ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19

મા-બાપછોકરાનોવ્યવહાર

(૪)

અન્સર્ટિફાઈડ ફાધર્સ એન્ડ અન્સર્ટિફાઈડ મધર્સ !

બાપ થઈને પડ્યા છોકરાંને માથે;

કર પૂરી ફરજ, રાખી ધર્મને સાથે!

પ્રશ્નકર્તા : બેબીના નાનાજી છે ને, એને બહુ ચઢાવે છે. બધી વસ્તુમાં એની જ સાઈડ લે છે ! માનો પક્ષ ના લે !

દાદાશ્રી : પક્ષ તો છોકરાનો લેવો જ પડે ને ! નહીં તો ડરી જાય ! પણ એવા તે શા ગુના કરી નાખ્યા છે કે એને દંડ આપવાની જરૂર છે ? એવો શો ગુનો કરી નાખ્યો એણે ?

પ્રશ્નકર્તા : બીજું કંઈ નહીં, પણ નાના-મોટાનું જુએ નહીં ને સામું બોલી દે. એટલે આપણે કહેવું પડે.

દાદાશ્રી : એ તો તમે અટકાવો છો, તેથી બોલ બોલ કરે છે. ના અટકાવો અને આપણે કહીએ કે 'બોલ જોઈ બધા જોડે, બધાને ગાળો ભાંડી આય'. તો ના કરે.

એક બાપ કહે છે, 'આ છોકરા બધા મારી સામા થઈ જાય છે.' મેં કહ્યું, 'તમારામાં બરકત નથી, એ ખુલ્લું થાય છે.' તમારામાં બરકત હોય તો છોકરા સામા શી રીતે થાય તે ? માટે એવી આબરૂ જ ના ઊઘાડશો.

આ તમારે ઘેર સત્સંગમાં સો-બસો માણસ આવે જાય, પણ કશું કોઈની જોડે સામું બોલ્યું જ નથી. બોલ્યું છે કંઈ કોઈ ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : ના બોલે એ ! પછી જૂઠું બોલે છે ?

પ્રશ્નકર્તા : કોઈ વાર.

દાદાશ્રી : કો'ક જ વાર. તો પછી એનો શો ગુનો પાછો તેમાં ? તમે એને મોંઢે ચઢાવી છે, એટલે એવું બોલે છે. એકની એક છોડી એટલે શું થાય ?!

જૂઠું બોલબોલ કરતી હોય, ચોરી કરતી હોય કે હિંસક થઈને જીવડાં માર માર કરતી હોય, ત્યારે ખોટું કહેવાય. અને જરા સામું બોલી જાય તેમાં ખોટું ના કહેવાય. સામું તો, માસ્તરને સામું ક્યારે બોલે છોકરા ? માસ્તરમાં બરકત જરા ઓછી હોય ત્યારે એ બોલે. એટલે આપણે સમજી જવું કે આપણામાં બરકત જરા ઓછી છે !

અને છોકરાંને વઢવઢ કરીએ તો બગડી જાય. એને સુધારવા હોય તો અમારી પાસે બોલાવડાવી અડધો કલાક વાતચીત કરાવડાવીએ એટલે સુધરી જાય !

પ્રશ્નકર્તા : મા-બાપ તરીકે આપણા જે એક્સ્પેક્ટેશન (અપેક્ષાઓ) હોય, એ પ્રમાણે ચાઈલ્ડ બીહેવ (બાળક વર્તન) ના કરતું હોય અને એને આપણે એ પ્રમાણે કરવાનું કહેવા છતાં ય ના કરતું હોય, તો કઈ રીતે એને કંટ્રોલ કરીએ ?

દાદાશ્રી : કોઈને કહેવું નહીં આવું. જો આપણે કહીએ કે અમારા છોકરા આવું કરે છે તો એ લોકો સમજે કે આને બાપ થતાં નહીં આવડતું ! એટલે આબરૂ જાય, એના કરતાં કોઈને કહેવું નહીં !

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : બાપ થતાં ના આવડે ત્યારે આવી ભાંજગડ પડે. મા થતા ના આવડે ત્યારે આવી ભાંજગડ પડે.

પ્રશ્નકર્તા : છોકરા આપણું સાંભળે નહીં, તેનું શું કરવું ?

દાદાશ્રી : તો બાપ ન્હોતું થવું. બાપ થવાની લાયકાત ધરાવતા નથી એટલે છોકરા સાંભળતા નથી. આપણે લાયકાત કેળવીને બાપ થવું હતું પહેલેથી. એ ભણવું ના જોઈએ, ભઈ ?

પ્રશ્નકર્તા : ભણવું જોઈએ ને.

દાદાશ્રી : એ જવાબદારી નહીં ?!

પ્રશ્નકર્તા : જવાબદારી ને.

દાદાશ્રી : એટલે છોકરાઓ તો સાચવવા બહુ મુશ્કેલી છે, આ છોકરાની જવાબદારી તો બહુ મોટી છે. પણ લોકો આમાં ક્વૉલિફાઈડ થતા નથી ને, એમને ય છોકરાઓ થઈ જાય છે. ક્વૉલિફિકેશન લીધા પછી બાપ થવું જોઈએ. આ ડૉકટરે ય ક્વૉલિફાઈડ હોય છે કે અન્ક્વૉલિફાઈડ હોય ?

પ્રશ્નકર્તા : ક્વૉલિફાઈડ ?

દાદાશ્રી : તો ફાધર થવામાં અન્ક્વૉલિફાઈડ ?!

પ્રશ્નકર્તા : ક્વૉલિફાઈડ છે કે નહીં, એ નક્કી કોણ કરે ?

દાદાશ્રી : છોકરાંની જોડે આવું વર્તન થાય એટલે ક્વૉલિફાઈડ નહીં જ ને ?! છોકરાંને સાચવતાં ના આવડે, છોકરાં બગડી જાય, તો આપણે ક્વૉલિફાઈડ નથી. એ વાત નક્કી થઈ ગઈને ? તમને કેમ લાગે છે ? બોલતાં નથી ?! કંઈક ક્વૉલિફિકેશન જોઈએ કે ના જોઈએ ?

એટલે મેં પુસ્તકમાં લખ્યું છે કે 'અન્ક્વૉલિફાઈડ ફાધર્સ એન્ડ અન્ક્વૉલિફાઈડ મધર્સ.' પછી છોકરાઓ આવાં જ થઈ જાય ને ! એટલે મારે કહેવું પડ્યું, ફાધર થવાની લાયકાતનું સર્ટિફિકેટ લેવું ને પછી પૈણવું જોઈએ.

આ બંધનમાં કંટાળો નથી આવતો ?

પ્રશ્નકર્તા : પણ ભણતર, છોકરાની જવાબદારીઓ પૂરી કરવી, એ પણ બધી જીવન જરૂરિયાત છે ને ?

દાદાશ્રી : એ પણ જવાબદારી કોણ પૂરી કરે ? જે ભગવાન મહાવીરના જ્ઞાનને સમજે એ પૂરી કરે. ભગવાન મહાવીરના જ્ઞાનને સમજતા નથી ને છોકરાની જવાબદારી શું પૂરી કરવાના ? ઉલ્ટાં છોકરાને માથે પડ્યા છો. બાપ થતાં આવડતું નથી અને છોકરાના બાપ થઈ બેઠા છો ! ફાધર તો ક્યારે થઈ શકે ભગવાન મહાવીરનું વિજ્ઞાન સમજે ત્યારે ફાધર થઈ શકે, ફાધર થવું એ તો કેટલા ગુણો હોય અને કેટલી જવાબદારી છે. આ તો ફાધર થઈ બેઠા અને છોકરાની જોડે કચ, કચ, કચ. આખો દહાડો કકળાટ, કકળાટ કકળાટ. અલ્યા મૂઆ, આ તે કંઈ માણસ છો ? એટલે મારે પુસ્તકમાં લખવું પડ્યું કે અન્કવૉલિફાઈડ ફાધર્સ એન્ડ અન્કવૉલિફાઈડ મધર્સ, ધેર મસ્ટ બી કવૉલિફિકેશનસ્. એમ ગમે તેમ ફાધર-મધર થઈ ગયા એ ચાલી શકે ?

પ્રશ્નકર્તા : તો શું ક્વૉલિફિકેશન જોઈએ ?

દાદાશ્રી : ક્વૉલિફિકેશન તો, આપણામાં નબળાઈ ઉત્પન્ન ન થવી જોઈએ. અને નબળાઈ થાય તો આપણને પોતાને જ થાય. બીજા કોઈને, છોકરાઓને ય હરકત ન થવી જોઈએ એવી રીતે જીવવાનું. છોકરાને કેવી રીતે એની નર્સરી કરવી જોઈએ, એ બધું ભાન હોવું જોઈએ. એમ ને એમ મા-બાપ થઈ ગયા ! એના કરતાં તો કૂતરા-કૂતરીઓના મા-બાપ સારા હોય છે કે વઢંવઢા નહીં કોઈ દહાડો ય. ના ફાવે તો છૂટા. આ તો બાપ જાણે કે આખી દુનિયાનો હું જ્ઞાની છું ને એવી રીતે છોકરાને વઢે છે. મારું સાચું ને તને તો સમજણ નથી, કહે છે. આ અક્કલનો કોથળો, બાપ આવ્યો તે !

પ્રશ્નકર્તા : દરેક ફાધર, એવી રીતના વર્તન કરતો હોય એવું માની લેવાનું કંઈ કારણ નથી.

દાદાશ્રી : એવું માની લેવામાં કારણ નથી. પણ માની લો, હું એના ઘરમાં આવું, ચાર દહાડા રહું. તો બધું ખબર પાડી દઉં. આ તો બધું ઠીક છે, આ પોલંપોલ ચાલ્યા કરે છે. સહુસહુના કાર્યના ઉદયે બધું ચાલ્યા કરે છે. એટલે એમ જાણે છે કે મારે લીધે આ છોકરું મોટું થયું છે ! જીવન તો એવું હોવું જોઈએ કે પોતાની નબળાઈ ના દેખાવી જોઈએ. ક્રોધ-માન-માયા-લોભ રૂપી નબળાઈઓ ન દેખાવી જોઈએ.

'અન્સર્ટિફાઈડ મધર'ને પેટે છોકરાં જન્મ્યાં છે, તેમાં એ શું કરે ? વીસ-પચીસ વર્ષનો થાય એટલે બાપ થઈ જાય. હજી એનો જ બાપ એના માટે બૂમો પાડતો હોય ! આ તો રામ આશરે 'ફાધર' થઈ જાય છે. આમાં છોકરાનો શો વાંક છે ? આ તો 'અન્ક્વૉલિફાઈડ ફાધર અને અન્ક્વૉલિફાઈડ મધર.' ક્વૉલિફિકેશન જોઈએ કંઈ. અહીં ક્વૉલિફાઈડ બધું થઈને પછી છોકરાં થાય છે લોકોને ?! ફાધરની કોલેજમાં ગયા પછી, આ પાસ થયા પછી થાય છે?! કોલેજમાં પાસ નહીં થયેલા આ લોકો ? ખરી રીતે પહેલાં ટેસ્ટિંગ કરાવીને, 'સર્ટિફિકેટ' મેળવીને પછી જ પરણવાની છૂટ હોવી જોઈએ. પરીક્ષામાં પાસ થયા વગર, 'સર્ટિફિકેટ' વગર 'ગવર્નમેન્ટ'માં ય નોકરીએ લેતા નથી, તો આમાં 'સર્ટિફિકેટ' વગર પૈણાવાય શી રીતે ? પરીક્ષા આપીને પાસ થવું જોઈએ. પરીક્ષા ના આપવી જોઈએ ? કારકુનમાં ય પરીક્ષા લીધા વગર, પાસ થયા વગર નથી પેસવા દેતા. તે બાપ થવા દેવાય એને? જેનાં છોકરાં વડાપ્રધાન થવાના, એને વગર સર્ટિફિકેટે બાપ થવા દેવાય ? આવું હોવું જોઈએ ? કારકુને ય ભણેલા ખોળે, નહીં ?! સર્ટિફિકેટ જોઈએ ને ? આમાં સર્ટિફિકેટ નહીં ? નો સર્ટિફિકેટ ? અને જેની વડાપ્રધાન કરતાં વધારે રિસ્પોન્સિબિલિટી છોકરાંને કેળવવાની છે એમાં સર્ટિફિકેટ નહીં !!

લાયકના છોકરાં પૂરાં સંસ્કારી;

પૂજ્ય દ્રષ્ટિ રાખી મા-બાપ પર વારી!

પ્રશ્નકર્તા : છોકરાઓને આપણા માટેની દ્રષ્ટિ અવળી પડી ગઈ હોય, રાગ-દ્વેષવાળી પડી ગઈ હોય, આપણા માટે અભાવ હોય છોકરાઓને તો આપણે ત્યાં શું કરવું?

દાદાશ્રી : એવું છે ને છોકરાઓને અભાવ નથી. આ તો બાપ છે તે બાપ થવા જાય છે. બાપ 'બાપ' થવા જાય છે. મા 'મા' થવા જાય છે. આ છોકરો જાણે છે કે બાપામાં ફીટનેસ છે નહીં ને મારો બાપ થઈ બેઠો છે. એટલે પેલા છોકરાં બાપાની સામાં થયા કરે છે. અત્યારે બધે એવું જ થયું છે. હવે આ છોકરાઓમાં પણ 'ફીટનેસ' નથી બળી, પણ એને આ ભણતર છે ને તે એને એમ દેખાડે છે કે મારા બાપાની જ ભૂલો થાય છે. એ તો બાપાની એ ખામી હોય છે. સર્ટિફાઈડ ફાધર હોય ત્યાં એના છોકરા કેવાં હોય ?! આમ છોકરાં કૂદાકૂદ કરતા હોય, એવું હોય ? ના હોય !

પ્રશ્નકર્તા : સર્ટિફાઈડ ફાધર્સ-મધર્સના છોકરા કેવાં હોય ?

દાદાશ્રી : સંસ્કારી હોય એ. એના ઘરમાં બાપ ગમે તે બોલે તો ય છોકરો કહેશે, 'ના, મારાથી ના બોલાય. પૂજ્ય છે મારા !'

ધીબે છોકરાંને જેમ કપડાં!

આ તે બાપ, ગયો કૂતરાં કરતાં!

આ તો જીવન જીવતાં ય નહીં આવડતું, કશું એને આવડતું જ નથી. આ દુનિયા કેવી રીતે ચલાવવી તે જ નથી આવડતું. એટલે પછી છોકરાને માર માર કરે. અલ્યા મૂઆ, ધીબું છું તે આ લૂગડાં છે તે માર માર કરે છે ?! છોકરાને સુધારીએ, માર માર કરીએ, તે આ કંઈ રીત છે ! એટલે જાણે પાપડનો લોટ ના બાંધતા હોય, પેલા ઘણથી પાપડનો લોટ બાંધતા હોય એવી રીતે માર માર કરતાં એક જણને દેખ્યો. એટલે પછી મારે પુસ્તકમાં લખવું પડ્યું કે હિન્દુસ્તાનના ફાધર-મધર એ અન્ક્વૉલિફાઈડ ફાધર્સ એન્ડ અન્કવૉલિફાઈડ મધર્સ છે !! ક્વૉલિફાઈડ હોવો જોઈએ. છોકરાં જોડે કેવું વર્તન કરવું, એ ક્વૉલિટી ના હોવી જોઈએ ? છોકરાંને વઢ વઢ કરે, ત્યારે બાપ થતાં આવડતું નહીં ને મૂઆ. શું જરૂર છે તે વઢે છે ? તને શરમ નથી આવતી? તે છોકરાંની આ સ્થિતિ કરી તમે ?

પ્રશ્નકર્તા : એ લોકોને સર્ટિફિકેટ લેવું હોય તો જાય ક્યાં ?

દાદાશ્રી : ના, એમ નહીં. સર્ટિફાઈડ હોવાં જોઈએ. કેમ તમારા છોકરા માને નહીં ?! છોકરા ના માને ત્યારથી અન્સર્ટિફાઈડ થયો. તમારા ખેતરના છોડવાં તમને જ દુઃખ આપતા હોય, તો તમે ખેડૂત જ ન્હોય. એટલે ચોખ્ખું લખ્યું મેં. કોણ લખે આવું, આવું ઊઘાડું કોઈ લખતા હશે ? બધા મીઠું મીઠું લખતાં'તાં અને અમારે એમને છોડાવું છે કે આ સમજો આ, આવું સમજો, આમ કેમ ચાલે છે ! એટલે ધીબ ધીબ કરે, જાણે આ પથ્થરો ના હોય. ત્યારે આ ધીબવાની વસ્તુ ન હોય ! આ તો એમ ને એમ બાપ થઈ ગયો. કૂતરાં વગર ભણે બાપા થાય છે ને એવી રીતે ?! કૂતરા પણ ફાધર થાય છે એમાં નવું શું કર્યું તે ?! કૂતરા ફાધર નહીં થતાં હોય ? દાદા હઉ થાય. આ તો કૂતરા-કૂતરીની પેઠ મા-બાપ થઈ જાય છે અને પછી છોકરાં ઉછેરતાં આવડતું નથી. કૂતરાએ લઢે નહીં એનાં છોકરાને. કોઈકના ઘરમાંથી પૂરી લઈને આવતું રહ્યું છોકરું. તો બાપ કંઈ લઢતો હશે કૂતરો ! એ ભૂખ્યું હતું તે ખઈ ગયું વળી !

મા-બાપ તે કોને કહેવાય?

પ્રેમે વંઠેલાં ય વશ થાય!

પ્રશ્નકર્તા : પણ છોકરાં ખરાબ લાઈને ચઢી જાય તો મા-બાપની ફરજ છે ને કે એને વાળવો જોઈએ ?

દાદાશ્રી : એવું છે ને, કે મા-બાપ થઈને એને કહેવું જોઈએ. પણ મા-બાપ છે જ ક્યાં અત્યારે ?

પ્રશ્નકર્તા : મા-બાપ કોને કહેવાય ?

દાદાશ્રી : મા-બાપ તો તેનું નામ કહેવાય કે છોકરો ખરાબ લાઈને ચઢ્યો હોય છતાં ય એક દહાડો મા-બાપ કહેશે, 'ભઈ, આ આપણને શોભે નહીં, આ તેં શું કર્યું ?' તે બીજે દહાડેથી એનું બંધ થઈ જાય ! એવો પ્રેમ જ ક્યાં છે ? આ તો પ્રેમ વગરનાં મા-બાપ. આ જગત પ્રેમથી જ વશ થાય. આ મા-બાપને છોકરાં પર કેટલો પ્રેમ છે-ગુલાબના છોડ પર માળીનો પ્રેમ કેટલો હોય તેટલો ! આને મા-બાપ કેમ કહેવાય ? 'અન્સર્ટિફાઈડ ફાધર' ને 'અન્સર્ટિફાઈડ મધર' ! પછી છોકરાંની શી સ્થિતિ થાય ? તને સમજણ પડી, ભૂલ થાય છે એવી ? છોકરાં તો ડાહ્યા હોય છે, તે ઉલ્ટાં બગાડે છે આપણા લોકો. સારું લાગે આ, આવું કહીએ તે ?

પ્રશ્નકર્તા : એવું દાદાએ તો કહી જ દેવું જોઈએ. મને ઝાટકો છો આજે, મને એવું થાય છે.

દાદાશ્રી : હા, પણ ઝાટકે નહીં તો આ જગત સીધું કેમ થાય તે ? જવાબદારી સમજવી જોઈએ ને ? પોતે છોકરાંનો બાપ થયો અને સંસ્કાર આપતાં ન આવડે અને કોઈકને ત્યાં સંસ્કાર આપવા જવું પડે, એ સારું લાગે ? કોઈકને ત્યાં લઈ જાય નહીં પાછો. પોતે પાછો અક્કલનો ઈસ્કોતરો હોય. એટલે સંસ્કાર આપવાના. અને અમારી પાસે પૂછી જજો બધું. હું તમને દેખાડીશ એ પ્રમાણે સંસ્કાર પછી એને આપવાનાં. જીવન જીવવાની કળા શીખવી જોઈએ આમ ! આ લખવાનું સારું લાગતું હશે, ઈન્ડિયન માટે ! આવું લખાય કે ના લખાય ? કોઈ લખે જ નહીં ને મૂઆ, એનું શું કારણ ? એ જ અન્કવૉલિફાઈડ ફાધર હોય તો પછી શી રીતે લખે તે ! એટલે કોઈ લખતું નહીં ! મેં તો ઝાટક્યા છે એ લોકોને કે આવા હોય ? મૂઆ, ઋષિમુનિઓના પુત્રો, તમે કોના છોકરાઓ ! આર્ય પ્રજા. આજ અનાડી જેવા થયા છે. આ અનાર્ય કહેવાય પણ... !

પ્રશ્નકર્તા : આવાં છોકરાંને સારા સંસ્કાર કેવી રીતે આપવા !

દાદાશ્રી : સારા સંસ્કાર તો કોઈ બાપ હોય તો ને ! સંસ્કારી બાપ હોય તો એની મેળે સંસ્કાર તો સહેજે આવી જાય છોકરાને. સંસ્કાર આપવાનાં ના હોય. સંસ્કાર જોઈને શીખી જાય. તેથી મારે લોકોને રીસ ચઢે એવું લખવું પડ્યું ને, આ કાળમાં. મને સારું લાગે, આવું લખવાનું ? તેથી તો મારે પુસ્તકમાં હાર્ડ શબ્દો વાપરવા પડ્યા. પુસ્તકમાં લખવું પડ્યું. આવું હાર્ડ લખાય નહીં ને ! પણ શું થાય ? આ છૂટકો નહીં ને ! કોઈ જાતની કડકાઈ જ નહીં ને ! આ બાપો તો એમ ને એમ થઈ ગયો. દેશના વડાપ્રધાન જેવી મા-બાપની જવાબદારી છે. વડાપ્રધાનને જવાબદારી છે ને, એટલી જ જવાબદારી છે આપણા ઘરમાં. એટલે સંસ્કાર આપવા જોઈએ અને નહીં તો આપણી જવાબદારી છે. એનું ફળ આપણને મળે છે.

પ્રશ્નકર્તા : છોકરાંના ઘડતર માટે કે સંસ્કાર માટે આપણે કશો વિચાર જ નહીં કરવાનો ?

દાદાશ્રી : વિચાર કરવા માટે વાંધો નથી.

પ્રશ્નકર્તા : ભણતર તો સ્કૂલમાં થાય, પણ ઘડતરનું શું ?

દાદાશ્રી : ઘડતર સોનીને સોંપી દેવાનું, એના ઘડવૈયા હોય તે ઘડે. છોકરો પંદર વરસનો થાય ત્યાં સુધી એને આપણે કહેવું, ત્યાં સુધી આપણે જેવાં છીએ એવો તેને ઘડી આપીએ. પછી એને એની વહુ જ ઘડી આપશે. આ ઘડતાં નથી આવડતું, છતાં લોક ઘડે જ છે ને ?! એથી ઘડતર સારું થતું નથી. મૂર્તિ સારી થતી નથી. નાક અઢી ઈંચનું હોય ત્યારે સાડા ચાર ઈંચનું કરી નાખે ! પછી એની વાઈફ આવશે તે કાપીને સરખું કરવા જશે. પછી પેલો ય પેલીનું કાપશે ને કહેશે, 'આવી જા.'

કળિયુગમાં જન્મ્યા વાળવા વેર;

લાવો નીવેડો, નવું અટકાવવા ઝેર!

એ તો એવું છે ને, એક તો આપણને મા-બાપ થતાં જ આવડતું નથી.

પ્રશ્નકર્તા : તો મા કેમ થવું, એની શરૂઆત કરવી જોઈએ ને !

દાદાશ્રી : એવું થાય ત્યારે શું કરવું, વઢંવઢા થાય ત્યારે શું કરવું, રડે ત્યારે શું કરવું, એ બધી કળા જાણવી જોઈએ ને ! ધીબ ધીબ કરીએ...

પ્રશ્નકર્તા : નથી કરવું એ. જાણવાની ઈચ્છા છે કે મા કેમ થવું ?

દાદાશ્રી : છોકરું હઠે ચઢે ને આપણે હઠે ચઢીએ તો શું થાય ?

પ્રશ્નકર્તા : મા હઠે ચઢે ને છોકરું હઠે ચઢે, તો સરવાળે છોકરું ટિપાય.

દાદાશ્રી : ના, પણ એનો અર્થ જ નહીં ને ! એટલે એની, છોકરાની હઠ ભાંગવી જોઈએ.

પ્રશ્નકર્તા : કેવી રીતે ભાંગવી ?

દાદાશ્રી : એની પ્રકૃતિ જેમાં રાજી થતી હોય, થોડી વાર ગલીપચી કરવી ને રાજી કરીને પછી... પછી ગાડું ચાલુ થઈ ગયું. પછી આડાઈ જતી રહી. આડાઈ આવે તેટલા પૂરતું ગલીપચી કરી લેવી પડે.

પ્રશ્નકર્તા : પણ છોકરો આડો હોય, તો આપણે શું કરવું એમ ?

દાદાશ્રી : પણ આડાને જ આવું કરવું પડે ને ! ગલીપચી કરીને એક વાર સીધું કરીને પછી ચાલ્યા કરે. પણ આ તો વધારે આડા બનાવે છે લોકો. એની જોડે પોતે ય આડો થાય. પેલું તો છોકરો ના બોલે ને તો મા ય ના બોલે.

પ્રશ્નકર્તા : હા, મોઢું ચઢાવી દે.

દાદાશ્રી : મોઢું ચઢાવે. એટલે આ તો મા થવાનાં લક્ષણ જ ન્હોય ને ?

પ્રશ્નકર્તા : અર્થ કંઈ નહીં, બરાબર છે.

દાદાશ્રી : બહુ તારે જાણવાની ઈચ્છા હોય તો પછી જ્ઞાન લઈ લેવું.

પ્રશ્નકર્તા : જાનવરો હોય છે, એમાં માતૃત્વ તો કુદરતી જ હોય છે. એને કેમ મા થવું, કેમ એના પેલા બચ્ચાને ઉછેરવાં, એ તો કુદરતી જ હોય છે ને !

દાદાશ્રી : એ તો કુદરતી.

પ્રશ્નકર્તા : તો પછી મનુષ્યોમાં કુદરતી એ ગુણ ન હોય ?

દાદાશ્રી : હતો. ત્યારે દોઢ ડહાપણથી સુધાર્યો લોકોએ. કુદરતી જ હતો તે પેલા દોઢ ડહાપણે સુધાર્યો.

પ્રશ્નકર્તા : સુધાર્યો કેમ ગણાય ?

દાદાશ્રી : એ એને સુધાર્યો જ કહો ને આપણે ! બગાડ્યો એવું કહીએ તો ખોટું દેખાય. એના કરતાં સુધાર્યો, દોઢ ડહાપણથી.

પ્રશ્નકર્તા : ખરી રીતે તો કુદરતી જ હોય ને ?

દાદાશ્રી : કુદરતી જ હોય. 'મા કેમ થવું ?' એ તો કુદરતી હોય. સંજ્ઞા જ છે એક જાતની.

પણ લોકોનું જોઈ જોઈને પેલી ધીબતી હોય એટલે પેલી ય ધીબે. છોકરું ચોરી કરી લાવ્યું, એટલે પેલી ધીબે તો પેલી ય ધીબે અને પાછી કહે શું, મારી કૂખ વગોવી. ત્યારે એ હતી જ એવી, સારી જ ક્યાં હતી ? તારી કૂખ તે અમથી વગોવી વગોવી બોલે છે તું ! સારી હોય તો આ જન્મે ક્યાંથી આવા પવિત્ર પુરૂષો !? પાછી કહે શું, કૂખ મારી વગોવી ! એવું બેનો બોલે ને ? મને કહે, મારી કૂખ વગોવી. મેં કહ્યું, સારી હતી તે ! સારી હોય તો વગોવે ખરું ? અને કળિયુગમાં તો એવો જ માલ આવે ! કોણે કહ્યું હતું કળિયુગ સુધી બેસી રહેજો ? આ કળિયુગમાં તો છોકરાં અને એ બધું વેરભાવે આવે છે. કેવું આવે છે ? વેર વાળવા માટે.

પ્રશ્નકર્તા : વેર વાળવા માટે આવે છે એને જ પ્રેમ કરવાનો.

દાદાશ્રી : એની જોડે ફરી વેર ના બંધાય એવી રીતે જેમ તેમ કરીને નિવેડો લાવવાનો. સત્યુગમાં બધે પ્રેમભાવે આવતા હતા.

પ્રશ્નકર્તા : પણ આ તો પશુ-પક્ષીઓની સમજ છે, એનાં કરતાં નીચી કોટીની સમજ ઊભી થઈ એના જેવું થયું ને !

દાદાશ્રી : ના, ના. સમજની જરૂર જ નથી આમાં. આ તો ઓટોમેટિકલી ચાલેલું અને જો ગાયના બાબાને તમે હેરાન કરો ને નાનો બાબો હોય તો, તો ગાયની આંખમાં જે ઝેર આવે ને, તે ખરેખરું ઝેર આવે. મારી નાખે ત્યાં સુધી છોડે નહીં એવું ઝેર આવે. હોય ખરું એની આંખમાં ? પેલા ભેંસના ભઈની ય આંખમાં ઝેર જોયેલું ને તમે ! ભેંસના ભઈ જબરા હોય ને !

પ્રશ્નકર્તા : જબરા તો હોય, પાડા.

દાદાશ્રી : એટલે બેન, જેમ તેમ કરીને નિવેડો લાવવાનો. આપણે છોકરાઓને તો સારા સંસ્કાર આપીએ, સારું એ કરીએ તો કંઈ રાગે પડે. જો સંસ્કારની સારી જગ્યા હોય તો તેડી જઈએ તો ત્યાં રાગે પડે.

કેટલા છોકરા છે ?

પ્રશ્નકર્તા : એક જ બાબો છે.

દાદાશ્રી : ઓહોહો ! મેં જાણ્યું કે સો એક હશે. કૌરવો-પાંડવો જેટલા પેસી ગયા હશે. તે એ બાબાને મારી પાસે તેડી લાવજે. હું રીપેર કરી આપીશ. એક જ બાબો છે, તો પછી એને સાચવવાનો. એવું છે ને ગુલાબના છોડને જો માવજત કરવાની અક્કલ હોય તો ગુલાબનો છોડ ખરેખરો ખીલી ઉઠે. અને અક્કલ ના હોય તો મહિના સુધી પાણી રેડવાનું ભૂલી જાય એટલે પછી સૂકાઈ જાય. એટલે બધામાં એ તો જોઈએ ને કંઈ.

પ્રશ્નકર્તા : આ પ્રશ્ન બધાનો જ છે દાદા, એમને એકલાને છે એવું નહીં, પણ આ બધાને આ જરૂરનું જ છે. મા થતાં આવડવું જોઈએ, બાપ થતાં આવડવું જોઈએ. આ તો પાયાનો જ પ્રશ્ન છે.

દાદાશ્રી : પણ એ કંઈથી હવે થશે, હવે કોણ કાઢશે સ્વભાવ !

પ્રશ્નકર્તા : તમે કાઢો ને દાદા.

દાદાશ્રી : ના, હું કેમ કાઢું ?

પ્રશ્નકર્તા : કાઢો જ છો ને, આ શું છે ? આ સ્કૂલ જ છે ને આ. બધા આવે છે ને પૂછે ને એ ભણી જાય છે.

દાદાશ્રી : તે દરેક છોકરા એક કલાક આવીને આખું વિજ્ઞાન શીખી જાય. એટલે લાઈફ બહુ સરસ થઈ જાય. બીજા બધા જોડે કેમ વર્તવું ? જગત શું છે ? કોણે બનાવ્યું ? એ બધી વાસ્તવિકતા જાણે, ત્યારે ડાહ્યો થઈ જાય. આ ગુંચવાડાના લીધે લોકો ડાહ્યા નથી. આ વાસ્તવિકતા જાણવાની કોને જરૂર કે જે કોલેજમાં ભણેલો હોય તેને માટે જરૂર છે, બીજા મજૂરોને જાણવાની જરૂર નથી.

પ્રશ્નકર્તા : મારો હજુ એ પ્રશ્ન છે કે જે કુદરતી રીતે, સાહજીક માતૃત્વનો ગુણ છે કે પિતૃત્વનો ગુણ છે, એ સાહજીક રીતે આવે અને આ બધા અવરોધો રહે નહીં, એવું જ્ઞાન કેવી રીતે લઈ શકાય ને આપી શકાય ? એવું કેમ બને એનો કંઈ આપ ઉપાય બતાવો ને ! છે સાહજીક જ અને છતાં ય અવરોધ થાય છે.

દાદાશ્રી : એ તો થોડા વખત પછી એવી માઓ થશે એટલે એનું જોઈને શીખશે લોકો. ઘણા ફેરે દરેક વસ્તુનું બીજ જ ઊડી ગયું હોય તે પાછું બીજ ફરી ઉત્પન્ન થાય અને પછી ચાલુ થાય. એટલે ફરી થશે ખરું. પણ એને માટે નિમિત્ત તો જોઈએ ને ! પ્રયત્ન બહારના જોઈએ ને !

પ્રશ્નકર્તા : આ તો આપ જેમ પહેલા કહેતા હતા ને કે સારા મજાના બાસમતી ચોખા, એમાં કાંકરા નાખીને પછી ખાવાના.

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : એના જેવી વાત છે આ.

દાદાશ્રી : અણસમજણ જ છે ને ! જુઓ ને કેટલું બધું સુખ છે ઘેર, પણ જોયું કોઈના મોઢા ઉપર સુખ ! આ બહાર જઈએ તો કોઈના મોઢા ઉપર સુખ દેખાય છે ?

પ્રશ્નકર્તા : અહીંયા દેખાય છે, બહાર નથી દેખાતું.

દાદાશ્રી : અહીંયા દેખાય છે, અહીં તો મારી હાજરીમાં માયા બહાર જતી રહેલી હોય ને ! એટલે માયા વળગેલી જ ના હોય ને ! પણ બહાર સુખ દેખાતું નથી ને કોઈ જગ્યા પર !

પ્રશ્નકર્તા : અહીંયા તો બધાના મોંઢા ઉપર હાસ્ય હોય છે.

દાદાશ્રી : ... દિલ છે ને, તે દિલ બહાર છે તે આખું દિલ મુરઝાઈ ગયું છે. સાચો ધર્મ ના હોવાથી આ બધું થયું છે. ધર્મથી જ સંસાર સરસ ચાલે. છોકરાંઓ કેમ કેળવવાં તે ધર્મથી સૂઝ પડે.

ક્વૉલિફાઈડ મા-બાપના, કહ્યા પ્રમાણે ચાલે;

દાદાઈ સ્કુલમેં સર્ટિફિકેટ પા લે!

પ્રશ્નકર્તા : 'સર્ટિફાઈડ ફાધર-મધર'ની વ્યાખ્યા શું ?

દાદાશ્રી : 'અન્સર્ટિફાઈડ' મા-બાપ એટલે પોતાનાં છોકરાં પોતાના કહ્યા પ્રમાણે ચાલે નહીં, પોતાનાં છોકરાં પોતાના ઉપર ભાવ રાખે નહીં, હેરાન કરે ! તે મા-બાપ 'અન્સર્ટિફાઈડ' જ કહેવાય ને ?

પ્રશ્નકર્તા : ક્વૉલિફાઈડ પેરેન્ટસ થવા માટેનું ક્વૉલિફિકેશન મળે ક્યાં ?

દાદાશ્રી : એ તો મારી પાસે આવે તો હું એને શીખવાડી દઉં. કારણકે ભૂલ કાઢનાર હું છું ને ! કોઈ પુસ્તકમાં એવું નહીં લખ્યું કે અન્ક્વૉલિફાઈડ ફાધર્સ એન્ડ અન્ક્વૉલિફાઈડ મધર્સ. તે આ ઈન્ડિયામાં બધા પૂછવા આવે છે, અમને પોતાને સમજણ પહોંચતી નથી કે અમે અન્ક્વૉલિફાઈડ છીએ તો હવે અમારે ક્વૉલિફાઈડ કેવી રીતે થવાય ? તે સમજાવી દઈએ. એમની સાથે કેવી રીતે વર્તન રાખવું, કેવી રીતે નહીં ! આમ ગમે તેમ થઈને બેઠા છો ?! અને પાછા એમ કહે છે, હું ધણી... મૂઆ, આ તમારા વેતા જુઓ. ધણી છો તે પેલી ગાંઠતી તો છે નહીં. એનો ઑ (પ્રભાવ) પડવો જોઈએ આમ ! ધણીનો તો ઑ પડવો જોઈએ. બોલ્યા વગર ઑ પડવો જોઈએ.

પ્રશ્નકર્તા : આ 'અન્સર્ટિફાઈડ' 'ફાધર' અને 'મધર' થઈ ગયાં છે એટલે આ 'પઝલ' ઊભું થાય છે?

દાદાશ્રી : હા, નહીં તો છોકરાં આવાં હોય જ નહીં, છોકરાં કહ્યાગરાં હોય. આ તો મા-બાપ જ ઠેકાણાં વગરનાં છે. જમીન એવી છે, બીજ એવું છે, માલ રાશી છે ! ઉપરથી કહે કે 'મારાં છોકરાં મહાવીર પાકવાનાં છે !' મહાવીર તે પાકતા હશે ? મહાવીરની મા તો કેવી હોય !! બાપ વાંકા-ચૂકાં હોય તો ચાલે, પણ મા કેવી હોય ?!

રાજ ચલાવતાં ન આવડ્યું ભરતને;

રામે આદર્શ રાજ્ય દીધું જગતને!

રાજાને રાજ ચલાવતા ના આવડતું હોય તો પ્રજા દુઃખી થઈ જાય અને બાપને છે તે ઘર ના ચલાવતાં આવડે તો છોકરાં બગડી જાય. એટલે હાઉ ટુ ચેન્જ, એ તો આપણે ના જાણવું જોઈએ, મા-બાપે ?! તે તેથી મારે લખવું પડ્યું બધાને. મને કંઈ તિરસ્કાર કરવાનું સારું લાગે ! ના સારું લાગે. પણ જરાક તો તમે ટ્રેઈન કરો આમને.

પ્રશ્નકર્તા : એ કેવી રીતના ટ્રેઈન કરીએ ?

દાદાશ્રી : તેથી જ અન્કવૉલિફાઈડ લખ્યું મેં. એ તો તમારે પૂછવાનું જ ના હોય. એ તો આવડવું જોઈએ. રાજા થયો તો એને રાજ કરતા ના આવડતું હોય તો આમ પ્રધાનને પૂછે, હવે કેવી રીતે મારે રાજ કરવાનું ? તો આ ગાદી પરથી ઉતરી પાડે ને ! રામચંદ્રજી ત્યાં ગયા, વનમાં ગયાં સીતા લઈને. ક્યાં ગયા ? ચૌદ વર્ષ વનવાસ.

હવે સવારમાં તો ગાદી પર એ બેસવાના હતા રામચંદ્રજી. મોટા મોટા છે તે વિશ્વામિત્ર મુનિ, વશિષ્ઠ મુનિ. આવડાં આવડાં દાઢાં. તે આમ બેઠેલા બધા રાત્રે. સાડા બાર-એક વાગે જોષ કાઢો, જ્યોતિષના બધા, જ્યોતિષવાળાને બોલાવ્યા. સાડા પાંચ વાગે ગાદીએ બેસાડો રામચંદ્રજીને. બધું ડીસાઈડ થયા પછી દશરથ રાજા આમ ગયા, જ્યોતિષો એમ ગયા. પેલા બધા દાઢાવાળા આમ ગયા અને સવારમાં તો કંઈનું કંઈ થઈ ગયું. પેલું કૈકેયીએ કર્યું. કૈકેયી હતીને, તેણે શું કર્યું ?

પ્રશ્નકર્તા : કંઈનું કંઈ કરી નાખ્યું.

દાદાશ્રી : તે કૈકેયીએ દશરથ રાજાને કહ્યું, 'તમે મને વચન આપેલું, તે વચન પાળો.' તે આ રામચંદ્રજીને વનમાં જવાનું થયું.

એટલે કૈકેયીનો છોકરો ભરત, તે ખૂબ જ સિન્સિયર. ભરત રાજા રામચંદ્રજીને કહે છે કે તમે જશો તો મને ગમવાનું નથી. મને તો આ રાજ જોઈતું ય નથી ને આ.... ત્યારે કહે, ના, તું કરજે અને સારી રીતે રાજ કરજે અને આ મારી પ્રજા દુઃખી ના થાય એ જોજે. શું કહે છે ?

પ્રશ્નકર્તા : પ્રજા દુઃખી ના થાય.

દાદાશ્રી : એટલે એણે પ્રોમિસ આપ્યું કે કોઈને દુઃખી નહીં કરું. એટલે રામચંદ્રજી વનમાં ગયા સારી રીતે, રામચંદ્રજી ને લક્ષ્મણ. અને ભરત એકલાએ રાજ કરવા માંડ્યું. એટલે ભરતે પ્રોમિસ કરેલું કે પ્રજાને દુઃખી ના કરું. એટલે એણે ધીમે ધીમે વેરા ઓછા કરવા માંડ્યા. રેવન્યુ અને તગાવી. લોકોએ લોન લીધી તે માંડવાળ કરી, અત્યારે કરે છે ને માંડવાળ !

પ્રશ્નકર્તા : હા, હા.

દાદાશ્રી : અત્યારે પ્રધાનો કરે છે ને માંડવાળ તે. લોનો માંડવાળ કરી નાખો. લોકો ખરાબ થાય, બગડી જાય ઉલ્ટા. લોન તો માંડવાળ કરાતી હશે ! તે આને તગાવીઓ ય બધી માંડવાળ કરાવી. રેવન્યુ ઓછું કરી નાખ્યું. તે પગાર શી રીતે લોકોને આપવા ? તો કહે, તિજોરીમાંથી કાઢી કાઢીને આપો. તિજોરી બધી બહુ હતી, સારી હતી. જબરજસ્ત હતી એની મહીં ધન હતું. તે બાર વર્ષમાં એને વાપરી ખાધું ધૂળધાણી કરીને અને લોકોએ છે તે પેલું ભરવા કરવાનું ના હોય ને રેવેન્યુ-બેવેન્યુ, તગાવી ને એ. એટલે લોકોએ દારૂ પીને સૂઈ રહેવા માંડ્યા. પેલા ખેતરોમાં વાવે જ નહીં ને. કારણ કે સરકારથી દબાણ હોય તો વાવે. કંઈ ભરવાનું હોય તો બીકના માર્યા વાવે. આણે તો બીક જ કાઢી નાખી બધાની.

પછી પોતાને ખબર નહીં એ તો ભરત રાજા બિચારાને. એ તો જાણે હું સુખી કરું છું આ બધાને. અને લોક આળસુ ને દારૂડિયાને એવા થઈ ગયા ને ખેતરોમાં ય કોરું દેખાય અને ગ્રીન બેલ્ટ હતો ને તેને બદલે સૂકો થઈ ગયો, ડ્રાય બેલ્ટ થઈ ગયો.

પછી રામચંદ્રજી જ્યારે ચૌદ વર્ષના વનવાસથી પાછા આવ્યા ત્યારે જોતા જોતા આવ્યા તો કહે, આમ કેવું ? આ ડ્રાય બેલ્ટ કેવો, આ બધું આવું ? મહીં જોતા જ ગભરાઈ ગયા. આવીને ભરત રાજાને પૂછીને કહે છે કે તે લોકોને.... કેમ આ લોકો દુઃખી થઈ ગયા છે ને કંઈ આ કશું વાવતા કરતા નથી ? ત્યારે કહે, મેં તો બહુ સુખ આપ્યું છે એમને. જુઓ તિજોરીમાં કશું રાખ્યું નથી. એ રામચંદ્રજી સમજ્યા કે આને રાજ ક્યાં મેં સોપ્યું આ બધું. એટલે રામચંદ્રજીએ આવીને પછી શું કર્યું ? બધે ખબર આપી દીધી કે 'બધા ચૌદ વર્ષના વેરા ભેગા પેઈડ અપ કરી જાવ અને તગાવી પાછી ભરી જાવ વ્યાજ સાથે.' આ રામ જેવા રામ બોલે છે ? ત્યારે કહે, 'હા, એ જ રામ, એ જ બોલે છે.' આ લોકોએ છે તે ખેતીવાડી કરવા માંડી અને પાછી નવી તગાવી આપવા માંડી કે અડચણ પડે તો બીજી તગાવી લઈ જાવ પણ ખેતીવાડી શરૂ કરી દો અને પાછા પૈસા ભરી જાવ. એ લોકોએ પાછી તગાવી વાળી ને લોકોએ પાછા કૂવા ખોદ્યા. નવી તગાવી લઈને અને પછી કોસ ખેંચવા માંડ્યા પાણીના. તે કોસે કોસે બોલે, એક કોસ નીકળે મહીંથી, 'આયા રામ' કરીને એક કાંકરો મૂકવાનો. તે અત્યાર સુધીએ કાંકરો હજુ ય મૂકાય છે. આયા રામ ! એ રામ આવ્યા ત્યારે પાણી નીકળ્યું, નહીં તો નીકળત જ નહીં, હા. લીલુ

ં થઈ ગ

યું ત્રણ વર્ષમાં, ફર્સ્ટ કલાસ થઈ ગયું. સમજાયું ને !

જો ભરત રાજાએ ઊંધું કરી નાખ્યું ને ! એને શું ખબર પડે કે ઊંધું થઈ રહ્યું છે !

ગમી વાત આમાંની કોઈ તમને, વાત ગમી કોઈ ?

પ્રશ્નકર્તા : આ ગમી જાય છે, ત્યારે એની અસર થઈ જ જાય.

દાદાશ્રી : ઘણા લોકો છોકરાને કહે છે, 'તું મારું કહ્યું માનતો નથી.' મેં કહ્યું, 'તમારી વાણી ગમતી નથી એને. ગમે તો અસર થઈ જ જાય.' અને પેલો પપ્પો કહે છે, 'તું મારું કહ્યું માનતો નથી.' અલ્યા મૂઆ, પપ્પો થતાં તને આવડ્યું નથી. આ કળિયુગમાં દશા તો જુઓ લોકોની ! નહીં તો સત્યુગમાં કેવા ફાધર ને મધર હતા !

હું એ શીખવાડવા માંગું છું, તમે એવું બોલો કે, છોકરાને તમારી વાતમાં એને ઈન્ટરેસ્ટ પડે એટલે તમારું કહ્યું કરશે જ. તમે કહ્યુંને મને કે તમારી વાત મને ગમે છે જ. તો તમારાથી એટલું થાય.

પ્રશ્નકર્તા : આપની વાણીની અસર એવી થાય છે કે જે બુદ્ધિ પઝલ ઉકેલી ના શકે, તે આ વાણી ઉકેલી શકે છે.

દાદાશ્રી : હ્રદય સ્પર્શતી વાણી. હ્રદય સ્પર્શતી વાણી તો મધરલી (માતૃત્વવાળી) કહેવાય. હ્રદય સ્પર્શતી વાણી જો કોઈ બાપ છોકરાને કહે એ સર્ટિફાઈડ ફાધર કહેવાય !

પ્રશ્નકર્તા : બહુ સહેલાઈથી નહીં માને છોકરાં !

દાદાશ્રી : તો હીટલરીઝમથી માને ?! એ હેલ્પફુલ નથી. હીટલરી-ઝમથી જો કરીએ તો હેલ્પફુલ નથી.

પ્રશ્નકર્તા : માને છે, પણ બહુ સમજાવ્યા પછી.

દાદાશ્રી : તો વાંધો નહીં. એ કાયદેસર કહેવાય. બહુ સમજાવવું પડે છે. એનું કારણ શું ? કે તમે પોતે સમજતા નથી. માટે વધારે સમજાવવું પડે. સમજતા માણસને એક ફેરો સમજાવવું પડે. તે આપણે ના સમજી જઈએ ?! બહુ સમજાવો છો પણ પછી સમજે છે ને !

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ રસ્તો સારામાં સારો. આ તો મારી ઠોકીને સમજાવવા માંગે છે ! જેમ બાપ થઈ બેઠો, તે જાણે અત્યાર સુધી કોઈનો દુનિયામાં કોઈ દહાડો કોઈ બાપ જ નહીં હોય ! એટલે જે સમજાવીને આવું લે છે તેને મારે અન્ક્વૉલિફાઈડ નથી કહેવા.

ન બોલાય, છોકરો નથી માનતો?

નથી બાપ તરીકે છાજતો!

'બાપ થવું' એ સદ્વ્યવહાર કેવો હોવો જોઈએ ? છોકરા જોડે દાદાગીરી તો નહીં, પણ સખ્તાઈ ય ના જોઈએ, એનું નામ બાપ કહેવાય.

પ્રશ્નકર્તા : છોકરાં પજવે તો ? છોકરાં પજવે તો પછી બાપે શું કરવું જોઈએ ? તો ય બાપે સખ્તાઈ નહીં રાખવાની ?

દાદાશ્રી : છોકરાં આ બાપને લીધે જ પજવે છે. બાપનામાં નાલાયકી હોય તો જ છોકરાં પજવે. આ દુનિયાનો કાયદો એવો ! બાપનામાં બરકત ના હોય તો છોકરાં પજવ્યા વગર રહે નહીં. વળી એ તો ન્યાય અમે તરત જ આપી દઈએ. બાપ કહે કે, 'મારા છોકરાં પજવે છે.' તો હું કહી દઉં કે તારામાં બરકત નથી. જતો રહે ! છોકરાનાં બાપ થતાં આવડતું નથી. છોકરાં શી રીતે પજવે ? ખવડાવી-પીવડાવીને મોટા કર્યાં. કુદરતી કાયદો એવો છે કે છોકરો બાપનું ના માને તો બાપનામાં બરકત નથી એમ કહેવાય. આ એનો કાયદો !

પ્રશ્નકર્તા : દીકરો બાપનું ના માને તો શું કરવું ?

દાદાશ્રી : 'આપણી ભૂલ છે' એમ માનીને મૂકી દેવાનું ! આપણી ભૂલ હોય તો જ ના માને ને ! બાપ થતાં આવડ્યું હોય, એનો છોકરો ના માને એવું હોતું હશે !? પણ બાપ થતા આવડતું જ નથી ને !

પ્રશ્નકર્તા : એક વાર ફાધર થઈ ગયા પછી કંઈ ગલુડીયાં છોડે ?

દાદાશ્રી : છોડતાં હશે ? ગલુડીયાં તો આખી જિંદગી એવા ડૉગ ને ડૉગીનને બેઉને જોયા જ કરે, કે આ ભસ ભસ કરે અને આ (ડૉગીન) બચકાં ભર ભર કર્યા કરે. ડૉગ ભસ્યા વગર રહે નહીં. પણ છેવટે દોષ પેલા ડૉગનો નીકળે. છોકરાં એના મા તરફી હોય. એટલે મેં એક જણને કહેલું, 'મોટાં થઈને આ છોકરાં તને મારશે. માટે ધણીયાણી જોડે પાંસરો રહેજે !' એ તો છોકરાં જોયા કરે તે ઘડીએ, એમનો પગ ના પહોંચે ને ત્યાં સુધી અને પગ પહોંચે એટલે તો ઓરડીમાં ઘાલીને મારે. તે એવું બન્યું હઉં લોકોને ! છોકરાએ તે દહાડાથી નિયાણું જ કરેલું હોય કે હું મોટો થાઉં કે બાપને આપું ! મારું સર્વસ્વ જજો પણ આ કાર્ય થાવ, એ નિયાણું. આ ય સમજવા જેવું છે ને ?!

પ્રશ્નકર્તા : એટલે બધો દોષ બાપનો જ ?

દાદાશ્રી : બાપનો જ ! દોષ જ બાપનો. બાપનામાં બાપ થવાની બરકત ના હોય ત્યારે વહુ સામી થાય. બાપનામાં બરકત ના હોય ત્યારે જ આવું બને ને ! મારી-ઠોકીને ગાડું રાગે પાડે. ક્યાં સુધી સમાજની બીકના માર્યા રહે.

પ્રશ્નકર્તા : એવું જ હોય કે બાપની ભૂલ જ હોય ?

દાદાશ્રી : બાપની જ ભૂલ હોય છે. એને બાપ થતાં આવડતું નથી, એટલે આ બધું ભેલાઈ ગયું. ઘરમાં જો બાપ થવું હોય તો, સ્ત્રી એની પાસે વિષયની ભીખ માંગે એવી દ્રષ્ટિ થાય ત્યારે બાપ થઈ શકે.

પ્રશ્નકર્તા : બાપ ઘરમાં વડીલપણું ના રાખે, બાપપણું ના રાખે તો ય એની ભૂલ ગણાય ?

દાદાશ્રી : તો રાગે પડી જાય.

પ્રશ્નકર્તા : છતાં છોકરાઓ બાપનાં કહ્યામાં રહેશે, એની ખાત્રી શું ?

દાદાશ્રી : ખરી ને ! આપણું કેરેક્ટર(ચારિત્ર) તો આખું જગત કેરેક્ટરવાળું.

પ્રશ્નકર્તા : છોકરાં છેલ્લી કોટીનાં નીકળે તેમાં બાપ શું કરે ?

દાદાશ્રી : મૂળ દોષ બાપનો જ. તે ભોગવે છે શાથી? આગળે ય આચાર બગડ્યા છે તેથી આ દશા થઈ છે ને ? જેનો કંટ્રોલ કોઈ અવતારમાં બગડતો નથી, તેને આવું હોય નહીં, અમે એ કહેવા માંગીએ છીએ ! પૂર્વકર્મ તો શાથી થયું ? આપણો મૂળ કંટ્રોલ નથી ત્યારે ને ! એટલે અમે આમાં, કંટ્રોલમાં માનીએ છીએ. કંટ્રોલ માનવા માટે તમારે બધા એના કાયદા સમજવા જોઈએ.

આ છોકરાંઓ અરીસો છે. છોકરાંઓ ઉપરથી ખબર પડે કે આપણામાં કેટલી ભૂલ છે !

શીલવાન, શીલ સંસ્કારે;

વાઘ પણ ત્યાં સલામો ભરે!

પ્રશ્નકર્તા : એવું ખરું કે છોકરાઓ બહુ ભણેલા હોય. એટીકેટવાળા હોય ! એની બુધ્ધિ બહુ વધેલી હોય મા-બાપ કરતાં પણ વધારે, તેથી પ્રોબ્લેમ થાય છે ?

દાદાશ્રી : તે એ બુધ્ધિ અત્યારે વધી છે ને, એટલે આપણે સમજીને કામ લેવું જોઈએ. એવું છે, જો આપણામાં શીલ નામનો ગુણ હોય, તો વાઘ પણ ઠેકાણે રહે. તો છોકરાઓનું શું ગજું ? આપણા શીલમાં ઠેકાણું નથી તેની આ બધી ભાંજગડ છે. શીલમાં સમજી ગયા ને ?!

પ્રશ્નકર્તા : શીલ કોને કહેવું, જરા વિસ્તારથી કહો ને, બધાને સમજાય એવું !

દાદાશ્રી : કિંચિત્ માત્ર દુઃખ દેવાના ભાવ ના હોય. કિંચિત્ પોતાના દુશ્મનને પણ દુઃખ દેવાના ભાવ ન હોય. એની મહીં છે તે સિન્સિયારિટી હોય, મોરાલિટી હોય. બધા જ ગુણો ભેગા થાય. કિંચિત્ માત્ર હિંસક ભાવ ના હોય. ત્યારે 'શીલ' કહેવાય. ત્યાં વાઘ ઠંડો થઈ જાય.

પ્રશ્નકર્તા : એવું તો ક્યાંથી લાવે આજકાલનાં મા-બાપ ?

દાદાશ્રી : તો પણ થોડા-ઘણાં, એમાંથી આપણે પચ્ચીસ ટકા જોઈએ કે ના જોઈએ ? પણ આપણે આ કાળને લઈને સાવ આઈસ્ક્રીમની ડીશો ખાધા કરે એવા થઈ ગયા છે.

જ્ઞાની કંડારે મૂર્તિ!

ફાધરોને આપે પૂર્તિ!

પ્રશ્નકર્તા : ફાધરનું કેવું ચારિત્ર હોવું જોઈએ ?

દાદાશ્રી : છોકરા રોજ કહે કે પપ્પાજી અમને બહાર નથી ગમતું. તમારી જોડે જ બહુ ગમે છે એવું ચારિત્ર હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : આ તો ઊંધું, બાપ ઘરમાં હોય તો છોકરો બહાર જાય અને બાપ બહાર જાય તો છોકરો ઘરમાં હોય.

દાદાશ્રી : છોકરાને ગમે નહીં પપ્પાજી વગર.

પ્રશ્નકર્તા : તો એવું થવા માટે શું કરવું, પપ્પાએ ?

દાદાશ્રી : હવે મને છોકરા મળે છે ને તે છોકરાને ગમતું નથી મારા વગર. ઘૈડા મળે છે તે ઘૈડાઓને ય ગમતું નથી મારા વગર. જુવાન મળે છે તે જુવાનને ય ગમતું નથી મારા વગર.

પ્રશ્નકર્તા : અમારે તમારા જેવું જ થવું છે.

દાદાશ્રી : હા, પણ એ તો તમે આ મારા જેવું નકલ કરો તો થઈ જાય. આપણે કહીએ, 'પેપ્સી લાવો.' તો કહેશે, 'નથી.' તો ય કંઈ વાંધો નહીં, પાણી લઈ આવો. આ તો કહેશે, 'કેમ લાવીને રાખી નહીં ?' એ ડખો કર્યો પાછો. અમને તો બપોરે જમવાનો ટાઈમ થયો હોય અને કહેશે, 'આજ તો જમવાનું કર્યું નથી.' હું કહું કે 'ભઈ બરોબર, સારું કર્યું. લાય જરા પાણી-બાણી પી લઈએ, બસ.' તમે કેમ નથી કર્યું ? એ ફોજદાર થઈ ગયો. ફોજદાર થઈ જાય ત્યાં આગળ.

પ્રશ્નકર્તા : પણ દાદા, આખો દિવસ કામ કરીને તમે આવ્યા હો અને સાંજે ખાવાનું ના મળે, બરોબર ભૂખ લાગી હોય તો શું કરો તમે ?

દાદાશ્રી : 'ભોગવે એની ભૂલ.'

પ્રશ્નકર્તા : બેઉ બાજુથી માર પડે ને !

દાદાશ્રી : બેઉ બાજુ માર જ છે. આ જગત ખોટું છે બધું. તમારો હિસાબ આવીને હાજર રહેશે. તમે ના કહેશો તો ય ટેબલ ઉપર હશે. તમે કહો, આ બધું ના બનાવશો. તો ય એ હાજર થયા કરે. મારે કેટલી ચીજ હાજર થાય છે. તે મારે પણ ના પાડ-પાડ કરવું પડે છે. આ કહેશે, રસ લાવું, કેરી લાવું. અલ્યા ભઈ, મારે નથી જરૂર આની ! કેટલી ચીજો હાજર કરે. તેમાં પણ મને તો જરૂર ના હોય. મને શું ચીજ હાજર નહીં કરતા હોય લોકો ? તમને શું લાગે છે ? જમતી વખતે, બધી વખતે શું હાજર નહીં કરતા હોય લોકો ? તે અમારે જરૂર નહીં કોઈ જાતની. તેમ તિરસ્કારે ય નહીં. તમે મૂક્યું જરાક કકડો લઈ લઈએ. તમે બહુ કહો તો ના ખાવું હોય તો ય કકડો લઈ લઈએ. તમે કડવું આપો તો ય પી જ લઈએ. થોડું પીએ. આપણે તો એડજસ્ટ થઈ જવું જોઈએ.

પ્રશ્નકર્તા : દાદા, આ તમે જે વાત કરી કે તમને કડવું આપ્યું હોય તો ય તમે થોડુંક લઈ લો. હવે અમને કડવું ના ભાવતું હોય તો કેમનું લઈએ ? એટલે પેલું જે લાઈકીંગ ઉપર જાય એની વાત કરીએ છીએ હવે આપણે.

દાદાશ્રી : પણ 'ના' શબ્દ તો કાઢી નાખજો ડિક્ષનરીમાંથી. એ 'ના'થી જ આ જગત ઊભું રહ્યું છે. ના કહેવાથી જ લોકો છે તે ક્લેઈમ માંડે છે. 'હા' લાવો. પછી મોઢામાં મૂકીને 'થું' કર્યું હોય તો ય થાય, વાંધો નહીં ! પણ એને ઈન્સલ્ટ નહીં કરો. અમે તો કેટલાક ફેરા, 'દાદા પ્રસાદ લો', તે લઈ લઉં અને મગફળીને એ હોય તો ગજવામાં મૂકું. તે પછી પાછું બહાર નીકળું ત્યારે કોઈકને આપી દઉં. પણ ઈન્સલ્ટ નહીં કરવાનું. કારણકે 'વ્યવસ્થિત'ના આધારે એ તો મને કહ્યું કે લ્યો.

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : અને તમે તો ડખો કર્યા વગર રહો નહીં. ડખો નહીં કરો. વ્યવસ્થિત છે આ બધું જગત. જે બને છે એ વ્યવસ્થિત. થાય છે એ વ્યવસ્થિત. વ્યવસ્થિત નહીં લાગતું !

પ્રશ્નકર્તા : વ્યવસ્થિત છે.

દાદાશ્રી : અને કરે છે એ ય 'વ્યવસ્થિત' છે. કોને વઢશો ? છોકરાને, વહુને ? કોઈને વઢવા જેવું જગત છે ?! અમે તો ક્લીયર કટ બધી જોગ્રોફી આપી છે બધી. બિલકુલ ક્લીયર કટ. જેમ જેમ ક્લીયરન્સ સમજાતું જશે. તેમ તેમ ઓર આનંદ ને ઓર વાત સમજાશે. કહું છું ને અમને ટ્વેન્ટી સેવન યર્સથી ટેન્શન થયું નથી બોલો, સિન્સ ટ્વેન્ટી સેવન યર્સ ! તો તમે આ દશાની ભક્તિ કરો છો તે તમે ય એવા થઈ જવાના. જેને ભજે તેને પુરું પામે. જેનું નિદિધ્યાસન કરે તે રૂપ થાય. અન્સર્ટિફાઈડને લીધે આ દશા થઈ છે આપણી. હવે એક કાળ એવો આવશે કે સર્ટિફાઈડ આવશે. આ તો આપણે એને ટૈડકાવવા માટે શબ્દ બોલતા નથી. એ શબ્દ નીકળવાથી શબ્દ કામ કરે છે.

છાસીયામાંથી સો ટચ બનાવે દાદા!

તપવે સોનાને, પણ અંતે ફાયદા!

આ હવે આપણા મહાત્માઓ ડાહ્યા થવાના. જ્ઞાન લીધું તેથી છોકરાં સારાં થવાનાં, ડાહ્યા થવાનાં. કારણકે માઈલ્ડપણું આવે, સ્ટંટ ના હોય. પેલાં તો સ્ટંટ !

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધેલાં મા-બાપો 'સર્ટિફાઈડ મા-બાપો' કહેવાશે.

દાદાશ્રી : થશે ને ! ના કેમ કહેવાય ? તમારો છોકરો સર્ટિફાઈડ થઈ ગયો, તે ઉપરથી ના સમજીએ કે મા-બાપ સર્ટિફાઈડ થઈ ગયાં છે ? છોકરાં સર્ટિફાઈડ થઈ ગયાં !

પ્રશ્નકર્તા : દાદા, આ એક જ જગ્યા એવી જોઈ કે જ્યાં યોગ્યતા પૂછવામાં આવતી નથી. નહીં તો બીજે બધે ઠેકાણે પૂછે કે તમારો શું માલ છે, તમારામાં શી યોગ્યતા છે, ત્યાર પછી પેસવા દે અને આપની પાસે તો બધાં છાસિયા સોના જ અમે આવ્યા. તે આપે કોઈ દહાડો પૂછયું નથી કે આ છાસિયું છે તારું. આપ ચોક્સી એટલે તો છાસીયુંને ચોખ્ખું કરી આપો છો !

દાદાશ્રી : હા, કારણકે હું જાણું ને, કે કશા ય માલ વગરના છે આ લોક. એને પૂછીએ તો આપણી જોખમદારી. સામાની આબરૂ લીધા બરોબર ને ! જેની પાસે લક્ષ્મી ના હોય એને આપણે કહીએ, કેટલી લક્ષ્મી છે તમારી પાસે ? તે ઉલટું શરમમાં મૂકવા જેવું. એવું કેમ પૂછાય આપણાથી ? આપણે કહીએ, બા, સુખી છું ? બસ બા. એ તો આમાં માલ કશો ય નહોતો, આ તો બધો. આ દુનિયા માલ વગરની થઈ ગયેલી છે અત્યારે તો. આ તો વ્યવસ્થિત ચલાવ્યા કરે છે ગાડાં.

નહીં તો કોઈ અવતારમાં, કોઈ કાળમાં ય છે તે જ્ઞાની પુરૂષે આવો ચાબખો નહીં માર્યો હોય કે અન્ક્વૉલિફાઈડ ફાધર્સ એન્ડ અન્ક્વૉલિફાઈડ મધર્સ. આવો ચાબખો તો કોઈએ માર્યો જ નથી. કારણકે એવું જ આ બધું થઈ ગયું છે. હવે ક્વૉલિફિકેશન એટલે એ લેવાનું નથી. પણ સામાન્ય બુધ્ધિ હોવી જોઈએ કે ના હોવી જોઈએ. બાપ થવાની સામાન્ય બુદ્ધિ હોવી જોઈએ કે ના હોવી જોઈએ ? કોઈએ માર મારેલો જ નહિ ને ! માર મારવામાં કંઈ ફાયદો ? તમને લાગ્યું કે લોકો વાંચશે, ત્યારે સમજાશે કે આ ભૂલ તો ખરી, આ છોકરાંને કેળવતાં આવડતું નથી. હા, બીજાં બધાં લોકને છે તે કેળવવાં ના પડે. બીજાં દેવલોકોને કે બીજાં લોકોને કે આ જાનવરોનાં છોકરાંને કોઈને કેળવવાં ના પડે. એ સહજ કેળવાયેલાં હોય. આમને જ કેળવવા પડે. કેળવવા માટે પોતે કેળવાવું જોઈએ. જોખમદારી છે એ તો બધી. 'અન્ક્વૉલિફાઈડ ફાધર્સ' એ તો બોલવું, કંઈ જેવી તેવી વાત છે ? આ દુનિયામાં કોઈ પણ રોગ એવો નથી કે જેની દવા ના હોય. ડૉકટરો ય કહે, આ તો કેવો થઈ ગયો પેલો ? કષ્ટ સાધ્ય ?

પ્રશ્નકર્તા : ક્રોનિક થઈ ગયો છે.

દાદાશ્રી : ડૉકટરો કહે, ક્રોનિક. પણ ક્રોનિકની દવા છે. ફક્ત એની પુણ્યૈ કાચી પડી છે તેથી ભેગું થતું નથી. બાકી, અમથા કોઈક એવા પુરૂષના હાથ અડે તો મટી જાય બધું. અગર તો ચપટી દવા આપે ને, તો ય મટી જાય. બધી ચીજ છે જગતમાં. કશું નથી એવું નથી. ફક્ત એની પુણ્યૈ કાચી પડે છે.

એટલે એના ઉપાય જાણવા પડે એમ. અને ના જાણે ત્યાં સુધી ફાધર થવાનું બંધ રાખતા હોય તો શું ખોટું ? એ તો અન્સર્ટિફાઈડમાં ગણાશે.

પ્રશ્નકર્તા : એટલે બધા દાદા, અન્સર્ટિફાઈડ જ છે !

દાદાશ્રી : પણ એવું કહેવું પડે ને !

પ્રશ્નકર્તા : ખુલ્લું તો પાડવું પડે.

દાદાશ્રી : જે સાચા છે તે તો પકડશે ને ! જેને એમ ખાતરી છે કે ભઈ, આપણે એવા નથી તો એને લાગતું નથી. જેને છે એવા તે પકડી જ લે છે ને, તરત ? એવું છે ને, ચોખ્ખું કોઈ બોલનાર નીકળે નહીં. કારણકે આખા જગતમાં કોણ ચોખ્ખું કહી શકે ? નિર્ભય થયેલા હોય એવા 'જ્ઞાની પુરૂષ', જેને કોઈ ચીજનો ભય ના હોય, જેને ભગવાન વશ થઈ ગયેલા હોય. ભગવાન જેને ચૌદલોકનો નાથ વશ થયેલો હોય, એ બધું બોલી શકે ફાવે એવું. બીજા કોઈનું ગજું જ નહીં ને ! શું છોકરાને કરશો ? કહો હવે ! તે રાખવાના, પટાવવાના ! માથા હારે જડ્યાં છે ને, લખેલાં છે.

પ્રશ્નકર્તા : માંગેલા જ છે દાદા. એ તો આગળથી માંગેલા જ છે.

દાદાશ્રી : હા. એટલે સમજીને જ આપણે કામ કરવું. કાઢી મેલે તો પોસાતું નથી.

પ્રશ્નકર્તા : બ્રહ્મસ્વરૂપ થઈ ગયેલા દાદા, આ કઈ કરૂણા છે ? આવી વાતોમાં પણ સમય આપે છે.

દાદાશ્રી : હા, સમય આપે ને પણ ! આપવો જ જોઈએ. નહીં તો લોકો આ મુંઝામણમાંથી કેમ નીકળે તે ?! કેટલી મુંઝામણ હશે ? એટલે આખો દા'ડો આ જ કારૂણ્યતા વપરાય છે ને અને ત્યારે પેલો ગુંચામણમાંથી નીકળે તો આ જ્ઞાનને પામે ને તો જ રસ્તે ચઢે. નહીં તો ચઢે શી રીતે તે ? કંઈક આમાં મુંઝામણ નીકળશે ને, મારી જોડે બેસશો તો ? તમને ખાતરી થઈ ગઈ ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : નીકળે પછી મુંઝામણ. કારણકે અમારું વચનબળ હોય. શબ્દ હાજર થાય તે ઘડીએ. માટે છોકરો ગાંડાઘેલો હોય કે એવું તેવું હોય તો કંટાળ્યે ના ફાવે. એ તો આપણે લમણે લખેલો છે.

પ્રશ્નકર્તા : લમણે લખેલો એ સ્વીકારીને રહીએ તો ચાલે.

દાદાશ્રી : સ્વીકારી લઈને કામ આગળ ચલાવવું પડે. આપણો જ હિસાબ આ. કંઈ પારકો હિસાબ નથી અને તે લમણે લખેલા પાછાં. મેં જાણ્યું કે આ કાળમાં આવું 'અન્સર્ટિફાઈડ ફાધર્સ ને અન્સર્ટિફાઈડ મધર્સ' શા હારું લખાઈ ગયું હશે ? હું ય વિચાર કરતો હતો કે આવા કંઈ શબ્દ બોલાતા હશે ? એક-બે જણે મને કહ્યું ય હતું કે 'આવું આવું લખ્યું ?' મેં કહ્યું, 'હા, લખ્યું.' એવા ફાધર છે તે ખબર પડી જશે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19