ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19

મા-બાપછોકરાનોવ્યવહાર

(૧૩)

ભલું થયું, ન બંધાઈ જંજાળ...

જ્ઞાનીની દ્રષ્ટિએ વાંઝીયા પુણ્યશાળી;

ગત ભવે ઋણ ચૂક્વ્યાં હવે ખાલી!

ચિંતા-બિંતા કોઈ દહાડો કરો છો ?

પ્રશ્નકર્તા : ચિંતા બહુ નહીં, કોઈક વખત એમ થાય કે આમ તો બધું જ છે, પણ બાળક નથી.

દાદાશ્રી : ઓહોહો ! એટલે ખાનારો નથી. આ બધું છે તો ય, ખાવાનું બધંુ છે પણ ખાનાર ના હોય તો એ ય પાછી ઉપાધિને !

એક જણ તો આવ્યો હતો. અમે રહેતા'તા ને ત્યાં બધો સામાન મોકલ્યો, મજૂરો પાસે. મેં કહ્યું, આ મારવાડી લાગે છે, ફેંટો-બેંટો બાંધ્યો છે ! તે મોટો મિલમાલિક હતો. તે આવડી આવડી ત્રણ પેટીઓ તે જાણે શું ય સામાન લાવ્યો હોય ! ચાંદીના વાસણો લાવ્યો હોય કે શું ય લાવ્યો હોય તે ! તે મજૂરને માથે ચઢાવીને લાવેલો, અને બધું મુકાવડાવ્યું એટલે મહીં જરા અવાજ થયો વાસણો જેવો. એટલે સમજી ગયો કે આ કશુંક લાવ્યો છે આ મારવાડી ! એ મારવાડીને પૂછ્યું, ભઇ, યે ક્યા હૈ શેઠ ? યે ક્યા ચીજ હૈ ? કુછ નહીં સાહેબ, કુછ નહીં, કુછ નહીં, ફૂલ નહીં ને ફૂલની પાંખડી, કહે છે ! એટલે હું સમજી ગયો આ.

મેં કહ્યું, 'શેઠ આ શું છે, અહીં આ તોફાન, આ બધું લાયા છો તે ?!' પછી મેં કહ્યું, 'ફૂલની પાંખડી અહીં ક્યાં લાયા ? હું કંઈ સાધુ-મહારાજ છું નહીં.' ત્યારે કહે, 'ના, ના, આપ સ્વીકારો એટલું.' ત્યારે મેં કહ્યું, આ શેના જેવું છે તેનો હું તમને દાખલો આપું કે તમારી સિલ્ક મીલ છે. તેમાંથી લીંટ આવે છે. વધારે લીંટ આવે છે તે મને ચોપડવાં આવ્યા છો તમે, ખરું ને ?! પણ હું કોન્ટ્રાક્ટનો ધંધો કરું છું. મારી લીંટ કોને ચોપડું કહો હવે. તમે જ કહો, તમે ન્યાય કરી આપો કે તમે તો તમારી લીંટ મને ચોપડી જાવ. પણ મારી લીંટ આવે તો કોને ચોપડવી ? એટલે ગભરાઈ ગયો બિચારો, આ લીંટ કહીને ! મેં કહ્યું, કોઈને ના આવતી હોય એવું, સાધુ-સંન્યાસીઓને ના આવતી હોય ત્યાં ચોપડી આવો. અહીં ક્યાં આવ્યા ? મારે લીંટ બહુ આવે છે, આ કોન્ટ્રાક્ટનો ધંધો છે એટલે.

પછી મને કહે છે, 'પણ સાબ...' એટલે હું સમજ્યો કે આને શું ઇચ્છા છે એ તો પૂછવા દો. મેં કહ્યું, 'શેઠ શું જોઈએ છે તમારે ? આ બધી વસ્તુઓ પાછી મોકલી દો. પણ તમારે શું જોઈએ છે એ મને કહીને જાવ.' 'કુછ નહીં કુછ નહીં.... શેર મીટ્ટી, શેર મીટ્ટી.' 'બળ્યું તારું જીવતર !' શેઠને મેં કહ્યું, ''ક્યા અવતારમાં તમે બચ્ચા વગર રહ્યા'તા.'' કૂતરામાં ગયાં, માંકડામાં બચ્ચા, ગિલોડી, બીલાડી, ફલાણી બધે જ્યાં જયાં જુઓ ત્યાં બચ્ચાં, કેળમાં ગયા તો ય બચ્ચાં ! કેળને કેળ હોય ને, તે એને બચ્ચા ઊભાં થાય પાછાં. જ્યાં જુઓ ત્યાં બચ્ચાં, બચ્ચાં ને બચ્ચાં! હજુ અકળાયો નહીં મૂઆ ?

અને પછી મેં કહ્યું, 'મૂઆ, આ એક જણને દુનિયામાં રહેવા દો ચોખ્ખો, આખી દુનિયામાં એક તદ્ન પ્યોર રાખોને ! શું કરવા આવાં પાછા લોચા નાખો છો ?'

કો'ક અવતાર, બહુ પુણ્યશાળીનો અવતાર હોય ત્યારે બચ્ચું ના હોય. કારણ કે એ ચોપડાનો હિસાબ છે બચ્ચાં કે ના બચ્ચાંનો. આ અવતારમાં મહાન પુણ્યશાળી છો કે તમને છોકરું ના થયું ! તે મહાન પુણ્યશાળી કહેવાય !! ત્યારે મૂઆ આ કોણે શીખવાડ્યું ? ત્યારે કહે, મારી શેઠાણી રોજ કચ કચ કર્યા કરે છે. મેં કહ્યું, હું આવીશ, ત્યાં આગળ. પછી શેઠાણીને સમજણ પાડી, પછી ડાહ્યી થઈ ગઈ. શેઠને બહુ ભાંજગડ નથી. તમારે તો ચોપડામાં ખાતાં નથી, તે સારું છે, નહીં ?! એટલે પરમ સુખિયા જ છો.

પ્રજા માટે પૈણ્યા ઘડપણમાં બીજીવાર;

દસ વરસની બીબી મળી તો ય થઈ હાર!

એક શેઠને છોકરો નહોતો અને કરોડ રૂપિયાની પાર્ટી ! શેઠને મનમાં થતું કે હું મરી જઉં તો શું થાય ? સાઠ વર્ષની ઉંમર થઈ ગયેલાં તો શું થાય ? પહેલી બઈને છોકરો નહીં. પહેલી બઈએ રજા આપી કે જાવ ફરી પૈણો, જો તમારી ઇચ્છા પૂરી થતી હોય તો ! તે શેઠ ફરી પૈણ્યા ! ત્યારે મારવાડણ ૧૦ વર્ષની મળી. કારણ કે પચાસ હજાર રૂપિયા આપ્યા ત્યાર એક મારવાડીએ પોતાની છોડી એ શેઠને પૈણાવી ! હવે શેઠના મનમાં એમ કે વર્ષ દહાડામાં મરી જઈએ તો શું થાય ? હવે શેઠ ઉતાવળ કરે છે કે છોકરો કેમ વહેલો થાય, છોકરો કેમ વહેલો થાય ! તો બાધા રાખે તો છોકરો થાય ? કેમ ના થાય ? બીબી ૧૦ વર્ષની તો છોકરો શી રીતે થાય ? એમણે ના સમજવું જોઈએ એવું ? અને શેઠ ના મનમાં ભડક પેસી ગઈ કે વર્ષ દહાડામાં મરી જઉં તો શું થાય ? અલ્યા નથી મરવાનો ! ભડક શું કરવા રાખે છે ?! પણ ભડક પેસી ગઈ તે શું થાય ?

દાદા, દાદા સાંભળતા મલકાય;

આ તો સિગ્નલ પડ્યું, વધુ ના જીવાય!

કેટલાક તો છોકરાં 'દાદા, દાદા' કહે, એટલે દાદાજી મહીં મલકાય ! અલ્યા, છોકરાં 'દાદા, દાદા' ના કરે, તો શું 'મામા, મામા' કરે ?! આ છોકરાં 'દાદા, દાદા' કરે, પણ મહીં સમજતાં હોય કે દાદા એટલે થોડા વખતમાં જે મરી જવાના છે તે, જે કેરીઓ હવે નકામી થઈ ગઈ, કાઢી નાખવાની થઈ એનું નામ દાદા ! અને દાદો મહીં મલકાય કે હું દાદો થયો ! આવું જગત છે !

એકું ય છોકરાં ના હોય ને છોકરો જન્મે તો તે હસાવડાવે, ભાઈને ખૂબ આનંદ કરાવડાવે. ત્યારે એ જાય ત્યારે રડાવડાવે ય એટલું જ. માટે આપણે એટલું જાણી લેવું કે આવ્યા છે તે જાય, ત્યારે શું શું થાય ? માટે આજથી હસવું જ નહીં. પછી ભાંજગડ જ નહીં ને !

ગત ભવ યાદીમાં, તો ન ખોળે બચ્ચાં;

મોક્ષનું કર, નથી આમાં કોઈ સચ્ચા!

પ્રશ્નકર્તા : પાછલા જન્મની સ્મૃતિ રહેતી નથી, એટલે માંગ્યા કરે.

દાદાશ્રી : એવું છે ને, પાછલાં જન્મોનું યાદ નથી રહેતું તે જ સારું છે. નહીં તો પાછલાં જન્મોનું જો યાદ આવ્યું, તો વહુને પછી કાઢી મેલે તરત. આ તો બધું યાદ નથી આવતું તો આ પોલંપોલ ચાલ્યું છે જગત. આજે છોકરાંઓને સોડમાં ઘાલે છે બાપો ! ભગવાન શું હસે છે કે મૂઆ, ગયા અવતારમાં કહે છે, તારું મારે મોંઢુ જોવું નથી, ચિઢાતો'તો, તે જ માણસને આ કરે છે. આ જગત એ ફુલ્સ પેરેડાઈઝ છે. આ લોકોને શું ભાન હોય તે ?

પ્રશ્નકર્તા : ભગવાન મહાવીરને પાછલાં જન્મો ખબર હતી ને ?

દાદાશ્રી : એમને પોષાય, એ ભગવાનને પોષાય. આ લોકોને પાછલાં અવતાર દેખાય ને શી દશા થાય આ લોકોની ! તે આમને તો દેખાવાં ના જ જોઈએ. આ લોકોને ત્રિકાળ જ્ઞાન આપે, તમને ત્રિકાળજ્ઞાન આપે, તો તમારી શી દશા થાય ?

એવું છે બેન, ગયા અવતારનાં છોકરાં ક્યાં મૂકી આવ્યા ? એ નાનાં નાનાં મૂકીને આવ્યા હતા ! આવડાં આવડાં છોકરાં અને છોડીઓ. તે ઘડીએ તો એમને છોડવાનું ગમતું પણ ન્હોતું. મનમાં એમ કે હજી જીવાય તો સારું, પેલો છોકરો નાનો છો. પણ ના જીવાયું અને છોકરાં-છોડીઓને મૂકીને આવ્યા. તે ભૂલી ગયાં ? લ્યો ! અને આ નવો વેષ, નવી દુનિયા ! પેલા છોકરાંઓને દગો કર્યો અને આ નવા છોકરાં ઝાલ્યાં ! આવું કેવું કર્યું ?! આ બધું તો જુઓ ! અને આ બધાં ઠેર ઠેર આનાં લચકાં માર્યા છે ! પેલી કૂતરી એનાં કુરકુરિયાં મુકીને આવે અને આ માણસો, આ બઈઓ એનાં બચ્ચાને, છોડીને, છોકરાંને મૂકીને આવે. જ્યાં ને ત્યાં આ જ લચકાં માર માર કર્યા છે !

પ્રશ્નકર્તા : અને આમાં ને આમાં જ લાખો કરોડો ભવ કરી દીધા.

દાદાશ્રી : હા, એવા કરોડો અવતાર કર્યા છે. માટે આ ફેરો આ એક અવતારમાં કે બે અવતારમાં, જો મોક્ષે જવું છે તેથી આ વાત કરું છું, માટે વાતને સમજી જાવને ! આ 'દાદા' ફરી નહીં મળે. આ તો ભેગાં થયા તે થયા. નહીં તો આ ફરી ભેગાં થશે નહીં. એટલે વાત સમજી જાવ ને ! તે અનંત અવતારના ફેરા છૂટી જાય અને આખો ઉકેલ આવી જાય.

જરા વૈરાગ આવવો જોઈએ કે ના આવવો જોઈએ ? આપણે નાસી જવાનું નથી કહેતાં કે સાધુ થવાનું નથી કહેતા. અને આપણા ઋષિ અને ઋષિ-પત્ની જોડે રહેતાં હતાં, તો આખી જિંદગીમાં એક પુત્રદાન આપે અને આ તો પાંચ-સાત છોકરાં ! એક જણ મને કહે કે ઘેર મારી માટે ચા પીવા જેટલું ય દૂધ મારે ભાગ નથી આવતું. મેં કહ્યું, કેમ ? ત્યારે કહે કે ચાર છોડીઓ છે ને બે છોકરાં છે. અલ્યા, તને ઊંચે કોણે બાંધ્યો હતો તે ? સરકારે કાયદો કાઢ્યો તો પાંસરા રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ ?

પાછા મેટર્નિટી વોર્ડ નીકળ્યા છે ! તે બોજો બિચારા ધણીને માથે ને ! અમારે ત્યાં કંટ્રાક્ટના કામ માટે મજૂર બઈઓ કામ કરે. માટી કામ ને મજૂરી માટે બઈઓ, તે માલવણી બઈઓ હતી. તે મને કહે કે શેઠ છેલ્લા બે-ત્રણ દહાડા છે. ત્યારે મેં એને કહ્યું કે તો રજા લઈ લે ને. અમે તને પગાર આપીશું. પણ તે એક જ દહાડો રજા લઈને બીજે દહાડે પાછી આવી. રસ્તામાં જ એને બાળક જન્મ્યું તે એણે હાથમાં લઈ લીધું અને ઉપર માથે ટોપલામાં નાખીને ઘરે લઈ ગઈ. હવે ક્યાં ગયો મેટર્નિટી વોર્ડ ! આ કૂતરાં-બિલાડીને ક્યાં મેટર્નિટી વોર્ડ હોય છે ? આ મેટર્નિટી વોર્ડ કાઢીને તો માણસને ઢીલાઢસ કરી નાખ્યાં અને ધણીને પૈસા ખર્ચ કરવાનો બોજો વધ્યો !

હવે તો ઝંપીને બેસ. પણ ના બેસે ! એ બચ્ચો પછી મોટો થઈને મારે ને બે-ચાર, ત્યારે એ બોલે કે આ સંસાર ખારો છે. ત્યારે આ રાગ-દ્વેષને કારણે મીઠો લાગતો'તો !

બચ્ચાં એ તો આપણો હિસાબ રાગ-દ્વેષનો હોય, પૈસાનો હિસાબ નહીં, રાગ-દ્વેષના ઋણાનુબંધ હોય છે. રાગ-દ્વેષના હિસાબ ચૂકવવા માટે આ બચ્ચાં બાપાનું તેલ કાઢે, અવળી ઘાણીએ !! શ્રેણિક રાજાને બચ્ચું હતું ને, તે રોજ ફટકારતું હતું જેલમાં હઉં ઘાલી દેતા હતાં.

પાછા કો'ક કહેશે કે મારે છોકરાં નથી. મૂઆ, છોકરાંને શું તોપને બારે ચઢાવવાં છે ? આવાં છોકરાં હોય તે પજવે તે શા કામનાં ? એના કરતાં તો શેર માટી ના હોય તે સારું અને કયા અવતારમાં મૂઆ તારે શેર માટી નહોતી ? આ એક મનુષ્ય અવતાર મહાપરાણે મળ્યો છે ત્યાં તો મૂઆ પાંસરો મર ને ! અને કંઈક મોક્ષનું સાધન ખોળી કાઢ, ને કામ કાઢી લે.

કઈ ગાદી દેવાની તે જુએ પુત્રની રાહ;

પુત્રીઓની લાઈન લગાડે કેવી આ ચાહ!

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે એક-બે પુત્ર અને એક પુત્રી, પછી બધું બ્રહ્મચર્ય પાળવું જોઈએ. હવે કેટલીક વખત એવું પણ બને કે બે પુત્રી ને પુત્રને બદલે, પુત્રી જ ત્રણે ત્રણ કે પાંચ પુત્રીની લાઈન પડી જાય, પુત્ર મરી જતા હોય તો એવા સંજોગોમાં આપનો શો અભિપ્રાય ?

દાદાશ્રી : તો તમારે શું કરવા છે ? કઈ ગાદી તમારી રહી ગઈ છે, અહીંયા ગાદીઓ કોઈને ત્યાં છે હજુ ?! ખાવાનું છે નહીં, દૂધ પીવાના પૈસા નથી અને છોકરાં મોટા કરવાનાં છે ! મૂઆ, ગાદી રહી ગઈ હોય તો જાણે ઠીક છે કે દસ ગામનું ઉત્પન્ન છે ! નોકરીવાળા ચાર મહિના રજા આપે ને તો મુશ્કેલીમાં મુકાય. દૂધ પાવાનું ના હોય. તે આવી સ્થિતિમાં, છોકરાં હોય તો નાખી દેવા નથી અને ના હોય તો બોલાવાની જરૂર નથી. હોય તો નાખી દેવાનાં નથી, હોય તો મોટા કરવાનાં એને અને ના હોય તો બોલાવાની જરૂર નથી કે આવો, આવો મારે ત્યાં આવો ! જેને ત્યાં છે ત્યાં ભલે છે.

કર્મ પ્રમાણે જ મળે સંતાન;

જ્યોતિષના ચક્કરે થઈશ હેરાન!

પ્રશ્નકર્તા : ઘણાં છે તો નિઃસંતાન હોય છે, તો અમુક જ્યોતિષ શાસ્ત્રના બધા ઉપાયો બતાવે છે પણ એથી કરીને કંઈ પ્રાપ્તિ થતી નથી, એવો કોઈ ઉપાય બતાવે કે જેથી કરીને નિઃસંતાન હોય એને સંતાન પ્રાપ્ત થાય અને એની એ ઉપાધિ જાય. એવું આપ કંઈ બતાવી શકો ?

દાદાશ્રી : આ આવું તેવું અમને ખબર ના હોય. આ તો અમારી લાઈન જ નહીં ને ! લોકો એવું જ વધારે પૂછે ને !

પ્રશ્નકર્તા : હા, પણ આપ સમજાવોને કે આ સંતાન શા હિસાબે છે અને શા હિસાબે નથી હોતા ?

દાદાશ્રી : એ તો જાણે બધું ય. પણ એ લાલચ છોડે નહીં ને ! જાણે તો બધા, બીજાને ત્યાં ન્યાય કરવાનો હોય તો કરી આપે, પોતાને જોઈતું હોય ત્યાં લાલચ છોડે નહીં ને, એટલે ભૂલી જાય ! બધું સમજે ઈન્ડિયનો તો.

બીજા દુઃખો મટાડવાનાં છે, આ બીજા બધા કેટલાંય પ્રકારનાં દુઃખો છે ! સંતાનનું તો દરેકને દુઃખ હોય છે જ ક્યાં ? કો'કને જ હોય એ તો. દરેકને તો ઉલ્ટાં છોકરાં વધારે પડતા હોય છે. લોક કંટાળી ગયેલા હોય છે. સંતાનનું દુઃખ તો કો'કને હોય અને લોકે ય લાલચુ છે બિચારાં ! છોકરાંને ઘેર છોકરાં નથી, કહેશે ! અલ્યા મૂઆ, તારા છોકરાં છે ને !

સહુને છોકરાં છે, પણ એમને નથી. તો ય પણ જો આનંદ છે ને ! નહીં તો પછી મનમાં આવું રાખે કે સાલું આને છોકરાં છે ને મને નથી, તો ઊંઘ આવે બે જણને ? ના આવે ને !

તે એક જણ તો મને જ્યારે જુએ ત્યારે કહે, 'બધું સુખ છે, પ્રજા નથી હજુ, તેનું દુઃખ છે.' મેં કહ્યું, 'પ્રજા નથી તે શું કાયદાથી નહીં હોય તમને ?' ત્યારે કહે, 'બેઉ જણે કંઈ પાપ કર્યાં હશે.' મેં કહ્યું, 'મોક્ષે જવાની ઇચ્છા ખરી ?' ત્યારે કહે, 'એ કોને ના હોય !' તો પ્રજા એ શું છે એ જાણો છો તમે ? જેટલાં ખાતાં બાકી રહ્યાં હોય ને, એટલાં જ ચોપડામાં ખાતાં પડે. ત્રણ છોડીઓ અને સાત છોકરાં, દસ ખાતાં પડે. અગર એક છોડી અને એક છોકરો, એટલા ખાતાં પડે. અગર બાકી જ ના હોય એને, તો આ બે જ ! ઊંચામાં ઊંચું ! તો વહેલું મોક્ષે જવાનું સાધન થઈ ગયું !! પછી તે એને સમજણ પડી ગઈ. પછી કહે છે, આ તો ઘણું મારા લાભમાં જ છે. ત્યારે કહ્યું, આ તો ઘણું લાભમાં જ હતું. આખો કેસ લાભમાં, તમે ગેરલાભમાં સમજીને બેઠા છો.

જો ચોપડા ચોખ્ખા થાય તો છોકરાં થાય જ નહીં. ને થયો હોય તો ય મરી જાય. પણ ચોપડા જેટલાં હોય, એટલું ઘાલમેલ હોય. તે કોઈને ત્યાં અગિયારે ય હોય છે અને કોઈને ત્યાં એકનો એક બાબો હોય છે. તમારે એકનો એક જ છે ને ?

પ્રશ્નકર્તા : એક જ છે.

દાદાશ્રી : તે સારું ! ચોપડા એટલાં જરા ઓછાં ચિતર્યા ! આવા ત્રણ હોત તો શી દશા થાત ?

કોણે ઘાલ્યું સરાવવાનું તૂત;

પરણવું જ પડેનું ઘાલ્યું ભૂત!

પ્રશ્નકર્તા : એ પોતે-પતિ પત્ની બે જ છે. એમને બાળક નથી, એટલે સાધારણ રીતે એમના વાઈફની અંદર મનમાં એ થયા કરે કે બાળક નથી અને પાછા જજ જેવી મોટી પ્રતિષ્ઠિત પોઝિશન. એટલે એમના ફાધર-મધર બધાંને એમ થયા કરે, કે આમને છોકરું નથી એટલે એ બધાને મનની અંદર કલેશ થયા કરે. પણ આપનું જ્યારે આ વાક્ય વાંચ્યું કે સંતાન જો ન હોય તો એ બહુ મોટો પુણ્યશાળી હોય તો તેને આવો યોગ બેસે. એ જરા સમજાવો આપ.

દાદાશ્રી : કોને કહેલું આ ? સંતતિનું આ અંદર ઊંચા પુસ્તકોમાં ઘાલી દીધું છે આ લોકોએ. કારણ કે લોકોને પેલી બાજુ દ્રષ્ટિ વધારે હતી. હવે આમ પૂરું સમજદાર નહીં અને બ્રહ્મચર્ય તરફ દ્રષ્ટિ વધારે હતી નહીં. એક કાળ એવો આવ્યો હતો. આ તો કાળે કાળે બધું બદલાયા કરે. તે લોક આ બાજુ જ વળી ગયેલું. એટલે પછી આ મૂકેલું, કે ભઈ જો પૈણશે નહીં, છોકરાં નહીં હોય તો પછી સરાવશે કોણ ? ને સરાવશે નહીં તો ગતિ સારી નહીં થાય, એવું તે દહાડે બધું મૂકેલું. એનું તોફાન છે બધું !

ઋણાનુબંધનો હિસાબ હોય ને, તો છોકરાં આવે. આ હિસાબ વગર કોઈ આવે જ નહીં એટલે એ મોટામાં મોટા પુણ્યશાળી કે જેને ઘરે પ્રજા બોલાવે તો ય ના થાય. ચોપડામાં હિસાબ હોય તો આવે ને ! હિસાબ ચોખ્ખો કરતાં કરતાં આવ્યા હોય.

એ બહુ પુણ્યશાળી કહેવાઓ તમે. હિસાબ આટલો ચોખ્ખો પ્યોર લઈને ફરો છો !

પ્રશ્નકર્તા : એમને જરા એ જ સમાધાન જોઈતું હતું. એમને આ વાક્યથી સમાધાન થઈ ગયું, એમના પત્નીને પણ આ વાક્યથી સમાધાન થઈ ગયું. પણ પેલા મા-બાપ જે છે જૂની પેઢીના, જૂની સમજના. એનાં મનની અંદર એમ થયા કરે છે કે આ જજ જેવો મારો છોકરો અને એની પાછળ કોઈ હવે દીવો ય નહીં કરે !

દાદાશ્રી : એ તો આવું જ ઊભું થયેલું છે આ બધું. હવે પછી દીવો હોય તે કોલસો નીકળે છે કે એ શું નીકળે છે, એ શું ખબર પડે ! પણ જગતના આ લોકોએ એક જાતની મોહનીય ઘાલી દીધી.

ના મોહનીય હોય તેને ચઢાવે, તોપને બારે ! એ મહીં ચોપડામાં ના હોય તો શી રીતે આવે ? ક્યાંથી આવે ? આ તો ભણેલાં છે, પણ તો ય બાવાઓ પાસે જાય અને બાવાઓ છોકરાંઓ આપે છે, કહે છે. જો તમારું છે એ તમારી પાસે આવવાનું છે, તમારું નથી એ તો શી રીતે આવે ?!

કાચી સમજે નીકળે, હાય વરાળ;

શાણો કહે, ભલું થયું ભાંગી જંજાળ!

આ કાળમાં જેને છોકરાં ના હોય એ મહાપુણ્યશાળી ! ચોપડો જ ચોખ્ખો ! ઉધાર નહીં ને જમા ય નહીં, એ મહાપુણ્યશાળી કહેવાય. ત્યારે પાછા બીજા ખાતાં મહીં ઘાલે, 'તું અમારા છોકરાં જેવો જ છું !' અલ્યા શું તોપને બારે ચઢાવવો છે !! એના બાપને ત્યાં જ રહેવા દે ને ! આપણે નહીં ચીતરેલું તો ય આ શી ધમાલ ? પણ આમ છેતરાય છે. જ્ઞાનીઓ શું કહે છે ? કે એવા ડાહ્યા થઈ જાવ, કે મોહથી છેતરાવ નહીં કોઈ જગ્યાએ. મોહનો માર ખાવ છો તમે ! આવું જ્ઞાન મળ્યા પછી કોઈ માણસ પાછાં જતાં હશે ? એ તો અહીં થોડા ઘણા પૈસા લાવત. ને બે રૂમો રાખીને રહે ને સત્સંગ કર્યા કરે.

બહુ ડખાવાળો હોય તેને ચોપડો બહુ લાંબો હોય. આ તો મારા છોકરાં જેવો જ છે. ત્યારે પછી બૈરી એને જવાબ આપે, એમ તો કંઈ ઢીંચણે દૂધ આવતાં હશે કે ? એવું કહે તો ય પાંસરો ના રહે. જ્ઞાનીઓ બહુ પાકાં હોય. અરે, અડેલું હોય તેને ફેંકી ના દે અને ના અડ્યું હોય તેને ચોંટાડે નહીં. અને આ લોકો શું કરે છે ? ના અડેલંુ હોય તેને ચોંટાડે અને અડેલું હોય એને ફેંકી દે. તે ધકમક ધકમક કરે. નથી આ ય નિકાલ કરતો, નથી પેલો નિકાલ કરતો. એ આ બાબતમાં જ્ઞાનીઓ બહુ પાકાં હોય. તીર્થંકર ભગવાન થયા તે અમથા થયા હશે, કંઈ ? શું એમને છોડીઓ નહોતી ? જમાઈ નહોતા ? બધું ય હતું. પણ અડવા દે એ બીજા ! અને બહારથી અમારા જમાઈરાજ આવ્યા, જમાઈરાજ ! બોલે, અભિનય કરે, નાટક બધું કરે પણ અડવા-બડવા દે નહીં.

અને આ તો આમ છાતીએ ઘાલે. અલ્યા, મેલને પૂળો. શાં વહાલ આવ્યાં ! આવા વહાલ હોતાં હશે ?! વહાલ આત્મા જોડે હોય. પુદ્ગલના શાં વહાલ ?! જે પુદ્ગલ ગંધાઈ ઊઠે કલાક પછી, ન્હાય નહીં તો બીજે દહાડે જોવા જેવો થઈ જાય. સમજ પડીને તમને મારી વાત ?

પ્રશ્નકર્તા : બરોબર છે.

દાદાશ્રી : સમજીને ચાલો. હવે કોણ ચેતવે આવું ? અને ઋણાનુબંધ, ચોપડે હિસાબ છે, તો પજવે તો ય સહન કરવું આપણે. પણ પજવીને પછી આપણને છોડતો હોય તો પાછું ફરી ત્યાં જવું ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : એ કહે કે અમારે હવે તમારી વાત જાણવાની જરૂર નથી. તો 'ભલું થયું ભાંગી જંજાળ.' ના છોડે આ લોકો તો. જ્યાં સુધી કેરીમાંથી રસ આવે છે ત્યાં સુધી છોકરાં ય ના છોડે. રસ ના આવે પછી ફેંકી દે. નહીં તો નાનું છોકરું ફેંકી દે કેરી ? આપણે કહીએ કે કેરી ફેંકી, દે જોઈએ ? પણ ના ફેંકે. મહીં રસ આવે છે ને ! તે એ તો બાપનો રસ છોકરો ચાખી ગયો હોય, તે પછી મહીં જ્યારે ગોટલું ને છોડિયું રહે, ત્યારે બાપાને ફેંકી દે ! ત્યારે આપણે ના સમજવું જોઈએ બળ્યું કે રીતસર એની હદ હોય ! મોહની હદ હોય કે ના હોય ? હવે મોહ નહીં થાયને ?

પ્રશ્નકર્તા : નહીં થાય.

દાદાશ્રી : આ સુખમાં જ રહેશોને ?

પ્રશ્નકર્તા : આ બેનની દીકરી છે, ભાણેજ છે.

દાદાશ્રી : હા, એવું બેસાડે છે. કો'કને ખોળી લાવે. કોઈ ના આવતા હોય તો ય ખોળી લાવે. હવે બેસાડ્યા પછી શું થાય ? ભૂલચૂક એવડી મોટી કરે છે. બેસાડે છે પાછાં ! અને પાછાં એનું રક્ષણ કરે, રાતે જાગીને. રાતે એ જાગરણ કરે બાપા !

આપણે એમ નથી કહેતા કે બાવા થઈ જાવ, છોકરાંને મોટાં કરો, છોકરાંને સંસ્કાર આપો. ભણાવો, ગણાવો બધું કરો. પણ એના વગર ગમે નહીં એવું કરી નાખો છો ? છોકરાં વગર મને ગમતું નથી. એવો કેવો માણસ છે ? મારે ત્યાં છે તે જાબુંડાનું ઝાડ છે. એટલે જાબુંડા વગર મને ગમતું નહીં, એનાં જેવી વાત કરું છું. આ તો બધા કેટલાય ઝાડ હોય નર્યા અને આ છોકરાં, એ છોકરાં તો મનુષ્યના અવતાર છે. જો મનુષ્યમાં આવી મનુષ્યપણાનું સાર્થક ના કરી ગયો, કામ ના કાઢી ગયો, તો દૂધીમાં જ ગયોને બિચારો !

ક્યાં ઋષિ-મુનિ પૈણે એક પુત્રદાન;

વિષયાંધે સર્જાવ્યા ફેમિલિપ્લાન!

આ દૂધી હોય ને, તે પાંદડે-પાંદડે બેસે બળી. તેવું આ ય સંસારી વેલા બધા સરખા. એ પછી મનુષ્યનો વેલો હોય કે ગલકાનો વેલો હોય, વેલા બધા સરખા. એને બેસે કે ના બેસે ? પહેલાં તો બાર બાર બેસતાં હતાં. આપણે કહીએ કેટલા છોકરાં છે કાકાને ? ત્યારે કહે, સાત છોડીઓ છે ને પાંચ છોકરાં છે. એ કોઈ ટીખળી માણસ હોય તે કહેશે, એક ડઝન પૂરાં !

ડઝન પૂરાં અત્યારે કેમ નહીં થતા ? અત્યારે એક-દોન-તીન. ચાર તો કો'કને જ હોય. કેમ ડઝનવાળા નીકળતા નથી કોઈ ? ડઝનવાળા દેખાય છે કોઈ જગ્યાએ ?

પહેલા સ્ત્રી ને પુરુષે સંસાર અભડાવેલો નહીં. પેલી ચૌદ વર્ષની પૈણે અને આ સોળ વર્ષનો પૈણે તે થોડું ઘણું લીકેજ થયેલું હોય. ખાસ કંઈ લીકેજ નહીં. એ ત્યારથી ચાલ્યું તે પાંદડે-પાંદડે બેસે અને આ તો બધા લીકેજ થઈ ગયેલા. મોટી ઉંમરે પૈણ્યા એટલે શું થયેલું ? આખું લીકેજ જ થઈ ગયેલું હોય. એટલે પછી એક-બે રહ્યા હોય મહીં ફૂલ ! સમજાય એવી વાત છે કે ? આ વાત અમારી સાચી છે, એવું અમે કોઈ વાર કહીએ નહીં. કારણ કે એ તો ખોટી પણ નીકળે. કારણ કે અમારી વાત સાચી છે, એ અમારી દ્રષ્ટિમાં ! મોક્ષના માર્ગમાં અમારી વાત સાચી છે એવું હંડ્રેડ પરસેન્ટ કહીએ. પણ આમાં તો ખોટી પણ નીકળે, આ હવે બુદ્ધિબળનું કામ છે !

આ મોટી ઉંમરના નિચોવાઈ ગયેલા હોય અને પછી પૈણે અઠ્ઠાવીસ વરસનો થાય ત્યારે. પછી એક બાબો એકલો થાય. પછી રામ રામ ! પેલા બેને ય એવા.

એ તમને ખબર ના પડે. પણ મારી પાસે હું તો ડોકટરને, એટલે મારી પાસે આ લોકો-સ્ત્રીઓ છે તે પોતાની બાર વર્ષની ઉંમરથી પોતાનું લખીને આપે, શું કર્યુ તે, ભૂલો થઈ તે ! તે ચાલીસ વર્ષની થયેલી હોય ત્યાં સુધીની બધી ભૂલો મને લખીને આપે. અને પુરુષો આઠ વર્ષથી લખીને આપે. આઠ વર્ષનો હતો ત્યારથી તે ય ચાલીસ વર્ષનો સુધી લખીને આપે. એટલે બધી મને તો ખબર જ હોય ને ! માલ શું છે આમાં ! આઠ વર્ષનો હતો. ત્યારથી અડપલાં શીખ્યો ! ક્યારથી અડપલાં કરતાં શીખે ? કેમ બોલતા નથી ?

પ્રશ્નકર્તા : સાંભળું છું હું.

દાદાશ્રી : અડપલાં કરતાં શીખેલા નહીં !! આ બધો માલ એ નો એ જ બધા. પણ આ શરીરની મિલકત સારી રહે એટલા માટે આ વસ્તુ છે. જરા થોડો વખત એમ ને એમ ભરાય ને, ભલે લીકેજ થયેલું હોય પણ ભરેલો હોય તો જીવે જરા. કાઠું સારું મજબૂત હોય ને ! અને પેલું લુઝ ઝટ થઈ જાય.

એટલે આપણા લોકો કેરીઓ બેસવા નહીં દેતા. નાની ઉંમરના આંબા હોયને, ત્યારે મોર આવે એને. પણ આપણા લોકો શું કરે ? મોર ખંખેરી નાખે. નહીં તો આંબો વધે નહીં પછી. એટલે અત્યારે એક બાબો ને એક બેબી બસ. કે બે બહુ થઈ ગયું. પહેલા ડઝન જોયેલાં. અઢારે છોકરાં જોયેલા ! બે સ્ત્રીઓવાળા હોય. જ્યાં સુધી ડૂંડું આવ્યું નથી ત્યાં સુધી છોડવો લીલો દેખાય. ને ડૂંડું આવ્યા પછી એ છોડ સૂકાવા માંડે.

આ બધું પૂછયું તે તમને ગમ્યું બધું ? બધી વાતચીત ગમી ? એમાં વાંધો ઉઠાવવા જેવો ન્હોતો. વિવાદ કરવાનું મન થતું ન્હોતું ને ! એ વિવાદ કરવાનું ના મન થાય એ સાચું જ્ઞાન અને જ્યાં વિવાદ ઊભા થયા ત્યાં અજ્ઞાન. એ પછી કાગડાની પેઠ કઉ કઉ કઉ કર્યા કરે.

બાળ મરે દુઃખ પડે શું કારણ?

હિસાબ પત્યે ન ટળે કો'થી મરણ!

પ્રશ્નકર્તા : ગયે વરસે એનો એક બાબો ગુજરી ગયો ને ત્યારે કહે છે મને બહુ જ દુઃખ થયેલું ને બહુ જ મેન્ટલી બહુ સહન કરવું પડેલું. તો કે એવું આપણને જાણવાનું મન થાય કે આપણે એવું શું હશે કે જેથી કરીને આવું થાય એમ. ગયા ભવમાં શું કર્યું હોય તો આવું આવે આપણને ?

દાદાશ્રી : એવું છે ને કે જેટલો જેનો હિસાબ એટલા જ આપણી જોડે રહે એ હિસાબ પતી જાય એટલે ચોપડામાંથી જુદા થઈ જાય. બસ આ આનો કાયદો છે.

પ્રશ્નકર્તા : કોઈ બાળક જન્મીને તરત મરી જાય છે, તો તે એનું એટલું જ લેણદેણ ?

દાદાશ્રી : જેનો જેટલો હિસાબ હોય છે મા-બાપ જોડે રાગદ્વેષનો એટલો પૂરો થઈ ગયો, તે મા-બાપને રડાવીને જાય, ખૂબ રડાવે. માથા હઉં ફોડાવે. પછી ડોકટર પાસે દવાના પૈસા ખર્ચાવડાવે, બધું કરાવીને છોકરો જતો રહે !

આ આપણા વડોદરામાં શુક્કરવારી છે, તેવું તમે જાણોને ? તે આ શુક્કરવારીમાં લોક ભેંસો લાવે, તે આજે ભેંસ ચોગરદમથી જોઈ કરીને લાવે. બધા દલાલોને પૂછે કે, 'કેવી લાગે છે ?' ત્યારે બધા દલાલ કહે કે, 'બહુ સરસ છે.' તે ભેંસ ઘેર બાંધી જાય, પછી ત્રણ દહાડા પછી તે મરી જાય. અલ્યા, આ તે શું હતું ? આ તો પેલાને પૈસા અપાવીને ગઈ. નહીં તો એને ત્યાં જ ના મરી જાત ? આવું બને ખરું ? આ બધા હિસાબ ચૂકવવાના છે. છોકરું જન્મીને તરત મરી જાય, એ બધાને રડાવીને જાય. એના કરતાં ના આવે તો સારા, એવું બધાને પછી થાય.

અલ્લાની વાડીનું અમાનત ફળ;

દીધાં લીધાંનો હર્ષ-શોક ન કર!

તમારે જે કંઈ પૂછવું હોય તે પૂછો. અલ્લાને ત્યાં પહોંચવા માટે જે કંઈ અડચણ આવે તે અમને પૂછો. તે અમે તમને દૂર કરી આપીએ.

પ્રશ્નકર્તા : મારા દીકરાનું અકસ્માતથી મરણ થયું, તો તે અકસ્માતનું કારણ શું ?

દાદાશ્રી : આ જગતમાં જે બધું આંખથી જોવામાં આવે છે, કાનથી સાંભળવામાં આવે છે, એ બધું 'રીલેટિવ કરેક્ટ' છે, તદ્ન સાચી નથી એ વાત ! આ દેહ પણ આપણો નથી, તો છોકરો આપણો કેમ કરીને થાય ? આ તો વ્યવહારથી, લોક-વ્યવહારથી આપણો છોકરો ગણાય છે, ખરેખર એ આપણો છોકરો હોતો નથી. ખરેખર તો આ દેહ પણ આપણો નથી. એટલે જે આપણી પાસે રહે એટલું જ આપણું અને બીજું બધું જ પારકું છે ! એટલે છોકરાંને પોતાનો છોકરો માન માન કરીએ તો ઉપાધિ થાય અને અશાંતિ થાય ! એ છોકરો હવે ગયો, ખુદાની એવી જ ઇચ્છા છે તો તેને હવે 'લેટ ગો' કરવાનું.

પ્રશ્નકર્તા : એ તો બરોબર છે, અલ્લાની અમાનત આપણી પાસે હતી તે લઈ લીધી !

દાદાશ્રી : હા, બસ. આ બધી વાડી જ અલ્લાની છે.

પ્રશ્નકર્તા : આ પ્રમાણેનું એનું મૃત્યુ થયું તે આપણા કુકર્મ હશે ?

દાદાશ્રી : હા. છોકરાંનાં ય કુકર્મ ને તમારા ય કુકર્મ, સારાં કર્મો હોય તો તેનો બદલો સારો મળે.

પ્રશ્નકર્તા : આપણે આપણો દોષ શોધી શકીએ કે આ બાબતથી આપણું કુકર્મ થયું હતું ?

દાદાશ્રી : હા, એ બધું જડે, એને માટે સત્સંગમાં બેસવું પડે.

આ અલ્લાની વાડી છે. તમે ય અલ્લાની વાડીમાં છો ને એ છોકરો ય અલ્લાની વાડીમાં છે. અલ્લાની મરજી પ્રમાણે બધું ચાલ્યા કરે છે, એમાં સંતોષ લેવાનો છે. અલ્લા જેમાં રાજી તેમાં આપણે ય રાજી ! બસ, ખુશ થઈ જવાનું છે !

પ્રશ્નકર્તા : તો તો પછી કશો પ્રશ્ન રહેતો જ નથીને !

દાદાશ્રી : અલ્લાએ શું કહ્યું છે કે તમે ચલાવનાર હો તો તમે ચિંતા કરો. પણ ચલાવવાનું મારે છે તો તમે શેને માટે ચિંતા કરો છો ? એટલે ચિંતા કરો છો એ અલ્લાનો ગુનો કરો છો.

પ્રશ્નકર્તા : એટલે અલ્લા છે, એની અલ્લાહીમાં આપણે ડખલ નહીં કરવાની એમ ?

દાદાશ્રી : ડખલ તો નહીં, પણ ચિંતા ય નહીં કરવી જોઈએ. આપણે ચિંતા કરીએ તો અલ્લા નાખુશ થઈ જાય.

પ્રશ્નકર્તા : જે સવાલો પેદા થાય, એના જવાબો તો જોઈએને ?

દાદાશ્રી : સવાલ ઊભો થાય છે, એનો જવાબ એટલો જ છે કે અલ્લા કહે છે કે, 'છે મારું, ને તું શું કામ ચિંતા કરે છે ?' ચિંતા નહીં કરવાની. આપણે એની સેવા કરવાની. દવા કરવાની, ઠેઠ સુધી એના પ્રયત્ન કરવાના. આપણે પ્રયત્ન કરવાના અધિકારી, આપણને ચિંતા કરવાનો અધિકાર નથી.

મર્યા તેની ન કરાય ચિંતા;

જીવે છે તેનો ખરો બન પિતા!

છોકરાં મરી ગયા પછી એની પાછળ એની ચિંતા કરવાથી એને દુઃખ પડે છે. આપણા લોકો અજ્ઞાનતાથી આવું બધું કરે છે, એટલે તમારે જેમ છે તેમ જાણીને શાંતિપૂર્વક રહેવું જોઈએ. ખોટી માથાકૂટ કરીએ એનો અર્થ શો છે તે ? બધે જ છોકરાં મર્યા વગર કોઈ હોય જ નહીં ! આ તો સંસારના ઋણાનુબંધ છે, હિસાબ લેવાદેવાનાં છે. અમારે ય બાબા-બેબી હતાં, પણ તે મરી ગયાં. મહેમાન આવ્યો હતો તે મહેમાન ગયો, એ આપણો સામાન જ ક્યાં છે ? આપણે હઉં નથી જવાનું ? આપણે જીવતાં હોય એને શાંતિ આપો, ગયું એ તો ગયું, એને સંભારવાનું ય છોડી દો. અહીં જીવતા હોય, જેટલાં આશ્રિત હોય એને શાંતિ આપીએ, એટલી આપણી ફરજ. આ તો ગયેલાને સંભારીએ અને આમને શાંતિ ના અપાય, એ કેવું ? એટલે ફરજો ચૂકો છો બધી. તમને એવું લાગે છે ખરું ? ગયું એ તો ગયું. ગજવામાંથી લાખ રૂપિયા પડી ગયા ને પછી ના જડે એટલે આપણે શું કરવાનું ? માથું ફોડવાનું ?

પ્રશ્નકર્તા : ભૂલી જવાનું.

દાદાશ્રી : હા, એટલે આ બધી અણસમજણ છે. આપણે બાપ-દીકરા કોઈ રીતે હોતાં જ નથી. દીકરો મરે તો ચિંતા કરવા જેવું છે જ નહીં. ખરી રીતે જો ચિંતા કરવા જેવી હોય જગતમાં તો મા-બાપ મરે તો જ મનમાં ચિંતા થવી જોઈએ. છોકરો મરી જાય, તો છોકરાંને અને આપણે શું લેવાદેવા ? મા-બાપે તો આપણી ઉપર ઉપકાર કર્યો હતો, માએ તો આપણને પેટમાં નવ મહિના રાખ્યા પછી મોટો કર્યો. બાપાએ ભણવા માટે ફીઓ આપી છે, બીજું બધું આપ્યું છે. કંઈક ગુણ માનવા જેવા હોય તો મા-બાપના હોય, છોકરાંને શું લેવાદેવા ? છોકરો તો મિલકત લઈને ગાળો ભાંડે. માટે છોકરાં જોડે સંબંધ રાખવાનો. પણ મરી જાય તો આવી રીતે મનમાં દુઃખ નહીં રાખવાનું. તમને કેમ લાગે છે મારી વાત ?

મરે તેનો ન કરાય કલ્પાંત;

દુઃખ પહોંચે પ્રિયને સમજ વાત!

આપણા હાથના ખેલ નથી આ અને એને બિચારાને ત્યાં દુઃખ થાય છે. આપણે અહીં દુઃખી થઈએ એની અસર એને ત્યાં પહોંચે છે. તે એને ય સુખી ના થવા દઈએ ને આપણે ય સુખી ન થઈએ. એટલે શાસ્ત્રકારોએ કહ્યું કે, 'ગયા પછી ઉપાધિ ના કરશો.' તેથી આપણા લોકોએ શું કર્યું કે ગરુડ પુરાણ બેસાડો, ફલાણું બેસાડો, પૂજા કરો, ને મનમાંથી ભૂલી જાવ. તમે એવું કશું બેસાડ્યું હતું ? તો ય ભૂલી ગયાં નહીં ?

પ્રશ્નકર્તા : પણ એ ભૂલાતું નથી, બાપ અને દીકરા વચ્ચે વ્યવહાર એવો હતો કે વ્યવસ્થિત ચાલતો હતો, એટલે એ ભૂલાય એવું નથી.

દાદાશ્રી : હા, ભૂલાય એવું નથી, પણ આપણે ન ભૂલીએ તો એનું આપણને દુઃખ થાય, અને એને ત્યાં દુઃખ થાય. એવું આપણાં મનમાં એને માટે દુઃખ કરવું એ આપણને બાપ તરીકે કામનું નહીં.

પ્રશ્નકર્તા : એને કઈ રીતે દુઃખ થાય ?

દાદાશ્રી : આપણે અહીં દુઃખ કરીએ એની અસર ત્યાં પહોંચ્યા વગર રહે નહીં. આ જગતમાં તો બધુ ફોનની પેઠ છે, ટેલિવિઝન જેવું છે આ જગત ! અને આપણે અહીં ઉપાધિ કરીએ તો એ પાછો આવવાનો છે ? કોઈ રસ્તે આવવાનો નથી ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો ઉપાધિ કરીએ તો એને પહોંચે છે અને એના નામ ઉપર આપણે ધર્મ ભક્તિ કરીએ તો ય એને પહોંચે છે ને એને શાંતિ થાય છે. એને શાંતિ કરવાની વાત તમને કેમ લાગે છે ? અને એને શાંતિ કરીએ એ તમારી ફરજ છેને ? માટે એવું કંઈક કરો ને, કે એને સારું લાગે. એક દહાડો સ્કૂલનાં છોકરાંઓને જરા પેંડા ખવડાવીએ એવું કંઈક કરીએ.

પ્રશ્નકર્તા : એ બધું કર્યું !

દાદાશ્રી : હા, પણ એવું ફરી ફરી કરીએ. જ્યારે કંઈક સગવડ થાય ને પાંચ-પચાસનું એવું કંઈક કામ કરો કે જેથી એને પહોંચે.

પ્રશ્નકર્તા : આ ભાઈને દીકરો મરી ગયાનું જે દુઃખ થાય છે ને, પણ મારે પોતાને એવો અનુભવ થયેલો કે મા-બાપ ગુજરી ગયાં પછી મને કોઈ દિવસ યાદ જ નથી આવ્યાં. મરી ગયાં ને પાંચ-સાત દહાડા પછી મેમરી પણ નથી આવી, એ શાથી ?

દાદાશ્રી : તમારે એ સારું કહેવાય, મા-બાપ એટલાં પુણ્યશાળી. જો તમને મેમરી હોત તો એમને દુઃખ થાત.

તમને મારી વાત સમજાય છેને ? માટે જ્યારે યાદ આવેને, ત્યારે એટલું બોલજો ને કે 'હે દાદા ભગવાન આ છોકરો તમને સોંપ્યો !' એટલે તેનો ઉકેલ આવશે. તમારા દીકરાને સંભારીને એનાં આત્માનું કલ્યાણ થાય એવું મનમાં બોલ્યા કરજો, આંખમાં પાણી ના આવવા દેશો. તમે તો જૈન થીઅરીવાળા માણસો છો. તમે તો જાણો કે આત્મા ગયા પછી એવી ભાવના ભાવવી જોઈએ કે, 'એમના આત્માનું કલ્યાણ હો ! હે કૃપાળુદેવ, એમના આત્માનું કલ્યાણ કરો.' તેને બદલે આપણે મનમાં ઢીલા થઈએ તે પોષાય નહીં. આપણા જ પોતાના સ્વજનને દુઃખમાં મૂકીએ તે આપણું કામ નહીં. તમે તો ડહાપણવાળા, વિચારશીલ, સંસ્કારી લોકો, એટલે જ્યારે જ્યારે યાદ આવે ત્યારે આવું બોલવું કે, 'એમના આત્માનું કલ્યાણ થાવ. હે વીતરાગ ભગવાન, એમના આત્માનું કલ્યાણ કરો.' એટલું બોલ્યા કરવું. કૃપાળુદેવનું નામ લેશો, દાદા ભગવાન કહેશો તો ય કામ થશે. કારણ કે દાદા ભગવાન અને કૃપાળુદેવ આત્મારૂપે એક જ છે ! દેહથી જુદા દેખાય છે. આંખોમાં જુદા દેખાય, પણ વસ્તુ તરીકે એક જ છે. એટલે મહાવીર ભગવાનનું નામ દેશો, તો ય એકનું એક જ છે. એમના આત્માનું કલ્યાણ થાવ એટલી જ આપણે નિરંતર ભાવના રાખવાની. આપણે જેના જોડે નિરંતર રહ્યા, જોડે ખાધું પીધુ

ં, તો આપણે એમનું કેમ કલ્યાણ થાય એવી ભાવના ભાવીએ. આપણે પારકા માટે સારી ભાવના ભાવીએ, તો આ તો આપણા પોતાના માણસને માટે તો શું ના કરીએ ?!

આપણે ત્યાં એક ભાઈ આવેલા, એનો એકનો એક દીકરો હતો તે મરી ગયો. મેં એને પૂછયું, 'છોકરાંને ઘેર છોકરો છે કે નહીં ?' ત્યારે કહે છે, 'છે ને, હજુ નાનો છે, પણ આ મારો છોકરો તો મરી ગયોને !' ત્યારે મેં કહ્યું, 'તમે અહીંથી બીજે ભવમાં જશો તો ત્યાં શું આવશે ? ત્યારે કહે કે, 'ત્યાં તો બધું ભૂલી જવાય.' એટલે છોકરો ગયો એની ચિંતા નથી, આ તો નહીં ભૂલવાથી જ ભાંજગડ છે ! પછી મેં કહ્યું કે, 'હું તમને ભૂલાવી દેવડાવું ?' ત્યારે કહે, 'હા ભૂલાડી દો.' એટલે પછી મેં એને જ્ઞાન આપ્યું, પછી એ ભૂલી ગયાં. પછી એને કહ્યું કે, હવે યાદ કરો જોઈએ. તો ય યાદ ના આવે.

એટલે 'દાદા ભગવાન તમને સોપ્યું' એવું બોલજો. તમને ખાતરી છે કે નથી ? સો એ સો ટકા ખાતરી છે કે થોડી કાચી છે ? દાદાને સોંપજોને, બધો ઉકેલ આવી જશે !

મરણ પછીનું લૌકિક કરવાનું કહે;

રડે બધાં, પણ અંદર નાટક રહે!

છોકરો મરી ગયો હોય તો બાપ રડવા લાગે. છોકરાંના મામાને, એના કાકાને, એ બધાને આપણે પૂછીએ કે, 'તમે કેમ રડતા નથી ?' ત્યારે કહેશે, 'એમ રડે કંઈ પાલવે ખરું ? જે જન્મે એ મરવાનું જ છેને !' જુઓને, આ લોકો કંઈ 'વ્યવસ્થિત' નથી જાણતા ? પણ આપણને તો પેલો સ્વાર્થ છે કે મારો છોકરો મોટો થયો હોત તો મને લાભ થાત, એ બધો સ્વાર્થ છે. બીજા કોઈ રડવા નથી લાગતાને ?!

પ્રશ્નકર્તા : હવે ના રડે, તો સમાજમાં લોકો પાછા એમ કહેશે કે આને તો કંઈ લાગતું ય નથી.

દાદાશ્રી : હા. એવું ય બોલે. સમાજના લોકો તો બે બાજુનું બોલે. સૂઈ રહ્યો હોય ત્યારે કહેશે કે, 'ઢોંગરાની પેઠ સૂઈ રહ્યો છે.' અને દોડધામ કરતો હોય ત્યારે કહેશે કે, 'આખો દહાડો દોડધામ કર્યા કરે છે, કૂતરાની પેઠ ભટક ભટક કર્યા કરે છે.' ત્યારે આપણે ક્યાં રહેવું ? એટલે સમાજની વાત કદી એટલી બધી ધ્યાન પર ના લેવાય, વ્યવહારિક રીતે ધ્યાન પર લેવાય. આપણને હિતકારી હોય એટલી વાત ધ્યાન પર લઈએ, બીજી બધી વાતો ધ્યાન પર ના લેવાય. એવું ધ્યાન પર લઈએ તો તો પાર જ ના આવે ને ?!

સમાજના મનમાં એમ થાય કે આ પથ્થર જેવું હ્રદય છે, તો આપણે બાથરૂમમાં જઈને આંખમાં પાણી ચોપડીને આવીએ. કારણ કે આ તો લૌકિક છે. લોકો ય નથી કહેતાં કે, 'લૌકિકમાં આવજો.' લૌકિક એટલે બનાવટી. લૌકિકનો અર્થ જ બનાવટી, જુઠું ! પેલાં છાતી કૂટે એવી રીતે આ ય છાતી કૂટે, પણ છાતી તોડી ના નાખે. આમ હાથ પર હાથ ઠોકે. જો ખરેખરું લૌકિક કરે છે ને ? અને સહુસહુનું સંભારીને રડે. મારો નાનો ભાઈ મરી ગયો તેને સંભારે, પેલી એના ધણીને સંભારે ને પછી રડે ! હવે આ અણસમજણનો ક્યારે પાર આવે ?

આ ગાયો-ભેંસો કોઈ રડતી નથી. એમને ય બાબા મરી જાય છે, બેબીઓ મરી જાય છે, પણ રડતી કરતી નથીને ! પણ આ તો સુધર્યા તે વધારે રડે ! છે ગાયો-ભેંસોને કોઈ દહાડો બૂમબરાડો કે,'મારી બેબી મરી ગઈ કે મારો બાબો મરી ગયો ?'

અને મારું કહેવાનું કે કોઈનાં મરણ પાછળ આજે તમે રડવાનાં હો, ત્યાં શરત કરો કે, 'ભાઈ, ત્રણ વર્ષ સુધી હું રડ્યા જ કરીશ; પછી રડવાનું બંધ કરીશ'. એવી કંઈ શરત કરો, 'એગ્રીમેન્ટ' કરો. આ તો બહેનો પણ રડવા આવે તો તેમને કહીએ કે, 'શરત કરીને પછી રડો કે ત્રણ વર્ષ સુધી આપણે રડીશું.' પણ આ તો પંદર દહાડા પછી કશું ય નહીં ! ને પછી સારી સાડી પહેરીને હસી હસીને લગનમાં હઉં જાય !! આનું કારણ શું છે ? બેભાનપણું છે ! હવે એવા બેભાન જોડે આપણે ક્યાં રડવા બેસીએ ? આપણે તો ત્યાં આગળ અમથું નાટક કરવું પડે ! ત્યાં આગળ કંઈ આપણાથી હસાય નહીં. હસીએ તો મૂરખ કહેવાઈએ. પણ દેખાવ તો કરવો પડે ને ? નાટકમાં જેમ અભિનય કરે છે, એવો અભિનય કરવો પડે.

દેહ છોડી જવાની ઈચ્છા ન કોઈને!

હજી આંખે દેખાય કરી જીવવું હોય ને!

અમારા ફાધરની તબિયત સારી નહીં. એટલે અમારા મોટાભાઈ મણિભાઈ મને કહે, 'તું કામ પર રહે, હું ફાધરની ખબર કાઢી આવું.' પછી એ ભાદરણ ગયા થોડી વાર પછી મને સહજ વિચાર આવ્યો કે મેં તો બધાંને કામ સોંપી દીધું છે, લાવને હું ય ખબર કાઢી આવું તે પછી હું તો ઊપડ્યો, ને ગાડીમાં બેસી ગયો. રસ્તામાં મણિભાઈ બોરસદથી આવતા હતા. તે સામા ભેગા થયાં. તેમણે મને પૂછ્યું કે, 'તું આવ્યો કે ?' મેં કહ્યું, 'હા મને મહીંથી વિચાર આવ્યો કે જઉં. તે હું બધાને કામ સોંપીને આવ્યો છું.' ત્યારે એમણે મને કહ્યું, 'તો હવે તું ત્યાં ઘેર જા અને હવે હું કામ પર પાછો જાઉં છું.' હું ફાધર પાસે આવ્યો એટલે એમણે રાત્રે ને રાત્રે જવાની તૈયારી કરી દીધી, ત્યાં સુધી એ જતા ન હતા. એટલે જેને ખભે ચઢવાનું હોય તેને જ ખભે ચઢાય.

પ્રશ્નકર્તા : જીવને શરીરની માયા ખરીને ?

દાદાશ્રી : શરીરની માયા નથી. એને આ બીજી માયા છે. આ આંખે બધું દેખાય છે. આ મારો છોકરો, આ મારા છોકરાંનો છોકરો, તેની બહુ માયા છે અને છોકરાંનો છોકરો દેખાય તો એને, 'બાબા અહીં આવ, અહીં આવ.' કરે. એને આંખે દેખાય છે ત્યાં સુધી આ બધું બહુ ગમે. આપણે કહીએ કે, 'કાકા, હવે માયા જતી નથી ? ત્યારે કહેશે કે, 'ના, બા, હજુ આંખે દેખાય છે ત્યાં સુધી સારું છે.' આપણે કહીએ, 'કાકા, આ પગ ભાંગી ગયા છે, હાથ ભાંગી ગયા છે, ખવાતું નથી તો ય.' ત્યારે કાકા કહે, 'ના, હજુ આંખે દેખાય છે ત્યાં સુધી સારું છે !' જવાની કોઈને ય ઇચ્છા નથી હોતી.

જન્મીને બાળ તરત જાય મરી;

પૂર્વભવનું વેર વસુલ કરી!

પ્રશ્નકર્તા : બાળક જન્મીને નાનો હોય ને મરી જાય, નાનું બાળક મરી જાય. તો એ એને કેવો અવતાર મલે. એણે કેવાં કર્મ કરેલાં હોય ?

દાદાશ્રી : એ તો એવું છે ને, નાનું બાળક આવ્યું ને, તે આપણો અહીંનો જ ઘૈડો થયેલો માણસ મરી ગયો હોય અને પાછળ પેણે આગળ એ તરત જન્મ લઈ લે. એના મા-બાપને જરાક થોડું હેરાન કરવાનો હોય, પેટમાં જઈને દુઃખાડવાનું. વેર હોય ને થોડુંક, તે જઈને પેટમાં સળી કરીને ચૂંક મારી આપે અને પછી જનમતી વખતે વાંકો થઈને જન્મે મૂઓ. તે પેટ કપાવડાવે તો જ છોડે અને પછી એ ય વેર વાળવા આવે છે. આ છોકરાં બધાં વેર વાળવા આવે છે આ કળિયુગમાં અને સત્યુગમાં પ્રેમ કરવા આવતાં હતાં. એટલે વેર વાળવા આવે છે, જેટલું વેર વાળી જાય એટલું સાચું.

એ પછી અહીંથી ગયો. એટલે પાછું બીજી જગ્યાએ એંસી વર્ષ જીવે પાછો. અહીં આટલું વેર હશે આપણું, તે એટલું પૂરું કરીને જતો રહે હડહડાટ. આ બધા વેર છે. ધણી જોડે ય વેર છે આ કળિયુગમાં. ધણીને બૈરી જોડે ય વેર છે, માટે અટાવી-પટાવીને કામ લઈને દહાડા કાઢી નાખો. આપણે આવતો અવતાર તો ના બગડે બળ્યો ! આવી ફસાયા એ આવી ફસાયા. કેમ બોલતાં નથી ? નથી આવી ફસાયા ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : ત્યાર પછી હવે જે ફસાયા એ ફસાયા. લક્કડ કા લાડુ ખાય, વો ભી પસ્તાયા, નહીં ખાયા વો ભી પસ્તાયા. ના પૈણે તો ય પસ્તાવો છે, નહીં ?!

એક કલ્પાંતનું ફળ બંધાય;

કલ્પના અંત સુધી રખડાય!

એકનો એક છોકરો મરી જાય તો ય એ 'વ્યવસ્થિત' થાય છે, પણ આ તો એ એના લોભને લઈને, એના સ્વાર્થને લઈને રડે છે, એટલે એ અવ્યવસ્થિત માને છે. આ ગજવું કપાય છે તે ય વ્યવસ્થિત જ છે; પણ પાછો સ્વાર્થને લઈને, લોભને લઈને બૂમાબૂમ કરે છે, નહીં તો રડારડ કરવાથી પાછું આવે ? કેમ ? છ મહિના સુધી રડ રડ કરે તો ?

પ્રશ્નકર્તા : તો ય ના આવે.

દાદાશ્રી : છતાં લોકોને કલ્પાંત કરેલાં જોયેલાં ને ? શાથી કલ્પાંત કહેતા હશે ? એક આખા 'કલ્પ'ના અંત સુધી ભટકશે. રડે, માથાફોડે અને પછી કહેશે, 'ડૉકટર બોલાવી લાવો.' આપણે કહીએ ફરી ડૉકટર ના બોલાવવાના હોય તો ફોડજો, નહીં તો હમણે રહેવા દોને ?

પ્રશ્નકર્તા : આટલાં બધા વર્ષો બગડે છે એવી સમજણ નહીં.

દાદાશ્રી : એમને ભાન જ નથી ને ? આટલાં માટે પુસ્તકોમાં આ બધું આપણે લખ્યું છે કે 'કલ્પ'ના અંત સુધી ભટકવાનું થશે તારે. એનું નામ કલ્પાંત. કલ્પાંતનો અર્થ કોઈએ કર્યો નથી ને ? તમે આજ પહેલી વખત સાંભળ્યોને ?

પ્રશ્નકર્તા : પહેલી વખત સાંભળ્યો.

દાદાશ્રી : એટલે આ 'કલ્પ' ના અંત સુધી ભટકવાનું થાય અને લોક શું કહે ? બહુ કલ્પાંત કરે. અરે મૂઆ, કલ્પાંત એટલે પૂછ તો ખરો, કે કલ્પાંત એટલે શું ? તે કો'ક જ માણસ કલ્પાંત કરે. કલ્પાંત તો એકનો એક છોકરો હોય ને, આવી સ્થિતિ હોય ને તો જ બને કલ્પાંત.

ભગવાન કહે છે કે ચિંતા કરનારાને બે દંડ છે અને ચિંતા ના કરનારાને એક જ દંડ છે. એકનો એક જવાન છોકરો અઢાર વર્ષનો મરી જાય તેની પાછળ જેટલી ચિંતા કરે છે, જેટલું દુઃખ કરે છે, માથું ફોડે, બીજું બધું જે જે કરે, તેને બે દંડ છે અને આ બધું ના કરે તો એક જ દંડ છે. છોકરો મરી ગયો એટલો જ દંડ છે અને માથું ફોડ્યું તે વધારાનો દંડ છે. અમે એ બે દંડમાં કોઈ દહાડો ય ના આવીએ. એટલે અમે આ લોકોને કહ્યું છે કે, 'પાંચ હજાર રૂપિયાનું ગજવું કપાય એટલે વ્યવસ્થિત કરીને આગળ ચાલવાનું ને નિરાંતે ઘેર જવાનું !'

આ એક દંડ તે આપણો પોતાનો હિસાબ જ છે. માટે ગભરાવાનું કોઈ કારણ નથી, તેથી મેં 'વ્યવસ્થિત' કહ્યું છે, એક્ઝેક્ટ 'વ્યવસ્થિત' છે. માટે થઈ ગયું છે એને તો બરાબર કરેક્ટ એમ કહીએ ! એકનો એક છોકરો મરી ગયો તો 'કરેક્ટ' છે એમ કોઈને ના કહેવાય. ત્યાં તો એમ કહેવું પડે કે, 'બહુ ખોટું થઈ ગયું.' દેખાડો કરવો પડે. 'ડ્રામેટિક' કરવું પડે. બાકી અંદરખાને 'કરેક્ટ જ છે.' એમ કરીને ચાલવું.

છોકરો કંઈ નિશ્ચયથી હોય?

વ્યવહારથી, તેથી જોડે ન જાય!

નાનો બાબો અઢી મહિનાનો મરી ગયો તો ય રડે. બાવીસ વર્ષનો પૈણાવેલો મરી ગયો તો ય રડે અને પંચાવન વર્ષનો બાબો હોય, તે ય મરી જાય તો ય રડે. ત્યારે મૂઆ તને સમજણ શું પડી આમાં તો ? ક્યાં રડવાનું ને ક્યાં નહીં રડવાનું સમજતો જ નથી. ડફોળ છું કે શું છું ?

પ્રશ્નકર્તા : એટલે બુદ્ધિનો ઉપયોગ આ જાતનો કોઈ દા'ડો થયો જ નથી.

દાદાશ્રી : નહીં થાય ત્યાં સુધી જગતમાં સુખ કેમ પડે ? સુખ જ છે મનુષ્યોને. દરેક જાનવરોને સુખ છે ને આ મનુષ્યોને કંઈ દુઃખ હોતું હશે ? ફક્ત આમને ભોગવતાં નથી આવડતું, એટલું જ છે.

અને મરી ગયું. ત્યારે કહે, કોણ મરી ગયું ? અમારો એકનો એક છોકરો મરી ગયો. એ બહુ ખોટું થયું. મનમાં સમજી લેવાનું કે છોકરો મરી ગયો, પોતે કંઈ મરી ગયો છે ? છોકરો તો વ્યવહારને લીધે છોકરો. પોતાનો એકનો એક છોકરો મરી જાય ત્યાં શેના હારું કલેશ કરે છે ? છોકરો નિશ્ચયથી તારો હતો જ એની સાબિતી આપ. સાબિતિ છે નહીં પોતાની પાસે અને એ છોકરો, બાપ જોડે જતો હોય તો તો આપણે જાણીએ કે, એ છોકરો નિશ્ચયથી એનો હતો. પણ બાપા ગયા પછી ઘેર આવીને ખાય-પીવે ખરો ? તો એનો શાનો છોકરો ? છોકરો વ્યવહારથી છે એ તો હોય ત્યાં સુધી પાડોશીનું ય માન રાખે એમ બાપનું માન રાખે, એમાં શું નવાઈ હોય તે ?

'દાદા'ને દીકરો-દીકરી આવી ને ગયા;

ગયાં ત્યારે પેંડાની પાર્ટી, ત્યારે જ્ઞાની થયા!

પ્રશ્નકર્તા : દાદાનાં છોકરાં કેટલાં ?

દાદાશ્રી : એક છોકરો ને એક છોકરી હતા. છોકરાંનો જન્મ થયો ત્યારે મેં ભઈબંધોને પેંડા ખવડાવ્યા. ૧૯૨૮માં જન્મેલો. પછી એકત્રીસમાં એ ઓફ થઈ ગયો. એટલે પછી મેં બધાને પેંડા ખવડાવ્યા. તે પહેલાં તો બધાં એમ જ સમજ્યા કે આ તો બીજો કંઈ છોકરો હશે, તેથી આ પેંડા ખવડાવતા હશે. પેંડા ખવડાવતાં સુધી મેં ફોડ ના પાડ્યો. ખવડાવ્યા પછી મેં બધાને કહ્યું, 'પેલા ભાઈ, ગેસ્ટ આવ્યા હતા ને તે ગયા !!' જો માનભેર આવ્યા હતા, તો માનભેર કાઢો આપણે. એટલે આ માન આપ્યું. તે મને બધા વઢવા જ માંડ્યા. અરે, ના વઢાય, માનભેર જવા દેવા જોઈએ.

પછી બેબીબેન આવ્યાં હતાં. તે એમને માનભેર બોલાવ્યાં અને માનભેર કાઢ્યાં. જે બધા આવ્યા તે જાય બધાં. પછી તો કોઈ છે નહીં. હું ને હીરાબા બે જ છીએ.

અમારો છોકરો મરી ગયો, છોડી મરી ગઈ ત્યારે હું ખુશ થતો હતો. ખુશ થતો એટલે એમ નહીં કે સારું, પણ હોય તો ય હા, બરોબર છે અને ના હોય તો ય કંઈ વાંધો નથી. કારણ કે એ ગેસ્ટ છે.

કોઈ કોઈનો છોકરો નથી ને કોઈ કોઈનો બાપ થયો ય નથી. આ તો ખાલી ઋણનો અનુબંધ છે, માંગતા લેણાનો. તે રૂપિયાનું માંગતું લેણું નહીં, મેં તમને દુઃખ દીધેલું એ દુઃખ દેવા તમે આવો. તે આ બાંધેલા વેર છોડે છે લોકો, એટલે મેં તો છોકરો, છોડી મરી ગયાં હતાં ત્યારે મને તો થયું, 'આપણું કોઈ થયું ?' આ દેહ આપણો નથી થતો, તો વળી દેહનો છોકરો તે વળી શી રીતે આપણો થતો હશે ? થાય ખરો ? આ છોકરો દેહનો કે આત્માનો ?

પ્રશ્નકર્તા : દેહનો.

દાદાશ્રી : તો પછી આ દેહ આપણો નથી, તો છોકરો શી રીતે આપણો થાય ? આ બધી રીલેટિવ સગાઈઓ છે. ઓલ ધિસ રીલેટિવ્ઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટસ. ત્યાં આપણે શું કરવાનું ?

પ્રશ્નકર્તા : પુત્ર જન્મે ત્યારે લોકો પેંડા વહેંચે, પણ પુત્ર મરે ત્યારે પેડા વહેંચનાર નહોતા.

દાદાશ્રી : હા, મરે ત્યારે પેંડા વહેંચનાર નહીં.

પ્રશ્નકર્તા : ત્યારે હીરાબાને શું પ્રતિભાવ થયો હતો ?

દાદાશ્રી : હીરાબાને સારું ના લાગે. 'આવું કરાતું હશે ?' કહે છે અને અમારા મિત્રોએ ય કહેલું 'આવું કર્યું ?' મેં એમને સમજણ પાડી કે હું તમને કહેત કે પેલો છોકરો આપણે પેંડા ખવડાવ્યા હતા એ છોકરો મરી ગયો. તો તમારાં મોંઢા ઉપર ઉદાસીનતા ના આવી હોય અને હાર્ટિલી ના આવી હોય તો ય તમારે બનાવટ કરવી પડે. એના કરતાં આ કશું ભાંજગડ જ નહીં. ખાઈપીને મોજ કરો.

દાદા કહે, ગેસ્ટ આવ્યાં તે ગયાં!

કેવી સમજ, છોકરાં જ્યારે મર્યાં!!

બાકી મને તો પપ્પો થવાનું નહોતું ગમતું, બળ્યું. હતો જ ને, પપ્પો. ગયો ત્યારે મેં કહ્યું, 'સચ્ચિદાનંદ'. રહ્યો હોત તો વાંધો ન્હોતો. અને બેબીને ય પૈણાવત નિરાંતે. ના, એ વાંધો ન્હોતો.

પ્રશ્નકર્તા : તમને કેમ પપ્પો થવું ન્હોતું ગમતું ?

દાદાશ્રી : ના, ન્હોતું ગમતું એવું નહિ. એટલે ડીસ્લાઈક જેવું નહિ, તેમ લાઇક જેવું નહિ. જે હોય, આપણી દુકાનમાં જે આવ્યા ઘરાક એ ખરાં. જતાં રહ્યા તો ય ઘરાક.

પ્રશ્નકર્તા : પણ જતાં રહે ત્યારે હાશ લાગે ને ? જતાં હોય ત્યારે આપણે છૂટ્યાં એવું લાગે ને ?

દાદાશ્રી : ના, એવું નહિ. બંધાયેલાં જ નહોતાં, તે છૂટ્યાં ક્યાંથી ? મને તો એવું લાગ્યું કે, 'આ ગેસ્ટ આવ્યા'તા, તે ગેસ્ટ ચાલ્યા ગયા.' ગેસ્ટ આવે ને જાય.

આપણે ત્યાં કંઈ હિસાબ બાકી છે તેથી આયા. અને નહીં તો લોક ઊંચકીને એમને રમાડે ? ના, હિસાબ છે બાકી ત્યારે જ ને.

હા, અમારા ભઈ બોલતા'તા એવું ન્હોતો બોલતો હું. અમારા ભઈ વળી એવું બોલતા'તા. 'છોકરાં ધાડે દેવા છે', કહે છે. તે એમને છોકરું હતુંને એક એ મરી ગયું. પછી થયું જ નહીં. બીજી પૈણ્યા તો ય ના થયું. ધાડે દેવાં છે, કહે છે તે ના જ થયું. એવો તિરસ્કાર ના કરાય !

આપણે ત્યાં જે આવે તે પધારે. ત્યારે કહીએ, 'આવજો ભઈ, સારું થયું બા.' એ કંઈ આપણા બાબા છે ? એ તો મનમાં માની લે છે, ફૂલાયા કરે, બાબાનો હું બાપો ને !

જ્ઞાન થતાં પહેલાં હીરાબા કહે. 'છોકરાં મરી ગયાં તે હવે છોકરાં નથી. શું કરીશું આપણે ? ઘૈડપણમાં સેવા કોણ કરશે ?' એમને હઉં મૂંઝવે ! ના મૂંઝવે ? ત્યારે મેં તેમને કહ્યું, 'આજનાં છોકરાંઓ દમ કાઢશે તમારો. એ દારૂ પીને આવશે તે તમને ગમશે ?' ત્યારે એ કહે, 'ના એ તો ના ગમે.' ત્યારે મેં કહ્યું, 'દારૂ પીને આવશે. આ આવ્યા હતા તે ગયાં. તેથી મેં પેંડા ખવડાવ્યા.' તે પછી જ્યારે એમને અનુભવ થયો ત્યારે મને કહે છે, 'બધાનાં છોકરાં બહુ દુઃખ દે છે.' ત્યારે મેં કહ્યું, 'અમે તમને પહેલેથી કહેતા પણ તમે નહોતાં માનતાં !'

આ પારકું તે વળી પોતાનું થતું હશે કોઈ દહાડો ય ? નકામી હાય, હાય, હાય કરીએ. આ દેહ જ્યાં પારકો, તે દેહનાં પાછાં એ સગાં. પારકો અને પારકાની પાછી મૂડી, તે પોતાની થતી હશે ?

છોકરાંની ચિંતા બાંધે જાનવરગતિ;

ગયા ભવની કરે તો ખરી ગતિ!

દાદાશ્રી : મોક્ષે જવાની ઇચ્છા થતી નથી ?

પ્રશ્નકર્તા : જીવન કંટાળેલું છે.

દાદાશ્રી : કંટાળો દૂર થાય એવી ઇચ્છા નહીં ? શું કરવા કંટાળી ગયા છો ? ખાવાપીવાનું નથી મળતું ?

પ્રશ્નકર્તા : બધું મળે છે.

દાદાશ્રી : તો શેનાથી કંટાળી ગયો છે ?

પ્રશ્નકર્તા : કુટુંબિક જંજાળથી.

દાદાશ્રી : કુટુંબ તો તમને એકલાને છે ? આ બધાને, કૂતરાને ય કુટુંબ હોય. કૂતરાને ય બચ્ચાં હોય, બે-ચાર-પાંચ ના હોય ? જંજાળ તો બધે જ હોય ને ! સંસાર એટલે જંજાળ. એ લોકો કંટાળતા નહીં, તમે શું કરવા કંટાળી ગયા છો ? કૂતરાં કંટાળતાં નથી. શેનાથી કંટાળ્યા ? ખાવાપીવાનું બધંુ મળે છે ને ? સૂઈ રહેવાનું, કંઈ રહેવાનું સ્થળ છે નહીં ?

પ્રશ્નકર્તા : બધું છે.

દાદાશ્રી : ત્યારે કપડાં-બપડાં લાવવાની સગવડ ? છોકરાંને ફી આપવાની સગવડ છે કે નહીં ?

પ્રશ્નકર્તા : હા છે.

દાદાશ્રી : તો પછી કયું દુઃખ છે તે ? શેને દુઃખ કહો છો તે ? તે આટલું બધુ કંટાળી ગયા છો !

પ્રશ્નકર્તા : એક જ છોકરો છે, જુદો થઈ ગયો છે.

દાદાશ્રી : એ તો ત્રણ હોત તો ય જુદા થઈ જાત અને ના જુદા થાય તો આપણે જવું પડશે પાછું. એ પાછા ભેગા રહેલા હોયને, તો ય જવું પડશે, આપણે મેલીને. મેલીને નહીં જવું પડે ? ત્યાંની હાય હાય શું ? ગયા અવતારનાં છોકરાં ક્યાં ગયાં ? ગયા અવતારનાં છોકરાં ક્યાં રહે છે ?

પ્રશ્નકર્તા : ભગવાનને ખબર.

દાદાશ્રી : લ્યો ! ગયા અવતારનાં છોકરાંનું ઠેકાણું નથી, આ અવતારનાં છોકરાંનું પાછું આવું થયું. ક્યારે પાર આવશે આનો ? મોક્ષે જવાની વાત કરોને, નકામા અધોગતિમાં જતાં રહેશો. ઉપાધિ, કંટાળો આવેને, તે ઉપાધિમાં શેના અવતાર થાય ? અહીંથી પછી મનુષ્યમાંથી શેનો અવતાર થાય ? જાનવરનો અવતાર. નર્કગતિમાં જતો રહે. નર્કગતિ ને જાનવરગતિ બધી ગમે છે ?

પ્રશ્નકર્તા : ના. નર્કગતિમાં જવાનું કોને ગમે ?

દાદાશ્રી : તો શી રીતે આ બધું ગોટાળા કરો છો ?

મર્યા પછી તો બધું મૂકી દેવાનું;

જીવતાં મૂકે ત્યારે મોક્ષે જવાનું!

પ્રશ્નકર્તા : જીવતા નથી છૂટતું એ જ દુઃખ છે.

દાદાશ્રી : ગયા પછી આખું ય છોડી દે છે. પછી હપુચું (સંપૂર્ણ) કાગળ-પત્ર કશું ભાંજગડ જ નહીં. જીવતાં નથી છૂટતું એ જ મુશ્કેલી છે ને. તમે અહીં આવો તો છોડાવી આપીએ.

ગયા અવતારનાં છોકરાં ભૂલી ગયાં અને આ અવતારમાં અહીંથી જાય કે તરત ભૂલી જાય. ત્યાં સુધી ભૂલે તો જ્ઞાની કહેવાય. જીવતાં ભૂલે તો જ્ઞાની કહેવાય. નહીં તો ગયા પછી તો બધા ભૂલેલાં જ છે ને ! જીવતાં ભૂલે એ જ્ઞાની. કબૂલ કર્યું ને ?!

પ્રશ્નકર્તા : નથી ભૂલાતું એ જ દુઃખ છે.

દાદાશ્રી : હું તમને ભૂલાડી આપીશ.

પ્રશ્નકર્તા : આપ તો એવું જ્ઞાનમાં બતાવી દો છો કે એને ભૂલવાં પડતાં જ નથી. એ એમની મેળે જ છૂટી જાય.

દાદાશ્રી : એની મેળે જ ભૂલી જાય. એની મેળે જ છૂટી જાય.

એક-એક અવતારમાં ભયંકર માર ખાધો છે, પણ પાછલો માર ખાધેલો ભૂલતો જાય છે અને નવો માર ખાતો જાય છે. ગયા અવતારનાં છોકરાં મૂકતો આવે છે. ને નવા આ અવતારમાં વળગાડતો જાય છે !

ગયા અવતારની બે-ત્રણ નાની છોડીઓ હતી, છોકરાં હતાં, એ બધાં આવડાં આવડાં નાનાં નાનાં મૂકીને આવ્યા'તા. તે એ બધાની કંઈ ચિંતા કરે છે ? કેમ ? અને આમ મરતી વખતે તો બહુ ચિંતા થાય છે ને, કે નાની બેબીનું શું થશે ?! પણ અહીં પછી નવો જન્મ લે છે, તે પાછળની કશી ચિંતા જ નહીં ને ! કાગળ-બાગળ કશું જ નહીં !! સત્તામાં નહીં એ ચિતરવું નહીં. એટલે આ બધી પરસત્તા છે. એમાં હાથ જ ના ઘાલવો. માટે જે બને એ 'વ્યવસ્થિત'માં હો તે ભલે હો ને ના હો તે પણ ભલે હો.

જાનવર ગતિ બંધાય કર્યે ગર્ભપાત;

ભારે પ્રતિક્રમણથી ઘટે પાપ!

બધું જ ઈફેક્ટ છે આ. દવાખાનું, તમે ચલાવો છો ને, એ આખો દહાડો ઇફેક્ટ જ હોય છે. એક સેકન્ડ પણ કોઝ નથી હોતું.

પ્રશ્નકર્તા : અમારા જે ધંધાનો એક પ્રશ્ન છે. પેલું એબોર્શન કરાવે ને, હવે તો પેલું લીગલ હોય છે ને. એટલે જ્યારે પણ એ માને લાગે કે મારે છોકરું પડાવી નાખવું છે, તો ડૉકટરની પાસે જાય તો ડૉકટરે એને પાડી આપવું પડે એવો કાયદો જ છે એમ. એનાથી ના ના પડાય. તો આ એક પ્રશ્ન છે, ખરી રીતે તો આ ખોટું જ કહેવાય. પણ હવે આપણે તો એવું કોઈ જજમેન્ટ કશું લેવાનું રહેતું જ નથી. તો હવે આમાં કઈ રીતનું રહેવું જોઈએ ?

દાદાશ્રી : બધું ઇફેક્ટ જ છે.

પ્રશ્નકર્તા : હવે ઘણી છે તો નાની નાની સોળ વર્ષની, ચૌદ વર્ષની છોકરીઓ આવે અને કહે છે કે, તમે અમને આ પાડી આપો. નહીં તો મારે આપઘાત કરવો પડશે. હું સમાજમાં રહી ના શકું એવું કહે અમને. તો ત્યાં આગળ એ તો શું કરવું ?

દાદાશ્રી : કેટલા ડૉલર લો ?

પ્રશ્નકર્તા : હું એવું નથી કરતી, પણ જનરલી બીજા બધાં પોણા બસો ડૉલર જેટલા લે.

દાદાશ્રી : પણ તમે કરતાં નથી ? આવે તો શું કરો ?

પ્રશ્નકર્તા : હું ના કરું પણ બીજા પાસે હું મોકલી આપું. તો એ એનું કંઈક દોષ તો લાગે ને આ, અનુમોદન જેવું.

દાદાશ્રી : ના, ના. એ આપણે એમ કહેવું, શુદ્ધાત્મા ભગવાનને કે 'મારે ભાગે ક્યાંથી આવ્યું આ કામ.' બસ, એટલું બહુ થઈ ગયું. અગર તો દાદા ભગવાન ક્ષમા માંગું છું. આ મારી ભૂલ થઈ ગઈ. તો બહુ થઈ ગયું. પહેલાં દેડકાં ન્હોતાં માર્યાં !?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : હં. ત્યાર પછી દાદા ભગવાનને નમસ્કાર કરું છું, ક્ષમા માંગું છું. દાદા ભગવાનનું નામ લઈને માફી માંગી લેવી, બસ. તને એમ લાગે કે ખોટું થયું છે, એવું લાગે ત્યાં તારે પછી માફી માંગી લેવી.

પ્રશ્નકર્તા : એ બધા આત્માઓનું શું થતું હશે ? એ લોકો તો હજુ બહાર આવ્યા નથી અને આવા છે તો એબોર્શન એક મિલિયન જેટલા દર વર્ષે થતાં હોય છે અને નાની નાની છોકરીઓ, ટીનએજર, અઢાર વર્ષથી નીચેની છોકરીઓ. એ પણ એક મિલિયન છોકરીઓ આવી એબોર્શન કરાવી જાય છે. આ બધા આત્માઓનું શું થાય ?

દાદાશ્રી : કશું થવાનું નહીં. અહીંથી જાનવરમાં જાય પછી. બીજું કશું થવાનું નહીં. કરાવનારને ય છે તે જાનવરની ગતિ થાય. બધાને જાનવરની ગતિ થાય. એ જ્ઞાનમાં હોય તો ના થાય, એની ગેરેન્ટી આપું છું.

પ્રશ્નકર્તા : અને બાળકનું શું થાય ?

દાદાશ્રી : બાળકને તો એનો પાછો હિસાબ છે. આ તો ઇફેક્ટ જ છે ખાલી.

પ્રશ્નકર્તા : એને કોઈ કર્મ ના બંધાય એનું ?

દાદાશ્રી : ના, એને કર્મ શેનું બંધાય ? એને તો આ છૂટ્યું કર્મ.

બે વર્ષનું બાળક મરે;

બાકી રહેલાં કર્મોથી ફરે!

પ્રશ્નકર્તા : કહ્યું ને કે દરેક પોતાનાં કર્મો જેટલા લઈને આવ્યો છે એ ભવમાં એ પૂરા કરીને જ જાય છે. હવે આ બે વર્ષનું બાળક હોય કે છ મહિનાનું બાળક હોય, એ મા-બાપને દુઃખ આપીને મરી જાય. એ બીજા જન્મમાં. બીજી યોનિમાં જાય, તો ત્યાં આગળ કયા કર્મ લઈને જાય ? અત્યારે તો કઈ રીતના નવા કર્મો બાંધ્યાં હશે ?

દાદાશ્રી : હા, એને છે તે હિસાબ બધો ત્યાં આગળ પૂરો થઈ જાય છે. આ છ મહિનાનું બાળક તો હિસાબ આપીને ચાલ્યો ગયો. પણ હજુ તેમનાં તેમ જ છે બીજાં કર્મો, એ કર્મો એને જન્મ આપે પાછો બીજી જગ્યાએ.

બાળકને કર્મ બંધાય ક્યારથી?

અંતઃકરણ ડેવલપ થાય ત્યારથી!

પ્રશ્નકર્તા : નાનું છ મહિનાનું બાળક કયા ધ્યાનમાં હોય ?

દાદાશ્રી : એને ધ્યાન ના હોય. જ્યાં સુધી અંતઃકરણ ફૂલ ડેવલપ ના થાય ત્યાં સુધી ધ્યાન ઉત્પન્ન ના થાય. ધ્યાન તો અંતઃકરણ ડેવલપ થયા પછી જ ઉત્પન્ન થાય.

બાળક તો રડવાના ટાઈમે રડે અને હસવાના ટાઈમે હસે. બસ, એ જ એનંુ કામ અને આ ધ્યાન કરનારા તો રડે નહીં. આ તો રડવાનો ટાઈમ હોય તો રડે નહીં, ધ્યાન કરે ! આ ધ્યાન કરનારા જુદાં ને બાળકો જુદાં. બાળક તો એનો ટાઈમ થાય એટલે રડે, બસ. તેમને કશું જોવા કરવાનું નહીં કે મારી આબરૂ જશે ને મોટી ઉંમરના હોય તો એની તો આબરૂ જાય.

પ્રશ્નકર્તા : એમનામાં નિર્દોષતા તો ખરીને ?

દાદાશ્રી : એ તદ્ન નિર્દોષ જ ને, જ્યાં સુધી અંતઃકરણ બરોબર ચાલુ ના થાય ત્યાં સુધી નિર્દોષ જ કહેવાય ! હજુ 'હું કરું છું' એવું ભાન પાછું એમને નથી. જેમ મહીં નચાવે એમ એ નાચે છે !

પ્રશ્નકર્તા : નાનું બાળક ચોરી કરે તો એને ચોરીનું કર્મ બંધાય કે નહીં ?

દાદાશ્રી : એને બંધાય ને ! મહીં જેટલું ભાન થયેલું હોય તેટલું બંધાય. સૌથી પહેલું ભાન થાય છે તે કપટનું થાય છે. અંતઃકરણમાં કપટનો માલ પહેલાં હોય, એટલે છોકરાં કપટ કરતાં પહેલું શીખે છે. હવે એને કર્મ બંધાય તો ખરું, પણ એ તો જેટલો અહંકાર હોય ને તેટલું બંધાય. હજુ અહંકારની બહુ બધી પરિપકવતા ના હોય, તે છતાં પણ એ સંસ્કાર પડ્યા વગર રહે નહીં. એ બધા સંસ્કાર જાય નહીં ને. એટલે ત્યાંથી જ ગાંઠ બંધાય.

પ્રશ્નકર્તા : નાના બાળકને ગમતું-ના ગમતું હોય ? કે તેઓને તે બધું સરખું જ લાગે કે એમાં ફરક છે ?

દાદાશ્રી : એનું લઈ લે તો એને દુઃખ થાય. એને ગમતું ને ના ગમતું હોય છે જ, બાળકને ! એને સરખું ના હોય. એને નથી ગમતું ત્યારે રડે છે અને ગમતું આવે ત્યારે હસે છે. એ રાગ-દ્વેષ કર્મ ત્યારથી જ ચાર્જ થઈ ગયાં. અને જેમ બુદ્ધિ વધતી જાય તેમ તેમ ચાર્જ વધારે થતાં જાય.

છોકરાને કડવી દવા આપીએ તો મોઢું ખૂબ બગાડે. આપણે જોઈએ તો આ મોઢું ફોટો પાડવા જેવું દેખાય અને સારી દવા આપો, મીઠી દવા આપો તો ખુશે ય એટલો થઈ જાય.

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19