ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19

મા-બાપછોકરાનોવ્યવહાર

(૧૭)

પત્નીની પસંદગી !

પરણવું ફરજિયાત હરકોઈને;

બ્રહ્મચારી વિરલો, પૂર્વનું લઈને!

દાદાશ્રી : લગ્ન તારી મરજીથી કરું છું ?

પ્રશ્નકર્તા : બધાં કરતાં હોય. આપણે પણ કરવાનું વળી.

દાદાશ્રી : એટલે મરજીયાતને ? કે ફરજિયાત કરવું પડે છે, ડ્યૂટી બાઉન્ડ ? મારી ઠોકીને કરાવડાવે લગન એ ડ્યૂટી બાઉન્ડ. તને લાગે ડ્યૂટી બાઉન્ડ છે ?!

પ્રશ્નકર્તા : હમણાં નથી વિચાર આવતા કે લગ્ન કરવા છે.

દાદાશ્રી : ના, પણ બુદ્ધિથી વિચારતાં કેવું લાગે છે ? આ બધાં પૈણેલાં, તે બધાં રાજીખુશીથી પૈણેલાં ?

પ્રશ્નકર્તા : લગ્ન સુખ નથી આપતું, પણ કમ્પ્લસરી જ છે ને કરવું જ પડે.

દાદાશ્રી : હા, કમ્પ્લસરી છે !

પ્રશ્નકર્તા : કમ્પ્લસરી કેમ છે ?

દાદાશ્રી : એ આપણે ગયાં અવતારે નક્કી કર્યું ન્હોતું કે 'લગ્ન નથી કરવું'. એવું નક્કી કર્યું હોત તો લગ્ન ન કરવું પડત !

કેટલાકને પૈણવું હોય ને, તે આખી જિદંગી સુધી 'આ સાલ થશે, આવતી સાલ થશે.' એમ કરતાં કરતાં પચાસ વર્ષનો થઈ ગયો ! તો ય હજી આશા રાખે કે ના, હજુ કંઈક થશે. અલ્યા, પચાસ વર્ષનો થયો, હવે શેની આશા રાખે છે ! એવી રીતે જેમ નથી મળતી, તેમ મળે તેમાંથી પણ આપણાથી છૂટી ના શકાય એવો કુદરતનો કોન્ટ્રાક્ટ કરેલો છે. કરાર થઈ ગયા છે બધા.

તેં કંઈ સરવૈયું કાઢ્યું કે પૈણવા જેવું છે કે નથી પૈણવા જેવું ?

પ્રશ્નકર્તા : નથી પૈણવા જેવું.

દાદાશ્રી : એમ ? ખરું છે, કારણ આ ઇન્દ્રિય સુખો એક તરફી છે. આંખના, કાનનાં, નાકના, એ બધા એક તરફી ઇન્દ્રિય સુખો છે. પણ આ વિષય એ તો બે તરફીનું છે, એટલે દાવો માંડશે અને એ દાવો ક્યારે માંડે એ કહેવાય નહીં. એ કહેશે કે સિનેમા જોવા હેંડોને, તમે કહો કે ના, આજે મારે ખાસ કામ છે. તો એ દાવો માંડે. એ કહેશે, મારે જોઈએ છે ને તમે ના પાડો છો. એટલે એ દાવો માંડે એવું બને કે ના બને ?

પ્રશ્નકર્તા : એવું જ બને છે.

દાદાશ્રી : હવે એ સ્ત્રી જો પહેલેથી સમજતી હોય કે એમનાં કર્મના ઉદયે ના પાડી છે તો ડહાપણપૂર્વક ઉકેલ આવે. પણ એમને એવું ભાન છે નહીં ને ? એ તો કહેશે કે એમણે કયુર્ં જ નહીં. મોહ બધો ફરી વળે અને 'કરે છે કોણ' એ પોતાને ખબર નથી. એ તો એમ જ જાણે છે કે આ જ કરે છે. એ જ નથી આવતા. એમની જ ઇચ્છા નથી આવવાની.

'ન પૈણવામાં' ધ્યેય હોય, તો બરોબર છે. આ છોકરાઓ તો ધ્યેય વગરની વાત કરે છે. આ તો જાણે કે આમ એકલાં પડી રહીશું. મઝા-મસ્તીમાં રહીશું. એ તો ગધ્ધામસ્તી કહેવાય. એના કરતાં એક રૂમમાં બેઉ આખી રાત વઢતાં હોય તે સારું. તેનાથી જાગૃતિ રહે અને ગધેડાની પેઠે મસ્તાનીમાં પડી રહ્યો હોય, એનો અર્થ શો છે ? પેલામાં ઝઘડા કરતાં હોય તો ય સવાર થાય, સવાર તો થયા જ કરવાની ને ?

ન થાય, ધારે તેવું હંમેશા;

ના, ના કરતાં પૈણી જાય બધા!

પ્રશ્નકર્તા : એ પણ વાત સારી છે. પરણવું નહીં. જો સેવા કરવી હોય તો પરણવું નહીં, એ વાત સાચી છે ?

દાદાશ્રી : હા, પણ ના પૈણે તો ચાલશે શી રીતે ? રહેવાશે ? ત્યાગી તરીકે રહેવાશે, સાધુ તરીકે ? એટલી શક્તિ છે તારી ?

પ્રશ્નકર્તા : હા, રહેવાશે.

દાદાશ્રી : એમ ! એ તો પૈણવાનું ના કહે છે આ તો.

એ પહેલેથી જ એવું કહે છે નહીં ! એટલે લફરું વળગે નહીં એટલે ભાંજગડ જ નહીં ને. પણ બહુ મજા નથી. એ તો પછી છેવટે પૈણવું પડે. પછી ઘૈડી જોડે પૈણવું પડે, એનાં કરતાં જવાન જોડે પૈણને. એટલે પૈણજે મોટો થઈને. બે-પાંચ-સાત વર્ષ પછી પૈણજે અને પૈણે ને વહુને ય એમ કહેવું કે તું ય સેવા કર અને હું ય સેવા કરું. આપણે બેઉ સાથે સેવા કરવી એમની.

કોઈ માણસ એમ કહે કે હું નહી પૈણું તો એની તાકાત નથી કે એનું ધારેલું કરી શકે ! એવું થતું હોય તો તો આ બધાનું ધારેલું થઈ જ જાતને ! ના થઈ જાય ?

પ્રશ્નકર્તા : આ તો પૈણવાનું ના કહેતો હોય તેને વહેલું પૈણવું પડે !

દાદાશ્રી : આવું છે ! એટલે મારું કહેવાનું કે આપણું ધારેલું કંઈ થતું નથી, એટલે આ લોકો અમથા બૂમાબૂમ કરે છે ! પણ અલ્યા, તારું કશું વળશે નહિ ! એમ ધારણા તો બધી ધારી કે મારે આમ કરવું છે, તેમ કરવું છે. પણ કશું ઠેકાણું પડતું નથી ! એટલે નરસિંહ મહેતાએ ગાયેલું કે 'બધી ધારણાઓ મારી ધોકો ધર્યો !' ધારણા ધર્યે કશું વળે નહીં. એના કરતાં 'શું બને છે' એ જોયા કરવું એ સારામાં સારું ! શું બને છે એ 'વ્યવસ્થિત', એને જોયા કરવું ! એમ ધારણાઓ કરવામાં ફાયદો નથી ! સંડાસ જવાનું જ્યાં હાથમાં નથી ત્યાં લગ્ન જેવી બાબત આપણા હાથમાં ક્યાંથી ? આપણા હાથમાં સત્તા નથી ત્યાં આગળ બૂમાબૂમ કરીએ એનો અર્થ શો તે ?

જે યોજના થયેલી છે, એમાં કંઈ ફેરફાર થવાનો નથી ! જો પૈણવાની યોજના થયેલી છે, તો અત્યારે આપણે નક્કી કરીએ કે મારે નથી પૈણવું, તો એ મીનિંગલેસ વાત છે. એમાં ચાલે નહીં ને પાછું પૈણવું તો પડે જ !

પ્રશ્નકર્તા : આ ભવમાં આપણે જે ભાવના કરેલી હોય તે પછી આવતા ભવે ફળે ને ?

દાદાશ્રી : હા, આ ભવે ભાવના કરે તો આવતે ભવે ફળે, પણ અત્યારે તો એનો છૂટકો જ નહીં ! અત્યારે એમાં ચાલે નહીં, કોઈનું ય ના ચાલે ને ! ભગવાને ય વાળવા જાય ને કે ના પૈણીશ, તો ભગવાનનું પણ ત્યાં આગળ ચાલે નહીં ! ગયા ભવમાં ના પૈણવાની યોજના કરી જ નથી. માટે ના પૈણવાનું નહીં આવે. જે યોજના કરી હશે તે જ આવશે !

પૈણીને જીતાય પ્રેમથી પત્ની;

ઝઘડાથી કલેષ ઊંધી મતિ!

લગ્ન પોતાનું ડિપેન્ડન્ટપણું છે તે જ ખબર નથી. ડિપેન્ડન્ટપણું છે. ભગવાન મહાવીર ઇન્ડિપેન્ડન્ટ થયા હતાં.

તે લગ્ન કરવાનું બંધ રાખ્યું કે કરવું છે ?

પ્રશ્નકર્તા : કરવું છે. એટલે કોની જોડે કરવું છે એ નક્કી નથી, પણ કરવું છે એ નક્કી.

દાદાશ્રી : પછી એક દહાડો ચિઢાય કે અક્કલ નહીં તારામાં, ગેટ આઉટ કરે તો પછી શું કરીશ ? તું મા-બાપ, મા-બાપ કરે (લાચારી દેખાડે) એમાં શું દહાડો વળે ? એ ચિઢાય ત્યારે તું શું કરું ?

પ્રશ્નકર્તા : શું કરવાનું ? સાંભળવાનું.

દાદાશ્રી : ઘસીયા થઈ જવાનું, ગળીયા બળદ જેવા ! લીહટ !

પ્રશ્નકર્તા : નો, ધેન આઈ ગેટ એંગ્રી ઓન હર. એ મારા ઉપર ગુસ્સે થાય તો પછી હું એના ઉપર થઉં એમ.

દાદાશ્રી : તો પછી એન્ડમાં શું આવશે ? મારીને જતી રહેશે. બધું વિચારીને પૈણજે. પૈણવું સહેલું નથી. ચાર વેદ ભણી જાય ત્યારે પૈણવાનું આવડે. આ (ફોરેનનાં) લોકો શું કહે છે, લેડીને તમાચાથી જીતો. લેડીને કહે છે, તારા ધણીને તું તમાચાથી જીત ! ભગવાન મહાવીર શું કહે છે, આપણે અહિંસાથી જીતો, એની હિંસાની ઉપર આપણી અહિંસા ! હિંસાનો એક દહાડો અંત આવશે, અહિંસાનો વિજય થશે. હિંસાનો તો વિજય થયો જ નથી આ દુનિયામાં.

એવું કેમ કહેવાય આપણાથી કે પૈણવામાં સુખ નથી. એમ કેમ કહેવાય ? એ લોકો એવું કહે પૈણવામાં દુઃખ છે એવું અમે માનીએ નહીં. અનુભવ કરશે એટલે એ ય છોડી દેશે બધાં. લક્કડનો લાડુ છે, ખાધા તે પણ પસ્તાયા, ના ખાધા તે પણ પસ્તાયા.

પ્રશ્નકર્તા : ખાધા પછી પસ્તાવું સારું, પછી અફસોસ ના રહી જાય.

દાદાશ્રી : હા, પછી અફસોસ ના રહે.

ન ચાલે પરણ્યા વિના સંસાર;

જ્ઞાની જ નિરાલંબ, વિના આધાર!

જેમ સંડાસ વિના કોઈને ન ચાલે તેમ પરણ્યા વિના ચાલે તેમ નથી ! તારુ મન કુંવારું હોય તો વાંધો નથી. પણ જ્યાં મન પરણેલું હોય ત્યાં પરણ્યા વગર ન ચાલે અને ટોળાંવાદ વગર મનુષ્યો રહી ના શકે. ટોળાંવાદ વગર રહી શકે કોણ ? 'જ્ઞાની પુરુષ' એકલાં જ, કોઈ ના હોય ત્યાં આગળે ય. કારણ કે પોતે નિરાલંબ થયેલા છે. કોઈ અવલંબનની એમને જરૂર જ નથી.

બાકી મનુષ્યો તો બિચારા હુંફ વગર જીવી શકે નહીં. વીસ લાખ રૂપિયાનો મોટો બંગલો હોય અને એકલો સૂઈ જવાનું કહે તો ? એટલે એને હુંફ જોઈએ. મનુષ્યોને હુંફ જોઈએ, તેથી તો આ લગ્ન કરવાનાં ને ! લગ્નનો કાયદો કઈ ખોટો કાયદો નથી. એ તો કુદરતનો નિયમ છે.

એટલે પૈણવામાં સહજ પ્રયત્ન રાખવો, મનમાં ભાવના રાખવી કે લગ્ન કરવું છે, સારી જગ્યાએ. પછી એ સ્ટેશન આવે ત્યારે ઊતરવાનું. સ્ટેશન આવતાં પહેલાં દોડધામ કરીએ તો.... તારે પહેલી દોડધામ કરવી છે ?

પ્રશ્નકર્તા : ના. સ્ટેશન આવે ત્યારે.

દાદાશ્રી : હં... સ્ટેશનને આપણી ગરજ છે ને આપણને સ્ટેશનની ગરજ ! કંઈ સ્ટેશનની આપણને એકલાને જ ગરજ નથી. સ્ટેશનને આપણી ગરજ ખરી કે નહિ ?

પ્રશ્નકર્તા : હોય.

દાદાશ્રી : નહિ તો પૈસા કોણ આપે ટિકિટના ?!

નિરાંતે રહેજે. 'દાદા'એ બધું વ્યવસ્થિત કહેલું છે. પ્રયત્ન રાખવો. મનમાં ભાવ રાખવો. પણ હવે 'જગતનું કલ્યાણ કરવું છે' એવો ભાવ રાખવો. મારે સાચું સુખ પ્રાપ્ત કરી અને પૂર્ણ કરી અને 'જગતના લોકો કેમ એ સુખ પામે' એવી ભાવના રાખવી.

યુવાવર્ગ દોડી આવે દાદા પાસ;

મા-બાપનાં સુખ(?) જોઈ થાય ઉદાસ!

પ્રશ્નકર્તા : આપના સંઘમાં ભળનાર યુવાન-યુવતીઓ લગ્નની ના પાડે, તો આપ શું ઉપદેશ તેઓને ખાનગીમાં આપો છો ?

દાદાશ્રી : હું ખાનગીમાં પૈણવાનું કહું છું એમને. હું ખાનગીમાં એ લોકોને લગ્ન કરવાનું કહી દઉં છું કે ભઈ થોડી છોડીઓ ઓછી થઈ જાય તો નિવેડો આવે. મારે અહીં વાંધો નથી, મારે તો પૈણીને આવોને તો આ માર્ગ, મોક્ષનો માર્ગ પૈણેલાને માટે જ છે આ. હું તો એમને કહું છું કે પરણો તો છોકરીઓ ઓછી થાય. અને અહીંયા મોક્ષ, પૈણવાથી અટકે છે એવું નથી !

પણ એમણે શું શોધખોળ કરી છે, કે પૈણવાની ઉપાધિ બહુ હોય છે. કહે છે, અમે અમારા મા-બાપનું સુખ જોયું છે. એટલે એ સુખ અમને ગમતું નથી. એટલે મા-બાપનો પુરાવો આપે છે. મા-બાપનું સુખ (!) જોયું એટલે અમે કંટાળી ગયા છીએ કે 'પૈણવામાં સુખ નથી' એવો એમને અનુભવ થઈ ગયો છે એવું એ લોકો બૂમ પાડે છે. હું તો ઘણું સમજાવું છું, કારણ કે આ માર્ગ જે છે ને, તે પૈણેલા માટે જ છે. બ્રહ્મચારી રહેવું હોય તે વાત જુદી છે. બાકી પૈણેલાને બાધક નથી આ અને બીજી જગ્યાએ તો પૈણીશ નહીં એવું શિખવાડે અને હું તો એમ શિખવાડું કે પૈણ. પૈણે એટલે ખરાબ વિચાર આવતા બંધ થઈ જાય, ને એક જગ્યાએ સ્થિર થાય માણસ. ના થાય ? સ્થિર થાય.

બ્રહ્મચર્ય પાળવું સારું છે, એવું તું માનું ? વિલાસી જીવન સારું કે સંયમિત જીવન સારું ?

પ્રશ્નકર્તા : સંયમિત.

દાદાશ્રી : હા. તે એ હું કહેવા માંગું છું તને. બ્રહ્મચર્યનો વિચાર ભલે ના આવ્યો પણ સંયમિતનો વિચાર આવે ને ? વિલાસી ન હોવું જોઈએ ને ?

પૈણશે નહીં તો જગતનું બેલેન્સ કેમ રહેશે ? પૈણને. છો ને પૈણે ! 'દાદા'ને વાંધો નથી, પણ વાંધો અણસમજણનો છે. આપણે શું કહેવા માંગીએ છીએ કે બધું કરો, પણ વાતને સમજો કે શું હકીકત છે !

પાત્રની પસંદગીમાં ન ઘાલો હાથ;

ન ફાવે તો આવે બાપને માથ!

પ્રશ્નકર્તા : પણ ઘણી જગ્યાએ તો લગ્ન દબાણ કરીને બાપા કરાવે છે, પોતે ના કહેતો હોય તો ય.

દાદાશ્રી : પણ એ બાપાએ આવું નહીં કરવું જોઈએ. અત્યારના ભણેલા છોકરાઓ છે ને, બાપાઓએ છોકરાઓને એમના મતે ચાલવા દેવા જોઈએ. બાપાએ વચ્ચે ડખલ નહીં કરવી જોઈએ. હું તો કહું બાપાને કે, 'હાથ ના ઘાલીશ.'

છોકરાને દબાણ કરશો નહીં. નહીં તો તારે માથે આવશે કે મારા બાપાએ બગાડ્યું. એને ચલાવતાં ના આવડે તેથી બગડે ને આપણે માથે આવે. ઘોડી તો ત્રણ હજારની હતી. પણ પડી ગયો ત્યારે કહેશે કે મને ઘોડીએ પાડી નાખ્યો. મેર ગાંડીયા ! ઘોડીને વગોવો છો ? ઘોડીની આબરૂ કાઢો છો ? ઘોડી તો ત્રણ હજાર રૂપિયા આપીને લાવ્યો છે, તને બેસતાં ના આવડે એમાં ઘોડીનું નામ દઉં છું ?! પણ આ જગત તો આવું !! વહુમાં અક્કલ નથી, કહેશે અને એ અક્કલનો કોથળો ?!

બોલાવવો એને અને કહેવું, 'અમને પસંદ પડી હવે, તને પસંદ પડે તો કહે અને નહીં તો રહેવા દઈએ આપણે.' તો એ કહેશે, 'મને નથી ગમતી'. તો એને રહેવા દઈએ. સહી તો કરાવી લેવી છોકરાં પાસે, નહીં તો છોકરો ય સામો થાય.

પ્રશ્નકર્તા : 'વ્યવસ્થિત'માં જે વહુ આવવાની છે, તે આવવાની જ છે એમ કરીને આપણે બેસી રહેવું કે પછી કંઈ આમ તજવીજમાં રહેવું?

દાદાશ્રી : પણ એ બેસી રહેવાનું થશે જ નહીં.

ન વપરાય બુદ્ધિ પસંદગીમાં;

સંજોગો, સાચી આપે જિંદગીમાં!

બુદ્ધિ તો બે જ વસ્તુ જુએ, નફો ને ખોટ ! છોકરાની વહુ ખોળે તો સારી જ ખોળ્યા કરે !

પ્રશ્નકર્તા : બુદ્ધિ દેખાડે, વહુને સીલેક્ટ કરવા માટે સારું સારું, તો તે સમયે શું કરવું જોઈએ આપણે, બુદ્ધિ ન વાપરવી ?

દાદાશ્રી : આપણે તો છોકરાને એ દેખાડી જોવાનું, બીજા સંજોગો ભેગા થાય એટલે આપણે 'યસ' કહી દેવાનું.

પ્રશ્નકર્તા : પણ બીજા સંજોગો આપણે જોવા જોઈએ ને દાદા, કુટુંબ કે નાત કે આમ સામાન્ય....

દાદાશ્રી : એ સંજોગો જ ભેગા ક્યારે થાય કે બનવાનું હોય તે પ્રમાણે જ થાય.

પ્રશ્નકર્તા : બધા ય એવિડન્સીસ્ ભેગા થાય તો જ લગ્ન થાય.

દાદાશ્રી : તો જ લગ્ન થાય, નહીં તો ના થાય. એટલે એ ગભરામણ નહીં રાખવાની પછી. કુટુંબ ખરાબ આવ્યું. છૂટું થયું, પછી જે તારો હિસાબ તે આવ્યો. બાકી બુદ્ધિ જો ખોળવા બેસેને તો આ ગામમાં એકું ય મોડલ સારું જડે નહીં. બુદ્ધિનું ખોળેલું તો જડે જ ક્યાંથી ?

પ્રશ્નકર્તા : હવે ધારો કે છોકરાએ એમ કહ્યું હોય મા-બાપને કે તમે જે શોધી આપો એ ખરી. તો પછી મા-બાપની જવાબદારી આવી ગઈ, તો મા-બાપે શું કરવું ત્યારે ?

દાદાશ્રી : પછી આપણે શોધી આપવું. શોધી આપીને પછી આપણે જાણવું કે આ શોધી આપ્યું છે. તો અત્યારે તો બાળક છે, નાની ઉંમરનો છે, મોટી ઉંમરનો થાય એટલે બુદ્ધિ ખીલે. ત્યારે પછી કહેશે, 'હું તો હા કહું પણ તમારે નહોતું સમજવું ?' તો પછી આપણે ધીમે રહીને ઊકેલ લાવવો.

પત્ની, કુટુંબ માટે ન દે કરવા;

ખાનગીમાં કરી, બેઉ સાચવવો!

ના ગમતું હોય એમ કરવું પડે છે ને ?! હવે પૈણીશ ત્યાર પછી વહુ કહેને એ ય તને ના ગમતું હોય તો કરવું પડે. એટલે છૂટકો જ નહીંને !! ક્યાં જઈએ ?!

પ્રશ્નકર્તા : હં, દાદા, પણ એમાં એવું છે કે નાની નાની બાબતમાં જવા હઉ દઈએ, પણ મોટી બાબતમાં નહીં ખસવું જોઈએ, હું એવું માનું પછી વહુ હોય કે જે હોય એ.

દાદાશ્રી : તો એનો નિકાલ નહીં થાય. આપણે જો છૂટું થવું છે આ દુનિયાથી, તે ના થવા દે પેલી.

પ્રશ્નકર્તા : ધારો કે મારે કોઈને મદદ કરવી છે. ઘરના માણસને માટે કંઈક કરવું છે અને પત્ની ના પાડે છે, તો મારે કંઈક કરવું કે ના કરવું ?

દાદાશ્રી : કરવું. પણ ખાનગી રીતે કરવું.

પ્રશ્નકર્તા : નહીં, ખાનગી રીતે કેમ કરવું આપણે ?

દાદાશ્રી : નહીં તો પત્ની જોડે ઝઘડા થાય પછી. આની જોડે રહેવાનું ને પાછું ઝઘડા થાય. કારણ કે પત્ની શું કહે, કે તમે જે મદદ કરો છો એમાં મારી પાર્ટનરશીપ છે, એવું કહેને ?!

પ્રશ્નકર્તા : પણ પછી તેમાં મારું ને તારું થઈ ગયું કહેવાયને ?

દાદાશ્રી : એ મારું-તારું હોય જ, પતિ-પત્નીમાં. પછી મારું-તારું ના હોત તો તો આ દુનિયામાંથી બહાર જવાની જરૂરત જ નથી ! મોક્ષે જવાની જરૂરત જ શી હતી ! અને પતિ પત્નીમાં ય મારું-તારું હોય.

પ્રશ્નકર્તા : હું નથી માનતો એવામાં.

દાદાશ્રી : તારે પણ એવું થશે. હજુ પૈણ્યો નથી, પણ પૈણીશ એટલે એવો અનુભવ થશે.

પ્રશ્નકર્તા : એટલે જ હું મારી રીતે કદાચ બોલતો હોઉં.

દાદાશ્રી : ના, તે તો એને ખ્યાલ ના હોય ને !

પ્રશ્નકર્તા : હા, અનુભવ નહીં ને !

દાદાશ્રી : હા, એ તો અનુભવ કરીએ ત્યારે ખબર પડે કે આ કડવું કે મીઠું. નથી કડવું લાગતું કે નથી મીઠું લાગતું. કંઈ જાતનું આ ?! કડવું ય ના લાગે ને મીઠું ય ના લાગે.

નથી પાપ લવમેરેજમાં;

પાપ છે દગા ને ફરેબમાં!

પ્રશ્નકર્તા : આ લવમેરેજ એ પાપ ગણાય ?

દાદાશ્રી : ના. ટેમ્પરરી લવમેરેજ એ પાપ ગણાય. પરમેનન્ટ લવમેરેજ હોય તો નહીં. એટલે લાઈફ લવમેરેજ હોય તો વાંધો નહીં. ટેમ્પરરી લવમેરેજ એટલે ફોર વન યર, ફોર ટુ યર. પરણવું હોય તો એકને જ પરણવું જોઈએ. ફ્રેન્ડશીપ બહુ નહીં કરવી જોઈએ. નહીં તો નર્કે જવું પડે.

પ્રશ્નકર્તા : આ જે બીજા અમેરીકન્સ કહે છે કે જેવી રીતે બીજી છોકરીઓ કેટલાય જણા જોડે સંબંધ રાખે, તો એ લોકોને તો કંઈ વાંધો નથી આવતો. એ લોકોને કંઈ પાપ નથી ને આપણને કેમ એવું છે ?

દાદાશ્રી : એમને છોકરીઓની પડેલી નથી હોતી બહુ, એ તો ના જતો હોય તો વીસ-બાવીસ વર્ષનો છૂટો કરે એને. આપણે ત્યાં નહીં કરે. એ તો એમને એમના કપલ પૂરતી જ પડેલી હોય છે અને આપણા તો ઠેઠ સુધી, તમે પચાસ વર્ષના થાવ તો ય લાગણી રાખે મા-બાપ. તમે પચાસ વર્ષના થાવ તો ય એમને દુઃખ થયા કરે કે આ બિચારીનું શું થતું હશે, શું થતું હશે ?! અને આમને ના થાય.

પ્રશ્નકર્તા : એ લોકોને કેમ એવું હોય ? અને આપણને.

દાદાશ્રી : ડેવલપમેન્ટ કાચું છે. સામાજીક ડેવલપમેન્ટ નથી એમનામાં. સામાજીક ડેવલપમેન્ટ કાચું છે.

પુરાવા ભેગાં થતાં લફરું પેઠું!

લફરું જાણતાં જ, પડે એ છૂટું!

તમે નાના હતા ત્યારે આવું લફરું વળગેલું કોઈ જાતનું ? તે પુરાવા ભેગા થાય, બધા એવિડન્સ ભેગા થાય એ એટલે લફરાં વળગી જાય.

પ્રશ્નકર્તા : લફરું એ શું છે ?

દાદાશ્રી : હા, તે કહું છું. એક નાગર બ્રાહ્મણ હતો, તે ઓફીસર હતો. તે એનાં છોકરાને કહે છે. 'આ છોકરી સાથે તું ફરતો હતો. તે મેં તને દીઠો, તે લફરા શું કરવા ફેરવે છે !' છોકરો કોલેજમાં ફરતો હતો, કોઈ ગર્લફ્રેન્ડ જોડે. એનાં બાપે દીઠો હશે. એને લફરું એ લોકો નથી કહેતા, પણ આ જુના જમાનાનાં માણસો એને લફરું કહે છે. કારણ કે ફાધરનાં મનમાં એમ થયું કે 'આ મૂરખ માણસ સમજતો નથી, પ્રેમ શું છે એ ? ને માર ખાઈ ખાઈને મરી જશે !' પ્રેમને નીવેડવો એ સહેલો નથી. પ્રેમ કરતાં બધાને આવડે છે, પણ એને નીવેડવો સહેલો નથી. તેથી એનાં ફાધરે કહ્યું કે, 'આ લફરાં શું કરવા, કરવા માંડ્યાં ?'

તે પેલો છોકરો કહે છે, 'બાપુજી, શું કહો છો આ તમે ? એ તો મારી ગર્લફ્રેન્ડ છે. તમે આને લફરું બોલો છો આમ ? મારી નાકકટ્ટી થાય એવું બોલો છો ? એવું ના બોલાય.' ત્યારે બાપ કહે છે, 'નહીં બોલું હવે.' એ ગર્લફ્રેન્ડ જોડે બે વર્ષ દોસ્તી ચાલી. પછી એ બીજા કોઈ જોડે સિનેમા જોવા આવી હતી ને આણે જોઈ. એટલે એના મનમાં એમ લાગ્યું કે આ તો પપ્પાજી કહેતા હતા કે 'આ લફરું વળગાડ્યું છે' તે એવું આ લફરું જ છે.

પહેલાં જ્યારે ફાધરે કહ્યું કે, 'આ લફરું શું કામ કરવા માંડ્યું છે ?' ત્યારે આ આડુંઅવળું બોલ્યો એટલે એનાં ફાધરે જાણ્યું કે 'એની મેળે મેળે જ અનુભવ થવા દેને ! આપણો અનુભવ લેવા તૈયાર નથી. તો એને પોતાને અનુભવ થવા દો.' તે આવું બીજા જોડે સિનેમામાં દેખેને, એટલે અનુભવ થાયને ? એટલે પછી પસ્તાય કે ફાધર કહેતા હતા એ સાચી વાત છે. સાલું લફરું જ છે આ તો.

એટલે પુરાવા ભેગા થાયને તો લફરા વળગી જાય. પછી છૂટે નહીં અને બીજાને લઈને ફરે એટલે રાત-દહાડો પેલાને ઊંઘ ના આવે. બને કે ના બને એવું ? પેલા છોકરાએ જ્યારે જાણ્યું ત્યારથી એ લફરું છૂટવા માંડ્યું. એટલે જ્યાં સુધી 'ગર્લફ્રેન્ડ' કહે અને એને લફરું જાણે નહીં ત્યાં સુધી શી રીતે છૂટે ?! આ તો લફરું જ છે ત્યારથી એ છૂટું પડવા માંડે. જ્યારે ત્યારે છૂટું થઈ જાય. મહિને, બે મહિને, ચાર મહિને પણ છૂટું જ થઈ જાય. સાયન્ટિફિક કાયદો આ. એને જ્ઞાનમાં આવવું જોઈએ કે આ લફરું છે. બાપ એવું જાણે કે આ લફરું છે. પણ પેલાને એ જ્ઞાનમાં આવ્યું નથીને. એને તો બાપાનું ઊંધું દેખાય પણ છોકરો લફરું કહેને, પછી આપણે એની માટે કચકચ નહીં કરવાની. આપણે જાણીએ કે જ્ઞાન થયું. જે જ્ઞાન મને હતું, એ જ્ઞાન એને થયું, હવે વાંધો નથી. જ્ઞાન થઈ જવું જોઈએ કે લફરું શું છે ? એ પછી નિરંતર છૂટું જ પડતું જાય.

પોતાનો ભઈબંધ ય બહુ ૨૫ વર્ષથી હોય, પણ જ્યારથી પોતાને દગો-ફટકો લાગ્યો, એટલે સમજાય કે આ તો સાલુ લફરું છે. પછી ઉપલક, દેખાવથી ના કહે પણ એમ કરતો કરતો છૂટું થઈ જાય. લફરું જાણે ત્યારે લફરાનું જ્ઞાન થવું જોઈએ.

પ્રશ્નકર્તા : તો પછી આ મોહ અને પ્રેમ એની તારવણી કરવી હોય તો કઈ રીતે કરી શકાય ?

દાદાશ્રી : પ્રેમ છે જ નહીં. તો પ્રેમની વાત જ શું કરવા કરો છો ? પ્રેમ છે જ નહીં. બધો મોહ જ છે આ તો, મોહ ! મૂર્છિત થઈ જાય. બેભાનપણે, બિલકુલ ભાન જ નથી !

મોઢું રૂપાળું પસંદ કરી લાવ્યો પૈણી;

હવે નથી જોવું ગમતું કહે ધણી!

બહુ માર ખાય ત્યારે જે મોહ હતો ને, તે મોહ છૂટી જાય બધો. ખાલી મોહ જ હતો. તેનો જ માર ખા ખા કર્યો !

પ્રશ્નકર્તા : મોહ અને પ્રેમ એ બન્નેની ભેદરેખા શું છે ?

દાદાશ્રી : આ ફૂદું છે ને ! ફૂદું દીવાની પાછળ પડી અને 'યા હોમ' થઈ જાય છે ને ? એ પોતાની જીંદગી ખલાસ કરી નાખે છે. એ મોહ કહેવાય. જ્યારે પ્રેમ એ ટકે, પ્રેમ ટકાઉ હોય, જો કે એમાં ય થોડી આસક્તિનાં દર્દ હોય. પણ તો ય ટકાઉ હોય એ મોહ ના હોય.

મોહ એટલે 'યુઝલેસ' જીવન. એ તો આંધળા થવા બરાબર છે. આંધળો માણસ ફૂદાની પેઠે ફરે અને માર ખાય એના જેવું અને પ્રેમ તો ટકાઉ હોય એમાં તો આખી જીંદગીનું સુખ જોઈતું હોય. એ તાત્કાલીક સુખ ખોળે એવું નહીં ને !

પ્રશ્નકર્તા : આ છોકરા-છોકરીઓ પ્રેમ કરે છે. અત્યારના જમાનામાં, તે મોહથી કરે છે એટલા માટે ફેઈલ થાય છે ?

દાદાશ્રી : એકલો જ મોહ ! ઉપર મોઢું રૂપાળું દેખાય છે એટલે પ્રેમ દેખાય. પણ એ પ્રેમ કહેવાય નહીં ને ! હમણે અહીં આગળ ગૂમડું થાય ને, તો પાસે જાય નહીં પછી. આ તો કેરી મહીંથી આખી જુએને તો ખબર પડે. મોઢું બગડી જાય તો બગડી જાય, પણ મહીના સુધી ખાવાનું ના ભાવે. અહીં બાર મહિના સુધી આવડું ગુમડું થાયને તો મોઢું ના જુએ, મોહ છૂટી જાય ને જ્યારે ખરો પ્રેમ હોય તો એક ગુમડું, અરે બે ગુમડાં થાય તો ય ના છૂટે. તે આવો પ્રેમ ખોળી કાઢજો. નહીં તો શાદી જ ના કરશો. નહીં તો ફસાઈ જશો. પછી એ મોઢું ચઢાવશે ત્યારે કહેશે, 'આનું મોઢું જોવાનું મને નથી ગમતું.' ત્યારે અલ્યા સારું જોયું હતું તેથી તને ગમ્યું હતું. ને હવે આવું નથી ગમતું ?! આ તો મીઠું બોલતા હોયને, એટલે ગમે અને કડવું બોલતા હોયને તો કહે 'મને તારા જોડે ગમતું જ નથી ?'

પ્રશ્નકર્તા : એ પણ આસક્તિ જ ને ?

દાદાશ્રી : બધી આસક્તિ. 'ગમ્યું હતું ને ના ગમ્યું, ગમ્યું હતું ને ના ગમ્યું' એમ કકળાટ કર્યા કરે, એવા પ્રેમને શું કરવાનો ?!

પ્રશ્નકર્તા : એવી જ કોઈ રીતે પણ મોહ પાછળ જીવન ન્યોછાવર કરવાની શક્તિ લે તો પરિણામે પૂર્ણતા આવે ? તો એ ધ્યેયની પૂર્ણતાને પ્રાપ્ત કરે ?

દાદાશ્રી : મોહની પાછળ ન્યોછાવર કરે તો તો પછી મોહ જ પ્રાપ્ત કરે. ને મોહ જ પ્રાપ્ત કર્યો છે ને લોકોએ !

ન કરાય કદિ ભારતીયથી ડેટિંગ;

વર્જીનને મળે વર્જીન કુદરતી સેટીંગ!

પ્રશ્નકર્તા : આ ડેટિંગ ચાલુ થઈ ગયું હોય પછી હવે કેમનું બંધ કરવું એને ? શું કરવું ?

દાદાશ્રી : એ બંધ કરી દેવાનું. નક્કી કરો અત્યારે કે આ બંધ કરી નાખવું છે. આપણે કહીએ કે અહીં છેતરાઉં છું, તો છેતરાવાનું પછી બંધ કરી દઈએ. નવેસરથી છેતરાવાનું બંધ. જ્યારથી જાગ્યા ત્યારથી સવાર. જ્યારથી સમજણ પડી કે આ ખોટું થઈ રહ્યું છે એટલે બંધ કરી દેવું જોઈએ.

પ્રશ્નકર્તા : પોતાને બંધ કરી દેવાની વાત કરી તમે, પણ પોતાને પછી પાછી ઇચ્છા થયા કરે તો શું કરવું ?

દાદાશ્રી : ઇચ્છા થયા કરે તે મનને ઇચ્છા થયા કરે. મનને કહીએ કે હવે તારે કોઈની બૂમ પાડવાની નથી, બૂમ પાડવી હોય તો પાડ્યા કર એક બાજુ, કહીએ. ગો ટુ યોર રૂમ !!

પ્રશ્નકર્તા : આ સહેલું છે કહેવાનું પણ પેલું અઘરું થઈ પડે છે !

દાદાશ્રી : ના, અઘરું ના થઈ પડે. યુ આર કમ્પ્લીટ જુદો છું. માઈન્ડ ને, યુ આર કમ્પ્લીટ જુદો છું, સેપરેટ.

પ્રશ્નકર્તા : માઈન્ડ સેપરેટ છે. પણ મારી બોડીને જોઈએ તેનું શું ?

દાદાશ્રી : એ બોડીને જોઈતું હોય તો બોડી છે તે એની મેળે માંગી લેશે. તારે શા માટે પડવાની જરૂર ?! એ તો ભૂખ લાગશે ત્યારે બોડીને તો ખાવાનું મળી આવશે. વાઈલ્ડ લાઈફ નહીં હોવી જોઈએ. ઈન્ડિયન લાઈફ હોવી જોઈએ.

પ્રશ્નકર્તા : આપણે અત્યાર સુધી ડેટિંગ કરતા હતા, પછી હવે નક્કી કર્યું કે આપણે હવે નથી કરવું, બંધ કરી દેવું છે, જાગ્યા ત્યારથી સવાર, આપણે બંધ કરી દીધું, પણ તે પેલી સામી વ્યક્તિનું શું ?

દાદાશ્રી : આપણે શું લેવાદેવા !

પ્રશ્નકર્તા : કશું લેવાદેવા નહીં ?

દાદાશ્રી : ના, કશું ય લેવાદેવા નહીં.

પ્રશ્નકર્તા : હવે એને દુઃખ આપ્યું ના કહેવાય ?

દાદાશ્રી : સામી વ્યક્તિ તો, આપણું મગજ બગડી જાય તો રહે ?! આપણને પછી પૈણે ?

તમે ચોખ્ખા હશો તો તમને વાઈફ પણ ચોખ્ખી મળશે ! એનું નામ જ 'વ્યવસ્થિત', જે એક્ઝેક્ટ હોય !

ફોરેન લેડી પહોંચે છૂટાછેડે છેક;

ઈંડીયન રોજ લઢે તો ય એકના એક!

દાદાશ્રી : તારે તો વહેલું પૈણવું છે કે પછી મોડું ?

પ્રશ્નકર્તા : મોડું.

દાદાશ્રી : એમ ને એમ તારાથી રહેવાશે ? પૈણ્યા વગર રહેવાશે ?

પ્રશ્નકર્તા : બે વર્ષ પછી. હજુ ભણવાનું બાકી છે.

દાદાશ્રી : હા, તે પૂરું કરજે. પણ વિવાહ કરવામાં વાંધો છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : વિવાહ કરી રાખે તો ચાલે ને ! પૈણવાનું હમણે નહીં, પણ વિવાહ કરી રાખ. અમેરિકન જોડે પૈણવું છે કે ઇન્ડિયન જોડે ?

પ્રશ્નકર્તા : ઇન્ડિયન સાથે. પપ્પાને ખુશ રાખવાના છે એટલે.

દાદાશ્રી : નહીં તો તારે એમને ખુશ ના રાખવાના હોય તો ? તો અમેરિકન જોડે પૈણું ખરું ? તારા માટે તને કઈ ગમે વધારે ? ફર્સ્ટ પ્રેફરન્સ શું છે તારું ?

પ્રશ્નકર્તા : ગમે એ ચાલે, હું કઈ કલર-બલરમાં નથી માનતો. જે સારી છોકરી હોય, અમેરિકન હોય કે ઇન્ડિયન હોય, તો ય વાંધો નહીં.

દાદાશ્રી : પણ એવું છે ને, આ કેરીઓ અમેરિકન અને આપણી કેરીમાં ય ફેર હોય છે એવું તું ના જાણું ?! શું ફેર હોય છે આપણી કેરીમાં ને....!

પ્રશ્નકર્તા : આપણી મીઠી હોય.

દાદાશ્રી : હા, ત્યારે પછી જોજો. એ મીઠી ચાખી તો જો આપણી ઇન્ડિયનની.

પ્રશ્નકર્તા : હજુ ચાખ્યું નથી.

દાદાશ્રી : ના. પણ પેસીશ નહીં આમાં અમેરીકનમાં પેસવા જેવું નથી. જો, તારી મમ્મીને ને ફાધરને તેં જોયાં ને ! તો એ બેને કોઈ દહાડો મતભેદ પડે કે ના પડે ?

પ્રશ્નકર્તા : મતભેદ તો પડે.

દાદાશ્રી : હા, પણ તે ઘડીએ તારી મમ્મી જતી રહે છે કોઈ દહાડો ય ?

પ્રશ્નકર્તા : ના, ના.

દાદાશ્રી : અને પેલી તો 'યૂ યૂ' કરીને આમ બંદૂક દેખાડે, જતી રહે અને આખી જીંદગી રહે આ. એટલે અમે તમને સમજણ પાડીએ કે ભઈ, આ આવું કરશો નહીં આ બાજુ, પછી પેઠા પછી પસ્તાશો. આ તો ઠેઠ સુધી રહે હં કે, વઢંવઢા કરીને સવારમાં પાછું રીપેર.

પ્રશ્નકર્તા : વાત સાચી છે.

દાદાશ્રી : માટે હવે નક્કી કર કે મારે ઇન્ડિયન લેડી જોડે પૈણવું છે, ઇન્ડિયનમાં તું ગમે તે, બ્રાહ્મણ, વાણિયણ, તને જે ફાવે તે વાંધો નથી.

પ્રશ્નકર્તા : જો એને ગમતી હોય તો વિવાહ કરી રાખે, એવું સમજાવો.

દાદાશ્રી : હા, વિવાહ કરી રાખશે. આ એ દેખાડેને, તે પાસ કરી દેજે હવે કે આ ચોઈસ છે, કહીએ. એટલે પછી એને સેટેલમેન્ટ થાય પછી પૈણજે. આટલું કરજે તું મારું ! સમજ પડીને ? જ્યારે ત્યારે પૈણ્યા વગર ચાલે એવું નથી, કંઈ બ્રહ્મચારી રહેવાય એવું છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : ત્યાર પછી આપણે પહેલેથી સેટેલમેન્ટ લેવામાં વાંધો શો ? પછી આપણે જોઈતી છોકરી ના મળેને પછી ઊંધી બીજી મળે, એનાં કરતાં અત્યારે જ તપાસ કરીએ તો સારી મળી જાય, તો આપણું ચાલ્યું. આજ ને આજ નહીં, છ મહિના-બાર મહિના સુધી જો જો કરતા કરતા.... !

પ્રશ્નકર્તા : એ કહે છે પણ બધી જ ગમે તો ?

દાદાશ્રી : જે તને ગમે એ ગમે, પણ તું એને ના ગમતો હોય ત્યારે શું થાય ? એક છોકરીને એક છોકરો દેખાડ્યો એના બાપે ત્યારે બાપને કહે છે, આ બબૂચકને ક્યાં તેડી લાવ્યા મારી પાસે ! આ છોકરીઓ ! મહીં આઝાદ હોય એ બોલી જાય.

એક નાતનાનાં સરખા સ્વભાવ;

પરનાતમાં ન બેસે મેળ સાવ!

પ્રશ્નકર્તા : આપણી નાતમાં જ લગ્ન કરવાના ફાયદા શું ? એ જરા કહો.

દાદાશ્રી : આપણી કોમ્યુનીટીની વાઈફ હોયને તો આપણા સ્વભાવને મળતું આવે. આપણે કંસાર લીધો હોય અને ઘી વધારે જોઈતું હોય આપણા લોકોને. હવે કોઈ એવા નાતનીને પૈણી લાવ્યો, તો તે મેલે નહીં આમ, નીચું નમાવતા જ એના હાથમાં દુઃખે એટલે એના જુદા જુદા ગુણો જોડે ટકરામણ થાય આખો દહાડો ય અને આ આપણી જાતની જોડે કશું ના થાય. સમજણ પડીને ? ભાષા પેલી બોલેને, તે ય ચીપી ચીપીને બોલે અને આપણો દોષ કાઢે કે તમને બોલતા નથી આવડતું, એવું ત્રાગા કરે. એના કરતાં આપણી સારી કે કંઈ કહે તો નહીં, આપણને વઢે નહીં.

પ્રશ્નકર્તા : આપ કહો છો કે એક જાતિની હોય ત્યાં ઝઘડો ના થાય, પણ એક જાતિની હોય ત્યાં ય ઝઘડો તો થાય છે, એનું શું કારણ ?

દાદાશ્રી : ઝઘડો થાય પણ એનો નિકાલે થાય. પણ પેલો આખો દહાડો ગમે એની જોડે અને પેલા જોડે તો ગમે નહીં પછી, એક કલાક ગમે અને પછી કંટાળો આવ્યા કરે. એ આવે ને કંટાળો આવે, એ આવે ને તરત કંટાળો આવે. પોતાની જાતની હોય તો ગમે, નહીં તો ગમે જ નહીં. કંટાળો આવે, ભૂતડી જેવી લાગે. આ બધા જે પસ્તાયેલાને તેના દાખલા કહું છું. આ બધા બહુ ફસાયેલા, આ લોકો વધુ ફસાયેલા.

રૂપાળી હાફુસ દેખી લાવ્યો ઘેર;

એ ચાખે તો ખાટી, સિલેકશન ફેર!

આપણો એક હિન્દુનો છોકરો પારસણ પાછળ પડેલો ! મેં કહ્યું, આ કેરીઓ ઉપરથી રૂપાળી દેખાય પણ કાપીએ ને ત્યારે ખાટી નીકળે ! આ પારસણો બધી હાફૂસની કેરી જેવી રૂપાળી દેખાય ને ! પણ ખાટી નીકળે. મોઢું બગડી જશે ત્યારે પછી ક્યાં જઈશ ? પછી આખી જિંદગી બફારો જ ને ? સહન ના થાય પછી ! કેરી તો ખાટી નીકળે તો નાખી દઈએ પણ સ્ત્રીને ક્યાં નાખી દઈએ ?

પ્રશ્નકર્તા : એ મતભેદ હોય એ સુધારવા પ્રયત્ન કરવાનો.

દાદાશ્રી : મારું કહેવાનું કે મતભેદનો સવાલ નહીં. આ તો અંડરડેવલપ જોડે લગ્ન કરવું એ ત્યાં બધું ખાટું જ નીકળે ! લગ્ન પોતાના ડેવલપમેન્ટમાં જ હોવું જોઈએ ! એટલે લગ્ન ક્યાં કરવું એની કઈ લિમિટ તો હોવી જોઈએ ને ?! બાકી ગમે તેવી પારસણ તેડી લાવ્યા પછી શું થાય ? દેખાય રૂપાળું પણ ડેવલપમેન્ટ બધું બહુ કાચું !

છેતરાઈશ મૂઆ, જૈન છોકરાને ના કહ્યું પછી લગ્ન બંધ રહ્યું. જૈન છોકરા પારસણ જોડે પૈણે તો તે વેશ થઈ પડે. આને પરણાતું હશે ? એ તો કામની જ ન્હોય અને આપણી નાતમાં જ પરણે એ અંદર મીઠી દરાખ જેવી અને તે પાછી આખી જીંદગી સુધી રહે. પેલી તો છ મહિનામાં પાછી છૂટી કરી નાખે.

વર્તજે અહીં નક્કી કર્યા પ્રમાણે;

નાતનીને જ હા, પસંદગી ટાણે!

હવે તેં આજે બધું જે યોજના કરી, બોલ્યો, એ યોજના પ્રમાણે વર્તીશ કે યોજનામાં ફેરફાર કરીશ ?

પ્રશ્નકર્તા : ના, એ પ્રમાણે જ વર્તીશ.

દાદાશ્રી : તે કહ્યું કે મારે અમેરિકન કે પારસી એવું તેવું ના જોઈએ અને ઇન્ડિયન જોઈએ. તો પછી હવે એવું કોઈ અમેરિકન કે પારસી છોકરી જતી હોય તો તું એના તરફ જોતો હોઉં ત્યારે તને યાદ આવે કે આ મેં તો આવું નક્કી કર્યું છે !?

પ્રશ્નકર્તા : હા, તો યાદ આવે.

દાદાશ્રી : તો એના તરફ બિલકુલ જોવું જ નહીં, આ આપણી લાઈન જ ન્હોય. હવે જ્યારે બીજી જગ્યાએ જોઈએ ઇન્ડિયનમાં, તે પણ આપણને હજુ લેવાદેવા નથી અને આ જોઈએ છીએ એ ગુનો કરીએ છીએ, એ આપણને રહેવું જોઈએ. એટલે હું તને દેખાડીશ કે જોયા પછી શું કરવું તારે ? જોયા પછી એના વિચાર ઘેર આવે. પણ પછી શું કરવું એ બતાડીશ. એટલે ભૂંસી નંખાય. ડાઘ પડ્યો તો ખરો, પણ પછી સાબુ રાખીએ, તો ભૂંસી નંખાય. એટલે કપડું ચોખ્ખું ને ચોખ્ખું રહે. ભૂંસી નાખવાનાં સાધન નહીં હોવાથી પછી તે રૂપ થઈ જાય બિચારા.

પ્રશ્નકર્તા : તે રૂપ થઈ જાય એટલે શું ?

દાદાશ્રી : બહુ ને બહુ એક પ્રકારનો ગુનો થયો એટલે પછી ગુનેગાર જ થઈ જાય. જે ગુનો છેટેથી હતો તે ગુનેગાર થઈ જાય પોતે. ગુનાહિત પ્રવૃત્તિમાં પડી જાય. પેલો આપણે બતાડીએ કે ભઈ આ ભૂંસી નાખજો સાબુથી એટલે પડી ના જાય પછી. વધુ ખેંચાણ બંધ થઈ જાયને !

આ બધું આવું શીખવાડવું પડે. કારણ કે આ ઊંધું જ માની બેઠા છે. એને રૂપ કહે છે. અરે, રૂપ કહેવાતું હશે ? આપણા જૂના માણસો આને રૂપ ન્હોતા કહેતા. રૂપ તો કેવું હોય ? એમાં અંગ-ઉપાંગ સરસ હોય. આંખ સારી હોય અને કાળી ભમ્મર જેવી દેખાતી હોય. અને યુરોપિયન લેડીની આંખ કેવી હોય, બીલાડી જેવી. બીલાડીની આંખ તો સારી હોય ! એટલે આવું ના પૈણાય. આવું બધું શીખવાડવું પડેલું. એ તો એમ જ જાણે કે આ ઉપર દેખાય છે એવો જ માલ મહીં હશેને !

જ્ઞાન કહે પૈણ્યો, તે મુજબ કર્મ;

વ્યવહારે નાતમાં જ કરે એ ધર્મ!

પ્રશ્નકર્તા : તમારો શું અભિપ્રાય, આ ઇન્ટરકાસ્ટ લગ્નનો ? તમારું મંતવ્ય ?

દાદાશ્રી : અમારે મંતવ્ય ના હોય. એ તો જ્યાં એનો હિસાબ હોય ત્યાં જ પૈણે છે. પણ આમાં અભિપ્રાય આપવાની જરૂર જ શી હવે રહી ! જેને હિસાબ હોય ત્યાં જ પૈણે છે. એટલે અમને એમાં કંઈ દુઃખ ના થાય. એ અમને નોંધ અવળી ના થાય કે આ ખોટું કર્યું છે એવું. હિસાબ હોય ત્યાં જઈને પૈણે, પછી એનું શું કરવું ?

પણ ખુલ્લું ના કહેવાય. ખુલ્લું તો એમને કહીએ કે 'ભઈ, છોકરાઓ, તમારી નાતમાં જ પૈણજો.' પછી પરિણામ આવે ત્યારે વઢીએ નહીં. બીજી નાતમાં પૈણ્યો હોય તો વઢીએ ય નહીં. હિસાબ વગર થતું નથી ને ! આ તો અમે જાણીએ કે શા આધારે થાય છે. એ કરતો નથી બિચારો. એ કર્તા નથી, કર્તા જુદું છે. એટલે અમને એના તરફ એ ના રહે.

એક પટેલ અમારા ઓળખાણવાળા હતાં, સગાંવહાલાં ય થાય. તે બેત્તાલીસની સાલમાં અમારું કામ પડ્યું, તે ઘડીએ બોલાવ્યા અમને કે 'જરા આવજો ને, અમારે આટલું કામ પડ્યું છે.' એટલે હું ને એમના મામા, બેઉ ત્યાં ગયાં. ત્યારે કહે, 'મુંબઈ જવાશે તમારાથી ?' મેં કહ્યું, 'હા, જઈશું.' ત્યારે કહે, 'ઘેર ખબર કહેવડાવો.' ત્યારે મેં કહ્યું, 'કહેવડાવીએ.' ત્યારે કહે, 'પણ જમીને, અહીં જમી લેવું પડશે.' ત્યારે મેં કહ્યું, 'અહીં જમીશું.' તે પટેલ થઈને પૈણેલા ક્યાં ? નાગરબ્રાહ્મણને ત્યાં. મોટાં માણસની, દિવાનની છોડી. તે જાતે કહે છે, 'તમારે....' મેં કહ્યું, 'કામ શું છે એ કહો.' ત્યારે કહે, 'હજારની નોટો કેન્સલ કરી છે. તે આપણી પાસે હજારની નોટો છે ને, તેનું ગમે તેમ કરીને ફૂંકી મારી છેવટે વેચી દેવાની, થોડા થોડા ઓછાં ભાવમાં, મેં કહ્યું, 'લઈ જઈશું.' તે અમે બેઉ જણે કેડે બાંધ્યા. બેએક લાખ હતાં ને તે બાંધ્યા. ને પછી એ કહે, 'ના, જમીને જવાનું.' તે જમવા બેઠાં. ત્યારે કહે, 'કંસાર તો આજ ખાવો પડે, શુકનનો.' તે બ્રાહ્મણીએ શુકન કરેલા. તે કંસાર આટલો આટલો મૂક્યો. ત્યાં સુધી અમને હરકત ના આવી. પછી ખાંડ મૂકી ગઈ. ત્યારે પેલા એનાં મામાએ કહ્યું કે 'પહેલું ઘી લાવ.' કહે છે. એ ઘી લાવી

. એક

ટીપું પાડ્યું. અલ્યા મૂઆ, કંસારમાં આ પલળવું ય ના જોઈએ ? પાણીમાં પલાળીએ ? પાણી ચોપડીને....!! એક ટીપું પાડ્યું. પછી એનાં મામા તો ફરી બોલ્યા જ નહિ. પછી મહીં લઈ ગઈ પાછી, ઘી. 'બીજું વધારે મેલું ?' કહે છે, ફરી જરા. એ પાછું ફરી ટીપું પાડી ગઈ. એટલે પછી એ મહીં ગઈને, ત્યારે મને કહે છે, 'આ મારો ભાણો આ બ્રાહ્મણીને કંઈ પૈણ્યો ?' આ પેલું આમ કરીને હલાવે, તે ૭૦ ડીગ્રી સુધી નમાવે. પાટીયું આમ ૭૦ ડીગ્રી સુધી નમાવે. એક ટીપું ય નથી પડવા દેતી. હવે કંસાર આખી રાત ખૂંચશે, કહે છે. જો પડી મેલીએ તો એને ખરાબ લાગે, હતો થોડો થોડો. આવું, પાણીમાં પલાળવાનું ? માટે બને ત્યાં સુધી આપણે નોબલ નાત જોડે નોબલમાં પૈણવું. સહુ સહુની નાતનો હિસાબ સંસ્કાર પ્રમાણે ચાલે.

પણ કળિયુગમાં બધું છિન્ન-ભિન્ન થઈ ગયેલું છે. પહેલાં તો વૈષ્ણવને ત્યાં વૈષ્ણવ જ જન્મ્યા કરે. અત્યારે એવું નથી. અત્યારે તો વૈષ્ણવને ત્યાં જૈન જન્મ્યો હોય, જૈનને ત્યાં વૈષ્ણવ જન્મ્યો હોય એવું બધું. આ છોડીઓ જેમ ભાગાભાગ કરે છે ને એવું.

પ્રશ્નકર્તા : આ જૈન અને બ્રાહ્મણનું જોડું એમ જ થયું ને !

દાદાશ્રી : હા. પહેલાં તો એ બ્રાહ્મણને નાત બહાર મૂકે, અત્યારે નાત બહાર ચાલે નહીં, કોઈનું પણ. કારણ કે નાત બહાર મૂકનારાની છોડી જતી રહેલી હોય ત્યાં ! એટલે મેરી ભી ચૂપ ને તેરી ભી ચૂપ ! એમ કરતું કરતું તૂટી ગયું બધું.

ઈન્ટરકાસ્ટ મેરેજ કરવામાં વાંધો નથી હવે. પહેલા કરવામાં જરા વાંધો હતો.

પરદેશમાં બહુ નાતની નહિ જરૂર;

ગુજરાતીમાં જ કરે તો ય શૂર!

પ્રશ્નકર્તા : આ દેશમાં અમેરિકામાં નાત-જાત જેવું કશું રહ્યું નથી. તો ત્યાં શું કરવાનું ?

દાદાશ્રી : અમેરિકામાં નાત-જાતની જરૂર જ શું છે આપણે ? હવે આ ઇન્ડિયન તો ખરાને આપણે અને ઇન્ડિયનમાં ભાષા તો આપણી ગુજરાતી હોય તો આપણે બધા એક જ છીએ ને. ભાષા સામસામી બોલતા હોય અને ભાષા ફીટ થતી હોય, તો નાત-જાતની જરૂર શું છે હવે. નાત-જાત તો બધું હવે અહીં એના ફાઉન્ડેશન કાઢી નાખવાના છે બધા. એ ઓલ્ડ બિલ્ડીંગ થઈ ગયા હવે બધાં. હવે નવી ડીઝાઈનનું બિલ્ડીંગ હોવું જોઈએ. એટલે એની મેળે જ એ ખોદાઈ જાય છે. નાતજાતની જરૂર નથી. એ જરૂર હતું ત્યાં સુધી ટક્યું. હવે એ ઓલ્ડ થઈ ગયું એટલે તરત મહીં ઊખડી જાય. આપણે તો છોકરાઓ ગુજરાતી જોડે પૈણે એટલું બનતા સુધી સમજણ પાડ-પાડ કરવી. ગુજરાતીમાં જે નાતના હોય, તો પણ ગુજરાતીમાં પૈણજે, કહીએ. બીજી નાતની આવે, ઓરિસ્સાની આવે તો આપણી એને બોલી ના આવડે અને એની આપણને ના આવડે અને જો અમેરિકાની પૈણતો હોય તો એના કરતાં ઓરિસ્સાની પૈણજે, કહીએ. અમેરિકન લાવતો હોય તેના કરતાં આપણી ઇન્ડિયન સારી, ગમે તેવું હશે તો, ઓરિસ્સાની હશે તો પણ અમેરિકન ના પેસી જાય એટલું જોજો.

પ્રશ્નકર્તા : આપણા હાથમાં ક્યાં છે ? આપણા હાથમાં નથી ને અમેરિકન પેસે કે નહીં એ ?

દાદાશ્રી : હાથમાં નથી તો ય એ કંઈ વહેતું મૂકાય કંઈ ? કહેવું તો પડે ને, એ ય... એ અમેરિકન છોકરી જોડે ફરશો નહીં તમે. આપણું કામ નહીં. એવું તેવું અમથા અમથા ડફળાય ડફળાય કરીએ તો એની મેળે અસર થાય, ઇફેક્્ટ થાય. નહીં તો એ જાણે કે આય ફરાય ને આય ફરાય. કહેવામાં શું વાંધો છે અને લત્તો ખરાબ આવે છે ને, લત્તો ખરાબ ઇન્ડિયામાં હોય છે, તો ત્યાં બોર્ડ મારે છે, 'બિવેર ઓફ થીવ્સ.' શા માટે એવું કહે છે ? કે જેને ચેતવું હોય તે ચેતે. કામ લાગે કે ના લાગે શબ્દ ? કેમ સમજણ ના પડી તને ?

પ્રશ્નકર્તા : પડી ને, ચોક્કસ.

દાદાશ્રી : આપણા આ ચાર વર્ણો છે ને, એ ય ખંડેર સ્થિતિમાં જ છે અત્યારે. એટલે ખરાબ લાગે છે લોકોને. 'કાઢી નાખો' કહ્યું, 'એનાં ફાઉન્ડેશન સાથે કાઢી નાખો, ફરી આરસીસીનું ફાઉન્ડેશન નાખી દો.'

પ્રશ્નકર્તા : એ કઈ રીતે નીકળશે એ ?

દાદાશ્રી : ફોરેનમાં એ તો નીકળી ગયું હવે. હવે રહ્યું જ નથી. એ તમારાં છોકરાઓને પૂછી જુઓ. 'ક્યાં પૈણવું છે તારે ?' મેં કહ્યું, 'અમેરિકન લેડીમાં ?' પછી થોડીવાર પછી 'ના, અમેરિકન નહિ ?' 'તો ક્યાં ?' ત્યારે કહે, 'ઇન્ડિયન.' ત્યારે મેં કહ્યું, 'પેલી પંજાબી આવે છે તે ?' 'ના, ના. પંજાબી નહિ. આપણી ગુજરાતી હોવી જોઈએ.' મેં કહ્યું, 'બ્રાહ્મણ-વાણીયા?' તો 'એ ગમે તે ચાલશે.' કહે છે. હા, એડજસ્ટેબલ હોય. બધું બ્રાહ્મણ હોય તો ય એડજસ્ટેબલ, વાણીયો હોય તો ય, પટેલ હોય તો ય એડજસ્ટેબલ. ઘાંચી હોય તો ય, વાણીયા-ઘાંચી હોય છે તે ય એડજસ્ટેબલ. એને સમજણ પાડું, એટલે ફરી હાથ ઘાલે નહિ.

ધોળી અમેરિકન લેડી ગમે નહીં તને ! ધોળી બગલાની પાંખ જેવી ! એ આપણી લેડીઓ તો ચાઈના સિલ્ક જેવી દેખાય.

પ્રશ્નકર્તા : દાદા, ક્યાંથી શીખી લાવ્યા ચાઈના સિલ્ક !

દાદાશ્રી : તે ચાઈના સિલ્ક જેવી જ દેખાય છે ને ! પણ સારી, પવિત્ર, બહુ પવિત્ર, સ્ત્રી જાતિ છે પણ પવિત્ર બહુ. કારણ કે ઇન્ડિયન સંસ્કાર બહુ ઊંચી જાતના ને ! આખી રાત ધણી જોડે લઢી હોય, પણ બહાર કોઈક ધણીની વાત કરે તો એને ખરાબ લાગે.

પ્રશ્નકર્તા : બારણું બંધ કરી દે ફટફટ.

દાદાશ્રી : હા. 'બારણું બંધ કરી દો, પછી લઢો' કહેશે. અને અહીં તો મેરીને જો લઢવાડ થયેલી કોઈ જાણે બીજો બહારવાળો, મેરી કહેશે, આ ધણી.... યેસ, યેસ આઈ વીલ ફાયર. ને આ ફાયર-બાયર ના કરે બિચારી.

ધોળાં કરતાં જરા શામળાની કિંમત છે, એક ફેરો ઘઉં લેવા જતા'તા. ત્યારે એક જણ કહે છે, 'મારે ત્યાં આ ઘઉં છે.' પેલો કહે છે, 'મારે ત્યાં આ.' હું નાનો હતો ત્યારે મેં કહ્યું, 'આ ઘઉં તો કાળા છે.' ત્યારે કહે છે, 'આ ભાલિયા છે, મીઠા બહુ હોય.' અલ્યા કાળા મીઠા હોય? ત્યારે કહે, 'હા, કાળાં જ મીઠાં હોય.' ત્યારે કયા લેવા આપણે ?

પ્રશ્નકર્તા : મીઠાશવાળા.

દાદાશ્રી : એવું છે આ બધું જગત. 'ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ.' તે લોકો માની બેઠા છે. ચીભડાં તો ગમે તે બધાં, આ પારસણો, બધી જ પેલી ધોળી દેખાય ને ? કે ગોરી દેખાય ?

પ્રશ્નકર્તા : ધોળી દેખાય.

દાદાશ્રી : હા, ગોરી ના હોય, ધોળી હોય. ગોરી તો હિન્દુસ્તાનની સ્ત્રીઓ હોય. તે એને ગોરી કહે, ગૌર રંગ, ધોળો નહીં. ધોળો તો આ બધાં, બધાં ય ચીભડાં હોય ને બધાં ?

હવે મોક્ષે જવું છે ને ? હવે ખોળવું નથી ને કશું ? અહીં તમારે જો આવવું હોય તો અહીં ફસાવાની જગ્યા છે અહીં, તમારે ફસાવું હોય તો ફસાજો. અહીં તો બધાં ટોળટપ્પાં કર્યા કરે છે. તમને ગમે છે આવું બધું ? જુવોને, અહીં તો આવી બધી વાતો કરીએ છીએ. આ પારસણો- બારસણો, વાતો કોઈ કરતું હશે ધર્મમાં ?!

કુળ અને જાત બન્ને જોવા સિલેકશનમાં;

સંસ્કારી બાળકો જન્મે કોમ્બીનેશનમાં!

જાતિ-કુળનું મિક્ષ્ચર થાય ત્યારે સંસ્કાર આવે. એકલી જાતિ હોય, અને કુળ ના હોય તો ય સંસ્કાર ના હોય. એકલું કુળ હોય, જાતિ ના હોય તો ય સંસ્કાર ના હોય. જાતિ અને કુળ બેનું મિક્ષ્ચર, એકઝેક્ટનેસ હોય ત્યારે સંસ્કારી માણસો જન્મે.

પ્રશ્નકર્તા : જાતિ એટલે આ વર્ણ ને ?

દાદાશ્રી : ના, એવું નહિ. હું સમજાવું. એકલું કુળવાન, કુળવાન કહીએ પણ જાત ના જોઈએ તો માર પડી જાય.

હવે ફાધર પક્ષને કુળ કહ્યું અને મા પક્ષને જાતિ કહી. આ બેઉ પક્ષો સારા ભેગાં થયા હોય તો વાત પૂછવી, બીજી વાતમાં મઝા નહિ. જાતિ ના હોય તો કુળ રખડી મરે. જાતિ ના હોય ત્યારે એ ચોર હોય, ગીલેટિયા હોય, બદમાશ હોય. પત્તાં રમે બીજું રમે, દારૂ ઠોકે.

કુળવાળો તો નોબલ હોય. અને જાતિ તો, આપણે જ્યારે બજારમાં ઘોડી જોવા જઈએ ને, ઘોડી લોકો લેવા જાય છે વેચાતી. ત્યારે હું નાનો હતો, તે પૂછું. મેં કહ્યું, શું તમે જુઓ છો આ ઘોડીમાં ? ત્યારે કહે છે, જાતવાન છે કે નહિ તે. અલ્યા મૂઆ જાતવાન ! અને ઘોડાને ય જાતવાનનો છોકરો છે કે નહિ તે જુએ. ઘોડી જાતવાન કહેવાય. ઘોડો જાતવાન ના હોય. તે જાતવાન ઘોડી હોય ને, એટલે લોક પાસ કરીને લઈ જાય.

એવું આ કુળ ને જાતિ, બે સાથે મિક્ષ્ચર થાય ત્યારે. એકલું કુળ લાવીને શું કરવાનું ? કોયલા નીકળે. એકલી જાતિ જોઈને લાવો તો ય ભલીવાર ના આવે. ચીકણા હોય મૂઆ !

પ્રશ્નકર્તા : એટલે આપણામાં માનું મોસાળ જોતા'તા ને ?

દાદાશ્રી : એટલે એ જાતની ય જાત જોતા'તાં આપણે, એ પણ એટલું બધું જોવાની જરૂર નહિ. આ જાત કેવી છે આ બઈની જાત, બઈ જે કુળમાં જન્મી છે એની જાત કેવી છે, એટલે એની જાત પરથી તરત ખબર પડી જાય અને બાપ કુળમાં જન્મે છે, એનું કુળ કેવું છે એ જોઈ લઈએ. કુળના ગુણો છે જુદા અને જાતનાં ગુણો જુદા છે. બે ભેગાં થાય ત્યારે સંસ્કારી પુરુષ ત્યાં જન્મે. એમ ને એમ તો હોય જ નહિ ને આપણું ? એમ ને એમ તો આ બાજરીનાં ડૂંડા આવડાં મોટાં આવતાં હશે ?! કાં તો કો'ક જાતનું ખાતર નાખ્યું હોય તેથી આવે એ જુદી વસ્તુ છે, ખાતરની વસ્તુ જુદી છે. અને એમ ને એમ જમીનમાં એની મેળે આવે, ઊગે કારણ કે બાજરીનો દાણો એને જો આપણે બાપનો પક્ષ ગણીએ તો ધરતીને મા પક્ષ ગણીએ, તો એ સૂઝ પડે આપણને. બાપ સારો હોય અને ધરતી રાશી હોય તો શું કરો ? ધરતી સારી હોય ને બાપ એવો હોય તો. એટલે મા પક્ષને જાતિ કહી ? સમજવું જોઈએ ને ? કુળવાન ! ચોરી કરશે. ગજવાં કાપી જશે મૂઆ. બીજું જોજે. ના જોવું પડે બધું ? શું કહો છો ?

પ્રશ્નકર્તા : જોવું પડે બન્ને.

દાદાશ્રી : પણ છેવટે વ્યવસ્થિતનો હિસાબે !ં પાછું પેલાં ટીપ્પણું કાઢનારાને તેમની છોડી રાંડે, ત્યારે આ ય દુનિયા ચાલે જ છેને ! આપણી છોડી ના રાંડે એટલા હારું એની પાસે ટીખણું કઢાવીએ ! ત્યારે મને લોક કહે છે, 'છોડી દેવું ?' મેં કહ્યું, 'ભઈ, છોડી ના દેશો. આ નિમિત્ત છે.'

પ્રશ્નકર્તા : આપણે કહીએ છીએ ને કે વૈદનાં મરે નહિ ને જોષીનાં રાંડે નહિ.

દાદાશ્રી : હા, પણ તે શબ્દ વાપરવા જેવો નથી એ. કારણ કે નિમિત્ત છૂટી જાય. નિમિત્ત જોેઈએ. નિમિત્તની જરૂર બધું. ડૉકટર કંઈ મરી ના જાય ? જુઓને, પેશન્ટો મહીં બધા કહેતા'તા મને, કહે છે, અમે અહીં આગળ ડૉકટરનાં પેશન્ટ છીએ ને ડૉકટર જતા રહ્યા, કહ્યાં કર્યા વગર. તેમાં કહેવાય ના ઊભાં રહ્યા. એમનાથી ય ઘરડો હતો મહીં એક પેશન્ટ તે કહે, હું તો એમનાંથી ઘરડો હતો, પણ મને મૂકીને જતાં રહ્યાં, કહે છે ! અલ્યા મૂઆ, એમનાં ફાધરને મૂકીને જતા રહ્યા તેમાં તારો હિસાબ શો તે ? કહ્યું. ના, આ તો આવું. એ ડૉકટર પણ નિમિત્ત તો ખરાં જ ને ! નિમિત્ત માત્ર !! તમે જેનાં નિમિત્ત હોય તે નિમિત્તમાં હું નિમિત્ત ના બનાવું તો મારી ભૂલ છે. હું જેમાં નિમિત્ત હોઉં તે તમે ગાંઠો નહિ, તો તમારી ભૂલ છે, નહિ ?

પ્રશ્નકર્તા : બરોબર છે.

દાદાશ્રી : એટલે મા જાતવાન હોવી જોઈએ. બાપ કુળવાન હોવો જોઈએ. એ પ્રજા બહુ ઊંચી હોય. જાતિમાં ગુણ ના હોય અવળા અને બાપના કુળવાન પ્રજાના ગુણ હોય. કુળના ઠઠારા સહિત, કો'કને માટે ઘસાય. લોકોના માટે ઘસાય. બહુ ઊંચા કુળવાન કોણ, બન્ને બાજુ ઘસાય. આવતાં ય વેરે ને જતાં ય વેરે અને નહીં તો જગતના લોકો કુળવાન કેવા કહેવાય ? એક બાજુ વેરાય પોતે. લેતી વખતે પૂરું લે પણ આપતી વખતે જરા સારું આપે, તોલો ય વધારે આપે. પેલા ય ચાલીસ તોલા દે, પણ પોતે એક્તાલીસ તોલા આપે. જ્યારે ડબલ કુળવાન કોણ કહેવાય ? પોતે ઓગણચાલીસ તોલા લે. એક તોલો ત્યાં ઓછો લે અને અહીં એક તોલો વધારે આપે એ ડબલ કુળવાન કહેવાય. બેઉ બાજુ ઘસાય એટલે ત્યાં ઓછું શા માટે લે ? પેલો એની જાતનો દુઃખી છે, જવા દો ને ! એનું દુઃખ કાઢવા માટે ! અહીંયા ય લાગણી ને ત્યાં ય લાગણી. એવા માણસને જોઉં ત્યારે શું કહેતો હતો, આ દ્વાપરીયા આવ્યા.

મેં કહ્યું, આ છોકરા દ્વાપરીયા છે. દ્વાપરમાં આવું હતું. અત્યારે આ કળિયુગમાં ક્યાંથી હોય, કળિયુગમાં તો બેઉ બાજુ, કો'ક તો લેતા ય દંડો મારે આપણને અને આપતાં ય દંડો મારે.

હવે ઊંચું કુળ હોય અને અહંકાર કરે કુળનો, તો નીચા કુળમાં જન્મ થાય, બીજી વાર એને નીચું કુળ હોય અને નમ્રતા કેળવે તો ઊંચામાં આવે. બસ આપણી ને આપણી જ આ કેળવણી છે, ખેતીવાડી આપણી ને આપણી જ. પેલા ગુણો કંઈ આપણે પ્રાપ્ત કરવા નહીં પડતા, સહજ પ્રાપ્ત થાય છે, ત્યાં ઊંચા કુળમાં જન્મે એટલે આપણને જન્મથી જ આ બધા સંસ્કાર મળે !

પ્રશ્નકર્તા : એટલે આ કુળ જે છે તે ઊંચું મળ્યું કે નીચું મળ્યું, એનો કંઈ હર્ષ કે ખેદ ના રાખવો જોઈએ ને !

દાદાશ્રી : હા, એ બરાબર છે. હર્ષ ના હોવો એટલે અહંકાર નહીં. એનો કેફ નહીં રાખવો જોઈએ. નીચું મળ્યું હોય તો ઇન્ફિરીયારીટી કોમ્પ્લેક્સ (લઘુતાગ્રંથિ) નહીં રાખવી, પ્લસ-માઈનસ કર્યાં કરવું.

લોકમાન્ય હોય એ ઊંચું કુળ, બીજું શું ! એમાં કુળમાં બીજો કોઈ ફેર નથી. મોટા શેઠનો છોકરો હોય, અને શેઠના પિતરાઈ હોય, ગરીબ હોય, એનો છોકરો હોય પણ શેઠનું કુળ વધારે. એ તો શેઠનું કુળ ઊંચું ગણાય. અને પેલો છે તે પૈસા-બૈસા ઓછું અને બીજું બધું ઓછું, એટલે એવું હલકું દેખાય. પણ જ્યારે ગુણમાં પેલા શેઠનો છોકરો વાંકો પાકે, એટલે પેલું હલકું દેખાય અને પેલું પાછું ઊંચું દેખાય. અને કુળ એકલું ચાલે નહીં, કુળવાનના છોકરા ચોરીઓ કરે છે. દારૂ પીવે છે. માંસાહાર કરે છે, બધું જ કરે છે. તે તેથી અમારા ઘૈડિયાઓ શોધખોળ કરેલી કે કુળ એકલું જોશો નહીં, જાતિ હઉ જોજો.

આ બધી વ્યવહારમાં કામની વાતો. આ કંઈ જ્ઞાનની વાતો નથી. પણ વ્યવહારમાં, વ્યવહાર જોઈએ ને !

પ્રશ્નકર્તા : પણ દાદા આપે કીધું બરાબર છે, વ્યવહારમાં જ્ઞાનની વાતો પણ જ્ઞાનની અગાસી સુધી પહોંચતા વ્યવહારમાં છીએ, તો વ્યવહારની અંદર આ વાતો ય કામમાં લાગે ને !

દાદાશ્રી : હા, કામમાં આવે ને ! વ્યવહારથી ય સારું ચાલે. એ 'જ્ઞાની પુરૂષની' પાસે, 'જ્ઞાની પુરુષ'માં વિશેષતા હોય, બોધકળા અને જ્ઞાનકળા બન્ને કળા હોય. આ બોધકળા એ સૂઝથી ઉત્પન્ન થયેલી છે. અને જ્ઞાનકળા જ્ઞાનથી ઉત્પન્ન થઈ એટલે ત્યાં આપણો નિવેડો આવે. કોઈ દહાડો આવી વાતચીત કરી હોય. તો વાંધો શું એમાં ? આપણને શું નુકસાન જવાનું છે ? 'દાદા' ય બેઠાં હોય છે, એમની ફી હોતી નથી. ફી હોય તો વાંધો આવે !

કબીરને મળી તેવી મળે તો પૈણાય;

નહિ તો કુંવારા રહી, આત્મા સધાય!

અને આ બધા બ્રહ્મચારીઓ ફાવી ગયા કે અમારે તો સારું થયું, આ બ્રહ્મચર્ય લેવાનું નક્કી કર્યું તે. એક પરણેલા જોડાના આચાર-વિચાર અહીં આગળ જોયાં, અહીંયા ધીમે ધીમે જોયા. તે આ બધા બ્રહ્મચારીઓ એ નક્કી કર્યું કે આ તો આપણે આ બધું નક્કી કર્યું છે તે જ સારું છે ! જુઓને આ સુખ તો ઊઘાડું દેખાય છે ને !

તેથી કબીર સાહેબે કહ્યું ને કે આવી મળે તો પૈણજે.

પ્રશ્નકર્તા : કેવી મળે તો ?

દાદાશ્રી : કબીર સાહેબને સ્ત્રી હતી, તમને ટાઈમ હોય તો વાત કરું કબીર સાહેબની, એ બધી વાતો કહેવાય !

પ્રશ્નકર્તા : હાજી કરોને.

દાદાશ્રી : એટલે કબીર સાહેબ પોતે ધોળે દિવસે બપોરે કાપડ વણતા હતા. વણકરનો ધંધોને, તે પણ ઝૂંપડીની બહાર. ઝૂંપડી તો નાની એમાં શી રીતે કાપડની શાળ કરાય ? લાંબી જોઈએ, એટલે ઝૂંપડીની બહાર તડકામાં એક ઝાડ હતું તે થોડીવાર ઠંડક આવે, પણ આખો દહાડો તડકામાં આમ ઠકાઠક, ઠકાઠક કર્યા કરે.

એક એમનો શિષ્ય હતો તે પૂછવા આવ્યો, વીસ વર્ષનો થયો ત્યારે કહે, સાહેબ મારા વિવાહ કરવાનું પૂછવા આવ્યા છે માણસો, તે મારે પૈણવું કે ના પૈણવું ? એ મને કંઈક કહો. એ સાહેબ એને ગાંઠ્યા નહી. સાહેબ તો વાતો સાંભળીને એમની શાળ ઠકાઠક ઠકાઠક કરે, અને બીજી જ વાતો કર કર કરે. પેલો પૂછે છે એને ઉડાડી કરીને પછી બીજી જ વાતો કરે. એમ કરતાં કરતાં ચોવીસ વર્ષનો થયો ત્યાં સુધી છે તે આમણે જવાબ ના આપ્યો. એટલે ચોવીસ વર્ષનો થયો ત્યારે લોક શું કહે છે, હવે તું મોટો થયો તે રહી જઈશ પછી. માટે પૈણી નાખ ઝટપટ. એટલે એ કંટાળી ગયો કે હવે જો નહીં પૈણીશ તો રખડી મરીશ.

એટલે ત્યાં સાહેબને શું કહે છે કે સાહેબ મને કાં તો ના કહી દો ને કાં તો હા કહી દો, બેમાંથી એક કહી દો. હવે સાહેબ, લાંબું મારાથી નહીં નભે. એટલે સાહેબ સમજી ગયા કે અકળાઈ ઉઠ્યો છે આ છોકરો.

કબીર સાહેબ એમની ઝૂંપડીની બહાર બેઠાં'તાં. ઝંૂપડીની બહાર શાળો ગોઠવેલી હતી. શાળના માટે આમ ખાડો કરવો પડે. તે ખાડામાં પગ હોય અને પગ પછી આમ થચાટ, થચાટ, થચાટ, થચાટ ઉપર શેડ-બેડ કશું ય નહીં. ઝૂંપડી ય નહીં. ઝંૂપડી તો અહીં પાછળ રહી. તે પેલાં છે તે ત્યાં શાળોનું કાપડ વણે. ત્યાં આગળ પેલો શિષ્ય આવીને બેઠો. કહે છે, આજ તો ચોખ્ખું કહી દો. મારે તો પૂછવા આવનારા જતાં રહે છે. પછી હવે છેલ્લી વાર પૂછવા આવું છું. ઘરવાળા બધાએ કહેલું કે હવે છેલ્લી વાર પૂછજે. હવે પૂછવા નહીં આવું. એટલે તમે જે તે કહો, કાં તો ના કહો તો ના પૈણું અને તમે કહો તો પૈણું, નહીં તો નહીં પૈણું. તે કબીર સાહેબ તો આ પેલો બોલ બોલ કરે પણ કંઈ બોલતા નથી. પછી પેલાએ બીજી વખત પૂછયું. થોડીવાર થઈને રાહ જોઈને કહે, 'સાહેબ, મારું કંઈક બોલોને, આ તમે તમારું વણવણ કર્યા કરો છો, પણ મારું કશું બોલતા નથી.' તો ય કબીર સાહેબે પાછું સાંભળ્યું અને થોડીવાર પછી થચાટ થચાટ કરવા માંડ્યા. એમને પેલો શિષ્ય અકળાયો નહીં, પણ શિષ્યના મનમાં એમ થયું કે આવું કેમ કરે છે તેઓ ? એટલે ત્રીજી વખત ઊઘરાણી કરીને, તો ય કશું બોલ્યા નહીં. પછી એટલું બોલ્યા, 'અરે બીબીસા'બ', ત્યારે મહીંથી બીબી બોલી, 'હા, સા'બ !' 'અરે

, દીવો લાવો જોઈએ.' હવે સવારના સાડા દસ થયેલા, અજવાળું ફર્સ્ટક્લાસ. બીબીસાહેબને કહે છે, આ દીવો લાવો. તે બીબીસાહેબ તો અંદરથી દીવો સળગાવવા ગયાં. ખડિયો જ સ્તો. તે એક ખડિયો નહીં, બે ખડીયા લઈને આવ્યા.

પછી કબીર સાહેબ જ્યાં આગળ એ કામ કરતા હતા, ત્યાં પાછળ બીબીસાહેબ આવીને ઊભાં રહ્યાં, બે ખડિયા આમ ઝાલીને ઊભા રહ્યા. હવે સાડા દસનું અજવાળું ને એની મહીં બે ખડિયા બળ્યા કરે. પેલો શિષ્ય તો અજાયબ થઈ ગયો કે આ શું છે તે ! મારું બોલતા નથી ને એમનું કર કર કર્યા કરે છે. હવે બીબીએ બોલતાં નહોતાં કે હું આવી ને, આ ખડિયો લઈને આવી. તમે બોલતા કેમ નથી ? જાણે દીવી હોય ને એમ ઊભા રહ્યા. દીવી તમે જોયેલી ? હા. એની પર દીવો હોય પણ દીવાને કશું હલાવે નહીં, પાડી ના નાખે. કશું ય ના કરે. એમ દીવીની પેઠ પાછળ ઊભા રહ્યાં. બોલતાં ય નથી કે આ તમે દીવો મંગાવ્યો તે આવ્યો, બહેરા છો કે નહીં ? એવું કશું બોલતાં નથી.

પછી કબીર સાહેબ પાછળ જોઈને કહે, 'ઓહોહો ! તમે આવ્યા છો ? ત્યારે પેલાં કહે, 'હમણે આવી છું.' ત્યારે કહે, 'હવે જરૂર નથી. લઈ જાઓ.' એટલે પેલાં પાછા ગયા. ત્યાર પછી પાછું હતું તે થચાટ, થચાટ કરવા માંડ્યા.

પેલાને કશું ખબર ના પડી. પેલો તો જાણે કે એમની બીબીની જ વાત કર્યા કરે છે. મારી વાત નથી કરતા. એટલે પછી પેલો શિષ્ય કહે છે, 'સાહેબ મારું કશું કહો ને, તમને જે ફાવે એ, એમાં વાંધો નહીં ! ના કહો તો હું ના નક્કી કરી નાખું.' ત્યારે કબીર સાહેબ કહે, 'મેં કહ્યુંને તને !' ત્યારે પેલો કહે, 'કશું બોલ્યા નથી તમે, ચોક્કસ કહું છું હું.' ત્યારે કબીર સાહેબ કહે 'આ જે છે ને, એવી મળે તો પૈણજે. નહીં તો પૈણીશ નહીં.' તે પેલાને સમજણ શું પડે, આમાં કેવી આ બીબી ? એ જાણે કે 'આ જાડી છે', એટલે એમ કહે છે કે 'આ જાડી છે એવી તું પૈણજે (?) પાતળી ના લાવીશ.' એટલે પછી કબીર સાહેબ હાક પાડી કે 'જાડી-પાતળી ના જોઈશ, કાળી-ગોરી ના જોઈશ, આવી હોય તો પૈણજે.' આવી એટલે જો મેં ધોળે દહાડે કહ્યું, દીવો લાવ, તો બીજી બૈરી હોય ને તો કહેશે, તમારી આંખો ફૂટેલી છે તે અહીં દીવો મંગાવો છો. આંધળા મૂઆ છો ? બહાર આટલા અજવાળામાં શું જોઈને દીવા મંગાવો છો ? શરમ નથી આવતી ? એવું મહીંથી ગાળો જ દે દે કર્યા કરે. પણ આ તો જુઓ, અક્ષરે ય બોલ્યાં નથી, ને એક દીવો મંગાવ્યો તે બે દીવા લઈને આવ્યા ને તે પાછા આમ આવીને વિનયપૂર્વક ઊભાં રહ્યાં. પાછળથી અક્ષરે ય દુઃખ ના દીધું. 'આવી મળે તો પૈણજે.

' ત્યારે કહે, 'સાહેબ, આવી તો મળે જ નહીં.' ત્યારે કબીર સાહેબ કહે, 'પૈણ્યા વગર રહેને મૂઆ. કુંવારો પડી રહે ને છાનોમાનો. હજુ શી આબરૂ બગાડવી, તેનાં કરતાં પડી રહે ને.' શું કબીર સાહેબ ખોટું કંઈ કહે છે આમાં ? અને કોઈક પુણ્યશાળી હોય તો મળી જાય મહીં !!

આવું સાંભળે એટલે પોતે નક્કી કરે ને ! અનુભવ એટલે શું ? વાત તો સાંભળવી જોઈએ ને ? પૈણી ગયા માટે પૈણવાની વાત ના સાંભળવી એવું ક્યાં લૉ છે ? જો કબીર સાહેબે સારું કહ્યું છે ને ? કેવી મળી હતી, કબીર સાહેબને ?!

પતિને પરમેશ્વર માનીને તે આજ્ઞા પાળે છે, એ સ્ત્રીનો મોક્ષ થાય કે ના થાય ? ત્યારે કહે છે, પંદર અવતારમાં તો જરૂર થાય.

પ્રશ્નકર્તા : પતિ પણ પરમેશ્વર જેવો હોવો જોઈએ ને ?

દાદાશ્રી : હા, પતિ એ ઢીકો મારતો હોય, તો શી રીતે પરમેશ્વર માને ? પરમેશ્વર ઢીકો મારતા હશે ? કે કબીરો મારતો હશે બીબીને ? મારે તો આવી દશા હોય ? આ તો થપ્પડ મારી દે. પહેલું રામ થવું પડે. તો એ સીતા થાય. આપણા લોકો તો એમ ને એમ, 'તું સીતા થઈ જા, સીતા થઈ જા', કહેશે. તમારે ય જો મેળ પડે તો, 'આના જેવી મળે તો પૈણી જવું, નહીં તો નહીં. બીજાની જોડે પૈણવું જ નહીં.' એવું નક્કી કરી નાખવાનું !

આ તો રસ્તે ચઢેલા, એ રોડ ઉપર ચઢેલા, પછી પાછા આવવાનું તો બહુ થાક લાગે ને બળ્યું ! અને પેલો તો રોડ ઉપર ચઢ્યો જ નહીંને ત્યાં આગળ. આ તો એ રોડ ઉપર ચઢેલા અને એ ય આના જેવી મળે તો પૈણવું, નહીં તો પૈણવા જેવું નથી.

મને ય હીરાબા મળ્યાં છે, છોત્તેર વર્ષનાં છે, તે મને ય એવા મળ્યા છે. નથી મને કોઈ દહાડો હેરાન કર્યો, અમારે તો ચાલીસ વર્ષથી તો મતભેદ જ નહીં પડ્યો. મતભેદ પડે ત્યારે ભાંજગડ ને !

કબીર સાહેબને કેવી મળી ને લોકોને કેવી મળી ? જો જુદી જુદી જાતની મળે છે ને ! કબીર સાહેબે ધોળે દહાડે દીવા મંગાવ્યા, તે દીવા બહાર લઈને આવ્યા. એક મંગાવ્યા તો બે લઈને આવ્યા. આવી મળતી હોય તો પૈણવામાં વાંધો નથી કોઈને.

પ્રશ્નકર્તા : દહાડે તો શું પણ રાતે દીવો મંગાવીએ, તો ય કહે કે ભાળતાં નથી ? બેતાળાં આવ્યાં ? એવું કહે.

દાદાશ્રી : તેથી કબીર સાહેબે કહ્યું'તું, આવી મળે તો પૈણજે, નહીં તો પૈણીશ નહીં. પૈણવા જેવું નથી જગત.

પ્રશ્નકર્તા : હવે આ તો ગોળ હતો કે ચાખીને લઈ લઈએ ? આ તો કઈ ચખાય એવું છે ?

દાદાશ્રી : ના. એ તો બધાના હિસાબ ચૂકવાય છે. જેને જેવો જોઈએ ને, તે હિસાબ છે આ. આ હિસાબમાં ફરી પાછી ડખલ ના થાય ત્યાંથી જ ચોખ્ખું થઈ જાય. સમભાવે નિકાલ કરી નાખે, થઈ ગયું ચોખ્ખું.

દેખતાં જ મહીંથી થાય આકર્ષણ;

પસંદગીનું વૈજ્ઞાનિક આ ધોરણ!

પ્રશ્નકર્તા : યુવાન-યુવતીઓએ લગ્નજીવનમાં પ્રવેશતાં પહેલાં સ્ત્રી અગર પુરુષની પસંદગી કેવી રીતે કરવી ? અને શું કરવું ? શું જોવું ? ગુણો કેવી રીતે જોવા ? એની ચર્ચા કરો.

દાદાશ્રી : અહીં અમેરિકાથી ઇન્ડિયા બધા આવે છે, તે પેપરમાં પહેલું છપાવડાવે છે કે ગ્રીનકાર્ડવાળા આવ્યા છે. એની જાહેરાત આપે કે કયો માલ વેચવાનો છે તે. ગ્રીનકાર્ડવાળો માલ વેચવાનો છે. એટલે પેલી યુવતી જાણે કે આ માલ સારો આવ્યો છે, ત્યાં જઈને આપણે મઝા કરીશું. તે છોડીના બાપ દેખાડવા આવે વારાફરતી, પોટલાં ઊંચકી ઊંચકીને, પેલો છોકરો તો ના ને ના પાડે છે. અઠ્યાવીસ દહાડા માટે આવેલા હોય. તે પછી એક જણના ફાધર તો કંટાળી ગયા હતા. તે મને કહે છે કે, હું આવ્યો ત્યારથી બધે જો જો કરે છે લોકોનું, અને મને લોકોમાં ખોટો દેખાડે છે. કેવી રૂપાળી રૂપાળી છોકરીઓ દેખાડી છે. તો ય ના કહે છે. તો આને શું જોઈતું હશે ?! મેં કહ્યું, 'છોકરાને ખાનગીમાં કહો ને કે તારી મા આવી રીતે ન્હોતો લાવ્યો.' પછી મેં એમને આશ્વાસન આપ્યું. હવે આ છોકરાઓને એ બિચારાનાં હાથમાં સત્તા નથી. એ ય બિચારા પરસત્તાથી બોલે છે.

પછી એક દહાડો છોકરો જ સામેથી કહે છે, મારે આઠ દહાડા રહ્યા. પપ્પા, હવે જો તમારે દેખાડવી હોય તો દેખાડી દો હવે નહીં તો પછી હું જતો રહીશ. ત્યારે એના ફાધર કહે છે, 'ભઈ તું ના પાડે છે એટલે હું શું દેખાડું, હવે ?' પેલો છોકરો કહે છે, 'તો ય એકાદ-બે દેખાડો.' એટલે પપ્પાએ કો'કને હા પાડી. ત્યારે પેલો શું કહે છે ? હું કો'કને ઘેર નહીં દેખાડું. ખરાબ દેખાય. હું તો આણંદના સ્ટેશન પર દેખાડીશ. ત્યાં આ છોકરાને તેડી લાવજો.

ત્યારે આમને ગરજ એટલે સ્ટેશન પર આવ્યા. કો'કને ઘેર જાય પણ નાપાસ કરે એટલે લોકોમાં ફજેત થાય ને. સારી છોકરીને પેલો નાપાસ કરે ! એની માને નથી જોતો, બ્લેકીશ છે તો ય ! તે પછી એ સ્ટેશન પર દેખાડી. તે છોકરો કહે છે, 'બસ કરી નાખો. આ જ મારે પસંદ છે. અહીં કરી જ નાખોને, હવે !' 'અલ્યા મૂઆ આ તો સ્ટેશન છે. પ્લેટફોર્મ ઉપર અહીં થતું હશે ?' ત્યારે એ કહે, 'ના. આ જ, અહીં જ જલ્દી મૂકી દો.' ત્યારે પેલાં કહે છે, 'ના થાય, એ તો મુહૂર્ત કાઢવું પડે અને આવું તે સ્ટેશન ઉપર ના થાય.' તે પાછું એને સમજાવી કરીને બે દહાડા પછી ગોઠવી દીધું અને બહાર હોલ હતો ત્યાં લગ્ન કરી નાખ્યું. હવે આ તો ત્યાં ને ત્યાં સ્ટેશન ઉપર લગ્ન કરી નાખવાનું કહે, એ શી રીતે થાય ? એ થતું હશે ? પણ આવા ભાન વગરનાં બોલે !!

એટલે આ બધું શું છે ? તે બહુ જોવાની જરૂર નથી. યુવક-યુવતીઓ જોવા જઈએ અને આકર્ષણ ના થાય તો બંધ રાખવુ.ં બીજી ડીઝાઈન જોવાની જરૂર નથી. આકર્ષણ થાય છે કે નહીં એટલું જ જોવાનું.

પ્રશ્નકર્તા : કઈ જાતનું આકર્ષણ ?

દાદાશ્રી : આ આંખનું આકર્ષણ થાય મહીં એટ્રેક્શન થાય. તમે કોઈ વસ્તુ એવી લેવાના હોય બજારમાં, તો એ વસ્તુનું એટ્રેક્શન થાય નહીં તો તમે લઈ શકો જ નહીં. એટલે એનો હિસાબ હોય તો જ એટ્રેક્શન થાય. કુદરતના હિસાબ વગર કોઈ પૈણી શકતો નથી. એટલે એટ્રેક્શન થવું જોઈએ.

છોકરાંઓને સમજ પાડો કે લગ્ન કરવાની રીત શું હોય ? તારે જઈને છોડીને જોવી ને આંખથી આકર્ષણ થાય એ આપણું લગ્ન નક્કી જ છે અને આકર્ષણ ના થાય તો આપણે બંધ રાખવું. કારણ કે આપણું ને એનું લગ્ન થવાનું હોય તો એટ્રેક્શન થાય. એ કાળી હોય તો ય એટ્રેક્શન થાય.

છોકરીને ફેરવીને જુએ છોકરાં;

ઘોર અપમાન, સ્ત્રીને માને ફોતરાં!

પૈણવા જાય છે, તે પેલીને શું કહે છે ? આમ ફરો જોઈએ ! એ શું જોતો હશે ફેરવીને !?

પ્રશ્નકર્તા : એ બધા સપ્રમાણ છે, કેમ છે એ બધું જુએ. સૌંદર્ય જુએ એનું નીરખે પાછું.

દાદાશ્રી : સૌંદર્ય તો મોઢા ઉપર દેખાય, પણ બધું સપ્રમાણ છે કે નહીં ? પૂંઠ કેટલી જાડી છે ? એ બધું જુએ મૂઓ ફેરવીને. આ તો મશ્કરી જ છે ને, સ્ત્રીઓની મશ્કરી જ કહેવાય ને ?

પ્રશ્નકર્તા : મશ્કરી કહેવાય.

દાદાશ્રી : કેવડી મોટી મશ્કરી ! આ મશ્કરી કરવાનો જમાનો છે, તે સ્ત્રીઓની મશ્કરી થઈ રહી છે. આમ ફરો, તેમ ફરો.

અત્યારે તો છોકરાઓ છોકરીની પસંદગી કરતા પહેલાં બહુ ચૂંથે છે. 'બહુ ઊંચી છે, બહુ નીચી છે, બહુ જાડી છે, બહુ પાતળી છે, જરા કાળી છે.' મેર ચક્કર, એક છોકરો આવું બોલતો હતો, તેને મેં તો ખખડાવ્યો. મેં કહ્યું 'તારી મધર હઉ વહુ થતી હતી. તું કઈ જાતનો માણસ છે તે ?' સ્ત્રીઓનું આટલું બધું ઘોર અપમાન !

જો લોકો કહે કે તમને છૂટ છે જાવ, આ છોકરાને જે કહેવું હોય તે કહો, એ છોકરો કહે કે મને કહેવું હોય તે કહો, તો હું કહું કે મૂઆ ભેંસ છે તે આવું જોઉં છું ?! ભેંસને ચોગરદમથી જોવાની હોય.

મૂઆ, શરમ નથી આવતી ? નંગોડો ! સ્ત્રીઓનું અપમાન કરે છે આ છોકરાઓ ! કેવી છોકરીઓ બિચારી !! પણ આમ ફરો, તેમ ફરો, કહેશે ! કઈ જાતના નંગોડો છો મૂઆ ?! પણ હવે અમારાથી કશું બોલાય નહીં ને ! અમે કંઈ રાજા છીએ, આ દુનિયાનાં માલિક છીએ ? માલિકી વગરનાં માલિક !! અને આજકાલ તો છોકરીઓ હઉ કહેતી થઈ ગઈ છે કે 'જરા આમ ફરો તો ? તમે જરા કેવા દેખાવ છો ?' જુઓ, આપણે આમ જોવાની 'સિસ્ટમ' કાઢી તો આ વેશ થયોને આપણો ? એના કરતાં 'સિસ્ટમ' જ ના પાડીએ તો શું ખોટું ? આ આપણે લફરું ઘાલ્યું તો આપણને એ લફરું વળગ્યું !

અને બાપાને પૂછને, કે તમે માને આવી રીતે તેડી લાવ્યા હતા ?! પણ આવું બોલાય નહીંને, અવિનયવાળું. એને કેવું દુઃખ થાય.

આ તો ફાધરને કહેશે, મને દેખાડો કહેશે. અને જુએ તો કહેશે, આમ ફરો, તેમ ફરો. મૂઆ કંઈ ગાય-ભેંસ છે કે તું ફેરવ ફેરવ કરે છે ! જાડાઈ-પાતળાઈ જોઈ. અલ્યા, તું પાતળું લઈશ ને પછી જાડું થઈ જશે તો ?! વગર કામના ફેરવ ફેરવ કરે છે ! તે હું એને સમજણ પાડું છું કે ઘૈડી થશે ત્યારે કેવી દેખાશે એ તને કલ્પનામાં આવે છે ? તે વખતે કેવી દેખાવાની છે ? પછી ચીતરી ચઢશે. એના કરતાં જે હોય એ ભલે, કહીએ.

આ તો જેમ જેમ એના અંગ-બંગ ફેરફાર થતા જાયને તેમ એને કંટાળો આવે પણ કહેવાય નહીં ને સહેવાય નહીં. અને સ્ત્રી તરીકે છે ને, ઘૈડપણ છે તો ય સ્ત્રી અને જુવાનીમાં ય સ્ત્રી, એવી રીતે કર્યું હોય તો શું ખોટું ભઈ ? જાણી જોઈને મુશ્કેલીમાં મૂકાય છે ને લોકો !

વાળશે બદલો સ્ત્રીઓ સ્વયંવરમાં;

વારો આવશે એમનો ટૂંક સમયમાં!

એટલે આનો બદલો ક્યારે આપે છે સ્ત્રીઓ, એ જાણો છો ? આ મશ્કરી કરી તેનો ? એટલે પછી આનું ફળ શું મળે છે એ છોકરાઓને ? એ પછી સ્ત્રીઓ ઓછી થાય છે અને પુરુષો વધી જાય છે. એક ફેરો અત્યારે સ્ત્રીઓ વધી ગઈ છે. એ માલ જે વધી જાયને, તેનો ભાવ ઊતરી જાય. ડુંગળી વધી ગઈ હોય તો ડુંગળીનો ભાવ ઓછો થઈ જાય અને ડુંગળી ના હોય, ઓછી થઈ ગઈ હોય, ને પરવળ વધી ગયા હોય, તો પરવળનો ભાવ ઘટી જાય. પરવળ જ સારાં છે, એવો કશો નિયમ નથી. જે ઘટી ગયું, તેનો ભાવ વધી જાય.

આ શિકાગોમાં હેરકટીંગ સલુનવાળા બધા ઘટી ગયા હોયને, બધા કંટાળીને ભાગી ગયા હોયને, ને બહુ જ થોડા રહ્યા હોય, તો વાળ કપાવવા વકીલની લાઈન લાગે આખી બહાર. વકીલોને લાઈનમાં ઉભા રહેવું ના પડે ? કેમ પેલાઓની કિંમત વધી ગઈ ? કારણ કે વાળ કાપનારા ઓછા છે અને વકીલો વધારે છે. જે વધારે તેની કિંમત ઘટી જાય.

તે આ સ્ત્રીઓ વધેલી છે. તેથી બિચારીની આ કિંમત ઘટી છે. કુદરત જ આવું કરાવે છે. હવે આનું રીએક્શન ક્યારે આવે ? બદલો ક્યારે મળે છે ? જ્યારે સ્ત્રીઓ ઘટી જાય છે અને પુરુષો વધી જાય છે, ત્યારે સ્ત્રીઓ શું કહે છે ? સ્વયંવરપણું કરો. એટલે એ પૈણનારી એકલી અને આ એકસોને વીસ. સ્વયંવરમાં બધા ફેંટા-બેંટા પહેરીને ટાઈટ થઈને આવ્યા હોય ને મૂંછ આમ આમ કરતા હોય ! પેલીની રાહ જોતા હોય કે આ ક્યારે મને વરમાળા પહેરાવે. પેલી જોતી જોતી આવે. પેલો જાણે કે મને પહેરાવશે. આમ ડોકું હઉ આગળ કરવા જાય. પણ પેલી ગાંઠે જ નહીંને ! પછી જ્યારે એનું દિલ મહીં એકાકાર થાય, ખેંચાણ થાય, તેને વરમાળા પહેરાવે. પછી એ મૂછો આમળતો હોય કે ના આમળતો હોય. એ પછી મશ્કરી થાય. આ ડગલાં મૂર્ખા થઈને ચાલ્યા જાય પછી, આમ આમ કરીને. તે આ એવી મશ્કરી થયેલી, આ સામો બદલો મળે છે !!

એટલે સ્ત્રીઓ જોડે આવું અપમાન નહીં કરવું જોઈએ. લગ્ન સારી જગ્યાએ કરજો અને સામાને કહી દેવું કે 'આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇન્સલ્ટ યુ.' આ તો એને પૂછે કે સીનેમા જોવા આવીશ કે નહીં ? અલ્યા, સીનેમાને તોપને બારે ચઢાવવું છે ? સાથે રહેતી હોય તો સીનેમા જોવા ના જાય ? અને પેલી કહે કે ના, મને સીનેમા નથી ગમતું. એટલે ઊડી ગયું. આ તો ફ્યુઝ જ ઊડી જાય. આ તે કંઈ લાઈફ છે ?! એટલે મહીં આકર્ષણ થાય આપણને તો ત્યાં લગ્ન કરવું. બે-ત્રણ વખત તપાસ કરવી. ને ખેંચાણ થાય નહીં, તો એ કેન્સલ.

પ્રશ્નકર્તા : બે-ચાર વખત મળવું જોઈએ ખરું ?

દાદાશ્રી : મળવા જવાય, એવા સંજોગો બને તો ય વાંધો નથી. ન બને તો ય વાંધો નથી. પણ આકર્ષણ થવું જોઈએ. મુખ્ય 'લૉ' આટલો જ!

આ તો પહેલાં શું કરતા હતા ? જોયા વગર જ એમ ને એમ કરી આવતા હતા. અમારા વખતમાં તો ગોર જઈને કરી આવે. ગોર એટલે આપણા જે બ્રાહ્મણ હોયને, તે જ્યાંથી માગંુ આવ્યું હોયને, ત્યાં ગોર જઈ આવે અને પછી કન્યાની ઊંમર બધું પૂછી કરી આવે.

પૈઠણીયા વર, આ કેવી સોદાબાજી?!

ન પ્રેમ, ત્યાં જીવનમાં દગાબાજી!

પ્રશ્નકર્તા : દાદા, એમનો પ્રશ્ન તો બહુ મોટો છે. પુરુષને જ્યારે છોકરી આપવામાં આવે ત્યારે એ પેલું માંગે છેને, પૈઠણ માંગે છે કે કંઈક માંગે છે. તો એવું કેમ પુરુષ માંગે છે ? છોકરાવાળાઓ.

દાદાશ્રી : એવું છેને કે આપણે અહીં આગળ છે તે ઘણાં વખત અમુક વસ્તુનો ભાવ બહુ હોય, શાકભાજીનો. દીવાળી પર એક રૂપિયે કીલો મળતું હતું અને ઉનાળામાં આઠ રૂપિયે કીલો મળે એવું હોય છે, બને છે. તે આપણે કહીએ કે ભઇ, આઠ રૂપિયા કેમ રાખ્યા છે, એક રૂપિયાને બદલે ? તો એ શું કહે ?

પ્રશ્નકર્તા : પણ દાદા તો પછી એ તો કોમોડિટી, વ્યાપારજન્ય વસ્તુ થઈ ગઈ ને એ તો.

દાદાશ્રી : એ વ્યાપાર જ થઈ ગયો ને. એ વ્યાપાર જ છે બધો. નથી આપતા, તેમાં ય વ્યાપાર છે. કોઈ ગમે તે સોનું આપે. પાંચ તોલા તો પાંચ તોલા. બધો વ્યાપાર જ છે આ. લગ્ને ય વ્યાપાર છે.

પ્રશ્નકર્તા : હા, પણ દાદા અત્યારે આપણા હિન્દુસ્તાનમાં ઠોકી ઠોકીને કહે છે કે લગ્ન એ એક સંસ્કાર છે.

દાદાશ્રી : સંસ્કારરૂપે રહ્યું જ નથી ને. અત્યારે તો વ્યાપારરૂપે થયું છે ને, છે સંસ્કાર મૂળ. પણ તે સંસ્કારરૂપે ક્યાં રહ્યું છે ! અત્યારે તો નક્કી કર્યું હોય કે ભઈ, પાંચ તોલા સોનું આપવું એટલે પાંચ તોલા પેલો ના આપે તો કચકચ ચાલે. એનું નામ સંસ્કાર ના કહેવાય.

અમારે ત્યાં એક જણને પૈઠણ આપીને લઈ ગયેલા, નાના ગામવાળાને. ભારે પૈઠણ આપીને લઈ ગયા. પેલો માલ, સારું લાકડું ગણાતું હતું. લાકડા લાકડામાં ફેર નહીં ! સાગના ને પેલા જંગલી ને બધા લાકડા હોય ને. એટલે સાગનું લઈ આવે પછી ભારે કિંમત ચૂકવીને !

પછી છે તે પહેલે આણે પછી બઈ આવવા દેતા ન્હોતા. પછી હવે પૈઠણ લે. પહેલે આણે બઈ આવીને તે પાછી પૈઠણનો ચોથો ભાગ માંગે, વન ફોર્થ. હવે દસ હજાર પૈઠણ આપેલી હોય એ કાળમાં અને પછી અઢી હજાર શી રીતે આપે પેલો બિચારો. એટલે પછી પેલો તેડવા આવ્યો તે વહુને ના મોકલી કે રૂપિયા આપીશ તો મોકલીશ, નહીં તો નહીં. એટલે પેલો ય માથાનો ભારે હતો. તે પછી કહે છે, 'હું તમને થોડા વખત પછી રૂપિયા મોકલી આપીશ, પણ એને મોકલો હમણે.' તે આને લઈ ગયા અને ફરી પાછી આને વળાવી પાછી. પછી છે તે પાછું ફરી પાછું જ્યારે મોકલવાનું થયું બીજું આણું, ત્યારે કહે છે, કે 'પહેલા આણાનાં અઢી હજાર ને બીજા આણાના બારસો આપી જાવ. પહેલા આણાનાં આપ્યા નથી.' એટલે પેલાએ આવીને શું કહ્યું, એ છોકરીના સસરાને, ખાનગીમાં કે 'તમે મોટા માણસ સુગંધીવાળા, આબરૂદાર જાણીને મેં તમને મારે ત્યાં વેવાઈ બનાવ્યાં. મારી પરિસ્થિતિ નથી.' એટલે પેલા વેવાઈ શું કહે છે, 'તો અહીં પૈણાવી'તી શું કરવાં ? અહીં આગળ તો અવાય જ નહીં ! અલ્યા, પણ આવ્યો તો આવ્યો પણ હવે.... ય એટલે પેલો ય માથાનો ફરેલો હતો. તે વેવાઈને કહે છે, 'જરા કાનમાં મારે એક વાત કરવી છે, સાંભળશો ? આ છોડીને મારે બીજી જગ્યાએ પૈણાવી દેવી પડશે

હવે, કહે, 'હું નાતરે દઈ દઈશ.' તે પેલો બાપજી, તું હવે મારે ત્યાં આવીશે ય નહીં બા. હવે આ તારી છોડી તારે ઘેર મોકલું ય નહીં અને મારે તારો રૂપિયો જોઈતો ય નથી.' પછી છોડીને દુઃખ નહીં દીધું. કારણ કે ખાનદાન ક્વૉલિટી આમ તો !

પ્રશ્નકર્તા : પણ દાદા, એ તો બહુ હિંમતવાળો કહેવાય.

દાદાશ્રી : કોણ ?

પ્રશ્નકર્તા : છોકરીનો બાપ.

દાદાશ્રી : હં, એ હિંમતવાળો નહીં, અક્કલવાળો. હિંમતવાળા તો બધા બહુ હોય. એ તો લાકડાં દેખાડે, ધારીયા દેખાડે. પણ આ તો અક્કલવાળો, એ જાણે કે ખાનદાન છે આ બધા, શું દેશે ? નાતરાનું નામ દીધું કે તરત ચૂપ થઈ ગયા. એ તો પછી કરે લોકો આવું બધું. બાકી પૈઠણ આપે છે, એ તો એનું લાકડું જોઈને આપે છે, બા. એમ ને એમ વેલ્યુએશન આપતા નથી.

પ્રશ્નકર્તા : એમ કહે છે. આપણા પાટીદાર સમાજમાં પૈઠણનો રિવાજ છે તે અને જો પૈઠણ ના આપે અથવા તો કંઈ ઓછું-વત્તું થાય તો પછી છોડીને દુઃખ આપે સાસરીમાં તો કહે આ રિવાજ ખોટો છે. કહે છે, આ ના હોવો જોઈએ !

દાદાશ્રી : કોઈને દુઃખ આપવું એ રિવાજ ખોટા. જ્યાં કોઈને દુઃખ આપવાનું થાય એ રિવાજ બધા ય ખોટાં.

પ્રશ્નકર્તા : આ રિવાજ કાઢી નાખવા શું કરવું જોઈએ !

દાદાશ્રી : બધા યે ભેગા થવું જોઈએ. કેટલાક એમ કહેશે અમારે ગમે તેમ પૈઠણ આપીને જ અમારે કરવો છે સારામાં. તો કેટલાક કહેશે ના, અમારે આવું નથી કરવું. બધાં યે એકમત થવું જોઈએ.

પ્રશ્નકર્તા : કોઈ કેટલાય વર્ષોથી કોઈ આ કબૂલ થતું નથી એટલે વચ્ચે કોઈ 'જ્ઞાની પુરુષ'ની જરૂર છે. બધા ભેગા થઈને આવું નક્કી કરતા નથી.

દાદાશ્રી : એ તો માર ખાઈને નક્કી કરશે. માર ખાઈને સીધા થઈને નક્કી કરશે બધા.

પ્રશ્નકર્તા : દાદા, તમે પણ છ ગામના, એટલે કંઈ એનો ઉકેલ લાવી શકો તો તમારી હાજરીમાં કોઈ ઉકેલ આવી જાય તો સારું.

દાદાશ્રી : અમે તો એટલું કહીએ, ખોટી વસ્તુ છે આ. કોઈને દુઃખ દેવાનું થાય. જ્યાં પૈસાની બાબત હોય એ વાત જ ખોટી બધી. પણ પાટીદારો ક્ષત્રિયો હોવાથી એ લેવાના પૈઠણો.

એવું ખરું છે તમે કહો છો એવું, આ રીતિ-રિવાજ કાઢી નાખવા જોઈએ આ બધા !

પ્રશ્નકર્તા : ના, પણ એ તો ચાલે નહીં અને એનો એન્ડ નથી.

દાદાશ્રી : નહીં, આ તમે વણિકોએ રીતિ-રિવાજ કાઢી નાખ્યો છે ને તે સરસ ચાલે છે. ગાડું ચાલે છે તમારું સરસ. સરસ ચાલે છે પણ અમારે તો મૂળ અહંકારી ટેવને, મૂળ ક્ષત્રિયને...

પ્રશ્નકર્તા : પણ દાદા, અમે તો એને એક્સેપ્ટ જ નથી કરતા. પૈઠણ એકસેપ્ટ જ નહીં કરવાનું.

દાદાશ્રી : બહુ સારામાં સારું. તમારું મેં બધું જોયું ને. મેં દરેક જાતનાં વાણિયાઓનું-જૈનોનું જોયું, બધાનું સારું છે. એક ફક્ત ખરાબ અમારું જ લાગ્યું અમને.

પ્રશ્નકર્તા : ને એવું જે કોઈ કહે ને તો ના જ કહી દેવાની, કે ભઈ એ નહીં ચાલે, આ શરત હોય તો આવો.

દાદાશ્રી : તદ્ન સોદાબાજી થઈ ગઈ, સોદાબાજી ! પ્રેમ ક્યાં રહ્યો ને સોદાબાજી થઈ ગઈ ! એક બાજુ રૂપિયા મૂકો ને એક બાજુ અમારો છોકરો, તો જ પૈણશે, કહે છે. એક ત્રાજવામાં રૂપિયા મૂકવા પડે. ત્રાજવાની તોલે માપતા હતા.

પ્રશ્નકર્તા : દાદા, એ તો ત્યાંથી જ ઝઘડો શરૂ થાય. પંચોતેર ટકા તો ઝઘડો ત્યાંથી જ શરુ થાય છે.

દાદાશ્રી : ઝઘડા જ ઊભા થાય છે, બસ. આ ઝઘડો જ ઊભો થાય છે.

પ્રશ્નકર્તા : હા, લગ્નના દિવસથી જ ઊભા થાય છે.

દાદાશ્રી : બસ, બસ. એ જ ક્લેશ છે આ જગતમાં. શું થાય તે પણ ! તેથી કબીર કહેતાં હતાં ને કે આવડા મોટા દિલ્હીમાં અમને કોઈ માણસ જ દેખાતો નથી. દિલ્હીમાં માણસ નહીં હોય ? તો કહે છે, 'માણસ ખોજત મેં ફીરા.' માણસ તપાસ કરવા નીકળ્યો કે 'માણસ કા બડા સુકાલ,' સામાસામી અથડાતા હતા, કહે છે. સુકાલ, દુષ્કાલ નહીં. સામાસામી અથડાતા એટલા બધા માણસો. પણ 'જાકો દેખી દિલ ઠરે તાકા પડ્યા દુકાલ.' જેને દેખીને આપણું દિલ ઠરી જાય, એનો દુકાળ છે. આ બધું ભટક ભટક કરી એનો અર્થ જ નહીં.

જાતે પાસ કરી લાવ્યા હોંશે;

પછી ના ગમે એ કોના દોષે?

વહુ રીયલાઈઝ કરીને લાવ્યો હોય કે આમ ફરો જોઈએ, તેમ ફરો જોઈએ. પછી મનમાં નક્કી કરે કે ના, બરોબર છે, ગર્થ બધું જોઈ લે, બધું બરોબર છે. પછી પાસ કરે અને દસ દહાડા પછી ખટપટો ચાલુ થઈ જાય. અલ્યા, તું જોઈને તો લાવ્યો છું ને ?

એક ભાઈ પૈણ્યા પછી, આમ એ ડબલ ગ્રેજ્યુએટ થયેલો પણ વહુ જોડે બોલે નહીં, એના બાપે ખર્ચો સારો કરીને પૈણાવી હતી. એને મેં કહ્યું, 'અલ્યા મેં વાત સાંભળી છે, વહુ જોડે બોલતો નથી.' ત્યારે એ કહે છે, 'મને ગમતી નથી.' મેં કહ્યું, 'હું તને કહું કે બજારમાંથી એક તાળું લાવ, અને તું તાળું લઈ આવે અને પછી તું મને કહે કે લ્યો આ તાળું. ત્યાર પછી તું જ મને કહે કે આ તાળું મને ગમતું નથી. તો કેવું ખરાબ દેખાય ? તું જ લાવ્યો અને પછી કહેશે, ગમતું નથી. પોતે લાવ્યો એટલે કહેવાનું જ કે સારું જ છે, હું જે લાવ્યો તે સરસ છે.'

આ બજારમાંથી આપણે તાળું ખરીદી લાવ્યા પછી આપણે કહીએ કે આ તાળું તો યુઝલેસ છે તો ? 'જો તમે ખરીદી લાવો અને એ જ તાળાને તમે ખોટું કહો છો, તો એનાં કરતાં દરિયામાં પડવું સારું.' એ ન્યાય કહેવાય. આ તો તાળા માટે આવું હોવું જોઈએ, ત્યારે આ તો સ્ત્રી છે અને એ વન ઓફ ધી પાર્ટનર છે. ફિફ્ટી પરસેન્ટ પાર્ટનર છે, ત્યાર પછી નાના, નાના શેરહોલ્ડરો આવવાનાં.

આ તો દસ દહાડા થયા હોય ત્યારે માએ જરા શીખવાડ્યું હોય કે વહુ જરા લાફા સ્વભાવની છે, બહુ શોખીન છે. આવું માએ શીખવાડ્યું એટલે થઈ રહ્યું પછી, આ ચક્કરે ય એવું કહેશે. અલ્યા, માનું સાંભળવાનું? મા એ મા છે. ત્યારે એક કાન મા માટે રાખીએ અને એક કાન બૈરી માટે રાખીએ તો શું ખોટું ? કારણ કે આપણે પાસ કરીને લાવ્યા છીએ ને ? મા નાપાસ કરાવડાવે તો ય માને કહીએ કે 'મા' હું તો પાસ કરીને લાવ્યો છું. નાપાસ કરવા નથી લાવ્યો. મારી પાસ કરેલી છે. માટે તમે પણ પાસ કરો.' આ તો તાળું એકલું પોતે પાસ કરીને લાવ્યો હોય તો ય એને માટે એવું રાખવું જોઈએ કે હવે તાળું હું લાવ્યો છું માટે એમાં ફેરફાર ના થાય. બગડેલું હોય તો છેવટે હથોડો મારીને, ઘસઘસ કરીને ઓલરાઈટ કરી નાખવાનું. કારણ કે આપણી ભૂલ થઈ તો સમું કરી નાખવાનું, પણ આ તો બઈને ઢેડફજેતો કરાવે. હવે વાઈફ મળે તે ય કર્મના હિસાબે જ મળે. એ પ્રારબ્ધ બધું. પછી કકળાટ થાય ત્યારે, મા-બાપ કહેશે, 'તું જોઈને લાવ્યો મૂઆ ને હવે બૂમાબૂમ કરે છે ?' ત્યારે કહેશે, 'હવે શું કરે ?!' આપણે તાળું વેચાતું લાવ્યા હોય અને પછી વસાતું ના હોય તો આપણે સમજી જવાનું કે આપણી ભૂલ છે, માટે તાળાનો દોષ નથી. એટલે વહુ જો લાવી, કકળાટવાળી નીકળી તો આપણો દોષ છે. આપણે પાસ કરનારા પછી આપણે ફરી નાપાસ કરીએ એ તો શોભે ?

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19