ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19

મા-બાપછોકરાનોવ્યવહાર

(૫)

સમજાવવાથી સુધરે સુપુત્રો ...

છોડને તે વઢીને ઉછેરાય?

પ્રેમથી પાણો પણ પીધળાય!

પ્રશ્નકર્તા : આપણને એમ થતું હોય કે આનું ભલું થાય છે તો એને ટોકટોક કરીએ, તો એ નહીં સારુંને ? કોઈને વઢીએ, ટોકીએ, એનાં સારા માટે તો એ કરવું કે નહીં ?

દાદાશ્રી : ના, એ તો આપણા હાથમાં નહીંને. એ તો ટોકાય, એ કરવા જેવી વસ્તુ નહીં, પણ ટોકાય તે આપણે જોયા કરવાનું. આપણે ના કરવું હોય તો ય થઈ જાય એ તો. ના વઢવું હોય તો ય વઢી જવાય. એટલે એ આપણે જોયા કરવાનું કે આમ ન હોવું ઘટે, એવું આપણે મનમાં અભિપ્રાય રહેવો જોઈએ.

પ્રશ્નકર્તા : હં, કે આમ નહીં કરવું.

દાદાશ્રી : આમ હોવું ઘટે નહીં એવો આપણો અભિપ્રાય ફેર થયો એટલે આપણે છૂટા. આપણી જવાબદારી નહીં પછી.

પ્રશ્નકર્તા : મૌનવ્રત લઈએ તો કેવું ? મૌન લઈએ તો, બોલવું જ નહીં.

દાદાશ્રી : એ મૌન આપણા હાથની વાત નથીને. મૌન થાય તો સારી વાત છે અને ના થાય તો આવી રીતે કરવું.

પ્રશ્નકર્તા : મૌન રાખવાથી સામા માણસમાં ફેર પડે ?

દાદાશ્રી : પડે.

પ્રશ્નકર્તા : વઢવા કરતાં વધારે પડે ?

દાદાશ્રી : હા, ઘણો ફેર પડે, મૌન બહુ કામ કરે.

પ્રશ્નકર્તા : કોઈને શીખવાડવાનું હોય તો પછી મૌનથી કેવી રીતે શીખવાડાય ?

દાદાશ્રી : ના, એ શીખી જવાય, એમ ને એમ આવડે. શીખવાડીને બગડે છે ઉલ્ટું આ તો. અહીં બધું જ્ઞાન છે, આપણે મૌન રહીએને તો એને જ્ઞાન પહોંચી વળે. એ જ્ઞાન છે જ એને, છોકરાઓને ય જ્ઞાન છે, છતાં બોલાય છે તે આપણે જોયા કરવું.

આ કચકચ કર્યા કરતાં મૌન કેળવવું સારું, ના બોલવું સારું. સુધારવા કરતાં બગડે, માટે અક્ષરે ય ન કહેવાય. બગડે એની જવાબદારી આપણી. સમજાય એવી વાત છે આ ?

પ્રશ્નકર્તા : હા, સમજાય એવી વાત છે, દાદા.

દાદાશ્રી : જરા ય છોકરાને કહેવાય નહીં. કારણ કે છોકરું જ્ઞાન લીધેલું નથી અને તરત જ એને લાગે કે અવળું બોલે છે. હું કહું, ત્યારે અવળું બોલે છે એવું ના કહે, હું મારીને કહું તો ય ! કારણ કે એને વિશ્વાસ બેઠો હોય, મારા વાક્યોથી. એ તમારું તો વાક્ય તમને જ સમજણ પડતી ના હોય ત્યાં આગળ ! મફતમાં બાપ થઈને બેઠો !! એટલી મારી વાત સમજાય છે ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : એટલે આ મા-બાપ કહે છે મારાં છોકરાં સુધરે, મૂઆ શેના સુધરે પણ ? અન્કવૉલિફાઈડ ફાધર્સ. છોકરાં વધારે બગડે છે. એનું કારણ એના મા-બાપને લીધે.

આ તો જ્ઞાન લીધા પછી ડાહ્યા થાય થોડા. હવે થોડું ડહાપણ આવે કે ના આવે !

પ્રશ્નકર્તા : હા, આવે દાદા.

દાદાશ્રી : તમે હિસાબ કાઢોને, તમને નાનપણમાં વઢતા હોય કોઈ તો મહીં કશી અસર થતી હતી ? શું થતું હતું ?

પ્રશ્નકર્તા : ખોટું કરીએ છીએ એવું લાગે. મને ખબર પડી જતી કે હું ખોટું કરી રહ્યો છું. બેનો કહે છે કે અમને એવું લાગતું હતું કે આ બધા અમને વગર કામના લઢ લઢ કરે છે.

દાદાશ્રી : હં, બધાને એમ જ લાગે. બહુ લઢે ત્યારે....

પ્રશ્નકર્તા : લાગે, દાદા. એમ લાગે કે મારી ભૂલ છે.

દાદાશ્રી : કો'ક ફેરો લાગે. રોજ એમ કરે તો 'નકામા આ કચકચ કર્યા કરે છે' એમ માને. અને તમારા છોકરાં શું કહે, આ ડબલ કચકચ કરી રહ્યા છે, આ નકામા, યુઝલેસ ! એને પૂછીએ કે તારા ઘરમાં સાત માણસ છે એમાં નંબર, તારા ફાધરનો નંબર ? ત્યારે સેવન્થ નંબર. આ તારું પૂરું કરે છે. ઘરનું બધું કરે છે. એ એનો નંબર ના લાગે. આવું બને કે ના બને ?

પ્રશ્નકર્તા : બને, દાદા.

દાદાશ્રી : એ એવું જ થયેલું.

છોકરાઓ ન્યાયાધીશનું કામ કરે છે. એટલે છોકરાંઓને હું પૂછું, મેં કહ્યું, તારા ઘરમાં કોનો પહેલો નંબર લાગે ? ત્યારે કહે, ઘરમાં સાત માણસ હોય ને, 'મારા મોટાભાઈનો નંબર પહેલો લાગે.' ચાલો, પછી બીજો ? ત્યારે કહે, 'મારી નાની બેનનો.' અને બધાં નંબર કહી આપે. 'પછી તારી મમ્મીનો ?' ત્યારે કહે, મમ્મીનો પાંચમો નંબર. છ જણ હોય તેમાં. 'તેમાં છઠ્ઠો કોનો ? ત્યારે કહે, 'છઠ્ઠો મારો.' 'સાતમો કોનો ?' 'મારા પપ્પાનો.' મેર ગાંડીયા, તારા પપ્પાએ મહેનત કરી અને તારા હારું આખી ઢીંગલી લઈ આવ્યા, ને મૂઆ આવો સાતમો ?! લે ! જજમેન્ટ આપેલું, કહે છે. મેં બધું પૂછી લીધું. છોકરાં બધાંને, ઘણાં ખરાં છોકરાં પપ્પાને છેલ્લો નંબર મૂકે છે. બાપો છોકરા ઉપર રોફ મારે એટલે એમનાં હ્રદયમાં નીકળે નહીં ને, પછી શું થાય ? 'મારાં પપ્પા સાતમો નંબર' બોલે. રોફ રાખીને આબરૂ બગડી, તેનાં કરતાં રોફ ના રાખવો એ શું ખોટું ?

શાથી સાતમો એમ કહે છે ? તમે વધારે ભાવ બગાડતા હોય એની ઉપર, ત્યારે જેટલો ભાવ વધારે બગાડેને એટલો ધક્કો વાગે પેલો. એટલે ગુસ્સો ય ત્યાં કરે. એટલે પેલાને નંબર ઉતરી જાય. પેલા બાપના મનમાં એમ થાય કે હું આટલું ભાવ કરું તો ય મારો નંબર સાતમો આવે ? અલ્યા મૂઆ, આ ન હોય ભાવ તારો. ભાવ તો આ દાદા કરે છે. કશું આપતા નથી, લેતા નથી. તો ય છે તે પેલો કહે છે, 'ના, દાદા સારા છે.' કહે કે ના કહે ? કારણ કે જગત એવું ખોળે છે કે વીતરાગ થાવ. રાગદ્વેષ શેના કરો છો ?

પ્રશ્નકર્તા : છોકરાઓ ઊંધા રસ્તે જાય છે એવું આપણને ખબર પડે, કે આ જે રસ્તે ચાલી રહ્યા છે એ રસ્તો ખરાબ છે અને એમને એ જ રસ્તો ચાલુ રાખવો હોય તો શું કરવું પડે ?

દાદાશ્રી : કકળાટ કરવાથી વધારે બગડ્યા ઉલટાં, જે હતા ને તેના કરતાં ! બહુ કકળાટ કરીએને, તો નાસી જાય ઘરમાંથી. અને નાસી ગયા પછી પેપરમાં છપાવે, 'તું જ્યાં હોય ત્યાંથી પાછો આવજે, અમે તો આમ.... તારી મમ્મી રડે છે, એમ તેમ.' મેર ચક્કર, મૂઆ નાસી ગયેલા ને બોલાવો છો શું કરવા તે !? એ સુધારવાનો રસ્તો છે ?

આ તો સડી ગયું, ત્યારે એમને ખબર પડી કે બગડ્યો, એમને સુધારો. સુધરે એ રસ્તો છે પાછો. છોકરા હજુ સુધરે એવા છે, સરસ છે છોકરાઓ.

પ્રશ્નકર્તા : કેવી રીતે પણ ?

દાદાશ્રી : પણ જ્ઞાન લીધું એ તો સુધરી શકે. પોતાની પ્રકૃતિને કંટ્રોલમાં રાખી શકે આમ ! ના રાખી શકે ?

પ્રશ્નકર્તા : રાખી શકે દાદા.

દાદાશ્રી : એટલે બોલાવીને પછી હાથ ફેરવવાનો. એને પૂછવું, તમને કેવું લાગે છે, આ બરોબર છે ? એની પાસે ન્યાય જ્યારે કરાવીએ ને તો કહે, 'ના, એ બરોબર નથી.' એટલે એને ખાતરી થવી જોઈએ. એને શ્રદ્ધા બેસવી જોઈએ કે 'આ બરોબર નથી.' અને તમે કહેશો તો એનો અહંકાર જાગશે. કારણકે તમારા શબ્દોમાં બરકત નથી. એમાં વચનબળ નથી. એટલે એનો અહંકાર જાગ્રત થશે કે આ ખોટું ખોટું કહ્યા કરે છે. ઉલ્ટો મહીં વિચાર કરે, 'જાવ એમ કરીશ જ !' આપણે કહીએ કે ના કરીશ, ત્યારે એ ભઈ ઉલ્ટું કરે. 'કરીશ, જાવ થાય એ કરો.' એ વધારે બગાડે છે ઉલટાં ! છોકરાઓ ધૂળધાણી કરી નાખે છે. આ ઈન્ડિયનો એને જીવતાં નહીં આવડ્યું ! આ બાપ થતાં આવડ્યું નહીં અને બાપ થઈ બેઠા છે. એટલે જેમ તેમ મારે સમજાવવા પડે છે, પુસ્તકો મારે બહાર પાડવા પડે છે. એટલે આપણું જ્ઞાન લીધેલું છે, એ તો સરસ છોકરાં બનાવી શકે. બેસાડીને, હાથ ફેરવીને એને પૂછ કે 'ભઈ, તને નથી લાગતું આ ભૂલ થઈ એવું !'

પ્રશ્નકર્તા : પણ ત્યાં પેલું બાપપણાનો અહંકાર આગળ આવેને !

દાદાશ્રી : હવે ખરો અહંકાર તો જતો રહ્યો છે, હવે આ મડદાલ અહંકારને શું કરવાનો ?

પ્રશ્નકર્તા : હવે તો બહુ એમ કે બધા અહીંના ધોળિયાં છોકરાઓ જેવાં કપડાં એવાં જ જોઈએ. જીદ કરે અને પછી આપણે લાવી આપવાં જ પડે, અને પછી એવું થાય કે આ છોકરાઓ બગડે છે.

દાદાશ્રી : પેલું ભણવા એની જોડે મોકલ્યા, એટલે એની ઇચ્છા થાય. પણ પછી આપણે એને સમજણ પાડીએ, કે આપણે કોણ ! કંઈ નાતના ! ત્યારે એ પાછો ફરી જાય.

પ્રશ્નકર્તા : એ લોકોને સમજવું જ નથી હોતું.

દાદાશ્રી : બધી તૈયારી હોય છે. હું પૂછી જોઉં છોડીઓને અમેરિકા ભણતી કે 'તમારે અમેરિકન જોડે પૈણવું છે ?' ના, બા. એટલે મન પાછું પડી જાય. ત્યાં પેઠું હોય તો ય. મેં કહ્યું, 'તમારે દક્ષિણ ભારતવાળી જોડે ?' ના. એમ કરતાં કરતા એની જગ્યા ઉપર લાવી દઉં.

પ્રશ્નકર્તા : એ દાદાનો સિદ્ધાંત જબરો છે કે પહેલાં પૂછે કે તમારે અમેરિકન જોડે પરણવું ? તો કે', 'ના.' એમ કહેતાં દાદા છેલ્લે નાત ઉપર લાવીને મૂકી દે છે.

દાદાશ્રી : એટલે આમ રસ્તો ખોળવો જોઈએ. પોતાનું સુધારતા નહીં આવડયું, તો આ બીજાને શું સુધારે તે ?! આ તો પૂર્વજન્મની કમાણીને લીધે બૈરી મળી, નહીં તો બૈરી ય ના મળે. કાયદેસર ગુણાકાર ગણવાના હોય કે આ લાયક છે ભઈ ? ત્યારે કહે, આ તો પૂર્વજન્મની પુણ્યૈ, તે બૈરીને ભાયડો મળે. આ પૂર્વજન્મની પુણ્યૈને લીધે ભેગું થયું બધું. તમને કંઈ નથી લાગતું એવું ?

પ્રશ્નકર્તા : લાગે છે ને !

દાદાશ્રી : કારણ કે મા-બાપે એવા સંસ્કાર આપ્યા નથી તમને બધાને કે જે તમે મા-બાપ થઈ શકો. હવે એ તો બધું થવાનું હતું તે થઈ ગયું. પણ આપણે હવે એ ભૂલ સુધારવીને ! આપણા મા-બાપોને બ્લેઈમ કર્યા કરતાં આપણે સુધારી નાખીએ એ શું ખોટું !

પ્રશ્નકર્તા : બરોબર છે !

દાદાશ્રી : કોઈ પણ વસ્તુને બ્લેઈમ કરવું, એ તો ખોટું જ છે. છોકરાને એક શબ્દે ય બોલાય નહીં. પ્રેમથી રહેવાનું, નહીં તો પેલા સુધરે નહીં, ને ટાઈમ નકામો જાય અને કકળાટ આખો દહાડો ઘરમાં રહ્યા કરે. પાછી ઈન્ડિયન ફીલોસોફી કેવી હોય છે, એક જણ વઢવા તૈયાર થાય ત્યારે પેલો ઉપરાણું લે. એટલે પેલું સુધરતું હોય તો ય સુધરવાનું તો કંઈ ગયું, છોકરો એમ જાણે કે 'મમ્મી સારી છે અને પપ્પા ખરાબ છે. મારીશ મોટો થઈશ ત્યારે.' તે એવું નક્કી કરે પાછું, મહીં શું નક્કી કરે ?

પ્રશ્નકર્તા : તે વખતે કોનો વાંક કહેવાય. દાદા ?

દાદાશ્રી : ભોગવે એનો. એના ફાધરનો જ ને ! વાંક તો પૂછવાનો વખત જ ના આવે એવું રાખ્યું છે કે નહીં ?

પ્રશ્નકર્તા : હા, બરાબર. 'ભોગવે એની ભૂલ'. એ છોકરાંઓ, મા અને બાપમાંથી, ધારો કે એમને ખબર પડી કે મા આપણું સાંભળે છે, આપણને જે જોઈએ છે, કરીએ છે, તે મા તરફથી આપણને મળી જાય છે. એટલે છોકરાઓ પછી સાયકોલોજી 'રીડ'(વાંચીને) કરીને માને હાથમાં રાખે, મીઠું, મીઠું બોલીને પોતાનું કામ કઢાવે. તો માને પેલી ખબર ના પડતી હોય, બાપને ખબર પડે.

દાદાશ્રી : એવું બને. છોકરાઓ મમ્મીને સમજાવીને કામ કાઢી લે. એક છોકરો એના ભઈબંધને કહેતો હતો, કે મારી મમ્મીને સમજાવીને હું લઈ આવીશ. ના, છોકરો મમ્મીને સમજાવે ત્યાંથી ના સમજીએ કે મમ્મી થવા લાયક છે કે નહીં ?

પ્રશ્નકર્તા : દાદા, છોકરાઓ આપસ આપસમાં કહેતા જ હોય છે, એ તો હું મમ્મીને કહીને કરી લઈશ, બધું થઈ જશે. મમ્મી મારા પપ્પાને પટાવી દેશે.

દાદાશ્રી : શું થાય હવે ? આને કંઈ કાઢી મેલાય અહીં આવ્યા છે તો !

પ્રશ્નકર્તા : હું આવું જ કરતો હતો. કે મારે બહાર જવું હોય અને હું બહાર જતો હોઉં, તો હું પૂછું કે હું જઉં બહાર ? તો એ લોકો ના પાડી દે તરત જ. એટલે પછી હું શું કરું કે હું એમ કહું કે હું બહાર જઉં છું. એટલે પેલા પૂછે તો કેટલા વાગે આવીશ પાછો ? એટલે આવી સાયકોલોજી હું બહુ વાપરતો.

દાદાશ્રી : છોકરાં મૂર્ખ બનાવે છે. બાપને બાપ થતાં... મા-બાપ થતાં ના આવડ્યું ત્યારે જ ને ! હિન્દુસ્તાનના છોકરાઓ કેવા ડાહ્યા હોય ! આવું ને આવું રાખશો કે સુધારશો ?

પ્રશ્નકર્તા : સુધારવાનું.

દાદાશ્રી : તમારે કંઈ છોકરા છે ? કેટલાં છોકરાં છે ?

પ્રશ્નકર્તા : બે. એક છોકરો ને એક છોકરી.

દાદાશ્રી : બે જ આખી વસ્તી ! તે એમાં તો શું મોટી નિશાળ છે તે તને શીખવાડવાનું ! એ તો છોકરા રમતાં રમતાં શીખે.

પ્રશ્નકર્તા : દાદા, પહેલાં પાછલા જમાનામાં તો દસ-દસ છોકરાં હતાં ને, તો મા-બાપની જોડે કંઈ ખટપટ ન્હોતી, આ તો એક હોયને તો ઉપાધિ મોટી.

દાદાશ્રી : અરે, દસ-દસ ને બાર-બાર ! એ પડોશી કહે કે તમારા કુરકુરિયાં બધાં અમારા ઘરમાં પેસી જાય છે. પાછા કો'કને ત્યાં વધારે હોય તો આપણે પૂછીએ આટલા બધા છોકરાં એક બઈને જન્મ્યા ? ના, આગળ તેના ત્રણ હતા, આના બીજા અગિયાર. જો ત્યારે કુરકુરિયાં કેટલાં બધાં છે !

તમારે તો બે જ છે ! એ ય સુધારતાં ના આવડયું તમને ? બેન તને ય સુધારતાં ના આવડ્યું ? આપણને સુધારતાં ના આવડે તો એને બગાડવા કરતાં હોસ્ટેલમાં મૂકી દેવું.

છોકરાં બગડી જાય પછી છોકરાં સુધારો, એનો શો અર્થ છે ? તમારે કશું સુધારવા માટે વઢવાનું નહીં. છોકરાને વઢવાનું હોતું હશે ? આ છોડવાને વઢીએ બહાર ?! કેમ સારાં થતાં નથી ? પરમ દહાડે ફૂલ હતું ને આજે કેમ ના આવ્યું ? વઢવા કરવાનું છોકરાને નહીં. છોકરાને તો આપણે કરી બતાવો. એ શું કહે છે ? કશું કરી બતાવો.

આત્મજ્ઞાન સાથે ખપે વ્યવહાર જ્ઞાન!

શાંતિ માટે બન્યું તે વ્યવસ્થિત જાણ!

આ જ્ઞાન જ બધું કામ કરે, બીજું કોઈ કરતું નથી. જ્ઞાન જ કામ કરે. જ્ઞાન જ જાણવાની જરૂર છે. પેલુ જ્ઞાન તો મળી ગયું. 'હું કોણ છું ?' એ જ્ઞાન તો મળી ગયું. પણ જો આ વ્યવહારિક જ્ઞાનનું જો બધું જાણવાનું મળે પછી ડખો રહે નહીં કોઈ જાતનો.

બધા સંજોગો ભેગા થઈને બાબો એક કાર્ય કરતો હોય ત્યાં આપણે એની ઉપર ચિઢાયા કરીએ, એને ધીબ ધીબ કરીએ, એનો શું મિનીંગ છે તે ?! કારણ કે ગયા અવતારમાં પુરુષાર્થ કર્યો હોય, તે અવળો કર્યો હોય તેને લઈને આ પરિણામ આવ્યા. તેને આપણે કહેવાય કે કેમ આ બગાડ્યું ? ના, અત્યારે ભાવ બગડ્યા હોય એવું કર્યું હોય તેને એમ કહેવાય કે ભઈ, તમે આ ફેરવી નાખો. પણ આ પરિણામ કંઈ ફેરવાય ?! તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : ના ફેરવાય.

દાદાશ્રી : એટલે એને ફેરવવા જાય છે, પણ કશું સુધરતું નથી. એટલે મા-બાપને અસંતોષ રહ્યા કરે છે એટલે આ એનો ભેદ સમજી અને પછી ઊકેલ લાવવો જોઈએ. આપણે સમજીએ કે આ એ ય સંજોગોમાં છે, આપણા હાથમાં નથી કશું સરકમસ્ટેન્શિયલ એવિડન્સમાં આવે તો તેમ પાછું એવું માનીએ ના લેશો. એ જો માની લેશો તો એ તરફી તમારું મન થઈ જશે. એવું નહીં હું કહેતો. તમારે આ તરફી રહેવું અને પેલી તરફનું જાણવું બેઉં કરવું. સમજાયું ને ? કે અમથા હા એ હા કરો છો ?

પ્રશ્નકર્તા : ના, સમજાય છે.

દાદાશ્રી : ઇગોઈઝમ હોય જ. કાં તો જ્ઞાન લીધેલું હોય, તો પેલો જીવતો ઈગોઈઝમ ના હોય. પણ પેલો મડદાલ તો હોય જ ને ! એ અહંકાર ભગ્ન તો કરાય જ નહીં, તેમ એને ખોટું એન્કરેજે ના કરાય ! કારણ કે કો'ક ફેરો કાચા પડી જાવ પણ ખોટું ને એકંદરે એવું ન જ થવું જોઈએ ને ! માટે તમારે બાળકોનું સાચવવાનું. આ બે જ છે ને ! બીજા તો પારકાં હોય. એ જોખમદારી પારકાંની. આપણે તો ખવડાવીએ- પીવડાવીએ આ બેની જોખમદારી આપણી. હવે આમનું ના સાચવીએ તો હું ય તમને કહું, અને લોકો ય કહેવા આવે કે આ છોકરાનું જોતાં નથી, તમને લાગતું-વળગતું, તેની આ ભાંજગડ હોય.

અને આ વાત તમને બહુ હેલ્પફુલ થઈ પડશે. સમજ પડીને ? તમે એક જ વાત કરો. આ સુધરવું જોઈએ, સુધરવું જોઈએ. અલ્યા, લોક સુધરે નહીં. આવી રીતે સુધારાતું હશે ? બધાને કાચની પેઠે સાચવું છું. કારણ કે તમે તો એવી ભૂલચૂક કરી દો, પણ મારાથી કેમ ભૂલચૂક થાય ? તમને સાચવતો હોઈશ કે નહીં સાચવતો હોઈશ ? તમને સાચવું કે ના સાચવું ? સાચવું. ફસાયેલો છે છોકરો, એને સંજોગો બરોબર આમ ચુસ્ત છે. એટલે શું કહેવાનું, કે ભઈ એને સમજાવીને. આમ તેમ એના ભાવ છે તે બદલ બદલ કર્યા કરવાના.

એને નહીં તો આપણે શું કહીશું, કે તું આ છોડી દે, છોડી દે ! એટલે બહુ કહીએ ને ત્યાર પછી શું કહે મનમાં ? મોઢે કહે કે 'હા, છોડી દઈશ.' પણ અંદર કહે, 'હું વધારે કરીશ.' લ્યો ! બહુ છંછેડ છંછેડ કરીએ એટલે શું થાય ? કેમ બોલતા નથી ?

પ્રશ્નકર્તા : વધારે કરે.

દાદાશ્રી : હં, એ હદ ના ચૂકો, એમને ય ઈગોઈઝમ હોય છે. એ કંઈ ઈગોઈઝમ વગર રહે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો સામાનો ઈગોઈઝમ તોડીએ, તે ઘડીએ તે પોતાની જાતને સટ્ટામાં મૂકી દે. જે થવાનું હશે એ થશે, પણ કરવાનો જ કહેશે. આવું ના કરો. એને સાચવો, એના ઈગોઈઝમને સાચવો, હું કાચની પેઠે સાચવું છું.

ખીલે ગુલશન, તું જો બને માળી!

ગાડી ઊંધે પાટે, લે પ્રેમથી વાળી!

પ્રશ્નકર્તા : છતાં છોકરાં વાંકા ચાલે તો શું કરવું ?

દાદાશ્રી : છોકરાં વાંકે રસ્તે જાય, તો ય આપણે એને જોયા કરવું ને જાણ્યા કરવું. અને મનમાં ભાવ નક્કી કરવો, અને પ્રભુને પ્રાર્થના કરવી કે આના પર કૃપા કરો.

'રિલેટિવ' સમજી ઉપલક રહેવું ! છોકરાંને તો નવ મહિના પેટમાં રાખવાનાં. પછી ચલાવવાનાં, ફેરવવાનાં, નાનાં હોય ત્યાં સુધી. પછી છોડી દેવાનાં. આ ગાયો-ભેંસો ય છોડી દે છે ને ? છોકરાંને પાંચ વર્ષ સુધી ટોકવા પડે, પછી ટોકાય પણ નહીં અને વીસ વરસ પછી તો એની બૈરી જ એને સુધારે. આપણે સુધારવાનું ના હોય.

એક ફેરો મનમાં વિખવાદ પડી ગયો પછી એની લિન્ક ચાલુ થઈ જાય, પછી મનમાં એના માટે ગ્રહ બંધાઈ જાય કે આ માણસ આવો છે. સામાને વિશ્વાસમાં લેવા જેવું છે. આ બોલ બોલ કરવાથી કોઈનું સુધરે નહીં. સુધરવાનું તો 'જ્ઞાની પુરુષ'ની વાણીથી સુધરે. છોકરાં માટે તો મા-બાપની જોખમદારી છે. આપણે ના બોલીએ તો ના ચાલે ? ચાલે. એટલે ભગવાને કહ્યું છે કે જીવતાં જ મરેલાની જેમ રહે. બગડેલું સુધરી શકે છે. બગડેલાને સુધારવું એ 'અમારાથી' થઈ શકે, તમારે ના કરવું. તમારે અમારી આજ્ઞા પ્રમાણે ચાલવું. એ તો જે સુધરેલો હોય તે જ બીજાને સુધારી શકે ? પોતે જ સુધર્યા ના હોય તે બીજાને શી રીતે સુધારી શકે ?

છોકરાંને સુધારવા હોય તો આ અમારી આજ્ઞા પ્રમાણે ચાલો. છોકરાં પૂછે તો જ બોલવાનું અને તે પણ તેમને કહી દેવાનું કે મને ના પૂછો તો સારું અને છોકરાં માટે અવળો વિચાર આવે તો તેનું તરત જ પ્રતિક્રમણ કરી નાખવું.

કોઈને સુધારવાની શક્તિ આ કાળમાં ખલાસ થઈ ગઈ છે. માટે સુધારવાની આશા છોડી દો. કારણ કે મન-વચન-કાયાની એકાત્મવૃત્તિ હોય તો જ સામો સુધરી શકે. મનમાં જેવું હોય તેવું વાણીમાં નીકળે ને તેવું જ વર્તનમાં હોય તો જ સામો સુધરે. અત્યારે એવું છે નહીં. ઘરમાં દરેકની જોડે કેવું વલણ રાખવું તેની 'નોર્માલિટી' લાવી નાખો. આચાર, વિચાર ને ઉચ્ચારમાં સવળો ફેરફાર થતો જાય, તો પોતે પરમાત્મા થઈ શકે છે ને અવળો ફેરફાર થાય તો રાક્ષસ પણ થઈ શકે છે.

લોકો સામાને સુધારવા માટે બધું ફ્રેકચર કરી નાખે છે. પહેલાં પોતે સુધરે તે બીજાને સુધારી શકે. પણ પોતે સુધર્યા વગર સામો કેમનો સુધરે ? માટે પહેલાં તમારા પોતાના બગીચાનું સંભાળો પછી બીજાનું જોવા જાવ. તમારું સંભાળશો તો જ ફળ-ફૂલ મળશે.

એટલે છોકરાં સુધારવા માટે પોતાને સુધરવાની જરૂર છે. ભગવાને કહ્યું, 'તું સુધર તો તારી હાજરીથી બધું સુધરશે !'

તમારે સુધરીને બેસવું પડશે, તો સુધરશે જગત. તમારે સુધરવું ના હોય તો જગત કેમ સુધરશે ! તમને કેમ લાગે છે ? આપણે સુધર્યા હોય તો સુધારી શકીએને !

સુધરેલો કોને કહેવાય ?

વઢે તો પણ પ્રેમ દેખાય !

પ્રશ્નકર્તા : સુધરેલાની વ્યાખ્યા શું ?

દાદાશ્રી : સામા માણસને તમે વઢો તો ય એને એમાં પ્રેમ દેખાય. તમે ઠપકો આપો તો ય એને તમારામાં પ્રેમ દેખાય કે 'ઓહોહો ! મારા ફાધરનો મારા પર કેટલો બધો પ્રેમ છે !' ઠપકો આપો, પણ પ્રેમથી આપો તો સુધરે. આ કોલેજોમાં જો પ્રોફેસરો ઠપકો આપવા જાય તો પ્રોફેસરોને બધા મારે !

સામો સુધરે એ માટે આપણા પ્રયત્નો રહેવા જોઈએ, પણ જે પ્રયત્નો 'રિએક્શનરી' હોય એવા પ્રયત્નોમાં ના પડવું. આપણે એને ટૈડકાવીએ ને એને ખરાબ લાગે એ પ્રયત્ન ના કહેવાય. પ્રયત્ન અંદર કરવા જોઈએ, સૂક્ષ્મ રીતે ! સ્થૂળ રીતે જો આપણને ના ફાવતું હોય તો સૂક્ષ્મ રીતે પ્રયત્નો કરવા જોઈએ. વધારે ઠપકો ના આપવો હોય તો થોડાકમાં કહી દેવું જોઈએ કે, 'આપણને આ શોભે નહીં.' બસ આટલું જ કહીને બંધ રાખવું. કહેવું તો પડે, પણ કહેવાની રીત હોય.

ગયા અવતારના છોકરાં કેટલાં છે ? બોલતાં નથી ? દરેક અવતારે છોકરાં મૂકીને આવ્યા છે. ગયા અવતારનાં છોકરાં જોડે... સુધારવા માટે પ્રયત્ન કરતા'તા. અને હવે આ અવતારમાં ય એવું જ કરો છો. કોઈ સુધર્યો ? એકું ય છોકરો સુધર્યો નહીં. અને તે આચરણમાં હોવું જોઈએ પોતાના. પોતાના આચરણમાં હોય તો એની મેળે સુધરી જાય.

છોકરાં સુધરે, કરો સારા ભાવ;

વિફરે પ્રકૃતિ જો કરો દબાવ!

પ્રશ્નકર્તા : આપણે ઈચ્છીએ કે એ લોકો સુધરે, સમાજને ઉપયોગી થાય.

દાદાશ્રી : સુધારવા માટે આપણી દશા બહુ ઊંચી જોઈએ, ત્યારે માણસ સુધરે !

ખોટ જાય છે, એ તો જાય છે જ. હવે જવા માંડી છે તો એમાં કેટલી અટકે છે એ કર તું. અને સુધારી શકાય છે, બધું કરી શકાય છે. આ તો પોતાને ધંધા કરવા છે, લાખો કમાવવા છે અને ઘર તરફ દુર્લક્ષ સેવવું છે. ત્યારે છોડી જતી જ રહેને પછી બીજું શું થાય ?! છોડીઓ પાછળ, છોકરા પાછળ તો ધ્યાન આપવું જોઈએ. સંસ્કાર આપણે આપવાના છે.

છોકરાઓ સુધારો, આ બધું સુધારો, એકસ્ટેન્શન મળવાનું નથી. તો શા માટે હાય, હાય, હાય કરવાની જરૂર અને વર્ષો જશે ને, ગમે તેમ દર્દો ફરી વળશે પાછાં. પેલો કહેશે, મને પ્રેશર થયું છે. પેલો કહેશે, મને આમ થયું છે. પેલો કહેશે, મને સુગર જાય છે. આ બધાં દર્દો.... એટલે એમાં સારું કંઈ એવું કરી લો કે જેથી સુગંધી મહીં હોય. દા'ડે દા'ડે વધે, ના વધે ? ફેરફાર થાય કે ના થાય કંઈ ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : આગલે દહાડે છોકરાંને એમ કહીએ છીએ કે ભઈ, જો કાલે દિવાળી છે, બેસતું વર્ષ છે. કાકા જોડે આપણે બોલતા નથી, પણ કાલે 'જે જે' કરી આવજે. તે એવું આપણે આગલે દહાડે વાત કરીએ છીએ કે નથી કરતાં ? તો બીજે દહાડે એ પ્રમાણે થાય છે. 'જે જે' કરી આવીએ છીએ ને તે દહાડે કષાય કશું દેખાતા નથી. આખો દહાડો કેવો સારો જાય છે, લૂંગડાં સારાં પહેરવાનાં મળે છે, સારું ખાવાનું મળે છે, લોકો માન આપે છે. આ તો એક જ દહાડો દિવાળીએ આપણે નક્કી કરીએ છીએ, તો પછી એવું કાયમને માટે નક્કી કરે તો ? પણ આ તો કહેશે કે, બસ કાળ જ ખરાબ છે. અલ્યા, તું જ નક્કી કરને ! આપણે એવું કહીએ કે દિવાળી ખરાબ છે, દિવાળી ખરાબ છે. એટલે પછી દિવાળી ખરાબ જ થાય ને ? પણ આપણા લોકોને તો 'એય, આજે દિવાળી છે હો !' તે લોકોની લઢવાડો ય પાછી તે દહાડે બંધ થઈ જાય છે, ને કાકા જોડે ના બોલતા હોય પણ તે દહાડે વાતચીત ચાલુ થઈ જાય છે. એવું નથી બનતું ? અને દિવાળીનો એક દહાડો નક્કી કર્યું, તે એના પડઘા તો ચાર દહાડા સુધી પડ્યા કરે છે, પાંચમ સુધી તો જ્યાં જઈએ ત્યાં સારું ખાવાનું મળે, કપડાં ય તે દહાડે તો સારા ઈસ્ત્રીબંધ હોય. એટલે કાળને શું કરવા દોષ દો છો ? કાળને તો નક્કી કરી ફેરવો. આપણ્

ો એમ નક્કી કરીએ છીએ કે ભઈ કાલે આપણે માથેરાન ચાલો, તો જવાય છે કે નથી જવાતું ? બધાએ નક્કી કર્યું હોય તો સવારમાં બધું ભેગું થઈ જાય છે ને ? એટલે કાળને નહીં, પોતાના પરિણામને જોવાનાં છે.

આપણે છોકરાઓ માટે ભાવ કર્યા કરવા કે છોકરાની બુધ્ધિ સવળી કરો. એમ કરતાં કરતાં બહુ દહાડા થાય ને, અસર પડ્યા વગર રહેતી નથી. એ તો ધીમે ધીમે સમજશે. તમારે ભાવના કર્યા કરવી. એમની ખેંચ કરશો તો અવળાં ચાલશે. બાકી સંસાર નભાવી લેવા જેવો છે જેમ તેમ કરીને.

પ્રશ્નકર્તા : અને ફરજિયાત છે ને, સંસાર તો ?

દાદાશ્રી : છૂટકો જ નથી ને ! અવળું કરીએ તો સામો થઈ જાય, માર મારે હઉં. ભાન જ નથી ને ! છોકરાંને કશું ભાન નથી. મારે શું થાય ને શું નહિ એવું ભાન જ નથી, સંસ્કાર નથી. તેનાં કરતાં સીધેસીધું જેમ તેમ પતાવી લેવું આપણે. પાંચ-પચાસ વર્ષનો એની જોડે મેળાપ. એટલે કોઈ બાપ તમને કહેતો હોય ને, તો એને કહેવું કે પતાવી દેજો.

દારૂડીયો દીકરો, છતાં ન કિંચિત્ દ્વેષ;

પ્રેમથી વળે, ને હિસાબે શૂન્ય શેષ!

છોકરો તમને દુઃખ દેતો હોય ને, દારૂ પીને આવીને, તો તમે મને કહો કે આ છોકરો મને બહુ દુઃખ દે. હું કહું કે ભૂલ તમારી છે. માટે શાંતિપૂર્વક ભોગવી લો છાનામાના, ભાવ બગાડ્યા સિવાય. આ મહાવીરનો કાયદો અને જગતનો કાયદો જુદો છે. જગતમાં લોક કહેશે કે 'છોકરાની ભૂલ છે' એવું કહેનારા તમને મળી આવશે. અને તમે બહુ ટાઈટ થઈ જશો કે 'ઓહોહો ! છોકરાની ભૂલ જ છે. આ મારી સમજણ સાચી છે.' મોટા સમજણવાળા ! ભગવાન કહે છે, 'તારી ભૂલ છે.'

પ્રશ્નકર્તા : તો પછી છોકરાને સમજણ આપવી, એને સુધારવો કે નહીં ?

દાદાશ્રી : વળી સુધારનારા હોત તો સુધર્યો ના હોત ! એ આવો થઈ જાત ક્યાંથી તે ?! સુધારનારના છોકરા તે કેવાં ડાહ્યાં હોય !

પ્રશ્નકર્તા : એ એના આવાં કર્મના ઉદયથી આવો થઈ ગયો છોકરો, તો એને સુધારવાના ભાવ કરવા જોઈએ કે નહીં ?

દાદાશ્રી : ભાવ કરવા જોઈએ. બધાને તો ભાવ હોય જ, એના મા-બાપને હોય જ ભાવ. પણ રસ્તો ના જાણતો હોય. રસ્તો જાણ્યા વગરના ભાવ શું કરવાના તે ! જ્ઞાન જાણ્યા સિવાયનો ભાવ કરવાનો શું તે !

પ્રશ્નકર્તા : છોકરો વધારે બગડે નહીં એવી રીતના એને સુધારવો, એવું આપણે કરવું જોઈએ કે નહીં ? એવી ભાવના રાખવી જોઈએ ?

દાદાશ્રી : બધું કરવું જોઈએ. પણ એ ફળદાયી હોવું જોઈએ. નહીં તો ઉલટો વધારે બગાડે. એટલે સુધારવાની આવડત હોવી જોઈએ કે ના હોવી જોઈએ ? અને સુધારવાની આવડતવાળાને ત્યાં બગડે જ નહીં છોકરાં.

પ્રશ્નકર્તા : જે વખતે બગડતો હતો, તે ઘડીએ સુધારવાની એ આવડત નહોતી.

દાદાશ્રી : આપણને આવડત જો આવી હોય તો સુધારવો. નહીં તો સુધારવા વધારે બગડે એવું ન કરવું. આપણે એને સુધારતાં જઈએ, અને એ રાઈફલ લઈને ફરી વળે આપણને, એવું ન કરવું જોઈએ.

પ્રશ્નકર્તા : એટલે સુધારવા માટેની ભાવના, પ્રયત્નો કરવા જોઈએ ખરાં ?

દાદાશ્રી : પ્રયત્ન કરવા જોઈએ, પણ પ્રયત્ન એને નુકશાન કરે એવા ન હોવા જોઈએ. એને હેલ્પ થાય એવા કરવાં જોઈએ. ત્યાં એ પ્રયત્નમાં સમતા રાખવી બહુ મુશ્કેલ છે, સમતા રાખવી જોઈએ.

અમે તો માથે હાથ ફેરવીને કહીએ કે ભઈ, આ ના થવું જોઈએ. પ્રેમથી કહીએ, અમને દ્વેષ ના હોય એની પર અને તમારામાં દ્વેષ હોય જ એને માટે, આ ખરાબ છે એટલે. પણ એ દ્વેષ કાઢી નાખીને જો કરો તો કામ થાય. દ્વેષની ઉલટી કરી નાખવી જોઈએ.

દાદા ગ્રેટેસ્ટ ડૉકટર ઑફ માઈન્ડ!

દરેક દર્દી પર સરખા કાઈન્ડ!

એક ભાઈ આવેલા. તે કહે કે એક છોકરો આમ કરે છે ને બીજો તેમ કરે છે, એમને શી રીતે સુધારવા ? મેં કહ્યું, 'તમે એવા છોકરા શું કરવા લાવ્યા ? છોકરા સારા વીણીને આપણે ના લઈએ ?' આ હાફૂસની કેરીઓ બધી એક જાતની હોય છે તે બધી મીઠી જોઈને, ચાખી કરીને બધી લાવીએ. પણ તમે બે ખાટી લાવ્યા, બે ઊતરેલી લાવ્યા, તૂરી લાવ્યા, બે ગળી લાવ્યા, પછી એના રસમાં બરકત આવે ખરી ? પછી વઢંવઢા કરીએ એનો શો અર્થ ? આપણે ખાટી કેરી લાવ્યા પછી ખાટીને ખાટી જાણવી તેનું નામ જ્ઞાન. આપણને ખાટો સ્વાદ આવ્યો તે જોયા કરવાનું. આ પ્રકૃતિને જોયા કરવાની છે. કોઈના હાથમાં સત્તા નથી. અવસ્થા માત્ર કુદરતી રચના છે. આમાં કોઈનું કશું ચાલે નહીં, ફેરફાર થાય નહીં ને પાછું 'વ્યવસ્થિત' છે.

કેરી ખરાબ નીકળે તો આપણે નાખી દઈએ, મૂઆ પાંચ ડોલર બગડ્યા આપણા. પણ ધણી ખરાબ નીકળે તો શું કરાય, કંઈ નાખી દેવાય ?

પ્રશ્નકર્તા : છોકરાઓને કહીએ તમે સાચવીને ચાલો, બધી બાબતમાં તો એ લોકોને ગમે નહીં એટલું જ, બીજું કંઈ નથી. જરૂરિયાત તો બધી એ લોકોને મળે છે. 'પૈસાનો સદુપયોગ કરો' એમ કહીએ અમે.

દાદાશ્રી : હા. એ બરાબર છે. પણ અત્યારે આપણી પાસે એવું છે ને કે એ કહેવાથી જો કદી રીપેર ન થતું હોય તો બીજી કંઈ દવા કરીને પણ રીપેર કરવું પડે.

પ્રશ્નકર્તા : ને આ ઓટોમેટિક જ થઈ ગઈ.

દાદાશ્રી : ના, ના. એ તો રીપેરનું મને સોંપો તો હું કરી આપું. તમે રીપેર કરો તો વધારે બગડે.

પ્રશ્નકર્તા : હા, તમને જ સોંપીએ. અમારાથી નહીં થાય.

દાદાશ્રી : હં. એટલે અમે રીપેર કરી આપીએ તો રાગે પડી જાય. કારણ કે અમે ડૉકટર કહેવાઈએ, ડૉકટર ઓફ માઈન્ડ. બેબીને રીપેર કરી આપી. હવે પૈસા નહીં બગાડે. પહેલા તો પૈસા એને આપીએ તો સારા કામમાં વાપરે નહીં અને ધૂળધાણી કરી નાખે અને હવે તો અમારી પાસે આવે તો શેમાં તું વાપરું ?

પ્રશ્નકર્તા : તમને મળવા માટે.

દાદાશ્રી : હા. સારા કામમાં વાપરી દઉં, નહીં ! હવે પેલા કામમાં ના વાપરું. એવું તો રીપેર અમે કરીએ છીએ. બેબી પૈસા નહીં બગાડે એ ખાતરી હવે.

સોળ વર્ષે છોકરાંને રાખે, ફ્રેન્ડ તરીકે;

ઉપરીપણું નહિ, તો બગડે ન જરાં કે!

પ્રશ્નકર્તા : મા-બાપ અને છોકરાંઓ વચ્ચે કેવું રીલેશન હોવું જોઈએ ? એ લોકોની લાઈફમાં આપણે કેટલે સુધી ઇન્ટરફીયર થવું જોઈએ ? કઈ ઉંમર સુધી અને કેવી રીતે !

દાદાશ્રી : સોળ વર્ષ પછી આપણાં ફ્રેન્ડ તરીકે ગણવો જોઈએ. મા-બાપના હક્કો છોડી દેવા પડે ! અને પછી ફ્રેન્ડ તરીકે રહેવું જોઈએ.

પ્રશ્નકર્તા : સોળ વર્ષ પછી છોકરું કંઈ ખરાબ કામ કરતું હોય, જેમાં એને હાર્મ (નુકશાન) થવાનું હોય તો આપણે એે રોકવું ?

દાદાશ્રી : ફ્રેન્ડ એટલે ફ્રેન્ડ, એઝ એ ફ્રેન્ડ તરીકે રોકવાનું. તો વાંધો નહીં આવે. ફાધર બનીને કહેશો તો થોડો વાંધો આવશે.

પ્રશ્નકર્તા : ફ્રેન્ડ તરીકે રોકવાની કોશીષ કરીએ અને ના માને તો એને કરવા દેવું ખોટું ?

દાદાશ્રી : તો પછી એને કરવા દેવાનું, એ તો ચાલ્યા જ કરવાનું. નહીં તો આપણે એને જો કદી માર મારીશું, તો સામો થશે અગર એ કાર્ય ગુપ્ત રાખે, છાનું રાખશે. એને સમજ પાડવી જોઈએ ફ્રેન્ડ તરીકે કે આમાં શું ફાયદો ? આમાં જેલ થાય, એવું બધું થાય એવી સમજ પાડવી જોઈએ ફ્રેન્ડ તરીકે, ફાધર-મધર તરીકે નહીં. ફાધર-મધરનો ફોર્સ હોય છે. એ ફોર્સ ના હોવો જોઈએ.

પ્રશ્નકર્તા : જેમ ગાંધીજી પાસે એમની બાએ પ્રોમીસ લીધું હતું કે 'હું દારૂ નહીં પીઉં, માંસ નહીં ખાઉં.' એવી રીતે આપણે આપણા છોકરાઓને કહીએ કે તું કોલેજ જાય છે, તો મને પ્રોમીસ આપ કે હું હવે દારૂ નહીં પીઉં, માંસ નહીં ખાઉં કોઈ દિવસ. તો છોકરો ના પાડે કે હું એવું પ્રોમીસ નહીં આપું, ત્યારે આપણે શું કરવું ? આપણને દુઃખ થાય એવું કરે છે !

દાદાશ્રી : છોકરો ના પાડે એટલે આપણે કહેવાનું બંધ કરી દેવાનું. આપણે શું લેવાદેવા છોકરા જોડે ? એક કલાક આવડી આવડી ગાળો ભાંડે તો શું થાય ?

પ્રશ્નકર્તા : જતાં રહે.

દાદાશ્રી : આપણે બોલ્યા નથી ત્યાં સુધી એ ફ્રેન્ડ જેવો રહે.

પ્રશ્નકર્તા : તો એને પૈસા આપવાનું, કોલેજની ફી આપવાની બધું બંધ કરી દેવાનું ?

દાદાશ્રી : ના. એ તો ફરજિયાત છે, એ ગાળો ભાંડે તો ય આપવું પડે. ઇટ ઇઝ એ ડ્યુટી, ડ્યુટી બાઉન્ડ, યુ આર ડ્યુટી બાઉન્ડ. એ ગાળો ભાંડે તો ય આપવા પડે. તમે ફ્રેન્ડશીપ કરશો તો સુધરશે. ફ્રેન્ડશીપ હશે તે છોકરા સુધરશે. બાકી ફાધર-મધર તરીકે રહો છો, રોફ પાડવા જાવ છો, એ જોખમ છે બધું ! ફ્રેન્ડશીપ તરીકે રહેવું જોઈએ અને બહાર ફ્રેન્ડ ખોળે જ નહીં, એ રીતે રહેવું જોઈએ. આ ફ્રેન્ડ તો એ... પાના રમવા જોઈએ, બધું જ એની જોડે કરવું જોઈએ ! તું આવ્યા પછી અમે ચા પીશું, એવું કહેવું જોઈએ. આપણે બધાએ સાથે ચા પીવાની. 'યોર ફ્રેન્ડ' હોય એ રીતે વર્તવું જોઈએ તો એ છોકરા તમારાં રહેશે. નહીં તો છોકરાં તમારાં-કોઈ છોકરું કોઈનું થાય જ નહીં. કોઈ મરી ગયો, એની પાછળ છોકરો મરી ગયો ? બધા ય ઘેર આવીને નાસ્તો કરે, આ છોકરાં એ છોકરા છે નહીં. આ તો ખાલી કુદરતી નિયમને આધારે દેખાય છે એટલું જ. 'યોર ફ્રેન્ડ' તરીકે રહેવું જોઈએ. પહેલાં ફ્રેન્ડ તરીકે તમે નક્કી કરો તો રહી શકાય. જેમ ફ્રેન્ડને રીસ ચડે એવું બોલતા નથી. એ અવળું કરતો હોય તો આપણે ફ્રેન્ડને સમજાવીએ કેટલું ? એ માને ત્યાં સુધી. ના માને તો આપણે પછી કહીએ, તારી મરજીની વાત ! અને મનમાં ફ્રેન્ડ થવા માટે પહેલું શું કરવું પડે ? બાહ્

ય વ્યવહારમાં

હું એનો ફાધર છું, પણ અંદરખાને મનમાં આપણે માનવું કે હું એનો છોકરો છું. ત્યારે ફ્રેન્ડશીપ થાય, નહીં તો થાય નહીં ! ફાધર ફ્રેન્ડ કેવી રીતે થાય ? ત્યારે કહે, લેવલ લઈએ ત્યારે. લેવલ કેવી રીતે લેવાય ? ત્યારે કહે, એના મનમાં એવું માને કે હું આનો છોકરો થઉં છું, એનું કહે તો કામ થઈ જાય. કેટલાક લોકો કહે છે ને કામ થઈ ય જાય છે !

પ્રશ્નકર્તા : આપે કહ્યું ને સોળ વર્ષ પછી એના ફ્રેન્ડ થવાનું, પણ સોળ વર્ષ પહેલાં પણ ફ્રેન્ડશીપ જ રાખવાની !

દાદાશ્રી : એ તો બહુ સારું. પણ દશ-અગિયાર વર્ષ સુધી તો આપણે ફ્રેન્ડશીપ રખાય નહીં. ત્યાં સુધી ભૂલચૂક થાય. એટલે એને સમજણ પાડવી જોઈએ. એકાદ ધોલ મારવી ય પડે દશ-અગિયાર વર્ષ સુધી. એ બાપની મૂછો ખેંચતો હોય તો ધોલ મારવી પડે. બાપ થવા ગયેલાને, એ માર ખઈને મરી ગયેલા. આ ગાયો-ભેંસોએ બાપ ના થાય. બાર મહિના પછી ફ્રેન્ડશીપ ! વાછરડું નાનું હોય ત્યાં સુધી છ મહિના સુધી સાચવે. એવું આપણે એની બુદ્ધિ જરા ખીલે નહીં ત્યાં સુધી....

દાદાએ આપી બધાં બાપાને ચાવી;

છોકરાંને ગણ દાદો, તો જઈશ ફાવી!

સુધારવાના તો પ્રયત્ન બધાએ કરવા જોઈએ. દરેક માણસે, પણ પ્રયત્નો સફળ થવા જોઈએ. બાપ થયો અને છોકરાને સુધારવા માટે એ બાપપણું છોડી દે એમ છે ? 'હું ફાધર છું' એ છોડી દે ખરો ?

પ્રશ્નકર્તા : જો એ સુધરતો હોય તો, અહમ્ ભાવ, દ્વેષ બધું કાઢીને એને સુધારવાનો પ્રયત્નો કરવો જોઈએ.

દાદાશ્રી : તમારે બાપ તરીકેના ભાવ છોડી દેવા પડે.

પ્રશ્નકર્તા : 'આ મારો દીકરો' એમ માનવાનું નહીં ને 'હું બાપ છું' એમ નહીં માનવાનું ?

દાદાશ્રી : તો તો એના જેવો એકું ય નિયમ જ નહીં.

પ્રશ્નકર્તા : તો બાપે કેવી રીતે બાપ થવું ? બાપે બાપ થવા શું કરવું ?

દાદાશ્રી : એક દાખલો આપું, તમને હેલ્પ કરે, તમને એડજસ્ટ થાય એટલા માટે. અમારા એક છેટેના ભત્રીજાનો દીકરો હતો અને ખાસ કરીને મારાથી બે-ત્રણ વર્ષ નાનો. ભત્રીજાનો દીકરો એટલે મને દાદા કહે. એટલે હું જ્યારે જઉં તો એની મેળે દાદાના પ્રેમથી બોલ બોલ કર્યા કરે. દાદા ક્યારના આવ્યા, દાદા આમ છે, તેમ છે. જાણે પોતાના જ દાદા હોય એવું, એટલે પછી મને બોજો વધવા માંડ્યો કે સાલું વારેઘડીએ દાદા, દાદા કરે. એટલે મારા મન ઉપર બોજો ચઢવા માંડ્યો. મને ઉપકાર ચઢ્યા કરે કે 'અરેરે, દાદા થયા પણ આનું કશું કામ કર્યું નહીં આપણે.' એટલે બોજો વધે કે ના વધે ?

પ્રશ્નકર્તા : વધે.

દાદાશ્રી : આ છોકરો આખો દહાડો બાપુજી, બાપુજી કરે ને, તો આપણો બોજો વધી જાય તે વખતે. એટલે પછી મેં વિચાર કર્યો કે આ બોજો થશે. તો હવે શું કરીશ ? આ તો માથા ઉપર બોજો ચઢતો જશે દહાડે, દહાડે. એ તો 'દાદા, દાદા' કહ્યા જ કરવાનો. તો આ બોજો ઉતારવો કેમ ? આવું બને કે ના બને ? પછી આપણી આંખ નરમ થઈ જાય. એટલે સત્ય બોલતા પણ ડરીએ આપણે. તમને સમજ પડીને ? એટલે આ પ્રશ્ને મને મૂંઝવેલો, અઢાર-વીસ વર્ષની ઉંમરે. કારણ કે હું ઘણાં ખરાનો દાદો થઉં. એટલે લોકો 'દાદા, દાદા' કરે. કેટલાક માણસો 'દાદા, દાદા' કરે ને તે ઉપલક જેવો વ્યવહાર રાખે તો મને બોજો વધી ના જાય. પણ આ તો જાણે પોતાના દાદા હોય એવું પ્રેમથી બોલે ને, તો મને બહુ બોજો લાગવા માંડ્યો. પછી વિચાર કર્યો. મેં કહ્યું, 'હવે આ બોજો શી રીતે ઉતરે ?' અને એમ કહીએ કે 'તંુ મને દાદા ના કહીશ.' તો પછી એ ય ખોટું કહેવાય. વ્યવહારમાં તમને દાદા ના કહું તો હું શું કહું ? એટલે આમે ય ગુંચામણ અને આમે ય ગુંચામણ ઉભી થઈ.

એવા બે-ચાર જણ હતા તે મને પ્રેમથી દાદા કહે. તે મારો સ્વભાવ બધો પ્રેમવાળો અને બીજા બધા તો ઉપલક 'દાદા ક્યારના આવ્યા છો ?' હું કહું કે પરમ દહાડે આવ્યો. એ પછી કશું ય નહીં, લટકતી સલામ. પણ આ તો રેગ્યુલર સલામ કરે છે. મેં શોધખોળ કરી કે એ મને દાદા કહે, ને હું મનથી એને દાદા માનું. એ જ્યારે મને દાદા કહે ત્યારે હંુ એને મનથી દાદા કહંુ એટલે પ્લસ-માઈન્સ કર્યા કરું. છેદ ઉડાડી દઉં. હું એને મનથી દાદા કહંુ. એટલે મારું મન બહુ સારું રહેવા માંડ્યું. હલકું થવા માંડ્યું. તેમ તેમ પેલાને એટ્રેક્શન વધારે થવા માંડ્યું.

હું દાદા એને મનથી માનંુ એટલે પછી એના મનમાં મારી વાત પહોંચે ને ! ઓહોહો ! કેટલો મારી ઉપર ભાવ છે એમને. આ બહુ સમજવા જેવી વાત છે. આવી ટૂંકી વાત આમ નીકળે કોઈ વખત. તો આ કહી દઉં. તમને આવી જો ગોઠવણી કરતાં આવડે તો કલ્યાણ થઈ જાય એવું છે. એટલે પછી શું કર્યું ? આવો વ્યવહાર ચાલે એટલે એના મનમાં એમ જ લાગે કે દાદા જેવા કોઈ માણસ મળે નહીં કોઈ.

હવે એના પોતાના કાકા હતા, એક જ પેઢી દૂરના. સગા કાકા નહીં, પણ એના ફાધરના કાકાના દિકરા એટલે એક જ પેઢી દૂરના, હું ચોથી પેઢીનો દાદો થઉં. હવે એના કાકા હતા એ શું કરે ? એને ત્યાં ઉતરે આફ્રિકાથી આવે ત્યારે. તે એના કાકા ફક્ત એનાથી પાંચ વર્ષ મોટા અને મારી ઉંમરના. તે એને ત્યાં ઉતરે પછી વેઢમીઓ જમે. કાકા આવે એટલે પેલી ભત્રીજાની વહુ તો વેઢમીઓ જ બનાવે ને ! તે વેઢમીઓ જમે, સારી રીતે, દૂધપાક બનાવે, શ્રીખંડ-પૂરીનું જમણ જમતા જાય. ચા-નાસ્તા કરતા જાય અને પછી આ કાકા શું કરે સાંજ પડે તે, 'તારો હિસાબ દેખાડ મને. આ તને આટલો પગાર મળે છે તે તું આ બધું પૂરું શી રીતે કરું છું. તમારે ચા-પાણીને આ બધા શું લફરાં ? જ્યારે રોકાવું છું, તું મને આ વેઢમીઓ ખવડાવું છું.' તે પેલાને મનમાં થાય કે આ કઈ જાતનો કાકો ? આમાં મારો ખોટો બગાડ નથી. ચા-પાણી તો આ મારી વહુ આવી તેને ના જોઈએ ?! પણ કાકા શ્રીખંડ-પૂરીઓ ખાતા જાય ને કચ કચ કરતા જાય કે આવું આવું છે તે ખર્ચા રાખશો, તમે શી રીતે જીવશો, શી રીતે આ નોકરીમાં પોસાય ? એવું જ્યારે હોય ત્યારે કકળાટ કરે અને જમતી વખતે વેઢમી જમે. પેલા બિચારા એમ જાણે કે આપણા કાકા આવ્યા છે, એટલે જમાડો બરાબર અને પેલા કકળાટ કર્યા

વગર રહે નહીં.

અલ્યા મૂઆ, વેઢમીઓ ખાઉં છું ને વળી પાછું આવું બોલું છું ? એ મારો ભત્રીજો થતો હતો. એ જે એમનો કાકો હતો, તે મારો ભત્રીજો થતો હતો. મૂઆ ખઉં છું ને વળી એને ડફળાવું છું ? એટલે પછી આવું ડફળાય ડફળાય કરે અને કાકાનો રોફ મારતા જાય, કાકા થવા ફરે. એ શું કરે ?

પ્રશ્નકર્તા : કાકા થવા ફરે.

દાદાશ્રી : અને જેમ બાપ ટૈડકાવે, એમ કાકો ટૈડકાવે. આવું કંઈ જીવવાનું ફાવે ? ના જીવાય ને ! એટલે પેલો બિચારો કંટાળી ગયો. આ કાકા હેરાન કરી નાખે છે. પછી એ ભત્રીજાને થોડું બેએક હજારનું દેવું થયું હશે. તે કાકાએ એક ફેરો કહ્યું, 'હું તારું દેવું આપવા તૈયાર છું. તું મને દેવું તારું કહે. કોને કોને છે એ ?' એટલે પેલાને જાણે કે આ કાકા તો બોલે છે અવળું અને પછી આપતો ય નથી અને એના કરતાં આપણે ના કહેવું એ શું ખોટું. આપણી આબરૂમાં રહીએ એ સારું. એટલે પેલાએ કહ્યું નહીં. બાપ કરતાં ય વધારે જોર કરતો હતો કાકો. પેલાને બાપ મરી ગયેલો. એના બાપ કરતાં ય વધારે જોર....

પેલો ભત્રીજો બધું આમ શરમથી નભાવી લે. બિચારો બોલે નહીં, નભાવી લે. પણ એના મનમાં એને પ્રેમ ના રહ્યો કાકા ઉપર જરાં ય. એટલે આ ભત્રીજાને બે-એક હજાર રૂપિયાનું દેવંુ થઈ ગયેલું. તે જમાનામાં બે હજાર દેવું એટલે વધારે થાય એમ. ઓગણીસસો બત્રીસ-તેત્રીસની સાલની વાત કરું છું. તે બે હજારનું દેવું વધારે પડતું ગણાય ને ! એટલે પછી એને એના કાકાએ આફ્રિકાથી આવીને કહ્યું કે તારું દેવું કેટલું છે, મારે આપી દેવું છે.

એટલે પેલો કહે છે કે મારે કંઈ ખાસ દેવું છે નહીં. એટલે પછી મને કહેવા માંડ્યા એના કાકા, જે મારો ભત્રીજો થાય. મને કહે છે, 'આ શું સમજે છે, આ દેવું છે, આને મારે એનાથી અડધા તો પૈસા આપવા છે, હજારેક હું આપંુ પણ ના પાડે છે. આ કઈ જાતનો માણસ છે. મેં કહ્યું, આ ય દુનિયા નવી જાતની ને ! કાં તો એને ભત્રીજો થતાં નથી આવડતું ને કાં તો તને કાકા થતાં નથી આવડતું. કંઈક ભૂલ છે આમાં. ત્યારે પછી પેલો કાકો કહે છે, 'કંઈ કહેતો જ નથી એની બિમારી અડવા દેતો ય નથી. કેવો આમ નફ્ફટ માણસ છે તે !' મેં કહ્યંુ, 'એવો નથી ભઈ, હું એવો નથી માનતો.' ત્યારે કહે, 'તમને એના ઉપર વિશ્વાસ છે.' મેં કહ્યું, 'સો ટકા વિશ્વાસ છે.' એટલી વારમાં એ તો આવીને ઉપરથી ઉતર્યો નીચે. એ જતો હતો. મેં કહ્યંુ, 'ભઈ, અહીં આય બા, તારે દેવું છે ?' ત્યારે કહેે, 'હા મારે છે દેવું.' 'કેટલુંક છે તે ?' ત્યારે કહે, 'દાદા, ફલાણાનું, ફલાણાનું આ બધું થઈને સોળસો-સત્તરસો રૂપિયા દેવું છે, વધારે છે નહીં.' પછી મેં કહ્યું કે 'તું જા.' પછી પેલાને કહ્યું, 'જો તું કહું છું ને કે નાલાયક માણસ છે. આ તો લાયક માણસ છે.' ત્યારે કહે, 'તમારી પાસે શી રીતે કબૂલ કરે છે અને મને કહેતો નથી !' મેં કહ્યું, 'ચોથી પેઢી

નો દાદો છું. તું પહેલી પેઢીનો કાકો એટલે મારી પાસે આવું કબૂલ કરે છે.' ત્યારે કહે, 'ના, ના. એ તમે કંઈક કરામત કરી મારી પર ભાવ જ નહીં રાખતો, હું આપવા ફરું તો ય !' મેં કહ્યું, 'ના લે, કોઈ કાકો ય ના લે. તું તો આંગળી વાળીને મારીને આપવા માંગું છું. હાથ ઝાલ લે પહેલાં.' પછી એવું કહ્યું કે 'પચાસ આપું છું, આપી આવ જા! હાથ ધર, બીજા પચાસ આપું.' તે અલ્યા આ તો ક્ષત્રિય પુત્ર છે. ઘર વેચી દેશે, પણ આવું કોઈ ના લે. આવું લેતું હશે ?

તે પછી મને કહે છે, કંઈક તમારી પાસે કરામત છે. મેં કહ્યું, તું કાકો થઈને બેઠો છું. મોટા કાકા આવ્યા ! હેંડતા આવડે નહીં ને મોટા કાકા થઈને બેઠા છે તે ! ત્યારે કહે છે, 'તમે દાદા નહીં થયા ?' મેં કહ્યું, મને એ દાદા કહે છે અને હું મનથી એને દાદા માનું છું, એમ કરીને પ્લસ-માયનસ કરું છું. હું શું કરું છું ? એ મને મોંઢેં કહી શકે. મારાથી મોંઢે ના કહેવાય, નહીં તો બહાર ખોટું દેખાય ને ! એટલે મનથી હું એને દાદા મારા માનું છું અને એ મને મોંઢે કહે છે, પ્લસ-માયનસ કરી નાખું છું. એથી એ બિચારાને એને એમ ના લાગે કે આ મારા વિરોધીમાં છે અને તું તો ડફળાવું છું. પ્લસ-માયનસ કરજો, બધું ચાલશે.

બીજી કોઈ કરામત નથી. એ મને દાદા કહે, તો હું એને દાદા માનું. તું કાકો છું તો એ તારો કાકો છે, એવંુ માની લે ! આવો કીમીયો જાણીએ જ નહીં. હું આજથી હવે આ કીમીયો વાપરીશ. તે મેં કહ્યું, કીમીયો વાપરશો તો બધું ય ચાલે, આ દુનિયામાં બધું ય ચાલે.

આ તો એક વાત નીકળી ત્યારે જ ને ? પ્લસ-માઈનસની વાત. આ તમને કામ લાગશે આ. તમે જો જો તો ખરાં, કંઈ એક મોટો ચમત્કાર છે આ. મારા એક એક વાક્યમાં ચમત્કાર થઈ જશે. આ નથી લાગતું ચમત્કાર જેવી વાત ! તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : છે.

દાદાશ્રી : પોતાનું આમાં કશું બગડે નહીં. આ તો એકલા બાપ થઈને, એકાંતિક ! અલ્યા, અનેકાંત રાખને ! એટલે આ મને તે દહાડે એ નાની ઉંમરમાં છે તે મેં એમ નક્કી કરેલું કે આ બોજો વધે છે તે મેં પછી આંતરીકથી એને દાદા તરીકે માન્યું. એ મને કહે, તે પહેલાં હું એને દાદા કહી દઉં. એને મનથી એટલે મનમાં હિણપદ આવે જ નહીં એને. અને કોઈ દહાડો મેં એને છંછેડ્યો નથી કે દાદા તરીકે એને મેં ટૈડકાવ્યો નથી. એવું કોઈ દહાડો બને નહીં, પ્રેમ જ હોય. ટૈડકાવીએ ક્યારે, એકાંતિક થઈ જાય, હું દાદો થઈ જઉં અને એ પૌત્ર થઈ જાય એટલે પછી ટૈડકાવીએ તો ધાંધલ ચાલુ થઈ જાય.

બોલો, હવે આવી સમજ ના હોય ત્યાં સુધી દીકરાના બાપ થતાં શી રીતે આવડે ?

પ્રશ્નકર્તા : અત્યારે સાથે રહેવું હોય તો બાપે દીકરાના દીકરા તરીકે રહેવું જોઈએ, એક જ રીત છે.

દાદાશ્રી : હા. મેં પેલાને કહ્યું ને, 'એ મને દાદા કહે છે, તે ઘડીએ હું એને દાદા માનું છું. એ પ્લસ-માઈનસ થઈ ગયું એટલે મને એની તરફ તિરસ્કાર રહે નહીં. 'હું દાદો છું' એવું મને ભાન રહે નહીં.

ત્યારે બધી કળાઓ જોઈએ. આ તો એમ ને એમ બાપ થઈ ગયા. એ કૂતરાં બાપ થયેલાં જ છે ને ! ગધેડાં બધાં ય બાપ થાય છે ને ! છોકરો આપણી પાસેથી ખસે નહીં, એવો બાપ જોઈએ. હું એને દાદો માનું એટલે મારી જોડે બેઠો હોય તો એ ખસે નહીં અને બહારગામ ગયા હોય તો એના કાકાની પથારી ના કરે, મારી પહેલી કરી નાખે. જુઓને, એનું દેવું મને કહી દીધું ને ! એનો કાકો તો સજ્જડ જ થઈ ગયો ! 'તમે કંઈક ચાવી મારો છો.' કહે છે. કહ્યું, 'દેખ અમારી ચાવી !' એવું ના આવડે ?

આ ય કળા છે ને ! આ કળા નાની ઉંમરમાં મને આવડી.

પ્રશ્નકર્તા : તે વખતે તમારી ઉંમર કેટલી હશે ?

દાદાશ્રી : એ ૨૦-૨૨ વર્ષ. હું જાણું કે હું દાદો થઈ બેસું, તો પછી એ મારો પારો વધતો જ જાય ને એનો ઓછો થતો જાય. એનું લેવલ ક્યારે આવે ? 'આવો દાદા, આવો દાદા' કહે, એટલે થઈ ગયો દાદો ! ઊંધા ફેરવો તો ય દાદા, એવા દાદા આપણે નથી જોઈતા ! પ્લસ-માઈનસથી ઉડાડી દો. નહીં તો સામા માટે તિરસ્કાર થાય.

પ્રશ્નકર્તા : બાપ એવું વિચારે કે છોકરો મને કેમ એડજસ્ટ ના થાય ?

દાદાશ્રી : એ તો એનું બાપપણું છે એટલે. બેભાનપણું છે. બાપપણું એટલે બેભાનપણું. ધણીપણું એ બેભાનપણું. જ્યાં 'પણું' આવ્યું એ બેભાનપણું.

પ્રશ્નકર્તા : ઉલટો બાપ એમ કહે કે હું તારો બાપ છું, તું મારું ના માનું ? મારું માન ના રાખું ?

દાદાશ્રી : 'તું જાણતો નથી, હું તારો બાપ થાઉં ?' ત્યારે કહે, 'તમારા બાપા ય જાણતા હતા.' એક જણને તો મેં એવું કહેતાં સાંભળેલો, 'તું જાણતો નથી, હું તારો બાપ થાઉં ?' કંઈ જાતના ચક્કરો પાક્યા છે ?! આવું ય કહેવું પડે ? જે જ્ઞાન પ્રગટ આખી દુનિયા જાણે છે, તે ય કહેવું પડે ?!

પ્રશ્નકર્તા : દાદા, એની આગળનો ડાયલોગ પણ મેં સાંભળેલો કે તમને કોણે કીધું હતું કે પેદા કરો અમને ?!!

દાદાશ્રી : એવું કહે એટલે આપણી આબરૂ શું રહી પછી ?

પ્રશ્નકર્તા : પછી તો જીવવાનો અર્થ જ નહીંને ?

દાદાશ્રી : અર્થ જ નહીં. ઐસી દુનિયામાં રહેવું, એનાં કરતાં વૈરાગ લઈ લેવો સારો. પ્રેમ ભરેલી દુનિયા જોઈએ ! આવી દુનિયા ?!

ઘરમાં 'તમે મોટા' સંભળાય છે એ જ તમારી ભૂલ છે. તમે 'મોટા' એવું સાંભળો જ નહીં. એ કહે, તેનો વાંધો નહીં. પણ તમે એને સાંભળો નહીં, જો તમને રોગ ચઢતો હોય તો અને જો રોગ ના ચઢતો હોય તો સાંભળો નિરાંતે. એ શબ્દ રોગ કરનારા હોય તો તમે ના સાંભળો. નહીં તો 'તમે મોટા, હું નાનો' એવું છે તે પ્લસ-માઈનસ કરી નાખો. તો બોજો વધશે નહીં ને બધાને આનંદ રહેશે.

આ સમજણ પડી પ્લસ-માઈનસની ? સમજ નહીં પડી, નહીં !?

આ પ્લસ-માઈનસની સિસ્ટમ, જો તમને આવડે તો સ્વીકારી લેજો.

મારી પાસે આ વ્યવહારિક જ્ઞાન બધું જાણવાને માટે બહુ ટાઈમ હોય, તો લાભ લેવો. તને ગમ્યું કે બધું ?

પ્રશ્નકર્તા : હા.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19