ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



પ્રતિક્રમણ

૫. અક્રમવિજ્ઞાનની રીતિ

અક્રમથી નવો યથાર્થ ધર્મ !

હવે ધર્મ તો કેવો છે ? પોઝીટિવ અહંકારમાં ધર્મ આવી જાય. આ તો બધાં શાસ્ત્રો શું કહે છે, 'દયા પાળ, સત્ય પાળ, ચોરી ના કર.' અલ્યા થાય છે એવું જ ને ! એટલે આ લોકોએ પુસ્તક ઊંચા મૂકી દીધાં. લોકોએ શું કર્યું ? કે આ પુસ્તકમાં લખ્યા પ્રમાણે થતું નથી માટે આ પુસ્તક કામનાં નથી. દયા પળાતી નથી, સત્ય બોલાતું નથી. આ પુસ્તકે તો એવું જ લખ લખ કર્યું છે ને. એટલે લોકોએ અભરાઈ પર ચઢાવી દીધાં.

શાસ્ત્રોમાં શું કહે છે ? 'ચોરી ના કરશો, જૂઠું ના બોલશો, લુચ્ચાઈ ના કરશો.' તો કરીએ શું ? એ કહેને અમને પાછું. એ ના કરીએ તો શું કરીએ ? પેલો ટિકિટ ના આપતો હોય તો કાળાબજારની લેવી ના પડે ? આપણે જવું હોય તો ? હવે આ શાસ્ત્ર કહે છે, એવું કરશો નહીં. ત્યારે અમને તો સૂરસાગરમાં ડૂબવા જેવું જ થાય પછી !

જગત પરિણામ ફેરવવા માંગે છે. હવે એ પરિણામ શી રીતે ફરશે, જ્યાં બધા જ ફરી ગયા છે ! એ તો પહેલાં સેંકડે પાંચ ટકા હોય ત્યારે લોકો કહેતાં હતાં કે, 'ભાઈ, આપણે આચાર શુદ્ધ કરો, આચાર શુદ્ધ કરો.' આ તો પંચાણું ટકા આચાર બધા બગડી ગયા છે તેનું શું થાય તે ? નાદારી નીકળી છે જ્યાં આચારની, ત્યાં ! તે આપણે આ નવી શોધખોળ કરી છે ! અને તે ય ખરેખર જે 'ડિસ્ચાર્જ' છે એને 'ચાર્જ' માને છે. તે આપણે કાઢી નંખાવ્યું કે ભઈ, તમે 'ડિસ્ચાર્જ'ને 'ચાર્જ' માનીને શું અર્થ છે ? મિનીંગલેસ વાત. આચાર વચ્ચે ધર્મમાં આવતો જ નથી. જો તમે 'આચાર હું કરું છું' એમ કહેશો તો આચાર ફરી ઊભો થશે. એટલે ધર્મ ઊભો થશે. પણ શુદ્ધતા નહીં આવે. શુદ્ધતા 'ડિસ્ચાર્જ'માં નહીં આવે.

એટલે કાળને અનુરૂપ જ્ઞાન આપો ! આપણે એવી વાત કરીએ કે પહેલાં બાર આને મણ બાજરી મળતી હતી. એવી વાતો મોટું લાઉટ સ્પીકર લઈને બોલ બોલ કરીએ કે આપણા દેશમાં તો ઘણો મોલ હોય છે, બાર આને મણ બાજરી મળતી હતી. ફરી બાર આને મણ બાજરી મળશે ! ત્યારે લોક શું કહેશે અલ્યા ! એવી વાત ના કરીશ. આ કાળને અનુરૂપ વાત નથી. આ બધાં શાસ્ત્રો કાળને અનુરૂપ નથી.

માંગો પ્રતિક્રમણ કરવાની શક્તિ !

આપણે અક્રમ શું કહે છે ? એને પૂછીએ કે, 'તું બહુ દહાડાથી ચોરી કરું છું ?' ત્યારે એ કહે, 'હા.' પ્રેમથી પૂછીએ, તો બધું કહે, 'કેટલું. કેટલા વર્ષથી કરું છું ?' ત્યારે એ કહે, 'બે-એક વર્ષથી કરું છું.' પછી આપણે કહીએ, 'ચોરી કરું છું તેનો વાંધો નથી.' એને માથે હાથ ફેરવીએ. 'પણ પ્રતિક્રમણ કરજે આટલું.' શું શીખવાડીએ ?

પ્રશ્નકર્તા : આટલું પ્રતિક્રમણ કરજે.

દાદાશ્રી : ત્યારે એ કહે, 'કેવી રીતે ?' તે હું કહું 'આવી રીતે.' એ એને આશ્વાસન મળ્યું કે ઓહોહો, બધા મને તિરસ્કાર કરતા હતા. અને આ પ્રેમ દેખાડે છે.

જે પ્રતિક્રમણ કર્યું, તે ચોરી આખી ભૂંસાઈ ગઈ. અભિપ્રાય બદલાયો. આ જે કરી રહ્યો છે તેમાં પોતાનો અભિપ્રાય એક્સેપ્ટ કરતો નથી. નોટ હીઝ ઓપીનિયન ! તમને શેઠ સમજાઈ આ મારી વાત ?

એટલે હું શું કહું છું ? ભલે તેં ચોરી કરી, મને તેનો વાંધો નથી. આ ૧૫-૧૬ વર્ષનો છોકરો હોય અને બે-ચાર વખત ચોરીઓ કરી હોય, તો આપણે એને કહીએ કે 'તે ચોરી કરી તેનો વાંધો નથી, પણ હવે તું આવું કરજે એટલે જોખમદારી ના આવે.' ત્યારે કહે, 'હું શું કરું ?' દાદાનું નામ લઈ અને પછી પસ્તાવો કરજે. હવે ફરી નહીં કરું, ચોરી કરી એ ખોટું કર્યું છે. અને હવે એવું ફરી નહીં કરું એવું એને શીખવાડીએ !

એવું એને શીખવાડ્યા પછી પાછાં એનાં માબાપ શું કહે છે ? 'ફરી ચોરી કરી પાછી ?' અલ્યા ફરી ચોરી કરે તો ય પણ એવું બોલવાનું, એ બોલવાથી શું થાય છે, એ હું જાણું છું. આ છૂટકો નથી.

એટલે આ અક્રમ વિજ્ઞાન આવું શીખવાડે છે કે આ બગડી ગયું છે, તો એ સુધરવાનું નથી, પણ આ રીતે એને સુધાર.

હવે આ ક્રમિકમાર્ગમાં એવું છે નહીં સુધારવાનું. એ તો કહે, 'મારી ઠોકીને એને સુધારો', અલ્યા ના સુધરે. આ તો પ્રકૃતિ છે. કઢીમાં મીઠું વધારે પડ્યું હોય તો તે કાઢી લેવાય કોઈ પણ રસ્તે. કઢીને માટે બધા પ્રયોગો છે. પણ આનો ઉપાય આ કરવો પડે. એટલે આ ઉપાયથી ઘણા લોકોને ફાયદા થયા.

તેં ચોરી કરી તેનો વાંધો નથી. તું આમ કરે તેના કરતાં આ રીતે કરજે. તો એ જાણે કે મારો ગુનો ગણતા નથી. એનો અહંકાર ન ઘવાય. અને નહીં તો પેલો તો અહંકાર ઘવાય. મેં એટલે સુધી જોયાં છે કે જે છોકરાને મારનારો એનો બાપ હોય છે, તે પેલો છોકરો અંદરખાને ભાવ કરે છે, કે હું મોટો થઈશ ત્યારે બાપાને માર્યા વગર છોડીશ નહીં.' અલ્યા, તું આ ચોરીથી છોડાવવા ફર્યો ને ઊલટું આ વેર બાંધ્યું. ના મરાય. ખાલી અમથી બીકથી જ માણસને સુધારવો એ તો રસ્તો જ ન્હોય. બીક તો એક આંખ કોઈ દહાડો કાઢીએ તો ઠીક છે. તેય અવળા સ્વભાવનો છોકરો હોય તો ના કરાય !

આપણામાં કહેવત છે કે કાળો થઈને કોટડીમાં હાથ ઘાલે છે, ત્યારે આંખ દેખાડવી પડે. એટલે ક્યાં ક્યાં આંખ કાઢવી, ક્યાં કેવી રીતે વર્તવું, એનો વિવેક ને સદ્વિવેક કહ્યો. તે સદ્વિવેક તો છે જ નહીં અને લોકો કહે છે કે સદ્વિવેક કરો.

ન મીટે દર્દ બિન દવા...

એટલે કોઈ અમને કહે, 'મેં તો ચોરીનો ધંધો માંડ્યો છે તો હવે હું શું કરું ?' ત્યારે હું એને કહું કે, 'તું કરજે, મને વાંધો નથી. પણ એની જવાબદારી આવી આવે છે. તને જો એ જોખમદારી સહન થાય તો તું ચોરી કરજે. અમને વાંધો નથી.' તો એ કહે કે, 'સાહેબ એમાં તમે શું ઉપકાર કર્યો ?! જવાબદારી તો મારે આવવાની જ છે.' ત્યારે હું કહું કે મારા ઉપકાર તરીકે હું તને કહી દઉં કે તું 'દાદા'ના નામનું પ્રતિક્રમણ કરજે કે મહાવીર ભગવાનના નામનું પ્રતિક્રમણ કરજે કે 'હે ભગવાન, મારે આ ધંધો નથી કરવો છતાં કરવો પડે છે. તેની હું ક્ષમા માગું છું', એમ ક્ષમા માંગ માંગ કરજે અને ધંધો ય કર્યા કરજે. જાણીબૂઝીને ના કરીશ. જ્યારે તને મહીં ઇચ્છા થાય કે 'હવે ધંધો નથી કરવો' તો ત્યાર પછી તું બંધ કરી દેજે. તારી ઇચ્છા છેને, ધંધેો બંધ કરવાની ? છતાં પણ એની મેળે અંદરથી ધક્કો વાગે ને કરવો પડે, તો ભગવાનની માફી માગજે. બસ એટલું જ ! બીજું કરવાનું નથી.

ચોરને એમ ના કહેવાય કે 'કાલથી ધંધો બંધ કરી દે જે.' એમાં કશું વળે નહીં. કશું ચાલે જ નહીંને ! 'આમ છોડી દો, તેમ છોડી દો' એવું કશું કહેવાય નહીં. અમે કશું છોડવાનું કહીએ જ નહીં, આ પાંચમા આરામાં છોડવાનું કહેવા જેવું જ નથી. તેમ એમે ય કહેવા જેવું નથી કે આ ગ્રહણ કરજે. કારણ કે છોડ્યું છૂટે એવું નથી. હા. નહીં તો પછી બૂમ પાડે કે 'કરવું છે, પણ થતું નથી, ઉપવાસ કરવો છે, પણ થતો નથી.' અલ્યા, આવું શું કરવા ગા ગા કરે છે ? એનાં કરતાં ભગવાનની માફી માગને ! 'હે ભગવાન ઉપવાસ તો કરવો હતો, પણ થતો નથી. એની માફી માગું છું.' પણ આ તો 'થતું નથી, થતું નથી' આવું ગાયા કરે છે. 'થતું નથી, થતું નથી.' એવું બોલાય જ નહીં. એવો કંઈ કાયદો છે કે તમારે એવું બોલવું જોઈએ ? એ અહંકાર છે એક જાતનો. ના થતું હોય તો તમારે એમ ગા ગા કરવાની જરૂર નથી. પણ શા હારુ ગાય છે ? એનો અહંકાર બતાવે છે.

આ વિજ્ઞાન તદ્દન અજાણ્યું લાગે છે લોકોને. સાંભળેલું નહીં, જોયેલું નહીં, જાણેલું નહીં ! અત્યાર સુધી તો લોકોએ શું કહ્યું ? કે 'આ ખોટાં કર્મ છોડો અને સારાં કર્મ કરો.' તેમાં છોડવાની શક્તિ નથી. અને બાંધવાની શક્તિ નથી ને અમથા ગા ગા કર્યા કરે છે કે, 'તમે કરો' ત્યારે પેલો કહે છે કે, 'મારે થતું નથી, મારે સત્ય બોલવું છે પણ થતું નથી.' ત્યારે અમે નવું વિજ્ઞાન કાઢ્યું. 'ભઈ, અસત્ય બોલવાનો વાંધો નથીને, તને ? એ તો ફાવશેને ? હવે અસત્ય બોલીશ તો તું આવું કરજે, એનું પછી આવી રીતે પ્રતિક્રમણ કરજે.' તું ચોરી કરે તો તેનો અમને વાંધો નથી, પણ એનું પ્રતિક્રમણ કરજે.' અને પેલા લોકો કહે છે, 'ના, ચોરી બંધ કરી દે.' શી રીતે બંધ થાય આ ?! બંધકોશ થઈ ગયો હોય તેને જુલાબ કરવો હોય તો દવા આપવી પડે, જેને ઝાડા થઈ ગયા હોય તેને બંધ કરવું હોય તો દવા આપવી પડે ! આ તે એમ ને એમ કંઈ ચાલે એવું છે જગત ?!

બાપ જાણે કે 'આ છોકરો ચોરી કરી રહ્યો છે તે બંધ કરવી હોય તો કરી શકાય. એ બંધ કરે તો થઈ જાય.' લેને, તું તારા જ બંધ કરને ! તારા જે દોષો હોય તે બંધ કર.' તે ગુરુમહારાજે ય એવું કહે, 'આ છોડી દો, આ છોડી દો.' મહારાજ છીંકણી છોડી દોને ! અને આ ક્રોધ તમારો છોડી દોને ! તે તમારાં ક્રોધને છોડી દોને ! 'આપણે' 'ચંદુલાલને' ના કહીએ કે ક્રોધને તું છોડી દે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : ના છોડી દે, તો પ્રતિક્રમણ કરવાં પડે. શું કરવું પડે ?

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ, દાદા.

દાદાશ્રી : કેટલાં પ્રતિક્રમણ કરવાં પડે, રોજ એક હજાર કરવાં પડે.

પ્રશ્નકર્તા : એટલે આ પ્રતિક્રમણથી તો ભાવ આખો બદલાઈ જાય.

દાદાશ્રી : ભાવ જ બદલાઈ જાય. આખો રોડ જ બદલાઈ જાય. અને મારી ઠોકીને છોકરાં સુધારશો તો એમાં કશું વળે નહીં. એ ઊંધો જ રસ્તો છે.

પ્રશ્નકર્તા : હવે અણસમજુ માણસો છે એ એવી દલીલ કરે છે કે દાદા તો એમ કહે છે કે તું ચોરી કરજે.

દાદાશ્રી : હા, એવી દલીલ કરે. એને સમજણ પડે નહીંને ! એને જ્યારે સમજાય ત્યારે આ કામ લાગે. એને ના સમજાય ત્યારે એ શું કરે ? કારણ કે આ સમજવું બહુ મુશ્કેલ વસ્તુ છે. આ સમજવું એ તો બહુ તીક્ષ્ણ બુદ્ધિ હોય તો સમજાય.

પ્રશ્નકર્તા : તમે ચોરને એમ કહો છો કે ચોરી કરજે, પણ આટલું રાખજે કે આ ખોટું કરું છું. મનમાં એનો પસ્તાવો રાખજે. પ્રતિક્રમણ કરજે. એ એટલું કામ કરે છે'.

દાદાશ્રી : એ જબરજસ્ત કામ કરે.

પ્રશ્નકર્તા : તે છેવટે એમ થાય કે હવે મારે આ નથી કરવું.

દાદાશ્રી : આ ગમ્મે તે શિક્ષા-દંડ એ બધું કામ નથી કરતું. પણ આ એક એવું છે, અક્રમ વિજ્ઞાનની રીત - એ બહુ જુદી જાતની છે.

વર્લ્ડના તમામ 'રીલેટિવ' ધર્મો દેહાધ્યાસી !

તેથી અમે કહીએ છીએ ને કે જગતના તમામ ધર્મો, બધા ય દેહાધ્યાસી માર્ગ છે. દેહાધ્યાસ વધારનાર અને આપણો દેહાધ્યાસ રહિત માર્ગ છે. બધા ય ધર્મો કહે છે કે 'તમે તપના કર્તા છો, ત્યાગના કર્તા છો. તમે જ ત્યાગ કરો છો તમે ત્યાગ કરતાં નથી.' 'કરતાં નથી' કહેવું એય કરે છે કહ્યા બરાબર છે. એમ કર્તાપણું સ્વીકારે છે અને કહેશે મારે ત્યાગ થતો નથી એય કર્તાપણું છે. હા. અને કર્તાપણું સ્વીકારે છે એ બધો દેહાધ્યાસી માર્ગ છે. આપણે કર્તાપણું સ્વીકારતા જ નથી. આપણા પુસ્તકમાં કોઈ જ્ગયાએ 'આમ કરો' એવું ના લખેલું હોય.

આ તો કોઈ સામા થતા નથી, સામા થાય તો આપણને એના હિસાબ જડે. કે ભઈ, આ વર્લ્ડમાં કોઈ માણસ સંડાસ જવાની શક્તિ ધરાવતો નથી. તો સામો થાય તો આપણે એને સમજણ પાડીએ કે 'કેવી રીતે આમ છે, તો વગર કામના એની પાછળ શું કામ પડ્યા છો ?' તે આ હું કરું, આમ તપ કરું, આ ત્યાગ કરું એટલે લોકોને ઊંધે રસ્તે ચઢાવો છો. હું ત્યાગ કરું ને તમે ત્યાગ કરો ને બટાકા છોડો. અરે, શું કરવા વગર કામના લોકોની પાછળ પડ્યા છો. એટલે કરવાનું રહી ગયું અને ના કરવાનું કરાવડાવે છે. ના કરવાનું થતું નથી પાછું. થાય પણ નહીં અને વગર કામનો મહીં વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી (શક્તિ ને સમયનો વ્યય). કરવાનું શું છે એ જુદી વસ્તુ કરવાની છે. જે કરવાનું છે એ તો તમારે શક્તિ માગવાની છે. અને પહેલાં જે શક્તિ માગેલી છે તે અત્યારે થઈ રહ્યું છે.

પ્રશ્નકર્તા : પહેલાંનું તો ઈફેક્ટમાં જ આવેલું છે.

દાદાશ્રી : હા. ઈફેક્ટમાં આવ્યું. એટલે કોઝીઝ રૂપે તમારે શક્તિ માગવાની છે. અમે પેલી નવ કલમો જેમ શક્તિ માગવાની કહી છે, એવી સો-બસ્સો કલમો લખીએ તો બધું આખું શાસ્ત્ર આવી જાય એમાં. એટલું જ કરવાનું. દુનિયામાં કરવાનું કેટલું ? આટલું જ. શક્તિ માગવાની, કર્તા ભાવે કરવું હોય તો.

પ્રશ્નકર્તા : તો શક્તિ માગવાની વાત.

દાદાશ્રી : હા, કારણ કે બધાં કંઈ મોક્ષે ઓછાં જાય છે ?! પણ કર્તા ભાવે કરવું હોય તો આટલું કરો. શક્તિ માગો. શક્તિ માંગવાનું કર્તાભાવે કરો, એમ કહીએ છીએ.

પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન ન લીધું હોય એના માટેની આ વાત છે ?

દાદાશ્રી : હા, જ્ઞાન ના લીધું હોય. જગતના લોકો માટે છે. બાકી અત્યારે જે રસ્તે લોકો ચાલી રહ્યા છે ને, એ તદ્દન ઊંધો રસ્તો છે. તે એનું હિત કોઈ પણ માણસ સહેજે પામે નહીં.

પ્રશ્નકર્તા : મેં વાત કરેલી કે માણસો લોજીક નથી સમજતા કે આ આટલું સરસ દાદાનું લોજીક છે. એની પણ સમજવાની તૈયારી નથી.

દાદાશ્રી : તે જ કહું છું. સમજવાની તૈયારી નથી. લોકો આ બાજુ ઊંડા ઉતરવા માગતા જ નથી. કંઈક આ નવી જાતનું છે ને ઊંધું જ છે આ. એવો એમને ભય લાગી ગયો.

પ્રશ્નકર્તા : દુનિયા ચાલી છે એનાં કરતાં આ કંઈ જુદું છે એટલે ખોટું છે એવું માને.

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : અને બીજું શું કે મેં આખી જિંદગી જે કર્યું એ છોડી દઉં ?

દાદાશ્રી : હા, એ મારું કરેલું નકામું જશે ?! આ બીક કાઢી નાખવી પડશેને.

પ્રશ્નકર્તા : મુખ્ય વાત તો ત્યાં છે !

દાદાશ્રી : ત્યારે એ કહેશે. 'બહુ યે દુઃખ છે પણ હવે જે છે એ ચલાવી લો.' ત્યારે મેં કહ્યું, અરે પણ તમે ચલાવી લો પણ તમારા શિષ્યોને તો પાછા ફરવા દો. ત્યારે એ કહે છે, ના. તો અમે એકલા શું કરીએ !! એટલે આવું છે.

આ મિથ્યાત્વનો રોગ ફેલાવ્યા, તે ય કુદરતે જ ફેલાવ્યો છે. અને આ ફેરવી નાખશે, તેમાં ય કુદરત જ છે. આપણે તો આમાં નિમિત્ત છીએ.

અલ્યા, જૂનામાં સાર નહોતો કોઈ જગ્યાએ ત્યારે તો આ નવો નીકળ્યો. અસારને જ સાર માનવામાં આવ્યો'તો.

તેથી કૃપાળુદેવે કહ્યું સર્વસ્વ લૂંટાવા જેવો યોગ કર્યો છે મેં, સર્વસ્વ લૂંટાવા જેવો યોગ આવ્યો છે.

મારાથી થતું નથી એમ ના બોલાય ?

આ તો ચોપડીઓમાં બધો વ્યવહાર જ દેખાડેલો છેને ! 'આમ કરો, તેમ કરો, દયા રાખો, શાંતિ રાખો, સમતા રાખો.' એ સિવાય બીજું શું કરે તે ? અને જેમાં પાછું પોતાની સત્તામાં કશું ય નથી. તમારી સત્તામાં કશું ના હોય અને નવું કહે કે 'આ કરો, આ કરો' એનો અર્થ શું થાય ?

પ્રશ્નકર્તા : ગોટાળો થઈ જાય.

દાદાશ્રી : ગોટાળો જ થઈ ગયો છેને ! લોક જાણે કે 'આ તો આપણાથી થતું જ નથી.' એવું પછી પાછો માની લે. ગોટાળો થતો હોય તો સારો. પણ 'થતું નથી' એવું માની લે. એટલે પેલો ન્યૂટ્રલ થતો જાય. મેલ-ફીમેલમાંથી ન્યૂટ્રલ થતો જાય. 'મારાથી થતું નથી, આમ થતું નથી, કરવું છે પણ થતું નથી.' અલ્યા કોણે શીખવાડ્યું તને ? ના બોલીશ આવી વાતો !! બોલે ખરાં આવું ?

પ્રશ્નકર્તા : હા બોલે છે.

દાદાશ્રી : કારણ કે આજના ઉપદેશકોએ એવું ઠસાવી દીધું છે કે આ કરો જ. ભગવાન આવું ના બોલે. મહાવીર ભગવાન આવું બોલતા હશે ? આખું આવડું મોટું શાસ્ત્ર મોઢે બોલ્યા, તે ભગવાન આવું બોલે ? પણ આજના ઉપદેશકો આવું બોલે. 'બ્રહ્મચર્ય પાળો.' અલ્યા તારાથી પાળી શકાય છે ? તે મને શું કરવા કહે છે ? એક યથાર્થ સાધુ હોય. તે પાળી શકે અને બીજા ગો-પુત્ર પાળી શકે. શું હસ્યા ? બે જણ બ્રહ્મચર્ય પાળી શકે. યથાર્થ સાધુહોય એ પાળે. એ યથાર્થ બ્રહ્મચર્ય કહેવાય અને આ ગોપુત્ર પાળે એ પરવશ બ્રહ્મચર્ય કહેવાય.

પ્રશ્નકર્તા : એ ય ઘણાખરા સાફ થવા માંડ્યા છે. કતલખાનામાં મોકલી દે છે.

દાદાશ્રી : આ જાનવરો એવાં પાક્યા છે. મારે જાનવર કહેવા પડે છે. નિર્દોષ જાણું છું છતાં ય જાનવર કહેવા પડે છે. કોઈ દોષિત છે નહીં બિચારાં. મારા જ્ઞાનમાં તો નિર્દોષ છે. છતાં ય પણ આ વ્યવહારમાં તો કહેવું પડે ને માટે. હકીકત જડે નહીં ને ! ના કહેવાય આવું.

આ લોકોને તો 'ચોરી ના કરો, લુચ્ચાઈ ના કરો, જૂઠ ના બોલો.' એવું ના બોલાય ! આવું બોલાતું હશે. નોંધારું વાક્ય ? એવાં વાક્યો બોલો છો ? આખું હિન્દુસ્તાનને પાયમાલ કરી નાખ્યું. છેલ્લી કોટી ઉપર બેસાડી દીધું !!

'કરવું છે પણ થતું નથી' ઉદય વાંકા આવ્યા હોય તો શું થાય ? ભગવાને તો એવું કહ્યું'તું કે ઉદય સ્વરૂપમાં રહી અને આ જાણો. કરવાનું ના કહ્યું'તું. તે આ જાણો એટલું જ કહ્યું'તું. તેને બદલે 'આ કર્યું, પણ થતું નથી. કરીએ છીએ પણ થતું નથી. ઘણું યે ઈચ્છા છે પણ થતું નથી' કહે છે. અલ્યા, પણ તેને શું ગા ગા કરે છે, અમથો વગર કામનો. 'મારે થતું નથી, થતું નથી.' એવું ચિંતવન કરવાથી આત્મા કેવો થઈ જાય ? પથ્થર થઈ જાય. અને આ તો ક્રિયા જ કરવા જાય છે, અને જોડે થતું નથી, થતું નથી, થતું નથી બોલે છે. એવું કેટલા જૈનો બોલતા હશે ?

પ્રશ્નકર્તા : બધા જ, લગભગ બધા.

દાદાશ્રી : એ જે 'થતું નથી' કરે, એટલે આત્મા જેવો ચિંતવે એવો થઈ જાય. એટલે થતું નથી, થતું નથી, થતું નથી બોલે એટલે પછી ઝાડ જેવો થઈ જાય. એટલે આ આમને આવું બોલી બોલીને ઝાડ જેવા થવું પડશે. પણ એમને એની જવાબદારીની ખબર નથી. એટલે બિચારા બોલે છે. હું ના કહું છું કે ના બોલાય, અલ્યા, 'થતું નથી' એવું તો બોલાય જ નહીં. તું તો અનંત શક્તિવાળો છે, આપણે સમજણ પાડીએ ત્યારે તો 'હું અનંત શક્તિવાળો છું' બોલે છે. નહીં તો અત્યાર સુધી થતું નથી, એવું બોલતો હતો ! શું અનંત શક્તિ કંઈ જતી રહી છે !

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : આ તો શું કહે છે ? 'શક્તિ આપો' 'આવું કરો' એમ ના કહે. જે 'કરો' એમ કહે છેને, એણે રખડાવી માર્યા આ જગતમાં. 'આમ કરજો, તેમ કરજો.' તે 'કરો' એમ કહે છેને, એમણે રખડાવી માર્યા છે. આમાં 'કરો' એમ શબ્દ છે ?

પ્રશ્નકર્તા : નથી. 'શક્તિ આપો' એમ છે.

દાદાશ્રી : આ તો 'કરો, કરો' કહેશે. અલ્યા શું કરો ? તેં ય કર્યું ને અમે ય કર્યું. કશું વળ્યું નહીં અને અહીં તો હે દાદા ભગવાન, શક્તિ આપો ! બસ !

આટલા કરોડો વર્ષથી, અબજો વર્ષથી, આ હિન્દુસ્તાનનો દેશ આટલો અધ્યાત્મવાણી લોક ગા-ગા કરે છે. પણ અધ્યાત્મવાણી કોનું નામ કહેવાય ?

આ તો 'થઈ ગયેલા' ને 'મેં કર્યું' કહે છે. જે ઈટ હેપન્સ છે.

પ્રશ્નકર્તા : આ આર્તધ્યાન અત્યારે વધારે લોકોમાં શાને કારણે થાય છે ?

દાદાશ્રી : આ બધું દુઃખ જ આને કારણે થયાં. બધાં દુઃખ આને કારણે ઊભાં રહ્યાં છે. જો એમ બહાર પાડવામાં આવે કે આટલો ભાગ 'ઈટ હેપન્સ' છે. અને આટલા ભાગ પર તમારી સહી થશે. તો ઘણાં દુઃખો ઓછાં થઈ જાય.

હવે આની પર તમારે શું કરવાનું ? ત્યારે કહે ખરાબ થાય તો સુધારીને કરજો. ભાવથી સુધારજો. અવળું થાય તો પંપીગ કરજો. હેલ્પિંગ કરજો. બસ આટલું જ કરવાનું છે. ખરાબ થાય તો સુધારજો.

એટલે થઈ જાય છે, મેં એકદમ કો'કનું અપમાન કર્યું. એ થઈ ગયું કહેવાય. અને પછી હું અંદર સુધારું કે ભઈ, એ ખોટું થયું, એની પર પશ્ચાત્તાપ કરું, એનાં પ્રતિક્રમણ કરું, પ્રત્યાખ્યાન કરું, એ સુધાર્યું કહેવાય. એને ભ્રાંતપુરુષાર્થ કહેવાય.

સાચો પુરુષાર્થ ત હોતો જ નથી જગતમાં પણ ભ્રાંત પુરુષાર્થ કહેવાય એને. પોતે ખોટું કર્યુ એને પોતે જ એને 'ખોટું થયું છે' એમ સ્વીકાર કરી અને પોતે આ રીતે એનો પશ્ચાત્તાપ કરે છે.

બાકી સત્ધર્મને તો જગત 'ટચ' નથી થયું કોઈ દહાડો ય, એક આંકડોય સત્ધર્મનો સમજ્યા નથી. આ જે બને છે એ જ કરેક્ટ છે.

એ તો કહે છે, 'મારું માનતા નથી' અરે શાનો માને ? કોઈ માનતો હશે. કોઈ કોઈનું માનતો હશે ?

પેલો કરીને આવેલો હોય, તમે કરીને આવેલા હો. તમે આમ બોલો, તે પેલો એ પ્રમાણે કરે. આ તો હું કહું છુંને, ને પેલો માને છે, એવું એડજસ્ટ થાય છે. બાકી ખરેખર તેય મારું માનતો નથી, કોઈ દહાડોય. આ તો થઈ ગયેલી વસ્તુ છે. આ તો નાટકમાં થઈ ગયેલી છે. એ રીહર્સલ થઈ ગયેલું છે એમાં, તેથી અમે 'વ્યવસ્થિત' કહીએ છીએને ? એનું શું કારણ ? થઈ ગયેલું છે. એને શું જુઓ છો ? જે થઈ ગયેલું છે, એને વ્યવસ્થિત કહીએ છીએ.

એ તો સમજવાનું છે એમાં. લોકો ધર્મ-ધર્મ બોલ્યા કરે છે. બધા ય સારા માણસો, એ મોટા માણસો છે, એમાં આપણે ના કહેવાય નહીં. પણ ધર્મ કોને કહો છો ? સત્ધર્મ કોને કહો છો ? આ તો બધાયે ગાયું જ છે, આનું આ જ ગાયા કરે છે ને, કોઈએ નવું ગાયું ? કંઈ ફાયદો-બાયદો ના થવો જોઈએ ? કંઈ ફેરફાર ના થવો જોઈએ ? આ તો કરીને આવ્યા છે, દળેલું દળ-દળ કરે છે ને, વચ્ચે લોટ ઊડાડી મેલે છે !!!

કારણ કે માણસ કરી શકે એમ નથી. માણસનો સ્વભાવ કશું કરી શકે નહીં. કરનાર પરસત્તા છે. આ જીવો માત્ર જાણનાર જ છે. એટલે તમારે જાણ્યા કરવાનું અને તમારું આ જાણશો એટલે જે ખોટાં પર જે શ્રદ્ધા બેઠી હતી તે ઊડી જશે. અને તમારા અભિપ્રાયમાં ફેરફાર થશે. શું ફેરફાર થશે ? 'જૂઠું બોલવું એ સારું છે', એ અભિપ્રાય ઊડી જશે. એ અભિપ્રાય ઊડ્યો એના જેવો કોઈ પુરુષાર્થ નથી. આ દુનિયામાં આ વાત ઝીણી છે, પણ બહુ બહુ વિચાર માગી લે.

પ્રશ્નકર્તા : ના, પણ વાત લોજીકલ છે આખી.

દાદાશ્રી : હા. લોજીકલ છે આ. બહુ વિચારવા જેવું છે અને આપણા લોક પછી શું કહે છે ? જાણીએ છીએ ખરું. પણ કંઈ થતું નથી થતું નથી એટલે શું થાય એનું ? એણે શું કહ્યું ?

પ્રશ્નકર્તા : કંઈ થતું નથી.

દાદાશ્રી : આ જે 'કાંઈ થતું નથી' એ મોટામાં મોટી જોખમદારી છે. શી જોખમદારી ? ત્યારે કહે, ભ્રાંતિમાં ય પણ અંદર આત્મા હોવાથી જેવું બોલે તેવું થઈ જાય, જેવું ચિંતવે તેવો થઈ જાય. એટલે 'કંઈ થતું નથી, કંઈ થતું નથી.' એટલે કાં તો જાનવરનો અવતાર, કાં તો પથ્થરનો અવતાર આવે, જે કંઈ ન કરી શકે એવો. એટલે ખબર નથી આ જવાબદારીઓ. 'કાંઈ નથી થતું' એવું લોકો કહે છે તે સાંભળવામાં આવેલું ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ ના બોલાય એવું. 'કંઈ થતું નથી' એવું નહીં. કરવાનું જ નથી બા. સંડાસ જવાનું ય પરસત્તાના હાથમાં છે તો કરવાનું તમારા હાથમાં શી રીતે હોઈ શકે ? કોઈ માણસ એવો જન્મ્યો નથી કે જેના હાથમાં સ્હેજ પણ કરવાની સત્તા હોય. તમારે જાણવાનું છે અને નિશ્ચય કરવાનો છે એટલું જ કરવાનું છે તમારે. આ વાત સમજાય તો કામ નીકળી જશે. હજુ એટલી બધી સહેલી નથી સમજાય એવી.

તમને આમાં સમજાય ? કશું કરવા કરતાં જાણવું સારું ? કરવું તરત બની શકે છે ?

પ્રશ્નકર્તા : આપ કહો છો એ સમજાઈ ગયું. વાત બરાબર છે પણ આમ કરવું એ સમજ્યા પછી પણ કરવાનું તો રહે જ ને ? જેમ કરવાની સત્તા નથી તેમ જાણવાની પણ સત્તા તો નથી જ ને ?

દાદાશ્રી : ના, જાણવાની સત્તા છે. કરવાની સત્તા નથી. આ બહુ ઝીણી વાત છે. આ આટલી જો વાત સમજણ પડે તો બહુ થઈ ગયું.

બદલો અભિપ્રાયને !

એક છોકરો ચોર થઈ ગયો છે. એ ચોરી કરે છે. લાગ આવે તે ઘડીએ કાઢે. ઘેર ગેસ્ટ આવ્યા હોય તેને ય ના છોડે. અરે, ઘણા ગેસ્ટને તો પાછું જવાનું ભાડું ખલાસ થઈ ગયું હોય, તો ય છોકરો એના પૈસા કાઢી નાખે તો પેલો શું કરે બિચારો ? શી રીતે પાછા માંગે ? અને ઘરમાં કહેવાય નહીં. જ્યાંથી લીધા ત્યાં કારણ કે એવું કહે તો છોકરાને ઘરવાળાં મારે એટલે બીજી જગ્યાએથી ઊછીના લઈને પણ ઘેર ગયેલા. શું થાય ? પેલો છોકરો ખાલી જ કરી નાખેને !

હવે એ છોકરાને શું શીખવાડીએ આપણે ? કે તું દાદા ભગવાન પાસે ચોરી ન કરવાની શક્તિ માંગ, આ ભવમાં.

હવે એમાં શું લાભ થયો એને ? કોઈ કહેશે, 'આમાં શું શીખવાડ્યું ?' એ તો શક્તિઓ માંગ માંગ કર્યા કરે છે. અને પાછો ચોરી તો કરે છે. અરે. છો ને, ચોરી કરતો. આ શક્તિઓ માંગ માંગ કરે છે કે નથી કરતો ? હા શક્તિઓ તો માંગ માંગ કરે છે. તો અમે જાણીએ કે આ દવા શું કામ કરી રહી છે. તમને શું ખબર પડે કે દવા શું કામ કરી રહી છે. !

પ્રશ્નકર્તા : ખરું એ જાણતા નથી કે દવા શું કામ કરી રહી છે. એટલે માગવાથી લાભ થાય છે કે નહીં એ પણ નથી સમજતા.

દાદાશ્રી : એટલે આનો શો ભાવાર્થ છે ? કે એક તો એ છોકરો માંગે છે કે મને ચોરી ન કરવાની શક્તિ આપો. એટલે એક તો એણે એનો અભિપ્રાય બદલી નાખ્યો. 'ચોરી કરવી એ ખોટી છે, અને ચોરી ન કરવી એ સારી છે.' એવી શક્તિઓ માગે છે માટે ચોરી ન કરવી એ અભિપ્રાય ઉપર આવ્યો. મોટામાં મોટું આ અભિપ્રાય બદલાયો !

અને અભિપ્રાય બદલાયો એટલે ત્યાંથી આ ગુનેગાર થતો અટક્યો.

પછી બીજું શું થયું ? ભગવાન પાસે શક્તિ માગે છે એટલે એની પરમ વિનયતા ઉત્પન્ન થઈ. હે ભગવાન શક્તિ આપો. એટલે તરત શક્તિ આપે એ. છૂટકો જ નહીં ને ! બધાને આપે. માગનાર જોઈએ. તેથી કહું છું ને માગતાં ભૂલો. આ તમે તો કશું માગતા જ નથી. કોઈ દહાડો નથી માંગતા.

આ વાત તમને સમજાઈ, શક્તિ માગો એ ?

પ્રશ્નકર્તા : આ તો બહુ વૈજ્ઞાનિક ખુલાસો છે. અભિપ્રાય બદલાયો અને સાચું માગ્યું.

દાદાશ્રી : અને શક્તિ આપો એમ કહે છે. 'આપો' કહેલું એ તો કંઈ જેવી તેવી વાત છે ? ભગવાન ખુશ થઈને કહે છે. 'લે.'

અને બીજું એનો અભિપ્રાય તો બદલાઈ ગયો છે. બાકી એને મારી મારીને, મારી ઠોકીને અભિપ્રાય બદલાય નહીં. એ તો અભિપ્રાય મજબૂત કરી આપે. ચોરી કરવી જ જોઈએ. અલ્યા, મારી ઠોકીને દવા ના થાય આવી, દવા માટે તો દાદા પાસે તેડી જા. ખોળામાં બેસાડીને ડાહ્યો કરી દેશે. દવાના જાણકાર જોઈએ ને !

અભિપ્રાય બદલવો એ કંઈ સહેલી વાત નથી. આવી ગુપ્ત રીતે બદલાય. એમ ને એમ આપણે કહીએ કે ચોરી નહીં કરવી એ સારી છે. ચોરી કરવી એ ખોટી છે. તો મનમાં સમજી જાય કે આ વગર કામનું કરીએ છીએ ને ના કરવાનું બોલે છે. તે રસ્તે ન ચઢે. અને અમારી આ વૈજ્ઞાનિક શોધખોળ છે બધી.

મોટામાં મોટો અભિપ્રાય પોતાનો બદલાયો, પણ કહે છે, એ અભિપ્રાય તો મારો થઈ ગયો, પણ હવે ભગવાન મને શક્તિ આપો. હવે મને તમારી શક્તિની જ જરૂર. મારો અભિપ્રાય તો બદલાઈ ગયો છે.

પ્રશ્નકર્તા : અને વધુ તો દેનારો બેઠો છે. એટલે માગવા જેવું છે.

દાદાશ્રી : હા. માગો એ આપવા તૈયાર છું.

એક કલાકમાં મારા જેવો બનાવું. એવી મેં આ ગેરન્ટી આપી છે. બધું બોલ્યો છું. નથી આપી એવી ગેરન્ટી ? કેટલાય વર્ષથી આ ગેરન્ટી આપું છું. 'મારા જેવો એક કલાકમાં બનાવી દઉં. તમારી તૈયારી જોઈએ.'

જ્ઞાની પુરુષ બધી દવા બતાવી દે, રોગનું નિદાને ય કરી આપે ને દવા ય બતાડી આપે. આપણે ફક્ત પૂછી લેવાનું કે, 'સાચી વાત શું છે, અને મને તો આમ સમજાયું છે.' એટલે તરત બતાડે ને, તે 'બટન' દબાવવાનું એટલે ચાલુ થઈ જાય.

પ્રશ્નકર્તા : ભૂલનો ખ્યાલ આવે ત્યારે પ્રતિક્રમણ વિધિ કરવી કે નહીં ?

દાદાશ્રી : કશો વાંધો નહીં. બહુ બેફામ થઈ જાય તો, 'દાદા માફી માગું છું અને ફરી મને શક્તિ આપો. દાદાની પાસે માફી માંગવી જોડે જોડે જે વસ્તુની માફી માંગીએ તે વસ્તુમાં મને શક્તિ આપો, દાદા શક્તિ આપો. શક્તિ માંગીને લેજો, તમારી પોતાની વપરાશો નહીં. નહીં તો તમારી પાસે ખલાસ થઈ જશે. અને માંગીને વાપરશો તો ખલાસ નહીં થાય ને વધશે, તમારી દુકાનમાં કેટલો માલ હોય ?

હરેક બાબતમાં દાદા, મને શક્તિ આપો. હરેક બાબતમાં શક્તિ માંગ માંગ કરીને જ લેવી. પ્રતિક્રમણ ચૂકી જવાય તો પ્રતિક્રમણ મને પદ્ધતિસરનું કરવાની શક્તિ આપો. બધી શક્તિ માંગીને લેવી. અમારી પાસે તો તમે માંગતા ભૂલો એટલી શક્તિ છે.

શક્તિ માંગી સાધો કામ !

મેં નવ કલમો આપી, એક ભાઈને મેં કહ્યું કે આમાં બધું આવી ગયું. આમાં કશું બાકી રાખ્યું નથી તમે આ નવ કલમો રોજ વાંચજો !' પછી એ કહે છે, 'પણ આ થાય નહીં.' મેં કહ્યું, 'હું કરવાનું નથી કહેતો બળ્યું. થાય નહીં એવું ક્યાં કહો છો ? હું તમને આ કરવાનું નથી કહેતો. તમારે તો એટલું કહેવાનું, 'હે દાદા ભગવાન, મને શક્તિ આપો.' એટલું કહું છું, માંગવાનું કહું છું.' ત્યાર કહે આ તો મજા આવશે. તો તો મજા આવશે ! આ લોકોએ તો કરવાનું શીખવાડ્યું છે.

'હે દાદા ભગવાન ! મને કોઈ પણ ધર્મનું કિંચિત્માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.

મને કોઈ પણ ધર્મનું કિચિંત્માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો.'

કોઈ પણ ધર્મ એટલે ક્રિશ્ચિયન એવું બધું ધર્મ ના કહેવાય. પણ ધર્મ એટલે તો ત્રણ જણ જે દંડૂકો હલાવતા હોય, ત્રણ જણ ભેગા થવું એનું નામ ગચ્છ કહેવાય, ત્રણ સાધુઓ ભેગા થઈને બેસે, અને પેલાએ ઘાલી થાંભલી, અને બેઠા એટલે ગચ્છ ચાલુ થઈ ગયું. એકલાને માટે ભગવાને ગચ્છ ના પાડી છે. તેથી કૃપાળુદેવે કહ્યું કે ગચ્છ-મતની જે કલ્પના તે નહીં સદ્વ્યવહાર.

એટલે આ બધું જ છે તે ફરી કન્સ્ટ્રક્શન કરવાનું છે. આખી બધી ભીંતો-ફાઉન્ડેશન બધું કાઢીને ફરી કન્સ્ટ્રક્શન કરવા માટે જ આ બધાં મટેરીયલ આવી રહ્યાં છે. એ રોડોનાં ચૂના-રેતી નાખેલાં તે કાઢી નાખી આર.સી.સી.નાં ફાઉન્ડેશનો થવાનાં. બાકી ધર્મના પાયા કેવા મજબૂત હોવા જોઈએ.

પેલા ભાઈ કહે છે, 'આ થાય નહીં, માટે કરવું નથી.' હું કહું છું કે આ શક્તિ માંગો. મને કહે છે, 'એ શક્તિ કોણ આપશે ?' મેં કહ્યું, 'શક્તિઓ હું આપીશ.' તમે માગો એ શક્તિઓ આપવા તૈયાર છું. માગતાં જ ના આવડે તેને હું શું કરું ? પછી મારે જ શીખવાડવું પડે કે આવી રીતે શક્તિઓ માંગો. તમને પોતાને ના આવડે ત્યારે મારે આવી રીતે શીખવવું પડે કે આવી રીતે શક્તિ માંગજો. ના શીખવવું પડે ? જુઓ ને, આ શીખવાડ્યું જ છે ને બધું ? આ મારું શીખવાડેલું જ છે ને ? એકાદ કલમ બોલને.

પ્રશ્નકર્તા : હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર પણ અહમ્ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.

મને કોઈ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર પણ અહમ્ ન દુભાય એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો.

દાદાશ્રી : એટલે એ સમજી ગયાં, પછી કહે છે આટલું થાય, આમાં બધું આવી ગયું.

મને કહે 'પણ આ થાય નહીં, શી રીતે કરાય ?' મેં કહ્યું, 'આ તો થતું હશે ? આ કરવાનું નથી તમારે. તમે જરાય કરશો નહીં. નિરાંતે રોજના કરતાં બે રોટલી વધારે ખાજો પણ આ શક્તિ માંગજો.' ત્યારે મને કહે છે, 'એ વાત મને ગમી.'

પ્રશ્નકર્તા : પહેલાં તો એ જ શંકા હોય કે શક્તિ માંગે મળે કે નહીં ?

દાદાશ્રી : એ જ શંકા ખોટી ઠર્યા કરે. હવે એ શક્તિ માંગ્યા કરે છે ને !

જુઓ જાણો ફિલમ જ્યમ

પ્રશ્નકર્તા : આ નવ કલમોમાં આપણે શક્તિઓ માગીએ છીએ કે આવું ન કરાય, ન કરાવાય કે ન અનુમોદાય એટલે એનો અર્થ એવો કે ભવિષ્યમાં આવું ન થાય એના માટે આપણે શક્તિઓ માંગીએ છીએ કે પછી આપણે પાછલું કરેલું ધોવાઈ જાય એના માટે છે આ ?

દાદાશ્રી : એ ધોવાય અને શક્તિ ઉત્પન્ન થાય, શક્તિ તો છે જ, પણ એ ધોવાવાથી એ શક્તિ વ્યક્ત થાય. એટલે ધોવાય તો વ્યક્ત થઈ જાય. શક્તિ તો છે જ પણ વ્યક્ત થવી જોઈએ. તેથી દાદા ભગવાનની કૃપા માગીએ છીએ, આ અમારું ધોવાય તો શક્તિ વ્યક્ત થઈ જાય.

શક્તિ તો આખી છે જ મહીં, પણ અવ્યક્તરૂપે રહેલી છે. કેમ અધુરી રહે છે ? આપણને હજુ આ બધું ગમેેછે. છતાં આ જ્ઞાન પછી ઘણું ખરું ઓછું થઈ ગયુંને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : જેમ ઓછું થશે તેમ તેમ શક્તિઓ વ્યક્ત થશે. ગમે છે એનો અર્થ તિરસ્કાર નહીં કરવાનો એનો. પણ એની મહીં તન્મયાકાર થઈ જાય. ભૂલી જાય પોતે, પોતાની શક્તિ ભૂલી જાય અને આમાં તન્મયાકાર થઈ જાય એટલે એનો અર્થ ગમે છે કહેવાય. ખાઓ, પીઓ પણ તન્મયાકાર ના થાવ. જુઓ સિનેમામાં જાવ છો તો કંઈ કોઈ સારી બઈ કે સારો ભઈ હોય, તો ભેટે છે એને ? અને કોઈ કોઈને મારતો હોય તો ત્યાં બૂમ પાડે છે કે એ કેમ મારું છું ? ના મારીશ. એવું કહે છે કંઈ ? મનમાં સમજે છે કે જોવાનું જ છે આ. બોલવાનું નથી.

કેટલા વર્ષ પહેલાં સિનેમા જોવા ગયેલાં ? તે દહાડે જોયેલું ખરું ને પણ ? તે કંઈ બોલતા નહોતાને કે કેમ મારું છું તે ? હં જોવાનું જ છે ત્યાં આગળ.

એ ફિલ્મ એવું નથી કહેતી કે તમે અમને માથે લઈ જાવ જોડે. ફિલમ તો કહે છે કે જોઈને જાવ. પછી તમે ઊંધું કરો તેનું ફિલમ શું કરે બિચારી. ફિલ્મ કહે છે કે તમે મને જોડે લઈ જાવ ? જોઈને જાવ, કહે છે. પણ પોતે ગુંદર ચોપડીને જાય એટલે પછી શું થાય ? એ ગુંદર-બુંદર ધોઈને જવું પડે. પોતે ગુંદર ચોપડીને જાય એટલે જે હોય તે અડે ને ચોંટે !

એટલે એ તમારે શક્તિ આવ્યા પછી, મહીં શક્તિ ઉત્પન્ન થયા પછી એ શક્તિ જ કાર્ય કરાવશે. તમારે કરવાનું નહીં. તમે કરશો તો ઇગોઇઝમ વધી જશે. 'હું કરવા જઉં છું ને પછી થતું નથી' એવું 'થતું નથી' એવું થશે પાછું. પેલી શક્તિ માંગો. આ નવ કલમોની અંદર આખા જગતનું પ્રતિક્રમણ આવી જાય છે. સારી રીતે કરો. અમે તમને દેખાડી છૂટીએ પછી અમે અમારે દેશમાં જતાં રહેવાનાને !

આ એટલું સમજવા જેવું છે. પ્રત્યાખ્યાન કરીને કરો. આ બધું. સમજ

પ્રશ્નકર્તા : દોષોનાં પ્રતિક્રમણ કરવા માટે અમે નવ કલમો વારાફરતી રોજ બોલ્યા કરીએ તો એમાં શક્તિ ખરી કે ?

દાદાશ્રી : તમારે નવ કલમો બોલો એ જુદું છે અને આ દોષનાં પ્રતિક્રમણ કરો એ જુદું છે. જે દોષ થાય તેનાં પ્રતિક્રમણ તો રોજેય કરવનાં.

પ્રશ્નકર્તા : એ જે નવ કલમો આપી છે એ વિચાર, વાણી અને વર્તનની શુદ્ધતા માટે જ આપી છેને ?

દાદાશ્રી : ના, ના. આમાં જરૂર જ નથી. અક્રમ માર્ગમાં એ જરૂર જ નથી. આ નવ કલમો તો તમારા હિસાબ બધા બંધાયેલા હોય, અનંત અવતારના બધાની જોડે એ હિસાબ છૂટી જવા માટે આપી છે, ચોપડા ચોખ્ખાં કરવા માટે આપી છે.

પ્રશ્નકર્તા : આ ચોપડા બધા વિચાર, વાણી ને વર્તનના જ છેને ?

દાદાશ્રી : ના, એ વિચાર-વાણી-વર્તન એ જુદી વસ્તુ છે. એ શું કહેવા માગે છે કે ક્રમિક માર્ગમાં આજે જે આચાર પાળે છે, એ આચાર જો હું રાજીખુશી થઈને પાળતો હોઉં, તો એ બીજ પડશે. અને આવતા ભવનું પાછું તારું ચાલું થશે પણ આચાર જ ના પાળતો હોય એને ક્રમિકમાર્ગ હોય નહીં અને અક્રમમાં તો આચાર-બાચારની જરૂર જ નહીં અને અક્રમમાં તો આર્તધ્યાન, રૌદ્રધ્યાન બંધ થઈ જવું જોઈએ.

પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એ થયો કે અક્રમની અંદર જે જ્ઞાન લે છે, વિચાર, વાણી ને વર્તન 'ડિસ્ચાર્જ' રૂપે છે, એટલે એ પ્રશ્શન ઊભો થતો જ નથી.

દાદાશ્રી : વિચાર, વાણી ને વર્તન ડિસ્ચાર્જ રૂપે જ છે ને એને લેવાદેવા શું છે ?!

આ તો અનંત અવતારથી લોકોની જોડે જ ખટપટ થયેલા હોય તે આ નવ કલમો બોલે એટલે બધા ઋણાનુબંધ છૂટી જાય, એ પ્રતિક્રમણ છે, એ બહુ મોટામાં મોટું પ્રતિક્રમણ છે. મોટામાં મોટું જબરજસ્ત પ્રતિક્રમણ છે એ.

પ્રશ્નકર્તા : આ નવ કલમો છે, તો એ નવ કલમોમાં જેમ કહે છે એ જ પ્રમાણે અમારી ભાવના છે, ઇચ્છા છે, બધું છે અભિપ્રાયથી ય છે.

દાદાશ્રી : એ બોલ્યા એટલે તમારા અત્યાર સુધી જે દોષ થઈ ગયેલાને એ બધાં ઢીલાં થઈ જાય બોલવાથી. અને આ તો પછી એનું ફલ તો આવે જ. બળેલી દોરી જેવા થઈ જાય, તે આમ હાથ કરીએને, એટલે એ પડી જાય.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21