ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19

મા-બાપછોકરાનોવ્યવહાર

(૬)

પ્રેમથી સુધારો ભૂલકાંને !

પ્રેમથી છોડવાં ય ઉછરે કાઠાં;

અકળાયે સહુને લાગે માઠાં!

પ્રશ્નકર્તા : વ્યવહારમાં કોઈ ખોટું કરતું હોય તો તેને ટકોર કરવી પડે છે. તો એનાથી તેને દુઃખ થાય છે. તો તે કેવી રીતે એનો નિકાલ કરવો ?

દાદાશ્રી : ટકોર કરવામાં વાંધો નથી, પણ આપણને આવડવું જોઈએ ને. કહેતા આવડવું જોઈએને, શું ?

પ્રશ્નકર્તા : કઈ રીતે ?

દાદાશ્રી : બાબાને કહીએ, 'તારામાં અક્કલ નથી, ગધેડો છું.' આવું બોલીએ તો પછી શું થાય તે ! એને ય અહંકાર હોય કે નહીં ? તમને જ તમારો બોસ કહે કે 'તમારામાં અક્કલ નથી, ગધેડો છું.' એવું કહે તો શું થાય ? ના કહેવાય આવું. ટકોર કરતાં આવડવી જોઈએ.

પ્રશ્નકર્તા : કઈ રીતે કરવાની ટકોર ?

દાદાશ્રી : એને બેસાડવો. પછી કહીએ, આપણે હિન્દુસ્તાનના લોક, આર્ય પ્રજા આપણી, આપણે કંઈ અનાડી નથી અને આપણાથી આવું ન થાય કંઈ. આમતેમ બધું સમજાવી અને પ્રેમથી કહીએ ત્યારે રાગે પડે. નહીં તો તમે તો માર, લેફ્ટ એન્ડ રાઈટ, લેફ્ટ એન્ડ રાઈટ લઈ લો તે ચાલતું હશે ?

પ્રશ્નકર્તા : અહીંના બાળકો દલીલબાજી બહુ કરે છે, આર્ગ્યુમેન્ટ બહુ કરે છે. આ તમે શેના લેકચર મારી રહ્યા છો, કહે ?

દાદાશ્રી : દલીલબાજી બહુ કરે. છતાં પ્રેમથી શીખવાડો ને તો દલીલબાજી ઓછી થઈ જશે. આ દલીલબાજી તમારું રિએકશન છે. તમે અત્યાર સુધી એને દબડાય દબડાય કર્યો છે ને. એ એના મગજમાંથી જતું નથી, ભૂંસાતું જ નથી. એટલે પછી એ દલીલબાજી એને લીધે કરે છે. મારી જોડે એકું ય છોકરું દલીલબાજી નહીં કરતું. કારણ કે હું સાચા પ્રેમથી આ તમારી બધા જોડે વાતો કરી રહ્યો છું.

પ્રશ્નકર્તા : છોકરાઓ હોય, તો એની જોડે કેવી રીતે ટકોર કરવી ?

દાદાશ્રી : શી ટકોર કરવાની ?

પ્રશ્નકર્તા : ટકોર કરવી પડેને, કે એની ભૂલ થતી હોય તો ?

દાદાશ્રી : તે આપણે એમને એમ પૂછવું કે તમે આ બધું કરો છો એ તમને ઠીક લાગે છે, તમે વિચારીને કર્યું આ બધું ? ત્યારે એ કહે કે, મને ઠીક નહીં લાગતું. તો આપણે કહીએ કે ભઈ, તો શા માટે આપણે નકામું આમ કરવું ? એમ પોતે જરા વિચારીને કહોને, પોતે ન્યાયાધીશ હોય છે બધાં, સમજે છે બધાં, પોતે ખોટું થયું હોય ને તો એને સમજે તો ખરો જ. પણ તમે એમ કહો કે તું મૂર્ખ છું અને ગધેડો છું. તેં આ કેમ કર્યું ? ત્યારે ઊલ્ટો પકડ પકડે. ના, 'હું કરું છું' એ જ ખરું છે, જાવ કહેશે. ઊંધું કરે પછી કેમ ઘર ચલાવવું તે આવડતું નથી. જીવન કેમ જીવવું તે આવડતું નથી. એટલે જીવન જીવવાની ચાવી મૂકેલી છે બધી આમાં, કેમ કરીને જીવન જીવવું તે ?!

પ્રશ્નકર્તા : અહીં અમેરિકામાં કોલેજોમાં 'પબ્લીક રીલેશન'ના ક્લાસીસ ચાલે છે. પબ્લીક સાથે સંબંધો કેવી રીતે રાખવા ? તો ય કંઈ પરિણામ નથી આવતું.

દાદાશ્રી : ના આવે. પરિણામ પ્રેમથી કર્યા સિવાય આવે નહીં. એક છોડવો ઊછેરવો હોયને, તો ય તમે પ્રેમથી ઊછેરો, તો બહુ સારો ઊછરે. પણ એમ ને એમ પાણી રેડોને, બૂમાબૂમ કરો, તો કશું ના થાય. એક છોડવો ઊછેરવો હોય તો ! તમે કહો કે ઓહોહો !!! સરસ થયો છોડવો. તે એને સારું લાગે છે! એ ય સરસ ફૂલાં આપે મોટાં મોટાં !! તો આ પછી મનુષ્યોને તો કેટલી બધી અસર થતી હશે ?!

સત્તાથી ય ચઢે પ્રેમનો પાવર!

હાર્ટ દેખે ત્યાં પ્રેમનો શાવર!

સામાનો અહંકાર ઊભો જ ના થાય. સત્તાવાહી અવાજ અમારો ના હોય. એટલે સત્તા ના હોવી જોઈએ. છોકરાને તમે કહોને તો સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ.

પ્રશ્નકર્તા : હા, આપે કહેલું કે કોઈ આપણા માટે બારણાં વાસી દે. તે પહેલાં આપણે અટકી જવું.

દાદાશ્રી : હા, ખરી વાત છે એ બારણાં વાસી દે તે પહેલાં આપણે અટકી જવું જોઈએ. તે એને વાસી દેવાં પડે ત્યાં સુધી આપણી મૂર્ખાઈ કહેવાય, શું ? આવું ના હોવું જોઈએ અને સત્તાવાહી અવાજ તો કોઈ દહાડો મારો નીકળ્યો જ નથી. એટલે સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ. નાનો હોય ત્યાં સુધી સત્તાવાહી અવાજ દેખાડવો પડે. ચૂપ બેસી જા. તે ય હું તો પ્રેમ જ દેખાડું. હું તો પ્રેમથી વશ કરવા માંગું.

પ્રશ્નકર્તા : પ્રેમમાં જેટલો પાવર છે એટલો પાવર સત્તામાં નહીં ને !

દાદાશ્રી : ના. પણ તમને પ્રેમ ઉત્પન્ન થાય નહીંને ત્યાં સુધી પેલો કચરો નીકળી ના જાય ત્યાં સુધી ! કચરો બધો કાઢું છું કે નહીં કાઢતી ! કેવા સરસ હાર્ટવાળા, જે હાર્ટીલી હોયને તેની જોડે ડખો ના કરવો, તારે એની જોડે સારું રહેવું. બુદ્ધિવાળા જોડે ડખો કરવો, કરવો હોય તો.

પહાડ પરથી પથરો પડે;

કોના પર ગુસ્સો કરે?

પ્રશ્નકર્તા : સંસારમાં રહ્યા પછી કેટલીક જવાબદારીઓ બજાવવી પડે છે અને જવાબદારીઓ અદા કરવી એ એક ધર્મ છે. એ ધર્મ બજાવતાં કારણે કે અકારણે કટુ વચન બોલવાં પડે, તો એ પાપ કે દોષ છે ?

દાદાશ્રી : એવું છે ને, કડવું વચન બોલીએ તે ઘડીએ આપણું મોઢું કેવું થઈ જાય ? ગુલાબના ફૂલ જેવું, નહીં ? આપણું મોઢું બગડે તો જાણવું કે પાપ લાગ્યું. આપણું મોઢું બગડે એવી વાણી નીકળી ત્યાં જ જાણવું કે પાપ લાગ્યું. કડવા વચન ના બોલાય, ધીમે રહીને આસ્તે રહીને બોલો. થોડાં વાક્યો બોલો પણ આસ્તે રહીને સમજીને કહો, પ્રેમ રાખો, એક દહાડો જીતી શકશો. કડવાશથી જીતી નહીં શકો. પણ એ સામો થશે ને અવળા પરિણામ બાંધશે. એ છોકરો અવળાં પરિણામ બાંધે. 'અત્યારે તો નાની ઉંમરનો છું તે મને આવું ટૈડકાવે છે. મોટી ઉંમરનો થઈશ એટલે આપીશ.' એવા પરિણામ મહીં બાંધે. માટે આવું ના કરો, એને સમજાવો. એક દહાડો પ્રેમ જીતશે. બે દહાડામાં જ એનું ફળ નહીં આવે. દશ દહાડે, પંદર દહાડે, મહિના સુધી પ્રેમ રાખ્યા કરો. જુઓ, આ પ્રેમનું શું ફળ આવે એ તો જુઓ. તમને ગમી આ વાત ? કડવું વચન બોલીએ તો આપણું મોઢું ના બગડી જાય ?

પ્રશ્નકર્તા : આપણે અનેકવાર સમજાવીએ, છતાં એ ના સમજે તો શું કરવું ?

દાદાશ્રી : સમજાવવાની જરૂર જ નથી. પ્રેમ રાખો છતાં આપણે એને સમજણ પાડીએ ધીમે રહીને. આપણા પડોશીને ય એવું કડવું વચન બોલીએ છીએ આપણે ?

પ્રશ્નકર્તા : પણ એવી ધીરજ હોવી જોઈએ ને ?

દાદાશ્રી : હમણે ડુંગર ઉપરથી ઢેખાળો પડે ને એ તમારા માથે પડે તો તમે ઉપર જોઈ લો ને પછી કોની ઉપર ક્રોધ કરો ? તે ઘડીએ શાંત રહો ને ? કોઈ દેખાય નહીં એટલે આપણે જાણીએ કે આ કોઈએ નથી નાખ્યો માટે એની મેળે પડ્યો છે. એટલે એનો આપણે ગુનો નથી ગણતા. ત્યારે પેલો ય એની મેળે જ પડે છે. એ તો નાખનાર તો વ્યક્તિ દેખાય છે એટલું જ છે. બાકી એની મેળે જ પડે છે. તમારા જ હિસાબ ચૂકતે થાય છે બધા. આ દુનિયામાં બધા હિસાબ ચૂકતે થઈ રહ્યા છે. નવા હિસાબ બંધાઈ રહ્યા છે ને જૂના હિસાબ ચૂકતે થઈ રહ્યા છે. માટે સીધું બોલજો છોકરાં જોડે, સારી ભાષા બોલજો.

દેવતાનો સંગ સીધો કે ચીપિયાથી?

કેટલીક ગુંચો, ઉકલો કીમિયાથી!

પ્રશ્નકર્તા : આપણી એકદમ નજીકનું કોઈ સગું છે. ઘરમાં આપણી જવાબદારી છે. એનું કોઈ પણ વર્તન ખરાબ હોય તો આપણે એને સુધારવા માટે કહીએ, એનું સારું કરવા માટે એને કહીએ તો ઊલટું આપણી ઉપર જ આવી જાય. એ પોતે સમજે છે કે આ ઘરમાં મારા વડીલ છે, મારા સારા માટે કહે છે, મને સુધારવા માટે કહે છે. છતાં ય પણ જ્યારે કહીએ ત્યારે એનાથી આપણા સામે વર્તન ઊંધું જ થઈ જાય.

દાદાશ્રી : એ આપણને કહેતા આવડતું નથી એટલે. સામી વ્યક્તિની જોખમદારી નથી. આપણને કહેતાં ના આવડે પછી એ તો એવું જ થાય ને !

પ્રશ્નકર્તા : પણ દરેક માણસને જે જે કહેવાનું છે, એ એની કેપેસીટી જે હોય એ આધારે જ કહેવાઈ જાય છે.

દાદાશ્રી : હા, પણ કલેક્ટરની માફક કહો એટલે પછી એ એવું જ કરે ને ! તમે જાણે કલેક્ટર હો એવી રીતે કહો. એટલે એવું જ થઈ જાય ને ! તમે કારકુનની પેઠ કહો, તો એને સારું લાગે. તો એ વાત સાંભળે. તમને કેમ લાગે છે ? કલેક્ટરની પેઠ કહો એટલે વાંધા જ પડે ને ! હવે આ દેવતાને આપણે અડીએ અને એને ઓળખી જઈએ કે આ તો અડાય એવો છે જ નહીં, તો પછી આપણે ફરી એને અડવું જોઈએ ?

પ્રશ્નકર્તા : ના, અડકાય નહીં.

દાદાશ્રી : તો પછી, જેમ દેવતાને માટે શું કરીએ છીએ ? ચીપિયાથી પછી પકડીએ છીએ ને ? એ ચીપિયો રાખો છો ને, તમે ? ચીપિયો નથી રાખતા ? ત્યારે એમને એમ દેવતા હાથમાં ઝાલવા જઈએ તો શું થાય ?

પ્રશ્નકર્તા : દાઝી જ જવાય.

દાદાશ્રી : એટલે ચીપિયો રાખવો પડે.

પ્રશ્નકર્તા : તો એ કઈ જાતનો ચીપિયો રાખવો જોઈએ ?

દાદાશ્રી : આપણા ઘરનો એક માણસ ચીપિયા જેવો છે, એ પોતે દાઝતો નથી અને સામાને દાઝેલાને પકડે છે, એને બોલાવીએ ને કહીએ કે 'ભઈ, આની જોડે હું વાત કરું ને, ત્યારે તું તે ઘડીએ ટાપશી પૂરવા લાગજે.' એટલે પછી એ રાગે પાડી આપશે. કંઈક રસ્તો કરવો પડે. એમ ને એમ દેવતાને હાથે પકડવા જઈએ તો શું થાય ?

પ્રશ્નકર્તા : હા. એ બરોબર છે. પણ મારી જોડે ઊંધું વર્તન કર્યા પછી એને દુઃખ થાય છે કે મેં ખોટું કર્યું છે. આ ઘરમાં મોટા છે, અને એમનો મારા ઉપર પ્રેમ છે, એટલે મને એ સુધારવા માંગે છે. એવું એ સમજે છે, છતાં ય એનું વર્તન તો એવું ને એવું જ થાય છે.

દાદાશ્રી : હા, પ્રેમ છે અને હિતની વાત કરે છે. એવું ય સમજે છે, પણ આ 'તારામાં અક્કલ નથી' એવું એને કેમ બોલો છો ? એની જોડે કલેક્ટરની પેઠ કેમ બોલો છો ? અમે તો પ્રેમથી કહીએ છીએ. તો પ્રેમ કેળવો ને ! આવા સરસ સમજદાર થઈને....

પ્રશ્નકર્તા : એ કેવી રીતે થાય પણ ? હું એને કશુંક કહું એટલે એ ગુસ્સે થાય. એટલે હું પણ ગુસ્સે થઈ જાઉં છું.

દાદાશ્રી : ત્યારે ગુસ્સે થઈ જાવ છો, એટલે પછી નબળાઈ હોય ત્યાં સુધી શું થાય તે ? મને તો કોઈ કહે, દાદાજી, તમારામાં અક્કલ નથી. તો હું કહું, 'બેસ, બરાબર છે તારી વાત.' કારણ કે એને સમજણ ના હોય તો એવું બોલે ને ! અને પછી પસ્તાય પાછો. એ કહેશે કે, 'મારાથી આ ના બોલાવું જોઈએ તો ય બોલાયું.' એ પસ્તાય.

દાદાના કહ્યા મુજબ કરે;

બોલ એ કે જેનો અર્થ સરે!

એટલે તમે થોડો પ્રયોગ મારા કહ્યા પ્રમાણે કરોને.

પ્રશ્નકર્તા : શું કરવાનું ?

દાદાશ્રી : પ્રેમથી બોલાવો ને ?

પ્રશ્નકર્તા : એ જાણે છે કે મારો એના પર પ્રેમ છે.

દાદાશ્રી : એવો પ્રેમ કામનો નહીં. કારણ કે તમે બોલો છો તે ઘડીએ પછી કલેક્ટરના પેઠ બોલો છો. 'તમે આમ કરો. તમારામાં અક્કલ નથી, આમ તેમ.' એવું હઉં કહો છો ને ?

પ્રશ્નકર્તા : એવું નથી કહેતા.

દાદાશ્રી : તો શબ્દ શું બોલો છો ?

પ્રશ્નકર્તા : એ તો દરેક પ્રસંગના આધારે શબ્દ નીકળે. કંઈક બહુ નુકશાન કરતો હોય, નકામું ખોટું વાપરી કાઢતો હોય, તો હું એને એમ કહું કે 'આ આટલી બધી મોંઘવારી છે અને તું આટલાં બધાં કેમ ખર્ચા કરી નાખે છે ?' એવું કહું.

દાદાશ્રી : પછી એથી એ સુધરે છે ?

પ્રશ્નકર્તા : નહીં.

દાદાશ્રી : તો પછી બોલવું નકામું છે. એક માણસ મને બાવનની સાલમાં કહેતો હતો કે 'આ ગવર્નમેન્ટ ખરાબ છે ને જવી જ જોઈએ.' તે બાવનથી બાસઠની સાલ સુધી બોલ બોલ કર્યા કર્યું. એટલે પછી મેં એને કહ્યું કે, 'રોજ તમે મને આ વાત કરો છો, પણ ત્યાં કંઈ ફેરફાર થાય છે ? આ તમારું બોલેલું ત્યાં કંઈ ફળે છે ?' ત્યારે એ કહે છે, 'ના. એ ફળ્યું નહીં.' ત્યારે મેં કહ્યું, 'તો શું કરવા ગા ગા કર્યા કરો છો ? તમારા કરતાં તો રેડિયો સારો.'

પ્રશ્નકર્તા : પણ મારે શું કરવાનું ?

દાદાશ્રી : આપણું બોલેલું ફળતું ના હોય તો આપણે બંધ થઈ જવું જોઈએ. આપણે મૂર્ખ છીએ, આપણને બોલતા નથી આવડતું, માટે બંધ થઈ જવું જોઈએ. આપણું બોલેલું ફળે નહીં અને ઊલટું આપણું મન બગડે, આપણો આત્મા બગડે. આવું કોણ કરે તે ?

એટલે એક માણસ સુધારી શકાય એવો આ કાળ નથી. એ જ બગડેલો છે, સામાને શું સુધારે તે ? એ જ 'વીકનેસ'નું પૂતળું હોય. તે સામાને શું સુધારે તે ?! એને માટે તો બળવાનપણું જોઈએ. એટલે પ્રેમની જ જરૂર છે.

છોડ રોપ્યો હોય, તમારે એને વઢવઢ નહીં કરવાનું કે જો તું વાંકો ના થઈશ, ફૂલ મોટાં લાવજે, એવું તેવું વઢવઢ નહીં કરવાનું. આપણે એને ખાતર અને પાણી આપ્યા કરવાનું. જો ગુલાબનો છોડ આટલું બધું કામ કરે છે, આ તો છોકરાઓ મનુષ્ય છે આ તો ! અને મા-બાપો ધબેડે હઉં, મારે હઉં !

હંમેશા પ્રેમથી જ સુધરે દુનિયા. એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી એના માટે. જો ધાકથી સુધરતું હોય ને તો આ ગવર્નમેન્ટ ડેમોક્રેસી... સરકાર લોકશાહી ઉડાડી મેલે અને જે કોઈ ગુનો કરે એને જેલમાં ઘાલી અને ફાંસી કરે. પ્રેમથી જ સુધરે જગત.

પ્રશ્નકર્તા : ઘણી વખત સામો માણસ આપણે પ્રેમ કરીએ છીએ તો ય સમજી નથી શકતો.

દાદાશ્રી : પછી આપણે શું કરવું ત્યાં આગળ ? શીંગડું મારવું ?

પ્રશ્નકર્તા : ખબર નહીં શું કરવું પછી ?

દાદાશ્રી : ના, શીંગડું મારે છે પછી. પછી આપણે ય શીંગડું મારીએ એટલે પેલું ય શીંગડું મારે પછી ચાલુ લડાઈ. જીવન ક્લેષિત થઈ જાય પછી.

પ્રશ્નકર્તા : તો એવા સંજોગોમાં આપણે કેવી રીતે સમતા રાખવી ? આવું તો આપણે થઈ જાય તો ત્યાં આગળ કેવી રીતે રહેવું ? સમજણ નથી પડતી ત્યાં શું કરવું ?

દાદાશ્રી : શું થઈ જાય તો ?

પ્રશ્નકર્તા : આપણે પ્રેમ રાખીએ અને સામો માણસ ના સમજે, આપણો પ્રેમ સમજે નહીં, તો આપણે શું કરવું પછી ?

દાદાશ્રી : શું કરવાનું ? શાંત રહેવાનું આપણે. શાંત રહેવાનું, બીજું શું કરીએ આપણે એને ? કંઈ મારીએ એને ?

પ્રશ્નકર્તા : પણ આપણે એ કક્ષાએ નથી પહોંચ્યા કે શાંત રહી શકીએ.

દાદાશ્રી : તો કૂદીએ આપણે તે ઘડીએ ! બીજું શું કરવું ? પોલીસવાળો ટૈડકાવે ત્યારે કેમ શાંત રહો છો ?

પ્રશ્નકર્તા : પોલીસવાળાની ઓથોરિટી છે, એની સત્તા છે.

દાદાશ્રી : તો આપણે એને ઓથોરાઈઝ (અધિકૃત) કરવા. પોલીસવાળા આગળ સીધા રહીએ અને અહીં આગળ સીધા ના રહેવાય!

અશ્રુથી વ્યક્ત, નહીં ખરી લાગણી;

ડ્રામેટીક રહ્યે, ખરી સાચવણી!

પ્રશ્નકર્તા : સંસારમાં રહેવા માટે લાગણીની જરૂર છે. લાગણી પ્રદર્શિત કરવી જ પડે. લાગણી પ્રદર્શિત ન કરો, તો મૂઢ કહે છે. હવે જ્ઞાન આવે, જ્ઞાનની સમજ ઉતરે, પછી લાગણી એટલી પ્રદર્શિત નથી થતી. હવે કરવી જોઈએ, વ્યવહારમાં ?

દાદાશ્રી : શું થાય છે એ જોવાનું.

પ્રશ્નકર્તા : દાખલા તરીકે છોકરાં બહારગામ ભણવા ગયો. અને એરપોર્ટ ઉપર મા ને બાપ બન્ને ગયાં, અને માની આંખમાંથી આંસુ પડ્યા અને બાપ રડ્યો નહીં. એટલે તું કઠણ પત્થર જેવો છું, કહે છે.

દાદાશ્રી : ના, હોય નહીં, લાગણી આવી. બહારગામ જતો હોય તો શું ? એના આંખમાં આંસુ પડે તો એને વઢવી જોઈએ કે ઢીલી આવી કંઈ સુધી રહીશ, કહીએ. મોક્ષે જવું છે તો !

પ્રશ્નકર્તા : ના, એટલે એમ કે એ જો લાગણી ના હોય, તો એટલો માણસ છે તો કઠોર થઈ જાય છે. એ લાગણી વગરનો માણસ બહુ કઠોર હોય છે, એમ કહે છે.

દાદાશ્રી : લાગણી તો જેને આંખમાં આંસુ નથી આવતાં તેની સાચી છે અને તમારી ખોટી લાગણી છે. તમારી દેખાવની લાગણી છે અને એની સાચી લાગણી છે. સાચી લાગણી હાર્ટિલી હોય. એ બધું ખોટું, ઊંધું માની બેઠેલું. લાગણી કંઈ જબરદસ્તી થાય નહીં. એ તો નેચરલ ગીફ્ટ છે. એવું કહેતી હોય તો લાગણી ઉત્પન્ન થતી હોય તો બંધ થઈ જાય. એ કંઈ રડવું અને પછી તરત ભૂલી જવું એ લાગણી કહેવાય નહીં. લાગણી તો રડવું ય નહીં અને યાદ રહેવું, એનું નામ લાગણી કહેવાય.

લાગણીવાળા તો અમે ય, કોઈ દહાડો ય રડીએ નહીં, પણ છતાં ય બધાંને લાગણી કાયમની બધાંને. કારણ કે જેટલાં વધુ મળે એટલા તો રોજ અમારા જ્ઞાનમાં આવતાં જ હોય બધાં.

પ્રશ્નકર્તા : મા-બાપ પોતાના બાળકો માટે જે રીતે લાગણી બતાવે છે, તો ઘણી વખત લાગે છે કે ખૂબ બતાવતાં હોય છે.

દાદાશ્રી : એ ઈમોશનલ જ છે બધું. ઓછી બતાવનારે ય ઈમોશનલ કહેવાય. નોર્મલ જોઈએ. નોર્મલ એટલે બનાવટ ખાલી, ડ્રામેટિક ! ડ્રામાની સ્ત્રી જોડે ડ્રામા કરવાનો તે અસલ, એક્ઝેક્ટ. લોકો એમ સમજે કે સહેજ ભૂલ નથી કરી. પણ બહાર નીકળતી વખતે એને કહીએ, હેંડ મારી જોડે તો ના આવે એ. આ તો ડ્રામા પૂરતું જ હતું કહે. એ સમજાયું ને ?

પ્રશ્નકર્તા : હા, સમજાય છે.

દાદાશ્રી : એટલે છોકરાને કહીએ, 'આય ભાઈ, બેસ બા. તારા વગર મારું બીજું કોણ છે ?' અમે તો હીરાબાને કહેતા'તા કે મને તમારા વગર ગમતું નથી. આ પરદેશ જઉં, પણ તમારા વગર મને ગમે નહીં.

પ્રશ્નકર્તા : બાને સાચું ય લાગે.

દાદાશ્રી : હા સાચું જ હોય. મહીં અડવા ના દઈએ.

પ્રશ્નકર્તા : પહેલાના જમાનામાં મા-બાપને છોકરાંઓ માટે પ્રેમ કે એની સરભરા એ બધી કરવાનો ટાઈમ જ ન્હોતો અને કંઈ પ્રેમ આપતા ય ન્હોતા. બહુ ધ્યાન ન્હોતા આપતા, અત્યારે મા-બાપ છોકરાઓને બહુ પ્રેમ આપે, બધું ધ્યાન રાખે, બધું કરે તો ય છોકરાંઓને મા-બાપ માટે બહુ પ્રેમ કેમ નથી હોતો ?

દાદાશ્રી : આ પ્રેમ તો, જે બહારનો મોહ એવો જાગ્રત થયેલો છે કે એમાં જ ચિત્ત જતું હોય છે. પહેલાં મોહ બહુ ઓછો હતો ને અત્યારે તો મોહના સ્થળ એટલા બધાં થઈ ગયાં છે.

પ્રશ્નકર્તા : હા. અને મા-બાપ પણ પ્રેમનાં ભૂખ્યાં હોય કે અમારા છોકરાઓ છે, વિનય-બિનય રાખે.

દાદાશ્રી : પ્રેમ જ, જગત પ્રેમાધીન છે. જેટલું મનુષ્યોને ભૌતિક સુખની નથી પડી એટલી પ્રેમની પડેલી છે. પણ પ્રેમ ટકરાયા કરે છે. શું કરે ? પ્રેમ ટકરાવો ના જોઈએ.

પ્રશ્નકર્તા : છોકરાઓમાં મા-બાપ પ્રત્યેનો પ્રેમ ઘણો છે.

દાદાશ્રી : છોકરાને ય ઘણું છે ! પણ છતાં ટકરાયા કરે.

થાય છોકરાં સાથે અચૂક પક્ષપાત;

આ તો છે લેણદેણની વસુલાત!

પ્રશ્નકર્તા : શાસ્ત્રમાં લખેલું છે કે મા-બાપને પોતાનાં બાળકો પ્રત્યે સરખો જ પ્રેમ હોય, એ બરાબર છે ?

દાદાશ્રી : ના, એવું મા-બાપ કંઈ ભગવાન નથી કે સરખો પ્રેમ રહે ! તે સરખો પ્રેમ તો ભગવાન રાખી શકે, બાકી મા-બાપ કંઈ ભગવાન નથી બિચારાં, એ તો મા-બાપ છે. એ તો પક્ષપાતી હોય જ. સરખો પ્રેમ તો ભગવાન જ રાખી શકે, બીજું કોઈ રાખી શકે નહીં. આ મને અત્યારે સરખો પ્રેમ હોય બધાનાં ઉપર.

બાળકને પ્રેમ તો જ્ઞાનીઓ એકલાં જ કરે છે. મા-બાપ તો ઊછેરે છે, નર્સરી કરે છે. તે શા હારું ઊછેરે છે ? કે આ આંબો મોટો થાય એટલે ફળ આવશે અને તે મને ખાવાનાં કામ લાગશે.

પ્રશ્નકર્તા : પૂર્વેનાં ઋણાનુબંધ એ જાતનાં છે, એટલે છોકરા તરીકે આવ્યાને ?

દાદાશ્રી : ઋણાનુબંધનો વાંધો નથી, પ્રેમ રાખવાનો ય વાંધો નથી. પણ વ્યવહાર રાખો, એમ કહે છે. વ્યવહારને નિશ્ચય ના કરી નાખશો. આ તો વ્યવહારને જ નિશ્ચય કરી નાખ્યો.

બાળકો દાદાના સત્સંગથી સુધરે;

જાતે ઘેર આવીને સુધારે ખટપટે!

આજના છોકરાંઓને બહાર જવાનું ગમે નહીં એવું કરી નાખો, કે ઘરમાં આપણો પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ દેખે. પછી આપણા સંસ્કાર ચાલે.

આપણે સુધારવું હોય તો શાક સુધારવું, પણ છોકરાઓને ના સુધારવા ! એ લોકોને શાક સુધારતાં આવડે. શાક સુધારતાં ના આવડે ?

પ્રશ્નકર્તા : આવડે.

દાદાશ્રી : હે... આવડા આવડા ટુકડા કરીને બનાવે શાકનાં હડહડાટ.

બાબો ચોખ્ખો છે. હજુ ચોખ્ખો છે તે એને પુષ્ટી અહીંથી આપો. અહીંનું ને અહીંનું જ. એને આનંદ-બાનંદ બધું અહીં જ થાય. મિત્રાચારી તમારી જ હોય, બહાર મિત્ર કરવા ખોળે નહીં. એટલે તે આપણે મિત્ર જેવા જ થઈ જવું જોઈએ એને. હું તો હાથ ફેરવું, રમાડું, બધું ય કરું. એટલે એને ઘેર આવે ને, કોલેજમાંથી છૂટીને એને ઘેર આવે તો આવવાનું એને મન થઈ જાય. અને અહીં ઘેર પ્રેમ ના દેખે એટલે બહાર પ્રેમ ખોળે. નાના બાળકો પ્રેમ ખોળે, પૈસા ખોળતા નથી, એટલું ધ્યાન રાખજો.

આમને ઠેઠ સુધી સાચવ સાચવ કરો. એકનું એક જ છે. સરસ થઈ ગયું હવે એને. હવે તો આ દાદાને માટે જ બધું જીવન. એમને કહ્યું કે ભઈ, આ કરોડોની મિલકત આ બધી તને સોંપવાની છે. ના, હું મારી કરી લઈશ. તમે આ દાદાને કરોડો આપી દેજો. તે હવે મને કહે છે. મેં કહ્યું, ના, ભઈ મારે જોઈતા નથી. મેં ના પાડી દીધી. એટલે બાબાને સાચવજો. બાબો બહુ સારો છે. આ ભાઈને એ જ કહેલું ને કે તમારા છોકરાઓ લઈને અમારી પાસે ને પાસે આવજો. ભલે ભાડું-બાડું થાય તો ય. છોકરાઓ સુધરી ગયા એટલે થઈ ગયું, લાખો રૂપિયા સુધરી ગયા.

પ્રશ્નકર્તા : તમે કહો છો કે 'છોકરાઓને અહીં લઈ આવો.' પણ છોકરાઓ ના આવે તો ?

દાદાશ્રી : એ તો મને પધરામણી કરાવે એટલે હું બીજે દહાડે, હું મારી આપું, જરા મારી આપું. ઘેર પધરામણી કરાવડાવો ને, એટલે એને પકડી લાવો. બહુ ઈન્ડિયામાં બધાં ઘણાં રીપેર કરી આપ્યા છે. મા-બાપ ખુશ થઈ ગયા છે. તે વહુ રીપેર કરી આપીએ. વહુનાં ધણી રીપેર કરી આપ્યા, મા-બાપ રીપેર કરી આપ્યા, નહીં તો શી રીતે મોક્ષે જાય ?! જ્ઞાન તો આપ્યું પણ મોક્ષે શી રીતે જાય ?!

ઘડીમાં ગુસ્સો, ઘડીમાં ઊછાળો;

એ છે આસક્તિ, છોકરાંને મુંજારો!

છોકરાઓ જોડે બહુ ફાવે. નાના છોકરાંઓ જોડે ફાવે અમારે તો. મારી જોડે ફ્રેન્ડશીપ કરે. અહીં આગળ પેસતાં હતાં ને ? ત્યારે પેલો આવડો બાબો હતો તે તેડવા આવ્યો, હેંડો કહે છે. અહીં પેસતાં જ તેડવા આવ્યો. અમારી જોડે ફ્રેન્ડશીપ કરે. તમે તો લાડ લડાવ કરો. અમે લાડ ના લડાવીએ, પ્રેમ કરીએ.

પ્રશ્નકર્તા : એ જરા સમજણ પાડોને દાદા, લાડ લડાવાનું અને પ્રેમ કરવાનું. બધું જરા દાખલા આપીને સમજાવો.

દાદાશ્રી : અરે, એક માણસે તો એમના બાબાને એવો દબાવ્યો, આમ છાતીએ. બે વર્ષથી ભેગો થયો ન્હોતો, અને ઊંચકીને આમ દબાવ્યો ! તે પછી બાબો ખૂબ દબાઈ ગયો, એટલે એને પછી છૂટકો ના રહ્યો, એટલે બચકું ભરી લીધું. આ રીત છે આ તે ?! આ લોકોને તો બાપા થતાં નહીં આવડતું !

પ્રશ્નકર્તા : અને પ્રેમવાળો શું કરે ? જે પ્રેમવાળો હોય, એ શું કરે ?

દાદાશ્રી : હા. તે હાથ ફેરવે આમ તેમ. ગાલે ટપલી મારે, આમ તેમ કરે અને એને પાછળ લઈને આમ જરા ખભો ઠોકે, એમ ખુશ કરે. એને આમ દબાવી દેવાનું ?! પછી એ બિચારો ગુંગળાય એટલે બચકું ભરી લેને ! ના ભરી લે ગુંગળાય એટલે ? તમારા બાબાએ બચકું ભર્યું હતું ?

પ્રશ્નકર્તા : મેં એવું નથી કર્યું કોઈ દિવસે.

દાદાશ્રી : ત્યારે સારું ! દોઢ વર્ષનો છોકરો કહેશે, 'દાદા, મારે રમવા તમારી જોડે આવવું છે.' ત્યારે હું કહું, 'હા.' શાથી દોઢ વર્ષના છોકરાને મારી જોડે બીક નહીં લાગતી હોય ?

પ્રશ્નકર્તા : કશો અહંકાર ના મળે તમને એટલે.

દાદાશ્રી : અહંકાર નહીં એટલે પ્રેમ લાગે !

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એડજસ્ટેબલ થાય. ખરી મજા આવે. છોકરાને, દોઢ વર્ષનો-બે વર્ષનો, પાંચ વર્ષનો, બધાં ય ને મજા આવે. છોકરીઓને હઉં મજા આવેને ! હું તો પંદર વર્ષની છોકરી હોય તો ય હું કહું તેને, કે કેમ પૈણતી નથી ? પૈણવામાં તને શું નુકશાન છે એ બધું એને સમજાવું, એની હરેક બાબત, તેની આઉટસાઈડ-ઇનસાઈડ વાત કરું, તે ય એની વાત ખુલ્લી કરે. તેજ મારું જોઈ લીધું, આંખોમાં વીતરાગતા જોઈ. લોક તો નથી કહેતા કે આંખોમાં તો સાપોલીયા રમે છે ! વીતરાગ પુરુષ હોય તો ય કહી દે !!

એક છોકરો મારી પાસે અડધો જ કલાક વાતચીત કરી હશે. તે પુસ્તક માંગી ગયો. કહે છે, તમારો ફોટો આપો. કેટલા વર્ષનો છોકરો હતો ?

પ્રશ્નકર્તા : તેર વર્ષનો.

દાદાશ્રી : ફોટો માંગી ગયો, પુસ્તક આપો. પુસ્તક આપ્યું. પુસ્તક એણે વાંચ્યું ખરું પાછું આજે ! પછી આવતી વખતે ય મને જો જો કરતો હતો. ફોટો લે લે કરતો હતો. એ બંધાઈ ગયો, મારી જોડે બંધાયો. એટલે બહાર પ્રેમ ખોળે નહીં, મારા ફોટામાંથી પ્રેમ આવશે એને. પ્રેમથી જ જગત જીવી રહ્યું છે અને આપણા લોક મારે ખરાં છોકરાંને ?! બીવડાય બીવડાય કરે ! અક્કલ વગરનો છું અને આ મોટાં અક્કલવાળા ! 'જોબ' તો મળતી ના હોય અને અક્કલવાળા આવ્યા ! એમને એમનાં સાસુ લઢતા હોય. એ તો કોણ કહી શકે ? મારા જેવો કોઈ લખનાર ના હોય, તે હું કહી શકું. બાકી તમને લઢનાર હોય પાછળ તો તમે શી રીતે કહી શકો ?! તમને વાત સમજાય છે, આ કામ લાગશે ?

અને છોકરાને તો મારશો જ નહીં. કોઈ ભૂલચૂક થાયને, સમજણ પાડવાની જરૂર અને ધીમે રહીને માથે હાથ ફેરવી અને સમજણ પાડવાની જરૂર. પ્રેમ આપે ત્યારે છોકરું ડાહ્યું થાય.

આ તો અમે પૂછીએ, તારા પપ્પા કેવા છે ? ત્યારે કહે, જવા દો ને, પપ્પાની વાત ! તે મૂઆ, એક તો પપ્પો થયો છું, છોકરાને ઉછેરવો ના હોય ?! છોકરાને મારવા પણ.... અત્યારે હું મોટી ઉંમરનાંને મારુંને, તો એને રીસ નહીં ચઢતી, એનું શું કારણ ? પ્રેમથી મારું છું. તમારામાં પ્રેમ હોય નહીં. તમારામાં પ્રેમ જ ક્યાંથી લાવે ? પ્રેમવાળો માણસ કોઈ જોયેલો ? ક્યાં જોયેલો ?

આ છોકરાને હું માર માર કરું છું ને, તો ય ખુશ થાય છે અને તું માર જોઈએ ? કારણ કે તારામાં અહંકાર છે, એટલે એનો અહંકાર જાગૃત થાય. મારામાં પ્રેમ છે, એટલે એને પ્રેમ જાગૃત થાય. એ તો હું ગમે એટલું મારું તો ય મને કશું ના હોય, મારી ઉપર ખુશ થઈ જાય. કારણ કે હું પ્રેમથી જોઉં છું અને તારામાં તો અહંકાર ભરેલો છે એટલે પછી તે છોકરામાં અહંકાર જાગે એટલે બેનો અહંકાર લડે પછી, 'આવી જા' કહેશે.

અને તમે એને એક ટપલી મારો તો એ રડવા માંડશે, એનું શું કારણ ? એને વાગ્યું તેથી ! ના, એને વાગ્યાનું દુઃખ નથી. એનું અપમાન કર્યું તેનું એને દુઃખ છે. આ જગતે પ્રેમ શબ્દ જ જોયો નથી. કંઈક પ્રેમ જોયો હોય કો'ક જગ્યાએ, તો મધરનો પ્રેમ હશે. તે ય કંઈક પ્રેમ !

પ્રશ્નકર્તા : તે ય કહેવામાં આવે છે ને કે તું મારો બાળક છે.

દાદાશ્રી : એ ય છે તે આસક્તિનું જ સ્વરૂપ છે. પણ પ્રેમ કંઈક દેખાતો હોય, નિર્મળતા કંઈક સાધારણ હોય, તો 'મધર'નાં પ્રેમમાં હોય છે, બીજી બધી આસક્તિઓ છે. અને જેની પાછળ મને કામ લાગશે, છોકરાં મોટાં થઈને ચાકરી કરશે, આમ કરશે, નામ રાખશે. એ બધી આસક્તિઓ બધી.

પ્રશ્નકર્તા : મધરની જો આ પ્રમાણે હકીકત હોય, તો પિતાજીનો કેવો ભાગ હોય, આ પ્રેમ....

દાદાશ્રી : પિતાજીનો ઘાટવાળો પ્રેમ. મારું નામ કાઢે એવો છે, કહેશે. એક માનો એકલો સહેજ પ્રેમ, તે ય સહેજ જ પાછો. તે ય મનમાં હોય કે મોટો થશે, મારી ચાકરી કરશે અને શ્રાદ્ધ સરાવશે તો ય બહુ થઈ ગયું મારું. એક લાલચ છે, કંઈ પણ એની પાછળ લાલચ છે ત્યાં પ્રેમ નથી. પ્રેમ એ વસ્તુ જ જુદી છે. અત્યારે તમે અમારો પ્રેમ જોઈ રહ્યા છો, પણ જો સમજણ પડે તો. આ દુનિયામાં કોઈ ચીજ મને ખપતી નથી, તમે લાખો ડૉલર આપો કે લાખો પાઉન્ડ આપો ! આખા જગતનું સોનું આપો તો મારે કામનું નથી. આખા જગતની સ્ત્રી સંબંધી મને વિચારે ના આવે. હું આ શરીરથી જુદો રહું છું, પડોશી તરીકે રહું છું. આ શરીરથી જુદો, પડોશી 'ફર્સ્ટ નેબર'.

ન ઘટે-વધે, પરમાત્મ-પ્રેમ દાદામાં;

ન જોવા મળે આજ કોઈ પ્યાદામાં!

આ જગતને સુધારવાનો રસ્તો જ પ્રેમ છે. જગત જેને પ્રેમ કહે છે તે પ્રેમ નથી, તે તો આસક્તિ છે. આ બેબી પર પ્રેમ કરો, પણ તે પ્યાલો ફોડે તો પ્રેમ રહે ? ત્યારે તો ચિઢાય. માટે એ આસક્તિ છે. છોકરાં પ્રેમ ખોળે છે, પણ પ્રેમ તેમને મળતો નથી. એટલે પછી એમની મુશ્કેલી એ જ જાણે, કહેવાય નહીં ને સહેવાય નહીં. આજના જુવાનિયાંઓ માટેનો રસ્તો અમારી પાસે છે. આ વહાણનું સુકાન કઈ રીતે લેવું તે અમને મહીંથી જ રસ્તો મળે છે. મારી પાસે પ્રેમ એવો ઉત્પન્ન થયો છે કે જે વધે નહીં ને ઘટે પણ નહીં. વધઘટ થાય તેને આસક્તિ કહેવાય. જે વધઘટ ના થાય તે પરમાત્મ-પ્રેમ છે. એટલે ગમે તે માણસ વશ થઈ જાય. મારે કોઈને વશ કરવા નથી, છતાં પ્રેમને સહુ કોઈ વશ રહ્યા કરે છે. જેને સાચો પ્રેમ કહેવામાં આવે છે ને, એ જોવા નહીં મળે. પ્રેમ જગતે જોયો નથી. કો'ક ફેરો જ્ઞાની પુરુષ કે ભગવાન હોય ત્યારે પ્રેમ દેખે. પ્રેમમાં વધઘટ ના હોય, અનાસક્તિ હોય. એ જ પ્રેમ, એ જ્ઞાનીઓનો પ્રેમ એ જ પરમાત્મા છે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19