ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19

મા-બાપછોકરાનોવ્યવહાર

(૩)

ન ઝઘડાય બાળકોની હાજરીમાં...

આજે નાનું કુટુંબ છતાં ય ચિંતા;

મા-બાપનું જોઈ છોકરાં શીખતા!

દાદાશ્રી : કોઈ દહાડો ચિંતા-બિંતા થાય કે ? કો'ક દહાડો થાય ?

પ્રશ્નકર્તા : ચિંતા તો, ફેમિલીવાળા હોય એટલે ચિંતા તો રહેવાની.

દાદાશ્રી : કેટલું સોએક માણસનું છે ફેમિલી ?

પ્રશ્નકર્તા : ના, એમ કંઈ વધારે મોટું નથી !

દાદાશ્રી : આપણી હિન્દુસ્તાનની ગવર્નમેન્ટ કહે છે એવું ? હું અને એ, બે અને અમારા બે. હમ દો ઓર હમારે દો, એ ફેમિલી.

પ્રશ્નકર્તા : એક જ છે. હમ દો ઔર હમારા એક.

દાદાશ્રી : એમ ! એ ફેમિલી !

પ્રશ્નકર્તા : આપણે આ બાળકોને ધર્મ કેવી રીતે શીખવવો ?

દાદાશ્રી : આપણે ધર્મરૂપ થઈ જઈએ એટલે એની મેળે થઈ જાય. આપણે માંસાહાર ના કરીએ, દારૂ ના પીએ અને ઘરમાં સ્ત્રી જોડે અથડામણ ના કરીએ. એટલે છોકરાઓ જુએ કે પપ્પા બહુ સારા છે. પેલાના પપ્પા-મમ્મી લઢતાં હતાં. મારાં મમ્મી-પપ્પા લઢતા નથી. એટલું જુએ એટલે પછી છોકરાઓ શીખે.

પ્રશ્નકર્તા : એટલે છોકરાઓના સંસ્કારનો મા-બાપ ઉપર તો ઘણો આધારને ? સંસ્કાર માટે ?

દાદાશ્રી : મોટામાં મોટો વળી. ના હોય ?! તને જુએ દેખે એવો છોકરો થાય અને તું જ ઊંધું કરું, વહુની જોડે ગોદા માર માર કરું એ દેખે, તો પછી છોકરો એવો જ થઈ જાયને ! એ જાણે કે કાયદો આવો હશે. વહુને ગોદા જ મારવાનો કાયદો હશે, તેથી આ મારા ફાધર મારે છે.

બાળકો મા-બાપના ઝઘડાની કરે નોંધ!

ન્યાયશક્તિથી ગુનેગારની કરે શોધ!

દાદાશ્રી : સાહેબ (ધણી) સારા મળ્યા છે કે ? બોલતી નથી ?

પ્રશ્નકર્તા : સારા જ મળ્યા છે. જો સારા નથી મળ્યા, કહીશ તો ઘરમાં નહીં પેસવા દે.

દાદાશ્રી : આપણે જ સાડી માટે ધણી જોડે લડીએ, તો છોકરાં જુએ તો કહેશે, આ કેવાં મા-બાપ છે ? એક સાડી હારું લડી પડે એ મા-બાપ કહેવાય ? છોકરાને ય શરમ આવે કે અહીં ક્યાં આ મા-બાપ કર્યાં એમને, એનાં કરતાં ભાડૂતી લાવ્યા હોત મા-બાપ તો ય સારાં હોત.

તે બાબો છે, તે એને ખરાબ ના લાગે એવી રીતે આપણે જીવન જીવવું જોઈએ, નહીં તો એ અવળે રસ્તે ચઢી જશે. એ આવડો હોયને, તો ય તમને બેને માથાકૂટ થતી હોય, વઢાવઢ થતી હોય તો એ જોયા કરે, એટલે પહેલું તમારું એ જુએ ને, તમે એની હાજરીમાં લડો છો, તે છોકરાં આમ જોઈને કહેશે, 'મમ્મી જ ખરાબ છે. હું મોટો થઈશ એટલે મમ્મીને બરાબર આપી દઈશ.' પણ બોલે નહીં એ જાણે કે હું બોલીશ તો મને મારશે. પણ બધા સમજી જાય. નાનો છોકરો હોય તે ય સમજી જાય, કોણ ખરાબ છે તે ? ન્યાયાધીશની પેઠે સમજી જાય. એટલી બધી ન્યાયશક્તિ છોકરામાં હોય છે.

રોજ બૈરી જોડે ઝઘડે, તે છોકરાં આમ જોયાં કરે. 'આ પપ્પો જ એવો છે' કહે. કારણ કે ભલેને આવડું હોય તો ય ન્યાયાધીશ બુદ્ધિ હોય એનામાં. છોકરીઓમાં ન્યાયાધીશ બુદ્ધિ ના હોય. છોકરીઓ ગમ્મે ત્યારે એની માનો જ પક્ષ ખેંચે. પણ આ તો ન્યાયાધીશ બુદ્ધિવાળાં, પપ્પાનો દોષ છે ! બે-ચાર જણ હોય ને, તે પછી પપ્પાનો દોષ કહેતાં કહેતાં, પછી નક્કી ય પાછો પોતે કરે મોટો થઈશ ને આપીશ ! પછી આપે નિરાંતે. જા તેરી હી થાપણ પાછી.

પ્રશ્નકર્તા : દાદા, એમાં દોષ કોનો ? બાપનો દોષ શું ?

દાદાશ્રી : ના. સંસ્કાર નહિ આપવા જોઈએ છોકરાંને ?

પ્રશ્નકર્તા : પણ બાપનો દોષ શું એમાં ? કંઈથી લાવે ? એની પાસે સંસ્કાર ના હોયને !

દાદાશ્રી : એવું છે ને, બૈરી જોડે ઝઘડો થવાનો થાય, તો આપણે કહીએ કે ભઈ, છોકરાં છે ત્યાં આગળથી આપણે બીજે રૂમમાં ચાલો. અને પછી પેલાં રૂમમાં જઈને ઝઘડો કરીએ, શું ખોટું ?

પ્રશ્નકર્તા : પણ અગાઉથી એવો ખબર આપીને ઝઘડો આવતો હોય તો એવું કરે ને ?

દાદાશ્રી : ના, એ તો ખબર તો પડે, મનમાં ગણી રહ્યો હોય કે આજે ઉડાડીશું. વગર સળગાવ્યે તો ટેટા ય ના ફૂટે. દિવાસળી પેટાવ્યા વગર ટેટાં ય ના ફૂટે. હા, માલ તો છે, માલ ભરેલો છે. પણ સળગાવો તો ફૂટે ને ? એટલે જવાબદારી છે આ. તેથી અમે આવાં ચાબખા મારેલાં, કો'ક વાંચે ને, તો ચાબખામાં એમને સમજાય કે આપણે વિચારવાનું છે, આપણે સમજવું પડશેને?

તમે કોઈ ફેરો લઢેલા, છોકરાંની હાજરીમાં ? હવે અત્યારે ના કહે છે, જો આબરૂ ઢાંકે છે, મારી હાજરીમાં કેવા આબરૂ ઢાંકે છે.

પ્રશ્નકર્તા : કન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કરું છું.

દાદાશ્રી : હા, એ કન્ટ્રોલ કરવો જોઈએ.

આપણું જીવન જ એવું દેખાવું જોઈએ કે પેલાને આશ્ચર્ય થાય કે આ બીજાને ત્યાં આવું ના હોય એવી મારી મધર છે. આપણું જીવન એવું જીવવું જોઈએ કે એને શીખવાડવું ના પડે, એની મેળે જોઈને શીખે એ અને પછી આપણે છે તે ધણી જોડે લઢતા હોય એટલે એ ય પેલો જુએ, આવડો બાબો હોયને તે ય સમજે કે આ યુઝલેસ (નકામાં) છે આ લોકો, ના સમજે ? એ શીખે એવું. આપણું આઉટ ઓફ કંટ્રોલ જીવન દેખે એટલે પછી એને યુઝલેસ લાગે. નાનો છોકરો એ સમજે નહીં ?

પ્રશ્નકર્તા : સમજે ને.

દાદાશ્રી : બહુ સમજે. આવડું હોય તો ય સમજી જાય. કારણ કે એ ખરેખર એવડો નથી. ગયા અવતારમાં એંસી વર્ષનો થઈને મરી ગયો ને પછી આ પાછા બે વર્ષ થયાં તે બ્યાસી વર્ષનો થયો. બધા નાના છોકરાં કંઈ નાના હોતાં નથી, એ તો એંસી વર્ષના મરી જઈને પાછા અહીંયા જન્મે છે. બહુ સમજણવાળા હોય. અહંકાર બહુ હોય એને તો, મોટી ઉંમરવાળો પગે લાગે, પણ નાની ઉંમરનો પગે ના લાગે મુંઓ એટલો અહંકાર હોય !

લઢો, પણ એકાંતમાં, ના છૂટકે;

દેખે, બાળ પડે આંટી તે જ ઝટકે!

એટલે કકળાટ ના કરવો જોઈએ. અને બહુ શોખ હોય કકળાટ કરવાનો કે લઢવાનો. તો છોકરાંઓ જ્યારે સૂઈ ગયાં હોય તે વખતે બીજી રૂમમાં બેસીને બે જણાએ બાથંબાથા કરવું. ના, એ શોખ હોય તો તે ઘડીએ પૂરો કરવો, પણ છોકરાંઓની ગેરહાજરીમાં. છોકરાંઓની હાજરીમાં તો ન જ થવું જોઈએ. અગર તો એ સ્કૂલે ગયા હોય, ત્યાર પછી લઢવાની શરૂઆત કરવી. એમની હાજરીમાં લઢવું ના જોઈએ. સંસ્કારી થવું જોઈએ. તમારી ભૂલ થાય તો ય બેન કહેશે, 'કંઈ વાંધો નહિ.' અને એમની ભૂલ થાય તો તમે કહો,' કંઈ વાંધો નહીં.' છોકરાઓ આવું જુએ તો બધા ઓલરાઈટ થતા જાય. ને પછી લઢવું જ હોય તો સિલક રહેવા દેવી, ને પછી એ પાછા છોકરા સ્કૂલમાં જાય, ત્યાર પછી લઢવું એક કલાક. પણ આવું આ છોકરાની હાજરીમાં લઢવાડ થાય તો એ જોયા કરે અને પછી એનાં મનમાં પપ્પા માટે કે મમ્મી માટે અવળી ભાવના અત્યારથી જ ચાલે, એને એનું પોઝીટીવપણું છૂટી જઈને નેગેટિવપણું શરૂ જ થઈ જાય. એટલે છોકરાંને બગાડનાર મા-બાપ છે અત્યારે !

એટલે આપણે વઢવું હોય તો એકાંતમાં વઢવું, પણ એની હાજરીમાં નહીં. એકાંતમાં બારણા વાસીને લાકડી લઈને બેઉ જણા સામસામી દાંડિયા રમવા.

પ્રશ્નકર્તા : દાંડીયા રમીને કર્મ બાંધવા, એના કરતાં ફાઈલ બંધ કરવી સારીને ?

દાદાશ્રી : એના જેવું ઉત્તમ નહીં, પણ આ જેને શોખ હોય એ ! પણ તું કહું ને પણ એ માને એવા નથી. આ તો માર ખાશે ત્યારે માનશે. અનુભવ થશેને, અનુભવ થયા સિવાય આપણે સમજણ પાડીએ તો ના માને.

આ જ્ઞાન તમે લીધું છે એટલે હવે નાનાં છોકરાંઓનો તો પ્રશ્ન બહુ હવે નહીં રહે. પહેલાં તો તમે છોકરાં ઊભા હોય, તો ય બોલબોલ કરો તો એ છોકરાંઓને બધાને ખરાબ સંસ્કાર પડી જાય. બધાં મા-બાપને છોકરાંઓનો ખ્યાલ જ નથી રહેતો કે આ છોકરાઓ ઊભા છે અને આપણે આ શું કરીએ છીએ, એને પણ ખ્યાલ જ રહેતો નથી. એટલે બેભાનપણે બોલબોલ કરે છે ને લઢે છે. પછી એ છોકરાઓને સંસ્કાર ખરાબ પડે છે. આ સંસ્કાર અવળા ના પડે એટલા હારું ! જોખમદારી ન હોય આપણી, છોકરાઓ માટેની ? એટલે એ ભાંજગડ ઓછી કરી નાખવી જોઈએ. શા માટે, શાના માટે મતભેદ પાડવો ? અહંકાર, ખોટો અહંકાર છે, મેડનેસ છે. હું અક્કલવાળો છું, ને તું અક્કલ વગરની છું, બસ આ જ ભાંજગડ ! અક્કલ વગરની હોય ખરી કોઈ ? પણ એ સંસ્કાર છોકરાંઓના એવાં જ થઈ જાય પછી. એટલે ખરી રીતે મા-બાપે કોઈ દહાડો ઝઘડવું ના જોઈએ, મતભેદ ના પડવો જોઈએ. એ બધું મતભેદ પડ્યો હોય તો, વાળી લેવો જોઈએ. છોકરાં જુએ કે ઓહોહો !! મા-બાપ કેવી સારી રીતે જીવે છે !!!

એટલે પહેલું તો ઘરમાં બધું ક્લીયર કરવું જોઈએ. ઘરે કોઈને સહેજ પણ અશાંતિ થાય નહીં. વાઈફની જોડે સમાધાનપૂર્વક રહેવું જોઈએ.

'પોતે' જ છે સર્વ દુઃખોનું મૂળ;

ઘેર કચ કચ કરી, ભોંકે શૂળ!

કંઈ ભગવાનને મારવા આવવું પડે છે ! એની મેળે જ વઢંવઢા કરે છે. ચિંતા એની મેળે જ કરે છે. દુઃખ ઊભાં એની મેળે જ કરે છે ને ! કોઈએ દુઃખ આપવા આવવું પડે છે ? પોતે દુઃખ ઊભાં કરે છે કે, બહારના લોકો આપી જાય છે ? કોઈ ઊભાં કરે છે ?

પ્રશ્નકર્તા : પોતે જ ઊભાં કરે છે.

દાદાશ્રી : અરે ! મોંઘા ભાવની કેરીઓ લાવ્યો હોયને, અને પછી કેરીનો રસ, રોટલી બધું બેને મૂકેલું હોય તૈયાર અને ખાવાની શરૂઆત થઈ અને થોડુંક ખાધું અને કઢીમાં હાથ ઘાલ્યો જરા ખારી લાગી કે ત્યાંથી ટેબલ પછાડે મંુઓ. નર્યું કઢું ખારું કરી નાખ્યું છે. મેર ચક્કર, પાંસરો રહીને જમને ! ઘરનો ધણી એ, કોઈ ત્યાં ઉપરી નથી. એ પોતે જ બોસ, એટલે કૂદાકૂદ કરી મેલે. છોકરાઓ ભડકી જાય કે પપ્પા આવા કેમ ગાંડા થઈ ગયા, કે શું કહેશે ! પણ બોલાય નહીં. છોકરાં દબાયેલાં બિચારાં, મનમાં અભિપ્રાય તો બાંધી દે કે પપ્પો ગાંડો લાગે છે ! મૂઆ, કઢી ન્હોતી ખારી, એવું કહે. છોકરાને આપણે પૂછીએ, બોલ હવે આ કઢી ખારી છે ને ? ત્યારે કહે, 'પપ્પાજી, કઢી ના ખાશો. બીજું બધું ખાઈ લો.' પણ બૂમો પાડે તે છોકરો કહે, 'પપ્પો મૂઓ ગાંડો છે' કહેશે.

આ પપ્પો એ અહંકાર દેખાડતો હોય એનો, આ ઘરનો મોટો વડીલ. એને મારા જેવો કહેનાર હોયને, ત્યારે સીધો કરી નાખું એને. પપ્પો થઈને આવ્યો ! શરમ નથી આવતી. આ છોકરાં નોંધ કરે છે કે પપ્પો ગાંડો મૂઓ છે. અત્યારે બોલાય નહીં છોકરાથી ! કઢી ખારી થઈ તો આપણે એને બાજુએ મૂકીને બીજું બધું જમી લઈએ નિરાંતે, તો શું વાંધો ? અને કઢી વગર ન ચાલે એવું હોય, તો પછી સ્હેજે પાણી નાખી દઈએ. ખારી થઈ એટલે, નહીં તો બેનને શાંતિથી એમ કહીએ, કે આ જરા કઢીમાં ફરી ઉપર પાણી-બાણી નાખી અને જરા ખાંડ-બાંડ નાખીને લાવને ! તો એ ફરી લાવે બિચારાં, પણ આમ કૂદાકૂદ શું કરવા કરો છો ?!

આ મોંઘા ભાવની કેરી લાવ્યો અને આ ગળે ઉતરશે નહીં. આ બઈને ય ગળે ના ઉતરે પછી. પછી બઈ ને છોકરાને, બધાને ભાવે ય ના આવે. તો કે' આ પપ્પો ખાવા ય નહીં દેતો. છોકરાંએ સમજે !

મા-બાપનું લગ્નજીવન જોઈ!

પૈણવાની વૃત્તિ યુવાવર્ગે ખોઈ!

પ્રશ્નકર્તા : બીજી શી અસર થાય છોકરાં ઉપર ?

દાદાશ્રી : બહુ જ બધી ખરાબ અસર પડે, છોકરાઓને. આ બધા બગડી ગયા એવું ના બોલાય એના સાંભળતાં. મનમાં સમજી જવાનું કે સાલું બગડી ગયું. આપણે બોલ્યા, કે સાંભળી લે છોકરાં બધું ય. અસરવાળું આ જગત, ઇફેક્ટિવ. આપણે જાણીએ કે આ શું સમજવાનું છે ?! પણ છોડવા-બોડવા બધું સમજે, એ લાગણીઓ પ્રદર્શિત ન કરી શકે. પણ સમજી જાય બધાં ય. તમે એ છોકરાંને કહો કે 'કેવો સરસ તું દેખાઉં છું'. તો બીજા દહાડે સુંદર દેખાય. કેવું ઈફેક્ટિવ છે ! અને છોકરાની રૂબરૂ 'તારામાં અક્કલ નથી' છોકરાં એમ જ સમજે કે 'આ પપ્પો જ વાંકો છે' કહેશે. માટે એટલે છોકરાં જોડે તો સંસ્કાર સારામાં સારા દેખાવા જોઈએ. વાઈફ જોડે વઢો તો નહીં જ ! એને છોકરાંની રૂબરૂ વઢો તો નહીં જ બિલકુલે ય, એ ભલે એક વર્ષનો હોય છોકરો, પણ આંખથી દેખતો થયો છે, માટે લઢાય તો નહીં જ, બિલકુલે ય ! આ તો રોજ બાઝાબાઝ ! પેલાં ઈન્ડીયામાં તો નાનાં છોકરાં શું કહે છે, 'મમ્મી, પપ્પા, જય સચ્ચિદાનંદ !' એટલે પપ્પો બંધ થઈ જાય. સમજી જાય તરત. 'સચ્ચિદાનંદ' બોલે ને એટલે. કંઈક તો મનુષ્યપણું હોવું જોઈએ. હશે હવે જે થઈ ગયું તે થઈ ગયું.

એટલે મારે ત્યાં આ તો મને ક્યારે ખબર પડી આ પોલ, કે મારે ત્યાં પચાસ-સો છોકરાઓ આવ્યા બધાં. કોઈ બી.ઈ. થયેલા, કોઈ ડૉકટર થયેલા, એ બધા આવ્યા. મેં કહ્યું, 'કેમ ભઈ તમે....' ત્યારે કહે, 'દાદા, અમે તમારે ત્યાં જ રહીશું.' કહે છે. મેં કહ્યું, 'અમારે ત્યાં રહેવામાં વાંધો નથી, તમે લગ્ન કરી નાખો.' કહ્યું. મોટી ઉંમરના થયા છો. ત્યારે કહે, 'ના, લગ્નમાં અમને સુખ નથી લાગતું.' કહે છે. અલ્યા, પૈણ્યા વગર પણ એમાં શી રીતે ખબર પડી તમને, લગ્નમાં સુખ નથી એવું ? ત્યારે કહે, 'અમારા ફાધર-મધરનું સુખ જોયું અમે ! તે એમનું સુખ છે નહીં એવું અમે જોયું બધું.'

એટલે છોકરા બધા કંટાળી ગયા છે. ફાધર-મધર પૈણેલા છે, એમના સુખ જોઈ અને અમે કંટાળી ગયા છીએ, કહે છે. મેં કહ્યું, 'કેમ ? શું જોયું ?' ત્યારે એ કહે રોજ કકળાટ. એટલે અમે જાણીએ કે પૈણવાથી દુઃખ આવે છે. એવું પૈણવું નથી હવે અમને.

આ તો લોકોને જીવન જીવતા નથી આવડતું.

મુંઝવણો પરદેશમાં બાળકો માટે;

બાળકો પણ મુંઝાય બે કલ્ચરોની વાટે!

પ્રશ્નકર્તા : આપે વાત કરી કે છોકરાંઓને તમારે સાચવવા, છોકરાંના દેખતા મા-બાપે ઝઘડા નહીં કરવા, હવે અહીંયા એવું થઈ ગયું છે કે છોકરાંઓ લગભગ બહાર જ હોય, ઘરમાં રહે એનાં કરતાં બહાર હોય, ઘરમાં હોય તો ટી.વી. ને વિડીયો બધું જોતા હોય અને અમુક ઉંમરના થાય. એટલે પછી છોકરાઓ લગભગ મા-બાપથી જુદા, છોકરીઓ સાથે બહાર રહેતાં થઈ ગયાં છે. હવે આપણા ઇન્ડિયન છોકરાઓને પણ હવે આવું થઈ ગયું છે, તો કે અત્યારે આવું છે તો પચાસ વર્ષ પછી શું થશે ? આપણું કલ્ચર રહેશે કે નહીં રહે એ લોકોમાં ?

દાદાશ્રી : અરે, પચાસ વર્ષની ચિંતા અત્યારે શું કરવા કરો છો, અત્યારે જે થયું એ સુધારોને-છોકરા સુધારવા હોય તો સુધરે હજુ, નહીં તો પરણી જશે બહાર બધા ગોરી જોડે.

પ્રશ્નકર્તા : એ લોકો બહાર વધારે રહે અને બહારના વાતાવરણની એમના ઉપર બહુ અસર રહે છે, તો શું કરવું ?

દાદાશ્રી : વાતાવરણની અસર પડ્યા વગર રહે નહીં. અને બહાર શેના માટે રહે છે તે જાણો છો ? આ મારી જોડે અમેરિકામાં જન્મેલા આપણા છોકરાઓને તો હું કહું કે મારી જોડે પડ્યા રહો તો બધા આઘાપાછા ના થાય. નાના હોય, ત્રણ વર્ષના હોય તે ય પડ્યા રહે અને બાર વર્ષના હોય કે અઢાર વર્ષના હોય તે ય પડ્યા રહે મારી પાસે. એનું શું કારણ હશે ?

પ્રશ્નકર્તા : પ્રેમ જુએ છે એટલે.

દાદાશ્રી : પેલા બાબા શું કહેતા'તા ?

પ્રશ્નકર્તા : આઈ લવ યુ દાદા. યુ સ્ટે વીથ મી. અમારી જોડે રહો એમ કહે છે. હાર્ટ દોર્યું'તું, હાર્ટ અને એની અંદર લખ્યું' તું.

દાદાશ્રી : હવે બોલો ત્યારે કે તમારા છોકરા તમારી જોડે કેમ નથી રહેતાં ? તો કે' તમે તો મહીંઓ મહીં ઝઘડો છો એટલે પ્રેમ જ નથી જોતાં. આ આવા કંઈ ડફોળ ફાધર-મધર મળ્યા એવું મનમાં લાગે. એ કંટાળે બિચારા, એમને બહાર પૂછીએ ને, તો તમારું બોલે તો સારું, કે મારા ફાધર-મધર સારાં છે, પણ અંદરખાને મહીં શું છે ? આપણે એનું રહસ્ય જોઈએ તો બહુ અજાયબી લાગે, બહાર તો આ છોકરાઓ બધા હોશિયાર હોય છે 'મારા ફાધર-મધર બેઉ સારાં છે' કહેશે, નહીં કે 'મારા ફાધર ખરાબ છે.' એવું ના બોલે મુઆ. હું પૂછું કે ફાધર તારા વાંકા નથી? ત્યારે કહે, 'ના બેઉ સારાં છે.' પાક્કા બધા, પણ પ્રેમ નથી તમારો. આ છોકરા મારી જોડે રહેવા તૈયાર છે બિચારાં. આ સવારમાં ચિઠ્ઠીઓ આપતાં હતા. એમના છોકરાઓ 'આઈ લવ યુ, આઈ વોન્ટ ટુ સ્ટે વીથ યુ.' અને તમારી જોડે રહેતાં નથી.

પ્રશ્નકર્તા : છોકરા મા-બાપ સાથે સવારમાં એક કલાક હોય. ને રાત્રે બે કલાક, ત્રણ કલાક દિવસમાં મા-બાપ સાથે કાઢે અને આઠ કલાક બહાર સ્કૂલમાં રહે. વધારે પડતી એમની જીંદગી સ્કૂલમાં કે ઘરની બહાર જાય, એટલે વધારે સંગ બહારના માણસો જોડે રહે. એટલે એની તકલીફ વધારે થાય છે. આપણે ભલે ને આપણે ગમે તે પણ સમજાવીએ, શીખવીએ ?

દાદાશ્રી : એવું છે ને છોકરાઓને જો તમારો પ્રેમ હોય, તો બહાર નવરો પડ્યો પાછો અહીં આવતો રહે, સ્કૂલમાં નવરો પડ્યો કે તરત ઘેર જ આવતો રહે, એને ઘર વગર ગમે નહીં.

પ્રશ્નકર્તા : પ્રેમ અમારે આપવો હોય, પણ બાળકો અહીંયા બ્રોટ અપ (ઉછર્યા) થાય એટલે બાળકોને અહીંનું કલ્ચર અસર કરી ગયેલું હોય છે અને એ લોકો અહીંના કલ્ચર પ્રમાણે જીવવા માંગે છે અને અમે હિન્દુસ્તાનમાં ઉછરેલા એટલે અમારા સંસ્કાર હિન્દુસ્તાનના રહે છે. અમે અહીંના કલ્ચરને (સંસ્કારને) એડજસ્ટ થવા નથી માંગતા. હવે એ બન્ને વચ્ચે ઘર્ષણ થાય છે, અમે ગમે એટલું કહીએ તો એ લોકોને એક્સેપ્ટ (સ્વીકાર) થતું નથી અને અહીંના જેવું કલ્ચર એ લોકોનું થઈ જાય એવું અમે ઇચ્છતા નથી. તો એનું સોલ્યુશન(ઉકેલ) શું છે ?

દાદાશ્રી : એવું છે ને, કે લોસ એન્જલસના બધા છોકરા-છોકરીઓ હતા તે મારી પાસે મોકલે છે એ લોકો. એ લોકોનું ખાવા-પીવાનું બધું બંધ થઈ ગયું અને એ લોકોનું જીવન ફેરફાર થાય છે. કેટલાક છોકરાઓએ તો ખાવા-પીવાનું બધું છોડી દીધું છે. પછી એના ફાધર-મધર ખાતા હોય તે પાછા એ ફરી એ ચાલુ હોય. છોકરો ફાધરને જુએ એટલે ફરી પાછો ચાલુ કરી દે. કારણ કે એ જાણે કે મારા ફાધર અક્કલવાળા છે અને એ જે કરે એ મારે કરવું.

પ્રશ્નકર્તા : ઘણી વખત મોટા ભાગે એવું બને છે કે મા-બાપ જ પોતાના છોકરાઓમાં રસ નથી લેતા હોતા. એમને ટાઈમ જ નથી હોતો હકીકતમાં એ પણ છે.

દાદાશ્રી : ટાઈમ મળતો નથી એ લોકોને હકીકત છે. પણ આપણે ભાવ બદલો. ભાવ બદલો તો ફેરફાર થશે. ભાવ બદલોને તો જ ફેરફાર થશે.

પ્રશ્નકર્તા : હમણાં ડીટ્રોઈટમાં એક કોન્ફરન્સ રાખી'તી. એમાં છોકરાઓ અને મા-બાપ એ લોકોની વચ્ચે સામસામી એકબીજાને પ્રશ્નોતરી રાખેલી. તેમાં પછી છોકરાઓ પોતાના ફાધરને એમ કહેલું કે તમે છે તે પૈસાની પાછળ જ પડ્યા છો, તમે પૈસા સિવાય બીજુ કશું શીખ્યા જ નથી આ જીવનમાં અને અમારું તમે સમજતા નથી. અમે ના ઇન્ડિયન રહ્યા કે ના અમેરિકન રહ્યાં. ઘરમાં અમારે ઇન્ડિયન કલ્ચર અપનાવવાનું, બહાર જઈએ તો અમારે અમેરિકન કલ્ચર રાખવાનું એટલે અમારી આવી દશા થયેલી છે !

દાદાશ્રી : ખરું કહે છે. પણ જેટલું બને એટલું આપણે ફેરવવું અને અમુક ઉંમરના થાય તો તે પહેલાં દેશમાં લઈને ત્યાં ફરી ઘર માંડવું.

પ્રશ્નકર્તા : એ લોકોને ત્યાં દેશમાં રહેવું નથી હોતું. એ લોકો ઇન્ડિયા જવા નથી તૈયાર થતા છોકરાઓ.

દાદાશ્રી : પણ એ સમજાવે તો થઈ જાય છે. પાછા એવું નહીં. સમજાવીએ તો થઈ જાય છે.

પ્રશ્નકર્તા : અમુક ઉંમર પછી નથી થતાં, નાના હોય ત્યાં સુધી જ થઈ જાય પછી નથી થતાં.

દાદાશ્રી : હા, પણ અમુક ઉંમર સુધી જો આપણે સમજાવી લઈએ તો ચાલે. બધું જડમૂળથી ફેરફાર કરવો છે એવું નક્કી કરો. તો એની મેળે ફેરફાર થયા કરશે બધું ય. સ્ત્રી-પુરુષના વ્યવહાર બધું ફેરફાર થતા જાય તે એકદમ ફેરફાર થતો જાય.

પ્રશ્નકર્તા : અહીંથી ઇન્ડિયા પાછું જવું હોય તો કંઈક તક મળવી જોઈએ ને અમે કામ કરવા તૈયાર છીએ ? સંજોગ બાઝવો જોઈએ ને ?

દાદાશ્રી : નથી બાઝતો. ત્યાં તો ડૉલર પડાવી લે એવા છે. જોઈને જ બેઠા હોય કે અમેરિકાથી આવ્યા છે તે કંઈ લઈને આવ્યા છે. 'વ્યવસ્થિત' જેમ દોરવણી કરે તેમ ચાલજો. બહુ ચિંતા કરવા જેવી નથી, વિચાર કરવા નહીં. આવા વિચાર શેના માટે કહ્યા કે તમારા થોડા ઘણાં ભાવ ફેરવવા જોઈએ.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19