ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19

મા-બાપછોકરાનોવ્યવહાર

(૮)

નવી જનરેશન, હેલ્ધી માઈન્ડવાળી !

ટી.વી.-સીનેમા જોવામાં શો સાર;

ગંધાતો કાદવ, લ્હાયને ઠાર!

દાદાશ્રી : રવિવારે તમારા નજીકમાં જ સત્સંગ હોય છે તો કેમ આવતા નથી ?

પ્રશ્નકર્તા : રવિવારે ટી.વી. જોવાનું હોયને, દાદા !

દાદાશ્રી : ટી.વી.ને તમારે શું સંબંધ ? આ ચશ્મા આવ્યા છે તો ય ટી.વી. જુઓ છો ? આપણો દેશ એવો છે કે ટી.વી. ના જોવું પડે, નાટક ના જોવું પડે, બધું આ અહીં ને અહીં રસ્તા પર થયા કરે છે ને ?

પ્રશ્નકર્તા : એ રસ્તે પહોચીશું ત્યારે એ બંધ થશેને ?

દાદાશ્રી : કૃષ્ણ ભગવાન ગીતામાં એ જ કહી ગયા કે મનુષ્યો અનર્થ ટાઈમ વેડફી રહ્યા છે. કમાવા માટે નોકરીએ જાય એ તો કંઈ અનર્થપૂર્વકનું ના કહેવાય. જ્યાં સુધી પેલી દ્રષ્ટિ મળે નહી ત્યાં સુધી આ દ્રષ્ટિ છૂટે નહીં ને ?

લોક શરીરે ગંધાતો કાદવ ક્યારે ચોપડે ? એને લ્હાય બળે ત્યારે એવું આ ટી.વી., સિનેમા, બધું ગંધાતા કાદવ કહેવાય. એમાંથી કશો સાર ના નીકળે. અમને ટી.વી. જોડે ભાંજગડ નથી. દરેક વસ્તુ જોવાની છૂટ હોય છે. પણ એક બાજુ પાંચ ને દસ મિનિટે ટી.વી. હોય ને એક બાજુ પાંચ ને દસ મિનિટે સત્સંગ હોય. તો શું ગમે ? અગિયાર વાગે પરીક્ષા હોય ને અગિયાર વાગે જમવાનું હોય તો શું કરો ? એવી સમજણ હોવી જોઈએ !

પ્રશ્નકર્તા : રાતે મોડે સુધી ટી.વી. જોતાં હોય એટલે પછી સૂવે જ નહીંને ?

દાદાશ્રી : પણ ટી.વી. તો તમે વેચાતું લાવ્યા, ત્યારે જુએને ? તમે ય છોકરાઓને ફટવ્યાં છે ને બધા. આ તમે માબાપે છોકરાંઓને ફટવ્યાં છે અને ટી.વી. લાવ્યા પાછાં ! એ તોફાન નહોતું તે પાછું વધાર્યું તોફાન.

પ્રશ્નકર્તા : હા, તે દુનિયામાં રહેવા માટે તો દુનિયાનું કરવું જ પડે. નહીં તો આ લોક તો કહે, બાઘાં છો.

દાદાશ્રી : દુનિયામાં રહેવા માટે ખાવાનું, શ્વાસનું, એ બધું, કપડાં-બપડાં અને આ મકાન, એટલું જ આવશ્યક છે. બીજી આવશ્યક વસ્તુ નથી. સંડાસની આવશ્યકતા બહુ છે. સંડાસ ના હોય તો તમને ખબર પડી જાય. જો સરકાર એમ કરી દે કાયદો કે પંદર દહાડા સુધી કોઈએ સંડાસ ના જવું. તો સરકારને કહેશે, તમે કહો એ વેરો ભરીએ, પણ અમને સંડાસ જવા દો. હવે જેનું મહત્તમ આટલું બધું છે, તો ય લોકોને કિંમત નથી. સરકાર સંડાસ બંધ કરે તો કેવી દશા થાય !?

પ્રશ્નકર્તા : બહુ બૂરી દશા થાય.

દાદાશ્રી : તે ઉલટો સરકારનો ઉપકાર સંડાસ જવા દે છે, બહુ સારું છે !

પછી રેડિયો, આ ગાંડપણ ક્યાંથી પેસી ગયું આ બધું. આમાં શું સાંભળવાનું ? માણસો સામસામી બોલે તે સાંભળવાનું. જીવતાંનું સાંભળીએ. આ મરેલાંનું શું સાંભળવાનું ? મેં કોઈ દહાડો રેડિયો લીધો નથી. જો ઘડિયાળે ય એટલે હાથનું ઘડિયાળ ખરીદ્યું નથી. હં, પેલું ઘરમાં મૂકવાનું લાવ્યા છીએ. આ તો બધી મેડનેસ છે, ઘનચક્કર બનાવવાનાં કારખાનાં છે.

આ છોકરાંઓ આખો દહાડો કાને રેડિયો નથી અડાડી રાખતાં ? કારણ કે આ રસ નવો નવો ઉદયમાં આવ્યો છે બિચારાંને ! આ એનું નવું 'ડેવલપમેન્ટ' છે. જો 'ડેવલપ' થયેલો હોત તો કાને રેડિયો અડાડત જ નહીં, એક ફેરો જોઈ લીધા પછી ફરી અડાડે નહીં. નવીન વસ્તુને એક ફેર જોવાની હોય, એનો કાયમ અનુભવ લેવાનો ના હોય. આ તો કાનની નવેસરથી ઈન્દ્રિય આવી છે તેથી આખો દહાડો રેડિયો સાંભળ્યા કરે છે ! મનુષ્યપણાની તેની શરૂઆત થાય છે. મનુષ્યપણામાં હજારો વખત આવી ગયેલો માણસ આવું તેવું ના કરે.

અમારી પાસે વ્યવહાર જાગૃતિ તો નિરંતર હોય ! કોઈ ઘડિયાળની કંપની મારી પાસે પૈસા લઈ ગઈ નથી. કોઈ રેડિયોવાળાની કંપની મારી પાસેથી પૈસા લઈ ગઈ નથી. અમે એ વસાવ્યાં જ નથી. આ બધાંનો અર્થ જ શો છે ? 'મિનિંગલેસ' છે. જે ઘડિયાળે મને હેરાન કર્યો, જેને જોતાંની સાથે જ મહીં તેલ રેડાય એ શું કામનું ? ઘણાંખરાંને બાપને દેખવાથી મહીં તેલ રેડાય. પોતે વાંચતો ના હોય, ચોપડી આઘી મૂકીને રમતમાં પડ્યો હોય ને અચાનક બાપને દેખે તો તેને તેલ રેડાય, એવું આ ઘડિયાળ દેખતાંની સાથે તેલ પડ્યું તો બળ્યું, મેલ ઘડિયાળને છેટું. અને આ બીજું બધું રેડિયો-ટી.વી. તો પ્રત્યક્ષ ગાંડપણ છે, પ્રત્યક્ષ 'મેડનેસ' છે.

પ્રશ્નકર્તા : રેડિયો તો ઘર-ઘરમાં છે.

દાદાશ્રી : એ વાત જુદી છે. જ્યાં જ્ઞાન જ નથી ત્યાં આગળ શું થાય ? એને જ મોહ કહેવાય ને ? મોહ કોને કહેવાય છે ? ના જરૂરિયાત ચીજને લાવે ને જરૂરિયાત ચીજની કસર વેઠે એનું નામ મોહ કહેવાય.

નવું પેન્ટ પહેરી જો જો કરે તકતામાં;

ન કો' નવરું જોવાં, સહુ સહુની ચિંતામાં!

નવું પેન્ટ પહેરીને અરીસામાં જો જો કર્યા કરે. અલ્યા, અરીસામાં શું જુએ છે ? આ કોની નકલ કરે છે. તો જુઓ ! આધ્યાત્મવાળાની નકલ કરી કે ભૌતિકવાળાની નકલ કરી ? જો ભૌતિકવાળાની નકલ કરવી હોય તો આ પેલા આફ્રિકાના છે, એમની કેમ નથી કરતાં ? પણ આ તો સાહેબ જેવા લાગીએ... એટલે નકલો કરી. પણ તારામાં બરકત તો છે નહિ ! શાનો 'સાહેબ' થવા ફરે છે ? પણ સાહેબ થવા માટે આમ અરીસામાં જુઓ, પટીયા પાડ પાડ કરે. ને પોતે માને કે હવે ઓલરાઈટ થઈ ગયો છું. પાછો પાટલુન પહેરીને આમ પાછળ થબોકા માર માર કરે. અલ્યા, શું કામ વગર કામનો માર માર કરે છે ?! કોઈ બાપો ય જોનાર નથી, સહુ સહુના કામમાં પડ્યાં છે. સહુ સહુની ચિંતામાં પડ્યા છે.

તને જોવા નવરું ય કોણ છે ? સહુ સહુની માથાકૂટમાં પડ્યા છે. પણ પોતાની જાતને શું ય માની બેઠાં છે ! મનમાં માને કે આ ત્રણસો રૂપિયા વારનું કપડું છે. એટલે લોક મારી કિંમત કરશે. પણ આ તો જોવા જ કોઈ નવરું નથી ને. પણ તો ય મનમાં ફૂલાયા કરે. અને સ્હેજ ઘેરથી બહાર જવાનું થાય ને તો પાટલૂન બદલ્યા કરે. એ ય બીજું પાટલૂન લાવો. આ લોક કંઈ જેવા તેવા હોય છે ? અલ્યા, શું ધાર્યું છે તે આ ? તને જોવા માટે કોઈ બાપો ય નવરો નથી. શું તારું જોવાનું છે તે ? પણ તો ય સારું પાટલુન પહેરીને મનમાં શું ય માન્યા કરે. આવું છે આ જગત.

પાછું પેન્ટ ફાટયું હોય તો સાંધ સાંધ કર્યા કરે. શા હારું સાંધો છો ? ત્યારે કહે, કોઈ જોઈ જાય ને. અલ્યા છે કંઈ આબરૂ, તે વગર કામના આબરૂ રાખ રાખ કરવા ફરો છો. મૂઆ, કોઈની આબરૂ તો મેં જોઈ જ નહીં. આબરૂદાર માણસ તો કેવો સુગંધીવાળો હોય. આજુબાજુ લોક પચ્ચીસ માઈલના 'રેડીયસ'માં બોલતાં હોય કે શ્રેષ્ઠી પુરુષ કહેવા પડે ! ફલાણા શેઠ કહેવાં પડે ! આજુબાજુ બધા કહેતાં હોય. એને ઘેર જઈએને તો ય સુંગધ આવે. આ તો મૂઆ, ઘરમાં જ ગંધાતા હોય. ઘરમાં ય એના બાબાને પૂછીએ કે, 'ભઈ ચંદુલાલ શેઠ....' ત્યારે કહે, 'મારા ફાધરની વાત કરો છો ? એ ચક્કર તમને કંઈથી ભેગા થયા.' એવું છે આ જગત.

પ્રશ્નકર્તા : ફક્ત છોકરાઓને ફેશનની પડી હોય છે. બધાં કપડાં ને આ તે બધાનાં શોખીન હોય છે !

દાદાશ્રી : ફેશનની ય નથી પડેલી, મોહી છે આ તો ! એ તો દરજી આમ વાંકું સીવી આપે ને તો એવું પહેરીને ફરે. પણ મોહ, ફેશન નહીં. આ મોહી પ્રજા કહેવાય. આ કાળમાં દરજીએ લોકોને નચાવ્યા છે ! એક ફેરો ટાઈટ કપડાં કરી આપે છે, તો એવાં ય પહેરીને ફરે છે. એક ફેરો આવડું પહોળું કરી આપે છે તે ય પહેરીને ફરે છે. આ તો નોનસેન્સ કહેવાય, પણ આવા છે માટે હિન્દુસ્તાનનું ભલું થવાનું છે. આવાની જરૂરિયાત હતી. પબ્લિક આવી થઈ જવાની જરૂર હતી.

દેવલોકથી ઉતર્યા વાળછાવાળાઓ!

પુણ્યૈથી બધું પોશ પામ્યા, ન દીઠાં ખાડાઓ!

જુઓને, આજનાં છોકરાં આટલા લાંબા વાળ રાખે છે, તે શાથી ? એમના અભિપ્રાયમાં છે કે આ સારું દેખાય છે. અને આ ભાઈને લાંબા વાળ રાખવાનું કહીએ તો ?! એમને એ ખરાબ દેખાય. આ અભિપ્રાયોનું જ સામ્રાજ્ય છે. બુદ્ધિએ જેમાં સુખ માન્યું તેના અભિપ્રાય છે.

પ્રશ્નકર્તા : આ તો દરરોજ મૂછ કાપવી ના પડેને, એટલે રહેવા દેવાની.

દાદાશ્રી : એનો વાંધો નહીં. મૂછો ના રાખવી હોય તેનો ય વાંધો નથી. એ તો સ્વતંત્ર શોખની વાત છે ને ! મૂંડવી કે ના મૂંડાવવી એના શોખની વાત છે ને ?! પેલા બાવાઓ તો આવડી આવી મોટી કરીને રાખે છે ને ! એમને ક્યાં પાણી છાંટવું પડે છે !!

સત્યુગમાં જે દેવગતિમાં ગયા હતા, તે અત્યાર સુધીમાં દેવલોક ભોગવ્યું, એમનું બેલેન્સ ત્યાં પુરું થયું એટલે અહીં પધાર્યા પાછાં. ખરે ટાઈમે, આપણે નાદારીનો વખત આવ્યો ત્યારે એ પધાર્યા. થઈ ગયા સાદારને ! એ પધાર્યા એટલે અત્યારે કામ તો ચાલુ થઈ ગયું ને ?! હોય છે રૂપાળાં પાછાં, એવાં કદરૂપા નથી હોતાં. આટલા વાળ-બાળ રાખીને ફરે !

સીધા દેવલોકો આવ્યા છે ને અત્યારે એમનો કાળ નિર્માણ થયેલો હોય, તે દહાડેથી જ નિર્માણ થયેલો હોય કે અમુક કાળે જ આ લોકો આવશે. દાદા પધાર્યા પછી જ આવશે. આ બધાનું કામ થઈ જશે. આ તો હજુ આપણું પ્રકાશમાં આવશે ને ત્યારે આ બધા છોકરાઓ કામ કાઢી લેશે.

આ હવે કશું ય નથી રહ્યું, પણ આ દેવલાકો આવ્યાં ખરાં, નહીં ? ત્યાંથી છોડ્યા ખરાં. પેલા ગાનતાનમાંથી આવેલાને એટલે અહીં યે ગાનતાન જોઈએ જ.

પ્રશ્નકર્તા : એ જીવો આવે તો જ બધું પ્રકાશમાં આવે ને ?

દાદાશ્રી : પ્રકાશમાં આવવા માટે જ આ બધું થયું છે.

વચ્ચે ત્રણ-ચાર પેઢી એવી આવી ગઈ, આ પાછલાં એંસીએક વર્ષમાં તે મૂછો કાઢવાની ચાલુ થઈ ગઈ. એ ચારેક પેઢી સુધી ટકી, પછી હવે એ ખલાસ થઈ ગઈ. પાછું નવી જાતનું આવશે. પાછા થોભીઆ રાખશે, દાઢી રાખશે ને બધા કંઈ જાતજાતનું તોફાન ચાલશે. આમ આ ચક્કર ફર્યા કરે, કાળ પ્રમાણે બધું થયા કરે, એમાં કોઈનો ય દોષ નથી. એક દહાડો નર્યા ફ્રેંચકટવાળા જ દેખાતા હતા. જ્યાં ગાડીમાં બધે જ ફ્રેંચકટવાળા. એટલે બધું ફર્યા કરવાનું. આ મૂછો કાઢવાનો નાદ તો આપણા દેશમાં હતો જ નહીં. એ તો ફોરેનનો બધો પેસી ગયો છે, આ યુરોપીયન આવ્યા ને એમનો નાદ આ લોકોને પેઠો છે. પણ આપણા લોકો સુધરી ગયા ને ! પહેલાં પારસીઓ સુધર્યા, પછી ધીમે ધીમે આપણા લોકો ય સુધરી ગયા. નહીં તો તો આપણે ત્યાં મૂછો કાઢેને એટલે લોક પૂછે કે ભઈ કોણ મરી ગયું છે ? હું તો નથી જાણતો ? ઓત્તારીની ! આ અપશુકનની વાત થઈ ? હા, કોઈ મરી જાય ત્યારે જ મૂછો કાઢજો. એવું આપણા લોક કહેતા. પણ આ હવે એવું કશું ય રહ્યું નથી. અત્યારે આ વાળ વધારવાની ફેશન ચાલી છે.

પણ આ લોકો પુણ્યશાળી તો ખરાંને ! જુઓને એમનાં આવતાં પહેલાં મકાનો કેવાં કેવાં બંધાયાં, ઈલેક્ટ્રિસિટી કેવી ઊભી થઈ, એ બધું કેવી કેવી તૈયારીઓ થઈ. નહીં તો આ દાદરમાં રહેતા હોય ને તો સાંજે તો કેટલાં ય મચ્છરાં કૈડી ખાય. દાદરમાં તો પાર વગરનાં મચ્છરાં અને મુંબઈ શહેરમાં જો કદી ઓળખાણવાળાને ત્યાં ભૂલેશ્વરમાં મુકામ કર્યો હોય ને તો આખો દહાડો સંડાસ ગંધાયા કરતાં હોય, એ ચાલીઓ ગંધાયા જ કરતી હોય બળી ! ત્યાં તો ભૂલેચૂકે ના જવાય. એનાં કરતાં આ મચ્છરો સારાં. બહુ ત્યારે રાતે મોઢાંમાં પેસી જશે ! પણ અત્યારે આ વાળછાવાળા છોકરાંઓ તો એમણે આવું કશું જોયું જ નથી ! એ જાણતા જ નથી કે અહીં મચ્છરાં હતાં. એ લોકોએ ભીડ જ બધે જોઈ છે.

ભીડ જ ભાળી જન્મથી જ જુવાનોએ;

નથી જોઈ છૂટ કદિ સંતાનોએ!

એક ફેરો હું ગાડીમાં બેઠો હતો. તે જ પચ્ચીસેક વર્ષ પહેલાંની વાત છે. હું તો ગાડીમાં પેસવા ગયો, ત્યારે બધાં છોકરાંઓ આમ સામસામી પગ પર પગ નાખીને બેઠાં હતાં ને ઊભાં રહેવાની જગ્યા નહીં. મેં એક નાની બેગ હાથમાં રાખેલી. આ જ્ઞાન થતાં પહેલાંની વાત કરું છું. બેગ એવી વાપરું કે ભલે બે મહિના, ચાર મહિના ચાલે તો વાંધો નહીં, પણ એક બેગ ઉપર આપણે બેસવું. એ ચામડાની બેગ તૂટી જાય તો વાંધો નહીં. પણ એની ઉપર બેસવા જોઈએ. આમ ખુરશી જેવું. એટલે ટ્રેનમાં પેઠાને પછી બેગ મૂકવા ગયો. ત્યારે પેલાં છોકરાં કહે, 'કાકા, શું કરવા બેગ ઉપર બેસવાં જાવ છો, બેગ ઉપર બેસતાં નહીં ફાવે. તમે અહીં ઊપર બેઠક ઉપર બેસો.' એમાં એક છોકરો ઉઠીને નીચે બેસી ગયો અને મને આટલી જગ્યા કરી આપી. મારે તો બેસવા માટે બહુ થઈ ગઈ. પછી બેઠો. ત્યાર પછી મેં છોકરાંઓને કહ્યું, 'અલ્યા, તમને આ ભીડ નથી લાગતી ! તમને કેમ કરીને આ ભીડ ગમે છે ? તમે આ પગ ઉપર પગ નાખ્યાં છે, ખભેખભાં આમ અડાડીને બધા બેઠેલા છો, આ પાર વગરની ભીડમાં !' ત્યારે પેલાં છોકરાંઓએ જવાબ આપ્યો, મને એ નોંધ કરવા જેવો જવાબ લાગ્યો. મને કહે કે 'કાકા, તમે ભીડ શેને કહો છો?' આ છોકરો ઉલટો મને પૂછે કે ભીડ તમે શેને કહો છો ? ત્યારે મેં કહ્ય

ું કે 'અલ્યા, આ ભીડ ન હોય ?' ત્યારે કહે છે કે, 'ના, આ ભીડ ના કહેવાય. તમે આને ભીડ કહો છો ?' મેં કહ્યું કે ભઈ, મેં તો છૂટ જોયેલી એટલે મને આ ભીડ લાગે, તમે તો છૂટ જોયેલી નથી લાગતી. તો કહે, ના, અમે જન્મ્યા ત્યારથી જ આવું જોયેલું ને એટલે અમે છૂટ જાણતા જ નથી. અમે તો આવું જાણીએ કે આવું જ હોય, ભીડ હોય. મેં કહ્યું કે અમારા વખતમાં અમે મુંબઈ આવતા તે એક ડબ્બામાં બેઠા હોય તો જોડે કોઈ માણસ ના મળે તે બીજા ડબ્બામાંથી કો'કને ખોળવો પડે, ત્યારે એવી છૂટ હતી. ત્યારે છોકરાંઓ હસવા લાગ્યા કે એવું તો હોતું હશે! મેં કહ્યું, એવું જ હતું બધું. એમણે તો જોયેલું જ નહીં ને એવું બધું. એમણે તો જન્મ્યા ત્યારનું આનું આ જ જોયેલું. લટકીને આવવાનું ને લટકીને જવાનું અને ક્યુ, ક્યુ ને ક્યુ વગર તો જોયું જ નથીને ! બધામાં ક્યુ, ખાંડમાં, તેલમાં, ટીકીટ લેવા માટે બધે ક્યુ ને ક્યુ જ. એટલે આ બધું જૂનું ફર્યા કરે, પાછલું બધું બદલાયા કરે ને નવું આવે. આ રાઉન્ડમાં છે બધું. આ યુગો એ ય રાઉન્ડ છે. પાછલું બધું ભૂલાડી દે અને પાછું આ નવું નવું ઉત્પન્ન થાય. નવી નવી અવસ્થાઓ ઉત્પન્ન થયા જ કરે જગતમાં. અને નવી પેઢી અને જૂની પેઢીને ઝઘડા ચાલ્યા જ કરે.

વડીલોની કચકચ, ત્રણેય કાળમાં;

ઊંધી ટોપી, તો ય કહો, શોભે તારા વાળમાં!

જૂની પેઢીવાળાં છોકરાંઓ જો કે કચકચ કરતાં હોય તો હું એને પૂછું કે તમે નાના હતા ત્યારે તમારા બાપ કશું તમને કહેતા હતા કે ? ત્યારે કહેશે, બાપા ય કચકચ કરતા હતા. એ બાપાને પૂછીએ તમે નાના હતા ત્યારે ? તો કહેશે, અમારા બાપા ય કચકચ કરતા હતા. એ આ 'આગે સે ચલી આયી છે'. અલ્લાની કૂણી જેવું, આગે સે ચલી આયી!

છોકરો જૂની વાત સ્વીકારવા તૈયાર નથી. એટલે આપણે બધા, વાંધા પડી ગયા છે. બાપને હું મોર્ડન થવાનું કહું છું, તો થતા નથી. એ શી રીતે થાય ? મોર્ડન થવું એ કંઈ સહેલી વાત નથી.

કારણ કે દરેક યુગમાં હંમેશા આવો ભેદ પડી જાય છે. કળિયુગ જ્યારે પલટો મારે ત્યાં એ વખતે જો મૂર્ખ હોય તો પકડ રાખે. હું તો પહેલેથી જ મોર્ડન થઈ ગયેલો. કારણ કે એ યુગ ફરે છે. આ વચ્ચે છોકરાં છે તે આવડાં આવડાં વાળને આમ થોભીયા-બોભીયા એમાં લોકોએ ટીકા કરવા માંડી, મેં કહ્યું, ના કરશો. એ છોકરાં એમને આ બુદ્ધિપૂર્વક નથી થતું આ. આ તો વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ. પોતે જાતે જ કોયડો થઈ ગયો છે આ અને ગુહ્ય છે કોયડો !!

આ ઘૈડિયાં ઘરમાં પેસે તો કહેશે, 'આ લોખંડનું કબાટ ? આ રેડિયો ? આ આવું કેમ ? તેવું કેમ ?' એમ ડખો કરે. અલ્યા, કોઈ જુવાનની દોસ્તી કર. આ તો યુગ જ બદલાયા કરવાનો. તે વગર આ જીવે શી રીતે ? કંઈક નવું જુએ એટલે મોહ થાય. નવું ના હોય તો જીવે શી રીતે ? આવું નવું તો અનંત આવ્યું ને ગયું, તેમાં તમારે ડખો કરવાનો ના હોય. તમને ના ફાવે તો તે તમારે ના કરવું. આ આઈસ્ક્રીમ એમ નથી કહેતો તમને કે અમારાથી ભાગો. આપણે ના ખાવો હોય તો ના ખઈએ. આ તો ઘૈડિયાં એની પર ચિઢાયા કરે. આ મતભેદો તો જમાનો બદલાયાનાં છે. આ છોકરાં તો જમાના પ્રમાણે કરે. મોહ એટલે નવું નવું ઉત્પન્ન થાય અને નવું ને નવું જ દેખાય છે. અમે નાનપણથી બુદ્ધિથી બહુ જ વિચારી લીધેલું કે આ જગત ઊંધું થઈ રહ્યું છે કે છતું થઈ રહ્યું છે, અને એ પણ સમજાયેલું કે કોઈને સત્તા જ નથી આ જગતને ફેરવવાની. છતાં અમે શું કહીએ છીએ કે, 'જમાના પ્રમાણે એડજ્સ્ટ થાવ !' છોકરો નવી જ ટોપી પહેરી આવે તો એવું ના કહીએ કે, 'આવું કંઈથી લઈ આવ્યો ?' એના કરતાં 'એડજસ્ટ' થઈએ કે, 'આવી સરસ ટોપી ક્યાંથી લાવ્યો ? કેટલાની આવી ? બહુ સસ્તી મળી ?' આમ 'એડજસ્ટ' થઈ જઈએ.

પ્રશ્નકર્તા : રેડિયો, ઘડિયાળ બધું હોય, તો એડજસ્ટ તો થવું પડે ને ?

દાદાશ્રી : એડજસ્ટ તો થઈએ, પણ આપણને એ અનુકુળ ના આવેને. એડજસ્ટ થઈએ, એમાં આપણે વિરોધી નહીં. એ કહે, વેચાતો લાવવો છે. તો કહીએ 'લાવો ભાઈ, એમાં વિરોધ ના કરીએ આપણે. લાવો મૂકો. જુઓ, એ પૂછે કે આમાં નુકશાન શું? તો અમે કહીએ. નહીં તો વારે ઘડીએ આપણે શું કામ કચ કચ કરીએ. આ તો સહુ સહુનું બગાડે છે !

હે બુઝર્ગો, તમે ફરો!

ભૂલકાં વચ્ચેનું અંતર હરો!

પ્રશ્નકર્તા : છોકરાંને મહેમાન ગણવાં ?

દાદાશ્રી : મહેમાન ગણવાની જરૂર નથી. આ છોકરાંને સુધારવા માટે એક રસ્તો છે, એમની જોડે મિત્રચારી કરો, અમે તો નાનપણથી જ આ રસ્તો લીધેલો. તે આવડા નાનાં છોકરા જોડે પણ મિત્રાચારી ને પંચ્યાશી વર્ષના ઘૈડિયા જોડે પણ મિત્રાચારી ! છોકરાં જોડે મિત્રાચારીનું સેવન કરવું જોઈએ.

સંસારનો અર્થ જ સમસરણ માર્ગ, એટલે નિરંતર પરિવર્તન- પણાને પામ્યા કરે. ત્યારે આ ઘૈડિયાઓ જૂના જમાનાને જ વળગી રહે. અલ્યા, જમાના પ્રમાણે કર, નહીં તો માર ખઈને મરી જઈશ ! જમાના પ્રમાણે 'એડજસ્ટમેન્ટ' લેવું જોઈએ.

જગત ફર્યા જ કરે છે. નિરંતર ફર્યા જ કરે છે. એકને એક જાતનું રહેને, તો માણસને ગમે જ નહીં અને મનુષ્યનો સ્વભાવ કેવો છે, કે નાનપણમાં જોયું હોય એવું ને એવું જ આ છોકરાને કહેશે, તારે આવું કરવાનું. અલ્યા, રહેવા દે. વખત બદલાઈ ગયો, વાત બદલાઈ ગઈ. તે દહાડે હોટલો ય ન્હોતી ને કશું નહોતું. અત્યારે હોટલો છે, અત્યારે ના ચાલીએ તો ક્યારે ચાલીએ ? સમય પ્રમાણે ફરવું જોઈએ બધું. સમય પ્રમાણે આ જગત ફર્યા જ કરવાનું અને પછી ફરી ફરી પાછું એની એ જ જગ્યાએ આવે અને હવે એવા જ ચણીયા ને બધું પાછું એવું જ પહેરશે.

પ્રશ્નકર્તા : આ શરૂઆત થઈ ગઈ.

દાદાશ્રી : હા થઈ જાય. તે ચૂડીઓ-બૂડીઓ પાછું ફરી એવું ને એવું જ પહેરશે. એટલે સમય પ્રમાણે બધું ફર્યા જ કરે અને તેથી જ નવું નવું લાગે છે, તેથી જ જીવાય છે. નહીં તો જીવાય નહીં. જૂનું થઈ જાય તો ગમે ? એની એ જ દશા હોય તો ગમે નહીં માણસને.

અમારા વખતમાં સહેજ હોટેલમાં ગયો હોય તો ઘરે મા-બાપ દમ કાઢી નાખે. કારણ કે મા-બાપે જોયેલી જ નહીં. એ અમુક જમાનામાં ઊછર્યાં. એમનાં અમુક જાતનાં એ પર્યાય પડી ગયેલાં. આ એમને ગમે નહીં અને છોકરાઓને આ ગમે. તે મતભેદ, આ સાંધા જ બધા પડ્યા કરે છે. અનંત અવતારથી જ, આ અવતારમાં જ આવું થયું એવું નથી, પહેલેથી જ આનંુ આ જ ચાલ્યું આવ્યું. નવા-જૂનાનો સાંધો ચાલ્યા જ કરે, ઝઘડો થોડો વખત રહે, થોડો વખત સારું રહે. તે ઘરમાં વીસ માણસો હોય તે બધા ય દાદા કહે એ પ્રમાણે ચાલ્યા કરે. એવું થોડો વખત રહે. પછી તો બધાંનાં ધાણી-ચણા વેચી ખાય એવો જમાનો આવે.

૧૯૨૧-૨૨ની સાલનો સાંધો;

આચાર-વિચાર, પહેરવાં-ખાવામાં!

બધું વાતાવરણ આનંદમાં રાખો. ભૂલવાળાને ય આનંદમાં રાખીને પછી કામ લેવું ? અને મારી જોડે બેસો છો રોજ, કંઈ ને કંઈ શીખવાનું તો મળે જ ને ? પણ જ્યાં સુધી તમે પેલું જૂનું ખસેડો નહીં, ત્યાં સુધી પેલું નવું એડજસ્ટ ના થાય. કારણ કે આ તો આપણે વારસામાં આવેલું, એ શી રીતે આપી દેવાય (!)?

પ્રશ્નકર્તા : બાપ-દાદાનું પ્રેક્ટીકલ જોયેલું છે.

દાદાશ્રી : એ તો તે દા'ડે કિંમતી હશે, આજે નથી કિંમતી. મારું શું કહેવાનું છે ? ૨૧ અને ૨૨ની સાલનો સાંધો, ૨૧ની સાલ પહેલાં જે જન્મેલાં હોય તેને તમારે જે કહેવું હોય તે કહેજો. પણ ૨૨ની સાલ પછી ના કહેશો.

પ્રશ્નકર્તા : એમાં ય જે વૉર ક્વોલિટીમાં જન્મેલા એને બીલકુલ ના કહેવાય.

દાદાશ્રી : કશું જ ના કહેવાય. આ વૉર ક્વોલિટીને કશું જ ના કહેવાય. પણ ૨૨ની સાલ પછી હું જોઈ લઉં, કે આ ૨૨ની સાલ. તે દા'ડે બે સાંધા પડ્યા, ૨૧ને ૨૨માં. ૨૧માં જન્મેલાનાં ધોતિયા, બધાંયના હંડ્રેડ પરસન્ટના અને ૨૨માં લેંઘા પેઠા. ત્યાંથી લેંઘા વધતા, વધતા, વધતા ૧૯૨૧ને ૨૨ની સાલનો સાંધો. કોઈને લેંઘાવાળો જાણું તો હું જાણું કે ૧૯૨૨ની સાલવાળો છે. બાકી વૉર ક્વોલિટી માલ તો વાત જ જુદી. ૧૯૨૧ ને ૧૯૨૨ની સાલ તે મેં હિસાબ ખોળી કાઢેલો. દિવસે દિવસે મનોબળ તૂટતાં ચાલ્યાં, અંતઃકરણમાં આખું બળ જ ! તે અમારા પહેલાં કંઈ ઘૈડિયાઓ બળવાળા હતા એવું નહી.

પ્રશ્નકર્તા : સરળ હશે.

દાદાશ્રી : સરળે ય અબુદ્ધિને લઈને બુદ્ધિ ઓછી તેને લઈને, જ્યાં સુધી બુદ્ધિ હોય તે મૂઓ સરળ રહે જ નહીં એવા હતા. આપણા લોકો ગમે એ કહે કે અમારા ઘૈડિયાઓ બહુ સારા હતા, પણ એ તો એમને જ્યાં જ્યાં સ્કોપ મલ્યો છે ને, ત્યાં સ્કોપ છોડ્યો નથી. એટલે આમને સ્કોપ વગર આ સીધા રહેલા છે. તમારા ભઈને અને તમારે બેને ઝઘડો ચાલતો હોય તો ય તમારા વાડ આગળ ગલકું લટકતું હોય, તો તોડી ને, એમ નહીં કે આ પારકાનું લઉં છું. એ તો ખોળતો જ હોય આવું. પછી વાણિયો, બ્રાહ્મણ બધાં ય, આવી દાનતો હતી. આ તો અત્યારે બહુ સારી. મેં તો બધા ઘૈડિયાઓ જોયા'તા ને. ભોળા શાથી કહેવાય ? જોયેલું જ નહીં. બીજું ગામ જ જોયેલું નહીં. પછી શું ? ડામરનો રસ્તો જોયો હોય તો ભાંજગડ થાય ને ? તે દા'ડે તો હું ૨૨-૨૩ વર્ષે મુંબઈ જઈ આવેલો ને ! તે પછી ભાદરણ જઉંને ત્યારે કો'ક આમ પચાસ-પોણસો માણસો ઉપર અમથો ટેંટેં કરતો હોયને. ત્યારે હું કહું, 'કાકા, મુંબઈમાં સંડાસ જોઈ આવો. શેઠીયાઓના કેવાં છે ?' ત્યારે મેં કહ્યું, 'આ તમારી બધી મિલકત એક સંડાસમાં ! હેં ?' વગર કામનો મૂઓ ટેંટેં કર્યા કરે!! બહુ રેચેડ, રેચેડ બધું. કશું ધર્મનો તો આંકડો ય નહોતાં જાણતા.

આમ મંદિરમાં જાય તો પરસાદમાં ચિત્ત. પરસાદ વહેંચાયોને, પરસાદ ? અરે, મૂઆ પરસાદમાં... તે હોય કેટલો શીરો, આટલો જ આમ લીસોટો મારે, તે ય આમ ચાટચાટ કરે. અરે મેલને, શું ચાટચાટ કરે છે આ ? અને આજના છોકરાં તો આપણે આપીએ છીએને પેંડો. તો ય નહીં લેતાં, તમે જોયેલું એવું બધું ? આપણાં ઘૈડીઆઓનું જોયેલું ? તમને લાગે છે એવું ? આપણાં ઘૈડીયાનું. ખોટું નહીં બોલતોને ? તેં બધું જોયેલું ? મેં બહુ જોયેલું.

તેમ છતાં એવું નથી, તદ્ન એવું નહીં. ટેન પરસેન્ટ એવા સરસ હતા કે વખાણવા જેવાં. આજે એવા માણસ ના મળે, ટેન પરસેન્ટ માણસો એવાં હતા.

વાણિયા-પાટીદાર બધાં ય છે તે શાક-બાકની ચોરી કરી લાવે. અમે હઉં કરી લાવેલાને ! પણ મને નાનપણમાંથી એક ટેવ બહુ સુંદર હતી, ગમે ત્યાં એ લઈ જાય એમના ખેતરમાં. બધા શાક બાંધી લાવે, પણ હું ઘરે બાંધી ના લઉં. કોઈ દા'ડો ઘેર કશું લાવ્યો નથી, કોઈ દા'ડો ય લાવ્યો નથી. અમુક અમુક ધ્યેય બહુ સુંદર હતાં. ત્યાં આગળ, ત્યાં મોગરો ખાધો એટલો ખરો, બાકી ઘેર નહીં લાવવાનો. પેલા બધાં તો બાંધી લાવે છે લોકો.

પણ બહુ સંસ્કાર ખરાબ અને જો તિરસ્કાર, તિરસ્કાર, હરિજન ઉપર, બધા તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર અને રાંડેલી બઈ ઉપર તમે જોયેલો તિરસ્કાર ? તમને અરેરાટી નહોતી થતી ? બહુ જ જબરજસ્ત તિરસ્કાર અને હું તો વિરોધી પાછો, કડક. કડક ને વિરોધી. મને તો પોષાય નહીં આ તિરસ્કાર. બહુ તિરસ્કાર. આ કૂતરું ઘરમાં પેસી જાય છે ને, તેનો વાંધો નથી. પણ આ હરિજન ગામમાં પેસે તે ય હરકત તને પડી. ત્યારે કહે, ના પાછળ ઝાડુ બાંધો, એના પગલાં પડે છે ને ! તે એ ભાઈ ચાલે તેની પાછળ ઝાડુ ચાલે એટલે પેલા પગલાં ભૂંસાઈ જાય, અને આગળ કોડિયું બાંધો, કહે છે. તે અહી કોડિયું બાંધતા'તા, થૂંકવું હોય ને નીચે થૂંકાય નહીં. ત્યારે મૂઆ બિલાડીઓ તમારા ઘરમાં ફરે છે. મૂઆ, તમારા રસોડામાં ફરે તો ય ચલાવો છો ને આ નહીં ચલાવતા ? બિલાડીઓ દહીંમાં મોઢું ઘાલ્યું હોયને, તો ય મૂઆ દહીં ખાય છે. જાણે છે કે આ બિલાડી એ ચાખ્યું. કઈ જાતના લોક છે તે બધા ! તમારો ન્યાય કઈ જાતનો ?

તેજોદ્વેષ વધારે ધૈડીયામાં;

યુવાનોને ન પડી કોઈની દુનિયામાં!

માણસની નાની ઉંમર ને એક બાજુ કુણી દૂધી અને માણસની મોટી ઉંમર ને એક બાજુ ઘૈડી દૂધી, તે કયું શાક ચઢી જાય ?

પ્રશ્નકર્તા : એ કુણી જ ચઢે ને !

દાદાશ્રી : અને પેલી ઘૈડી ?

પ્રશ્નકર્તા : ચઢે જ નહીં.

દાદાશ્રી : એને ચઢતાં વાર લાગે. પેલી કુણી દૂધી તો સપાટાબંધ ચઢી જાય, આમ વરકો વળી જાય. એટલે આ જવાન માણસો તો જલદી વળી જાય.

પોતાનો છોકરો હોય, ભત્રીજો હોય કે ગમે તે હોય, એ વધારે પડતી બુદ્ધિ વધારે, અને એની આગળ જતો હોય તો આપણે એને હેલ્પ કરવી જોઈએ. અમે તો નાનપણમાંથી જ આવું નક્કી કરેલું પણ આ બધાં ઘૈડિયાઓને મેં જોયેલા. સહેજ કોઈ આગળ વધ્યો કે મારી ઠોકીને, ધક્કો મારીને પાછળ પાડી દેશે. અને પાછળ રહી ગયો હોય તો એને આગળ લડી આવશે. પણ મારી પાછળ રહે. આ બધાં ખોટાં ખોટાં જ ને ! આ કેટલું બધું ડેવલપમેન્ટ કાચું છે. મને બહુ ચીઢ ચઢે કે આ કઈ જાતના લોકો છે ? છોકરો આગળ વધ્યો તો આપણે આનંદ પામવો જોઈએ ને ! પણ હવે આ જમાનામાં લોકોનાં મન સારાં છે એટલું મેં જોયું. છોકરો આગળ વધે એમને તે ગમે.

પ્રશ્નકર્તા : પણ એ તો પહેલાં ભણતર ઓછું હતું ને, એટલે એવું હશે.

દાદાશ્રી : ના ના. અને એ લોકો શું કહે છે ? તમે ભણ્યાં છો પણ અમે ગણેલાં છીએ, પાછા અમારી સામે વાત મોટી કરે છે ? ગણતર અમારું હતું. જો કે એ લોકો ગણતરમાં ખોટાં નહોતા, બરોબર હતું. આ બધું ડેવલપમેન્ટ કાચું. આ અંગ્રેજો આવ્યા પછી આપણાં લોકોની બુદ્ધિ ડેવલપ થઈ ગઈ છે. આ ભણતર વધ્યું એને લીધે ડેવલપ થયો. ખોટાં દુરાગ્રહ ને ખોટી ધમાલો બધી તૂટી ગઈ. એટલે બહું સારું થઈ ગયું. પહેલાં તો કોઈ કોઈને આગળ જ વધવા ના દે. એટલે મેં તો મારાં ભત્રીજાઓને કહી દીધું કે, 'તમે મારી હેલ્પથી આગળ આવો, તો મને વાંધો નથી. અને આગળ આવ્યા પછી તમારાં શીંગડાં લઈને મને સામાં આવીને મારજો ને મને મારશો ત્યારે મને એમ લાગશે કે આ ડાહ્યો છે. પણ તમે મારાથી આગળ વધજો.' જ્યારે આપણા લોકો તો પાછું પાડવાનું ખોળ ખોળ કરે. મેં શું કહેલું કે આઈ વીલ હેલ્પ યુ. મેં આખી જીંદગી એવું જ રાખેલું.

આવી આ જનરેશન હેલ્ધી માઈન્ડવાળી;

ન મારી-તારી તિરસ્કાર કે તરછોડવાળી!

આપણો દેશ યુઝલેસ થઈ ગયો, જે એટલો બધો તિરસ્કાર, હલકી નાતનો. પાટીદાર વાણિયાની જોડે બ્રાહ્મણો બેસે નહીં ને બ્રાહ્મણની જોડે વાણિયો બેસે નહીં. ઊંચા હાથે પ્રસાદ આપે. પણ અત્યારની આ પ્રજા હેલ્ધી માઇન્ડવાળી છે, બહુ સરસ છે !

છોકરાઓ માટે સારી ભાવના જ કર્યા કરોને. એ બધા સંજોગો ભેગાં થઈ જશે. બાકી આ છોકરાંઓમાં કશું વળે એવું નથી. છોકરાં વળશે, પણ તે એની મેળે કુદરત વાળશે. છોકરાં સારામાં સારાં છે. કોઈ કાળે નહોતા એવા છોકરાં છે અત્યારે.

શું ગુણો હશે તે હું એવું કહું છું કે કોઈ કાળે નહોતાં એવાં ? કોઈ જાતનો બિચારાંને તિરસ્કાર નથી, કશું નથી. ખાલી મોહી, ભટકભટક કરે છે સીનેમામાં ને બધે. અને પહેલાનાં કાળમાં તે તિરસ્કાર એટલા બધા કે બ્રાહ્મણનું છોકરું પેલાને અડે નહીં. છે અત્યારે કશી ભાંજગડ ?

પ્રશ્નકર્તા : એવું કંઈ નથી. જરા ય નથી.

દાદાશ્રી : તે બધો ચોખ્ખો થઈ ગયો માલ અને લોભે ય નથી, માનની એ પડી નથી. અને પેલો અત્યાર સુધી તો બધો જૂઠ્ઠો માલ. માની-ક્રોધી-લોભી ! અને આ તો મોહી બિચારાં જીવડાં જેવા છે.

પ્રશ્નકર્તા : આપ કહો છો કે અત્યારની જનરેશન હેલ્ધી માઈન્ડની છે અને બીજી બાજુ જુઓ તો બધા વ્યસની છે ને બધા કેટલું બધું છે.

દાદાશ્રી : ભલે એ વ્યસની દેખાય, પણ એમને બિચારાને રસ્તો ના મળે ને તો શું થાય માણસ ? એમનું માઈન્ડ હેલ્ધી છે.

પ્રશ્નકર્તા : મા-બાપનો છોકરાઓ તિરસ્કાર કરે, મા-બાપને ગાંઠે નહીં એવા બધા થયા છે ને !

દાદાશ્રી : એ તિરસ્કાર-બિરસ્કાર કરે છે તે બધું એને માર્ગ મળ્યો નથી એટલે. માર્ગ મળે ને તો આ તો બહુ સારાં છોકરાંઓ છે.

પ્રશ્નકર્તા : હેલ્ધી માઈન્ડ એટલે શું ?

દાદાશ્રી : હેલ્ધી માઈન્ડ એટલે મારાં-તારાંની બહુ ના પડેલી હોય અને અમે તો નાના હતા ને, ત્યાંથી બહાર કોઈકનું કશું પડેલું હોય, કંઈક આપો તે લઈ લેવાની ઇચ્છા. કોઈકને ત્યાં ગયા જમવા, તો થોડું વધારે ખઈએ, ઘેર ખાતાં હોય તેના કરતાં. નાના છોકરાથી માંડીને ઠેઠ સુધી મમતા.

પહેલાં વિષયોમાં હોય ચોખ્ખાં લોક;

દસ વર્ષનાં ય દીગંબર, વિના રોક!

પણ અમારા વખતની એ પ્રજા એક બાબતમાં બહુ સારી હતી. વિષય વિચાર નહિ. કોઈ સ્ત્રી તરફ ખરાબ દ્રષ્ટિ નહિ. હોય, સેંકડે પાંચ-સાત ટકા માણસ એવા હોય ખરાં. તે ફક્ત રાંડેલીઓ જ ખોળી કાઢે. બીજું કશું નહિ. જે ઘરે કોઈ રહેતું ના હોય ત્યાં રાંડેલી એટલે ઘર વગરનું ઘર એમ કહેવાય. અમે ૧૪-૧૫ વર્ષનાં થયાં ત્યાં સુધી છોકરીઓ જુએ તો બેન કહીએ. બહુ છેટેની હોય તો ય. એ વાતાવરણ એવું હોય. કારણ કે ૧૦-૧૧ વર્ષનાં હોય ત્યાં સુધી તો દિગંબરી ફરતા ! ૧૦ વર્ષનાં હોય તો ય દિગંબર ફરતો હોય. દિગંબર એટલે સમજ્યા ?

પ્રશ્નકર્તા : હા, હા. ખ્યાલ આવી ગયો.

દાદાશ્રી : અને એ ઘડીએ મા કહે પણ ખરી, 'રડ્યા, દિગંબર, લૂંગડું પહેર, પયગંબર જેવો.' એટલે દિગંબર દિશાઓ રૂપી લૂગડાં. એટલે વિષયનો વિચાર જ ના આવે. એટલે ભાંજગડ નહિ. તે વિષયની જાગૃતિ જ નહિ.

પ્રશ્નકર્તા : એટલે સમાજનું એક જાતનું પ્રેશર એટલે ?

દાદાશ્રી : ના, સમાજનું પ્રેશર નહિ. મા-બાપનું વલણ, સંસ્કાર ! ત્રણ વર્ષનું છોકરું એ ના જાણતું હોય કે મારાં મા-બાપને આવો કંઈ સંબંધ છે. એટલી બધી સુંદર સિક્રસી હોય ! અને એવું હોય તે દહાડે છોકરાં બીજા રૂમમાં સૂતાં હોય. એ મા-બાપનાં સંસ્કાર. અત્યારે તો પેણે બેડરૂમ ને પેણે બેડરૂમ. માને એક બાજુ છોકરો થાય અને વહુને ય છોકરો થાય. જમાનો બદલાયો ને ?! બેડરૂમ, ડબલબેડ હોય છે ને ?

અને કોઈ પુરુષ તે દહાડે એક પથારીમાં સૂવે નહિ. કોઈ ના સૂવે. તે દહાડે તો કહેવત હતી કે સ્ત્રી સાથે આખી રાત સૂઈ જાય તો તે સ્ત્રી થઈ જાય, એના પર્યાય અડે. તે કોઈ આવું ના કરે. આ તો કો'ક અક્કલવાળાએ શોધખોળ કરી. ડબલબેડ વેચાયા જ કરે ! એટલે પ્રજા થઈ ગઈ ડાઉન. ડાઉન થવામાં ફાયદો શો થયો ? પેલા તિરસ્કાર બધા જતા રહ્યા. એટલે હું તો ખુશી થયો કે 'સારું થયું આ ડાઉન થઈ ગયા.' હવે ડાઉન થયેલાંને ચઢાવતાં વાર નહિ લાગે. પણ તિરસ્કારને એ બધું ગાંડપણ જતું રહ્યું હડહડાટ! નોબલ થયા, નોબિલિટી આવી. બહુ લાભ થયો છે. અંગ્રેજો ને આ બધા ભેગા થયા તે બહુ સારું થયું, તિરસ્કાર જતા રહ્યા.

ડબલબેડ ન દીઠાં બાપ-દાદાએ;

કોણ જાણે ભારતમાં પેઠા કયા કાયદાએ!

અલ્યા, આ ડબલબેડ તે હિંદુસ્તાનમાં હોતાં હશે ? કઈ જાતના જાનવરો છે ? હિન્દુસ્તાનના સ્ત્રી-પુરુષો કોઈ દહાડો ભેગા એક રૂમમાં હોતા જ નથી ! હંમેશા જુદી જ રૂમમાં રહેતા હતા ! તેને બદલે આ જો તો ખરાં !! અત્યારે આ બાપ જ બેડરૂમ કરી આપે, ડબલબેડ ! તે પેલાં સમજી ગયાં કે આ દુનિયા આવી જ ચાલ્યા કરે છે. તમને ખબર છે કે પહેલાં સ્ત્રી-પુરુષોની જુદી રૂમોમાં પથારીઓ રહેતી હતી. તમને ખબર નથી. એ બધું મેં જોયેલું આ. તમે એ ડબલ બેડ જોયેલા ? હેં ? શું કહે છે ?

પ્રશ્નકર્તા : ડબલ બેડ ગોઠવાય એવા ઓરડા જ કેવી રીતે હતા ?

દાદાશ્રી : એકંદર સારું છે, આ છોકરા બધા યુઝલેસ નીકળ્યાં છે ને ! સાવ જૂઠો માલ, તદ્ન જૂઠો માલ. પણ એમને કહ્યું હોય કે આ હોલમાં પચ્ચીસ જણ સૂઈ જાવ, તો તરત બધા સૂઈ જવાના. અને એને બાપ શીખવાડે કે જાવ ડબલબેડ લઈ આવ. એટલે પાછું એવું ય શીખી જાય બિચારા. એમને એવું કંઈ નથી. આજ ડબલબેડ હોય તે અહીં આગળ બીજે દહાડે આમે ય હોય. એવું કશું નથી. આ તો બાપ વાંકા છે. બરકત નથી એવો ઊંધે રસ્તે ચઢાવે છે.

મારી ટચમાં આવેલો એકે ય છોકરો જૂઠું બોલતો જ નથી. ભય લાગે છે છતાં ય જૂઠું બોલતો નથી. હવે એ છોકરોને જોઈને મને એવું થઈ જાય છે કે મારા વખતમાં કોઈ છોકરો સાચું બોલતો નહોતો. વઢવાની જગ્યા હોય ત્યાં સાચું બોલતો નહોતો; સહેજ જ અપમાન થઈ જાય એવી જગ્યા હોય તો ય સાચંુ બોલ્યા નથી અને આ તો ગમે તે થાય મારી નાખવાનો હોય તો ય જૂઠું બોલ્યો નથી. ત્યારે જુઓને આ પ્રજા કેવી સરસ છે ! હિન્દુસ્તાનનું ભાવિ કેવું ઉજ્જવળ છે !!

તે આ કુદરતનો ઉપકાર છે કે આ જનરેશન બિલકુલ હેલ્ધી માઈન્ડની પાકી છે, હેલ્ધી માઈન્ડની જનરેશન કોઈ વખત પાકે નહીં અને પાકે ત્યારે વર્લ્ડનું કલ્યાણ કરે. આને માર્ગદર્શન આપનાર જોઈએ.

પ્રશ્નકર્તા : એટલે કઈ રીતનું માર્ગદર્શન ?

દાદાશ્રી : હું આપું છું અત્યારે મારી પાસે બધાં તૈયાર કરું છું. અમે જન્મ્યા ત્યારે હેલ્ધી માઈન્ડ નહોતું. હું જન્મ્યો ત્યારે તો ચોર માઈન્ડની જનરેશન હતી, ૭૮ વર્ષ પહેલાં તો.

પ્રશ્નકર્તા : દાદા, એ ત્રેવીસ વર્ષનાં છે. આ હેલ્ધી માઈન્ડમાં આવી ગયા ?

દાદાશ્રી : હા, તમે હેલ્ધી માઈન્ડમાં આવી ગયા.

પ્રશ્નકર્તા : એમને ફીઝીકલ ફીટનેસનું સર્ટિફિકેટ આપવું હોય તો કઈ રીતે આપવું ?

દાદાશ્રી : હેલ્ધી માઈન્ડના માણસો અને અનહેલ્ધી લોકોની ભેગા રહેવું. એટલે ફીઝીકલ ફીટનેશ હોય જ નહીં બિચારાને !

એટલે આ માઈન્ડ હેલ્ધી છે એમનું, એ મારી શોધખોળ છે. હેલ્ધી માઈન્ડની કોઈ વખત જનરેશન પાકી હોય તો તે આ કાળમાં પાકી છે. હેલ્ધી થતી થતી આવી. અમારા વખતથી હેલ્ધી થતી થતી આવી લાગે છે, મમતા જ નહીં.

પ્રશ્નકર્તા : આજકાલનાં છોકરાંઓને મારું-તારું નથી પણ મારું-મારું છે એમ.

દાદાશ્રી : ભલે એ લાગે એવું, પણ ખરી રીતે આમ નથી બિચારાને. બહુ હેલ્ધી માઈન્ડના છે. હું એમને ઓળખી શકું છું સારી રીતે.

આ મારું કેવું ખરાબ દેખાય એવું કશું નહીં. પાછું લુંગી પહેરીને ય ફર્યા કરે. એટલે છત નથી એટલું સારું છે. આ લોકોની મહીં છત આવતાં વાર નહીં લાગે. સંસ્કાર આવતાં વાર નહીં લાગે.

પ્રશ્નકર્તા : આ છોકરાઓ જ બહુ મોટી સમસ્યા છે.

દાદાશ્રી : સમસ્યા મોટી છે, જબરજસ્ત છે. પણ તે સમસ્યા સુધરે એવી છે. આ કાળમાં જ આવાં છોકરાં છે કે જેનામાં બિલકુલ બરકત જ નથી અને બરકત ના હોય તો જ સુધરે. પણ બરકતવાળા સુધરે નહીં. બરકતવાળા તો એમનામાં, પોતાના સ્વાર્થમાં એકઠાં હોય, જોડે તિરસ્કાર હોય, બીજું હોય, બધું સ્વાર્થમાં એક્કા હોય. તેથી આખું હિન્દુસ્તાન બગડી ગયું ને ? એનાં કરતાં બરકત વગરનો માલ સારો. માનની પડી નથી, કશી કોઈ જાતની પડેલી નથી.

અને માને માસી કહે એવાં આજનાં લોકો ! મા જતી હોય ને તો 'માસી, માસી' કહેશે !' અલ્યા, તારી બા છે આ તો ! અરે, કેટલા તો, વહુ જતી હોય ને, તો કહેશે, 'બા ઉભાં રહો, ઉભાં રહો.' આ પાછળ સાડી એવી દેખાતી હોય ને તો વહુને બા કહે !

એટલે સાવ બરકત વગરનો ! મોહમાં પડેલો ! વધુ મોહી થઈ ગયા છે ને ! એટલે મોહમાં પડેલો માલ બરકત વગરનો હોય. જેમાં ને તેમાં મોહ, જેમાં ને તેમાં મોહ !! આજના છોકરામાં કશી બરકત નથી. રસ્તે જતાં સુલેમાન એની બેનને પકડેને તો, 'એય સુલેમાન, મારી બેન છે, બેન છે' કરશે. પહેલાંના છોકરા હોય તો શું કરે, કે સુલેમાનને ગળે બચકું ભરે એવા. ને અત્યારે આ લોક તો બિચારાં 'મારી બેન થાય, મારી બેન થાય' છોડી દે. એવું બધું મોળું ખાતું ! પણ એ મોળું છે તો ફાયદાકારક થશે કે આ જ્ઞાન બધે પહોંચશે. આપણું જ્ઞાન બધું પહોંચશે, મોળું ના હોત તો પેસત જ નહીં ને !

નથી મમતા કે બરકત યુવાનોમાં;

સરળતા ને ચોખ્ખાઈ જીવનોમાં!

બાપ થતાં નહીં આવડતું. ધણીને ધણી થતાં નહીં આવડતું અને વહુને વહુ એ થતાં નહીં આવડતું ને સાસુ એ સાસુ થતાં આવડતું નથી. છોકરાની વહુ આવે તો રહી શકે નહીં. આ સાસુ થઈને બેસે ત્યારે શું એ થાય ? આ તો હવે જ્ઞાન મળ્યા પછી, નહીં તો પેલીનું શું થાય ? આ જ્ઞાન મળ્યા પછી જેમ તેમ કરીને નિકાલ કરે, સમભાવે ફાઈલોનો. સાસુ થતાં આવડે નહીં ને. સાસુ થવું એટલે કંઈ જેવી તેવી વાત છે ?! ડીગ્રી કોર્સ પાસ થવો જોઈએ, એનો ડીપ્લોમા થાય તો ય ચાલે.

પ્રશ્નકર્તા : નાનપણથી જો આ જ્ઞાન બધું મળ્યું હોય, તો ચોખ્ખું જ બધું, વ્યવહાર બધો ચોખ્ખો ચાલે.

દાદાશ્રી : હા, ઘણું કામ થઈ જાય.

પ્રશ્નકર્તા : અત્યારે તો બધા નફફટ જેવા અમે થઈ ગયા છીએ. અહીંથી બહાર જઈએ એટલે પાછું મશીન ચાલ્યા કરે.

દાદાશ્રી : હા, બરાબર છે. ખરું કહે છે. નાનપણમાં આવું મળ્યું હોય તો કામ થઈ જાય ને ! જુઓને, આ છોકરાઓને નાનપણમાં મળ્યું છે તે કેવા ડાહ્યા થઈ ગયા ! નહીં તો આ છોકરાને તો, આમાં બરકત જ નહીં ! એ સોળ વર્ષનો પેલો આવ્યો ને. તે મેં કહ્યું, આ બરકત વગરનો, તું શું કરવા અહીં પેસી ગયો છું ! આ જ છોકરો. ત્યારે કહે, જે કહો એ, માથે પડ્યો છું તમારે.

જૂના જમાનામાં ય છે તે ધણીને ને વહુને ફાવતું શાથી ? એ કંઈ ધણી હોંશિયાર નહોતા એવા કંઈ ! સમજદાર નહોતા. પેલી અભણ હતી સ્ત્રીઓ. અને પતિ એ પરમેશ્વર સ્વીકારી લે અને આ ભણેલી આવી એ કંઈ ગાંઠે !

ભણતર નહોતું, પણ ગણતર હતું તે દહાડે. આ ભણેલી સ્ત્રીઓમાં ગણતર છે નહીં બિલકુલ. પણ આ છોકરાઓમાં ય ગણતર નથી. બધા બરકત વગરના કહેવાય છે છોકરા આજનાં. આમે ય બરકત નહીં ને આમે ય બરકત નહીં. પણ એમાં ફાયદો શો થયો ? એક પ્રોફેસરે પૂછયું કે આ તમારા આપ્તપુત્રો બધા નાની ઉંમરના કેમ છે, મોટી ઉંમરના કેમ નથી ? મેં કહ્યું, મોટી ઉંમરના મનના ચોર હતાં, મૂઆ. આજની આ જનરેશન હેલ્ધી માઈન્ડની છે. હેલ્ધી માઈન્ડ શાથી ? મમતા જ નહીં, ભાન મહીં હોય તો મમતા હોય ને ! જેને ભાન હોય તેને તો મમતા હોય ! મમતા જ નહીં અને પહેલાં તો, મારી ઉંમરમાં તો છોકરા હોય ને, તે નાનું પાંચ વર્ષનું હોય ને, તો ય તમારા આઠ આના પડી ગયા હોય ને, તો એની ઉપર પગ મૂકીને વાત કરે. ચોર બિલકુલ, અમારા વખતમાં બિલકુલ ચોર જ હતા લોકો. હવે અત્યારનાં છોકરા બિલકુલ બરકત નહીં. એટલે આ ગુણે ય નથી એમનામાં. મમતા જ જતી રહી ને ! એટલે મેં કહ્યું, હેલ્ધી માઈન્ડ છે. એમને વાળનાર જોઈએ. આ છોકરાઓને વાળનાર જોઈએ. અમારા હાથે વળે એટલે ઓલરાઈટ થઈ જાય, ભગવાન થઈ જાય.

પ્રશ્નકર્તા : હેલ્ધી માઈન્ડનો પેલો જમાનો કઈ સાલથી કહો છો ? હેલ્ધી માઈન્ડવાળા કઈ સાલના જન્મ પછી ગણાય ?

દાદાશ્રી : આજના જે આ છોકરા-છોકરીઓ છે, તે પચ્ચીસ વર્ષની અંદરના છે એ બધા હેલ્ધી માઈન્ડના છે. હેલ્ધી માઈન્ડ કેમ કહું છું હું કે એને જેવું શીખવાડે એવું તૈયાર થઈ જાય ! જૂના રોગ નથી. ભૂખ લાગે ત્યારે ખાવાનું ખોળે, બીજું નહીં. મમતા નહીં એટલે એનું ઘર એનો બાપ વેચવા ફરતો હોય ને, તો મહીં એને પડેલી ના હોય. અને જૂના જમાનામાં તો બાપાને કહેશે, વેચવાનું નથી મારે. અત્યારે તો હેલ્ધી માઈન્ડવાળા, મમતા નહીં. એટલે જેવો ઘડવો હોય એવો થાય. એટલે એ પ્રોફેસરે લખ્યું કે ગજબની શોધખોળ છે આ તો કંઈક ! હેલ્ધી માઈન્ડ છે !!

કેવો નિખાલસ આજનો યુવાવર્ગ!

સચ્ચાઈમાં તો જાણે ઉતર્યાં સ્વર્ગ!

પ્રશ્નકર્તા : આજનો યુવાનવર્ગ કયા રાહ પર જઈ રહ્યો છે ? એનું ભવિષ્ય આપશ્રીની દ્રષ્ટિએ શું છે ? સાચો રાહ શું છે ?

દાદાશ્રી : આજનો યુવાનવર્ગ અત્યારે કંઈ પણ દોરવણી નહીં હોવાથી સફોકેશનમાં છે. પણ આવો યુવાવર્ગ કોઈ કાળે હતો નહિ એવો છે કે જે યુવાવર્ગ ચોખ્ખો છે, પ્યોર છે. એને માર્ગદર્શન આપનારની જરૂર છે. જો માર્ગદર્શન આપે તો આ હિન્દુસ્તાન ઓલરાઈટ થઈ જાય અને માર્ગદર્શન આપનારો મળી આવશે હવે થોડા વખતમાં, બધું મળી આવશે. અને આ યુવાવર્ગ એટલો બધો સારો કે પોતે બધું જ... કશું સંતાડતો જ નથી. પ્યોર કહી દે છે અમને. એક છોકરો હતો, તે મને કહે છે કે દાદાજી, મને બહુ દુઃખ થાય છે અંદર. મેં કહ્યું, શેનાં માટે તને દુઃખ થાય છે ? ત્યારે કહે છે, મને એક ખરાબ વિચાર આવે છે એટલે મને દુઃખ થાય છે. કેમ, આવા કેમ વિચાર આવે છે ? ત્યારે મેં કહ્યું, પણ શું વિચાર આવે છે મને કહેને ! હું તને મટાડી દઉં. ત્યારે કહે, 'મને એવાં વિચાર આવે છે કે દાદાજીને ગોળી મારી દઉં.' હા, મેં કહ્યું. એ બરોબર છે. હવે તને દુઃખ થયા જેવી વાત છે આ, નહીં ? મેં કહ્યું, પણ શાથી આવું થયું એ મને કહે. ત્યારે કહે, તમે વિધિ કરાવતા હતા તે વખતે બીજાં બહારનાં માણસ આવ્યા. તેને ઝટ બોલાયાં ને મને ત્યાં આગળ ૧૦ મિનિટ અટકાવ્યો. એટલે મને મનમાં થયું કે આ દાદાને ગોળીબાર કરો. મેં કહ્યું, 'બરોબર છે, એ મારી ભૂલે ય બરો

બર

છે. એટલે આ મારી ભૂલ થઈ ને માટે તને આ વિચાર આવ્યો. હવે નહીં આવે.' બીજાંને પેસવા દીધાં, એને ના પેસવા દીધો. આવે જ ને માણસને ? તીખો માણસ હોય તો આવી જાય કે ના આવી જાય ? બંડખોર હોય..... એટલે સાચું બોલ્યો. એટલે મેં એનો ખભો થાબડ્યો કે ધન્ય છે કે મારી રૂબરૂમાં તું મને ગોળીબાર કરવાની વાત કહું છું, તું સાચું બોલ્યો ? ધન્ય છે આ યુવાવર્ગને ! આટલું જો સત્ય હશે તો યુવાવર્ગ એકદમ ઊંચા હાઈલેવલે પહોંચી જશે અને આ યુવાવર્ગ તો અમારાં નિમિત્તમાં આવશે, તે જેટલાં આવ્યાને એ સપાટાબંધ ચઢી જશે ! કારણ નિમિત્ત છે આ. અને યુવાવર્ગ બહુ જ સુંદર છે. તદ્ન સાચો. કંઈપણ સુખ પડતું નથી. છતાં ય સત્યતા છોડતો નથી.

ત્યારે મને એક જણે કહ્યું, કે તમે એને ખભો થાબડો છો, પણ તમારા જેવાં આ સાંભળનારા ય નહીં મળે. ગોળીબાર કરવાનું કહે છે, છતાં તમે એને થાબડો છો ? બીજો તો કાઢી મેલે કહે છે. ત્યારે મેં કહ્યું, ના, અમારે અહીં ના હોય. અક્રમવિજ્ઞાન છે આ તો. તમે ગમે એટલો વિરોધ બતાવો તો અમને વાંધો જ ના હોય. વિરોધ એ અમારામાં કંઈ પણ ભૂલ હોય તેનું કારણ છે. અમારી જ ભૂલ કંઈ થાય. વિરોધ કેમ ઉત્પન્ન થાય ? કોઈ પણ જાતનો વિરોધ થાય એ મારી જ ભૂલ છે ! એટલે યુવાવર્ગ તો બહુ સારાં રાહ પર જઈ રહ્યો છે. એમને નિમિત્ત મળી આવશે.

જરૂર છે યુવાવર્ગને દોરનારની;

'દાદા' જેવા કલાકમાં ફેરવનારની!

પ્રશ્નકર્તા : આ નવી પ્રજામાંથી ધર્મનો લોપ શા માટે થતો જાય છે ?

દાદાશ્રી : ધર્મનો લોપ તો થઈ જ ગયો છે, લોપ થવાનો બાકી જ રહ્યો નથી. હવે તો ધર્મનો ઉદય થાય છે. લોપ થઈ રહે ત્યારે ઉદયની શરૂઆત થાય. જેમ આ દરિયામાં ઓટ પૂરી થાય એટલે અડધા કલાકમાં ભરતીની શરૂઆત થાય. તેવું આ જગત ચાલ્યા કરે છે. ભરતી-ઓટના નિયમ પ્રમાણે. ધર્મ વગર તો માણસ જીવી જ શકે નહીં. ધર્મ સિવાય બીજો આધાર જ શો છે, માણસને ?

પ્રશ્નકર્તા : યુવાનોને વાળવા માટે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : યુવાનોને ધર્મ તરફ વાળવા માટે બહુ જ સુંદર યુવાની જોઈએ કે યુવાનોને એ સિવાય બીજું જોવાનું જ ના ગમે. જોતાંની સાથે દિલ ઠરે એવી યુવાની જોઈએ. હા, પછી એ ધર્મમાં વળી જાય. આ તો દિલ ઠરે એવાં માણસ જોતાં નથી, એટલે બિચારા ભટકે છે. એટલે આ કબીર સાહેબ છેને, તે આખી દિલ્હીમાં, તે ઘડીએ કેટલાય માણસો રહેતા'તા. તો ય કબીર સાહેબ નીકળ્યા, કો'કે પૂછયું કે કેમ કંઈ આજ શું છે ? ત્યારે કહે, તપાસ કરવા નીકળ્યો છું. ત્યારે કહે, કોની તપાસ કરવા નીકળ્યો ? 'માણસને ખોજું છું.' કહે છે, શું કહે છે ? હા, આ દિલ્હીમાં આટલાં બધા લોક આય-જાય કરે છે ત્યારે માણસ ખોજવો પડે ? કહે છે. એટલે પછી બોલ્યો, કે 'માણસ ખોજત મૈં ફીરા, માણસકા બડા સુકાલ' કહે છે, સામાસામી અથડાતા'તા. કહે છે. પણ 'જાકો દેખી દિલ ઠરે, તા કાં પડ્યા દુકાળ' કહે છે. આખી દિલ્હીમાં દિલ ઠરે એવો માણસ ના જોયો એટલે બીજે ગામ ભટકવા ગયો, કહે છે. એટલે દિલ ઠરે એવાં માણસો ભેગાં થઈ જાય તો આપણું કલ્યાણ થઈ જાય અને યુવાનો-બુવાનો બધા ફરી જાય. અહી ંમારી હાજરીમાં તો આ યુવાન ખસતાં જ નહીં. પૈણવું ય નથી, કશું ય કરવું નથી, કહે છે.

પ્રશ્નકર્તા : હવે આ જનરેશનમાં ફેરફાર કરવા, એ લોકોમાં વધારે શક્તિઓ પ્રગટ કરવા, કન્સ્ટ્રક્ટીવ (રચનાત્મક) કરવા માટે શું માર્ગદર્શન આપવું ? શું કરવું ?

દાદાશ્રી : ચારિત્રવાન જોઈએ. હા. સામો માણસ ચારિત્રવાન હોય તો બને. આ વેપારી લોકો શું કરે એમાં ? આ બધાં જ બીઝનેસવાળા વેપારી થઈ ગયેલાં છે. ચારિત્રવાન જોઈએ. એ જેના વાણીમાં વચનબળ હોય. જેના વાણી-વર્તન અને વિનય મનોહર હોય, મનનું હરણ કરે એવું હોય.

પ્રશ્નકર્તા : આજના વિદ્યાર્થીઓ તો માસ્તર જો ફૂટપટી સહેજ મારે તો સામી ફરિયાદ કરે.

દાદાશ્રી : શું કરે તે ? માસ્તરો એવા જ મળ્યા છે કે વિદ્યાર્થીની પાસે કામ કેમ લેવું તે આવડતું નથી એટલે માસ્તરોને દોષ નથી. બીચારાં એ ય શું કરે ?! એમને જો કદી કમાય નહીં તો ઘેર વહુ વઢે ! એટલે એમને આ કમાવા માટે આ બધું જવું પડે છે. ફીટનેસ થતું નથી, કારણ કે ચારિત્ર નથી. ચારિત્રબળ જોઈએ !

પ્રશ્નકર્તા : જો શિક્ષકો જ સંપૂર્ણ હોય નહીં, તો એ લોકો સ્ટુડન્ટ ને કઈ રીતના તૈયાર કરી શકે, પૂર્ણ થવા માટે ?

દાદાશ્રી : સ્ટુડન્ટ તો નિશાળમાં, ચારિત્રવાન પુરુષ ખોળી કાઢી અને એક-એક જણને હજાર-હજાર છોકરાં સોંપો તો તૈયાર થાય ! મારી પાસે એક લાખ માણસ લાવો, હું વિધીન વન યર તૈયાર કરી આપવા તૈયાર છું ! એક લાખ સ્ટુડન્ટો લાવો !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19