ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19

મા-બાપછોકરાનોવ્યવહાર

(૧૨)

મોહના મારથી મર્યા અનંતીવાર !

ન થાય દીકરો કદિ સગો;

દેહ પણ અંતે દે છે દગો!

દાદાશ્રી : તમે એક કલાક ટૈડકાવો ને ! નાલાયક, બદમાશ, ચોર લોકો, એમને વઢો તો ? એક કલાક મારી તો જુઓ ! મારીએ તો શું કહે ?

પ્રશ્નકર્તા : ઠપકારીએ તો સામા થાય.

દાદાશ્રી : સામા થાય તો મારવા ફરી વળે. તો એ તમારા છોકરા કેમ કહેવાય ? છોકરા તો એનું નામ કે મારી મારીને એ કરી નાખીએ, તો ય કહેશે, બાપુજી, તમે બાપુજી જે કરો એ. તમારું જ છે આ બધું. એનું નામ છોકરાં. એવાં છે ?

પ્રશ્નકર્તા : નથી. રામ-સીતાનાં વખતમાં હશે.

દાદાશ્રી : રામના વખતમાં ય નહોતા. આ દેહ પોતાનો નથી તો આ છોકરા શી રીતે પોતાનાં થાય ? આ દેહ, પોતાનો દેહ પોતાનો થાય છે ?

પ્રશ્નકર્તા : નથી થતો.

દાદાશ્રી : રાત-દહાડો બ્રશ મારીએ છીએ તો ય દાઢો દુઃખે છે ને પાછી, રાત્રે ઊંઘવા ના દે. એટલે દેહ તો દગો છે આપણો. હવે આ દેહ છે એટલે આગળનો ડખો ઊભો થયો છે. ત્યાં સુધી માણસ શી રીતે સુખી હોય ?

પ્રશ્નકર્તા : જીવન છે તો જીવવા માટેનો ધ્યેય તો હોવો જોઈએ ને?

દાદાશ્રી : ધ્યેય હોવો જોઈએ. શું ધ્યેય છે તમારો ? છોકરાં મોટાં કરીને દુકાને બેસાડી દેવા એ ધ્યેય છે ?

પ્રશ્નકર્તા : છોકરા મોટાં થશે, પછી આપણા રહેશે કે નહીં એ કોને ખબર ?

દાદાશ્રી : હા, તે કોઈ આપણું કોઈ કશું રહેતું હશે ? આ દેહ જ આપણો નથી રહેતો તો ! આ દેહ જ લઈ લે છે પછી આપણી પાસેથી. કારણ કે પારકી ચીજ આપણી પાસે કેટલા દહાડા રહે ?

એ મોહને લીધે તો 'પપ્પાજી, પપ્પાજી' એવું બાબો બોલે, એટલે પપ્પાજી ઊંચો ને ઊંચો ચઢતો જાય. ને બાબો 'મમ્મી, મમ્મી' કરે એટલે પેલી મમ્મી ય ઊંચે ચઢતી જાય. પપ્પાજીની મૂંછો ખેંચે તો ય પપ્પો બોલે નહીં. આ નાના છોકરાં તો બધું બહુ કામ કરે. એ પપ્પા-મમ્મીનો ઝઘડો થયેલો હોય ને તો એ બાબો જ લવાદ તરીકે નિકાલ કરી આપે. ઝઘડો તો હંમેશા થવાનો જ ને ! સ્ત્રી-પુરુષને અમથી ભાંજગડ તો પડ્યા જ કરવાનીને ! તો બાબો કેવી રીતે નિકાલ કરી આપે ? સવારમાં પેલાં ચા પીતા ના હોય, જરા રીસાયા હોય, તો પેલી બઈ બાબાને શું કહેશે ? કે જા પપ્પાજીને કહે 'મારી મમ્મી ચા પીવા બોલાવે છે, પપ્પાજી ચાલો.' એટલે આ છોકરો પપ્પાજી પાસે જઈને બોલ્યો કે 'પપ્પાજી, પપ્પાજી' કે પેલો બધું ભૂલી જાય ને તરત ચા પીવા આવે. એવી રીતે બધું ચાલ્યા કરે. 'પપ્પાજી' બોલ્યો કે જાણે ઓહોહો ! જાણે શું યે મંત્ર બોલ્યો ! અલ્યા, હમણે તો કહેતો હતો કે મારે ચા નથી પીવી !

અરે, પપ્પાને જ બાબો જઈને કાલી ભાષામાં કહે કે 'પપ્પાજી, ચાલો મમ્મી ચા પીવા બોલાવે.' તે બાપો મહીં એવો મલકાય, એવો મલકાય, જાણે સાંઢ મલકાયો ! એક તો બાળભાષા, કાલીભાષા, તેમાં ય પપ્પાજી કહે એટલે ત્યાં તો મોટો પ્રધાન હોય તો ય તેમનો હિસાબ નહીં. આ તો મનમાં શું ય માની બેઠો છે કે મારા સિવાય કોઈ પપ્પો જ નથી. મેર ગાંડિયા ! આ કૂતરાં, ગધેડાં, બિલાડાં નર્યા પપ્પા જ છે ને ? કોણ પપ્પા નથી ? આ બધો કકળાટ એનો એ જ છે ને ?

સમજીને પપ્પા ના થાય એવું કંઈ ચરિત્ર કોઈનું ઉદયમાં આવે તો એનાં તો વધામણાં જ લેવાં પડે. બાકી બધા પપ્પા જ થાય છે ને ? બોસે ઓફિસમાં ટૈડકાવ્યો હોય ને ઘેર બાબો 'પપ્પા, પપ્પા' કરે. એટલે તે ઘડીએ બધું ભૂલી જાય ને આનંદ થાય. કારણ કે આ પણ એક પ્રકારની મદિરા જ કહેવાય છે, તે બધું ભૂલાવી દે છે !

ત્રણ કલાક લઢે ત્યાં ફૂટે ટેટો;

ન સંધાય પડે બાપથી છૂટો!

છોકરો કાલું કાલું બોલે તો ના સમજી જાય ? વખતે પપ્પાને પપ્પી કહ્યું તો, પપ્પાને રીસ ચઢે ? પપ્પાને એ કહે, 'તું પપ્પી છું, પપ્પી છું.' તો ય રીસ ના ચઢે. એ જાણે કે આ કાલું કાલું બોલે છે, બિચારો.

કોઈ કોઈનો છોકરો થયો નથી વર્લ્ડમાં. આખા વર્લ્ડમાં એવો કોઈ છોકરો ખોળી લાવો કે જેની જોડે બાપ ત્રણ કલાક લઢે અને છોકરો કહેશે, 'હે પૂજ્ય પિતાશ્રી, આપ ગમે તેટલું લઢો તો ય તમે ને હું એક જ છીએ.' એવું બોલે એવો છોકરો ખોળી લાવશો ? આ તો અડધો કલાક ટેસ્ટમાં લીધો હોય ત્યાર પહેલાં તો ફૂટી જાય. આ બંદુકીયો ટેટો ફૂટતાં વાર લાગે, પણ આ તરત ફૂટી જાય. જરા વઢવા માંડીએ તે પહેલાં ફૂટી જાય કે ના ફૂટી જાય ?

છોકરાં પ્રત્યે છે ઉછીનું સુખ;

રી-પે કરવાનાં ભોગવીને દુઃખ!

લોક આપણને એમ જ કહે છે, આ પપ્પા ચાલ્યા. અલ્યા, પપ્પા શાના કહો છો અમને ? ત્યારે કહે છે, સહી કરતી વખતે, બાપ છોકરાંને શું કહે ? અલ્યા, 'પ' લખ 'પ'. પપ્પાનો 'પ' એટલે લોકોએ પપ્પા નામ પાડી દીધું. પત્ર લખવાનો ને, તે સહી કરતી વખતે 'પ' લખાવ્યો હોય તો પપ્પાનો 'પ' લખ કહે છે. તે 'પપ્પા' લોક કહેતાં હતા, મશ્કરી કરતા હતાં. હવે પપ્પા કહે છે, એટલે ખુશ થઈ જાય છે !

હવે, આ જે સુખો લો છો ને એ બધાં, તો લોન ઉપર લો છો, તે પાછાં રીપે (ય્ફૂર્ષ્ટીક્ક) કરવાં પડશે. માટે ચેતીને ચાલજો, લોન ઉપર લીધેલાં સુખ બધાં રીપે કરવાં પડશે આ. આ વાઈફની પાસેથી, છોકરા પાસેથી સુખ લઈ લઉં છું ને, લોન ઉપર લઉં છું એ રીપે કરવાં પડશે. જેટલું રીપે કરવાની આપણી શક્તિ હોય એટલું લોન ઉપર લેજો અને પછી સહન નહીં થાય.

પ્રશ્નકર્તા : સંસાર ભોગવવામાં સુખ ચાખ્યું, તો એ પછી એનું દુઃખ કઈ જાતનું આવવાનું છે ?

દાદાશ્રી : એ લોન તો એવી ભારે પડશે, તે મરવાના વિચાર આવશે કે આ ક્યાં જઈને મરવું ! હજુ તો આની લોન રીપે કરવાનું આવશેને ત્યારે ખબર પડશે. હજુ તો કાગળ નથી આવ્યો રીપે કરવાનો, માટે સમજીને લોન લે આ. લોન લઉં ને તો રીપે કરવી પડશે, એવું સમજીને લે. આ જેટલાં સુખ, સંસારી સુખો છે ને, એ બધાં રીપે કરવાં પડશે.

પ્રશ્નકર્તા : મારા મા-બાપે સંસાર સુખ ભોગવ્યું અને મને પેદા કર્યો, તે એ તો હજી સુખી જ છે. એ સુખ ભોગવે જ છે. એમને દુઃખ આવતું નથી કંઈ.

દાદાશ્રી : એ તો સુખી લાગે તને. મોંઢા ઉપર આપણે કહીએને, કોઈ બહુ દુઃખીયો હોય, એના મોંઢા ઉપર કહીએ, 'બહુ દુઃખીયો છે.' ત્યારે કહે 'તારો બાપ દુઃખીયો મૂઆ' અને આમ રડતો હોય. મારી પાસે બધા બહુ રડે છે બિચારાં, પણ મોંઢે ના કહે. મોંઢે તો બધાની આબરૂ જાય.

શા માટે પપ્પા કહે છે ? એમ કરીને ભાડાના પપ્પા કહે છે એ તો ! સાચા પપ્પા નહીં. ભાડાના એક વખત પપ્પા કહ્યા બદલનાં વીસ ડૉલર લેશે !!

છોકરો 'પપ્પાજી, પપ્પાજી' કરે તો તે કડવું લાગવું જોઈએ. જો મીઠું લાગ્યું તો એને ઉછીનું સુખ લીધું કહેવાય. એ પછી દુઃખરૂપે પાછું આપવું પડશે. છોકરો મોટો થશે, ત્યારે તમને કહેશે કે, 'તમે અક્કલ વગરના છો.' ત્યારે થાય કે આમ કેમ ? તે પેલું તમે ઉછીનું લીધું હતું તે પાછું લે છે. માટે પહેલેથી ચેતો. અમે તો ઉછીનું સુખ લેવાનો વ્યવહાર જ મૂકી દીધેલો. અહો, પોતાના આત્મામાં અનંત સુખ છે ! એ મૂકીને આ ભયંકર ગંદવાડામાં પડવાનું ?

પગ પહોંચતા સુધી છોરાં પાંસરાં;

પછી બનાવે બાપને બહાવરાં!

કેડમાં ઘાલેલું છોકરું હોયને, દરિયામાં જઇએને, તે પગ નીચે લંબાવી જુએ, જો ભોંયે અડે નહીંને, ત્યાં સુધી આપણને છોડે નહીં. અને ભોંયે અડ્યું તો છોડી દે આપણને. તે દબાવી જુએ, પગ મૂકી જુએ અને પગ પહોંચે નહીં ભોંય પર, એટલે આપણને છોડે નહીં. આપણે કહીએ છોડ છોડ, તો ય ના છોડે. પણ પગ પહોંચ્યા કે તરત છોડી દે. એટલે આ પઝલ છે બધું !

મોટી ઉંમરનો થાય અને અહંકાર થાય, ત્યાર પછી એનો પગ પહોંચે, પછી રોફ મારે ને ? પગ ના પહોંચે ત્યાં સુધી તો મૂઓ ટાઢો ટપ જેવો રહે. પણ પહોંચ્યા એટલે આપણા પર રોફ મારવાની તૈયારી થાય ! એ એના ઘાટમાં જ હોય.

જેટલો મોહ હશે છોકરાં માટે;

માર તેટલો જ પડે વ્યાજ સાથે!

અમારે ત્યાં પાડોશીમાં એક આંધળાં ડોસી અને તેનો દીકરો રહે. ડોસી આખો દહાડો ઘર સાચવે ને કામ કર્યા કરે. તે ભાઈને ઘેર એક દિવસ તેના સાહેબ આવ્યા. આ ઘરના સાહેબ અને પેલા ઓફિસના સાહેબ ! બંને ઘેર આવ્યા. તે ભાઈસાહેબને થયું કે મારી આંધળી માને મારો સાહેબ જોશે, તો મારી આબરૂ જશે. તે મૂઓ સાહેબની સામે પોતાની માને કહે કે આંધળી ઊઠને, મારા સાહેબ આવ્યા છે ! મૂઆએ માને લાત મારીને સાહેબ પાસે પોતાની આબરૂ ઢાંકી ! મોટો સાહેબ ના જોયો હોય તો ! આ મૂઓ આબરૂનો કોથળો ! 'મા'ની આબરૂ સાચવવાની હોય કે સાહેબની ?

આપણે કલકત્તાથી આવતાં સારી કેરી દીઠી હોય, ને ત્યાં મજૂર ના મળે, કરંડિયા ના મળે, તો ય સાચવીને અહીં લાવીએ. અને અહીં લાવ્યા પછી કેરીઓ ખાઈએ અને ખાઈ લીધા પછી ગોટલા ને છોતરાં નાખી દઈએ. અલ્યા, આટલી મહેનત કર્યા પછી નાખી દીધું ? તો કહે કે હા, માત્ર રસનું જ કામ હતું. એમ આ માણસોને ય ગોટલા-છોતરાં રહે, રસ ના રહે ત્યારે છોકરાં ય લાતો મારે !

આ કેરી શાથી લઈ આવતા રહો છો ? તો કહે કે રસ માટે, સ્વાદ માટે, આ તો સ્વાર્થનું જગત ! માટે આપણા માંહ્યલા ભગવાન સાચા, ને મોક્ષે ગયા તો કામ થયું. નહીં તો આ તો 'ઊઠ આંધળી' એવું કહે !

નાનપણમાં મેં નજરોનજર જોયેલું. એક આંધળા ડોસા હતા. એ ખાતાં હોય ત્યારે છોકરાં એમની થાળીમાં કાંકરા નાખી આવે. પેલાં કંટાળીને ચિઢાય ને બૂમો પાડે. એટલે આ છોકરાં ખુશ થઈ જાય ને વધારે કાંકરા નાખે ! એવું આ જગત છે ! અને પાછાં આવાં કેટલાં અવતાર થવાના છે એનું ઠેકાણું નથી ! મોક્ષનો સિક્કો વાગ્યો હોય તો બે-ત્રણ અવતારમાં ય ઠેકાણું પડે. પણ એવો સિક્કો વાગ્યો નથી છતાં ય આ જગત પર લોકોને કેટલો મોહ છે !

નર્યો માર ખા ખા કર્યો, અનંત અવતાર મોહનો માર ખા ખા કર્યો છે ! હવે હિન્દુસ્તાનમાં આવ્યા પછી આપણે મોહનો માર ખાઈએ તો એ આપણને શોભે નહીં. કારણ કે બહાર હોય ત્યાં સુધી મોહનો માર ખાવાનો વાંધો નથી.

મોહને લીધે લાગે મીઠો સંસાર;

છોકરાં વઢે ત્યારે લાગે અસાર!

હવે સંસાર ગમતો નથી એ નક્કી થઈ ગયું છે ચોક્કસ !

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ તો ખાતરી થઈ ગઈ છે ?

પ્રશ્નકર્તા : ખાતરી થઈ ગઈ છે.

દાદાશ્રી : આ ખાતરી જોઈએ. આ ડેવલપ કોમ શેને કહેવાય છે કે જેની સ્ત્રીઓ એમ કહે છે કે હવે આ સંસાર અમને ગમતો જ નથી. એ ડેવલપ કોમ કહેવાય છે. નહીં તો સ્ત્રીઓ તો બધી મોહી હોય. માર ખાય તો ય એને ગમે. પણ આ કોમ ડેવલપ્ડ શાથી કહેવાય તે જેની સ્ત્રીઓ પણ જાગૃત થઈ ગઈ કે આ, આમાં શું સુખ છે બળ્યું ! કડવું લાગે છે. અરે ખારું લાગે છે ! સંસારનું પાણી બધું, આ સંસાર સંબંધીનું પાણી ખારું છે. તો ય લોક શું કે' છે, ના મીઠું છે. બોલો કેટલી ભ્રાંતિ હશે ! ભ્રમણા કેટલી હશે !

તે એક ઘૈડાં માજી હતાં, સિત્તેર વર્ષનાં બહાર આવીને કકળાટ કરવા માંડ્યાં. બળ્યો, આ સંસાર ખારો દવ જેવો, મને તો આ ગમતો જ નથી. હે ભગવાન ! તું મને લઈ લે. ત્યારે કો'ક છોકરો હતો ને તે કહે છે, માજી રોજ કહેતાં હતાં, બહુ સારો છે ને આજ ખારો કેમ થઈ ગયો ? રોજ મીઠો દરાખ જેવો લાગતો હતો. અને આજ ખારો કેમ થઈ ગયો છોકરાએ પૂછયું, ત્યારે કહે, બળ્યો, મારી જોડે કકળાટ કરે છે છોકરો અને ઘડપણમાં પણ કહે છે, તું જતી રહે અહીંથી. હા, બળ્યો ખારો દવ જેવો જ લાગે છે ને સંસાર ! છોકરો બોલ્યો નહીં ત્યાં સુધી મીઠો અને આ બોલ્યો એટલે પેલો મોહ ઉડી ગયો. એટલે દેખાયું ખારું ને ખારું. બોલે તો મોહ ઉડે ને.

છોકરો પજવે એટલે મૂર્ચ્છા એટલા પૂરતી ઊડી જાય ને સંસાર ખારો લાગે પણ ફરી પાછી મૂર્ચ્છા આવી જાય ને બધું ભૂલી જાય ! અજ્ઞાની તો એટ એ ટાઈમ જઈને બધું ભૂલી જાય. જ્યારે 'જ્ઞાની'ને તો એટ એ ટાઈમ બધું હાજર રહે. એમને તો આ જગત 'જેમ છે તેમ' નિરંતર દેખાયા જ કરે, એટલે મોહ રહે જ ક્યાંથી ? આ તો પેલાને ભાન નથી, તેથી માર ખાય છે.

બંધન ગમે છે ? કંટાળો આવે છે કોઈ વખત ? આ બંધનમાં કંટાળો આવે છે કોઈ વખત ?

પ્રશ્નકર્તા : કંટાળો જ છે.

દાદાશ્રી : કંટાળો છે જ. કંટાળો આવતો નથી, છે જ કંટાળો. તમને નથી લાગતો કંટાળો ? થોડો ઘણો લાગે છે, બહુ નહીં ? ચા પીતી વખતે હઉં કંટાળો આવે ? સરસ ટેસ્ટી ચા પીવો તો ય કંટાળો આવે ?

પ્રશ્નકર્તા : દર વખતે કંઈ એવો કંટાળો આવતો નથી. આમાં રચ્યાપચ્યા રહીએ તે વખતે ભૂલી જવાય.

દાદાશ્રી : આમાં રચ્યાપચ્યા રહીએ એટલે કંટાળો ભૂલી જવાય ને ? એટલે એ તો મૂર્ચ્છા કહેવાય ને ? એક ફેરો કંટાળો આવ્યા પછી, આપણે દેવતામાં એક ફેરો દઝાયા, ફરી ફરી ભૂલી જઈએ એને તો મૂર્ચ્છા જ કહેવાયને. એક ફેરો દેવતાને અડ્યા ને દઝાયા. પછી ભૂલી જઈએ ?

આ તો કાયમનો ખારો છે. છતાં મૂર્ચ્છાને લીધે મીઠો લાગે છે. પછી જ્યારે ગાળો ભાંડે, ખોટ જાય, ઘર બળી જાય ત્યારે મૂર્ચ્છા ઉતરે. ત્યાં સુધી મૂર્ચ્છા ઉતરે નહીં ને ! તે આ મૂર્ચ્છામાં બધાં, મસ્તીમાં ગધ્ધામસ્તાનીમાં રહ્યા છે. ગધેડું એનાં મનમાં મસ્તાન ! મૂર્ચ્છિત સુખ છે આ. સાચું સુખ તો આવ્યા પછી જાય જ નહીં. એનો અંત જ ના આવે. એને સનાતન સુખ કહેવાય.

પ્રશ્નકર્તા : એ છોકરાંનો ઉપકાર માનવો જોઈએ.

દાદાશ્રી : ઉપકાર જ માનવો જોઈએ ને. તેથી આ કાળમાં ઉપકારી ઘેર બેઠાં જન્મ્યા છે. પહેલાં ખોળવા જવાં પડતાં હતાં બહાર અને ઉપકારી ઘેર બેઠાં જન્મ્યા છે એટલે નિરાંતે છોકરો આપે એટલું લઈ લેવું.

અને મહાવીર ભગવાનને ય ઉપકારી મળતા ન્હોતા. આર્ય દેશમાં ઉપકારી મળતા ન્હોતા. તે પછી અનાર્યમાં વિચરવું પડ્યું, સાઈઠ માઈલ છેટે અને આપણે તો ઘેર બેઠાં ઉપકારી છે. છોકરો કહેશે, અમારે મોડું-વહેલું થાય તો તમારે કચકચ ના કરવી. તમારે સૂવું હોય તો સૂઈ રહો છાનામાના. હવે સૂઈ રહીશ કહીએ, હું ના જાણું આવું તેવું, નહીં તો માંડત જ નહીં આ. માંડ્યું તો માંડ્યું કહીએ હવે. આ પહેલી ખબર ના પડે ને આપણને, તે પહેલાં તો માંડી દઈએ અને પછી ફસાઈએ !

પ્રશ્નકર્તા : ના ગમતું આવે ને આત્માના ઉપયોગમાં એને લેવાનું એવો અર્થ થયો ?

દાદાશ્રી : ના ગમતું આવે તે આત્માના હિતકર જ હોય. એ આત્માનું વીટામીન જ છે. ભીંસ આવી કે તરત આત્મામાં રહે ને ? હમણે કોઈ ગાળ ભાંડે ને તે ઘડીએ એ સંસારમાં ના રહે પોતાના આત્મામાં જ એક થઈ જાય. પણ જેણે આત્મા જાણ્યો છે તેને !

મા-બાપની આશા ઘૈડપણમાં ચાકરી;

કોણ જાણે ચાકરી થશે કે ભાખરી?

પ્રશ્નકર્તા : ઘૈડપણમાં ચાકરી કોણ કરે, તો પછી ?

દાદાશ્રી : ચાકરીની આશા શું કરવાની ? ભાખરી ના કરે તો સારાં છે. ચાકરીની આશા રાખવી નહીં. કોઈ માણસ સેકડે પાંચ ટકા સારું મળી આવે, બાકી ૯૫ ટકા તો ભાખરી કરે એવાં છે. એટલે તમારી ભાખરી ના કરે તો ઉત્તમ, તમારા જેવા કોઈ પુણ્યશાળી નહીં. મને પાંસરો ખાવા દઉં તો બહુ સારું, સુવા દઉં તો બહુ સારું ! કહીએ.

સાસુથી કામ ના થતું હોય, તો વહુ સાસુને શું કહેશે કે તમે આઘાં બેસો. નહીં તો સાસુને ઘંટીએ બેસાડી દે. સાસુને કહે કે તમે દળો એટલે વચ્ચે ના આવો અને આ મા તો શું જાણે કે છોકરો મોટો થાય તો મારી ચાકરી કરશે. તે એ મૂઓ ચાકરી કરશે કે ભાખરી કરશે એ પછી ખબર પડે.

પહેલાં આંબા ઉછેરતા હતાં. એ તો કેરીઓ ઘેર આવતી હતી અને આજના આંબા ઉછેરતાં, છોકરારૂપી આંબા, તે બે કેરીઓ એમને આવે, બીજી બે કેરીઓ આપણી પાસે માંગશે, એટલે આ આંબા ઊછેરશોને, ઉછેર્યા વગર છૂટકો નથી. આવી પડે તે ઉછેરવા તો પડે જ. પણ આજનો આ માલ છે બધો. કળિયુગનો માલ.

વધારે કમાવાનું છોકરાં માટે?

વઢો તો પહોંચાડે હલકી ધાટે!

પ્રશ્નકર્તા : આપણે માટે તો ઇનફ (પૂરતા) છે. પણ આપણાં છોકરાઓ માટે તો કમાવું જોઈએને ! એટલે માટે કમાઇએ છીએ.

દાદાશ્રી : બરાબર છે. છોકરો પોતાનો હોય તો કમાવું જોઈએ અને પોતાના ના હોય તો શા માટે કમાવાનું ? હવે પોતાનો છે કે નહીં તે જોવા માટે એ પચ્ચીસ વર્ષનો હોયને, તે એક કલાક સુધી ટૈડકાવ ટૈડકાવ કરવો. તમારો છે કે નહીં તે ખાતરી થઈ જશે. ગમે તેનો છોકરો હોય, પણ એક કલાક જો કહી દો જોઈએ ? 'તારામાં અક્કલ નથી, તું ગધેડો છું', ટેસ્ટ લો જોઈએ. એ કહેશે, 'પપ્પા, સાચવીને બોલજો, નહીં તો મારીશ.'

ખરેખર છોકરાની જો નાડી જોઈએ એને ટેસ્ટ ઉપર મૂકીએ તો તો સામો થઈ જાય, કે તમે કોણ ને હું કોણ, એવું કહી દે ! અલ્યા, તું મારો છોકરો નહીં ?! ત્યારે કહે, તમને તમારા બાપના છોકરા થતાં આવડતું નથી, મારું શું છે !

એક કલાકમાં વેરવી થઈને રહે એ ન્હોય છોકરાં. આ તો બધું જો આપણે સારું રાખીએ તો સારું રહે, નહીં તો ના સારું રહે. આપણે બગાડીએ તો બગાડવા તૈયાર જ હોય. તમે માની બેઠાં હતાં કે મારો લડકો ! હોતો હશે કોઈની જોડે લડકો !? લડકાંવાળા આવ્યાં ! આ તો બધી ભ્રાંતિ જ છે !

આ તો ભ્રાંતિથી સમજાય નહીં, ને કહેશે કે મારો દીકરો મારા જેવો જ છે. ઓહોહો, મૂઆ દીકરાવાળા આવ્યા. હેંડતા આવડતું નથી અને મોટા દિકરાવાળા થયા. એ સામો થાયને ત્યારે કહે, 'શું કરું, સામો થઈ જાય છે. ગાળો બોલે છે.' એટલે આપણે શું લેવાદેવા ? આ તો આપણે માની બેઠાં છીએ અને લેવાદેવા હોય તો આપણે છંછેડીએ તો ખબર પડી જાય. છંછેડીએ તો 'મારી, તમારી' થઈ જાય અને આવડી આવડી ચોપડશે. ટેસ્ટ કરે તો ખબર પડે કે નહીં ?

પ્રશ્નકર્તા : છોકરો પચ્ચીસ વર્ષનો થાય ત્યાં સુધી રાહ જોવાની, ટેસ્ટ લેવા માટે એ તો બહુ લેટ કહેવાય. અઢાર વર્ષે કરી નાખવાનું.

દાદાશ્રી : અઢાર વર્ષે કરે. પચ્ચીસ વર્ષનો બરાબર જરા વધારે સમજણો થયો હોય. એવું છે ને કે અહંકાર પોતાનો ખડો થઈ ગયો, એટલે બાપ નથી ને બેટા નથી. જ્યાં સુધી અહંકાર ખીલ્યો નથી ત્યાં સુધી 'પપ્પાજી પપ્પાજી' કર્યા કરે. અહંકાર ખીલ્યો કે, આવી જાવ, ભઈ !

કલદાર માનીએ તો થાય આસક્તિ;

ટેસ્ટીંગે બોદા, માટે કર 'સ્વ'ની ભક્તિ!

પ્રશ્નકર્તા : છોકરાની ઉપર લાગણી છે.

દાદાશ્રી : હોય, છોકરો સામો થાય તો લાગણી હમણે થાય ?! છોકરો બાપને કહે, 'યુ આર નાલાયક, અન્ફીટ મેન.' તો પછી લાગણી થાય ?

પ્રશ્નકર્તા : તો ય થાય.

દાદાશ્રી : ના, ના, ના. એ તો એક કલાક જ વઢવાની જરૂર છે. ટેસ્ટેડ. કલદાર છે કે નહીં તે ! બોદો છે કે કલદાર, તરત ખબર પડી જાય. લાગણી તો કલદાર હોય તો રાખવા જેવું. એ રૂપિયો ખખડાવતાં પહેલાં જ બોદો છે કે કેમ માલમ પડી જાય ? તે ખબર પડી જાય કે પોતાનાં છે કે પારકાં છે ! તમે ખખડાવી જોયેલો રૂપિયો ? પછી તમે સમજી ગયાં કે ખખડાવામાં માલ નથી હવે, નહીં ?

છોકરા કલદાર છે કે બોદા, એ ખખડાવ્યા વગર શી રીતે ખબર પડે ? એવું ખખડાવ્યા સિવાય છોકરો શું કામનો ? અને બૈરીને ય ખખડાવેને એક કલાક તો ખબર પડી જાય કે કલદાર છે કે બહેરી(બોદી) છે. માટે આપણું પોતાનું છે કે નહીં તે ખખડાવીએ એટલે ખબર પડી જાય. એક વખત ખખડાવીને જોઈ લઈએ, પછી બેઉ ભેગાં રહોને ! મારું શું કહેવાનું કે બોદા રૂપિયા હોય છે ને, એને કલદાર માનીએ તો આસક્તિ થાય ને ! આ તો બધું બોદા રૂપિયા ને બોદી વાત !! આમાં મઝા નહીં. ઢાંકેલું જ સારું છે. જ્યાં સુધી ઢાંકેલું છે ત્યાં સુધી સારું છે. કવર્ડ જોઈએ !

મિલકત માટે મારે, કોર્ટ જાય લઈ;

રીયલ નહિ, આ તો રીલેટીવ સગાઈ!

બાપને દીકરા જોડે મતભેદ પડે, તો બેઉ કોર્ટમાં કોઈ દહાડો જાય ખરાં ? બહુ મતભેદ ભારે પડી ગયો હોય તો કોર્ટમાં જાય ને ?

પ્રશ્નકર્તા : ઘણાં જાય છે.

દાદાશ્રી : હા, બોલો હવે, આ ખરેખર બાપ-દિકરા છે કે શું છે ? એની કરેક્ટનેસ જાણવી જોઈએને કે ના જાણવી જોઈએ ? આવું ગપ્પું ક્યાં સુધી ચાલવા દેવું ? જો ખરેખર બાપ-દિકરો હોય તો એક પણ આવો કેસ બને ? એટલે આ તો બધી સાચી સગાઈઓ ન હોય. આ બધી રીલેટિવ સગાઈઓ છે, એને ક્યાં સુધી સાચી માનવી ? ક્યાં સુધી આવું ગપ્પું ચાલવા દેવું ?

અરે ! છોકરો તો શું કરે, એક છોકરાએ એના બાપને કહ્યું કે તમે મારો ભાગ આપી દો, રોજ રોજ કચકચ કરો છો મને નહીં પોસાય. તો એનો બાપ કહે છે, તે મને એટલો બધો હેરાન કર્યો છે કે હું તને કશું ભાગ જ નથી આપવાનો. ત્યારે કહે, 'ના કેમ આપો ? મારા દાદાની કમાણી છે, નહીં આપો તો જેલમાં ઘલાવીશ. તમે ના આપો પણ મારા દાદાની મિલકત તો તમારી પાસેથી દાવો માંડીને લઈશ.' વારસાઈની ને ! પપ્પા શું કહે ? હું તને મારી જાતની કમાણી છે એટલે મિલકત નહીં આપું. ત્યારે પેલો કહે, આ બધું તો મારા દાદાની છે એટલે હું દાવો માંડીશ કોર્ટમાં. હું કોર્ટમાં લઢી લઈશ. પણ છોડીશ નહીં. એટલે ખરેખર આ છોકરાં પોતાનાં ન્હોય.

પ્રશ્નકર્તા : ચાવી પાસે જ રાખી હોય તો ?

દાદાશ્રી : મારીને લઈ લે, આજનો છોકરો તો. તે કંઈ નિયમ છે કોઈ જાતનો ? મારીને લઈ લે.

એક છોકરો તો તેના ફાધરને કહે, 'મારી મિલકત મને આપી દો.' એનો ફાધર ફરી પૈણ્યો એટલે. ત્યારે એના ફાધર કહે છે, 'ભઈ આપીશ હજુ, આમાં તારું કંઈ જતું રહેવાનું છે ! તારો હિસાબ તને હું આપી દઈશ.' તે પેલાએ લોચો વાળીને ઝઘડો કર્યો. ઝઘડો કર્યો એટલે ફાધર જરા કંઈ આડુંઅવળું બોલી ગયા હશે એટલે પેલાએ માંડ્યો દાવો કોર્ટમાં. રોજ 'પપ્પાજી, પપ્પાજી' કરતો હતો અને પપ્પાજી ખુશ થઈ જનાર તે જ છોકરો આ. તે માંડ્યો દાવો. એટલે દાવામાં પપ્પાજી હારી ગયા. છોકરો કેસ જીતી ગયો. પછી એના વકીલને એણે સમજ પાડી. વકીલને કહ્યું કે કેસ તમે જીતાડ્યો તો ખરો, પણ હવે બીજું એક કામ કરો તો ત્રણસો રૂપિયા આપું. ત્યારે કહે કે શું કામ કરું ? ત્યારે છોકરો કહે છે કે મારા બાપની નાકકટ્ટી થાય એવું કોર્ટમાં કરો, તો ત્રણસો રૂપિયા આપું. બોલો, હવે આ સગાઈ કેવી ?

પ્રશ્નકર્તા : તો ય દીકરો તો દીકરો જ કહેવાય ને ? અને બાપ બાપ જ કહેવાય ને ? એમાં કંઈ ફેર ના પડે ?!

દાદાશ્રી : હા, ફેર પડે નહીં, પણ બાપ અંદર જાણે કે છોકરાને ક્યારે મારી નાખું અને છોકરો જાણે કે ક્યારે બાપની નાકકટ્ટી કરાવું. એવું આ બધાં મહીં વેર ઊભાં થાય. આને સુખ કેમ કહેવાય તે ? છોકરો બાપની સામે દાવો માંડે એમાં છોકરાને સુખ પડે ખરું ?

હવે આ ફાધર અચ્છા કે લડકા અચ્છા ? કોણ અચ્છા ? છોકરાં તો, આવાં છોકરાં હોજો ! આવાં છોકરા મલો કે જેથી કરીને મોક્ષે જવાની ભાવના જાગે આપણી બધી. ત્યારે શું કરે તે વળી આ ! પપ્પાજી, પપ્પાજી કરે ને રોજ, તે જવા ના દે મોક્ષે !

એટલે આપણે ફરજિયાત છે, એમાં કંઈ બોલી કે કરી બતાવવા જેવું નહીં. આ તો દાખલો આપું છું કે ફરજિયાત છે. ઘાણીઓ કાઢવી એ ય ફરજિયાત. બોલી બતાવવાનું નહીં, પણ મનમાં સમજી જવાનું કે આ ઘાણીઓ કાઢવા બંધાયા છીએ. આ તો ઘાણીઓ કાઢે છે ને ઉપરથી કહે છે કે, મને છોકરા વગર ગમતું નથી ! મેં કહ્યું, મૂઆ, પહેલાં કહેતો હતો ને, વહુ વગર ગમતું ન્હોતું, હવે વહુને ખસેડીને છોકરાં વગર ગમતું નથી. પછી તો એ મારા બાબાનો બાબો છે તે બહુ માંદો છે. અલ્યા, પણ એ માંદો છે તે તું શું કરવા માંદો થઉં છું ! એ તો મિલકત લેવા આવ્યા છે. ઘાણી તમે કાઢો અને ડબ્બામાં લઈ જશે તેલ આ. બાપા એ તો ઘાણી કાઢવાની.

લાગણી-મમતા એ બધું એબનોર્મલ;

ઉપકારી ભાવ સદા, કર પ્રશ્નો હલ!

પ્રશ્નકર્તા : આપણા સગાસંબંધીને દુઃખ થયું હોય, પૈસા કે માન-અપમાનનું, તબિયતનું વગેરે. તેની ચિંતા આપણને થતી હોય ?

દાદાશ્રી : એ તો બધું આપણું ઈગોઈઝમ છે, મમતા છે. મમતા હોય તો દુઃખ થાય, હમણાં તમારો સગો ભાઈ હોય, તે મમતા હોય તો થાય. પણ એક દહાડો ખૂબ લડ્યા અને પછી તમે કહો કે ભઈ તારું મોઢું ના દેખાડીશ, ત્યાર પછી દુઃખ ના થાય. એને દુઃખ થાય તો ય, તમને પછી દુઃખ થાય ? ત્યારે એને મમતા છૂટી ગઈ. આ મમતાને દુઃખ થાય છે.

એક બાપ ડૉકટરનો એ ઓળખીતો હતો. એના છોકરાને આંગળીએ વાગેલું. તે પછી પાકેલું, એટલે એનું ઓપરેશન કરવાનું હતું. બાપે છોકરાને બહુ ફંટવેલો, બહુ પૈસાવાળો હતો. હવે ડૉકટર કહે કે હું ઘડીમાં જ આમ ઓપરેશન કરી નાખીશ. તમે ચિંતા ના કરશો. પણ શેઠ કહે કે મને ઓપરેશન થીયેટરમાં બેસવા દો. શેઠ તો વજનદાર માણસ એટલે ડૉકટરે બેસાડવા દેવા પડ્યા. હવે બાપ બેઠેલો આઠ ફૂટ છેટે અને ડૉકટરે આંગળીએ ઓપરેશન કરવા કાપ મૂક્યો. છોકરા પર મમતા બહુ, તે પેલું આંગળીનું ઓપરેશન કરવાનું હતું ને તે દવા ચોપડીને કર્યું, છોકરાને કશું ના થયું, અને પેલાં બાપે જોયું. બાપે, પેલું આમ ઓપરેશન કર્યું તે જોયું, તે રડવા માંડ્યો. થર, થર, થર ! અલ્યા, તાર-બાર નથી, આ શી રીતે ? પણ એ મમતા, એ ભોગવે તે ભૂલ એની. 'ભોગવે એની ભૂલ.' એવું બને કે ? બાપ ભોગવે એમ ? રડે એ ? આંગળી પેલાની ક્યાંય હોય ?! હવે ન્હોતો કોઈ તાર જોડ્યો, કશું હતું નહીં ને છતાં આ ડફોળને વગર તારે આંખમાંથી પાણી નીકળવા માંડ્યું. આ વગર તારે પાણી નીકળે તો શું હશે ? એ તો બબૂચક કહેવાય. ના સમજણ પડી ?

પ્રશ્નકર્તા : હા, પડી.

દાદાશ્રી : હમણાં બાપ છોકરા જોડે એક કલાક લડે, આવડી આવડી ગાળો ભાંડે, તો છોકરો શું કહે ? શું સમજો છો તમે ? વારસાની મિલકત માટે કોર્ટમાં દાવો હઉં માંડે. પછી એ છોકરા માટે ચિંતા થાય ? મમતા છૂટી ગઈ કે ચિંતા છૂટી. છોકરાની મમતા છૂટી ગઈ. મૂઓ એ છોકરો, મારે નહીં જોઈતો હવે. આ ચિંતા થાય છે ને તે મમતાવાળા ને થાય છે.

પ્રશ્નકર્તા : એમ નહીં, ઝઘડો ના થયો હોય અને મમતા બાંધેલી હોય તો શું કરવું ?

દાદાશ્રી : એ મમતા ધીમે રહીને છોડી નાખવી. મહીં મનથી બોલવું 'હે દાદા ભગવાન' એ મારા ન હોય, 'હે દાદા ભગવાન' મેં મારા માન્યા, તેથી મને ઉપાધિ આવી ગઈ.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે પોસીબલ બને ?

દાદાશ્રી : હા, ચોક્કસ બને. આવું કરોને, એક દહાડો કરી જો. બીજે દહાડે જતી રહેશે. આ તો બધા ઉપાય છે.

પ્રશ્નકર્તા : મા-બાપ હોય, એમની પ્રત્યે મમતા હોય. એ તો કેમ છોડાય ?

દાદાશ્રી : મા-બાપની ય છોડી દેવાય ને ! મા-બાપ તો વ્યવહારના છે અને વ્યવહારના ઉપકારી છે, અને વ્યવહારનો ઉપકારનો હું બદલો વાળીશ, પણ બીજું મારે શું લેવાદેવા ? આમ કરીને ય મા-બાપની ય મમતા છોડી દેવાય. વ્યવહાર ઉપકારી છે, તે આપણે વ્યવહારથી બદલો આપીશું. પણ મા મને તારા વગર ગમતું નથી, તારા વગર ગમતું નથી, પછી ચિંતા જ થાય ને ! તમને એવું થતું નથી ને?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો સારું. એવી ભાંજગડ નહીં. આમને બહુ થાય.

પ્રશ્નકર્તા : વ્યવહારમાં મા-બાપની ને છોકરાઓની મમતા કેવી રીતે છૂટે, એ તો ના છૂટે.

દાદાશ્રી : એ મમતા શેને કહેવાય છે ? વધારે પડતું એબ્નોર્મલ થવું એને મમતા કહેવાય છે. નહીં તો મમતા કેવી રીતે કહેવાય ? એબ્નોર્મલ જો થઈ ગયું હોય તો મમતા ! અને બીલોનોર્મલ એ પણ સારું ના કહેવાય ! કારણ કે મનુષ્યો છીએ આપણે, મા-બાપ ઉપર, છોકરા ઉપર ભાવ તો રહેવો જોઈએ જ આપણો !

બાપને જોવા જાય બે વખત;

સાઢુને દવાખાને બાર વખત!

પ્રશ્નકર્તા : દાદા, આપણને એવો ભાવ કેમ રહેતો હશે કે આપણે આ છોકરાઓનાં છોકરાઓ છે, એનાં માટે પણ કંઈક આપતા જાવ, આમ કરતાં જાવ. એ શું ? એ કેમ ભાવ રહેતો હશે ?

દાદાશ્રી : બળ્યું ! બાપનું નામ સંભારતો નથી, મરી ગયા પછી.

પ્રશ્નકર્તા : હા. એ તો બરાબર છે.

દાદાશ્રી : જ્યાં સંભારવું છે ત્યાં સંભારતો નથી. જેનો ઉપકાર છે તેને આ ભઈ સંભારતો નથી અને વ્યાજના વ્યાજને બે ફેરો સંભારે છે. જે મારા નથી તેને મારા કર્યા અને જે મારા હતા તેને તરછોડ્યા. મા-બાપે આપણને ઉપકાર કર્યો, નવ મહિના તો આપણને પેટમાં રાખે મા, તો ય પણ એને તરછોડે.

પ્રશ્નકર્તા : હા, એવું બને છે.

દાદાશ્રી : અને છોકરાને મારાં-મારાં કરે ! હવે છોકરાને આપણે પૂછીએ ત્યારે એ આપણને, ઘૈડાં થયા ને તે કચકચ કર્યા કરે છે વગર કામનાં ! એ પાછો એના બાબાને રમાડ રમાડ કરતો હોય. બાબો ગોદા મારે તો ય પાછો એને રમાડ રમાડ કરે અને બાપ સુંવાળું સુંવાળું બોલે તો ય એને ગમે નહીં. એટલે મેં તો છેકીને કાઢી દીધેલું કે આ ન્હોય મારા, એમ કરી ને! મમતા, ખોટી મમતા !

આડે દા'ડે શું કહે, સ્વભાવ વહુનો સારો નથી અને વખત આવે ત્યારે બે એક થઈ ગયા હોય. હું તો એ કહે ત્યારથી સમજું ! મૂર્છાથી છેતરાય છે જગત, મૂર્છાથી માર ખાય છે. મને એ પોષાય એવો ન્હોતો માર્ગ. આ માર્ગ કેમ પોષાય ! મિલકત આપવી અને પાછો પેલો ટૈડકાવે.

એનો સાઢુ હોય ને, તો બાર વખત દવાખાનામાં જોઈ આવે અને બાપા હોય ત્યારે ત્રણ વખત ગયો હોય. અલ્યા મૂઆ, એવી તે કઈ ચાવી ને આધારે તું આવું કરું છું તે ! ઘરમાં બીબી ચાવી ફેરવે, મારા બનેવીને જોતાં આવજો ! તે બીબીએ ચાવી ફેરવી એટલે એકાકાર. તે બીબીને આધિન છે જગત.

મા વગર ન ફાવ્યું વર્ષ બાવીસ;

ગુરુ આવતાં જ મા લાગી બાલીશ!

આ ધણી મળ્યો, છોકરો મળ્યો, આ બધા જોડે કંઈ આપણને સાઢું સહિયારું છે ?! આમ તો ૭૦-૮૦ વર્ષનું આયુષ્ય હોય. તેમાં આ છોકરો ૧૮-૨૦ વર્ષનો થાય, એટલે ૨૦ વર્ષ તો જતાં રહ્યા. પછી એને પૈણાવો એટલે એના ગુરુ આવ્યા હોય એટલે નવી જ જાતનો ફેરફાર થયેલો હોય ! ફક્ત ૨૦ વર્ષ આપણા તાબામાં રહે અને ગુરુ આવ્યા કે તરત ફેરફાર ! એટલે આપણે પહેલેથી ના સમજીએ કે ગુરુ આવશે એટલે ફેરફાર થઈ જશે. માટે આપણે પહેલેથી તૈયારી કરી રાખવી. આપણે ગાંઠ કરીને બંધ રાખી દેવાનું. ધણીને ય કહેવું કે 'ગાંઠ કરી રાખજો આપણે.' આ દેખાતું આપણે એને આપી દેવાનું !! પછી છોકરો હક્ક ના કરે !

આમ તો છોકરો સારો હોય, પણ જો એને ગુરુ ના મળવાનાં હોય તો. પણ ગુરુ મળ્યા વગર રહે નહીં ને ! પછી પરદેશી ગુરુ આવી કે ઇન્ડિયાની હોય, તો ય પણ મારું કહેવાનું કે પછી આપણા હાથમાં કાબુ ના રહે. માટે લગામને પદ્ધતિસર રાખવી જોઇએ.

છોકરામાં ઊંચા ગુણો આવ્યા હોય તો ઘરમાં તમને બધાને શાંતિ રહે, આનંદ રહે, બધાને સુખ રહે. અને છોકરાનાં લગ્ન તો કરવાનાં જ. લગ્ન કરે એટલે બહારનો માલ આવવાનો અને એ ગુરુ થઈ બેસવાનો પાછો. પછી એને શીખવાડે એટલું જ એ શીખે. પણ અત્યારથી છોકરાને હું તૈયાર કરી રાખું, એટલે પેલી ગુરુ થઈ બેસે નહીં ને ! અત્યારે તો બધે ગુરુ થઈ બેસે છે ને મા-બાપને મુશ્કેલીમાં મૂકે છે !!

પ્રશ્નકર્તા : આ મોહ છોડાવા માટે છોકરાઓ વધારે ઉપકારી કે વહુઓ ?

દાદાશ્રી : વહુઓ જ ઉપકારી ને વધારે. વહુઓ વધારે ઉપકારી ! પણ મૂળ કારણ તો છોકરાં જ છે. દેખાવમાં વહુઓ લાગે. પણ મૂળ કારણ તો છોકરાં જ છે. કારણ કે છોકરો જે હતો એની બાનો અસલ ભક્ત હતો, એની મધરનો. આ છોકરાઓ એની મધરના ભક્ત હોય છે બિચારા. પણ પછી એક બેન મને કહેતી હતી કે મારો છોકરો મને પૂછયા વગર કશું કરવાનો નથી. એની મા આવું કહેતી હતી. એટલે મેં કહ્યું કે હજુ એના ગુરુ આવવા તો દો, પછી જુઓ ! એના ગુરુ આવે ત્યારે શું કહે, એને ગુરુ મલવા જોઈએ. ગુરુ મળ્યા નથી ત્યાં સુધી. ગુરુ મલ્યા કે ચાલ્યું ! 'ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા.' છોકરા તો બહુ સારા હોય છે. પણ પૈણ્યા પછી એમના ગુરુ આવે છે ત્યારે જોઈ લો પછી ! વાઈફ હોય ને, એને ય ગુરુ કરે ને ! જ્યારે ગુરુ એને કહે ને, કે આ બા તો તમે જાણો છો, બા તો આવા છે ! ત્યારે પહેલાં તો છોકરો જોર કરે કે બે તમાચા મારી દે, કેમ મારાં બાની વાત કરું છું !? એક શબ્દ જો મારી મમ્મી માટે બોલી છો તો તારી વાત તું જાણે, કાઢી મૂકીશ.' કહે છે. બે-ચાર વખત એવું કરીને પેલીને નરમ કરી મૂકે. હવે હમણે ટાઈમ છે ને તે વાત નરમ મૂકે. તે વર્ષ-બે વર્ષ આવું બોલે એટલે પેલી સમજી જાય કે આમને કંઈ રાગે પાડવાં પડશે. પછી છે તે ધીમે, ધીમે ટાઈટ કરી દે નટ. પછી ઈન્જીન ઊંચું-નીચું જ ના થાય. તે બધું આવડે એને કળા, તે ધીમે ધીમે ગરમ થાય કે ઉપર હથોડી મારે અને વાળે. એમ ને એમ ટાઢું વળે નહીં. દોઢ-બે ઈંચનો સળીયો ગરમ થાય એટલે હથોડી મારે. એમ કરી કરીને વાળે એને અને પછી કહે, જો બા આજ આ પ્રમાણે બોલતાં હતાં ને તમને કેમ લાગે છે ? ત્યારે છોકરો કહેશે, 'હા, તે મારી બાનો જ વાંક છે, બરાબર છે, યુ આર રાઈટ.' તે ચાલ્યું અવળું. દ્રષ્ટિ બદલી નાખે એ !

કારણ કે બઈ જો જરા જબરી હોય ને, તો ભઈને ઓળખી જાય કે ભઈને કયા પ્રિય અને અપ્રિય શબ્દ પર બહુ મમતા છે. પછી બઈ કયો પ્રિય શબ્દ છે એની શોધખોળ કરે. આપણે ગાય રાખી હોય ને તો ય ચાર દિવસમાં આપણને ખબર પડી જાય કે આ ગાયને શી રીતે રાખે તો સારી રીતે ખાય. એવું બઈ એ ય સમજી જાય એટલે બઈ પ્રિય શબ્દ એવા બોલે કે પછી પેલાને માજી જોડે ઝઘડો થાય.

નવ માસ રહ્યો વગર ભાડાંની ખોલીમાં;

ગુરુ આવતાં માને જલાવે સદા હોળીમાં!

એક પાંત્રીસ વર્ષનો છે તે બી.કોમ. થયેલો મોટો ઓફીસર હતો. અમારો ભત્રીજાનો દીકરો. એટલે હું દાદો થઉં એનો. તે મને આવીને કહેવા માંડ્યો કે દાદાજી મારી મધર ઓફ થઈ ગયાં, તો ય મારે હજુ કહેવું પડે છે કે બહુ પક્ષપાતી હતાં.

એટલે આ જ્ઞાન થતાં પહેલાંની આ વાત, બે વર્ષ અગાઉ. એટલે પછી જ્ઞાન થયેલું નહીં અને વાતને તો એને જવાબ આપવાની પ્રેકટીસ. એટલે પછી મેં એને શું કહ્યું, તારી બાએ પક્ષપાત કર્યો એ વાત સાચી ભઈ. તારી બાએ તને શું કર્યું છે એ હું કહી આપું તને હવે. જો સાંભળ બધી વિગત. હું જાણું છું, તું તો નાનો હતો આવડો. નવ મહિના પેટમાં રાખ્યો. અઢાર વર્ષ કુરકુરિયું જોડે ફેરવે એમ ફેરવ્યો. છોકરું તો માની જોડે જ ફરે ને ! આમ આઘી ખસે તો ય હાથ ઝાલે. મા આઘી ખસી જાય તે આ સાલ્લો ઝાલીને ફરે અને અત્યારે તો ઓછા ઝાલે છે આજનાં છોકરા તો. પણ પહેલાં તો બહુ ઝાલતા હતા મૂઆ ! અને પછી ગુરુ આવ્યા ત્યારે પછી ફરી ગયો ! ગુરુ શીખવાડે છે એમ તું કરું છું ! મેં પૂછયું, આ પેટમાં રાખનાર કોણ ? આવડા મોટા ઓફિસરને ! અને હું તો જાણતો હતો કે એની માએ નવ મહિના પેટમાં રાખ્યો હતો, ભાડું-બાડું દીધું નથી તે. નવ મહિના આરામ કર્યો તેનું. ના, પણ આ જુઓને કહે છે, આ મારી માએ પક્ષપાત કર્યો, બોલાતું હશે ?! કર્યો હોય તો ય ના બોલાય. મધર એટલે મધર. તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : નવ મહિના કેબીનમાં તમે રહ્યા હતાં, એ નવ મહિના તો માજી ખાતાં હતાં તે રસ ચાખીને તમારું બંધારણ થયેલું છે, ઘન ચક્કરો ! કઈ જાતના પાક્યા છો ? અઢાર વર્ષ સુધી ગાયને પાછળ વાછરડું ફરે એમ તને જોડે ફેરવ્યો, તો ય તને મા પર વિશ્વાસ ઊડી ગયો ? અને આ વહુ આવી એની પર વિશ્વાસ બેસી ગયો ? આમ મોટો ઓફિસર, ભણેલો, તે આવું કશુંક જરા કહીએ ત્યાર વગર ગાંઠે નહીં ને ! આ નવ મહિના પેટમાં રાખ્યો એ કંઈ જેવી તેવી વાત છે ?! એનું ભાડું તો આપી જો ! ખાવા પીવાનું, સૂઈ રહેવાનું, બધું સાથે, વિથ કમ્પ્લીટ રીઝર્વેશન ! તો ય આ લોકોને કિંમત નહીં !

હવે મોટા થયા પછી સાહેબ થઈ જાય, તો શું થાય ? નવ મહિના પેટની રૂમમાં રહ્યા ત્યારે બા ઉપર તિરસ્કાર ન્હોતો આવતો.

આ છોકરાંઓને સમજણ નથી તેથી માનો ઉપકાર નથી માનતાં ને ! માનો ઉપકાર તો ભૂલાય નહીં. આખી ચામડીના જોડા સીવડાવીએ તો ય માનો ઉપકાર ચૂકવાય નહીં. કારણ કે નવ મહિના પેટમાં રાખે છે, અઢાર વર્ષ વાછરડાની જેમ જોડે ફેરવે છે; અને વહુ આવી એટલે આ વિફર્યો ! આ તે કઈ જાતનું કહેવાય ?! માજી જોડે ઝઘડો કરું છું ? તને માજી ઉપર વિશ્વાસ નથી આવતો એટલે આ વહુ ઉપર વિશ્વાસ આવે છે. આવું કેમ હોય માણસને ? મનુષ્યપણું કોઈ મૂરખ બનાવી જાય એવું ના હોવું જોઈએ. વર્લ્ડમાં કોઈ મૂરખ ના બનાવી શકે એવું મનુષ્યપણું હોવું જોઈએ અને જેવી એની વાઈફ આવે છે, ત્યારે જ એ ગુરુ આવે છે કે તરત બદલાઈ જાય છે ને ! આવા માણસો જે કો'કના કહેવાથી, કો'કના ચડાવવાથી બદલાઈ જાય. મા-બાપની વિરુદ્ધ થઈ જાય.

બહુ શરમ આવી એને. આ શું કહે છે, દાદા ! ખરું કહે છે, સ્ત્રીનું મનાય જ કેમ કરીને ? પોતાના મા-બાપ ગમે તેવા ગાંડાઘેલાં હોય. તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : બરાબર છે. સાચી વાત છે.

દાદાશ્રી : આ કાળ દુષમ કાળ છે. જ્યારે મહાવીર ભગવાનનો કાળ હતો ને, તે વખતે પિતાનું કહેવું છોકરો માનતો હતો અને એની વાઇફનું કહેવું માનતો નહોતો. અત્યારે તો વાઇફને ગુરુ કહે છે અને પછી પિતાને આવડી આવડી ચોપડે છે. વાઇફને ગુરુ કરી દે છે અને વાઇફના કહ્યા પ્રમાણે જ ચાલે છે. એટલે પિતાને ગણકારતાં નથી.

એટલે આપણાં મહાત્મા દુઃખી ન થાય એવાં બધા રસ્તા બતાવીએ. વ્યવહારમાં ય દુઃખી ના થાય. એટલે દેશમાં બધાને શિખવાડી દેવાનું આ તો. ફરી ફજેતો ના થાય. નહીં તો પછી દાદાને સમું કરવા આવવું પડે. પાછું નટ તો ખોલી આપું હું તો. ત્યારે શું થાય ?

એટલે ચેતતા રહેવું આપણે. કારણ કે છોકરો તો આપણો જ છે, પણ હજુ ગુરુ આવવાના બાકી છે અને ગુરુ આપણે જ લઈ આવવાના પાછા. કોણ લઈ આવે ?

પ્રશ્નકર્તા : આપણે ! મા-બાપ જ.

દાદાશ્રી : હા, એ જ ગુરુ આપણી ગાદીને ખસેડે છે. તે ખસેડે, જોઈ લો, દેખ લો, મજા પછી !

પ્રશ્નકર્તા : સારું પણ મળે, કદાચ. સારી ગુરુ પણ મળે કદાચ.

દાદાશ્રી : અત્યારે માલ જ સારો ના હોય ને !

પ્રશ્નકર્તા : આપણે સારા ન્હોતા ?

દાદાશ્રી : એ જમાનો જુદો ગયો અને આ જમાનો જુદી જાતનો આવ્યો !

વહુ વાળે વેર તે છે 'વ્યવસ્થિત';

ભોગવે તેની ભૂલ નથી આમાં પ્રીત!

પ્રશ્નકર્તા : આપણે એમ કીધું કે છોકરો પૈણાવીએ, પછી વહુ આવે અને જો આપણું વ્યવસ્થિત એવું હોય કે તમારા બા તો આવા છે. આ બધાની સામે આપણે ક્યું શસ્ત્ર રાખવું ? એની સામે આપણે પ્રીકોશન કેવું રાખવું કે જેનાથી આપણી જાગૃતિને અથવા આપણાથી એ સહન થાય. એને માટે કયા પગલાં ભરવાં ?

પાસ કરીને વહુ લાવ્યા અને પછી વહુ અવળું બોલવા માંડી. એટલે તરત આપણે આ બોલે છે એ 'વ્યવસ્થિત' છે બધું. કારણ કે પાસ કરીને લાવ્યા આપણે. આશીર્વાદ આપ્યા, ઘરમાં આવીને સોનાની માળા પહેરાવી. હવે એ બોલવા માંડી. તો આ 'વ્યવસ્થિત' સમજી જવાનું અને પછી ભોગવવું પડે તો 'ભોગવે તેની ભૂલ' કહેવાની. આપણે ભોગવવું તો આપણે મહીં જાતને કહેવું કે બા, 'ભોગવે તેની ભૂલ'. એ દાદાજીએ બધી એક એક વાત સમજણ પાડી દીધેલી છે.

પ્રશ્નકર્તા : આ તો તમે પછીની વાત કરી, પણ આ અમને પ્રીકોશન જોઈએ કે હવે....

દાદાશ્રી : પ્રીકોશન તો હોતાં જ નથી. પ્રીકોશનમાં તો આપણે સારું લાવવું છે એવી ભાવના રાખવી. જે આવવાની છે ને, તેને કોઈ છોડવાનું નથી. પણ છતાં આપણે જોવી, કરવી.

પ્રશ્નકર્તા : અને આપણે એના શુધ્ધાત્માને જોયા કરીએ, તો કદાચ ઢીલું પડી જાય.

દાદાશ્રી : નરમ પડે, નરમ પડે. પણ પૂર્વનું જે વેર હોય ને, તે વાળ્યા વગર ના રહે.

રાગમાંથી વેર ને તેથી સંસાર;

વીતરાગતા જ કરાવે ભવ પાર!

ખરો સ્વાર્થ કયો ? સ્વ એટલે આત્મા અને સ્વને અર્થે, આત્માને અર્થે જે કરવું એનું નામ ખરો સ્વાર્થ કહેવાય. અને જગતમાં જે સ્વાર્થ ચાલે છે તે તો પરાર્થ છે. બધું પારકાં માટે જ કરવાનું. એમાં પોતે જોડે કશું લઈ જવાનું નથી. કોઈ કહેશે કે આ છોકરાં પોતાના ન્હોય ? આ દેહ જ પોતાનો થતો નથી, તો છોકરો કયે દહાડે પોતાનો થવાનો છે તે ! છતાં વ્યવહારમાં છોકરાને છોકરા તરીકે રાખવો જોઈએ અને વ્યવહારમાં આપણી ફરજો બજાવવાની અને તે કુદરતી રીતે જ બંધન છે અને એવી રીતે થઈ જ જાય છે, એની વરીઝ કરવા જેવું નથી. છોકરો હોય તે આખો દહાડો સોડમાં ઘાલ ઘાલ કરીએ તે સારું લાગે ? છોકરો પછી કંટાળી જાયને તો બચકાં ભરે આપણને. એટલે રીતસરનું બધું સારું.

આ છોકરાં એ તો બધા પૂર્વભવનાં ઋણાનુબંધ છે અને તે આસક્તિના જ બધા બંધ છે. આસક્તિથી વેર બંધાયા છે અને વેરનો જ બંધ છે, તે વેર પ્રમાણે વેર વાળીને જાય.

પ્રશ્નકર્તા : આ છોકરાંઓ વેર વાળીને જાય એ ના સમજાયું.

દાદાશ્રી : એવું છે ને એ છોકરાને આપણી જોડે સ્નેહ બંધાયેલો હશે ને, તો સ્નેહ વાળીને જાય અને વેર બંધાયેલું હોય તો ગમે તેટલું એની જોડે વહાલ કરો તો પણ એ વેરને વેર જ વાળ્યા કરે. માટે સ્નેહનું તો આપણે નિકાલ કરી નાખીએ, સ્નેહનું તો વાંધો નહીં આવે. પણ વેર બંધાયેલું હશે ત્યાં બહુ મુશ્કેલી ઊભી થશે. આપણે વેરને શાથી આગળ મૂકીએ છીએ કે આ વેર એ મુશ્કેલીવાળું છે. સ્નેહનું બંધાયેલું હોય તો એ મુશ્કેલી વગરનું છે, પણ આ દુષમ કાળમાં સ્નેહનાં તે ઓછાં હોય છે, નર્યાં વેર જ વધારે હોય છે.

આ કાળની વિચિત્રતા છે કે ઘરનાં માણસો જ સામસામી આરોપ આપે કે તમે આમ કરી નાખ્યું, તમે આમ કરી નાખ્યું. અલ્યા ભઈ, મેં નથી કર્યું આ. તો એ કહેશે કે ના, તમે જ કરી નાખ્યું છે. એટલે નફો આવે ને ત્યાં સુધી શેઠને 'આવો શેઠ આવો શેઠ' કરે. અને ખોટ જાય ત્યારે, તમે જ ઊંધંુ બગાડ્યું, તમે આમ કર્યું. તમારામાં અક્કલ નથી, આમ બધાં આક્ષેપો આપ આપ કર્યા કરે. તે વખતે કડવું ઝેર જેવું લાગે. પછી મનમાં આંટી રાખે કે મને સપડાવ્યો અને મારી પર આક્ષેપ આપે છે, પણ એ મારા લાગમાં આવે તો હું એની પર આપીશ. તે વખત આવે ત્યારે પેલો આની પર આક્ષેપ આપે ને પાછું વેર વાળે. એટલે જ્યારે આપણે સપડાઈ ગયા હોઈએ ને ત્યારે એણે આપણને આક્ષેપ આપ્યા હોય, ત્યારે આપણે સહન કરી લઈએ. પણ ફરી એ લાગમાં આવે ને, એ સપડાય ત્યારે પાછા આપણે એને આક્ષેપ આપીએ. એવી રીતે આ સંસાર ઊભો રહેલો છે.

વેરબીજથી આ સંસાર ઊભો રહ્યો છે. પ્રેમમાં કંઈ સંસાર બંધાય એવો નથી. પણ પ્રેમમાંથી જ વેર ઊભું થયેલું છે. વેર શેમાંથી ઊભું થાય છે ? આસક્તિમાંથી જ. એટલે છોકરા ઉપર અભાવ નથી કરવાં જેવો, તેમ છતાં એને છાતીએ વળગાડ વળગાડ કરવાં જેવો ય નથી. બધામાં આસક્તિ નહીં, નોર્માલિટી. બધું નોર્માલિટીમાં જોઈએ.

છોકરાંને મારીને સીધો કરાય?

વેર વસુલ કરશે ગમ્મે તે ઉપાય!

પ્રશ્નકર્તા : ગયા અવતારમાં કોઈની જોડે વેર બાંધ્યું હોય, તો તે કોઈ ભવમાં તેને ભેગાં થઈને ચૂકવવું પડે ને ?

દાદાશ્રી : ના, એવું નથી. એવી રીતે બદલો વળતો નથી. વેર બંધાય એટલે મહીં રાગદ્વેષ થાય. ગયા અવતારમાં છોકરા જોડે વેર બાંધ્યું હોય તો આપણે વિચાર કરીએ કે એ કયા અવતારમાં વળશે ? આવી રીતે પાછા ક્યારે ભેગાં થઈશું ? એ છોકરો તો આ ભવમાં બિલાડી થઈને આવે. તેને તમે દૂધ ધરો તો એ તમારા મોઢાં પર નખ મારી જાય ! આ એવું છે બધું ! આમ તમારું વેર ચૂકવાઈ જાય. પરિપાક કાળનો નિયમ છે એટલે ટૂંક સમયમાં હિસાબ પૂરો થાય. કેટલાક તો વેરભાવે આવે ને, તે છોકરો આપણને વેરભાવે તેલ કાઢી નાખે. સમજ પડીને ? એવું બને કે ના બને, દુશ્મન ભાવે આવે તો !?

પ્રશ્નકર્તા : બને.

દાદાશ્રી : છોકરાં મારી ઠોકીને સમા કરવાં જાય છે તેનાં વેર બંધાય છે. આખી રાત ઓરડીમાં પૂરી રાખ્યો એક જણને. અલ્યા મૂઆ, એને મનમાં કેટલું બધું દુઃખ થાય. પછી મનમાં શું ભાવ થાય છે એ જાણો છો ?! હું મોટો થઉં એટલે આ બાપાને એવો મારીશ ! એટલે પોતે ડિસાઈડ કરે, ડિસિઝન લે. અલ્યા મૂઆ, વેર ના બાંધીશ. જીવતું છે આ છોકરું. વેર બાંધેલાની શી દશા થાય ?

એક રાણી હતી. તે એને રાજાનું માંસ ખાવાનું મન થયું. એટલે રાણીના મનમાં થવા લાગ્યું, આવાં કેમ મને વિચાર આવે છે ? રાણીએ રાજાને કહી દીધું કે મને આવું હોય નહીં, છતાં આવા વિચાર આવે છે. તે રાજાએ જાણ્યું કે ધેર ઇઝ સમથિંગ રોંગ. એટલે જ્યોતિષિઓને બોલાવ્યા. જ્યોતિષ જોવડાવ્યું. જ્યોતિષિઓએ કહ્યું કે આ મહીં જે ગર્ભ રહ્યો છે રાણીને, તેના પ્રતાપથી આ બોલી રહી છે. આ ગર્ભ રહ્યો છે તે બોલાવે છે. તે રાજાને મારવો ને એને કાપીને ખઈ જાય એવો હતો. પેટમાં આવીને બોલે છે ને તરત ! છોડે નહીં ને, વેર !

પ્રશ્નકર્તા : એક મા-બાપને ત્યાં ચાર છોકરાં છે, બધા લઢે છે, ને ભયંકર વેર બાંધે છે. એક છોકરો વાંદરાના કૃત્યવાળો છે ને વાંદરામાં જવાનો છે. બીજો છોકરો ગધેડામાં જાય એવી જુદી જુદી પશુયોનિમાં ગતિ બાંધી રહ્યા છે. પેલું ઋણાનુબંધ સખત છે તો પેલાં મા-બાપનું શું ? એ કંઈ ગધેડામાં જાય ?

દાદાશ્રી : જવું જ પડેને, છૂટકો જ નહીં ને ?

પ્રશ્નકર્તા : મા-બાપના કૃત્યો એવાં નથી, છોકરાઓમાં એવાં છે.

દાદાશ્રી : એ જેનાં હોય તે ગધેડામાં જાય.

પ્રશ્નકર્તા : પણ પેલાએ મા-બાપ જોડે વેર બાંધ્યું હોય તો ?

દાદાશ્રી : મા-બાપથી એમાં સામો પ્રતિકાર થાય તો વાંધો આવે. નહીં તો મહાવીર ભગવાનને ય મોક્ષે જવા ના દેત લોક. ભગવાન તો બહુ દેહકર્મી, તે લોક ઊઠાવી જતા હતા. પણ એ પોતે જ કોઈની પર કિંચિત્ માત્ર રાગ નથી રાખતાને ! રાગ નહીં ને દ્વેષે ય નહીં, વીતરાગ. પછી છોને એમની પર જેટલો રાગ કરવો હોય એટલો કરે. સામો પ્રતિકાર ના થાય તો કશું વાંધો નથી.

છોકરાં પજવે તો થવું ખુશ મહીં;

છોડાવે છે મોહમાંથી ઉપકાર લહી!

આજના છોકરાઓ, આ જનરેશન જોડે મેળ નથી પડતો ઘૈડા માણસોને. એટલે એ ખત્તા ખઈખઈને રહેવું પડે છે. પેલો અવળું બોલે છે, ચલાવી લઈશું પણ એવું આ ચલાવી લે છે. મહીં પણ પાર વગરનો અજંપો થયા કરે ને મનમાં એમે ય થાય કે મૂઆ. આથી વહેલો મરી ગયો હોત તો સારો એ. કાં તો હું મરી ગયો હોત તો સારો. બેમાંથી એક નક્કી કરે. આવાં અજંપાથી બધું ચાલી રહ્યું છે.

માને પજવે તો ય એને આ વ્હાલો લાગ્યા કરે અને બાપને સહન ના થાય, બાપને શી રીતે સહન થાય ? જ્યાં બુદ્ધિનું લાઈટ હોય. સ્ત્રીઓમાં ય બુધ્ધિ ખરી, પણ મોહ ખરો ને. તે મોહને લઈને અંધારું થયા કરે બુદ્ધિ પર ? અને આપણે પાછળ ફોકસ મૂકેલું હોય એટલે મુંઝામણ થઈ જાય.

આ કાળમાં પેલા ધણી કહેશે, હું ઘરડાઘરમાં જઉં છું, તમે આવો છો કે ?! ત્યારે પેલી કહે, ના, છોકરા જોડે મને ફાવશે, વહુ સારી છે ને ! ના આવે, આવે નહીં કોઈ દહાડો ય. આ બહારનાં લોકોને માટે વાત છે. બહારના લોકોને કેવી મુશ્કેલી છે એ તો મને સમજાય !

આ મને તો સાત છોકરા હોય ને, જો કદિ આવું છોકરા પજવ પજવ કરતા હોય ને તો જેમ અવળું બોલે, તેમ હું ખુશ થઈ જઉં, હે'ડ તું ગાંડો છું, પણ હું ડાહ્યો છું ને ! પણ હું મોઢા ઉપર અવળું દેખાડું. મોઢા ઉપર એવું દેખાડવું પડે કે મને બહુ દુઃખ થયું અને અંદરખાને હું ખુશ થઉં કે એનો ચક્કર કાચો પડ્યો, કહીએ. જે મશીન ફટાકા મારેને તેને અમે કાચા કહી દઈએ. મશીન બોલેને મારી પાસે એટલે 'હું પાકો છું' એવું કહી દઉં. વિનય રાખે એટલે હું જાણું કે પાકો છે આ. પણ, તમે આવા છોને તેવાં છો, બોલે એટલે હું નબળો, વીકનેસ માની લઉં કે આ વીક છે બિચારો, દયા ખાવા જેવો છે. આપણે કંઈ એવા વીક છીએ ?!

છોકરાઓ જોડે ડીલ કરતાં ના આવડે એ આપણી ભૂલ ખરી કે નહીં ?

પ્રશ્નકર્તા : હા, ભૂલ ખરી.

દાદાશ્રી : હં, બધે આની આ જ ભૂલો થયેલી તમારી, નહીં ? આ બધે જ્યાં જુઓ ત્યાં આની આ જ ભૂલો. લોકો મોહમાં મારું લડકું, મૂઆ ન્હોય લડકું, જરા અથડાવી જોજો, એની જોડે સામો થા જોઈએ એક કલાક ! એ તારું લડકું છે કે નહીં ! ખબર પડશે ! એ તો રીતસર બધું સારું. છૂપો પ્રેમ રાખવાનો, ઉપરથી પ્રેમ ના ઓપન કરાય છોકરાઓને, એ તો આસક્તિ કહેવાય. એટલે જરા રીતસરનું કરવું બધું આપણે. આપણું કંઈ કલ્યાણ તો કરવું જોઈએને ! કયા અવતારમાં નહોતાં છોકરાં ?! દરેક અવતારમાં છોકરાં હતાં જ ને ?! તો હજુ શેનાં હારું આટલો બધો મોહ !! તેમ છતાં છોકરાંને છંછેડવાનાં નહીં. એમને જરૂર હોય, જે જોઈએ એ બધું ય આપીએ કરીએ ! રાતે સૂઈ જાવ છો ત્યારે સોડમાં ઘાલીને સૂઈ જાવ છો ? એ કહેશે, મને નથી ગમતું તો ? એટલે રીતસરનું જેટલું થાય એટલું જ કરાય. આપણે દાઝીએ તો છોકરાંને લ્હાય બળે ? કેમ ના બળે ? છોકરાં તો આપણાં ને ? એટલે આવું છે આ બધું ! માટે સબ સબ કી સમાલો.

સ્થૂલ મોહથી સૂક્ષ્મતમ;

જ્ઞાની સમજાવે, સમજ મોઘમ!

પ્રશ્નકર્તા : સ્થૂલ મોહ, સૂક્ષ્મ મોહ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ મોહ એ શું છે દાખલા સહીત સમજાવો.

દાદાશ્રી : એ શેના જેવું છે, આપણે દૂધ કાઢી લઈએ, દૂધ કાઢ્યું એ સ્થૂલ કહેવાય. એમાં થોડુંક પાણી રેડતાં ગયાં એ સૂક્ષ્મ કહેવાય. પછી એનાંથી વધારે પાણી, ખૂબ પાણી રેડીને પછી એ કર્યું, ચા બનાવી એ પણ દૂધ કહેવાય ને. પાણી રેડ્યું તો ય, તે સૂક્ષ્મતર કહેવાય અને સૂક્ષ્મતમ એટલે સાપરેટ(માખણ કાઢેલ છાસ). એવી રીતે છે એ.

સ્થૂલ મોહ એટલે શું ? બાપ અમેરિકા હતો અને છોકરો અહીં મોટો થયો હતો. એ અગિયાર વર્ષનો થયો. બાપ અમેરિકાથી આવ્યા ને એટલે છોકરો આવીને. પપ્પાજી કરીને જે જે કરવા લાગ્યો. બાપે એને ઊંચક્યો, ઊંચકીને એવો દબાવ્યો, પ્રેમનો માર્યા કે છોકરાએ બચકું ભરી લીધું. ત્યારે કહે, આ કયા પ્રકારનો મોહ ? ત્યારે કહે, સ્થૂલ મોહ. બાબાની જોડે છેટે રહીને જે' જે' કરીએ અને માથે હાથ મૂકીએ એ સૂક્ષ્મ મોહ. અને બાબો ઊંધો ચાલે અને એને ટૈડકાવીએ એ સૂક્ષ્મતર મોહ. એ એક પ્રકારનો મોહ. અને સૂક્ષ્મતમ મોહ કયો ? તે ગાળો ભાંડે, ઘરમાં પેસવા ના દે, તો ય છેવટે ઘર-મિલકત એને જ આપી દે. એટલે આવાં બધાં મોહના પ્રકાર. સમજાયું ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એટલે છોકરાને જે આપવું હોય તે આપજો.

મમતા બચ્ચાની ગાય-ભેંસને છ માસ;

મનુષ્યો તો સાત પેઢીની રાખે ખાસ!

જો દુઃખી, દુઃખી, એ છોકરાં ય દુઃખી અને આપણે ય દુઃખી. પારકાં છોકરાં ! પેલો છોકરો બાપને કહેશે, તમારે ને મારે હવે શું લેવા-દેવા છે ? પછી આપણે એના બાપને કહીએ, જુઓ હવે, તમે ના જોયું ? તો ય બાપ શું કહેશે, એ છોકરો તો મારો જ ને ! મેર અક્કરમી ! મેલને પૂળો અહીંથી. છોકરાં એટલે તો, આ દૂધીનું બી વાવીએ ને એટલે ઊગીને વેલો ફેલાય. તે પાંદડે પાંદડે દૂધીયાં બેસે હડહડાટ. એમ આ દૂધીયાં બેસે બધાં.

છોકરો ને બાપ છે તે રીલેટીવ વેપાર, જો ચાલ્યું તો ચાલ્યું, નહિ તો રહ્યું ! છોકરો કહે, 'હવે તમારે કશું બોલવું નહિ. તો આપણે જાણવું કે સારું, હેંડોને નિરાંત થઈ ! વગર કામની પીડા માથે ક્યાં સુધી રાખવી ?'

પ્રશ્નકર્તા : અમે એવું જ રાખ્યું છે.

દાદાશ્રી : હા, આ શી પીડા આપણે ? જેમ મારી-ઠોકીને મિયાંભાઈ ના બનાવીએ, એમ મારી-ઠોકીને છોકરો થતો હશે ? એવું છે ને, કોઈ છોકરો એનાં બાપનું કોઈ દહાડો ધ્યાન રાખતો નથી. છોકરો એમનાં છોકરાનું ધ્યાન રાખે.

પ્રશ્નકર્તા : એ તો એવી જ રીતે દુનિયાનો ક્રમ છે કે બાપ દીકરાનું ધ્યાન રાખે !

દાદાશ્રી : હા, તે આ કળિયુગમાં. સત્યુગમાં સવળું હતું. છોકરો બાપનું ધ્યાન રાખે, એનો છોકરો એમનું ધ્યાન રાખે એવું હતું. આ અવળું થયું અને પાછું ધ્યાન આપણું રાખે નહીં અને મિલકત એના પોતાના નામ પર કરી નાખે 'ટ્રાન્સફર'. એનાં કરતાં થોડી મિલકત વેચી અને કોઈ દુઃખીયા-બુખીયાને હજાર-બેહજાર આપીએ, મહિને પાનસો, તો પાંસરું ના કહેવાય ? એ તો ઋણ કંઈ સુધી માને ? આખી જીંદગી માને ! તમારો પ્રતાપ કહેશે. તમારાં પ્રતાપે અમે સુખી થયા, કહેશે. અને પેલો છોકરો કહે નહિ. એ તો કહેશે, મારું છે ને મેં લીધું, એમાં તમારે શું લેવા-દેવા ?

પ્રશ્નકર્તા : પેલું આપ એક કહેતા'તા ને, આખી જીંદગી ભત્રીજા પાસે ચાકરી કરાવે અને મરતી ઘડીએ છોકરાંને આપીને જાય.

દાદાશ્રી : હા. ચાકરી કરનારો તો એમ જાણે કે હવે પેલાંને બોલાવતાં નથી એટલે એને કશું આપશે તો ય થોડુંક આપશે, વધારે તો મને આપી દેશે, જમીન-જાગીર તો મને આપશે ! મરતી વખતે એક દશ તોલાનો અછોડો રાખી મેલ્યો હોય ને, 'લે ભઈ, લે બા, તે બહુ ચાકરી કરી છે.' અને પેલાને બોલાવીને ચાવીઓ આપી દે. ખરી રીતે આ તો હિસાબ જ છે સામસામી.

અમારાં એક સગાવહાલાં તો, છોકરાંની બહુ કાળજી રાખ રાખ કર્યા કરે, પોતે જરા ભીડ વેઠીને પણ. મેં કહ્યું, તારા ફાધરનો ફોટો દેખાતો નથી. ત્યારે કહે, નહિ હોય તે દહાડે ખાસ ફોટો. મેં કહ્યું, પૂજા શાની કરો છો ? ફાધરની શી રીતે પૂજા કરો છો ? ફાધરની પૂજા કરો છો ? ત્યારે કહે, ના. પછી કહ્યું, પણ આ છોકરાં તમારી પૂજા કરશે જ ને ? આટલી બધી છોકરાં પાછળ મહેનત કરો છો ? ત્યારે કહે, ના, કોઈ ના કરે. ત્યારે મેં કહ્યું, શું જોઈને આ પાછળ પડ્યા ? ગાયો-ભેંસો ય છોડી દે, છ મહિનાનાં, બાર મહિનાનાં થાય એટલે છોકરાં છૂટાં. તું તારા રસ્તે ને હું મારા રસ્તે અને પશુઓમાં તો છોકરો બે વર્ષનો થાયને, ત્યારે પાછો ધણી થઈને ય આવ્યો હોય ! એમને કશું નહિ, કાયદો લાગુ નહિ ને ! કાયદો આ ગૃહસ્થાશ્રમને, મનુષ્યલોક છેને આ.

પ્રશ્નકર્તા : આ બાબતમાં એમ કહેવાય છે કે 'ધેર ઇઝ નો લૉ ઇન ધ નેચર, કુદરતમાં કોઈ કાયદો નથી.'

દાદાશ્રી : હોય જ નહિ ને પણ. જે કાયદા છે એ જુદાં છે પણ આ મનુષ્યોના કાયદા ત્યાં નથી. આ કોર્ટોના કાયદા જુદાં ! જાનવરમાં ત્યાં તો ધાવવા ના આવ્યું હોય તો જોયા જ કરે એક બાજુ. પણ એ લિમિટ, છ મહિનાની. આ ફોરેનર્સની લિમિટ અઢાર વર્ષની અને આપણી તો લિમિટ જ નહિ ને, સાત પેઢી થાય તો ય ! મારાં છોકરાની વહુ સાતમી પેઢીએ સોનાની ગોળીમાં છાસ વલોવે ને તે સાતમે માળે અને તે પાછો હું જોઉં આંખેથી, એવી આંધળો માંગણી કરે છે. માળ સુધી દેખાય મને. અને સાતમી પેઢીની વહુ એટલે, છોકરાંની વહુ એટલે કેટલાં વર્ષનો થાય પોતે ! કેવું માંગ્યું ? ભગવાન મુંઝાયા કે આ દેશમાં ક્યાં આવ્યો હું !

જે મા-બાપ તેમને નભાવે!

હવે નવાં જણી ક્યાંથી લાવો?

પ્રશ્નકર્તા : મારા ઘરેથી એકલી આવું છું એટલે એકલાપણું બહુ લાગે છે.

દાદાશ્રી : ઘરનાં કોને કહો છો ? કલાક ગાળો ભાંડે તો ગેટ આઉટ કહી દે.

પ્રશ્નકર્તા : ઘરનાં બે-ચાર જણાં એક વિચારનાં હોય તો બહુ સારું લાગે.

દાદાશ્રી : પણ એવું હોય તો ને ? એની માટે આપણે ક્યાં પાછાં નવા જણીએ ? જે જણ્યા છે એ સાચાં. નવા પાછા ક્યારે જણીએ અને ક્યારે દહાડો વળે ! જણીએ તો ય પચ્ચીસ વર્ષ તો જોઈએ ને પાછાં ! એનાં કરતાં જે હોય તે ખરું. એટલે બધી સેફસાઈડ જોવા જઈએ તો નથી પાર આવે એવો. છતાં ઘરનાંને જુદાં ગણવાં નહીં. ઘરનાં એ ઘરનાં, પણ અતિશય લાગણી એવું બધું ના રાખવું. છતાં ભાવના રાખવાની કે બધા જ્ઞાનને પામો !

ગેરહાજરીમાં લાગણીઓ ઊભરાય;

ખાલી સ્ટોક તેથી હાજરીમાં કષાય!

છોકરા પર ભાવ તો જોઈએ. મનુષ્ય છે, વિચારશીલ છે. એટલે ભાવ તો જોઈએ. એટલે બીલો નોર્મલ આપણાથી રખાય નહીં. પણ નોર્માલિટીની હદ સુધીમાં એની મમતા રાખવી જોઈએ. અને એબવ નોર્મલ મમતા, લોકો કહે, આટલી બધી શી મમતા ! એ જરા ઓછી રાખ ને મમતા, આટલી બધી શી મમતા રાખું છું. એ છોકરો ગયો કોલેજમાં, તે મને ગમતું નથી, કઈ જાતની ફીકર છે ? એને લોકો ય વઢે. એવું ના કહે કે આટલી બધી મમતા શું કરવા રાખો છો ? કહે કે ના કહે ? એ મમતા એટલે વધારે પડતી એક્સેસ, એબવ નોર્મલ થઈ એ મમતા. આ અમારે બધા જોડે સંબંધ વધે પણ એબવ નોર્મલ તો નહીં, એ તો ઉપર જતું રહે. આપણે જઈએ એટલે વળી યાદ ના આવે. અને યાદ આવે એ વધારે પડતી મમતા.

પ્રશ્નકર્તા : યાદ ન આવે એ મમતા નહીં.

દાદાશ્રી : હા, યાદ તો ન જ આવવું જોઈએ. શું હેલ્પફુલ યાદ આવે તે ?

પ્રશ્નકર્તા : તો પછી આપણે લાગણી વગરનાં છીએ, એવું ના કહેવાય ?

દાદાશ્રી : લાગણી વગરનો કોણ ? આ યાદ આવે એ લાગણી વગરનો. લાગણીવાળાને યાદ જ ના આવે.

પ્રશ્નકર્તા : આ તો ઊંધું જ કહ્યું.

દાદાશ્રી : આ લાગણી તો તમે રાખો, તેથી પેલાને શું ફાયદો થાય ?

પ્રશ્નકર્તા : કંઈ નહીં. આપણને ચિંતા થઈ, એને તો કંઈ ના હોય.

દાદાશ્રી : એટલે હેલ્પફુલ નથી. તમારે લાગણીમાં, ફુલ લાગણી બતાવો ને ! પણ અહીં છૂટયા એટલે કશું જ નહીં. પછી ભેગાં થાય એટલે ફુલ લાગણી બતાવો. અહીંથી ઉઠયા એટલે કશું ય નહીં એવું હોવું જોઈએ. આ તો, તમે અહીંથી ઊઠયા તે લાગણી લઈ જાઓ, પછી ભેગા થાય ત્યારે કૂદંકૂદા કરો, વઢંવઢા કરો. એ લાગણી કહેવાય નહીં ને. કારણ કે લાગણી વપરાઈ જાય છે, ખોટે રસ્તે વપરાઈ જાય છે. એ લાગણી સિલક રાખો, રસ્તામાં પાડી ના દેવી જોઈએ અને પછી ભેગાં થાય ત્યારે પછી લાગણી વાપરવી. પેલી સમજાય કે ના સમજાય, મારી વાત ?

બહુ ઝીણી વાત છે આ. સંતો ય ના સમજે એવી વાત છે.

પ્રશ્નકર્તા : બની ના શકે, ઇમ્પોસિબલ છે એમ.

દાદાશ્રી : આ દુનિયામાં કશું ઇમ્પોસિબલ હોતું જ નથી. તમે દાદા ભગવાનનું નામ લઈને કરો. તમે દાદા ભગવાનની સાક્ષી લઈને જો કરો તો બધું પોસિબલ છે.

પ્રશ્નકર્તા : આપણે અહીંયા અમેરિકામાં રહીએ, પણ મા-બાપને ભૂલી ઓછાં શકીએ ?

દાદાશ્રી : એ જગત ભૂલાતું નથી ને એ જ મમતા, ખોટી મમતા છે. એબ્નોર્મલ મમતા. મને બધાં સગાવહાલાં કહે છે, શું દાદા, તમારો પ્રેમ કેવો જબરજસ્ત પ્રેમ છે. અને તમને છે તે તમારા ઘરમાં જ માણસો કહે છે, તું આવી છું, તેવી છું. આવું તમારા ઘરનાં જ માણસો કહે. કારણ કે તમને પ્રેમ ઢોળતાં નથી આવડતું. તમે પ્રેમ રસ્તામાં ઢોળી દો છો અને ભેગો થાય ત્યારે અડધો પ્યાલો આપો છો એને. આવાં જીવનથી તો આ મન, શરીર ફ્રેકચર થઈ જશે.

એટલે બહુ અતિશય કરવા જેવું નહિ. રીતસર સારું છે. નાટકીય ડ્રેસમાં કોઈ આંગળી ના કરે એવું જોઈએ. નાટકમાં કોઈની આંગળી થાય તો પગાર ઓછો થઈ જાય, કપાઈ જાય. એટલે અભિનય કરવો પડે. હા. છોકરો મરી ગયો નાટકનો, એટલે આંખમાં જરા પાણી ના હોય તો આમ આમ એ કરીને લાવવું પડે. બાકી છોકરાનાં તો સ્વાદ ભવોભવ જોયેલાં ને ! એક કલાક છોકરાને લેફટરાઈટ લઈ જુઓ જોઈએ અને કાઢે સ્વાદ પછી. જો માખણ કાઢે વલોવીને !! આ તો વળી મર્યાદામાં હોય તો સારું છે. પણ એનાં બાપાની પાછળ કોઈ જવા તૈયાર થયેલો નહિ ! આંતરવું પડે નહિ આપણે કે, 'ના, બા. તારાં બાપ જોડે નહિ જવાનું, બા. હેંડ બા પાછો.' ઝાલી ઝાલીને લઈ જવાં પડે, એવું નહિ. પણ જાય જ નહિને, મૂઓ. એ બાપા ગયા તો મારે શું ? હું પૈણીશ ઘેર જઈને અને બિસ્કીટ-બિસ્કીટ બધું, ઘેર લાવીને ખાય નિરાંતે.

એટલે આની મર્યાદા કેટલી છે, આપણે જાણીને પછી કામ લેવું. મર્યાદા ના સમજે એ મોહ કહેવાય. પપ્પા ખરાં, પણ મૂરખ બનવા માટે નહીં.

બધાં માટે બધું કર્યું જીંદગીભર;

ખરે ટાણે કોઈ નહીં 'જ્ઞાની' વગર!

બધું 'વ્યવસ્થિત' ચલાવે છે, કશું બોલવા જેવું નથી. 'પોતાનો' ધર્મ કરી લેવાં જેવો છે. પહેલાં તો એમ જાણતા હતા કે આપણે ચલાવીએ છીએ એટલે આપણે હોલવવું પડે. હવે તો ચલાવવાનું આપણે નહીં ને ? હવે તો આ ય ભમરડા ને તે ય ભમરડા ! મેલ ને પીડા અહીંથી ! પ્યાલા ફૂટે, કઢી ઢળે, વહુ છોકરાંને વઢતી હોય તો ય આપણે આમ આડા ફરીને નિરાંતે બેસી જવું. આપણે જોઈએ, ત્યારે એ કહે ને કે, 'તમે જોતા હતા ને કેમ ના બોલ્યા ?' અને ના હોય તો હાથમાં માળા લઈને ફેરવ્યા કરીએ. એટલે એ કહેશે કે, 'આ તો માળામાં છે', મેલો ને પૈડ ! આપણે શી લેવા-દેવા ? સ્મશાનમાં ના જવાનું હોય તો કચ કચ કરો ! માટે કશું બોલવા જેવું નથી. આ તો ગાયો-ભેંસો ય એના બાબા જોડે રીતસર ભોં ભોં કરે, વધારે બોલે નહીં ! ને આ મનુષ્યો તો ઠેઠ સુધી બોલ બોલ કરે. એ મૂરખ કહેવાય, આખા ઘરને ખલાસ કરી નાખે. એનો ક્યારે પાર આવે ? અનંત અવતારથી સંસારમાં ભટક્યા. ના કોઈનું ભલું કર્યું, ના પોતાનું ભલું કર્યું. જે માણસ પોતાનું ભલું કરે તે જ બીજાનું ભલું કરે. કોઈની ય પડેલી નથી આજે. નાટક છે આ. તે આપણે કાઢી નાખવાનું નથી. આવ ભઈ, બેસ બા. એવું તેવું થોડું છે તે પ્રેમ-બેમ દેખાડવાનો, બધું કરી શકો.

એ તો 'ભાભો ભારમાં તો વહુ લાજમાં' એવું છે. કોઈ આપણું થાય નહીં. આ દાદા એકલા તમારાં થશે. જ્યારે જોશો ત્યારે, સુખમાં-દુઃખમાં એકલા દાદા તમારા થશે, બાકી કોઈ તમારું થાય નહીં. એની ગેરેન્ટી આપું છું. એ ખરે ટાઈમે કોઈ હાજર નહીં થાય. પેલા સાહેબ કહેતા હતા કે બહુ જગ્યાએ ફર્યો. વીસ-પચ્ચીસ વર્ષ તો એક સંત જોડે રહ્યો પણ મારો ખરો ટાઈમ આવ્યો તે ઘડીએ કોઈ હાજર ના થયું, દાદા હાજર થઈ ગયા. કોઈ ના થાય, આ દાદા હાજર થાય. ગમે તે દુઃખે-સુખે પ્રસંગમાં તરત હાજર થઈ જાય. અને હું કહું ય ખરો. મેં કહ્યું, ગભરાશો નહીં. બીજું કોઈ હાજર નહીં થાય. આ છોકરા-બોકરા તો કોઈ હાજર નહીં થાય.

ભવિષ્યની ચિંતા બગાડે વર્તમાન;

દૂર ડુંગરા છોડી, ઠોકર સંવાર!

પ્રશ્નકર્તા : મારી ત્રણ છોકરીઓ છે, એ ત્રણ છોકરીઓની મને ચિંતા રહે છે કે એના ભવિષ્યનું શું ?

દાદાશ્રી : આપણે આગળના વિચાર કરવાનાં ને, તેના કરતાં આજે સેફસાઈડ કરવી સારી, રોજ-દરરોજ સેફસાઈડ કરવી સારી. આગળનાં વિચાર જે કરો છો ને એ વિચાર હેલ્પિંગ નથી કોઈ રીતે, નુકસાનકારક છે. એના કરતાં આપણે સેફસાઈડ દરરોજ કરતાં જ રહેવું એ જ મોટામાં મોટો ઉપાય. ના સમજાયું તમને ?

પ્રશ્નકર્તા : હા સમજાયું.

દાદાશ્રી : આગળના વિચાર કરવાનો અર્થ નથી. એ સત્તામાં જ નથી. એક ઘડીવારમાં તો માણસ મરી જાય. એનો એ વિચારવાની જરૂર જ નથી. એ તારા વિચારમાં મહેનત નકામી જાય. ચિંતાઓ થાય, ઉપાધિઓ થાય, અને હેલ્પિંગ જ નથી એ. એ વૈજ્ઞાનિક રીત જ નથી.

આપણે જેમ બહાર જઈએ છીએ, એ કેટલા ફૂટ લાંબુ જોઈને ચાલીએ છીએ સો ફૂટ. બસો ફૂટ કે નજીકમાં જોઈએ છીએ ?

પ્રશ્નકર્તા : હા, નજીકમાં જોઈએ છીએ.

દાદાશ્રી : લાંબું કેમ જોતા નથી ? લાંબું જોઈએ તો નજીકનું રહી જાય તો ઠોકર વાગશે. એટલે પોતાના એમાં નોર્માલિટીમાં રહો. એટલે એની રોજ સેફસાઈડ જોયા કરવી. આપણે એને સંસ્કાર સારા આપવા એ બધું કરવું. તમે જોખમદાર એના છો, બીજા કોઈ જોખમદાર તમે નથી. અને આવી વરીઝ કરવાનો તો અધિકાર જ નથી માણસને. માણસને કોઈ પણ જાતની વરીઝ કરવાનો અધિકાર જ નથી. એ અધિકાર એનો છાનોમાનો વાપરી ખાય છે. આ ગુપ્ત રીતે ભગવાનને ય છેતરે છે એ. વરીઝ કરવાની હોય જ નહીં, વરીઝ શેને માટે કરવાની ?

તમે ડૉકટર કરો છો આવી ચીજ ? શેની ચિંતા કરો છો તમે ?

પ્રશ્નકર્તા : બધાની.

દાદાશ્રી : કેમ, બધા પેશન્ટો મરી જાય છે તેની ? કે ઘરના માણસોની ?

પ્રશ્નકર્તા : બધી. ઘરની, બહારની, પેશન્ટોની. બધી વરીઝ, વરીઝ, વરીઝ જ છે.

દાદાશ્રી : એ તો એક જાતનો ઇગોઇઝમ કહેવાય ખાલી. કૃષ્ણ ભગવાને કહ્યું, જીવ તું શીદને શોચના કરે. કૃષ્ણને કરવું હોય એ કરે ! આ અહીંથી બહાર નીકળો એટલે તમે લોંગ સાઈટ જોઈને ચાલો છો ? કેમ આપણે સાઈટ નક્કી કરીએ છીએ નજીકમાં ? કે અહીં એક્સિડન્ટ ન થાય, પછી આગળ એમ ને એમ આગળ જતી જ રહેશે. એટલે સેફસાઈડ થઈ ગઈ કહેવાય. તમને ના સમજાયું એમાં ? હેલ્પ કરશે કે પછી વાત નકામી જશે ?

પ્રશ્નકર્તા : હેલ્પ કરશે.

દાદાશ્રી : કેટલી બધી યુઝલેસ વાતો ! આ તો બહુ છેટે જોશો તો એક્સિડન્ટ કરી નાખશો, ઘડીવારમાં પાંચ પાંચ મિનિટમાં એક્સિડન્ટ કરશો.

સમજાયુંને, વૈજ્ઞાનિક રીત આ છે, પેલી તો ગપ્પા મારવાની રીત છે બધી. કોઈ જાતની છોકરીઓને હરકત નહીં આવે. એની થોડી દવા હું આપું છું, હરકત નહીં આવે તેની. પછી શું છોકરીઓની બાબતમાં હવે એ પ્રશ્ન બંધ થઈ જાય છે, પૂરો થાય છે ? ખાતરી છે પૂરો થાય છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : છોકરા-છોકરી છે, તેના તમારે વાલી તરીકે, ટ્રસ્ટી રહેવાનું છે. એને પૈણાવાની ચિંતા કરવાની ના હોય.

આ તો સાયન્સ છે. કોઈ વખતે અક્રમ વિજ્ઞાન નીકળે છે. અક્રમ એટલે ક્રમ-બ્રમ નહિ. આ ધોરી માર્ગ નથી, આ તો કેડી માર્ગ છે. ધોરી માર્ગ તો ચાલુ જ છેને. તે માર્ગ અત્યારે મૂળ સ્ટેજમાં નથી, અત્યારે અપસેટ થઈ ગયો છે. ધર્મો બધા અપસેટ થઈ ગયાં છે. મૂળ સ્ટેજમાં ધર્મ હોય ત્યારે તો જૈનોને, વૈષ્ણવોને ચિંતા વગર ઘરો ચાલતા હતા. અત્યારે તો છોડી ત્રણ વર્ષની હોય તો, કહેશે કે જુઓને મારે આ છોકરી પૈણવાની છે. અલ્યા, છોકરી વીસ વર્ષે પૈણશે, પણ અત્યારે શાની ચિંતા કરે છે ? તો મરવાની ચિંતા કેમ નથી કરતો ? ત્યારે કહેશે કે ના, મરવાનું તો સંભારશો જ નહિ. ત્યારે મેં કહ્યું કે, મરવાનું સંભારવામાં શો વાંધો છે ? તમે નથી મરવાનાં ? ત્યારે કહે કે, પણ મરવાનું સંભારશો ને તો આજનું સુખ જતું રહે છે. આજનો સ્વાદ બધો બગડી જાય છે. ત્યારે છોડીનું પૈણવાનું શું કરવા સાંભરે છે? તો ય તારો સ્વાદ જતો રહેશે ને ? આ છોડી એનું પૈણવાનું, બધું જ સાધન લઈને આવેલી છે. મા-બાપ તો આમાં નિમિત્ત છે. વધારે કે ઓછો જેટલો ખર્ચો હોય એ એકઝેક્ટલી બધું લઈને આવેલી હોય છે. આ તો બધું બાપને સોંપેલું હોય છે ફક્ત. એટલે વરીઝ કરવા જેવું આ જગત છે નહિ. એકઝેક્ટલી જોવા જતાં આ જગત બિલકુલ વરીઝ કરવા જેવું છે જ નહિ, હતું ય નહિ ને થશે ય નહિ.

છોડીએ એનો હિસાબ લઈને આવેલી હોય છે. છોડીની વરીઝ તમારે કરવાની નહીં. છોડીના તમે પાલક છો, છોડી એને માટે છોકરો ય લઈને આવેલી હોય છે. આપણે કોઈને કહેવા ના જવું પડે કે છોકરો જણજો. અમારે છોકરી છે તેને માટે છોકરો જણજો, એવું કહેવા જવું પડે ? એટલે બધો સામાન તૈયાર લઈને આવેલી હોય છે. ત્યારે બાપા કહેશે, 'આ પચ્ચીસ વર્ષની થઈ, હજી એનું કંઈ ઠેકાણું પડતું નથી, આમ છે, તેમ છે'. તે આખો દહાડો ગા ગા કર્યા કરશે. અલ્યા, ત્યાં આગળ છોકરો સત્તાવીસ વર્ષનો થયેલો છે, પણ તને જડતો નથી, તો બૂમાબૂમ શું કરવા કરે છે ? સૂઈ જાને, છાનોમાનો ! એ છોડી એનું ટાઈમીંગ બધું ગોઠવીને આવેલી છે.

કેટલાક તો હજી છોડી ત્રણ વર્ષની હોય ત્યારથી ચિંતા કરે કે, 'અમારી નાતમાં ખર્ચા બહુ, કેવી રીતે કરીશું ?' તે બૂમો પાડ્યા કરે. આ તો ખાલી ઈગોઈઝમ કર્યા કરે છે. શું કામ છોડીની ચિંતા કર્યા કરે છે ? છોડી પૈણવાના ટાઈમે પૈણશે, સંડાશ સંડાશના ટાઈમે થશે, ભૂખ ભૂખના ટાઈમે લાગશે, ઊંઘ ઊંઘના ટાઈમે આવશે, તું કોઈની ચિંતા શું કામ કરે છે ? ઊંઘ એનો ટાઈમ લઈને આવેલી હોય છે, સંડાશ એનો ટાઈમ લઈને આવેલો છે. શેને માટે વરીઝ કરો છો ? ઊંઘવાનો ટાઈમ થશે કે એની મેળે આંખ મીંચાઈ જશે, ઊઠવાનું એનો ટાઈમ લઈને આવેલું છે, એવી રીતે છોડી એનો પૈણવાનો ટાઈમ લઈને આવેલી હોય છે. એ પહેલી જશે કે આપણે પહેલાં જઈશું, છે કશું એનું ઠેકાણું ?

ચિંતાથી પડે અંતરાય;

માત્ર પ્રયત્નો જ કરાય!

તમારે કેમનું છે ? કોઈક ફેરો ઉપાધિ થાય છે ? ચિંતા થઈ જાય છે ?

પ્રશ્નકર્તા : આ અમારી જ મોટી બેબીની સગાઈનું નથી પતતું તે ઉપાધિ થઈ જાય છે ને !

દાદાશ્રી : મહાવીર ભગવાનને એમની દિકરી નહોતી પૈણવાની ? એ ય મોટી થઈ ગઈ હતી ને ? ભગવાન કેમ નહોતા ઉપાધિ કરતાં ? તમારા હાથમાં હોય તો ઉપાધિ કરો ને, પણ આ બાબત તમારા હાથમાં છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : નથી ? તો ઉપાધિ શેને માટે કરો છો ? ત્યારે કંઈ આ શેઠના હાથમાં છે ? તો આ બેનના હાથમાં છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો કોના હાથમાં છે તે જાણ્યા વગર આપણે ઉપાધિ કરીએ, તો શેના જેવું છે ? કે એક ઘોડાગાડી ચાલતી હોય, એમાં આપણે દસ માણસો બેઠા હોઈએ, મોટી બે ઘોડાની ઘોડાગાડી હોય. હવે એને ચલાવનારો ચલાવતો હોય અને આપણે અંદર બૂમાબૂમ કરીએ કે, 'એય આમ ચલાવ, એય આમ ચલાવ,' તો શું થાય ? જે ચલાવે છે એને જોયા કરોને ! કોણ ચલાવનાર છે એ જાણીએ તો ચિંતા આપણને હોય નહીં. એવું આ જગત કોણ ચલાવે છે એ જાણીએ તો ચિંતા આપણને હોય નહીં. તમે રાત-દહાડો ચિંતા કરો છો ? ક્યાં સુધી કરશો ? એનો આરો ક્યારે આવશે ? તે મને કહો.

આ બેન તો એનું લઈને આવેલી છે, તમે તમારું બધું લઈને નહોતા આવ્યા ? આ શેઠ તમને મળ્યા કે ના મળ્યા ? તો શેઠ તમને મળ્યા, તો આ બેનને કેમ નહીં મળે ? તમે જરા તો ધીરજ પકડો. વીતરાગ માર્ગમાં છો અને આવી ધીરજ ના પકડો તો તેનાથી આર્તધ્યાન થાય, રૌદ્રધ્યાન થાય.

પ્રશ્નકર્તા : એવું નહીં પણ સ્વાભાવિક ફિકર તો થાય ને !

દાદાશ્રી : એ સ્વાભાવિક ફિકર તે જ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કહેવાય, મહીં આત્માને પીડા કરી આપણે. બીજાને પીડા ના કરતો હોય તો ભલે, પણ આત્માને પીડા કરી.

આનો ચલાવનારો કોણ હશે ? બેન, તમે તો જાણતા હશો ? આ શેઠ જાણતા હશે ? કોઈ ચલાવનારો હશે કે તમે ચલાવનારાં છો ?

પ્રશ્નકર્તા : કોઈ નહીં.

દાદાશ્રી : કોઈનાં વગર એ કેવી રીતે ચાલે ? કોઈક તો સંચાલક હશે ને ? સંચાલક વગર તો ચાલે જ નહીં ને ? એવું છે, કે કો'ક દહાડો તાવ આવે છે ત્યારે મનમાં એમ થાય છે કે મને તાવ આવ્યો, પણ કોણે મોકલ્યો એ તપાસ નથી કરતાં. એટલે મનમાં શું લાગે છે કે હવે તાવ નહીં જાય તો શું કરીશું ? અલ્યા, ભઈ આવ્યો છે, મોકલનારે એને મોકલ્યો છે ને પાછો બોલાવી લેશે, આપણે ફિકર કરવાની જ ક્યાં રહી ? આપણે બોલાવ્યો નથી, મોકલનારે મોકલ્યો છે, તો પાછો બોલાવી લેશે, આ બધી કુદરતી રચના છે. આપણે વિચાર કરવાનો હોય તો ખાતાં પહેલાં વિચાર કરવાનો કે આ દાળ મને વાયડી પડશે કે નહીં ? પણ ખાધા પછી 'હવે મને શું થશે ? શું થશે ?' એવો વિચાર કરીએ એનો શો અર્થ છે ?

ચિંતા કરવાથી તો અંતરાય કર્મ પડે છે ઊલટું, એ કામ લાંબું થાય છે. આપણને કોઈકે કહ્યું હોય કે ફલાણી જગ્યાએ છોકરો છે, તો આપણે પ્રયત્ન કરવો. ચિંતા કરવાની ભગવાને ના પાડી છે. ચિંતા કરવાથી તો એક અંતરાય વધારે પડે છે અને વીતરાગ ભગવાને શું કહ્યું છે કે, 'ભઈ, ચિંતા તમે કરો છો, તો તમે જ માલિક છો ? તમે જ દુનિયા ચલાવો છો ?' આને આમ જોવા જાય તો ખબર પડે કે પોતાને સંડાશ જવાની પણ સ્વતંત્ર શક્તિ નથી, એ તો જ્યારે બંધ થાય ત્યારે ડૉકટરને બોલાવવો પડે. ત્યાં સુધી એ શક્તિ આપણી છે એવું આપણને લાગ્યા કરે, પણ એ શક્તિ આપણી નથી. એ શક્તિ કોને આધિન છે, એ બધું જાણી રાખવું ના પડે ?

ક્યારથી છોડી પૈણાવવાની ચિંતા શરૂ કરવી જોઈએ, એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે ? આમ વીસમે વર્ષે પૈણાવી હોય તો આપણે ચિંતા ક્યારથી શરૂ કરવી જોઈએ ? બે-ત્રણ વર્ષની થાય ત્યારથી ?

પ્રશ્નકર્તા : ચૌદ-પંદર વર્ષની થાય પછી મા-બાપ વિચાર કરે છે ને.

દાદાશ્રી : ના. તો ય પાછા પાંચ વર્ષ રહ્યાંને. એ પાંચ વર્ષમાં ચિંતા કરનારો મરી જશે કે જેની ચિંતા કરે છે એ મરી જશે, એ શું કહેવાય ?

પ્રશ્નકર્તા : એવું જો હોય તો તો પછી લોકો કમાવા જ ના જાય ને કોઈ ચિંતા જ ના કરે.

દાદાશ્રી : નહીં, કમાવા જાય છે એ પણ એમના હાથમાં જ નથી ને, એ ભમરડા છે. આ બધા નેચરના ફેરવ્યા ફરે છે અને મોઢે અહંકાર કરે છે કે, હું કમાવવા ગયેલો અને આ વગર કામની ચિંતા કરે છે. પાછું એ ય દેખાદેખીથી કે ફલાણા ભાઈ, તો જુઓને, છોડી પૈણાવવાની કેટલી બધી ચિંતા રાખે છે ને હું ચિંતા નથી રાખતો. તો ચિંતામાં ને ચિંતામાં પછી તડબુચા જેવો થઈ જાય અને છોડી પૈણવાની થાય, ત્યારે ચાર આના ય હાથમાં ના હોય. ચિંતાવાળો રૂપિયા લાવે ક્યાંથી ? લક્ષ્મીનો સ્વભાવ કેવો છે કે જે આનંદી હોય એને ત્યાં લક્ષ્મીજી મુકામ કરે. બાકી ચિંતાવાળાને ત્યાં મુકામ કરે નહિ. જે આનંદી હોય, જે ભગવાનને યાદ કરતો હોય એને ત્યાં લક્ષ્મીજી જાય. તે આ તો છોડીની અત્યારથી ચિંતા કરે છે. આપણે ચિંતા ક્યારે કરવાની છે ? કે જ્યારે આજુબાજુના લોકો કહે કે, છોડીનું કંઈ કર્યું ? એટલે આપણે જાણવું કે હવે ચિંતા કરવાનો વખત આવ્યો અને ત્યારથી ચિંતા એટલે શું કે એને માટે પ્રયત્નો કર્યા કરવાના, આ તો આજુબાજુવાળા કોઈ કહેતાં નથી ને ત્યાર પહેલાં આ તો પંદર વર્ષ પહેલેથી ચિંતા કરે. પાછો એની બૈરીને કહેશે કે, 'તને યાદ રહેશે કે આપણી છોડી મોટી થાય છે, એને પૈણાવવાની છે ?' અલ્યા, પાછો વહુને શું કામ ચિંતા કરાવું છું.

આપણા લોક તો એવાં છે કે એક વર્ષ દુકાળનો ગાળો હોય, તો બીજા વર્ષે શું થશે, હવે શું થશે, કર્યાં કરે. તે ભાદરવા મહિનાથી જ ચિંતા કર્યા કરે. અલ્યા, આમ શું કરવા કરેે છે ? એ તો જે દહાડે ખાવા-પીવાનું તારે ખલાસ થઈ જાય અને કોઈ જોગવાઈ ના હોય તે દહાડે ચિંતા કરજે ને !

મરતી વખતે જીવ, છોડી પૈણાવાવાળા;

અક્કલનો કોથળો ન લે કોઈ ચાર આનામાં!

જો આખી જિંદગીમાં ભક્તિનું સરવૈયું સારું હોય, સત્સંગનું સરવૈયું સારું હોય, એ સરવૈયું મોટું હોય તો છેલ્લા કલાકમાં ચિત્ત એમાં ને એમાં વધારે રહ્યા કરે. વિષયોનું સરવૈયું મોટું હોય તો મરતી વખતે એનું ચિત્ત વિષયમાં જ જાય. કોઈને છોડી-છોકરાં પર મોહ હોય તો છેલ્લી ઘડીએ ચિત્ત એમનામાં રહ્યા કરે.

એક શેઠને મરવાનું થયું, તે બધી રીતે શ્રીમંત હતા. છોકરાંઓ ય ચાર-પાંચ. તે કહે, પિતાજી હવે નવકાર મંત્ર બોલો. ત્યારે પિતાજી કહે કે આ અક્કલ વગરનો છે. અલ્યા, આ બોલવું એ હું નથી જાણતો ? હું મારી મેળે બોલીશ. તું પાછો મને કહે કહે કરે છે ! તે છોકરાં ય સમજી ગયા કે પિતાજીનું ચિત્ત અત્યારે કોઈ જગ્યાએ ભમે છે. પછી બધા છોકરાંઓએ સાર કાઢ્યો કે શેમાં ભમે છે ? આપણને પૈસાનું દુઃખ નથી, બીજી કોઈ અડચણ નથી, પણ ત્રણ છોકરીઓ પૈણાવી હતી ને એક નાની છોકરી રહી ગઈ હતી, તે શેઠનું ચિત્ત નાનીમાં રહ્યા કરતું હતું કે મારી આ છોડીને પૈણાવવાની રહી ગઈ, તે હવે આનું શું થશે ? તે છોકરાં સમજી ગયા, એટલે નાની બહેનને જાતે મોકલી. એ કહે છે, પપ્પાજી મારી કોઈ ચિંતા કરશો નહિ. તમે હવે નવકાર મંત્ર બોલો. ત્યારે પપ્પાજી એને કશું બોલ્યા તો નહિ, પણ મનમાં એમ સમજે કે આ હજુ છોકરું છે ને. એને શું સમજણ ! અલ્યા, જવાનો થયો તે પાંસરો રહે ને. આ હમણાં કલાક-બે કલાક પછી જવાનું. તે છોડી કહે છે તે કરને, નવકાર મંત્ર બોલવા માંડને ! પણ શું થાય ? શી રીતે નવકાર બોલે ? કારણ એનાં કર્મ એને પાંસરો નથી રહેવા દેતાં, એના કર્મ તે ઘડીએ ફરી વળે છે !

આ નાની છોકરી પૈણાવી નહિ, તેમાં જીવ રહે એમનો. એટલે પછી ચાર પગને પૂંછડાં ચઢાવ્યાં. જો અક્કલનો કોથળો ! જવાનું થયું ને લોક ચેતવે છે, તો મૂઆ પાંસરો મરને ! ને અત્યારે મૂઆ, હવે જતી વખતે પૈણાવવા બેઠો છું ?! સારો છોકરો હતો ત્યારે ના પૈણાવી, ને હવે પૈણાવવા બેઠો છું ?!

આ તો મરવા જેવો ખાટલામાં પડ્યો હોય તો ય નાની બેબીની ચિંતા કર્યા કરે કે આને પરણાવવાની રહી ગઈ. તે ચિંતામાં ને ચિંતામાં મરે એટલે પછી જાનવરમાં જાય. જાનવરનો અવતાર નાલેશીભરેલો છે. પણ મનુષ્ય અવતારમાં ય સમો ના રહે તે શું થાય ?

સોંપી દે દાદાને છોરાંઓનો ભાર;

ગેરંટીથી પછી ચિંતા ન લગાર!

પ્રશ્નકર્તા : આ દેશમાં એવા બનાવો બને છે કે જો આપણે બરાબર ધ્યાન ન રાખીએ, તો કોઈ છોકરાઓને ઉઠાવી જાય, હેરાન કરે ને એવું કંઈક પ્રસંગ બને. એની માટે ચિંતા વધારે થાય છે કોઈક વાર.

દાદાશ્રી : તો પછી છોકરાઓને અવતાર નહોતો આપવો. શું કરવા નવરા પડ્યા હતા ?! આટલો બધો ભડકાટ રહેતો હોય તો !

પ્રશ્નકર્તા : એ વાત સાચી, દાદા.

દાદાશ્રી : કાલે આપણને જ ઉઠાવી જાય એનું શું કરવાનું, ગુંડા હોય તો ? એટલે એ તમારી ચિંતા મારી પર સોંપવી કે છોકરા દાદાને સોંપ્યા એવું કહી દેવું. મને સોંપી દો તો બંધ થઈ જાય. આ બધા ચિંતા મને સોંપી દે છે બધા.

પ્રશ્નકર્તા : અમે તો એટલા માટે જ આવ્યા છીએ કે ચિંતા તમને સોંપી દઈએ હવે.

દાદાશ્રી : હા, તે ચિંતા બંધ કરી દેવડાવીએ, હા, તો હવે શેની ભાંજગડ છે પછી ?

પ્રશ્નકર્તા : મારો ચિંતાવાળો સ્વભાવ છે એટલે નાની નાની વાતમાં કંઈ ને કંઈ થઈ જાય એમ.

દાદાશ્રી : એટલે પ્યાલા ફૂટી જાય તો ?

પ્રશ્નકર્તા : ના, ના. એ બાબત નહીં. પણ આ છોકરાંઓનું કંઈ પણ કરવાનું હોય તે ન થાય, તો તે બાબતમાં ચિંતા થઈ જાય મને.

દાદાશ્રી : તેથી કંઈ છોકરાંઓનું કામ થઈ જાય, ચિંતા કરવાથી ? આપણે આ ચિંતા જો ફ્રૂટફૂલ ન થતી હોય, તો પછી એ બંધ કરી દેવી. જો હેલ્પ ન કરતી હોય ચિંતા તો બંધ કરી દેવી.

'તું મારી ચિંતા કરીશ નહીં અમથી વગર કામની, જો તારું શરીર કેવું થયું.' માને આવું કહે ત્યારે પેલી ચિંતા કરે ! આ તો બેઉ મૂર્ખ છે. હવે જે ચિંતા કરો છો, યાદ લાવો છો ને, એ ઇગોઇઝમ છે, રોંગ ઇગોઇઝમ છે. આ ઇગોઇઝમ શું કામનાં બધાં. જે ઇગોઇઝમ હેલ્પફુલ ના થાય, નુકશાનકારક હોય, એ ઇગોઇઝમને શું કરવાનું ? જાણ્યા વગરનાં જગતમાં શું સુખી થાઓ છો તમે ? એને જાણવું પડે જ્ઞાની પુરુષની પાસે. જ્ઞાની પુરુષને આખા જગતનું જ્ઞાન હોય એમને. દરેક બાબતનું તમારી સમસ્યાઓનો ઉકેલ લાવી આપે. માને કહે કે તું મારી ચિંતા કરીશ નહીં અને આ ચિંતા કર કર હજુ ય કરે છે. કહે છે, ચિંતા કર્યા વગર ના ચાલે 'ઓહોહો !' હવે આ તે મેડનેસ કે ડહાપણ ?

છોકરાં જ છે આપણું થર્મોમીટર;

મોક્ષને લાયક બનાવે, છોડ ફીકર!

આપણો છોકરો મોટો થયો હોય ને સામો થઈ જતો હોય તો જાણવું કે આ આપણું 'થર્મોમીટર' છે. આ તમારે ધર્મ કેટલો પરિણામ પામ્યો છે, એના માટે 'થર્મોમિટર' ક્યાંથી લાવવું ? ઘરમાં 'થર્મોમિટર' મળી આવે તો પછી બહાર વેચાતું લેવા ના જવું પડે !

છોકરો ધોલ મારે, તો પણ કષાય ઉત્પન્ન થાય નહીં, ત્યારે જાણવું કે હવે મોક્ષમાં જવાના આપણે. બે-ત્રણ ધોલો મારે તો ય પણ કષાય ઉત્પન્ન ના થાય, એટલે જાણવું કે આ છોકરો જ આપણું થર્મોમીટર છે. એવું થર્મોમીટર બીજું લાવીએ ક્યાંથી ? બીજો કોઈ મારે નહીં. એટલે આ થર્મોમીટર છે આપણું. ઘરનાં થર્મોમીટર કામ લાગે છે કોઈ વખત ?

પ્રશ્નકર્તા : લાગે છે ને દાદા.

દાદાશ્રી : ઘરનાં માણસો જ થર્મોમીટર હોય આપણું. આપણને તાવ કેટલો ચઢ્યો છે, કેટલો ઉતર્યો છે, તરત ખબર પડી જાય છે. આપણે એને કશુંક સલાહ આપી અને સલાહ આપી એટલે જરાક કઠણ બોલ્યા કે તરત એ કંઈ એવું બોલે કે આપણને તાવ ચઢ્યો છે કે નહીં, એ આપણને ખબર પડી જાય. એટલે ઘરમાં બેઠા થર્મોમીટર ! દવાની દુકાનવાળાને કહીએ, કે થર્મોમીટર લાવ જોઈએ, તો એ શું આપે ? આવું થર્મોમીટર કોઈ આપે ? છોકરાં કોઈ ફેરો થર્મોમીટર થાય કે ન થાય ?

પ્રશ્નકર્તા : થાય.

દાદાશ્રી : તમને ખબર પડી જાય કે આ થર્મોમીટર છે મારું ? એવું લાગે તમને ? એટલે તમે સાચવીને જ મૂકો. થર્મોમીટર ભાંગી નાખવું નથી ? રહેવા દેવું છે ? એ હોય તો કામ લાગશે. પછી તોડી જ ના નાખોને ! થર્મોમીટર કામ લાગેને ? એટલે સાચવીને મૂકે કે ના સાચવીને મૂકે ? એટલે સાચવીને મૂકી રાખવું.

છોકરાં ઊડાડે, તેને જોયા કરો;

મરીને જીવો એ સૂત્ર હ્રદે ધરો!

પ્રશ્નકર્તા : દીકરો ભૂલ કરતો હોય વ્યવહારમાં, આપણે એને ન કહીએ. આમ સંસારમાં શું કહે, વ્યવહારની અંદર કે ભઈ તમારે કહેવું જોઈએ. આપણે કહેવું જોઈએ, એને સમજાવવો જોઈએ. પણ આપણે કંઈ પણ એમાં ન કહીએ, કંઈ બોલીએ જ નહીં કંઈ. એટલે ડખો કંઈ પણ ન કરીએ. કારણ કે આ જ્ઞાન લીધા પછી આપણને તો એમ સમજાતું હોય કે આ જે ચાલી રહ્યું છે એ સામેના એકબીજાના કર્મના ઉદયને લઈને ચાલી રહ્યું છે. એમાં આપણે કશું ફેરવી શકવાના નથી. તો પછી શું કામ બોલવું જોઈએ કંઈ પણ ?!

દાદાશ્રી : બરાબર છે, પછી ?

પ્રશ્નકર્તા : બસ, આટલું જ પૂછવું છે, એ બરાબર છે ? આપણે ન બોલીએ કંઈ પણ તે ?

દાદાશ્રી : હંડ્રેડ પરસેન્ટ. અને બોલ્યા હોય તો પસ્તાવો કરો. ખોટું છે માટે પસ્તાવો કરો. બાકી આપણે ના હોય ત્યારે શું કરે ? ઉદય પ્રમાણે વર્તે છે. એના ઉદય છે એટલે વર્તે છે.

જગતના લોકો તો ન બોલે તો ય ખોટું. કારણ કે તો એને ખબર ના પડે કે ભૂલ છે. એ ખોટું કંઈ ફળતું નથી પણ લોકો ઉપદેશ માને.

પ્રશ્નકર્તા : હા, પણ એમાં જ ગરબડ થાય છે. કંઈ પણ થાય તો એમ કહે કે તમારે કંઈ કહેવું જોઈએ ને. વ્યવહાર ખાતર તો કહેવું જોઈએ.

દાદાશ્રી : એ તો એ બોલે ને આપણે ય કહેવું કે હા, એ બરાબર છે, વાત સાચી છે. એ કહેવું કે ના કહેવું એ આપણા હાથની વાત છે ? ના કહેવાય એ ઉત્તમ.

પ્રશ્નકર્તા : હં, ના કહેવાય એ ઉત્તમ.

દાદાશ્રી : અરે, ના કહેવું હોય તો ય કહેવાઈ જાય છે.

પ્રશ્નકર્તા : હા, એ તો બરાબર છે, પણ ન કહેવાય તો....

દાદાશ્રી : એના જેવું એકું ય ઉત્તમ નહીં. આપણે ન હોઈએ તો એ શું કરે ?

પ્રશ્નકર્તા : હં, એ જ કહું છું ને. મેં તો એકવાર કીધું કે હું મરી ગયો હોઉં તો શું થાય ?

દાદાશ્રી : એટલે શ્રીમદ્ રાજચંદ્ર કહે છે, 'મરીને પછી જીવો.'

પ્રશ્નકર્તા : હા, બરાબર છે. મેં તો બધાને કીધું છે કે હું નથી એમ જ સમજવું તમારે.

દાદાશ્રી : હા, એ તો એક વાર મરે તેને ફરી મરવું ના પડે. એ પણ થવું જોઈએ ને ! જીવતા મરેલાં, જીવે તો છોકરો છે તે પૈસા ઉડાડતો હોય, તો ય પણ મરેલો માણસ શું કરે ?! જોયા કરે. એવું આ ય છે. એવું જીવન હોવું જોઈએ.

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19