ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19

મા-બાપછોકરાનોવ્યવહાર

(૧૯)

સંસારમાં સુખ સધાય સેવાથી !

બ્રહ્મચારી પણ ઘટે વિનય;

સેવા કરી રાખો સહુને નિર્ભય!

તું તારી રીતે ફોડવાર વાતચીત કરને, વાંધો શો છે ?

પ્રશ્નકર્તા : એણે સમજાવાનો પ્રયત્ન કર્યો, પણ એના મમ્મીને કંઈ બેસતું નથી, ફીટ થતું નથી. એમને તો પોતાનો જે અંદર છે ભાવ, એ જ છે. તો એમ કહેવાનું છે કે દીકરાની ફરજ ખરી કે નહીં, કે મધરનું માનવું જોઈએ, મધર આનંદમાં રહે એવો વ્યવહાર રાખવા માટે.

દાદાશ્રી : ફરજ ખરી. પણ ઉદય જે હોય તે છોડે નહીં ને !

પ્રશ્નકર્તા : પણ જે ઉદય હોય તેને તરછોડ તો ન મરાય ને ?

દાદાશ્રી : ના, એટલે મેં બહુ કહી જોયું. પણ એ કહે છે, ગમ્મે એ થશે, હું પૈણવાનો નથી ! હંડ્રેડ પરસેન્ટ ના જ કહી દે છે મને.

પ્રશ્નકર્તા : નહીં, એ નહીં. લગ્નની વાત જવા દો. લગ્નની વાત બાજુમાં રાખીએ આપણે. પણ સેવા કરવી જ જોઈએ ને !

દાદાશ્રી : સેવા તો કરવી જ જોઈએ. સેવા તો, હા કરવી જોઈએ.

પ્રશ્નકર્તા : એમની સેવા કરવી જોઈએ ને નિર્મળ પ્રેમથી, પ્રેમથી, વિનયથી, પરમ વિનયથી.

દાદાશ્રી : એ બધું સો ટકા.

પ્રશ્નકર્તા : એમનો પ્રેમ સંપાદન કરવો જ જોઈએ.

દાદાશ્રી : હા, તે વાંધો નથી.

પ્રશ્નકર્તા : લગ્ન બાજુમાં છોડી દઈએ આપણે, લગ્નની વાત નહીં.

દાદાશ્રી : ના, એ લગ્ન બાજુએ હોય તો કશો વાંધો નથી. એ શું કહે છે, 'હું નથી પૈણવાનો' એ વાત નક્કી છે. બાકી બધી ફરજો પૂરી કરવાની.

પ્રશ્નકર્તા : પણ બાકીની ફરજો તો બજાવવી જ જોઈએ ને !

દાદાશ્રી : અને એવો ખરાબ નથી એ. પછી હવે તેમ છતાં ય જો આંટી ના ઉકલતી હોય, તો બન્નેના કર્મના દોષ. જે હોય તે ભોગવવાનું. ઉદય કર્મ કોઈને છોડે નહીં ને !

મા-બાપને સમજાવી લેવી સહી;

તેને જ સાચી દીક્ષા મહાવીરે કહી!

આ ચોખવટ કરી લેવું સારું, જે જે પ્રયોગ કરે એ સમજાવી-બુજાવીને ! અમે તો એવું કહી છૂટીએ કે તમને દુઃખ ના હો.

પ્રશ્નકર્તા : આમની જે ફરિયાદ છે, એ બરાબર છે ? એ કબૂલ કરે છે કે મારી ભૂલો છે.

દાદાશ્રી : હવે બને એટલું સમજાવીને કામ લેવું, કશું મારી-ઠોકીને બેસાય એવું નથી. છોકરાને મારી-ઠોકીને થાય નહીં. એ મારી-ઠોકીને થાય ? પહેલાં સાત-આઠ વર્ષના હતા, તો મારી-ઠોકીને થાય.

પ્રશ્નકર્તા : દાદા, એનું વર્તન સુધરે ને તો મને શાંતિ લાગે.

દાદાશ્રી : વર્તન ? કઈ બાબતમાં ખરાબ છે ?

પ્રશ્નકર્તા : એ વિનય-વિવેક નથી રાખતો.

દાદાશ્રી : એ ખોટું કહેવાય.

પ્રશ્નકર્તા : મા-બાપ સાથે જે વિનય-વિવેક જોઈએને તે નથી જરા ય.

દાદાશ્રી : ના, એ ના હોવું જોઈએ, ખોટું કહેવાય. સો ટકા રોંગ છે, ચાલે નહીં. વિનયી વર્તન ઊંચું હોવું જોઈએ. મા-બાપનો ઉપકાર કેમ ભૂલાય ? ઉપકાર ભૂલાય નહીં.

પ્રશ્નકર્તા : ઘણી વખત એ તો એવા શબ્દ બોલે છે ને તે મને બહુ આઘાત લાગે છે. એટલે આમ આખો દિવસ મને પછી ગભરામણ થાય ને એવું બધું થયા કરે.

દાદાશ્રી : આ નોંધ રાખતો નથી, મધર જે બોલે છે તે રેકર્ડ બોલે છે તે ! જ્ઞાનપૂર્વક નોંધ-બોંધ કરવી જોઈએ. એવું અહીં ચાલે નહીં. મારી નાખે તો મરી જવું જોઈએ, પણ તે મા-બાપનો વિનય-વિવેક ના તોડાય.

પ્રશ્નકર્તા : હું એકસેપ્ટ કરું છું, દીકરા તરીકે મારા વિનય-વિવેક નથી બરાબર. પણ એવા સંયોગો આવી જાય છે કે બોલાઈ જવાય છે, મારી ઇચ્છા નથી હોતી, પણ બોલાઈ જવાય છે. એનું પ્રતિક્રમણ પણ કરું છું, પણ બોલાઈ જવાય છે કોઈ વખત.

દાદાશ્રી : એ તો માફ કરી દેવું તરત. બોલાઈ જવાય, પણ આપણું 'જ્ઞાન' જે છે તે હાજર થઈ જાય, ક્યાંક ભૂલ થઈ કે તરત માફી માંગી લેવી જોઈએ કે આ બોલાઈ ગયું એ ભૂલ થઈ. મમ્મીને કહેવું કે ફરી આવી ભૂલ નહીં કરું. આ તો મને ખરાબ લાગે. અમારી કેળવણી આવી હશે ? અમને એવું થાય. બહારનાંને ત્રાસ નથી આપવાનું ત્યારે આ તો ઘરનાં બધા...

પ્રશ્નકર્તા : દાદાના જે આજ્ઞાંકિત હોય, એ તો ઘરમાં તો એકદમ વાતાવરણ પ્રફુલ્લિત જ હોવું જોઈએ. પણ આ તો કહે, એના મગજ ઉપર કાયમ બોજો જ રહ્યા કરે છે.

દાદાશ્રી : એ તો અત્યારે વિનય ધર્મની વાત કરે છે. વિનય ધર્મ તારે કેવો રાખવાનો ? તું શું કહું છું ?

પ્રશ્નકર્તા : બરાબર છે, વિનય હોવો જ જોઈએ.

દાદાશ્રી : બહાર પણ હોવો જોઈએ, તો ઘરમાં કેવો હોવો જોઈએ ?

પ્રશ્નકર્તા : આદર્શ હોવો જોઈએ.

દાદાશ્રી : એટલે હવે તારાથી નીકળી જાય છે, શબ્દો નીકળી જાય છે એ વાત ઉપરથી કહીએ છીએ. પણ એની પાછળ જાગૃતિ, આપણું જ્ઞાન હોય એટલે તરત માફી માંગી લઈએ. એટલે એને ઘા ના લાગે.

પ્રશ્નકર્તા : હા. દાદાની હાજરીમાં ક્ષમા માંગું છું.

દાદાશ્રી : બસ, તારું કામ થઈ ગયું. બસ.

બાપનો 'દી' અજવાળે એ દીકરો;

ઝંઝટ છોડાવે બધી એ ખરો!

તમારે છોકરાં છે કે નથી ? કેટલાં છે ?

પ્રશ્નકર્તા : ત્રણ દીકરીઓ અને બે દીકરા.

દાદાશ્રી : દીકરા ના કહેશો. દીકરા આ વખતમાં કહેવાય નહીં બનતાં સુધી. છોકરા કહીએ એટલે પછી ભાંજગડ તો નહીં !

પ્રશ્નકર્તા : કેમ ?

દાદાશ્રી : દીકરા કોને કહેવાય ? જે દીવો કરે, 'દી' અજવાળે આપણો. આપણો 'દી' અજવાળે અગર દીવો કરે. એ દીકરા અને છોકરા એટલે છોય વાળે.

પ્રશ્નકર્તા : દાદાનું ભાષાંતર જુદી જાતનું છે. દાદાની ભાષાનું જ્ઞાન તદ્ન જૂદું છે.

દાદાશ્રી : એટલે એનાં કરતાં છોકરા કહેવા સારું. સત્યુગમાં દીકરા કહેવાતા હતા. અત્યારે કળિયુગમાં દીકરા કહીએ તો આપણે મૂર્ખ બનીએ કો'ક દા'ડો. એટલે છોકરા કહેવા બહાર કે બે છોકરા છે અને દીકરીઓએ ના કહેવી, છોકરીઓ કહેવી.

મા-બાપના કહ્યામાં જે રહે;

સ્વાધીનતાનું સુખ અંતે લહે!

પ્રશ્નકર્તા : આ બધાંયના મા-બાપો ભેગા છે ને છોકરાઓ છે, તો આ સામાજીક જીવન એમને જીવવું કેવી રીતે ? મા-બાપે કેવી રીતે જીવવાનું, છોકરાએ કેવી રીતે જીવવાનું, આ એક મોટો કોયડો થઈ ગયો છે, તો આ એવો કંઈ રસ્તો નીકળવો જોઈએ કે એમને સમજાય કે સામાજીક જીવન કેવી રીતે જીવે ?

દાદાશ્રી : પરસ્પર બધાને સુખ આપવાનો પ્રયત્ન કરે. ને દુઃખ તો આપવું જ નહીં. સુખ જ આપવાનો પ્રયત્ન કરે.

પ્રશ્નકર્તા : સુખની વ્યાખ્યા ? કેવી રીતે આપવું ?

દાદાશ્રી : એ મા-બાપને ગમે એ રીતે પોતે વર્તે, પોતે એમના આધીન જ રહેવું પડે. આ જ્ઞાન હોયને, તો આત્મા છૂટો પડતો જાય એનો. છોકરાઓ બાપના આધીન વર્ત્યા કરે, બાપના કહ્યા પ્રમાણે, ના ગમે તો ય બાપના આધીન વર્ત્યા કરે, પછી વિચાર કરે, તો એને શાંતિ વળે, સુખ થાય મહીં, અવળો જો ના ચાલે તો. એ સુખ ક્યાંથી આવ્યું ? ત્યારે કહે, આ પરાધીન હતું. તે દુઃખ જ હતું. સ્વાધીનપણાનું પછી સુખ ઉત્પન્ન થાય મહીં.

પ્રશ્નકર્તા : એ સ્વાધીનપણાનું સુખ કેવી રીતે ઉત્પન્ન થાય ?

દાદાશ્રી : બાપના કહ્યા પ્રમાણે ચાલે. તો પરવશતા તો પોતાને લાગે કે આ પરવશતા છે, પણ પછી સુખ લાગે એમાં.

પ્રશ્નકર્તા : એટલે મા-બાપના કહ્યા પ્રમાણે ચાલવું જોઈએ. એ નક્કી વાત થઈ.

દાદાશ્રી : ચાલવું જ જોઈએ ને ! સંસાર એનું નામ જ કહેવાય.

પ્રશ્નકર્તા : એટલે મા-બાપનો રાજીપો મેળવવો જોઈએ ?

દાદાશ્રી : ત્યાં તો મા-બાપનો રાજીપો મેળવવો જોઈએ, બધું ય કરવું પડે.

પ્રશ્નકર્તા : સંસારમાં પહેલી ફરજ તો આ જ કહેવાયને, મા-બાપને કિંચિત્ માત્ર દુઃખ ન થાય, મન-વચન-કાયાથી કોઈપણ રીતે, એ પહેલી વાત.

દાદાશ્રી : દરેકની, મા-બાપ એકલાની નહીં. કાકો, મામો, ફૂવો બધાની, દરેકની. અને બાપે છોકરાંની, છોકરાની વહુની, છોકરાં-વહુની જોડે 'કેવી રીતે ફરજ રાખવી' એ બાપે સમજવું જોઈએ. બધાં જોડે ફરજ બજાવવાની છે.

છોકરાનું કેરીયર કર્મ પ્રમાણે;

છોકરાંનું ન ચાલે મા-બાપના દબાણે!

પ્રશ્નકર્તા : હવે કોઈ વિચાર કરે કે નહીં, મારે તો આ જગતકલ્યાણ માટે જ જવું છે, જગતકલ્યાણ કરવું છે, તો મા-બાપનું મારે ક્યાં જોવા જરૂર છે ?

દાદાશ્રી : એવું છે ને, મારે ડૉકટર થવું છે એમ કહેને તો બાપ શું કહે ? 'ના, આપણી દુકાને જ બેસવાનું તારે.' ત્યારે પેલો કહે, 'મારે ડૉકટર થવું છે.' હવે એના કર્મ ઉદય ડૉકટર થવાના છે અને બાપ છે તો દુકાને બેસાડવા ફરે, અનાજ-કરીયાણાની. એ ત્યાં આગળ આપણે એને છોકરાંને જોયા કરવું જોઈએ કે આનામાં શું શું ઇચ્છાઓ છે આની, જે ઇચ્છાઓ થશે ને તે કર્મના ઉદય બોલે છે. 'કમીંગ ઇવેન્ટસ્ કાસ્ટ ધેર શેડોઝ બીફોર.' તે આપણે સમજી લેવું જોઈએ. તે એણે ના સમજવું જોઈએ ? એને ના સમજે તો ઊલટું પઝલ ઊભાં થશે બધાં ! કર્મના ઉદય આગળ તો કોઈનું ચાલે નહીં, દશરથ રાજાની ઇચ્છા ન્હોતી એવી કે રામચંદ્રજી વનમાં જાય. આ વનવાસ જવાનો પ્રશ્ન ઊભો થયો. પણ છૂટકો જ નથી ને !

પ્રશ્નકર્તા : રામનો મા-બાપ પ્રત્યેનો પરમ વિનય ને ભક્તિ તે જુદી જ હતી.

દાદાશ્રી : હા, પણ જુદી હતી તો ય પણ એમાં તો ચાલે જ નહીં ને !

પ્રશ્નકર્તા : છતાં એમાં મા-બાપને દુઃખ આપવાનો જરા ય ભાવ નહોતો.

દાદાશ્રી : અને બાપની ઇચ્છા ન્હોતી એવું દુઃખ કરવાની ! બધું કર્મના ઉદયને આપણે 'એક્સેપ્ટ' કરવું પડશે, 'કમીંગ ઇવેન્ટસ્ કાસ્ટ ધેર શેડોઝ બીફોર.'

એટલે એ ગ્રેજ્યુએટ થવાનો હોય, તેને વિચાર આવ્યા કરતો હોય, આપણે પૂછીએ વારે ઘડીએ. એ જ વિચાર તને આયા કરે, બીજા કોઈ નહીં ? અલ્યા, વકીલ થવું નથી ? ત્યારે કહે, ના, મારે ડૉકટર થવું છે. એટલે આપણે જાણી જઈએ કે આ કૉઝ છે, ઇવેન્ટસ છે આ બધું. એટલે આપણે એને કરીયાણાની દુકાને બેસવાનું કહેવાનું બંધ કરવું જોઈએ.

પ્રશ્નકર્તા : એટલે મા-બાપે છોકરાંને માટે સમજવું જોઈએ કે છોકરાંઓને કઈ લાઈન જોઈએ છે ? ડૉકટરની લેવી છે, એન્જીનીયરીંગ લેવી છે. એને સમજવાની કોશિષ કરવી જોઈએ.

દાદાશ્રી : ના, એનામાં શું છે તે, 'કમીંગ ઇવેન્ટસ કયા છે' એ જોવું જોઈએ અને અહીં તો કરીયાણાની દુકાને બેસાડી દે, તો એમાં ભલીવાર ના આવે, ના આમાં ભલીવાર આવે !'

તમારામાં, જૈનોમાં કહે છે ને, છોકરી ૧૮ વર્ષની થાય છે, બહુ શ્રીમંત હોય તે કહે છે, મને આ સંસાર ગમતો નથી. એટલે એના મા-બાપ કહેશે કે બેન, એમાં તો બહુ દુઃખ પડે. એમાં તો મહાન ઉપાધિઓ, આ તો બધું, બાપ કહેવાનું બધું કહી ચૂકે. પણ દ્વેષપૂર્વક નહીં અને છોકરીને શી રીતે સુખ થાય અને એના કર્મના ઉદય છે, છૂટવાના નથી. આપણાં પેલા ભાઈ છે, તેમની છોકરી મારી પાસે બે-ત્રણ વખત તેડી લાવ્યા, દીક્ષા ના લે એટલે માટે. પણ છતાં ય એ છોકરી કહે છે, 'મારે દીક્ષા જ લેવી છે, મેં દાદાનું જ્ઞાન લીધું ખરું, પણ મને તો દીક્ષા જ લેવી છે.' એટલે એમના કર્મના ઉદય એવા છે એટલે એ પ્રમાણે કર્યું અને કર્મના ઉદયની બહાર થવાનું જ નથી, એવું છે.

પ્રશ્નકર્તા : નહીં પણ, સામાજીક જીવનની વાત જ્યારે આવે ને ત્યારે વર્તન તો એવું હોવું જોઈએ ને આપણું ! ભલે એ ધ્યેય, અલબત્ત જે જગતકલ્યાણનો ધ્યેય હોય કે જે ઊંચામાં ઊંચો ધ્યેય હોય, દાદાનું ધ્યેય બધાં કરતાં ઊંચું છે, પણ છતાં ય વર્તન કોઈ કહી શકે નહીં કે દાદાના વર્તનમાં જ્યાં કિચિંત્માત્ર પણ કોઈ ભૂલ હોય. કોઈ જીવને પણ કિચિંત્માત્ર દુઃખ આપી શકે એ દાદા નહીં.

દાદાશ્રી : વર્તન ઊંચું જોઈએ, ઊંચામાં ઊંચું જોઈએ. તેથી લખ્યું ને પેલા વાણી, વર્તન ને વિનય મનોહર હોય !

પ્રશ્નકર્તા : હા, પ્રેમથી જીતીને જે કંઈ કરવું હોય તે કરી શકાય.

દાદાશ્રી : હા પ્રેમથી જીતીને, પ્રેમથી જીતીને.

પ્રશ્નકર્તા : એને વિશ્વાસમાં લેવા પડે. એ નક્કી વાત છે કે મારે કંઈ નથી આ. મારે ભાવ નથી આ, મને સંસારનો ભાવ નથી, મને આ પ્રમાણે નથી રહેવું, મને પ્રેમથી રજા આપો ને મને આ પ્રમાણે કરવું છે, એમ તો કરવું જ જોઈએ ને ?

દાદાશ્રી : ના, એ લઢીને કરે એનો અર્થ જ નહીં, જેનાથી મા-બાપના મનમાં દુઃખ થયું. એવું છેને, આંકડો તોડી નાખવો અને આંકડો છોડી નાખવો, એ બેમાં ફેર બહુ છે. એ આંકડો ના તોડાય. કોઈ પણ સંજોગોમાં આંકડો તોડાય નહીં.

પ્રશ્નકર્તા : જો કે આ બધાનો ધ્યેય બહુ ઊંચામાં ઊંચો, બહુ ઊંચો ભોગ આપી દેવાનો છે. કુરબાની આપી દેવાની હોય, એટલો ઊંચો ધ્યેય છે. છતાં ય આ એક ફરજ કર્તવ્ય આવી જાય છે.

દાદાશ્રી : હા, આંકડો આમ ખેંચીને તોડી નાખીએ, એ કંઈ રીત નથી, સામાને અસર થઈ જાય. એટલે દુઃખ ના થાય, એટલું જોવું જોઈએ અને મા-બાપ તો છોકરાંને દુઃખ કરવાનો પ્રયત્ન કરે જ નહીં, કોઈ દહાડો ય ! એ એમના હિતમાં જ હોય.

અને મા-બાપે જોડે જોડે જોવું જોઈએ કે કમીંગ ઇવેન્ટસ્ કયા પ્રકારના છે, એ પણ ના જોવું જોઈએ ? આપણે ઝૂડઝૂડ કરીએ, એમાં શું સ્વાદ કાઢવાનો ? ઝૂડઝૂડ કરે તો છોકરો બળવાખોર થઈ જાય. છોકરાને બળવાખોર બનાવવો એ ગુનો છે.

બાકી બાપા તો એવી છોકરી ખોળી લાવે કે એને દેખાડતાંની સાથે પેલો પૈણવાનું ના કહેતો હોય તો ય પૈણી જાય. આ ભગવાં પહેરી પહેરીને જ સંસારી થાય છે પાછાં. એક-બે-ચાર અવતાર ભગવાં, ને પાછું આ સંસારમાં પેસે ! એટલે આમને બધાને અભ્યાસ જ છે અને આ છોકરાં એમનો અભ્યાસ જ બોલી રહ્યા છે એનો અને આ સાહેબ છેને તે હઉ ભગવાં પહેરી લે એવો છે !!

'પોતાનું' સુધર્યું તે જ અન્યનું સુધારે;

કષાયોથી મૂંઝાયેલો અન્યનું શું ધોળે?

પ્રશ્નકર્તા : કોઈ યુવાન ડૉકટર કે એન્જીનીયર હોય એને ઘણો ખર્ચો ને ઘણો ભોગ આપીને, સામાજીક પણ, બધા એનાથી એ ડૉકટર-એન્જીનીયર થયો પછી અહીં સત્સંગમાં આવ્યો. સમજો કે એ બીજું છોડીને આમાં લાગી જાય, એ જસ્ટીફાઈડ થઈ શકે, એ વ્યાજબી ખરું ?

દાદાશ્રી : એ જ વ્યાજબી છે થઈ શકે તે જ વ્યાજબી. ન થાય તે ગેરવ્યાજબી. અહીં એકલું જ, આ એકલું જ છે. બાકી બીજે બધે ગેરવ્યાજબી. બીજે બધે તો અવતાર બગાડયો, વખતે બગાડયો, ને કાળે ય બગાડયો.

પ્રશ્નકર્તા : પણ, આ તો ગુનો ના કહેવાય.

દાદાશ્રી : નહીં. આ 'જ્ઞાની પુરુષ' મળ્યા પછી બહાર જવું એનું નામ ગુનો.

પ્રશ્નકર્તા : સમાજનો ?

દાદાશ્રી : સમાજના ગુનેગાર કોણ ? સમાજના ગુનેગાર જે સમાજને હેલ્પર દેખાય છે ને તે ગુનેગાર છે ! હેલ્પર તો આ લોકો છે.

પ્રશ્નકર્તા : આવું થાય, તેનાં કરતાં કન્સ્ટ્રકટીવ સામાજીક કામ કરે, અહીં આવી જગ્યાએ બેસી રહે એનાં કરતાં અમુક જગ્યાએ...

દાદાશ્રી : ના. એ પછી જાનવરમાં જવું, એનાં કરતાં આ તો લોકોનું કલ્યાણ કરશે.

પ્રશ્નકર્તા : આવું પોતાનું કર્યે જાય તો સ્વાર્થીપણું કહેવાય !

દાદાશ્રી : આ સ્વાર્થી ખાસ થવાનું છે. આપણે આને માટે સ્વાર્થી ખાસ થવાનું છે અને આ જગત તો પરાર્થી એટલે પારકાંને માટે બેફામપણે જીવે છે !

મોટા મશીનમાં બહુ બધું કામ કરે છે બોલ્ટ-નટ, એટલું આ ડૉકટરો કરી શકતા નથી, વકીલો કરી શકતા નથી. બોલ્ટ, નટ જે સર્વીસ આપે છે મોટા મશીનમાં જબરદસ્ત, એના વગર ફરે નહીં. એટલે આને શું તમે સમજો છો ? મશીનરી છે આ તો બધી. મિકેનીકલ એડજસ્ટમેન્ટ અને પછી પોતાનું ઠેકાણું નહીં. કોઈ ડૉકટર, સેવા કરનારો ડૉકટર ખોળી લાવો. થોડાક હશે બે-ચાર-પાંચ જણા હશે, હિન્દુસ્તાનમાં. બાકી બધાં પૈસા કમાવા માટે.

પ્રશ્નકર્તા : મિશનરીઓ હોય છે (ક્રિશ્ચિયનમાં), તેમાં આમ બધું રચનાત્મક બધું કરે છે એવું કરવું જોઈએને.

દાદાશ્રી : હા. હા. ક્રિશ્ચિયનોને માટે બરોબર છે. એ રીતે બરોબર છે. આપણે અહીં આ મિશનો બધા બરોબર છે. આપણે અહીંને માટે જ આ વાત છે. બહારને માટે અહીં વાત નથી. અહીં જો ગ્રેજ્યુએટ થયેલો હોય અને બીજું ગમે તે ભણેલો હોય પણ અહીં આવીને પડી રહે તો કલ્યાણ છે અને બીજે બધે બહાર તો એમને કામ જ કરવું જોઈએ. ડૉકટર હોય એ ડૉકટરની લાઈન કરવી જોઈએ. ડૉકટર અને હજામત કરનાર એમાં ડીફરન્સ કશું કોઈ જાતનો હોતો નથી. ડૉકટરની અછત છે અને પેલાની છત છે. એટલો જ ફેરફાર છે એક કલાકના ત્રણ ડોલર આપે છે અને સેવીંગ કરનારને ફોરેનમાં છ ડોલર અડધા કલાકના આપે છે, અછત છે. વકીલ હોય, ડોકટર હોય, મોટા માણસ કહેવાયને ? એમાં શક્તિ હોય ખરી ? આ તો નિર્બળ થતો જાય છે. પછી બૈરી ટૈડકાવે છે. ડૉકટરને, વકીલોને, જજોને, બધાને બૈરીઓ ટૈડકાવે છે. મને હઉ !! જય સચ્ચિદાનંદ ! બહુ થઈ ગયું ! આપણી શક્તિ હોવી જોઈએ.

પ્રશ્નકર્તા : મારો સોસાયટીને લાભ નહીં કંઈ, આટલો હું ભણ્યો, તો સોસાયટીને નકામું જશે ખરું. હું અહીંયા આવી જઉં. દાદા પાસે જ રહું. પણ મેં જે આટલું એ કર્યું. એમાં સોસાયટીને શું મળ્યું ?

દાદાશ્રી : સોસાયટીને લાભ તો, તમે શું આપનારાં ?

પ્રશ્નકર્તા : ના. એ જનરલ પૂછે છે.

દાદાશ્રી : એટલે કોઈ માણસ આપી શકેલો નહીં. હું આ લોકોને શું કહું છું, બહાર કહેશો નહીં, આખા વર્લ્ડને. પુસ્તકમાં લખ્યું છે કે આખું વર્લ્ડ ટોપ્સ છે. ટી.ઓ.પી.એસ.

પ્રશ્નકર્તા : ભમરડો.

દાદાશ્રી : તો શું સેવા કરવાનાં છો તે ? કેમ ટોપ છે ? શાથી? પ્રકૃતિ નચાવે છે તેમ નાચે છે અને પોતાને આ સત્તા નથી. આ 'જ્ઞાન' લીધેલા તો સત્તા પોતાની ધરાવે છે ! 'હું શુદ્ધાત્મા છું', તે શુદ્ધાત્માને આધારે આ કહે છે. એટલે આ 'ટોપ' શું સેવા કરે ? પણ છતાં ય એ આપણે અહીં આને માટે જ છે આ વાત ? આ બાઉન્ડ્રી માટે છે. બહાર તો અમે કહીએ કે તમારે સેવા જ કરવી. બહાર તો અમે શું કહીએ કે સારી સેવા કરજો, માનવ સેવા. એટલું કહીએ. એ મોટામાં મોટી ફરજ છે. આ તો અહીંને માટે છે. દશ-દશ હજાર માણસોને સુધારી શક્યા.

પ્રશ્નકર્તા : અમારું બધું ચિત્ત ને માઈન્ડ અહીંયા હોય, અને બહાર રહીને કોઈને કામમાં લાગી શકેને ?

દાદાશ્રી : કામમાં ? પોતાની બૈરીને કામ લાગતો નથી, તો બીજાને શું કામ લાગવાનો છે તે ?

પ્રશ્નકર્તા : અન્મેરીડ છે.

દાદાશ્રી : પૈણ્યા પછી મને કહેજે તું. તારી વાઈફને જ તું કામ લાગે એવો નથી. આ અત્યારે આ કળિયુગમાં શું કામ લાગશે ? કો'ક સેવાભાવી હોય ત્યારે વહુ પજવતી હોય ઘેર ! એવિડન્સ એવા ને બધા ! આ મને અત્યારે આ હિરાબાએ મોકલ્યો ત્યારે છૂટા થયા.

પ્રશ્નકર્તા : એક એવો વખત આવી જાય કે બધા જ આમાં લાગી જાય તો બધા કામ કરનાર કોણ રહેશે ?

દાદાશ્રી : હા... કામ કરવાની જરૂર જ નથી. એ જ્યાં આત્મા છે ત્યાં હરેક ચીજ છે. આત્મા જો થઈ ગયો તો અનંત શક્તિ છે ! આ તો અજ્ઞાન છે, અને અજ્ઞાન છે એટલે મહેનત કરવી પડે છે. કોઈ ડૉકટરને આપણે અપમાન કરીએ. તો ડૉકટરને ઊંઘ આવશે ?

પ્રશ્નકર્તા : નહીં આવે.

દાદાશ્રી : નિર્બળતા ! નિર્બળ માણસ શું કરવાનો છે ? શું સેવા કરવાના છે ? આ સબળ માણસોને તમે ઘોલ મારો તો ય ઊંઘી જાય. ઇન્કમટેક્ષનો કાગળ આવ્યો હોય અજ્ઞાનીને તો આખી રાત રહે અને તમને (મહાત્માઓને) આવ્યો હોય તો 'વ્યવસ્થિત' કહીને સૂઈ જાવ ! ફેર પડી જાય કે ના પડી જાય ?! જેને કંઈ જ્ઞાન છે એનું એડજસ્ટમેન્ટ લઈ શકે ને. એટલે આ પોતાની નબળાઈ જતી રહે બધી. પણ નબળો માણસ શું સેવા કરી શકે આ જગતની ?

મા-બાપની કરવી સેવા ખૂબ;

એ અવળું બોલે તો ય રહે ચૂપ!

પ્રશ્નકર્તા : આ જે બેનો છે, એમને અત્યારે આપ એવું કંઈક કહો કે જેથી કરીને એમને પોતાને લાભ થાય અને સમાજને પણ લાભ થાય.

દાદાશ્રી : આ બેનોના બધાં પ્રતિક્રમણ વાંચ્યા, બહુ ભાંજગડો હોતી નથી એમને. બહુ ત્યારે મા-બાપની જોડે કે ભાઈ જોડે ભાંજગડ થયા કરે છે, મા-બાપ બોલે ને એટલે આ ગુસ્સે થયા કરે. ને આ આવડું બોલે એટલે મા-બાપ પછી પાછું બીજે દા'ડે ટાઢાં પડી જાય. તે રાગ-દ્વેષથી ઊભું રહ્યું છે. તે મા-બાપનો જો ગુણ માને આ લોકો કે મા-બાપે આપણને અવતાર આપ્યો છે ને એ અવતાર મોક્ષને માટે લાયક છે. તો આવો ઉપકાર ભૂલે નહીં. મા-બાપનો ઉપકાર જો ભૂલે તો આવું એમના સામું થાય. નહીં તો એ ગમે તે કહે, પણ એ ઉપકારી છે. ઉપકારી બોલે તેનું 'લેટ ગો' કરવું પડે. એવું જો સમજવામાં આવે તો ઉકેલ આવે, નહીં તો આનો ઉકેલ જ નથી આવે એવો. જો મારું અસ્તિત્વ હું જાહેર કર્યા કરું, એનો અર્થ જ નથી. મા-બાપ પોતે મોટાં કરે છે એ કંઈ ગમે તે ફરજીયાત હશે, ભલે ફરજીયાત હશે, તમારા પુણ્યના આધારે છે એ પણ વ્યવહારમાં દેખાય છે. પણ છતાં ઉપકારી છે એ. એટલે ઉપકારીનો ઉપકાર ઓળંગવો ના જોઈએ. એમના તરફે કંઈ પણ ભાવ ના બગડે અને બગડે તો પશ્ચાતાપ કર્યા જ કરવો પડે.

જે માણસ મા-બાપનો દોષ જુએ, એમનામાં કોઈ દા'ડો ભલીવાર જ ના આવે. પૈસાવાળો થાય વખતે, પણ એની આધ્યાત્મિક ઉન્નતિ ક્યારે પણ ના થાય. મા-બાપનો દોષ જોવાય નહીં. ઉપકાર તો ભૂલાય જ શી રીતે ? કોઈએ ચા પાઈ હોય તો ઉપકાર ભૂલાય નહીં. આપણે તો મા-બાપનો ઉપકાર તો ભૂલાય જ શી રીતે ?

તું સમજી ગયો ? હં... એટલે બહુ ઉપકાર માનવો જોઈએ. સેવા બહુ કરવી. ફાધર-મધરની બહુ સેવા કરવી જોઈએ. એ અવળું બોલે તો આપણે એને શું કરવાનું ? ઇગ્નોર કરવાનું એ અવળું બોલે તો, કારણ કે મોટા છે ને ! કે તારે અવળું બોલવું જોઈએ ?

પ્રશ્નકર્તા : ના બોલવું જોઈએ. પણ બોલી જવાય તેનું શું ? મિસ્ટેક થઈ જાય તો શું ?

દાદાશ્રી : હા, કેમ લપસી નહીં પડાતું ? ત્યાં પાકો રહું છું અને એવું લપસી પડયું તો તે ફાધરે ય સમજી જશે કે આ લપસી પડયો બિચારો. આ તો જાણી જોઈને તું એ કરવા જઉં, તો 'તું અહીં કેમ લપસી પડયો ?' તે હું જવાબ માંગું. ખરું-ખોટું ? એટલે એઝ ફાર એઝ પોસીબલ આપણને હોવું ના ઘટે અને તેમ છતાં ય તારાથી, તારી શક્તિ બહાર થઈ ગયું હશે તો તો એ બધાં સમજી જશે, કે આવું કરે નહીં આ.

એમને ખુશ રાખવા. એ તને ખુશ રાખવા ફરે કે નહીં ? તને સુખી રાખવાની ઇચ્છા ખરી કે નહીં એમને !

પ્રશ્નકર્તા : હા.

પ્રશ્નકર્તા : દાદા ઘણીવાર એવું થાય કે મારી કંઈ ભૂલ જ નથી. કો'ક વાર ભૂલ મારી મને ખબર પણ પડે અને ઘણીવાર મારી કંઈ ભૂલ થતી જ નથી, એમનો જ વાંક છે એવું લાગે.

દાદાશ્રી : એવું લાગે તને પણ પછી પ્રતિક્રમણ કરવું ત્યારે !

પ્રશ્નકર્તા : હં. પછી એમને પણ જરા કઢાપો-અજંપો વધારે થઈ જાય ત્યારે થાય કે હવે આપણા નિમિત્તે આવું ના થવું જોઈએ. એવું થાય પછી.

દાદાશ્રી : ના, પણ એવું નહીં. 'મારી ભૂલ થઈ' એમ કરીને પ્રતિક્રમણ કરવું પડે, તું અવળું બોલી તેનાં.

પ્રશ્નકર્તા : મને અમુક વાર ભૂલ લાગતી નથી મારી પોતાની, તેમની જ ભૂલ છે.

દાદાશ્રી : ભૂલ થયા વગર કોઈને દુઃખ અપાય જ નહીં ને આપણી ભૂલ થાય તો કો'કને દુઃખ થાય.

પ્રશ્નકર્તા : મને તો એવું લાગે કે એમની પ્રકૃતિ જ એવી છે એવું લાગ્યા કરે.

દાદાશ્રી : આ બધા લોક સારી પ્રકૃતિ કહે છે ને તું એકલી કહું, એટલે ઋણાનુબંધ છે, હિસાબ છે.

પ્રશ્નકર્તા : એટલે દાદા એમ થાય કે એમને કચકચ કરવાની ટેવ જ પડી ગઈ છે.

દાદાશ્રી : હા, તો એથી કરીને એ તારી ભૂલ છે એમાં, ભૂલ તારી છે. એટલે મા-બાપને કેમ દુઃખ થયું એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. દુઃખ થવું તો ના જોઈએ, હવે 'સુખ આપવા આવી છું' એવું મનમાં હોવું જોઈએ. 'મારી એવી શી ભૂલ થઈ' કે મા-બાપને દુઃખ થયું.

મા ગમે તેટલી હોય કાળી;

છોકરાંને લાગે સદા રૂપાળી!

બાપા ખરાબ લાગતા નથી ?! એ લાગશે ત્યારે શું કરીશ ? એટલે ખરાબ એવું દુનિયામાં કશું હોતું નથી, આપણને ભેગું થયું એ બધું સારી ચીજ હોય છે. કારણ કે આપણા પ્રારબ્ધનું છે. મા મળી તે ય સારી. ગમે તેવી કાળી હોય, તો ય આપણી મા એ સારી. કારણ કે આપણને પ્રારબ્ધમાં મળી એ સારી. એવી બીજી બદલી લેવાય ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : બજારમાં મળે નહીં મા બીજી, નહીં ? અને મળે તો કામની ય નહીં. ગોરી ગમતી હોય તો ય આપણને શું કામની ? હમણાં છે એ સારી. બીજાની ગોરી જોઈને 'આપણે ખરાબ છે' એવું ના બોલવું જોઈએ. 'મારી મા તો બહુ સરસ છે' એવું કહેવું જોઈએ.

પ્રશ્નકર્તા : ભઈ પૂછે છે કે પપ્પાનું શું માનવાનું ?

દાદાશ્રી : પપ્પાનું ? એ શેમાં રાજી રહે એવું રાખજેને એમને. રાજી રાખતાં ના આવડે ? એ રાજી રહે એવું કરજે.

પ્રશ્નકર્તા : હા, કરીશ.

પગ, માથું દબાવી દે તે સેવા;

પૈણ્યા પછી છોડી દે તે કેવા?

મા-બાપ એટલે મા-બાપ. આ દુનિયામાં પહેલામાં પહેલી સેવા કરવા જેવું સાધન હોય તો મા-બાપ. સેવા કરીશ એમની ?

પ્રશ્નકર્તા : હા, ચાલુ જ છે સેવા. ઘરકામમાં મદદ કરું છું.

દાદાશ્રી : લ્યો, એ તો બધું નોકર રાખ્યો હોત તો તે ય કરે.

પ્રશ્નકર્તા : એમાં પૈસા જાય ને !

દાદાશ્રી : તે તારી પાછળ નથી આપતા પૈસા. કપડાં પહેરાવાનું કરવાનું, જમાડે ને એ બધું. તેમાં તેં શું કર્યું ? સેવા તો ક્યારે કહેવાય? એમને દુઃખ થતું હોય, પગ ફાટતા હોય અને આપણે પગ એમને દબાવી આપીએ એવું તેવું બધું....

પ્રશ્નકર્તા : હા, એ હું કરું છું ને !

દાદાશ્રી : કરું છું ?! એમ ! મોટો થઈશ ત્યારે પપ્પા-મમ્મીને શું કરીશ ?

પ્રશ્નકર્તા : સેવા કરીશ.

દાદાશ્રી : લાકડી લઈને ! શી રીતે સેવા કરીશ ? તું તો નોકરી કરીશ કે સેવા કરીશ ? જો બહાર કરીશ નોકરી અને ઘેર આવું તો વહુની ભાંજગડમાં પડવું પડશે, તો એમની ક્યારે સેવા કરીશ તું ? બહારનું ડિપાર્ટમેન્ટ રચાઈ ગયું, અંદર ઘરનું ડિપાર્ટમેન્ટ રચાઈ ગયું. એમનું ડિપાર્ટમેન્ટ કયું આવશે ? તને કેમ લાગે છે ? કે પૈણ્યા વગર રહેવાનો છું ?

વડીલોની સેવાથી ખીલે વિજ્ઞાન;

શાંતિ અચૂક મલે જીવનમાં પ્રધાન!

શું કરશો શાંતિનું ? લાવવી છે કે નથી લાવવી ?

પ્રશ્નકર્તા : લાવવી છે.

દાદાશ્રી : લાવી આપીએ પણ મા-બાપની સેવા કરી છે કોઈ દહાડો ? મા-બાપની સેવા કરે તો શાંતિ ના જતી રહે. પણ આજ સાચા દિલથી મા-બાપની સેવા નથી કરતા. ત્રીસ વર્ષનો થયો ને 'ગુરુ'(પત્ની) આવ્યા. તો કહે છે, મને નવે ઘેર લઈ જાવ. ગુરુ જોયેલા તમે ? પચીસ-ત્રીસ વર્ષે 'ગુરુ' મળી આવે અને 'ગુરુ' મળ્યા એટલે બદલાઈ જાય. ગુરુ કહે કે, બાને તમે ઓળખતા જ નથી. એ એક ફેરો ના ગાંઠે. પહેલી વખત તો ના ગાંઠે પણ બે-ત્રણ વખત કહે, તો પછી પાટો વાળી લે.

બાકી મા-બાપની શુદ્ધ સેવા કરે ને, એને અશાંતિ થાય નહીં એવું આ જગત છે. આ કંઈ જગત કાઢી નાખવા જેવું નથી. ત્યારે લોક પૂછે ને, છોકરાનો જ દોષ ને.... છોકરા સેવા નથી કરતાં મા-બાપની, એમાં મા-બાપનો શો દોષ ? મેં કહ્યું કે એમણે મા-બાપની સેવા નહીં કરેલી, એટલે એમને પ્રાપ્ત થતી નથી. એટલે આ વારસો જ ખોટો છે. હવે નવેસરથી વારસાની જગ્યાએ ચાલે તો સરસ થાય.

એટલે હું એ બનાવડાવું છું. એકેએક ઘેર, છોકરા બધા ઓલરાઈટ થઈ ગયા છે. મા-બાપે ઓલરાઈટ ને છોકરાએ ઓલરાઈટ !

વડીલોની સેવા કરવાથી આપણું વિજ્ઞાન ખીલે છે. કંઈ મૂર્તિઓની સેવા થાય છે ? મૂર્તિઓનાં કંઈ પગ દુઃખે છે ! સેવા તો વાલી, વડીલો કે ગુરુ હોય તેમની કરવાની હોય.

મા-બાપની સેવાથી સુખસંપત્તિ;

મળે ગુરુસેવાથી કાયમી મુક્તિ!

પ્રશ્નકર્તા : ગુરુની સેવા સાથે મા-બાપની સેવા કરવી જોઈએ આ યુવા પેઢીએ. તો જો મા-બાપની સેવા ન કરે તો કઈ ગતિ થાય ?

દાદાશ્રી : પહેલી મા-બાપની સેવા, જેણે જન્મ આપ્યો તે. પછી ગુરુની સેવા. ગુરુની સેવા ને મા-બાપની સેવા તો ચોક્કસ રહેવી જોઈએ. વખતે ગુરુ સારાં ના હોય તો સેવા છોડી દેવી જોઈએ.

પ્રશ્નકર્તા : અત્યારે મા-બાપની સેવા કરતાં નથી ને, તેનું શું ? તો કઈ ગતિ થાય ?

દાદાશ્રી : મા-બાપની સેવા ના કરે એ આ ભવમાં સુખી થાય નહીં. મા-બાપની સેવા કરવાનો પ્રત્યક્ષ દાખલો શું ? ત્યારે કહે છે કે આખી જિંદગી સુધી દુઃખ ના આવે. અડચણો ય ના આવે, મા-બાપની સેવાથી !

આપણા હિન્દુસ્તાનનું વિજ્ઞાન તો બહુ સુંદર હતું. તેથી તો શાસ્ત્રકારોએ ગોઠવી દીધેલું ને કે મા-બાપની સેવા કરજો, જેથી કરીને તમને જિંદગીમાં ય ધનનું દુઃખ નહીં પડે. હવે એ કાયદેસર હશે કે નહીં હોય એ વાત જુદી છે, પણ મા-બાપની સેવા અવશ્ય કરવા જેવી છે. કારણ કે જો તમે સેવા નહીં કરો તો તમે કોની સેવા પામશો ? તમારી પાછળની પ્રજા શી રીતે શીખશે કે તમે સેવા કરવા લાયક છો. છોકરાંઓ બધું જોતા હોય છે. એ જુએ કે આપણા ફાધરે જ કોઈ દહાડો એમના બાપની સેવા કરી નથી ને ! પછી સંસ્કાર તો ના જ પડે ને !

પ્રશ્નકર્તા : મારું કહેવાનું એમ હતું કે પુત્રની પિતા પ્રત્યે ફરજ શું છે ?

દાદાશ્રી : છોકરાઓએ પિતા પ્રત્યે ફરજ બજાવવી જોઈએ અને છોકરાં જો ફરજ બજાવે ને તો છોકરાને ફાયદો શું મળે ? મા-બાપની જે છોકરાઓ સેવા કરે, તેને કોઈ દહાડો ય પૈસાની ખોટ આવે નહીં, એની જરૂરિયાત બધી મળી આવે અને ગુરુની સેવા કરે એ મોક્ષે જાય. પણ આજના લોકો મા-બાપની કે ગુરુની સેવા જ કરતાં નથી ને ? તે બધા લોકો દુઃખી થવાના.

છતાં મા-બાપથી એમ ના કહેવાય કે મેં તને દેવું કરીને ભણાવ્યો. કારણ કે આ ભણાવવું એ ફરજિયાત હતું. ફરજ બજાવવાની હતી, એમાં છૂટકો જ નહોતો. જેટલી ફરજો છે ને એ બધી ફરજિયાત છે. મરજિયાત આમાં એકું ય નથી. કશું ય મરજિયાત નથી.

કર્મો પર ન છોડાય કદિ;

કરી છૂટવી મદદ બનતી!

પ્રશ્નકર્તા : બધા પોતપોતાનાં કર્મો ભોગવે છે, તો આપણાં મા-બાપ બિમાર થયા હોય તો આપણે એમને એમનાં કર્મો ભોગવવા દેવાનાં, કઈ કરવાનું નહીં ?

દાદાશ્રી : ના, નહીં. આપણે કાં તો ત્યાં જવું, ચાકરી કરવી. ચાકરી ના કરવી હોય તો વગર કામનાં બોલબોલ કરવાનો અર્થ નહીં, છેટે રહીને તાલીઓ પાડવાની જરૂર નથી. તમે જો લાગણીવાળા હોય તો પહોંચી જાવ. લાગણીવાળાએ મા-બાપની સેવા કરવી જોઈએ અને લાગણી નથી તો અમથા અમથા બુમો પાડવી, એનો અર્થ નથી.

પ્રશ્નકર્તા : દાદા, પહોંચી જવાથી થોડા કંઈ એ લોકોના કર્મો ને પીડામાં ફેર થવાનો છે ?

દાદાશ્રી : એ ગપ્પું કહેવાય. ત્યાં પહોંચી જાવ એટલે કંઈ ત્યાં હેલ્પ થયા વગર રહે નહીં. એ તો ગપ્પું માર્યું કહેવાય ! એ તો ગુનો કહેવાય. લાગણી થતી હોય તો ત્યાં પહોંચી જવું જોઈએ. લાગણી થાય ને કરવું નહી, અહીંથી બુમાબુમ કરવી એનો અર્થ નહીં અને લાગણીવાળા કોઈએ પૈસા મોકલ્યા ? એ લોકોના હેલ્પ માટે ઘણાં લોકો ગયા છે ત્યાં આગળ. એમના માટે પૈસા ખર્ચે. તેં મોકલ્યા છે પૈસા ?

પ્રશ્નકર્તા : હા, મોકલ્યા છે દાદા.

દાદાશ્રી : આપણે જો જાતે ના જવાય, જાતે જવાય નહીં તો પૈસા મોકલીને પણ હેલ્પ કરવી. આપણે હેલ્પ તો કરવી જ જોઈએ, એવું છોડી ના દેવાય એના કર્મ ઉપર.

ભગવાન દેખાય ક્યાં?

થાય મા-બાપની સેવા જ્યાં!

મા-બાપની સેવા કરવી એ ધર્મ છે. એ તો ગમે તેવો હિસાબ હોય પણ આ સેવા કરવી એ આપણો ધર્મ છે. અને જેટલો આપણો ધર્મ પાળીએ એટલું સુખ આપણને ઉત્પન્ન થાય. વડીલોની સેવા તો થાય એ થાય, જોડે જોડે સુખ ઉત્પન્ન થાય. મા-બાપને સુખ આપીએ તો આપણને સુખ ઉત્પન્ન થાય. મા-બાપને સુખી કરે એ માણસો કાયમ કોઈ દહાડો દુઃખી હોતા જ નથી.

એક ભાઈ મને એક મોટા આશ્રમમાં ભેગા થયા. મેં તેમને પૂછ્યું કે, 'અહીં ક્યાંથી તમે ?' ત્યારે તેમણે કહ્યું કે, 'હું આ આશ્રમમાં છેલ્લા દસ વર્ષથી રહું છું.' ત્યારે મેં તેમને કહ્યું કે 'તમારાં મા-બાપ ગામમાં બહુ જ ગરીબીમાં છેલ્લી અવસ્થામાં દુઃખી થાય છે.' ત્યારે તેમણે કહ્યું કે, 'એમાં હું શું કરું ? હું એમનું કરવા જાઉં તો મારો ધર્મ કરવાનો રહી જાય.' આને ધર્મ કેમ કહેવાય ? ધર્મ તો તેનું નામ કે મા-બાપને બોલાવે, ભાઈને બોલાવે. બધાને બોલાવે. વ્યવહાર આદર્શ હોવો જોઈએ. જે વ્યવહાર પોતાના ધર્મને તરછોડે, મા-બાપના સંબંધને પણ તરછોડે, તેને ધર્મ કેમ કહેવાય ?

તમારે મા-બાપ છે કે નથી ?

પ્રશ્નકર્તા : મા છે.

દાદાશ્રી : હવે સેવા કરજો, બરાબર. ફરી ફરી લાભ નહીં મળે અને કોઈ માણસ કહેશે, 'હું દુઃખી છું.' તો હું કહું કે તારા મા-બાપની સેવા કરને, સારી રીતે. તો સંસારના દુઃખ તને ન પડે. ભલે પૈસાવાળો ન થાય, પણ દુઃખ તો ન પડે. પછી ધર્મ હોવો જોઈએ. આનું નામ ધર્મ જ કેમ કહેવાય ?

મેં ય બાની સેવા કરેલી. વીસ વર્ષની ઉંમર હતી, એટલે જુવાનજોધ ઉંમર હતી. એટલે માજીની સેવા થઈ. બાપુજીને ખભે ચઢાવીને લઈ ગયેલા, એટલી સેવા થયેલી. પછી હિસાબ જડયો, મૂઆ આવા તો કેટલાય બાપુજી થયા. હવે શું કરીશું ? ત્યારે કહે, જે છે એમની સેવા કર. પછી ગયા એ ગોન. પણ અત્યારે તું એમની સેવા કર હોય તો, ના હોય તો ચિંતા ના કરીશ. બધા બહુ થઈ ગયા. ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. મા-બાપની સેવા, એ પ્રત્યક્ષ રોકડું છે. ભગવાન દેખાતો નથી, આ તો દેખાય છે. ભગવાન ક્યાં દેખાય છે ? અને આ મા-બાપ તો દેખાય છે.

આદર્શ ઘરડાં ઘરની જરૂરીયાત;

જ્ઞાન સાથે બાકીનું રહે શાંત!

અત્યારે તો વધુમાં વધુ દુઃખી હોયને તો એક તો ૬૫ વર્ષની ઊંમરના માણસો બહુ દુઃખી છે અત્યારે. પણ કોને કહે એ ? છોકરાંઓ ગાંઠતા નથી. સાંધા બહુ પડી ગયેલાં, જૂનો જમાનો ને નવો જમાનો. ડોસો જૂનો જમાનો છોડતો નથી. માર ખાય તો ય ના છોડે.

પ્રશ્નકર્તા : દરેક પાંસઠે એની એ જ હાલત રહેને.

દાદાશ્રી : હા. એવી ને એવી જ હાલત. આની આ જ હાલત. એટલે ખરી રીતે કરવા જેવું શું છે આ જમાનામાં ? કે કોઈ જગ્યાએ આવા વડીલ લોકોને માટે જો રહેવાનું સ્થાન રાખ્યું હોય ને તો બહુ સારું. એટલે અમે વિચાર કર્યો હતો. મેં કહ્યું, એવું કંઈક કર્યું હોય ને તો પહેલું આ જ્ઞાન આપી દેવું. પછી એમને જમવા-કરવાની વ્યવસ્થા તો આપણે અહીં પબ્લિકને બીજા સામાજીકતામાં સોંપી દઈએ તો ચાલે. પણ જ્ઞાન આપ્યંુ હોય તો દર્શન કર્યા કરે તો ય કામ તો ચાલે. ને આ 'જ્ઞાન' આપ્યું હોય તો શાંતિ રહે બિચારાને, નહીં તો શા આધારે શાંતિ રહે ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : હા, બરાબર છે.

દાદાશ્રી : ગમે એવી વાત છે કે નહીં ?

ઘરડાપણું અને પાંસઠ વર્ષની ઊંમરનો માણસ હોય ને, ઘરમાં રહેતો હોય ને, તે એને કોઈ ગણકારે નહીં એટલે શું થાય ? મોઢે બોલાય નહીં ને મહીં ઊંધાં કર્મ બાંધે. એટલે આ લોકોએ જે ઘરડાંઘરની વ્યવસ્થા કરી છે તે એ વ્યવસ્થા ખોટી નથી. હેલ્પીંગ કરે છે. પણ એને ઘરડાંઘર તરીકે નહીં, પણ બહુ માનભેર એવો શબ્દ મૂકવો જોઈએ કે માનભેર લાગે.

પ્રશ્નકર્તા : ફોરેનમાં પણ ઘરડાં જે હોય છે ને એ પ્રેમના ભૂખ્યા હોય છે એટલે મુશ્કેલી છે.

દાદાશ્રી : ત્યાં તો ૧૮ વર્ષથી છોકરાં જુદાં રહેવાનાં. એટલે ૧૮ વર્ષનો છોકરો જુદો થઈ જાય. પછી મળવા જ ના આવેને. ફોન ઉપર વાત કરે. એમને પ્રેમ જ નથી હોતો. આપણે અહીં તો ઠેઠ સુધી.

પ્રશ્નકર્તા : એટલે અહીંયા તો સારું છે.

દાદાશ્રી : અહીંયા તો બહુ સારું છે. પણ અહીંયા ય હવે બગડયું છે. બધા માણસોને નથી બગડયું પણ અમુક એવા પરસેન્ટ છે કે જે પાછલું હજુ છોડતાં જ નથી. તેથી મારે બોલવું પડે છે ને 'એડજસ્ટ એવરીવ્હેર'. હા, એડજસ્ટમેન્ટ નહીં લો તો માર ખાઈને મરી જશો. આ જમાનો બહુ જુદી જાતનો આવે છે.

જૂનું તો એક જાતની ઘરેડ એવી બેસી જાય છે એ છૂટતી જ નથી પછી. આ ભઈ છે એમની જાતમાં એ બળવાખોર જ ગણાય છે. જૂના રીવાજો બધા ફગાવી દીધા છે નવા વિચારો ધરાવે છે. એમનું કહેવું છે કે નવાનું ધ્યાન કરો. તે લોકોએ એમને બળવાખોર કહ્યા.

પ્રશ્નકર્તા : એમની જ્ઞાતિમાં હજુ સંકુચિતતા છોડતા નથી.

દાદાશ્રી : હવે બધે આ સંકુચિતતા છોડતા નથી.

હા, મૂળ આપણી ક્વૉલિટી જ છે ને, મૂળ ક્વૉલિટી ઉપર જતું રહેવાનું ને !

જમાના પ્રમાણે ઘૈડાંએ ચાલવું;

તો થવાય સુખી નહિ તો દાઝવું!

પ્રશ્નકર્તા : છોકરાંઓનું બીજી બધી રીતે સારું છે, પણ જે નાના- મોટાનો વિનય હોય તે બરાબર નથી. નાના-મોટાંનો વિવેકમાં આવે એવું કંઈક કરો.

દાદાશ્રી : મા-બાપ મોડર્ન થાય તો તો વાંધો ના આવે. પણ મોર્ડન થતાં નથી ને ? અગર છોકરાંઓ જૂનું સ્વીકાર કરે તો વાંધો ના આવે. એ સ્વીકાર કરવા તૈયાર નથી.

ખરો કાયદો શું કહે છે, કે જેવો કાળ આવે તેવું લોકોએ થવું જોઈએ. એટલે ફાધરે ફરવું જોઈએ. હા, અમે તો ફરી ગયાં છીએ, તદ્ન. ગમે તેવી હોટલમાં મુંબઈ તમે ગયાં હો, પણ અમે એમ ના કહીએ તમને કે આવું ના હોય આપણે. એવો વખત આવ્યો ત્યારે બદલ્યું. એ ક્યાં મતભેદ કરું હું રોજ ? વખત બદલાયો તે પ્રમાણે ચાલો. જે ભાષા હોય તે પ્રમાણે બોલાય. અત્યારે આ નાણું છે, તે આપણે કહીએ કે આ નાણું અમે લેવા આવ્યા નથી. કલદાર હોય તો આપ, નહીં તો નહીં. તો તે આપણને કહેશે, આ ગાંડો છે, આ મૂરખ છે. જે નાણું જે વખતે ચાલતું હોય તે નાણાંને એકસેપ્ટ કરવું જોઈએ. અત્યારે કલદાર માંગવા જઈએ તો શું થાય ? ગાંડો કહે કે ના કહે ? અને ત્યારે અમે કહીએ કે ના, બે રતલ જ આપો, તો ગાંડો કહે. એટલે આપણે છે તે જૂનવાણીમાંથી નીકળી અને મોર્ડનમાં આવી જવું જોઈએ.

પ્રશ્નકર્તા : દાદા, મોર્ડનમાં તો આવીએ છીએ, પણ નાના-મોટાંનો જે વિવેક ને વિનય જોઈએ, તે નથી. આમ તો હું ય છોકરાં જેવડો જ થઈ જાઉં છું.

દાદાશ્રી : એ વિનય-વિવેક તો જૈનનાં છોકરાંઓ સાચવ્યા વગર રહે જ નહીં. તમને જૈનને કંઈ સામો ના થાય એકંુ ય છોકરો !

પ્રશ્નકર્તા : ના, સામા ના થાય.

તમે રોજ દંડવત્ કરો મા-બાપને;

છોકરાં શીખીને ઊઠાવશે લાભને!

તમારે ઘેર છોકરાંઓને કેવા સંસ્કાર પડે હવે ? તમે તમારા ફાધર-મધરને નમસ્કાર કરો. આટલાં વર્ષે, ધોળાં આવ્યાં તો ય, તો છોકરાંના મનમાં વિચાર ના આવે કે બાપા તો લાભ ઉઠાવે છે, તો હું કેમ ન લાભ ઉઠાવું ? તો તમને પગે લાગે કે ના લાગે ?

પ્રશ્નકર્તા : લાગે છે.

દાદાશ્રી : અને પેલું તો આપણે જ આપણા ફાધર-મધરને પગે ન્હોતાં લાગતાં અને જોડે જોડે આપણે આપણી આબરૂ ખોતાં હતાં કે ન્હોતાં ખોતાં ?

પ્રશ્નકર્તા : આપણું જ ખોતાં હતાં.

દાદાશ્રી : એટલે કયું સારું ? તમારા મા-બાપની તમે સેવા ના કરો તો પછી એને સરવાળે તમે શું જોશો ? એટલે પછી પોતાની જ ઘોર ખોદી છે ને ?

પ્રશ્નકર્તા : પણ આ તો ઘરની વાત છે કે ઘરમાં એકબીજાને પગે પડતાં હોય, કોઈ મોટા આપણા વડીલ આવે ને આપણે એને પગે પડીએ તો એનો લાભ થાય કે ના થાય ?

દાદાશ્રી : બહુ સારું, બહુ લાભ થાય. એટલે વિનય મોટામાં મોટો. 'અક્રમજ્ઞાન' લીધા પછી બધે ઘણાંખરાં ઘરમાં આવું થઈ ગયું.

એક ભઈ તે વધારે ભણતર તો ભણેલો, પણ જોડે જોડે પુસ્તક બધાં ખૂબ વાંચેલાં અને લેખક પાછો. એના ફાધરે ય ગ્રેજ્યુએટ થયેલા ! પણ એ ભઈ એના ફાધર માટે શું જાણે કે આમનામાં અક્કલ નથી. તે બેને રોજ કચકચ ટકટક થાય. અહંકાર લડે બેઉનો ય. પેલો ફાધર અહંકાર છોડે નહીં અને આ અહંકાર જામી ગયેલો. તે ખૂબ જામી ગયેલો બધો અહંકાર.

પછી આ ભાઈએ એણે જ્ઞાન લીધું આપણી પાસેથી. આપણે બોલાવીએ 'નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં' તો બધા બોલે, પણ એ બોલે નહીં. પછી મેં એમને કહ્યું, બધાંની રૂબરૂ, 'તમે નથી બોલતાં, તે તમે જાતે બોલતાં નથી કે કોઈ બોલવા દેતું નથી ?' તો કહે, 'બોલવામાં શું ફાયદો ? ત્યારે મેં કહ્યું, 'હું શું કરવા બોલું, મારે બોલવાની જરૂર નથી. હું તો બધું લઈને બેઠો છું. આ બોલો એ શીખવાડું છું. આ વિજ્ઞાન છે, આ સાયન્સ છે.' એકે એક શબ્દ સાયન્સ રૂપ છે. પછી જે એને સારું એવું સમજાવ્યું ને સમજી ગયો. બોલવા માંડયો.

હવે એને ફાધર-મધર જોડે શું થતું, ફાધર જોડે ટક્કર રોજ ચાલ્યા કરે, તો ફાધરે એક ફેરો મને કહ્યું કે 'આણે જ્ઞાન લીધું પણ ઘેર લઢવાડ પાર વગરની કરે છે.' એટલે મેં ભઈને શું કહ્યું કે, 'તમે એક અમારી આજ્ઞા પાળો.' તે કહે, 'હા દાદાજી આપ જે કહો તે.' આજથી તમારા ફાધરને રોજ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી અને ઉઠવું. પછી આખા દિવસનું કામ ત્યાર પછી કાર્ય કરવાં. એણે ચાલુ કર્યું. પછી એના ફાધર આવીને કહે છે, 'મારું ઘર સ્વર્ગ થઈ ગયું હવે તો. નર્ક જેવું થઈ ગયું'તું, તો સ્વર્ગ થઈ ગયું.' હવે પેલા ભઈને શું ફાયદો થયો એ જાણો છો તમે ? એના છોકરાં હતા પંદર-પંદર વર્ષનાં, બાર-બાર વર્ષનાં એ બધા એને પગે લાગવા માંડયાં. ત્યારે આને કહ્યું, 'કેમ પગે લાગો છો ?' ત્યારે કહે, 'તમે તમારા ફાધરને કેમ લાગો છો ? તમે લાભ ઉઠાવો અને અમે ના લાભ ઉઠાવીએ ?!' ત્યાં ઘણાં ખરાં ઘરે ચાલુ છે. અંદર અંદર બધા સંકેલવામાં બહુ લાભ થાય. બહારના માણસોને ના કરવા જોઈએ. તે ટાઈટ થાય. અહીં તો વડીલ ખરાંને, વડીલ તો ઉપકારી કહેવાય આ તો! એના આશીર્વાદ હોય જ ! હવે એ પચાસ વર્ષનાં માણસ દર્શન કરે સવારથી, દંડ શરૂ કર્યા. આજ્ઞા પાળવામાં બહુ શૂરો પણ. એટલે બરાબર દાદાજી આપ જે કહો એ મારે કરવાનું. એને ફાધ

રની શરમે ય ના આવી ને ત્યાં સીધો જઈને પેલો ફાધરને પગે લાગ્યો. એનો ફાધર ઊંચોનીચો થઈ ગયો કે આ શું ? દુનિયામાં ના બને એવું બન્યું !!

છોકરાં નથી લાગતાં મા-બાપને પગે;

ન ભૂલ ઋણ મા-બાપ ગુરુનું જગે!

પ્રશ્નકર્તા : આજના છોકરાંઓ મા-બાપને પગે લાગતાં નથી. સંકોચ અનુભવે છે.

દાદાશ્રી : એવું છે, મા-બાપને પગે લાગતાં નથી. મા-બાપના દૂષણ જોઈ લે છે છોકરાઓ. એટલે પગે લાગવા જેવાં નથી એવું એમના મનમાં માને છે, એટલે નથી લાગતાં. જો એમનામાં કંઈક એનાં પોતાનાં આચાર-વિચારો ઊંચા બેસ્ટ લાગે તો હંમેશાં પગે લાગે જ. પણ આજના મા-બાપ તો બેઉ છોકરા ઊભાં હોય ને મા-બાપ લઢતાં હોય, મા-બાપ લઢે કે ના લઢે ?

પ્રશ્નકર્તા : લઢે.

દાદાશ્રી : હવે એ છોકરાના મનમાં કંઈ રહે એમના માટે જે માન હોય તે ?

પ્રશ્નકર્તા : સંત-મહાત્માઓને પણ હાથ જોડી ઉપરથી માથું નામનું નમાવે છે.

દાદાશ્રી : હા, પણ સંત-મહાત્મામાં ભલીવાર ના હોય તો નામનું જ નમાવે પછી. છોકરા ખોટાં નથી, મા-બાપની ભૂલ છે. સંત-મહાત્માની ભૂલ છે.

પ્રશ્નકર્તા : આપની પાસે ચરણમાં પડતાં આપના ચરણ છોડવાની ઇચ્છા પણ કરતાં નથી.

દાદાશ્રી : એ અહીં સાચું છે એટલે છોકરો શું, નાનું છોકરું પાંચ વર્ષનું ખસે નહિ. સાચું છે એટલે ! પોતાને તરત સુખ ઉત્પન્ન થાય છે. મા-બાપને શી રીતે પગે લાગે ? મા-બાપને તો લગ્ન કરે તે દહાડે જરા આમ આમ કર્યા કરે, પૈણાવ્યો તે બદલ ! બાકી કશું ના લાગે. એના માટે ચારિત્રબળ જોઈએ. ચારિત્રબળ હોય તો સામો માણસ પગે લાગે, નહિ તો પગે લાગે નહિ.

આ દુનિયામાં ત્રણનો મહાન ઉપકાર છે. એ ઉપકાર છોડવાનો જ નથી. ફાધર, મધર અને ગુરુનો ! આપણને જેમણે રસ્તે ચઢાવ્યા હોય, તે આ ત્રણનો ઉપકાર ભૂલાય એવો નથી.

- જય સચ્ચિદાનંદ

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19