ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19

મા-બાપછોકરાનોવ્યવહાર

(૨)

ફરજિયાતમાં ગાવાનું શું ?

વીત્યાં વરસો વેગન વેંઢારવામા;

કાંદા-બટાકાના ભાવે વેચાવામાં!

દાદાશ્રી : કેટલી ઉંમર થઈ તમારી ?

પ્રશ્નકર્તા : પચાસ.

દાદાશ્રી : હવે સો વર્ષનું આયુષ્ય, તેમાં પચાસ તો, અડધાં તો વપરાઈ ગયાં, અડધાં રહ્યાં હવે. અને (દિકરાને) તારે તો બધાં બહુ, બાકી સિલક. એટલે તારે પપ્પાજીને રાજી રાખવા. સિલકમાં પચાસ તો વપરાઈ ગયાં. તે પૂછયું નહીં કે શેમાં વાપરી ખાધાં, પપ્પાજી ?

પ્રશ્નકર્તા : નથી પૂછયું.

દાદાશ્રી : એ શેમાં વાપરી ખાધાં હશે એટલાં બધાં ?

પ્રશ્નકર્તા : મોટા કરવામાં.

દાદાશ્રી : આ નાનાથી મોટા કરવામાં ?!

પ્રશ્નકર્તા : એ જવાબદારી....

દાદાશ્રી : હા.... આ જવાબદારી ! તેથી તો કાળાના ધોળા થઈ ગયાં બળ્યાં ! ઉપાધિને બળી આ તો બધી. એ તો પૈણ્યા પછી ખબર પડે; પહેલું તો બહુ મીઠું મીઠું લાગે. પછી વેગન ખેંચવાનું થાયને, ત્યારે ઈન્જીનને ખબર પડે બધું આ. પૈણ્યા પછી બધું ખબર પડે સંસારનું તો! પહેલા તો આમ ઝગમગાટ લાગ્યા કરે ! એને ય પૈણાવવો પડશેને હવે!

ફરજો બધી છે ફરજિયાત;

નહિ તો ખાશો સહુની લાત!

પ્રશ્નકર્તા : પણ વ્યવહારમાં ફરજનું પાલન ખરું ?

દાદાશ્રી : ફરજિયાત જ છે આખો. ફરજનું પાલન કરવાનું નથી, ફરજિયાત જ છે. વ્યવહાર જો તમે પાલન ના કરો તો આડોશી-પાડોશી કહેશે, 'આ છોકરાની ફી નથી આપતા ? ફી આપો ને ! છોકરાં બિચારાં ક્યાં જાય ?' ત્યારે આપણે તેમને કહીએ, 'તમે અમારામાં ડખલ શું કરવા કરો છો ?' ત્યારે કહે, 'ડખલ ના કરીએ, પણ છોકરાની ફી તો આપવી પડે ને !' એટલે ફરજિયાત છે આ. લોકો કહેતાં આવશે. હા, અને છોકરાને બહુ ધીબી નાખ્યો હોય ને, તો ય લોક કહેતાં આવશે.

પ્રશ્નકર્તા : આપણા બાળકો પ્રત્યે આપણી ફરજ તો ખરી ને ?

દાદાશ્રી : ફરજ બજાવવી. એ ફરજ બજાવવાથી કંઈ તમે એની ઉપર ઉપકાર કરો છો ?

એટલે ફરજિયાત છે. તમે ના કરો ને તો બધા કહેશે, 'કઈ જાતના છો ? છોકરાને પૈણાવતા નથી કે ?' ત્યારેે તમે કહો કે 'મારી પાસે પૈસા નથી.' ત્યારે લોક કહેશે, 'વ્યાજે લાવીને પૈણાવો. છોકરાને પૈણાવો, મોટી ઉંમરનો થઈ ગયો હવે.' એટલે મારી-ઠોકીને તમારે કરવું પડશે. કંઈ ઉપકાર કરતા નથી. કેટલી ફરજો છે તમારે ? હા, જેટલી ફરજ છે ને, એ બધી ફરજિયાત છે.

છોકરાં ભણાવ્યાં તે ડ્યુટી બાઉન્ડ!

આત્માનો નહિ, સુણ્યો ફરજોનો સાઉન્ડ!

પ્રશ્નકર્તા : એટલે આ વ્યવહારની ભ્રાંતિમાં જ રહેવું પડે છે.

દાદાશ્રી : એવું છે ને, આપણે બેન્કોની સાથે જે ઓવરડ્રાફ્ટ લીધા છે તે તો પૂરા ચૂકવવાં જ પડે ને ! આપણે રૂપિયા લાવ્યા હોય ત્યાંથી જ પ્રોમિસ આપ્યું હોયને કે 'ભઈ, મારી જે દશા થશે, કાં તો મોક્ષનો અધિકારી થઈ જઈશ તો ય આપીને જઈશ; કાં તો મોક્ષનો અધિકારી નહીં થાઉં તો ય તમારું પેમેન્ટ પૂરું કરીશ.' એવું આપણે પ્રોમિસ આપીને આવેલાને ! એવું આ બધું વ્યવહારમાં પ્રોમિસ પતાવવાનાં છે અને આ ફરજિયાત છે પાછું. મરજિયાત તમે કશું કરતા જ નથી. ફરજિયાત, બિલકુલ 'ડ્યુટી બાઉન્ડ' !

આ મા-બાપ બધાં શું કરે છે ? છોકરાંને મોટાં કરે છે, ભણાવે છે ને જે બધું કરે છે, એ બધું ડ્યુટી બાઉન્ડ છે, નોટ વિલ બાઉન્ડ ! એને આ લોકો વિલ બાઉન્ડ માને છે એ જ ભ્રાંતિ છે !! 'ડ્યુટી બાઉન્ડ'માં તો આપણાથી કેમ કોઈની ઉપર ઉપકાર ચઢાવાય ? આ હું 'ડ્યુટી બાઉન્ડ' છું. એટલે મને મનમાં એવું તમારી ઉપર ઉપકાર ચઢાવવાનો ભાવ જ ઉત્પન્ન ના થાય ને ! હું જાણું છું કે આ 'ડ્યુટી બાઉન્ડ' છે, પરસત્તા જ છે !

ફરજો ચૂકવી તે, ન બતાવાય ગણી;

ખોળ મરજીયાત ને, લે આ ભવ લણી!

મા-બાપે પાંચ હજારનું દેવું કરીને છોકરાને ભણાવ્યો હોય તેમ છતાં કોઈ દિવસ છોકરો ઉધ્ધતાઈ કરે તો, બોલી ના બતાવાય કે અમે તને ભણાવ્યો. એ તો આપણે 'ડ્યુટી બાઉન્ડ' હતા, ફરજિયાત હતું. ફરજિયાત હતું તે કર્યું. આપણે ફરજ બજાવવી. ફરજિયાત એટલે 'ડ્યુટી બાઉન્ડ' અને મરજિયાત એટલે 'વિલ બાઉન્ડ'. લોકો ફરજિયાતને મરજિયાત માને છે. અલ્યા, તારી વિલીંગનેસ જે બાજુ હોય તે બાજુ સંસાર વીંટાઈ રહ્યો છે. ફરજિયાત છે તેમાં મરજિયાતનું ચિતરામણ ચીતરી રહ્યા છે. જે ફેરવી શકાય છે તે વિલ બાઉન્ડ છે. ઘણાં છોકરાં બાપની સામા થઈ જાય છે ત્યારે બાપ ગુસ્સે થાય છે અને બધું કહી બતાવે છે કે મેં તને ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો. અલ્યા, ફરજિયાત હતું. તારું મરજિયાત જે હોય તે કહી બતાવ ને ! ફરજિયાત જે બંધાયેલા છે આપણી જોડે આવવા માટે તેની માળા શું કરવા ગણું છું ?! મરજીયાતને ખોળી કાઢ.

ફરજિયાતમાં શીરપાવ શાનો?

સમભાવે કર નિકાલ તો તું શાણો!

તમે કોઈ કામ મરજિયાત કરેલું ખરું ?

પ્રશ્નકર્તા : નહીં.

દાદાશ્રી : તો ફરજિયાત કરેલું ? ફરજિયાતનું ઈનામ હોય ?

પ્રશ્નકર્તા : ના હોય.

દાદાશ્રી : હં. મરજિયાતનું ઈનામ હોય. એક ભઈ ફરજિયાતનું ઈનામ ખોળવા માંગતા હતા ! આખું જગત ઈનામ ખોળે છે ને કે 'મેં આટલું આટલું કર્યું, તમને ભાન નથી, તમને ગુણ નથી મારો.' અલ્યા મૂઆ, શાનો ગુણને ખોળે છે, આ તો જે કર્યું, એ તો ફરજિયાત તેં કર્યું ! એક જણ છોકરાંની જોડે બોલતો હતો. કૂદાકૂદ કરતો હતો, હું વઢ્યો પછી. પેલો કહેતો હતો, 'દેવું કરીને મેં તને ભણાવ્યો. નહીં તો હું દેવું ના કરત તો તું શું ભણવાનો હતો, રખડી મરત.' મૂઆ, શું કરવા બોલ બોલ કરે છે અમથો વગર કામનો ! એ તો ફરજિયાત છે, આવું બોલાય નહીં ! એટલે છોકરો ડાહ્યો છે ને ? તમને કોણે ભણાવ્યા એમ પૂછે તો શું કહું ? ગાંડું બોલે છે ને, લોકો ?! અભણ લોકો, સમજણ નહીં, ભાન વગરનાં. આ બાબતમાં ભાન નહીં. વૈજ્ઞાનિક બાબતમાં ભાન નહીં, આ સ્વાર્થમાં ભાન, બધે જ્યાં ને ત્યાં સ્વાર્થ આવડે એને. હવે એ સ્વાર્થ તે પરાર્થ છે પાછો.

'મને ફી આપો છો, તો તમને કોણે આપી હતી ? એમાં શું નવાઈ કરો છો ?' કહેશે. એ તો ફરજિયાત છે, એમાં શું આપ્યું તમે. ફરજો બજાવતાં નથી, આ તો ફરજિયાત છે. સમભાવે નિકાલ કરો આ ફાઈલોનો, તો આબરૂ રહેશે, નહીં તો આબરૂ નહીં રહે. એટલે ફાધરથી એવો અહંકાર ના કરાય કે મેં તને ભણાવ્યો. કારણ કે આ ભણાવવું એ બધું ફરજિયાત છે.

સુખ આપ્યું તે ક્રિયા થઈ ફરજિયાત,

આપવાનો ભાવ કર્યો, તે મરજિયાત!

એક મોટા માણસ મને કહે છે, બધી જાતની ફરજો, મેં તો ઓફીસની ફરજો બધી... શું બજાવો છો તે કહીએ ? ફરજનો અર્થ શું સમજો છો ? ત્યારે કહે, ના, આપણે કરવું જ પડે ને, એ છૂટકો નહીં. કામ કરવું જોઈએ આપણે. મૂઆ શાથી કરો, કહું ? ડ્યુટી બાઉન્ડ નહીં ? ત્યારે કહે, હા, ડ્યુટી બાઉન્ડ. અલ્યા, તું અર્થ તો કર, ફરજીયાત એટલે ! શબ્દો ખોટાં નથી હોતાં ને ?! લોકોને સમજણ પડવી જોઈએ ને !

ફરજો બજાવેલી કે ?

પ્નશ્નકર્તા : હા.

દાદાશ્રી : અને તેમાં એનો પછી મનમાં એ માને કે ઘણી ફરજો બજાવી મેં ! સંતોષ લે ! અલ્યા, પણ શેનો સંતોષ, આ તો ફરજિયાત હતું ! કંઈ મરજિયાત શું કર્યું એ મને ખોળી લાવ ? આ તો બધું ફરજિયાત. નાહ્યા-ધોયા એ ફરજિયાત કર્યુર્ંં કે મરજિયાત કર્યું ? શું શું મરજિયાત કર્યું છે તમે ?

પ્નશ્નકર્તા : શોધવું પડશે ! દાદા, પોતાનું સુખ બીજાને આપે છે, એ આમ તો ફરજિયાત કહેવાય ને ?

દાદાશ્રી : એ ફરજિયાત, આપી દીધું એટલે ફરજિયાત અને આપી દેવાનો ભાવ એ મરજિયાત છે. હા, તમે આ કઢી ખારી હોય તો એ શાંત ભાવે ચલાવી લેવી, એવો ભાવ છે તમારો. તે તમારું મરજિયાત છે, પણ ફરજિયાતમાં શું બન્યું કે 'કઢું ખારું છે' બોલી ઉઠ્યાં. એ ભાવ એટલે શું ? બીજ કહેવાય. એને ડુંડું આવે ત્યારે ! આ પહેલાનું ડુંડું અત્યારે આવ્યું. પહેલાં બીજ નાખેલું તેનું. સમજાય છે વાત કે નહીં ?

પ્નશ્નકર્તા : હા, હા.

દાદાશ્રી : સમજવામાં કાચું પડી જાય છે.

પ્નશ્નકર્તા : ના, ના. ચાલે છે, બરાબર સમજાય છે.

દાદાશ્રી : કાચું પડે તો બંધ રાખજો ત્યાં આગળ.

અમને ય એમ લાગે કે અમારો ટાઈમ સારે રસ્તે ગયો. એ ચોપડીઓમાં ખોળે, શી રીતે જડે ?! ચોપડીઓમાં, ફરજો બજાવજો ને આમ તેમ. અલ્યા મૂઆ, ચોપડીવાળાએ લખ્યું, એના લેખકોએ લખ્યું અને પેલા પ્રવચન કરનારા કહેશે, ભઈ, ફરજ આપણે બજાવવી જોઈએ. સારી રીતે ફરજ બજાવજો. અલ્યા મૂઆ, શું શીખવાડે છે, તું અમથો ગાંડો. તું ય ગાંડો અને મને ય ગાંડો બનાવું છું ?! એ બજાવાની જ ક્યાં રહી ! આને આ ગરબડ ચાલે છે આ બધું.

ચેતીને ચાલ પહેલેથી છોકરાં સંગ;

મેલ ઘાલમેલ, નહિ તો ખેલાશે જંગ?

અમારા મામાના એક દીકરા કંટ્રાક્ટર હતા. તે છોકરાની બહુ ઘાલમેલ ઘાલમેલ કર્યા કરે. મેં કહ્યું, 'અમારા મામાનો ફોટો તમે રાખતા નથી ?' ત્યારે કહે, 'છે ને ફોટો.' મેં કહ્યું, 'તો પૂજા કશું કરો છો ?' ત્યારે કહે, 'પૂજા તો કંઈ નથી કરતા.' ત્યારે મેં કહ્યું, 'તો આ છોકરાં આપની પૂજા કરશે, હવે ?' ત્યારે એ કહે, 'એ તો કોઈ ના કરે.' મેં કહ્યું, 'જરા જંપોને, આ શું કરવા મોહનો માર ખાવ છો ? જરા પાંસરા પડો ને !' ત્યારે કહે, 'હવે મને સમજણ પડી. નહીં તો મને તો એમ જ લાગતું હતું કે આ તો આપણે કરવું જ પડે ને !' પછી મેં સમજણ પાડી કે, છોકરાને ભણાવીએ નહીં તો ખોટું દેખાય. પૈણાવીએ નહીં તો ય લોક કહેશે, 'એને પૈણવું છે તો ય પૈણાવતા નથી ?' પૈણાવ્યા પછી નોકરીએ કંઈ રાગે પડી ગયો, પછી આપણે લેવાદેવા નહીં. પછી આપણે ઘાલમેલ કરીએ ત્યારે લોક કહેશે, 'હજુ આ ડોસા છોડતા નથી. એ ત્યાં ને ત્યાં ટળ્યો રહે છે.' અલ્યા ભાઈ, પહેલાં આવું એના પક્ષમાં બોલતા હતા તે હવે ય એના પક્ષમાં બોલો છો ? પણ એ લોકન્યાય કહેવાય. આ સમજવા જેવું છે. બધા માર ખઈને પરાર્થ કરે છે અને તેને જરા ય ઉપકાર જેવું છે નહીં. છોકરાં ઉપકાર જો માનતા હોય કે મારા બાપે બહુ ઉપકાર કર્યો...

પ્રશ્નકર્તા : એ પણ નહીં માને.

દાદાશ્રી : રામ તારી માયા.

પછી લોક કહે, હવે આટલો દાદાનો ધર્મ પામ્યા તો ય મહીં છોકરામાં ને છોકરામાં વૃત્તિઓ રહે છે. લોક આવું કહે, ત્યારે ના સમજીએ આપણે કે લોક ફર્યું છે. કાયદેસર કહે છે, નહીં તો કશું ય તમને કહે નહીં. હવે આપણે એને રાગે પાડી દીધો. તે પછી તમારે કશું એ છોકરો હકદાર છે નહીં. એટલે આપણે આપણી ચલાવી લેવી પછી. પૈસો બધું હોય તે ય આપણું એ ય છોકરાનું નહીં. એટલે છોકરા પ્રત્યેની ફરજો ક્યાં સુધી મેં કહી ? કહો.

પ્રશ્નકર્તા : એ ભણી રહે અને કમાતો થાય ત્યાં સુધી.

દાદાશ્રી : એ કમાતો થાય અને રાગે પડે ત્યાં સુધી આપણે જરા ધ્યાન દેવાનું. અને પછી એની પાસે જઈને વારે ઘડીએ જઈને, 'તું ધંધો બરોબર સમો કરતો નથી.' એવું કહે કહે કરે તો શું થાય ? વહુ શું કહે ? કે 'આ સસરા બહુ ખરાબ છે.' એવું અહીં આવીને અમને કહી જાય છે. છૂટાં રહીએ છીએ તો ય જંપીને રહેવા નથી દેતા. લે, તું તો છોકરાનું સમું કરવા ગયો ત્યારે વહુએ ઈનામ(!) આપ્યું ! તે પોતે એવો માર ખાય છે. છોકરો જ્યારે એમ કહે છે કે 'હવે કશો વાંધો નહીં.' અલ્યા, તને મુક્ત કરે છે; તમને કેમ લાગે છે ? લોકો ય કહે કે 'દાદાનું જ્ઞાન પામ્યા છો ને હવે છોકરાનું શું કામ વધારે કરો છો ?' લોક તો આમે ય કહે ને આમે ય કહે ! જો ફી ના આપતા હોય તો તેમે ય કહે. એટલે લોકનું માનવું પડે આપણે. કેટલી છોકરાંની ફરજો તે આપણે સમજી લેવાની ! એ રાગે પડી ગયા પછી કહીએ, 'અડચણ હોય તો અમને કાગળ લખી જણાવજે.' પછી એ ના કહે કે 'હું બાપુજી બહુ ખુશી છું.' પછી મહીં સળી નહીં કરવી.

ભણાવી ધંધે લગાડો એ ઘણું;

ગાંઠ રાખી, રાખો વડીલપણું!

આપણી ગાંઠ આપણી પાસે મૂકી દેવી. ગાંઠને (મૂડીને) આપીએ કરીએ નહીં. નહીં તો આપ્યા પછી 'આપ, આપ' કરીએ તો એ પાછા ના આપે. પછી આપણે કહીએ કે 'દસેક હજાર આપ જોઈએ, મને.' ત્યારે એ કહેશે, 'હં, મારે ભીડમાં અત્યારે ક્યાંથી આપું ?' ત્યારે આપીને હવે ડચકાં મારે છે ? અંધારી રાતે બળદીયા છોડીએ અને પછી 'આવ આવ' કરીએ તો આવે ? એ તો આપણી ગાંઠ આપણી પાસે મૂકી રાખવાની. અને એમને છોકરાને કહેવાનું કે 'તમે તમારું ચલાવી લો. મારું ચાલશે.' ગાંઠ મૂકી દેવાની.

પ્રશ્નકર્તા : તો એમાં આપણો સ્વાર્થ ન લાગે ?

દાદાશ્રી : વળી સ્વાર્થ ને પરમાર્થ ક્યાં જોવા ગયા તે ! આ સ્વાર્થ તો છે જ નહીં, નર્યો પરાર્થ છે. પારકાં હારું જીવી રહ્યા છે. પરાર્થ ! નથી પરમાર્થ, નથી સ્વાર્થ ! સ્વાર્થ તો કોનું નામ કહેવાય ? અમે 'જ્ઞાની પુરૂષ' સ્વાર્થી કહેવાઈએ. અને તમને બધાને સ્વાર્થી બનાવ્યા. તે આત્માર્થે જીવવું એનું નામ સ્વાર્થ ! 'સ્વ' કોણ ? 'આત્મા' ! આ તો 'ચંદુભાઈ'ને 'હું' કહે છે. અલ્યા, આ તો પરાર્થ ! સ્મશાનમાં એ ટાઈમે છોકરો નિરાંતે નાસ્તા-પાણી કરશે ! ને તમે જાણો કે છોકરાં આપણા હારું કંઈ કરશે, નહીં ?!

અરે, આપણે એને બે લાખ રૂપિયા આપ્યા. પછી આપણે કહીએ, 'એક દસેક હજાર કાલે જરા મારે પેલાને ત્યાં આપવાના છે, તે લાવ જોઈએ.' ત્યારે કહેશે, 'મારે ભીડમાં હાથ ઘાલશો નહીં. તમારે જોઈતા હોય તો સો-બસો લઈ જાવ.' આપણે સમજી જાવ કે જય સચ્ચિદાનંદ. આવતે અવતાર તો હવે ભૂલું નહીં. મેં ગાંઠ વાળી દીધી, કહીએ. મેં તો ગાંઠો વાળેલી છે આ, તે ગાંઠો મને યાદ છે આ બધી. ફરી ભૂલવાનું હોય ? એક ફેરો 'જય સચ્ચિદાનંદ' કહીને આપણે જાણીએ કે આ છેતરાયા એ છેતરાયા. બાકી હવે છેતરાઉં નહીં. તમને કેમ લાગે છે ? છોકરાં પર એ બહુ રાખવાનું નહીં. એને અડચણ આવી હોય તો પછી આપણી પાસે હોય તો આપવાનું. પણ છોકરાની મહીં અમથા વગર કામનાં ઘાલમેલ કરીએ, એનો અર્થ શો છે તે ?

ડોસો સવારમાં ત્યાં જઈને ઊભો રહે. વહુને કહેશે, 'કેમનો ધંધો બરાબર ચાલતો નથી. આ અત્યારે કંઈ કમાયા દેખાતા નથી.' ત્યારે વહુ કહેશે, 'એ સંડાસ ગયાં છે. હમણે આવે ત્યારે કહેજો.' હવે છોકરાને કહીએ ત્યારે એ ચીઢાયા કરતો હોય કે 'બાપુજી, તમારે ચા પીવી હોય તો પીઓ નિરાંતે. મને જંપીને બેસવા દો ને !' એટલે આપણે સમજી જઈએ કે હું બાપુજી છું કે આ બાપુજી ? આ સંસારમાં આટલો આટલો માર ખાધો તો હજુ આ જતું નથી ! ભયંકર માર ખાધાં છે ! કોનાં ? બચ્ચાનાં જ ! કંઈ પારકાં માર દેતા હશે ? બચ્ચાં જ માર માર કરે. છતાં એમના તરફથી બૂમ નહીં આવવી જોઈએ. એ ફરજો છે. ફરજ, ને ફરજિયાત છે પાછી. એ ય કંઈ એવું ગપ્પું નથી. લોકો શું સમજે કે મરજિયાત છે. સમજજો બધું આ કે નહીં સમજો ?

પ્રશ્નકર્તા : સમજાય છે.

દાદાશ્રી : ત્યારે સારું છે. સમજે ને તો ઊકેલ આવે. અનંત અવતાર ગયા છે બધા. તમને સમજાયું ને બધું ? ગાંઠ વાળી કે નહીં ? તે વાળજો ગાંઠ મોટી. અમે કેવા ગાંઠ વાળીને બેઠા છીએ.

તમને તો એટલી શ્રદ્ધાને કે મારા છોકરા જેવો કોઈ છોકરો નહીં ? પણ એ તો જ્યારે ચાખશો ત્યારે ખબર પડશે.

પચ્ચીસ વર્ષનો છોકરો, ને પચાસ વર્ષનો પિતા, તો બે અહંકારનું શું થાય ? ટકરાય પછી ? કે એકતાર થઈ જાય ?

પ્રશ્નકર્તા : ના. પણ આપણે અહંકાર રાખીએ નહીં તો ના ટકરાય ને.

દાદાશ્રી : એ ના રાખીએ તો ય નિયમ છે કુદરતનો કે એક દહાડો ટકરાયા સિવાય રહેશે નહીં. તે દહાડે વૈરાગ આવશે. તેનાં કરતાં પહેલેથી જ ચેતીને જ વૈરાગ આવે એ શું ખોટું ? આ તો તે દહાડે વૈરાગ આવે, કે હવે આ લોકોની જોડે ઊભું ના રહેવાય; ત્યારે પહેલેથી જ ચેતવું હતું ને. દાદાએ શીખવાડ્યું હતું ત્યાંથી ચેતવું હતું ને કે ભાઈ આપણી ફરજ કેટલી ?

મતભેદ થતાં પૂર્વે થવું જુદા;

ધાણીઓ ફૂટે ત્યાં ન રહે ખુદા!

હા, છોકરાં બધાંને છે, પુત્ર છે, પણ બધા વ્યવહારનાં છે. નિશ્ચયનો કોઈનો છોકરો હોતો હશે ખરો ? કેમ બોલતાં નથી ? નિશ્ચયનો છોકરો હોય તો ઠેઠ સુધી એનું કરવું. ટકરામણ થાય તો ય વાંધો નથી, પણ નિશ્ચયનો છે ? એટલે કાયમનો છે ને, આપણો જ છે ને ?!

પ્રશ્નકર્તા : પણ હોતો જ નથી ને એવો.

દાદાશ્રી : આ તો ઘડી પછી, યે ક્યા હો ગયા ?! એટલે સહુ સહુને કર્મના ઉદયે નીકળી જવાનું બધું.

આ તો કહેશે, એટલો બધો સંપ છે કે અમે જુદા થઈએ એવાં છીએ જ નહીં. મેં કહ્યું, કરાર લખી આપો મને. ને સહીઓ લઈ આવો બધાંની. આ તો સારી રીતે નાણું આવે જાય છે ને ત્યાં સુધી. નાણું ખૂટ્યું એટલે શું થાય ? આ કહેશે, 'તમે બગાડ્યું.' એટલે પેલો ભાઈ કહેશે, 'તે મારા હારું કરતો હતો ? આ બધા હારું જ કરતો હતો.' 'પણ તમે આ બધું બગાડ્યું, તમને અક્કલ નહીં ને !' આ સંપ(!) માટે ચેતીને ચાલીએ કે ઉંમર લાયક થાય કે તમારે જુદું થઈ જાવ. કારણકે સંપનો વળી નિયમ હોય, એની બાઉન્ડ્રી હોય, લિમિટ હોય. ને નહીં તો પછી ઝઘડાં કર્યા પછી જુદા થઈએ. પછી સામાસામી મોઢાં ના જુએ, એના કરતાં આપણે સમજીએ કે હવે ધાણીઓ ફૂટવા માંડી. તાવડો ઉતારી દો, હડહડાટ ! નહીં તો આ ફૂટી ફૂટીને ફૂટમ્ ફૂટા થઈ જશે ! એટલે તાવડો ઉતારી દેવાનો.

વ્યવહારમાં ય ચોખ્ખું રહ્યા સિવાય મોક્ષ પામે નહીં. વ્યવહાર ચોખ્ખો જોઈશે, આદર્શ જોઈશે. આ તો સત્યુગની આપણી આદત હતી કે બધાએ સંપમાં રહેવાનું. કારણ કે સત્યુગમાં કંઈ ભાંજગડ હતી જ નહીં. દાદો બેઠો હોય ને તે દાદો કહે એ પ્રમાણે બધાં કર્યા કરે. પણ અત્યારે તો આ ? આ જીવાત તે કાંઈ પાંસરી રહેતી હશે ? એના કરતાં સહુ સહુનું છૂટું. કારણ કે દરેકનો અહંકાર હોય ને, ટકરાયા વગર રહે નહીં. ટકરાય ત્યારે મજા આવે, નહીં ? ટકરાય ત્યારે તો તણખા ઝરે ! ચકમકને આમ મારોને ત્યારે તણખા ઝરે, એવા તણખા ઝરે, ટકરાય ત્યારે. એટલે બધું પ્રમાણસર સારું. આપણા આત્માનું કરી લેવું. આ શા હારું શિખવાડું છું ?

પ્રશ્નકર્તા : આત્માનું કરવા માટે.

દાદાશ્રી : હા. છોકરાનું બધું ય કરવું જોઈએ. પણ છોકરાં કહે કે ના, બાપુજી હવે બહુ થઈ ગયું. તો ય બાપો છોડે નહીં પાછો. તો શું થાય ? છોકરાં લાલ વાવટો ધરે તો આપણે ના સમજવું જોઈએ ? તમને કેમ લાગે છે ?

પછી એ કહેશે, મારે ધંધો કરવો છે. તો આપણે એને કંઈક ધંધાનો રસ્તો કરી આપવાનો. પછી વધારે ઊંડા ઉતરે એ બાપ મૂરખ. અગર તો એ નોકરીમાં લાગી ગયો એટલે પોતાની પાસે જે હોય એ ગાંઠે મૂકી દેવાય. કોઈ ફેરો અડચણમાં આવે તો બે હજાર મોકલવા પાછા. આ તો એને પૂછ પૂછ કરે પાછો. ત્યારે છોકરો કહેશે, 'તમને ના કહું છું ને, મારામાં ડખલ ના કરશો.' ત્યારે આ શું કહેશે, 'હજુ અક્કલ નથી ને એટલે આવું બોલે છે.' અલ્યા, આ તો નિવૃત થઈ ગયા, ભલું થયું ભાંગી જંજાળ. એ પોતે જ ના કહે છે ને. અરે, પાડોશીઓ ય એમ કહે કે ડોસો મહીં પેસ પેસ કરે છે. અને નોકરીએ ના લગાડતા હોય તો એ જ પાડોશીઓ કહેશે, 'વગર કામનો ડોસો સૂઈ રહે છે.' એવું કહે કે ના કહે ? એટલે આપણી પાસે જે હોય એ ગાંઠે મૂકી દેવા હડહડાટ, પાછું નિષ્ઠુર નહીં થવાનું. એ કહેશે, મારે રૂપિયા દશ હજારની બહુ અડચણ પડી છે. ત્યારે આપણે અઢી હજાર આપવા. નહીં તો દશ હજાર લીધાં પછી આપણી પાસે આવશે નહીં. અને દશ હજાર લીધા પછી ત્રણ હજાર પેલો ફાલતું વાપરી નાખે. તે બહુ માંગતો હોય તો અઢી હજાર જ આપીએ. એટલે આ પધ્ધતિસર જીવન જીવીએ ! આ વ્યવહાર બહુ સમજવા જેવો છે. બાકી ઘણાં ફાધર છોકરાની પાછળ ફર ફર કર્યા કરે. છોકરો ના કહે. 'અહીંથી જાવ

ને' કહે તો ય ખસતા નથી !

સામાને ન થાય બાધક તે વ્યવહાર;

જોડે ન જાય ચિતામાં, એવો આ સંસાર!

પ્રશ્નકર્તા : ખરો વ્યવહાર તો જ્ઞાની પાસેથી જાણવા મળે.

દાદાશ્રી : હા, વ્યવહાર એટલે શું ? સામાને બાધક ના થાય, સામાને આનંદ રહે, આપણને આનંદ રહે, એનું નામ વ્યવહાર; નિશ્ચય નહીં. છોકરા નિશ્ચયનાં હોત તો તો એ ગાળો દેત તો ય આપણે એની પાસે રહેત. એ મરી જાય એટલે આપણે મરી જવું જોઈએ. આ તો બાપા ગયા પછી રસ્તામાં જ ચા-પાણી કરે. આપણે ટીકા નથી કરતા. એ તો એ ય બાપ થવાનો છે. એમાં નવું નથી. પણ આપણે સમજી લેવું કે મારે હવે ક્યાં ઊભા રહેવું; દાદાનું જ્ઞાન મળ્યું છે તો. નહીં તો આ લોકોનું અફળ જાય છે બધું ને પરાર્થે વપરાય છે. એ નથી સ્વાર્થમાં. સ્વાર્થ એટલે આત્માનું કરો એ સ્વાર્થ. નથી પરમાર્થમાં. પરમાર્થ એટલે શું ? કે લોકોપકાર. આ તો પરાર્થે જાય છે. મારા નથી તેને મારા માનીને દૂધ પાઉં છું !! તે પરાર્થે ગયું ! પરાર્થ એટલે શું સમજ્યા ? આ લોકો જે સ્વાર્થ કરે છે એ પરમાર્થ નથી, સ્વાર્થે નથી, ને પરાર્થ છે.

પ્રશ્નકર્તા : સમજાવો.

દાદાશ્રી : પારકા માટે ગાય દોહવી અને કૂતરાને પાઈ દે. તારું શું આમાં ? ગાય દોહીને કૂતરાને પાઈ દીધું. લોકોનું નુકસાન કરી કરી અને આમથી તેમ આઘાપાછા કરીને પાંચ કરોડ ભેગા કરી, છોકરાને આપીને હેંડ્યા ત્યાં ઠાઠડીમાં હડહડાટ. તે ગાય દોહીને કૂતરાને પાયું. જવાબદારી પોતાની, છોકરાં મજા કરશે હવે. જવાબદારી એની બધી. આંટી-ઘૂંટી કરી, એ જવાબદારી. ત્યાં હિસાબ પૂછશે આનો !

પ્રશ્નકર્તા : અમે અહીંયા સત્સંગ-ભગવત્ ભજનમાં અમારો જીવ લગાડીએ અને અવારનવાર અહીંયા આવીએ તો ઘરનાં માણસો એમ સમજે કે આ બેન પોતાની ફરજ ચૂકી જાય છે. અને સ્ત્રીને પોતાને ય એમ લાગે છે હું વધારે જો ભગવાન પ્રત્યે પ્રીતિ રાખું અથવા આવી રીતે સત્સંગમાં જઉં છું તો બાળકો રખડી પડે ? તો શું કરવું જોઈએ ? ઘેર બેસીને ભજન કરવું જોઈએ ? કે આપની પાસે અહીંયા આવવું જોઈએ ? અને વધારે સમય બેસવું જોઈએ ?

દાદાશ્રી : આ મન, બુદ્ધિ, અહંકાર શું કરે છે તેને જુઓ. એટલે જે કરતાં હોય તે કરવા દેજો. અહીંયા આવતા હોય તે ય કરવા દેવું અને ઘેર પાછો જતા રહે તે ય કરવા દેવું. પોતાના છોકરાં માટે બેસી ના રહેશો કે આના માટે બેસી ના રહેશો !

પ્રશ્નકર્તા : સાચો રસ્તો કયો ? અમારે ત્યાં છોકરાઓ સાચવવા કે અમારું પોતાનું કલ્યાણ કરવા માટે સત્સંગમાં આવવું.

દાદાશ્રી : છોકરાં તો સચવાઈ રહ્યા છે. છોકરાંને તમે શું સાચવવાના ? તમારું કલ્યાણ કરવું એ જ મુખ્ય ધર્મ. બાકી આ છોકરાં તો સચવાઈ રહેલાં છે ને. છોકરાં ને કંઈ મોટા તમે કરો છો ? બગીચામાં ગુલાબના છોડ બધા રોપ્યા હોય તે રાતે ઊંચા થાય કે ના થાય ? એ તો આપણે સમજીએ કે ગુલાબ મારું, પણ ગુલાબ તો એમ જ સમજે ને કે હું પોતે જ છું. કોઈનો ય નથી. પોતે પોતાના સ્વાર્થથી બધા આગળ છે. અત્યારે તો આપણે અહંકાર કરીએ ગાંડો, ગાંડપણ કરીએ.

પ્રશ્નકર્તા : આપણે જો ગુલાબને પાણી ના રેડીએ તો ગુલાબ તો કરમાઈ જાય ?

દાદાશ્રી : ના રેડીએ એવું બને જ નહીં ને. ના રેડીએ તો બચકું ભરે છોકરો. નહીં તો ઢેખાળો મારે.

પ્રશ્નકર્તા : બીજો પ્રશ્ન છે કે સાંસારિક ફરજો અને ધર્મ કાર્ય વચ્ચે સમન્વય કેવી રીતે સાધવો ?

દાદાશ્રી : સાંસારિક ફરજો તો ફરજિયાત જ છે. મા-બાપે માનવું કે છોકરાંની આપણે ફરજો બજાવી એ છે તે ફરજિયાત છે. છોકરાએ એમ માનવું જોઈએ કે મારી ઉપર ઉપકાર કર્યો છે, એટલે એમના તરફ મારે ભાવ રાખવા જોઈએ, એવી માન્યતા હોવી જોઈએ. નહીં તો પછી પેલો મીકેનિકલ થઈ જાય. ફરજિયાત થયું એટલે, મા-બાપ પ્રત્યેની સેવાનો ભાવ ઊડી જાય ને.

હવે, સંસારની ફરજો બજાવતી વખતે ધર્મ કાર્ય વચ્ચે સમન્વય શી રીતે થાય ? ત્યારે કહે છે કે, છોકરો અવળું બોલતો હોય, તો ય આપણે આપણો ધર્મ ચૂક્યા વગર ફરજ બજાવવી. આપણો ધર્મ ચૂક્યા વગર. તમારો ધર્મ શું ? કે છોકરાને પાલન-પોષણ મોટો કરવો, એને સદ્રસ્તે ચઢાવવો. હવે એ અવળું બોલતો હોય તો તમે અવળું બોલો તો શું થાય ? એ બગડી જાય. એટલે તમારે પ્રેમથી એને ફરી સમજણ પાડવી કે બેસ ભઈ, આમ છે, તેમ છે. એટલે બધી ફરજોમાં ધર્મ હોવો જ જોઈએ. ધર્મ નહીં પેસવા દો તો એ વેક્યુમમાં અધર્મ પેસી જશે. ખાલી ઓરડી નહીં રહી શકે. અત્યારે આપણે અહીં ખાલી ઓરડીઓ રાખી હોય તો તાળાઓ ઊઘાડીને પેસી જાય કે ના પેસી જાય ?

પ્રશ્નકર્તા : રાઈટ (બરાબર).

દાદાશ્રી : તો ત્યાં આગળ ખાલી ના રખાય. ત્યાં ધર્મને ઘાલી જ રાખવાનો. નહીં તો અધર્મ પેસી જાય. એટલે દરેક ફરજો ધર્મ સહિત કરવી જોઈએ. મનમાં આવે એવી ફરજો નહીં, મનમાં આવે તેમાં પાછું ધર્મ નાખીને સરખી કરીને પછી બજાવવી જોઈએ. એ સમજાયું સમન્વય કરવાનું ?

પ્રશ્નકર્તા : એટલે આ ફરજ અને ધર્મ બે, એક જ બનાવીને વર્તવું એમ ?

દાદાશ્રી : ના. ફરજો એટલે ફરજિયાત છે. ધર્મ એટલે નેચરલ લૉ છે. બે પ્રકારના ધર્મ. એક આત્મધર્મ અને એક દેહાધ્યાસ રૂપી ધર્મ. જેમાં સુખી થવાય. એટલે અશુધ્ધ અને અશુભ એ અધર્મ છે અને શુભ એ ધર્મ છે. કોઈનું સારું કરવું, કોઈને સુખ આપવું, કોઈને હેલ્પ કરવી, કોઈને દાન આપવું, એ બધું ધર્મ કહેવાય છે. પણ એ દેહાધ્યાસ રૂપી ધર્મ કહેવાય, તે મુક્તિધર્મ નથી. મુક્તિધર્મ તો આત્મધર્મ, સ્વધર્મમાં આવે ત્યારે. તો એ ધર્મ, સ્વધર્મ પાળવા માટે કાલે હું તમને બોલાવું છું. તમે પેલા ધર્મ તો બહુ દહાડા કર્યા. અનંત અવતાર કર્યા. એનું ફળ આવ્યું શું ? પુણ્યૈ આવી. અને પુણ્યનું ફળ ભોગવતી વખતે પાપ બંધાયા. સમન્વય સમજાયું તમને થોડું ઘણું ?

પ્રશ્નકર્તા : હા જી.

દાદાશ્રી : ઘરમાં સ્ત્રીઓનો સાચો ધર્મ ક્યો ? કે આજુબાજુની બધી સ્ત્રીઓ, આજુબાજુના બધા પુરૂષો એમ કહે કે કહેવું પડે આ બઈ ! એવી ફરજો બજાવે કે આજુબાજુના લોકો ખુશ થઈ જાય. એટલે સ્ત્રીનો સાચો ધર્મ છે તે છોકરાંને મોટા કરવાં, છોકરાંને સંસ્કાર આપવા, ધણીમાં સંસ્કાર ઓછા હોય તો સંસ્કાર રેડવા. બધું સુધારવું આપણું, એનું નામ ધર્મ. ના સુધારવું પડે ?

ધણી-બાળકોની સેવા કરતી;

અણજાણે થાય પ્રભુની ભક્તિ!

કેટલાક તો શું કરે છે ? ભગવાનની ભક્તિમાં તન્મયાકાર રહે અને છોકરાં દેખે ને ચીઢ ચઢે. જેમાં ભગવાન પ્રગટ થયાં એવાં છોકરાં દેખે ને ચીઢ ચઢે અને ત્યાં પેલા ભગવાનની ભક્તિ કર્યા કરે એનું નામ ભગત ! આ છોકરાં ઉપર ચીઢાવાતું હશે ? આ આમાં તો ભગવાન પ્રગટ છે.

પ્રશ્નકર્તા : છોકરાંને તો જંજાળ સમજે ને !

દાદાશ્રી : જંજાળ ! આ આખા જગતની માઓ, ખરાબમાં ખરાબ કામ કરનારી હોય, પણ છોકરાંને ખવડાવે છે. માટે એમને આ જગતમાં ખાવા-પીવાનું બધું મળે છે. છોકરાને, પોતાનો છોકરો માનીને ખવડાવે છે, પણ મહીં ભગવાન તરીકે છે એટલે એનું ફળ મળે છે આ. છોકરાનાં નામથી પણ ભગવાનની પૂજા કરે છે ને, તને સમજાયું ? મોહથી ય ભગવાનની પૂજા કરે છે ને. આ જગતમાં જીવમાત્રને ખાવાનું મળે છે એનું કારણ શું ? તો કે' પોતાના છોકરાનું પોષણ કરે છે એટલે. આ જીવમાત્ર એના પોતાના છોકરાનું પોષણ કરે છે, એની મા ધવડાવે છે ને, એટલે જ આ લોકોને ખાવાનું મળે છે. કારણકે એ તો ભગવાન છે. એ રીતે ભગવાનની ભક્તિ થઈ રહી છે. અંદર તો ભગવાન જ બેઠેલા છે ને ? આ કૂતરીને ખાવાનું કેમ મળે છે ? એ બચ્ચાંની મહીં ભગવાન રહેલા છે. તે બચ્ચાંની સેવા કરે છે. તેનાથી બધું મળી રહે છે. આ આધારે જગત બધું ચાલી રહ્યું છે.

કૂતરી બચ્ચાં ધવડાવે છે એ ફરજિયાત છે, એ કંઈ ઉપકાર કરતી નથી. પાડુ બે દહાડા ભેંસને ધાવે નહીં તો ભેંસને બહુ દુઃખ થાય. આ તો પોતાની ગરજે ધવડાવે છે. બાપા છોકરાંને મોટાં કરે છે તે પોતાની ગરજે, એમાં નવું શું કર્યું ? એ તો ફરજિયાત છે.

જગત શું સમજે છે કે આ છોકરાને ધવડાવે છે એમાં છોકરાંને માટે ધવડાવે છે, પણ એ માઓને પૂછી જોજો કે છોકરા હારું ધવડાવે છે કે પોતાના હારું ધવડાવે છે ? ધાવણ આવતું હોય ને તે કૈડ લાગે. આ ડૉકટર સમજે. તે કૈડ મટાડવા હારું ધવડાવે છે, પણ વ્યવહારમાં આમ ના બોલાય. વ્યવહારમાં તો ઉપકાર માનવો જોઈએ.

કુદરત તો સહુને રાખે રાજાની જેમ!

અક્કરમી ચિંતા કરે રહેવા હેમખેમ.

અહીં જન્મ થતા પહેલાં, આપણે બહાર આવવાના થયા તે પહેલાં લોકો બધી જ તૈયારીઓ કરી રાખે છે ! ભગવાનની સવારી આવી રહી છે ! જન્મતા પહેલાં બાળકને ચિંતા કરવી પડે છે કે બહાર નીકળ્યા પછી મારા દૂધનું શું થશે ? એ તો દૂધની કૂંડીઓ બધું જ તૈયાર હોય છે ! ડૉકટરો, દાયણો ય તૈયાર હોય, અને દાયણ ના હોય તો છેવટે વાળંદાણી ય હોય છે. પણ કંઈકની કંઈક તૈયારી તો હોય જ, પછી જેવા 'ગેસ્ટ' હોય ! 'ફર્સ્ટ ક્લાસ'નાં હોય તેની તૈયારી જુદી, 'સેકન્ડ ક્લાસ'ની જુદી અને 'થર્ડ ક્લાસ'ની જુદી, બધા 'ક્લાસ' તો ખરા ને ? એટલે બધી જ તૈયારીઓ સાથે તમે આવ્યા છો, તો પછી હાય-અજંપો શાના હારું કરો છો ?

આપણા હાથમાં કરવાની સત્તા હોય તો એક બાજુ દાઢી ઊગે ને એક બાજુ ના ઊગે તો આપણે શું કરીએ ? આપણા હાથમાં કરવાનું હોત તો બધું ગોટાળિયું જ થાત. આ તો કુદરતના હાથમાં છે. એની ક્યાંય ભૂલ નથી હોતી, બધું જ પધ્ધતિસરનું હોય. જુઓ ચાવવાના દાંત જુદા, છોલવાના દાંત જુદા, ખાણિયા દાંત જુદા. જુઓ કેવી સરસ ગોઠવણી છે ! જન્મતાં જ આખું શરીર મળે છે. હાથ, પગ, નાક, કાન, આંખો બધું જ મળે છે, પણ મોઢામાં હાથ નાખો તો દાંત ના મળેલા હોય, ત્યારે કંઈ ભૂલ થઈ ગઈ હશે કુદરતની ? ના, કુદરત જાણે કે જન્મીને તરત એને દૂધ પીવાનું છે, બીજો ખોરાક પચે નહીં, માનું દૂધ પીવાનું છે તો દાંત આપીશું તો એ બચકું ભરી લેશે ! જુઓ કેવી સુંદર ગોઠવણી કરેલી છે ! જેમ જેમ જરૂર પડે તેમ તેમ દાંત આવે છે. પહેલાં ચાર આવે પછી ધીમે ધીમે બીજા આવે, અને આ ઘૈડિયાને દાંત પડી જાય તો પાછા ના આવે !

કુદરત બધી જ રીતે રક્ષણ કરે છે, રાજાની પેઠે રાખે છે. પણ અક્કરમીને રહેતાં નથી આવડતું, તે શું થાય ?

ફરજો બજાવતા ગતિ બંધ!

અંદરના ભાવ સાથે સંબંધ!

પ્રશ્નકર્તા : ધર્મ બે રીતે ઓળખે છે. એક તો રીલીજીયન અને બીજું ડ્યુટી. તો આપણે કઈ રીતે ચાલવાનું ?

દાદાશ્રી : ડ્યુટી બજાવવી એ ધર્મ નથી, ડ્યુટી ના બજાવવી એ ગુનો છે. ડ્યુટી તમે ના બજાવો તે ગુનો છે. ડ્યુટી ના બજાવો એવું તો બને જ નહીં ને ! ડ્યુટી બજાવવી તો પડે, પણ કચ કચ કરતાં બજાવો તો ગુનો છે. તમે કોઈ ફેરો એવું કચ કચ કરતાં બજાવો છો ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો બધી ડ્યુટી રાજીખુશીથી બજાવો છો ? છોકરો ફી માગે, ખર્ચો માગે, તે બધું રાજીખુશીથી આપો છો ?

પ્રશ્નકર્તા : આપું છું, પણ ખોટું હોય તો સમજાવું કે આ ખોટું છે.

દાદાશ્રી : ટૈડકાવવાનું નહીં.

પ્રશ્નકર્તા : ના. કોઈને ટૈડકાવવાનું નહીં.

દાદાશ્રી : એમ ? ત્યારે સારું. હા, નહીં તો બઈના ધણી થઈ બેસે. જાણે દુનિયામાં બીજો ધણી જ ના હોય ?! એવું ધણી થઈ બેસે ને પછી ટૈડકાવે !

આ વર્લ્ડ ઈમ્પ્રુવ કરવાની જરૂર નથી. આ તો પોતે જ ઈમ્પ્રુવ થાય ને, એટલે બધું ઑલ રાઈટ થઈ જશે ! એને ઈમ્પ્રુવ કરવામાં શું કરવું જોઈએ ? એને ધર્મની સમજ પાડવી પડે. હવે ધર્મ કહો કે ડ્યુટી બાઉન્ડ કહો કે ફરજો કહો, બધી એક જ વસ્તુ છે. બાકી આ લોકો જેને ધર્મ કહે છે એનું નામ ધર્મ જ ના કહેવાય. પણ આપણે છોકરાં જોડેની ફરજો, વાઈફ જોડેની ફરજો, એ પદ્ધતસર બજાવીએ, એટલે એમાં ધર્મ આવી જ ગયો. એટલે જે લોકો એ ફરજો બરાબર બજાવતા ના હોય તો આપણે એને સમજ પાડીએ, અને એ પછી આ પ્રમાણે બધાને એડજસ્ટ થાય. એટલે એને સુખ જ આવશે. બાકી ભગવાનમાં તો એકદમ બીલિફ બેસે એવું છે જ નહીં. ભગવાનને ઓળખ્યા વગર ભગવાનમાં શી રીતે બીલિફ બેસે ?! છોકરાં માટે કેટલાં જવાબદાર તમે, સમજાયું ને ?

અને કેટલાક સત્સંગીઓ કહેશે, છોકરાને માટે એના બાપ પૂરા જવાબદાર છે. પછી જ્યારે છોકરાને બે લાખ દેવું હોય ને તો આપવાની વખતે, મારે લેવાદેવા નથી, એ છોકરો મારો ન્હોય, હું એનો બાપે ય નહીં, કહેશે. અલ્યા મૂઆ, એ અત્યાર સુધી તું કહેતો'તો ? એટલે, સબ સબકી સમાલવા જેવું છે. આ શી હાય, હાય ? આપણે ફરજ બજાવી છૂટવી. તમે તમારી ફરજ બજાવી ચૂક્યા, ભણાવ્યા, એન્જીનીયર બનાવ્યા ? પછી હવે તમને શું વાંધો છે ? કેટલી ફરજ બજાવવી ?

પ્રશ્નકર્તા : પરણાવવાની ફરજ ખરી કે નહીં ?

દાદાશ્રી : ફરજ તો બધી ય, પૈણાવો ત્યારે ને. પૈણાવો નહીં ત્યાં સુધી ફરજ તો પૂરી ના થઈ કહેવાય ને ? બધી ફરજો છે ? અને આપણે દાદા થવાની ય આપણી ફરજ છે. શી ફરજ નથી આપણી ? પણ આ ફરજ મોટામાં મોટી કે એને આપણે પાલનપોષણ કરીને એને ભણાવી અને એને નોકરી-ધંધે લગાડવો. આપણી ફરજ આટલી છે. ને છોકરીઓ હોય તો તો આપણે એને પૈણાવવી જ જોઈએ. અને ના પૈણતી હોય તો એની બાજુનાં એવીડન્સ જોવા જોઈએ. એ વૈરાગ્યવાળી છે કે કેમ ? હવે વૈરાગીને પૈણાવીએ તો શું થાય ? આપણી દીકરી વૈરાગી, ચોગરદમ વૈરાગવાળી હોય, અને મોહ જ ના થતો હોય, આપણે મોહ ઊભો કરીએ તો ય ના થતો હોય અને પૈણાવીએ, તો પેલાને દુઃખી કરે ને પોતે દુઃખી થાય. એટલે આ બધું જોવું પડે. ખાસ કરીને છોકરીને તો ખાસ પૈણાવવી જોઈએ આપણે.

આખા જગતના લોકો બધું શું કામ કરે છે ? ડ્યુટી જ બજાવે છે, પણ કોઈક કચ કચ કરતો બજાવે તો એનો ગુનો લાગુ થાય, એને જાનવર ગતિમાં જવું પડે. રાજીખુશીથી ફરજો બજાવે તો ફરી મનુષ્યમાં આવે અને નમ્રતાથી ફરજો બજાવે તો દેવગતિમાં જાય. ડ્યુટી તો બધાં ય બજાવે છે. પણ કેવી રીતે એ બજાવે છે, એ સમજવાની જરૂર છે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19