ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19

મા-બાપછોકરાનોવ્યવહાર

(૭)

'અવળાં' આમ છૂટી જાય !

દારૂ સ્વપ્ને ન પીવાય ક્યારે ય;

ખોટાંની પ્રતિતિ ક્ષણે ય ન ભૂલાય!

આ કોઠો એંઠો કરો છો ને ? ડ્રીંક્સ કશું... ?

પ્રશ્નકર્તા : કોઈક કોઈકવાર. એટલે ઘરમાં થાય ત્યારે. સાચું બોલું છું.

દાદાશ્રી : એ બંધ કરી દેજે. પરવશ થઈ ગયો. આપણને ના ચાલે, આપણને જોઈએ નહીં. લઈશ જ નહીં, અડીશ જ નહીં તું. દાદાની આજ્ઞા છે, માટે અડવાનું નહીં. તો તારું જીવન બહુ સારું જશે. કારણ કે તને જરૂર નહીં પડે હવે. આ ચરણવિધિ ને બધું વાંચીશ એટલે તને એ જરૂરે ય નહીં પડે અને આમ આનંદ પુષ્કળ રહેશે, બહુ આનંદ રહેશે. સમજાયું છે ને તને ? સમજાયું કે નહીં ?

પ્રશ્નકર્તા : હા, દાદા. પણ આજે એવું છે કે બિઝનેસમાં તો આજે દારૂની પાર્ટીઓ થાય જ છે. કોકટેલ પાર્ટી અને એમાં તો તમારે હાજરી તો આપવી જ પડે ને ? પણ પોતે એમ નથી પીતા. આપની વાત સાચી છે કે વ્યસની માણસોથી દૂર રહેવું જોઈએ.

દાદાશ્રી : ના, મોટી ઉંમરવાળા માટે વાત નથી આ. આ તો ઉગતા બાળકોને માટે વાત છે. તમારે જે સંજોગો આવે ને એ તો... તમે તો બધું હવે એ રીઢા થઈ ગયેલા, નવી પેસે નહીં, જૂની નીકળે નહીં. પણ આ ઉગતા બાળકોને આ વિચાર આવવા માંડે છે.

પ્રશ્નકર્તા : બરાબર છે. આ વિચાર તરીકે બરાબર છે. મારું શું કહેવું હતું કે નાનપણથી એ લોકો સાથે ઉછર્યા હોય ને બહુ જ સારા કુટુંબના મિત્રો હોય. પેલો મોટો થઈને સિગારેટ પીએ અને આ ન પીએ સમજીને. હવે એ સિગારેટ પીએ છે. તેની મિત્રતા છોડી દેવી, બીજી બધી રીતે સારો હોય. તો એ એને માટે સમજણ ના પડે ?

દાદાશ્રી : આપણા જ્ઞાનમાં રહીને આમ વ્યસનીના સંગમાં ન રહેવું. છતાં કુદરત આપણને વ્યસનીના સંગમાં રાખે, તો પણ જ્ઞાન તો તેનું તે રહે જ ને !

પ્રશ્નકર્તા : ના. પણ જોડે રહીને વ્યસનથી દૂર રહેવા શું કરવું ? ધારો કે જોડે રહેવાનો સંજોગ આવે તો ?

દાદાશ્રી : એ જોડે રહેવાનો પ્રયત્ન જ નહીં કરવાનો.

પ્રશ્નકર્તા : વ્યસનથી મુક્ત કેવી રીતે રહેવું ?

દાદાશ્રી : વ્યસનથી મુક્ત થવા 'વ્યસન એ ખોટી ચીજ છે' એવી આપણને પ્રતિતિ થવી જોઈએ. એ પ્રતિતિ ખસવી ના જોઈએ. આપણો નિશ્ચય ના ખસવો જોઈએ. પછી વ્યસનથી દૂર જ રહે છે માણસ. 'એમાં કંઈ વાંધો નહીં.' એવું કહે ત્યારથી ચોંટ્યું.

દારૂ-માંસાહારનું રી પેમાં જાનવર ગતિ;

જ્ઞાનીનાં વચન, ખોશો માન મતિ!

પ્રશ્નકર્તા : બહુ વખત કોઈએ દારૂ પીધો હોય કે પેલા ડ્રગ્સ લીધા હોય. તો કહે, એની અસર આપણા બ્રેઈન ઉપર પડે તો પછી બંધ કરી દે, પણ એની અસર તો રહે. તો એ અસરોમાંથી મુક્ત થવા માટે દાદા શું કહે છે ? કઈ રીતે નીકળવું બહાર, એને માટે કઈ છે રસ્તો ?

દાદાશ્રી : ના, પણ પછી છે તે રીએક્શન આવ્યું ફરી. પરમાણુ છે તે બધા ચોખ્ખાં થવાં જોઈએને. પીવાનું બંધ કરી દીધું છે ને ! હવે એને કરવાનું શું ? 'દારૂ પીવો ખરાબ છે.' એવું કાયમ બોલવું કહીએ!

હા, પછી ય બોલવાનું. 'સારો છે' એવું કોઈ દહાડો ના બોલીશ. નહીં તો ફરી એને અસર થશે પછી.

પ્રશ્નકર્તા : આ પીવાથી મગજને નુકશાન કઈ રીતે થાય છે ?

દાદાશ્રી : એ ભાન ભૂલાવે ને ! એ વખતે મહીં જાગૃતિ ઉપર આવરણ આવી જાય છે. પછી કાયમ માટે એ આવરણ ખસતું નથી. આપણે મનમાં એમ લાગે કે ખસી ગયું, પણ નથી ખસતું એ. એમ કરતું કરતું આવરણ આવતું આવતું બધું પછી... માણસ જડ જેવો થઈ જાય. પછી એને સારા સારા વિચાર-બિચાર કશું આવે નહીં. એટલે જે ડેવલપ થયેલા છે, તે આમાંથી બહાર નીકળ્યા પછી એનાં બ્રેઈન બહુ સારું ડેવલપ થયેલું હોય ! ફરી પાછું બગાડવું ના જોઈએ ?

પ્રશ્નકર્તા : આ દારૂ પીધાથી જે બધો ડેમેજ થયું હોય મગજને. મગજના પરમાણુને જે ડેમેજ થઈ ગયો હોય, તો એ ડેમેજ ભાગ ફરીથી રીપેર કેવી રીતે થાય ?

દાદાશ્રી : એ કંઈ રસ્તો જ નથી એનો. એ તો ટાઈમ જ પસાર થશે તેમ તેમ એ થશે. પીધા વગરનો ટાઈમ જશે, પસાર થશેને તેમ તેમ એ બધું ખુલ્લું થતું જશે. એકદમ ના થાય. દારૂ ને આ માંસાહારથી જે દેવું થાય છે, એ દારૂ-માંસાહારમાંથી આ સુખ ભોગવે છે, એ સુખ 'રીપે' કરતી વખતે જાનવરમાં જવું પડે છે. આ દરેક સુખ જેટલા છે ને, જેટલા સુખ તમે લો છો એ 'રીપે' કરવા પડશે એવી જવાબદારી આપણે સમજવી જોઈએ. આ પોલું નથી જગત ! આ રીપેવાળું જગત છે. ફક્ત આ આંતરિક સુખનું જ રીપે કરવું નથી પડતું ! બીજા બધા બહારના સુખો એ બધા રીપે કરવાના છે. જેટલી આપણે જમે લેવી હોય એટલી લેવી અને પછી આપવી પડશે !!

પ્રશ્નકર્તા : આવતા જન્મમાં રીપે કરવું પડશે જનાવર થઈને, એ બરાબર પણ આ ભવમાં શું થશે ? આ ભવના શું પરિણામ છે ?

દાદાશ્રી : આ ભવમાં છે તે એને પોતાને આવરણ આવી જાય એટલે જડ જેવો, જાનવર જેવો થઈ ગયેલો જ હોય. લોકોમાં પ્રેસ્ટીજ ના રહે લોકોમાં માન ના રહે, કશું જ ના રહે !

ન ખવડાવો કદિ બાળકોને ઈંડાં;

વધે વીર્ય કૈડ્યા કરે વિષયોના કીડા!

પ્રશ્નકર્તા : એગ્સ (ઈંડાં) ખાધાં છે.

દાદાશ્રી : શા હારું લીધેલાં ?

પ્રશ્નકર્તા : શરીર સારું કરવા માટે લીધેલાં.

દાદાશ્રી : શરીરથી શું વજન લેવાનું છે તારે ?

પ્રશ્નકર્તા : એ પેલા ડૉકટરોએ ય કહ્યું કે છોકરાને ઇંડાં ખવડાવો. એટલે પછી ઘેર લાવીને ખવડાવા માંડ્યું. પણ એ તો કો'ક જ વાર, અમારે ત્યાં રેગ્યુલર નહીં. મહિનાઓ કે વર્ષો સુધી નહીં. કો'ક વાર હોય, ક્યારેક !

દાદાશ્રી : પછી ગમે છે ?

પ્રશ્નકર્તા : બહુ ગમતું નથી.

દાદાશ્રી : પસંદ પડ્યા નહીં ?

પ્રશ્નકર્તા : બહુ ગમતું નથી. કો'કવાર ખાઉં પણ રોજ ના ખાઈ શકું.

દાદાશ્રી : ઈંડાં હોય અને બચ્ચાં હોય એ બેઉ એક જ છે બધું. કોઈનું ઈંડું ખાવું અને કોઈનું બચ્ચું ખાવું એમાં ફેર નથી. બચ્ચા ખાવાનું પસંદ ખરું તને ? કોઈના બચ્ચાં ખઈ જવાનું પસંદ ખરું ?

પ્રશ્નકર્તા : ના, ના.

દાદાશ્રી : કેમ એમ ?

પ્રશ્નકર્તા : ભાવે જ નહીં.

દાદાશ્રી : ત્યારે એ ઈંડાં એ જ છે. બચ્ચાં જ છે. તને નહીં લાગતું કે બચ્ચાં જ છે. એની મહીં બચ્ચું જ થવાનું ને ?

પ્રશ્નકર્તા : એમાં ઈંડાં પણ શાકાહારી ઈંડાં હોય છે, એવી લોકોની માન્યતા હોય છે.

દાદાશ્રી : ના, એ તો રોંગ માન્યતા છે એ ઈંડાંને નિર્જીવ ઈંડાં કહે છે, એ જીવ વગરની વસ્તુ. જેમાં જીવ ના હોય એ વસ્તુ ખવાય નહીં.

પ્રશ્નકર્તા : આ જુદી વાત લાગે છે.

દાદાશ્રી : જુદી એટલે એક્ઝેક્ટ વાત છે. આ તો સાયન્ટિસ્ટોને કહ્યું હતું કે હંમેશાં નિર્જીવ કોઈ વસ્તુ ખવાય નહીં. અને જીવ હોય તો ખવાય. એમાં જીવ ખરો પણ અમુક જાતનો જીવ. એટલે આ તો એ લોકોએ ખોટો લાભ ઉઠાવ્યો છે જગતનો. એને અડાય જ નહીં અને આવા છોકરાઓને ઈંડાં ખવડાવાથી શું થાય, શરીર પછી એટલું બધું ઉશ્કેરાટવાળું થાય કે પછી માણસના કંટ્રોલમાં રહે નહીં. અમુક આપણું વેજીટેરિયન ફૂડ તો બહુ સારું હોય, કાચું ભલે રહ્યું. ડૉકટરોનો એમાં દોષ નથી હોતો. ડૉકટર તો એની બુદ્ધિ અને એની સમજણ પ્રમાણે કર્યા કરે. આપણે આપણા સંસ્કાર સાચવવાના ને. આપણે સંસ્કારી ઘરવાળા લોકો છીએ.

જો જાતે ચીકન તું શકે કાપી;

તો જ હાર્ટે ખાવા માટે રજા આપી!

બાબાને સંસ્કાર એવા આપો કે ફર્સ્ટ કલાસ થઈ જાય એવો. આ અહીંનું ખોરાક-બોરાક કશું પેસે નહીં એવું બિચારાને. ઉત્તમમાં ઉત્તમ ખોરાક આપવો. આપણો ઉત્તમ ખોરાક એવો આપવો કે આ જ એને સાંભર સાંભર થયા કરે. પેલું ગમે નહીં એવું થઈ જાય. ત્યારે ખરું કહેવાય.

પ્રશ્નકર્તા : એ છેને ! ખોરાક અહીંયા આપણો જ લે છે. એને હવે મનમાં એમ થતું નથી કે બધા લોકો કેમ બીજું ખાય છે ને હું કેમ એકલો જ બીજું ખાઉં છું !

દાદાશ્રી : ના, એવું થતું નથી. પણ તો ય હજુ એને બીજા સંસ્કાર બદલાય, હજુ અવસ્થા એવી છે, ...ઉંમર. એટલે આપણો અહીંનો એવો એવો સરસ સ્વાદિષ્ટ ખોરાક બીજો બનાવી આપવો કે એને આમાં જ સ્વાદ લાગ્યા કરે ! બીજા કશાથી કંટાળો આવે. અને એવી વાત નીકળે તો આપણે વાત કરવી કે શી રીતે આ ગંદવાડો ખવાય ? ગમે શી રીતે આ ? એ કોઈકને કાપીને ખઈ જવાનું તે ગમતું હશે ?! એ એટલે આ છોકરાઓને હું માંસાહાર છોડાવડાવું છું બિચારાને. ઘુસી ગયેલું, છોડાવ્યું પછી મેં.

પ્રશ્નકર્તા : અમેરિકામાં દાદાએ કેટલા ય છોકરાઓને એકદમ ટર્ન કરી દીધા.

દાદાશ્રી : હા, એમનાં મા-બાપ ફરિયાદ કરવા આવ્યા કે આ છોકરા અમારા બગડી જવા બેઠા છે, એનું શું કરીશું ? મેં કહ્યું, તમે ક્યારે સુધરેલા હતા તે વળી પાછા છોકરા બગડી ગયા ! તમે માંસાહાર કરો છો ? ત્યારે કહે, કોઈક દહાડો. પેલું પીવાનું ? ત્યારે કહે, કોઈક દહાડો. એટલે આ છોકરા જાણે કે મારા બાપા કરે છે એટલે હિતકારી વસ્તુ છે આ. હિતકારી હોય તે જ મારો બાપ કરે ને, કહેશે. એટલે તમને શોભે નહીં આ બધું. એટલે પછી એ છોકરાને માંસાહાર છોડાવી દીધો. એમને કહ્યું, છોકરાઓને કે 'ભઈ આ બટાકા તું કાપી શકું ? આ પપૈયો તું કાપી શકું ? આ બધા એપલ કાપી શકું ? આ બધું તું કાપી શકું ?' 'હા, બધું કાપી નાખું.' મેં કહ્યું, 'કોળું આવડું હોય તો ?' 'તે એ ય કાપી શકું.' કાકડી આવડી હોય તે ય કાપી શકું એ ? તે ઘડીએ હાર્ટને અસર થાય? ત્યારે કહે, 'ના.' પણ મેં કહ્યું, 'બકરી કાપી શકું ?' ના. 'મરઘી કાપી શકું ?' ત્યારે કહે 'ના કપાય મારાથી.' માટે જ તારું હાર્ટ એક્સેપ્ટ કરે છે કાપવામાં, એટલી જ વસ્તુ તું ખાજે. તારું હાર્ટ એક્સેપ્ટ ન કરતું હોય, હાર્ટને ગમે જ નહીં, રુચે નહીં એ વસ્તુ ખાઈશ નહીં. નહીં તો એના પરીણામ ઊંધા આવે છે અને તે પરમાણુ તને હાર્ટ ઉપર અસર કરશે. એટલે છોકરાઓ સારી

રીતે સમજી ગયા અને છોડી દીધું. છોકરા કહે છે, આ બુદ્ધિનો દાખલો આપો તો હું કબૂલ છું. પણ મા-બાપ તો શું કહે, માંસ ના ખાઈશ, માંસાહાર ના કરીશ, મીટ ના ખઈશ. પણ આ બધા ખાય છે ને હું કેમ ના ખઉં. તે આ બધા સ્કૂલમાં ખાય છે ને ! એટલે પણ મા-બાપ શું જવાબ આપે પછી ? એટલે આવો જવાબ આપે સાયન્ટિફિકલી, ત્યારે એ લોકો સ્વીકાર કરે.

પ્રશ્નકર્તા : પેલી બર્નાડ શૉની વાત કરો ને !

દાદાશ્રી : હા, બર્નાડ શૉને એક જણે પૂછ્યું કે તમે માંસાહાર કેમ કરતા નથી ? ત્યારે કહે, મારું શરીર એ છે તે કબ્રસ્તાન નથી. આ મરઘા-કૂકડાનું કબ્રસ્તાન નથી એ. તે પણ એમાં શું ફાયદો ? ત્યારે કહે, 'આય વોન્ટ ટુ બી એ સીવીલાઈઝ્ડ મેન.' છતાં ય કરે છે. ક્ષત્રિયોને અધિકાર છે, પણ ક્ષત્રિયપણું રહ્યું હોય તો અધિકાર છે.

બાળકોને મીઠાઈનાં માઠાં પરિણામ;

નાની વયે વિષયો મચાવે તોફાન!

પ્રશ્નકર્તા : આ નાના છોકરાંઓને મગસ ખવડાયા કરે છે, તે ખવડાવાય ?

દાદાશ્રી : ના ખવડાવાય, મગસ ના ખવડાવાય. નાના છોકરાઓને મગસને, ગુંદરપાક, દગડા ના ખવડાવાય. એમને સાદો ખોરાક આપવો અને દૂધ પણ થોડું આપવું જોઈએ. છોકરાને ના અપાય આવું બધું-આપણા લોકો તો બધા દૂધની ચીજો ખવડાય ખવડાય કરે છે. મૂઆ ના ખવડાવાય. ઉશ્કેરાટ વધશે અને બાર વરસનો થયો ત્યારથી દ્રષ્ટિ બગડશે મૂઆની. ઉશ્કેરાટ ઓછો થાય એવો ખોરાક આપવો જોઈએ. છોકરાંઓને, બાળકોને આ તો બધું ખ્યાલમાં નથી. જીવન કેમ જીવવું તે ભાન જ નથી ને !

પ્રશ્નકર્તા : આ તો દ્રષ્ટિ જ ઊંધી છે, કેમ છોકરાને જાડો કરીએ !

દાદાશ્રી : 'છોકરાં કેવી રીતે ઉછેરવા અને નર્સરી કેવી રીતે કરવી' તે ભાન જ નથી એમને. છોકરાં બાળઉછેરની જોખમદારી ઘણી વધારે છે. લોક શરીરની જોખમદારી એકલી જ સમજે છે. આ તો નર્સરી છે !!

આ વાત ક્યાંય હોઈ શકે નહીં. આ વાત શાસ્ત્રમાં ના હોય, પુસ્તકમાં ના હોય, મગજમાં ના હોય. આ તો બોધ કળા છે. અજાયબ જ કળા છે, નવું વિજ્ઞાન છે. છોકરાને તો ડાહ્યા બનાવવા જોઈએ. ઉશ્કેરાટ વગરના, કેવા સુંદર ! ઉશ્કેરાટ એનો ઊભો કરીએ, ઉશ્કેરાટનો ખોરાક ખવડાવીએ અને સંસ્કાર ખોળીએ, એ બે કેમ બને ? એને દાળ, ભાત, રોટલી, શાક બધો સાદો ખોરાક આપીએ એ બહુ સુંદર ખોરાક છે, એમાં વાંધો નથી.

દૂષણો દૂર કીધાં, નવી ફેશનનાં...

નખ ને હોટલ-બારના જશનનાં!

એક માણસ બધી રીતે દોષિત થયેલો હોય. એના દોષો કાપવા જોઈએ. તો દોષ એ આચાર છે અને આચાર ઉદયાધીન છે. એટલે કશું વળે નહીં અને આપણે વઢ્યા કરીએ. અને એ વળે નહીં, વઢ્યા કરીએ ને પેલો ઉલટો ભાવ અવળાં કરે. બાપ છોકરાને વઢે. રોજ હોટલમાં જઉં છું, પેલાને જવું નથી છતાં જાય છે, બિચારાને છૂટકો નથી. જવું નથી છતાં ઉદય એેને લઈ જાય છે પાછો. અને બાપ કહે છે, તું કેમ ગયો ? એટલે બહુ કહે કહે કરે ને, તો છોકરો બાપને તો કહે કે હું જવાનો નથી. પણ મનમાં નક્કી કરે, આપણે જવાના જ છીએ. એ છો ને બોલે. ઉલટાં ભાવ બગાડીએ છીએ. આ લોકોને બાપ તરીકે જીવતાં નથી આવડતું. મા તરીકે જીવતાં નથી આવડતું. ગુરૂ તરીકે જીવતાં નથી આવડતું. મારે બૂમો પાડવી પડે છે નરી. કંઈ આવડે છે જીવતાં ?

આ હોટલમાં ખાય છે તે પછી ધીમે ધીમે આમ ભેગો થાય અને એક બાજુ પડી રહે. પછી એ જ્યારે પરિપાક થાય ત્યારે મરડો થાય. ચૂંક આવે એ કેટલાંય વર્ષો પછી પરિપાક થાય. અમને તો આ અનુભવ થયો ત્યાર પછી બધાને કહેતા કે હોટલનું ના ખવાય. અમે એક વખત મીઠાઈની દુકાને ખાવા ગયેલા. તે પેલો મીઠાઈ બનાવતો હતો. તેમાં પરસેવો પડે, કચરો પડે ! આજકાલ તો ઘેરે ય ખાવાનું બનાવે છે તે ક્યાં ચોખ્ખું હોય છે ? લોટ બાંધે ત્યારે હાથ ધોયા ના હોય, નખમાં મેલ ભરાયો હોય.

આજકાલ નખ કાપતા નથી ને ? અહીં કેટલાંક આવે એને નખ લાંબા હોય ત્યારે મારે તેને કહેવું પડે છે, 'બહેન આમાં તને લાભ છે કે ? લાભ હોય તો નખ રહેવા દેજે. તારે કંઈ ડ્રોઈંગનું કામ કરવાનું હોય તો રહેવા દેજે.' ત્યારે એ કહે કે, 'ના. આવતીકાલે કાપી લાવીશ.' આ લોકોને કંઈક 'સેન્સ' જ નથી ! તે નખ વધારે છે, ને કાન પાસે રેડિયો લઈને ફરે છે ! પોતાનું સુખ શામાં છે એ ભાન જ નથી, અને પોતાનું પણ ભાન ક્યાં છે ? એ તો લોકોએ જે ભાન આપ્યું તે જ ભાન છે.

આ અમેરિકામાં જઉં, તે છોકરા-છોકરીઓ પગ દબાવતા હોય અને પછી હું ગમ્મત કરું. એય ! શું વાગ્યું ? શું વાગ્યું ? ત્યારે છોકરીઓ ભડકી જાય બિચારી. કશું વાગ્યું નહીં ને દાદા આવું કેમ કરતા હશે ? 'શું વાગ્યું હશે' એ એના મનમાં શંકા પડે. મેં કહ્યું, આ કોઈના નખ વધારે છે ? તે પછી એનાં નખ જ વધારે હોય. ત્યારે મેં કહ્યું, આ નખ વધારે છે એ મને તો વાગે. એટલે શું કરીએ ? મેં કહ્યું, ''વરસ દહાડા પછી એને કાપી નખાવજે. ઉતાવળ ના હોય તો વરસ દહાડા પછી પણ કાપી નાખજે.'' હું ફરી વરસે આવું તો એ કપાયેલા હોય. 'ના, એ હું કાલે જ કાપી લાવું.' તો તો બહુ સારું. તે તરત કાપી નાખે.

હવે આપણે એને કહીએ, 'નખ કપાવી નાખ. હું ખાવાનું નહીં સાંજે આપું.' ત્યારે એને કંઈ ના આવડે કે ? તને ચેલેન્જ મારતાં આવડ્યું તો એને ચેલેન્જ મારતાં આવડે કે ! 'જા, નથી કાપવાની, તારે થાય એ કરજે', કહેશે. એ પ્રેમથી કામ લેવું જોઈએ. પ્રેમથી વશ થાય ને ! ધણી ય વશ થાય ને જાનવરે ય વશ થાય ને વાઘે વશ થાય. આ તો પ્રેમ છે તે તને ઘડીયાળ ઉપર પ્રેમ છે.

છોકરાં સુધરાય સમજાવીને;

હ્રદય સ્પર્શે તેજવાણી ખરીને!

આ કંઈ ગપ્પું નથી, આની પાછળ કોઝીઝ છે. આ તો ઈફેક્ટ છે બધી. માટે ઈફેક્ટ માટે દોષ કઢાય નહીં. આપણો છોકરો ચોર થઈ ગયો હોય, એને ધીબાય નહીં. 'એ શાથી ચોરી કરે છે, એ કોઝ શું છે ?' એ ખોળી કાઢવું જોઈએ. કોઝમાં એટલું જ હોય કે એને ચોરી કરવામાં સુખ પડે છે એવું એને જ્ઞાન પ્રાપ્ત થયેલું છે ગયે અવતારે. એટલે જ ચોરી કરે છે, એ તો બિચારો પરવશ થઈને ચોરી કરે છે. પૂર્વભવે ભાવના કરી છે અને એનું ફળ આવી ગયેલું છે. હવે છે તે એમાં શું ઉપાય કરશો બીજો ? એને કરવાની ઈચ્છા ના હોય બિચારાને.

આપણે સમજણ પાડીએ તો કે ભાઈ, આ ચોરી કરવામાં ફાયદો ખરો ? અને ફાયદો હોય તો ઓપનલી કેમ કરતો નથી તું ? છાનોમાનો કેમ નાસી જતો રહે છે ? કોઈ હોય ત્યારે કેમ નથી કરતો ? એટલે ખોટું એ તો જાણે જ છે ને ? પછી કહીએ કે ભઈ, આ ચોરી કરવાથી કોઈ તને પકડે તો શું થાય ? તો કહે, મને જેલમાં ઘાલી દે, ફોજદાર મારે. એટલે ચોરી કરવામાં આવું દુઃખ છે. ત્યારે બેસાડી એને બધી સમજણ પાડવી જોઈએ કે ભઈ, તું અહીંથી બહારગામ ગયો હોય અને તારા ગજવામાંથી ૨૫ રૂપિયા હોય તે લઈ લે. તો તું પાછો શી રીતે મુંબઈથી આવું ? ત્યારે કહે છે, ના અવાય એ તો. ત્યારે મેં કહ્યું, તું અહીંથી લોકોનાં લઈ લઉં છું, તો એનું શું થતું હશે બિચારાનું ? આવાં બધાં જ દાખલા એને આપ આપ કરી એને, એની પાસે ન્યાય કરાવવો પડે. પછી એને સમજાય કે આ સાલું ખોટું થઈ રહ્યું છે. ખોટું તો છે જ. એટલે બધું પોતે જ કબૂલ કરી દે કે આ ખોટું જ છે. મારે હવે નથી કરવું.

પ્રશ્નકર્તા : બરાબર છે, પણ ભલે આપણે કંઈ કહેવું ન હોય, પણ આપણે એમ માનીએ કે આપણો દીકરો હોય, ચોરી કરતો હોય, તો ચોરી કરવા દેવી ?

દાદાશ્રી : દેખાવમાં વિરોધ, મહીં અંદર સમભાવ. બહાર દેખાવમાં વિરોધ અને તે એ ચોરી કરે તેની ઉપર આપણે નિર્દયતા સહેજ પણ ન થવી જોઈએ. જો અંદર સમભાવ તૂટી જશે તો નિર્દયતા થશે અને જગત આખું નિર્દય થઈ જાય છે.

એટલે પછી છોકરા સમજી જાય કે મારા પર બાપનો દ્વેષ નથી. એ બૂમો પાડે છે, પણ અંદરખાને સમજી જાય કે મારા બાપનો દ્વેષ નથી. પેલો સમભાવ રાખે ને એટલે પછી શું કરે ? બાપ શું કરે ? પછી બેસાડીને કહેશે, 'બેસ બા, બેસ.' આમ હાથ-બાથ ફેરવેને એટલે એને બિચારાને એ લાગે, સુખ લાગે. દિલ ઠરે એનું. પછી આપણે કહીએ ભઈ, જુઓ આપણે કોણ ખાનદાન, એવું તેવું તે. એટલે ભાવ ફેરવે કે ના જ કરવા જેવું. આ કરવા જેવી વસ્તુ જ ન્હોય. શું નક્કી કરે ? આ ઝેર ખાવા જેવી વસ્તુ છે નહીં. તો એને ઉપર ચઢાવ્યો કહેવાય, નહીં તો અધોગતિ કરાવે છે.

આપણે શું કહેવું પડે, હવે છોકરાને શું કહેવું જોઈએ કે છોકરો નક્કી કરે કે હવે મારે આ કરવા જેવું નથી, એવું એ મનમાં ભાવ કરે. પહેલાં તો બાપને ના કહે. બાપને પછી કહી દે કે મારી ઇચ્છા નથી તો ય થઈ જાય છે. પહેલું તો આપણે પૂછવું પડે, તું જાણી જોઈને કરું છું કે થઈ જાય છે ? ત્યારે પછી કહે, મારે નથી કરવું. એ બે-ત્રણ વખત નહોતું જવું તો ય મહીં જવાઈ ગયું. એટલે છોકરો ય સમજે કે મારે આ નથી કરવું તો ય થઈ જાય. માટે કો'ક ત્રીજું, કો'ક ભૂત છે. એ કર્મના ઉદયનું ભૂત છે. એટલે આપણે નથી કરવું તો ય થઈ જાય એવું કહે ને ત્યારથી આપણે જાણીએ કે ફર્યો, એની સમજણ ફરી. ત્યાર પછી આપણે એને શું કહેવું જોઈએ કે હવે પ્રતિક્રમણ કરજે. જ્યારે જ્યારે થઈ જાય, ત્યારે 'હે કૃષ્ણ ભગવાન ! આજે મારાથી આ થઈ ગયું, એની માફી માંગું છું અને ફરી નહીં કરું', કહીએ હવે. એ પ્રતિક્રમણ શીખવાડીએ બસ. બીજું કશું નહીં.

પ્રશ્નકર્તા : બરાબર છે. એ તો મેઈન (મુખ્ય) છે ને.

દાદાશ્રી : એ ક્યારે કરવું છે, એવું કહે ? તમારા જેવા ફાધર મળે ત્યારે. ફાધર શું કહે, 'મારી નાખીશ જો એને નહીં છોડું તો ?' ત્યારે પેલો છોકરો શું કહે ? કરવાનો જ. એવા મહીં ભાવ કરી નાખે. મોઢે બોલે નહીં. મોઢે બોલે તો પેલો મારે પાછો. કરવાનો જ જાવ, થાય તે કરો. આવું થયું છે, તેને લીધે આ છોકરા આવા પાક્યા. ભાવસત્તા (અજ્ઞાનીને) એના હાથમાં છે. એટલે અવળો ફરી જાય.

જેને ત્યાં ચોરી કરી તેનું પ્રતિક્રમણ આમ કરજે અને પ્રતિક્રમણ કેટલાં કર્યાં તે મને કહેજે. તો પછી પેલો રાગે પડી જાય. પછી ચોરી નહીં કરવાની એવી પ્રતિજ્ઞા લે તું. ફરી નહીં કરું અને થઈ ગઈ તેની માફી માંગું છું. એવું વારે ઘડીએ સમજણ પાડ પાડ કરીએ ને, તો એ જ્ઞાન ફીટ થાય. એટલે આવતો ભવ પછી ચોરી ન થાય. આ તો ઇફેક્ટ છે તે પૂરી ભજવાઈ જાય અને ઇફેક્ટ છે તે એકલી જ. પાછું બીજું નવું આપણે શીખવાડીએ નહીં. તો હવે નવું ઊભું થાય નહીં.

એટલે આ ભવમાં ય ઓછું થઈ જાય. કેટલીક ઈફેક્ટ એવી હોય, મોળી હોય. તેને અહંકારે કરીને મજબૂત કરે. તે મોળીને તો નિશ્ચય મજબૂત કરતાં બંધ થઈ જાય. આ અમારો રસ્તો. અમે એને શું કહીએ કે તેં ચોરી કરી, તું ડરીશ નહીં, આવી રીતે શક્તિ માંગજે. આપણે તો એને આમ સમજણ પાડવા વાતચીત કરીએ.

આ જે આચાર છે આજનાં, એ બધાં ઇફેક્ટ છે. અને તું કેમ અપવાસ નહીં કરતો ? ત્યારે કહે, મારાથી નથી થતાં. અલ્યા મૂઆ, શેના અપવાસ નથી થતાં ? એ તો કંઈ કરાતા હશે ? એ તો કોઝીઝ કરેલું હોય તો અપવાસ કરાય. એટલે આજે શું કરે છે એ જોઈ લેવું જોઈએ અને જે આચાર કામનાં ના હોય, તેને માટે આપણે એને ફરી જ્ઞાન ફેરફાર કરી નાખવું જોઈએ એનું. એનું જ્ઞાન ફેરફાર કરવાનું છે. બાકી ધીબધીબ કરો તો ઉલ્ટું મનમાં શું કરે કે ચોરી કરવી જ જોઈએ. એવું મનમાં નક્કી કરે. ઉલટો અવળો ચાલે. ભય ના પમાડવું જોઈએ. ફાધર કેવાં સંસ્કારી હોય. જેના સંસ્કારથી છોકરાઓ બધાં ડાહ્યા થઈ જાય. આ તો એનો ઉપાય જાણો નહીં બિચારાનો ! ચોરી કરી આવે છે. તે એને ખબર જ નથી ને, એ તો એમ જ જાણે કે આ જ ચોરી કરી રહ્યો છે, તે બંધ કરવી હોય તો કરી શકાય. એ બંધ કરે તો થઈ જાય. લે ને તારું બંધ કરને, તારા જે દોષો હોય તે બંધ કર. ગુરૂ મહારાજો, એ એવું કહે કે આ છોડી દો, આ છોડી દો. મહારાજ છીંકણી છોડી દો ને ? અને આ ક્રોધ તમારા છોડી દો ને. આ ક્રોધમાં તો બધાને દુઃખી કરો છો. તે છોડી દો. ક્રોધમાં આપણે કહીએ, તું ક્રોધને છોડી દે. પણ ના છોડી દે !

આ જુઓને તમારો ક્રોધ અમે સુધારી દીધોને ! તમારા કાબુમાં રહેતો ન હતો, પણ સુધારી દીધો ને !

દાદા પ્રેમથી હ્રદય પલટો ચોરનો;

વશ કર્યાં મનના લાખો ચોરને!

હું સુરત ગયો'તો. તે બે પોલીસ ઈન્સ્પેક્ટરો દર્શન કરવા આવ્યા. એ લોકોને કહ્યું કે અમારે દર્શન કરવા આવવું છે, દાદાનાં. એટલે પછી મને કહે છે કે અમે આટલું બધું પોલીસખાતું, માણસની પાસેથી કબૂલ ન કરાવી શકીએ, તે તમે આવા 'જ્ઞાની પુરુષ' તરીકે કેમ કરીને કબૂલ કરાવો છો ?

ગુનો શું હતો ? કે એક પચ્ચીસ વર્ષનો છોકરો હતો, એણે આઠ મહિનામાં એંસી લાખ રૂપિયાની ખોટ કરી. આ ખોટ એનાં ઘરની નહીં. ઘેર તો પૈસા હતાં જ નહીં. બધા વેપારીઓ રડી ઉઠ્યા. અને એ છે તે ત્યાં આવ્યો આપણે ત્યાં, વણાકબોરી. એ ભાગી ગયો ત્યાંથી. લોકોએ મારવાની તૈયારી કરી નાખી. બાળી નાખો, કહે છે. બધા વેપારીના મનમાં એમ થયું કે આ છોકરાને, પચ્ચીસ વર્ષનાને મારી નાખો. એટલે એ સમજી ગયો. એટલે ત્યાંથી ભાગી ગયો. નડિયાદ ને એ બધે ફર ફર રખડવા માંડ્યો. પછી એનો ભઈ છે તે તપાસ કરવા આવ્યો. એના ભઈ જાણતા'તા કે દાદા વણાકબોરી છે ત્યાં, આપણે ત્યાં તેડી લાવ્યાં. તેડી લાવ્યા પછી મેં કહ્યું કે ભઈ આ કેમ, કેટલા વખતમાં ૮૦ લાખ રૂપિયા ભેગા કર્યા ? ત્યારે કહે, ૮ મહિનામાં. ત્યારે મેં કહ્યું, શું વાપરું છું, શેમાં ખર્ચો છે તારો ? ત્યારે કહે, ખર્ચો મારો તો હજાર રૂપિયા જ છે. એવું કહ્યું, ભણ્યો છું કે ? ત્યારે કહે, ઇંગ્લીશ ભણ્યો નથી. અલ્યા, તે કેવી રીતે બનાવ્યા ? ત્યારે કહે, કે હું આમને ત્યાંથી એક લાખનાં હીરા લાવું. બીજાને ત્યાં ૮૦માં વેચી દઉં. એ ૮૦ રોકડા આયા, તે પેલાને એમાંથી ૬૦ આપી આવું. આવી રીતે બીઝનેસ ચાલુ કર્યો.

એટલે આમાં બીજી રંડીબાજી, દારૂ-બારૂ ? ત્યારે કહે, ના કશું ચાલુ નથી કર્યું કંઈ. એટલે શા હેતુ માટે કર્યું તે ? તારા ઘરનાંને માટે નથી કર્યું ? નથી રંડીબાજી, દારૂ-બારૂ હેતુ, તો શા માટે કર્યું ? ત્યારે કહે, હું અઢાર વર્ષનો હતો ત્યારે નક્કી કર્યું'તું કે આ શ્રીમંતનો કુંચો કાઢવો. તેં અલ્યા આવડું મોટું તે નક્કી કર્યું'તું. ત્યારે કહે કે હા. મેં શ્રીમંતોનો કુંચો કાઢવો એવું નક્કી કર્યું'તું. અલ્યા મૂઆ આવું ? તો કહે, હા. મેં કહ્યું, સારું. જે વિગતે વિગતવાર ક્ષણેક્ષણ બધી એકઝેક્ટ રીતે કહી દીધું. 'આ બધો ગુનો મારો જ છે અને બધું મેં જ કર્યું છે આ.' એટલે પછી એના ભઈ ને બધાં, બધાં સગાવહાલાં અહીં આવેલાં. એ કહે છે, જો આ સાવ સુરત ના આવે તો પેલા લોકો અમારો કુંચો કાઢશે. એટલે પછી મેં શું શરત કરી ? કે પોલીસવાળાને મારી પાસે વાત નક્કી કરાવડાવો. પોલીસવાળાને મેં કહ્યું, જો તમે કોઈ પણ, આને કોઈ હાથ ના અડાડે. તો આ માણસને હું ત્યાં આવવા દઉં છું, નહિ તો નહિ આવે. એટલે એ લોકોએ કબૂલ કર્યું. પછી મેં મોકલ્યો. ત્યાં બધાની પાસે એક્સેપ્ટ કરી દીધું એણે, શું કર્યું ? અને કંઈ નામ ના લીધું. એટલે પોલીસવાળા કહે છે, તમે આટલું બધું એક્સેપ્ટ કેવી રીતે કરાવો છો? મેં કહ્યું, મને તેર વર્ષ

ની છોકરી હતી તે પીસ્તાળીસ વર્ષની થઈ ત્યાં સુધી એના લક્ષણ બધાં લખીને આપે છે અને છોકરા ય લક્ષણ લખીને આપે છે. નહિ આપતા હોય ? પૂરેપૂરા આપતાં હશે કે મહીં કાચા રાખતાં હશે ? જે બારીઓ ખોલે, એક-બે ખોલતો હશે ? અને ના ખોલનારા તો એકે ય ખોલે નહીં અને બારીઓ ખોલે તે એવું એવું લખીને આપે છે કે આ ય અજાયબી. હવે એમાં, અમને પોતાને ગમે નહિ. માથું ચઢે એવું લાગે. પણ છતાં ય અમે એને ધોઈને પાછું આપીએ ને મહિના સુધી વાંચજે અને તું એને પછી બાળી મૂકજે, કહ્યું.

કોઈ જગ્યાએ માણસ કહી શકે નહીં. એનું શું કારણ છે ? ધણી પાસે જો બોલે, તો ધણીને પછી લાગ આવે ત્યારે લાગમાં લે. જ્યાં જાય ત્યાં લોક લાગમાં લે. 'જ્ઞાની પુરુષ' કરૂણાવાળા હોય, લાગમાં ના લે. એટલે ત્યાં આગળ બધું માણસ ખુલ્લું કરી આપે. સમજાયું તમને ?

એટલે પેલા પોલીસવાળાના મનમાં એમ જ થાય કે આવું બધું શી રીતે કબૂલ કરાવે છે. મેં કહ્યું, મારવા-કરવાનું ના હોય, અમારા પ્રેમથી બધું કબૂલ કરે. બધું જ કબૂલ કરી દે. પ્રેમથી બધું થાય. આ તમે શુદ્ધાત્મા થયા, પ્રેમ એટલો બધો ઉત્પન્ન થાય છે ત્યાં. હવે બીજો ઉપાય અત્યારે આ કરજો. છોકરાં ન હોય તમારાં ! આ તો બધું આપણા વ્યવહારથી નક્કી કરવાનું. 'કીસકે લડકે ને કીસકી બાત' એવું ઘેર બોલવું નહિ. આપણે મનમાં સમજવાનું. ઘેર તો આપણે કહેવું, 'હે છોકરાઓ ! તમે તો અમારું બધું નામ ઉજ્જવળ કરવા આયાં છો.' હા, લુખું પડી જાય છે. શબ્દ અવળા બોલવાથી લુખું પડી જાય સંસાર.

હવે જે પેલી પોતાનું ખાનગી લખી આપે છે, એનો એક જ શબ્દ હું બહાર પાડું તો એ આપઘાત કરીને મરી જાય. એટલે અમારે કેટલો બધો સંયમ રાખવો પડતો હશે કે કોઈએ ય જાણે નહીં.

જ્યાં લોકોએ ખાનગી વાત કરી, તે લોકોએ લાભ ઉઠાવ્યો છે. એટલે ખાનગી વાત જ કરવાની છોડી દીધી. બધાએ લાભ ઉઠાવ્યા, કામમાં લાગે ત્યાં આ સાંકળ ખેંચે છે. કેમ લાગે છે તમને ?

પ્રશ્નકર્તા : લાભ જ ઉઠાવે છે.

દાદાશ્રી : એટલે પ્રેમથી જુઓ. આ શું બધું હાય હાય હાય ! 'કિસકા લડકા કીસકી બાત !' આ તો ક્યાં સુધી ? ઉપર માથે ચોંટેલા છે ત્યાં સુધી આપણે કચકચ કરીએ ! ઉખડ્યા પછી પેલો વાળવાળો કહેશે, લ્યો ને સાહેબ, આને લઈ જાવ. મેર મૂઆ, આ તો ચોંટેલો છે ત્યાં સુધી મારાં. તમને કેમ લાગે છે ?

એટલે નકામી હાય હાય ના કરવી ! અમારી પાસે શીખવાનું છે. પાસે શા હારું બેસાડી રાખું છું કે જોઈ જોઈને એમનું જીવન જુઓ. આંખો જુઓ. આંખોમાં શું રહે છે ? ત્યારે કહે, 'સાપોલીયાં રમે છે ?' ત્યારે કહે, 'ના, સાપોલીયાં નથી રમતાં અંદર.' ત્યારે શું રમે છે ? તો કહે, 'વીતરાગતા રમે છે.' એ શીખો. વાણી દિલ ઠરે એવી હોય. એટલે આ બધું જોડે બેસ બેસ કરવાથી થઈ જાય. ભણવાથી ના થાય. ઉલટાં લોક શું કહે છે, તમે કરી બતાવો. એક ફેરો આપણે એને કહીએ, લે ટેબલ પર બેસીને આવી રીતે જમજે. તો એક ફેરો જમતાં શીખવાડીએ એટલે શીખી જાય. આપણે ફરી શીખવાડવા ન જવું પડે અને ચોપડીઓમાં શીખવાડ્યું હોય, ચોપડીમાં આમ પ્લાનીંગ કર્યું હોય અને શીખવાડ્યું હોય તો ક્યારે શીખી રહે ? અને કોઈ છોકરાને ગજવું કાપવામાં એક્સપર્ટ કરવો હોય તો કઈ કોલેજમાં દાખલ કરવો પડે ? અને ગજવું કાપનારની પાસે મૂક્યો હોય તો છ મહિનામાં ઓલરાઈટ કરી આપે, એક્સપર્ટ. નહીં તો વીસ વરસ કોલેજોમાં ઘાલે તો ય ના આવડે ને ! એમના પ્રોફેસરોને જ આવડે નહીં ત્યાં આગળ !

આ છોકરો અમારી પાસે બધી ભૂલો કબૂલ કરે, ચોરી કરે તો તે ય કબૂલ કરી લે છે. આલોચના તો ગજબનો પુરુષ હોય ત્યાં જ થાય. હિન્દુસ્તાનનો કંઈ અજાયબ 'સ્ટેજ'માં ફેરફાર થઈ જશે !

 

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19