ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19

મા-બાપછોકરાનોવ્યવહાર

(૧૬)

ટીનેજર્સ સાથે 'દાદાશ્રી' !

ભણવાનો ધ્યેય બાળપણથી;

દાદા નામે પાશેર, ભાર મણથી!

દાદાશ્રી : ભણવાનું ગમે છે ?

પ્રશ્નકર્તા : ભણવાનું ગમે.

દાદાશ્રી : શું ભણું છું અત્યારે ?

પ્રશ્નકર્તા : નવમીમાં છું.

દાદાશ્રી : દર સાલ પાસ થઈશ કે બેસી રહીશે બે-ત્રણ વર્ષ ?

પ્રશ્નકર્તા : પાસ થઈશ.

દાદાશ્રી : બસ, ત્યાર પછી બહુ થઈ ગયું. પણ આ દાદા ભગવાનનું નામ લેજે હવે રોજ.

તું તૈયાર થઈ જશે, દાદા ભગવાનનું નામ બોલજે, જતાં-આવતાં. તું એક વખત વાંચું ને, તો બધું આવડી જાય પછી વધારે વાંચવું ના પડે. સ્કુલમાં જતાં ય બોલજે, ઘેર આવતાં હોય તો ય 'દાદા ભગવાન'નું નામ બોલતાં બોલતાં આવજે. તને એવું ગમે ?

પ્રશ્નકર્તા : હા.

ગમ્મે તેટલું મારે તો ય ગમે મમ્મી;

હિતમાં જ હોય જ્યારથી જન્મી!

દાદાશ્રી : મમ્મી વઢે છે કે કોઈ દા'ડો ?

પ્રશ્નકર્તા : ભાગ્યે જ વઢે છે.

દાદાશ્રી : ભાગ્યે જ નહીં ! તારું ભાગ્ય જાગે તો જ અને પપ્પા વઢે છે કોઈ દા'ડો ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એમ ! એ બેમાંથી કોણ ન્યાયથી વઢે છે ?

પ્રશ્નકર્તા : બેઉં જણ. બંને ન્યાયી.

દાદાશ્રી : બંને ન્યાયી ! પપ્પા એકલા ન્યાયી હશે, મને લાગે છે ? મમ્મી ન્યાયી નહીં હોય.

પ્રશ્નકર્તા : બંને ન્યાયી છે. મને મમ્મી અને પપ્પા મારા સારા માટે કહે, પણ તો ય મને નથી ગમતું એવું કેમ થાય છે ?

દાદાશ્રી : ડૉક્ટર કડવી દવા આપે તો ય તને ના ગમે ?

પ્રશ્નકર્તા : એ લેવી પડે તો લેવી જ પડે ને.

દાદાશ્રી : એવું આ ય લેવી જ પડે. ના ગમે તો ય પીવી પડે. આપણે શરીર સુધારવું હોય તો પીવી અને ના સુધારવું હોય તો નહીં. કહી દેવું કે એક શબ્દે ય તમે કહેશો નહીં અમને આજથી.

પ્રશ્નકર્તા : દરેક વખતે મા-બાપ સાચા જ હોય છે ?

દાદાશ્રી : સાચા જ માની લેવાનાં. એને તોલ કરવા જજ આપણે ભાડે રાખીએ પાછા ! એ પાંચ હજાર ડૉલર એ પગાર માંગે. સાચા છો કે ખોટા ?! એના કરતાં સાચા જ માની લેવાં, એ જજ તો રાખવો ના પડે.

પ્રશ્નકર્તા : કોઈવાર મા-બાપનું ખોટું હોય તો છોકરાઓને નુકસાન ના થઈ જાય ?

દાદાશ્રી : નુકસાન વળી શું થવાનું છે તે ! આ મોટલ કંઈ નાની થઈ જવાની છે આમ !

તને મારે છે કે મમ્મી ?

પ્રશ્નકર્તા : હા. કોઈક વાર મારે છે.

દાદાશ્રી : તું ના નથી કહેતી, ના મારશો એવું ?

પ્રશ્નકર્તા : ના, નથી કહેતી.

દાદાશ્રી : તને ગમે છે માર ખાવાનું ? નથી ગમતું, નહીં ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો ય મારી જાય છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : કશું ભૂલ થાય તેથી મારે છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : શું ભૂલ થાય ત્યારે ?

પ્રશ્નકર્તા : કોઈકવાર ઘરમાં દોડતી હોઉં તો મને મારે.

દાદાશ્રી : દોડતી હોઉં તો ? સામું બોલું છું કે ?

પ્રશ્નકર્તા : કોઈક ટાઈમ બોલું છું.

દાદાશ્રી : કોના સામું બોલું છું ? પપ્પાની કે મમ્મીની ?

પ્રશ્નકર્તા : મમ્મીને કોઈક ટાઈમ બોલાઈ જાય છે.

દાદાશ્રી : ઓહોહો ! એટલે મમ્મીનો રોફ પડતો નથી ! હવે સારું ના દેખાય, મમ્મીની જોડે સામું બોલીએ તે ! તને ગમે છે બોલવાનું ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : નથી ગમતું બધું આ જાણે છે ને આપણે માર-માર કરવાનો શું અર્થ છે તે ? આ તો ના જાણતો હોય તે, ત્યારે મારવું પડે. જ્ઞાનને ના જાણે ને ત્યારે મારવું પડે, આ તો બધું જ્ઞાનને જાણે છે. આપણે એને પૂછીએ તો બધું ય કહે. આ એને સમજણ જ પાડવાની જરૂર કે આવું ના થાય ને !

મમ્મીને તું કોઈ દહાડો મારું ખરી ?

પ્રશ્નકર્તા : કો'કવાર મારું.

દાદાશ્રી : એ ઢેખાળો (પથરો) ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : શું મારું છું ?

પ્રશ્નકર્તા : હાથથી મારું.

દાદાશ્રી : કેટલું વાગે તારા હાથથી તો ? એના કરતાં ઢેખાળો મારીએ તો, તો વાગે. ઢેખાળો મારવાનું ગમે તને ?

પ્રશ્નકર્તા : ના. ના મરાય.

દાદાશ્રી : ત્યારે સારું.

દાદાશ્રી : (બીજી બેન ને) તને મા-બાપે મારી'તી કોઈ દહાડો ?

પ્રશ્નકર્તા : નથી મારી, હજી સુધી.

દાદાશ્રી : મારી નથી ? ને મારે તો તને ગમે ? તો તે ઘડીએ તું શું કરું ?

પ્રશ્નકર્તા : કંઈ નહિ. સહન કરી લઉં.

દાદાશ્રી : પણ ચીઢ તો ચઢે ને એમની પર કે વગર ગુને મને મારે છે તે ?

પ્રશ્નકર્તા : ગુનો હોય તો જ મારે ને, આપણને.

દાદાશ્રી : અને ગુનો ના પણ હોય. તારો ગુનો ના હોય અને એમને ગુનો લાગતો હોય, એવું પણ બને. એમને ગુનેગાર તું લાગતી હોય, તો તું શું કરું ?

પ્રશ્નકર્તા : હા, એ પછી આપણને એ સમજાશે. પછી આપણે સાચું માની લેવાનું.

દાદાશ્રી : જય સચ્ચિદાનંદ. કંઈથી શીખી લાવી તું ?

પ્રશ્નકર્તા : દાદાની ચોપડી વાંચું છું હું ઘેર.

દાદાશ્રી : એમ ?!

ઘરમાં, સ્કૂલમાં જે રાખે સહુને રાજી;

આદર્શ વિદ્યાર્થીએ, સહુની 'હા'એ હાજી!

પ્રશ્નકર્તા : આદર્શ વિદ્યાર્થીનાં જીવનમાં ક્યા ક્યા લક્ષણોની જરૂર છે ?

દાદાશ્રી : વિદ્યાર્થીને, ઘરમાં જેટલાં માણસો હોય એ બધાને રાજી રાખવાની જરૂર અને પછી સ્કૂલમાં પણ જે માણસો જોડે એ હોય, આપણે જે બેનો-બેનો બધાની જોડે એ બધાને રાજી રાખવાની જરૂર. જ્યાં જઈએ ત્યાં આપણે બધાને રાજી રાખવા અને પોતાનાં ભણતરમાં જ ધ્યાન રાખવું.

આદર્શ શબ્દ કંઈથી લાવી તું ? મોટા હોય એની જોડે સારી રીતે બોલે, સારી રીતે વર્તન કરે, એની સામું ના બોલે, એ આદર્શ કહેવાય.

રાજી રાખતાં આવડે તને ? શી રીતે રાજી રાખું ?

પ્રશ્નકર્તા : બધાની સાથે સારી રીતે વર્તવું.

દાદાશ્રી : હા, બસ, સારી રીતે ! ને કો'ક ખરાબ રીતે વર્તતું હોય તો ?

પ્રશ્નકર્તા : હજુ સુધી કોઈ ખરાબ રીતે નથી વર્ત્યુ.

દાદાશ્રી : હા, પણ વર્તે તો શું કરું ?

પ્રશ્નકર્તા : એને સાચા માર્ગે લઈ જવા પ્રયત્ન કરું.

દાદાશ્રી : નહીં તો તે ઘડીએ ખસી જવું આપણે. જેમ આ ગાય માથું મારતી હોય ત્યારે આપણે ખસી જવું. સમજ પડી ને ? અને ગાયને પછી કાંકરો નહિ મારવાનો. આપણે જોઈ લેવાનું કે આ મારકણી છે અને આ નથી મારકણી. એટલું જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું એટલે આપણે એની જોડે ચેતીને ચાલવું ? મારકણી ગાય, તે ચેતીને ના ચાલવું જોઈએ ? આવડશે તને ચેતીને ચાલવાનું ?

કોની જોડે નથી ફાવતું તને ?

પ્રશ્નકર્તા : ફાવે જ છે બધાં સાથે.

દાદાશ્રી : કોની જોડે ચીઢાવ છું તું ?

પ્રશ્નકર્તા : કોઈની જોડે ચીઢાઈ નથી ? કોઈની જોડે નહિ !

જૂઠું બોલવાના નુકસાન તું ગણ;

દુઃખી કરે ને ન રહે વિશ્વાસ કણ!

દાદાશ્રી : તને મારી વાત ગમે છે ? કંટાળો આવે છે ?

પ્રશ્નકર્તા : ગમે છે એટલે બેઠો છું.

દાદાશ્રી : તું જૂઠું કોઈ દહાડો બોલે છે કે ?

પ્રશ્નકર્તા : બોલું છું.

દાદાશ્રી : જૂઠું બોલવાથી નુકશાન શું થતું હશે ?

પ્રશ્નકર્તા : નુકસાન થાય.

દાદાશ્રી : આપણા પરથી વિશ્વાસ જ ઊઠી જાય.

પ્રશ્નકર્તા : સામાને ખબર પડતી નથી એમ સમજીને બોલવું.

દાદાશ્રી : હા, પણ વિશ્વાસ ઊઠી જાય એટલે માણસની કિંમત ખલાસ ! કોઈ આપણી પાસે જૂઠંુ બોલે તો આપણને દુઃખ થાય, તેવું આપણે કોઈની પાસે જૂઠું બોલીએ તો એને કેટલું દુઃખ થાય ?

શાહુકારો ન કરે ચોરી ડરથી;

પોલીસો ન હોય તો ઉપડે ધૂળથી!

તે ચોરી કોઈ દિવસ કરેલી કે ?

પ્રશ્નકર્તા : ના, નથી કરી.

દાદાશ્રી : નથી કરી ? તને ચોરી કરવાનું ગમતું નથી ?

પ્રશ્નકર્તા : ગમે તો ખરું પણ ડર લાગે ને !

દાદાશ્રી : એક જણને મેં પૂછયું કે તારી પોળ તો બહુ શાહુકારોની છે, તે ચોરીઓ થતી નહીં હોય ! ત્યારે એણે કહ્યું કે જો આ સામેની પોલીસચોકી ઉઠાવી જુઓ, પછી અમારા આડોશી-પાડોશી સંડાસનો લોટો હોય તે ય ના રહેવા દે ! એટલે તેં કહ્યું એના જેવું, બીકના માર્યા ! કોઈ બીક ના હોય તો વાંધો નહીં ને ?

પ્રશ્નકર્તા : તો વાંધો ના આવે.

દાદાશ્રી : તું ચોરી લાવે ? તને ગમતી હોય તે ચીજો ?

પ્રશ્નકર્તા : ગમતી ચીજો તો લઈ આવું.

દાદાશ્રી : સોનાની લગડીઓ પડી હોય તો લાવે કે ?

પ્રશ્નકર્તા : એવું હોય તો બધાનું મન લલચાઈ જાય.

દાદાશ્રી : આ લોકોનાં મન એવા સ્ટેડી નથી. આ તો ભયના માર્યા સીધા રહે એવા છે. એક ભાઈએ મને કહ્યું કે આ નાલાયકોને માટે સરકારને લશ્કર ને પોલીસવાળા રાખવા પડે છે અને એનો કર છે તે લાયક પાસેથી લે છે ! એવાં ઘણાં લોકો હશે કે જેમને માટે પોલીસવાળાની જરૂર ના હોય.

તે ચોરી કરેલી કે કોઈ દહાડો ? (બીજા છોકરાને)

પ્રશ્નકર્તા : એકવાર કરેલી.

દાદાશ્રી : રાત્રે કરેલી કે દહાડે ?

પ્રશ્નકર્તા : દહાડે.

દાદાશ્રી : એ તો માફ કરી આપીએ. આપણે ત્યાં માફી કરી આપીએ તને. તને માફી કરાવી છે ?

પ્રશ્નકર્તા : હા.

હે આર્યપુત્રો, ન કરાય ભેળસેળ;

નહિ તો જાનવર ગતિનો છે મેળ!

અણહક્કનો પૈસો ના પડાવી લેવાય. આ મુંબઈ શહેરમાં લોકો ભેળસેળ કરતા નથી ને ?

પ્રશ્નકર્તા : વેપારીઓ કરે તો છે.

દાદાશ્રી : તે કોઈ ઓળખાણવાળો હોય તેને ચેતવજે કે ચાર પગવાળા થવું હોય તો ભેળસેળ કરો. નહીં કરો તો ય તમે ભૂખે નહીં મરો તેની અમે ગેરન્ટી આપીએ છીએ. કંઈક સમજવું તો જોઈએ ને ? આપણે ક્યા દેશના છીએ ?

પ્રશ્નકર્તા : ભારત દેશના.

દાદાશ્રી : ભારત દેશના આપણે, તે આપણી કવૉલિટી કઈ છે ? આર્ય પ્રજા ! અને બહારની કઈ કહેવાય ?

પ્રશ્નકર્તા : અનાર્ય.

દાદાશ્રી : આપણે અહીં કોઈ કોઈ માણસ એવા થઈ જાય છે તો તેમને શું કહે છે ? અનાડી. આર્યપ્રજા એટલે આર્ય આચાર, આર્ય વિચાર ને આર્ય ઉચ્ચાર.

આ આડાઅવળા ધંધા હવે કરીશ ? જાનવર થવું છે તારે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : આ બે પગથી પડી જવાય, તેના બદલે ચાર પગ હોય તો સારું, પડી તો ના જવાય ! અને વધારામાં પૂંછડું ઈનામમાં મળે તે કૂદતું કૂદતું તો જવાય !!! હવે તારે એવું કંઈ થવું છે કે મનુષ્ય જ થવું છે ?

પ્રશ્નકર્તા : મનુષ્ય થવું છે.

દાદાશ્રી : તો પછી મનુષ્યના ગુણો જોઈશે. જે તને 'ગમે છે' એવું જ સામાને આપીએ તો મનુષ્યપણું આવે. કોઈ તને નાલાયક કહે તો ગમે ?

પ્રશ્નકર્તા : ના ગમે.

દાદાશ્રી : એટલે આપણે સમજી જવું કે આપણે કોઈને નાલાયક કહીએ તો એને કેમ ગમે ? એટલે આપણે એમ કહેવું કે આવો ભાઈ, તમે બહુ સારા માણસ છો. એટલે એને આનંદ થાય.

એક જીવ બનાવે, તેને મારવાનો રાઈટ;

અહિંસક હોય તેનું, ઊંચું બુદ્ધિનું લાઈટ!

દાદાશ્રી : જીવડાં મારેલાં ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : ક્યાં મારેલાં ?

પ્રશ્નકર્તા : બગીચામાં પાછળ, વાડામાં.

દાદાશ્રી : શું હોય જીવડાં ? વંદા-વંદાને એવું તેવું હોય ?

પ્રશ્નકર્તા : બધું જ મારેલું.

દાદાશ્રી : માણસના છોકરાને મારી નાખું ખરો ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : ના મરાય છોકરાને ! આ કો'કનો છોકરો હોય તો મારી ના નખાય !

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : કેમ એમ ? હવે તે માર્યું, તે જીવડું માર્યું, એક બનાવી આપીશ તું મને ? લાખ રૂપિયા ઈનામ આપવું છે કે કોઈ જો બનાવી આપે તો એને લાખ રૂપિયા ઈનામ આપું. તું બનાવી આપીશ ! ના બને!

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો પછી મરાય શી રીતે આપણે ! ત્યારે કોઈ દુનિયામાં બનાવી આપે ખરો, સાયંટીસ્ટ લોકો ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો પછી જે બનાવી ના શકીએ ને તેને મારી શકાય નહીં આપણાથી. આ ખુરશી બનાવીએ, આ બધું બનાવીએ, એનો નાશ કરી શકીએ. તને સમજણ પડી ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : હવે શું કરીશ ?

પ્રશ્નકર્તા : નહીં મારું.

દાદાશ્રી : એ જીવડાને મરવાનો ભય લાગે ખરો ? આપણે મારવા જઈએ તો નાસી જાય ખરું ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો પછી કેમ મરાય ? અને આ ઘઉં, બાજરી ને ભય ના લાગે, એને વાંધો નહીં, શું કહ્યું ? ઘઉં, બાજરી બધું, આ દૂધી કંઈ નાસી જાય ? આપણે ચપ્પુ લઈને જઈએ તો દૂધી નાસી જાય ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો એને શાક કરીને ખવાય. તને મરવાનો ભય લાગે કે ના લાગે ?

પ્રશ્નકર્તા : લાગે.

દાદાશ્રી : હં. તો એવું એને ય લાગે.

મા-બાપ રાખે છોકરાં સંગે મિત્રાચારી;

ન ખોળે છોકરાં, પછી કોઈની યારી!

દાદાશ્રી : ત્યારે તને શું ગમે છે કહે ? પૈણવાનું ગમે છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : હમણે પૈણવું છે કે મોટો થઈશ ત્યારે ?

પ્રશ્નકર્તા : હમણે નહીં, મોટો થઈશ ત્યારે.

દાદાશ્રી : પૈણ્યા વગર લોકો ફ્રેન્ડશીપ કરે ખરાં કે ? આ છોકરીઓ લોકોની હોય છે, તે લગ્ન કર્યા સિવાય ફ્રેન્ડશીપ કરે ખરી કે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ કરવી જોઈએ કે ના કરવી જોઈએ ?

પ્રશ્નકર્તા : એટલે બહુ નજીક ના આવવું જોઈએ, પણ ફ્રેંડસ તરીકે રાખવાના.

દાદાશ્રી : નજીક ના આવવું જોઈએ. અને ફ્રેંડશીપ તો મા-બાપને જો આવડતું હોય ને, તો છોકરાઓ બહાર કોઈની જોડે ફ્રેંડશીપ જ ના કરે. મારી પાસેથી તો ખસે નહીં. અને આ તો મા-બાપથી જ થાકી ગયેલા હોય છે, કંટાળી ગયેલા હોય છે !

ન ભોગવાય અણહક્કના વિષયો;

દાદા ઘરે લાલબત્તી, જો જે લપસ્યો!

પછી અણહક્કનું ભોગવી ના લેવાય. અણહક્કનું વિષય ભોગવે છે લોકો ?

પ્રશ્નકર્તા : ઘણાં જણ ભોગવે.

દાદાશ્રી : અરે, બૈરી હઉ ઉઠાવી જાય છે ને લોકોની ! પોતાની હક્કની બૈરી રાખવી. આ તો બૈરી બીજાની ખોળી લાવે ! હક્કની પોતાની સ્ત્રી હોય તો કોઈ વાત ના કરે. ઘરના ય કોઈ વઢે નહીં. માટે ક્યા ખાડામાં પડવું સારું ?

પ્રશ્નકર્તા : હક્કના.

દાદાશ્રી : અણહક્કનો ખાડો તો બહુ ઊંડો ! પાછું ઉપર અવાય જ નહીં. માટે ચેતીને ચાલવું સારું. માટે તું ચેતી જજે. આ જવાની છે, બુઢાપો આવવાનો હોય તેને અમે ના કહીએ, માટે આ ભય-સિગ્નલ તને બતાવીએ છીએ.

પ્રશ્નકર્તા : હા, હા, નહીં લઈ જાઉં, બીજાની બૈરી નહીં લઈ જાઉં.

દાદાશ્રી : હા, બરોબર. લઈ જવાનો વિચારે ય નહિ કરવાનો. કોઈ સ્ત્રી પ્રત્યે આકર્ષણ થાય તો ય, 'હે દાદા ભગવાન ! મને માફ કરો' કહીએ.

આવે કુવિચારો ત્યારે લે પ્રભુનું નામ;

ન છોડીશ ઠેઠ સુધી, એ જ લાગે કામ!

દાદાશ્રી : ખરાબ વિચારો આવે છે તને ?

પ્રશ્નકર્તા : કોઈક વાર આવે.

દાદાશ્રી : તે શું કરું તે ઘડીએ ? એ વિચારો ખરાબ આવે ત્યારે દવા શું ચોપડું તું ?

પ્રશ્નકર્તા : હું ખરાબ વિચાર ના આવે એવા પ્રયત્ન કરું.

દાદાશ્રી : પણ એ મોકલે છે કોણ એ વિચારો ?

પ્રશ્નકર્તા : મારું મગજ જ મોકલે છે.

દાદાશ્રી : એ ક્યાંથી લાવ્યા નવા તે ! બહારથી ઘુસી જાય છે કે મહીંથી ઉત્પન્ન થયેલા છે ?

પ્રશ્નકર્તા : બહારથી ઘુસી જાય છે.

દાદાશ્રી : એ કેમ ઘુસી જાય છે ?

પ્રશ્નકર્તા : એ જે બહાર જોયું, સાંભળ્યું, એ પ્રમાણે...

દાદાશ્રી : સિનેમામાં વધારે ઘુસે છે ?

પ્રશ્નકર્તા : કોઈક વાર જોઉં, પણ બહુ નથી જોતો.

દાદાશ્રી : તો બહાર શું જોઉં છું, તે વિચારો ઘુસી જાય છે ?

પ્રશ્નકર્તા : કોઈકવાર કંઈ ખરાબ વાતો સાંભળું તો એ મારા મગજ ઉપર રહે.

દાદાશ્રી : તો શું કરીશ હવે તું ? આનો પ્રોટેક્શનનો શું રસ્તો લીધો તે ?

પ્રશ્નકર્તા : એવું થાય ત્યારે હું જરા ભગવાનનું નામ લઈને મગજમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરું છું.

દાદાશ્રી : આખો વખત એટલે આખી લાઈફ સુધી કરવો પડશે ?

પ્રશ્નકર્તા : હા, આખી લાઈફ સુધી કરવો પડશે.

દાદાશ્રી : તો એમાં શું સુખ છે એટલું બધું, આટલો બધો પ્રયત્ન કરવામાં સુખ શું આમાં ?

પ્રશ્નકર્તા : સુખ તો લાગે છે.

દાદાશ્રી : ત્યાં સુધી ખરાબ વિચારને તારે સમેટવા તો પડશે જ ને ! શું કરીશ તું ? અને વિચારો તો ધડમધડા રાત્રે પણ આવે. તને રાત્રે ઊંઘવા પણ ના દે. એવું બને કે ના બને ?

પ્રશ્નકર્તા : હા, એવું બને.

દાદાશ્રી : હં. તો પછી શું કરીશ ?

પ્રશ્નકર્તા : ત્યારે ભગવાનનું નામ લઈને એમ ઊંઘ આવે.....

દાદાશ્રી : શું નામ લઉં ?

પ્રશ્નકર્તા : ભગવાનને ભગવાનના નામથી જ બોલાવીશ.

દાદાશ્રી : એનું નામ તો હશે ને કંઈ ?

પ્રશ્નકર્તા : એમને એટલા બધા નામો છે એટલે હું ભગવાનના નામથી જ બોલાવીશ.

દાદાશ્રી : પણ ભગવાન શબ્દ વિશેષણ છે કે નામ છે, એડજેક્ટિવ છે કે નામ છે.

પ્રશ્નકર્તા : નામ છે.

દાદાશ્રી : નામ નથી. નામ હોય તો બીજો ભગવાન થઈ શકે જ નહીંને, તો તો ભગવાનદાસ કહેવા પડે. ભગવાન એ વિશેષણ છે, કોઈ પણ માણસ એને માટે તૈયાર થાય તો તેને એ વિશેષણ આપી દેવાનું. કૃષ્ણ હોય તો કૃષ્ણને, મહાવીર હોય તો મહાવીરને, રામ હોય તો રામને, જે કોઈ પણ ફીટ થાય, અને તું પણ ફીટ થઉં તો તને પણ ભગવાન પદ મળે. એ વિશેષણ છે. જેનામાં આટલા વિશેષ ગુણો હોય, તેને આ વિશેષણ આપવું.

પુત્રોને આપવી મૈત્રી પ્રેમ ને માન;

મસ્કા મારી પાડોશીઓ, મચાવશે તોફાન!

તને વઢે તો આનંદ થાય કે કોઈ ના વઢે તો આનંદ થાય ?!

પ્રશ્નકર્તા : ખૂબ વઢે તો આનંદ ન થાય.

દાદાશ્રી : તું આય બેટા, તો બહુ સારો છું. બહુ ડાહ્યો છું, તો આનંદ થાય ?

પ્રશ્નકર્તા : કોઈક વાર થાય.

દાદાશ્રી : દર ફેરે ના થાય ?

પ્રશ્નકર્તા : જેન્યુન્લી (સાચી રીતે) કોઈ ના કહેતો હોય તો ના થાય. એટલે ખુશામતથી જે કહેતો હોય માણસ તો એનો આનંદ ન થાય, પણ સાચે સાચ કહે તો ગમે.

દાદાશ્રી : એટલે ખાલી છેતરાવા માટે કરતો હોય તો ના ગમે તને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : નહીં તો ય ગમે. હંમેશા આ મનુષ્યનો સ્વભાવ એવો છે ને, છોકરાંને માન આપી બોલાવે કે, 'આવો ભઈ, તું તો બહુ ડાહ્યો છું.' એટલે એના ઘરની વાત પૂછે. ઘેર કંઈ મા-બાપ જોડે એ થતું હોય, કચ કચ થતી હોય, તો પેલા કહે, 'ભઈ કેમ તારા ફાધર તો તને કોઈ દહાડો કશું કહે એવા નથી !' 'ના, એ તો આ ગુસ્સે થઈ જાય છે.' એટલે ફૂટી જાય બધું. પાડોશીને ત્યાં ઘણાં છોકરાઓ ફૂટી જાય છે. અને પાડોશીઓ ઉલ્ટો લાભ ઉઠાવે છે. એટલે આ ગમે છે એટલે, 'આવો ભઈ, લે ચા પી.' એને માન જોઈએ છે, માનનો સ્વાદ પડે છે ને !

એટલે એ છોકરાઓને માટે મા-બાપે શું કરવું જોઈએ ? કે બહાર માન ખોળે નહીં એવી રીતે રાખવું જોઈએ. એ માનના ભૂખ્યા ના હોય ને બહાર પેલું માન ખાવા જાય નહીં, માનની હોટલોમાં. એટલા માટે શું કરવાનું ? ઘેર આવે તો આમ બોલાવાનો, બાબા તું તો ડાહ્યો છું, આમ છું. તેમ છું, એને થોડું માન આપવું એટલે ફ્રેંડશીપ જેવું વલણ રાખવું જોઈએ. એને માથે હાથ ફેરવીને બેસવું, આપણે 'બેટા લે હેંડ ! જમવા બેસીએ, આપણે નાસ્તો કરીએ સાથે.' એવું તેવું બધું હોવું જોઈએ. તો પછી બહાર પ્રેમ ખોળે નહીં પછી. અમે તો પાંચ વર્ષનું છોકરું હોય તો એની જોડે પ્રેમ કરીએ, એની જોડે ફ્રેંડશીપ જેવું રાખીએ.

પ્રશ્નકર્તા : જોયું છે. ઔરંગાબાદમાં બધા છોકરાઓને ભેગા કરીને તમે વાતો કરતા, એમના જ દ્રષ્ટિબિંદુથી 'દાદા' બી પાંચ વર્ષના બની જાય.

દાદાશ્રી : આ બેબી જોડે બી ફ્રેંડશીપ જેવું વાતાવરણ. હાં..... અને એ પાછા પોતે ભાવથી કહી દે બધું હકીકત, બધું કહી દે. કારણ કે એ તમારામાં તો શું હોય, 'હું મોટી ઉંમરનો છું', એટલે તમારા બારણા બંધ હોય, 'એ પેલો નાની ઉંમરનો છે' એ ભેદ પડી જાય. તે બારણાં બધા બંધ હોય. અહીં ખુલ્લા બારણાં. દોઢ વર્ષનો છોકરો અમારી જોડે રમે હઉં. દોઢ વર્ષનો છોકરો રમે, 'દાદાજી' જોડે અહીં જે' જે' કરે બધું કરે.

પ્રશ્નકર્તા : વિધિ કરે !

દાદાશ્રી : હા, વિધિ-બિધિ બધાં દોઢ વર્ષનાં છોકરાં કરે, બહુ છોકરા કરે.

મમતા મા-બાપની ભારે;

છોડવી પડે, જશે ત્યારે!

મમતા ખરીને તને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તારા પપ્પાને હઉ ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તને કોની કોની ? પાડોશીની હઉ ?

પ્રશ્નકર્તા : પાડોશીઓની બહુ નહીં. પપ્પા-મમ્મીની વધારે મમતા.

દાદાશ્રી : ત્યારે તારા દાદા તો હશેને, પહેલાં ? એમના ફાધર હશેને ?

પ્રશ્નકર્તા : મેં જોયા નથી.

દાદાશ્રી : પણ હશે તો ખરાં ને ? તને ખાતરી છે ને ? એવું તારી બુદ્ધિ તો કબૂલ કરે છે ને કે હોવા જોઈએ ? કે નથી કબૂલ કરતી ?

પ્રશ્નકર્તા : હતા.

દાદાશ્રી : તો તારા પપ્પાને, તારા દાદા જોડે મમતા નહીં હોય ?

પ્રશ્નકર્તા : હોય જ ને.

દાદાશ્રી : તો પછી શી રીતે છોડી હશે ? એ અહીંથી ગયા છે કે ?

પ્રશ્નકર્તા : ગયા.

દાદાશ્રી : તે શી રીતે મમતા છોડી હશે, જતી વખતે ? મમતા છોડવી તો પડે જ ને પછી ? જ્યારે જાય ત્યારે આપણે મમતા છોડવી ના પડે ? નહીં તો જવાય શી રીતે ? પેલાને જવાય નહીં. અહીંને અહીંયા જ ભમ્યા કરે. આપણે મમતા ના છોડીએ તો પેલા ત્યાં ને ત્યાં જ ભમ્યા કરે. એમણે મમતા છોડી દીધી હશે કે નહીં છોડી હોય ?

પ્રશ્નકર્તા : એક વાર તો છોડવી જ જોઈએ.

સાચું સુખ કોને કહેવાય;

જે આવ્યા પછી ક્યારે ન જાય!

દાદાશ્રી : કંઈ તને સુખ લાગે છે આ સંસારમાં ?

પ્રશ્નકર્તા : સુખ તો લાગે છે.

દાદાશ્રી : શેમાં સુખ લાગે છે ? જમતી વખતે સુખ લાગે છે કે ઊંઘતી વખતે સુખ લાગે છે કે સ્કૂલમાં જતી વખતે સુખ લાગે છે ?

પ્રશ્નકર્તા : જ્યારે હું કંઈ સારી ચીજ કરું ત્યારે મને સુખ લાગે છે.

દાદાશ્રી : શું કરું ત્યારે ?

પ્રશ્નકર્તા : સારું કામ કરું, ત્યારે મને સુખ લાગે.

દાદાશ્રી : અને ખરાબ કરું તો ?

પ્રશ્નકર્તા : ખરાબ કરું તો દુઃખ બી લાગે કે કેમ કર્યું ?

દાદાશ્રી : તો મમ્મી જોડે ચિઢાઉં છું ને તો તેને દુઃખ નથી થતું ? તે બદલ દુઃખ નથી લાગતું !

પ્રશ્નકર્તા : કોઈક વખત દુઃખ લાગે. હું ચિઢાઉં તો મને દુઃખ લાગે.

સાચું સુખ એટલે શું ?

દાદાશ્રી : હમણે કોઈ ગાળો ભાંડે છે તે ઘડીએ સુખ ઉત્પન્ન થાય છે ?

પ્રશ્નકર્તા : એ તો ના જ થાય, દુઃખ જ થાય એ તો.

દાદાશ્રી : દુઃખ કોને કહો છો તમે ? આ તમને જે સુખ લાગે છે ને, એ ય દુઃખ છે બળ્યું. આ સુખ તો કલ્પિત સુખ છે, ન્હોય સાચું સુખ. તે તમને આના જેવું પાછું આખું કલ્પિત સુખ જ જોઈએ ? સનાતન સુખ જોઈએ, સાચું સુખ ! જે સુખની પછી દુઃખ આવે જ નહીં, એનું નામ સાચું સુખ કહેવાય. જે આનંદ પછી દુઃખ જ ના ઉત્પન્ન થાય ! આ તો સુખ જ ન્હોય. આ જે સુખ લાગે છે ને, સરસ જમવાનું સારી રસોઈ બની હોય ફર્સ્ટ કલાસ, બત્રીસ ભાતની રસોઈ હોય તે ઘડીએ સુખ લાગે, પણ જરા વધારે ખવડાવે તો ? જબરજસ્તી ખવડાવ ખવડાવ કરે તો શું થાય ?

ધાકથી નહિ, સમજાવીને લાવો ઉકેલ;

આંટી દૂર કાઢવા મા-બાપે કરવી પહેલ!

પ્રશ્નકર્તા : આપણને નાનપણથી ધાક લાગી ગયો છે, બધા વઢે, ખીજવાય એટલે આપણાથી બોલાય નહીં, જેમ છે તેમ.

દાદાશ્રી : પણ અહીં મારી પાસે હઉ ધાક લાગી ગયો છે ? મારી પાસે તો બોલાય ને ! જ્યાં ધાક ના લાગતો હોય ત્યાં તો બોલાય ને ! જ્યાં ધાક લાગતો હોય ત્યાં ના બોલાય. તેથી મા-બાપ પાસે લોકો પોતાની બધી હકીકત કહેતાં નથી, વાસ્તવિકતા. ધાક લાગી ગયો અને પાછા ફરી કંઈક કહેશે. એટલે આમાં ગુંચવાડો ઊભો થાય છે પછી. એટલે હું મા-બાપને શું કહું છું કે એની જોડે બેસીને વાતચીતો કરો, એને શું અડચણ છે, શું છે, તારા વિચારો શું થાય છે. જે થતા હોય જોઈ લો. નહીં તો ય બોંબ ફાટવાનો જ છે, જો કદી દારૂખાનો ભર્યો હશે તો તે પહેલાં જાણી લીધું તે ના ફાટે કે મોડો ફાટે એવો રસ્તો કરી શકે ને ! નહીં તો બોંબ તો ફાટ્યા વગર રહે કે !?

પ્રશ્નકર્તા : ના રહે.

દાદાશ્રી : એટલે અમે બધા ફાધર-મધરને બધાને કહીએ છીએ કે બધા બેસો, વિચારો, કરો. બાર-તેર વર્ષની પછી એની જોડે સાથે બેસો, વાતચીત કરો. એના મન ખુલ્લા કરો. મનમાં એને ગૂંચવાડો ઊભો થાય, કોણ એનો ગૂંચવાડો કાઢી આપે ? બીજી બેનપણીઓ મળે, તે સારી બેનપણી તે એની પાસે ઊભી ના રહે અને બીજી બેનપણીઓ તો એના જેવી હોય તે ઊભી રહે. એ બધી એન્કરેજ કરે સામસામી. કોણ ડિસ્કરેજ કરે ? તને સમજ પડીને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એટલે આ બધા વ્યવહારિક પ્રશ્નો અમે છે તે ઉકેલ કરી આપીએ બધા.

મા-બાપ થાય ગુસ્સે તો શું કરવું?

'જય સચ્ચિદાનંદ' કહી ટાઢા પાડવું!

પ્રશ્નકર્તા : પપ્પા કે મમ્મી ગુસ્સે ભરાય તો શું કરવું ? મમ્મી મારા ઉપર ગુસ્સો કરે ત્યારે મારે શું કરવું ?

દાદાશ્રી : 'સચ્ચિદાનંદ' બોલવાનું, 'સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ' બોલવાનું બોલશે તો ટાઢી પડશે. અહીં ઇન્ડિયામાં તો બધા છોકરા એવું જ બોલે છે. મા-બાપ ગુસ્સે ભરાયા હોય ને ત્યારે છોકરા કહેશે, 'સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ.' પછી ચૂપ થઈ જાય.

પપ્પા, મમ્મી જોડે વઢવાઢ કરવા ફરે ત્યારે છોકરાઓ બધા 'સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ' કહે એટલે બધું બંધ થઈ જાય. બેઉ શરમાઈ જાય બિચારા ! ભયની એલાર્મ ખેંચે છે એટલે તરત બંધ થઈ જાય. 'સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ' કરતાંની સાથે જ બંધ થઈ જાય એ સમજી જાય, નહીં ?

પ્રશ્નકર્તા : સમજી જાય, 'સચ્ચિદાનંદ' તો બહુ ઇફેક્ટિવ છે.

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : દાદા કોઈકની જરાક બી અમે વાત કરીએ ને તો અમારા છોકરાં ઊભા હોયને, તો એમ જ કહે કે દાદાનું જ્ઞાન લીધું, તમને ચોવીસ કલાક દાદા તો ધ્યાનમાં રહે છે, તો પછી આવી વાતો શું કરવા કરો છો ? એટલે છોકરાના દેખતાં જો કશું બોલવા જઈએને, તો તરત જ પકડે કે કેમ બોલવા માંડ્યા ?

દાદાશ્રી : આ તો 'સચ્ચિદાનંદ' કહેને તો જાણવું કે જાગૃત થઈ જાવ. એ પછી વઢતાં અટકી જાય.

પ્રશ્નકર્તા : અટકી જ જાય દાદા, ચેતી જવાય તરત.

ઘરમાં જાણો બાળકનો મત;

નાનો પણ નિર્દોષ, તેથી કહે સત્!

તને લાગે છે, પપ્પા ફસાઈ ગયા છે અહીં આગળ ? તે કહ્યું નહિ ?

પ્રશ્નકર્તા : સાચા માર્ગે જ આવે છે ને.

દાદાશ્રી : આ સાચો માર્ગ તને લાગે છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તદ્ન સાચો છે એવું ?

લોક કહે છે કે, કો'ક અનુભવીને પૂછી આવીએ. અલ્યા, છોકરાંને પૂછને મૂઆ. અનુભવીને શું પૂછવાનું ? અનુભવીને ના આવડે. છોકરાંને પૂછ, શું ? કારણ કે નિર્દોષ છે.

સુખ આપવાની કાઢો આજથી દુકાન;

સુખનો વેપાર વધારો મતિમાન!

પ્રશ્નકર્તા : બેબી પૂછે છે દાદા, કે જેવી આપ આ બધા મોટાઓને આજ્ઞા આપો છો, એવું અમારે નાના છોકરાઓને માટે શું આપ આજ્ઞા આપો છો ?

દાદાશ્રી : જ્ઞાન આપે ત્યારે તો સરખી જ આજ્ઞા હોય. જેને જ્ઞાન લેવું હોય, તેને સરખી આજ્ઞા હોય, જેને સંસારના સુખો ભોગવવા છે અને સંસારમાં સારી રીતે ધર્મ પાળવો છે તેને અમે બીજી આજ્ઞા આપીએ.

પ્રશ્નકર્તા : બાળકોને તો જ્ઞાન (જ્ઞાનવિધિ) અપાય નહીં. તો એમને શું ? એવી રીતના પૂછે છે ?

દાદાશ્રી : એટલે એમને આ સંસારનો ધર્મ આપીએ અમે.

પ્રશ્નકર્તા : દાદા, સંસારનો ધર્મ ક્યો ?

દાદાશ્રી : આપણી આ નવ કલમો અને ત્રિમંત્રો ને 'દાદા ભગવાનના અસીમ જય જયકાર', નમસ્કાર વિધિને એ બધું, એ તો બધા એ ધર્મ કરે, એટલાથી બહુ સેટીસ્ફેકશન થઈ જાય.

અને લોકોને સુખ જ આપવું. દુઃખ આપવું નહીં. એ વેપાર સારો, ચોખ્ખો કરવો. આપણે દુકાનમાં સુખનો માલ રાખવો જોઈએ કે દુઃખનો ? દુકાન શરૂ કરીએ તો સુખનો માલ રાખવો જોઈએ કે દુઃખનો ?

પ્રશ્નકર્તા : સુખનો જ, દાદા ?

દાદાશ્રી : હા, બધાને સુખનો માલ આપવો. એ વખતે દુઃખ આવી જાય, તો ય પણ આપણે એને સુખ આપવું. સમજ પડીને ? છેવટે સુખનો વિજય થશે. દુઃખનો વિજય નહીં થાય. દુકાનમાં માલ સુખનો જ આપવાનો રાખવો. સુખની દુકાન કાઢવી. કોઈ સલાહ પૂછવા આવે તો સારી સલાહ આપવી. કોઈ ઝઘડો કરવા આવે તો આપણે એને કહીએ કે ભઈ મારી ભૂલચૂક થઈ હોય તો તારી માફી માગું, પણ શું થયું છે, શા હારું આમ કરે છે ? એની પતાવટ કરી દેવી. ના ફાવે ?

પ્રશ્નકર્તા : હા, ફાવે.

વેઢમીનો કેળવવો પડે લોટ;

કેળવણી ન ફાવે, સમતાની ખોટ!

આ તો સુધરેલા જ છોકરા છે, આમાં શું બગડેલા છે ? આ તો અજવાળેલી થાળીને, પણ એને ફરી અજવાળીએ તો મૂર્ખ કહેવાઈએ ઉલ્ટું. લોકો કહેશે, આ કઈ જાતનાં માણસ છે, આ અજવાળીને હમણે તો લાવ્યા ? અને ફરી અજવાળવા જાય છે. અને પોતે અજવાળ્યા વગરનો પડી રહ્યો છે. બીજું તો આપણા આત્માનું કર્યા કરવાનું, આ તો બધું ચાલ્યા કરે. આ તો સારે ઘેર જન્મેલા છોકરા એવા તો કંઈ ગાંડા-ઘેલા ઓછા હોય છે ?

વેઢમી કરવી હોય તો આપણે ભાખરી જેવો બાંધેલો લોટ હોય તે ચાલે ? કેળવ કેળવ કર્યા કરવું પડે. અમે વેઢમી કરીએ છીએ. તે લોકો છોકરાની ભાખરી કરે છે. ભાખરી કરે તે ય જાડી ભાખરી, એની વેઢમી બનાવજો હવે. હા, ભાખરી બનાવવી તેના કરતાં વેઢમી હોય તો આમ આમ કૂટવું પડે લોટને, ત્યારે વેઢમી થાય. છોકરાને માથે હાથ ફેરવવો પડે, બહારે લઈ જવો બે-ચાર વખત, ફ્રેન્ડશીપ કરવી જોઈએ, આપણી ચીજ હોય તે એને થોડી ખવડાવીએ. ના ફાવે એવું ? અમને તો બધા સાથે ફાવે. છોકરાઓ બહુ ડાહ્યા છે. ઇન્ડિયનો, સંસ્કાર તો સારા છે. છે તો સરસ ઘઉંનો લોટ, પણ શું થાય ? વેઢમી કરતાં ના આવડે તો ભાખરાં કરે પછી ! નહીં તો લાહી બનાવે !

સાચો પ્રેમ ત્યાં ન હોય દ્વેષ-રાગ;

વધે-ઘટે એ તો છે આસક્તિ અનુરાગ!

પ્રશ્નકર્તા : મારા સગાવ્હાલાં બધા પ્રેમવાળા છે, મારા માટે લાગણી કરે છે.

દાદાશ્રી : એ તું સામંુ બોલું ને ત્યારે ખબર પડશે પ્રેમ કેટલો છે.

પ્રશ્નકર્તા : સામું બોલીએ એટલે ગુસ્સો કરે છે.

દાદાશ્રી : તો પછી એને પ્રેમ શાનો કહેવાય ? આ આસક્તિ કહેવાય. પ્રેમ તો એનું નામ કહેવાય કે વધે નહીં, ઘટે નહીં, તું ગાળ ભાંડું, ગુસ્સો કરું, તો ય ના ઘટે અને એમ ને એમે ય પ્રેમ કરું તો ય વધે નહીં, એનું નામ પ્રેમ કહેવાય. આને પ્રેમ જ કેમ કહેવાય ? અને હું તો પ્રેમથી મારું.

પ્રશ્નકર્તા : મને કાંઈ દુઃખ નથી થતું. મને ગુસ્સો આવે, થાય થોડુંક, પણ હું પછી વિચાર કરીને એને ભૂલી જવા પ્રયત્ન કરું.

દાદાશ્રી : ના. પણ ગુસ્સો આવે ત્યાંથી જ દુઃખ કહેવાય ને ! એ દ્વેષ કહેવાય. પ્રેમમાં દ્વેષ ના હોય. દ્વેષ છે ત્યાં પ્રેમ નથી અને પ્રેમ છે ત્યાં દ્વેષ ના હોય ! પ્રેમમાં રાગે ય ના હોય અને દ્વેષ ય ના હોય. અત્યારે તું મને ફૂલહાર ચઢાવું તો મારો પ્રેમ વધી ના જાય, તું મને બે ધોલ મારું તો ઘટી ના જાય, એનું નામ પ્રેમ કહેવાય. એવો પ્રેમ જોયેલો ?

સામાના શુદ્ધાત્મા જુએ તો લાગે નિર્દોષ;

પ્રકૃતિ જુએ તો દેખાય ખૂબ દોષ!

હું અહીં આ મશીનને દબાવું છું કે નહીં દબાવતો ! તો ગુસ્સે કરે છે ? એવી સ્થિતિમાં રહેવું જોઈએ. આ જો દબાવું છું તો પણ કશું કરે છે ?

પ્રશ્નકર્તા : આવીશ એ સ્થિતિમાં, હું પણ એવી રીતે થઈ જઈશ !

દાદાશ્રી : ગુસ્સે એટલા માટે તું થઉં છું કે એમનામાં 'આત્મા નથી' એવું જાણું છું એટલે. એ 'શુદ્ધાત્મા નથી' એવું તું જાણું છું એટલે. એટલા માટે થઉં છું ને ?

પ્રશ્નકર્તા : એટલે માટે નહીં. કારણ કે શું થાય, ઘણીવાર પેરેન્ટ્સ એક્સેપ્ટ કરે ને આપણાથી એક્સેપ્ટ નહીં થાય અને આપણાથી બોલાય નહીં. એટલે એક રીતે દુઃખ થાય કે મારાથી એ કહે એવી રીતે નથી કરાતું ને બીજી રીતે ગુસ્સો થાય. કારણ કે એ લોકો મારી પાસે કરાવવા માંગે છે. એટલે અંદર અટવાઈ જવાય.

દાદાશ્રી : બરાબર. હવે ઘરનાં માણસો બધાંને તારાથી આનંદ થાય એવું રાખવું. તને એનાથી દુઃખ થાય તેનો આપણે 'સમભાવે નિકાલ' કરવાનો અને તારાથી એ બધાને આનંદ થાય એવું રાખવું. પછી એ લોકોનો પ્રેમ જોજે તું, કેવો પ્રેમ છે ! આ તું પ્રેમ બ્રેકડાઉન કરી નાખું છું. એ લોકોનો પ્રેમ હોય તેને તું ઉપરથી પથ્થરા નાખ નાખ કરું તો બધું તૂટી જાય પ્રેમ.

પ્રશ્નકર્તા : મને એવું લાગે છે કે એ લોકો પણ મને એવું કરે છે.

દાદાશ્રી : હા, કારણ કે એ લોકો ને તું જુદા છો, ત્યાં સુધી આ બધું છે.

પ્રશ્નકર્તા : 'પોઈન્ટ ઓફ વ્યુ' તરીકે જોઈએ એટલે ને ?

દાદાશ્રી : નહીં, 'પોઈન્ટ ઓફ વ્યુ' નહીં, એને જુદાં જોવું છું તું, આ એ આત્મા નથી ?

પ્રશ્નકર્તા : હા, સમજી.

દાદાશ્રી : અને જે કરી રહ્યા છે એ એમના હાથમાં સત્તા નથી, માટે નિર્દોષ છે. એમના હાથમાં કોઈ સત્તા વગર કરી રહ્યા છે, એટલે નિર્દોષ છે. હવે શુદ્ધાત્મા તો શુદ્ધ જ છે અને આ પ્રકૃતિ નિર્દોષ છે, તો પછી શેને તું ગુનો જોઉં છું ?

પ્રશ્નકર્તા : મારી ભૂલ છે એ ! સમજાયું.

સ્કૂલમાં શીખવે ભણતર;

પણ ક્યાં શીખવે ગણતર?

પ્રશ્નકર્તા : મારા બાપા એમ જ માને છે કે હું ભણ્યો પણ ગણ્યો નહી.

દાદાશ્રી : હા, પણ શું ભણ્યો તું ?

પ્રશ્નકર્તા : 'બી.કોમ.' અને પછી ઉપર આગળ બેંકની ડિગ્રીઓ લીધી.

દાદાશ્રી : હા, પણ તમારા બાપુજી કહે છે તે ભણ્યો પણ ગણ્યો નહીં. ગણતર પહેલું જોઈએ, ભણતર ઓછું હોય તો ચાલે.

પ્રશ્નકર્તા : એ તો એમની દ્રષ્ટિએ ને !

દાદાશ્રી : નહીં, જગત આખું ય કહે, કે ભઈ ગણતર તો જોઈએ. હવે ગમે એટલું ભણતર ભણો, ગજવું કાપવાનું ભણતર ભણે કોલેજમાં, બધું વીસ વર્ષ તો ય ગજવું કાપતા આવડે ખરું ?

પ્રશ્નકર્તા : એના તો કલાસ જુદા હોય. એની સ્કૂલ જુદી હોય.

દાદાશ્રી : એ તો છ મહિનામાં પેલો ગુંડો શીખવાડી દે, હડહડાટ ! અને ઓલરાઈટ શીખવાડી દે ગણતર, એનું નામ ગણતર !

મશીનના મળે સવાસો રોજના;

મનુષ્યનું ભાડું ચાલીસ, એમાં લોજના!

દાદાશ્રી : હેતુ શો હતો ભણવાનો ?

પ્રશ્નકર્તા : જ્ઞાન મેળવવા માટે.

દાદાશ્રી : હા, પણ શા માટે જ્ઞાન મેળવવું પડ્યું ?

પ્રશ્નકર્તા : મારે પોતે કામ કરવું છે, નોકરી એ બધું કરવું છે એટલા માટે.

દાદાશ્રી : નોકરી કરવી છે ? કો'કની નોકરી કરવાનું ? ભણતર ભણીને ગુલામીમાં જવાનું ?

પ્રશ્નકર્તા : હું એને ગુલામી નથી સમજતી.

દાદાશ્રી : ગુલામને ગુલામી કેમ ખબર પડે ? જે ગુલામ પોતે હોય એને ગુલામી કેમ ખબર પડે ? તું ગુલામી નથી સમજતી, નહીં ?

પ્રશ્નકર્તા : હું જે કામ કરું છું એનાં પૈસા મને મળે છે. એને ગુલામી કેવી રીતે કહેવાય ?

દાદાશ્રી : ઓહોહો ! એટલે મહેનતાણું લેવા જઉં છું તું ? કેટલા રૂપિયા મહેનતાણું છે રોજનું, ડેઈલી વેજીસ્ ?

પ્રશ્નકર્તા : મહિને, ડેઈલી નહીં.

દાદાશ્રી : હા, મન્થલી કેટલા ?

પ્રશ્નકર્તા : આઠસો.

દાદાશ્રી : આઠસો. ત્યારે તો સત્તાવીસ થયાને રોજનાં ? એટલું જ ભાડું ? રેન્ટલ બેઝીસ આપેલી છે ? એક માણસે એનું મશીન આપ્યું'તું વીસ હજારનું. તેનું ભાડું રોજનાં ચાલીસ રૂપિયા લેતા'તા. તે પાછી શરત શું ? તેલ-પાણી પણ તમારું અને આ ચાલેલું આપ્યું છે એ સ્થિતિમાં પાછું લઈશ, ચાલેલી સ્થિતિમાં તો એ ભાડે આપેલું. એક મશીન આપે છે તે ચાલીસ રૂપિયા આપે છે રોજનાં. તો આપણે, તું તો જીવતી કહેવાય અને ખાનદાન ઘરની કહેવાય, તેનાં કેટલાં સત્તાવીસ રૂપિયા આવે ? સત્યાવીસમાં તેલ-પાણી સાથે ! પેલો તો ચાલીસ લે અને તેલ-પાણી સરકારને કહે, તમારું.

એક ભગત માણસ હતો અમદાવાદમાં, તે આવ્યો'તો. 'મારે તો આ બધું તમારું જ્ઞાન જાણવું છે. અમને કંઈ શાંતિ રહેતી નથી બિલકુલ. આ લૂગડાં પહેરીને ફરીએ એટલું અને માળા પહેરીને ફર્યા કરીએ એટલું જ. તે બધું અમારું ટોળું હોય છે ને તેમાં ટોળામાં મઝા કરીએ પણ મારે સાચી વાત તો હું તમને જણાવું કે અમને આંતરિક શાંતિ નથી રહેતી.' ત્યારે મેં કહ્યું કે 'તમને શું પગાર મળે છે ?' ત્યારે કહે, 'મ્યુનિસિપાલીટીમાં એન્જીનીયર છું ને મને અઠ્ઠાવીસ્સો મળે છે.' ત્યારે મેં કહ્યું, 'તો રોજનું નેવું રૂપિયા ભાડું થયું.' 'ભાડું કેમ કરીને કહેવાય?' ત્યારે મેં કહ્યું, 'શું કહેવાય ત્યારે ? મોટું મશીન આપીએ છીએ ને આ કોમ્પ્રેસર, તો સવાસો રૂપિયા ભાડું આપે છે અને તેલ-પાણી એમનું પાછું, સરકારનું.' ત્યારે મેં કહ્યું કે, 'તમારે તેલ-પાણી ?' ત્યારે કહે, 'મારા ઘરનું.' પછી તે મને કહે, આ ભાડું કહેવાય? ને આ તેલ-પાણી આ ઘરનું! ખૂબ હસ્યા. મને કહે છે, 'આટલી જાગૃતિ રહે તો હું માણસ થઈ જાઉં ! મને જાગૃતિ જ નથી આવી.' આટલી જાગૃતિ, આ ખ્યાલ જ ન્હોતો કે હું ભાડે. પછી એમને જ્ઞાન આપ્યું ને બહુ સુંદર રહે છે.

મા-બાપ ન મૂકે છોકરીમાં વિશ્વાસ;

વ્યાજબી એ, કારણ સમજની કચાશ!

પ્રશ્નકર્તા : અમે ઓનેસ્ટ હોઈએ, જુઠ્ઠું ના બોલીએ કોઈ દહાડો, તો ય પણ અમારા ઉપર વિશ્વાસ કેમ ના આવે એમને ?

દાદાશ્રી : ના, તમારી ઉપર રખાય જ નહીં, બિલકુલે ય ના રખાય. હું કહી દઉંને કે છોકરા ઉપર વિશ્વાસ રાખશો નહીં. શંકા નહીં રાખવાની. વિશ્વાસે નહીં રાખવાનો.

પ્રશ્નકર્તા : ના, પણ શું કામ શંકા રાખે, પપ્પા મારા ઉપર શંકા શું કામ કરે ?

દાદાશ્રી : તો શું રાખે ? આપણે ત્યાં તો શંકા એકલી નહીં, પણ મારે બહાર જાય તો ! સ્ત્રી ઉપર શંકા રાખ્યા વગર ચાલે જ નહીં ને ! તું તો ફોરેનરને આમ હાથ અડાડ અડાડ કરું, તો તારે શું છે ?

પ્રશ્નકર્તા : આ એમ વાત નથી, પૈસાની વાતમાં હું બોલું...

દાદાશ્રી : ના, બધી બાબતમાં, પૈસાની બાબતમાં ય. પૈસાની બાબતમાં ય 'તું ચોર છું' એવું કંઈ શંકા ના આવે. પણ એ તો 'તું બગાડું છું, તું સમજણ વગરના ખર્ચા કરે છે', એવી શંકા આવે. એ તું એમની છોડી થઉં, એટલે એવી શંકા આવે ને ! તો ય તારે સમજવું કે મારી ભૂલ છે, એમની ભૂલ નથી.

પ્રશ્નકર્તા : હા, સમજી. એ કંઈ મેં પાછલા કાળમાં કંઈ કર્યું હશે, એટલે હું ભોગવું છું તે હું હવે સમજી, તમને મળ્યા પછી.

દાદાશ્રી : હા, બરાબર છે. ફાધર-મધર જે કંઈ કહે, એની ઉપર કંઈ વિચાર ના કરવાના હોય છોકરાઓએ. કારણ કે એ એક્સપીરીયન્સ્ડ છે અને તમને હજુ સમજણ નથી અને તમે સરખું માપવા જાવ તો શું થાય ? તમે આમ બહુ સંસ્કારી છો, પણ છતાં ય શું માલ ભરેલો છે એ શું ખબર પડે ?

એ છોકરાઓનું હિત ક્યારે જોવાય, આપણે અવિશ્વાસ થોડો-ઘણો હોય ત્યારે જોવાય. વિશ્વાસ મૂક્યો એટલે એમનું હિત તૂટી જાય. વિશ્વાસ ના મૂકાય કે આ અમારી ઘૈડપણમાં ચાકરી કરશે ને ઘૈડપણમાં મારું એ એમ કરશે ને ! વિશ્વાસ કરો, પણ તે અવિશ્વાસુનો વિશ્વાસ.

તો પછી એ બહાર કહે તો લોક એમને કહેશે, એ સાચા છે. અને તારું બહાર પૂછીએ તો કહે, 'છોકરીમાં કશી સમજણ નથી લાંબી.' એવું કહે.

ગાળો દે તો સાચવીશ ફાધરને;

ધન્ય તને ને તારી જણતરને!

પ્રશ્નકર્તા : ફાધર સાથે ઘણીવાર નથી બનતું, એ જેમ તેમ બોલે, ગાળો ભાંડે.

દાદાશ્રી : તો તે ઘડીએ જ્ઞાતા-દ્રષ્ટા રહેવું. પણ હજુ આ ગાળો ભાંડે છે, એનું કારણ સમજી જવું કે એમને પૈસા અમુક આપી દીધા હોય પછી એવાં નહીં રહે. એ શેનાં હારું કરે છે ? પૈસા માટે હાય હાય, લોભ ! એટલે તારે આવું કરવું, તો પેલું એમની જોડે એ તૂટે નહીં. નહીં તો ઊલટી એમની જીંદગી ય બગડે ને તારી ય બગડે.

પ્રશ્નકર્તા : સમજી ગયો.

દાદાશ્રી : અને તું કમાઈને આપી દઈશ તો ય તું કમાશે, પુણ્ય છે ને ? ભલે કશું ના આવડતું હોય, પણ પુણ્ય છે ને ! આ તો પુણ્ય કમાય છે. તને ધંધો કરવો છે કે નથી કરવો ? એ સર્વીસ કરવી હોય તો ય વાંધો નહીં ! આપણે સર્વીસ કરીને ય ચલાવાય. તારે જે આપવું હોય તે, અરધી રકમ આપવી હોય, જેટલું આપવું હોય એટલું આપજે.

બાપ લઢે મતભેદ કલેશ ઘરે;

ભોગવે એની ભૂલ, કરી ચૂકતે કરે!

પ્રશ્નકર્તા : અમુક દુઃખો તો દૂર થવાં જ જોઈએ ને ?

દાદાશ્રી : કેટલાં દુઃખ દૂર કર્યા ?

પ્રશ્નકર્તા : હવે એક દાખલો આપું. હવે હું આવડો મોટો થયો તો ય મારા બાપુજી મને ટૈડકાય, ટૈડકાય કરે છે, એ મારા માટે દુઃખ ના કહેવાય ?

દાદાશ્રી : ના, ના. એમાં કો'ક ટૈડકાવતો હોય તો દુઃખદાયી કહેવાય. એ ગમે એટલા ઘૈડા થાય અને તમે ગમે એટલા મોટા થાવ, પણ એમના તો છોકરા જ ને !

પ્રશ્નકર્તા : પણ ખોટું ટૈડકાવતા હોય તો ?

દાદાશ્રી : ખોટું તો તમે જજ, તમે વકીલ અને તમે છે તે આરોપી શી રીતે ખોટું માપ કાઢો છો ?

પ્રશ્નકર્તા : એ હું નહીં, બીજા પણ એમ માને છે કે એ ખોટું થયું આ ભાઈ પણ માને છે, હું એકલો નથી.

દાદાશ્રી : આ ભાઈ સાક્ષી પૂરે છે, નહીં ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ તો આ સાક્ષીવાળા તમને બધા મળી આવે પછી. આ દુનિયાનો કાયદો એવો કે ગેરકાયદેસર કોઈ તમને કશું કરે તેમ છે નહીં. તમારા ફાધર ટૈડકાવે છે ને એ કાયદેસર કરે છે. હવે તમારે બીજું અંદર ઊંડું ઉતરવું છે ? એ કાયદેસર છે, ગેરકાયદેસર નથી. આ તો કુદરત શું કરે છે ? નિરંતર ન્યાયમાં જ હોય છે. એક સેકન્ડ પણ અન્યાય કરતી નથી, એનું નામ કુદરત ! અહીં કોર્ટો ગમે તેમ કરે. પણ કુદરત ન્યાયમાં જ છે. અને અસલ ન્યાય જ કરે છે. એટલે બાપા વઢે છે ને તે જ ન્યાય છે. હવે તેને ઉપરથી તમે કહો કે મને કેમ વઢો છો, એ ન્યાયને તમે ઊંધું બોલો છો.

પ્રશ્નકર્તા : આ તો વઢે છે ને જાણી જોઈને દુઃખી થાય છે ને અમને બધાને દુઃખી કરે છે.

દાદાશ્રી : ના, ના. એ તો બધું આનું નામ જ સંસાર ને ! ઊંધી માન્યતાઓ એનું નામ સંસાર ! એ પોતે દુઃખી થતા નથી કે દુઃખી થાય છે ને એ કાયદેસર થાય છે અને તમને દુઃખ કરે છે તે ય કાયદેસર કરે છે. અને તમે વળી પાછા એને ગૂંચવો છો. એમને વધાવી લો કે બહુ સારું થયું આ હિસાબ મારો ચૂકતે થાય છે.

પ્રશ્નકર્તા : પણ આમાં તો એવું થયું ને દાદા કે અમે ભૂલ નથી કરતાં છતાં અમે ભોગવીએ છીએ, તેનું શું ? તમે કહો છો ભૂલ કરે એ ભોગવે, પણ અમે ભૂલ નથી કરી એવી ખાતરી છે. છતાં અમે ભોગવીએ છીએ.

દાદાશ્રી : એમને કંઈ ભૂલની સાથે ભાંજગડ નથી. આ તો તમારો હિસાબ છે તે ચૂકતે કરે છે. ને તે ચૂકતે ના કરે તો પાછું તમારું બાકી રહી જાત ફાધર પાસે. એટલે ચોપડા ચૂકવી દેવા પડે ને ! આ તો ભૂલમાં તો હોતું નથી કોઈ ! અને આમ ભૂલો જ છે બધી જોવા જાય તો !

પ્રશ્નકર્તા : પણ અમે તો ચૂકવવા તૈયાર છીએ પણ ક્યાં સુધી આ ? બધો હિસાબ કરી દો, અમે જલ્દી હિસાબ કરવા માંગીએ છીએ. આ ગંૂચ તો ઉકેલવી જ છે, પણ આવી રીતે નથી ઉકેલવી.

દાદાશ્રી : એવું છે, આ હિસાબ છે. તે તમને બુદ્ધિથી શું લાગે છે કે આવું એ કેમ કર્યા કરે છે ? શું તો એ ચક્રમ છે, ગાંડા છે ?! તમને લાગે છે ગાંડા છે. ના, આ તો હિસાબ છે.

જૂની ગાડી થાય જલ્દી ગરમ;

છોકરાં શાંત તો બાપ જલ્દી નરમ!

પ્રશ્નકર્તા : તો વડીલો જ કેમ વધારે ગરમ થઈ જતા હશે ?

દાદાશ્રી : એ તો ઠઠારો ગાડી થઈ ગયેલી હોય, ગાડી જૂની થઈ હોય તો પછી ગરમ થઈ જાય ને આખો દહાડો. એ તો નવી ગાડી હોય તો ના થાય. એટલે વડીલોને તો બિચારાને શું....

અને ગાડી ગરમ થઈ જાય. તો એને આપણે ટાઢી ના પાડવી પડે ! બહારથી કંઈક કોઈકની જોડે ભાંજગડ થઈ હોય, રસ્તામાં પોલીસવાળા જોડે, તો મોઢા ઉપર છે તે થઈ ગયા હોય ઈમોશન્લ. તમે મોઢું જુઓ ત્યારે તમે શું કહો ? 'તમારું મોઢું જ બળ્યું, આ જ્યાં ને ત્યાં ઉતરેલું ને ઉતરેલું કાયમને માટે.' એવું ના બોલાય. આપણે સમજી જવાનું કંઈક મુશ્કેલીમાં આવ્યા છે. એટલે પછી આપણે એમ ને એમ ગાડીને ટાઢી પાડવા માટે ઊભી નહીં રાખતાં ?!

પ્રશ્નકર્તા : હં.

દાદાશ્રી : એવું એમને ટાઢી પાડવા માટે જરા ચા-નાસ્તો બધું કરવું. તો ઠંડું પડી જાય એમનું. એવું સાચવવું પડે બધું. આ તો આ આવતાની સાથે, જુઓને તમારું મોઢું ચઢેલું છે ! અલ્યા ભઈ, એ ક્યા કારણથી ચઢ્યું એ શું કારણથી, એ તો એ સમજે બિચારા. એવું ના બને આ દુનિયામાં ?

પ્રશ્નકર્તા : એવું બને જ છે.

દાદાશ્રી : માટે આપણે સાચવી લેવાનું. અને ગાડી ગરમ થાય તો ત્યાં ચીઢાતા નથી ને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો આ બધી ગાડીઓ જ છે, ગરમ થાય એ બધી ગાડી જ કહેવાય. કારણ કે જે મીકેનિકલ ભાગ છે ને, ત્યાં જ ગરમી થાય છે. કોન્શીયસ પાર્ટમાં થતું નથી. મીકેનિકલ પાર્ટમાં ગરમ થાય છે એટલે ગાડી કહેવાય કે ના કહેવાય ?

પ્રશ્નકર્તા : કહેવાય.

દાદાશ્રી : કોન્શીયસ પાર્ટમાં ગરમી નહીં થતી. ક્યા પાર્ટમાં ગરમી થાય છે એ જાણવી જોઈએ.

પ્રશ્નકર્તા : મારા ફાધર તો બહુ ગરમ થઈ જાય, ખાવાનું સહેજ બરાબર ફાવ્યું નહીં તો.

દાદાશ્રી : એમ નહીં, પણ સામી સેવા કરવી જોઈએ.

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : આ વડીલોની સેવા કરવી એ તો મોટામાં મોટો ધર્મ છે. જુવાનીયાનો ધર્મ શું ? ત્યારે કહે, વડીલોની સેવા કરવી. જુની ગાડીઓને ધકેલીને લઈ જવી અને તો જ આપણે ઘૈડા થઈશું તો આપણને ધકેલનારા મલશે. એ તો આપીને લેવાનું છે. આપણે ઘૈડાઓની સેવા કરીએ તો આપણી સેવા કરનારા મળી આવે અને આપણે ઘૈડાઓને હાંક હાંક કરીએ તો આપણને હાંક હાંક કરનારા મળી આવે. જે કરવું હોય તે છૂટ છે.

પ્રશ્નકર્તા : અદ્ભુત.

દાદાશ્રી : બાકી આ તમને વાત આમાં કંઈ ગમે આ બધી ?

પ્રશ્નકર્તા : હા.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19