ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



પ્રતિક્રમણ

૨૨. નિકાલ, ચીકણી ફાઈલોનો !

હિસાબ પ્રમાણે ચૂકવાય !

પ્રશ્નકર્તા : એમની ફાઈલ નંબર એકને હજી રાગ વર્તે છે ને ? એ રાગને લઈને બધું ઊભું થાય.

દાદાશ્રી : શું રાગ વર્તે છે ?

પ્રશ્નકર્તા : આ મારો ભાઈ છે. તો ભાઈનું કો'ક વિરુદ્ધ બોલે તો એની સામે જરાક....

દાદાશ્રી : એ તો બધો ભરેલો માલ છે, એ થાય. પણ પછી પ્રતિક્રમણ કરે એટલે શુદ્ધ ઉપયોગ કહેવાય. શુદ્ધ ઉપયોગ કોનું નામ કહેવાય ? પ્રતિક્રમણ કરતો હોય એ શુદ્ધ ઉપયોગ કહેવાય. શુદ્ધ ઉપયોગ હેતુ માટે પ્રતિક્રમણ કરે છે, માટે. આમાં એનો હેતુ શો છે ! શુદ્ધ ઉપયોગનો. તમારી ય બે નંબરની ફાઈલ જબરી જ છે ને ?

પ્રશ્નકર્તા : આપણે જબરી માનતાં જ નથી. આપણી જબરી છે જ નહીં. અને ફાઈલને ગા ગા કરીએ તો આપણે દોષમાં પડીએ કે નહીં ?

દાદાશ્રી : પડીએ ! ફાઈલને શું કરવા ગા ગા કરીએ ? લેવાદેવા શું આપણે ? આ ફાઈલ. આ તો કર્મના ઉદય પ્રમાણે હિસાબ ચૂકવાયા કરે. ઉદય પ્રમાણે. જેટલું ઋણાનુબંધ છે એટલું ચૂકવાયા કરે.

ચીકણાં કર્મોનાં પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : સમભાવે નિકાલ કરતાં કરતાં અતિક્રમણ થાય.

દાદાશ્રી : તો પ્રતિક્રમણની દવા આપેલી છે. અરે, કશું ના થાય તો કશું વાંધો નહીં. આલોચના નહીં કરે તે ય મેં માફ કરી છે. આ હું જાણું એ આજનાં લોકોને કળ વળતી નથી. શું આલોચના કરવાનાં છે ? એના કરતાં પ્રતિક્રમણ કરવા દો ને ?

પ્રશ્નકર્તા : એમાં ય પ્રત્યાખ્યાન કરવાનું છે ને ?

દાદાશ્રી : અરે પ્રત્યાખ્યાને ય નહીં કરે તો ચાલશે. અતિક્રમણ કર્યું ને પ્રતિક્રમણ કરશે. આજનાં કળ વગરનાં માણસો.

અત્યારે તો બહુ ત્યારે પાંચ ભજીયાં ખાય. પહેલાં તો આટલાં બધાં ખાઈ જાય ! આજના જેવાં ભજીયાં તે આટલાં ખાઈ જાય ! મેં બે ખાધાં, બહુ સરસ લાગ્યાં. તે સુખ આવ્યું ત્યારે બે ખાધાં મેં. એ શું ધોળે તે ?

આલોચના, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આખું ના થાય તો પ્રતિક્રમણ કરે તો બહુ થઈ જાય. ચીકણી ફાઈલના પ્રતિક્રમણ કર કર કરીએ, દોષનાં પ્રતિક્રમણ કરીએ. એટલે આમ એની ડિઝાઈન રહે, પણ આમ હાથ અડે એટલે ઊડી જાય, પડી જાય. જે ચીકણું હતું તે પ્રતિક્રમણ કરવાથી ચીકાશ ના રહે એમાં પછી. ચીકાશ 'હપુચી' ઊડી જાય. નહીં તો આમ હાથ ઘસ ઘસ કરીએ તો ય એ ના ખસે.

પ્રશ્નકર્તા : એટલે ચીકણાં કર્મોનો ક્ષય કરવા માટે પ્રતિક્રમણ કરવું ?

દાદાશ્રી : બીજો ઉપાય જ નથી, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન સિવાય. આલોચના એટલે દાદાને યાદ કરીને કહેવું કે 'મારી આ ભૂલ થઈ છે !' અને તે 'હવે ફરી નહીં કરું' એટલું બસ પ્રત્યાખ્યાન કરી લે એક ફેરો, બસ આટલો જ ઉપાય. બીજો કોઈ ઉપાય નથી.

ભાવ જ કરવાના સમભાવે નિકાલના !

ઘણા માણસો મને કહે છે કે, 'દાદા સમભાવે નિકાલ કરવા જઉ છું પણ થતું નથી !' ત્યારે હું કહું છું, અરે ભઈ, નિકાલ કરવાનો નથી ! તારે સમભાવે નિકાલ કરવાનો ભાવ જ રાખવાનો છે. સમભાવે નિકાલ થાય કે ના થાય. તારે આધીન નથી. તું મારી આજ્ઞામાં રહેને ! એનાથી તારું ઘણું ખરું કામ પતી જશે અને ના પતે તો તે 'નેચર'ના આધીન છે.

અમે તો આટલું જ જોઈએ કે, 'મારે સમભાવે નિકાલ કરવાનો છે.' એટલું તું નક્કી કર. પછી તેમ થયું કે ના થયું તે અમારે જોવાનું નથી. આ નાટક ક્યાં સુધી જોવા બેસી રહીએ ? એનો પાર જ ક્યાં આવે ? આપણે તો આગળ ચાલવા માંડવાનું. વખતે સમભાવે નિકાલ ના પણ થાય. હોળી સળગી, નહીં તો આગળ ઉપર સળગાવીશું. આમ ફૂટાફૂટ કરવાથી ઓછી સળગે ? એનો ક્યારે પાર આવે ? આપણે દીવાસળીઓ સળગાવવી, બીજું સળગાવ્યું, પછી આપણે શું કામ ? મેલ પૂળો ને આગળ ચાલો.

આ સંસારીઓને જ્ઞાન આપ્યું છે, કંઈ બાવા થવાનું મેં નથી કહ્યું, પણ જે ફાઈલો હોય એનો સમભાવે નિકાલ કરો કહ્યું છે ! અને પ્રતિક્રમણ કરો. આ બે ઉપાય બતાવ્યા છે ! આ બે કરશો તો તમારી દશાને કોઈ ગૂંચવનાર છે નહીં ! ઉપાય ના બતાવ્યા હોય તો કિનારા ઉપર ઊભું રહેવાય જ નહીંને ? કિનારાપર જોખમ છે ?

એનાં પ્રતિક્રમણોની નથી જરૂર !

પ્રશ્નકર્તા : બીજી બધી ફાઈલો છે એનો તો આપણે સમભાવે નિકાલ કરી શકીએ પણ આ ફાઈલ નંબર એકનો સમભાવે નિકાલ કેવી રીતે કરવો એ વિગતવાર સમજાવો ને ? કારણકે ફાઈલ નંબર એકના જ બધા ડખા હોય છે.

દાદાશ્રી : એ ડખાને જોવાથી જ જતા રહે. ફાઈલ જોવાથી જ. વાંકો હોય કે ચૂંકો હોય, એને ફાઈલની સાથે ભાંજગડ બહુ ના હોય. એને જોવાથી જ જતા રહે. સામો ફાઈલવાળો ક્લેઈમ માંડે તો એનું પ્રતિક્રમણ કરવું પડે. આમાં કોઈ દાવા માંડનારો કોઈ નહીં ને ? દાવો માંડનાર કોઈ નહીં એટલે એને જોવાથી જ જતા રહે. ખરાબ વિચાર મનમાં આવતા હોય, થોડા આડા આવતા હોય, બુદ્ધિ ખરાબ થતી હોય, એ બધું જોયા જ કરવાનું, જે જે કાર્ય કરતાં હોય તેનો વાંદો નહીં, આપણે તો એ જોયા કરવાનું.

આ તો સરળમાં સરળ મોક્ષમાર્ગ છે, સહેલામાં સહેલો મોક્ષ !

પ્રશ્નકર્તા : એ જોયા કરવાનું એટલે એની સાથે સહમત નહીં થવાનું ?

દાદાશ્રી : સહમત તો હોય જ નહીં. જોયા કરનાર સહમત તો હોય જ નહીં. આપણે આ હોળી જોઈએ તો માણસ દાઝે ?

પ્રશ્નકર્તા : ના દાઝે.

દાદાશ્રી : હોળી મોટી જબરજસ્ત કરી હોય, પણ તે આંખે જુએ તો આંખને શું ?

પ્રશ્નકર્તા : પણ દાદા, આપણાથી ડખો થયો એને આપણે જોયો, જાણ્યો, પણ આપણા આ ડખાથી સામેવાળાને દુઃખ થયું હોય તો આપણે એનું પ્રતિક્રમણ કરવું પડે ને ?

દાદાશ્રી : એ તેનું પ્રતિક્રમણ કરવું પડે. અતિક્રમણ કેમ કર્યું ? સામાને દુઃખ થાય એવું ના કરવું જોઈએ.

પ્રશ્નકર્તા : મારી દીકરી રોજ પ્રતિક્રમણ કરે છે છતાં ય એનું સુધરતું નથી.

દાદાશ્રી : એ તો બહુ માલ ભરેલો, જબરજસ્ત માલ ભરેલો. પ્રતિક્રમણ કરે એ જ પુરુષાર્થ.

પ્રશ્નકર્તા : બહુ માલ ભર્યો છે એમ કહીએ તો 'દાદા' એ બચાવ નથી થઈ જતો ?

દાદાશ્રી : ના, ના. બચાવ આમાં હોય જ નહીંને. બચાવ ના હોય. જગત આખું પ્રતિક્રમણ ના કરે. એક તો ગોદો મારે ને, પછી પાછું કહે છે કે મેં ખરું કર્યું છે. એવું કહે.

સામાની જ ભૂલ દેખાય !

પ્રશ્નકર્તા : દાદા, ઘણીવાર એવું થાય છે કે મારી ભૂલ જ નથી. કો'કવાર મારી ભૂલની મને ખબર પડે. અને ઘણીવાર મારી કંઈ ભૂલ જ થતી નથી. 'એમનો' જ વાંક છે એવું લાગે.

દાદાશ્રી : તને એવું લાગે ? પછી પ્રતિક્રમણ કરતી વખતે ?

પ્રશ્નકર્તા : પણ પછી 'એમને' જરા કઢાપો અજંપો વધારે થઈ જાય ત્યારે થાય કે હવે આપણા નિમિત્તે આવું ના થવું જોઈએ.

દાદાશ્રી : પણ મારી ભૂલ થઈ એમ કરીને પ્રતિક્રમણ કરવું પડે.

પ્રશ્નકર્તા : પણ મને મારી પોતાની ભૂલ લાગતી જ નથી. મને તો એમની જ ભૂલ લાગે.

દાદાશ્રી : ભૂલ થયા વગર કોઈને દુઃખ થાય જ નહીંને. આપણી ભૂલ થાય તો કો'કને દુઃખ થાય.

પ્રશ્નકર્તા : મને તો એવું લાગે કે એમની પ્રકૃતિ જ એવી છે તેથી આવું તમને લાગે છે.

દાદાશ્રી : એવી પ્રકૃતિ ગણાય નહીં. આ બધા લોક સારી પ્રકૃતિ છે કહે છે ને તું એકલી જ કહું છું કે ખરાબ છે. એ ય ઋણાનુબંધ છે, હિસાબ છે.

પ્રશ્નકર્તા : મને એમ થાય કે એમને કચકચ કરવાની ટેવ જ પડી ગઈ છે.

દાદાશ્રી : એથી કરીને એ તારી ભૂલ છે એમાં. ભૂલ તારી છે. આ મારાથી મારા માબાપને કેમ દુઃખ થયું ? એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. દુઃખ ના થવું જોઈએ. હવે સુખ આપવા આવી છું, એવું મનમાં હોવું જોઈએ. મારી એવી શી ભૂલ થઈ કે માબાપને દુઃખ થયું !

ત્યારે સંસાર છૂટે....

દોષો દેખાતા બંધ થાય તો સંસાર છૂટે. આપણને ગાળો ભાંડે. નુકસાન કરે, મારે તોય પણ દોષ ના દેખાય ત્યારે સંસાર છૂટે. નહીં તો, સંસાર છૂટે નહીં.

હવે બધા લોકોના દોષ દેખાતા બંધ થઈ ગયા ?

પ્રશ્નકર્તા : હા, દાદા. કોઈવાર દોષ દેખાય તો પ્રતિક્રમણ કરી લઉં.

સત્સંગથી ભંગાય ભૂલો !

આપણી ભૂલ ના ભંગાય, તો તે સત્સંગ કરેલો કામનો જ નથી. સત્સંગનો અર્થ જ ભૂલ ભાંગવી. આપણા નિમિત્તે કોઈને દુઃખ ના થવું જોઈએ. જો દુઃખ થાય તો આપણી ભૂલ છે અને ભૂલને ભાંગવી. અને જો ભૂલ ના જડતી હોય તો આપણા કર્મનો ઉદય છે માટે માફી માંગ માંગ કરવી. જો સામો સમજુ હોય તો પ્રત્યક્ષ માફી માંગવી. ને સામો અવળો ચઢી જતો હોય તો ખાનગીમાં માફી માંગ માંગ કરવી.

પ્રશ્નકર્તા : સંસારમાં ફાઈલોનો નિકાલ કરવામાં ક્યારેક એટલા અસ્તવ્યસ્ત થઈ જઈએ છીએ કે પ્રતિક્રમણ સામાયિકનો વિચાર સુદ્ધાં આવતો નથી. તે પોલ ખરી ?

દાદાશ્રી : એને પોલ ના કહેવાય. પોલ એને કહેવાય કે આપણી ઇચ્છા હોય ને ના કરીએ.

પ્રશ્નકર્તા : ભૂલો થઈ તેના ગમે ત્યારે પ્રતિક્રમણ કરવાં પડશે ને ?

દાદાશ્રી : કંઈ વાંધો નહીં. ભૂલો જાણી તો બહુ થઈ ગયું. પ્રતિક્રમણ તો કોઈને બહુ દુઃખ થયું હોય ત્યારે કરવું.

આપણો આ અક્રમ માર્ગ, તે કર્મો ખપાવ્યા વગરનો માર્ગ, એટલે આ નિર્બળતા ઊભી થયા વગર રહે નહીં. હવે જેને કોઈને, એકલી માનસિક નિર્બળતા ઊભી થાયને, તો મનનું એકલું પ્રતિક્રમણ કરવાનું. બધું લાંબુ પ્રતિક્રમણ કરવાનું રહ્યું નહીં. ને પ્રતિક્રમણ કર્યું એટલે એ ચોખ્ખું થઈ ગયું. પણ જે માલ ભરેલો છે એ નીકળ્યા વગર રહે નહીંને ! નિર્બળતા ઊભી થાય છે. છતાં મન, વચન, કાયાથી પ્રતિક્રમણ કરે એ ગુનેગાર નથી. પણ પ્રતિક્રમણ કરવાથી એ દાદાની આજ્ઞામાં જ છે. આ તો એકદમ શક્તિ ક્યાંથી લાવે ? તે અતિક્રમણ તો થાય પણ પ્રતિક્રમણ કરી લઈએ ! છતાં આપણું જ્ઞાન કેવું છે કે ગમે તેવા સંજોગોમાંથી બચી શકે ખરો ! તે એનું નામ જ્ઞાન કહેવાય. એવું છે કે આપણો આ વીતરાગ માર્ગ છે, એમાં ગમતું હોય ત્યાં સુધી અતિક્રમણ થાય. પણ ના ગમતું થયું એટલે તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખ્યું.

આજ્ઞા ચૂક્યા, કરો પ્રતિક્રમણ !

રસ્તો આ છે કે 'દાદાની આજ્ઞામાં રહેવું એવો નિશ્ચય કરીને બીજે દહાડેથી શરૂ કરી દે. અને જેટલી આજ્ઞામાં ના રહેવાય એટલાનાં પ્રતિક્રમણ કરવાનાં. અને ઘરનાં દરેક માણસને સંતોષ આપવો, સમભાવે નિકાલ કરીને. તો ય એ ઘરનાં બધાં કૂદાકૂદ કરે, તો આપણે જોઈ રહેવાનું. આપણો પાછલો હિસાબ છે તેથી કૂદાકૂદ કરે. હજુ તો આજે જ નક્કી કર્યું. એટલે ઘરનાં બધાંને પ્રેમથી જીતો. એ તો પછી પોતાને ય ખબર પડે કે હવે રાગે પડવા માંડ્યું છે. છતાં ઘરનાં માણસો અભિપ્રાય આપે ત્યારે જ માનવા જેવું. છેવટે તો એના પક્ષમાં જ હોય. ઘરનાં માણસો.

'પોતે' જજ ને 'ચંદુ' આરોપી !

જે પુદ્ગલ નીકળતું હોય તે, કો'કની જોડે વઢંવઢા કરતું હોય, મારંમાર કરતું હોય તો ય તમે તેને જોયા કરશો તો તમે તેના જોખમદાર નથી. કોઈ કહેશે કે જ્ઞાન લીધા પછી આ કેમ મારંમાર કરે છે હવે ? તો આપણે શું કહેવાનું ? જેવા ભાવે બંધ પડ્યો હતો તેવા ભાવે નિર્જરા થાય છે. તે નિર્જરાને જોયા કરો. છતાં નિર્જરામાં એક બાબત એવી હોવી જોઈએ કે કોઈની પર અતિક્રમણ ન થવું જોઈએ. અતિક્રમણ કર્યુ માટે પ્રતિક્રમણ કરો. તે પ્રતિક્રમણ ચંદુભાઈએ કરવાનું. આપણે કશું કરવાનું નહીં. જજને તો કશું કરવાનું છે નહીં. જે આરોપી છે, તેની પાસે જ કરાવવાનું. જે ખાય તે આરોપી. જે ખાય તે સંડાસ જાય. જજને તો ખાવાનું ના હોય, સંડાસ જવાનું ના હોય, જજ તો જજમેન્ટ જ આપ્યા કરે. આરોપીનો ગુનો મારો જ ગુનો છે, એવું જજ કોઈ દહાડો બોલે નહીં. આપણા મહાત્મા કોઈ દહાડો બોલી જાય તો કેવી ભૂલ થઈ ગણાય ? બહુ ઝીણી વાત છે. સૂક્ષ્મ રીતે છે.

કચરો માલ ભરેલો છે તે નિર્જરા થયા કરે. એ પછી આવક નહીં એટલે હલકા થયા કરે. પાછો સાંજે ભારે લાગે, પાછો બીજે દહાડે હલકો થાય, પાછો સાંજે ભારે લાગે, પાછો હલકો થાય. આમ કરતાં કરતાં નિર્જરા થતી, થતી, થતી, માલ ખાલી થાય.

ટાંકી ખાલી ક્યારે થઈ રહે ?

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી મોક્ષ છે ? અત્યારે મોક્ષ માટે પ્રતિક્રમણ કરવાની જરૂર ?

દાદાશ્રી : અતિક્રમણ કરે તો જ પ્રતિક્રમણ કરવાની જરૂર છે. બાકી પ્રતિક્રમણની જરૂર નથી. અતિક્રમણ કરે એવો સ્વભાવ હોય, તો જ પ્રતિક્રમણ કરવાનું. અને તેય સ્વભાવ ક્યાં સુધી રહે છે ? ગમે એટલો તોફાની માણસ હોય, તો ય અગિયાર કે ચૌદ વર્ષ સુધી એની કોઠી ભરેલી હોય છે. પછી તો એ બધું ખલાસ થઈ ગયેલું હોય છે. ભરેલી કોઠી કેટલા દહાડા ચાલે ? ટાંકી ભરેલી છે, બીજું નવું મહીં રેડીએ નહીં તો એ કેટલા દહાડા ચાલે ? પણ પ્રતિક્રમણ કરવું સારું, અતિક્રમણ થાય તો.

ડખો 'વ્યવસ્થિત' છે ?

તારે બહુ ડખો થઈ જાય છેને ?

પ્રશ્નકર્તા : કો'ક વખત થઈ જાય.

દાદાશ્રી : કો'ક વખત માણસ મરી જાય તો પછી ?

પ્રશ્નકર્તા : ડખો થઈ જાય એ વ્યવસ્થિતને આધીન હશે ને ?

દાદાશ્રી : 'થઈ ગયું' એ ભાગ વ્યવસ્થિતને આધીન, પણ થવાનું છે એ વ્યવસ્થિતને આધીન નથી. થઈ ગયું એની ચિંતા ના કરો. એનું પ્રતિક્રમણ કરો. ખોટું થાય તે અને જેણે કર્યું હોય તેને કહો કે, 'પ્રતિક્રમણ કર.' ચંદુભાઈએ કર્યું, તો ચંદુભાઈને કહીએ કે, 'તું પ્રતિક્રમણ કર.'

પ્રશ્નકર્તા : આપણે વ્યવસ્થિતને તાબે મૂકી દઈએ છીએ તો આપણે પુરુષાર્થ શું કરવાનો ?

દાદાશ્રી : પુરુષાર્થ તો આ આપણે 'ચંદુભાઈ' શું કરે છે એ જોયા કરવું. એ આપણો પુરુષાર્થ. ચંદુભાઈનું પૂતળું શું કર્યા કરે છે, આખો દહાડો એ જોયા કરવું એ પુરુષાર્થ !

તે જોયા કરતાં, કરતાં, એમ વચ્ચે એવું કરાય ખરું કે 'ભઈ કેમ ચંદુભાઈ.' 'તમે દીકરા જોડે આટલું કડક થઈ ગયા છો.' માટે તમે પ્રતિક્રમણ કરો. તમે અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. એવું વચ્ચે વચ્ચે કરાય.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ તો પાછું થઈ જાય છે.

દાદાશ્રી : પ્રતિક્રમણ થઈ જાય છે તે જ કહું છું ને. પ્રતિક્રમણ જોડે થી જ જાય છે, આપમેળે થઈ જાય છે. એટલે જોયા જ કરવાનું છે. પ્રતિક્રમણ થઈ રહ્યું છે તે જોયા કરવાનું આપણે.

'શું બન્યું', જોયા કરો !

આ ભાવકર્મ આમાં છે જ નહીં આપણે. આપણે તો ભાવકર્મથી મુક્ત થઈ ગયેલાં છીએ. ભાવકર્મ-દ્રવ્યકર્મ-નો કર્મથી મુક્ત શુદ્ધાત્મા થયેલા છીએ. એટલે તમે શુદ્ધાત્મા અને આ 'ચંદુભાઈ' બે જુદા છે. પ્રકૃતિને જોયા કરવી એનું નામ પુરુષ. પુરુષ થઈને પુરુષાર્થ કરે એ મોક્ષનો પુરુષાર્થ કહેવાય.

ગમે તેવું કાર્ય કર્યું હોય અને ફળ ભયંકર આવ્યું હોય પણ એ વ્યવસ્થિતના જ્ઞાનમાં રહેતો હોય તો પ્રતિક્રમણ કરશો નહીં.

વ્યવસ્થિતનો અર્થ શો ? 'ચંદુલાલ શું કરે છે, તેને જોયા જ કરવાનું' એ વ્યવસ્થિતનો અર્થ. બીજું 'ચંદુલાલે' કો'કનું બે લાખનું નુકસાન કર્યું તે ય જોયા કરવાનું. આપણે એમાં તન્મયાકાર નહીં થવાનું. આવું કેમ કર્યું ? એનું પ્રતિક્રમણ કરવાનું. એકચ્યુઅલી (ખરેખર) આ બધાંને ના સમજણ પડે. વ્યવસ્થિત એટલે જે છે એ જ કરેક્ટ, પણ જોયા કરે એટલે તમે છૂટાં !

પ્રતિક્રમણ કરતાં જ સામા પર અસર !

પ્રશ્નકર્તા : સંયોગોમાં તન્મયાકાર થઈ જવાય છે, ત્યાં પ્રતિક્રમણનો અવકાશ નથી રહેતો ?

દાદાશ્રી : પ્રતિક્રમણનો અવકાશ ક્યારે રહે, કે સામા સંયોગને દુઃખ થતું હોય ત્યારે આપણે કહેવું પડે કે, 'હે ચંદુભાઈ પ્રતિક્રમણ કરી લો. ભઈ વેર બાંધશે, ભાઈની જોડે અતિક્રમણ થયું લાગે છે, ભાઈનું મોઢું આપણી જોડે કડક લાગે છે તે માટે પ્રતિક્રમણ કરી લો.' ત્યારે એ કહેશે, 'એક પ્રતિક્રમણ કરું ?' ત્યારે કહીએ, 'ના, પાંચ-પચીસ, પચાસ કર, જેથી કરીને કાલે મોઢું સારું દેખાય.' આપણે પ્રતિક્રમણ કરીએ અને પેલાનું મોઢું સારું દેખાય બીજે દા'ડે. એક ફેરો કરી જોઈએ. એવું તમને અનુભવમાં આવેલું કોઈ દહાડો ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એમ ? તો આવો અનુભવ ચાખ્યા પછી આવો રહ્યો છે તું ?!!!

પ્રશ્નકર્તા : આપણે આ પ્રતિક્રમણ કરીએ છીએ એ સામી વ્યક્તિને પહોંચે ?

દાદાશ્રી : એને ખબર ના પડે. ખબર એને પડે કે ના ય પડે. અસર કરે એને. નરમ થતો જાય. આપણા તરફનો ખરાબ ભાવ નરમ થતો જાય.

અને આપણે જો મનમાં ખૂબ એની પર ચિઢાયા કરીએ તો એ બાજુ એનો વધતો જાય. પેલો ય વિચારે કે આટલા બધા મારા ભાવ કેમ ખરાબ થતા જાય છે એની પર !

પ્રશ્નકર્તા : એ ફાઈલો પાછી ચિટકે નહીં ને બીજા જન્મમાં ?

દાદાશ્રી : શું લેવા ? આપણે બીજા જન્મની શું લેવા ? અહીં ને અહીં પ્રતિક્રમણ એટલાં બધા કરી નાખીએ. નવરા પડીએ કે એને માટે પ્રતિક્રમણ કર કર કરવાં.

ઘરની ફાઈલોનાં પ્રતિક્રમણ !

હવે તારે આ પ્રતિક્રમણ થાય છે ખરાં ?

પ્રશ્નકર્તા : હા, થાય છે.

દાદાશ્રી : એમ ?!

પ્રશ્નકર્તા : આ ઘરની જ ફાઈલો મુખ્ય છે ને દાદા ?!

દાદાશ્રી : તારે ઘરની ફાઈલો કેટલી છે ?

પ્રશ્નકર્તા : આ બે જ ફાઈલો છે. સહુથી વધારે પ્રતિક્રમણ આનાં જ કરવાનાં.

દાદાશ્રી : તમે એક જ બાબો છે ને !

પ્રશ્નકર્તા : એ બાબાના જ મુખ્ય કરું છે એ, અને ફાઈલ નંબર બે. એનાં સૌથી વધારે પ્રતિક્રમણ.

દાદાશ્રી : એમ ?!

પ્રશ્નકર્તા : હા. પ્રતિક્રમણ બહુ કર્યા. એટલે બાબો તો એકદમ શાંત પડી ગયો. સાવ શાંત પડી ગયોને ! એકદમ સહકાર આપે છે.

મેં મારા ભાઈ જોડે પણ પ્રતિક્રમણ કર્યા એટલે બધાનું પરિવર્તન થયું. પ્રતિક્રમણ રોજ કરું છું.

દાદાશ્રી : પ્રતિક્રમણથી સામાની પરિણતી ફરે છે. એવું લોકોને અનુભવમાં આવ્યું. એટલે પછી છોડે નહીં ને ? 'ધીસ ઈઝ ધ કેશ(રોકડ) બેન્ક.' પ્રતિક્રમણ એ તો 'કેશ બેન્ક' કહેવાય. તરત ફળ આપનારું. તમારે પ્રતિક્રમણ બહુ કરવાં પડે છે ખરું ?

પ્રશ્નકર્તા : ખાસ તો ઘરનાંનાં જ કરવાં પડે છે.

દાદાશ્રી : પ્રતિક્રમણ કેટલાંક થાય છે ?

પ્રશ્નકર્તા : પચાસ, સો થાય. અમારા ઘરની એક બે ચીકણી ફાઈલો છે એનાં કરું છું.

પ્રતિક્રમણ 'એવું' કરો !

પ્રશ્નકર્તા : મનથી, વાણીથી, વર્તનથી જૂઠું બોલવાથી, જે બધું દુઃખ પહોંચ્યું છે, એના માટે આપની સાક્ષીએ બધા પ્રતિક્રમણ કરીએ, તો તે ધોવાઈ જાય ને ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કર્યું કહેવાય કોને ? કે તમે ઊઘાડા કરો, એમની રૂબરૂમાં કરો કે ખાનગીમાં કરો. પણ પ્રતિક્રમણ બોલે ત્યારે જાણવું કે આપણે પ્રતિક્રમણ કર્યું. હા, અમેય ખાનગીમાં પ્રતિક્રમણ કરીએ પણ એ ત્રીજે દા'ડે બોલે તો અમને માલમ પડે. તમે એવું પ્રતિક્રમણ કરો કે એમને ખબર ના પડે, છતાં એમને તમારા પર આકર્ષણ ઊભું થાય.

શુદ્ધાત્માને પહોંચે એની અસર ?

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ આપણે જે કરીએ છીએ તે પ્રતિક્રમણનું પરિણામ, આ મૂળ સિદ્ધાંત ઉપર છે કે આપણે સામાના શુદ્ધાત્માને જોઈએ છીએ તો એના પ્રત્યેના જે ભાવ છે, ખરાબ ભાવ છે, એ ઓછા થાયને ?

દાદાશ્રી : આપણા ખરાબ ભાવ તૂટી જાય. આપણા પોતાને માટે જ છે આ બધું. સામાને માટે લેવાદેવા નથી. સામાને શુદ્ધાત્મા જોવાનો એટલો જ હેતુ છે કે આપણે શુદ્ધ દશામાં, જાગૃત દશામાં છીએ.

પ્રશ્નકર્તા : તો એને આપણા પ્રત્યે ખરાબ ભાવ હોય, એ ઓછો થાય ને ?

દાદાશ્રી : ના, ઓછો ના થાય. તમે પ્રતિક્રમણ કરો તો થાય. શુદ્ધાત્મા જોવાથી ના થાય, પણ પ્રતિક્રમણ કરો તો થાય.

પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ તો તે આત્માને અસર થાય કે નહીં ?

દાદાશ્રી : થાયને, અસર થાય.

જોઈએ તો ય ફાયદો થાય. પણ એકદમ ના ફાયદો થાય. પછી ધીમે ધીમે ધીમે ! કારણ કે શુદ્ધાત્મા રીતે કોઈએ જોયું જ નથી. સારા માણસ ને ખોટા માણસ, એ રીતે જોયું છે. બાકી શુદ્ધાત્મા રીતે કોઈએ જોયું નથી.

વાઘ પણ ભૂલે હિંસકભાવ !!!

પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં છે ને કે 'તમે જો પ્રતિક્રમણ કરો, તો વાઘનું પ્રતિક્રમણ કરો તો વાઘ પણ એનો હિંસકભાવ ભૂલી જાય,' તો એ શું છે ?

દાદાશ્રી : હા, વાઘ ભૂલી જાય એટલે આપણે અહીં આગળ ભય છૂટી જાય.

પ્રશ્નકર્તા : આપણો ભય છૂટી જાય. એ બરોબર, પણ પેલા આત્માને કંઈ થાય કે નહીં ?

દાદાશ્રી : કશું ના થાય. આપણો ભય છૂટે કે એ છૂટી ગયું.

પ્રશ્નકર્તા : પણ એનો હિંસકભાવ જાય છે એમ આપે કહ્યું ને ?

દાદાશ્રી : એ હિંસકભાવ જતો રહે.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે જાય ?

દાદાશ્રી : આપણો ભય છૂટી ગયો કે હિંસકભાવ જતો રહે.

પ્રશ્નકર્તા : તો એનો અર્થ એ થયો ને, કે એનાં આત્માને અસર થઈ.

દાદાશ્રી : આત્માને અસર, સીધી આત્માને અસર તો હોય છે. આત્માને તો અસર હોય છે જ. અસર પહોંચે બધી !

જો વાઘ જોડે પ્રતિક્રમણ કરીએ, તો વાઘે ય આપણા કહ્યા પ્રમાણે કામ કરે. વાઘમાં ને મનુષ્યમાં ફેર કશો છે નહીં. ફેર તમારાં સ્પંદનનો છે. જેની એને અસર થાય છે. વાઘ હિંસક છે એવું તમારા મનમાં ધ્યાન હોય, ત્યાં સુધી એ પોતે હિંસક જ રહે. અને વાઘ શુદ્ધાત્મા છે એવું ધ્યાન રહે, તો એ શુદ્ધાત્મા જ છે, ને અહિંસક રહે. બધું થઈ શકે તેમ છે.

પહોંચે મૂળ શુદ્ધાત્માને....

એક ફેર આંબા પર વાંદરો આવ્યો હોય ને કેરીઓ તોડી નાખે, તો પરિણામ ક્યાં સુધી બગડે ? કે આ આંબો કાપી નાખ્યો હોય તો સારું. આવું કરી નાખે. હવે ભગવાનની સાક્ષીએ વાણી નીકળેલી કંઈ નકામી જતી હશે ?

આવું છે. પરિણામ ના બગડે તો કશું ય નથી. બધું શાંત થઈ જાય, બંધ થઈ જાય.

આ બધાં આપણા જ પરિણામ છે. આપણે આજથી કોઈને સ્પંદન કરવાનું, કિંચિત્માત્ર કોઈને માટે વિચાર કરવાનું બંધ કરી દો. વિચાર આવે તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવાનું. એટલે આખો દિવસ કોઈના સ્પંદન વગરનો ગયો ! એવી રીતે દિવસ જાય તો બહુ થઈ ગયું, એ જ પુરુષાર્થ છે.

આપણે તો સામાના ક્યા આત્માની વાત કરીએ છીએ ? પ્રતિક્રમણ કરીએ છીએ, તે જાણો છો ? પ્રતિષ્ઠિતને નથી કરતા, આપણે એના મૂળ શુદ્ધાત્માને કરીએ છીએ. આ તો એ શુદ્ધાત્માની હાજરીમાં આ એની જોડે થયું તે બદલ આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. એટલે એ શુદ્ધાત્માની પ્રતિ આપણે ક્ષમા માંગીએ છીએ. પછી એના પ્રતિષ્ઠિત આત્મા જોડે આપણે લેવાદેવા નથી.

અશુદ્ધ પર્યાયોનું શુદ્ધીકરણ....

આ જ્ઞાન મળ્યા પછી નવા પર્યાય અશુદ્ધ થાય નહીં, જૂના પર્યાયને શુદ્ધ કરવાના અને સમતા રાખવાની. સમતા એટલે વીતરાગતા. નવા પર્યાય બગડે નહીં, નવા પર્યાય શુદ્ધ જ રહે. જૂના પર્યાય અશુદ્ધ થતા હોય, તેનું શુદ્ધીકરણ કરવાનું. તે અમારી આજ્ઞામાં રહેવાથી તેનું શુદ્ધીકરણ થાય અને સમતામાં રહેવાનું.

પ્રશ્નકર્તા : દાદા, જ્ઞાન લીધા પહેલાંના આ ભવના જે પર્યાય બંધાઈ ગયા હોય, એનું નિરાકરણ કેવી રીતે આવે ?

દાદાશ્રી : હજુ આપણે જીવતાં છીએ, ત્યાં સુધી પશ્ચાતાપ કરીને એને ધોઈ નાખવા પણ એ અમુક જ, આખું નિરાકરણ ના થાય. પણ ઢીલું તો થઈ જ જાય. ઢીલાં થઈ જાય એટલે આવતે ભવ હાથ અડાડ્યો કે તરત ગાંઠ છૂટી જાય !

પ્રશ્નકર્તા : આપનું જ્ઞાન મળ્યા પહેલાં નર્કનું બંધ પડી ગયાં હોય તો નર્કે જવું પડે ને ?

દાદાશ્રી : એવું છે કે આ જ્ઞાન જ એવું છે કે પાપો બધાં ભસ્મીભૂત થઈ જાય છે, બંધ ઊડી જાય છે. નર્કે જનારાં હોય પણ તે પ્રતિક્રમણ કરે, જીવતા હોય ત્યાં સુધીમાં, તો તેનું ધોવાઈ જાય. પોસ્ટમાં કાગળ નાખ્યા પહેલાં તમે લખો કે ઉપરનું વાક્ય લખતાં મનનું ઠેકાણું ન હતું તો તે ઊડી જાય.

પ્રશ્નકર્તા : પ્રાયશ્ચિતથી બંધ છૂટી જાય ?

દાદાશ્રી : હા, છૂટી જાય. અમુક જ પ્રકારના બંધ છે તે કર્મો પ્રાયશ્ચિત કરવાથી ઘોડા ગાંઠમાંથી ઢીલાં થઈ જાય. આપણા પ્રતિક્રમણમાં બહુ શક્તિ છે. દાદાને હાજર રાખીને કરો તો કામ થઈ જાય.

પ્રશ્નકર્તા : જન્મથી મૃત્યુ સુધી મન-વચન-કાયા બધું નિર્જરા રૂપે છે, પણ આ નિર્જરા થતી વખતે, નવો ભાવ નાખ્યો તે અતિક્રમણ.

દાદાશ્રી : હા, એ ભાવનું શુદ્ધીકરણ કરો.

આ ન્યાય એટલે જબરજસ્ત !

કર્મના ધક્કાના અવતાર થવાના હોય તે થાય, વખતે એક-બે અવતાર. પણ તે પછી સીમંધર સ્વામી પાસે જ જવું પડશે. આ અહીં આગળ ધક્કો, હિસાબ બાંધી દીધેલો પહેલાનો, કંઈક ચીકણો થઈ ગયેલો ને તે પૂરા થઈ જશે. એમાં છૂટકો જ નહીંને ! આ તો રઘા સોનીનો કાંટો છે. ન્યયા, જબરજસ્ત ન્યાય ! ચોખ્ખો ન્યાય. પ્યોર ન્યાય ! એમાં ચાલે નહીં પોલંપોલ.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથી કર્મના ધક્કા ઓછા થાય ?

દાદાશ્રી : ઓછાં થાયને ! ને જલદી નિવેડો આવી જાય.

મૃતાત્માના પ્રતિક્રમણો ?

પ્રશ્નકર્તા : જેની ક્ષમાપના માંગવાની છે તે વ્યક્તિનો દેહવિલય થઈ ગયો હોય તો તે કેવી રીતે કરવું ?

દાદાશ્રી : દેહવિલય પામી ગયેલો હોય, તોય આપણે એનો ફોટો હોય, એનું મોઢું યાદ હોય, તો કરાય. મોઢું સ્હેજ યાદ ના હોય ને નામ ખબર હોય તો નામથી ય કરાય, તો એને પહોંચી જાય બધું.

જે વ્યક્તિ જોડે આપણાથી ગૂંચો પડી ગઈ હોય ને તે મરી ગયા હોય તો, તેને યાદ કરીને ગૂંચો ધોઈ નાખવી. જેથી ચોખ્ખું થઈ નિકાલ થઈ જાય. ને ગૂંચો ઉકલી જાય. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરીને ગૂંચો છોડી નાખવી. કારણ કે સ્મૃતિ મરેલાની ય આવે ને જીવતાની ય આવે. જેની સ્મૃતિ આવે તેનું પ્રતિક્રમણ કરવું પડે. કારણ કે આપણે જાણીએ છીએ કે ખરેખર 'એ' જીવતો જ છે, મરતો નથી. આનાથી તેના આત્માનેય હિતકર છે અને આપણે પ્રતિક્રમણ કરીએ તો, આપણે એની ગૂંચમાંથી છૂટી શકીએ.

એવું છેને આ સો રપિૂયાનાં કપ-રકાબી છે તે જ્યાં સુધી આપણો હિસાબ છે, ઋણાનુબંધ છે ત્યાં સુધી તે જીવતાં રહેશે. પણ હિસાબ પૂરો થયા પછી રકાબી ફૂટી જાય. તે ફૂટી ગયું તે વ્યવસ્થિત, ફરી સંભારવાના ના હોય. અને આ માણસો ય પ્યાલા-રકાબી જ છેને ? આ તો દેખાય છે કે મરી ગયા. પણ મરતા નથી, ફરી અહીં જ આવે છે. એટલે તો મરેલાનાં આપણે પ્રતિક્રમણ કરીએ તો તેને પહોંચે. એ જ્યાં હોય ત્યાં એને પહોંચે.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે કરવાનું ?

દાદાશ્રી : મન-વચન-કાયા, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, મરેલાનું નામ તથા તેના નામની સર્વ માયાથી નોકા એવા એના શુદ્ધાત્માને સંભારવાના ને પછી 'આવી ભૂલો કરેલી' તે યાદ કરવાની (આલોચના). તે ભૂલો માટે મને પશ્ચાતાપ થાય છે અને તેની માટે મને ક્ષમા કરો (પ્રતિક્રમણ). તેવી ભૂલો નહીં થાય એવો દ્રઢ નિશ્ચય કરું છું, એવું નક્કી કરવાનું (પ્રત્યાખ્યાન). 'આપણે પોતે ચંદુભાઈના જ્ઞાતા-દ્રષ્ટા રહીએ અને જાણીએ કે ચંદુભાઈ એ કેટલાં પ્રતિક્રમણ કર્યા, કેટલાં સુંદર કર્યા અને કેટલીવાર કર્યા.

મહાત્માને એ બધાં નિકાલી કર્મ !

પ્રશ્નકર્તા : દાદા, જ્ઞાન મળ્યા પછી પણ કોઈકવાર ખરાબ ભાવ ઉત્પન્ન થાય તો શું ? શાથી થાય એવું દાદા ?

દાદાશ્રી : એ ય કર્મ કરે છે. કર્મ કરે છે. એમાં તમે કર્તા છો નહીં. અમથા તમે કર્તા કહીને મહીં મુંઝાયા કરો છો.

પ્રશ્નકર્તા : તો એવો ખરાબ ભાવ ઉત્પન્ન થાય તો માત્ર જોયા જ કરવાનું ?

દાદાશ્રી : ખરાબ કહો છો, તે જ જોખમ છે. ખરાબ હોતું જ નથી કશું. સામાને દુઃખ થાય તો કહેવું કે 'ભઈ, કેમ ચંદુભાઈ, તમે દુઃખ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો' કહીએ. ભગવાનને ત્યાં ખરાબ-સારું છે નહીં. એ બધું સમાજને છે.

મહાત્માઓને ભાવ-અભાવ હોય છે પણ એ નિકાલીકર્મ છે ભાવકર્મ નથી. ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ ને ભાવાભાવ એ બધાં નિકાલીકર્મ છે. તેનો સમભાવે નિકાલ કરવાનો છે. આ કર્મો પ્રતિક્રમણ સહિત નિકાલ થાય. એમ ને એમ ના નિકાલ થાય.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21