ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19

મા-બાપછોકરાનોવ્યવહાર

(૧૫)

એ છે લેણ-દેણ, ન સગાઈ !

જેવો હિસાબ બંધાયો, તેવો ચૂકવાય;

આપ-લેનો હિસાબ, નિરાંતે પતાવાય!

પ્રશ્નકર્તા : અમારા બે છોકરાઓ સાથે કોઈ વખત આમતેમ બોલાચાલી થઈ જાય. બાકી મારે એક છોકરાની બાબતમાં ઘણું સહન કરવું પડે છે.

દાદાશ્રી : બધું સહન કરવું પડે એ તો. એ ગોદા મારવા આવ્યો હોય ને, તો ગોદા ખાવા પડે આપણને. એવું છે ને, એ ઋણાનુબંધ કેવું બાંધેલું ? જે પ્રેમથી બંધાયેલું હોય તે આનંદ આપે અને બીજી રીતે બંધાયેલું હોય તે ગોદા મારે. એટલે આપણે ગોદા ખાવાં જ પડે, છૂટકો જ નહીં ને. એટલે સમભાવે નિકાલ કરવાનો. કારણ કે આપણે છૂટા થવું છે. એને કંઈ પડેલી નથી. એ તો બાથંબાથ કરવા તૈયાર છે. આ તમારા પક્ષનો અને પેલા વિપક્ષી, પણ એવું મોઢે બોલીએ નહીં. મોઢે તો કહીએ કે 'તારા વગર મને ગમતું નથી.' એમ તેને કહેવું. નહીં તો સામાવળીયો થઈ જાય. પછી એને એમ લાગે કે આ છે જ એવા.

પ્રશ્નકર્તા : તો છોકરાંઓ જોડે ગયા ભવનું લેણ-દેણ હોય છે ?

દાદાશ્રી : હોય જ ને, બધું ! બધું લેણ-દેણ જ છે ને આ !

પ્રશ્નકર્તા : આ બધા મનુષ્યો છે, એમાં કોઈ મા છે, કોઈ ભાઈ છે. કોઈ છોકરો છે. એમનો એ બધાનો પૂર્વાપર સંબંધ ખરો ?

દાદાશ્રી : પૂર્વાપર એટલે આપણા ચોપડા હોય ને દુકાને, દુકાનવાળાએ દુકાન પાછી લઈ લીધી, તો આપણે ચોપડા ઘેર લઈ જઈએ. તેથી કંઈ ઘરાક તો જે છે બાકી, તેની પાસે ઊઘરાણી કરાય ને ? માગતો હોય તેને ત્યાં ઊઘરાણીએ જવાય ને ? એવું આપણે ત્યાં હિસાબ લેવા માટે ને આપવા માટે આવેલા. આપણે ત્યાં જે જે આવ્યા છે ને, તે લેવા માટે અને આપવા માટે, તે આપણને શું આપે છે ? એ ઉપરથી જોઈ લેવાનું કે આ લે છે કે આપે છે ? આ હિસાબ છે, બધા હિસાબ પતાવવા આવ્યા છે. તમને એવો અનુભવ થોડો ઘણો થયેલો નહીં ? કે આ હિસાબ પતાવે છે ?

પ્રશ્નકર્તા : સારી રીતે થયો છે.

દાદાશ્રી : જે છેતરી જાય છે એ આપણો જ હિસાબ. તે તમારો જ હિસાબ ચૂકવે છે, એ નિમિત્ત છે.

બૈરી-છોકરાં જો પોતાનાં હોય ને, તો આ શરીરને ગમે તેટલી ગભરામણ થતી હોત તો વાઈફ થોડી લઈ લેત, અર્ધાંગના કહેવાય છે ને ! લકવો થઈ ગયો હોય તો છોકરો લઈ લે ? પણ કોઈ લે નહીં. આ તો હિસાબ છે બધો ! બાપા પાસે માંગતો હતો, તેટલું જ તમને મળ્યું છે.

રાગદ્વેષથી મા-બાપ છોરાં મળ્યાં;

દુઃખ વધુ ભોગવવા ખુદનાં કર્યાં!

પ્રશ્નકર્તા : આપણે ત્યાં એવો છોકરો પાક્યો હોય તો શું કરો ? તેને આપણે કંઈ કાઢી મૂકીએ છીએ ?

દાદાશ્રી : ના, કાઢી ના મૂકાય.

પ્રશ્નકર્તા : તો પછી એ તો એને રાખવો જ પડે ને.

દાદાશ્રી : રાખવો જ પડે. રાખીને ગાળો ખાવાની, માર ખાવાનો ને રાખવાનો !!

છોકરાં જોડે ય બહુ ઊંડા ઊતરવું નહીં. પારકાં ને પોતાનાં છોકરાં વચ્ચે ફેર શું છે ? પારકાંનો છોકરો માગતો નથી ને આ માગે છે, ત્યારે કહે કે રૂપિયા માગે છે ? ના, બા, રૂપિયા એકલા માગતો નથી ? કાં તો અશાતા વેદનીય આપવા આવ્યો હોય કે શાતા વેદનીય આપવા આવ્યો હોય. ને આ દુષમકાળમાં શાતા તો આપતાં નથી. તો શું આપવાનું રહ્યું ? અશાતા આપે !

એટલે એવું છે આ બાપને અને છોકરાને ઋણાનુબંધ હોય છે ને ! કંઈ પૈસાને લીધે ઋણાનુબંધ નથી હોતું. આ તો રાગદ્વેષનું ઋણાનુબંધ હોય છે. આ છોકરો આટલું એને દુઃખ આપશે અને બાપ આટલું સુખ આપવા માંગશે. ત્યારે પેલો છોકરો આટલું દુઃખ આપવા માગે. એ પછી પૈસાથી સુખ આપે કે બીજું ગમે તેનાથી. આમાં પૈસા તો આવતા જ નથી વચ્ચે.

પ્રશ્નકર્તા : બાપ સુખ આપવાનો પ્રયત્ન કરે અને છોકરો દુઃખ આપે એવું નક્કી જ છે ?

દાદાશ્રી : ના. તે બે ય સામસામી સુખ આપે એવું હોય અને એક દુઃખ આપે ને એક સુખ આપે એવું ય હોય.

હવે છોડીઓ-બોડીઓ છે ને, તે હિસાબ ચૂકતે કરવા આવી છે. તે આપણો જ હિસાબ છે. એમાં એનો શો દોષ બિચારીનો. તે એને પથરા કહીએ. મહીં ભગવાન બેઠા છે એને પથરો કહીએ, એટલે ફરી કર્મ બંધાય બધા. અને એ છોડીઓ જે થાય છે ને, છોકરા થાય છે ને તે પોતાનું બેંક બેલેન્સ બધું ભેગું મૂકીને આ લિમિટેડ કંપનીમાં પેસે છે, કોર્પોરેશનમાં પેસે છે. એમ ને એમ પેસતાં નથી આ.

ન બોલાય મા-બાપથી, પેટ પાક્યું;

છોરાં કહે, મારા પગલે તમારું ચાલ્યું!

પ્રશ્નકર્તા : દાદા આપણે મોટું કુટુંબ હોય એટલે ફાઇલોની વચમાં તો આપણે રહેવાનું, પણ એ દરેક ફાઇલોની સાથે આપણને રાગ-દ્વેષ નહીં થાય. એટલે હિસાબ ચૂકવેલા જ કહેવાય ને ?

દાદાશ્રી : એ જ હિસાબ ચૂકવાનું. એટલા માટે જ ભેગા થયા છે. આપણી ભૂલ થાય તો રાગ-દ્વેષ થાય. એટલે ભૂલથી બંધાયેલું છે આ જગત. ભૂલ ન થાય તો કશું નહીં. પેલો ઉલટો લોકોને એમ કહેતો હતો કે મારે લીધે એમનું ચાલતું હતું. મારા પગમાં પડયા તેથી જ એમનું ચાલ્યું. એવું કહે ને, ત્યારે આપણે સાંભળવું એનું. ત્યાં શું આપણે કહેવું ? ઝઘડો કરવો ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : હિસાબ છે એ ચૂકવે છે. છોકરો એવું બોલે ત્યારે શું કહેશે ?

પ્રશ્નકર્તા : કંઈ નહીં.

દાદાશ્રી : મારા જનમ પછી મારા બાપા સુખી થયા, નહીં તો પહેલાં બહુ દુઃખી હતા. છોકરો એવું બોલે ત્યારે શું થાય ? ત્યાર પછી એનો બાપ ડાહ્યો ન હોય ને તે કહેશે, પેટ પાક્યું ત્યાં શું કરું ! અલ્યા મૂઆ કંઈ પાક્યું છે તે ?! માટે આ જગત સમજી લેવાની જરૂર છે. ભૂલથી આ સંસાર ઊભો થઈ ગયો છે. તે એકલું અક્રમવિજ્ઞાન જ ભૂલો બંધ કરાવડાવે છે. બીજું કોઈ વિજ્ઞાન ભૂલને બંધ ના કરાવડાવે. તમને સમજાયું કે ?

પ્રશ્નકર્તા : બરાબર.

દાદાશ્રી : નથી કોઈ કોઈની માલિકીનું. કો'કે કહ્યું હોય કે તારા જનમ પછી તારા બાપા સુખી થયા છે. તો ઊંધો લઈ પડે. આ હથિયાર હાથમાં આવ્યું ને લડવાનું. તો આપણે શું કહેવું પડે, 'પેટ પાક્યું છે.' એ પેટ પાક્યું ત્યાં શું કરવું, ક્યાં ઓપરેશન કરાવવું !

પહેલાંની થયેલી ભૂલોનો હિસાબ ચૂકતે કરી નાખે, નવી ભૂલ થવા ના દે, એવું આપણું વિજ્ઞાન છે. આ બાવા કરવાનો માર્ગ નથી, આ તો ઋણાનુબંધ પતાવવાનો માર્ગ છે. ઋણાનુબંધ પતાવ્યા વગર દોડધામ કરીને બાવો થઈ જાય એમાં કંઈ દહાડો વળે નહીં. એટલે ઋણાનુબંધ પતાવવાનાં. જેની ગાળો ખાવાની હોય તેની ગાળ ખાવાનું, જેનો માર ખાવાનો હોય તેનો માર ખાવાનો, જેની સેવા કરવાની હોય તેની સેવા કરે, પણ હિસાબ બધાં ચૂકવવાં પડે. ચોપડામાં ચિતરેલું છે તે ચોખ્ખું તો કરવું પડે ને ?

બાપ કહે, તને કશું નહિ મળે;

છોકરો કોર્ટે જઈને સામો લઢે!

પ્રશ્નકર્તા : આ કોઈ કુટુંબમાં બાળક જન્મે છે, તો એ બાળક એની પોતાની પુણ્યૈથી જન્મે છે કે કુટુંબીઓની પુણ્યૈથી જન્મે છે ?

દાદાશ્રી : પોતાની પુણ્યૈથી. કુટુંબીઓની પુણ્યૈ તો ખરી. એટલે એ કુટુંબીઓનો હિસાબ અને પેલાનો હિસાબ, પણ એ જન્મે છે તે પોતાની પુણ્યૈથી. કુંટુંબીઓને શું ? કુંટુંબીઓ તો પેંડા ખવડાવે અને રોફ મારે. પણ જ્યારે મરી જાય ત્યારે પેંડા ખવડાવેલા ખબર પડી જાય. પછી રડારોડ ! તે પેંડા ખવડાવતાં પહેલાં ના સમજવું જોઈએ ? કે ભઈ, આ તો હિસાબ છે તે આવ્યો છે. હિસાબ થઈ રહે તો જતો રહે. એવું સમજીને બેઠા હોય તો શું ખોટું ?!

પ્રશ્નકર્તા : અમુક વાંઝીયા હોય એને શું ઋણાનુબંધ નહીં હોય ?

દાદાશ્રી : ચોપડામાં હિસાબ બાકી ના હોય ત્યારે ખાતું ય ના હોય. ચોપડામાં કશું ના હોયને, એટલે ખાતું જ ના હોય. કંઈ બાકી હોય તો ખાતું હોય. આ તો આપણા લોકો ય પછી પેલો સુખીયો હોય ને, એને સુખીયો ના થવા દે.

પ્રશ્નકર્તા : બરાબર છે. સંસારમાં એવાં છોકરાં સાથે ઋણાનુબંધના અનુભવ બહુ થાય.

દાદાશ્રી : થયેલા જ હોય. પણ આ મોહના માર્યો માર ખાય છે. મોહના માર્યો એટલો બધો માર ખાય છે કે કંઈ પાર વગરનો માર ખાય છે. નર્કના જેવી યાતના ભોગવે છે બધા. છોકરો સામો થઈ જાય, ઊંધું બોલે, ગાળો ભાંડે. પણ મોહના માર્યા, બેભાનપણે માર ખાયા કરે છે. મોહના માર્યા માર ખાતાં હશે કે નહીં ?

પ્રશ્નકર્તા : ખાય છે.

દાદાશ્રી : હા, ગડદાપાટુ ! સારી રીતે મેથીપાક. આવડું આવડું બોલે તે માથાની નસો ફાટે !! અને હકદાર પાછો. આપણે કહીએ કે હું તને કશું નહીં આપું. તો કહે, 'તમે નહીં આપો તો કોર્ટમાંથી મેળવી લઈશ.' બોલો હવે, માગતાવાળો સારોને આનાં કરતાં ? એટલે આ ખાતાં જ, મોક્ષે જતાં રૂકાવટ જ એ છે !

જરૂરી ઉપાધિ વહોરાય;

બહારથી નકામી ના ખેંચાય!

એટલે બને એટલી ઓછી ઉપાધિ કરો. હવે તેમાં ખાસ સ્ત્રીની ઉપાધિ તો કરવા જેવી છે જ, કારણ કે સંસારમાં આવ્યા એટલે સંસારમાં કંઈક હેલ્પીંગ તો જોઈએ ને ! સાલું ધંધો કરીએ તો ય ભાગીદાર જોઈએ છે. તો પછી સ્ત્રીની ઉપાધી વ્હોરી, એટલે બાળ-બચ્ચાં જેના હિસાબમાં લખેલાં હોય એનાં થયા કરે. પણ બીજી બધી જાણી જોઈને ઉપાધિ બહારથી વ્હોરી લાવવી નહીં.

પ્રશ્નકર્તા : તમે કીધું ને કે બાપ-બચ્ચાં હિસાબમાં હોય એ થાય, તો એ હિસાબ શું છે ?

દાદાશ્રી : એ હિસાબ છે એટલો. મારે ઘેર છોકરા ને છોડી હતાં. તે બધાં આવ્યાં ને ગયાં. મેં કહ્યું, આ તો બધા મહેમાન, ગેસ્ટ છે. જેટલો મારી પાસે હિસાબ માંગતો હોય ને, એટલું લઈને ચાલ્યા જાય. આમાં કશું કોઈ કોઈની સગાઈ નથી આ. ધીસ ઈઝ રીલેટિવ !

એટલે આ રીલેટિવ રીલેશન છે. એટલે આપણે સંબંધ છે, કોઈ પણ જાતના એની જોડે એ સંબંધ છે પૂર્વનો-પહેલાંનો. એટલે આપણે ત્યાં ભેગા થાય છે અને સંબંધનો નિવેડો લાવવાનો છે, ત્યારે ઊલટો સંબંધ વધારે ચીકણું કરે છે.

આ આંખે દેખાય છે, એ બધી વાત તદ્ન સાચી નથી. તદ્ન ખોટી ય નથી. સાપેક્ષ વાત છે. સાપેક્ષ એટલે આપણે એને ઋણાનુબંધ હોય ત્યાં સુધી સારું ચાલે, ને ઋણાનુબંધ અવળું થયું કે તરત એ કોર્ટમાં જાય, આપણાં સામો.

આ તો આપણે ઓળખાણે ય નહીં, પારખાણે ય નહીં. આ તો બધું હિસાબ છે. આ તો આપણું પુણ્ય સારું, ખાવ નિરાંતે અને કઢી બગડી ગઈ, તો આપણાં પાપનો ઉદય આવ્યો. ઓછું ખાવ, પણ ઉકેલ લાવો ને !

ન હોય કદિ માને સહુ છોરાં સમાન;

રાગ-દ્વેષ મુજબ અભાવ કે ખેંચાણ!

એક છોકરાને એની મા છે તે કશું ખરાબ ના કરતો હોય તો ય મારમાર કરતી હોય. અને એક છોકરો આટલો બધો તોફાન કરતો હોય તો ય એને રમાડ રમાડ કરતી હોય. છોકરા બધા એના હોય, પાંચેવ. પાંચેવ જોડે જુદું જુદું વર્તન હોય. એનું શું કારણ ?

પ્રશ્નકર્તા : એના દરેકના કર્મના ઉદય જુદા હશે ?

દાદાશ્રી : એ તો હિસાબ જ ચૂકતે થાય છે અને આ છે તે મારે પાંચે પાંચ છોકરા પર સરખો ભાવ રાખવો જોઈએ, પણ એ શી રીતે રહે ? અને પછી છોકરા કહેશે, મારી મા છે તે આના પક્ષમાં છે. એવી બૂમો પાડે. એના ઝઘડા છે આ દુનિયામાં.

પ્રશ્નકર્તા : તો એ પેલી મધરને એવો ભાવ કેમ થાય છે પેલા છોકરા જોડે.

દાદાશ્રી : તે એને કંઈ પૂર્વનું વેર છે. પેલાનો પૂર્વનો રાગ છે. એટલે રાગ સૂચવે છે. લોક ન્યાય ખોળે છે કે પાંચે છોકરા સરખા નહીં, એને ?

પ્રશ્નકર્તા : તો આ જે છોકરાનાં ઋણાનુબંધ છે એ બધા ય એનો હિસાબ જ છે બધો. તેથી એ બધા જીવો ભેગા મળ્યા છે.

દાદાશ્રી : એ હિસાબમાં છે તે કશું રાગ-બાગ બધું સરખું ખોળવાનું નહીં, જે આવે એ કરેક્ટ.

પ્રશ્નકર્તા : પણ પેલો છોકરો સારો હોય તો ય એને...

દાદાશ્રી : સારો છોકરો કશું જોવાનું નહીં.

પ્રશ્નકર્તા : જે બન્યું એ ખરું.

દાદાશ્રી : બન્યું એ ખરું. તેથી આ જગત ઊભું રહ્યું છે. આ દુઃખો તેથી છે !

પ્રશ્નકર્તા : કઈ થીયરીએ આ બની રહ્યું છે ?

દાદાશ્રી : ન્યાયની થીયરી ! એકશન એન્ડ રીએકશન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. એમાં એની મા સાચી છે અને આ વગોવનારા ખોટા છે. એની મા જોડેનો સંબંધ આવો વાંકો હશે એનો. એટલે મા એની જોડે વાંકી થાય.

પ્રશ્નકર્તા : હા. એ અત્યારે એમ જ ચાલે છે કે આણે આમ કર્યું, આણે આમ કર્યું, આણે આમ કર્યું.

દાદાશ્રી : આ જીવતો તને રાખ્યો એ જ તારો ન્યાય છે, નહીં તો આટલું પોઈઝન આપી દીધું હોત તો શું કરત ?! એ જીવતો રાખ્યો તે જ તારો ન્યાય છે. માટે સૂઈ જા નિરાંતે ને નામ દે સારું કે બહુ સારો માણસ છે.

ચીકણાં કર્મે મા-બાપ રહે જોડે;

નહીં તો દૂર વિદેશ ખોરડે!

પ્રશ્નકર્તા : આપણા ચીકણાં કર્મ કુટુંબીજનો સાથે વધુ હોય ને ?

દાદાશ્રી : હા. કુટુંબીજનો એટલે જે આપણી જોડે વધારે નજીકમાં હોય તેની જોડે વધારે હોય.

પ્રશ્નકર્તા : એટલે માતાપિતા નજીકમાં કહેવાયને ?

દાદાશ્રી : માતાપિતા એ બહારગામ રહેતા હોય તો ઓછું ચીકણું હોય અને નજીકમાં રહેતા હોય તો વધારે ચીકણું હોય. માતાપિતા આફ્રિકા રહેતા હોય તો તેમની જોડે ઓછું ચીકણું હોય. એ ચીકણા કર્મના હિસાબે તો એ આપણી પાસે ને પાસે હોય છે. એ દૂર જાય પણ નહીં. નોકર રાખ્યો હોય ને તો આખી જિંદગી એનો એ જ હોય અને બિલાડી પાળેલી હોય ને વીસ વરસ રહી હોય, તો વીસ વરસ સુધી એના કર્મનો હિસાબ આપણી જોડે જ હોય. એની જોડે સગાવહાલા કરતાં ય વધારે હોય છે. એટલે આ તો બધું કર્મના હિસાબે બધું ભેગું થાય છે.

પ્રશ્નકર્તા : એટલે સાધારણ રીતે આ કુટુંબીજનોનું લેણું-દેણું પૂરું ના થાય ત્યાં સુધી આપણી જોડે જ જન્મ્યા કરે ને ?

દાદાશ્રી : હા. બસ એનું એ જ બધું. જ્યાં સુધી લેણું-દેણું પૂરું થાય નહીં, ત્યાં સુધી જોડે જ ફર્યા કરવાનું. લેણું અધૂરું મૂકતો ગયો હોય તો પાછો આવશે. અને નવા લેણાં ઊભાં કર્યા હોય તો એ પછી નવું વધતું જાય.

પોતે પોતાનો દીકરો (!) થાય;

કર્મની ગતિ ગજબ ગણાય!

પ્રશ્નકર્તા : એટલે એકનાં એક કુટુંબમાં જન્મે એવું બને !

દાદાશ્રી : ના, એવું કંઈ ખાસ નથી. કો'ક ફેરો જ એવું બને અને તો બે-ચાર વખત જ બને, વધારે તો ના બને. કારણ કે હંમેશાં ય મરણ થાય, એટલે લેણું તો પૂરું થઈ જ જાય છે. અગર તો દેણું હોય તો દેણું પૂરું થઈ જાય. પણ નવું લેણું એણે ઊભું ના કર્યુ હોય તો અહીં ના આવે. નવું લેણું બીજી જગ્યાએ કર્યું હોય તો બીજે જાય. એટલે એક જન્મમાં જ બધાની જોડે લેણું-દેણું પૂરું થઈ જાય છે. તેથી આપણે આ જ્ઞાન આપીએ છીએ અને કહીએ છીએ કે ફરી લેણું-દેણું ના કરશો, કર્મ ના બાંધશો એટલે તમે છૂટાં અને હિસાબો તો એની મેળે બધાં ચૂકતે થઈ જ જવાના, છૂટકો જ નહીંને ! જીવતાં જ દુઃખ આપે. તે રૂબરૂમાં દુઃખ નહીં આપે તો સ્વપ્નમાં પણ દુઃખ આપીને જશે. સ્વપ્નમાં દુઃખ આપે કે ના આપે ? એટલે સ્વપ્નાનું દુઃખ ભોગવવું પડે, પણ હિસાબ ચૂકતે થઈ જ જાય.

પ્રશ્નકર્તા : દાદો પોતાના ઘેર જ જન્મે એવું બની શકે ખરું ?

દાદાશ્રી : હા, બધું બની શકે. પોતે પોતાનો છોકરો પણ થાય !!! એવું આ પ્રકૃતિનો ત્યાં સુધી સાંધો મળે એવો છે !!! 'ચંદુલાલ'ને 'મગનલાલ'નો આત્મા એકનો એક જ હોય એવો સાંધો ય મળી જાય! બને જ છે, એવું બનેલું ય છે ! ઘણાં વખત બનેલું છે. આ જગત તો બહુ વિચિત્રતાને પામેલું છે. ૮૩ વર્ષનો થઈને પછી પાછો અહીં આવે ! કેટલાય છોકરાનાં છોકરાં ને તેનાં છોકરાં મૂકીને આવે !!

આ ભવે બાંધેલું કરે કેરી ઓન;

માટે ચેત, ન લે નવી લોન!

ખરી રીતે આ છોકરા ને ફાધરનો સંબંધ છે જ નહીં. આ તો આપણે કર્મથી માની લીધું છે.

પ્રશ્નકર્તા : આપણે આ ભવના જે કર્મો કર્યા હોય, પુણ્ય કે પાપનાં, તે અહીંયા જ સરભર થઈ જાય કે પછી એ જમા-ઉધાર આપણે આગલા ભવમાં કેરીઓન કરવાં પડે ?

દાદાશ્રી : આગલા ભવનું તૈયાર એ બધું લઈને ગયો હોય, નહીં તો આવતા ભવમાં શું કરે ? પછી મા-બાપ કંઈથી લાવે ! એટલે કંઈ સારા કર્મ કર્યાં હોય, એટલે પુણ્ય પ્રાપ્ત કર્યું હોય તો મા-બાપ સારા મળી આવે. પાપ કર્યું હોય તો રાક્ષસ જેવો બાપ અને મા એવી મળે. ત્યાંથી જ શરૂઆત થઈ એનું પુણ્ય અને પાપ વપરાવાનું. એટલે ગર્ભમાં એ પ્રમાણે દુઃખ-સુખ રહ્યા કરે. એ બધાં આપણાં આ કરેલાં કર્મનું ફળ બધું ય. આખી જીંદગીનું એવું છે. ગયા અવતારમાં કર્મ કરેલા તે અત્યારે ભોગવો છો બધું. સ્કૂલમાં કેમ આવડતું નથી ? કારણ કે એણે કર્મો ખોટાં કરેલા.

સરખંુ સીંચન છતાં ભિન્ન પ્રકૃતિ ;

બીજ પ્રમાણે ફળ એ છે કુદરતી !

પ્રશ્નકર્તા : એક બાપને ત્રણ છોકરાં હોય, એક છોકરો ચાકરી કરે અને બીજા બે છોકરા લેફટ-રાઈટ લે, એનું શું કારણ ?

દાદાશ્રી : જેવો હિસાબ હોય ને તેવો હિસાબ પજવે. આપણે ખેતરમાં એક ઝાડ વાવ્યું, એક રોપ્યું હોય તો એક કડવાં ફળ આપે અને એક રોપ્યું હોય તો મીઠાં આપે. કડવી ગીલોડીને બધું હોય છે ને ? એક ખેતરમાં ગીલોડીઓ બધે સાથે હોય, પણ એક મીઠી હોય, એક કડવી હોય, એવી રીતે આ કડવા છોકરાં હોય, એક મીઠાં છોકરા હોય, મા-બાપે ય કડવા હોય બળ્યાં !

પ્રશ્નકર્તા : ધાવણ તો બધાને એક જાતનું આપ્યું હોય ને !

દાદાશ્રી : ધાવણ એક જ જાતનું, આ કડવી ગીલોડીને ને મીઠી ગીલોડીને બધાને ધાવણ એક જ જાતનું; લીમડાને એક જાતનું, આંબાને એક જાતનું, બધાને ધાવણ એક જ જાતનું; પણ સહુસહુના સ્વભાવ પ્રમાણે થાય. બીજમાં જે ગુણ છે ને, બીજમાં જેવો ગુણ હોય એવો થાય.

પ્રશ્નકર્તા : બીજ પણ એક જ હોય ને ?

દાદાશ્રી : ના, બીજ એક ના હોય. બીજ જાતજાતનાં હોય, આ જેમ આંબો, લીમડો એવું જાતજાતનાં બીજ. ધાવણ એક જ જાતનું.

પ્રશ્નકર્તા : એક જ જાતનું બી વાવ્યું હોય.

દાદાશ્રી : બી એક જાતનું વવાય નહીં ને ! બીજ તો જાત જાતના પડે. કયું બીજ પડયું છે તે ઊગે ત્યારે ખબર પડે ને એનું ફળ ખઈએને, ચાખીએ ત્યારે ખબર પડે કે આ કડવી ગીલોડી ! ત્યાં સુધી તો આપણને સમજણે ય ના પડે, ગીલોડી કડવી છે કે નહીં, પણ ફળ ચાખીએ, ત્યારે ખબર પડે.

પ્રશ્નકર્તા : એક જ ગીલોડીમાંથી કાઢેલા બધાં બી હોય તો ?

દાદાશ્રી : એ તો લાગે છે એક ગીલોડીના બી બધા. પણ આ તો માણસને ક્ષણે ક્ષણે પોતે જ માણસ જ બદલાયા કરે છે. એક મોટો પુરુષ કહે છે કે મને ફલાણા છોકરાનો જન્મ થયો ત્યારે તે ઘડીએ મારા મુસ્લિમ વિચારો હતા, તેથી આ છોકરો મુસ્લિમને પૈણ્યો, કહે છે. એટલે જેવા જેવા આપણા હિસાબ એ પ્રમાણે બીજ બધા ઉત્પન્ન થયા કરે અને પછી બીજ કડવું હોય, મીઠું હોય.

કરેલાંના ફળ ભોગવવાનાં છે. જે આપણે કર્યું હોયને, તેના ફળ ભોગવવાનાં છે. છોકરો સેવા ય કરે ને મેવા ય કરે.

આપણે એવું કરવું કે આપણે કોઈને ત્રાસ ના આપીએ તો કોઈ આપણને ત્રાસ આપનારો જીવ આપણે ત્યાં આવે જ નહીં. જેના ખેતરમાં ચોખ્ખું છે, જે વસ્તુ વાવવાની બધું ચોખ્ખું વેણી કરીને તો પછી દાણા બધા ચોખ્ખા ઊગે અને વખતે ઊગ્યું હોયને, પેલું બીજું આડું ઊગ્યું હોય તો નીંદી નાખે તો ય થાય. પણ લોકો ખોટું કરવામાં કંઈ બાકી રાખતા નથી, તે પછી નીંદવાનું તો વાત જ ક્યાં છે ?

પ્રશ્નકર્તા : એક જ પપૈયામાં, એક જ વાડી હોય, એક જ ખેતર હોય, એક જ ઉછેરનારો હોય, તો ય એમાં નર અને માદા બે જુદાં જુદાં નથી થતાં ?

દાદાશ્રી : અરે, એ તો વળી મીઠી ગીલોડી વાવી હોય તો ય ઠીકરી આવે તો કડવી થઈ જાય બધી, આમને શું વાર ?!

આપણે જો ચોખ્ખાં હોઈએ ને, તો આપણને કોઈ નામ દે એવું નથી. આપણે ચોખ્ખાં રહો તો છોકરાં આવશે ય ચોખ્ખાં. આ બધું તમારું ને મારું ઋણાનુબંધથી ભેગા થયા છીએ.

ઘસારો પડયો તમને ને તમને ગાળો આપી, નુકસાન કર કર કર્યું હોયને, એ એનું છે તે તમારી જોડે હિસાબ બંધાયો. તમે છે તે એ હિસાબ ચૂકવવા એની પાસે આવો. આ રૂપિયા એકલાની ચિંતા નથી. રૂપિયાનું માંગણું એકલું નથી. બીજી બહુ ભાંજગડો છે. રૂપિયાનું માંગણું તો કો'ક જ હોય. પછી બીજી ભાંજગડો પૂરી થઈ જાય, રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોભ એ કકળાટ, કકળાટ, તેનો આ બધો હિસાબ ઉકેલીને છોકરાં થાય છે.

બાપ પોતે ચોર હોય તો છોકરાંને ચોર બનાવે છે. શાહુકાર છોકરો હોય તેને ય ચોર બનાવે. હવે એ મેળ પડે નહીં ને ! એટલે મેળ પડે નહીં, એની આ બધી વઢવાડો છે અને કળિયુગમાં તો મહાદુઃખદાયી ! દુઃખ દેવા માટે જ છોકરાં આવે. કોઈએ આશા રાખવી નહીં.

સંતના પાંચે, ક્યારે ન પાકે સંત;

સ્વ સંસ્કાર પ્રમાણે, ન ચાલે ખંત!

પ્રશ્નકર્તા : એક સંત અને તેમનાં પત્ની એ બન્ને છે તે સંસ્કારી જ હોય, એમને પાંચ છોકરાં હતાં, તો પાંચ સંત કેમ ના પાક્યાં ?!

દાદાશ્રી : ના પાકે. સંત પાકે નહીં. એ પાકે કેવી રીતે ?! સંસ્કારી બેઉ હતાં. એટલે કંઈ સંસ્કારી હોય તો છોકરામાં સંસ્કાર પડે. પણ માલ તો બહારથી આવેલો હોયને, તે જ માલ નીકળે પછી. આપણા બાપના સંસ્કાર આપણામાં ઊતરતા નથી. એ પોતાના જ સંસ્કાર લઈને આવે છે. પણ આપણો જેવો હિસાબ હોય તે જ આપણને અહીં જોઈન્ટ થાય છે. આપણા જ ઋણાનુબંધ એ જ આપણે ત્યાં આવે છે બધો હિસાબ. છોકરાં એના પોતાના સંસ્કાર સ્વતંત્ર લાવેલો હોય ને ! પણ મા-બાપે સંસ્કાર અવશ્ય આપવા જોઈએ.

પ્રશ્નકર્તા : છોકરાઓને સંસ્કાર આપવા માટે એ સંતે કચાશ તો નહીં રાખી હોય ને ?!

દાદાશ્રી : ના, ના. શેની કચાશ રાખે ? પારકાંની કચાશ ન્હોતા રાખતાં, તો પોતાના છોકરામાં કચાશ રાખે ?!

પ્રશ્નકર્તા : તો પછી એમના છોકરાઓ એ સંત જેવા કેમ ના થયાં ?

દાદાશ્રી : સંત તો થાય જ નહીં ! એવું એક જ જાતનું હોય જ નહીં હંમેશાં, એક જાતનું કોઈ ફેરો હોય જ નહીં. એ પહેલાંના જમાનામાં હતું. અત્યારે આ ડેવલપ જમાનામાં એક જાતનું શી રીતે આવે ?! આ બધા આપણા ઓળખાણવાળા અને આપણા ઋણાનુબંધવાળા જ આપણે ત્યાં છોકરાઓ થાય છે. કંઈ નવી જાતનો માલ આવતો નથી. તમને ગુણ મળતાં આવતાં હોય તે તમને આ ભેગો થયેલો અને તમને ના મળતાં હોય તે ય ગુણનો એકાદ ભેગો થઈ ગયો. કારણ કે દ્વેષથી થયેલો હોય અને પેલા રાગથી થયેલો હોય. એવું રાગ-દ્વેષથી આ બધાં ભેગાં થયા છે.

એટલે રાગ-દ્વેષના પરિણામોથી એમને બધા ભેગાં થયાં. એમાં એક-બે સારાએ હોય પાછાં, એનો કંઈ સવાલ નથી. પછી એકાદ મહીં અવળું ફરે. એ એનો માલ પ્રમાણે દારૂ હોય. જેવો દારૂ ભરેલો હોય એવો ફૂટે પછી !

આપણા વાંકે ભેગું થયું વાંકું;

એમ ને એમ ન પાકે પેટે ડાકુ!

પ્રશ્નકર્તા : પણ દાદા, કેટલાંકના મા-બાપ બહુ સંસ્કારી હોય છે. પણ એમનાં છોકરાં બહુ રાશી હોય છે, તો તેનું શું કારણ ?

દાદાશ્રી : ઘઉં ઊંચી જાતના હોય, ઇન્દોરના છે. દાણા તો, અહીં આગળ રોપીએ, જમીન રાશી, ખાતર નહીં, પાણી ખારું, તો કેવા ઘઉં થાય ?

પ્રશ્નકર્તા : ખરાબ થાય.

દાદાશ્રી : એવું આ બધું થયું છે, બધો કચરો ભેગો થયો. ખારાં પાણી ભેગાં થયાં. તે પછી પાછું ગેરકાયદેસર નહીં. પાછું પોતાનો હિસાબ છે તે જ માલ મળ્યો છે. છોકરા નાલાયક એટલે તમારે સમજી લેવું કે મારામાં નાલાયકી દેખાતી નથી, પણ આ નાલાયકી મારી જ છે એવું સમજી લેવું. આપણી નાલાયકી આમાં દેખાય છે. પ્રત્યક્ષ ફોટા રૂપે તમને સમજાયું ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : કામ લાગશે આ વાક્ય ? વાત આ કામ લાગશે તમારે !

પ્રશ્નકર્તા : હા, હા.

દાદાશ્રી : અહીં બધું કંઈ કુદરત, ભગવાન નથી કરતો ને બીજો કોઈ હાથ નથી ઘાલતો, આ બધું તમારું તે તમારું જ છે. સારા છોકરા પાકે છે તે ય તમારો ફોટો અને રાશી પાકે છે તે ય તમારો ફોટો. પેલા સંતે કહ્યું હતું ને કે, મારા ખરાબ વિચાર હતા ત્યારે આ ખરાબ પાક્યો હતો ! આનાં જન્મતાં પહેલા મારા જે વિચાર હતા ને તે પ્રમાણે પાક્યો, હિન્દુને ત્યાં મુસ્લિમ જેવો શી રીતે પાકે ? પોતાનો જ હિસાબ !

પૂછો, બીજું બધું પૂછો, કંઈ ગૂંચો જેટલી હોય એટલી ગૂંચો પૂછો બધી. આ ગૂંચો કાઢવાનું સ્થાન છે. ગૂંચો નીકળે તો મોક્ષે જવાય. નહીં તો મોક્ષે જવાય નહીં. ગૂંચાયેલો માણસ શું મોક્ષે જાય ? અહીં ગૂંચવાયેલો માણસ સંસારમાં રહેતા ના આવડે તો ?! કોને ત્યાં છોકરા ખરાબ પાક્યા છે ? તારા પાડોશીને ત્યાં ?

પ્રશ્નકર્તા : આ જનરલ વાત કરી મેં તો ફકત !

દાદાશ્રી : હા. અને છોકરા ખરાબ પાકે ! અને કેટલાક છોકરા મા-બાપની સેવા કરે છે, એવી સેવા કરે, ખાધા-પીધા વગરે ય સેવા કરે છે. તેમને માટે એવું નથી. બધો આપણો જ હિસાબ છે. આપણા વાંકથી ભેગું થયું આપણને. આ કળિયુગમાં શું કરવા આપણે આવ્યા ? સત્યુગ ન્હોતો ?! સત્યુગમાં બધા પાંસરા હતા. કળિયુગમાં બધા વાંકા મળી આવે. છોકરો સારો ત્યારે વેવાઈ રાશી મલે, તે વઢંવઢા કરે. વહુ રાશી મલે તે વઢંવઢા કરે. કો'કનું કો'ક રાશી મલે અને આ ઘરમાં ચાલ્યા જ કરે સ્ટવ, વઢવાડનો સ્ટવ સળગ્યા જ કરે.

મળતાં પરમાણુઓ, જોડે જન્માવે;

ત્યાં જ ગોઠે ને વસુલ કરાવે!

પ્રશ્નકર્તા : એક ફાધર હોય અને એને ચાર છોકરા હોય. ફાધર બધાને એક સરખી ટ્રીટમેન્ટ આપે છે, ભણવા માટે. ખાવા-પીવામાં બધામાં. હવે એમાં એક કે બે છોકરા વધતાં-ઓછાં સારા નીકળ્યા. તો એ જે છોકરાઓ છે તે પોતાના પૂર્વભવના સંસ્કારને લીધે એમાં ફેરફાર લાગે કે મા-બાપોની કેળવણીથી લાગે.

દાદાશ્રી : મા-બાપને કશું ય લેવા-દેવા નહીં. મા-બાપ તો બધાને ખાતર નાખે કરે ને બધું. પણ એને કઈ જગ્યા મલી, કેવી જમીન મલી. ખારામાં ઊગી છે, પાણી ભરાઈ રહે એવી જગ્યામાં ઊભું છે કે ટેકરા ઉપર ઊભી છે, ખાતરવાળી જગ્યા છે કે નહીં ! એ પૂર્વજન્મનું બધું લઈને આવ્યો છે ને તો એ સારા નીકળ્યા !

પ્રશ્નકર્તા : એટલે દરેક પોતપોતાના પૂર્વજન્મનું લઈને આવે તે પ્રમાણે ચાલે.

દાદાશ્રી : એમાં કશું મા-બાપનું કશું ય છે નહીં. પણ મા-બાપનું તો આ છે, સરખા પરમાણુ એકલા છે. બાકી બધુ આપણું, સ્વભાવ હઉં આપણો. લોક કહે છે ને, એનો બાપ ક્રોધી છે. એટલે એ ક્રોધી નીકળ્યો. ત્યારે મેં કહ્યું, આ બીજો છોકરો કેવો છે ?! જરા ય ક્રોધ નહીં, એનું શું કારણ ? 'ત્યારે એ નહીં જાણું પાછું.' મૂઆ એ જાણ. આ બધા પોતાના સ્વભાવથી જ જીવે છે લોકો. મા-બાપ તો નિમિત્ત છે ફક્ત. એને ફક્ત એ પરમાણુ મળી જાય એને. તે મળતો સ્વભાવ છે માટે આ ત્યાં જન્મ્યો. કંઈક મળતાવશ આવતી હોય ફાધર જોડે, તો તમે એમને ત્યાં જન્મ લ્યો.

પ્રશ્નકર્તા : બરાબર.

દાદાશ્રી : તમારે સંત પુરુષ જોડે મળતાવશ આવતી હશે કંઈ ! તો જ જન્મ લ્યો તમે, નહીં તો એમ ને એમ જન્મ શી રીતે માણસ લે?

પ્રશ્નકર્તા : ખરી વાત.

દાદાશ્રી : પછી પૈણ્યા, તમને એમની જોડે મળતાવશ આવતી હતી તો જ પૈણે ને, નહીં તો પૈણે શી રીતે ?! પછી મારી જોડે તમને મળતાવશ આવે ?

પ્રશ્નકર્તા : એ બહુ આવે.

દાદાશ્રી : બીજા બધાં કરતાં દાદા જોડે વધારે આવે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : હા. એટલે મળતાવશ આવે તો જ એ બધું ભેગું થાય. એટલે પહેલાંનો હિસાબ છે આ.

પ્રશ્નકર્તા : મા-બાપને બે બાળકો હોય, એમાં ઘણી વખત એવું બને છે કે એક બાળક મંદબુદ્ધિ હોય અને એક બહુ ચતુર હોય છે, એનું કારણ શું ? એક જ મા-બાપનાં બાળકો અને બન્નેમાં આ જાતનું કેમ હોય ?

દાદાશ્રી : એ કંઈ મા-બાપનો મસાલો નથી એ. એ પોતાનો મસાલો દેખાડે છે. મા-બાપ છે તે ક્રોધી હોય અને છોકરા એક ક્રોધી હોય અને એક એવો ઠંડો હોય, ખરેખરો ઠંડો હોય. એટલે મા-બાપને અને છોકરાને કશું લેવાદેવા નથી. ફક્ત દેહના પરમાણુ એના જેવા સરખા દેખાય, પણ પરમાણુ મા-બાપનાં નથી. કારણ કે આ શું છે કે તમારું સર્કલ જે છે, એ તમને ફીટ થતું હોય જે સર્કલ, એ જ સર્કલમાંથી જ તમારે ત્યાં આવે છે છોકરા તરીકે. જો તમને અમુક પરમાણુ ગુણ મલતા હોય તો જ ભેગા થાય. એમાં એક ઓછી બુદ્ધિવાળો, એ તમને આઈસ્ક્રીમ ખવડાવતો હોય તો ના થાય ભઈબંધી ?! કો'ક દહાડો આઈસ્ક્રીમ ખવડાવતો હોય ને ખુશ કરતો હોય, તો ભઈબંધી થાય કે ના થાય ? રાગ થયો. એટલે એમાં બીજું કશું નહીં આપણે તો. ઋણાનુબંધ છે આપણે, બીજું કશું નથી.

પ્રશ્નકર્તા : એટલે પૂર્વજન્મનું કારણ છે.

દાદાશ્રી : પૂર્વજન્મનું ઋણાનુબંધ જ છે. બીજું કશું નહીં. મા-બાપને ને છોકરાને કંઈ પણ લેવાદેવા નથી. ફક્ત હિસાબ ચૂકવવાની જ લેવાદેવા છે. ખાલી હિસાબ જ ચૂકવવાનો. કે આ આટલું દુઃખ આપશે કે આ આટલું સુખ આપશે. બેમાંથી એક આપશે, ત્રીજી કોઈ વસ્તુ હોતી નથી.

પ્રશ્નકર્તા : પણ દાદા, બાયોલોજીકલમાં એવું છે ને કે મા-બાપને ડાયાબિટીસ હોય, તો છોકરાને ય ડાયાબિટીસ થાય.

દાદાશ્રી : એ તો એટલે આપણી જોડે બેઠેલા હોય ને ! તમને પણ એવા ગુણો હોય તો જ ભેગા થાય છે. એટલે બધું આમાં કશું લેવાદેવા નથી. બધું તમારો જ આ રાગ જ્યાં ચોંટ્યો હોય ને, ત્યાં પછી રાગના હિસાબે આવે. અગર દ્વેષ ચોંટયો હોય, ના ગમતો હોય તે તમારે ત્યાં આવે કે બહુ ગમતો હોય તે આવે અને લેવાદેવાનું ના હોય તો તમારે ત્યાં કોઈ આવે નહીં.

એટલે આ મહાવીર ભગવાન શું કહે છે, 'મારે કોઈની જોડે હવે લેવાદેવા નથી.' ત્યારે કહે, 'તમારે અહીં નહીં આવવાનું હવે. જ્યાં સુધી લેવાદેવા છે ત્યાં સુધી અહીં સંસારમાં આવવાનું છે. ભગવાન મહાવીરે કહ્યું ને કે મારે કોઈની જોડે લેવાદેવા નથી. હું તો વીતરાગ છું, એ કોઈની ઉપર મને રાગે ય નથી ને દ્વેષે હોય નહીં. મારનાર ઉપર દ્વેષ નથી અને ફૂલાં ચઢાવનાર ઉપર મને રાગ નથી. એટલે આ રાગ-દ્વેષથી ઊભી થયેલી વસ્તુ છે. એટલે આ ઋણાનુબંધ છે. આપણી માલિકીની કોઈ વસ્તુ છે નહીં. માની બેઠેલા છીએ એટલું.

ફેર કેરી કેરીએ, પાંદડે ડાળે ડાળે;

સ્પેસ ફેરે થયો ફેર, ભાવ દ્રવ્ય કાળે!

પ્રશ્નકર્તા : આપણે આ વનસ્પતિમાં પણ જીવ છે એવું કહે છે, હવે આ આંબો હોય, આંબાને જેટલી કેરીઓ હોય, તે બધી કેરીઓનો સ્વાદ એક જ જાતનો હોય, જ્યારે આ મનુષ્યમાં પાંચ છોકરા હોય તો પાંચે ય છોકરાના જુદાં જુદાં વિચાર-વાણી-વર્તન એવું કેમ ?

દાદાશ્રી : કેરીઓમાં ય જુદું જુદું હોય, તમારે એટલી બધી સૂક્ષ્મતા નહીં, તમારી સમજવાની શક્તિ નહીં. બાકી બધી દરેક કેરીમાં જુદો જુદો સ્વાદ, દરેક પાંદડામાં ય ફેરફાર. એક જ જાતના દેખાય, એક જ જાતની સુગંધ હોય પણ ફેરફાર કંઈ ને કંઈ. કારણ કે આ દુનિયાનો નિયમ એવો છે કે સ્પેસ બદલાય એટલે ફેરફાર થાય. સ્પેસ બદલી એટલે ફેરફાર હોય જ ! તમને સમજ પડીને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : આપણા મનુષ્યો છે ને, તે બધાનો ફેરફાર તમને દેખાય, પણ ગાયો-ભેંસોને ના દેખાય. ગાયોને એક જાતના માણસો દેખાય બધા એવી રીતે આપણને આ પાંદડા-બાંદડામાં, કેરી-બેરીમાં ફેરફાર ના દેખાય. દરેક સ્પેસ જેવી બદલાય, એ બધું જ ફેરફાર હોય. આ સ્પેસ જુદી, આ સ્પેસ જુદી. આ સાયન્સનો નિયમ, કાળ બદલાય તો ય ફેરફાર થાય. અત્યાર રોટલી પહેલી બનાવીએ, એ રોટલીનો સ્વાદ જુદો અને બીજી રોટલીનો સ્વાદ જુદો. લાગે એક જ જાતનું ! આપણને તો એટલી બધી સૂક્ષ્મતા નહીં ને, પરીક્ષા નહીં એટલી બધી. બનાવનાર એક જ જણ છે. સ્પેસ એની એ જ છે, પણ ટાઈમ બદલાયા કરે છે. એટલે સ્વાદમાં ફેરફાર થયા જ કરે. તેથી આપણે અહીં કોઈ પણ માણસો કશાકમાં પ્રખ્યાત થઈ જાય. એનું શું કારણ કે, બધાએ જુદી જુદી જાતથી બનાવેલું. એ એનો ભાવ, ટાઈમ, સ્પેસ, એટલે આવી દુનિયા ચાલે છે, ટાઈમ ને સ્પેસ બદલાય એટલે બધું ફેરફાર થાય જ, ભાવ બદલાય. આપણો ભાવ બદલાય. હમણાં રોટલી બનાવતાં હોય. પહેલી આ બેન બનાવતાં હોય, તો પહેલી બે બનાવી ત્યારે મનમાં એમ કે આજ સારામાં સારી રોટલી ખવડાવું અને ત્યાં સુધી એક મહેમાન આવ્યા એમના ઓળખાણવાળા. આમ મોઢું દેખ્યું, મન બગડી ગયું. આ વળી ક્યાંથી આવ્યા ?! એ પછી રોટલી બગડી.

એનો એ જ લોટ !!

ગુલાબના ફુલ એકસરખાં ના હોય, બધા ફૂલમાં ચેંજ એ સૂક્ષ્મતા દેખાય નહીં તમને. જગ્યા ફેર છે માટે બધો ફેર. રોટલી વણવામાં ફેર છે એટલે ફેર.

પ્રશ્નકર્તા : રોટલી બનાવતી વખતે ભાવ બગડેલા હોય, એ રોટલી ધારો કે બીજું કોઈ ખાય, તો એનું શું થાય ?

દાદાશ્રી : બગડી જાય મોઢું.

પ્રશ્નકર્તા : એનું ય બગડી જાય ?

દાદાશ્રી : હા. પહેલી રોટલી મોઢામાં મૂકતાં સાથે ઓગળી જાય અને પેલી વાટ-વાટ કરો, તો ય ના ઓગળે. ટાઈમનો ચેંજ, જગ્યાનો ચેંજ, ભાવનો ચેંજ, એટલે બધું ચેંજેબલ છે. આ જગત જ આખું ચેંજેબલ છે. એટલે છોકરાં જે છે ને તે, એ છોકરાં પહેલાં એક જાતના દેખાતાં હતાં ખરાં, પણ એમાં ચેંજ હતો જ. પણ પહેલાં કેવું હતું કે બધા એક જ જાતનાં છોકરાં આવે બધાં. કો'ક જ જુદી જાતનું નીકળી જાય. બાકી ગુલાબનાં છોકરાં બધાં ય ગુલાબ. એટલે પહેલા ગુલાબના ખેતરાં થતાં હતાં આપણે ઘેર. અને હવે તો ગુલાબ પોતે હોય અને છોકરામાં એક ગુલાબ હોય, એક મોગરો હોય, એક ચંપો હોય, જાતજાતનાં હોય છોકરાં. એટલે હવે મૂઓ કંટાળે કે મારા જેવા કેમ નહીં ?!

રાજા શ્રેણિકને દીકરાએ નાખ્યો જેલ;

મહાવીર મળ્યા છતાં નર્કે, કર્મના રે ખેલ!

પ્રશ્નકર્તા : માણસની જે પ્રકૃતિ ડેવલપ થાય છે. તે તેના જન્મથી જે આજુબાજુના વાતાવરણ, સંસ્કાર મળે છે એનાથી થાય છે કે ગયા ભવથી સંસ્કાર લઈને આવ્યો છે એના આધારે પ્રકૃતિ ડેવલપ થાય છે.

દાદાશ્રી : ગયા અવતારના આધારે. ગયા અવતારના આધારે આજે આ બધા સંસ્કાર દેખાય છે આપણને. આ જે સંયોગો ભેગા થાય છે, તે ગયા અવતારના આધારે ભેગા થાય છે. કોઈ પણ બીજું કારણ નથી, કે સંયોગ ભેગા થાય. પહેલું તો મા-બાપનો સંયોગ થાય, આ શરીરમાં હાડકું, લોહી બધું સંયોગ ભેગા થાય છે, એ બધું સપ્લાય એના આગળના આધારે થાય છે બધું. આગળના સંસ્કારને આધારે બધા સંયોગો ભેગા થાય છે, મા-બાપ સંયોગ ભેગો થાય, જગ્યા સંયોગ ભેગા થાય ! નહીં તો મા-બાપ દુષ્ટ મલે. એ જન્મ્યો ત્યારથી જ સંયોગને આધારે અને ઠેઠ મરતાં સુધી સંયોગના આધારે છે અને વચ્ચે મનમાં રોફ મારે છે. મેં આ કર્યું ને તે કર્યું. મૂઆ ભમરડા, સંડાસ જવાની શક્તિ નહીં ને શું બૂમાબૂમ કરે છે વગર કામના. એ આવતા ભવનું પાછુ કર્મ બાંધે, બીજું કશું નહીં. અને કર્મ બાંધે છે તેનો વાંધો નહીં. પણ એ કર્મ ખરાબ બાંધે, પોતે દુઃખી થવું પડે એવા કર્મ બાંધે છે.

પ્રશ્નકર્તા : કેટલાકને મા-બાપની પ્રકૃતિ ને છોકરાની પ્રકૃતિ એકદમ વિરોધાભાસવાળી હોય છે, સાવ જુદી હોય છે. તો એ શું ?

દાદાશ્રી : મા-બાપને પ્રકૃતિ બાબતમાં લેવાદેવા નથી. કશું જ લેવાદેવા નહીં. એ તો એની પ્રકૃતિ અને આની પ્રકૃતિ, આ તો બધા સરખા સ્વભાવવાળા ભેગા થાયને, તે રીતે સરખા સ્વભાવવાળા જન્મ લે સામસામી ! કશું ય લેવાદેવા નહીં. મા-બાપ આ દિશામાં હોય તો પેલો તૃતીયમ દિશાનો હોય.

શ્રેણિક રાજાને રોજ છોકરો મારતો હતો અને જેલમાં હઉં ઘાલી દીધેલા એવું આ જગત ! આ તો ન્હોય બાપ-છોકરા. કશું નહીં, ઋણાનુબંધથી ભેગાં થાય બધા. છતાં વ્યવહારમાં ના ય ના કહેવાય. ના કહીએ ત્યારે લોક, પાડોશી કહે, મૂઆ છોકરો તમારો છે ને આવું કેમ કરો છો ? એટલે આપણે કહીએ કે મારો જ છોકરો છે આ તો. વ્યવહારમાં હા કહેવું પડે ને. ગાંડો-ઘેલો તો ય પેસવા ના દઈએ તો લોક આવીને વળગે કે છોકરાને કંઈ બહાર રખડવા દેવાતો હશે, ઘરમાં રાખો એને.

છોરાં મા-બાપ ચૂકવે ઋણાનુબંધ;

ન કો' આપે કે લે, સહુ લાવેલા પ્રબંધ!

પ્રશ્નકર્તા : એક જનરલ વાત કહે છે ને કે આ બધા કુટુંબો હોય છે ને, તે એક વંશ પરંપરા ભેગા થાય છે.

દાદાશ્રી : હા, એ તો બધા આપણા ઓળખાણવાળા જ. આપણું જ સર્કલ બધું જોડે રહેવાનું. સરખા ગુણવાળું છે, એટલે ત્યાં આગળ રાગ-દ્વેષને લઈને જન્મ થાય છે અને તે ભાવો ચૂકવવા માટે ભેગા થાય છે. બાકી આંખે આવું દેખાય છે એ ભ્રાંતિથી છે અને જ્ઞાનથી તેવું નથી.

પ્રશ્નકર્તા : આપે જેમ કહ્યું ને દરેક જીવ સ્વતંત્ર છે.

દાદાશ્રી : સ્વતંત્ર એટલે એટલું બધું સ્વતંત્ર છે કે આટલું ય કોઈ કોઈને આપી શકે એમ નથી. લોક તો બધા જેવું આંખે દેખાય એવું બોલે છે. બુદ્ધિથી સમજાય એવું બોલે છે. પણ આ સમજ પડે એવી વસ્તુ નથી.

પ્રશ્નકર્તા : અમુક વખતે સમજણ ન હોવાથી કહે ય ખરાં, તમે ક્રોધી છો માટે હું ક્રોધી થયો છું.

દાદાશ્રી : હા, એવું ય કહે ને બાપને મૂરખ બનાવે.

પ્રશ્નકર્તા : એ મૂરખ બનાવે છે ?

દાદાશ્રી : મૂરખ જ બનાવે છે ને ! તમે ક્રોધી એટલે હું ક્રોધી એવું બાપને કહે એટલે ગુનેગાર તમે, હું ગુનેગાર નહીં, થયું ને ! એટલે બાપ મૂરખ ના બન્યો ? આ તો જો ડાહ્યા હોત તો હું ડાહ્યો હોત, કહે છે ! બાકી એક આટલો ય ગુણધર્મ અપાય એવું નથી. ત્યારે આ તો કહેશે, રૂપરંગ તો એના બાપનું જ. અલ્યા ન્હોય એવું, આ તો એડજસ્ટમેન્ટ છે એટલે એવું દેખાય છે. આ તો મા ને બાપ બેઉ ઊંચા હોય અને છોકરા ઠીંગણા હોય, આ તો વિરોધાભાસ છે.

પ્રશ્નકર્તા : આ જે જન્મ લેનાર છે એ એના કર્મોથી જન્મ લે છે ને ?

દાદાશ્રી : બસ. એ ગોરો છે કે કાળો છે કે ઠીંગણો છે કે ઊંચો છે, એ એનાં કર્મથી છે. ત્યારે આ તો લોકોએ એડજસ્ટમેન્ટ લીધું, આ આંખે દેખેલું કે આ નાક તો એકઝેક્્ટ સરખું જ દેખાય છે, એટલે બાપના જ ગુણ છોકરામાં ઊતર્યા છે, કહેશે ! તો બાપ કૃષ્ણ ભગવાન થઈ ગયા, એટલે છોકરો કૃષ્ણ ભગવાન થઈ ગયો દુનિયામાં ? આવાં તો કરોડો કૃષ્ણ ભગવાન થઈ ગયા. બધા પ્રગટ પુરુષ કૃષ્ણ ભગવાન જ કહેવાય. પણ એકે ય છોકરો કૃષ્ણ ભગવાન થયો ? એટલે આ તો સમજણ વગરની વાત છે !!

જો બાપના ગુણ છોકરામાં આવતા હોયને, તો તો બધાં છોકરામાં સરખા આવે. આ તો બાપને જે પૂર્વભવે ઓળખાણવાળા છે, એના ગુણ મળતા આવતા હોય, તમારા ઓળખાણવાળા બધા કેવા હોય ? તમારી બુદ્ધિને મળતા આવતા હોય, તમારા આશયને મળતા આવતા હોય. તો તમને મળતા આવતા હોય, તે આ ભવમાં પાછા છોકરા થાય. એટલે એનો ગુણ તમને મળતા આવતા હોય, પણ ખરેખર એ તો એના પોતાનાં જ ગુણો ધારણ કરે છે. સાયંટિસ્ટોને એમ લાગે છે કે આ પરમાણુમાંથી આવે છે. પણ એ તો એનાં પોતાનાં જ ગુણો ધારણ કરે છે. પછી કોઈ નઠારો, નાલાયક હોય તો દારૂડિયો ય નીકળે. કારણ કે જેવા જેવા સંજોગ એણે ભેગા કર્યા છે, એવું જ ત્યાં આગળ બને છે, કોઈ જીવને વારસાઈમાં કશું અક્ષરે ય ના મળે. એટલે વારસાઈ એ તો એક દેખાવ માત્ર છે. બાકી પૂર્વભવે જે એનાં ઓળખાણવાળા હતા તે જ આવ્યા છે.

પ્રશ્નકર્તા : પણ આ જે સ્થૂળ ગુણો છે ને, દેહનો આકાર, એ બધું થોડું ઘણું મળતું આવતું હોય ને ?

દાદાશ્રી : દેહનો આકાર-બાકાર બધું એ લઈને આવેલો હોય છે. આ તો બધું ય પોતાના હિસાબથી જ હોય છે. ફક્ત આ મા-બાપ નિમિત્ત બને છે કે ભઈ આ મા-બાપ તરફનો છે. બાકી જે હિસાબ છે ને એ પોતાનો જ હોય છે. નહીં તો દરેક છોકરાનાં નાક સરખાં હોય. ડીઝાઈન સરખી હોય. પણ એવું કશું છે નહીં. આ તો બધું માનેલું છે કે મા-બાપના ગુણ છોકરામાં ઉતરે છે. બાકી વાત તદ્ન જુદી જ છે. આ વાત સમજવી હોય તો હું સાયન્ટિફિક રીતે સમજાવવા માગું છું. આ નહીં સમજાવાથી ઠોકાઠોક કરી નાખ્યું છે કે બાપાના ગુણ આવે છે. એટલે પછી બાપને શું કહે કે તમે ક્રોધી છો તેથી હું ક્રોધી થયો. અલ્યા તું ગયા અવતારે ક્રોધી હતો ને તારા બાપા ય ક્રોધી હતા. તે આ અવતારમાં બે ભેગા થયા છે. તે ફરી પાછો ક્રોધ આવે છે અને એવું જ જો હોય તો બીજો ભાઈ છે તે કેમ ક્રોધથી બોલતો ય નથી. કારણ કે બીજો ઓળખાણવાળો બોલતો ના હોય. આ તો જુદા જુદા ઓળખાણવાળા બધા ભેગા થઈ જાય છે. તે બીજા છોકરામાં બાપનો એક અક્ષરે ય ગુણ ના આવે.

પ્રશ્નકર્તા : પણ એવું ખરું ને કે વડ છે એના બીજની અંદરથી વડ જ થશે, કારેલું નહીં થાય ?

દાદાશ્રી : એ તો આમ દેખાવમાં બાપના ગુણ આવે. પણ એ પોતે બીડીઓ પીવે છે કે ગમે તે કરે, પણ એ પોતાના ગુણો બધું જ મહીં સ્વતંત્ર લઈને આવેલો છે. એ પરાવલંબી નથી. પોતાનું રૂપ, આકાર, બધું પોતાના સ્વતંત્ર ગુણો લઈને આવ્યો છે.

પ્રશ્નકર્તા : મનોવૈજ્ઞાનિક વાત બરોબર છે. પણ હું વાત કરું છું એ દેહની વાત કરું છું.

દાદાશ્રી : એ દેહે ય પોતાનો જ લઈને આવેલો છે. કશું પારકું નથી. નહીં તો બાપ ચઢી બેસે કે મારે લીધે, મારું નાક સારું છે તેથી તારું નાક સારું છે ! પણ એવું કશું લેવાદેવા નથી. કિંચિત્માત્ર લેવાદેવા નથી. એને ત્યાં જાય છે તે ઋણાનુબંધને આધારે ગર્ભમાં જાય છે અને બધું એના સ્વતંત્ર ગુણો જ છે. આ અમે જ્ઞાનથી જોઈને બોલીએ છીએ. અત્યાર સુધી બધાએ ઠોકાઠોક કર્યું કે બાપના ગુણ છોકરામાં આવ્યા. પણ એવું નથી. આ તો બાપ ચોર હતો તે એના છોકરા જ્ઞાની પાકેલા, વેશ્યાને પેટે ય જ્ઞાની પાકેલા. એટલે આ લોક તો ઠોકાઠોક કરેલું છે બધું.

પ્રશ્નકર્તા : પણ વેશ્યાના છોકરાના રૂપરંગની વાત છે એ તો ખરું ને ?

દાદાશ્રી : રૂપરંગે ય જો પોતાનું સ્વતંત્ર લઈને આવેલો છે, બધી જ ચીજ પોતે સ્વતંત્ર લઈને આવે છે.

પ્રશ્નકર્તા : પણ રૂપરંગમાં તો ઘણાં દાખલા એવા છે કે એ મા-બાપને છોકરાં મળતાં આવે.

દાદાશ્રી : ના, એ તો દેખાય. અને મળતું તો બધું આવે ને. મળતું આવે એનો સવાલ નથી. પણ એ સાયન્ટિફિક વાત નથી. તમારા આમ દેખાવમાં મળતું આવે. પણ એ ગુણાકાર માંડો એનો અર્થ નથી, મીનીંગલેસ વાત છે, એ સાયન્ટિફિક નથી. જો એ બાપનો જરાક ગુણ ઉતરતો હોય તો તો બાપ રોફ મારે કે 'મારે લીધે... હું ગોરો છું તેથી તું ગોરો છે.' ત્યારે પેલો ભાઈ કહેશે, 'આ મારો બીજો ભઈ કાળો કેમ ? મારી મા ગોરી છે, તમે ગોરા છો, પણ મારો ભાઈ કાળો કેમ ? એ હિસાબ કાઢી આપો.' એટલે વસ્તુસ્થિતિમાં પોતાનું સ્વતંત્ર લઈને આવે છે.

પ્રશ્નકર્તા : એ સ્વતંત્રપણામાં પણ મા-બાપનો થોડો ભાગ છે ?

દાદાશ્રી : ના, જરા ય નહીં. મા-બાપ નિમિત્ત માત્ર છે. આ તો ઋણાનુબંધ છે તે એના નિમિત્તે બાપ એનો હિસાબ ચૂકવે છે, આ બાપ તરીકે ભાવ ચૂકવે છે, પેલો છોકરા તરીકે ભાવ ચૂકવે છે. એ ભાવ ચૂકવવા માટેનું છે આ બધું. બાકી પોતપોતાનું સ્વતંત્ર છે બધું. જીવ માત્ર સ્વતંત્ર જ છે.

પ્રશ્નકર્તા : પણ આ વિજ્ઞાન એટલું બધું હમ્બગ નથી. આ વિજ્ઞાન તો એક અવલોકનનું કારણ છે.

દાદાશ્રી : આ વિજ્ઞાન તો આંખે દેખ્યું એને કહે છે. પણ આ વસ્તુ આંખે દેખેલ નથી. આ તો સાયન્ટિફિક વાત કરું છું. આંખે દેખેલું તો કહે છે કે બાપ આવો ગોરો હતો, તેમાં આ ગોરો થયો. તો આ બીજો ભાઈ કાળો કેમ થયો ? એ બન્ને વિરોધાભાસ ના આવે એનું નામ વિજ્ઞાન કહેવાય. વિજ્ઞાન તો ક્યારે ય પણ વિરોધાભાસ ઉત્પન્ન ના થાય એનું નામ વિજ્ઞાન કહેવાય. આ તો જ્યાં ને ત્યાં નર્યું વિરોધાભાસ છે કે મા ઊંચી, બાપ ઊંચો અને છોકરો ઠીંગણો. આ બધી શોધખોળ હું જાતે જોઈને બોલું છું. આખા વર્લ્ડને જવાબ આપવા હું તૈયાર છું. આ બધા સાયન્ટિસ્ટો મૂરખ બની જશે જો કદી આવું બોલશે તો. આ બહારનું જોઈને બોલે તેનો અર્થ મીનીંગલેસ છે.

પ્રશ્નકર્તા : એ બહારની વાત જ કરી છે એમણે. અંદરની વાત કરતા જ નથી. આ બહારની વાતો જ છે.

દાદાશ્રી : નહીં, પણ મૂળ એક્ઝેક્ટ શું છે એ જાણવું જોઈએ. નહીં તો બાપ રોફ મારે કે હું ગોરો હતો, તે મારે લીધે તું ગોરો છું. ઓહોહો ગોરા આવ્યા !! આખું જગત તો વિજ્ઞાન સ્વરૂપ છે. છોકરાને છોકરાનાં ભાવ ચૂકવવાનાં હોય ને બાપને બાપના ભાવ ચૂકવવાનાં હોય તો બાપને ત્યાં પેલાએ છોકરા તરીકે અવતાર લેવો જ પડે.

પ્રશ્નકર્તા : પણ તે અવતાર જે લીધો છે એ કંઈ ખોળિયું જાણે છે ?

દાદાશ્રી : ખોળિયાને કશું લેવાદેવા નથી. ખોળિયું સ્વતંત્ર છે. કોઈ પણ વસ્તુ લેવાદેવાની નથી. એ કહેશે મેં તમને ભણાવ્યા. પણ એ એડજસ્ટમેન્ટ એવું થાય. પણ એ બુદ્ધિના ખેલ છે. બુદ્ધિથી તમને આવું દેખાય જ.

પ્રશ્નકર્તા : ના, પણ હું તમને એક દાખલો આપું.

દાદાશ્રી : ના, દાખલો આમાં હોય નહીં ને. આ તો વૈજ્ઞાનિક છે હું જે બોલું છું એ વૈજ્ઞાનિક વાત છે અને વૈજ્ઞાનિકમાં વિરોધાભાસ હોય નહીં. આ તો એક છોકરો કાળો ને ઠીંગણો. મા-બાપ બેઉ ગોરા ને ઊંચા તે શાથી ? એટલો વિરોધાભાસ થયો આ !

પ્રશ્નકર્તા : પણ પ્રાકૃત ભાગમાં વિરોધાભાસ ના હોય એવું બતાવો.

દાદાશ્રી : વિજ્ઞાનમાં વિરોધાભાસ હોય નહીં. અમારું આ અક્રમવિજ્ઞાન છે. એમાં અક્ષરે ય વિરોધાભાસ ના હોય. તે આ જ વીસ વર્ષથી બોલું છું. વિજ્ઞાન વિરોધાભાસ કેમ હોય ? અને જગતે ય વિરોધાભાસ છે નહીં. એ તો લોકોને નહીં સમજાવાથી ઠોકાઠોક કરે છે. મિલકતે ય બાપ આપતો નથી. પણ લોકોને એમ લાગે છે કે બાપ આપે છે. પણ એનો હિસાબ હોય તેટલી જ મિલકત લે છે. કશું બાપથી કંઈ પણ આપી શકાય એવું નથી. માથી કે બાપથી એક પરમાણુ માત્ર પણ આપી ના શકાય.

પ્રશ્નકર્તા : તો તો પછી આ બધા પાકે છે, તો તેમાં મા-બાપની જરૂર જ ના પડે. ખોળિયામાં આવવાની કોઈને જરૂર જ ના પડે. અધ્ધર જ આવી જાય ?

દાદાશ્રી : એવું છે, હિસાબ ચૂકવવાનો હોય તો ખોળિયામાં આવવું પડે.

પ્રશ્નકર્તા : હિસાબ ચૂકવવો હોય તો અહીં પેટમાં શું કરવા આવે ? સીધો જ ના આવે. તમે કહો છો ને આવવા માટે સ્વતંત્ર છે !

દાદાશ્રી : ના, પણ માના પેટમાં રહેવાનો હિસાબ છે, લેણદેણનો હિસાબ છે, તે !

પ્રશ્નકર્તા : એકસેપ્ટેડ, એકસેપ્ટેડ.

દાદાશ્રી : હા, બસ. નહીં તો જો તમારી વાત સાચી હોય તો અમે એકસેપ્ટ કરી લઈએ. ના, પણ એનો અર્થ શું ? મીનીંગલેસ વાત છે અને એવું બનતું જ નથી. એક પરમાણુ માત્ર કોઈ બાપ આપી શકે એમ છે નહીં. એક પરમાણુ જો આપ્યું હોય ને તો ય રોફ મારે.

પ્રશ્નકર્તા : મનોવૈજ્ઞાનિક ભૂમિકા છે કે જે શરીર.....

દાદાશ્રી : મનોવિજ્ઞાન કે ફલાણું વિજ્ઞાન, સહેજ પરમાણુ માત્ર આપી શકે એમ નથી. આ તો જે એને પેટે જન્મ લે છે તે બાપ તરીકેના જે ભાવો છે એનાં જ ઋણાનુબંધ ચૂકવવા માટે છે. માના તરફના, માને નાનપણમાં ગાળો દેવાની એ કંઈ ઋણાનુબંધ હોય તો ગાળો દે, બાપને માન આપે. નહીં તો બાપને ય ગાળો દે, એવો જે બધો હિસાબ ચૂકવવા માટે જ એને ત્યાં જન્મ થાય છે.

બધા હિસાબ ચૂકવવા માટેનું જ જગત છે. 'જગત જીવ હૈ કર્માધીન કુછ ના કિસસે લેના-દેના.' પોતપોતાના સ્વભાવમાં રહો, કહે છે. આ તો બધું પોતપોતાના કર્મના આધીન જ ભમ્યા કરે છે. કોઈ કોઈને કશું આપી શકે નહીં. ભગવાન પણ કશું આપી શકે નહીં. તો બાપ શું આપવાનો હતો તે !! જેને સંડાસ જવાની શક્તિ નથી એ !! વસ્તુ પદ્ધતિસર હોવી જોઈએ કે જેનો છેડો આવે. વાતનો છેડો આવવો જોઈએ ને !

પ્રશ્નકર્તા : વાતનો છેડો આવે, પણ અલૌકિક વાત અને લૌકિક વાત બે જુદી પડે છે. અલૌકિક વાત હોય તેનો લૌકિક અર્થ માણસ પોતાની રીતે કરે, એટલે એ વાતમાં એમ લાગે કે આ મતભેદ છે. પણ ખરેખર એ હોતાં નથી.

દાદાશ્રી : પણ મૂળ અર્થમાં જ એ ખોટી વાત છે. પછી તમારે બીજા અર્થમાં જે કરવું હોય તે કરજો.

પ્રશ્નકર્તા : એટલે જે ભાવ ચૂકવવાનાં હોય છે. ઋણાનુબંધ ચૂકવવાનાં હોય તે અપાઈને જતા રહે છે.

દાદાશ્રી : હા, એ અપાઈ જ જાય બધાં. એટલે મારે ત્યાં આગળ આ વિજ્ઞાન બધું ખુલ્લું કરવું પડયું કે અલ્યા, બાપનો તે શો દોષ છે ? તું ક્રોધી, તારો બાપ ક્રોધી, પણ આ તારો ભાઈ કેમ ઠંડો છે ! જો તારામાં તારા બાપનો ગુણ ઉત્પન્ન થયો હોય તો આ તારો ભાઈ ઠંડો કેમ છે ? એટલે આ નહીં સમજાવાથી લોક ઠોકાઠોક કરે છે અને જે ઉપર દેખાય એને સત્ય માને છે. વાત બહુ સમજવા જેવી છે. આ બહુ ઊંડી વાત છે. આ તો મેં કહી એટલી નથી. આ બહુ ઊંડી વાત છે ! ભગવાન પણ આટલું ન આપી શકે. આ તો બધા હિસાબ જ લેવાય છે ને ચૂકવાય છે !

છોડ માયાજાળ પરભવ સુધાર;

સરવૈયું જો, ગતિ છ પગની કે ચાર?

આત્માને છોકરા હોય નહીં, તે જુઓને છોકરાં પોતાનાં માની બેઠાં છે ને ! છોકરા સારાં હોય તો ઊલટું કહેશે, મારે ઘેર નહીં આવો તો ચાલશે. તો ય પણ આ કહેશે, 'ના હું ત્યાં આવીશ. મારે મોક્ષને શું કરવું છે ? ઊતાવળ શું છે ?'

આત્મા કોઈનો છોકરો થાય નહીં ને આત્મા કોઈનો પિતા થાય નહીં. આત્મા કોઈની વાઈફ થાય નહીં કે આત્મા કોઈનો ધણી થાય નહીં. આ બધું ઋણાનુબંધ છે. કર્મના ઉદયથી ભેગું થયેલું છે. હવે લોકોને એ ભાસ્યું છે ને આપણને ય એ ભાસ્યું અને એ ભાસે છે એટલું જ. ખરી રીતે દેખાતું ય નથી. ખરી રીતે હોય ને તો કોઈ વઢે જ નહીં. આ તો કલાકમાં જ ભાંજગડ પડી જાય, મતભેદ પડી જાય તો વઢી પડે કે ના વઢી પડે ? 'મારી, તારી' કરે કે ના કરે પછી ?

પ્રશ્નકર્તા : કરે.

દાદાશ્રી : માટે ભાસ્યમાન છે, એકઝેકટ નથી.

કળિયુગમાં આશા ના રાખશો. કળિયુગમાં આત્માનું કલ્યાણ થાય એવું કરો, નહીં તો આ વખત બહુ વિચિત્ર આવી રહ્યો છે, આગળ ઉપર ભયંકર વિચિત્ર આવી રહ્યો છે. હજુ હજારેક વર્ષ સારાં છે. પણ પછી બહુ આગળ ભયંકર આવવાના છે. પછી ક્યારે ઘાટમાં આવશે ? એટલે આપણે કંઈક આત્માનું કરી લો.

છોકરા-બૈરી કોઈ પોતાનું થાય નહીં. આ તો બધું થયું એટલું તે આપણા કર્મના હિસાબ પાંસરાં હોય તો થાય. નહીં તો પાંસરું ના હોય તો થાય નહીં. આપણા હિસાબે બધુ આ જગત ચાલ્યા કરે છે. આપણું જો પાંસરું તો બહાર પાંસરું ને આપણું વાંકું તો બહાર વાંકું. રસ્તામાં શૂળ ઊગેલી હોય આમ, બાવળીયાની શૂળ ઊગેલી હોય, સો માણસ આવ-જા કરે, પણ કોઈના બૂટ નીચે આવે નહીં. અને જોડા વગર નીકળે નહીં એવો માણસ હોય તો અમથો કહેશે, 'હા, હું પહેરીને આવું.' એમ ને એમ ઊઘાડા પગે ગયો, ત્યાં સંજોગ એને ભેગું કરી આપે. વિંછીની જોડે ભેગો કરી આપે, શૂળની જોડે, કાંટા જોડે ભેગો કરી આપે, સાપ જોડે ભેગો કરી આપે.

પ્રશ્નકર્તા : આપણે જો આત્મજ્ઞાન તરફ વળીએ, આત્મદર્શન કરીએ તો પછી સામા છોકરાઓનાં મન ફરે નહીં ?

દાદાશ્રી : કશું ફરે નહીં. ફરવાનું હોય તો ફરે, નહીં તો રામ તારી માયા, કોઈ ફરે-કરે નહીં. આપણે ફરવાની જરૂર છે. બીજો કોઈ ફરે નહીં. સબ સબકી સમાલો. જમાનો બહુ વિચિત્ર છે. એટલે, આપણે ભાવના રાખવી કે છોકરા, વહુનું બધાનું કલ્યાણ થાય એવી ભાવના રાખવી. પણ બહુ એટલી બધી પકડ ના કરવી કે આપણું બગડે પાછું. છેટા રહીને કામ લેવું. કોઈ પોતાનું થાય નહીં આ બધું. એ તો સત્યુગના માણસ જુદા હતા. આ માણસ આ ઋણાનુબંધ જુદી જાતના, પેલા ઋણાનુબંધ જુદી જાતના હતા ! એટલે એવી આશા રાખીને શું કામ ? આપણે આત્માનું કલ્યાણ કરો ને કંઈક ! આમાં શું સ્વાદ કાઢવાના છે ?

સબ સબકી સમાલો. પોત પોતાનાં આત્માને શાંતિ રહે. તે મરતી વખતે કંઈક આત્માની પરિણતી સારી થાય. મરતી વખતે હિસાબ આવવાનો, સરવૈયું આવવાનું. આખી જિંદગી જે તમે કર્યું તેનું સરવૈયું મરતી વખતે આવે. જેમ આજ વેપાર કરીએ છીએ તે દિવાળીને દહાડે સરવૈયું કાઢીએ છીએ કે ડિસેમ્બરમાં આખરે કાઢીએ છીએ કે માર્ચ આખરે, પણ તે મહીં હશે, નફો-ખોટ હશે, તેનું સરવૈયું નીકળશે ને ?

પેલું આખી જિંદગીનું સરવૈયું આવે, તે શાનું ? ચાર પગવાળો થશે કે છ પગવાળો થશે તે મહીં ખબર પડે કે બે પગવાળો ય થાય. માણસે ય થાય કે દેવલોકો ય થાય, કહેવાય નહીં. પણ જેવું કર્યું હશે તેવો બદલો મળશે. માટે આપણી પોતાની સંભાળ પહેલી.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19