ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



પ્રતિક્રમણ

૧૨. છૂટે વ્યસનો ! જ્ઞાની રીતે !

નિકાલ કરો સમભાવથી !

ઘરમાં દાળ જરા વધારે તીખી થયેલી હોય એટલે આપણે ભૂમ પાડીએ કે, 'આ દાળ બગાડી છે ને આમ છે ને તેમ છે.' એમ બૂમ પાડીએ. પછી આપણને ખબર પડે કે, આ તો આપણી ભૂલ થઈ. આ ફાઈલનો સમભાવે નિકાલ ના કર્યો. ફાઈલનો સમભાવે નિકાલ કરવો એટલે શું ? આપણે દાળને ઓછી લઈને, ગમે તેમ કરીને, ઉકેલ લાવવાનો, વ્યાવહારિક રીતે. નહીં તો પછી આપણે પ્રતિક્રમણ કરવું પડે. એવો દોષ દેખાય છે ખરોને તરત ?

પ્રશ્નકર્તા : તરત ખ્યાલ આવી જાય.

'એનાથી' શારીરિક દર્દો પણ જાય !

દાદાશ્રી : આપણું જ્ઞાન પ્રતિક્રમણ કરવાનું કહે છે. ઓછું ખાધું તે ય અતિક્રમણ. કારણ બે વાગે ભૂખ લાગે. અને વધારે ખાધું તે ય અતિક્રમણ છે. માટે નોર્મલમાં રહે.

જેટલાં શરીરના દર્દો છે, એ બધાં અતિક્રમણોથી થયાં છે. તે બધાં પ્રતિક્રમણોથી જાય.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કેવી રીતે કરાય ?

દાદાશ્રી : દર્દનો સ્વભાવ ખોળવો પડે. કોના નિમિત્તે એ ઊભું થયું છે તે ખોળવું પડે. દરેક જોડેના સંબંધોની ઊંડી તપાસ કરવી પડે. જેટલા સંબંધો યાદ આવે, તે જ વધુ પડતાં છે. એ જ ફાઈલો છે. જે યાદ નથી આવતાં તેની કશી ભાંજગડ નથી.

પ્રમાણથી વધારે આપે ને જબરજસ્તી કરે તોય દુઃખ છે. તમને વધારે આપે તો શું કરો ?

પ્રશ્નકર્તા : આપણે ના જ પાડવી પડે. નહીં તો ખઈએ તો દુઃખી થઈએ.

દાદાશ્રી : હાથ જોડીને જેમ તેમ કરીને પતાવવું પડે. એ જગતમાં બધું એવું છે. નોર્માલિટી આવવી મુશ્કેલ છે.

નિયમભંગના પ્રતિક્રમણ !

ધ્યેય પ્રમાણે શું ના થયું એ લખી રાખી રાતે પ્રતિક્રમણ કરવું. તો ય બહુ થઈ ગયું.

પ્રશ્નકર્તા : હજુ દાદા ઘણી વખત સહેજ વધારે ખવાઈ જવાય છે. પણ એનું પ્રતિક્રમણ થઈ જાય છે.

દાદાશ્રી : એનો વાંધો નહીં.

પ્રશ્નકર્તા : અમે પ્રતિક્રમણ એવી રીતે કરીએ છીએ કે, હે દાદા ભગવાન ! જ્ઞાની પુરુષ પાસે મેં જે નિયમ લીધો છે. તેનો ભંગ થયો છે. તે બદલ ક્ષમા માગું છું હું. એ પ્રમાણે કરીએ તો ચાલેને ?

દાદાશ્રી : એટલે આપણે નિયમને જ વળગી રહ્યા છીએ. અને દેહ છે તે નિયમની બહાર ગયો છે. કારણ કે આપણે સત્સંગ કરાવડાવીએ છીએ ને, એટલે આપણે નિયમને વળગી રહ્યા છીએ ને એ નક્કી છે. આપણે આજ્ઞા પાળવી છે.

પ્રશ્નકર્તા : હા.

પ્રત્યાખ્યાન કરીને પીધી ચા !

પ્રશ્નકર્તા : મને સીગરેટ પીવાની ખરાબ ટેવ પડી ગઈ છે.

દાદાશ્રી : તે એને 'તું' એવું રાખજે, કે આ ખોટી છે, ખરાબ વસ્તુ છે એવું. અને કો'ક કહે કે સીગરેટ કેમ પીવો છો ? તો એનું ઉપરાણું ના લઈશ. ખરાબ છે એમ કહેવું. કે ભઈ, મારી નબળાઈ છે એમ કહેવું. તો કો'ક દહાડો છૂટશે. નહીં તો નહીં છોડે એ. છોડવાનો પ્રયત્ન કરું છું ?

પ્રશ્નકર્તા : કરું છું, પણ નથી છૂટતું.

દાદાશ્રી : ના. પણ એવા પ્રયત્ન નહીં કરવાના. આપણે તો એનું ઉપરાણું નહીં લેવાનું. કોઈ કહે, 'સીગરેટ છોડી દેને.' ત્યારે કહું કે, 'ભઈ ના. એમને છોડવાની જરૂર નથી', એવું તેવું તું ઉપરાણું ગમે તે લઈ લઉં. અપમાન થાય ત્યાં ઓગળે એવું હતું, ત્યારે તું એમ કહું કે ના, સીગરેટ પીવી જોઈએ. તો શું થાય ? એ જાય નહીં. અને આને હંમેશાં ખોટી છે એ વસ્તુ, એવું માન્યા કરજે. એટલે એક દહાડો છૂટી જશે.

પ્રશ્નકર્તા : આપણે ડિસ્ચાર્જ જે થતો હોય તે જોયા કરીએ અને પ્રતિક્રમણ ના કરીએ તો ? એ વધે કે ઘટે ?

દાદાશ્રી : એ કશું વધે નહીં. પ્રતિક્રમણ ના કરીએ તો એ પરમાણુ છે તે ફરી પાછા આગળ દેખાશે, એ આવતા ભવમાં.

પ્રશ્નકર્તા : પણ અત્યારે ભરીએ નહીં, ખાલી જોયા કરતા હોઈએ તો ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાની જરૂર જ નથી. હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) જરૂર નથી. આ તો પ્રતિક્રમણનું મેં શા માટે મૂકેલું છે, નહીં તો અભિપ્રાયથી છૂટશો નહીં. પ્રતિક્રમણ કર્યું એટલે અભિપ્રાયથી સામા થઈ ગયાં. એ અભિપ્રાય અમારો નથી હવે. નહીં તો અભિપ્રાય મોળો રહી જશે. પ્રતિક્રમણ કરવાની જરૂર નથી આ વિજ્ઞાનમાં. ફક્ત આ એટલા માટે મૂકેલું, નહીં તો અભિપ્રાય એક રહેશે, 'કશો વાંધો નહીં' કહેશે.

શાસ્ત્રકારોએ વાંધો ઉઠાવ્યો કે પ્રતિક્રમણ આમાં કેમ રાખો છો ? પણ એ એમને ખબર ના પડે કે આ અક્રમમાર્ગ છે. ને લોકોનો અભિપ્રાય એ રહી જશે. એક તો મહીં દારૂ પીધો તે પીધો, પછી પ્રતિક્રમણ ના કરે એટલે એ જ અભિપ્રાય રહ્યો.

અમે હઉ પ્રતિક્રમણ કરીએને, અભિપ્રાયથી મુક્ત થવું જ જોઈએ. પ્રતિક્રમણનો વાંધો નહીં. અભિપ્રાય રહી જાય તેનો વાંધો છે.

એટલે આ સાયંટિફિક રીતે જરૂર નથી. પણ અત્યારે તમને ટેકનિકલી જરૂર છે.

પ્રશ્નકર્તા : અને એમાં નુકસાને ય શું છે ? પ્રતિક્રમણ કર્યા હોય તેમાં નુકસાન શું ?

દાદાશ્રી : નુકસાનનો સવાલ નહીં.

પ્રશ્નકર્તા : તો ?

દાદાશ્રી : એવું નુકસાન શું ને નુકસાન શું નથી. એના માટે આ નથી રાખેલું. એક્ઝેક્ટ માટે રાખેલું છે.

શું નુકસાન એવું તો બોલાય નહીં. નુકસાન શું ક્યાં બોલાય ? કે આપણા સાધારણ વ્યાપારોમાં બોલાય ?

પ્રતિક્રમણ કરે તો એ માણસ ઉત્તમમાં ઉત્તમ વસ્તુને પામ્યો. એટલે આ ટેકનિકલી છે, સાયન્ટિફિકલી એમાં જરૂર રહેતી નથી. પણ ટેકનિકલી જરૂર છે ?

પ્રશ્નકર્તા : સાયન્ટિફિકલી કેવી રીતે ?

દાદાશ્રી : સાયન્ટિફિકલી એનું પછી એ ડિસ્ચાર્જ છે, પછી એને જરૂર જ શું છે ?! કારણ કે તમે જુદા છો ને એ જુદા છે. એટલી બધી આ શક્તિઓ નથી એ લોકોની ! પ્રતિક્રમણ ના કરો એટલે પેલો અભિપ્રાય રહી જાય. અને તમે પ્રતિક્રમણ કરો એટલે અભિપ્રાયથી જુદા પડ્યા, એ ચોક્કસ છેને આ વાત ?! અભિપ્રાયથી જુદા પડ્યા એ વાત ચોક્કસ ને ?!

કારણ કે અભિપ્રાય જેટલો રહે, એટલું મન રહી જાય. કારણ કે મન અભિપ્રાયથી બંધાયેલું છે. એટલું આગળપાછળ વિચારવું રહે છતાં રહી જાય છે, તો પછી થોડું બનશેય ખરુંને ! પણ પેલું ફળ નહીં આવે હવે. એ આપણને આજથી જ સમજાય કે ભઈ, જો આ જ આવું છે, તો પેલું આનાં કરતાં.

પ્રશ્નકર્તા : તો એનો અર્થ એવો થયો કે 'ચંદુલાલ' અને 'ચંદુલાલ'ના પરમાણુ ડિસ્ચાર્જ છે. હવે પ્રતિક્રમણ ના કરે તો એટલા બાકી રહી ગયા.

દાદાશ્રી : એટલું મન આપણને પજવે. દારૂ પીધો હોય તો કેવો લાગે ?!

પ્રશ્નકર્તા : એટલે કૉઝીઝરૂપે આવતા ભવ માટે બાકી રહે ?

દાદાશ્રી : હંઅ. અભિપ્રાયથી મન બંધાય છે અને અભિપ્રાય બાકી રહ્યો એટલે મન એટલું બાકી રહ્યું.

પ્રશ્નકર્તા : પણ દાદા, જ્ઞાન મળતાં પહેલાં જે થયું હોય તે ?

દાદાશ્રી : તેનો સવાલ જ નહીં. એ તો ઘણુંખરું ઊડી ગયેલું હોય. ઘણુંખરું આ જ્ઞાનથી જ ઊડી ગયેલું હોય છે. અને થોડુંઘણું હશે તે આવતે ભવે, એનો કશો વાંધો નહીં આવે.

પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન લીધા પછી પણ થોડું-ઘણું બાકી રહે ખરું ?

દાદાશ્રી : રહે તો ખરું, આપણો જ ઉકેલ, આપણે જ લાવવાનો છે. પ્રતિક્રમણ ના કર્યા, આળસ કરી, તો એટલું બાકી રહ્યું. પુરુષાર્થ તો કરવો જ જોઈએ ને ? પુરુષ થયા પછી પુરુષાર્થ ના કરે તે ચાલતું હશે ?!

ચંદુભાઈના કોઈ કાર્ય જોડે તમારે લેવા-દેવા નથી. પણ તમારે ચંદુભાઈનું ધ્યાન રાખવું જોઈએ. શું કરે છે, કેટલી બીડી પીવે છે. અને ચંદુભાઈ અતિક્રમણ કરે તો કહીએ કે પ્રતિક્રમણ કરો. ક્રમણનો અધિકાર છે, અતિક્રમણનો અધિકાર નથી.

અમે શું કહ્યું કે અત્યારે વ્યસની થઈ ગયો છું તેનો મને વાંધો નથી, પણ જે વ્યસન થયું હોય, તેનું ભગવાન પાસે પ્રતિક્રમણ કરજે કે હવે હે ભગવાન ! આ દારૂ ના પીવો જોઈએ, છતાં પીઉ છું. તેની માફી માગું છું. આ ફરી ના પીવાય એવી શક્તિ આપજે. એટલું કરજે બાપ. ત્યારે લોકો વાંધો ઉઠાવે છે કે તું દારૂ કેમ પીવે છે ? અલ્યા, તું આને આમ વધારે બગાડું છું. એનું અહિત કરી રહ્યો છો. મેં શું કહ્યું, તું ગમે તેવું મોટું જોખમ કરીને આવ્યો, તો આ પ્રમાણે પ્રતિક્રમણ કરજે, કારણ કે પ્રતિક્રમણનો અર્થ શું થાય ?

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ એટલે મારાથી પ્રકૃતિના કારણે કર્મ તો થઈ જાય છે, પણ એનો મને પસ્તાવો છે, મારે છોડવું છે એ જાતનું.

દાદાશ્રી : હા. પણ પસ્તાવો થયો. પણ પ્રતિક્રમણનો અર્થ જ શું ? પોતે એ દારૂ પીવો છે એ અભિપ્રાય વિરુદ્ધ ચાલ્યો. અભિપ્રાયથી છૂટી ગયો એનો તો બીજા અવતારમાં દારૂ જ ના હોય. અભિપ્રાય છોડાય નહીં. સમજ પડીને ? તે આ બધાં વાક્યો એવાં એવાં લખ્યાં છે કે બધું છોડાવી દે.

પ્રશ્નકર્તા : તમે સવારે 'ચા' પીતાં કહ્યું કે અમે પ્રત્યાખ્યાન કરીને પછી ચા પીધી છે.

દાદાશ્રી : ઓહોહો ! હા.

પ્રશ્નકર્તા : એની જ વાત છે.

દાદાશ્રી : એટલે 'ચા' તો હું પીતો નથી. છતાં પીવાના સંજોગ બાઝે છે. અને ફરજીયાત ઊભું થાય છે. ત્યારે શું કરવું પડે ? જો કદી પ્રત્યાખ્યાન કર્યા સિવાય, જો પીઉં તો 'એ' ચોંટી પડે. એટલે તેલ ચોપડીને અને રંગવાળું પાણી રેડવાનું, પણ તેલ ચોપડીને. હા. પ્રત્યાખ્યાનરૂપી અમે તેલ ચોપડીએ પછી પાણી લીલારંગવાળું રેડે, પણ મહીં ચોંટે નહીં. એટલે પ્રત્યાખ્યાન કરીને પછી ચા પીધી મેં !

પડીને ? પ્રતિક્રમણ તો જ્યારે અતિક્રમણ થાય ત્યારે કરો. આ ચા પીવી એ અતિક્રમણ ના કહેવાય. ચા ફરજીયાત પીવી પડે. એ અતિક્રમણ ના કહેવાય. એ તો પ્રત્યાખ્યાન ના કરો તો, તેલ ના ચોપડો, તો થોડુંક ચોંટી જાય. હવે તેલ ચોપડીને કરજો ને બધું !

પ્રશ્નકર્તા : જરૂર.

દાદાશ્રી : આ મોટર લઈને ફરવા જાવ છો તે તેલ ચોપડીને જવું. આ મારે ફરજીયાત કરવું પડે છે. તે તેલ ચોપડીને કરું.

પ્રશ્નકર્તા : ત્યાં એમને બટાકા ને કાંદા ખાવા પડ્યા હતા.

દાદાશ્રી : એ તો એનું પ્રતિક્રમણ કરી લઈએ. પ્રતિક્રમણ કરી લઈએ તો ચાલે. સંજોગ અનુસાર ચાલવાનું.

શારીરિક વેદનીયમાં...

પ્રશ્નકર્તા : સામાને દુઃખ થાય ત્યારે તો આપણે પ્રતિક્રમણ કરીએ, પણ જ્યારે પોતે પોતાની જ શારીરિક વેદના ભોગવતો હોય અને દુઃખ થાય તો તેનુંય પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : એને જોયા કરવાનું. તન્મયાકાર થાય તેનેય જોવાનું, ભોગવવાનું, વેદવાનું થાય તેને જોયા કરવાનું. વેદ એટલે જાણવું. અને વેદ એટલે ભોગવવું. તે ભોગવવાથી માંડીને જાણવા સુધીના પદમાં જ્ઞાનીઓ હોય છે.

પ્રશ્નકર્તા : બહુ દુખે ત્યારે તો પુદગલ ઠેકડા મારવા મંડે.

દાદાશ્રી : હા. તમે ઠેકડા મારતા હો, તે બધાને ખબર પડી જાય. પણ બીજાને દુઃખ ના થાય એ જોવાનું. અને વખતે દુઃખ થાય. દુઃખ પહોંચે એવું ખરાબ બોલી ગયાં અને પેલાને દુઃખ થયું તો તમારે 'ચંદુભાઈ'ને કહેવું કે તમે પ્રતિક્રમણ કરો.

પ્રશ્નકર્તા : ઈ તો એમાં પૂરતું પ્રતિક્રમણ થયું. પણ શરીરની વેદનામાં મનમાં ભાવોનું પરિવર્તન બહુ આવે છે. એ વખતે એમ સજોને કે, એ આર્તધ્યાન, રૌદ્રધ્યાન જેવું જ પરિવર્તન આવે છે.

દાદાશ્રી : આ જ્ઞાન જ એવું છે કે આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય જ નહીં. પણ તે આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય છે. તે બાહ્ય વિભાગમાં થાય છે. એટલે તે ખરેખર ચોંટતું નથી. આર્તધ્યાન-રૌદ્રધ્યાન તો કોને કહેવાય ? કે હિંસકભાવ હોય, હિંસકભાવ તો તમારામાં દેખાતો નથી.

પ્રશ્નકર્તા : અશાતાવેદનીય કર્મ ઉદય આવ્યા, એ કર્મ ભોગવવાં પડે છે. એ ભોગવતી વખતે, અરેરે, મરી ગયો, મરી ગયો એમ કરે. મેં કોઈ ખરાબ કામ કર્યું નથી. મને આ કેમ કર્મ ઉદયમાં આવ્યું ? તો આવા સંજોગોની અંદર એ વ્યક્તિએ કઈ ભાવના ભાવવી જોઈએ ?

દાદાશ્રી : આનાથી હું છૂટો છું. એવી ભાવના ભાવે તો હલકું લાગે. અને 'મને થઈ જાય છે' કહે તો વધારે લાગે.

પ્રશ્નકર્તા : એટલે એ જ્યારે વેદનાથી ઉદ્વેગ ભોગવે છે. ત્યારે એ આર્તધ્યાનથી છે કે રૌદ્રધ્યાનથી છે ?

દાદાશ્રી : આર્તધ્યાનથી. એમાં ધ્યાનનો સવાલ જ નથી. એ જો 'જ્ઞાન'માં હોય ને તો આ વેદના ભોગવે છે. ને કોણ ભોગવે છે તે આપણે જાણવું જોઈએ. અને આપણે કોણ છીએ, એ જાણવું જોઈએ. એટલે આપણે એમ કહેવું કે ભઈ, ચંદુભાઈ તમે જ ભોગવો બા. હવે તમારાં કરેલાં છે તે ભોગવો. તેમાં આપણે છૂટા રહીએ તો છૂટાપણાનો લાભ થાય. નહીં તો 'મને બહુ દુઃખ પડ્યું' કહીએ તો ખૂબ પડશે જબરજસ્ત. અનેકગણું થઈને પડશે.

પ્રશ્નકર્તા : એ વાત આપણે મહાત્માઓની કરી. જેણે દાદાનું જ્ઞાન લીધું છે તેને, એ સિવાયના જે લોકો ભોગવતાં હોય એ ભોગવે એમાં એ આર્તધ્યાન થયું કહેવાયને ?

દાદાશ્રી : એ આર્તધ્યાન જ થાય, દુઃખમય પરિણામ જ હોય. દુઃખમય પરિણામ એટલે આર્તધ્યાન.

પ્રશ્નકર્તા : અને એ પછી સામા પર ચીઢાયાં કરે. તો રૌદ્રધ્યાને ય થાયને ?

દાદાશ્રી : તો રૌદ્રધ્યાન. નિર્દોષ જગતમાં દોષિત ના દેખાવો જોઈએ. જગત બિલકુલ નિર્દોષ છે. એટલે જે દેખાય છે તે આપણી દ્રષ્ટિ દોષને લીધે દેખાય છે.

પ્રશ્નકર્તા : વેદનીય કર્મ અતિચાથી બંધાય કે અતિક્રમણથી ?

દાદાશ્રી : અતિક્રમણથી બંધાય.

અમારે અશાતા ઓછી હોય. અમારે જોને મહિનો, મહિનો એવો આવ્યો તે દાદાને એક્સિડન્ટના જેવો ટાઈમ થયો. પછી જે આ આવ્યું, જાણે દીવો હોલવાઈ જવાનો થાય. એવું થઈ ગયું.

પ્રશ્નકર્તા : એવું કંઈ થવાનું નથી, દાદા.

દાદાશ્રી : ના. એમ નહીં, 'હીરાબા' ગયાં તો, 'આ' ના જવાનું થાય ? એ તો વેદનીય કયું આવ્યું ?

પ્રશ્નકર્તા : અશાતા વેદનીય.

દાદાશ્રી : લોકો સમજે છે કે અમને વેદનીય એ છે, પણ અમને વેદનીય અડે નહીં, તીર્થંકરોને અડે નહીં, અમને હીરાબાની પાછળ ખેદ નથી. અમને અસરેય ના હોય કોઈ, લોકોને એમ લાગે કે, અમને વેદનીય આવ્યું, અશાતા વેદનીય આવ્યું. પણ અમને તો એક મિનિટ, એક સેકન્ડેય અશાતા અડી નથી, આ વીસ વર્ષથી ! અને એ જ વિજ્ઞાન મેં તમને આપ્યું છે. અને તમે કાચા પડો તો તમારું ગયું. સમજણથી કાચા પડાય જ નહીંને, કોઈ દહાડો ?! એક મિનિટ નહીં ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : ત્યારે ખરો.

પ્રશ્નકર્તા : અંબાલાલભાઈને તો અડેને ? 'દાદા ભગવાનને' તો વેદનીય કર્મ ના અડે.

દાદાશ્રી : ના. કોઈનેય અડે નહીં. એવું આ વિજ્ઞાન છે. અડતું હોય તો ગાંડા જ થઈ જાયને ? આ તો અણસમજણથી દુઃખ છે. સમજણ હોય તો આ ફાઈલનેે ના અડે. કોઈનેય અડે નહીં. જે દુઃખ છે તે અણસમજણનું જ છે. આ જ્ઞાનને જો સમજી લેને, તો દુઃખ જ હોય કેમ કરીને ? અશાતા ય ના હોય ને શાતા ય ના હોય.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21