ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19

મા-બાપછોકરાનોવ્યવહાર

(૧૪)

સગાઈ રીલેટીવ કે રીયલ ?

બાપ દીકરાની સગાઈ 'રીલેટીવ';

'રીયલ' હો તો જોડે જાય એકસરખું જીવે!

આ કંઈ ખરેખર બાપ-બેટા નથી, આ રીયલી સ્પીકીંગ આખા દુનિયામાં કોઈ બાપ હોય જ નહીં. અને રીયલી સ્પીકીંગ જો બાપ હોય તો, બાપ મરી જાય એટલે છોકરાં એની જોડે જ જાય. કે બાપા, મારાથી નહીં જીવાય. મારા ફાધર ને હું એક જ ?! પણ એ મરે નહીં પછી, નહીં ? કોઈ મરે નહીંને ? બધા ડાહ્યા છે ને ? બ્રેડ-બિસ્કીટ, પાઉં-બાઉં બધું ખાઈ લે !!

એટલે જ્ઞાન વસ્તુ સત્ય છે, યથાર્થ જ્ઞાન છે આ ! એટલે શુકલધ્યાન છે આ, એમાં જેમ છે તેમ જુઓ ! અને આ તો ન્હોય, સાસુ-વહુએ ન્હોય, મામીએ ન્હોય ને કાકીએ ન્હોય. વ્યવહારથી તમારે બધું કરવામાં વાંધો નથી, પણ નિશ્ચયથી કરે તો ભૂલ છે. લોક નિશ્ચયથી વર્તે છે ને ?

પ્રશ્નકર્તા : પણ વ્યવહાર ધર્મમાં તો રહેવું પડે ને ?

દાદાશ્રી : વ્યવહાર ધર્મમાં તો તમે કોઈ દહાડો રહ્યા જ નથી. વ્યવહાર હંમેશા આદર્શ હોય. જે માણસ નિશ્ચય ચૂક્યો ને, એનું નામ વ્યવહાર ના કહેવાય. નિશ્ચયને નિશ્ચયમાં રાખવાનો અને વ્યવહારને વ્યવહારમાં રાખવાનો, એનું નામ આદર્શ વ્યવહાર. હું આખો દહાડો આદર્શ વ્યવહારમાં જ રહું છું. મારે ઘેર આજુબાજુ પૂછવા જાવને તો બધા ય કહેશે. કોઈ દહાડો એ લઢયા જ નથી. કોઈ દહાડો બૂમ પાડી જ નથી. કોઈ દહાડો કોઈની જોડે ગુસ્સે થયા નથી. એવું બધા આજુબાજુવાળા કહે તો એ આદર્શ કહેવાય કે ના કહેવાય ?

પ્રશ્નકર્તા : કહેવાય.

દાદાશ્રી : અને તમારા માટે આજુબાજુ પૂછવા જઈએ તો ? એવું કહે કે, એ કોઈ દહાડો ય ઊંચા સાદે બોલ્યા નથી ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : ત્યારે તમે તો વ્યવહારે ય બગાડયો અને આ નિશ્ચય પણ બગાડયો. વ્યવહાર એટલો જ કરવાનો છે કે બાપ થયો માટે છોકરાનાં ધક્કા તું ના ખાઈશ, નહીં તો છોકરાને ખરાબ લાગશે. અને છોકરો થયો છે એના માટે વ્યવહાર એટલો કરવાનો છે કે બાપના ધક્કા તું ખાજે, નહીં તો ખોટું દેખાશે. એવો વ્યવહાર-વિવેક ચૂકવાનો નથી.

પહેલાં તો મૂર્ચ્છાથી વ્યવહાર બહુ કાચો રહેતો હતો. કેટલીક જગ્યાએ તો હપૂચાં ટાઢાં, તે આખો દહાડો ઘરમાં કોઈને કશું બોલે જ નહીં.

રીલેટિવ છે માટે સાચવીને ચાલો;

નહીં તો તૂટશે આ તો કાચનો પ્યાલો!

રીલેટિવ છે આ સંબંધ ! સાચવી સાચવીને કામ લેવાનું છે. આ રીલેટિવ સંબંધ છે, એટલે તમે જેવું રીલેટિવ રાખો તેવું એ રહેશે. તમારે જેવું રાખશો એવું રહેશે, આનું નામ વ્યવહાર કહેવાય છે !

તમે જાણો કે મારો છોકરો છે. એટલે ક્યાં જવાનો છે ! અલ્યા મૂઆ છોકરો છે, પણ ઘડીવારમાં સામો થઈ જશે. કોઈ આત્મા બાપ-બેટો થાય નહીં. આ તો હિસાબ છે સામાસામી લેણદેણના. જોને ઘેર જઈને એવું કહેતો નહીં કે તમે મારા બાપ નહીં, એવું ! એ વ્યવહારથી તો ખરા જ ને !

એટલે રીલેટિવ સંબંધ છે. આ સાચવી સાચવીને કામ કરો અને કોઈને સુધારવા ફરશો નહીં. સુધરે ત્યાં સુધી સુધારવો. પછી મૂકી દેવું. નહીં તો પાછું સામાવાળિયો થઈ જશે. આપણે જોઈ લેવું કે સુધરે એવું છે ? તો જરા પ્રયત્ન કરી જોવો. પણ જો વળી સામો થતો હોય, તો છોડી દેવું. આ વળી પાછું ઉપાધિ ! દુશ્મન થાય ઉલ્ટો. આપણે એને સુધારવા જઈએ, એ દુશ્મન થાય. એ જાણે કે મારો બાપ વેરવી છે. એવું કહે કે ના કહે ?

પ્રશ્નકર્તા : કહે.

દાદાશ્રી : બૈરીને ય સુધારવા બહુ મહેનત નહીં કરવાની. એને જો સુધારી શકાય તો સુધારી લો અને ના સુધારાય તો રહ્યું. કારણ કે આ ભવ પૂરતું જ છે ને ભાંજગડ ! કંઈ કાયમની છે ! જો કાયમની હોય તો લાવ સુધારીએ આપણે !

એટલે આ રીલેટિવ સગાઈઓ છે. રીલેટિવ એટલે કોઈ વસ્તુનાં અનુસંધાનમાં. એટલે કંઈ હિસાબ માંગતો હોય, કંઈ બીજું હોય, ત્રીજું હોય, તેના હિસાબે આ ભેગું થાય છે, બધું ઋણાનુબંધ.

ઓલ ધીસ રીલેટિવ્સ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. તે આપણે એડજસ્ટમેન્ટ રહે ત્યાં સુધી સારું છે ! આપણી દાનત કેવી રાખવી કે એ તોડવા ફરે તો ય આપણે સાંધ સાંધ કરવું. એમ કરતાં કરતાં રહે થોડો વખત અને જ્યારે આપણને એમ લાગે કે આ બધું ઉડી જવાનું છે, તો એ ફાડે ત્યારે આપણે ય ફાડી નાખવાનું. બને ત્યાં સુધી સાચવવું.

પ્રશ્નકર્તા : એ ના સમજાયું.

દાદાશ્રી : આપણે સમજી જવું કે આ સગાઈ રીલેટિવ છે, વિનાશી છે. એ છોકરો છેડો ફાડતો હોય ને તો ત્યારે આપણે સાંધ સાંધ કરવું. જો આપણે કામ હોય તો. એ ફાડ ફાડ કરે ને આપણે આખી રાત સાંધ સાંધ કરીએ તો સવારમાં થોડું ઘણું અડધું સંધાયેલું રહે અને આપણે જાણીએ કે આ છોકરાની જરૂર નથી, એની જોડે રહીને આમાં સ્વાદ કાઢવાનો જ નથી ! તે ફાડે ત્યારે આપણે ય ફાડી નાંખવું. તે ઉકેલ આવી ગયો.

માછલાંની તો કહેવાય જાળ;

મનુષ્યોનો સંસાર તો જંજાળ!

પ્રશ્નકર્તા : સંસારને ગાઢ જંજાળ કહ્યો. પણ સંસાર ના હોત તો છૂટત જ કઈ રીતે ?

દાદાશ્રી : તો તો છૂટેલો જ હતો ને ! છૂટેલાને શું કરવાનું ?

પ્રશ્નકર્તા : પણ મનુષ્ય યોનિમાં આવ્યા પછી છૂટે ને ?

દાદાશ્રી : ના, ના. આ સંસાર ના હોત તો છૂટેલો જ છે ને ! આ તો સંસાર છે એટલે એને જંજાળ કહ્યું. જંજાળ તો ખરી જ ને. જંજાળ જો ના કહી હોત તો પાછો ફરવાનો પ્રયત્ન જ કરે નહીં ને.

આ જાળો જ છે નહીં ? માછલાંની જાળ તો સારી. એને કોઈક જગ્યાએ દાંત મૂકે ને તો કાપી નાખે. આ જાળ તો કપાય નહીં. આ તો જંજાળ કહેવાય. આ જાળ નહીં, જંજાળ ! પાછી કપાય નહીં, ભોગવ્યે જ છૂટકો ! ભોગવે ત્યારે જાળ છૂટે ! હિસાબ બધો ચૂકવીએ ત્યારે જાળ છૂટે પાછી ! પણ પાછી નવી જાળ તો તૈયાર કરી હોય આપણે, આવતા ભવની જાળ પાછી ઊભી કરી જ હોય !!

કોઈ કોઈનો છોકરો-બાપ હોતો હશે ? આ તો એકદમ આ ચકલાં આમથી ઊડીને આવ્યાં, આમથી ઊડીને આવ્યાં અને પછી ત્યાં આગળ રાતનાં બેઠાં, સવાર થઈ તે બધા ઊડી ઊડીને હેંડવા માંડયાં. એવી રીતે છે આ. એ જોડે બેઠું હોય તે બાર કલાક માટે પૈણે પાછાં ! સવારમાં ઊઠીને જવાનું છે ને !

સાહજીક જીવન જીવે જનાવરો;

મનુષ્યો માંડે વિકલ્પોની વણઝારો!

મનુષ્ય એકલાની જ જાત હશે કે બીજા પણ જાતો છે ? ગાયો, ભેંસો, નાનાં જીવડાં, વીંછીઓ, સાપ કેટલી બધી જાતો છે ને ? તેમાં માણસો એકલાએ જ આવા ગાંડા કાઢયા છે. દેવ લોકોએ ય આવા ગાંડા નથી કાઢયા ! દેવ લોકો ય કોઈને એમ નથી કહેતા કે આ મારા સસરા આવ્યા ને આ મારા સાળા આવ્યા. આ મારા ફૂવા થાય ને આ મારા મામા થાય, એવું કોઈ લોકો નથી કહેતાં. મનુષ્યો એકલાંએ જ છે તે વિકલ્પની જાળો ઊભી કરી છે. આમને કુદરતના નિયમથી બુદ્ધિ ઊભી થઈ ગઈ. તે બુદ્ધિનો દુરૂપયોગ કરીને વિકલ્પની જાળો ઊભી કરી. એ જાળમાં પછી પોતે જ ફસાયા. નિર્વિકલ્પ પોતે હતો, તેને બદલે વિકલ્પી થઈ ગયો. હવે શું થાય તે ?!

હવે આ 'મારા સસરા થાય' કહેવાનો વાંધો નથી, એ તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે પણ આ તો કાયમનાં જાણે સસરા હોય ને એવું બોલે છે. તમે અત્યાર સુધી બધું આ કાયમનું જ જાણતા હતા ને ! આ કાયમના સસરા, આ કાયમના મામા, બધુ કાયમનું માનતા હતા ને ? પણ એ બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. બૈરી ભાયડાને ના ફાવે ને, એટલે પેલો કહેશે 'મારે ડીવોર્સ લેવા છે.' અને પેલી કહેશે, 'મારે ડીવોર્સ નથી આપવો'. પછી ચાલે તોફાન ! છે એવું તોફાન બીજી નાતોમાં ? ગાયો-ભેંસો એમને ય આપણી પેઠે બૈરી-છોકરાં બધું ય હોય છે. પણ ત્યાં છે કશી ભાંજગડ ? લગન નહીં, લઢવાડો નહીં, કાંણ નહીં, મોકાણ નહીં, રડારોળ નહીં. એમને ય છોડીઓ નાસી જાય ખરી, પણ તે કશી ભાંજગડ જ નહીં ને ! કારણ કે એ કાયદેસર છે. ભગવાનનાં લૉમાં રહે છે. બીજી આવી જાતો ઊભી કરી નથી. તમને લાગે છે એવું કે કંઈક આપણી જ ભૂલો છે ?

પ્રશ્નકર્તા : માયાનું બંધન તો પશુઓને પણ હોય ને ?

દાદાશ્રી : ના, એ માયાનું બંધન નથી. માયાનું બંધન તો એકલાં મનુષ્યોને જ છે. એમને તો દુનિયાદારીનું બંધન છે. વાછરડું નાનું હોય ત્યાં સુધી ગાય એને રાખે. અને મોટું થયું એટલે ગાયને લેવાદેવા નહીં ને બચ્ચાં ને ય લેવાદેવા નહીં અને આપણે અહીં તો સાત પેઢી સુધી ખસવા ના દે. આપણે અહીં તો મમતા ભારે છે કે નહીં ? મારા છોકરાંનો છોકરો ખાશે એટલા માટે ભેગું કરતા હોય છે ને ?! એ ગાયને એવું હોય છે ? ગાયને ય છોકરાં હોય છે કે નથી હોતાં ? પણ ગાયનું કંઈ નામ કાઢે છે ? એ એનું જ નામ નથી કાઢતાં ને ?! આપણે અહીં તો મારું નામ કાઢશે, ફલાણું કાઢશે ! અને આપણે ત્યાં મરી જાય, ત્યારે રડે કે ના રડે ? અને ગાયો-ભેંસોમાં રડવા કરવાનું ખરું કે ? રડવાનું કશું ય નહીં. એમને પૈણાવાની ચિંતા નહીં ને રાંડ્યાની ચિંતા નહીં, કશું જ ચિંતા નહીં. છતાં પૈણે-રાંડે બધું જ થાય પણ ચિંતા નહીં કરવાની. કુદરતી વ્યવહાર તો બધે ય થયાં જ કરે ને. આ તો વચ્ચે આપણું ડહાપણ ઘાલ્યું, તેથી તો બધા જીવો કરતાં વધારેમાં વધારે દુઃખી હોય તો મનુષ્યો. ગાયો-ભેંસોને ય આવું દુઃખ નહીં હોય, ચિંતા-કકળાટ કશું નહીં. ગાયો-ભેંસોને ભૂખનું દુઃખ ખરું. જરા ખાવાનું ના મળ્યું તો દુઃખ લાગે, બાકી બીજું દુઃખ નહીં. અને

ા મનુષ્યો તો ચિંતામાં આખો દહાડો શક્કરીયા ભરહાડમાં મૂકેલા હોય ને એવા બફાયા કરે છે. આનો પાર જ ના આવેને !

એટલે આ ગૂંથાયેલું છે બધું. કલ્પિત ગૂંથણી છે આ બધી. તે ગૂંથણીમાં ભરાઈને નહીં રહેવાનું. ગૂંથણીમાં આપણે હરવાનું-ફરવાનું, કરવાનું બધું પણ નાટકીય, ડ્રામેટિક બધું રહેવાનું. આપણું જ્ઞાન કઈ એવું છે કે ઘરનાંને મૂકીને નાસી જવાનું છે. એવું નાસી જવાનું હોય તો ઘરનાં કેટલા જણાને દગો કરીને નાસે એ બિચારો ? બૈરી-છોકરાં, મા-બાપ, બધાંને છોડે તો એમને કેટલું દુઃખ થાય ? પણ આપણે એવો દગો-ફટકો કશું નહીં ને ! ફાઈલનો સમભાવે નિકાલ કરી નાખવાનો ને !

આપણું આ વિજ્ઞાન બહુ સાચું છે. મહીં ઠંડક પણ વળે છે. અત્યારે કેવી ઠંડક છે ને ! દુકાનો સાંભરતી નથી, ને કશું ય સાંભરતું નથી. નહીં તો જગત વિસ્મૃત જ ના થાય. જગત વિસ્મૃત કરે એ જ સાચું વિજ્ઞાન કહેવાય. અત્યારે કશું ય યાદ નથી આવતું ? સગાવહાલાં કશું ય નહીં ?

પ્રશ્નકર્તા : ના. કશું ય નહીં, કોઈ જંજાળ યાદ નથી આવતી.

દાદાશ્રી : જંજાળ, આ જંજાળ તો કેટલી લાંબી છે ને ? જો ચિતરવા જાય ને તો મોટો નકશો થઈ જાય. દીકરાના દીકરા ને તેનાં દીકરા, આ તો પાને પાને દૂધિયાં બેસતાં જ જાય, સ્વાભાવિક રીતે ! આ કોઈ દૂધી બીજા દૂધિયાંને એમ નથી કહેતી કે 'હું તારો બાપ છું.' અને આ બુદ્ધિશાળી તો આ મારો દીકરો, આ મારા દીકરાનો દીકરો ! આ બધાં દૂધિયાં બૂમાબૂમ કરે નહીં ને ! પણ એ તો વેલાને દૂધિયાં બેસ્યા જ કરે, એ એનો કુદરતી ક્રમ છે આ બધું તો ! એટલે મનુષ્યોએ આ બધો વિકલ્પ ઊભો કરેલો છે. વિકલ્પ જૂઠ્ઠો વિકલ્પ ઊભો કરીને આખો માળો ઊભો કર્યો છે. જ્યારે નિર્વિકલ્પ થાય ત્યારે બંધ થઈ જાય.

ભજવ પાત્ર નાટકનાં 'હું કોણ' જાણી!

કહેવાય રાણીને 'ઘેર હેંડ', ખરી માની?

એટલે આ બધા વિકલ્પો છે. હવે આ વિકલ્પોમાં રહીને આપણે પોતાનું કામ કાઢી લેવાનું છે. કારણ કે આ વિકલ્પો લોકોએ પરમેનન્ટ બનાવ્યા છે અને ખરેખર એ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે, એ ડ્રામેટિક એડજસ્ટમેન્ટ છે. આ તમારા ફાધર, તમારા વાઇફ, તમારા ભાઈ એ બધાં ડ્રામાનાં, ઓન્લી ફોર ડ્રામા છે. જ્યાં સુધી આપણો આ દેહ છે ત્યાં સુધીનો આ ડ્રામા છે !

બાપ છોકરાંને કહે કે, 'તને આવો જાણ્યો હોત, તો જન્મતાં જ તને મારી નાખ્યો હોત !' ત્યારે છોકરો કહે કે, 'તમે મારી ના નાખ્યો તે ય અજાયબી છે ને !! આવું નાટક થવાનું તે શી રીતે મારો !!!' આવાં આવાં નાટક અનંત પ્રકારનાં થઈ ગયાં છે, અરે ! સાંભળતાં ય કાનના પડદા તૂટી જાય !! અલ્યા, આનાથી ય કંઈ જાતજાતનું જગતમાં થયું છે, માટે ચેતો જગતથી ! હવે 'પોતાના' દેશ ભણી વાળો, 'સ્વદેશ'માં ચાલો. પરદેશમાં તો ભૂતાં ને ભૂતાં જ છે, જ્યાં જાઓ ત્યાં !

આ તો નાટક છે ! નાટકમાં બૈરી-છોકરાંને પોતાનાં કાયમનાં કરી લઈએ તે કંઈ ચાલી શકે ? નાટકમાં બોલે તેમ બોલવામાં વાંધો નહીં કે, 'આ મારો મોટો દીકરો, શતાયુ થા.' પણ બધું ઉપલક, 'સુપરફ્લુઅસ' નાટકીય. આ બધાંને સાચાં માન્યાં તેનાં જ પ્રતિક્રમણ કરવાં પડે છે. જો સાચું ના માન્યું હોત તો પ્રતિક્રમણ કરવાં ના પડત. જ્યાં સત્ય માનવામાં આવ્યું ત્યાં રાગ ને દ્વેષ શરૂ થઈ જાય, અને પ્રતિક્રમણથી જ મોક્ષ છે. આ 'દાદા' દેખાડે છે તે 'આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન'થી મોક્ષ છે.

'દાદા' ભજવે નાટક દિનરાત;

કર્મ કરે છતાં અકર્મ આત્મસાત્!

આ તો એક જ ફેરો પોતાનું ભાન થાય ને તો આ જંજાળથી છૂટે. પણ પોતાનું ભાન જ થયું નથી. 'પોતે કોણ છું' એ ભાન જો થયું હોત ને તો આ માથાકૂટ હોત નહીં અને લોકોને એમ કહેત ય નહીં કે 'આ ચંદુલાલનો હું સસરો થઉં'. અલ્યા, સસરા થવાતું હશે ? કાયમનો સસરો છું કે શું છે તે ? જાણે કાયમના સસરા હોય ને, એવું ચોંટી પડયા છે ને ?! આ બધી તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટસ્ છે !

વગર કામનાં આ મારા સાસુ ને આ મારો સસરો ! પહેલાં તો હું ય સાચું જ માનતો હતો કે આજે તો મારે સાસુને ત્યાં જવાનું. પણ આ બધું પોલ નીકળ્યું. જો એ આપણાં સાસુ થતાં હોય પણ એમને કોઈ સાસુ ના હોય તો, આપણે જાણીએ કે આ ખરેખર સાસુ. પણ એ સાસુ ને ય સાસુ છે ને એમને ય સાસુ, માટે આનો અર્થ જ શું છે તે ? આપણા જમાઈ હોય તો આપણે જાણીએ કે ઓહોહો ! આપણા આ જમાઈ છે. પણ જમાઈને પાછા જમાઈ હોય. ત્યારે મેલને પૂળો !! આ મારો જમાઈ, આ મારી વાઈફ, આ મારા છોકરાં, એ જ બંધનને ત્યારે બીજું શું તે ? એ બંધનને બંધન જાણે, ત્યાર પછી વ્યવહાર કરવાનો વાંધો નથી. પછી સસરા તરીકે વ્યવહાર કરવાનો વાંધો નથી.

પ્રશ્નકર્તા : વ્યવહારમાં ના આવે એ માણસ ફેંકાઈ જાયને ?

દાદાશ્રી : પણ વ્યવહારમાં રહેવું જ જોઈએ. વ્યવહારમાં તો બહુ સારી રીતે રહેવું જોઈએ. જુઓને હું વ્યવહારમાં રહું જ છું ને !

અહીં આગળ બધા મને ભગવાન કહે છે, કોઈ જ્ઞાનીપુરુષ કહે છે. જેને જે વિશેષણ આપવું હોય તે આપે છે અને હું મોસાળમાં જાઉં ત્યારે મને 'ભાણાભાઈ આવ્યા' એમ કહે છે અને ટ્રેનમાં મને કોઈ ટિકિટ એક્ઝામીનર મળે કે, 'આપ કોણ છો ?' ત્યારે હું કહું કે 'ભઈ, હું પેસેન્જર છું.' અને ધંધા ઉપર જઉં છું, ત્યારે હું કહું છું કે 'હું કોન્ટ્રાક્ટર છું, હું શેઠ છું.' એટલે જ્યાં જ્યાં જેવું જેવું નાટક મારું હોય છે તે પ્રમાણે હું વાત બહાર પાડું છું.

પ્રશ્નકર્તા : અમારા ને તમારા ડ્રામામાં ફેર છે ને ?

દાદાશ્રી : એવું છે ને, તમે આ ભાઈના બાપ થઈને નાટક કરો છો અને હું તો અસલ રૂપમાં નાટક કરું છું. જેવો પાઠ હોય તેવો ભજવું છું. આ બધાના રૂપરંગ, એવું તેવું હું જોતો નથી. હું બધાનામાં આત્મા જોઉં છું. રૂપરંગ જોઈને શું કરવાનું છે ? રૂપરંગ જોડે આવે ખરું ? કાળું હોય કે ગોરું હોય. જાડું હોય કે પાતળું હોય, એ સાથે આવવાનું કશું ? આત્મા તેવો નથી. આત્મા તો એક સ્વભાવી છે. આ બધાં પેકીંગ છે જાતજાતના આ પુરૂષો પેકીંગ, સ્ત્રીઓ પેકીંગ, ગધેડાં, કૂતરાં બધાં પેકીંગની અંદર ભગવાન પોતે રહેલા છે. એ સામાન ઓળખી ગયો તો કામ થઈ ગયું. ખરો વેપારી પેકીંગ ના જુએ ને ? માલસામાન બગડયો નથી ને ! એટલું જ જુએ.

અલ્યા, આ તો નાટક છે, ડ્રામા છે ખાલી ! વર્લ્ડ ઇઝ ધી ડ્રામા ઇટસેલ્ફ. તમે એમાં એકટર છો ને હું એકટર છું. ડ્રામામાં ભર્તૃહરી કહેશે કે હું કાયમનો ભર્તૃહરી છું. એવું ના બોલાય અને પીંગળાને ય ચોંટી ના પડાય કે તું તો મારી કાયમની પીંગળા છે. એટલે ભર્તૃહરી રહે તો કેવી ય રીતે ? અભિનય પૂરતો જ. પણ અંદરખાને પોતે જાણે કે હું તો લક્ષ્મીચંદ તરગાળો છું. એ ભૂલે નહીં અને આ લોક તો સાચું જ રડે. એટલે આપણે ભર્તૃહરીની પેઠ પાઠ ભજવવો, તો તમારે કશું દુઃખ છે નહીં. પણ આ તો પાઠ ભજવવામાં પોતે પોતાને ભૂલી ગયો, પોતે કોણ છે એ વિસારે પડી ગયું ! પણ ભર્તૃહરી 'પોતે કોણ છે' તે લક્ષમાં નાટક કરે તો વાંધો શો છે ? 'હું લક્ષ્મીચંદ છું' ને ઘેર જઈને મારે ખીચડી ખાવાની છે, તે યાદ હોય ને અભિનય કરે કે 'ભિક્ષા દે ને મૈયા પીંગળા ?' તો કશો વાંધો આવે ખરો ?

પ્રશ્નકર્તા : ભૂલી ગયાં છે તેની તો ઉપાધિ છે ને !

દાદાશ્રી : ભૂલી ગયાં છે તેટલાં માટે તો અમે બધાને આ જાગૃત કરીએ છીએ કે નાટકમાં આવી જાવ બધા. કારણ કે ઊંઘ ઊંઘના ટાઈમે આવે છે, ભૂખ ભૂખના ટાઈમે લાગે છે. નહાવાનો ટાઈમીંગ થાય ને, ત્યાં પાણી ગરમ થઈને તૈયાર થઈ ગયું હોય છે.

એટલે આ નાટકમાં આપણે આવ્યા છીએ. અમે એ 'પોતે કોણ છે ?' એનું ભાન તમને કરાવી દઈએ, પછી તમને આ નાટક જેવું જ થઈ જશે. આ હું ડ્રામા જ કરું છું. મારે ભગવાન થઈને શું કાઢવાનું છે?

ફેમિલી વ્યવહાર માત્ર છે નિકાલી;

ઉપલક રહી રાગ-દ્વેષ કરો ખાલી!

સંસારમાં ડ્રામેટિક રહેવાનું છે. 'આવો બેન', 'આવ બેબી', આમ તે ય બધું છે તે સુપરફલ્યુઅસ કરવાનું છે. ત્યારે અજ્ઞાની શું કરે કે સોડમાં ઘાલ ઘાલ કરે, તો પેલી બેબી ય એની પર ચિઢાયા કરે. અને જ્ઞાની પુરુષ વ્યવહારમાં 'સુપરફલ્યુઅસ' રહે તો બધા ય ખુશ રહે એમની પર. કારણ કે લોકોને 'સુપરફલ્યુઅસ' જોઈએ છે. બહુ આસક્તિ લોકોને નથી ગમતી. એટલે આપણે પણ બધું 'સુપરફલ્યુઅસ' રહેવું, આ બધા તોફાનોમાં પડવું નહીં.

'જ્ઞાની' શું સમજે ? કે બેબી પૈણી, તે પણ વ્યવહાર અને બેબી બિચારી રાંડી, તે પણ વ્યવહાર. 'રીયલ' ન હોય આ. એ બન્ને વ્યવહાર છે, 'રીલેટિવ' છે અને કોઈથી ફેરવી ના શકાય એવું પાછું !! હવે આ લોક શું કરશે ? જમાઈ મરી ગયો ને પાછળ માથાં ફોડે ? તે ઊલટાં ડૉકટરને બોલાવવા પડે. એટલે એ રાગ-દ્વેષને આધીન છે ને ! વ્યવહાર વ્યવહાર સમજાયો નથી તેથી ને !

છોકરાંને વઢવું પડે, બઈને બે શબ્દ કહેવાં પડે. પણ નાટકીય ભાષામાં, ઠંડકથી ગુસ્સો કરવાનો. નાટકીય ભાષા એટલે શું કે ઠંડકની સાંકળ ખેંચીને ગુસ્સો કરવાનો એનું નામ નાટક !

જેમ નાટકમાં ડ્રામા કરે છે ને, એના જેવું 'સુપરફ્લ્યુઅસ' છે, પણ આ બધી ક્રિયા છે, તેને પોતાની ક્રિયા માની લીધી. એ ખોટી 'બીલિફ' થઈ છે. આ 'સુપરફ્લ્યુઅસ' છે. આને મનમાં રાખી મૂકવા જેવું ન્હોય. ચિત્તમાં ફોટોગ્રાફી લેવા જેવું ન્હોય, આ 'સુપરફ્લ્યુઅસ' છે ! આ તેથી આપણે કહીએ છીએને કે તમને 'આ' જ્ઞાન આપ્યું છે, તમે 'હોમ ડીપાર્ટમેન્ટ'માં તમારી રૂમમાં રહો અને 'ફોરેન'માં 'સુપરફ્લ્યુઅસ' રહેજો. આ વ્યવહાર બધો 'ફોરેન' છે. જેટલો વ્યવહાર દેખાય છે, વ્યવહાર જેટલો બધો કહેવાય છે, એ બધો 'ફોરેન' છે. અને આ 'રીલેટિવ' છે, એ બધો વ્યવહાર જ છે, 'રીયલ' એકલું જ નિશ્ચય છે, હકીકત સ્વરૂપ છે, વાસ્તવિક છે !

વ્યવહારમાં પણ જાગૃતિપૂર્વક થાય ત્યારે 'પ્રોગ્રેસ' કહેવાય. વ્યવહારમાં પોતાનો છોકરો છે એવું કહે ખરો, પણ મહીં પોતાનો છે એવા પરિણામ ના વર્તતા હોય. આત્મા કોઈનો છોકરો થાય નહીં, આત્મા કોઈનો પુત્ર કે પિતા થાય ? એટલે એ જાગૃતિપૂર્વકનું હોવું જોઈએ. આમ વ્યવહારમાં વાતોચીતો કરીએ, પણ નાટકની પેઠે અને અંદર જાગૃતિ રહેવી જોઈએ કે કોઈ કોઈના બાપ નહીં અને કોઈ કોઈનો છોકરો નહીં. એ આત્મા જ છે, આપણે આત્મા જ છીએ, એવું રહેવું જોઈએ. બધાનામાં શુદ્ધાત્મા જો જો કર્યા કરવા. બીજું આમાં શું કરવાનું છે ! બીજો વ્યવહાર વચ્ચે લવાય નહીં. બીજો વ્યવહાર તો વ્યવહાર કરવા માટે છે. મોક્ષે જવું હોય તો તમારાં કોઈ પુત્ર-પુત્રી છે નહીં. સંસારમાં રહેવું હોય તો પુત્ર-પુત્રી તમારાં જ છે.

સોંપે છોરાંને કરી કમાણી કાળી!

ઘરડાં ઘરે ઘાલે, મરે જીવ બાળી!

બાબો માંદો હોય તો આપણે દવા બધી કરીએ, પણ બધું ઉપલક. આપણાં છોકરાંને કેવાં માનવા જોઈએ ? ઓરમાન. છોકરાંને 'મારા છોકરાં' કહે અને છોકરાં ય 'મારી મા' કહે, પણ મહીં લાંબી સગાઈ નહીં. એટલે આ કાળમાં ઓરમાઈ સગાઈ રાખજો, નહીં તો માર્યા ગયા જાણજો. છોકરાં કોઈને મોક્ષે લઈ જનારાં નથી. જો તમે ડાહ્યા થશો તો છોકરાં ડાહ્યા થશે. છોકરાં જોડે વહાલ તે કરાતું હશે ? આ વહાલ તો ગોળી મારે. વહાલ દ્વેષમાં ફરી જાય. પરાણે પ્રિત કરીને ચલાવી લેવાનું બહાર 'સારું લાગે છે' તેમ કહેવાનું. પણ મહીં જાણીએ કે પરાણે પ્રીતિ કરી રહ્યા છીએ, આ ન્હોય સાચી સગાઈ.

આ તો બધી પરભારી પીડા છે. છોકરો એમ નથી કહેતો કે મારા પર પડતું નાખો, પણ આ તો બાપ જ છોકરાં પર પડતું નાખે છે. આ આપણી જ ભૂલ છે. આ કળિયુગમાં તો માંગતા લેણાવાળાં છોકરાં થઈને આવ્યા હોય છે ! આપણે ઘરાકને કહીએ કે, 'મને તારા વગર ગમતું નથી, તારા વગર ગમતું નથી.' તો ઘરાક શું કરે ? મારે. આ તો 'રીલેટિવ' સગાઈઓ છે, આમાંથી કષાયો ઊભા થાય. આ રાગકષાયમાંથી દ્વેષકષાય ઊભો થાય. ઉછાળે ચઢાવાનું જ નહીં. આ દૂધપાક ઊભરાય ત્યારે લાકડું કાઢી લેવું પડે, એના જેવું છે.

છોકરાંને આપણે કશી લેવાદેવા નથી. આ તો વગર કામની ઉપાધિ ! બધાં કર્મને આધીન છે. જો ખરી સગાઈઓ હોય ને તો ઘરમાં બધાં નક્કી કરે કે આપણે ઘરમાં વઢવાડ નથી કરવી. પણ આ તો કલાક-બે કલાક પછી બાઝી પડે ! કારણ એ કોઈના હાથમાં હોતો જ નથી ને ! આ તો બધા કર્મના ઉદય ફટાકડાં ફૂટે તેમ ફટાફટ ફટાફટ ફૂટે છે !

આ મોહ કોની ઊપર ? જૂઠા સોના ઊપર ? સાચું હોય તો મોહ રખાય. આ તો ઘરાક-વેપારી જેવો સંબંધ. માલ સારો મળે તો ઘરાક પૈસા આપે, એવો આ સંબંધ છે. જો એક જ કલાક વર જોડે ભાંજગડ કરે તો સંબંધ તૂટી જાય, એવા સંબંધમાં મોહ શો રાખવો ?

શેઠ શું કહે કે અમે શું કરીએ ? અમારે તો મિલકત છોકરાને આપવાની છે. મૂઆ, ચારસોવીસી કરીને કમાણી કરી અને તે ય પાછી પરદેશમાં કમાણી કરી અને પછી છોકરાને આપશે ? છોકરો તો રીલેશનવાળો છે; રીલેટિવ સંબંધ અને પાછો અહંકારી કંઈ શાશ્વત સંબંધ હોય, રિયલ સંબંધ હોય ને કમાણી કરી આપતો હોય તો સારું. આ તો સમાજને લીધે દબાઈને જ સગાઈ રહી છે અને તે ય ક્યારેક બાપ-દીકરો લઢે છે, ઝઘડે છે. ને ઉપરથી કેટલાક છોકરાં તો કહે છે કે, બાપને ઘરડાઓના ઘરમાં મૂકી આવવાના છે ! જેમ આ બળદોને પાંજરાપોળમાં મૂકી આવે તેમ ઘરડાંઓનું ઘર ! કેવું રૂપાળું નામ કાઢયું છે ! આ સગાઈમાં કેમ બેસી રહ્યા છો તે જ મને તો સમજાતું નથી. આ રીલેશન સંબંધમાં અહંકાર ના હોય તો તો પછી એ ચલાવી લેવા જેવો સંબંધ છે. તમે ક્યાં નથી જાણતા કે બાપને કેદમાં નાખીને, મારી નાખીને રાજગાદીઓ લીધેલી !

આ તો મછવામાં ભેગું થયેલું માણસ. તે એ તો એનો કિનારો આવશે એટલે ઊતરી પડશે. અને આ કહેશે કે, મને એના વગર નહીં ચાલે. આવું 'એના વગર ના ચાલે' એ કેમ થાય ? આ તો ઋણાનુબંધ છે. આવું તે ક્યાં સુધી ચાલે ? આ શો ડખો ? નહીં લેવા, નહીં દેવા. ચપટીક ખાવું ને ગામ આખાનું માથે લઈને ફરવું ને પગ દુઃખે તો કોઈ જોવા ય આવે નહીં. એકલું જાતે જ પંપાળ પંપાળ કરવું પડે.

ભગવાને શું કહ્યું કે 'સબ સબકી સમાલો. મૈં મેરી ફોડતા હું !' એક ભૈયાઓનું ટોળું હતું. તે જાતે ખીચડી પકાવીને ખાય. આ બધા ભૈયાઓ એક મેદાનમાં ઊતરેલા. બધાએ સૌ-સૌની ખીચડી ત્રણ પથરા મૂકીને હાંલ્લીમાં મૂકી. પછી બધા ગામમાં વેપાર કરવા ગયા. એક માણસને સાચવવા મૂકીને ગયા. પછી સાંજે પાછા આવ્યા. તેમાં એકને શું થયું કે, તેને પોતાની હાંલ્લી જડી જ નહીં. તેને ચિંતા થઈ કે, મારી પેલી કે પેલી ? આ ઝાડ નીચેની કે પેલા ઝાડ નીચેની ? ને પાછો તે વિચાર કરવા માંડયો કે, બીજાની લઈશ તો મને બધા ગાંડો કહેશે. એટલે એણે ઉપાય શોધી કાઢયો. એક મોટો પથરો લીધો અને મોટેથી બોલવા માંડયો, 'મેં મેરી હાંલ્લી ફોડતા હું, સબ સબકી સમાલો'. તે તરત જ બધાએ પોત પોતાની હાંલ્લી પકડી લીધી અને પેલાને એની હાંલ્લી મળી ગઈ ! આ તો આપણી હાંલ્લી સમાલીને ચાલવા જેવું છે.

ઘાટવાળી સગાઈઓમાં શો સાર?

સાચો સંબંધી આત્મા એ જ સંભાર!

પરિણામ સમજવું જોઈએ, છતાં છોકરાં છે. છોકરા પર પ્રેમ રાખવાનો, છોકરા જ માનવાનાં. છોકરો એટલે શું સંબંધ છે એ સમજી લેવું. કારણ કે આ દરેક જોડે શું સંબંધ છે, એ ના સમજી લઈએ આપણે ? એ તો જ્યારે દાઢ દુઃખે ત્યારે ખબર પડે ! કાન દુઃખે, પેટ દુઃખે ને ત્યારે ખબર પડે. માટે બહુ અતિશય માયા કરશો નહીં. ફસામણ છે. સમજીને કરજો આ બધું. હું તમને માયા છોડવાનું નથી કહેતો. છોડ્યું છૂટાય એવી નથી. પણ આ બહુ માયા ના કરશો, હાયવોય ના કરશો. મારી વાત વ્યાજબી લાગે છે ને ?

સાચો સંબંધ કોને કહેવાય કે જે કોઈ દહાડો ય ના બગડે. આત્મા જોડે જ સાચો સંબંધ છે. બાકી બધા ઘાટવાળા સંબંધ છે. ઘાટવાળા એટલે પોતાને કામ લાગે ત્યાં સુધી સંબંધી ! ઘાટમાં લે ને ! તમને કોઈ ઘાટમાં લેતું નથી ? આ સંસાર ઘાટવાળો જ છે. જ્યાં કોઈપણ પ્રકારનું ઘાટ નથી હોતો ત્યાં પરમાત્મા અવશ્ય હોય જ. ઘાટથી ભગવાન વેગળા. જ્યાં સુધી સાંસારિક કોઈ પણ ઘાટ છે, સંસારિક ઇચ્છાઓ છે ત્યાં સુધી સાચી વાત કોઈથી ના નીકળે. એક શબ્દે ય સાચો નીકળે નહીં.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19