ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



પ્રતિક્રમણ

૨૩. મન માંડે મોંકાણ ત્યારે....

માનસિક પ્રતિકારનું શું ?

પ્રશ્નકર્તા : કો'ક વખત આવું અપમાન કરી નાખે તો ત્યાં મનના પ્રતિકાર ચાલુ રહે, વાણીનો પ્રતિકાર કદાચ ના થાય.

દાદાશ્રી : આપણે તો એ વખતે શું બન્યું એનો વાંધો નહીં. અરે દેહનો ય પ્રતિકાર થઈ ગયો, તોય એ જેટલી જેટલી શક્તિ હોય, એ પ્રમાણે વ્યવહાર હોય છે. જેની સંપૂર્ણ શક્તિ ઉત્પન્ન થયેલી હોય, તેને મનનો પ્રતિકારે ય બંધ થઈ જાય, છતાં આપણે શું કહીએ છીએ ? મનથી પ્રતિકાર ચાલુ રહે, વાણીથી પ્રતિકાર થઈ જાય, અરે દેહનો ય પ્રતિકાર થઈ જાય. તો ત્રણેય પ્રકારની નિર્બળતા ઊભી થઈ તો ત્યાં ત્રણે ય પ્રકારનું પ્રતિક્રમણ કરવું પડે.

પ્રશ્નકર્તા : વિચારનાં પ્રતિક્રમણ કરવાં પડે ?

દાદાશ્રી : વિચાર જોવાના. એનાં પ્રતિક્રમણ નહીં. બહુ ખરાબ વિાર હોય કો'કના માટે, તો એના માટે પ્રતિક્રમણ કરવાં પડે. પણ કોઈને નુકસાન કરનારી ચીજ હોય ત્યારે જ. એમ ને એમ આવે, બધે ગમે તેવું આવે, ગાયના, ભેંસના બધી જાતના વિચાર આવે, એ તો આપણા જ્ઞાનથી ઊડી જાય. જ્ઞાને કરીને જોઈએ તો ઊડી જાય. એને જોવાના ખાલી, એનાં પ્રતિક્રમણ ના હોય. પ્રતિક્રમણ તો આપણું કોઈને તીર વાગ્યું હોય, તો જ હોય.

આ આપણે અહીં સત્સંગમાં આવ્યા ને અહીં માણસો ઊભા હોય તો થાય કે આ બધા શું ઊભા છે ? તે મનમાં ભાવ બગડે, તે ભૂલ માટે તેનું તરત જ પ્રતિક્રમણ કરવું પડે.

પ્રશ્નકર્તા : એવો ભાવ બગડ્યો હોય તો પણ કરવાનો ?

દાદાશ્રી : હા. અભાવ થયો હોય, એવું તેવું થયું હોય, મનમાં સ્હેજ તિરસ્કાર થયો હોય, તો ય પણ પ્રતિક્રમણ કરવાનું. મન બગડવું કોને કહેવાય ? મન એકલું બગડતું નથી. આખું અંતઃકરણ બગડે છે. આખી પાર્લામેન્ટનો ઠરાવ થાય ત્યારે પ્રતિપક્ષી ભાવ ઉત્પન્ન થાય છે. 'સામાને આમ કરી નાખું, તેમ કરી નાખું' તેમ થાય. આ એકલા મનનું કારણ નથી. મન તો જ્ઞેય છે, વીતરાગી સ્વભાવનું છે. મન બગડી જાય તો પ્રતિક્રમણ કરી નાખવું. અંતઃકરણની પાર્લામેન્ટનો ઠરાવ થઈ જવો અને મન બગડવું એ બે જુદી વસ્તુ છે. જો પ્રતિક્રમણ કરીએને એટલે મન ટાઢું પડી જાય. તે હવે પ્રતિક્રમણ કરે. એટલે મન હઉ ટાઢું પડી જાય. પ્રતિક્રમણ કરાય કરાય કરવાં બધાંનાં !

પ્રશ્નકર્તા : બપોરે પ્રતિક્રમણ કરાવ્યા'તાં.

દાદાશ્રી : તોય ફરી કરાય કરાય કર. જેટલાં પ્રતિક્રમણ કરીશ એટલાં મહીં મજબૂત થશે આ. જો વિચાર બગડ્યો તો ડાઘ પડશે, માટે વિચાર ના બગાડશો. એ સમજવાનું છે. આપણા સત્સંગમાં તો ખાસ ધ્યાન રાખવાનું કે વિચાર ના બગડે. વિચાર બગડે તો બધું બગડે. વિચાર આવ્યો કે, હું પડી જઈશ એટલે પડ્યો. માટે વિચાર આવે કે તરત જ પ્રતિક્રમણ કરો, આત્મસ્વરૂપ થઈ જાવ. જો તમને મનને ખૂંચે એવું હોય તેનું પ્રતિક્રમણ હોય. આ મને હાર ચઢાવ્યો, તેનું પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. આય 'ક્રેડીટ' છે. બહુ મોટી 'ક્રેડીટ' છે.

ભાવ બગડે ત્યારે..

તમે અત્યારે અહીં આવ્યા ને અહીં આગળ બહુ ભીડ હોય તો કો'કને ેમ વિચાર આવે કે, આ અત્યારે પાછો ક્યાંથી આવ્યો ? એવા મહીં વિચાર આવી જાય અને પાછી વાણી કેવી નીકળે ? આવો, આવો, પધારો. વિચાર આવ્યો તે અતિક્રમણ કહેવાય. એનું પ્રતિક્રમણ કરવું જોઈએ.

અંદરના ભાવ ના બગાડવા. બહારના ગમે તેવા હોય.

પ્રશ્નકર્તા : અંદર ને બહાર બન્ને ઉત્તમ હોય તો ?

દાદાશ્રી : તેના જેવું તો એકુંય નહીંને ! વખતે મહીં બગડ્યું હોય તો પ્રતિક્રમણ કરી નાખવું.

સામટું પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્મના ફળનાં કરવાનાં કે સૂક્ષ્મનાં કરવાનાં ?

દાદાશ્રી : સૂક્ષ્મનાં હોય.

પ્રશ્નકર્તા : વિચારનાં કે ભાવનાં ?

દાદાશ્રી : ભાવનાં. વિચારની પાછળ ભાવ હોય જ. અતિક્રમણ થયું તો પ્રતિક્રમણ કરવું જ જોઈએ. અતિક્રમણ તો મનમાં ખરાબ વિચાર આવે, આ બહેનને માટે ખરાબ વિચાર આવ્યો, એટલે 'વિચાર સારો હોવો જોઈએ,' એમ કહી એને ફેરવી નાખવું. મનમાં એમ લાગ્યું કે આ નાલાયક છે, તો એ વિચાર કેમ આવે ? આપણને એની લાયકી, નાલાયકી જોવાનો રાઈટ (અધિકાર) નથી. અને બાધે-ભારે બોલવું હોય તો બોલવું કે, 'બધા સારા છે' સારા છે, કહેશો તો તો તમને કર્મનો દોષ નહીં બેસે, પણ જો નઠારો કહ્યો તો એ અતિક્રમણ કહેવાય. એટલે તેનું પ્રતિક્રમણ અવશ્ય કરવું પડે.

એટલે ફરી આવો પાછો વિચાર આવે તો તે ભરેલો માલ છે, તેના વિચાર આવવાના. સ્ટોક તો જેવો હોય તેવો નીકળ્યા કરશે. અને એક માણસમાં કશી સમજણ નથી છતાં પણ મનમાં એમ લાગે હું બહુ ડાહ્યો છું. એ સ્ટોક થયેલું. એ કંઈ એને નુકશાન કરતો નથી. એટલે એને પ્રતિક્રમણ કરવાની જરૂર નથી.

વિચાર આવે તો ખરા. પણ તેને નિર્માલ્ય કરી નાખવા. પ્રતિક્રમણ કરી નાખવું. વિચાર નિર્જીવ છે.

એના શુદ્ધાત્માને કેવી રીતે પહોંચે ? 'દેહધારી ચંદુભાઈ, ચંદુભાઈની માયા, ચંદુભાઈના મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી ભિન્ન એવા હે પ્રગટ શુદ્ધાત્મા ! આ તાર તમને પહોંચે. તમારા પ્રત્યે મારામાં આ વિચાર આવ્યો તે બદલ હું એની ક્ષમા માગું છું અને પ્રતિક્રમણ કરું છું. હવે ફરી નહીં કરું.

આંટી પડ્યા વગર વિચાર જ ના આવે. જેવો વિચાર આવે તેનું અવશ્ય પ્રતિક્રમણ કરવું. એટલે સામટાં પ્રતિક્રમણ કરવાં. આ દશ મિનિટમાં જે જે વિચાર આવ્યા હતા, એ બધાનું સામટું પ્રતિક્રમણ હું કરું છું.

એનું નામ સમભાવે નિકાલ !

પ્રશ્નકર્તા : ઘણા દોષો એવા થતા હોય છે જેમ કે કોઈ વ્યક્તિ આપણી સામે આવીને ઊભી રહે. તેને જોતાંની સાથે જ આપણને મનમાં એવો ભાવ થયો કે આ માણસ નકામો છે. તો પ્રતિક્રમણ ત્યાં જ કરવું જોઈએ ? પ્રતિક્રમણ કરવાનું કદાચ રહી જાય તો ?

દાદાશ્રી : રહી જાય તો વાંધો નહીં. રહી જાય તેનું બાર મહિને ભેગું કરીએ તો ય ચાલે. ત્રણ મહિને, છ મહિને કરી નાખવું. તો ય ચાલે પણ એનો દુરુપયોગ ના કરશો, કે બાર મહિને થયા છે, તે ભેગાં જ પછીથી કરીશું. પ્રતિક્રમણ કરવાનું ભૂલી ગયો હો તો પછીથી ભેગા કરીને થાય.

કોઈ એવો ડફોળ માણસ સામો મળ્યો હોય, તો છેટેથી દેખતાની સાથે એમ લાગેને, કે આ ફાઈલ આવી છે, તે સમભાવે નિકાલ કરવા જેવું છે. મહીં ચેતવે ? કે ભૂલી જાય ? પહેલેથી ચેતવે ? તને હઉ ચેતવે ? એટલે મોટામાં મોટો ધર્મ સમભાવે નિકાલ કરવો. અને આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન. અને છતાં ય મહીંથી કોઈને માટે ખરાબ પૌદ્ગલિક ભાવ નીકળે તો 'એને' પ્રતિક્રમણ કરવાનું કહેવું. જ્યાં આગળ ડાઘ પડ્યા હોય તે ધોઈ નાખવાના. સાફ કરી નાખવાના. નવા ડાઘ પાડવાના નહીં એનું નામ 'સમભાવે નિકાલ'.

સામાના ભાવ બગડે, ત્યાં....

પ્રશ્નકર્તા : ધારો કે આપણે કંઈ ભાવ ના બગડ્યો હોય, પણ સામાને વાતચીત કરતાં મોઢા પરથી રેખાઓ બદલાઈ ગઈ, આપણા માટે સામાનો ભાવ બગડ્યો, તો તેના માટે આપણે કયા પ્રકારનું પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : આપણે પ્રતિક્રમણ કરવાનું. કારણ કે મારામાં શું દોષ રહ્યા છે કે આનો ભાવ બગડી જાય છે. ભાવ બગડી ના જવો જોઈએ. ભાવશુદ્ધિ જ રહેવી જોઈએ.

પ્રશ્નકર્તા : આપણે બે જણા વાત કરતા હોઈએ ને એમાં ત્રીજી કોઈ વ્યક્તિ એકદમ આવી પડે, હવે એ તો કશું બોલી ચાલી નથી, એમ ને એમ ઊભી છે, પણ એમાં તમારા ભાવ બગડ્યા, મોઢા પરની રેખાઓ બદલાઈ, તે જોઈ મને એમ થાય કે આ આમ કેમ ભાવ બગાડે છે ? તો તેનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું ?

દાદાશ્રી : આપણે તો સામાના ભાવ કેમ બગડ્યા, એમ તપાસ કરીએ છીએને ? એ ગુનો છે. એ ગુના બદલ આપણે પ્રતિક્રમણ કરવાનું. સામાનું જો મોઢું ચઢેલું દેખાયું, તો તે તમારી ભૂલ. ત્યારે તેના 'શુદ્ધાત્મા'ને સંભારીને એના નામની માફી માંગ માંગ કરી હોય તો ઋણાનુબંધમાંથી છૂટાય.

ત્યારે થવાય વીતરાગ !

ના ગમતું ચોખ્ખા મને સહેવાઈ જશે ત્યારે વીતરાગ થવાશે.

પ્રશ્નકર્તા : ચોખ્ખું મન એટલે શું ?

દાદાશ્રી : ચોખ્ખું મન એટલે સામાને માટે ખરાબ વિચાર ના આવે તે, એટલે શું ? કે નિમિત્તેને બચકાં ના ભરે. કદાચ સામા માટે ખરાબ વિચાર આવે તો તરત જ પ્રતિક્રમણ કરે અને તેને ધોઈ નાખે.

પ્રશ્નકર્તા : ચોખ્ખું મન થઈ જાય એ તો છેલ્લા સ્ટેજની વાત ને ? અને જ્યાં સુધી સંપૂર્ણ ચોખ્ખું નથી થયું, ત્યાં સુધી પ્રતિક્રમણ કરવાં પડે ને ?

દાદાશ્રી : હા. એ ખરું, પણ અમુક બાબતમાં ચોખ્ખું થઈ ગયું હોય અને અમુક બાબતમાં ના થયું હોય, એ બધાં સ્ટેપિંગ છે. જ્યાં ચોખ્ખું ના થયું હોય ત્યાં પ્રતિક્રમણ કરવું પડે.

બહારના સંજોગ હોય તો જ ફૂટે !

વિચારો મહીં પડેલી ગાંઠોમાંથી ફૂટે છે. 'એવિડન્સ' (પુરાવો) ભેગો થાય કે વિચાર ફૂટે. નહીં તો આમ બ્રહ્મચારી જેવો દેખાતો હોય પણ રસ્તામાં સંયોગ ભેગો થયો કે વિષયના વિચાર આવે !!!

પ્રશ્નકર્તા : એ વિચારો આવે છે તે વાતાવરણમાંથીને ? સંયોગિક પુરાવાના આધારે જ એના સંસ્કાર, એની સાથેના ભાઈબંધ, એ બધું જ સાથે મળે છેને ?

દાદાશ્રી : હા, 'એવિડન્સ' બહારનો મળવો જોઈએ. એના આધારે જ મનની ગાંઠો ફૂટે, નહીં તો ફૂટે નહીં.

પ્રશ્નકર્તા : એ વિચારોને ઝીલવા માટે દોરનાર કોણ ?

દાદાશ્રી : એ બધું કુદરતી જ છે. પણ તમારે જોડે જોડે સમજવું જોઈએ કે આ બુદ્ધિ ખોટી છે, ત્યારથી એ ગાંઠો છેદી નાખે. આ જગતમાં જ્ઞાન એકલો જ પ્રકાશ છે. આ મારું અહિતકારી છે, એવું મને સમજાય, એવું જ્ઞાન એને પ્રાપ્ત થાય, તો એ ગાંઠો છેદી નાખે.

આપણે શુદ્ધાત્માનો ચોપડો ચોખ્ખો રાખવો. તે રાત્રે ચંદુભાઈને કહેવું કે જેનો જેનો દોષ દેખાયો હોય તેની જોડે ચોપડો ચોખ્ખો કરી નાખવો. મનના ભાવો બગડી જાય તો પ્રતિક્રમણથી બધું શુદ્ધિકરણ કરી આપે. બીજો કોઈ ઉપાય નથી. ઇન્કમટેક્ષવાળો ય દોષિત ના દેખાય એવું રાત્રે કરીને સૂઈ જવાનું. ચંદુભાઈને કહેવાનું. આખું જગત નિર્દોષ જોઈને પછી ચંદુભાઈને સૂઈ જવા કહેવું.

પહોંચે, મનથી કરો તો ય !

તમે કોઈની જોડે ઝગડો કર્યો એ અતિક્રમણ કહેવાય. એ અતિક્રમણનું પ્રતિક્રમણ કરો. એટલે એનો પશ્ચાતાપ થઈ નિકાલ થઈ જાય.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ પ્રત્યક્ષમાં થવું જોઈએ ને ?

દાદાશ્રી : પ્રતિક્રમણ પાછળથી થાય તો ય વાંધો નથી.

પ્રશ્નકર્તા : મેં તમારી અવહેલના કરી હોય, અશાતના કરી હોય તો મારે તમારા પ્રત્યક્ષમાં આવીને પ્રતિક્રમણ કરવું જોઈએને ?

દાદાશ્રી : જો પ્રત્યક્ષ થાય તો સારી વાત છે. ન થાય તો પાછળ કરે, તો ય સરખું જ ફળ મળે.

પ્રશ્નકર્તા : પણ પેલાને પહોંચે કેવી રીતે ?

દાદાશ્રી : એ બધું અમે જાણીએ, કેવી રીતે પહોંચે. એ બુદ્ધિથી તમારે સમજાય એવું નથી. એ અમે 'જ્ઞાની પુરુષ' જાણીએ. તે અમે તમને કહીએ એટલું તમારે કરવાનું. બીજી ભાંજગડમાં, બુદ્ધિમાં તમે પડશો નહીં. વખતે એ ભેગા ના થાય તો આપણે શું કરવું ? એમ ને એમ બેસી રહેવું ? ભેગાં ના થયાં તો શું કરવું ? આ અમે કહીએ છીએ એ પ્રોસેસ (પ્રક્રિયા) છે.

આ કાળમાં વિરાધકો વધારે !

અમે શું કહ્યું, 'તમને દાદા માટે એવા ઊંધા વિચાર આવે છે, માટે તમે એનું પ્રતિક્રમણ કર્યા કરો.' કારણ કે એનો શો દોષ બિચારાનો. વિરાધક સ્વભાવ છે. આજનાં બધાં મનુષ્યોનો સ્વભાવ જ વિરાધક છે. દુષમકાળમાં વિરાધક જીવો જ હોય. આરાધક જીવો ચાલ્યા ગયા બધા. તે આ જે રહ્યા છે, એમાંથી સુધારો થાય એવા જીવો ઘણા છે, બહુ ઊંચા આત્માઓ છે હજુ આમાં !

તીર્થંકરો ને જ્ઞાનીઓ પ્રત્યે.....

અમારા વિષે અવળો વિચાર આવે તો પ્રતિક્રમણ કરી નાખવું. મન તો 'જ્ઞાની પુરુષ'નું ય મૂળીયું ખોદી નાખે. મન શું ના કરે ? દઝાયેલું મન સામાને દઝાડે. દઝાયેલું મન તો મહાવીરને ય દઝાડે.

પ્રશ્નકર્તા : 'જે ગયા તે કોઈનું કશું ધોળે નહીં.' તો મહાવીરનો અવર્ણવાદ તેમને પહોંચે ?

દાદાશ્રી : ના, એ સ્વીકારે નહીં. એટલે રીટર્ન વીથ થેંક્સ ડબલ થઈને આવે. એટલે પોતે પોતાના માટે માફી માગ માગ કરવાની. આપણને જ્યાં સુધી યાદ ના આવે એ શબ્દ, ત્યાં સુધી માફી માગ માગ કરવી. મહાવીરનો અવર્ણવાદ બોલ્યા હોય તો, માફી માગ માગ કરવાની. તે તરત ભૂંસાઈ જાય બસ. એમને પહોંચે ખરું, પણ એ સ્વીકાર ના કરે. તીર મારેલું પહોંચે ખરું, પણ એ સ્વીકાર ના કરે.

એ છે પરિણામ અશાતનાઓનું...

પ્રશ્નકર્તા : અમારા ગામમાં ચાલીસ દેરાસરો છે. છતાંય પણ એવી કઈ અશાતના થઈ છે કે, એવા કયાં કારણો છે કે, જેથી કરીને આ ગામનો અભ્યુદય થતો નથી ?

દાદાશ્રી : થશે. અભ્યુદય થશે. અને હવે અભ્યુદય થવાની તૈયારીમાં જ છે. તૈયારી જ છે.

પ્રશ્નકર્તા : કોઈ અશાતના થઈ છે ?

દાદાશ્રી : અશાતના વગર તો બધું થાય નહીં ને આવું. અશાતનાઓ જ થઈ છે ને બીજું શું છે !!

પ્રશ્નકર્તા : એના નિવારણ માટે કોઈ રસ્તો ?

દાદાશ્રી : નિવારણ તો, આપણે પશ્ચાતાપ, પ્રતિક્રમણ કરીએ તે, સાચું પ્રતિક્રમણ હંઅ, તો એ નિવારણ થાય. નહીં તો નિવારણ કોઈ રસ્તે થાય નહીં. આ તો પસ્તાવો કરીએ, કે અશાતના થઈ છે. એવું પશ્ચાતાપ કરીએ તો કંઈ ફેરફાર થઈ જાય. પણ બધા કરીએ ત્યારે ફેરફાર થાય. એકલા કરો તો કેટલુંક વળે ?!

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21