ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19

મા-બાપછોકરાનોવ્યવહાર

(૧૧)

વારસામાં છોકરાંને કેટલું ?

છોકરાં માટે વાપર્યું, ન બંધાય ભાથંુ;

પારકા માટે વાપરે તે પુણ્ય સાચું !

પ્રશ્નકર્તા : પુણ્યના ઉદયે, જોઈએ તેનાં કરતાં વધારે લક્ષ્મીની પ્રાપ્તિ થાય તો ?

દાદાશ્રી : તો વાપરી નાખવી. છોકરાં હારું બહુ રાખવી નહિ. એમને ભણાવવા, ગણાવવા, બધું કમ્પ્લીટ કરી, એમને સર્વિસે લગાવી દીધાં. એટલે પછી એ ડાળે (કામે) લાગ્યાં, એટલે બહુ રાખવી નહિ. એટલું ધ્યાન રાખવાનું કે જેટલું આપણી જોડે આવે એટલું જ આપણું.

તમારે કેટલા દીકરા છે ?

પ્રશ્નકર્તા : ત્રણ. બે દીકરા ને એક દીકરી.

દાદાશ્રી : માથાકૂટ કોણે કરી ? તમે કરી. ભોગવશે કોણ ? આ બધાં, પણ એ લોકો સાથે લઈને આવ્યાં હોય !

પ્રશ્નકર્તા : હું મૂકી જઈશ તો છોકરાં વાપરશે.

દાદાશ્રી : છોકરાઓ ય સોંપીને જશે કે આ સોંપ્યું. કારણકે એમને ય ક્યાં જોડે લઈ જવાય છે ?

પ્રશ્નકર્તા : પણ એવો કોઈ રસ્તો છે સાથે લઈ જવાય એવો ?

દાદાશ્રી : આ છોકરાંઓ લઈને આવ્યા'તાં ? આ છોકરાંઓ ક્યાંથી લઈને આવ્યા'તાં ? એમણે મહેનત કરી ? માથાકૂટ કરી એમણે ? અને તૈયાર થઈને આવ્યું ? જોડે લાવેલાં જ ને !

પ્રશ્નકર્તા : આ ભાઈ અહીંથી જોડે જોડે લઈ જઈ શકશે ખરા ?

દાદાશ્રી : હવે શું લઈ જાય ? જોડે હતું તે અહીં વાપરી ખાધું ? હવે આ કંઈક મોક્ષનું મારી પાસેથી આવીને મળે તો દહાડો વળે ! હજુ જિંદગી છે, હજી લાઈફ ટર્ન કરે, જાગ્યા ત્યાંથી સવાર !

ત્યાં લઈ જવામાં કઈ વસ્તુ આવે છે ? અહીં જે તમે વાપર્યું તે બધું ગટરમાં ગયું. તમારા મોજશોખ માટે, તમારા રહેવા માટે જે બધું કરો, એ બધું ગટરમાં ગયું. ફક્ત પારકાં માટે જે કંઈ કર્યંુ, એટલો જ તમારો ઓવરડ્રાફ્ટ છે.

પ્રશ્નકર્તા : એટલે ક્રેડિટ મળે.

દાદાશ્રી : એટલો ઓવરડ્રાફ્ટ છે, સમજ પડીને ? એટલે પારકાં માટે કરજો, પારકાંના રસ્તા જ્ઞાનીઓને પૂછી પૂછીને કરજો.

પ્રશ્નકર્તા : દાદા, આપે કહ્યું કે બીજાને સુખ આપવાથી તારું સુખ વધે છે. તો હું મારા દીકરાને કાળાધોળા કરીને પાંચ લાખ રૂપિયા આપું ને એ સુખી થાય તો મારું સુખ વધે ?

દાદાશ્રી : નહીં, સુખ આપ્યું કોને કહેવાય ? કે જેને આપણને લાગતું-વળગતું ના હોય. છોકરાંને તો આપણે ફરજિયાત આપીએ છીએ, પ્રેમથી, નર્યા પ્રેમથી આપીએ એ કંઈ સુખ આપ્યું ના કહેવાય. એ તો એક પ્રકારનો મોહ છે, આસક્તિ છે. બાકી, બીજા લોકોને આપે જ્યાં આસક્તિ નથી, એ આપ્યું કહેવાય. અને આ તો આપણે ના આપીએ તો એ દાવો કરીને લઈ લે.

એટલે આ એટેચમેન્ટ-ડીટેચમેન્ટ તો આમ કેમ કરીને જાય તે ? એ ય કંઈ કાઢવાથી જાય નહીં. પોતાનું રીયલાઈઝ થઈ જાય, તો છૂટું જ છે આ ! નહીં તો લાખ અવતારે ય ના વળે. શુંું હકીકત છે, વાસ્તવિકમાં શું છે એ જાણીએ તો બધો હિસાબ આવી જાય આપણી પાસે. સુખ-દુઃખનું શાથી પ્રોજેક્શન થાય છે, તે ય પણ આપણે હિસાબમાં આવી જાય. પ્રોજેક્ટ કરવાનો રસ્તો સમજી ગયાં, એટલે ઉકેલ આવી ગયો.

આત્મા માટે કરે, તે ખરો સ્વાર્થ;

તે સિવાયનું બધું પરાર્થ !

દાદાશ્રી : કોઈ સ્વાર્થી છે ક્યાંય ?

પ્રશ્નકર્તા : બધાં જ છે.

દાદાશ્રી : મને ના દેખાયો. સ્વાર્થી તો હું એકલો જ છું આ દુનિયામાં. આ તો બિચારાં કંઈ સ્વાર્થી છે ? આ તો પરાર્થી છે બિચારાં ! પારકાં હારું ઊંધા-ચત્તાં કરી અને પારકાંને હારું મૂકીને જાય છે, પરાર્થી લોકો છે. એમાં સ્વાર્થી ક્યાં છે તે ? સ્વાર્થી તો પોતાનું જ કામ કરે. બીજા કોઈનું ના કરે. આ તો પરાર્થી ! લાખો રૂપિયા લોકોની પાસે ઊંધા-ચત્તાં ખટપટ કરીને ભેગાં કરીને પછી આ છોકરાં-છૈયાને બધાને આપીને જતો રહે મૂઓ ! પોતે કશું લઈ જાય નહીં જોડે, એ પરાર્થી. પારકાં હારું જીવવાનું ને ખટપટો કરીને મરી જવાનું, પાછું પેલાને સોંપીને જવાનું. અને છોકરાં જીવતા'તા, ત્યાં સુધી ટૈડકાવતા'તા. અને તેને જ પાછું આપવાનું. અને આપણે આપવાનું ના કહીએ ને, ત્યારે કહેશે, 'અમે દાવો કરીને લઈશું, અમારો હક્ક છે.'

ન્હોય એ સ્વાર્થ. આ તો પરાર્થી છે. એ પરાર્થી આ લોકો, તે નાટકવાળા ય પસંદ ના કરે છે, આ પરાર્થીનું. એક નાટકવાળો ગાતો'તો કે, 'જો મરણ આ જીંદગીની છે રે છેલ્લી દશા, તો પરાર્થે અર્પવામાં આ જીવનના મોહ શા ?' તે પરાર્થનો અર્થ લોકો એ શું કહેવા માંગે છે કે આ પારકાં લોકોને આપવાનું, પણ એ તો પરમાર્થ થાય. આ તો છોકરાંને આપે છે એટલે એ પરાર્થ.

ભણાવો, પૈણાવો, ધંધે લગાડો;

બાકીનાં વાટખર્ચી કાજે ભેલાડો !

એક જણે મને કહ્યું, 'છોકરાને શી અમારી ફરજો છે ?' તો મેં કહ્યું, તમારી ફરજ એટલી કે છોકરાને ભણાવવો જોઈએ. તમારી પાસે પૈસા હોય તો સારી રીતે ભણાવવો જોઈએ.

પ્રશ્નકર્તા : છોકરાઓને પૈણાવવા જોઈએ ને ?

દાદાશ્રી : એને પૈણાવીએ-બૈણાવીએ, બધું ય કરાવવાનું.

આ ફોરેનવાળાં શું ખોટું કહે છે કે ભઈ, છોકરો છોકરાનું કરી લેશે. છોકરાને, એને એડજસ્ટ થાય એવું આપણે ભણાવો-ગણાવો અને ૧૮ વર્ષનો થાય એટલે જુદો ! આ લોભની ગાંઠવાળાને એ અમેરિકનો શું કહે છે ? કે 'તમે લોકો ઈન્ડીયનો શા માટે તમે આવું કરો છો, પેટ બાળીને ભેગા કરો છો ! ખાવ-પીવો, મજા કરો. 'અલ્યા, અમારા પાછળ જોઈએ ને !' 'છોકરાને આપવા માટે ભેગા કર્યા.' ત્યારે છોકરાને આપવા એ તો ગુનો છે મોટો.

એક માણસે મને પ્રશ્ન કર્યો કે 'છોકરાંને કશું ના આપવું ?' મેં કહ્યું, 'છોકરાંને આપવાનું. આપણા બાપે આપણને આપ્યું એ બધું જ આપવું. વચલો જે માલ છે તે આપણે ફાવે ત્યાં ધર્માદામાં વાપરી નાખીએ.'

પ્રશ્નકર્તા : અમારા વકીલના કાયદામાં ય એવું ખરું કે વડીલોપાર્જિત પ્રોપર્ટી (મિલકત) ખરી તે છોકરાંને આપવી જ પડે, અને સ્વોપાર્જિત તેની અંદર બાપને જે કરવું હોય તે કરે.

દાદાશ્રી : હા, જે કરવું હોય તે કરે. હાથે જ કરી લેવું ! આપણો માર્ગ શું કહે છે કે તારો પોતાનો હોય તે માલ તું જુદો કરીને વાપર, તો તે તારી જોડે આવે. કારણકે આ 'જ્ઞાન' લીધા પછી હજુ એક-બે અવતાર બાકી રહ્યા છે તે જોડે જોઈશે ને ! બહારગામ જઈએ છીએ તો થોડાં ઢેબરાં લઈ જઈએ છીએ. તો આ ના જોઈએ બધું ?

એટલે છોકરાને તો ફક્ત શું આપવા-કરવાનું. એક ફલેટ આપવાનો. આપણે રહેતા હોઈએ તે. તે ય હોય તો આપવું. આપણે બતાવી દેવું કે 'ભઈ, અમે ના હોઈએ કે તે દહાડે તારું, ત્યાં સુધી માલિકી મારી ! ગાંડા કરીશ તો કાઢી મેલીશ, કહીએ. વહુ સાથે કાઢી મેલીશ. અમે છીએ ત્યાં સુધી તારું નહિ. અમારા ગયા પછી બધું તારું. વીલ બધું કરી નાખવું. આપણાં બાપે આપ્યું હોય એટલું આપણે એને આપવાનું. એટલો હક્કદાર છે. ઠેઠ સુધી છોકરાને મનમાં એમ રહે કે હજુ કે 'બાપા પાસે હજુ પચાસેક હજાર છે.' આપણી પાસે હોય તો લાખ. પણ એ મનમાં જાણે કે ૪૦-૫૦ હજાર આપશે. એ લાલચમાં રાખવો ઠેઠ. એની વહુને કહેશે, 'જા, ફર્સ્ટ ક્લાસ બાપાને જમાડ, ચા-નાસ્તા લાવ.' રોફભેર રહેવું આપણે. એટલે આપણા બાપાએ જે કંઈ ઓરડી આપી હોય તે એને આપી દો. એટલે આ લોકો, ફોરેનર્સો શું કહે ? 'બાપા એ જે કંઈ ઓરડી આપીને, એ તને આપી દઈએ છીએ, અમે ખોટું કયુર્ં નથી કે અમે દેવું કશું કર્યું નથી.' એવું કહેશે.

મોટો વારસો બનાવે દારૂડિયો;

સંસ્કાર, ભણતર જ ખરો રૂપિયો !

પ્રશ્નકર્તા : બાપે એનાં છોકરા માટે કેટલા રૂપિયા મૂકી જવા જોઈએ ?

દાદાશ્રી : છોકરા માટે રૂપિયા મૂકી જઈએ તો દારૂડિયા થાય. એટલે મા-બાપે અહિત કર્યું કહેવાય. વધ્યા હોય ત્યારે જ એવું કરવું પડે ને. વધારવું કેટલું કે એ બૂમ ના પાડે કે, મારા બાપાએ બધું ખરાબ કરી નાખ્યું !

અને ડોલર તે કંઈ અહીંથી કોઈ જોડે લઈ ગયેલો કે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : કોઈ જોડે લઈ જવા દેતા નથી. આપણને બાળે છે જતી વખતે. તો પછી છોકરા માટે બહુ મૂકી જાય તો ? છોકરાં માટે બહુ મૂકી જાય તો છોકરા શું કરે ? હવે ધંધા-નોકરી કરવાની જરૂર નથી. પીવાનું રાખે અને નિરાંતે એમાંથી દારૂડિયા થાય બધાં. કારણ કે સોબત એવી મળી આવે પછી. આ દારૂડિયાનાં જ થયેલા છે ને બધા ! એટલે છોકરાને તો આપણે પધ્ધતસરનું આપવું જોઈએ. આ વધારે આપીએ તો દુરૂપયોગ થાય. હંમેશા જોબ (નોકરી)માં જ રહે એવું કરી આપવું જોઈએ. નવરો પડે તો દારૂ પીવે ને !

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : આ આપણે સમજવા જેવું. નહીં તો પૈસા ખૂટે નહીં, એટલું છોકરાને આપે પછી શું થાય ? આપણે એને હેવાન બનાવ્યો. માણસમાંથી હેવાન બનાવ્યો. આ આપણો પ્રેમ, આનું નામ પ્રેમ કહેવાય ?(!)

પ્રશ્નકર્તા : આપે જે કહ્યું, એ તો પાછળની વાત થઈ. હયાતીમાં તો એવું જ કરે છે ને મા-બાપો. છોકરાંઓ મા-બાપના પૈસા હયાતીમાં ઊડાડે જ છે ને ? મા-બાપના પૈસા હોય અને મા-બાપ જીવતા હોય, તો પણ મા-બાપ એને પૈસા ઊડાડવા દે છે અને ઊડાડવા માટે રસ્તા પણ કરી આપે છે. હજુ એવાં છે મા-બાપ.

દાદાશ્રી : છોકરાંને સારું ને !

પ્રશ્નકર્તા : દાદા, આજે તો એવું છે કે, અમુક મા-બાપને ત્યાં, પેલો છોકરો ભણવા જતો હોય નિશાળે, તો સો રૂપિયાની નોટ આપી દે.

દાદાશ્રી : શું થાય હવે ? અને છોકરાંને રોકડા બધા આપવા એ છે તે ગાડું ઘોંચમાં પડ્યું ! આપણા લોકો જે છોકરાને આપે છે ને, એ ભ્રાંતિથી આપે છે કે મારાં છોકરાં છે ને એમના સુખને હારું એ કરે છે. એટલે એ બધી ભ્રાંતિ છે. પોતે વાપરે નહીં ને પૈસા સાચવ સાચવ કરે ત્યારે આ છોકરો શું કહે છે ? કે 'બાપાજી, કંઈ ધર્માદા કરો ને, આમ શું કરવા કરો છો ? અમે અમારું કરી લઈશું.' આવી અણસમજણ શું કામની ! બધું રીતસર શોભે. આપણે આપણા બાપ મરી ગયા પછી કેટલા દહાડા સંભાળીએ છીએ ! તેવો એ આપણને એ સંભારનારા છે, તમે ગમે એટલા ડોલર આપો ને તો ય ! એ તો મોહ છે બધો.

છોકરાને મિલકત આપવી એ મહાનમાં મહાન ગુનો છે. કારણ કે તરત જ એને દારૂડિયા મળી આવશે. અને આપણે ગયા કે દારૂડિયા બધા ભેગા થઈને બધું ઘરમાં ધૂળધાણી કરી નાખે. કંઈક બાપની મૂડી રખડી ગઈ આમ તો. છોકરાને આપવું એ મોટામાં મોટો ગુનો છે ! ઉલટાં એમને લોભિયા બનાવો છો અને અવળે રસ્તે ચઢી જાય. કાં તો જો કદી આગળ દારૂડિયા ના મલ્યા તો લોભિયો બની જાય.

તમારાથી રોકડા અપાય નહીં ! લોકો દારૂડિયા બનાવે છે, તેનાં કરતાં મા-બાપ જ છોકરાને બગાડે છે. મોટી મિલકત આપીને જાય છે. પછી પેલો નવરો જ રહે ને, જોબ કશું કરે નહીં ને ! જોબમાંથી નવરો જ ના પડે એવું કરવું જોઈએ. જોબમાંથી નવરો પડે ત્યારે આવું બધું જડે ને ! ભઈબંધો મળી આવે !

પ્રશ્નકર્તા : દાદા, બધું લઈને આવ્યો હોય ને એ હિસાબ.

દાદાશ્રી : હા. હિસાબ લઈને આવ્યો હોય. પણ આપણે તો સમજીને ચાલવું ને પછી હિસાબ લઈને આવ્યો હોય તો માંગશે. પણ આપણે હાથે ન થવું જોઈએ. આ ડૉકટર તો પાર વગરનું ધન, પણ જો પોતાની કમાણી ઉપર રહે છે ને, અહીં નિરાંતે ! બાપ-દાદાના પૈસા ઉપર આધાર રાખવો એ તો સારું ના કહેવાય. ટાઢી ખીચડી ખાધી કહેવાય. ખીચડી તો તાજી જ ખાવાની. અને તે સ્વાદિષ્ટ લાગે. પેલી ટાઢી ખીચડીમાં મજા ન આવે.

પ્રશ્નકર્તા : હં. વાત સાચી દાદા.

દાદાશ્રી : એટલે આ છોકરાને ના અપાય એવી ટાઢી ખીચડી. એમને તો ધંધો કરી આપવાનો, એકાદ મોટર રાખી આપવાની, બસ. આપણા ફાધરે કંઈ ના આપ્યું હોય, તો ય આપણે કંઈ ને કંઈ આપવું જોઈએ.

છોકરાં દારૂડિયા બને ખરા, બહુ વૈભવ હોય તો ?

પ્રશ્નકર્તા : હા, બને. છોકરાઓ દારૂડિયા ન બને એટલું તો આપવું જોઈએ.

દાદાશ્રી : એટલું જ આપવું જોઈએ.

પ્રશ્નકર્તા : વધારે વૈભવ આપીએ તો એવું થઈ જાય.

દાદાશ્રી : હા, એ હંમેશા ય એનો મોક્ષ બગાડશે. હંમેશા પધ્ધતિસર જ સારું. છોકરાને વધુ આપવું એ ગુનો છે. એ તો ફોરેનવાળા બધા સમજે છે. કેવા ડાહ્યા છે. આમને તો સાત પેઢી સુધીના લોભ ! મારી સાતમી પેઢીના મારા છોકરાને ત્યાં આવું હોય. કેટલા લોભિયા છે આ લોકો ? ! છોકરાને આપણે કમાતો-ધમાતો કરી આપવો જોઈએ. એ આપણી ફરજ અને છોડીઓને આપણે પૈણાવી દેવી જોઈએ. છોડીઓને કંઈક આપવું જોઈએ. અત્યારે છોડીઓને પાર્ટ અપાવડાવે છે ને ભાગીદાર તરીકે ! પૈણાવીએ જ છીએ ને ! પણ પોતાનું તો પોતે વાપરવું જોઈએ.

ધંધે લગાડ દીકરાને લઈ વ્યાજે;

શીખ બોધકળા દાદાની, સુખ કાજે !

બીજું કંઈક સાધન હોય, તો એને ધંધો કરી આલવો જોઈએ. બસ, એટલું જ. નાનો અમથો પાંચ-પચ્ચીસ હજાર રૂપિયાનો ધંધો શરૂ કરી આપવાનો. દસ-વીસ-પચ્ચીસ હજાર આપણા નાખવાના. કોઈ બીઝનેસ એને ગમતો હોય તો કરી આપવો. ક્યો ધંધો ગમે છે તે પૂછી અને એને જે ધંધો ઠીક લાગે એ કરી આપવાનો. અને પચ્ચીસ-ત્રીસ હજાર બેંકના લઈ આપવા. લોન ઉપર તે ભર્યા કરે એની મેળે અને થોડાક આપણે આપી દેવા. એને જોઈતી હોય તેમાં અડધી રકમ આપણે આપવી ને અડધી બેંકની લોન ભર્યા કરે. એટલે પચ્ચીસ હજારની કહીએ બેંકમાંથી લોન લે. એ લોન તું હપ્તા ભરજે, કહીએ. એટલે હપ્તા ભરે, એ છોકરો ડાહ્યો થાય. બેંકવાળાનો કાગળ આવે કે તમે આ સાલ આ ભરી ગયા નથી, એને જાગતો ને જાગતો રાખે. અને આપણે જાતે કરીને દેવું આપવું. એ દેવાના આધારે એ સીધો થાય.

પ્રશ્નકર્તા : બરાબર, દાદા.

દાદાશ્રી : નહીં તો તમને ટૈડકાવી ટૈડકાવી તમારું તેલ કાઢશે. અને જો તમે ટૈડકાવશો તો એ સામો થઈ જશે. આ બેંકવાળો ટૈડકાવશે તો એ સામો નહીં થાય તમને.

એટલે આપણે એટલા બેન્કમાંથી લઈ લેવાના પચ્ચીસ હજાર. અને કહેવું કે પચ્ચીસ હજારના આવી રીતે હપ્તા ભર્યા કરજે. તે સોંપી દેવાનું, હપ્તા સાથે. તે બેંકવાળો ગોદો મારે ને જાગે, ગોદો મારે ને જાગે. રોકડું બધું ના અપાય, ગુનો છે. અમારી વાત જો સમજે તો કામ કાઢે. વાત સમજવી જોઈએ ને.

છોકરાનું હિત કર્યું ક્યારે કહેવાય ? ગોદા મારનાર જોઈએ બેંકવાળો. 'રૂપિયા ભરી જતાં નથી, આમ ને તેમ.' અને આપણે કહીએ, 'અલ્યા, રૂપિયા મેં તને કહ્યું'તું આ ભરી જજે.' ત્યારે કહે, 'કચકચ ના કરશો. અમથા વગર કામનું મારું મગજ ખઈ જાવ છો.' અલ્યા, ત્યાં બેંકવાળાને કહે ને ?! તારાં બાપાને તો ત્યાં સામું કહે ! પણ બેંકવાળાને તો શી રીતે સામું કહેવાય ?

એટલે બધું ખાનગી ચીજ કરી નાખવાની અને બેંકવાળો ટૈડકાય ટૈડકાય રોજ કરે. બેંકવાળો પછી આપણી પાસે આવે. 'તમે જામીન રહ્યા.' ત્યારે બેન્કવાળાને કહેવું, 'હું તમને ગમે ત્યાંથી લાવીને આપીશ. તમારા હમણે એની (છોકરાની) પાસે લો ને !' 'ગમે ત્યાંથી લાવીને આપીશ.' એને કહીએ. 'મારી પાસે નથી.' એવું દેખાડવું. બેંકવાળાને જામીન તો રહેવું પડે.

તો શું થાય, બેનો સંબંધ બહુ મીઠો રહે. ઉપરાંત છે તે આ છોકરો કોઈક ફેરો અડચણમાં મુંઝાયો. તો કહે, 'કેમ અલ્યા, આ શું છે ? કેમ અડચણમાં છું ?' એ કહે, 'બે-ચાર હજાર ડોલરની બહુ મુશ્કેલી છે તે હવે ક્યાંકથી વ્યાજે લાવું.' ત્યારે કહીએ, 'ના, હું તને લઈ આપીશ. મારા ફ્રેન્ડ છે ને તેની પાસેથી લઈ આપીશ.' પોતે ના આપે. ફ્રેન્ડ પાસેથી લઈ આપીશ, આવું કહે અને થોડુંક બેંકમાં કોઈ જગ્યાએ મૂકી રાખવું દસ-વીસ હજાર. તે કો'ક ફેરો છોકરો મુશ્કેલીમાં આવ્યો હોય તો એને પાંચેક હજાર આપી દેવા. એને કહેવું નહિ કે ભઈ, મેં મૂકી રાખ્યા છે. હા, નહિ તો મુશ્કેલીમાં ના આવતાં હોય તો ય આવે. પાકાં હોય ને !

પ્રશ્નકર્તા : હા, કરવું જ પડે ને ! તમે તો એવી રીત શીખવાની વાત કરો છો ને પણ !

દાદાશ્રી : એવું છે ને આ રીતે સામસામે કોઈનો કંટ્રોલ તૂટે નહીં. આત્મા વશ કરવો સહેલો છે, મનવશ કરવું વસમું છે. મનને કોઈ દિશાનું ઠેકાણું નથી. પેલી દિશામાં ય ભાગે અને આ દિશામાં ય ભાગે. એટલે એને માટે આ કળા છે. આ 'દાદા ભગવાન'ની કળા છે ને બોધકળા કહેવાય છે. આખા ઘરનાં માણસ આનંદમાં રહે અને કોઈને એમ ના લાગે કે અમારી ઉપર દબાણ છે. અને કોઈ મર્યાદા ના તોડે. જો કશું બોલીશ, ખોટું લાગશે તો મને નહીં આપે, કોઈ વખત મદદ નહીં કરે.

પછી પેલાને ફરી ભીડ પડે ને તો કહેશે, 'પપ્પાજી, થોડા મારે ટેન થાઉઝન્ડ જોઈશે.' 'હા, ભઈ ઊભો રહે, પાંચ હજાર મારી પાસે છે. પાંચ હજાર હું ઉછીના લઈ આવું છું જા.' એટલે એ કહેશે, 'ઓહોહો ! મારા ફાધરે પાંચ હજાર ઉછીના લઈ આપ્યા. હોય ભલે આપણી પાસે, પણ જરા આવું રાખવાનું, ટેકનિકલી. એવું ના જોઈએ ?

પ્રશ્નકર્તા : જોઈએ, જોઈએ.

દાદાશ્રી : પછી પાંચેક હજાર બીજા એને આપ્યા હોય આપણા. પણ કહેવાનું કે ભઈ આ ફલાણા ભઈના વ્યાજે લીધેલા છે. એટલે હપ્તા ભરજે, કહીએ. નહીં તો એ જાણે કે આટલા છે તો વાપરી ખાવ ને ! પછી જોઈ લઈશું, કહેશે. હપ્તા ભરવાના હોય ત્યારે ગાડું ચાલે. હપ્તા વગર તો માણસ બેફામ થઈ જાય. એટલે આ અમેરિકામાં એટલો સારો રિવાજ છે કે બધાને હપ્તા ભરવાના હોય છે. એ મને ગમ્યો. દરેકને હપ્તા ભરવાના હોય. મહિનો પૂરો થયો કે ચિંતા આવીને ઊભી રહી. પચ્ચીસ હજાર ડોલરનું દેવું છે તે આપ્યા કરજે, વીથ ઈન્ટરેસ્ટ. તો રીતસર ધંધો કરે, હપ્તા ભરતો જાય બેંકના.

પછી છોકરો કહે કે, 'આ વર્ષમાં મારે લોન ભરાતી નથી.' ત્યારે કહીએ કે 'હું લાવી આપું, તને પાંચ હજાર. પણ આપી દેવાના વહેલા.' એટલે પાંચ હજાર લાવી આપવાના. પછી આપણે પેલા પાંચ હજાર સંભારીએ. પેલા વહેલા આપી દેવાના છે, એવું કહ્યું છે. આવું સંભારીએ તો છોકરો કહે, 'તમે કચકચ ના કરશો હમણે.' એટલે આપણે સમજી જવાનું. 'બહુ સારું છે એ.' એટલે ફરી લેવા જ ના આવે ને ! આપણને વાંધો નથી, 'કચકચ કરો છો' એવું કહે તેનો. પણ પછી લેવા આવે નહીં ને ! એટલે આપણી સેફસાઈડ આપણે રાખવાની અને પછી ખોટા ના દેખાઈએ, છોકરા પાસે. છોકરો કહેશે, 'બાપા તો સારા છે, પણ મારો સ્વભાવ વાંકો છે.' હું અવળું બોલ્યો તેથી. બાકી બાપા બહુ સારા છે ! એટલે છટકી નાસવું આ જગતમાંથી.

પછી છોકરો કહેશે, 'હજુ તો મૂડી બીજી વધારે જોઈશે.' ત્યારે કહે, 'હવે અમારી પાસે વધારે નથી, અમારે જરૂરિયાત પૂરતું જ રહ્યું છે હવે.' ત્યારે છોકરો કહે કે પપ્પાજી, આ આપણી પાસે પૈસા આટલા બધા હતા ને આ દેવું કેમ તમારે ? ત્યારે કહે, 'હતા ને એ શેરમાં જતા રહ્યા.' કોઈને કહેવાય નહીં. હવે કહીએ તો આપણી આબરૂ જાય. તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ. સમજી જાને, વાત કહીએ છીએ તે !

બૈરી છોકરાંને ક્યારેક ભીડ દેખાડો;

નહીં તો વંઠશે ને કરશે ભેલાડો !

એક માણસ તો અમારી પાડોશમાં રહેતા'તા. તે છોકરું એક ત્રણ વર્ષનું, એક પાંચ વર્ષનું, એક સાત વર્ષનું, એક નવ વર્ષનું. એમ ચાર છોકરાં હતાં. તે દિવાળીને દહાડે પરચુરણ લઈ આવે સો રૂપિયાનું અને છોકરાંને પછી મુઠીએ મુઠીએ આપે. છોકરાં બગડી ગયાં ઊલટાં. એ, ચાર આના માગે ત્યારે આપણે એને કહેવું કે 'ચાર આના તો સોળ પૈસા થયા ને ? તો તું અગ્યાર પૈસા લઈ જા. પાંચ પૈસા ફરી આવશે ત્યારે આપીશ.' તો એ મર્યાદામાં હેંડે. આ તો મુઠીએ, મુઠીએ, બૈરીને ય પાનસે-પાનસે આપે. પછી ટેવ પડી જાય એ તો.

પ્નશ્નકર્તા : પછી તો બીજે વર્ષે પણ માંગે જ ને ! આપ્યાં છે એટલે, આ ફેરે.

દાદાશ્રી : માંગે, એ જ માંગે. પછી ઓછું આપીએ ત્યારે વઢે. દાંતિયા કરે. પહેલાં આપતા'તા ને હવે કેમ નહીં આપતા ? પણ એ રસ્તો કર ને પધ્ધતસરનો. એને આપવાં ખરાં, પણ એને એમ લાગે કે પૈસા એ ચીજ એવી છે કે આ નળમાં પાણી આવે છે એવું નથી આ. એ તો ઘરનાં માણસો ય એમ જ માની લે છે કે હમણાં નળની ચકલી ઊઘાડીશ એટલે પાણી આવશે, એવું માની બેઠાં છે.

પ્નશ્નકર્તા : ઘરનાં માણસ માની બેઠાં આપે કહ્યું એ કોણ ?

દાદાશ્રી : ઘરનાં બધાં બૈરી-છોકરાં એ બધાં. કારણકે આપણે કરીએ એવું એટલે પછી એવું જ માને ને ! એટલે પછી એક શેઠે મને શીખવાડ્યું. એક શેઠને ત્યાં હું બેઠો'તો. શેઠ પૈસાવાળા માણસ હતા અને જૈન લૂગડાં-બૂગડાં પહેરે એ બીજા. આટલે સુધી જ ટૂંકું. આટલે સુધી લાંબંુ સીવડાવીએ તો કપડું વધારે જાય ! ભલેને ટાઢ હશે તો વાંધો નહિ ! રોજ મારી બેઠક ત્યાં આગળ. પછી છે તે છોકરો શાક લેવા માટે પૈસા લેવા આવ્યો. તે દહાડે મારી હાજરીમાં આવી વાત બની. નહીં તો રોજ તો એવું કંઈક પહેલું થઈ ગયું હોય. પણ તે દહાડે તો એવું બન્યું કે છોકરો લેવા આવ્યો. તો આ કહે છે, 'આજ તારી મમ્મીને કહેજે કે ભીડ છે આજે. એટલે આજે છે તે પેલાં તુવેરનાં બાકરાં બનાવજો.' કહે. આજ ભીડ છે, કહે છે. અરે, આ શેઠિયો શું બોલે છે ? હમણે કોઈને વીસ હજાર જોઈએ તો હમણાં ધીરે પૈસા. સરસ નાણું બેંકમાં અને આવું બોલે છે ! ત્યારે મેં કહ્યું, આનું મગજ ખસી ગયું છે કે શું આની અક્કલ છે આ, તે આપણને આની કંઈ સમજણ નથી પડતી ! પછી એ છોકરું-બોકરું ગયાં પછી એકલાં પડ્યાં. ત્યારે મેં કહ્યું, શેઠ, આવું શું કરો છો ? આ નિર્દયતા શું કરો છો ? છોકરાને, એને શાક લાવવાનાં પૈસા ય ના જોઈએ ? ત્યારે કહે, રોજ

આપું છું, જેટલા જોઈએ એટલા. પણ એક દહાડો આવું કરું અઠવાડિયામાં. એટલે એમ જાણે કે આ પૈસાની ભીડ હોય છે આમને. મેં કહ્યું, આ તો બહુ અક્કલવાળા. નહિ તો એ લોકોને ટેવ પડી જાય. મેં જાણ્યું, આ નિર્દયતા કેમ કરે છે ? નિર્દયતા નહીં, પણ એ સાચો રસ્તો હતો.

પ્નશ્નકર્તા : એના ધ્યાન ઉપર લાવ્યા કે અહીંયાં ય કોઈ વખત ભીડ હોય છે. જ્યારે માંગીએ ત્યારે મળી જાય એવું નથી.

દાદાશ્રી : નહીં, પેલાં લોકોનાં મનમાં એમ થાય કે આજ ભીડ છે એટલે આજ કરો અને ફરી આપણને વખતે ખરેખર ભીડ આવી તો આપણે કહી શકીએ કે ભીડ છે. એટલે તરત માની જાય. પહેલેથી કેવું સરસ ઘડતર કરી રાખે છે. મને તો હું જ્યાં જઉં ત્યાં આવાં, આવાં નુસખા યાદ રહી જાય વધારે. મને આ ગમે. કોઈ નવી જાતનું અક્કલવાળું હોય ને એ મને ગમે. રસ્તો તો સારો ને ! એમાં તો બે મત જ નહિ ને ! છે ને ધન્ય એની બુધ્ધિને ય !

જો પૈસા જોડે લઈ જવાતા હોત;

દેવું કરીને પોટલું લેત બહોત !

અહીંથી જોડે ના લઈ જવા દે ?! અહીંથી સાથે આપણને ડોલર કમાયેલા લઈ જવા ના દે ? કેમ બોલતા નથી ?

પ્રશ્નકર્તા : ના, ના.

દાદાશ્રી : ના લઈ જવાય ? તો પછી, પૈસાને આપણે શું કરવાના ત્યારે ? આપણે જાતે વાપર્યા નહીં પોતાનાં સુખ ને સાહ્યબી માટે ! ને સારા કામમાં ય વાપર્યા નહીં !

બીજા પાંચ લાખ હોય તો તો આપણે બીજી વ્યવસ્થા કરવાની સારી ! તે એનો ઓવરડ્રાફ્ટ તો મળે. બીજાનાં સુખને માટે વાપરવાં એનું નામ ઓવરડ્રાફ્ટ. બીજું બધું આપણે આગળનો ડ્રાફ્ટ કઢાવી લેવાનો.

પ્રશ્નકર્તા : કઈ બેંકમાં ?

દાદાશ્રી : એ તો હું કઢાવી આપીશ.

એટલે છોકરાને રીતસર પધ્ધતિસર આપી અને બીજું સારે રસ્તે આપણે લોકોનાં સુખને માટે વાપરી દેવું. લોકોને સુખ કેમ પડે, લોકોના દિલ ઠારવાથી, એ તમારી જોડે આવશે મિલકત. આમ રોકડું નથી આવતું, પણ આ ઓવરડ્રાફ્ટ રીતે આવે છે. રોકડું તો જવા જ ના દે ને ત્યાં આગળ ! આમ ઓવરડ્રાફ્ટ કરે, લોકોને ખવડાવી દે, બધાનું દિલ ઠારે, કોઈને અડચણ હોય તો ભાંગે. આ રસ્તો છે આગળથી ડ્રાફ્ટ મોકલવાનો. એટલે પૈસાનો સદ્ઉપયોગ કરો. વરીઝ-બરીઝ કરવાની નહીં. ખાવો-પીવો, ખાવા-પીવામાં અડચણ ના કરો. એટલે હું કહું છું કે, 'વાપરી નાખો, ને ઓવરડ્રાફ્ટ લો. શા હારું આમ કરો છો તે ?' પણ ઓવરડ્રાફ્ટ કઢાવનારા ઓછા છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તે એક શેઠિયાને મેં પૂછયું હતું, આમ સારી મિલકત ધરાવતા હતા અને ગામડાનાં શેઠિયાઓ એટલે આટલે ઘુંટણ સુધી ધોતિયું પહેરે, અને આટલે સુધી ટૂંકી બંડી પહેરે, તે ય ખાદીની. તે બધું થઈને તે જમાનામાં ત્રણ રૂપિયાનું હોય. આ એનો ફુલ ડ્રેસ. ત્યારે મેં એને કહ્યું કે, 'શેઠ, આ ક્યાં સુધી પોતડીઓ પહેર્યા કરશો ? મોટાં મિલકતદાર છો, હવે કંઈ સારાં ધોતિયાં પહેરો ને !' ત્યારે કહે કે, 'એમાં શું ? આમાં શું દુઃખ છે ?' ત્યારે મેં કહ્યું કે, 'તો આ બધું, એક-બે લાખ જોડે લઈ જજો !' ત્યારે કહે છે કે, 'અંબાલાલભાઈ, એ તો જોડે ના લઈ જવાય. એ તો કોઈ લઈ ગયેલો નહીં.' ત્યારે મેં કહ્યું કે, 'તમે લોકો કંઈ કાચા છો ? અમે જરા કાચા પડીએ.' ત્યારે કહે છે, 'ના, કોઈથી ય ના લઈ જવાય.' ત્યારે મેં કહ્યું કે, 'જોડે લઈ જવાય એવો મને રસ્તો જડ્યો છે, હું તમને દેખાડું.' ત્યારે કહે કે, 'શું ?' મેં કહ્યું કે 'આવી રીતે થોડો ઓવરડ્રાફ્ટ કઢાવો. ત્યારે કહે કે, 'મારી મહીં અંદરખાને એ ભાવના ખરી.' પણ એ આમ છટકી ગયા, એ જાણે કે આ ઊંધું પાછું ક્યાં દેખાડ્યું ?!

એટલે પછી મેં એમનાં છોકરાંને પૂછયું કે તમારા બાપાએ આ બધી મિલકત કરી છે, તે તમારા માટે કરી છે, પોતડીઓ પહેરીને ! ત્યારે કહે છે, 'તમે અમારા બાપાને ઓળખતાં જ નથી.' મેં કહ્યું કે, 'કેમ ?' ત્યારે કહે છે કે, 'જો અહીંથી લઈ જવાનું હોત ને, તો મારા બાપા, અહીં લોકોની પાસે દેવું કરીને દસ લાખ લઈ જાત. આવા પાકા છે ! દસ લાખનું દેવું કરીને જાય એવા છે, માટે બહુ મનમાં રાખવા જેવાં નથી આ.' એટલે એનાં છોકરાંએ જ મને આવી સમજણ પાડી. મેં કહ્યું કે, 'હવે સાચી વાત મળી મને ! હું શું જાણવા માંગું છું એ મને મળી ગયું. આમ કરતાં કરતાં એ શેઠ જતાં રહ્યા ને કશું જોડે લઈ ગયા નહીં.

છોકરાને આપવું પધ્ધતસરનું વિલ;

લોકહિતમાં વાપરી, લે ઓવરડ્રાફ્ટનું રીલ !

પ્રશ્નકર્તા : આપણી જે મિલકત હોય, તેનું વીલ બનાવવું હોય છોકરાં માટે, તો આદર્શ વીલ કઈ રીતનું હોવું જોઈએ ? એક છોકરો ને એક છોકરી હોય તો ?

દાદાશ્રી : છોકરીને અમુક પ્રમાણમાં આપવું. આપણે છોકરાને પૂછવું, 'તારે શું ધંધો કરવો છે ? શું કરવું છે ? સર્વિસ કરવી છે ?' આપવું પણ અમુક પ્રમાણમાં. અડધી મૂડી તો આપણી પાસે રહેવા દેવી, એટલે પ્રાઈવેટ ! એટલે જાહેર કરેલી નહીં. બીજી બધી જાહેર કરવી અને કહેવું કે, અમારે જોઈએ, પણ અમારા બે જણને જીવતા સુધી જોઈએ ને ? કહીએ. અને પાછું દેવું કરી આપવું બેંકનું. બેંકનું દેવું ના કરે એ ધંધો ના કરવો. એટલે ગોદા મારનાર જોઈએ એને. જેથી દારૂ ના પીવે. એટલે આપણે પધ્ધતિસર, સમજણપૂર્વક કામ કરવું.

પ્રશ્નકર્તા : પણ માણસ મરી જાય, પછીનું વીલ કેવું હોવું જોઈએ ?

દાદાશ્રી : ના, મર્યા પછી તો જે છે ને આપણી પાસે, અઢી લાખ રૂપિયા વધ્યા છે, તે તો આપણી હાજરીમાં જ મર્યા સુધી રહેવા જ ના દેવાં. બનતાં સુધી ઓવરડ્રાફ્ટ કરાવી જ લેવા. દવાખાનાના, જ્ઞાનદાનના બધા ઓવરડ્રાફ્ટ કઢાવી લેવા અને પછી વધે તે છોકરાઓને આપવા. તે વધારવા ય ખરા થોડાક. એ લાલચ એમની છે ને, તે લાલચ હારું પચાસ હજાર રાખવા. પછી બીજા બે લાખના તો ઓવરડ્રાફ્ટ કઢાવી લેવાના, આવતે ભવ આપણે શું કરીએ ? આ બધા ગયા અવતારનાં ઓવરડ્રાફ્ટ અત્યારે વાપરો છો, તો આ અવતારમાં ઓવરડ્રાફ્ટ ના કાઢવો પડે ? આ શું કહેવાય ?

પ્રશ્નકર્તા : ઓવરડ્રાફ્ટ.

દાદાશ્રી : હા, કોઈને આપણે આપ્યા નથી આ. આ લોકોના હિતને માટે, લોકકલ્યાણ માટે વાપર્યા એ છે તે ઓવરડ્રાફ્ટ કહેવાય. છોકરાને આપીને તો પસ્તાયેલા, એવા પસ્તાયેલા કે ખરેખર ! છોકરાનું હિત કેવી રીતે કરવું તે આપણે સમજવું જોઈએ. તે મારી જોડે આવીને વાતચીત કરી જવી.

એટલે હું કહું છું કે ધૂળમાં જાય એના કરતાં કંઈ સારા રસ્તે જાય એવું કંઈક કરો. જોડે કામ લાગશે અને ત્યાં તો જતી વખતે ચાર નાળિયેર બંધાવશે ને ! અને તે ય છોકરો શું કહેશે, 'જરા સસ્તામાંના, પાણી વગરનાં આપજો ને !' માટે સારે રસ્તે પૈસા વાપરજો. લોકોના સુખને માટે વાપરજો. તમારા પૈસા જો વધારાના હોય તો લોકોના સુખને માટે વાપરશો. એટલા જ તમારા, બાકી ગટરમાં.....!

આ તો આવું બધું ના બોલવું જોઈએ. છતાં બોલીએ છીએ અમે !

ન સોંપાય પહેલેથી બધી મિલકત;

લાચારીને ઠેબાં મળે જાણ હકીકત !

એકનો એક છોકરો છે તે વારસદારને સોપ્યું. ભઈ આ બધું તારું, હવે અમે બે છે તે ધર્મ કરીએ. આ મિલકત બધું એનું જ છે ને, એવું બોલશો તો ફજેતો થશે ! કારણકે એને મિલકત આપવાથી શું થાય ? પેલા ભઈ મિલકત આપીને ઊભા રહે, એકનો એક છોકરો. એટલે પછી છોકરો પેલા બે જણને સાથે રાખે. પણ છોકરો એક દહાડો કહેશે, 'તમને અક્કલ નથી, તમે એક જગ્યાએ બેસી રહો અહીં આગળ તે !' એટલે તે ઘડીએ પેલાના મનમાં એમ થાય કે આ મેં આને ક્યાં હાથમાં લગામ આપી !? એ પસ્તાવો થાય ને, એના કરતાં આપણે કૂંચી આપણી પાસે રાખવી.

હવે પેલા ભઈનો છોકરો મારી હાજરીમાં કહે છે, દાદાજી, મારી કહેલી વાત બાપા એક્સેપ્ટ કરતા નથી. એટલે મેં એને કહ્યું, તું શું સમજું છું તારા મનમાં ?! ઈઝ હી પાર્ટી ? એ પાર્ટી છે ? એ એમ સમજે, આ અમારો બાપ એ પાર્ટી અને આ ય પાર્ટી, હું ય પાર્ટી. પાર્ટી સમજે છે મહીં. તે પછી છોકરો મને કહે છે, પણ મારા પપ્પા આમ કરે છે એ કેમ ચાલે ? એ મને નહીં ફાવે. એટલે મેં કહ્યું, આ જબરો મૂઓ ! મેં કહ્યું, યુ આર નોટ ધી પાર્ટી ! અહીં પાર્ટી-બાર્ટી ના હોય. કે આ એ આમ કરે છે. પછી કહ્યું, 'પપ્પાજી તારા પાસે ખાવાના પૈસા લે છે ?' એટલે ચમક્યો. 'ખાવાના લે મારી પાસે ?' 'ત્યારે તે કોની પાસે લે ?' તને ખવડાવે છે. તે તું નાનો હોઉં ત્યાં સુધી ખવડાવે. અને અહીં ન્યાય કરવાનો નથી. અહીં તો તારા ફાધરનો ન્યાય એ ન્યાય છે, કહ્યું. એ વહેલી તકે ઊડાડી મેલી એની વાત. પેલો ન્યાય ખોળતો હતો, મૂઓ ! અલ્યા મૂઆ, અહીં ન્યાય ખોળું છું ?! બાપની પાસે ન્યાય ખોળું છું ?! એમનું બધું, એમના પૈસાનું ખઉં છું. ત્યારે પછી કહે, બિઝનેસ છે એમનો. તો એ પોતે કરે સર્વિસ અને એમનો ધંધો મને સોંપી દે, કહે છે. મેં કહ્યું, રૂપિયા આપ વ્યાજે લાવીને અને જો તારે આ જોઈતા હોય તો કેટલા ટકા ઈન્ટરેસ્ટ આપીશ એ નક્ક

ી કર ! એટલે એને એમ

લાગ્યું કે દાદા છે તે કંઈ કરાર કરાવી લેશે મારી પાસે હઉ. પણ પેલો સમજી ગયો કે કરાર કર્યા વગર ચાલે એવું નથી, નહીં તો પછી દાદા, નવી જાતનું ફેરવીને કશું આપે નહીં તો શું કરીએ ? ચમક્યો ! અને છોકરો તો શું બોલે, તમારા બેઉ જણમાં બિલકુલ સેન્સ નથી, કહે છે. એટલે એના બાપા કહે છે, આ બધા ડોલર આપ્યા તેનો આ બદલો ? બાપથી બોલાય નહીં, બાપ બોલે ને ત્યારે પેલો કહેશે, પણ ન્યાય આ નથી કહેતો. અલ્યા મૂઆ, ન્યાય કરું છું, બાપની જોડે ?! એ તો બાપનું કહ્યા પ્રમાણે જ કરવાનું. આખો વારસો લેવો છે. અને એની પાછળ ઉપરથી ન્યાય ખોળું છું ! અને તારો સ્વભાવ વાંકો હોય તો એ તો પાછું તે ઘડીએ તું વાંકું બોલીને ઊભો જ રહેવાનો છું. અત્યારથી જ આવું કરું છું, તો તે દહાડે તું મારો શું ફજેતો કરે ?! આ છોકરો આવું બોલે છે, કંઈ જાત જાતનું બોલે છે. મેં કહ્યું, જો સોંપશો નહીં. લાગણીવાળો છે બધું ય. લાગણીવાળો છે, પણ સ્વભાવ કંઈ જાય કે ?

પ્રશ્નકર્તા : નહીં.

રાખ લગામ હાથમાં એ બન્નેનું હીત;

વખત પડે ત્યારે ખેંચ એ ખરી પ્રીત !

દાદાશ્રી : એનો સ્વભાવ એવો એટલે પછી... એ છોકરો મને શું કહે, મને લાગણી છે દાદાજી. એમને બહુ સારી રીતે સાચવીશ, કહે છે. લાગણી છે પણ ગમે તેટલી લાગણી હોય બાપ જોડે, પણ બાપને કહેશે, નોનસેન્સ. એટલું કહ્યું એટલે થઈ રહ્યું ! એમના મનમાં એમ થાય કે બળ્યું આવું જીવન કેમ જીવાય ? છોકરો જ કહે તે ! એ લાગણીને શું કરવાની ? પછી પોતે જે રીતે જીવેલો તે નથી જીવાતું ને !

પ્રશ્નકર્તા : નહીં જ ને !

દાદાશ્રી : એટલે ઠેઠ સુધી જીવવાની ચાવી આપણી પાસે રાખવી, ચાવી. એને બધી રીતે ઉત્તેજન કરવાનું. ધંધો કરાવી આપવો, બહુ હેલ્પ કરવી. એટલે પેલા સમજી ગયા બધા. તે એમણે ગોઠવણી કરી છે હમણે.

એટલે હાથમાં લગામ રાખીને કામ લેજો. તે એને બહુ સમજણ પડી ગઈ. બધા આવી રીતે ફસાયેલાં હતાં. આ તો મા-બાપ બિચારાં ભલાં એટલે કહે, આ તારું જ છે ને, બા. આ તારું જ છે એમ કરીને તો છોકરાં પાછાં ચઢી બેસે એ તો પછી. ના આપે એ તો આપણને. માટે લગામને પધ્ધતસર રાખવી જોઈએ. એ ય સમજવા જેવી ને વાત પાછી. આપણા હાથમાંથી લગામ છોડી અને પછી બૂમો પાડીએ. આપણામાં એક કહેવત છે કે અંધારું ઘોર થયેલું હોય અને કાળો બળદ હોય અને પછી ખીલેથી આપણે છોડ્યો. પછી આપણે કહીએ લે, આવ, આવ, આવ. તે દેખાય નહીં ને કઈ બાજુ આવ આવ કરીએ ? એ ખીલે બાંધવા સારું ! લે આવ, લે આવ. તે મૂઆ ખીલેથી ના છોડીશ. અંધારું છે ને કાળો છે એ.

પ્રશ્નકર્તા : બરાબર.

દાદાશ્રી : એટલે કહ્યું, લગામ રાખ તારી પાસે.

પ્નશ્નકર્તા : તો એમાં વાણી, મન અને વર્તનની સરળતા રાખીએ, તો એ તો શુધ્ધ ગુણ છે. તો પછી એનું શું કરવું ? એ ય નહીં રાખવાનું ?

દાદાશ્રી : એ સરળતા રાખી જ ના કહેવાય. આપણે છે તે ઘોડાને હાંકવાનો હોય ને, તો એની લગામ ઢીલી કરી દઈએ એને સુખ પડે એવું, એને સુખી થાય એટલા સારું. તો શું થશે ? ઠોકર ખાઈ દેશે, પાડી નાખશે બધું.

પ્નશ્નકર્તા : હા, હા.

દાદાશ્રી : એટલે આપણા હિતને માટે લગામ ખેંચવાની એ ભલે ડોળા ખેંચાય. જરા લોહી નીકળતું હોય તો ભલે નીકળે. પણ બંનેના હિતને માટે છે.

પ્નશ્નકર્તા : હવે લગામ હાથમાંથી જતી રહી પછી શું કરવું ?

દાદાશ્રી : જતી તો રહી એ લગામ જાણીને પછી, ફરી વાત દબાવી દેવાની. થયેલી ભૂલને શું કરવાનું ?

પ્નશ્નકર્તા : બધાને જ એવું થયું છે, દાદા.

દાદાશ્રી : એવું છે ને, બહુ મુશ્કેલીમાં આવ્યું હોય તો મારી પાસે લાવજે, હું સમું કરી આપીશ. ના મુશ્કેલીમાં આવ્યું હોય તો ચલાવી દેજો. જેવું ચાલે એવું ખરું, શું થાય તે ?! કારણ કે અમારે જ્ઞાનીની પાસે જ્ઞાન એકલું ના હોય, એની પાસે બોધકળા ને જ્ઞાનકળા બધી કળાઓ હોય. એ વ્યવહારમાં એવી રીતે રહે કે કોઈની જોડે મતભેદ ના પડે. કોઈ ગાળ ભાંડનારની જોડે મતભેદ ના પડે એવો વ્યવહાર રાખે. અને કોઈ સામો થાય જ નહીં. મોટો રાજા હોય તો ય સામો ના થાય એવો વ્યવહાર હોય. એટલે વ્યવહારકળા ને બોધકળા બેઉ હોય. જ્ઞાન છે, ત્યાં શું ના હોય એમની પાસે. એટલે આપણે આપણું કામ કાઢી લેવું. જરા કાચું પડ્યું હોય તો ફરી સુધારી લેવું. સંસારમાં બધા કાચા પડી ગયેલા. અત્યારે તો આ વ્યવહારિક જ્ઞાન જ નથી ને લોકોને ! વ્યવહારિક જ્ઞાન ઓછું થઈ ગયું છે લોકોને. ડોલરની પડી છે. બસ, બીજી કશી પડેલી નથી. રાતદહાડો એનું જ ધ્યાન. જાણે એ મા-બાપ ના હોય ! બધે ધ્યાન રાખવું પડે. એકતરફી નહીં હોવું જોઈએ. બધું જ ધ્યાન, છોકરાઓનું ધ્યાન રાખવું જોઈએ, વાઈફનું ધ્યાન રાખવું જોઈએ, ડોલરનું ધ્યાન રાખવું જોઈએ. આપણો છોકરો સારો છે, પણ તો ય નાથ તો એક નાની અમથી આપણી પાસે રાખવી.

પ્રશ્નકર્તા : નાથ ?

દાદાશ્રી : નાથ, લગામ. બહુ જેન્ટલમેન છે, પણ એને બોલતાં શું શીખ્યો હોય અને કોઈ વખત ચિડાય ત્યારે શું બોલી જાય, તે એ બોલી જાય. જો આપણને મહીં પચી જતું હોય તો વાંધો નથી. એના બધા બોલ પચતા હોય, તો વાંધો નથી, પણ નહીં પચે. જ્ઞાન છે તો ય નહીં પચતા. તો પછી જ્ઞાન ના હોય તો શું પચે ?

એટલે પેલા ડૉકટર કહે છે, મને ય એવું કરી આપો, મારા છોકરા જોડે. મેં કહ્યું, કરી આપીશું. છોકરાં જોડે નિવેડો તો આવવો જોઈએ ને ! એ છોકરો તો ડાહ્યો થશે, જો તમે એને કંટ્રોલમાં રાખશો તો. બધી રીતનાં કંટ્રોલ નહીં. બીજું નહીં. એ અને એનાં વાઈફ વિનયમાં રહેતા હોય તો એનો કશો વાંધો નહીં. પણ અમુક એના મગજથી જ રાજ ચલાવે બધું. અને આપણે એનાં પ્રજા થઈ જઈએ.

પ્રશ્નકર્તા : તે નહીં ચાલે.

દાદાશ્રી : તે ન થવું જોઈએ. મહાપરાણે પરસેવા પાડી પાડીને કમાયા. તે પાછળની જીંદગી દુઃખી કરવા માટે નહીં કર્યા. અમારી જીંદગી દુઃખી થાય તો અમારો આત્મા જતો રહે. અમે તો આત્મા માટે આવ્યા છીએ.

પ્રશ્નકર્તા : પણ દુઃખી થાય તો આત્મા જતો રહ્યો ?

દાદાશ્રી : દુઃખી થાય તો મહીં બગડી જાય પછી. આપણા કાન ખરી જાય એવું બોલે. પછી એની વહુ આવશે ને ! એટલે પછી કહેશે, તમારામાં સેન્સ નથી બરોબર, તો તે આબરૂ રાખ. તે ફજેતો ના થવા દેજો ! ચેતી જાવ આ. આ વ્યવહાર છે. ખરેખર રીયલી વસ્તુ નથી, આ રીલેટિવ વસ્તુ છે.

પ્રશ્નકર્તા : પણ દાદાજી ત્યારે પણ આપણે જ્ઞાનમાં, જાગૃતિમાં રહીએ તો સુંદર ને !

દાદાશ્રી : રહેવાય તો બહુ સારું. ઉલટું આવું જો મલે ને ત્યારે સારું કહેવાય. પણ મહીં સહન ના થાય તો પછી ઊંધું થાય. તમારું તો એટલું બધું સહન કરવાની શક્તિ ના પહોંચે તે વખતે.

વીલ કરવું વ્યવહારથી;

પછી જીવન જીવાશે પ્યારથી !

આ તો બાપ એકના એક છોકરાને કહેશે, 'મને તારા વગર ગમતું નથી, બાબા. તારું જ છે ને બા, બધું તારું જ છે ને !' મેર ચક્કર, તારી શી દશા થશે ?! એનું હોય તો અહીં શું લેવાદેવા ? એટલે પછી એ જાણે 'મારાં બાપાનું એ મારું જ છે ને, આ તો ?' હોવે, આ તારું છે ! વહુ આવે તે ઘડીએ અમારી દશા જ બેસાડે ને તું તો ?!

આ તો એકનો એક છોકરો છે, તે વહીવટ કરવા માંડ્યો, મોટલનો એ બધો. તો આ ભઈ, એના ફાધર મને કહે છે, બધો વહીવટ હવે સંભાળી લે છે એ. મેં કહ્યું, ના સોંપાય વહીવટ. અને વહીવટ સોંપી દઈએ તો શું થાય ? એ તો જાણે કે મારી જ છે મિલ્કત આ તો. અને આપણે ય ઘણાં વખત ભોળા ભાવમાં બોલી જઈએ કે ભઈ, બીજું કોણ વાપરવાનું છે, તારે જ વાપરવાનું છે ને. એટલે ઝાલી પડે.

એટલે પછી મેં કહ્યું, છોકરાને પૂછયું કે આ મોટલનો તું વહીવટ કરું છું તે મોટલ તને સોંપવાની છે ? ત્યારે કહે, મારી જ છે એમાં શું સોંપવાનું છે ?! મેં કહ્યું, તારી શી રીતે ? લાવ કાગળ. લાવ તારી પાસે છે કશું ? આ તો પપ્પાની પાસે છે. પછી કહે છે કે, હું એમનો છોકરોને, એકનો એક જ છું. મેં કહ્યું, ના ચાલે. એ તો તારા પપ્પા કાલે બીજા કોઈને આપી દે. એમની જાતની કમાણી છે. આ દાદાની કમાણી નહીં કે તું દાવો માંડીને લઈ શકે.

પછી છોકરાને મેં કહ્યું, 'અહીં તારે શું લેવાદેવા છે અહીં ?! આ તો ફાધરનું છે, હું જાણું છું અને આ બધાં ય જાણે છે. ચૂપ થઈ ગયો. પહેલું તો આ એમ જ જાણતો હતો કે આ બધું મારું. તને ભણાવાનો-બણાવાનો અધિકાર એમને હતો, એમ કરીને ઉતારી પાડ્યો જરા. હવે કંટ્રોલમાં રહેશે. પેલું તો રહેતા હશે કે ! તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : કંઈક ના જોઈએ બધું ? અને છોકરાને કહ્યું, તને શું હક્ક છે બીજો અહીં ? આ તો તને પેસવા દે છે એટલે સારા માણસ છે. ત્યારે કહે, હા, સારા માણસ છે. ત્યારે મેં કહ્યું, તને મોટેલ સોંપે, તો તારી પાસે ડાઉન છે પૈસા ? ત્યારે કહે, નથી. એટલે ટાઢો પડ્યો. ત્યાર પછી મને કહે છે, તો પણ આ વહીવટ તો હું કરું છું એમાં તો વાંધો શો છે ? ત્યારે મેં કહ્યું, ના, તે વાંધો નહીં, તું તારા નામે જ કરી લે આ મોટેલ. ત્યારે કહે, હું પૈસા કંઈથી લાવું ? મેં કહ્યું, પૈસા તો તું વ્યાજે લાવજે. ઈન્ટરેસ્ટ આપજે. ત્યારે કહે, કેટલું વ્યાજ ? મેં કહ્યું, બાર ટકા. ત્યારે કહે, કાલે વિચાર કરીને કહીશ. તો પછી કોઈને પૂછી આવ્યો હશે કે સાત ટકે હા પાડે તો માનજે. તો કહે, સાત ટકા. મેં કહ્યું, સાત ટકા આપજે. મેં કહ્યું, એને કરાર કરી આપો આ. તમારી બધી સોંપી દો મોટેલો-બોટેલો. હવે ધંધામાં હમણે બે વર્ષ પછી એ જ્યાં સુધી ભણે છે. ત્યાં સુધી બે વર્ષ છે તે ૫૦૦૦ ડોલર કામ કર્યા બદલનાં દર સાલ એને આપવાના. બે સાલ દસ હજાર આપી દેવાનાં અને ધંધાનું એગ્રીમેન્ટ આજથી કરે. તે બે વર્ષ પછી આ મોટેલનો ધંધો તને સોંપવામાં આવશે. અને આટલી કિંમતથી આટલા ડોલરથી સોંપવામાં આવે છે અને તેનું દર સાલ આ

ટલા તારે

ભરવાં આમને અને ઈન્ટરેસ્ટ પંદર ટકા બહાર ચાલે છે તેને બદલે સાત ટકા એ એક્સેપ્ટ કરે છે.

પ્રશ્નકર્તા : આ ફાધર ને છોકરાનાં રીલેશનમાં આ બધું કેમ ?

દાદાશ્રી : એ વ્યવહારને ખાતર. પછી જ્યારે અડચણ પડે તો મદદ કરે પાછા ફાધર. ફાધર તો ખરાં ને ! પણ વ્યવહારથી તો કરવું પડે ને, વ્યવહાર તો સરકારી કાયદા બધા.

બસ, બરાબર છે ? કરેક્ટ છે એગ્રીમેન્ટ ? સાત ટકા ઈન્ટરેસ્ટ બરાબર છે કે પંદર ટકા જોઈએ ?

પ્રશ્નકર્તા : ઘરવાળા છે એટલે સાત ટકા બરાબર છે.

દાદાશ્રી : બરાબર છે, યુ આર રાઈટ. હા, ઘરનાં માણસોની પાસે વધારે લેવાય નહીં. બરાબર છે !

રૂપિયો હોય તો પાંસરો ના થાય, એવો માણસનો સ્વભાવ. હાથમાં ડોલર ખલાસ થાય તો પાંસરો થઈ જાય, એ ત્યાં સુધી ના થાય, એવો મનુષ્યનો સ્વભાવ. એટલે અમે તો બધી લગામ હાથમાં રાખીએ. એ વ્યવહાર એવો છે કે આવી રીતે લગામ પકડવી કે જેથી એ ઘોડો દુઃખી ના થાય, પકડનાર દુઃખી ના થાય. વ્યવહારને વ્યવહાર કહેવો જોઈએ. વ્યવહાર અણીશુધ્ધ હોવો જોઈએ. વ્યવહારમાં મતભેદ ના થાય, ચિંતા ના થાય, દુઃખ ના થાય કોઈને, એવી રીતે વ્યવહાર હોવો જોઈએ. તને પણ દુઃખ ના થવું જોઈએ. તું છોકરો છે ને ! હવે પૈણીને આવ્યો તે તારી વાઈફને પણ દુઃખ ના થાય એવું હોવું જોઈએ. જેમ બેંકોમાં ગોઠવણી કરવામાં આવે છે, આ રૂપિયા ગણવાનો અધિકાર છે, ઘેર લઈ જવાનો અધિકાર નથી. એવું વ્યવહારમાં ગોઠવણી કરવાની છે બધી.

એ જાણે કે આ તો બધું આપણું જ છે. એટલે મેં કહ્યું, એગ્રીમેન્ટ કરી લો. કરાર સાથે કરી લો. અને છોકરાની પાસે વ્યાજ ઓછું લે એ તો બહુ સારું કહેવાય ને !

પ્રશ્નકર્તા : હા, હા.

દાદાશ્રી : આમ સારા, અહીં જન્મેલા ને ! એટલે આમ હ્રદય સારાં હોય છે આ પૈસાની બાબતમાં અને આપણે ત્યાં ઈન્ડીયામાં ચોંટી પડે, શાનો મારી પાસે કરાર મંગાવો છો ? આ તો મારી મિલકત છે, એવું કહે મૂઆ. આપણે તો એમ કહીએ ને કે ભઈ આ મારા ફાધરે આપ્યું એ તને આપીશ. બાકી બધું જૂદું, મારું જ છે. વારસો જેટલો ફાધરે આપેલો હોય એટલો જ હોય, કાયદેસરનો. તમારું કમાયેલું એ છોકરાનું ના હોય. એ તમારી મરજી પર વીલ (વસિયતનામું). એટલે કાયદેસરનું કોર્ટમાં એ ન કરી શકે. ફાધરનું આપણે લીધું હોય એટલે આપણે આપવું જોઈએ. નહીં તો ચઢી બેસે ને પછી આપણી જિંદગી ખલાસ કરી નાખે. પછી મનમાં થાય કે જિંદગી આ જીવે છે ને, કૂતરા જેવું જીવન ગાળે છે. એવું અપમાનિત જીવન કંઈ સારું કહેવાય ! એ આપણને બાપ થતાં ના આવડ્યું તેની જ ભાંજગડ ને !

પ્રશ્નકર્તા : હાસ્તો, હાસ્તો.

દાદાશ્રી : હવે એ તો કાલે હવે પૈણાવી દઈએ, તો પેલા એના ગુરૂ મહારાજ આવે તો આપણું કલ્યાણ થઈ જાય ! આપવું છે એને જ, મનમાં આપણે સમજી રાખવાનું. પણ ગુરૂ મહારાજને લઈને આપણે મૂર્ખ બનીએ એવું ના થવું જોઈએ. કંૂચી આપણી પાસે રાખવી.

પ્રશ્નકર્તા : હા, રાખવી પડે.

દાદાશ્રી : કૂંચી રાખવાની, પ્રેમ બધો રાખવાનો, બધું રાખવાનું પણ વ્યવહાર કરવો. એવો કંટ્રોલમાં લઈએ કે વહુનું માને જ નહીં. એ જાણે કે વહુનું માનીશ તો આ મારે અહીંથી આ જગ્યા ખાલી કરવી પડશે. એ ભયનું માર્યંુ જગત રહે છે.

પ્રશ્નકર્તા : હા, ભયનું જ છે, બરાબર છે. બધે ભય જ છે.

દાદાશ્રી : હા, ભયનું. ભય છૂટ્યો કે આ ખરાબ થઈ જાય. એટલે મેં કહ્યું, આ છોકરો ફજેતો કરશે, ત્યાં સુધી તમે કરાર કરી લો. તમારે તો આવું એગ્રીમેન્ટ પેપર લાવીને આ પ્રમાણે એને લખી લેવાનું. એ એને સાયકોલોજીકલ ઈફેક્ટ રહ્યા કરે. એમનું તો કામ થઈ ગયું. એનું એગ્રીમેન્ટ થશે, તારું એગ્રીમેન્ટ થશે. એટલે ઘરમાં ઝઘડા નહીં થાય હવે. પછી કહ્યું, પચ્ચીસ હજાર ડૉલર માંગવા આવે. તે ભઈ મારી પાસે નથી, કો'ક મારા મિત્ર પાસેથી લઈ આપું, એમ કરીને આપવા તમારે. અને વ્યાજ-બ્યાજ બધું લેતા જવું અને મિત્રને આપી દે હવે, કહીએ. એવું ડીલિંગ રાખવું બધું. સંસારમાં ય વ્યવહાર સમજવો જોઈએ કે ના સમજવો જોઈએ ?

પ્રશ્નકર્તા : સમજવો જોઈએ.

દાદાશ્રી : વ્યવહાર ના સમજેલાં તે બધાં ગુંચાઈ ગયેલાં. પછી છે તે એક ફેરો ફસાય, પછી વળે નહીં. કકળાટ કરનારો જે મછવાવાળો હોય. બે-ત્રણ મછવાવાળા ઊભા હોય, કોઈ પણ જતો હોય તો એક જણ કહે છે, અલ્યા મૂઆ, એ કકળાટિયા છે એનામાં ના જઈશ, હમણે થોડી વાર પછી આનામાં જા. તો ય પેલામાં બેસી જઈએ અને પછી આ ઠેઠ સુધી, નદી ઓળંગતા સુધી કકળાટ કર્યા કરે એ સહન કરવું પડે ને !

પ્રશ્નકર્તા : કરવું પડે.

દાદાશ્રી : એટલે વ્યવહાર સમજીને કરવાનો છે નહીં તો ફસામણ.

પોલીસવાળા જોડે બોલે કે ? પોલીસવાળા જોડે કેમ સામા નથી થતાં, એનો સ્વભાવ છે તો ય ? ત્યાં કેમ નહીં કહેતા, મારો સ્વભાવ વાંકો છે ? ના, એ જોઈએ જ વચ્ચે, પરમ વિનય જોઈએ જ. જ્યાં જુઓ ત્યાં. બાપા જોડે ય પરમ વિનય તો જોઈએ ને ! પરમ વિનય નહીં હોય તો બધું ધૂળધાણી થઈ જાય !

મિલકત વેચી દીકરાને ધંધે લગાડ્યો;

હડધૂત જીવન બાપનું રે ભવ બગાડ્યો !

એક બાપા તો મને કહેવા લાગ્યા, મેં અમારા છોકરાને ધંધો કરવા માટે પૈસા આપ્યા, અમદાવાદમાં બંગલો હતો તે વેચીને, એની માનાં છે તે ઘરેણાં વેચીને આપ્યા. હવે છોકરો કહે છે, મારી જોડે રહો અહીં. તે અમને બન્નેેને અમેરિકા બોલાવી દીધા. હવે અમને કહે છે, આ મોટલમાં કામ કરો અને તમારો પાર્ટ રાખીશું. અલ્યા, અમારે પાર્ટ શું કરવો છે આ ? ત્યારે કહે, કામ કરો તો તમારો પાર્ટ રાખીશ. એ છોકરો અત્યારે રાખે છે ખરો, પણ એ કહે છે કે 'પગાર જેટલું પાંચસો ડોલર મહિને આપે, કામ કરો.' અને અમારે વાપરવા કહે, મને પાંચ-દસ ડોલર ના જોઈએ ? પણ કશું આપતો નથી અને આ દસ વર્ષથી કૂતરા જેવું જીવન જીવીએ છીએ બેઉ જણ છોકરાની પાસે. ત્યારે મેં કહ્યું, બંગલો વેચીને શું કરવા આપ્યા ? કોણે કહ્યું હતું તમને ? બંગલો વેચીને આપ્યા મૂઆ! એ તો ઘોડું આપીને ગધેડો બનાવ્યો ? હવે અમને નોકરી કરાવે છે. પણ પગાર નહીં આપતો. અમારે કશું જોઈતું હોય, ધર્માદામાં સો-બસો ડોલર વાપરવા હોય તે ય નથી આપતો. ત્યારે મેં કહ્યું, આ લગામ છોડ્યા પછી બૂમો પાડો છો ?

પ્રશ્નકર્તા : હા, બરાબર.

દાદાશ્રી : તમને ના ગમ્યું, નહીં ?!

પ્રશ્નકર્તા : બરાબર. ગમ્યું. દોર ટાઈટ રાખવાની, લગામ.

દાદાશ્રી : એ ટાઈટ નહીં. એને વ્યવહાર કહેવાય છે. એવો જ વ્યવહાર. પણ પોલીસવાળાની સાથે એટલી બધી ફ્રેન્ડશીપ નહીં કરી નાખવી કે પેલો ગમે તેમ ટૈડકાવે. એ કેવું ખરાબ લાગે, જો સોંપી દીધું, બધું આપી દીધું. અને આ તો હાર્ટ વગરનાં છોકરાં, સત્યાનાશ વાળી દે આપણું તો. ન્હોય છોકરા પોતાના, છતાં પ્રેમ રાખવાનો. પણ અંદરખાને એ ના સમજી જાય કે આમને આવું છે. વેપારી સિસ્ટમ એ સમજવા જેવી.

પ્રશ્નકર્તા : આટલી બધી ઈન્ડિપેન્ડન્સ કેમ આવી જાય, બહાર રહેવા આવે છે, પરદેશ રહેવા આવે ત્યારે ?

દાદાશ્રી : લોકોનું જોઈને. આ ફોરેનના છોકરાને એમના મા-બાપ પહેલેથી કહે કે તારે છૂટું રહેવાય. હવે એમનું આપણા શીખે તો ક્યારે પાર આવે ? અને તે થાય એવું. એક શબ્દે ય અવિનય બોલતો ન હોય, અવિનય વર્તને ના હોય. આ તો એવું બોલે કે આપણા માથાના વાળ ખરી જાય. એટલે પછી આપણે જતું રહેવું પડે. ભલે એમ ને એમ રોટલા કોઈકનાં ખઈશું, પણ આ ના હોય. ફસાઈ ગયા એ ફસાઈ ગયા. આપી દીધું એ આપી દીધું, હવે પાછું મલે જ નહીં ને ! પેલાં કાકા આવે છે ને.

પ્રશ્નકર્તા : હા, એ ત્યાં વાત કરતાં હતાં.

દાદાશ્રી : અરે, એટલી મુશ્કેલીમાં કે ન પૂછો વાત. એક કાગળ લખીને આપ્યો હતો. એ વિધિ કરી આપી તે રાગે પડશે હવે.

પ્રશ્નકર્તા : ના, હું એટલે સમજાવતો હતો ઘણી વખત કે કશું આપી ના દેવું.

દાદાશ્રી : નહીં, આપણે જ બગાડ્યું. સામા ખોટાં નથી હોતા, આપણે છૂટ આપીએ...

પ્રશ્નકર્તા : હા. અને પછી આપણા પર ચઢી બેસે છે.

દાદાશ્રી : હવે છોકરાનો ય ગુનો ન્હોતો. છોકરાનો કંઈ ઈરાદો ન્હોતો એવો. પણ એવા સંજોગોમાં છોકરો ગૂંચવાયેલો છે કે એવા લોભમાં કે આ ચપટી હોય તે ય પાછું બીજું નાખીને ધંધો આગળ વધાર વધાર કરે, તે પણ આપણા ઘરના મા-બાપને જોઈતું હોય એટલું તો આપવું પડે ! પણ છોકરો ન્હોતો આપતો. છોકરા કંઈ ગુનેગાર નથી હોતા પણ એ છોકરાનું એના સ્વભાવ પર જતો રહે ને ! તે પછી એની ય વિધિ કરી આપી. તે છોકરાને બોલાવીને રાગે પાડ્યું. થોડું-ઘણું રાગે પડ્યું છે. ધીમે ધીમે પડી જાય. આવું ના હોવું જોઈએ. બિચારા, કેવા બિચારા બંગલો-જણસો વેચીને આપી દીધું બધું !

ઊઘાડી આંખે સાવધાનીપૂર્વક ચલાય;

પછી અથડાય તો વ્યવસ્થિત મનાય !

એક બઈ આવીને કહે છે કે આ છોકરો મને એટલી બધી ગાળો દે છે, કશું કમાતો તો છે નહીં, નોકરી જતી રહી છે. હું જાતે ચાર કલાક જઈને દોઢસો ડોલર લઈ આવું છું. મકાન ઘરનું છે. થોડો ભાગ ભાડે આપ્યો છે, ગાડું ચાલે છે. બહુ ભાડું આવતું નથી. પણ આ દોઢસો છે તે એના ઉપરથી ચલાવીએ છીએ. આખો દહાડો કકળાટ કરીને મને હેરાન, હેરાન કરી નાખે છે. દાદા, હું શું કરું ? આ એકનો એક છોકરો છે હવે ! આમ પજવીને તેલ કાઢી નાખે છે. તે મને કહી દીધું સારું થયું. પછી પેલા ભઈને બોલાવ્યો. અલ્યા મૂઆ, કમાતો નથી ને ઉપરથી પાછું શિરજોરી કરું છું ! શિરજોરી આજથી બંધ કરી દે. અક્ષરે બોલીશ ? ત્યારે કહે, નહીં બોલું. અત્યારથી બંધ. પછી બઈને પૂછયું, ના અક્ષરે બોલતો નથી.

મારે ત્યાં તો બધા પોલીસ ડિપાર્ટમેન્ટ, બધા ડિપાર્ટમેન્ટ છે. એકલું સિવિલ એકલું ના હોય. સિવિલ ચાલે નહીં એકલું. સિવિલ એકલું ચાલતું હશે !?

પ્રશ્નકર્તા : ના ચાલે.

દાદાશ્રી : આપણે ત્યાં તો પોલીસ ડિપાર્ટમેન્ટ. એટલે બધા ઊંધા ચત્તા કરીને આવે તે બધાને.

પ્રશ્નકર્તા : આપણે છોકરાંને ભણવા માટે મૂક્યો હોય અને ત્યાં એ ખોટી રીતે પૈસા વાપરતો હોય, ધ્યાન ના રાખે નાપાસ થાય, તો આપણે વ્યવસ્થિત જ સમજવાનું ? કે પછી કંઈ કરવાનું ?

દાદાશ્રી : કંઈ કરવાનું. વ્યવસ્થિત નહીં સમજવાનું, કરવાનું.

પ્રશ્નકર્તા : એટલે આપણે કહીએ છીએ ને કે બધું વ્યવસ્થિત છે, એટલે એ માની લેવાનું ?

દાદાશ્રી : એવું કહેવાય નહીં ને !

પ્રશ્નકર્તા : શું કરવાનું ત્યારે ત્યાં ?

દાદાશ્રી : વ્યવસ્થિત એટલે આંખો મીંચીને ચાલવું એનું નામ વ્યવસ્થિત નહીં. ઊઘાડી આંખે ચાલો અને સાવધાનીપૂર્વક ચાલવાનું. પછી અથડાય એ વ્યવસ્થિત. વ્યવસ્થિતનો અર્થ સમજો. ઊઘાડી આંખે ચાલો અને સાવધાનીપૂર્વક ચાલો.

પ્રશ્નકર્તા : એટલે ત્યાં આગળ છોકરાં જોડે શું પગલાં લેવાં ?

દાદાશ્રી : એને સમજાવાનાં. બીજું મારામાર કરવાનું હોય જ નહીં ને !

બાપ ભણાવે દીકરો ઊડાવે;

શાણો તો વ્યાજ સાથે ઊધરાવે !

પ્નશ્નકર્તા : દાદા, મેં તો એને કીધું મારા દીકરાને કે, આ કોલેજમાં ભણવા જાય, પચાસ હજાર ડૉલર ખર્ચ થાય. એકેએક પૈસો લોન તરીકે આપવાનો અને એકએક પઈનું ઈન્ટરેસ્ટ સાથે. મારી ઈચ્છા થાય કે તું સારી રીતે ઉછર્યો અને એ આપવું હોય તો મારી મરજી.

દાદાશ્રી : હા, હા. બરાબર છે. વાત બધી વેપારીની કરી.

પ્નશ્નકર્તા : કારણકે નહિતર શું કહે છે, આ બધું મારું જ છે. મેં કહ્યું, હં... એવું માની ના બેસતો. મારી ફરજ છે કે તું તૈયાર થાય બસ. તું મારા કરતાં દસ ગણું મેળવજે, પણ આપું નહીં.

દાદાશ્રી : એટલે આપણે ત્યાં મુખ્ય કહેવત છે કે ઉછરતા યુવાનને સ્વતંત્રતા આપવી એ સ્વતંત્રતા સત્યાનાશ વાળે છે. મેં બધી જગ્યાએ જોયું છે, આ કંઈ જ્ઞાનીઓ નથી કે જેમને સ્વતંત્રતા અપાય. આ તો અજ્ઞાની. જુઓને, પણ આ છોકરો બાપને મારી નાખે છે બિચારાંને. રડતા હતા કાલે બિચારાં. આવું બધું ત્યાં ચાલે છે. એટલે હું જાણું ને બધું. આ આખું જગત બધું સડી ગયું છે. બહુ મોહ રાખીએ ને મારો દીકરો, મારો દીકરો કરીને આ સોંપે બધું. આ બધું તારું જ છે ને, તારું જ. એટલે પેલાને સાયકોલોજીકલ ઈફેક્ટ થઈ જાય.

પ્નશ્નકર્તા : મારું અને મારા દીકરાનું ખાતું એક ખોલેલું બેંકમાં ભેગું, કરન્ટ. કારણકે એ દૂર રહે ને સાનફ્રાન્સિસ્કો. એટલે કંઈ જરૂર પડે. એટલે એક વર્ષ ટ્રાય કર્યો. મેં કહ્યું, હવે બહુ થઈ ગયું. કારણકે પછી છૂટ થઈ ગઈ ને. એટલે બધા ખર્ચ જસ્ટીફાય કરે કે આ જરૂર હતી. એટલે હું જોઉં કે આ હું અહીંયાથી પાંચ સેન્ટ માટે કંઈ આંટો મારતો હોઉં અને પેલો ત્યાં બેઠો બેઠો એના ફ્રેન્ડને ટેલિફોન કરીને પચ્ચીસ ડૉલર ઊડાડી મારતો હોય. એટલે મેં કહ્યું કે આ નહીં.

દાદાશ્રી : એવું છે આવું કરીએ ત્યારે એ સુધરે. એને પોતાને પછી ભવિષ્યમાં એમ લાગે કે ઓહોહો, મારા ફાધરે મને સારો બનાવ્યો. સારું ઘડતર ઘડ્યું એમ લાગે. નહીં તો પછી વાઈફનો બધો કંટ્રોલ. કારણકે આ છોકરાઓને પછી ખ્યાલ જ નહિ ને, બિચારાંને અનુભવ જ નહીં. મોટા મોટા ખોવાઈ જાય છે તો ?!

ગાદી માટે બાદશાહો મારતાં બાપને;

દૂધ પાઈને ઉછેર્યા ઘરનાં સાપને !

આ રસ્તો જીવન જીવવાનો, જીવન જીવવાની કળા. નહીં તો બાપ થઈને રકમ આપશો બધી, તે એ રકમ ખલાસ કરીને પછી કહેશે, તમારે બીજી રકમ આપવી પડશે. અલ્યા, મારી જાત કમાણી છે આ. ત્યારે કહે, જાત કમાણી છે માટે શું થઈ ગયું ? નહીં આપો તો છરો દેખાડીશ, કારણ કે ઘણાં ખરા બાદશાહોને છોકરાઓએ મારી નાખેલા, દિલ્હીમાં. સાંભળેલું તમે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : શા માટે મારી નાખે ? ગાદી લેવા માટે ! મૂઓ, આ બૂઢો ક્યાં સુધી જીવશે હવે ? આ બૂઢો જીવશે તો આપણી ગાદી હાથમાં આવશે નહીં. મોડી ગાદી આવે તો કામની શી ? અત્યારે જવાનીમાં ના આવી તો ! એમ કરીને બાપાને ખલાસ કરી નાખેલાં !

ગમ્મત છે આ તો. વાત મહીં ગમતી હોય તો લેવી. આપણને ના ગમતી હોય તો રહેવા દેવું. પટેલનું ઘર છે, ના ગમતું અહીં પડી રહેશે તો પૂંજો વાળવામાં કાઢી નાખશે એ લોકો. વાત થોડી ગમી આમાંથી ?

પ્રશ્નકર્તા : બરાબર છે ! બિલકુલ સાચી વાત છે.

દાદાશ્રી : આ વાત મારે કહેવામાં મારો કેટલો સ્વાર્થ હશે ?

પ્રશ્નકર્તા : કશો જ નહીં.

ઘરમાં વાપર્યા તે જરૂરી ગણાય;

ઊંચું કયારે ? પારકાં માટે વપરાય !

પ્રશ્નકર્તા : મારી પાસે અત્યારે જે ઘર છે. હવે હું એફોર્ડ કરી શકું એમ છું. છોકરાઓ નાનાં છે અને જો મોટું ઘર હોય, એક એકરના પ્લોટ ઉપર, તો છોકરાઓને વધારે મજા આવે. અને હું એ ધ્યાનમાં રાખીને મોટા ઘરમાં પૈસા રોકું.

દાદાશ્રી : તો વાંધો નહીં, વાંધો નહીં.

પ્રશ્નકર્તા : તો એના એ ગટરમાં ગયા કહેવાય કે ?

દાદાશ્રી : ના, ના. એ ગટરમાં ના કહેવાય. પણ ગટરમાં ગયા ક્યારે કહેવાય કે એ પ્રમાણે પેલી બાજુ છે તે સારા માર્ગે જતો ના હોય તો ગટરમાં ગયા કહેવાય. પ્રમાણ સાચવવું જોઈએ.

આપણી પાસે પંદર લાખ હોય તો પંદર લાખે આમાં ને આમાં બધું છોકરાઓને ખુશ કરવા ઘાલ્યા. પંદર લાખમાંથી પાંચ-સાત લાખ પેલી બાજુ જાય અને પાંચ-સાત લાખ આ બાજુ રહે, તો વાંધો નહીં. પણ પેલી બાજુ પેલામાં જવું જોઈએ. પેલી નહેર જ કોરી હોય પછી ધૂળ ઊડતી હોય એ શું કામનું ?! સૂકી નહેર ત્યાં આગળ મોકલો એ જ તમારું, બાકી આ બધું ય ગટરમાં ગયું.

આજના યુવાનો ન રાખે આશ;

જાત કમાઈ પર આધાર ખાસ !

આમણે એમના છોકરાને કહ્યું કે, બધી મિલકત એને આપવાની છે. ત્યારે એ કહે છે કે, તમારી મિલકતની મેં આશા રાખી નથી. એ તમને જ્યાં યુઝ કરવી હોય ત્યાં કરજો. પછી તો કુદરતનું નિર્માણ એ જુદી વસ્તુ છે. પણ નિશ્ચય આવો એનો અભિપ્રાય આપી દીધો છે ને ! એટલે થઈ ગયો સર્ટિફાઈડ અને મોજ-શોખ કશું રહ્યું નથી હવે.

માગે પૈઠણ, આપવી કે નહીં?

સંજોગ પ્રમાણે કરવી સહી !

પ્રશ્નકર્તા : કોઈ છોડી માટે ખૂબ પૈઠણ માગે તો આપવું કે ના આપવું ?

દાદાશ્રી : એવું સોનું હોય તો આપવું જોઈએ. પ્યૉર ગોલ્ડ હોય તો આપવામાં શું વાંધો ?! પિત્તળ લાવવું તેનાં કરતાં પ્યૉર ગોલ્ડ હોય તો આપવાં.

પ્રશ્નકર્તા : મેં તો સિદ્ધાંત કર્યો છે કે આપવું નહીં. દાદરો ઉતારી દઉં.

દાદાશ્રી : એ તો પણ બીજો મળી આવે ત્યારે ને પણ !

પ્રશ્નકર્તા : બીજો તો મળે. એના વગર ચાલે.

દાદાશ્રી : મળી આવે. પણ આપણા મનમાં મોહ હોય તો પૂરો કરવો. પણ તને મોહ છે ને એવો ?!

પ્રશ્નકર્તા : દાદા, પણ છોકરીઓને આપવું એવો ભાવ સારો ? આપણી પોતાની છોકરીઓ હોય અને વ્યવહાર પ્રમાણે કંઈ હોય એ આપવું એવો ભાવ સારો ?

દાદાશ્રી : વ્યવહાર પ્રમાણે નહિ, પણ આપણું હોય એ આપવું જોઈએ.

ઘરજમાઈથી ભારે ફસામણ;

ન કહેવાય-સહેવાય અથડામણ !

ભઈ, તમને વાત ગમી આ ?

પ્રશ્નકર્તા : હા. પણ અમારે તો છોકરા નથી. છોકરો નથી એટલે ઘરજમાઈ લાવવાનાં છે.

દાદાશ્રી : છોકરો તો સારો. એને વઢાય ય ખરો અને આ જમાઈને શું કહીએ ? બોલાય નહિ ને માર ખાવો પડે. તે જમાઈની જોડે બહુ ચેતીને ચાલવું. બંગડી-બંગડીઓ, અછોડો-બછોડો દમભેર કરી આલો. 'લે બા. તમારા હારું રાખી મેલી છે.' પણ આપવાનું નહિ જરા ય. તમારા હારુ રાખી મેલી છે બા, કહીએ. અમારે વેચવાનું નહિ.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19