ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



પ્રતિક્રમણ

૬. રહે ફૂલ, જાય કાંટા...

ચિત્ત શુદ્ધીકરણ એ જ અધ્યાત્મસિદ્ધિ !

પ્રશ્નકર્તા : કર્મની શુદ્ધિ કેવી રીતે થાય ?

દાદાશ્રી : કર્મની શુદ્ધિ એટલે ચિત્તની શુદ્ધિ કરવાથી થઈ જાય. ચિત્તની શુદ્ધિ થાય એટલે કર્મની શુદ્ધિ થઈ જાય. આ તો ચિત્તની અશુદ્ધિને લઈને કર્મ અશુદ્ધ થાય છે. ચિત્ત શુદ્ધ થઈ જાય એટલે કર્મ શુદ્ધ જ થઈ જાય.

પ્રશ્નકર્તા : દરેક કર્મ શુદ્ધ થઈ જાય ? ગમે તે કર્મ કરે તે શુદ્ધ થઈ જાય ?

દાદાશ્રી : ચિત્ત શુદ્ધ થઈ જાય ને તો પછી કર્મ શુદ્ધ થઈ જાય. ચિત્ત અશુદ્ધ હોય તો કર્મ અશુદ્ધ, ચિત્ત શુભ હોય તો કર્મ શુદ્ધ, ચિત્ત અશુભ હોય તો, કર્મ અશુભ ! એટલે ચિત્ત ઉપર ડીપેન્ડ (આધાર) છે. બધું એનું ! એટલે ચિત્તને રીપેર કરવાનું છે. આપણા લોક શું કહે છે કે, મારે ચિત્તશુદ્ધિ કરવાની છે. એટલે આ જગતમાં ચિત્તશુદ્ધિ કરવા માટે જ અધ્યાત્મ છે. એટલે ચિત્તશુદ્ધિ કરવાની જરૂર છે.

ચોરી કરવાથી ચિત્ત અશુદ્ધ થાય અને પછી પ્રશ્ચાત્તાપ કરવાથી એનું એ ચિત્ત શુદ્ધ થઈ જાય. અને પશ્ચાત્તાપ નહીં કરવાથી આ જ લોકોના ચિત્તની અશુદ્ધિ રહી છે. તેથી બધાં અશુદ્ધ કર્મો થયા કરે છે. પશ્ચાત્તાપ કરતા જ નથી, જાણે તો ય પશ્ચાત્તાપ નથી કરતા. જાણે તોય શું કહે, કે બધા એવું જ કરે છે ને ?

એટલે પોતાનું ચિત્ત અશુદ્ધ થાય ચે તે ભાન નથી રહેતું.

પ્રશ્નકર્તા : વ્યવહારશુદ્ધિ કેવી રીતે થાય ?

દાદાશ્રી : એ તો વ્યવહારમાં ચિત્તની શુદ્ધિ રાખે કે ભઈ, આપણે આને દગો કરવો નથી તો પછી એ વ્યવહારશુદ્ધિ થઈ ગઈ. અને દગો થઈ જાય તો વ્યવહાર અશુદ્ધ થઈ જાય. એટલે નીતિ-નિયમ પ્રામાણિકતાથી ચાલે તો વ્યવહાર શુદ્ધિ રહે.

ઓનેસ્ટ ઈઝ ધી બેસ્ટ પોલિસી, ડીસઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલીશનેસ. (પ્રામાણિકતા એ જ ઉત્તમ નીતિ છે ને અપ્રમાણિકતા એ ઉત્તમ મૂર્ખાઈ છે !)

વ્યવહારશુદ્ધિ માટે, સામાને દુઃખ ના થાય એવો વ્યવહાર રાખીએ, એ વ્યવહારશુદ્ધિ કહેવાય. સહેજ દુઃખ ના થાય. આપણને થયું હોય, તે ખમી ખાવાનું. પણ સામાને ન જ થવું જોઈએ.

પ્રશ્નકર્તા : આપણે કર્મોનાં પ્રતિક્રમણ કરીએ તો છૂટી જવાય કે નહીં ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાથી બધું ખલાસ થઈ જાય લગભગ. થોડું ઘણું રહે. આ કર્મ જ અતિક્રમણથી બંધાય છે. એ તો મહીં રસને લીધે નહીં બંધાતું. રસ જેટલું ભોગવવાનું રહે પછી. જેવા રસથી અતિક્રમણ કર્યું હતું તેવો રસ ભોગવવાનો. પ્રતિક્રમણ કરે તો ય રસ તો ભોગવવો પડે. રસ મહીં લીધો છે ને ?! વધારે દોષ અતિક્રમણનો છે, સહેજે ચાલતું હોય તેનો કશો વાંધો નહીં. વ્યવહાર ચાલતો હોય. કોઈને કશી હરકત ના થાય. પરિણામે પ્રતિક્રમણથી નવાં કર્મ બંધાતાં અટકે. જૂનાં તોભોગવી લેવાં પડે.

કર્તાભાવ ગયા પછી...

પ્રશ્નકર્તા : જ્ઞાન પ્રાપ્ત થયા પછી આપણો કર્તાભાવ જતો રહ્યો. એટલે આપણાં નવાં પુદ્ગલો બંધાતાં બંધ થયાં.

દાદાશ્રી : કર્તાભાવ ગયો ત્યાં નવું કર્મ બંધાતું બંધ થઈ ગયું.

પ્રશ્નકર્તા : તો હવે જે જૂનાં કર્મો બાકી રહી ગયાં હોય એમને જીર્ણ કરવા માટેનો ઉપાય શું ?

દાદાશ્રી : ના, એની મેળે જ, આ પાંચ આજ્ઞા આપી છે ને ? તેમાં રહે તો જૂનાં કર્મનો સમભાવે નિકાલ જ થઈ જાય બધો, નવાં કર્મો બંધાયા સિવાય.

પ્રશ્નકર્તા : પણ ભારે કર્મ બંધાઈ ગયાં હોય તો એ આપણે હળવેથી ભોગવીને પૂરું કરવું ?

દાદાશ્રી : ના. એનું પ્રતિક્રમણ કર કર કરવું પડે. જેને બહુ ભારે ચીકણું કર્મ હોય તો, એનું પ્રતિક્રમણ વધારે કરવું પડે. વધારે ચીકણું હોય ને, એવું લાગે તો આ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરીએ એ ધોવાઈ જાય બધું. તે તદ્દન જતું ના રહે કારણ કે એક અવતારી આ જ્ઞાન છે.

પ્રશ્નકર્તા : અતિક્રમણ થઈ જાય પણ જાગૃતિ ન હોય તો.

દાદાશ્રી : તો પ્રતિક્રમણ ન થાય એમ ?

પ્રશ્નકર્તા : પછી ભાન આવે તો પ્રતિક્રમણ થાય.

દાદાશ્રી : એ તો પછી એણે ઝોકું ખાધું હોય, પણ તેથી કરીને કર્મ બંધાયું નહીં. કર્મ બંધાય ક્યારે ? પોતે 'હું ચંદુલાલ છું', એમ નક્કી કરે ત્યારે. એ ઝોકું ખાવાનું ફળ તો કાચું રહ્યું. એ કાચું રહ્યું, તેનું ફળ આવે પછી. કાચું તો ના રહેવું જોઈએ. ઝોકું ખાય તો ઝોકાનું ફળ તો મળે ને ? કર્તા તરીકેનું ફળ નહીં, પણ જે આ કાચું રહ્યું તેનું ફળ આવે.

રહ્યું માત્ર પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : એટલે હવે એકલું પ્રતિક્રમણ રહ્યુંને દાદા ?

દાદાશ્રી : પ્રતિક્રમણ જ. અને તેય, અતિક્રમણ થાય તો જ. અતિક્રમણ આખો દહાડો હોતું નથી. આખો દહાડો સલાહસંપથી જ હોય છે. પણ ટેબલ ઉપર કંઈક જમવાની બાબતમાં ભાંજગડ થઈ કે, અતિક્રમણ થયું પાછું. હવે એ કંઈ આજનો દોષ નથી, એ પહેલાંનો છે, ચારિત્રમોહનીય છે. આજ તો આપણને ગમતું જ નથી આવું. પણ થઈ જાય છે, નહીં ?

અતિક્રમણ ને આક્રમણ !

પ્રતિક્રમણ આ બે શબ્દોનું કરવાનું હોય. એક અતિક્રમણ અને બીજું આક્રમણ. આક્રમણ વસ્તુ આપણામાં ન હોવી જોઈએ. આક્રમણ એટલે એટેકીંગ નેચર. આક્રમણ એટલે વાતવાતમાં શબ્દમાંય એટેક કરી નાખે. શબ્દમાં એટેક થાય, એ એટેકીંગ નેચર કહેવાય. આક્રમણ કહેવાય.

અતિક્રમણ ને આક્રમણમાં ફેર શો ?

પ્રશ્નકર્તા : આક્રમણ એટલે સીધો જ એટેક થયો.

દાદાશ્રી : હા. એટેક જ બસ ! હુમલો કરવો, આક્રમણ ! અને ક્રમણ એટલે શું ? ત્યારે કહે, વ્યવહારિક વાતચીતો ચાલતી હોય એવી રીતે સવાર સુધી વાતો કર્યા કરીએ. અને કોઈને દુઃખ ના થયું હોય તો આપણે જાણવું કે એ ક્રમણ કહેવાય. સહેજેય કોઈને 'જોક' કરી હોય અને સામો જરા કાચો હોયને, જરા ચલાવી લેતો હોય. પણ મહીં એને દુઃખ થાય. તો એ અતિક્રમણ કર્યું કહેવાય. અમે બધાની 'જોક' કરીએ પણ કેવી ? નિર્દોષ 'જોક' કરીએ. અમે તો એનો રોગ કાઢીયે ને એને શક્તિવાળો બનાવવા માટે 'જોક' કરીએ. જરા ગમ્મત આવે, આનંદ આવે ને પાછું એ આગળ વધતો જાય. નિર્દોષ જોક કરીએ બધી. બાકી એ જોક કોઈને દુઃખ ના કરે !!

અતિક્રમણ થઈ જવું એ સ્વભાવિક છે ને પ્રતિક્રમણ કરવું એ આપણો પુરુષાર્થ છે.

પ્રશ્નકર્તા : આ અતિક્રમણ થયું તો એ તો બધાને ટેવ પડી ગઈ હોય કે પ્રતિક્રમણ કરવાની. 'અતિક્રમણ થયું' એવો એને એક જાતનો અભિપ્રાય પડી ગયો હોય એટલે એને પોતાને લાગે કે આ અતિક્રમણ થયું છે. અને ખરેખર અતિક્રમણ ન પણ થયું હોય. એવું બનેને ?

દાદાશ્રી : પણ અતિક્રમણ તો તરત જ ખબર પડે. પોતાને મહીં સહેજેય એવું લાગે કે આ કડક નીકળી ગયું, એવું ખબર ના પડે ? ઊલટી કરેલી અને કોગળો કર્યો એમાં ફેર ના પડે ?

પ્રશ્નકર્તા : પડે.

દાદાશ્રી : એ બધું ખબર પડે. પોતાને કંઈ દુઃખ થાય, એટલે જાણવું કે અહીં અતિક્રમણ થયું છે.

પ્રશ્નકર્તા : બીજો એક શબ્દ આવે છે. પરાક્રમ એટલે શું ?

દાદાશ્રી : ક્રમ-અક્રમથી પર. પણ પરાક્રમ. હમણે પ્રતિક્રમણ કરને ! પરાક્રમ આવે ત્યારે સાચું. સ્ટેશન બહુ મોટું છે. તે લાંબું હોય, અત્યારે તો રાહ જોઈએ તે ઊલટું આ રહી જાય. અક્રમ રહી જાય.

પ્રતિક્રમણ કરને ! હજુ તો આક્રમણનું પાછું પ્રતિક્રમણ કરવું પડે છે, ત્યાં સુધી પરાક્રમ શી રીતે થાય તે ?

પ્રશ્નકર્તા : પરાક્રમની જરૂર આક્રમણની સામે છેને ?

દાદાશ્રી : આક્રમણની સામે તો પ્રતિક્રમણ કરવાં. પરાક્રમ તો બન્નેથી પર, ક્રમ-અક્રમથી, બન્નેથી પર. એ પરાક્રમ શબ્દ, ક્યાંથી ચોરી લાવ્યો તું ?

પ્રશ્નકર્તા : આપ્તવાણીનું છઠ્ઠીનું વાંચન કર્યુંને ?

દાદાશ્રી : એમ !

આપણી પાસે પ્રતિક્રમણનું ઘણું સારું સાધન છે. આડાઈ કરીએ એટલે પ્રતિક્રમણ કરવું પડે. પ્રતિક્રમણનું બહુ બળ છે. પ્રતિક્રમણનું લશ્કર ના મોકલો ને ?! નહીં તો પ્રતિક્રમણનું લશ્કર મોકલો તો એ જીતે જ ! લશ્કર જીતે કે ના જીતે ?

પ્રકૃતિ ક્રમણથી થઈ, અતિક્રમણથી ફેલાણી !

પ્રશ્નકર્તા : આ પ્રતિક્રમણ બધી રીતે મુખ્ય છે. આમ તો ને ? કારણ કે જો સમજણ પડે, ના પડે, ભૂલ દેખાતી હોય, ના દેખાતી હોય, કંઈ આવડતું હોય કે ના આવડતું હોય, બધામાં પ્રતિક્રમણથી ઊકેલ એની મેળે આવતો જાય

દાદાશ્રી : અતિક્રમણથી આ ઊભું થયું છે બધું, અને અહીંથી જવું હોય પોતાના દેશમાં, તો પ્રતિક્રમણ કરો. સહેલી વાત કે ? સહેલું છે, કે અઘરું ?

અલ્યા બોલ, મોટેથી બોલને, નહીં તો વઢવું પડશે ?! બોલ, બોલ જરા !!!

પ્રશ્નકર્તા : બહુ સહેલું છે.

દાદાશ્રી : અતિક્રમણથી ઊભું થયું છે આ, અને પ્રતિક્રમણથી બંધ થઈ જશે.

પ્રશ્નકર્તા : પ્રકૃતિ આખી અતિક્રમણથી ઊભી થઈ છે ને ?

દાદાશ્રી : પ્રકૃતિ ક્રમણથી ઊભી થઈ છે, પણ અતિક્રમણથી ફેલાય છે, ડાળાં-બાળાં બધું ય !

પ્રશ્નકર્તા : અતિક્રમણથી આખી પ્રકૃતિ ફેલાય છે.

દાદાશ્રી : અને પેલું પ્રતિક્રમણથી બધું ફેલાયેલું ઓછું થઈ જાય, એટલે એને ભાન આવે.

પ્રશ્નકર્તા : અતિક્રમણથી પ્રકૃતિ ફેલાય, પછી આગળ આક્રમણ કહો છો ને ? આક્રમણથી શું થાય ? અતિક્રમણ. અને આક્રમણ, એટેકથી ?

દાદાશ્રી : એ જ અતિક્રણ ને !

પ્રશ્નકર્તા : અતિક્રમણથી પણ ભારે થયું ને ?!

દાદાશ્રી : ના, એ જ આ બધું. નાનું આક્રમણ ને મોટું આક્રમણ, બધું આક્રમણમાં જ સમાય અને એવું નામ જ અતિક્રમણ.

પ્રશ્નકર્તા : એ નાનું આક્રમણ હોય કે મોટું આક્રમણ, બધું અતિક્રમણ જ !

દાદાશ્રી : હા.

નથી ખોટો કોઈ જગત માંહી !

પણ પ્રશ્શન એમણે સારો પૂછ્યો, એ તો પ્રશ્શન પૂછીએ, ને સાયન્ટિફિકલી સમજીએ, તો એનો ઉકલે આવે. નહીં તો આનો ઊકેલ આવે નહીં.

એટલે મારું શું કહેવાનું છે કે, અત્યારે કોઈ જગ્યાએ દર્શન કરવા માટે ગયાં, ને ત્યાં લાગે કે આપણે ધાર્યા હતા જ્ઞાની અને નીકળ્યા છે ડોળી ! હવે આપણે ત્યાં ગયા એ તો પ્રારબ્ધના ખેલ છે, ને ત્યાં મનમાં જે ભાવ એના માટે ખરાબ આવ્યા કે અરેરે, આવા નાલાયકને ત્યાં ક્યાં આવ્યો ? એ નેગેટિવ પુરુષાર્થ આપણો મહીં એ થયો છે, એનું ફળ આપણે ભોગવવું પડે, એને નાલાયક કહ્યાનું ફળ આપણે ભોગવવું પડે, પાપ ભોગવવું પડશે. અને વિચાર આવવો એ સ્વભાવિક છે, પણ તરત જ મહીં શું કરવું જોઈએ પછી ? કે અરેરે, મારે શા માટે આવો ગુનો કરવો જોઈએ ? એવું તરત જ, સવળા વિચાર કરીને આપણે લૂછી નાખવું જોઈએ.

પ્રશ્નકર્તા : માફી માંગી લેવી જોઈએ ?

દાદાશ્રી : હા, મનમાં માફી માંગી લેવી જોઈએ. પ્રતિક્રમણ કરવું જોઈએ.

પ્રશ્નકર્તા : મન, વચન, કાયાથી જાણતાં કે અજાણતાં જે કંઈ ભૂલચૂક થઈ હોય. તેની માફી માગું છું.

દાદાશ્રી : હા, 'મહાવીર' ભગવાનને સંભારીને કે ગમે તેને સંભારીને, 'દાદા'ને સંભારીને, પ્રતિક્રમણ કરી લેવું જોઈએ કે અરેરે ! એ ગમે તેવો હોય, મારા હાથે કેમ અવળું થયું ? સારાને સારું કહેવામાં દોષ નથી, પણ સારાને ખોટું કહેવામાં દોષ છે, અને ખોટાને ખોટું કહેવામાં ય દોષ બહુ છે. જબરજસ્ત દોષ ! કારણ કે ખોટો એ પોતે નથી, એના પ્રારબ્ધે એને ખોટો બનાવ્યો છે. એ ખોટો નથી. પ્રારબ્ધ એટલે શું ? એના સંજોગોએ એને ખોટો બનાવ્યો, એમાં એનો શો ગુનો ?

આ સમજાયું ? વાત બહુ ઝીણી વાતો છે. આ બધી બહુ ઝીણી વાતો છે. આ શાસ્ત્રોમાં લખેલી ના હોય, કે કોઈ સાધુ પાસે જાણવાની ના મળે.

એટલે આટલું ટૂંકુ મહીં સમજી જાય ને, આ પ્રારબ્ધ ને પુરુષાર્થ, એવું બધું સમજી જાય ને, તો એનું ગાડું સીધું પડી જાય. આ ભાવ ના બગડવા દે કોઈ જગ્યાએ. જ્યાં ભાવ બગડે ને તરત ભાવ સુધારે ત્યાં તો વાંધો જ નથી.

અહીં સ્ત્રીઓ બધી જતી હોય, તેમાં કો'ક આપણને કહે કે, આ પેલી જોને વેશ્યા, અહીં આવી છે, ક્યાં પેઠી છે ? એવું તે કહેશે, એટલે આપણે ય એને લીધે વેશ્યા કહી, એ ભયંકર ગુનો આપણને લાગે. એ કહે છે, કે સંજોગોથી મારી આવી સ્થિતિ થઈ છે. તેમાં તમારે આવું બધું, ગુનો (માથે) લેવાનું શું કરવા કરો છો ? તમે શું કરવા ગુનો કરો છો ? હું તો મારું ફળ ભોગવું છું, પણ તમે ગુનો કરો છો પાછો ? વેશ્યા તે એની મેળે થઈ છે ? સંજોગોએ બનાવી છે. કોઈ જીવ માત્રને ખરાબ થવાની ઇચ્છા જ ના થાય. સંજોગો જ કરાવડાવે બધાં. અને પછી એની પ્રેક્ટિસ પડી જાય છે. શરૂઆત એને સંજોગો કરાવડાવે છે.

ન થાય એ બુદ્ધિથી !

પ્રશ્નકર્તા : એવું તો આખા મનુષ્ય જીવનમાં કોઈને કોઈ જગ્યાએ ભૂલ તો થાય જ ને ?

દાદાશ્રી : ના, એ ભૂલ થાય, પણ એ ભૂલને આપણે જાણીયે, અને સાચા ન્યાયાધીશ આપણે થઈએ, તો ભૂલ આપણને દેખાય કે, આ ભૂલ થઈ છે. માટે ભૂલનો આપણે ડાઘ કાઢી નાખીએ. પ્રતિક્રમણ કરીને.

પ્રશ્નકર્તા : પણ એ બુદ્ધિથી કરવું પડે ને ?

દાદાશ્રી : નહીં, બુદ્ધિથી નહીં. અમે જે જ્ઞાન આપીએ છીએ એ જ્ઞાન-પ્રકાશથી કામ થાય છે. બુદ્ધિ તો ભૂલ દેખવા જ ના દે ને ! બુદ્ધિ વકીલ છે, એટલે કે ભૂલ દેખવા જ ના દે.

પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યા પછી અંતરાત્મા થાય ત્યારે બધા દોષો ઓછા થતા જાય ?

દાદાશ્રી : દોષો દેખાતા જાય ને ઓછા થતા જાય. દેખાતા જાય ને ઓછા થતા જાય. પોતાના દોષ ભણી દ્રષ્ટિ વળી જાય એને, જ્યાં સુધી જીવાત્મા છે, મૂઢાત્મા છે, ત્યાં સુધી પારકાનાં દોષ જોતાં આવડે. પોતાના દોષ પૂછીએ તો કહેશે, મારામાં તો બે-ત્રણ દોષ છે, મારામાં નથી, આ આનામાં છે, એ તો બહુ નર્યો દોષનો ટોપલો છે કહેશે !!!

અજ્ઞાન દશામાં પ્રતિક્રમણ થાય ?

પ્રશ્નકર્તા : આપણે આ પ્રતિક્રમણ જે છે એ ફક્ત મહાત્માઓ માટે જ છે કે જેમને જ્ઞાન નથી લીધું એમના માટે પણ છે ?

દાદાશ્રી : એવું છેને, કે જ્ઞાન નથી લીધું તેને માટે આ પ્રતિક્રમણ તો છે, તે આમ શબ્દ બીજા બધાને માટે વપરાય. તે આમ શબ્દ જ, પણ બીજા લોકોને પ્રતિક્રમણ રહે શી રીતે ? જાગૃતિ હોય જ નહીંને ! જાગૃતિ વગર રહે શી રીતે ?

એ જાગૃતિ કયા કાળમાં હતી ? ઋષભદેવ ભગવાન ગયા પછી બાવીસ તીર્થંકરના વખતમાં બધા શિષ્યો જાગૃત રહેતા હતા. તે નિરંતર 'શૂટ ઑન સાઈટ' પ્રતિક્રમણ કરતા'તા.

જ્યારે ત્યારે આપણે જ્ઞાન આપીએ તો જ એની જાગૃતિ હોય, નહીં તો જાગૃતિ હોય નહીં. એ તો ઊઘાડી આંખે ઊંઘે છે. એવું શાસ્ત્રકારોએ કહેલું.

પ્રશ્નકર્તા : જેને જ્ઞાન નથી, તેઓ અમુક પ્રકારના દોષો જ જોઈ શકે ?

દાદાશ્રી : એ બસ. એટલું જ. દોષની માફી માગતાં શીખો એવું ટૂંકમાં કહી દેવું. જે દોષ તમને દેખાય, તે દોષની માફી માંગવાની અને તે દોષ બરાબર છે એવું ના બોલશો ક્યારેય પણ. નહીં તો ડબલ થઈ જશે. ખોટું કર્યા પછી ક્ષમા માંગી લ્યો.

પ્રશ્નકર્તા : જેણે જ્ઞાન લીધું નથી, એને પોતાની ભૂલો દેખાય છે તો એ કેવી રીતે પ્રતિક્રમણ કરે ?

દાદાશ્રી : જ્ઞાન ના લીધું હોય, પછી એવા માણસો હોય છે. થોડા જાગૃત માણસો કે જે પ્રતિક્રમણને સમજે છે. એ તે કરે, એટલે બીજા લોકોનું કામ જ નહીં, પણ પ્રતિક્રમણ શબ્દનો અર્થ આપણે એને પશ્ચાતાપ કરવાનું કહેવાનું.

શુદ્ધાત્મા પદની પ્રાપ્તિ પછી પ્રતિક્રમણ શાને ?

પ્રશ્નકર્તા : દાદા, હજુ મને પેલું સમજાતું નથી કે એક શુદ્ધાત્માપદ આપી દીધું પછી શાને પ્રતિક્રમણ કરવાનું ? હોય જ નહીંને ?

દાદાશ્રી : ના. કરીએ તોય વાંધો નથી.

પ્રશ્નકર્તા : કરવાનું એવું મને નથી. પણ કઈ રીતે કરવું ? કાં ચંદુલાલ હોઉં કાં હું શુદ્ધાત્મા હોઉં.

દાદાશ્રી : પ્રતિક્રમણ આપણે પોતાને નથી કરવાનાં. આત્માને પ્રતિક્રમણ નથી કરવાનાં. આત્માને કરવાનાં હોય તો તો એ હોય જ નહીં, આ તો 'ચંદુલાલ'ને આપણે એમ કહેવાનું, પાડોશી તરીકે, કે ભઈ, આવું અતિક્રમણ શું કરો છો ?

પ્રશ્નકર્તા : પણ દાદા, પાડોશમાં આપણે શું કરવા જઈએ ?

દાદાશ્રી : પાડોશી એ આપણી પોતાની પહેલાંની ભૂલોનું પરિણામ છે. એ આપણી ગનેગારી છે.

વાત કરું તને, એ વાત સાંભળ. એક છોકરો આ અમદાવાદ શહેરમાં જરા શોખમાં ચઢી ગયો હોય. અને બેએક હજાર રૂપિયા દેવું કરી નાખ્યું હોય. હવે એ છોકરાએ આજથી એમ નક્કી કર્યું હોય કે, મારે એક પાઈ પણ દેવું નથી કરવું ! આજે નક્કી કર્યું અને એક્ઝેક્ટલી એમ જ વર્તે, એક પાઈ દેવું ના કરે અને જેટલો પગાર છે તે ઘેર લાવીને આપી દે. છતાં પણ જે પાછલું દેવું છે તે તો ચૂકવવું જ પડશેને ? કે નહીં ચૂકવવું પડે ? હવે નથી કરવું છતાં શાથી પાછલું દેવું ચૂકવવું પડે ? એવું આ 'ચંદુલાલ' એ પાછલી ભૂલોનું ફળ છે. તે તો ચોપડે, એનો ઉકેલ તો લાવવો જ પડશેને ?

પ્રશ્નકર્તા : તો પછી જ્ઞાન લીધા પછી કોઈ પ્રતિક્રમણ ના કરવાં પડેને ?

દાદાશ્રી : ન કરે તો વાંધો નથી. આ કરવું એવું કંઈ ફરજિયાત નથી.

પ્રશ્નકર્તા : મારે કરવાનો સવાલ નથી. મારો એનો વિરોધ પણ નથી. પણ મને સમજવું છે આ. એવો પ્રશ્શન ઊભો થયા કરે છે.

દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાથી શું થાય છે ? કે આત્મા એને 'રીલેટિવ' ઉપર પોતાનું દબાણ આપે છે. કારણ કે, અતિક્રમણ એટલે શું થયું કે, રીયલ ઉપર દબાણ આપે છે. જે કર્મ એ અતિક્રમણ છે અને હવે એમાં ઈન્ટરેસ્ટ(રસ) પડી ગયો તો ફરી ગોબો પડી જાય. માટે આપણે ખોટાને ખોટું માનીએ નહીં, ત્યાં સુધી ગુનો છે. એટલે આ પ્રતિક્રમણ કરાવવાની જરૂર છે.

પ્રશ્નકર્તા : એ મને હજુ નથી બેસતું.

દાદાશ્રી : તારા ફાધરને ખરાબ લાગ્યું તારાથી. એ તેં અતિક્રમણ કર્યુ, હવે એમને ખરાબ લાગ્યું, તેને તારે ઉત્તેજન આપવાનું કે ડીસ્કરેજ કરવાનું ? 'ચંદુલાલ'ને તમારે શું કરવો જોઈએ ?

પ્રશ્નકર્તા : હું માનું છું કે એમને ખરાબ લાગે એવું ના જ કરવું જોઈએ.

દાદાશ્રી : ના. એ તો થઈ જાય. અતિક્રમણ થઈ જ જાય એ તો. અતિક્રમણ કોનું નામ કહેવાય ય એની મેળે થઈ જાય. અતિક્રમણ કરવું જ નથી હોતું કોઈને.

પ્રશ્નકર્તા : પણ તે આપણે જાણી-બૂઝીને કર્યુ હોય તો બરાબર છે.

દાદાશ્રી : જાણી-બૂઝીને તો કોઈ કરે નહીં. જાણી-બૂઝીને થાય એવું યે નથી. એ કરવું હોય તોય નથી થાય એવું.

પ્રશ્નકર્તા : તો દાદા, અતિક્રમણ કર્યુ જ કેવી રીતે કહેવાય ?

દાદાશ્રી : તારા ફાધરની જોડે વધારે પડતું બોલી ગયો. આ બોક્સિંગ કરી તો પ્રતિક્રમણ કરો કે ના કરો ? પ્રતિક્રમણ ના કરો તો, તો તમે અતિક્રમણના પક્ષના છો એમ ઠરશે અને પ્રતિક્રમણ કરો તો તમારો પક્ષ શેમાં છે ? પ્રતિક્રમણમાં.

પ્રશ્નકર્તા : એવો ભાવ નથી કે અતિક્રમણ કરું.

દાદાશ્રી : ભાવ એવો નથી છતાં પણ તમે અતિક્રમણના પક્ષના છો. જો તમે એ વિરોધીભાવ નહીં ફેરવો તો તમે આ અતિક્રમણ પક્ષના છો જ. એટલે પ્રતિક્રમણ કરો. એટલે તમે અતિક્રમણ પક્ષના નથી એવું થયું.

કોઈના પગ પર આપણો બૂટ આવે તો આપણે સોરી કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ ?

પ્રશ્નકર્તા : એ કહેવું જોઈએ. એ બરાબર છે.

દાદાશ્રી : તે એનું નામ જ પ્રતિક્રમણ. પ્રતિક્રમણ બીજું કોઈ નથી.

પ્રશ્નકર્તા : હા. એ અર્થમાં જ ને ! બાકી તો નહીં ને ?

દાદાશ્રી : તો એ જ પ્રતિક્રમણ કહું છું. એને જ પ્રતિક્રમણ કહું છું. આપણે જેમ સોરી કહીએ છીએ ને ? એ એના જેવું બધું. એને આપણે પ્રતિક્રમણ કહીએ છીએ.

પ્રશ્નકર્તા : આપણાથી અતિક્રમણ થઈ ગયું, તેનું હું પ્રતિક્રમણ કરું, પણ સામો મને માફ ના કરે તો ?

દાદાશ્રી : સામાનું જોવાનું નથી. તમને કોઈ માફ કરે કે ના કરે. તે જોવાની જરૂર નથી. તમારામાંથી આ અતિક્રમણ સ્વભાવ ઊડી જવો જોઈએ. અતિક્રમણના વિરોધી છો એવું થવું જોઈએ.

પ્રશ્નકર્તા : અને સામાને દુઃખ્યા કરતું હોય તો ?

દાદાશ્રી : સામાનું કશું એ જોવાનું નહીં. તમે અતિક્રમણના વિરોધી છો એવું નક્કી થવું જોઈએ. અતિક્રમણ તમારે કરવાની ઇચ્છા નથી. અત્યારે થઈ ગયું એને માટે પસ્તાવો થાય છે. અને હવે અમને એવું ફરી કરવાની ઇચ્છા નથી.

પ્રશ્નકર્તા : સામાને સોરી કહોની હિંમત આવી ગઈ છે ! અતિક્રમણ થાય પછી હું પ્રતિક્રમણ કરી લઈશ.

દાદાશ્રી : આ વર્લ્ડમાં કોઈ માણસ જન્મ્યો જ નથી કે એક વાળ પૂરતું કશું કરી શકે.

પ્રશ્નકર્તા : અતિક્રમણ ઈન્ટેન્સનલી (ઈરાદાપૂર્વક) થતું હોય, એકબીજાને કાપી નંખાતું હોય તો કેમ ચાલે ? પછી પ્રતિક્રમણ કરીને છૂટી જવાય ?

દાદાશ્રી : તો બીજું શું કરવું ? આ ભ્રાંતિમાંથી પાછા ફરવાની બધી પ્રક્રિયા છે. એમાં આપણને મહીં ઊંડા ઉતરવામાં ફાયદો નહીં. આપણે કામ સાથે કામ.

આપણે ત્યાં કશું પૂછવા જેવું રાખ્યું જ નથી. આજ્ઞા જ પાળવાની છે, પૂછવું હોય તો કો'ક ફેરો પૂછવું. પણ બહુ ચૂંથાચૂંથ ના કરવી. નહીં તો ખસી જશે મહીં. બુદ્ધિ ના ચાલે, ચઢી જાય પછી, એ બધાં બુદ્ધિના ચાળા છે આ !

આ જ્ઞાન એવું છે કે કશો શબ્દ જ પૂછવો ના પડે. એક શબ્દે ય પૂછવો પડે એવું નથી આ જ્ઞાન.

વચગાળાની ક્રિયા બધી ચાલી રહી છે.

ટૂંકું પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : હવે બીજી એક વાત પૂછું કે પ્રતિક્રમણ ધારો કે લાબું કરતાં ના આવડે, એકદમ ઝપાટાબંધ કરતાં ના આવડે, ભૂલ થઈ ગઈ હોય, અંદર તો ખબર પડે કે આ આવું ન બોલવું જોઈએ. તો એ પ્રતિક્રમણ ગણાય ?

દાદાશ્રી : હા. એ પ્રતિક્રમણ છે. એટલું જ હોવું જોઈએ. એ આપણો અત્યારનો અભિપ્રાય છે, એ રીતે ધોઈ નાખવું.

હવે એ પ્રતિક્રમણ એકઝેક્ટ (યથાર્થ) ના કહેવાય. પણ એ અભિપ્રાયથી દૂર થયો ને ?

પ્રશ્નકર્તા : તો ખરું શું ? એવું ટૂંકું કરાય ?

દાદાશ્રી : એમાં કશો વાંધો નહીં, પ્રતિક્રમણ ના કરે તો ચાલે ત્યાં આગળ એ પ્રતિક્રમણ જ છે. પણ એવું જો કાયમ માટે બોલીએ તો બધા આવું જ ઠોકા-ઠોક કરે પછી. એ તો અમુક સંજોગોમાં એવું થઈ જાય તો વાંધો નથી. એ ચાલે. એ પ્રતિક્રમણ જ છે. આમ હોવું ન ઘટે. એ પ્રતિક્રમણ જ છે. આપણો અભિપ્રાય ફર્યો ને. જેમ-તેમ અભિપ્રાય ફેરવવાનો છે.

ન બનશો વિરોધી પ્રતિક્રમણના !

પ્રતિક્રમણ તો આપણે એ અભિપ્રાય કાઢી નાખવા માટે કરવાનું છે. આપણે એ મતમાં રહ્યા નથી, એવું કાઢવા માટે કરવાનું છે. અમે આ મતમાં વિરુદ્ધ છીએ. એવું દેખાવા માટે પ્રતિક્રમણ કરવાનું છે. શું સમજાયું તને ?

પ્રશ્નકર્તા : જે અતિક્રમણ થઈ ગયું એના વિરોધી છીએ. એ દેખાવા માટે પ્રતિક્રમણ કરવાનું છે.

દાદાશ્રી : હા, આપણને ઇચ્છા નથી, આવું ફરી કરવાની. આપણા સ્વભાવમાંથી આવું કાઢી નાખવા માટે પ્રતિક્રમણ કરવાનું છે. પ્રતિક્રમણ ના કરીએ તો આપણી એ ઇચ્છા રહી ગઈ કહેવયા.

પ્રશ્નકર્તા : પણ આપણને તો બધો નિકાલી ભાવને ?

દાદાશ્રી : હા, નિકાલી જ ભાવ છે બધો, બધોય નિકાલી જ છેને, પણ તમારે સ્વભાવમાં રાખવું હોય તો રાખવું, એનો વાંધો નથી.

પ્રશ્નકર્તા : જો એ નિકાલી હોય તો પછી પ્રતિક્રમણ શા માટે ?

દાદાશ્રી : બધું જ નિકાલી છે, એકલું જ નહીં, બધું જ નિકાલી છે. પ્રતિક્રમણ તો અતિક્રમણ કરે એટલું જ છે તે પ્રતિક્રમણ કરવાનું, બીજું નહીં અને ના કરીએ તો આપણો સ્વભાવ કશો ના બદલાય, એવો ને એવો જ રહેને ! તને સમજાયું કે ના સમજાયું ?

નહીં તો વિરોધી તરીકે જાહેર નહીં થાય તો પછી એ મત તમારી પાસે રહેશે. ગુસ્સે થઈ જાવ તો આપણે ગુસ્સાના પક્ષમાં નથી એટલા માટે પ્રતિક્રમણ કરવાનું છે. નહીં તો ગુસ્સાના પક્ષમાં છીએ એવું નક્કી થઈ ગયું. અને પ્રતિક્રમણ કરો તો આપણને ગુસ્સો ગમતો નથી એમ જાહેર થયું કહેવાય. એટલે એમાંથી આપણે છૂટા થઈ ગયા. મુક્ત થઈ ગયાં આપણે, જવાબદારી ઘટી ગઈ. આપણે એના વિરોધી છીએ. એવું જાહેર કરવા માટે કંઈ સાધન તો હોવું જોઈએ ને ? ગુસ્સો આપણામાં રાખવો છે કે કાઢી નાખવો છે ?

પ્રશ્નકર્તા : એ તો કાઢી નાખવો છે.

દાદાશ્રી : જો કાઢી નાખવો હોય તો પ્રતિક્રમણ કરો. તો પછી ગુસ્સાના વિરોધી છીએ અમે ભઈ, નહીં તો ગુસ્સામાં સહમત છીએ. જો પ્રતિક્રમણ ના કરીએ તો.

પ્રશ્નકર્તા : જે થવાનું હતું તે થઈ ગયું. પછી આપણે પ્રતિક્રમણ કરો કે ના કરો. એમાં ફરક જ ના પડે ને ?

દાદાશ્રી : ચાલે એવું છે. પણ હવે આ જો વધારે કરો તો બહુ ફાયદા થઈ પડે હો કે. તમારે ચાલે એવું કરવું છે કે વધારે કરવું છે ?

પ્રશ્નકર્તા : કરવાની વાત નથી, હું તો સાયન્ટિફિકલી (વૈજ્ઞાનિક ઢબથી) પૂછું છું.

દાદાશ્રી : બધું જ નિકાલી છે, પણ અતિક્રમણ થાય ત્યાં આપણે વિચારી લેવું જોઈએ. નહીં તો પછી આપણો સ્વભાવ આપણામાં રહી જાય. આપણે આના સ્વભાવના વિરોધી છીએ. એવું નક્કી તો થવું જ જોઈએ. આપણે એમાં સહમત નથી એ નક્કી હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : સહમત નથી એવું નક્કી થઈ ગયું હોય તો પછી એ પ્રતિક્રમણ તો મનમાં જ કરવાનું હોય છે ને ?

દાદાશ્રી : એ તો મનમાં જ. બધું જ મનમાં કરવાનું હોય છે. બીજું કશું કરવાનું નહીં. બોલવા જવાનું નહીં, મોઢે નહીં કરવાનું. આપણે એના વિરોધી છીએ. પ્રતિક્રમણ ના કરીએ પણ 'આ આપણને ગમતું નથી' એટલું બોલીએ તોય બસ થઈ ગયું. તમે છૂટાં થયાં એનાથી. એ તમારે પેલી ભાંજગડમાં ન રહેવું.

પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ એટલે ક્રમિકમાં થોડાં પેઠાં ?

દાદાશ્રી : ક્રમિક માર્ગમાં પેઠા એટલા માટે નથી આ. આપણે આ સ્વભાવના વિરોધી છીએ. એવું કંઈ નક્કી ના થાય, ત્યાં સુધી સ્વભાવ આપણી પાસે પડી રહેશે. એવું આ બહુ ઝીણી વાત છે. જો આપને સમજાય તો તમારું કલ્યાણ કરી નાખશે. ગાળ ભાંડી તેનો વાંધો નથી. પણ ગાળ ભાંડવાના અમે વિરોધી છીએ. એ તો હોવું જ જોઈએ ને આપણે.

પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ, પણ સામો માણસ તો બાંધે જ ને કર્મ ?

દાદાશ્રી : એ તમારે જોવાનું નથી. તમારે મનમાં કહી નાખવાનું તો તમે છૂટા.

એ બધો વ્યવહાર નિકાલી...

પ્રશ્નકર્તા : આ તો કંઈક એવો પ્રસંગ બન્યો અને અતિક્રમણ કરતાં પહેલાં તો આપણે આ ડિસ્ચાર્જ ભાવ (નિર્ઝરતા ભાવ) છે. મારા ભાવ નથી. એવું રહે તો એ પ્રતિક્રમણ નથી ?

દાદાશ્રી : એવી તમારા જેવી જાગૃતિ ના રહે બધાને, 'આ મારા નથી' એવી જાગૃતિ બધાને ના રહે. એના કરતાં આવું ગાડું-ઘેલું શીખવાડ્યું સારું પડે.

પ્રશ્નકર્તા : આ પ્રતિક્રમણ કહે છે એ કંઈ પોતાના ભાવ ઓછા માની લે છે ?

દાદાશ્રી : ના. એમનું કહેવું ખરું છે કે આ ભાવ મારા નથી, એટલું જ દેખાડવા માટે જ આપણે પ્રતિક્રમણ કહેવા માંગીએ છીએ. બધાને તો 'આ ભાવ મારા નથી' એવી જાગૃતિ ના રહેતી હોયને.

સમભાવે નિકાલ કરવો ને કોઈને અતિક્રમણ ના થાય. એ બધો નિકાલી વ્યવહાર છે. અતિક્રમણ ના થવો જોઈએ છતાં અતિક્રમણ થઈ જાય તો પ્રતિક્રમણ કરો. તો એ નિકાલી વ્યવહાર તરીકે ચાલ્યું ગાડું !

પ્રતિક્રમણ કરે અતિક્રમણ કરનારો !

જ્યારે અમે જ્ઞાન આપીએ ત્યારે પોતાના દોષ બધા દેખાતા થાય. ત્યાં સુધી બીજાના દોષ દેખાય. પણ પોતાનો દોષ દેખાય નહીં. બીજાના ખોળવા હોય તો બધા સો ખોળી આપે. પોતાના તો મોટા મોટા બે-ત્રણ હોય તે દેખાય. બીજા દેખાય નહીં. હવે જ્ઞાન મળ્યા પછી, બરાબર પોષાઈને છોડવો મોટો થયો, કે તરત દોષ બધા દેખાતા શરૂ થાય. આ તમને શું દેખાય છે રોજ ? પોતાના દોષ દેખાય છે કે બીજાના ?

પ્રશ્નકર્તા : પોતાના જ.

દાદાશ્રી : એટલે પોતાના દોષ દેખાય એ મોટાં હોય તો પ્રતિક્રમણ કરવાનું. અને નાનો હોય તોય પ્રતિક્રમણ કરવાનું. 'જેણે' દોષ કર્યા'તા 'તેણે' જ પ્રતિક્રમણ કરવાનું. એટલે 'ચંદુલાલે' પ્રતિક્રમણ કરવાનું. તમારે કશું કરવાનું ના હોય. આપણે ચંદુલાલને કહેવાનું કે પ્રતિક્રમણ કરો. અને બીજા દોષ તો જોવા માત્રથી જતા રહે, બીજા હલકા પ્રકારના દોષ હોય તે, પણ દોષો બધા દેખાય ત્યારે જાય. ત્યારે નિર્દોષ થાય.

એક પણ દોષ તમને આ દુનિયામાં કોઈનો દેખાય નહીં, તમને મારે તો ય તમને દોષ ના દેખાય. એવી મેં દ્રષ્ટિ આપેલી બધી. તમને દોષ દેખાય છે ?

પ્રશ્નકર્તા : પોતાના દોષ દેખાય છે.

દાદાશ્રી : અને બીજાનો કોઈ દોષ દેખાઈ ગયો હોય તો પ્રતિક્રમણ કરો તરત ?

પ્રશ્નકર્તા : હા. દાદા.

દાદાશ્રી : તમે કોઈના પર એટેકીંગનો (આક્રમણનો) વિચાર ના આવે. તમે ગાળો ભાંડે, કે માર મારે, કે નુકસાન કરે, પણ તેના તરફ એટેકનો વિચાર ના આવે કોઈ દિવસ. અને જગત આખું સાધુ-સંન્યાસીઓ, બધા એટેક કરે, 'ક્યા હૈ, ક્યા કહા, ઐસા કરેંગે, તૈસા કરેંગે.'

અને આમને એટેકનો વિચાર ના આવે. એનું નામ 'જ્ઞાન ભક્ત.' જ્ઞાની ભક્ત એટલે છૂટો થઈ ગયો.

દોષ ઘટે તે સાચું પ્રતિક્રમણ !

પ્રતિક્રમણ કોનું નામ કહેવાય ? કે હળવો થાય, હળવાશ થાય, ફરી એ દોષ કરતાં એને બહુ ઉપાધિ થયાં કરે. અને આ દોષ તો ગુણાકાર કરે છે !!

તમે કોઈ પ્રતિક્રમણ, સાચું પ્રતિક્રમણ જોયું. એકુંય દોષ ઓછો થાય એવું ?

પ્રશ્નકર્તા : ના, અહીં જ જોવા મળ્યું.

દાદાશ્રી : આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન એકલું મોક્ષમાર્ગનું સાધન છે, બીજું કોઈ સાધન નથી આ જગતમાં. બીજું સાધન એટલું કે જ્ઞાની પુરુષથી જ્ઞાન મળે પછી આ કામ લાગશે. ને તે પહેલાં ય જો કરેલું હશે તો દોષ મંદ થઈ ગયાં હશે. પણ એ એટલું પ્રતિક્રમણ રહી શકે નહીં, જાગૃતિ ના રહી શકે માણસને.

જ્ઞાન લીધા પછી આપણને અંદર ખબર પડે, દોષ થયો છે આ. તો જ પ્રતિક્રમણ થશે. ત્યાં સુધી પ્રતિક્રમણ થાય નહીંને ! જ્ઞાન લીધા પછી એની જાગૃતિ રહેશે કે, આમ અતિક્રમણ થાય કે તરત તમને ખબર પડશે. આ ભૂલ થઈ એટલે તરત જ પ્રતિક્રમણ કરે. એટલે એના નામનું બધું પદ્ધતિસર પ્રતિક્રમણ થયાં જ કરશે. અને પ્રતિક્રમણ થયું એટલે ધોવાઈ ગયું. ધોવાઈ ગયું એટલે સામાને ડંખ ના રહે પછી. નહીં તો પછી આપણે પાછાં ભેગાં થઈએ તો સામા જોડે પેલો ભેદ પડતો જાય. એવું કશું થાય તો ભેદ પડે કે ના પડે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : કારખાનામાંય કોઈ જોડે અતિક્રમણ થઈ જાય, એનું આપણે પ્રતિક્રમણ કરીએ તો એનું મન આપણી જોડે બંધાય, નહીં મન છૂટી જાય.

પાપ ધોવાયાની પ્રતીતિ !

પ્રશ્નકર્તા : અમારા પાપકર્મ માટે અત્યારે કેવી રીતે ધોવું ?

દાદાશ્રી : પાપકર્મના તો જેટલા ડાઘા પડ્યા એટલાં પ્રતિક્રમણ કરવાં, એ ડાઘ કઠણ હોય તો ફરી ધો ધો કરવો. ફરી ધો ધો કરવો.

પ્રશ્નકર્તા : એ ડાઘ જતો રહ્યો કે નથી જતો રહ્યો એ ખબર કેવી રીતે પડે ?

દાદાશ્રી : એ તો મહીં મન ચોખ્ખું થાયને, તો ખબર પડી જાય. મોઢા પર મસ્તી આવે. તમને ખબર ના પડે. ડાઘ જ જતો રહેલો ? કેમ ના પડે ? વાંધો શું આવે છે ? અને ના ધોવાય તોય આપણને વાંધો નથી. તું પ્રતિક્રમણ કરને. તું સાબુ ઘાલ્યા જ કરજે ને ! પાપને તું ઓળખે છે ? પાપને તું ઓળખે છે ખરો ?

પ્રશ્નકર્તા : દાદાની આજ્ઞા ના પળાય એટલે પાપ.

દાદાશ્રી : ના. એવું નહીં. એને પાપ ના કહેવાય. સામાને દુઃખ થાય એ પાપ. કોઈ જીવને, એ પછી મનુષ્ય હો કે જાનવર હો કે ઝાડ હો. ઝાડને આમ વગર કામનાં પાંદડાં તોડ તોડ કરીએ તો એને ય દુઃખ થાય. એટલે એ પાપ કહેવાય.

અને આજ્ઞા ના પળાય એ તો તમને નુકસાન થાય. તમને પોતાને જ નુકસાન થાય. પાપકર્મ તો કોઈને દુઃખ થાય તે. એટલે સહેજ પણ, કિંચિત્માત્ર દુઃખ ના થાય એવું હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : મનુષ્ય એના સ્વભાવ પ્રમાણે કરતો હોય તો એમાં એને પુણ્ય-પાપ લાગે ?

દાદાશ્રી : સામાને દુઃખ થાય તો પાપ લાગે. એ સ્વભાવ પ્રમાણે કરે છે, પણ એણે સમજવું જોઈએ કે મારાથી સામાને દુઃખ થાય છે. એટલે મારે એની માફી માંગી લેવી જોઈએ કે મારો સ્વભાવ વાંકો છેને, તેથી દુઃખ થયું છે તેમને, એટલે માફી માગું છું.

આપણે પ્રતિક્રમણ કરીએ તો બહુ સારું. આપણાં કપડાં ચોખ્ખાં થાયને ? આપણાં કપડાંમાં શું કામ મેલ રહેવા દઈએ ? આવો દાદાએ રસ્તો દેખાડ્યો છે. તો શા માટે ચોખ્ખાં ના કરી નાખીએ ?!

ભૂલ નહીં ત્યાં નહીં ભોગવટો !

કોઈને આપણાથી કિંચિત્માત્ર દુઃખ થાય તો જાણવું કે આપણી ભૂલ છે. આપણી મહીં પરિણામ ઊંચા-નીચાં થાય એટલે ભૂલ આપણી છે એમ સમજાય. સામી વ્યક્તિ ભોગવે છે એટલે એની ભૂલ તો પ્રત્યક્ષ છે પણ નિમિત્ત આપણે બન્યાં, આપણે એને ટૈડકાવ્યો માટે આપણીયે ભૂલ. કેમ દાદાને ભોગવટો નથી આવતો ? કારણ કે એમની એકે ય ભૂલ રહી નથી. આપણી ભૂલથી સામાને કંઈ પણ અસર થાય, જો કંઈ ઊધાર થાય તો તરત જ મનથી માફી માંગી જમા કરી લેવું. આપણી ભૂલ થઈ હોય તો ઊધાર થાય પણ તરત જ કૅશ - રોકડું - પ્રતિક્રમણ કરી નાખવું. અને જો કોઈના થકી આપણી ભૂલ થાય તો ય આપણે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરી લેવું. મન-વચન-કાયાથી, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માંગ માંગ કરવાની.

ડગલે ને પગલે જાગૃતિ રહેવી જોઈએ. આપણામાં ક્રોધ-માન-માયા-લોભના કષાયો છે. તે ભૂલો કરાવે જ અને ઉધારી ઊભી કરે. પણ તેની સામે આપણે તરત જ તત્ક્ષણ માફી માંગીને જમા કરીને ચોખ્ખું કરી લેવું. આ વેપાર પેન્ડિગ (બાકી)ના રખાય. આ તો દરઅસલ રોકડિયો વ્યાપાર કહેવાય.

પ્રશ્નકર્તા : અત્યારે ભૂલો થાય છે એ ગયા અવતારની ખરીને ?

દાદાશ્રી : ગયા અવતારના પાપને લઈને જ આ ભૂલો છે. પણ આ અવતારમાં ફરી ભૂલ ભાંગે જ નહીં ને વધારતો જાય. ભૂલને ભાંગવા માટે ભૂલને ભૂલ કહેવી પડે. તેનું ઉપરાણું ના લેવાય. 'આ' 'જ્ઞાની પુરુષો'ની કૂંચી કહેવાય. તેનાથી ગમે-તેવાં તાળાં ઊઘડી જાય.

એટલે પોતાની ભૂલ ભાંગશે ત્યારે કામ થશે. કાં તો જ્ઞાનીપુરુષ તમને તારે તો થઈ જાય. જ્ઞાનીપુરુષ તારી શકે. તમે એમ કહો કે, મને બચાવો, તો બચાવે. એમને એમ નથી કે મારે કશું ફી લેવાનું. કારણ કે અમૂલ્ય ચીજની ફી કેટલી આપે ? ને આ મૂળો ને મૂલ્યાવાન કહેવાય ! મૂળો તો દસ પૈસાનો. જો મૂલ્યવાન છે ને ?! અને આ તો અમૂલ્ય ચીજ કહેવાય. એટલે આનું મૂલ્ય-બૂલ્ય ના હોય. અમૂલ્ય ! અમૂલ્ય !! એટલે આમ કિંમત ના હોય !

દોષ તો થયા વગર રહે જ નહીં ને ! નર્યા દોષ જ થયા કરવાના. એ દોષ તમને દેખાયા કરે. દોષ દેખાયા એટલે આ દોષનું પ્રતિક્રમણ કરવાનું. પશ્ચાત્તાપ કરવાનો, અને ફરી એવું નહીં કરું. એવું પ્રત્યાખ્યાન કરવાનું. એ 'શૂટ ઑન સાઈટ' કહેવાય. દોષ થયો કે તરત એને ધોઈ નાખો. એવું તમારે તરત ધોવાની ઈચ્છા છે કે બાર મહિને ??!

એથી તો ઊંધા ગયા ઊલટા !

પ્રશ્નકર્તા : ક્રમિકનાં પ્રતિક્રમણ કરતાં હતાં ત્યારે મગજમાં કંઈ બેસતું ન હતું. ને અત્યારે આ કરીએ છીએ તો હલકાં ફૂલ થઈ જવાય છે.

દાદાશ્રી : પણ એ પ્રતિક્રમણ જ ન હોયને ! એ તો બધાં તમે અણસમજણથી ઊભાં કરેલા પ્રતિક્રમણ ! પ્રતિક્રમણ એટલે તરત દોષ ઘટવો જોઈએ. એનું નામ પ્રતિક્રમણ કહેવાય. આપણે ઊંધા ગયેલા, તે પાછા ફર્યા એનું નામ પ્રતિક્રમણ કહેવાય. આ તો પાછા ફર્યા નહીં ને ત્યાં ને ત્યાં જ છે ! ત્યાંથી આગળ ગયા છે ઊલટા !!! એટલે એને પ્રતિક્રમણ કહેવાય જ કેમ કરીને ?

ગત જન્મોનાં પ્રતિક્રમણો !

પ્રશ્નકર્તા : અતિક્રમણ ક્યારે થાય છે, કે કંઈક પાછલા જન્મોના હિસાબ હશે ત્યારેને ?

દાદાશ્રી : હા, ત્યારે થાય.

પ્રશ્નકર્તા : એટલે આપણા માટે પ્રતિક્રમણ કરીએ છીએ ત્યારે પાછલા બધા જન્મોનાં પાપ માટેનું બધું પ્રતિક્રમણ થાય છે ?

દાદાશ્રી : એ હિસાબ આપણે તોડી નાખીએ છીએ. એટલે આપણા લોક 'શૂટ ઑન સાઈટ' પ્રતિક્રમણ કરે છે. એટલે આપણા દોષ તરત નિર્મૂળ થઈ જાય છે.

મોટાં દોષનાં પ્રતિક્રમણ...

પ્રશ્નકર્તા : આપણો મોટો દોષ દેખાય તો એનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું ?

દાદાશ્રી : પ્રતિક્રમણ તો મૂળ રીત એ હોય છે શબ્દોની, પણ એ શબ્દોની જંજાળસ્તો ને ? એના કરતાં ના આવડે તો કહીએ, હે દાદા ભગવાન ! અગર તો જે ભગવાનને માનતો હોય તે ભગવાનને યાદ કરવા કે મારાથી આ ભૂલ થઈ, આ ભઈની જોડે, ગુસ્સો વધારે થઈ ગયો, માટે હું ક્ષમા માગું છું. પસ્તાવો કરું છું. ફરી નહીં કરંુ. બસ આટલું જ બોલો તોયે ચાલે.

બાકી શબ્દોની જંજાળ તો બહુ. મોટા શબ્દો ચીતરેલા હોય બધા, પણ એ ક્યારે પાર આવે. એ બોલ બોલ કરીએ તો. પણ આ ટૂંકું બોલી જવું.

પરિણામિક પ્રતિક્રમણ !

સામાની ભૂલ હોય તો ય આપણે માફી માંગી લેવી.

પ્રશ્નકર્તા : બધાની વચમાં, દાદાની સાક્ષીએ, દરેક પોતાની ભૂલોની માફી માંગી લે તો ?

દાદાશ્રી : એ તો એક જાણે કે બીગીનીંગ (શરૂઆત) કહેવાય. તેથી કંઈ ધોવાઈ જતું નથી. પ્રતિક્રમણ તમારે એવું કરવું જોઈએ કે સામો બોલતો આવે. અત્યારે મારી હાજરીમાં શરૂઆત કરવી.

જ્યારે જ્યારે ગૂંચ પડવાની થાય ત્યારે ત્યારે દાદા અવશ્ય યાદ આવી જ જાય અને ગૂંચો પડે નહીં. 'અમે તો શું કહીએ કે આ ગૂંચો પાડીશ નહીં, અને ક્યારેક ગૂંચ પડી જાય તો પ્રતિક્રમણ કરજે. આ તો ગૂંચ શબ્દની તરત જ સમજણ પડે. આ લોકો 'સત્ય, દયા, ચોરી નહીં કરો.' એ સાંભળી સાંભળીને તો થાકી ગયાં છે.

ગૂંચ રાખીને સૂઈ ના જવું જોઈએ. ગૂંચ મહીં પડી હોય તો તે ગૂંચ રાખીને સૂઈ ના જવું જોઈએ. ગૂંચનો ઊકેલ લાવવો જોઈએ. છેવટે કશો ઊકેલ ના જડે તો ભગવાન પાસે માફી માંગ માંગ કરીએ, કે આની જોડે ગૂંચ પડી ગઈ છે તે બદલની માફી માંગ-માંગ કરું છું, તો ય ઊકેલ આવે. માફી જ મોટામાં મોટું શાસ્ત્ર છે. બાકી દોષો તો, નિરંતર દોષો જ થયા કરે છે.

અહંકાર, પાશવી ને માનવી !

સામાને ઠપકો આપો છો તો તમને એમ ખ્યાલ નથી આવતો કે તમને ઠપકો આપે તો શું થાય ? એ ખ્યાલ રાખીને ઠપકો આપો.

એનું નામ માનવ અહંકાર. સામાનો ખ્યાલ રાખીને દરેક કાર્ય કરવું એનું નામ માનવ અહંકાર. આપણો ખ્યાલ રાખીને દરેકની જોડે વર્તન કરવું અને ગોદા મારવા, તો એનું નામ શું કહેવાય ?

પ્રશ્નકર્તા : પાશવી અહંકાર.

દાદાશ્રી : પહેલાં મારેલા ? નહીં ?

પ્રશ્નકર્તા : અત્યારે જ્ઞાન લીધા પછી એવા સંજોગ ઊભા થાય તો શું કરવું ?

દાદાશ્રી : પણ તો, જ્ઞાની થયા પછી તો જ્ઞાન જુદું રહે છે એને, એ જુદું રહેતાં આવડે તો એને કશું ના થાય. જુદું રહીને બધું જોયા કરતો હોય નાટક, તો તો વાંધો નથી. અને ભેગો થાય તોય પેલો નથી.

જુદું ના રહે કશું, તોય એ ફાઈલ, પછી ફરી સહી કરવી પડશે, જુદું રહીને. એ ફાઈલ ફરીથી આવશે પછી. સીગ્નેચર (સહી) થઈ નહીં. તોયે રહી જાયને કાગળ, એવું. પણ નિવેડો તો તમારે જ લાવવો પડશે. હું કહું છું. તે બધું આખું સમજાઈ ગયું ?

પ્રશ્નકર્તા : હા, દાદા !

દાદાશ્રી : સહી ના થયેલી હોય તો ફરી પાછું પેપર આવશે. એ જોઈ, વાંચી અને સમભાવે નિકાલ કરીએ એટલે ત્યાંથી છૂટી ગયાં.

હવે એવું ક્યારે ના બને ? કે કર્મ બહુ ચીકણું હોય અને ગાઢ હોય ને ત્યારે માણસ ભૂલથાપ ખઈ જાય. એટલે થઈ જાય. આપણે તે ઘડીએ પછી પસ્તાવો કરીએ. એને થઈ ગયા પછી પસ્તાવો થાય ને બળ્યો ! તે પસ્તાવો કરીએ એટલે ઢીલું થયું એટલે આમ તો ફરીવાર આ બાજુમાં આવે ને તો આપણે કરી શકીએ એવી સ્થિતિમાં નરમ થઈ ગયું હોય, પસ્તાવો કરવાથી.

આપણે કહીએ 'ચંદુભાઈ' પસ્તાવો કરો બા. કેમ અતિક્રમણ કર્યુ ? દાદાનો કાયદો શો છે ? અતિક્રમણ કર્યુ માટે તમે પ્રતિક્રમણ કરો, બસ ! આ કાયદેસર છે ને ?

આપણું વિજ્ઞાન તો એક એક ખૂણામાંથી કાયદેસર હોય. આ વિજ્ઞાન એટલે દર અસલ વિજ્ઞાન છે.

આખું ક્રમિકજ્ઞાન તો ભગવાને કેવળજ્ઞાનમાંથી કહ્યું અને કલ્પનામાં આવ્યું. અને આપણું આય કેવળજ્ઞાનથી કહ્યું, પણ કલ્પના બહારની વસ્તુ છે આ ! પેલામાં તો વિરોધાભાસ જડે, પણ અહીં ના જડે.

ભૂલ દેખાડે તેને શાબાશી ?!

તમારી ભૂલ દેખાડે તો તમે શાબાશી દો ખરાં ?

પ્રશ્નકર્તા : હવે એ તો જેનો જેવો અહંકાર.

દાદાશ્રી : અરે, રામ તારી માયા ! ત્યાં તો શું નું શું બોલે મૂઓ ! ત્યાં પાછું તો જુઓ કે, ભઈ મને એવું થાય તો શું કરવું ?

પ્રશ્નકર્તા : આ બાબતમાં તો હું પકડી લઉં કે તેં આ બરાબર કર્યું.

દાદાશ્રી : ના. ના. ના. કારણ કે પોતાની ભૂલ સાચી જડે નહીં આપણને. એ તો અમુક જ બાબત હોય તો તમે પકડી શકો કે આ મારી ભૂલ થઈ છે. પણ બીજી બાબત ના પકડી શકો. એટલે એ અવળું જ બોલે.

'ચંદુભાઈ ભૂલ કરે છે' એમ કોઈ કહે કે 'તારી ભૂલ છે' તો આપણે ય કહેવું, 'ચંદુભાઈ તમારી ભૂલ થઈ હશે ત્યારે જ એ કહેતાં હશે ને ? નહીં તો એમ ને એમ તો કોઈ કહેતું હશે ? કારણ કે એમ ને એમ કોઈ કહે નહીં. કંઈકેય ભૂલ હોવી ઘટે. એટલે આપણે એમાં કહેવામાં વાંધો શો ? ભઈ, તમારી કંઈક ભૂલ હશે માટે કહેતાં હશે. માટે માફી માંગો લો, અને 'ચંદુભાઈ' કોઈને દુઃખ દેતાં હોય તો આપણે કહેવું કે પ્રતિક્રમણ કરી લો બા. કારણ કે આપણે મોક્ષે જવું છે. હવે ગમે તેમ એ કરવા જઈએ તે ચાલે નહીં.

અન્ડરહેન્ડની ન જોવી ભૂલ !

પ્રશ્નકર્તા : બીજાના દોષ દેખાતા હોય, પોતાના દોષ દેખાતા હોય તો તે જોયા કરવાના ? શું કરવાનું ?

દાદાશ્રી : પોતાના દોષ દેખાતા હોય તો અમુક માણસને કહેવાના. અમુક માણસને ના કહેવાય. અને અમુક માણસના દોષ દેખાતા હોય તેનું પ્રતિક્રમણ કરીને ઊંચા મૂકવા આમ ત્રણ રસ્તા છે. કાં તો દોષ દેખાતા હોય તો પ્રતિક્રમણ કરીને ઊંચા મૂકી દેવા અને પ્રતિક્રમણ નહીં કરો તો દોષ દેખાતા હોય તો કોના કહેવા, પોલીસવાળાના, મેજીસ્ટ્રેટોના, એમના બધા દોષ કહેવા, કે તમે બધાં આવા છો. પણ આ બધા અન્ડરહેન્ડ (આશ્રિત) છે, એના દોષ ના કહેવા સમજાયુંને ?

દરેક વસ્તુ ભૂલથી જ ભરેલી હોય. એટલે બધું ભૂલ તો હોય જ ને ! ભૂલ વગર તો કોઈ ના હોય, કો'કની ભૂલ કાઢવી એ મૂરખનું કામ છે. તને ભૂલ કાઢવી ગમે ?

પ્રશ્નકર્તા : બીજાનો દોષ દેખાયોને એ જે ભૂલ થઈ, એનું પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : લોકોનો દોષ દેખાય એટલે પડતું મૂકે પછી આગળ આપણે શું કરવાનું, કે 'ઓહોહો ! હજુ તમે બીજાના દોષ જુઓ છો ? એનાં પ્રતિક્રમણ કરો', એ આપણો દોષ જોયો કહેવાય. એવા પચાસ થાય તો બહુ થઈ ગયું.

બીજાના દોષ જોવાનો અધિકાર જ નથી. એટલે એ દોષની માફી, ક્ષમા, પ્રતિક્રમણ કરવું. પરદોષ જોવાની તો પહેલેથી એમને હેબીટ (ટેવ) હતી જ ને, એમાં નવું છે જ નહીં. એ હેબીટ છૂટે નહીં એકદમ. એ તો આ પ્રતિક્રમણથી છૂટે પછી. જ્યાં દોષ દેખાયા ત્યાં પ્રતિક્રમણ કરો. શૂટ ઑન સાઈટ !

નિશ્ચય કરવો એ શું છે ?

પ્રશ્નકર્તા : હજુ પ્રતિક્રમણ થવાં જોઈએ એ થતાં નથી.

દાદાશ્રી : એ તો જે કરવું હોય ને ?! એનો નિશ્ચય કરવો પડે.

પ્રશ્નકર્તા : નિશ્ચય કરવો એટલે એમાં કરવાનો અહંકાર આવ્યોને પાછો ? એ શું વસ્તુ છે ? એ સમજાવો.

દાદાશ્રી : કહેવા માટે છે, કહેવા માત્ર છે.

પ્રશ્નકર્તા : ઘણા લોકો એમ સમજે છે, મહાત્માઓમાં કે, આપણે કંઈ કરવાનું જ નહીં, નિશ્ચયે નહીં કરવાનો.

દાદાશ્રી : ના, મને પૂછે તો હું એને કહું કે, એ અહંકાર વગર નિશ્ચય શી રીતે થઈ શકે ? એ નિશ્ચય એટલે શું કે ડિસાઈડેડપૂર્વક કરવું. ડિસાઈડેડ એટલે શું ? આ નહીં ને, 'આ' બસ. આમ નહીં ને આમ હોવું જોઈએ.

એવું આપણે રોંગ બિલિફ તો ના કહેવાયને, પણ આવી રીતે શબ્દથી બોલવું પડે તો વાત પહોંચે. નહીં તો પહોંચે જ નહીંને. પણ આ પહોંચે.

પ્રતિક્રમણ મોડેથી થાય ?

પ્રશ્નકર્તા : મહીં ઉત્પાત્ત થયો હોય, ત્યારે 'શૂટ ઑન સાઈટ' એનો નિકાલ કરતાં ના આવડે પણ સાંજે દસ-બાર કલાક પછી એમ વિચાર આવે કે આ બધું ખોટું થયું તો એનો નિકાલ થઈ જાય ખરંુ ? મોડેથી થાય તો ?

દાદાશ્રી : હા. મોડેથી થાય તો એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. ખોટું થયા પછી પ્રતિક્રમણ કરવું કે આ મારી ભૂલ થઈ હવે ફરી નહીં કરંુ. હે દાદા ભગવાન ! મારી ભૂલ થઈ. હવે ફરી નહીં કરંુ.

પ્રશ્નકર્તા : સ્વરૂપજ્ઞાન લીધા પછી કંઈ કર્મો થયા. દા.ત. કોઈ વખત અતિક્રમણ કોઈની જોડે થઈ જાય. તો તરત જ આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન થતું નથી.

દાદાશ્રી : શા કારણથી થતું નથી ?

પ્રશ્નકર્તા : તરત ના થઈ જાય.

દાદાશ્રી : તરત ના થાય તો બે કલાક પછી કરો. અરે, રાત્રે કરો, રાત્રે યાદ કરીને કરો. રાત્રે યાદ કરીને ના થાય, કે આજે કોની જોડે અથડામણમાં આવ્યા ? એવું રાત્રે ના થાય ? અરે, અઠવાડિયે કરો. અઠવાડિયે બધાં ભેગાં કરો. અઠવાડિયામાં જેટલાં અતિક્રમણ થયાં હોય એ બધાના ભેગા હિસાબ કરો.

પ્રશ્નકર્તા : પણ એ તરત થવું જોઈએ ને ?

દાદાશ્રી : તરત થાય એના જેવી તો વાત જ નહીં. આપણે ત્યાં તો ઘણાં ખરાં બધાં 'શૂટ ઑન સાઈટ' જ કરે છે. દેખો ત્યાંથી ઠાર કરો. દેખો ત્યાંથી ઠાર.

અજાગૃતિનાં પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : હું જ્યારે દાદાનું નામ લઉં કે આરતી કરું, તોય મન બીજે ભટક્યા કરે. પછી આરતીમાં કંઈ જુદું જ ગાઉં. પછી લીટીઓ જુદી જ ગવાઈ જાય. પછી તન્મયાકાર થઈ જાઉં. વિચાર આવે એમાં તન્મયાકાર થઈ જવાય. પછી થોડીવાર રહીને પછી પાછો આવી જઉં એમાં.

દાદાશ્રી : એવું છેને, તે દહાડે પ્રતિક્રમણ કરવું. વિચાર આવે તો વાંધો નથી, વિચાર આવે ત્યારે આપણે 'ચંદુલાલ'ને જોઈ શકતાં હોય, કે 'ચંદુલાલ'ને વિચારો આવે છે, એ બધું જોઈ શકતાં હોય તો આપણે ને એ બે જુદા જ છે. પણ તે વખતે જરા કચાશ પડી જાય છે.

પ્રશ્નકર્તા : જાગૃતિ જ નથી રહેતી તે વખતે.

દાદાશ્રી : તે એનું પ્રતિક્રમણ કરી લેવું કે આ જાગૃતિ ના રહી, તે બદલ પ્રતિક્રમણ કરું છું. દાદા ભગવાન ક્ષમા કરજો.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાનું બહુ મોડું યાદ આવે કે આ માણસનું પ્રતિક્રમણ કરવાનું હતું.

દાદાશ્રી : પણ યાદ આવે ખરું ને ? સત્સંગમાં વધારે બેસવાની જરૂર છે. બધું પૂછી લેવું પડે. ઝીણવટથી વિજ્ઞાન છે. બધું પૂછી લેવાની જરૂર.

એ તમને હું વિધિ કરી આપીશ. તમારી ઇચ્છા છતાંય નથી થતું ?

પ્રશ્નકર્તા : હા, ઇચ્છા તો ખરી જ.

દાદાશ્રી : હા. ઇચ્છા હોવા છતાં ય નથી થતું ? અરે ! પ્રેક્ટિસ પડી નથી. તે એ પ્રેક્ટિસ પહેલી પાડવી પડે. પહેલાં બે, ત્રણ, ચાર દા'ડા પ્રેક્ટિસ આપણે પાડવી પડે.

આપણને ડૉક્ટરે કહ્યું હોય કે આજે જમણા હાથે જમશો નહીં તો ય જમતી વખતે જમણો હાથ મહીં પેસી જાય.

પ્રશ્નકર્તા : સતત તમારો ખ્યાલ હોય તો પ્રયત્ન નથી કરવો પડતો. સ્હેજાસ્હેજ થઈ જાય છે.

દાદાશ્રી : હા. આ બધું સ્હેજાસ્હેજ થઈ જાય એવું છે. આમાં કશું કરવું નથી પડતું. એટલે તમને હું કરી આપીશ.

પ્રશ્નકર્તા : હજુ પ્રતિક્રમણ કરું છુંને, આનંદ થાય છે, ગમે છે. પણ જોઈએ એવાં દોષો દેખાવા જોઈએને ? એ થતું નથી.

દાદાશ્રી : એ હવે દેખાશે. હજુ વાર લાગશે. દોષો દેખાશે !!! એ તો વાર લાગશે, એ તો પાતળું થશે, ત્યારે દેખાશે. હજુ તો જાડું ચાલે છે બધું. પણ આ પ્રતિક્રમણ કરવાથી પાતળું થશે તારું !

દોષ દેખાવા સહેલી વસ્તુ નથી ! પાછા એકદમ અમે તો ઊઘાડ કરી આપીએ, પણ એની દ્રષ્ટિ હોય કે મારે જોવા છે તો દેખાયા કરે. એટલે પોતે જમવાની થાળીમાં હાથ તો ઊંચો કરવો પડેને ? એમ ને એમ કંઈ જમવાનું મારા મોઢામાં જાઓ !! એમ કંઈ ચાલે ? પ્રયત્ન તો હોવા જ જોઈએ ને !

માણસનો દોષ થવો સ્વભાવિક છે. એનાથી વિમુક્ત થવાનો રસ્તો કયો ? એકલા 'જ્ઞાની પુરુષ' જ એ દેખાડે, 'પ્રતિક્રમણ'.

સામો સાવ અજાણ, ત્યારે...

પ્રશ્નકર્તા : કોઈ વાર એવું બને ખરું ? કે આપણને ભૂલ લાગતી હોય છતાં સામા માણસને ધ્યાનમાં પણ ના હોય, એવું બને ખરું ?

દાદાશ્રી : હા. એ તો મને બધાની ભૂલ લાગતી હોય, પણ એમને ખબર જ ના હોય.

પ્રશ્નકર્તા : એમ નહીં. પણ મને લાગે કે, મેં તમારી ભૂલ કરી. પણ આપને થયું જ ના હોય કે, એણે મારી ભૂલ કરી છે તો હું જે પસ્તાવો કરું એનું શું થાય ?

દાદાશ્રી : હા. તો તમે પસ્તાવો કરો કે મેં ભૂલ કરી, તો તમે છૂટી ગયા. પેલાને સમજણ હોય કે ના હોય, એમાં આપણે શું ?

પ્રશ્નકર્તા : મને થયું કે, મેં ભૂલ કરી છે ?

દાદાશ્રી : હા. એની પોસ્ટ ઑફિસ બંધ હોય, તેમાં આપણે શું ? આપણી પોસ્ટ ઑફિસ ચાલુ છેને ! આપણે અવળો સિક્કો માર્યો. આ અવળો વાગ્યો, તો સવળો મારી દેવાનો.

પ્રશ્નકર્તા : અથવા તો એવી બુદ્ધિ જ હશે ? કે થોડે થોડે દિવસે કંઈક ભૂલ શોધીને ડખો કર્યા કરે છે.

દાદાશ્રી : એ શું ડખો કરે ?

પ્રશ્નકર્તા : કે આ તારી ભૂલ થઈ ગઈ, આવું તારે નહોતું કરવું.

દાદાશ્રી : હંઅ !! તો સારું જ કહે છેને ? પણ આવું ચેતવનારો કોણ મળે ?

પ્રશ્નકર્તા : પણ દાદા, કદાચ એ ભૂલ ના થઈ હોય, છતાં.

દાદાશ્રી : ના. ભૂલ ના થઈ હોય એવું નહીં, ભૂલ થઈ હોય તો જ કહે. મહીં ચેતવે છે. એ કોણ ચેતવે આ દુનિયામાં ?! કોઈ ચેતવવા ના આવે. આ મહીં જ્ઞાન મૂક્યું છે, એ ચેતવ્યા કરે. નિરંતર ચેતવે !!!

દ્વેષ ગયો તે જ ખુદા !

મહીં પ્રતિક્રમણ એની મેળે થયા કરે. લોક કહે છે, એની મેળે જ પ્રતિક્રમણ થઈ જાય છે ? મેં કહ્યું, 'હા, ત્યારે કેવુંક મેં મશીન મૂક્યું છે ? તે બધું પ્રતિક્રમણ ચાલુ થઈ જાય. તારી દાનત ચોક્કસ હોય ત્યાં સુધી બધું તૈયાર હોય.

પ્રશ્નકર્તા : એ હકીકત છે દાદા, પ્રતિક્રમણ સહેજે થયા કરે. અને બીજું આ વિજ્ઞાન એવું છે કે સહેજે ય દ્વેષ ના થાય.

દાદાશ્રી : હા. ના થાય.

પ્રશ્નકર્તા : એ એક અજાયબી છે, દાદા !!!

દાદાશ્રી : એને જ ખુદા કહેવાય ! દ્વેષ ના હોય તેને ખુદા કહેવાય.

એમ ના બોલાય.....

પ્રશ્નકર્તા : આ ભાઈ કહે છે, મારા જેવાને પ્રતિક્રમણ ના થાય એ શું કહેવાય ?

દાદાશ્રી : એ તો મહીં થતા હોય પણ ખ્યાલ ના આવે. એટલે એક ફેરો બોલ્યા કે, 'મને થતાં નથી' એટલે પેલું બંધ થઈ જાય. પેલું મશીન બંધ થઈ જાય. જેવું ભજે એવી ભક્તિ, એ તો મહીં થયા કરે. અમુક ટાઈમ પછી થાય.

પ્રશ્નકર્તા : આપણાથી કોઈને દુઃખ થાય એ વસ્તુ આપણને ગમે નહીં. બસ એટલું જ રહે. પછીથી આગળ વધે નહીં. પ્રતિક્રમણ જેવું આગળ થાય નહીં.

દાદાશ્રી : એ તો આપણે મહીં જેવું બોલીએ એવું મશીન મૂકેલું છે, તે ચાલે ! જેવું ભજો એવો થઈ જાય. તમે કહો કે 'મને આમ થતું નથી' તો એમ થાય. અને કહો, 'એટલાં બધાં પ્રતિક્રમણ થાય છે કે હું થાકી જાઉં છું.' તો મહીં પેલું થાકી જાય. એટલે પ્રતિક્રમણ કરનાર કરે છે. તું તારી મેળે હાંક્યે રાખ ને આગળ ૫૦૦, ૫૦૦ પ્રતિક્રમણ થઈ રહ્યાં હોય છે. તું હાંક્યે રાખને કે 'મારાથી પ્રતિક્રમણ થાય છે.'

આ વિજ્ઞાન સર્વસ્વ દોષને નાશ કરનારું છે. વીતરાગ બનાવનારું છે. આપણે પ્રતિક્રમણ કરવાં છે એ નક્કી કરીએ એટલે પ્રતિક્રમણ થઈ જાય. 'નથી થતાં' બોલીએ તો પછી ઊધું થાય. નથી થતાં એવું ના બોલવું. થાય જ !! કેમ ના થાય ?

દરરોજ રાત્રે પ્રતિક્રમણ !

તમારે પ્રતિક્રમણ કાઢી નાખવું છે ? શી રીતે બને ? એ તો એ જ મુખ્ય, એ જ ટિકિટ.

પ્રશ્નકર્તા : ઊલટાં પ્રતિક્રમણ કેમ વધારે થાય એવું જોઈએ.

દાદાશ્રી : હંઅ ! એ જાગૃતિપૂર્વક થાય. રોજ કરવાનું. આખા દિવસનું પ્રતિક્રમણ કરવાનું આમ ઑન ધી મોમેન્ટ. તરત ને તરત ના થતાં હોય તો. આખા દિવસનું સંભારી સંભારીને સાંજે કરવાનાં. સવારમાં કરવાં જોઈએ. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન.

આલોચનામાં દાદા ભગવાનને કહેવું કે, આવું આવું થઈ જાય છે. હજુ આવું ના થવું જોઈએ, છતાં થયું છે. તે બદલ હું પશ્ચાતાપ કરું છું, હવે ફરી નહીં કરું એવો નિશ્ચય કરું છું.

પ્રશ્નકર્તા : આખા દિવસમાં બન્યું હોય તે અને સવારથી સાંજ સુધી બન્યું હોય તે, સાંજના 'ચંદુલાલ'ની ખબર લઈ નાખું ! તમે સાચું-ખોટું શું કર્યું ? તેનો બધો હિસાબ સાંજના કરી લે.

દાદાશ્રી : એવું છેને ! બને ત્યાં સુધી શૂટ ઑન સાઈટ રાખવું. થઈ ગયું ને તરત જ પ્રતિક્રમણ કરવું. અને ના બને તો સાંજે ભેગા કરીને કરવું. પણ ભેગાં રહી જશે બે-ચાર. એ ક્યાં રાખવાં જોઈએ ?! અને કોણ રાખે એને ? એ તો 'શૂટ ઑન સાઈટ'નો આપણો ધંધો છે !!!

નથી જન્મ લઢવા માટે !

પ્રશ્નકર્તા : દોષો માટે તો સંપૂર્ણ જાગૃતિ રાખવાની છે. એની પાછળ પડવાનું છે.

દાદાશ્રી : દોષોનો નિવેડો લાવવાનો છે. નિકાલ કરી નાખવાનો છે.

પ્રશ્નકર્તા : દોષોનું પ્રતિક્રમણ કરીએ છીએ, એમાં અંદર જે પ્રક્રિયા થાય છે, તેમાં દોષનો નિવેડો આવે છે, શૂટ શબ્દ કરતાં નિવેડો આવે છે.

દાદાશ્રી : એ તો ગમ્મતને માટે શૂટ શબ્દ છે. શૂટ તો શૂરાતન રહે, લોક સાંભળે તો શૂરાતન આવેને !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણની પ્રક્રિયાથી દોષનો એન્ડ આવે, સમાધાન કરીને નિવેડો આવતો હોય છે.

દાદાશ્રી : સમાધાન થાય પછી, શૂટ-બૂટ કરવાનું ત્યાં ન હોય. આપણું વિજ્ઞાન શું કહે છે ? તું પેલાને મારીને આવ્યો તો પ્રતિક્રમણ કર. ખરી રીતે ભગવાન શું કહે છે ? નિવડો લાવો. નિકાલ કરો. ઠેઠ સુધી લઢશો નહીં, લઢવા માટે જન્મ નથી. ભગવાને 'માર' શબ્દ લખવા ન દીધો. 'માર' ના લખશો કહે છે. 'માર' શબ્દથી જ હિંસાની મહીં શરૂઆત થાય છે.

ત્યારે જ આયુષ્ય ઊડે !

પ્રશ્નકર્તા : 'શૂટ ઑન સાઈટ' પ્રતિક્રમણ કરે છે તે પણ એક ધ્યાનનું પરિવર્તન જ છેને ?

દાદાશ્રી : હા. એ ધ્યાનનું જ પરિવર્તન છે.

પ્રશ્નકર્તા : 'શૂટ' કર્યું એટલે એણે પુદ્ગલને નષ્ટ કર્યું, જે 'વ્યવસ્થિત'માં હતું તેમાં ડખલ કરી. તો બીજો જન્મ થાય તે કેવો આવે ?

દાદાશ્રી : એય એના જેવો ને જેવો જ આવે. જે લિંક છે એવી ને એવી આવે.

પ્રશ્નકર્તા : જે 'શૂટ' કરીને ફેરવી નાખે છે, તેનું એટલું જ આયુષ્ય કે ટૂંકું ?

દાદાશ્રી : એ આયુષ્ય એનું અહીંયા તૂટી જવાનું હતું, એટલે તે ઘડિયે તૂટવાના બધા 'સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' ભેગા થાય ને આયુષ્ય ઊડી જાય, ભમરડો ઝટપટ ફરી જાય !

તારે કેમનું રહે છે ?

પ્રશ્નકર્તા : પાંચસોથી હજાર દોષો દેખાય છે.

દાદાશ્રી : જુઓને, રોજ પાંચસો દોષ દેખાય છે. તું અહીં પેપરમાં લખું તો તારે ત્યાં બીજે દહાડે દર્શન કરવા આવે લોકો !! બાકી કોઈને દોષ દેખાતા હશે ? પાંચ દોષ ના દેખાય ! મોટા મોટા આચાર્યો છે, પણ એમને દોષ ના દેખાય !

હવે તમારી પોતાની કેટલી ભૂલો દેખાય છે મહીં ?

પ્રશ્નકર્તા : અનેક.

દાદાશ્રી : ત્યાર પછી ?! જો એક જ દેખાય તો ભગવાન ગણાય. તો બધી દેખે ત્યારે શું થાય ?

પ્રશ્નકર્તા : દરેક પળે પળે ભૂલ દેખાય છે દાદા.

દાદાશ્રી : હા. પળે પળે દેખાય. અને પળે પળે પ્રતિક્રમણ કરવાં પડે.

નહીં ક્રમિકમાં આટલો ઉઘાડ !

'શૂટ ઑન સાઈટ' થયું ત્યારથી એ જ્ઞાની કહેવાય. દોષ દેખાયો અને 'શૂટ આઉટ' કરે. એ જ્ઞાની કહેવાય.

ક્રમિક માર્ગમાં જ્ઞાનીઓને 'શૂટ ઑન સાઈટ' કરે, પણ એમને આવો ઊઘાડ ના હોય. આટલો બધો ઊઘાડ ના હોય.

જજમન્ટ ક્લીયર !

પ્રશ્નકર્તા : આપણે દોષોનું પ્રતિક્રમણ તો કરીએ, પણ એવા સામાના ગુણ હોય એ માટે શું કરવું ? એના માટે પ્રતિક્રમણ કરવાં ?

દાદાશ્રી : એમાં તો એ ગુણથી, એની સાથે ભાવથી જ આપણું વર્તન સારું હોય. એમાં બીજું કરવાનું હોતું નથી.

કર્મ બહુ ચીકણું હોય ને ગાંઠ હોય, ત્યારે માણસ ભૂલ ખાય. એનો પસ્તાવો કરીએ, એટલે એ આવતા ભવમાં ધોઈ શકીએ એવું ઢીલું થઈ જાય. આ પ્રતિક્રમણ કરવાથી દોષ રહે ખરો, પણ તે કેટલો ? કે આ ગાંઠ દેકાય ખરી, પણ આવતા ભવે હાથ અડાડવાથી ખરી પડે. આ પ્રતિક્રમણ કરવાથી બળ મળે, રીફંડ (વળતર) મળે ખરું ! એટલે મહીં પ્રતિક્રમણ થાય તો ધોવાઈ જાય. એને પોતાની ભૂલ દેખાવી જ જોઈએ. શું ભૂલ થઈ તે. તરત ઑન ધી મોમેન્ટ ભૂલ દેખાવી જ જોઈએ. કારણ કે એટલું તો જજમેન્ટ આપણું હોય, જજમેન્ટ ક્લીયર (સ્પષ્ટ ન્યાય) હોવું જોઈએ. ક્લીયર જજમેન્ટ હોય તો જ કામ થાય.

છાવરે અહંકારને !

જ્યારથી દોષ દેખાતો થયો, ત્યારથી જાણવું કે, મોક્ષમાં જવાની ટિકિટ આવી ગઈ. પોતાનો દોષ કોઈને દેખાય નહીં. મોટા-મોટા સાધુ-આચાર્યોને પણ ! પોતાનાં દોષ એમને ના દેખાય. મૂળમાં મોટામાં મોટી ખામી આ. અને આ વિજ્ઞાન એવું છે કે, આ વિજ્ઞાન જ તમને નિષ્પક્ષપાત રીતે જજમેન્ટ આપે છે. પોતાના બધા જ દોષ ખુલ્લા કરી આપે. થઈ ગયા પછી કરી આપે, પણ ખુલ્લા કરી આપે છેને ? હમણે થઈ ગયું, તે થઈ ગયું !! એ તો જુદું છે, ગાડીની સ્પીડ (ઝડપ) ભારે હોય તો કપાઈ જાયને ? પણ ત્યારે ખબર પડીને ?

કોઈને ય ખબર ના પડે ! આ સાધુ-સંન્યાસી, આચાર્યોને, કોઈને ય ખબર ના પડે કશી ! દોષ થયેલો ખબર ના પડે. ને 'શૂટ ઑન સાઈટ' કરે નહીં. વખતે પોતાને એમ લાગે કે દોષ થયો છે જરા.

બહુ ભારે દોષ થયો હોય તો મનમાં એમ સમજે કે આ ખોટું થયું. પણ પછી કો'ક એમને આવીને કહે કે, 'મહારાજ, આ શિષ્ય જોડે આવું કેમ કર્યું ?' ત્યારે પોતે ભૂલ થઈ છે, એવું જાણે છે છતાં, અવળું બોલે. શું બોલે ? 'તમે સમજતાં નથી, એ મારો શિષ્ય કેવો છે ? એવું જ કરવા જેવો છે.' એવું બોલે ! વાંકું બોલે ઊલટું !! જ્યાં ટેકરો હતો, ત્યાં જ ખાડો કરી આપે પાછો ! એનો અહંકાર સાચવવા માટે કરે ખરાં કોઈ ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એનો અહંકાર સાચવવા માટે બધું જ કરે. મોટા મોટા સાધુ-આચાર્યો બધાંય એવું કરે. કારણ કે અહંકારને તો સાચવવો જ પડેને ? નહીં તો કોની જોડે સૂઈ જાય એ ? સૂઈ કોની જોડે જવાનું ? ભલે સ્ત્રી ના હોય પણ અહંકાર જોડે સૂઈ જવાનું ફાવેને ? હવે અહંકારને સાચવે નહીં તો સૂઈ કોની જોડે જાય ? એટલે એને પહેલાં સાચવે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21