોટું ? દ

ર સાલ એક પુસ્તક છપાવે છે !

આ પ્રકૃતિ ઓળખતાં નથી. એટલે મેં પુસ્તક લખ્યું છે, 'ઘર બગીચો થયો છે. માટે કામ કાઢી લો આ વખતમાં.' આ પોતે જો નોબલ હોય અને છોકરાં ચીકણો હોય તો કહેશે, 'અલ્યા, સાવ ચીકણો છે, મારો એને.' એને એ મારી-ઠોકીને એની જેમ નોબલ કરવા માંગે, ના થાય. એ માલ જ જુદો છે. મા-બાપ પોતાના જેવા કરવા માંગે. અલ્યા, એને ખીલવા દો. એની શક્તિઓ શું છે ? ખીલવો. કોનામાં કયો સ્વભાવ છે એ જોઈ લેવાનો. મૂઆ લઢો છો શેના માટે ?

એટલે આ બગીચો ઓળખવા જેવો છે. બગીચો કહું છું તે ત્યારે લોકો તપાસ કરે છેને, પછી છોકરાને ઓળખે છે. પ્રકૃતિને ઓળખને મૂઆ ! ઓળખી જાને એકવાર છોકરાને અને પછી એ પ્રમાણે વર્ત ને ! એની પ્રકૃતિ જોઈને વર્તીએ તો શું થાય ? ભાઈબંધની પ્રકૃતિને એડજસ્ટ થાય છે કે નહીં થતા ? એવું પ્રકૃતિને જોવી પડે, પ્રકૃતિ ઓળખવી પડે. ઓળખીને પછી ચાલીએ. તો ઘરમાં ભાંજગડ ના થાય. નહીં તો બધાને, મારી-ઝુડીને મારા જેવા જ થાવ, કહે છે. શી રીતે થાય તે પેલાં ?

હવે આનો મેળ ક્યારે પડે ? એટલે ત્યાં સુધી એડજસ્ટમેન્ટ આવડે નહીં અને માર ખાયા કરે. આ હકીકતમાં શું છે ? એ સમજવું તો પડશેને ? બગીચો જાણે તો પછી ફેરફાર ના કરે ? તમારે ત્યાં પાંચ છોડવા હતા, બે મોટા છોડવાં ને ત્રણ નાના છોડવાં. હવે એ બધા એક જ જાતના હોય ? બધાં કંઈ ગુલાબ જ હોય ? આપણાં બધા છોડવાં કેમ ગુલાબ થતા નથી, એવું લાગ્યા કરેને પછી ?

પ્રશ્નકર્તા : પણ દાદા, ઠેર ઠેર બધા મા-બાપો કહે છે કે અમારાં છોકરાં ગાંઠતા નથી, એ શું છે ?

દાદાશ્રી : શેનાં ગાંઠે તે ? આ મોગરો ગુલાબને શી રીતે ગાંઠે ? હવે આપણે ગુલાબ હોઈએ એટલે પેલાને કહીએ, 'કેમ તું આવું ફૂલ કાઢું છું ! તારું ફૂલ આવું કેમ ?' એટલે આ ઓળખી અને કશું ઝઘડા કરવા જેવું છે નહીં, બધા પોતપોતાનાં એમાં જ છે. એને ફક્ત ખાતર અને પાણી આપવાની જરૂર છે. આ તો પોતપોતાનાં આઈડીયા ઉપર લઈ જાય છે, માણસો ઊલટાં બગાડે છે. આ છોકરાને બધા બગાડી નાંખ્યા લોકોએ. તમને એવું નહીં લાગતું. ભૂલ થતી હશે એવી ?

પ્રશ્નકર્તા : થાય.

દાદાશ્રી : જો સમજી ગયાને !

પ્રશ્નકર્તા : સંસારમાં ગુલાબ જોઈએ છે અને કાંટાને ગાળો ભાંડવી છે એ કેમ બને ?

દાદાશ્રી : હા, પણ જેને ગુલાબની જરૂર છે તે કાંટાની બૂમ પાડે જ નહીં ને ! દરેક માળીને પૂછી આવો જોઈએ, એ કાંટાની બૂમો પાડે છે ? પાડે જ નહીં. એ તો સાચવીને જ કામ કરે. પોતાને વાગે નહીં એવી રીતે કામ કરે. એ તો જેને ગુલાબની બહુ પડેલી નથી એ લોકો જ કાંટાની બૂમો પાડે છે. ગુલાબની પડેલી હોય તે તો કાંટાનો દોષ કાઢે જ નહીં ને !

બાકી કળિયુગમાં તો ઘર બધાં બગીચા જેવા થઈ ગયા છે. પહેલા તો બાપ-દાદા ઉદાર હોય તો આખા ઘરનાં દરેક માણસ ઉદાર અને બાપ-દાદા ચીકણાં હોય તો ઘર બધું એવું, એટલે ઘરમાં દરેકનો એક અભિપ્રાય ! અને અત્યારે તો દરેકના અભિપ્રાય જુદા, તે આખો દહાડો અભિપ્રાયની જ ભાંજગડ ને વઢંવઢા, અત્યારે તો બાપનો પંથ જુદો, માનો પંથ જુદો, મોટાભાઈનો પંથ જુદો, નાનાનો પંથ જુદો. આમ પ્રકૃતિ જોવા જઈએ તો બહુ સારામાં સારી, પણ એકબીજાને મેળ પડે નહીં. હું પ્રકૃતિ ઓળખું એટલે મને તો બહુ સારું લાગે.

આમને ત્યાં એમ બગીચો જ છે ને ? કોઈ ગોરો, કોઈ કાળો, કોઈ ટૂંકો, કોઈ ઊંચો, કોઈ જાડો, કોઈ પાતળો. જાતજાતનાં ફૂલો છે ને !

પેલા ગળ્યા છે તે મોળા થાય, તીખા ના થાય. તીખા તો મોઢાંમાં ઘાલે કે વેષ કરી નાખે અને મહીં ના નાખ્યા હોય તો સ્વાદે ય ના આવે અને મોળો હોય તો મઝા ના આવે. ઘરમાં ય એક તરફી હોય તો મોળું કહેવાય.

નર્સરીનો કોર્સ કરી ઉછેરે છોડવાં;

છોકરાં ઉછેરો એમ માંડો વિચારવા!

જો વહેલાં ઊઠનારા મા-બાપ હોયને, તે છોકરો જરા સાડા છએ ઊઠે તો એને આળસુ કહે, કહે કર્યા કરે રોજ. હવે મા-બાપ જ સાડા છ એ ઊઠનારા હોય અને છોકરો પાંચ વાગે ઊઠનારો. ત્યારે કહેશે, બહુ ઉત્પાતિયો ને બહુ ઉત્પાતિયો ને તોફાન. આ બધું સમજ્યા વગર ઠોકાઠોક કર્યા કરે.

પ્રશ્નકર્તા : હા. એવું થઈ જાય. અમારો બાબો એવો જ છે. એ પાંચ વાગે ઊઠીને જતો રહે, ખબર ના પડે. જાય ત્યાં સુધી અમે સૂતા હોઈએ.

દાદાશ્રી : નહીં, પણ આવા બધા તોફાન નહીં કરવા જોઈએ. એને ખીલવા દેવો જોઈએ. એને એની પ્રકૃતિમાં ખીલવા દેવો જોઈએ અને આપણે એને ખાતર અને પાણી આપ્યા કરવાનું. ખાતર-પાણીમાં શું ? ત્યારે કહે, આપણે એક મુખ્ય વસ્તુ કહેવી કે ભઈ દારૂ-માંસાહાર, એ ન કરીશ અને ખોટી ચોરી એ આપણને ન પોસાય.

આ તો છોકરાને શી રીતે કેળવણી મળે ? એની નર્સરી કેવી હોય ? આ વેજીટેબલના છોડવા હોયને, તે નર્સરીમાં પાસ થયેલા હોવા જોઈએ. તો જ નર્સરીમાં પેસવા દે. નહીં તો નર્સરી બગાડી નાખે બધી. ત્યાં નાપાસ થયેલા હશે લોકો ?!

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો આમાં ? તમને કેમ લાગે છે ? વિચાર માંગી લે એવું નથી આ વાક્ય મારું ?

પ્રશ્નકર્તા : છે.

દાદાશ્રી : તે વેજીટેબલ છોડવાને માટે આટલી બધી સરસ નર્સરી હોય છે, તો આ છોકરાને નર્સરી ના જોઈએ ?!

સમજાવનારો નિસ્વાર્થ ઘટે;

સુધરેલો જ સુધારી શકે!

હિન્દુસ્તાનમાં આપણા લોકો કરતાં અહીં અમેરિકાનાં (ઈન્ડીયનો) સારાં છેને આ લોકો. બધાં હસે જ છેને ! કંઈ છે ? કોઈની જોડે કંઈ સામાસામી રાગ-દ્વેષ કે કંઈ ભાંજગડો છે કોઈ જાતની ? બહુ સારું !

પ્રશ્નકર્તા : પછી ચોખ્ખી વાત કરી દે પાછાં.

દાદાશ્રી : આને સમજાવનાર જોઈએ. સમજાવો તો બહુ સુંદર ચાલે એવા છે. સમજાવનાર નથી તેની આ ભાંજગડ છે અને જે સમજાવા આવે છે એ પોતાના સ્વાર્થથી સમજાવા આવે છે. પોતાના સ્વાર્થવાળો માણસ સમજાવી શકે નહીં તમને સાચી વાત. જેને કંઈ પણ સ્વાર્થ નથી એ જ લોકો સાચી વાત સમજાવી શકે.

પ્રશ્નકર્તા : અમારે અહીંયા વડીલો નથી હોતા એટલે સમજાવે કોણ ? અહીંયા કોઈ વડીલો તો હોય જ નહીં.

દાદાશ્રી : હા, તે સમજાવનારો ના હોય એટલે માણસ ગૂંચાયા કરે છે. શું થાય ?

પ્રશ્નકર્તા : આ ગૂંચાઈએ, કોઈ સમજાવનારું ના હોય વડીલો, તો એનો રસ્તો શું ?

દાદાશ્રી : આપણે ભગવાનને પ્રાર્થના કરવી, તે ભેગા કરી આપે આપણને.

એટલે છોકરાંઓને આ બાબતમાં જાણવા માટે બીજી બધી વસ્તુઓ હોય તે, આમ જાણતાં જાણતાં ફીટ થઈ જાય એમનું જીવન. વાઈફ જોડે કેમ વર્તવું જોઈએ ? મધર જોડે કેમ વર્તવું જોઈએ ? ફાધર જોડે કેમ વર્તવું જોઈએ ? પોતે પોતાની જોડે, માગતાવાળા જોડે કેમ વર્તવું જોઈએ ? આપણી જેની પાસે માંગતા હોઈએ તેની જોડે કેમ વર્તવું જોઈએ ? આવું બધંુ એને સમજાવામાં આવે તો કામ ચાલે. નહિ તો એ તો મુંઝાયા જ કરે છે ! અને પાછું કેવું ? આ જગતમાં પાછાં લોકો શું કહે ? અમે તારા દુઃખને લઈ લઈશું એવા સંતો હોય છે. સાંભળેલું ખરું એવું ?

પ્રશ્નકર્તા : સાંભળેલું.

દાદાશ્રી : માન્યું ખરું એવું તમે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : માનેલું નહીં ! પણ સાંભળેલું ખરું ને ? હવે એવું કંઈક માનનારા હશે ને ? જો એ દુઃખ લેનારાં છે તો માનનારાં ય હશે ને ? માનનાર હોય તો જ આ પછી આવાં ઊભા થાય ને ? લાલચુ લોકો. મારા છોકરાને ઘેર છોકરા થાય એટલી લાલચ ! અરે મૂઆ પણ તારો છોકરો, તને હવે છોકરાના છોકરા માટે લાલચ શું કરવા રાખું છું તું ? પણ આ લાલચુ લોકો ! તે માણસે કંઈ કેવું જીવન જીવવું ? એ કંઈ સ્વતંત્ર જીવન જીવવાનું હોવું જોઈએ. ભલે ભ્રાંતિવાળું તો ભ્રાંતિવાળું, પણ પોતાનું સ્વતંત્ર હોવું જોઈએ. આવું ના હોવું જોઈએ.

આખું જગત આવું વ્યવહાર જ્ઞાન ખોળે છે અને આ ધર્મ નથી. આ સંસારમાં રહેવાનો ઉપાય છે. સંસારમાં રહેવાનો, એડજસ્ટ થવાનો ઉપાય છે. 'વાઈફ જોડેનાં એડજસ્ટમેન્ટ કેમ લેવાં ? છોકરા જોડે એડજસ્ટમેન્ટ કેમ લેવાં ?' તેના ઉપાય છે.

ઘરમાં ભાંજગડો થાય, તે આ વાણીના શબ્દો એવા છે કે બધાને ભાંજગડો મટી ગઈ. એટલે આ વાણીથી બધું રાગે પડે છે. જેનાથી દુઃખ જાય એ વાણી ખોળે છે લોકો. કારણ કે કોઈએ આવા ઉપાય જ નથી બતાવ્યા ને ! સીધા એપ્લાય થાય એવા ઉપાય જ નથીને !

પ્રશ્નકર્તા : અને એક-એક ઉપાય આપના સચોટ છે.

દાદાશ્રી : હા. સચોટ છે.

 

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19