ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19

મા-બાપછોકરાનોવ્યવહાર

(૧૮)

પતિની પસંદગી !

માંગ્યો મેં તો ધણી એક;

આવ્યું લંગર વળગ્યું છેક!

વર્લ્ડ પઝલ લાગે છે તને કંઈ ? કોઈ દહાડો પઝલ ઊભું થાય છે તારે ? શું નામ બેનનું ?

પ્રશ્નકર્તા : ચંદ્રિકા.

દાદાશ્રી : ચંદ્રિકાએ આ બગાડ્યું એમ કહે તો ? એ જાણતી ય ન હોય ને કો'કે કહ્યું કે, ચંદ્રિકાએ આ બગાડ્યું બધું.

પ્રશ્નકર્તા : મારા મનમાં એમ ખબર હોય કે, મેં બગાડ્યું નથી. પછી જેને જે બોલવું હોય તે બોલે. પછી મને એની શી ચિંતા ?

દાદાશ્રી : તને વાંધો નહિ, નહિ ? એટલી સહનશીલતા છે ! અપમાન કરે તો ય વાંધો નહિ તને ?

પ્રશ્નકર્તા : ના, એક મિનિટ થાય, પછી હું ભૂલી જાઉં છું.

દાદાશ્રી : એક મિનિટ થાય, તો પણ એક મિનિટ તો ઓછું કહેવાય ? એક મિનિટમાં તો મહીં સળગી જાય બધું ! કંઈ પણ ના થાય તો વાંધો નહિ. કંઈ પણ ના થાય એટલી તું ટેસ્ટેડ થઈ જઉં તો વાંધો નહિ. એ તો તું અન્ટેસ્ટેડ છે ને.

પરવશતા, નરી પરવશતા ! જ્યાં જુઓ ત્યાં પરવશ ! ફાધર કાયમ ઘેર રાખે નહિ. કહેશે, એનાં સાસરે જ શોભે અને સાસરામાં તો બધાં સાવ બેસી રહ્યાં હોય વઢતાં. તું ય કહું કે, 'માજી, તમારું મારે શું કરવું ? મારે તો ધણી જ એકલો જોઈતો'તો ? ત્યારે કહે, 'ના, ધણી-બણી એકલાનું ના ચાલે, આ તો લશ્કર આવશે જોડે. લાવ-લશ્કર સહિત.'

પ્રશ્નકર્તા : વાંધો નહિ. લશ્કર આવે તો ય એમાં શું છે ?

દાદાશ્રી : કશો ય વાંધો નહિ.

સમજીને પેસો, દુઃખના દરિયામાં;

તરાશે જો રાખે 'જ્ઞાન' હ્રદિયામાં!

પૈણવા માટે વાંધો નથી. પૈણવું પણ સમજીને પૈણો કે, 'આવું જ નીકળવાનું છે.' એમ સમજીને પછી પૈણો. પૈણવાનો તો છૂટકો નથી અને કો'કને છે તે એવું ભાવ કરીને આવેલી હોય કે 'મારે દિક્ષા લેવી છે કે મારે બ્રહ્મચર્ય લેવું છે.' તો વાત જુદી છે. બાકી પૈણવાનું તો છૂટકો જ નથી. પણ પહેલેથી નક્કી કરીને પૈણીએને એ માહ્યરામાં કે આવું થવાનું છે એટલે પછી ભાંજગડ નહિ, પછી આશ્ચર્ય ના લાગે. એટલે નક્કી કરીને પેસીએ અને સુખ જ માનીને પેસીએ, તો પછી નરી ઉપાધિ જ લાગે ! આ તો દુઃખનો સમુદ્ર છે. સાસુનાં ઘરમાં પેસવું એ તો કંઈ સહેલી વાત છે ! હવે ધણી કોઈ જગ્યાએ જ એકલો હોય કે એનાં મા-બાપ મરી ગયાં હોય !

પ્રશ્નકર્તા : એ ના ગમે, દાદા. મારે સાસુ હોય તો સારું ! મારાં છોકરાં રાખે.

દાદાશ્રી : ઓહોહો ! પછી બોલે ત્યારે કડવું લાગે ય ખરું, નહિ ?

પ્રશ્નકર્તા : ના, વાંક હોય તો કહે, એમાં શું ?

દાદાશ્રી : હા, સાસુ હોય તો કહે, નહિ ? તો વાંધો નહિ. રીઢું થઈ જાય તો વાંધો નહિ. રીઢું થઈ જાય ને પછી માટલું ભાંગે નહિ. રીઢું થઈ ગયું હોય ! કાયમનું સુખ જોઈએ. સુખ આવું કેમ પોષાય ? ઘડીમાં મોઢું બગડી જાય પાછું. ચા મોળી આવે તો ફાવે કે બરોબર પદ્ધતિસર ગળી હોય તો ?

પ્રશ્નકર્તા : બરોબર હોય તે જ ફાવે ને ! મોળી કેમ ફાવે !

દાદાશ્રી : એક એ ચા જેવી ચીજ આટલી બધી હેરાન કરે છે. કેટલી ચીજોની પાછળ તારે રહેવાનું, તને હેરાનગતિ કોણ નહિ કરે આમાંથી ! મને તો કોઈ ચીજ હેરાન નહિ કરતી. ગળી આવે કે મોળી આવે, તારે જે આવવું હોય તે આવ. હું છું ગળ્યો ને ! બહુ ગળી આવે તો હું કહું કે હું મોળો છું ને ! કશો વાંધો નહિ. આવ, કહીએ. કંઈક સાધન તારી પાસે કોઈ જાતનું નથી ? આ પતંગ ઊડાડું છું, આ પતંગ ઊડે છે તેનો દોરો તારા હાથમાં છે ને, કે એની મેળે છૂટો દોર ને તું ત્યારે કહે, 'મારી પતંગ, મારી પતંગ' એવું છે ? દોરો તારા હાથમાં છે? ત્યારે ગુલાંટ કેમ ખાય છે ? હાથમાં દોરો હોય તો ગુલાંટ ખાય કે તેં ખેચ્યું, પાછું રેગ્યુલર આવી જાય ! હાથમાં દોરો નહિ ને કહેશે 'મારી પતંગ ! મારી પતંગ !' ન હોય તારી ? તારાં પપ્પાજીનો દોરો હાથમાં, તે હવે ગુલાંટ ખાય ને તરત ખેંચી લે, આવી જાય નહિ ?

તું પપ્પાને કહેતી'તી ને સ્કૂલો તમે બદલ બદલ કરો છો ! અહીં જાવ છો, આમ જાવ છો, તેમ જાવ, પાછાં દાદા ખોળી કાઢ્યા ! તું એકુ ય સ્કૂલમાં ગઈ નથી ? તો ભણી શી રીતે ?

પ્રશ્નકર્તા : એટલે સ્કૂલમાંથી કોલેજમાં જતી'તી ને !

દાદાશ્રી : હા, પણ આ નવી સ્કૂલોમાં ગઈ નથી, નહિ ? જ્યાં પરવશતા જાય, ભય ના લાગે, ઉપરી ના હોય ! એવી બધી સ્કૂલોમાં ?

ફાઈટ કરે એ અસભ્ય હિંસક;

એનો નહિ અંત કોણ આપે મચક?

દાદાશ્રી : ડુ યુ વોન્ટ ટુ બી ઇન્ડિપેન્ડન્ટ ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો પછી મેરેજ લાઈફ ના હોય. મેરેજ લાઈફ એ ડિપેન્ડન્ટ. કો'ક દહાડો પેલો પીને આવે તો તે ઘડીએ એ ટૈડકાવે. હા, એ કો'ક દહાડો મળી ગયું અને કો'કે પઈ દીધું એને, શું કરું તે ઘડીએ ?

પ્રશ્નકર્તા : ખબર નહીં.

દાદાશ્રી : ઇન્ડિપેન્ડન્ટ પછી પાછળ પરમેનન્ટ હેપિનેસ હોય. આ તો ડિપેન્ડન્ટપણું, ધણી ટૈડકાવે ત્યારે શું કરું ?

પ્રશ્નકર્તા : એ મારી સામે ફાઈટ કરે તો હું એની જોડે સામે ફાઈટ કરું.

દાદાશ્રી : ઓહોહો ! પછી એ ફાઈટમાં પછી આગળ વધતું વધતું ક્યાં સુધી જાય ? એનું એન્ડ શેમાં આવે, એનો એન્ડ કેવી રીતે આવે ? કોણ જીતે, કોણ હારે ?

પ્રશ્નકર્તા : કોઈ ના જીતે.

દાદાશ્રી : અને રાતે ઊંઘ સારી આવે નહીં તે દહાડે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : આને લાઈફ જ કેમ કહેવાય ? ફાઈટ કરવું એ સિવિલાઈઝ્ડ કે અન્સિવિલાઈઝ્ડ છે ?

પ્રશ્નકર્તા : એ બધા અન્સિવિલાઈઝડ છે.

દાદાશ્રી : સિવિલાઈઝ્ડ એ લઢે નહી. એ રાતે બન્ને સૂઈ જાય, વઢવઢ નહીં. જે અન્સિવિલાઈઝ્ડ લાગે છે ને મનુષ્યો, તે આ ઝઘડા કરે, કકળાટ થાય બધું !

પાર્ટી ને ડાન્સ બગાડે સ્વ સંસ્કાર;

એમાં કોઈ ચોર કરે દિલ બેકરાર!

દાદાશ્રી : મા-બાપ જોડે તારે હવે વિરોધ છે ?

પ્રશ્નકર્તા : ના, એટલુ બધું નહિ. કો'ક વાર થાય, સમટાઈમ્સ.

દાદાશ્રી : શી બાબતમાં થાય. વિરોધ હોય તો વાંધો નહીં. મને કહે ને કે શી બાબતમાં થાય.

પ્રશ્નકર્તા : પાર્ટીમાં જવાનું હવે ઓછું થઈ ગયું છે. પાર્ટીમાં જઈએ, ડાન્સ કરીએ, તેની તમે ના પાડી, એ પછી ઓછું થઈ ગયું છે.

દાદાશ્રી : હા, એ તો બેન, તારી સંસ્કારીતા બગાડે. એમાં શું ફાયદો ? એ તો આપણે ઊંધુ માની લીધું છે. આપણા લોકો કો'કને જોઈ ને કરે. કોઈ સાવ નેકેડ થઈને દોડતી હોય, એ જોઈ ચાર-પાંચ દોડવા માંડે એટલે આપણે ય દોડવું એની જોડે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : એ બધા જાતજાતના લોકો હોય. આપણે મા-બાપને પૂછવું કે 'અમારે શું કરવું ? આપણા સંસ્કાર કેવા છે ?' એમ પૂછી જોવું ! સમજ પડીને ? દરેકનાં સંસ્કાર જુદા. સંસ્કાર એટલે શું ? એનું સિવિલાઈઝપણું છે અને એ સિવિલાઈઝપણાને લીધે આ જ્ઞાન મળે ને બધું મળે.

અને આપણે જ્યાં ડાન્સ કરવા જતા હોય ને, એમનું સિવિલાઈઝપણું કેવું હોય છે ? એ તો મેરીને પૈણી લાવ્યો હોય ને તે એક દહાડો મતભેદ થાય તો શું થાય એને ?

પ્રશ્નકર્તા : છૂટા થાય.

દાદાશ્રી : તરત, વાર નહિ. પેલી મેરી કહેશે, 'યુ, યુ' ત્યારે પેલો કહે, 'યુ, યુ' અને આપણું તો એડજસ્ટ થઈ જાય પાછું સવારમાં.

એટલે હવે પેલા ગાંડા જોડે આપણે ફરીએ તો પછી ગાંડા થઈ જઈએ. હા, એવું કરવું હોય, ડાન્સીંગ કરવું હોય તો આપણી છોકરીઓ હોય ને, આપણી પોતાની, ઊંચી નાતની, ત્યાં કરવું. પેલા લોકો જોડે નહિ. એ ચેપ પેસી જાય, આપણને ચેપ અડે તો બધો રોગ ઊભો થાય.

એવું છે ને જે ડાન્સીંગ કરવા જાવ છો, તેમાં અમેરીકનના છોકરાઓ હોય, નહીં ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : ત્યારે ?

પ્રશ્નકર્તા : બધા ઈન્ડિયન્સ હોય અને બધા ઓળખીતાઓનાં છોકરાઓ બધા એકબીજાને ઓળખતા હોય.

દાદાશ્રી : હા, પણ ઓળખીતા જોડે ડાન્સ કરવામાં વાંધો નથી, પણ કોઈ છોકરો આપણા દીલને ચોંટી ના જવો જોઈએ. એ ચોંટી જાય તો પછી આપણે આખી રાત ચિંતા કરવી પડે અને પેલી કેટલા દહાડા સુધી ચિંતા. એવું દિલ ચોરી કરે એવાં છોકરા ના હોય તો જજો. આખું આપણું દિલ જ ચોરી જાય, મૂઆ. એમાં વાંધો નથી, તમારે ચોકસાઈ હોય તો ! નહીં તો તમને આખી રાત પછી હેરાન કરે. આખી જીંદગી ખલાસ કરી નાખશે. ચિત્ત ફ્રેકચર થઈ જાય, એટલે માણસ ફ્રેકચર થઈ જાય. મારી વાત સમજાય એવી છે ? એટલે જોખમ છે, જો એ ચિત્ત ચોરી ના જતો હોય આપણું, તો વાંધો નથી.

આ મારી જોડે તું બેસી રહું ને આખો દહાડો ય, કોઈ ના હોય ને એકલી બેસી રહું તો હું તારું ચિત્ત ચોરું નહીં. એટલે તારે વાંધો જ નહીંને ! એવું ચિત્ત ચોરી ના જતા હોય તો વાંધો નહી. તું સમજું ને? ચિત્ત ચોરાઈ જાય તો પછી મુશ્કેલીમાં મૂકાય માણસ !

પાર્ટી ને ડાન્સ મા-બાપને ન ગમે;

મા-બાપની આજ્ઞામાં જ રહેજો તમે!

પ્રશ્નકર્તા : દાદા, અમારો પ્રશ્ન એ છે કે અમારે જીવનમાં કઈ વસ્તુઓને પ્રાયોરિટિ (પ્રાધાન્ય) આપવી ? હવે પહેલી પ્રાયોરિટિ તો બધા એગ્રી (સહમત) થયા કે અત્યારે એમને ભણવાનું છે એટલે ફર્સ્ટ એમને ભણવામાં ધ્યાન આપવાનું. પછી એ સિવાય બીજી નંબરનાં, એ લોકો કહે છે કે, હવે અમે બીજું શું કરીએ, અમને અમારા પોતાની જે કંઈક ઇચ્છા હોય, કંઈક 'હોબી' (શોખ) હોય, કોઈને 'ડાન્સ' ગમે, કોઈને રમત-ગમત ગમે, તો હવે એમાં કંઈ કરીએ, તો અમારા મા-બાપને એવું લાગે કે અમે આ બધું વધારે પડતું કરીએ છીએ અને અમને એવું લાગે છે કે એમાં અમે આમાંનું કશું જ વધારે પડતું નથી કરતાં. અહીંના 'અમેરિકન્સ' કરે છે, એ હિસાબે અમે જોઈએ તો કંઈ કશું વધારે કરતાં નથી. પણ અમુક થોડું તો અમને પોતાને ગમે એમ, દર શનિવારે ડાન્સ કરવા ના જઈએ, પણ મહિનામાં એકવાર કે બે મહિને એકવાર જઈએ અમે. તો હવે અમને પ્રશ્ન થાય છે કે અમારે શું કરવું ? જેથી કરીને મા-બાપને પણ દુઃખ ન થાય અને અમને પણ દુઃખ ના થાય અને ઘરમાં એકબીજાને મતભેદ ના થાય. અમને કોઈને દુઃખી કરવાનું ગમતું નથી કે મા-બાપની આજ્ઞા પાળવી નથી, એવું ય નથી. પણ અમને પોતાને જે ખૂંચે છે આ, તેના માટે શું કરવું ? કે જેથી કરીને બધાનું સચવાઈ જાય.

દાદાશ્રી : એ શેમાં મા-બાપને ખૂંચે છે, કપડાં પહેરો છો તેમાં ખૂંચે છે ?!

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો ન્હાવા-ધોવામાં ખૂંચે છે ?

પ્રશ્નકર્તા : ના, એવું નહીં.

દાદાશ્રી : તો ખાવામાં ખૂંચે છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : શેમાં ખૂંચે છે પણ ? બ્રશ કરવામાં ?

પ્રશ્નકર્તા : અમે બધાં એક સ્કૂલમાં નથી ભણતાં, બધાં જુદી જુદી સ્કૂલમાં ભણીએ છીએ. તો કંઈ પાર્ટી હોય, એમાં અમે બધા જઈએ અને ત્યાં ભેગા થઈએ, અને પાર્ટીમાં અમે 'ડાન્સ' કરીએ. તો એ એમને ખૂંચે છે. રાત્રે મોડા આવે તે ખૂંચે છે. બીજો કોઈ 'પ્રોબ્લેમ' નથી.

દાદાશ્રી : બ્રશ કરતી વખતે વઢતાં નથી ને ?!

પ્રશ્નકર્તા : ના, એવું બધું નહીં.

દાદાશ્રી : તો બીજામાં વઢે એમ ?!

પ્રશ્નકર્તા : બીજે નથી વઢતાં પણ આટલી વાત આવે, ત્યારે એ લોકો એકદમ બૂમ પાડે.

દાદાશ્રી : તો એટલું બંધ કરી દઈએ આપણે.

પ્રશ્નકર્તા : પણ બંધ નથી કરવું અમારે.

દાદાશ્રી : તો પછી બીજી જગ્યાએ લઢવાનું શરૂ કરી દો ! આ એક અહીં લઢવાનું બંધ રાખો.

પ્રશ્નકર્તા : ના સમજાયું અમને ?

દાદાશ્રી : તમે જે કરો છો, એમાં લઢવાનું બંધ રાખે, એટલે તને આનંદ થાય, પણ બીજી જગ્યાએ લઢવાનું રાખે.

પ્રશ્નકર્તા : અમે આ વધારે પડતું કરીએ છીએ ? એવું કહેવા માંગો છો આપ ?

દાદાશ્રી : ના, વધારે પડતું નહીં. પણ જે મા-બાપને ગમતું ના હોય એ કરાય જ નહીં.

પ્રશ્નકર્તા : પણ મા-બાપને કોઈ દિવસ એ ગમતું નથી. એકવાર પણ કોઈ દિવસ ગમતું નથી. આ વાત માટે.

દાદાશ્રી : કેમ કરીને ગમે પણ ?!

પ્રશ્નકર્તા : પણ કેમ ? એનું કારણ શું છે એ સમજાવો ?

દાદાશ્રી : ના, પણ આ બીજી બધી બાબતમાં તમને છૂટ આપે તેનો દુરુપયોગ કરો છો ?!

પ્રશ્નકર્તા : કોલેજમાં અમે જઈએ, ત્યારે અમને બહુ ભણવાનું હોય અને અત્યારે અમારે 'એન્જોય' (આનંદ) કરવું છે, અમારી સ્કૂલ લાઈફમાં.

દાદાશ્રી : શું ?

પ્રશ્નકર્તા : ભણવાનું ખરું, પણ થોડું અમને એન્જોય કરવું છે, મજા કરવી છે એમ.

દાદાશ્રી : કપડાં કાઢી નાખીને મજા કરો છો કે કપડાં પહેરીને ?

પ્રશ્નકર્તા : ના. કપડાં પહેરીને.

દાદાશ્રી : તો પછી એનો વિવેક હોય ને માણસને ? આપણાં લોકોને ક્યાં મજા હોય, આપણે 'ઇન્ડિયનો' છીએ. આપણે 'ઇન્ડિયન આફટર ઓલ' ! આપણને મજા ક્યાં હોવી જોઈએ !

પ્રશ્નકર્તા : અમે અમેરિકન છોકરાઓ જોડેની પાર્ટીમાં હવે નથી જતાં. કારણ કે અમે એ પાર્ટીમાં જઈએ તો લોકો બધું પીવાનું ને બધું હોય, ખાવાનું હોય, એટલે અમે એ લોકોની પાર્ટીમાં નથી જતાં, પણ 'ઇન્ડિયન' જે છોકરાઓ હોય એ લોકો પાર્ટી કરે તે એમાં જઈએ છીએ.

દાદાશ્રી : હં.

પ્રશ્નકર્તા : અને બધાને, એકબીજાના મમ્મી-પપ્પા બધાને ઓળખે છે.

દાદાશ્રી : પણ આમાં શું ફાયદો મળે ?

પ્રશ્નકર્તા : એન્જોયમેન્ટ-મજા આવે !

દાદાશ્રી : એન્જોયમેન્ટ !! એન્જોય તો ખાવામાં, બહુ એન્જોયમેન્ટ હોય. પણ એ ખાવામાં શું કરવું જોઈએ, એને કંટ્રોલ કરવો જોઈએ કે ભઈ, આટલું જ મળશે તને. પછી એ ધીમે ધીમે એન્જોય કરતો કરતો ખાય. આ તો છૂટ આપે છે ને એટલે એન્જોય કરતાં નથી. કોઈ બીજી જગ્યાએ 'એન્જોય' ખોળે છે, એટલે ખાવાનો પહેલા કન્ટ્રોલ કરવો જોઈએ કે આટલું જ મળશે હવે, વધારે નહીં મળે.

પ્રશ્નકર્તા : અમારે એ લોકોને આવી 'પાર્ટીઓ'માં જવા દેવા ? આવી પાર્ટીઓમાં વરસમાં કેટલી વાર જવા દેવા અમારે ?

દાદાશ્રી : કોને ?

પ્રશ્નકર્તા : છોકરાંઓને, છોકરીઓને ?

દાદાશ્રી : એવું છે ને, છોકરીઓએ એમના મા-બાપના કહેવા પ્રમાણે ચાલવું જોઈએ, આપણા અનુભવીઓની શોધખોળ છે કે છોકરીઓએ હંમેશાં એમના મા-બાપના કહેવા પ્રમાણે ચાલવું જોઈએ. પૈણ્યા પછી ધણીના કહેવા પ્રમાણે ચાલવું જોઈએ. પણ પોતાની મરજીથી ના કરવું જોઈએ. આવું આપણા અનુભવીઓની કહેવત છે.

પ્રશ્નકર્તા : છોકરાઓને આવું કરવાનું ?! છોકરા હોય, એ લોકોએ મા-બાપના કહ્યા પ્રમાણે કરવાનું કે નહીં ?!

દાદાશ્રી : છોકરાઓને ય મા-બાપના કહ્યા પ્રમાણે ચાલવાનું પણ છોકરાને, તો ઢીલ, જરા ધીમું રાખો તો ચાલે ! કારણ કે છોકરાને રાત્રે બાર વાગે કહ્યું હોય, તો એકલો જાય તો વાંધો નહીં ! તને તો રાત્રે બાર વાગે કહ્યું હોય તો એકલી જઉં તું ?!

પ્રશ્નકર્તા : ના જઉં, બીક લાગે.

દાદાશ્રી : અને છોકરો હોય તો વાંધો નહી કારણ કે છોકરાને છૂટ વધારે હોવી જોઈએ. અને બેનોને છૂટ ઓછી હોવી જોઈએ. કારણ કે તમે બાર વાગે જઈ શકો નહીં.

એટલે આ તમારા ભવિષ્યના સુખને માટે કહે છે, ફ્યુચરના સુખને માટે એ, આ તમને ના કહે છે. અત્યારે તમે આ ભાંજગડમાં પડશોને તો ફ્યુચર બગાડી નાખશો. તમને ફયુચરમાં સુખ ઊડી જશે. એટલે 'ફયુચર' (ભવિષ્ય)ને નહીં બગાડવા માટે એ કહે છે તમને કે 'બીવેર, બીવેર, બીવેર.'

મા-બાપ ગુસ્સાથી સમજાવે;

ઘવાય અહં, કરે મન ફાવે!

પ્રશ્નકર્તા : એ મારા મા-બાપ છે. એ લોકોએ મને બહુ સારી રીતે સમજાવવું જોઈએ, કહે છે. પણ એ લોકો ગુસ્સે થઈ જાય છે. એવી રીતે કહે એટલે મને એ નથી બરાબર લાગતું.

દાદાશ્રી : 'ધેટ ઈઝ રાઈટ, ધેટ ઇઝ રાઈટ !' સમજાવીને કામ લે. સમજાવીને કામ લેતાં નથી આવડતું એટલે જ મારે લખવું પડ્યું છે કે 'અન્સર્ટીફાઈડ ફાધર એન્ડ અન્સર્ટીફાઈડ મધર.' એમ જોને પુસ્તકમાં લખવું પડ્યું છે. કારણ કે એ સમજાવી શકતાં નથી અને પછી બૂમો પાડે છે.

પ્રશ્નકર્તા : છોકરાંઓને કેટલી વાર સમજાવવાનું ?

દાદાશ્રી : સમજાવી શકવાનું એટલે સમજાવેલું ક્યારે કહેવાય કે એની સમજમાં બેસવું જોઈએ.

પ્રશ્નકર્તા : સમજમાં ના બેસે તો ગુસ્સો કરાય ખરો ?

દાદાશ્રી : ના. એ આપણી ભૂલ છે. તે આપણે ફરી ફરી સુધારી સુધારીને પછી સમજાવવું. સમજમાં બેસવું જોઈએ ને એમને. તેમ છતાં ય ના બેસે તો જાણવું કે આપણી ભૂલ છે આ.

પ્રશ્નકર્તા : સમજમાં ના બેસે તો શું કરવું ?

દાદાશ્રી : આપણે જો સમજાવીએ અને એને સમજમાં બેસે તો તો એ એક્સેપ્ટ કરે જ હંમેશાં. અને છતાં ય એક્સેપ્ટ ના કરે એવું બને તો આપણે જાણીએ કે આમાં કંઈ ભલીવાર આવે એવું નથી. એટલે બીજી જગ્યાએ કંટ્રોલ કરી નાખવું જોઈએ.

પ્રશ્નકર્તા : બીજી કઈ જગ્યાએ કંટ્રોલ કરવો જોઈએ ?

દાદાશ્રી : બધી જગ્યાએ, કપડાં-બપડાં, ખાવા-પીવામાં બધામાં. નહીં તો પછી ઇન્ડિયામાં મોકલી દેવાનાં, દાદીને ત્યાં.

પ્રશ્નકર્તા : ઇન્ડિયા તો સારું. એ તો અમને બહુ ગમે છે.

દાદાશ્રી : તો બહુ સારું, તો વાંધો નહીં. કોઈ વાંધો નહીં.

પ્રશ્નકર્તા : પણ ત્યાં તો પેલા દાદાને દાદી હોયને, પેલા 'ગ્રાન્ડ પેરેન્ટ્સ' હોયને, એ અમને બહુ લાડ લડાવે એટલે પછી બહુ ગમે અમને.

દાદાશ્રી : પણ ભલે લાડ લડાવેને ! ત્યાં જઈ અને લગ્ન કરીને પછી પાછી આવજે. પછી તને બધી છૂટ આપવામાં આવશે. આ લગ્ન કરતાં સુધી જ છે આ.

એ તો તું કુવામાં પડી ના જઉં એટલા માટે ચેતવ ચેતવ કરે છે અને પછી તું રડીશ અને એમને મુશ્કેલીમાં મૂકીશ. એવું એટલા હારું ચેતવે છે. પછી તમને ય મુશ્કેલીમાં મૂકેને.

પ્રશ્નકર્તા : હા. વળી.

દાદાશ્રી : અરે, એમને આવી અડચણ કોઈ દહાડો આવેલી નહીં ને ? પછી આ અડચણ આવી છે એટલે એ અટકાવે છે, તેથી તમારા કંઈ દુશ્મન નથી એ.

પ્રશ્નકર્તા : દાદા, મેં છોકરાંઓને એમ કીધું કે, જ્યાં સુધી તમારી કોમનસેન્સ ફૂલ્લી ડેવલપ ના થાય ત્યાં સુધી તમારે અમારા કાબૂમાં જ રહેવાનું.

દાદાશ્રી : હા. બસ. બરાબર છે.

પ્રશ્નકર્તા : તો હજી એ મગજમાં ઊતરતું નથી એ બધી વાત.

દાદાશ્રી : એ તો એવું છે ને, કે એને એટલા માટે તારે સમજવાનું, કે શું શું ના પાડે છે, શા કારણથી ? મને પૂછવું કે શા કારણથી ના પાડે છે. તો હું તને ખુલાસો કરી આપીશ. એમાં શું ફાયદો હોય છે કશું ? આ તો મનની માન્યતા છે. એક માણસને તો બગીચામાં જાય છે ત્યાં જ એને ગમે છે. અને એક માણસ કહે છે, બગીચામાં શું જવાનું છે ? એક માણસને ક્રીકેટ વગર આખું સૂઝ જ નથી પડતી અને એક માણસને 'અલ્યા, મૂઆ, ક્રિકેટમાં શું રમવાનું છે' એમ કહે ?! માન્યતાઓ છે, રોંગ બીલીફો છે.

પ્રશ્નકર્તા : અહીં બધા અમેરિકામાં જન્મેલા આપણા ઇન્ડિયનના છોકરાની એવી માન્યતા છે કે, અમે બધું જાણીએ છીએ.

દાદાશ્રી : કારણ કે, બાપને કાનપટ્ટી પકડાવતાં આવડતી નથી. આ હું કાનપટ્ટી પકડાવું છું. એની મેળે સીધો થાય છે. આપણે કાનપટ્ટી પકડાવીએ ને, તો પછી સીધા થાય. બાપને આવડતી નથી. અગર આવડે છે તો છે તે એનું ચિત્ત એમાં ને એમાં, પૈસા કમાવા ને ડૉલરમાં અને ધંધામાં છે, અગર તો સર્વીસમાં તો સર્વીસમાં છે. આવું ના હોવું જોઈએ. 'ઓલરાઉન્ડ' જોઈએ અને તમે જ્ઞાન લીધેલું એટલે તમે ઓલરાઉન્ડ થવાના જ ને ! 'દાદા' છે ને, તમારે વાંધો શું છે ?!

પ્રશ્નકર્તા : તો થોડા પેરેન્ટ્સને, દાદા ટ્રેઈન કરી આપો !

દાદાશ્રી : બધુ ચેન્જ (ફેરફાર) થઈ જ જવાનું. નહીં તો મુશ્કેલી હતી જ. નહીં તો આમાં બાપ જબરજસ્ત મુશ્કેલીમાં મુકાત અને આ બેનો પણ બહુ મુશ્કેલીમાં મુકાત ! ફાધર મિત્રના જેવી સલાહ આપે છે કે દુશ્મનનાં જેવી ?

પ્રશ્નકર્તા : ના. ફ્રેન્ડલી રીતે એ સમજાવે છે પણ કો'ક વાર હું સાંભળું નહીં. એટલે ગુસ્સે થઈ જાય. મા-બાપ કહે અમને, તો અમને અંદરથી એમ લાગે કે આ હન્ડ્રેડ પરસેન્ટ સાચું કહે છે. પણ અમારો અહંકાર, તે વખતે એવો ઘવાય કે તે ના એક્સેપ્ટ કરે.

દાદાશ્રી : મને પૂછીને કરજે. જે કરવું હોય તે કરજે. હું કરવાની છૂટ આપીશ. પણ મને પૂછીને કરજે. ફાધર-મધરને ના પૂછે તો મને પૂછજે. મને વાંધો નહિ. હું તને વઢીશ નહિ. કોઈપણ રીતે વઢીશ નહિ. સમજ પડીને ? વગર કામનાં ફસાયા પછી કોણ કાઢે ?!

પ્રશ્નકર્તા : દાદા કાઢે.

દાદાશ્રી : હા. પણ અવળી જગ્યાએ ફસાઈ ગયા હોય ને તો મારે મુશ્કેલીમાં મૂકાઈ જવું પડે અને તેનાં કરતાં ના ફસાઉં તો બહુ સારું. મારે એટલી ઓછી ઉપાધિને ! બને ત્યાં સુધી ઉપાધિ ઓછી રાખવી. તમે ફસાઈ ગયા હો તો હું તમને છોડાવું. બધું કરી આપું હું !

છોડીઓએ રહેવું મા-બાપના કહ્યામાં;

એ જ પ્રેમ સમજી, મજા છે સહ્યામાં!

પ્રશ્નકર્તા : આપણા હિન્દુ ફેમીલીમાં કહે છે, 'છોકરી પારકે ઘરે જતી રહેવાની છે અને છોકરો કમાઈને ખવડાવાનો છે કે આપણો સહારો થવાનો છે.' એવી અપેક્ષાઓ છે એ દ્રષ્ટિ રાખી અને છોકરીને માટે છે તો પ્રેમ ના રાખે એ બરાબર કહેવાય ?

દાદાશ્રી : પ્રેમ ના રાખે એ બોલનારી જ ખોટી છે. આ વાંધો જ ખોટો છે. એ જ અણસમજણ છે ને ! પ્રેમ ના રાખે એવાં કોઈ મા-બાપ જ ના હોય. આ એને સમજણ જ નથી એટલે શું થાય તે ! આવું પ્રેમ ના રાખે કહે તો મા-બાપને કેટલું દુઃખ લાગે કે નાનપણથી ઉછેરી શું કરવાં, તને પ્રેમ ન્હોતો રાખવાનો તો !?

પ્રશ્નકર્તા : તો પછી મને આવું ફીંલીંગ કેમ થયું કે મને મા-બાપ પ્રેમ નથી કરતા ? મને આવી દ્રષ્ટિ ક્યાંથી આવી ?

દાદાશ્રી : નહીં, સહુ આવા બધા પ્રશ્નો ઊભા કરે, શું થાય તે ! નાની હોય તો એડીએ દાબી દે, પણ મોટી થઈ એટલે શું કરવાનું ?

હવે અમે જોઈ શકીએ એને આ અક્કલ મળી છે ને, બુદ્ધિ બહારની મળી છે ને તે ઊંધી બુદ્ધિ છે. એટલે એ ય દુઃખી થાય ને બીજાને દુઃખી કરે.

પ્રશ્નકર્તા : ભરેલો માલ ? માલ એવો ભરીને લાવેલા ?

દાદાશ્રી : કચરો આ, અહીંના સંસ્કાર બધા. અમેરિકન સંસ્કાર બધા. આ આમને તો શું કરે, જે મીઠું બોલે, સારું બોલે, એ એમને ગમે.

પ્રશ્નકર્તા : ના, ના, એવું સાચું નથી. મને એવું અંદરથી ફીલીંગ નથી એવું.

દાદાશ્રી : ત્યારે કડવું ગમે છે તને ?

પ્રશ્નકર્તા : હું કડવું પી શકું છું અને પીશ, જો મારી ભૂલ દેખાય તો, કેમ નહીં ?

દાદાશ્રી : બળ્યું, તારી ભૂલ તને દેખાતી હશે કંઈ ?

પ્રશ્નકર્તા : હા, મને દેખાય છે, ઘણીવાર દેખાય છે.

દાદાશ્રી : એ તો અમે મળ્યા પછી દેખાય છે, પહેલાં તો દેખાય કંઈ ?!

પ્રશ્નકર્તા : તેનાં પહેલાં પણ એટલે તમારી ચોપડી વાંચી હતી ને બધું ફીટ થયું.

દાદાશ્રી : ત્યારે તારી ભૂલ દેખાતી હોય તો બાપની ભૂલ નીકળે નહીં ને ?!

આપણે ત્યાં તો છોકરીઓને કહેવાનું જ ના હોય ને ઇન્ડિયામાં તો ! આ છોકરીઓ યુઝલેસ બધી થઈ ગઈ. માથે પડેલીઓ, શું થાય તે !

પ્રશ્નકર્તા : હું છ વર્ષની હતીને મારા મધર હતા ને, એ મરી ગયેલા. તો મારા ભઈનો એટલો બધો ધાક, આપે બધું ફર્સ્ટ કલાસ, છૂટથી પૈસા આપે. ભણવા જઉં, ફર્સ્ટ કલાસનો ટ્રેનનો પાસ, સોળ વર્ષની ઉંમરે. પણ કોઈ દહાડો કોઈ છોકરા સાથે જો બોલ્યા, તો આમ આંખો થઈ જાય એટલા કડક.

દાદાશ્રી : આમ એ હોયને, બહુ કડક. આ તો કડક ના રહ્યા તેની આ ઉપાધિ બિચારાની. એટલી કડકાઈ હતી ત્યારે જ તમે ડાહ્યા રહ્યા ને !

પ્રશ્નકર્તા : પ્રેમ અને કડકાઈ. પ્રેમ પણ એટલો ભાઈનો.

દાદાશ્રી : જોઈએ પણ કડકાઈ. હંમેશા સ્ત્રી જાતિ ઉપર કડકાઈ હોય. સ્ત્રીને તો બહાર જ ન્હોતા નીકળવા દેતા.

વહેલા પરણવામાં સેફસાઈડ;

ફસાય ને કરે પછી સ્યુસાઈડ!

પ્રશ્નકર્તા : દીકરીઓને કેવી રીતે સલાહ આપવાની ? શું શિખામણ આપવાની ?

દાદાશ્રી : લગ્ન કર. લગ્ન અવશ્ય કરવાં જ જોઈએ. એને જો બ્રહ્મચર્ય પળાતું હોય તો જ લગ્ન નહીં કરવું એવું બોલવું જોઈએ, નહીં તો લગ્ન કરવું જ જોઈએ. લગ્ન નહીં કરેલા તે આજ પસ્તાયેલી છોકરી એ. પછી મોટી ઉંમરે આપઘાત કરવા પડે. માટે લગ્ન કરવું જોઈએ. કોઈ જગ્યાએ લગ્ન થાય તો સારી રીતે ડિસેન્ટ રહેવું જોઈએ, એવી બધી આપણે શિખામણ એને આપવી જોઈએ.

પ્રશ્નકર્તા : ક્યારે લગ્ન કરવા જોઈએ ? કેટલી ઉંમરે લગ્ન કરવું જોઈએ છોકરીઓને ?

દાદાશ્રી : પચ્ચીસની અંદર લગ્ન કરી લેવું જોઈએ !

પ્રશ્નકર્તા : અને વહેલામાં વહેલી ક્યારે પૈણાવી જોઈએ ?

દાદાશ્રી : વહેલામાં વહેલી તો, ખરો રિવાજ તો કેવો હોય જ્યારે કુદરતી એને મન્થલી કોર્સ શરૂઆત થાય ત્યારે લગ્ન કરવું જોઈએ. તે ય છે તે લોકોએ રૂઢિમાં લીધું ત્યારે નાની ઉંમરમાં મરી જવા માંડ્યા મૂઆ ! એટલે ભલે થોડું બગડે પણ મોટી ઉંમરમાં પૈણો, કહે છે. જીવે વધારે ને ! પેલું તેર વર્ષનો પૈણેલો, પંદર વર્ષે બાપો થઈને ઊભો રહે. એ કેટલા વર્ષ જીવે પછી ! એટલે કહ્યું, થોડું બગડે, નુકસાન થશે તો પણ મોટી ઉમરમાં પૈણો. પછી સારું શરીરનું બંધારણ થાય ને !

પ્રશ્નકર્તા : હા. આજકાલ છોડીઓ ય વહેલું વિવાહ કરવા તૈયાર ના થાય ને !

દાદાશ્રી : છોડીઓ તૈયાર ના થાય. એટલે ઉંમર તો, બને ત્યાં સુધી લગ્ન વહેલું થાય તો સારું. આ ભણવાનું પતી જવા આવ્યું હોય, ભણવાનું પતી જાય અને આ લગ્ન પૂરું થઈ જાય એવી રીતે બની જાય તો સારું, બેઉ સાથે થઈ જાય. અગર લગ્ન થાય પછી વરસ દહાડા પછી ભણવાનું પુરું થતું હોય તો ય વાંધો નહીં. પણ લગ્નથી બંધાઈ જઈએ ને તો 'લાઈફ' સારી જાય, નહીં તો 'લાઈફ' પાછલી બહુ દુઃખી થાય છે.

છોકરો હશે જન્મી ચૂકેલો;

ટાઈમનો સંજોગ બાકી રહેલો!

વહેલી તકે ધણી સારો મળજો. એવી ઇચ્છા ખરી તારે ?

પ્રશ્નકર્તા : વહેલી તકે નથી જોઈતું.

દાદાશ્રી : પણ 'સારો મળજો' એવું તો તું કહેને ! અને આ જગત તો એવું છે કે કોઈ બેન કહેશે, 'હે ભગવાન, ખરાબ હશે તો પણ ચાલશે.' તો ય પણ જે એને લમણે લખેલું છે તે જ આવે. કારણ કે લમણે લખેલી ચીજ મળે છે આ.

છોકરાનો જન્મ તો થઈ ગયો. કંઈ નવો જન્મવાનો નથી. થઈ ગયો, પણ જડતો નથી અને છે એ જડવાનો છે. પણ જડતો નથી એનું કારણ ટાઈમીંગ છે. ટાઈમનો મેળ પડ્યો નથી. પેલા એ નક્કી કર્યું હોય ૨૮ વર્ષ વગર મારે પૈણવું જ નથી, આણે નક્કી કર્યું, કહે ય કે મારે ૨૫ વર્ષ સુધી પૈણવું નથી. એ બધો ટાઈમ એમના કહ્યા પ્રમાણે ભેગો થાય ને પછી પૈણે.

પેટ્રોલ ને અગ્નિ ન રખાય કદિ સાથે;

સળગે અચૂક, જોખમ ન રાખ માથે!

પ્રશ્નકર્તા : આપણે ઘણીવાર કહીએ છીએ કે ફાઈલનો સમભાવે નિકાલ કરવો છે. પણ સિન્સિયરલી નથી રહેવાતું. પણ ફ્રેન્ડસ સાથે બહુ મોહ ન રાખવો, બહુ મોહ રાખવાની ના પાડી છે. છતાં મોહ થઈ જાય છે.

દાદાશ્રી : ફ્રેન્ડસર્કલમાં કોણ કોણ છે ?

પ્રશ્નકર્તા : બધા પંદર-વીસ-પચ્ચીસ જણા છે એ લોકો.

દાદાશ્રી : એમ ! બધી ગર્લ છે ને !

પ્રશ્નકર્તા : ના બન્ને છે, ગર્લ્સ ને બોઈઝ.

દાદાશ્રી : બોઈઝ કેટલા છે ફ્રેન્ડમાં ?

પ્રશ્નકર્તા : લગભગ આઠ છોકરા હોય તો દસ છોકરીઓ હોય, એવી રીતે.

દાદાશ્રી : ફ્રેન્ડશીપ રાખવાનો વાંધો નથી, પણ બિલકુલ કરેક્ટનેસમાં રહેવું જોઈએ. પેટ્રોલ પડ્યું હોયને દિવાસળી સળગાવી તે ચેતીને રાખવું, નહીં તો સળગી ઉઠે. એટલું સ્ત્રી-પુરુષને ભેગા રહેવાથી થાય છે અસર, ઇફેક્ટીવ છે.

તે ફ્રેન્ડ ઉપર મોહ એટલે સખીની વાત કરું છું કે સખો ?

પ્રશ્નકર્તા : નહીં, બન્ને રીતે.

દાદાશ્રી : સખો હઉં ! મૂંછવાળો હઉં !

પ્રશ્નકર્તા : હા. બન્ને.

દાદાશ્રી : બરાબર છે. તો એની જોડે આપણે સમભાવે રહેવાનું, તે ઘડીએ તારી જાગૃતિ રહેવી જોઈએ. તે ઘડીએ ભાન ના ભૂલી જવું જોઈએ. બનતાં સુધી જેને બ્રહ્મચર્ય પાળવાનું છે, જેને મોક્ષ જોઈએ છે, તે સ્ત્રીઓએ પુરૂષોનો પરિચય ઓછામાં ઓછો કરવો, ના છૂટકે જ. જેને મોક્ષે જવું છે, એણે એટલી કાળજી લેવી જોઈએ. એવું તને લાગે છે કે નહીં લાગતું ? તને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : લેવી જોઈએ.

દાદાશ્રી : કે મોક્ષે જવું નથી હમણે ! ચાલે એવું છે !

પ્રશ્નકર્તા : ના, મોક્ષે જવું છે.

દાદાશ્રી : તો પછી આમાં શું કરવાનું, આ નર્યો એંઠવાડ !

સ્ત્રીઓની સાથે ફરો-હરો, ખાવો-પીવો. નિરાંતે મજા કરો.

પ્રશ્નકર્તા : પણ તો ય એવી સ્ત્રીઓ સાથે બી વધારે મોહ થઈ જાય છે. આપણને કોઈ બહુ ગમે એવી રીતે આમ, છોકરી પણ બેનપણી હોય એમની સાથે આપણે ભેગા થઈએ, તો એટેચમેન્ટ થઈ જાય છે.

દાદાશ્રી : નહીં, એ એટેચમેન્ટનો વાંધો નથી. એ તો હું તમને આશીર્વાદ આપીશ તો જતું રહે બધું. વાંધો પેલો છે. આ એટેચમેન્ટ ગણાય નહીં, એટેચમેન્ટ પેલાને કહેવાય. એટેચમેન્ટ-ડીટેચમેન્ટ ત્યાં આગળ બધું સીધા રહેવું. આનો વાંધો નહીં.

પ્રશ્નકર્તા : આ દસ વર્ષ પછી કરે શું, અહીં તો લાઈફ જુદી છે. એટલે સેક્સ તો ફ્રી હોય છે અહીંયા.

દાદાશ્રી : હા, ફ્રી હોય છે. આ ટેટો ક્યારે ફૂટી જશે એ હું જાણું ને ! ચોગરદમ દેવતા સળગતો હોય તો ટેટો એમ ને એમ પડી રહેતો હશે કે ફૂટી જાય ?

પ્રશ્નકર્તા : દાદા, એક બેન પૂછે છે કે આપણે છોકરાઓ જોડે ફ્રેન્ડલી રીલેશન હોય, છતાં મા-બાપને શંકા કેમ પડતી હોય છે ?

દાદાશ્રી : ના, ફ્રેન્ડલી રીલેશન રખાય જ નહીં. છોકરાઓ જોડે ફ્રેન્ડલી રીલેશન એ ગુનો છે.

પ્રશ્નકર્તા : એમાં શું ગુનો છે ?

દાદાશ્રી : પેટ્રોલ અને દિવાસળી. દેવતા બે સાથે મૂકાય નહીં ને ! એ બન્ને ય લાગ ખોળતા હોય. આ મારા લાગમાં ક્યારે આવે અને પેલો એ જાણે કે આ મારા લાગમાં ક્યારે આવે ?! શિકાર કરવાનું ખોળતા હોય, શિકારી કહેવાય બન્ને ય !

પ્રશ્નકર્તા : છોકરા અને છોકરીઓએ દોસ્તી તમે કીધુંને કે નહીં કરવી જોઈએ.

દાદાશ્રી : બિલકુલ નહીં કરવી જોઈએ.

પ્રશ્નકર્તા : બિલકુલ નહીં કરવી જોઈએ, તે એ લોકોને સંતોષ નહીં થયો.

દાદાશ્રી : એ ફ્રેન્ડશીપ છેવટે પોઈઝનરૂપ થશે, છેવટે પોઈઝન જ થાય. છોકરીને મરવાનો વખત આવે. છોકરાનું કશું જાય નહીં. એટલે છોકરા જોડે તો ઊભું જ ના રહેવું જોઈએ. છોકરાની ફ્રેન્ડશીપ કોઈ કરશો નહિ, નહીં તો એ પોઈઝન છે. લાખ રૂપિયા આપે તો ય ફ્રેન્ડશીપ ન કરવી. પછી છેવટે ઝેર ખાઈને મરવું પડે છે. કેટલી ય છોકરીઓ ઝેર ખાઈને મરી જાય છે.

લગ્ન પહેલાં પૈણવાના વિચાર;

આવતાં જ પ્રતિક્રમણથી ઊડાડ!

લગ્ન કરવા પહેલા ખરાબ વિચાર તો નહીં આવે ને તને, બેન !

પ્રશ્નકર્તા : શેનાં બેડ થોટસ્ ?

દાદાશ્રી : કોઈને પૈણવાનાં વિચાર એવા-તેવા આવશે નહીં ?!

પ્રશ્નકર્તા : ના, એ તો ખાલી ફ્રેન્ડસ જ.

દાદાશ્રી : એમ ! લગ્ન પહેલાં વિચાર આવે, તો હું તને બતાડી દઈશ તે પ્રમાણે પ્રતિક્રમણ કરવાનું. એટલે એને ધોઈ નાખો. વિચાર આવે એટલે બગડ્યું, એટલે એને ધોઈ નાખો. વિચાર તો આવે.

કોઈ ઝૂરે તેથી આપણે પીઘળાય?

પ્રતિક્રમણ કરી બીજે પૈણી જવાય!

પ્રશ્નકર્તા : કોઈ પુરુષને આપણા ઉપર ભાવ હોય અને આપણે એને રીસ્પોન્સ ન આપી શકીએ, તો ત્યાં આગળ શું કરવું ?

દાદાશ્રી : ભાવ એવો ના હોવો જોઈએ. ભાવ ફાધર જેવો, બ્રધર જેવો, એવો ભાવ હોવો જોઈએ. એટેચમેન્ટવાળો ભાવ ના હોવો જોઈએ.

પ્રશ્નકર્તા : તો એટેચમેન્ટવાળો ભાવ હોય ત્યાં શું કરવું ?

દાદાશ્રી : ત્યાંથી દૂર ખસી જવું જોઈએ !

પ્રશ્નકર્તા : તો આપણે એને દુઃખ આપ્યું ના કહેવાય.

દાદાશ્રી : ના. તો તો આપણે ખલાસ થઈ જઈએ. આપણે આપણી જવાબદારી સમજવી જોઈએ ને ! એવું ના થાય બેન, સમજ પડી ને ? એટલે એના કરતાં આપણે સારો છોકરો ખોળી કાઢીને પૈણી જવું સારું. એક જગ્યાએ ખીલે બંધાઈ ગયા એટલે પછી હરકત નહીં. પછી લાઈફ સારી જાય. ખીલે તો બંધાવું પડે ને ! નહીં બંધાવું પડે, બેન ! એક ધણી નક્કી કરી નાખીએ આપણે, પછી બીજા લોક આપણા તરફ જુએ જ નહીં ને, એ જાણે કે આ તો થઈ ગયું. આ તો ધણી ના કર્યા હોય ત્યાં સુધી બધા જુએ સામસામી.

એટલે આપણે ઉંમરલાયક થઈએ, એટલે આપણે કહી દેવું ઘરમાં ફાધર-મધરને કે મારું છે તે જોઈન્ટ કરી નાખો. અને સારા માણસ જોડે, ફરી તૂટી ના જાય એવું જોઈન્ટ કરી નાખો. મારું હવે લગ્ન માટે ખોળી કાઢો. દાદા ભગવાને મને કહ્યું છે કે તમે કહેજો. એવું કહીએ, શરમમાં ના રહીએ ત્યારે એ જાણે કે બચ્ચાની ખુશી છે, હવે ચાલો પૈણાવી દઈએ. પછી બે વર્ષ પછી પૈણી જવાનું સામસામી પાસ કરીને જોઈન્ટ કરી નાખવું. ખીલે બંધાઈ ગયા પછી કોઈ જુએ નહીં આપણને. કહેશે એનું તો નક્કી થઈ ગયું !

આ તો નહીં સારું. લોક તો દગા-ફટકાવાળા હોય. કોઈની જોડે મિત્રાચારી બેનપણીઓની કરીએ, બીજા લોકોની પુરુષની મિત્રાચારી ના કરવી. દગો કરીને બધા ચાલ્યા જાય. બધા કોઈ સગાં ના થાય. બધા દગાખોર, એકે ય સાચો ના હોય. વિશ્વાસ ના કરશો.

ખીલે બંધાઈ જવું સારું. આમ આમ ફર ફર કરીએ એમાં ના ભલીવાર આવે. તારા ફાધર-મધર ખીલે બંધાયા છે. તો છે કશી ભાંજગડ ! એવું તારે પણ ખીલે બંધાઈ જવું, ને ના ગમે, ખીલે બંધાવાનું તને ગમે નહીં ? છૂટું રહેવાનું ગમે ? ના સમજ પડી ?

પ્રશ્નકર્તા : સમજ પડી.

છોડીઓને છોકરાં લાગે બબૂચક;

નથી પૈણવું કરી, આપે ન મચક!

પ્રશ્નકર્તા : આજકાલની બધી છોકરીઓ તમને બધું કહી જાયને !

દાદાશ્રી : હા, છોકરીઓ કહી જાય છે ને તે આમ જતી હોય તો પેલું આટલે સુધી પહેરે છે.

પ્રશ્નકર્તા : મિનિ સ્કર્ટ.

દાદાશ્રી : હા તે છોકરીઓને બોલો હવે, મારી પાસે છોકરીઓ કોઈ શરમાય નહીં. દાદાની પાસે શું કરવા શરમાય ?!

એટલે હું છોકરીઓને પૂછું છું બિચારીઓને, એ ૧૫-૧૬ વર્ષની. એ કપડાં એવાં પહેરે કે પગની પીંડીઓ દેખાય અને હું તો 'જ્ઞાની પુરુષ'. હું તો ૧૦ વર્ષની છોકરી જોડે વાતચીત કરું, ૧૨ વર્ષની, ૧૮ વર્ષની, ૨૦ વર્ષની છોકરી જોડે ય વાત કરું. ઘૈડી ડોશી જોડે ય વાતચીત હું કરું. મને છૂટ બધી. છોકરાઓ જોડે ય વાત કરવાની છૂટ મને. કારણ કે અમે જાતિમાં ના હોઈએ. સ્ત્રી, પુરુષ કે નાન્યતર કોઈ પણ જાતિમાં અમે ના હોઈએ. એટલે અમને છૂટ હોય બધી. હું કહું કે અહીંયા આવો બેન, કેમ આટલી મોટી ઉંમરની થઈને પૈણતી નથી ? હવે આ ખેંચા (પગની પીંડીઓ) તો જોયા હોયને એ છોકરીઓના, તો જાણે વૉરિયર્સ હોય એવા લાગે અને જાણે છોકરાઓના ખેંચા જોઈએ તો બકરીઓ ચાલી જાય એવું લાગે. એટલે હું તપાસ રાખું આવું.

છોકરીઓને કહું કે કેમ પૈણતી નથી ? ત્યારે કહે કે 'શું દાદા તમે આવું કહો છો, અમને પૈણવાનું કહો છો !' મેં કહ્યું, 'પૈણ્યા વગર નહીં ચાલે આ જગત. કાં તો બ્રહ્મચર્ય પાળવું છે.' એવું ડિસાઈડ કરો અને તે ચોક્કસ ખાતરીપૂર્વક કરવું જોઈએ કાં તો પૈણી નાખો. પણ એમ બેમાંથી એકમાં આવી જાવ. ત્યારે કહે છે, 'શું પૈણો કહો છે !' મેં કહ્યું, 'કેમ વાંધો શું આવે છે ? કોઈ સારા છોકરાં...' ત્યારે કહે 'છોકરા ક્યાં સારા... બબૂચક મૂઆ છે ! આ બબૂચકો જોડે શું પૈણવાનું ?' એટલે હું ચમક્યો. મેં કહ્યું, આ છોકરીઓ કેવી ? એટલે અત્યારથી એનો પાવર આટલો છે, તો પછી એને જીવવા શી રીતે દે બિચારાંને ! તેથી આ છોકરાં ઘણાં કહે, શાદી નથી કરવી. અને એ છોકરાંઓને પગની પીંડીઓ એવી નથી હોતી, કંતાઈ ગયેલી હોય છે. શું કહે છે ? બબૂચકને શું પૈણું? મેં કહ્યું, 'ના બોલીશ. તારા મનમાંથી એ બબૂચક છે એ કાઢી નાખ. કારણ કે પૈણ્યા વગર છૂટકો નથી.' ચાલે નહીં. મનમાં બબૂચક ઘૂસી ગયું ને તે પછી કાયમ વઢવાડો થાય. એ બબૂચક લાગ્યા કરે એને ?

પૈણ્યા વગર છૂટકો નથી. બબૂચક બોલીશને તો તારા મનમાં વહેમ પેસી જશે. માટે બબૂચક ના બોલીશ. એ જેવા છે તેવા છે. આ જ માલ છે. તારે કંઈ સ્ત્રી જોડે પૈણાય નહીં. એ જેવા હોય એવાં પણ આમાંથી પસંદ કરવો પડશે. હવે આજની છોકરીઓ બબૂચક બોલે છે ત્યાંથી ના સમજીએ કે આ છોકરીઓ કઈ જાતની બનેલી ઠનેલી થઈ ! બબૂચકને પૈણવાનું, તે છોકરાને કે બીજા કોઈને પૈણવાનું છે ? કંઈ ડોસાને પૈણવાની છે ? અને ડોસો પૈણે ય ખરો ? ડોસાની દશા બેસી જાય. આ ક્યાં વળગાડ ? ત્યારે કંઈ, આને પૈણાવાય ? એ બ્રહ્મચારી છે ! બ્રહ્મચર્યવ્રત લીધું છે ! મન-વચન-કાયાથી વિચાર પણ ના કરે સ્ત્રીનો. તું લઈશ નહીં-બ્રહ્મચર્ય કંઈ બધાથી લેવાય ઓછું ? એ લેવાની ચીજ છે કંઈ ? એ તો કો'કને ઉદય આવ્યું હોય તો વાત જુદી છે.

બબૂચક ના કહેવાય એવું ! જ્યારે ત્યારે પૈણવું પડશે, એ બબૂચક કહે તે ખોટું દેખાય. એટલે બિચારા ભલા છોકરાઓ છે આજના. તે કશું વઢે એવા નથી એટલા સારાં છે. પહેલા બાબાને તો કહ્યું હોય તો મારી મારીને તેલ કાઢી નાખે. આજ તો ભલા છે છોકરાઓ, બિચારા સુંવાળા છે.

પ્રશ્નકર્તા : હવે કેમ આવાં થઈ ગયા છોકરાઓ ?

દાદાશ્રી : છોકરાઓ એ જાણે શું છે તે આ જનરેશન જ બધી વીક જનરેશન છે અને આ સ્ત્રીઓ તો જાણે વોલીન્ટીયર્સ ચાલ્યા આમ !

હવે જો આ છોકરીઓ આવું બોલે તો આપણે કેટલી શરમ ભરેલી લાગે. પુરુષો માટે બધું ખોટું કહેવાય ને ! એને પાસ કર્યા પછી જે થાય એ ખરું, આપણો હિસાબ ચૂકતે કરી લેવાનો. એ ગાળો ભાંડે તો શાંતિપૂર્વક ભઈ હિસાબ ચૂકતે થાય છે. લખી લેવું ચોપડામાં, આજ ગાળો ભાંડવાનો હિસાબ ચૂકતે થઈ ગયો. અને બેનને ય ગાળો ભાંડે, એટલે બેને ય સમજી લેવું પડે કે આ હિસાબ ચૂકતે થઈ ગયો. બધા હિસાબ ચૂકતે કરી નાખો. બાકી જિંદગી તો કાઢવી જ પડશે ને, સારી રીતે ? અગર માનો કે તમે એમ.ડી. (ડૉકટર) થયા પણ પેલો મસાલો રાશી મળ્યો ત્યારે શું થાય ?

મને આવો ખાનગીમાં અભિપ્રાય મળે, તમને શી રીતે મળે ?

પ્રશ્નકર્તા : બીજા અભિપ્રાય નહીં ને, આવા જ અભિપ્રાય મળ્યા.

દાદાશ્રી : શું થાય તે ?

પ્રશ્નકર્તા : તમે છોકરાઓને અને છોકરીઓને કશું કહેતા નથી ?

દાદાશ્રી : છોકરાને પૂછું જ નહીં, એમાં ભલીવાર જ નહીં, છોકરામાં તો.

પ્રશ્નકર્તા : આટલો બધો સ્ત્રીઓનો પક્ષ ક્યાંથી થઈ ગયો ?

દાદાશ્રી : ના, પક્ષ નથી. છોકરાને તો ભલીવાર નથી. છોકરીઓનો ભલીવાર કેમ આવે એવું કરવું. કારણ કે નહીં તો એ આ બબૂચકોને મારી નાખશે. એ લોકોને તૈયાર કરું છું. આ તો પૈણતા પહેલાં તો બબૂચક કહે છે, તો પછી શું દશા થાય ?

હવે હું જોઉં છું ને રસ્તામાં બાબાને ઊંચકી ઊંચકીને ફરવું પડે છે, પેલા ભઈને અને પેલી તો થોડીવારે ય ઝાલતી નથી.

પ્રશ્નકર્તા : દાદા, ગાડી ધકેલાવે છે, બાબાની.

દાદાશ્રી : એમ ? છોકરા ને છોકરીઓની વાતમાં સમાજમાં શું હોય છે ? અઢાર વર્ષની છોકરી ને અઢાર વર્ષનો છોકરો. અઢાર વર્ષની છોકરીને અઠ્યાવીસ વર્ષનો એને અનુભવ હોય. દશ વર્ષ આગળ અનુભવ હોય એનો, અને આ છોકરામાં કશો અનુભવ હોતો નથી. એટલે એવું જ થાયને પછી. માટે છોકરો મોટો ખોળી કાઢવો જોઈએ, નહીં તો પેલો અનુભવ કાચો પડી જાય. સરખે સરખું જોડું બેસાડી દો તો આઠ-દસ વર્ષનું જ્ઞાન, અનુભવ એનામાં વધે છે. એવું તમને ખબર ખરી ! એ સારા ઘરમાં મેં જોયેલું. એ સારા ઘરનો અનુભવ હોય છે.

સ્ત્રીનો મોહ પૈણવાનાં, જણવાનો;

છૂટકો નથી લાવ્યા કરીને ભાવો!

દાદાશ્રી : તને ધણીયાણી થવું ગમે ? કે મા થવું ગમે ?

પ્રશ્નકર્તા : મમ્મી થવું ગમે.

દાદાશ્રી : અને ધણીયાણી થવું ગમે કે ધણી થવું ગમે ?

પ્રશ્નકર્તા : વાઈફ.

દાદાશ્રી : એમ ?! આબરૂ જાય તો ય નહીં વાંધો આવે, નહીં ?

પ્રશ્નકર્તા : દાદા કહે છે ને, કેવો મોહ ? છોકરા જણવાનો તે કંઈ મોહ કરવા જેવો છે ?

દાદાશ્રી : એ તો પછી જણવા જ પડે ને !

પ્રશ્નકર્તા : પણ દાદા, એ તો હવે જાણ્યા પછી એમ થાય કે આ અવતાર સ્ત્રીનો તો જોઈએ જ નહિ, એમ.

દાદાશ્રી : એ ના જોઈતું હોય, તે આ જાણ્યા પછી. નહિ તો તને ય વારેઘડીએ આ ગમતું'તું. 'બહુ સારું' તું જાણી ગઈ ને કે આ તો પોલ છે સાલું. જોખમદારી છે આ તો, એવું સમજી ગઈ ને !

એક છોકરાને મેં કહ્યું, 'તને એક લાખ રૂપિયા આપે તો તું સાડી પહેરું ?' 'ના, હું પહેરું નહીં.' એક છોકરીને મેં કહ્યું, 'તારે જોઈએ તે આપે તો તું પુરુષ થવા તૈયાર છું ?' ત્યારે કહે, 'ના, અમે જેમ છીએ તે જ મુબારક છે.' અરે, આટલી કીંમત છે એમની ? આટલી બધી વેલ્યુ છે તે હું જાણું જ નહીં. જુઓને કહે છે ને મને 'છોકરી છું' તે જ ગમે છે.

ખીચડી કરવી હોયને, તો સાણસી-બાણસી બધું ય જોઈએ. એ કંઈ દાળ-ચોખા એકલાથી થાય નહીં. માટે ધણી તો પહેલો જોઈએ.

પ્રશ્નકર્તા : હવે જોઈએ જ એવું ખરું, આ દુનિયાની અંદર ?

દાદાશ્રી : એવું કંઈ નહીં. પણ એણે ભાવ એવા કર્યા છે કે એને જરૂર પડશે.

'હસબંડે' ય કર્યા વગર ચાલે તેમ નથી. જેટલી સંડાસની જરૂર છે એટલી 'હસબંડ'ની જરૂર છે. 'હસબંડ' તો બે-ચાર દહાડા બહારગામ જાય તો ચાલે, પણ સંડાસ વગર ના ચાલે, જેની જેની જરૂરિયાત તે ખોળે. રસોડું ય ખોળે, આવા જગતમાં લોકોએ કેવા કેવા અર્થ વગરના વિકલ્પો કર્યા !

પરણીને કાઢે તારણ;

મોક્ષ વિના ન નિવારણ!

પ્રશ્નકર્તા : અત્યારે છે તો આપણા હિન્દુ સમાજમાં બધા જે લગ્ન થાય છે, એ મા-બાપ ગોઠવી આપે છે અને પછી એ સક્સેસફુલ જતા નથી ને આખી જીંદગી એ લોકોને સહન કરવું પડે છે. તો કહે, એમાં કોઈ રસ્તો છે ? કારણ કે એ લોકો સમાજના પ્રેશરથી મા-બાપને રાજી રાખવા આવી રીતના લગ્ન કરતા હોય છે ને આખી જીંદગી ભોગવવું પડે છે. તો કહે એવો કોઈ રસ્તો છે કે આ આવું ના થાય ?

દાદાશ્રી : એ તો ચોઈસ કરીને પૈણે તો ય એવું થાય ને પેલું કરીને પૈણે તો ય એવું થાય. કારણ કે લગ્નનું નામ જ ભાંગફોડ. એનું નામ જ ભાંગફોડ. આ ભાંગફોડ થયા વગર રહેવાનું નહીં.

પ્રશ્નકર્તા : હેં દાદા, આપણે સરસ ડીઝાઈન કરી અને એવો તડબૂચું લઈ આવ્યા હોય...

દાદાશ્રી : તડબૂચું લાવ્યા પછી કાપીએ ત્યારે પછી ધોળું નીકળે મહીં, લાલ નીકળે. કારણ કે લગ્ન એટલે ભાંગફોડ જ છે પોતે. પણ લગ્ન કેમ હિતકારી છે ? કેમ ફરજિયાત છે ? ત્યારે કહે છે કે એ અથડાઈ અથડાઈને ડેવલપ કરે છે માણસને. જીવમાત્રને ડેવલપ્ડ કરવા માટેનું સાધન છે એ. અથડાઈ અથડાઈને અનુભવ થઈને એક્સપીરીયન્સ કરીને આગળ વધે છે.

પ્રશ્નકર્તા : એટલે મોક્ષે જવાનું એ પણ એક પગથિયું ખરું ને !

દાદાશ્રી : એ જ પગથિયું છે, આ જ પગથિયું. સ્ત્રી એ જ પગથિયું. સ્ત્રીને પુરૂષ એ જ પગથિયું. મારે, ઝૂડે, ઠોકાઠોક કરે. તો જ મોક્ષે જાય. એના ઉપરથી તારણ કાઢે કે પૈણવા જેવું નથી. પછી તે ઘડીએ એ બોલે. ગમે એટલી મોહવાળી હોય ને નક્કી કરે કે 'આ પૈણવા જેવું નથી, બળ્યો આ સંસાર !' એટલે કહું છું પરણીને પછી તારણ કાઢજે. તારણ કાઢવામાં ભાંગફોડ છે જ વળી. હવે આ જાણે નહીં લોકો તારણ કાઢવાનું. એટલે શું કરે ? એ બ્લેમ કર્યા જ કરે, એના કર્મ બંધાય. પેલો બ્લેમ કર્યા કરે, એના કર્મ બંધાય અને પછી જાનવરોમાં ફર્યા જ કરે અનંત અવતાર. તારણ કાઢવાનું હોય ને તો સમજી જાય કે આ ખરું, પ્રોફિટ કાઢવાનું ! શું અનુભવ થયો એ જોવાનું. લગ્ન એ મોજશોખ માટે નથી, અનુભવ માટે છે. અમે બધો અનુભવ કાઢી લીધેલો.

છોકરીઓ પૂછે છે મારે પૈણવું કે ના પૈણવું ? મેં કહ્યું, જો પૈણ્યા વગર ચાલે એવું નથી અને પૈણીને પસ્તાયા વગરે ય ચાલે એવું નથી. કારણ કે બધું જ્ઞાન આપનારું છે અને જો ચાલે એવું હોય, પહેલાં તું આ લઈને આવેલી હોય અનુભવ, તો અત્યારે ચાલે એવું હોય તો ચલાવી લે. બાકી 'પૈણવું એ કંઈ ગુનો છે' એવું નથી. એ જ્ઞાન આપનારું છે. ઉપદેશ-જ્ઞાન આપે છે. તને જ્ઞાન ના મળ્યું ?

પ્રશ્નકર્તા : બહુ મળ્યું, દાદા.

દાદાશ્રી : હા. અને પેલો એમ ને એમ છે તે પૈણ્યા વગર જો એ થઈ ગયા હોય.... જગતનું કલ્યાણ કરવા માટે, તો મનમાં થોડું થોડું ખૂંચે. થોડું ઘણું પૈણ્યા હોત તો સારું પડત. આખી જીંદગી ખૂંચે. હવે આ ખૂંચે જ નહીં.

પ્રશ્નકર્તા : દાદા, હું ના પરણી હોત ને, તો મને આ જગત ને આ બધું શું છે, કંઈ સમજણ જ ના પડી હોત.

દાદાશ્રી : એટલે મને વિચાર આવ્યો હતો કે બિચારી નથી પૈણતી, તે ઘરના બધા કહે છે કે નથી પૈણતી, નથી પૈણતી. મેં એને સમજણ પાડી કે બેન પૈણવા જેવું છે આ જગતમાં. પૈણીને પસ્તાવું તો પડશે, પણ આ પૈણવા જેવું તો છે જ આ જગતમાં. પણ મને એમ થયું... અત્યારે મેં વિચારી જોયું. મેં કહ્યું, આ મેં આવી વાત શા માટે કરી હતી ? પણ અત્યારે મને ખબર પડી કે આ તો લાભકારી થયું. નહીં તો ખૂંચ્યા કરત કે આ પૈણ્યા હોત તો સારું પડત ! હવે ક્લીયર કટ. પૈણવાની ? તો કહે, 'નો. હવે જ્ઞાન લઈ લીધું છે.' 'પૈણવાનું શું વાંધો છે' એ જોઈ લીધો કે અનુભવ થવો જોઈએ ને ! નહીં તો મનમાં ખટક્યા કરે. તમને બધાને અનુભવ થયા ને !

પ્રશ્નકર્તા : થયા, દાદા.

દાદાશ્રી : એમને વિચાર આવતો હતો કે આપણે બ્રાહ્મણ જોડે પૈણીએ તેથી આ વાંધા આવે છે ! તે હવે જૈન જોડે પૈણ્યા તે હવે ખબર પડીને એમાં ય !! એ ય અનુભવ જોઈ લીધો ને, નહીં ? એ પણ અનુભવ મળે જ છે ને !

પ્રશ્નકર્તા : હવે તો પૈણવાનો નિશ્ચય જ કરી દીધો બંધ.

દાદાશ્રી : અમે ય હીરાબા જોડે અનુભવ બધો મેળવી લીધો. પછી તારવણી કરી કે ભઈ હવે અનુભવ કર્યો. પણ જો ગોદાગોદ કરીશું, તો ફરી થોડાંક છમકલાં રહેશે. એના કરતાં આપણે હિસાબ ચોખ્ખો કરો ને ! એટલે કલીયર કટ એટલે બસ એટલું જ. ભાવ બગડે નહીં એની ઉપર ક્યારે ય પણ. એ અવળું કરે તો ય ભાવ ના બગડે. શા માટે આપણું બગાડવાનું ? એક અવતાર પાનાં પડ્યાં, તે પાનાં પૂરા કરવાનાં ને ! જ્યાં સુધી પૂરા થાય ત્યાં સુધી અને ના થાય તો એ છોડી દેવાનું. દેવતા ક્યાં સુધી પકડવો ? જ્યાં સુધી પકડી શકવાની શક્તિ હોય ત્યાં સુધી અને દઝાય તો.... બધાની હદ હોય કે ના હોય ?

પ્રશ્નકર્તા : બરાબર.

દાદાશ્રી : પૈણીને પસ્તાવાનું, પણ પસ્તાવાથી જ્ઞાન થાય. અનુભવજ્ઞાન થવું જોઈએ ને ? એમ ને એમ ચોપડી વાંચે તો કંઈ અનુભવજ્ઞાન થાય ? ચોપડી વાંચીને કંઈ વૈરાગ આવે ? વૈરાગ તો પસ્તાવો થાય ત્યારે થાય.

આ લગ્ન થાય છે ત્યારથી મેરીડ લાઈફનું ગલન થાય છે. તે એક દહાડો બધું જ ગલન થઈ જાય.

કોની જોડે પૈણીશ બેન;

ઇન્ડિયન કે અમેરિકન?

દાદાશ્રી : શું કરવાની છે ?

પ્રશ્નકર્તા : પરણવાની.

દાદાશ્રી : ઇન્ડિયન કે અમેરીકન જોડે ?

પ્રશ્નકર્તા : ઈન્ડિયન.

દાદાશ્રી : મુસ્લીમ ના ફાવે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : ત્યારે કોઈ ગુજરાતી જોડે, બ્રાહ્મણ ?

પ્રશ્નકર્તા : બ્રાહ્મણ કે પટેલ !

દાદાશ્રી : એમ ! બરાબર છે. કરેક્ટ, એ શું ભણેલો જોઈએ ?

પ્રશ્નકર્તા : એ પણ કશું સારું. એનું ફિલ્ડ જૂદું હોવું જોઈએ. એ ડૉકટર ના હોવો જોઈએ.

દાદાશ્રી : ઓહોહો ! બરાબર, બરાબર.

હા, જુઓ ! બાપ એને હલાવી હલાવીને ધૂળધાણી કરી નાખે બિચારીને. કેમ અમેરિકન જોડે ફરે છે ?! અલ્યા મૂઆ ફરે છે પણ એણે નક્કી કરેલું છે કે નહીં, પૈણવું એવું. શું કહ્યું ? ફરે છે એ કુદરતી, નેચરલ વ્યવસ્થા છે. એટલે મારે તો જાણે એને પૂછવું પડે, ના પૂછવું પડે ? હવે અમે શું કરાવીએ, એનો અહંકાર મજબૂત કરી આપીએ. આ ગુજરાતીને જ પૈણવું છે. મજબૂત થઈ જાય કે ના થઈ જાય અહંકાર, બે-ત્રણ વખત તમે બોલો તો !

પ્રશ્નકર્તા : થઈ જાય, દાદા.

દાદાશ્રી : અને પહેલાંનો કંઈક વિચાર આવે તો તૂટી જાય કે ના તૂટી જાય ?

પ્રશ્નકર્તા : તૂટી જાય, હા.

દાદાશ્રી : આવી રીતે કામ લો ને, તો કામ થાય.

અહંકાર બાંધે દાદા પ્રેમથી;

સર્વસ્વ અર્પે દાદા કહે તેમથી!

પ્રશ્નકર્તા : બેન છે તો તમારી પાસે આવ્યા હતા, ત્યારે એણે તમારી પાસે નિશ્ચય કર્યો હતો કે હું દિગંબર જૈનને જ પરણીશ. પણ હવે એને એમ થાય છે કે મને દિગંબર જૈન છોકરો એવો સારો ના મળે, તો શું થાય ? તો કહે કે મને આ વિધિ તો કરેલી છે અને જો એવું ના થાય ને હું બીજાને પરણું તો પછી મને પાપ લાગે કે મને શું બંધન આવે ?

દાદાશ્રી : બીજાને પરણવું હોય તો ય છે તે આપણો ગુજરાતી હોવો જોઈએ અને ઇન્ડિયન હોવો જોઈએ. મજૂરને પૈણવા તૈયાર થાય તું ? તારે ત્યાં મજૂર આવે છે ? સારો ગોરો ગપ જેવો હોય તે લગ્ન કરવા તૈયાર થઉં ?

પ્રશ્નકર્તા : ના, ના. એ મજૂરની સાથે લગ્ન નહીં કરું.

દાદાશ્રી : તો પછી ફર્સ્ટ પ્રેફરન્સ દિગંબર જૈન, સેકન્ડ પ્રેફરન્સ દિગંબર ના મળે તો કોઈ પણ જૈન, એ ના મળે તો ગુજરાતી કોઈ બનીયા, એ ના મળે તો બ્રાહ્મીન, પટેલ, ગુજરાતી બસ. કે અમેરિકન જોડે પૈણવું છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : કેમ ? આ ગોરા ગપ જેવો હોય છે ને !

પ્રશ્નકર્તા : મને નથી ગમતા.

દાદાશ્રી : આ કાકડી ખાયને ત્યારે કડવી લાગે મહીં !

હવે આ દિગંબરી જૈનમાં પૈણવાથી એનાં વિચારો ને આપણા વિચારો મળતા આવે થોડા ઘણા, વિચારો સરખા હોય. તું જૈન છે તો જૈન હોય તો ફીટનેસ સારી પડે. ફીટનેસ, બધી સાઈડથી ફીટ થઈ જાય અને વૈષ્ણવ તો સાપ મારશે ને જીવડાં મારશે ને બધું કરે એ. વંદા મારે, ને માંકણ મારે, બધું મારે. તને ગમશે એ મારશે તે ઘડીએ ?

એવો ખોળે કે મદદરૂપ ધ્યેયમાં;

નથી હાથમાં ભલે ઇચ્છયું શ્રેયમાં!

તું કહું છું મારે પૈણવું છે, પણ પૈણવાનું તારા હાથમાં છે નહીં. મૂરતિયો એવો મળવો જોઈએને બળ્યો ! અને મળ્યો એ તું નાપાસ કરી મૂકું છું અને હવે એથી વળી બીજો મૂરતિયો એ તને નાપાસ કરે. એટલે પાસિંગ થાય નહીં. એટલે રિજીઓનલ ઓફીસ ના પાડી દે. રિજીઓનલ ઓફીસ હોય છે ને ! એ ના પાડી દે કે આવી રીતે ચાલવા દેવાનું નહીં. રાગે પડી જશે તારે ? પહેલા તારી લાઈફ હતી અને અત્યારની લાઈફમાં આનંદમાં કંઈ ફેર પડ્યો છે ?

પ્રશ્નકર્તા : હા, ઘણો.

દાદાશ્રી : ઘણો ! ત્યારે થોડો બાકી હશે તે પૂરો થઈ જશે. તારા આનંદમાં ફેર પડ્યો ? એને ઘણો ફેર પડી ગયો. તારે કેટલો ફેર પડ્યો ?

પ્રશ્નકર્તા : ઘણો દાદાજી. મારે જે કરવું હોય તેની આમ છૂટ મળે એના આધારે, સ્વતંત્રતા રહે એટલા માટે મારે લગ્ન કરવા હતા.

દાદાશ્રી : સ્વતંત્રતા રહે એટલા માટે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : લગ્નમાં તો પરતંત્ર થાય જ ઊલ્ટો. ધણી થયો ઊલ્ટો. ક્યાં ગઈ હતી ? કંઈ રખડું છું ? વાંધો ઉઠાવે એ તો.

પ્રશ્નકર્તા : રખડવા માટે સ્વતંત્રતા નહીં જોઈતી હતી. અમુક વસ્તુ કરવી હોય, તો દાદા મારે એવો હસબન્ડ ચૂઝ કરવો હતો કે મને જે કંઈ ગોલ (ધ્યેય) હોય ને, મારું પર્સનલ ગોલ, તો મને એની ફ્રીડમ આપે ને સપોર્ટ આપે. પણ પપ્પા હોય તો ના આપે. ને બીજું શું કે લગ્ન કર્યા હોય તો બીજા લોકો ખૂંચો નહીં માર્યા કરે, ગોદા નહીં મારે.

દાદાશ્રી : હા. એ બરાબર છે.

ડિફેક્ટીવ ધણી ખોળે તો રહે ચલણ;

દારૂ-માંસમાં ચોખ્ખો, તો ઝટ પરણ!

ધણી થોડો ડિફેક્ટીવ સારો કે અનડિફેક્ટીવ ?

પ્રશ્નકર્તા : ના, ના. ડિફેક્ટ જોઈએ જ નહીં.

દાદાશ્રી : તો પછી તારા વશમાં ના રહે, કાબૂમાં ના રહે. એ જરા ડિફેક્ટીવ હોય તો આપણે ખખડાવીએ. એય ! આમ તેમ ! એવો ખોળી કાઢવો. એટલે આપણા વશમાં રહે ને.

પ્રશ્નકર્તા : પણ પછી એકદમ ડફોળ નહીં જોઈએ.

દાદાશ્રી : ડફોળ હોતો હશે એકદમ ! આ તો એવું છેને તું આ ડિફેક્ટીવ ના ખોળું તો ય ડિફેક્ટીવ જ મૂઆ હોય છે. એ તને પહેલાં ખબર ના પડે અને આ તો આપણે પહેલેથી જાણી ગયા હોય ને. એટલે આપણે એને પૂછી લેવું પહેલેથી કે ભઈ જરા ડિફેક્ટ છે ? ત્યારે કહે, હા.

પ્રશ્નકર્તા : જો જાણે કે ડિફેક્ટીવ છે, તો પોતાનું મન જરા અવળું થઈ જાય ને !

દાદાશ્રી : બાકી ડિફેક્ટીવ છે, એમાં શેનું અવળું થાય, સારું ઊલ્ટું. અને બહાર લોક કહે, આમના ધણી આવ્યા. એટલે આમે ય રોફ પડે, આમે ય રોફ પડે ! અને ડિફેક્ટીવ હોય છે જ. જો જ્ઞાન હોય ને જો ડીફેક્ટ ખોળો તો મહીં એક-બે હશે, એના કરતાં ડિફેક્ટીવ ના ખોળીએ કે એક ડીફેક્ટ છે જ !

પ્રશ્નકર્તા : જે દાદા અહીંયા બધા છે, તે લોકો ડિફેક્ટીવ છે ? તમારી પાસે જ્ઞાન લઈ ગયેલા તે ?

દાદાશ્રી : બધા કંઈ એક્ઝેક્ટ છે ? કોઈકને કોઈકનામાં ડિફેક્ટ હશે.

પ્રશ્નકર્તા : તો પછી એનો મતલબ એમ નહીં થયો કે હું પણ ડિફેક્ટીવ છું ?

દાદાશ્રી : તો શું તું ડાહી છું ?

પ્રશ્નકર્તા : પોતે કોઈ કહેવા માંગે નહીં કે હું ડિફેક્ટીવ છું.

દાદાશ્રી : નહીં, એ તો કોઈ કહે નહીં, પણ ઓળખું હું બધાંને. આ તો માલ જ બધો ડિફેક્ટીવ, એ તો અમથા આપણે મનમાં સમજીએ, હા, બહુ સારા, બહુ સારા.

પ્રશ્નકર્તા : ડિફેક્ટ આપણામાં હોય પણ એની શરમ નહીં હોવી જોઈએ.

દાદાશ્રી : ત્યારે શું હોવું જોઈએ ?

પ્રશ્નકર્તા : આપણે ઊલ્ટું એનો સુધારો કરવો જોઈએ. આપણે જાણીએ કે ડીફેક્ટ છે તો સુધારો નહીં કરવો જોઈએ ?

દાદાશ્રી : શામાં સુધારો કરે ? બગડેલો સુધરતો હશે ?

પ્રશ્નકર્તા : તમારી કૃપાથી સુધરે ને ! તો જ મોક્ષે જવાય ને !

દાદાશ્રી : સુધારીને કંઈ લઈ જવાના છે, આપણે શાક કરવાનું છે ? શાક સુધારવાનું હોય. આ તો પાંચ-પચ્ચીસ વર્ષ રહેવાનું. ત્યાં સુધી રહેવાનું. ભાડાની ઓરડીઓ. જેમ આપણે તો પેલી મોટલ ! અત્યારે ધણી સારાં હોતા હશે ! એક છોકરો ખોળી લાય કે સારો હોય તો, જા.

પ્રશ્નકર્તા : મળતો નથી, પરફેક્ટ નથી મળતું. ને દાદા પ્રોબ્લેમ શું છે ? પરફેક્ટ નહીં મળે એટલે જોઈએ જ નહીં.

દાદાશ્રી : આપણને પૈણનાર ભેગો થાયને, મેં તારા માટે ડિફેક્ટીવની વાત સાંભળી છે, પણ હું લેટ ગો કરીશ, કહીએ. એનો વાંધો ના રાખીશ. પણ બીજી રીતે કશું છે તારી પાસે, બીજું નુકસાન કરે એવું ? ડિફેક્ટીવ એકલું જ છે કે બીજું કશું છે ? ત્યારે કહે, ના, બીજું કંઈ નથી. હા, દારૂ-બારૂ પીતો નથી ને ! માંસાહાર કરતો નથી ને ! ત્યારે કહે, હું માંસાહાર કરું છું. એટલે આપણે છોડી દેવો પડશે, કહીએ. એટલે પછી સ્વીકારી લેવાનું. પૈસામાં ડિફેક્ટીવ ના હોવા જોઈએ. બીજી આ બાબતોમાં બધી ડિફેક્ટીવ હોય, એ તો હોય જ આ કાળમાં તો. એ તો પચ્ચીસ વર્ષે પરણ્યો તે શું એમ ને એમ જ મૂઓ હતો એ.

પ્રશ્નકર્તા : તમારી સાથે વાત કરીએ ને તો તમે આમ કરીને લઈ આવો જ પાછાં.

દાદાશ્રી : ત્યારે પછી શું થાય, રસ્તો તો કાઢવો પડશે ને ? તને ડાહ્યી બનાવવા માટે અમારી ઇચ્છા છે અને 'તું સુખી કેમ થઉં' એવી ઇચ્છા છે. પૈણવું હોય તો પૈણ, ના પૈણવું હોય તો ના પૈણીશ. તેનો વાંધો નથી. પણ પૈણું ત્યારે મને કહેજે કે આ ભઈ મને મળ્યો છેે. હું ચા પીવડાવીશ. તે ઘડીએ હું એને કહીશ... મારી રૂબરૂમાં પાંસરો કરી દઈશ. આ બેન જ ચલાવી લે મૂઆ ! તને કોણ ચલાવે ? પણ આ તો અમે એને કહી દઈએ, પહેલેથી ચેતવી દઈએ.

એકબીજાને હેલ્પ કરવા છે જગત;

ઉનાળો ખેંચે વર્ષાને કેવી કુદરત!

પ્રશ્નકર્તા : એ એમ કહે છે કે મને વઢે એવો ય ધણી ના જોઈએ અને મને દબાવે એવો ય ના જોઈએ.

દાદાશ્રી : હા, એવો જોઈએ.

પ્રશ્નકર્તા : પણ એનાથી એ દબાય એવો એ ના જોઈએ.

દાદાશ્રી : તો દરેક વસ્તુને પછી ગોઠવો. એકને નીચે આવવું પડે તો બીજાને ઉપર આવું પડે, અગર તો એને નીચે આવવું પડે તો બીજાને.... તે પણ ગોઠવવાનું છે, આ જગત ગોઠવણી છે. એક્ઝેક્ટ લેવલમાં ના આવે. એમાં કલ્પનાની થીયરી ના ચાલે.

ફ્રેન્ડ તરીકે કામ કરે એવો જોઈએે. ફ્રેન્ડ જાણે હોય એવી રીતે. હેલ્પીંગ જ કર્યા કરે. આપણે એને હેલ્પીંગ કરીએ.

પ્રશ્નકર્તા : એવો જ જોઈએ. ફ્રેન્ડ તરીકે રહે એવો જોઈએ, પણ જોડે જોડે ડફોળ ના જોઈએ પાછો.

દાદાશ્રી : પણ એ આપણા ધાર્યા પ્રમાણે મળે નહીં કશું કોઈને ! માટે થોડી છૂટ રાખ, ટેન પરસેન્ટની. ટેન પરસેન્ટ નહીં ?!

પ્રશ્નકર્તા : પણ એના હન્ડ્રેડ એન્ડ ટેન છે તો તે ટેન છૂટ રાખે તો હન્ડ્રેડ આવીને ઊભું રહે.

દાદાશ્રી : મોક્ષે જવા માટે રસ્તે જોઈતા આધાર, પુરાવા એ બધું સાધન છે આ બધા. એ ય મોક્ષ તરફ રહે, આપણે રહીએ અને એ હેલ્પ કરી કરીને, હેલ્પીંગ થાય એકબીજાને !

જગત આખું મોક્ષે જ જઈ રહ્યું છે પણ મોક્ષમાં જતા આ બધું હેલ્પીંગ થતાં નથી. વઢંવઢા કરીને ઊલટાં બ્રેક મારે છે. નહીં તો ઉનાળાનો સ્વભાવ જ એવો કે ચોમાસાને ખેંચી લાવે. જ્યાં હોય ત્યાંથી ખેંચી લાવે. ઉનાળાનો સ્વભાવ વધતો વધતો જાય, ચોમાસાને ખેંચી લાવે. ભડકી મરવા જેવું નથી.

એટલે આ બધું આ સંસારનો સ્વભાવ એવો છે કે મોક્ષ તરફ લઈ જાય આપણને. મોક્ષને ખેંચી લાવે છે. સંસાર જેમ કડક વધારે થાય ને, એમ મોક્ષ વહેલો આવે. પણ કડક થાય ત્યારે આપણે બગડી ના જવું જોઈએ, સ્ટેજ ઉપર રહેવું જોઈએ. સાચા ઉપાય કરવા જેવું છે, ખોટા ઉપાય કરવાથી પાછું પડી જાય. દુઃખ પડ્યું એટલે એમ જ માનવું કે મારા આત્માનું વિટામીન મળ્યું અને સુખ પડ્યું એટલે દેહનું વિટામીન મળ્યું. એવી રીતે ચાલવાનું. એ રોજે ય વિટામીન મળે આપણને. અમે તો એવું માનીને ટેસ્ટથી ચાલેલા નાનપણમાંથી. તું તો એક જ જાતનાં વિટામીનને વિટામીન કહું, એ બુદ્ધિનું વિટામીન છે. જ્ઞાન બન્નેને વિટામીન કહે છે. એ વિટામીન સારું કે લોકો ખૂબ જમવાનું હોય તો ય તપ કરે છે. સરસ બધું શાક-બાક હોય તો ય તપ કરે છે. તપ કરે છે એટલે શું, દુઃખ વેદે છે. આત્માનું વિટામીન મળે. એ બધું સાંભળવામાં નથી આવ્યું તમારે !

પ્રશ્નકર્તા : હા, આવ્યું છે, દાદા.

દાદાશ્રી : તો આ તો એની મેળે ઘેર બેઠાં મળે છે. તને મગજ પહોંચે છે ? તારું મગજ જર્મનીનું બનાવેલું છે, ક્યાંનું બનાવેલું છે ?

જે તે એક ખોળીને જોડાય;

દાદા કૃપાથી, મોક્ષસાથી કરાય!

અને લગ્ન એ કંઈ વસ્તુ છે ?! એ તો રસ્તે જતા હેલ્પીંગ છે ખાલી. આ લગ્નને લીધે લોકો દુઃખી છે બધા. પણ લગ્ન કર્યા વગર ચાલે એવું જ નથી.

શું કહે છે, તારે કરવું છે કે નહીં કરવું ? તેં તો કર્યા છે ને !

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : લગ્ન નથી કર્યા ! શું વાત કરો છો ! માટે ઝટપટ પૈણી જાવ. અમથા રાહ જોઈને બેસી રહેવું ! પાછું બીજું ફ્રુટ દેખે તો એ વળી બીજું ફ્રુટ લઈને ફરતો હોય. બધા તરબૂચા આવડાં આવડાં હોય તે, સારું દેખે કે એને લઈને ફરતો હોય. પછી આપણે દેખીએ તો આપણા મનમાં થાય કે મૂઆ આ તે બીજાને લઈને ક્યાં ફરે છે, આ મારો હતો ને ! ન્હોય તારો મૂઆ !

આ લાઈન કેવી છે ? બધી દગાખોર લાઈન છે, માટે ચેતી જા. તું જેને પૈણીશ તેને હું આશીર્વાદ આપીશ અને બધું તારું રાગે પાડી આપીશ. બગડ્યું ત્યારથી ફરી સુધારીએ આપણે. બગડેલું તો છે જ, સડેલું તો છે જ પણ સુધારીને કરવું આપણે.

પ્રશ્નકર્તા : હવે એ કહોને એને, એ પૈણે કે ના પૈણે ?

દાદાશ્રી : નહીં, એને પૈણવાની ઇચ્છા હોય તો પૈણવામાં વાંધો નથી. હજુ કંઈ બહુ મોટી ઉંમર થઈ નથી.

પ્રશ્નકર્તા : પચ્ચીસ વર્ષની છે.

દાદાશ્રી : પૈણ. એક ખોળી કાઢવાનો. એક તંબૂરો ખોળી કાઢવાનો વગાડ વગાડ કર્યા કરવાનો પછી. પછી તારી લાઈન ગોઠવી આપીશ, તું નક્કી કરી લાવું કે આ મારે આને ધણી તરીકે સ્વીકારવો, પછી બગડી જાય કે સુધરી જાય, પણ હવે એની જોડે જ જીવન કાઢવું છે, ત્યાર પછી હું તને ગોઠવી આપું, બહુ સરસ. તારી લાઈફ કેમ સુધારવી તે અમારા હાથમાં છે !

પ્રશ્નકર્તા : મોટામાં મોટી બીક મને એ છે કે હું જો લગ્ન કરું તો પછી મારા મોક્ષનું ભૂલાઈ ના જવું જોઈએ.

દાદાશ્રી : ના ભૂલાઈ જાય. તું લગ્ન કરીને મારી પાસે તેડી લાવુંને, તો એને રફુ મારી દઉં ચોગરદમ. તારા તાબામાં રહે એવું કરી આપું, તારા તાબામાં રહે ને એ હઉ મોક્ષમાં આવે. રફુ મારી આપું. ઘણી છોકરીઓને મારી આપું છું આવું. રાગે પડવું જોઈએ ને, દાદા રાગે ના પાડે તો બીજું કોણ પાડી આપે !

માટે નક્કી કરી નાખ હવે. એવું ભય ના પામીશ કે આમ થઈ જાય કે તેમ થઈ જાય ! જે થવાનું હોય તે થાય.

લવ મેરેજ, પણ મા-બાપ મંજૂર;

ઉત્તમ એરેન્જડ, સક્સેસ જરૂર!

પ્રશ્નકર્તા : એટલે કેવાં મેરેજ બેટર, લાઈક એરેન્જ મેરેજ કે લવ મેરેજ ? લવ મેરેજ કરીએ કે મા-બાપ ગોઠવી આપે એ પ્રમાણે કરીએ ?

દાદાશ્રી : કુદરતી રીતે નિર્માણ લગ્ન થાયને, નિર્માણ લગ્ન આપણી રીતે ફરજિયાત બંધાયેલું જ હોય.

પ્રશ્નકર્તા : હા, તો અમે શોધી લાવ્યા હોય એવું પણ હોઈ શકે. તો એ જે તમે કહ્યું ને કુદરતી ગોઠવાયેલું હોય, એટલે એનો અર્થ એવો ને કે મા-બાપે ગોઠવી આપ્યું હોય કાં તો અમે પોતે ગોઠવ્યું હોય ! બન્ને થઈ શકે ને ?!

દાદાશ્રી : ગોઠવીને મા-બાપને પસંદ પડે, એવી રીતે કામ લેવાનું. એવું છે ને કે આ લવ મેરેજમાં શું થાય છે, કે પછી આની જોડે, આની જોડે લવ, આની જોડે લવ. તે પછી બે-ત્રણ વરસમાં પાછું ફ્રેકચર થઈ જાય અને પછી રખડી મરવાનું.

લવ મેરેજ એકલું પસંદ કરવા જેવી ચીજ નથી. કાલે આનો મિજાજ કેવો નીકળે તે શી ખબર પડે ?! મા-બાપ ખોળી આપે તે જોવું, કે ડફોળ છોકરો છે કે ડિફેક્ટવાળો છે ? ડફોળ ના હોવો જોઈએ ! ડફોળ હોય ખરાં કે ?!

આપણને કંઈ ગમે એવું જોઈએ. કંઈક આપણા મનને ગમે એવું જોઈએ. બુદ્ધિની લિમિટમાં આવી જવો જોઈએ. અહંકાર એક્સેપ્ટ કરે એવો જોઈએ અને ચિત્ત ચોંટે એવો જોઈએ. ચિત્ત ચોંટે એવો જોઈએ ને. એટલે એ કરે તો વાંધો નથી. પણ એને આપણે જોઈ લેવો જોઈએ.

પ્રશ્નકર્તા : કો'ક વાર મા-બાપ પણ છોકરો શોધવામાં ભૂલ કરી શકે ?

દાદાશ્રી : એમનો ઈરાદો નથી, એમનો ઈરાદો તો સારું જ કરવાનો છે. પછી ભૂલ થઈ એ આપણા પ્રારબ્ધના ખેલ છે. શું કરવું ! અને આ તમે સ્વતંત્ર ખોળો એમાં ભૂલ થવાનાં સંભવ છે. ઘણા દાખલા ફેઈલ ગયેલા.

ઘણાં મેળવે જન્માક્ષર;

નહિ તો રહે મન પર અસર!

પ્રશ્નકર્તા : ઘણાં મા-બાપ જન્માક્ષરમાં માને છે, તો એ બરાબર છે સાચી વાત છે ?

દાદાશ્રી : એ બધું ઠીક વાત છે. જન્માક્ષર તો આજે જોતાં જ આવડતા નથી લોકોને ! એ એક જાતનું દબાણ છે. એનાં કરતાં આપણે સમજીને કામ કરવું એ શું ખોટું છે ! આપણે બધું ચેતીને કરવું અને તેમ છતાં મુશ્કેલી આવે તો પછી પ્રારબ્ધના ખેલ. બાકી ચેતીને કરવું બધી રીતે અને એ લગ્ન કરો ત્યારે હું તમને સમજણ પાડીશ કે તમારી આટલી ફરજો છે. એ છોકરાને હું સમજણ પાડું કે આટલી ફરજો છે એ. બેઉ ફરજો આખી જીંદગી ટકે.

નાદાન છોડી છેતરાય લેતાં શાકભાજી;

ધોળો વર ખોળે મહીં નીકળે પાજી!

પછી લગ્ન કરવાનું ગમે છે ખરું ? કેવાં છોકરા જોડે લગ્ન કરવાં જોઈએ ?

પ્રશ્નકર્તા : એજ્યુકેટેડ, કલ્ચર્ડ ફેમીલીનો છોકરો હોવો જોઈએ.

દાદાશ્રી : શી રીતે કલ્ચર્ડ છે એવું સમજાય ?

પ્રશ્નકર્તા : એ તો 'ગેમ્બલ' છે. 'લાઈફ ગેમ્બલ' જ છે ને ! એ જ જુગાર છે !

દાદાશ્રી : ના. પણ આ આપણે સકરટેટી કે પપૈયો હોય, તો સક્કરટેટીવાળો તો, 'સાહેબ મીઠી છે.' ત્યારે કહે, 'ભઈ મને શી રીતે ખાતરી થાય ?' તો કહેશે, 'હું કાપીને જરા ડગળી કાઢીને બતાવું.' તો આમાં કોઈ ડગળી કાઢીને બતાડે ખરો ?! ડગળી ના બતાવે, તો શી રીતે માની લઉં કે મહીં મીઠી છે !

પ્રશ્નકર્તા : હં... તો પછી કેવી રીતે તપાસવું ?

દાદાશ્રી : તારા 'મધર' ઉપર તને વિશ્વાસ છે કે 'ફાધર' ઉપર ?

પ્રશ્નકર્તા : બન્ને પર.

દાદાશ્રી : તો પછી એમને સોંપી દે ને આ કેસ. પેલો એક ભઈ હતો. તે એના ફાધરે કહ્યું કે, 'આ છોકરી તું જોઈને હા કે ના કહી દે.' ત્યારે કહે, 'ના મારે શાદી કરવી નથી.' એને છોકરીઓ બધી બતાડી. તો કહે, 'મને નથી કરવું.' એટલે પછી એના ફાધર, એ મને કહે છે, 'આ છોકરો ગાંઠતો નથી. છોકરી જ પાસ નથી કરતો.' તો મેં એને કહ્યું, 'તો સારી બધી રીતે હોવી જોઈએ.' 'તું છેતરાઈ જઈશ બા. એના કરતાં અનુભવીને સોંપને ! તું નાની ઉંમરનો કશું માલ લેતાં છેતરાઈ જાઉં. એનાં કરતાં અનુભવી તારા ફાધર છે એને સોંપને !' 'દાદા તમે કહો છો તો સોપું ?' મેં કહ્યું, 'અમારી ગેરેન્ટી, લે તારે માથે હાથ મૂક.' અને એના ફાધરને ત્યાં જઈને કહે છે, 'તમે તપાસ કરીને લાવો એ છોકરી મારે પૈણવી છે.' એના ફાધર, એ મને કહે છે, 'શું કર્યું, તમે દાદા ? એ આવી રીતે બોલે છે !' અલ્યા, પૈણ્યો ! અને સુખી થઈને મને કહે છે આજ, 'દાદા મારા ફાધરને તમારા જ કહેવાથી મેં હા પાડી, તો હું સુખી થઈ ગયો. તે મારી વાઈફ વગર મને ગમતું નથી'.

અમે તારા અહિતમાં હોય ખરાં ? કોઈના અહિતમાં ન હોઈએ. મારી વાત તને ગમે આમાં ?

આપણા એક મહાત્મા હતાં. એનો એકનો એક છોકરો, મેં કહ્યું, 'અલ્યા, તારે પૈણવું છે કે નહીં પૈણવું ?' ત્યારે કહે, 'પૈણીશ દાદાજી. કેવી પાસ કરી લાવીશ ?' તો કહે, 'તમે કહો એમ કરું.' એની મેળે જ પાછું કહેવા માંડ્યો. મારી મમ્મી તો પાસ કરવામાં હોશિયાર છે. એ લોકોએ મહીં ડીસાઈડ કરી લીધેલું, મમ્મી જે પાસ કરે તે, તો આવી રીતે હોય.

આ છોકરીઓ બિચારી ભોળી ઉપરથી ગોરું ચામડું દેખાતું હોય, 'સિનેમા જોવાનો તમને શોખ છે ?' ત્યારે પેલો કહેશે. 'હા' અને બની ગયું.

આ તો મને એમ કહે અત્યારે તારે તપાસ કરવી હોય તો શું પ્રશ્ન પૂછું ? તું કહે.

પ્રશ્નકર્તા : તમે શરમાવો છો એને.

દાદાશ્રી : ના. એમાં શરમાવા જેવું શું છે ? ઇન્ડિયાની લેડી શરમાય કેમ કરીને ! આર્યપુત્રી કહેવાય. આર્યપુત્રી શરમાય નહીં. શરમાવાનું ના હોય. તેં કેવું સરસ મને લખીને આપ્યું હતું. એટલે તારા માટે માથાકૂટ કરું છું ને મારી મહેનત નકામી જશે, એમ કરીને માથાકૂટ ના કરું ! એ તો મારી મહેનત ઊગે. શું પૂછું કહેને ? એ શાકબજારમાં તું શાક લઈ આવી છું કોઈ દહાડો ? તને ભીંડા લેવા મોકલે તો તું લઈ આવું ખરી ? પછી મહીં ઘૈડા ના નીકળે ?

પ્રશ્નકર્તા : વીણીને લાવું ને.

દાદાશ્રી : આવડે છે તને આ ઘૈડા કહેવાય ને આ કૂણાં એમ. ત્યારે તારી મધર હોશિયાર છે એમ ! નહીં તો મારી પાસે શીખવા રહ્યો હતો એક. એ તો 'ડબલ ગ્રેજ્યુએટ' હતો. તો મેં એને શાક લેવા મોકલ્યો. મને કહે છે, 'શાક મારી પાસે મંગાવો છો ?' મેં કહ્યું, 'એટલું આવડે, ત્યાર પછી બીજું તને શીખવાડું.' ત્યારે કહે, 'શાકમાં શું શીખવાનું !' 'તું લઈ આવ તો ખરો પણ ! આજ ભીંડા લઈ આવ.' તે મહીં આ પાંચ તો આ આમ તોડીએ તો તૂટે નહીં. ત્યારે મેં કહ્યું, 'જો તારી ભૂલ છે ?' 'હા. ભૂલ તો ખરી.' ત્યારે મેં કહ્યું, 'આ જો તું કહું છું. પણ શાકમાં શીખવા જેવું છે કે નહીં ?' 'શીખવા જેવું છે.' મેં કહ્યું, 'બીજે દહાડે તું દૂધી લાવજે.' આ દૂધી સારી છે ને, કહે છે પેલા દુકાનદારને, પાછા વઢશે ત્યાં આગળ દાદાજી. પેલો વેપારી શું કહે ?

પ્રશ્નકર્તા : બહુ સારી છે.

દાદાશ્રી : તે લાવ્યો, તે ઘૈડી દૂધી આમ નખ મારી એને, તો મહીં પેસે નહીં. એટલે મેં કહ્યું કે, 'અલ્યા, આજ આવી દૂધી લાવ્યો ?' એણે કહ્યું'તું ને, 'બહુ સરસ છે.' એ તો કહે જ ને, વેચવા બેઠો છે. તે મૂઆ તું આવો કેવો ભણેલો ?!' આને ભણતર શી રીતે કહેવાય તે ?! હવે ટકે નહીંને મારી પાસે ! લોકો આવે. શીખવા આવે, પણ ટકે નહીં. એટલે મારે થોડું નરમ પરીક્ષા મૂકવી પડે, નહીં તો જતો રહે પાછો.

પાત્રની પસંદગીમાં ઘરનાંને પૂછ;

અનુભવીનો લે લાભ, ન ગણ એને તૂચ્છ!

પ્રશ્નકર્તા : આ મારી નાની દીકરી પૂછે છે, એમ ને એમ કેવી રીતે પરણાય, પછી આપણી આખી લાઈફ જ બગડે ને ! તો પહેલાં છોકરાને બરાબર જોઈએ-કરીએ એમ. પછી કહે છે ખબર પડે ને કે છોકરો સારો છે કે નહીં. પછી લગ્ન થાય. એવું આ મને પ્રશ્ન પૂછયા કરે. તો દાદા એનું સોલ્યુશન શું આ છોકરાઓ માટે ?

દાદાશ્રી : બધા જોઈને જ પૈણે છે ને પછી મારમાર ને વઢંવઢા. જોયાં વગરના પૈણેલા તે બહુ સારા ચાલે છે. કારણ કે કુદરતે આપેલું છે, અને પેલું પોતે ડહાપણ કર્યું છે. એક છોકરાએ કહ્યું એના ફાધરને કહેતો હતો, હમણે જ. પૈસાવાળો, સારા કુટુંબનો. તે છોકરો એના ફાધરને કહે છે, 'મારે પૈણવું નથી.' એ તો પછી એના ફાધર દેખાડે, છતાં આ નાપાસ કરે. પછી એના ફાધર કહેવા લાગ્યા કે, 'આ છોકરો આવું કરે છે. એને કંઈ રસ્તો કરી આપોને.' મેં છોકરાને કહ્યું, 'વ્યવસ્થિત નથી ? તને વહુ લઈ આપે એ વ્યવસ્થિત નહીં હોય ?' ત્યારે કે, 'હા, મને વ્યવસ્થિત ઉપર બહુ ખાતરી છે.' મેં કહ્યું, 'ખાતરી હોય તો પૈણને આપણે પાસ કર્યા વગર. જે જ્ઞાન ઉપર ખાતરી છે, એ જ્ઞાનથી જ ચાલને ! આપણને અહીંથી જઈએ છીએ તે કયા આધારે ચાલીએ છીએ ! ગાડી અથડાશે નહીં એ આધારે ચાલીએ છીએ ને ! કો'ક દહાડો અથડાયે ખરી પણ કંઈ રોજ અથડાય ? માટે આશરે ચાલને તારી મેળે.' પછી મેં કહ્યું, 'ફાધરને તું કહી દે કે તમે પાસ કરી લાવો એ મારે પૈણવાની.' પેલા ફાધર પાસ કરીને લાવ્યા. ને એણે તરત કહી દીધું કે, 'તમે જે પાસ કરી લાવો એ મારે પૈણવાનું.' તે પૈણ્યા પછી એ મને કહે છે કે, 'સહેજ કલર આવો છે.' મેં કહ્યું, 'એ ક્યાં

જોયું પાછું તે ! કેરી મીઠી છે કે નહીં એ તપાસને !' કલર તો કોઈની કેરીનો જરાક લીલો દેખાય સહેજ, બહુ પીળા ના દેખાતા હોય તો, તે એ પછી કેરી ચાખી ચાખીને તો, 'કેરી બહુ સારી નીકળી' કહે છે. ત્યારે મેં કહ્યું 'હા.' એના ફાધરે ય ખુશ થઈ ગયા, કે, 'ઓહોહો ! આ છોકરાને તમે આટલું બધું આપ્યું !'

વસ્તુ છે તે જોયા પછી સારી નીકળે, ગેરેન્ટી લખેલી હોય ઉપર. વસ્તુ ઉપર ગેરેન્ટી લખેલી હોય, વર્ષ દહાડો ચાલશે કે પાંચ વર્ષ ચાલશે. બીજી વસ્તુ હોય તો આપણે જાણીએ કે આ વસ્તુ આવી જ હશે અને આ વસ્તુનું શું ખબર પડે મહીં ખોલીએ ત્યારે ?

પ્રશ્નકર્તા : કશી ખબર ના પડે.

દાદાશ્રી : એટલે ઉપર રૂપાળું દેખાતું હોય તે મહીં ખરાબ જ નીકળે. કચરો જ નીકળે.

કોઈ ગામ જવું છે, તે આપણે જતા હોઈએ ને ત્રણ રસ્તા આવે, તો કયા રસ્તા ઉપર જવું ? આપણે શું કરવું ?

પ્રશ્નકર્તા : સીધા જવાનું.

દાદાશ્રી : સીધું ! ના, ના. ત્રણ રસ્તા છે, એમાં કયો રસ્તો સાચો આપણા ગામ જવું છે તે ?

પ્રશ્નકર્તા : ના, ખબર ના પડે તો.

દાદાશ્રી : તો પછી તું દેખાડું એ પ્રમાણે આ બે ચલાવે કે એમના દેખાડ્યા પ્રમાણે તું ચાલું ?

પ્રશ્નકર્તા : એ લોકો કહે એ પ્રમાણે.

દાદાશ્રી : હં. માટે આમાં કોઈને પૂછીએ આપણે. લગ્નની બાબતમાં તારે જોવાનો અધિકાર છે પણ એમને પણ પૂછીએ કે આ જાતની કેરીઓ તમે પહેલાં ખાધેલી, તે તમને પહેલાં કોઈ વખત ખરાબ નીકળેલી ? ત્યારે એે જાણે કે આ તો ખાટી નીકળે. તું ના ખઈશ તો સારું ને પહેલેથી ! કેરીઓ બધાએ પહેલાં ખાધેલી. આ લોકોએ ને તારે જ નવી ખાવાની છે. રાતનો એક વાગ્યો હોય અને સગોવહાલો આવ્યો હોય તે કહે, મારે અમુક જગ્યાએ જોવા જવું છે. તો એને એકલાને જવા દે. પણ તને એકલીને જવા દે ?

પ્રશ્નકર્તા : મને એકલી ન જવા દે, કોઈ સાથે.

દાદાશ્રી : એ સારી વાત છે ને, ન જવા દે તે સારું કે ખોટું ?

પ્રશ્નકર્તા : સારું.

દાદાશ્રી : હં.... એવું બધું સમજવું પડે બધું. રીંગણાનું ય શાક બનાવતા આવડવું જોઈએ. બધું આવડવું જોઈએ કે ના આવડવું જોઈએ ?

સમજવાની બાબત હોય છે. એટલે વિચારજે, આ કંઈ તારા હિતમાં હશે કે અહિતમાં હશે ? તારા માટે પૂરેપૂરા હિતમાં કે થોડા અહિતમાં ખરાં ?

પ્રશ્નકર્તા : પૂરેપૂરાં.

દાદાશ્રી : આ તો તારું મન પૂરેપૂરું તારા હિતમાં નથી હોતું. આ બધાં તો હિતમાં પૂરેપૂરાં હોય છે. તારું મન ઘણા ફેરા જૂઠું પણ કરે છે ? કોઈ દહાડો કનિંગનેસ કરે છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : હા, એ મનના કનિંગનેસ કરતાં આ બધા લોકો કનિંગનેસ નહીં કરે. એટલે બધું પૂછવું આપણે, પૂછ્યા વગર કેમ થાય તે ? છોકરો તો એમ જાણે કે બાપ શું જાણે એમાં. મારે જો પૈણવાનું તેમાં ! અલ્યા મૂઆ બાપે ખાધેલી હોય બધી જાતની કેરીઓ, રત્નાગિરી બીજી બધી. એ ખાટાં નીકળેલા હોયને, પારસણો પૈણી લાવે છે મૂઆ. મને કહે છે ગોરી ગપ છે. મૂઆ કાપીશ તે ખાટી નીકળશે. પહેલે દહાડે જ નહીં ખવાય તારાથી, પછી એની જોડે શી રીતે વર્ષ દહાડો કાઢીશ તું ? આપણી ખોળી લાવેલી...!

કાળો કહી કેન્સલ કરે;

પછી પસ્તાય ખોયો અરે!

આપણા એક મહાત્માની છોકરી શું કરે ? એનાં ફાધરને કહે છે કે 'મને આ છોકરો નથી ગમતો.' હવે છોકરો ભણેલો-કરેલો. હવે ફાધરનું, મધરનું દીલ ઠરે એવો, બધાનું દીલ ઠરે એવો. એટલે પેલા ફાધરને અકળામણ થઈ ગઈ કે મહાપરાણે આવો સારો છોકરો જડ્યો ત્યારે પાછી છોડી ના પાડે છે.

થાકેલો માણસ પછી બાવળીયાના નીચે બેસે. થાકેલો માણસ તે ક્યાં બેસે ? બાવળીયા નીચે ! ત્યારે શું થાય તે ?! પછી એમણે મને કહ્યું. એટલે મેં કહ્યું, 'એ છોડીને મારી પાસે બોલાવો.' મેં કહ્યું, 'બેન શું વાંધો આવ્યો મને કહેને. શું વાંધો છે ? ઊંચો પડે છે ? જાડો પડે છે ? પાતળો પડે છે ?' ત્યારે કહે, 'ના. જરા બ્લેકીશ છે.' મેં કહ્યું, એ તો હું ઊજળો કરી નાખીશ, બીજું કશું તને નડે છે ? ત્યારે કહે, 'ના, બીજું કશું ય નહીં.' ત્યારે મેં કહ્યું, 'તો હા પાડી દેને. પછી ઊજળો હું કરી આપીશ.' પછી એ છોડી એના પપ્પાજીને કહે છે, 'તમે દાદાજી સુધી મારી ફરીયાદ કરો ?' તો શું કરે ત્યારે ?!

પૈણ્યા પછી મેં કહ્યું, 'બેન ઊજળો કરવા સાબુ મંગાવંુ કે ?' ત્યારે બેન કહે છે, 'ના દાદાજી, ઊજળો જ છે.' વગર કામનું બ્લેકીશ, બ્લેકીશ ! એ તો બ્લેક કંઈ ચોપડે તો કાળો દેખાય જરા અને યલ્લો ચોપડે તો યલ્લો દેખાય ! બાકી છોકરો સારો હતો. મને સારો લાગ્યો. એને જવા કેમ દેવાય ? પેલી શું જાણે ? મોળો છે જરાં. કરી નાખજે પછી, પણ આવું ફરી નહીં મળે !!

દાદાના જ્ઞાન સાથે લગન;

એડજસ્ટ થા કર આત્મરમણ!

પ્રશ્નકર્તા : હું દાદાના જ્ઞાનમાં રહું અને દાદાના જ્ઞાનથી 'હું ને બોડી જુદાં છે' એવી રીતે રહું. પછી ધારો કે મારું લગ્ન થાય, મને પૈણાવે મા-બાપ અને એ જે લોકોને ત્યાં જઉં, એ છોકરો કે કોઈ માનતું ના હોય દાદાની વાતને, તો પછી હું કેવી રીતનાં એડજસ્ટ થઉં, કેવી રીતના લાઈફ પસાર કરું ?

દાદાશ્રી : દાદાની વાત માને કે ના માને, આપણે શું લેવાદેવા ! એ જરથોસ્તનેે માનતો હોય તો ય આપણે શું ?

પ્રશ્નકર્તા : એ લોકોના વિચારો જુદાં ના પડી જાય ?

દાદાશ્રી : બિલીફ તો સેપરેટ જ હોય, કો'ક જ જગ્યાએ બિલીફ મળતી આવે. નહીં તો એક બ્રાહ્મણ ને એક જૈન ચાલ્યા કરે !

પ્રશ્નકર્તા : તો ય એક થઈ ગયા છે.

દાદાશ્રી : હા, દાદાની પાસે એક થઈ ગયા જુઓને !

ડેટીંગ ભારતીયોથી કરાય?

જંગલી જીવન ફ્રેન્ડ બદલાય!

પ્રશ્નકર્તા : ઇઝ ડેટીંગ એ સીન ? ડેટીંગ એટલે આ લોકો, છોકરીઓ છોકરાઓ સાથે જાય બહાર અને છોકરાઓ છોકરીઓ સાથે બહાર જાય, તો એ પાપ છે ? એમાં કંઈ વાંધો છે ?

દાદાશ્રી : હા. છોકરાઓ સાથે ફરવાની ઇચ્છા થાય તો લગ્ન કરી લેવું. પછી એક જ છોકરો નક્કી કરવો. એક નક્કી થયેલો હોવો જોઈએ. નહીં તો એવો ગુનો નહીં કરવો જોઈએ, જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી આપણે છોકરાઓ જોડે ફરવું નહીં જોઈએ.

પ્રશ્નકર્તા : અહીંયા તો એવું છે કે છોકરા-છોકરીઓ ચૌદ વર્ષના થાય એટલે પછી બહાર જાય ફરવા. પછી છે તો મેળ પડે. એમાંથી આગળ પણ વધે. એમાં પછી કોઈને કંઈક બગડી જાય, એકબીજાને મેળ ના પડે તો પાછા બીજા છોકરા જોડે ફરે. પછી એની જોડે ના પડે તો ત્રીજા, એમ કરતું ચક્કર ચાલે અને એક સાથે બે-બે, ચાર-ચાર જણાં જોડે ય ફરે.

દાદાશ્રી : ધેટ ઈઝ અ વાઈલ્ડનેસ, વાઈલ્ડ લાઈફ !

પ્રશ્નકર્તા : તો શું કરવું એ લોકો એ ?

દાદાશ્રી : એક છોકરાને સિન્સિયર રહેવું જોઈએ અને છોકરો આપણને સિન્સિયર રહે, એવી લાઈફ હોવી જોઈએ. અન્સિન્સિયરલી લાઈફ એ રોંગ લાઈફ છે.

પ્રશ્નકર્તા : હવે એમાં થાય એવું કે સિન્સિયર કેમનો રહે ? એક છોકરા જોડે ફરતા હોય, પછી પાછું એમાંથી અન્સિન્સિયર છોકરો થઈ જાય કે છોકરી થઈ જાય.

દાદાશ્રી : તો ફરવાનું જ બંધ કરી દેવું જોઈએ ને ! લગ્ન જ કરવું જોઈએ. આફ્ટર ઓલ વી આર ઇન્ડીયન. નોટ વાઈલ્ડ લાઈફ.

આપણે લગ્ન કર્યા પછી આખી જીંદગી સાથે સિન્સિયરલી રહીએ છીએ બેઉ સાથે. એટલે જો સિન્સિયરલી રહેવું હોય તો પહેલેથી બીજા માણસની ફ્રેન્ડશીપ નહીં હોવી જોઈએ. બહુ કડક રહેવું જોઈએ. એમાં કોઈ છોકરા સાથે ફરવું નહીં જોઈએ અને ફરવું હોય તો એક છોકરો નક્કી કરો કે ભઈ આની સાથે લગ્ન કરીશ. મા-બાપને કહી દેવું કે હું લગ્ન કરીશ તો આની જોડે જ કરીશ, મારે બીજાની જોડે કરવું નથી. અનસિન્સિયર લાઈફ ઈઝ વાઈલ્ડ લાઈફ.

મિત્ર પણ સિન્સિયર ઘટે!

રૂપાળા પણ દગાબાજને શું કરે?

પ્રશ્નકર્તા : આપણે કોઈ છોકરાની જોડે અત્યારે ડેટીંગ કરવાનું બંધ કરી દઈએ, પણ પાછું પાંચ વર્ષ પછી પણ એની જોડે જ પરણવું હોય તો શું ?

દાદાશ્રી : એ તો સામો હા પાડે તો થાય ને ! સામી પાર્ટી હા પાડે તો થાય. પહેલાં સેટલ કરવું જોઈએ આપણે. હું પરણીશ પાંચ વર્ષ પછી એવું નક્કી કર્યા પછી !

પ્રશ્નકર્તા : એટલે એવું નક્કી ના કર્યું હોય તો ?

દાદાશ્રી : નક્કી ના કર્યું હોય તો, આપણે પૈણી જવું, બીજે ગમે ત્યાં આગળ, ગમે તે જોડે. દગા-ફટકામાં પડવું, તેનાં કરતાં ગમે ત્યાં પૈણવું સારું. દગા-ફટકામાં તો, આખી જીંદગી દગો-ફટકો જ રહ્યા કરવાનો. આપણે એને બહાર ખોળવા જવું પડે ધણીને, એ ક્યાંય ગયો હોય મૂઓ !

પ્રશ્નકર્તા : મીટ ના ખઈએ, દારૂ ના પીએ એ સારું ? આપણે બેમાં કયું ખરાબ ? દારૂ પીવું, મીટ ખાવું એ ખરાબ કે પછી ડેટીંગ ખરાબ ?

દાદાશ્રી : બેઉ, બેઉ ખરાબ.

પ્રશ્નકર્તા : ડેટીંગ ખરાબ કે આ ખરાબ ?

દાદાશ્રી : ડેટીંગ તો બહુ જ ખરાબ. ડેટીંગને લીધે તો નર્ક ગતિ. એ બધી એક જ લાઈન, બધી ખરાબ વળી. એમાં ડેટીંગથી નર્ક ગતિ.

પ્રશ્નકર્તા : હું હવે છે તો ડેટીંગ છોડી દઉં છું. તો હવે હું પાછો સ્વર્ગમાં જઈ શકીશ. નર્કમાંથી હું બચી જઈશ ?

દાદાશ્રી : હા, મને ખાતરી થઈ જશે તો !! હું બધી પછી એની વિધિ કરી આપીશ. મને ખાતરી થાય કે ત્યાર પછી, પેલાની વિધિ મારી પાસે હોય છે. બે-ચાર ઉપવાસ કરાવડાવીએ, બીજું કરાવડાવીએ, બધું કરાવડાવીએ અને પછી વિધિ કરી આપીએ. એ દેવને બોલાવા પડે. દેવ પાછા સમું કરી આપે. બધું કરી આપે. એ બધું કરી આપીએ. પણ મને ખાતરી થવી જોઈએ.

પ્રશ્નકર્તા : તમને ખાતરી આપવામાં મને કેટલો વખત જોઈશે !?

દાદાશ્રી : ના. એ તો બધું મને પોતાને ખબર પડી જશે. હું બધું તપાસ કરું ને બધું !!!

પ્રશ્નકર્તા : ધારો કે કોઈની જોડે આપણે એગ્રીમેન્ટ કર્યું છે, કે આપણે પાંચ વર્ષ પછી પૈણીશું એવું નક્કી કર્યું, ત્યાર પછી એની જોડે ફરાય ખરું !?

દાદાશ્રી : એ સાચો હોય તો ફરાય. નહીં તો દગાખોર હોય તો નહીં ફરવું. બીજા લોકોને દગા દીધા હોય, એ માણસને દગાખોર કહેવાય. તે દગાખોર એની જોડે ફરવું નહીં. ઓછી આવડતવાળા હોય તો વાંધો નહીં. રૂપાળો ઓછો હોય તો વાંધો નહીં. પણ સિન્સીયર જોઈએ. સિન્સીયર હોય તો ચાલે, આપણા કહ્યા પ્રમાણે ચાલે.

રૂપ કરતાં ચારિત્ર ઊંચું;

સુખી થવા આ સમજ સાચું!

પ્રશ્નકર્તા : આંખ કરતા ચારિત્ર મોટી વસ્તુ નથી ?

દાદાશ્રી : ચારિત્ર બહુ ઊંચી વસ્તુ, ચારિત્ર ક્યાં જુવે છે લોકો ? અત્યારનાં લોકો તો બાહ્ય જ પ્રદર્શન જુએ, આંખનું એ બધું રૂપ જુએ છે, ચારિત્ર જેવી કોઈ વસ્તુ જ નથી સમજતા !

પ્રશ્નકર્તા : મારો પોઈન્ટ ત્યાં જ આવીને અટકી જાય છે !

દાદાશ્રી : ખરું કહે છે. ચારિત્ર ખોળે ત્યારે તો બહુ સારું છે. પણ પહેલા બધા કાઢી મેલ્યાં તેમનું 'ચારિત્ર નથી' એવું કેમ માની લઉં ? ગેટઆઉટ કર્યા બધાને, એ કેટલા જણને ગેટઆઉટ કરી નાખ્યા ?

પ્રશ્નકર્તા : એ તો એનો ય મને પસ્તાવો થાય છે. અત્યારે એ વસ્તુ જુદી જ થઈ ગઈ.

દાદાશ્રી : એ ઊંચું મૂકી દો આપણે, પણ તે દા'ડે ચારિત્ર જોતી'તી કે બીજું કંઈ જોતી'તી ?

પ્રશ્નકર્તા : ત્યારે તો એવું જ હતું કે લગ્ન નથી જ કરવું. અત્યારે પ્રોબ્લેમ વર્તમાનનો છે. ત્યારનું હવે 'લેટ ગો' જ કરી નાખવાનું એ મારી ભૂલ થઈ ને એનો પસ્તાવો કરું છું.

દાદાશ્રી : હવે પસ્તાવો થયો, પણ હવે જેવું ચારિત્ર ખોળીએ એવું ના થાય ને હવે ! અને થઈ ય જાય એની પુણ્યૈ હોય તો માટે રાહ જોવી આપણે. આંખનું ના ગમતું હોય પણ ચારિત્રનું હોય તો ચાલે ખરું ?

પ્રશ્નકર્તા : આંખનું એકદમ જ ખરાબ હોય એવું નહીં, સાધારણ હોય. પણ એ ભણેલો-ગણેલો હોય, કમાતો, નોકરી-ધંધાવાળો હોય એવો ચાલે.

દાદાશ્રી : હા, સાધારણ, સાધારણ ! ચારિત્ર તો બહુ મોટી વસ્તુ છે. ચારિત્ર ખોળે એ બહુ મોટી વસ્તુ છે. સારી વસ્તુ કહેવાય.

ચારિત્ર ખરાબ હોય, વ્યસની હોય. બધી જાતની ઉપાધિઓ હોય. વ્યસની ગમે કે ના ગમે ?

પ્રશ્નકર્તા : બિલકુલ નહીં.

દાદાશ્રી : અને ચારિત્ર સારું હોય ને વ્યસની હોય તો ?

પ્રશ્નકર્તા : સિગરેટ સુધી ચલાવી લેવાય.

દાદાશ્રી : ખરું કહે છે, ત્યાં સુધી નભાવી લેવાય, પછી આગળનું શી રીતે, પેલું બ્રાંડીના કપ ભરીને પીવે, શી રીતે પોષાય ? સીગરેટ સુધી ચલાવી લેવાય, બરોબર છે ! ખરી વાત છે ! એનું હદ હોય, સીગરેટ સુધી ચલાવી લેવાનું ! અને ચારિત્ર તો બહુ મોટી વસ્તુ છે. તું માનું છું બેન, ચારિત્રમાં ? ચારિત્રને પસંદ કરું છું તું ?

પ્રશ્નકર્તા : એના વગર જીવાય જ કેમ ?

દાદાશ્રી : હા, જુઓ, આટલું હિન્દુસ્તાનની સ્ત્રીઓ, છોકરીઓ સમજે ને તો કામ કાઢી નાખે. ચારિત્રને જો સમજે તો કામ કાઢી નાખે.

પ્રશ્નકર્તા : અમારા આટલા ઉચ્ચ વિચારો સારા વાંચનથી થયા છે.

દાદાશ્રી : ગમે તેના વાંચનથી, આટલા સંસ્કાર પડ્યા ને ! સારા વિચારોના !

લગ્ન જીવન હોય સિન્સિયર;

હક્કની સિવાય ન ઊઠે બીજે નજર!

મેરીડ લાઈફ સિન્સિયર હોવી જોઈએ. કોઈ બીજા પુરુષને જુએ નહીં કે બીજી સ્ત્રીને જુએ નહીં એવી હોવી જોઈએ. નહીં તો પછી લાઈફ જ નથીને ! પછી તો ગાયો-ભેંસો જેવું જ થઈ ગયું.

પ્રશ્નકર્તા : આપણને 'છોકરો પવિત્ર છે કે નહીં' એ કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : હોય જ નહીં, ક્યાંથી હોય તે ! એવી આશા શું કરવા રાખીએ ! આપણે જાણીએ કે આ નાની ઉંમરનો છે એટલે બહુ બગડેલો નહીં હોય, બે-ચાર વખત બગડેલો હશે, બે-ચાર જગ્યાએ, આખલા જેવો નહીં હોય ! એવું જાણે કે બહુ મોટી ઉંમરનો હોય તો આખલા જેવો હોય, સો જગ્યાઓ ફરેલો હોય. એટલે નાનપણમાં પૈણી જવું આપણે, નહીં તો પછી કુંવારા રહેવું સારું ! નહીં તો દગા છે પછી આ તો બધા ! દગા !!! સ્ત્રી આમ દગો દે. પુરુષ આમ દગો દે. બધા દગાખોર જીવન જીવે. એમાં જીવન જીવવાનું એના કરતાં.... ભઈ શું કહે છે ?

પ્રશ્નકર્તા : હવે દાદા, એવું થયું છે કે આ છોકરીઓ ભણવા માંડી છે એટલે કેરીયર બનાવવું છે. એટલે ત્રીસ-પાંત્રીસ વર્ષ પછી પરણવાની વાત કરે છે પછી છોકરા થાય તો ઠીક છે, ન થાય તો કંઈ નહીં. હવે આ સૂઝ્યું છે અહીંયા.

દાદાશ્રી : પણ કેવી ખરાબ રેચડ લાઈફ (રૂશ્વફૂદ્દણૂત્ર્ફૂફુ), ત્યાં સુધી બધા અઢાર તો ધણી કર્યાં હોય !

એક બેનને મેં પૂછયું હતું, તો કહે છે કે મેં પચ્ચીસ ધણી તો કરી નાખ્યા છે. મારે મોંઢે કહી દે બધું સાચેસાચું ! લાઈફ શા કામની ?! એ બે-ચાર ધણી કર્યા હોય ને પૈણી જઈએ તો નિકાલ થઈ ગયો. ફરી આપણે શરત કરીએ કે ભઈ હવે જો કોઈ ધણી નહીં કરવાનો નવો. શરતથી બંધાઈએ, એગ્રીમેન્ટ હોવું જોઈએ. નહીં તો જાનવરમાં ને આમાં ફેર શું ?!! એનીમલ લાઈફમાં શું મજા આવે ! એનીમલ લાઈફ સારી કહેવાય ?! બેન, શું તું કહું છું ? એનીમલ લાઈફ સારી કહેવાય ?! લાઈફ મનુષ્યની હોવી જોઈએ.

પ્રશ્નકર્તા : આ જવાનીયાઓને તો નવી જ સૂઝી છે, હવે પરણવાની જરૂર નથી, કહે છે. સાથે રહેવાનું, પરણવાની શી જરૂર છે, કહે છે ! એવાં કોન્ટ્રાક્ટ નીકળ્યા છે, દાદા.

દાદાશ્રી : એ પણ પૈણે નહીં, તો પેલો છોકરો બીજી છોકરી જોડે ફરતો હોય. પછી આ જુએ ત્યારે કહેશે, આ તો સાલુ આવું તો બ્રેક ડાઉન થઈ ગયું. આ નર્યું બ્રેક ડાઉન છે. પૈણો તો ય બ્રેક ડાઉન. માટે પૈણી અને એગ્રીમેન્ટ કરી લો બરાબર. જ્યાંથી સડી ગયું, ત્યાંથી અટકાવો. સડતું અટકાવો. આ તો બધું બ્રેક ડાઉન છે. હવે તો પૈણવાની જ મજા ક્યાં છે ? બધા દગા-ફટકા ! બ્રેક ડાઉન !

એટલે તારે પૈણવું હોય તો, તું મને કહે કે મેં છોકરો ખોળી કાઢ્યો છે. હું તને પૈણાવી આપું. પછી એની અત્યાર સુધી બે-ચાર ભૂલ થઈ ગઈ હોય, તે એને કબૂલ કરાવીએ તું તારી ભૂલ થઈ હોય તે કબૂલ કરે અને પછી માફ કરે અને પછી નવેસરથી એગ્રીમેન્ટ ! હું આવું કરાવડાવું છું.

પ્રશ્નકર્તા : સરખી ઉંમરે પૈણી જવું જોઈએ. કારણ કે પછી જેમ જેમ લંબાતું જાય એમ છોકરાઓ ના મળે.

દાદાશ્રી : હા. પછી રખડી મરવાનું બધું.

પ્રશ્નકર્તા : મોટી ઉંમરના છોકરાઓ શોધવાના પણ અઘરા છે આજે. એ ઉંમરનાં પછી છોકરા બાકી રહે નહીં ને, પૈણ્યા વગરવાળા ! શોધવાનું અઘરું પડે, તકલીફ પડે.

દાદાશ્રી : તકલીફ પડે. માટે ઊંચો મૂકી દે કેસ જ ? કંઈ પૈણવાથી જ સુખી થઈ જાય છે એવું કંઈ નક્કી છે ! આ બધા પૈણેલા જ છે ને તો ય જો મોઢાં ઉપર દિવેલ બધા ફરી વળ્યા છે ને કે નહીં ફરી વળ્યા ? પૈણવાનું એ તો વસ્તુ બધી હેલ્પીંગ છે, બીજું કશું નહીં કે ભઈ હું બહારથી કમાઈ લાવું અને તું છે તે આ કરજે. બીજું પૈણવાનું એ કંઈ એમાં સુખ છે ! એ તો ના છૂટકે ! બે-ત્રણ કુરકુરિયા પાછા જોડે ફેરવો. જોને કો'ક પગને બચકાં ભરે બળ્યાં ! અરે, આ તો કંઈ લાઈફ છે !

પહેલાં પંદર વર્ષે પૈણતા હતા ને, તો સ્ત્રીએ બીજા પુરુષનું મોઢું ના જોયું હોય, પુરુષે બીજી સ્ત્રીનું મોઢું ના જોયું હોય, એ લાઈફ કહેવાય. એ અમારા વખતમાં લાઈફ, બિલકુલ સિન્સિયર લાઈફ !

પ્રશ્નકર્તા : દાદા. મારા બાને પૈણ્યે સાઠ વર્ષ થયા. મેં સવાલ પૂછયો એમને, તે વખતે મને લાગે છે, એ ચુમોતેર વર્ષના હતા. મેં કહ્યું, તમને કોઈવાર બીજો ધણી પસંદ કરવાની ઇચ્છા થઈ ગઈ હતી ?! ના, બીજો વિચાર જ નથી આવ્યો, કહે છે !

દાદાશ્રી : જોયો જ ના હોય, વિચાર જ ના આવે. કારણ કે પંદર વર્ષે જ પૈણી જાય.

પ્રશ્નકર્તા : પંદર વર્ષે જ પૈણી ગયા હતા રાઈટ.

દાદાશ્રી : આ મોટી ઉંમર લોકોએ નક્કી કર્યું એટલે !

પ્રશ્નકર્તા : પણ એવા વિચાર પણ ક્યાંથી ઉત્પન્ન થયા ?

દાદાશ્રી : ના, પેલામાં શું થયું હતું, લાઈફ ટૂંકી થઈ ગઈ હતી. લાઈફ શોર્ટ થઈ ગઈ હતી. તે લાઈફ લોંગ કરવા માટે કર્યો આ રસ્તો લોકોએ ! આ તો મોટી ઉંમર થઈને પંદર વર્ષની ઉપર, એટલે બગડે જ હંમેશા, એ નિયમ છે એવો. પણ શરીરનું બંધારણ સારું રહે, બંધારણ સારું થાય. આ તો અત્યારે કંઈ લાઈફ છે !

કેટલીક બેનો તો મને કહે છે, અમારે બ્રહ્મચારી રહેવું છે. આ તે પોસાય જ નહીંને, કહે છે. આવા દગાખોર ભઈબંધો, ભાગીદાર બધા. આપણે રોફથી ધર્મધ્યાન કરતા હોય તો તે દગાખોર એની ફ્રેન્ડને તેડીને આવે, લે ! એટલે પછી મહીં શું બળતરા ઊભી થાય. માટે નક્કી કરી નાખ ઝટપટ. અમે આવતી સાલ આવીએ તે ઘડીએ તમે બેઉ સાથે મારી જોડે આવજો. જેવો મળે એવો ચલાવી લેવાનો હવે. નક્કી કરી નાખ.

એ ધારે, નક્કી કરે ત્યારે પૈણી જાય. રાહ જોઈશું તો મજા નહીં આવે ! નહીં તો નક્કી કર કે હવે નથી પૈણવું, એવું નક્કી કરી નાખ.

બાકી આ તો દગા-ફટકા છે. તમને બધાંને ના દેખાય. મને તો દેખાય બધું. નર્યા દગા-ફટકા બધા છે અને દગો હોય, ત્યાં સુખ ના હોય કોઈ દહાડો ય ! સિન્સીયર રહેવું જોઈએ. આપણી પૈણ્યા પહેલાં ભૂલો થઈ હોય. એ બેઉ જણની એક્સેપ્ટ કરી દેવડાવીએ અમે અને પછી એમને એગ્રીમેન્ટ કરી આપીએ એ ફરી સિન્સીયર. જોવાનું નહીં બીજી જગ્યાએ. ગમે કે ના ગમે પણ પછી સિન્સીયર રહેવાનું. આપણી મધર ના ગમતી હોય. તો પણ એને સિન્સીયર રહીએ છીએ ને ! એનો સ્વભાવ ખરાબ હોય મધરનો, તો ય સિન્સીયર રહીએ છીએને !

સારાને ના કહી, મારી તરછોડ;

ભોગવ ફળ, મરે પૈણવાના કોડ!

પહેલાં કંઈ સારું આવ્યું હોય ને ઉડાડી મેલ્યું એવું બન્યું નથી ?

પ્રશ્નકર્તા : એવું બન્યું છે.

દાદાશ્રી : તેનું આ ફળ છે. તને સમજ પડીને ?

પ્રશ્નકર્તા : મેં બહુ ના પાડી છે, એટલે મને હવે પસ્તાવો થાય છે.

દાદાશ્રી : એક-બે કેસમાં આવું એને તરછોડ વાગેલીને, તેનું આ બધું ફળ આવેલું છે. હવે એ તો ફળ તો ભોગવ્યે જ છૂટકો છે ને ?! તે દા'ડે શા માટે એવું કરતી'તી ? કે મનમાં એવી ખુમારી રહેતી'તી ? ના, એમ નહીં, ખુલ્લું કરને, એમાં વાંધો શો છે ?

પ્રશ્નકર્તા : મનમાં એવું હતું કે નથી જ કરવું એમ.

દાદાશ્રી : શું કારણથી નથી કરવું ?

પ્રશ્નકર્તા : કંઈ જ કારણ નથી.

દાદાશ્રી : તને એવું લાગતું'તું, આ છોકરાઓ બધા તડબૂચાં જેવા છે. એવું લાગતું'તું ? ના, એક છોડીને એવું લાગતું'તું. છોડી મને મળીને તે કહે છે, આમાં ભલીવાર નથી લાગતો.

પરણતાં પહેલાં, પૂછી જા દાદાને;

સુખી થશે, જો પસંદગી સાદાને!

એવું આપણે મુશ્કેલી આવે તો મારી પાસે આવવું. ને કહી જવું કે આ મુશ્કેલી આવી છે.

પ્રશ્નકર્તા : હું તમને આવીને મારું દુઃખ કહું તો તમને ચિંતા થાય ને કે મારી છોડીને આવું દુઃખ પડ્યું !

દાદાશ્રી : મને ચિંતા થતી હશે ? અમને ચિંતા-બિંતા ના થાય. હા એને ડાહ્યોડમરો કરી આપીએ.

પ્રશ્નકર્તા : પછી તમે પપ્પાને કહો એટલે પછી પપ્પાને ચિંતા થાય.

દાદાશ્રી : ના. હું પપ્પાને કહું જ નહીંને, હું તો આ પ્રાઈવેટ રાખું.

પ્રશ્નકર્તા : તો હું તમને બધી વાત કરીશ.

દાદાશ્રી : તું મને પ્રાઈવેટ કહે. મને જે કોઈ પણ માણસ પ્રાઈવેટ કહી જાય, એ હું કોઈને ય નથી કહેતો. કશું જ કોઈ જાણે નહીં. નહીં તો એ માણસ તો આપઘાત કરે. પોતાની આબરૂ ગઈ તે બદલ. એટલે એવું કહેવાય નહીં કોઈને ય. અમે બધું આખી દુનિયાનું ખાનગી ભરી રાખ્યું છે, મહીં બધાં ય સીલ્લક ! આમ જોઉં એટલે ખબર પડી જાય કે આ પેલો આવ્યો હતો.

એટલે અમે પપ્પાને કોઈને કહીએ નહીં. મમ્મીને ય ના કહીએ ને પપ્પાને ય ના કહીએ. ઊલટું એમ કહીએ કે આનો ધણી, છોકરો બહુ સારો છે.

ઘડભાંજ-ભાંજઘડ એ અમારું કામ જ નહીં. તને એમ લાગ્યું આ 'દાદા' ભાંજઘડીયા છે, એમ ?

છોડી ગોઠવે વ્યૂહ પૈણતાં પહેલાં;

તૂટે ચારિત્રબળ, ને તલ્લાક મળેલાં!

પ્રશ્નકર્તા : સંસાર વ્યવહારમાં પૂર્વના કર્મોદયે જે થયાં હોય તે મુજબનું ચાલતું હોય બધું એમાં કોઈ પ્રપંચ માલમ પડ્યો કે આપણી સામે આ પ્રપંચ થઈ રહ્યો છે તો એની સામે કઈ ભૂમિકાથી ઊભા રહેવાય ? 'સમભાવે નિકાલ' કરવા માટે ?

દાદાશ્રી : વાંકો ધણી મળ્યો છે તો એને કેમ કરીને જીતવો ? કારણ પ્રારબ્ધે લખેલો તે છોડે નહીં ને ! ને આપણું ધાર્યું થાય નહીં એવું આ જગત. તો મને કહી દે જે કે, 'દાદા ધણી આવો મળ્યો છે.' તો તને તરત જ હું બધું રીપેર કરી આપીશ અને તને ચાવી આપી દઈશ.

ઔરંગાબાદમાં એક મુસલમાનની છોકરી આવી, મેં પૂછયું, 'શું નામ ?' ત્યારે કહે છે, 'દાદાજી, મારું નામ મશરૂર.' મેં કહ્યું, 'આવ. અહીં બેસ પાસે, કેમ આવી તું ?' ત્યારે કહે, 'મારો ભાઈ દાદાજીનાં બહુ જ વખાણ કરે છે, દાદાજી, દાદાજી, દાદાજી, દાદાજી. ત્યારે મારા મનમાં એમ થયું કે દાદાજી તે કેવાં હશે ?' ત્યારે મેં કહ્યું, 'આ છે એવા, જો ને આ દાદાજી છે !' એ જાણે કે દાદાજી કેવા પટીયાં પાડતા હશે.' ને કેવા થોભિયાં રાખ્યાં હશે ને કેવા અહીં આગળ ! એનો ભાઈ શાથી વખાણ કરે ? એના ભાઈને જ્ઞાન આપ્યું હતું. તે પછી જ્ઞાન લઈને અહીંથી સીધો ઈરાક ગયો. ઈરાક દસેક હજાર રૂપિયાનો પગાર મળતો હશે. તે એની બેન પૈણવાની થઈ ત્યારે પાછો આવ્યો. હવે અહીંથી જ્ઞાન લઈને ગયો. પછી મને મળેલો જ નહી.ં પણ પાછો આવ્યો ત્યારે ઘેર આવીને દાદાજીનાં વખાણ કરવા માંડ્યો કે, 'દાદાજી છે ને મારે દાદાજીનાં દર્શન કરવાના છે.'

પ્રશ્નકર્તા : એ કહે છે, ઇરાકનું યુદ્ધ ચાલતું હતું. તે વખતે આજુબાજુ બધે બૉમ્બાર્ડીંગ થયા, તે વખતે બધે સળગે. પણ મને કશી અસર નહોતી થઈ. દાદાજીનું જ્ઞાન હાજર રહ્યું કે 'વ્યવસ્થિત છે, હું શુદ્ધાત્મા છું.'

દાદાશ્રી : હા. ત્યાં દાદાજી હાજર રહેતા હતા. તે પછી એની બેન તો ભડકી કે એવા દાદાજી ત્યાં રક્ષણ કરે છે ? એટલે બેન આવી દર્શન કરવા કે તારા ગુરુ કેવા છે, તે મારે જોવા આવવું છે. એ 'જ્ઞાની પુરુષ' કેવા છે ! તે આવી. પછી આવીને એનાં મનમાં ઠીક લાગ્યું, જરા જોતાંની સાથે જ ઠીક લાગ્યું, અંતર ઠર્યુ એનું કે ખુદાનાં આસિસ્ટન્ટ જેવાં તો લાગે જ છે એ. એને લાગ્યું એટલે પછી બેઠી. પછી બીજી વાતો નીકળી.

પછી મેં કહ્યું, 'શું કરું છું તું ?' ત્યારે કહે, 'હું લેકચરર છું. ત્યારે મેં કહ્યું, 'શાદી-બાદી કરી કે નથી કરી ?' ત્યારે કહે, 'ના. શાદી કરી નથી, પણ વિવાહ થયેલા છે.' મેં કહ્યું, 'ક્યાં થયેલાં છે, મુંબઈમાં ?' ત્યારે કહે 'ના, પાકિસ્તાનમાં.' 'પણ હવે ક્યારે પૈણવાની છું ?' ત્યારે કહે, 'હવે છ મહિનામાં જ.' મેં કહ્યું, 'કોની જોડે ? ધણી કેવો ખોળી કાઢ્યો છે ?' ત્યારે કહે, 'લૉયર છે.'

પછી મેં કહ્યું કે, 'એ ધણી કરીને પછી તને કંઈ દુઃખ નહીં આપે ? અત્યારે તને કશું દુઃખ છે નહીં અને ધણી કરવા જઈશ ને ધણી દુઃખ આપશે તો ?' મેં કહ્યું, 'એની જોડે શાદી કર્યા પછી તારો પ્રોજેક્ટ શો છે ? એની જોડે શાદી થઈ પહેલાં તું પ્રોજેક્ટ તો કરી રાખે ને ? કે એની જોડે આવી રીતે વર્તવું ? કે ના કરી રાખે ? ત્યાં પૈણ્યા પછી કંઈ તે તૈયારી રાખી મેલી છે કશી ? પૈણ્યા પછી એ લૉયર જોડે મેળ કેમ પડશે કે નહીં તેની ?'

ત્યારે એ કહે છે, 'મેં બધી તૈયારી કરી રાખી છે, એ જરાક આમ બોલશે તો હું સામો આવો જવાબ આપીશ, એ આમ કહેશે તો હું આમ કહીશ, એ આમ કહેશે તો એક-એક બધા જવાબો મારી પાસે તૈયાર છે.'

આ જેટલી આ રશિયાએ તૈયારી કરી નાખી છે ને, એટલી જ તૈયારીઓ કરી રાખી છે. ફૂલ તૈયારીઓ બન્ને જણાએ. તે આ મતભેદ પાડવાની જ તૈયારીઓ કરી રાખી હતી. પેલો ઝઘડો કરે તે પહેલાં જ ફોડે ! જેમ આ અમેરિકાની સામે રશિયાએ બધી તૈયારી રાખી મેલી છે ને, એવી એણે તૈયારી રાખેલી કે એ પેલંુ આમ સળગાવે તો આપણે આમ સળગાવવાનું. એટલે જતાં પહેલાં જ હુલ્લડને ! એ આમ તીર છોડે. ત્યારે આપણે આ બાજુ છોડવાનું રડાર. એ આમનું છોડે ત્યારે આપણે આ બાજુ છોડવાનું. મેં કહ્યું, આ તો કોલ્ડ વૉર તેં ઊભી કરી. ક્યારે શમે એ ? કોલ્ડ વૉર બંધ થાય ખરી ? આ જુઓને થતી નથીને મોટા સામ્રાજ્યવાળાને રશિયા-અમેરિકાને ?!

આ છોકરીઓ બધું એવું કરે, એ ગોઠવી રાખે બધું. આ છોકરાઓ તો બિચારા ભોળા ! છોકરાઓ એ ગોઠવે કરે નહીં અને તે ઘડીએ છે તે અવસ્થાનો માર ખાઈ જાય, ભોળા ખરાંને !

આ તમે જે કહો છો ને પ્રપંચ સામે તૈયારી શું કરી રાખવાની ? પણ પેલી બાઈએ તો તૈયારી બધી કરી રાખેલી, બૉમ્બાર્ડીંગ બધું જ. એ આમ બોલે તો એટેક, આમ બોલે તો એટેક. બધી જ તૈયારી રાખી મેલી છે, કહે છે ! પછી વચ્ચે એને મેં કહ્યું, 'આ કોણે શીખવાડ્યું છે તને ? કાઢી મેલશે ને ડાયવોર્સ લઈ લેશે અને પેલો આપી દેશે તલ્લાક !' તલ્લાક આપી દે કે ના દે ? મેં કહી દીધું કે આ રીતથી તો છ મહિનામાં તલ્લાક મળશે. તારે તલ્લાક લેવા છે ? આ રીત ખોટી છે. પછી મેં એને કહ્યું, તલ્લાક તને ના આપે, એટલા માટે તને શીખવાડું.

ત્યારે કહે છે, 'દાદાજી એ ના કરું તો શું કરું ? નહીં તો એ તો દબાવી દે.' મેં કહ્યું, 'એ શું દબાવવાનો હતો ? લૉયર ભમરડો એ તને શું દબાવવાનો હતો ?!'

પછી મેં કહ્યું, 'બેન મારું કહેલું માનીશ ? તારે સુખી થવું છે કે દુઃખી થવું છે ? બાકી જે બઈઓ બધી તૈયારી કરીને તો એના ધણી પાસે ગયેલી, પણ છેવટે દુઃખી થયેલી. તું મારા કહ્યાથી જાને, બિલકુલે ય કશી તૈયારી કર્યા વગર જા.' પછી એને સમજાવ્યું.

ઘરમાં રોજ કકળાટ થાય ત્યારે વકીલ કહેશે, 'મૂઈ બળી એના કરતા બીજી લાવું.' એમાં પાછા ટીટ ફોર ટેટ (જેવા સાથે તેવા) છે આ ? પ્રેમના સોદા કરવાના છે ત્યાં આવું ? સોદા શાના કરવાના છે ?

પ્રશ્નકર્તા : પ્રેમના.

દાદાશ્રી : પ્રેમના. ભલે આસક્તિમાં હોય પણ કંઈક પ્રેમ જેવું છે ને કંઈક. એની ઉપર દ્વેષ તો નથી આવતો ને ! મેં કહ્યું, આવું ના કરાય. તું તો એમ ભણેલી એટલે આવી તૈયારીઓ કરી રાખું છું ? આ વૉર છે ? હિન્દુસ્તાન ને પાકિસ્તાનની વૉર છે આ કંઈ ? અને જગતમાં એ જ કરી રહ્યા છે બધા. આ છોડીઓ-બોડીઓ, છોકરાઓ બધાં એ જ, પછી એ બન્નેનું જીવન બગડે. પછી એને સમજણ પાડી બધી.

ધણી જોડે આવી રીતે વર્તન કરવું જોઈએ. આવી રીતે એટલે એ વાંકાં થાય તો તું સીધી ચાલજે. એનું સમાધાન કરવું જોઈએ, ઉકેલ લાવવો જોઈએ. એની બાઝવાની તૈયારીમાં આપણે એકતા રાખવી જોઈએ. એ જુદું પાડે તો ય આપણે એકતા રાખવી જોઈએ. એ જુદું પાડ પાડ કરે તો ય કહેવું આપણે એક છીએ. કારણ કે આ બધી રીલેટીવ સગાઈઓ છે, એ ફાડી નાખે તો આપણે ફાડી નાખીએ તો છૂટી જાય કાલે સવારે. એટલે તલ્લાક આપી દેશે. ત્યારે કહે, 'મારે શું કરવાનું ?' મેં એને સમજણ પાડી, એનો મૂડ જોઈને ચાલવાનું, કહ્યું. એનો મૂડ જોજે અને અત્યારે મૂડમાં ના હોય, તો આપણે અંદર 'અલ્લાહ'નું નામ લીધા કરવું અને મૂડ ફરે, એટલે આપણે એની જોડે વાતચીત ચાલુ કરવી. એ મૂડમાં ના હોય અને તું સળી કરું, એટલે ભડકો થશે કંઈ.

એને નિર્દોષ તારે જોવા. એ તને અવળું બોલે તો ય તારે શાંતિ રાખવી, પ્રેમ સાચો હોવો જોઈએ. આસક્તિમાં તો છ-બાર મહિનામાં પછી પાછું તૂટી જ જવાનું. પ્રેમ સહનશીલતાવાળો હોવો જોઈએ, એડજસ્ટેબલ હોવો જોઈએ.

તે મશરૂરને મેં તો ભણાવી દીધી, એવી ભણાવી દીધી. મેં કહ્યું, કશું ય નહીં, એ આમનું તીર ઠોકે તો આપણે સ્થિરતા પકડીને 'દાદા, દાદા' કર્યા કરજે. ફરી આમનું ઠોકે તો સ્થિરતા પકડીને 'દાદા, દાદા' કરજે. તું ના એકું ય ફેંકીશ, કહ્યું ! મેં વળી વિધિ કરી આપી.

પછી પૂછયું કે, 'તારે ઘરમાં કોણ કોણ છે ?' ત્યારે કહે, 'મારે સાસુ છે.' 'સાસુ જોડે તું કેમનું એડજસ્ટમેન્ટ લઈશ ?' તો કહે, 'એ એની જોડે ય હું પહોંચી વળીશ, સાસુને.'

પણ પછી મેં એને સમજણ પાડીને. પછી કહે છે, 'હા, દાદાજી મને ગમ્યું આ બધી વાત.' 'ત્યારે તું આ પ્રમાણે કરજે તો તલ્લાક ના આપે, ને સાસુ જોડે રાગે પડે.' અને પછી એક સુખડની માળા લાવી હતી. તે માળા મને પહેરાવી. મેં કહ્યું, 'આ માળા તું લઈ જજે અને ત્યાં આગળ મૂકી રાખજે અને માળાના દર્શન કરીને પછી આ તારો વ્યવહાર ચલાવજે. ધણી જોડે તારો વ્યવહાર છે તે કરજે તો બહુ સુંદર ચાલશે.' તે માળા અત્યારે ય મૂકી રાખી છે.

એને ચારિત્રબળની વાત કરેલી. એ ધણી ગમ્મે તે બોલે, ગમ્મે એવું તને કરે, તો ય તે ઘડીએ તું મૌન પકડું અને શાંત ભાવે જોયા કરું, તો તારામાં ચારિત્રબળ ઉત્પન્ન થશે અને એનો પ્રભાવ પડશે એના ઉપર. લૉયર હોય તો ય. એ ગમે તેવું વઢે, તો તું દાદાનું નામ લેજે અને સ્થિર રહેજે ! મનમાં એમ થશે કે આ કેવી ! આ તો હારતી જ નથી. પછી એ હારે. એટલે પણ કર્યું એવું, છોકરી એવી હતી. દાદા જેવા શીખવાડનાર મળે તો પછી શું રહ્યું હવે ! નહીં તો એડજસ્ટમેન્ટ આવું હતું પહેલું, રશિયા ને અમેરિકા જેવું. તરત ત્યાં બટન દાબતાંની સાથે સળગે બધું, હડહડાટ. આ તો કંઈ માણસાઈ છે ?! શેને માટે ડરો છો ? શેને માટે જીવન હોય ? સંજોગો જ એવા છે તે, હવે આ શું કરે તે ! સંજોગો એવા છે પાછાં !

એને આ જીતવાની તૈયારી કરે છે ને, તે ચારિત્રબળ 'લૂઝ' થઈ જાય. અમે કોઈ જાતની તૈયારી ના કરીએ. બાકી ચારિત્રને વાપરવું, એને તમે તૈયારી કહો છો, પણ એનાંથી તમારામાં જે ચારિત્રબળ છે એ 'લૂઝ' થઈ જાય છે અને જો ચારિત્રબળ ખલાસ થઈ જશે તો ત્યાં તારા ધણી આગળ તારી કિંમત જ નહીં રહે. એટલે એ બાઈને સારી સમજ પડી ગઈ. એટલે મને કહે છે કે 'હવે દાદાજી, હું કોઈ દહાડો ય હારીશ નહીં. આવી ગેરેન્ટી આપું છું.'

આપણી સામે કોઈ પ્રપંચ કરતું હોય ને એમાં સામું તૈયારી કરીએ ને તો આપણું ચારિત્રબળ તૂટી જાય. ગમે એટલાં પ્રપંચ કરે તો પોતાનાં પ્રપંચથી પોતે જ ફસાય છે. પણ જો તમે છે તે તૈયારી કરવા જશો તો તમે જ એના પ્રપંચમાં ફસાશો. અમારા સામું તો બધા બહુ લોકોએ પ્રપંચ કરેલાં. પણ એ પ્રપંચીઓ ફસાયેલા. કારણ કે અમને કશું ય એક ઘડીવાર વિચાર ના આવે. નહીં તો તૈયારી કરવાના વિચાર આવે ને તો ય આપણું ચારિત્રબળ તૂટી જાય. શીલવાનપણું તૂટી જાય.

શીલવાન એટલે શું ? કે એ ગાળો દેવા આવ્યો હોય ને તે અહી આવે ને બેસી રહે. આપણે કહીએ કે કંઈક બોલો. બોલોને, પણ એનાથી અક્ષરે ય બોલાય નહીં. એ શીલનો પ્રભાવ ! એટલે આપણે તૈયારી કરીએ ને તો શીલ તૂટી જાય. એટલે તૈયારી નહીં કરવાની. જેને જે કરવું હોય તે કરો. બધે હું જ છું, કહીએ.

પ્રશ્નકર્તા : પણ એ આપણને ખેંચી જવાના પ્રયત્નો થતા હોય તો ?

દાદાશ્રી : એ ગમે તે ખેંચી જવાનું પણ આપણે નથી ખેંચાવું, તો એ ગમે તે કરેને એનું કશું ચાલવાનું નથી !

પ્રશ્નકર્તા : પણ એ નથી ખેંચાવું એટલા સંકલ્પમાં તો રહેવું જ પડે ને !

દાદાશ્રી : નહીં. એ નથી ખેંચાવું એ આપણે આપણા સ્વાધિન જ રહેવું.

પ્રશ્નકર્તા : એટલે આપણી સહજસ્થિતિમાં જ રહેવું.

દાદાશ્રી : હા, સહજસ્થિતિમાં જ અને સંજોગવશાત્ જવું પડે, આવું કંઈ ખેંચાવું પડે, તો ફરી એ બાબતમાં આપણે એ લપ્પન-છપ્પન નહીં રાખવાની.

પ્રશ્નકર્તા : તન્મયાકાર ન થવું ?

દાદાશ્રી : એમાં બિલકુલે ય તન્મયાકાર નહીં થવાનું. પહેલું શીલવાનપણું ઉત્પન્ન થવા દો. આ 'જ્ઞાન' આપ્યા પછી માણસ દહાડે દહાડે શીલવાન થતો જાય. જેને આ બહાર પ્રભાવશાળી કહે છે એ તો બહુ નાની વસ્તુ છે. એ તો આ બહારના માણસોને ય હોય છે. પણ શીલવાનપણું તો ભગવાન આગળે ય પોતાની ઇન્ફિરીયારિટી કોમ્પ્લેક્સ ના લાગે અને જેને ભગવાન આગળ ઇન્ફિરીયારિટી કોમ્પ્લેક્સ ના લાગે તો પછી આ મનુષ્યો આગળ તો ના જ લાગે ને ? શીલવાન !! શીલ તો બધી રીતે રક્ષા કરે. દેવલોકથી રક્ષા કરે, આ સાપ, જીવડાં ને બધાં જાનવરોથી રક્ષા કરે, બધાથી રક્ષા કરે, માટે શીલની જ જરૂર છે.

અને શીલ ક્યારે ઉત્પન્ન થાય ? 'જ્ઞાની પુરુષે' જ્ઞાન આપ્યા પછી, પછી પોતાનો નવરાશનો ઉપયોગ શીલમાં કરે. શીલ એટલે સામો છે તે લઢાઈની તૈયારી કરતો હોય તેની સામે આપણે લઢાઈની તૈયારી નહીં. જે તૈયારીઓ કર્યા કરે છે એનું બધું લીકેજ છે, શીલનું આખું લીકેજ. પછી શીલ ખલાસ થઈ જાય છે.

પ્રશ્નકર્તા : પણ આપણે આ શીલને જાળવવા માટે વાડ કરવી જોઈએ કે જેથી બકરાં-ઘેટાં ચરી ના જાય ?

દાદાશ્રી : ના. એ તો આ શીલ એ તો વસ્તુ એવી છે ને કે, એને બકરાં-ઘેટાં તો ચરે જ નહીં, કોઈ કશું એને અડે નહીં, એનું નામ શીલ કહેવાય. એટલે આ શીલને તમારે સાચવવું ના પડે. કોઈ કહેશે કે રાતે કોઈ ચરી જાય તો ? એટલે પાછું જાગવું પડે ? અલ્યા, જાગવાનું નહીં. સુઈ જાવ નીરાંતે. તમે આરામથી સુઈ જાવ.

એવું છે કે કોઈ સંજોગોમાં છોકરો સામો થાય, વાઈફ કોઈ સંજોગોમાં સામી થાય, તે ઘડીએ તમે લપકા કરો તો તમારું શીલ ખલાસ થઈ જાય. એનાં કરતાં આપણે જોયા કરવાનું કે આ મશીન કંઈ બગાડેલું લાગે છે. તે કઈ બાજુથી મશીન બગાડ્યું છે તે જોયાં કરવું. નહીં તો આ લોક તો શું કરે કે 'તું આવી છું, તું તેવી છું' કહે એટલે થઈ રહ્યું, શીલ એનું ખલાસ થઈ ગયું. અમને તો કોઈ લાખ ગાળો ભાંડે તો ય અમે કહીએ કે આવ બા, ત્યારે કોઈ કહેશે કે છોકરો સામો થાય છે તો અત્યારથી ડરાવીએ નહીં તો તો પછી એ વધારે સામો થશે. ના, એ ડરાવવાથી તો તમારું શીલવાનપણું તૂટતું જશે ને તમારે નિર્બળતાઓ વધતી જશે, અને છોકરો ચઢી બેસશે ! એટલે તમે જો એને ડરાવશો નહીં અને તમે એ સહન કરીને સાંભળી લેશો તો ધીમે ધીમે એ 'ટર્ન આઉટ' થઈ જશે. એ આ શીલના પ્રભાવને લીધે ! બાકી આ નહીં જાણવાથી તો લોકો બિચારાં માર ખાય છે !

પ્રપંચની સામું તૈયારી કરવા માટે આપણે નવા પ્રપંચ ઉભા કરવા પડે અને પછી આપણે સ્લિપ થઈ જઈએ ! આપણી પાસે એ હથિયાર જ નથી ને ! હવે એ હથિયાર આપણી પાસે નથી. એની પાસે તો એ હથિયાર છે તો એ ભલે કરે ને ! છતાં એ 'વ્યવસ્થિત' છે ને, પણ તો ય એનું હથિયાર એને વાગે, એવું 'વ્યવસ્થિત છે' !!

એને સમજણ બધી મહીં ફીટ થઈ ગઈ. દાદાજીએ ડ્રોઇંગ કરીને આપ્યું. મને કહે છે, 'આવું ડ્રોઈંગ કહેવા માંગો છો ?' મેં કહ્યું, 'હા. એવું ડ્રોઈંગ.'

કહેવું પડે ! પછી છોડીએ એના બાપાને, માને વાત કરી. તે બાપા ડૉકટરને, તે દર્શન કરવા આવ્યા.

જો આમ તો દાદાજીને કંઈ વાર લાગે છે ? મશરૂર આવવી જોઈએ અહીં આગળ. આવી ગઈ તો ઓપરેશન થઈ ગયું હડહડાટ. જો કાયમ ત્યાં આગળ 'દાદાજી, દાદાજી' રોજ સંભારે છે ને !

મોક્ષે પુગાડે એડજસ્ટ એવરીવ્હેર;

આ સૂત્ર પકડી લે તો, બધે લીલા લ્હેર!

તે અત્યારે ય દર્શન કરી, સંસાર સરસ ચલાવે છે. એને કહી દીધું કે દાદાએ મારો આખો સંસાર સુધાર્યો, કહે છે. એ હવે લઠ્ઠામાં ઊતરે નહીં. નહીં તો લૉયરને શું વાર લાગે ? વરસ દા'ડો થયો ને ઘરડી જેવી જરા દેખે કે તલ્લાક ! એમને તલ્લાક આપી દેવામાં વાર શી લાગે ? આ તમારે તલ્લાક આપવી હોય તો અપાય ?

પ્રશ્નકર્તા : ના અપાય.

દાદાશ્રી : ના અપાય, નહીં ? તે એ તો તલ્લાક આપી દે. આપણે તો આ મોક્ષમાર્ગમાં મદદ કરે છે ને કે હેરાન કરે છે ? તમે એમને મોક્ષમાર્ગમાં મદદ કરો છો કે હેરાન કરો છો ?

પ્રશ્નકર્તા : મદદ કરે છે, દાદા.

દાદાશ્રી : સળી કરતા હશો ?

પ્રશ્નકર્તા : ના, હવે સળી બંધ કરી દીધી.

દાદાશ્રી : ત્યારે સારું. મોક્ષે જવાને માટે મદદ કરવાની જરૂર છે, બે જણ હોય તો ! અને બે ના હોય તો એકલો હોય તો એકલો, પણ પછી બે હોય તો ઉત્તમ ને ! જોડીયું હોય તો તો સારું ને ? બે પૈંડા વગર ગાડું શી રીતે નભે તે ? ભલેને 'ચકુર ચકુર' બોલતું હોય પૈડું, બે છે ને ? એટલે મશરૂરનું જીવન સુધરી ગયું.

કોઈ પાંસરો ના થાય તો હું તો કહી દઉં કે તારો આત્મા કબૂલ કરે, પણ તારે પાંસરું થવું નથી, તો નિરાંતે અમે હાર્યા છીએ તે તું જીત્યો. ઘેર રેશમી ચાદર લાવીને સૂઈ જા નિરાંતે જઈને. કારણ કે એને હરાવીને મોકલીએ તો ઊંઘ ના આવે મૂઆને આખી રાત. તે આપણને દોષ લાગે. આપણા નિમિત્તે એમને ઊંઘ ના આવે તો આપણને દોષ લાગે ને ? એના કરતા આપણે હારીએ, શું ખોટું ?

પ્રશ્નકર્તા : દાદા, આ 'એડજસ્ટ એવરીવ્હેર' એ જે આપે કહ્યું એને લીધે તો બધા ભલભલાનો નિકાલ આવી જાય !

દાદાશ્રી : બધા નિકાલ આવી જાય. અમારો એક એક શબ્દ છે તે બધા નિકાલ જલ્દી લાવનારા, એ મોક્ષે લઈ જાય ઠેઠ. 'એડજસ્ટ એવરીવ્હેર !'

પ્રશ્નકર્તા : અત્યાર સુધી જ્યાં ગમતું'તું ત્યાં બધા એડજસ્ટ થતા'તા અને આપનામાં તો એવું લાગ્યું કે જ્યાં ના ગમતું હોય ત્યાં તું વહેલો એડજસ્ટ થા.

દાદાશ્રી : 'એવરીવ્હેર એડજસ્ટ' થવાનું છે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19