ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



પ્રતિક્રમણ

(૨) સામાયિકની પરિભાષા

લૌકિક સામાયિક !

પ્રશ્નકર્તા : સામાયિક એટલે શું ?

દાદાશ્રી : બહાર જે ચાલે છે એમાં મન સ્થિર રહ્યું એ સામાયિક કહેવાય.

બે જાતના સામાયિક. એક વ્યવહારમાં પ્રચલિત સામાયિક, કે જે મનને કુંડાળાની બહાર નીકળવા ના દે, આટલામાં જ રાખે. મનને સ્થિર કરવાનું. બહાર જાય તો હાંક હાંક કરે. દુકાને જાય તો પાછો ખેંચી લાવે, 'હેંડ, દુકાને નહીં જવાનું પાછું હેંડ.' જેમ એક ગાયને કુંડાળામાંથી ખસવા ના દે એવી રીતે.

સાસુનો વિચાર આવે તે પાછો એને ધક્કો મારે અહીંથી. કુંડાળામાંથી બહાર કાઢે, કુંડાળામાં પેસવા ના દે. જે વિચાર આવે તેને ધક્કો માર માર કરે આમ. પણ તો ય મન લપટું પડી ગયેલું, જતું જ રહેને ? લપટું એટલે શીશો આડો થયો એટલે બૂચ ક્યાંયે જતો રહે ! આમ મનને પાછું લાવીને પોતાની બાઉન્ડ્રીમાં (મર્યાદા) રાખ રાખ કરવું એનું નામ સામાયિક. એ અત્યારે વ્યવહારમાં જે ચાલે છે એ સામાયિક કહેવાય. મનને બાઉન્ડ્રીમાં રાખવું.

અને બીજા પ્રકારનું સામાયિક તે ભગવાન મહાવીરે કહેલું યથાર્થ સામાયિક, જે આપણે અક્રમમાં કરીએ છીએને !

અને એટલો ટાઈમ કોઈ ડખો ના કરે. નિરાંતે બેસે. એક જગ્યાએ પેલી શીશી મૂકી રાખે. ઉપરની રેતી નીચે પડે. નીચે પડી રહે, એટલે પાછી ફેરવી નાખે. એ શીશી ઉપરનો ઢગલો પડતાં પડતાં એને ફોર્ટી એઈટ (૪૮ મિનિટ) મિનિટ થાય, એટલે ઢગલો પડી રહે. એટલે કહેશે 'મારું સામાયિક પૂરું થઈ ગયું' !!!

એટલે શીશી મૂકી રાખે, ને પછી કરે શું ? નક્કી કર્યું હોય આગલે દહાડે કે સવારમાં સામાયિકમાં દુકાન યાદ જ નથી કરવી. તો આંખો મિંચી કે તરત દુકાનનો ધબડકો પહેલો જ પડે. જે યાદ નથી કરવું, એ નિરાંતે પહેલો જ પડે. એટલે મૂઓ કંટાળી જાય પાછો બીજે દહાડે મને પૂછે છે કે, 'આવું થયું.' ત્યારે મેં કહ્યું, 'શું કરવા એને યાદ કરે છે કે 'મારે દુકાનને યાદ નથી કરવી ?' તે એક્શન માર્યું પાછું તે રીએક્શન આવશે. એક્શન મારવાનાં જ શું કરવા તે ? પણ પછી સામાયિકમાં કરે શું તે ? શુદ્ધાત્મા થયા નથી, એટલે જે વિચાર આવે, એને ધક્કો મારે. કુંડાળાની બહાર આ વિચાર આવે એને કહેશે અહીં નહીં. એટલે વખત પૂરો થાય. અડતાળીસ મિનિટ એ પાછું શીશી જોતો જાય. હજુ થોડીવાર છે કહેશે. ભગવાને ના કહેલું તોય શીશી જોતા જાય.

હશે, પણ તોય લોક કહે છે, 'ભઈ દોડધામ કરતો તો, તેના કરતાં ઘડીવારેય આ પાંસરો મર્યોને ! નહીં તો પેલા માછીમાર માછલાં મારે અને આ અંદર માછલાં મારે આને સામાયિક કહેવાય જ નહીંને !! એ તો એક જાતની સ્થિરતા છે. છતાં એ સામાયિક સ્થૂળભાષામાં ખોટું નથી. એટલી સ્થિરતા તો રહેને, ખોટું તો કહેવાય જ નહીંને !

દુકાનેય ત્રણ કલાક જો માણસ સ્થિર બેસી શકતો ન હોય તો એ ધંધો કરી શકે નહીં. એ તો એની બેઠકે કેટલા કલાક બેસે છે એના ઉપર છે.

ત્રણ કલાક સ્થિર બેસી રહેવો જોઈએ, એક જગ્યાએ. કેટલાકને ભમરા હોય છે તે પાંચ મિનિટ બેસે ને ઉઠે, બેસે ને ઉઠે.

સ્વાધ્યાય સામાયિક

પ્રશ્નકર્તા : સામાયિક બે ઘડીનું કરીએ તો એમાં કઈ કઈ ક્રિયાઓ થઈ શકે ?

દાદાશ્રી : એવું છેને, આ સામાયિક જે છેને, આ સામાયિક મનનું સામાયિક છે. દુકાનના વિચાર આવે કે બીજા રસોડાના વિચાર આવ્યા, તેને ધક્કો માર માર કરવાના.

પ્રશ્નકર્તા : એવા વિચાર કંઈ નથી આવતા.

દાદાશ્રી : ત્યારે શું આવે છે ?

પ્રશ્નકર્તા : ગમે તે થતું હોય, વિચાર ના આવે. હું તો ચોપડીઓ વાંચું છું.

દાદાશ્રી : તો ચોપડીઓ વાંચવાથી સામાયિક થાય જ. સામાયિક એટલે શું ? કે તમે પોણો કલાક બીજામાં તમારું ધ્યાન હતું, તે આમાં રહ્યું, સ્વાધ્યાયમાં રહ્યું, એ સ્વાધ્યાય સામાયિક કહેવાય. ઉપયોગ બીજી જગ્યાએ કહેવાય. બાકી ખરું સામાયિક તો એક જ ફેરો કરોને, તો આનંદનો પાર ના રહે, બધા પાપ ભસ્મીભૂત થઈ જાય.

પ્રશ્નકર્તા : તો આમાં નિર્જરા ન થાય ?

દાદાશ્રી : નિર્જરા થાય પણ થોડી ધણી થાય. નિર્જરા તો લાંબી ના થાય ને. પુસ્તક વાંચીને તો બધા ય સામાયિક કરે. પુસ્તક વાંચવાનું સારું લાગે. પેલું બહારવટિયાની ચોપડીઓ ના વાંચતો હોય ને, આ શાસ્ત્રો વાંચે. શાસ્ત્રોમાં ય ઈન્ટરેસ્ટ પડે ને. તે બહુ આનંદ થાય. પણ કશું વળે નહીં એમાં. સાચું આત્માનું સામાયિક કરો તો વળે. 'આત્મા' થઈને એક ફેરો 'આત્મા' બોલ્યો એટલે કલ્યાણ થઈ ગયું. આત્મા થઈને બોલવાનું. તમને એમ થઈ જાય કે હું 'આત્મા' થઈ ગયો, ત્યાર પછી તમારે બોલવાનું. એક જ મિનિટ જો 'આત્મા' થઈ જાવ તો પછી બહુ થઈ રહ્યું.

પ્રશ્નકર્તા : સામાયિક પાળવાની વિધિ કઈ ?

દાદાશ્રી : એ તો અહી શરૂઆત કરે ને ત્યારથી પુસ્તક લઈને બેસે તો ય ચાલે. ધાર્મિક પુસ્તક લઈને બેસે તો ય ચાલે પણ એ બધું માનસિક સામાયિક કહેવાય. માનસિક એટલે એમાં આત્માને લેવા-દેવા નહીં. એનાથી મન સ્થિર થાય, મન મજબૂત થાય. અગર કેટલોક વખત શાસ્ત્ર વાંચે, એટલે બીજા વિચાર ના આવે.

સ્વ સમજણથી સામાયિક

પ્રશ્નકર્તા : રોજ સામાયિક કરવાથી શું ફાયદો થાય ?

દાદાશ્રી : હા. પણ પોતાની સમજણની સામાયિકને ? ભગવાને કહેલી સામાયિક નહીંને ? પોતાની સમજણની સામાયિક.

પ્રશ્નકર્તા : અમે ભગવાને કહ્યું છે એ પ્રમાણે જ કરીએ છીએ.

દાદાશ્રી : એ શીશી જો જો કરે. પડી કે નહીં પડી ?

પ્રશ્નકર્તા : એ તો જોવેને. ટાઈમ પૂરો થયો કે નહીં ?

દાદાશ્રી : એ એવું જોવાનું ના હોય. એ તો આપણે કરીએ, આપણે જોઈએ ત્યારે શીશી ખલાસ થઈ ગયેલી હોય, ત્યારે જાણવું કે સામાયિક થઈ. સામાયિકથી મનોબળ વધે એટલા માટે છે. મનનું બળવાનપણું થાય. અને આપણને શ્રદ્ધા બેસે. શ્રદ્ધા બેસે પોતાની જાત ઉપર. રોજ સામાયિક કરવાથી શ્રદ્ધા બેસે પોતાની જાત ઉપર.

પ્રશ્નકર્તા : એનાથી પુણ્ય વધેને.

દાદાશ્રી : હા, પુણ્ય તો વધેને. એક અડતાળીસ મિનિટ તમે મનને પોતાના કુંડાળામાં જ રાખો એટલે પુણ્ય વધે જ.

પ્રશ્નકર્તા : પણ મન કુંડાળામાં રહેતું નથી. મન તો કંઈક ફરતું હોય છે.

દાદાશ્રી : તો એ સામાયિક પૂરી ના કહેવાય. મન જેટલું આમાં રહે એટલું સામાયિક. આ વ્યવહાર સામાયિક અને ખરું સામાયિક તો હરતાં ફરતાં રહે.

એવું સામાયિક વ્યર્થ !

પ્રશ્નકર્તા : અમે સામાયિક કરીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ, ક્રિયાઓ બધી જ કરીએ છીએ પણ એમાં ધ્યાન રહેતું નથી.

દાદાશ્રી : તો શું કામની એ ? એમાં ધ્યાન ના રહે તો કામનું શું એ ? ધ્યાન રહે તો કામનું ને, ના ધધયાન રહે તો કામનું નહીં, ધ્યાન શેમાં રહે છે તમારું ?

પ્રશ્નકર્તા : સંસારમાં જતું રહે છે.

દાદાશ્રી : સંસારમાં પણ શું ગમે છે ? અહીંથી જતું હોય તો બીજી જગ્યાએ બેસે તો ખરું જ ને પણ ?! શેમાં બેસે છે તમારું મન ?

પ્રશ્નકર્તા : કામ કરતાં હોઈએ, ઘરમાં કંઈક કામકાજ હોય એમાં જતું રહે.

દાદાશ્રી : તો એ કામ કરવું આપણે. જ્યાં ધ્યાન બેસે તે કામ કરવું. જ્યાં ના બેસે એને શું કરવાનું ? મહેનત બધી નકામી જાય ને કશું વળે નહીં.

સારી રીતે સંસાર ચલાવે એ જ સામાયકિ !

પ્રશ્નકર્તા : આ રોજ નિશ્ચય લીધો છે કે, રોજ ક્રિયા કરવી, તો પછી એનું શું થાય ?

દાદાશ્રી : નકામું જાય. એ મહેનત બધી નકામી જાય. થોડી મહેનત કરો પણ કામમાં લાગે એવી કરો. અને સંસારમાં સારી રીતે રહો ને તમે !

સામાયિક કરો એમાં, સંસારમાં સામાયિક છે. છોકરાંને સારી રીતે મોટાં કરવાં અને વઢવું નહીં, ઝઘડવું નહીં, એની જોડે ક્રોધ ના કરવો એ બધું સામાયિક જ છેને !!! વળી આવી સામાયિક કરવી એ શું કામની ? તમારા છોકરાની જોડે સામાયિક કરો. ધણી જોડે સામાયિક કરો. સાસુ જોડે સામાયિક કરો. જેઠાણી જોડે સામાયિક કરો. એ બધી સામાયિક કરોને. આ સામાયિક કરીને શું કામ છે તે ? જો મન રહેતું હોય તો કરેલું કામનું. મન રહે નહીં ને સામાયિક કરો તો શું કામનું ?

પ્રશ્નકર્તા : પણ આ રોજની ક્રિયા હોય એટલે રોજ ક્રિયા કર્યા જ કરીએને ?

દાદાશ્રી : હા. પણ કર્યાનું મહીં મન ના રહેતું હોય તો, પછી કરવાની શી જરૂર છે ? ચિત્ત ઠેકાણે રહેવું જોઈએને ?

પ્રશ્નકર્તા : ચિત્ત નથી રહેતું.

દાદાશ્રી : તો શું કરશો ?

પ્રશ્નકર્તા : એ તમારી પાસે માંગવા આવ્યા છીએ.

દાદાશ્રી : હા. એટલે વહાલું નથી આ ! ગમતું નથી !! ગમે છે છોકરાં, ને એ બધું ગમે છે. જેમાં ગમે ને ત્યાં ચિત્ત જાય. છોકરાંની કિંમત કાઢી નાખો. ઓછા કરી નાખો ને આની કિંમત વધારી દો. તો કંઈ રાગે પડે. નહીં તો શી રીતે રાગે પડે !!

સામાયિક કરવી હોય તો પસ્તાવાનું જ સામાયિક કરોને ! શું પસ્તાવાનું ? જેના જેના ખોટા પૈસા લીધા તેનો પસ્તાવો કરો, જ્યાં જ્યાં દ્રષ્ટિ બગાડી હોય તેનો પસ્તાવો કરો.

પ્રશ્નકર્તા : તો સામાયિકમાં નવકારવાળી નહીં ગણવાની ?

દાદાશ્રી : બળ્યું નવકારવાળી ગણીને તો આ દશા થઈ છે ! એકુંય નવકાર સાચો ગણ્યો નથી. કોનું આપેલું હોય તે જોવાનું કે નહીં ?

આ છે બધી સ્થૂળ સામાયિક !

આર્તધ્યાન-રૌદ્રધ્યાન છે ત્યાં જૈનધર્મ જ નથી.

પ્રશ્નકર્તા : સામાયિક કરતા હોઈએ તો ય જૈનધર્મ ના કહેવાય ?

દાદાશ્રી : તમે સામાયિક કોને કહો છો ? સામાયિકને સામાયિક કહો છો કે અસામાયિકને સામાયિક કહો છો ?

પ્રશ્નકર્તા : સામાયિક ને અસામાયિક કોને કહેવાય ? એ ફોડ પાડોને.

દાદાશ્રી : સ્થૂળ સામાયિક, આ જૈનો તો કયું સામાયિક કરે છે ? આ સાધુ-આચાર્યો બધા સ્થૂળ સામાયિક કરે છે. સ્થૂળ સામાયિક એટલે મનને વ્યગ્રતામાંથી એકાગ્રતામાં લાવે છે.

એ કેટલાક પુસ્તક લઈને બેસી રહે તો પુસ્તકો જ વાંચ વાંચ કરે. કેટલાક બીજા વિચારમાં, કેટલાક મંત્રમાં, ગમે તેમાં, પણ સામાયિકમાં રહે. પણ તો ય આ પાંસરા રહેતા નથી. ભગવાને ય શી રીતે જમા કરે ?! ઘડીવાર, અડતાળીસ મિનિટ પાંસરો રહેતો નથી. તેનું શું થાય ?

આ સ્થૂળ સામાયિક તો મજૂરોને રહે છે બળ્યું ? આ તો આમને વ્યગ્ર થયેલા શેઠિયાઓને ના રહે, સ્થૂળ સામાયિક મજૂરોને રહે, પણ એને નકામું જાય. પણ આ તો વ્યગ્રતાવાળાને એકાગ્રતા થાય તે જ કામનું !

જૈન ધર્મનો સાર 'આ' છે !

આર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ થઈ જાય, એ આ જૈનધર્મનો સાર છે.

પ્રશ્નકર્તા : એ તો અમે બોલીએ પ્રતિક્રમણમાં કે આર્તધ્યાન-રૌદ્રધ્યાન જાય, ધર્મધ્યાન-શુક્લધ્યાન થાય ! એનું પછી મિચ્છામી દુક્કડમ માંગી લઈએ.

દાદાશ્રી : હા. પણ કશું દહાડો વળે નહીંને. એ ય બોલ બોલ કરવાથી ઓછું થવાય છે ? આર્તધ્યાનનું ફળ જાનવરપણું, રૌદ્રધ્યાનનું ફળ નર્કગતિ. શું થાય તો એમાં ! અને જૈનમાં જન્મ્યા તો ય જાનવરપણું થાય ! બળ્યો એ અવતાર !

અન્ય ધર્મોની ક્રિયાઓ....

પ્રશ્નકર્તા : આ જૈનોમાં છે એવી રીતે બીજા ધર્મોમાં આવી પદ્ધતિ છે ખરી ?

દાદાશ્રી : એવી બધે ય છેને, ત્યાં આગળ, સ્થિરતા કરવાનો ગુણ ખરોને ! ત્યાં ભક્તિ કરે, અહીં સામાયિક કરે. પણ આ મનને થોડો વખત સ્થિર કરે બધું.

મનને આંતરવું એટલે સામાયિક !

તમે કયું સામાયિક કહો છો ?

પ્રશ્નકર્તા : એક કલાક માટે આપણે સામાયિક કરીએ, તો એ ક્રિયામાં આપણે કરવાનું શું ?

દાદાશ્રી : આ આટલું જ, આ મનને સ્થિર કરવા માટે બધા બહારના વિચારો ખસેડ ખસેડ કરવાના. એ લૌકિક સામાયિક બધું. વ્યવહારમાં ચાલે છે.

પ્રશ્નકર્તા : અપાસરામાં જે સાધુ મુનિઓ કરે છે તે ?

દાદાશ્રી : એ બધું માનસિક. એ લૌકિક બધું. એ બધું મનને સ્થિર કરવા માટે. મન સ્થિર રહે નહીંને ? એક કલાક મનને સ્થિર કરેને તો બહુ સારુ. તો મનની શક્તિ વધેને. અને એટલો અવકાશ રહ્યો. આવતા અવતારમાં અવકાશ રહે એટલે એટલાં કર્મ બંધ થઈ ગયેલાં હોય, પુણ્ય કર્મ બંધાએલું હોય મન આંતર્યું, મનને સ્થિર કર્યું, તે બધાનું પુણ્ય કર્મ બંધાયેલું હોય.

પ્રશ્નકર્તા : એવો કો'ક જ હશે કે જેનું મન કુંડાળામાં રહે. ઉપાશ્રયમાં જાય ત્યાં વ્યાખ્યાન ચાલતું હોય. આ લોકો સામાયિકમાં બેસી ગયા હોય. એટલે વ્યાખ્યાન તો ચાલુ હોય અને મન તો બહાર જ હોય. અંદર હોય જ નહીં.

દાદાશ્રી : મન વ્યાખ્યાનમાં ના હોય. એ તો ચિત્ત વ્યાખ્યાનમાં હોય. તે ય વ્યાખ્યાન ગમતું હોય તો. બાપજીનું વ્યાખ્યાન આપણને ગમે, તો ચિત્ત થોડીવાર ત્યાં ઊભું રહે. બહાર ભટકતું મટી જાય. અને મન તો વિચાર એકબાજુ કર્યા જ કરે. એ તો મન વશ થઈ જાય ત્યારે દહાડો વળે. ત્યારે સામાયિક થાય બરાબર સારું.

પ્રશ્નકર્તા : કોઈએ સો નવકારવાળી ગણવાની કહી હોય, તો એ ક્યારે સો પૂરી થાય એના ધ્યાનમાં હોય.

દાદાશ્રી : હા, ત્યાં ઉતાવળમાં જ હોય. સામાયિકમાં ય છે તે પેલી શીશીને જ જોયા કરે !!

પછી પૌષધ બોલે, તે પણ શું કરવાનું ત્યાં ઉપાશ્રયમાં રહીને ?

બીજી નાતવાળા કહેશે, 'આપણે બળદને પાણી પાવા જઈએ છીએ, તો પોષો પોષો કહીએ છીએને ?' તેવું આ પાણી પાઈ આવ્યા. પૌષદ-વ્રત એટલે આત્માને પોષવાનો. એટલે ઘેરથી ત્યાં ઉપાશ્રયમાં રહીને સાધુ જીવન રહે, તે ઘડીએ આત્મા, પેલું બધું વ્યવહાર બાજુએ મૂકી દેવાનું.

આરંભ, સમરંભ, સમારંભ !

આરંભ શબ્દ બોલે ખરાં લોકો, પણ શું સમજે એ લોકો ? બોલે ખરાં સમારંભ. પણ સમારંભ એટલે શું ? એયે ના સમજે. મોટા મોટા પંડિતો ય ના સમજે. કઈ ડીગ્રી સુધી સમારંભ કહેવાય છે, ને પછી કઈ ડીગ્રી આરંભ કહેવાય છે. એ ડીગ્રી જાણે નહીં. અને શબ્દ બોલે એટલું જ શબ્દો શાસ્ત્રોના જ છે.

પ્રશ્નકર્તા : કર્મબંધન સમરંભથી પણ થાય.

દાદાશ્રી : સમરંભ એ જ કર્મ. એ પહેલું કર્મ એ માનસિક કર્મ કહેવાય. સમારંભને મન ને વચન બેનું કર્મ કહેવાય અને આરંભ એ મન-વચન-કાયા ત્રણનું કર્મ કહેવાય. અને આ જ્ઞાન લીધા પછી તમે કોઈને ગાળ દઈ આવો ને એવો આરંભ કરી આવો તો ય તમને અડે નહીં. એવું આ વિજ્ઞાન છે. ફક્ત તમારે પેલું ગાળ દીધા બદલ પેલું સામાને દુઃખ થયું માટે તમારે ચંદુભાઈને કહેવું પડે, આ અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો આટલું જ આપણે કરવાનું. કોઈને દુઃખ દઈને આપણે મોક્ષે જઈએ એવું બને નહીં. ગમે એવું વિજ્ઞાન આપણી પાસે હોય તો ય. કો'કને દુઃખ દઈને આપણે મોક્ષે જઈએ. એવું ના બને. માટે જે દુઃખ દે તેને કહેવું તમે પ્રતિક્રમણ કરો, કેમ અતિક્રમણ કર્યું ? કહીએ. આપણે દુઃખ દેવાનો ભાવ છે જ નહીં.

પ્રશ્નકર્તા : સમરંભથી કર્મબંધન થાય તે ઓછું હોય કે ત્રણેવનું ભેગું થાય ત્યારે વધારે હોય ?

દાદાશ્રી : સમરંભ જ ઓછું કહેવાયને. સમરંભ એટલે મનથી જ એકલું ! ભેગું થાય ત્યારે બહુ મોટું કર્મ કહેવાય. તેથી આરંભ કહ્યુંને ભગવાને.

પ્રશ્નકર્તા : મનથી કર્મ કરીને પછી ત્યાંથી અટકી ગયો તો એ બહુ બંધનમાં ના પડે.

દાદાશ્રી : બહુ રહે નહીં. પછી ખાલી વિચારે કરીને છૂટી જાય. ખાલી વિચારવાથી છૂટી જાય.

પ્રશ્નકર્તા : એ આરંભ પરિગ્રહની શાસ્ત્રમાં મર્યાદા બાંધવાની કહી છે. તો બાંધે તો શું ફરક પડે અને ના બાંધે તો શું ફરક પડે ?

દાદાશ્રી : બાંધે તો આ કર્મ ઓછું આવે. આ ભવમાં બાંધે તો આવતા ભવમાં કર્મ ઓછું આવે. એમ કરતાં કરતાં કરતાં બાંધતાં બાંધતાં ઓછું કરતું કરતું ઉપર ચઢ્યા કરે.

પ્રશ્નકર્તા : એ પેલું સામાયિક જેવું ?

દાદાશ્રી : સામાયિક એટલે આરંભ રહિત. આરંભ પરિગ્રહથી રહિત થવું, એક કલાક, એ સામાયિક !

એવું સામાયિક કોણ કરે ?

પ્રશ્નકર્તા : સામાયિક કરતો હોય ને ધરતીકંપ થયો તો પણ સામાયિક ના છોડવી જોઈએને ?

દાદાશ્રી : એવી સામાયિક કોણ કરે છે ? એવી સામાયિક કોઈ કરે નહીંને ?

એટલે એ સામાયિક એ સાધારણ પ્રયોગ છે, દેહ સ્થિર કરવાનો. દેહ સ્થિર રહે, તો યે સંસારમાં હિતકારી થાય, લક્ષ્મી ને બધું વગેરે આવે. જેને દેહ જ સ્થિર ના રહે, ઘડીવાર, તેને લક્ષ્મી શી રીતે આવે ? એટલે એ સામાયિક એ સાચું સામાયિક નથી.

સાચા પુરુષના સિક્કા વિનાની સામાયિક !

આ અત્યારે જે આને 'આત્મા' માની બેઠાં છે ને, એ તો 'મિકેનિકલ આત્મા' છે. એ કોઈ દહાડો સાચો આત્મા નથી. 'મિકેનિકલ'. આત્માને આત્મા માની બેઠાં છે અને એને જ સ્થિર કરવા માંગે છે. અલ્યા આ તો 'મિકેનિકલ' છે, કોઈ દહાડો સ્થિર થાય જ નહીં.

પ્રશ્નકર્તા : આ ના સમજાયું.

દાદાશ્રી : આ જે 'વ્યવહાર આત્મા' છે ને એ 'મિકેનિકલ આત્મા' છે. એને સ્થિર નથી કરવાનું. એ તો ખાલી અભ્યાસ જ કરવાનો છે કે મન સ્થિર રહે છે કે નહીં, એટલે જોવાનું જ છે. એ મનને સ્થિર કરવા માટે આ સામાયિક કરીએ કે ઘડીવાર આ દેહ તો પાંસરો રહે. ઘડીવાર મન પાંસરું રહે. સાધારણ એને સ્થિરતા રાખવા માટે જ. જેમ બહુ થાકેલો માણસ થાક ખાવા બેસે તેથી કાંઈ કાયમ બેસી રહે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : એવું છે આ.

આ સામાયિક એ તો થાક જેવું છે. બાકી આ તો મશીનરી રાત-દહાડો ચાલુ જ હોય અને આ નિરંતર સામાયિકમાં રહે છે. એક ક્ષણ સામાયિકની બહાર નહીં. આ સંસારમાં ઘેર બેઠાં, બૈરા-છોકરા વચ્ચે રહીને નિરંતર સામાયિકમાં રહે છે.

અને 'આત્મા' એ જ સામાયિક છે. બીજું બધું આ સામાયિક, 'વ્યવહાર સામાયિક' છે. સાચું સામાયિક પ્રાપ્ત કરવાના હેતુ માટે આ 'વ્યવહારિક સામાયિક' કરવાનું છે. એ વ્યવહારિક સામાયિકે ય સાચા પુરુષનું આપેલું હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : સાચા પુરુષની વ્યાખ્યા શું ?

દાદાશ્રી : સાચા પુરુષ એટલે, આ થાણા જિલ્લાના કલેકટરે તમને કંઈક ઓર્ડર લખી આપ્યો હોય, કે આટલી જમીન તમને સુપ્રત કરવામાં આવે છે. હવે એ તો ખરેખર કલેકટર તો છે જ, અને કલેકટર ના હોય ને તેની પાસે લખેલો ઓર્ડર હોય તો ? નીચે કલેકટર લખીને સિક્કો મારેલો હોય, અને કલેકટર ના હોય તો ? ત્યાં ચાલે નહીં. આગળ ચાલે નહીં. એવી રીતે આ જે કલેકટરો બધા લખી આપે છે ને, તે સાચા પુરુષો નથી.

સામાયિકમાં ફૂટ્યાં કપ કે આત્મા ?!

હું છે તે ટેબલ ઉપર ચા પીતો'તો. અને શેઠ પંચોતેર વર્ષના, સામાયિક કરતા'તા. પેલા રૂમમાં પ્યાલા ફૂટ્યા. તે શેઠને સંભળાયું. હું તો બહેરો. મને ના સંભળાયું. અને શેઠ તો સરવા કાનવાળા. સંભળાયું તે, સામાયિક કરતાં કરતાં, તો શેઠ કહે છે, 'શું ફૂટ્યું ?' મેં કહ્યું, 'તમારો આત્મા ફૂટ્યો.' આમાં બીજું શું ફૂટવાનું હતું ? નહીં તો સ્ત્રીઓ પડે તો અવાજ થાય ? બીજું કંઈ ફૂટવાનું નથી. આ પ્યાલા જ ફૂટ્યા છે. એનો અવાજ થયો છે. તે સામાયિક કરતાં કરતાં શેઠ કહે છે, 'શું ફૂટ્યું ?' તે આ તે સામાયિક શી રીતે કહેવાય તે ? તે ઘડીએ તો સ્ત્રી મરતી હોય, ધણી મરતો હોય તો ય સામાયિક ના છોડે, એનું નામ સામાયિક કહેવાય. આને સામાયિક કેમ કહેવાય ? પ્યાલા ફૂટી ગયા, તેમાં તેની કાણ ને મોંકાણ ? હજુ એવું ખરું બધે ?

પ્રશ્નકર્તા : ખરું.

દાદાશ્રી : એમ ? અને તે પ્યાલા પછી જીવતા થઈ જતા હશે ? કેમ ? આપણે સામાયિક છોડ્યું તો ?

સ્થૂળ કર્મ અને સૂક્ષ્મ કર્મ !

આચાર્ય મહારાજ પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, વ્યાખ્યાન આપે, પ્રવચન કરે, પણ એ તો એમનો આચાર છે, એ સ્થૂળકર્મ છે, પણ મહીં શું છે એ જોવાનું છે. મહીં જે 'ચાર્જ' થાય છે તે ત્યાં કામ લાગશે. અત્યારે જે આચાર પાળે છે એ 'ડિસ્ચાર્જ' છે. આખો બાહ્યાચાર જ 'ડિસ્ચાજ' સ્વરૂપ છે. ત્યાં આ લોકો કહે કે, 'મેં સામાયિક કર્યું, ધ્યાન કર્યું, દાન કર્યું. તે એનો તને જશ અહીં મળશે. તેમાં આવતા ભવને શું લેવાદેવા ? ભગવાન એવી કંઈ કાચી માયા નથી કે તારા આવા પોલને ચાલવા દે.

બહાર સામાયિક કરતા હોય ને મહીં શું ય કરતો હોય. એક શેઠ સામાયિક કરવા બેઠા હતા, તે બહાર કોઈએ બારણું ઠોક્યું. શેઠાણીએ જઈને બારણું ખોલ્યું. એક ભાઈ આવેલા. તેમણે પૂછ્યું, 'શેઠ ક્યાં ગયા છે ?' ત્યારે શેઠાણીએ જવાબ આપ્યો, 'ઢેઢવાડે' ! શેઠે મહીં રહ્યા રહ્યા આ સાંભળ્યું ને અંદર તપાસ કરી તો ખરેખર એ ઢેઢવાડે જ ગયેલા હતા ! અંદર તો ખરાબ વિચારો જ ચાલતા હતા ને બહાર સામાયિક કરતા હતા. ભગવાન આવા પોલને ચાલવા ના દે. અંદર સામાયિક રહેતું હોયને બહાર સામાયિક ના પણ હોય તો તેનું 'ત્યાં' ચાલે. આ બહારના ઠઠારા 'ત્યાં' ચાલે એવા નથી.

આર્તધ્યાન, રૌદ્રધ્યાન બંધ થાય તે મહાવીર ની !

ભગવાનને સામાયિક કોને કહ્યું ? જેને આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના થાય તેને, આખો ય દહાડો સામાયિક છે, એમ કહ્યું છે ! મહાવીર ભગવાન કેટલા ડાહ્યા છે ! તમને કશી જ મહેનત કરવાની ના રાખે.

અને આ લોકોનું એકુંય સામાયિક ભગવાન 'એકસેપ્ટ' ના કરે, આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ને એક ગુંઠાણા માટે, અડતાલીસ મિનિટ માટે બંધ થવાં જોઈએ ને ?!

'હું ચંદુભાઈ છું' કરીને સામાયિક કરે, જેમ આ લીમડાને કાપી નાખીએ તો ય ફરી ફૂટે, તો તે કડવો જ રહે ને ?! કેમ કાપ્યા પછી મહીં ખાંડ નાખીએ તો ય કડવો રહે ?

પ્રશ્નકર્તા : હા, મૂળમાં જ એમ છે દાદા !

દાદાશ્રી : મૂળ સ્વભાવમાં જ છે એમ ! તેમ આ 'ચંદુભાઈ' બધા રાગ-દ્વેષ બંધ કરીને સામાયિકમાં બેઠા, તો તે શેની સામાયિક કરે ? નથી આત્મા જાણ્યો, નથી મિથ્યાત્વ સમજતા ! જે મિથ્યાત્વ સમજે તેને સમકિત થયા વગર રહે જ નહીં. એટલે સામાયિક કરવા શેઠ બેઠા હોય, પણ એમને બીજું કશું આવડતું નથી. એટલે એ શું કરે ? પોતાનું એક કૂંડાળું વાળેલું હોય અને બીજા કોઈ વિચાર આવે, દુકાનના, લક્ષ્મીના, વિષયના તો તેને કુંડાળાની બહાર હાંક હાંક કરે ! જેમ એક કુંડાળામાં ગાયનાં વાછરડાં પેસી જતાં હોય, કૂતરાં પેસી જતાં હોય તેને હાંક હાંક કરે અને કુંડાળામાં પેસવા ના દે તેને સામાયિક કહે છે. તો ય તે સામાયિક થાય, કારણ કે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન તેમાં ના થાય.

પ્રશ્નકર્તા : આર્તધ્યાન અને રૌદ્રધ્યાન તેમાં ના હોય તો પછી સમતા જ કહેવાય ને ?

દાદાશ્રી : પણ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન જાય નહીં. એ તો હોય જ. એના માટે સામાયિક કરતાં પહેલાં પહેલો નિયમ કરવો પડે. 'હે દાદા ભગવાન ! આ ચંદુલાલ, મારું નામ, આ મારી કાયા, આ મારી જાત, મારું મિથ્યાત્વ બધું આપને ધરાવું છે. અત્યારે મને આ સામાયિક કરતી વખતે વીતરાગભાવ આપો.' આમ વિધિપૂર્વક કરે તો કામ થાય.

અત્યારે તો માલ 'મીસા'નો !

પ્રશ્નકર્તા : સામાયિક, પ્રતિક્રમણ એ બધું ધર્મધ્યાન કરવાથી મોક્ષનો માર્ગ મળે ?

દાદાશ્રી : મળે, પણ અત્યારે જે ચાલે છે એ સામાયિક ને પ્રતિક્રમણથી ના મળે. આ તો 'મીસા'નો માલ છે. સાચો માલ ન હોય. સાચું સામાયિક હોય તો એક જ સામાયિક કરે તો મોક્ષ થાય. માલ જ 'મીસા'નો છે. જે આપે છે તે બધું ઇમ્પોર્ટ (આયાત) કરેલો માલ છે. એમાં કોઈનો દોષ નથી. આ કાળનો સ્વભાવ એવો છે. જેમ ફોરેનનું અનાજ ખાવું પડ્યુંને આપણને ? એટલે એક જ સામાયિક કરે તો મોક્ષ થાય પણ સાચું સામાયિક હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : આપણે ખોટું સામાયિક કરીએ છીએ તે ખબર કેમ પડે ? આપણે તો સાચું કરીએ છીએ એ આશયથી જ કરતાં હોઈએને ?

દાદાશ્રી : આત્મા ઓળખ્યા પછી સાચું સામાયિક થાય. ત્યાં સુધી સાચું સામાયિક થાય નહીં. ત્યાં સુધી મન સ્થિર કરવાનું સાધન ખરું. મનને સ્થિર કરવાનું, દેહને સ્થિર કરવાનું સાધન.

આ બધા લૌકિક સામાયિક ! અને આ અલૌકિક સામાયિક, 'વ્યવહાર આત્માને' સ્થિર કરવા માટેનું છે. આપણે અહીં જ્ઞાન આપ્યા પછી 'વ્યવહાર આત્માને' સ્થિર કરી શકાયને ! જાણ્યા વગર શી રીતે બને ? આપણે અહીં જ્ઞાન આપ્યા પછી, એ 'વ્યવહાર આત્માને' સ્થિર કર્યા કરે. આ જાગૃતિ બહુ હોય અહીં આગળ ! ને ત્યાં જાગૃતિ જ ના હોય.

સામાયિકનો કર્તા કોણ ?

કોઈ એક ભાઈ હોય તે સામાયિક કરતા હોય તો બીજા લોકોને શું કહે કે, 'હું રોજ ચાર સામાયિક કરું છું, આ બીજા ભાઈ તો એક જ સામાયિક કરે છે.' એટલે આપણે સમજીએ કે એ ભાઈને સામાયિક કરવાનો ઇગોઈઝમ છે, એટલે બીજાનો દોષ કાઢે છે, 'એ એક જ કર્યા કરે છે અને હું ચાર કરું છું.' પછી આપણે બે-ચાર દહાડા પછી જઈએ કે 'ભાઈ કેમ આજે સામાયિક નથી કરતા ?' ત્યારે કહેશે કે, 'પગ ઝલાઈ ગયા છે.' તે આપણે પૂછીએ કે, 'ભાઈ, પગ સામાયિક કરતા હતા કે તમે કરતા હતા ? પગ જો સામાયિક કરતા હોય તો તમે બોલતા હતા તે ખોટું બોલ્યા.' એટલે આ પગ પાંસરા જોઈએ, મન પાંસરું જોઈએ, બુદ્ધિ પાંસરી જોઈએ, બધા સંજોગ પાંસરા હોય ત્યારે સામાયિક થાય. અને અહંકારેય પાંસરો જોઈએ. અહંકારે ય તે ઘડીએ પાંસરો ના હોય તો કાર્ય ના થાય. એટલે આ બધું ભેગું થાય ત્યારે કાર્ય થાય. તેમાં તમે એકલાં શું કરવા માથે લો છો ?! એટલે આ પરસત્તાએ કર્યું એમાં તમારું શું ? એવું માથે લે કે ના લે ? પણ આ તો 'ઇગોઈઝમ' કર્યા કરે છે ખાલી. કરે છે આ બધું 'સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ' પણ 'પોતે' કહે છે 'હું કરું છું' તે ગર્વરસ ! અને ગર્વરસ ચાખવાની ટેવ છેને, ત્યાં સુધી આ સંસાર ઊભો કરે છે. વાત તો સમજવી પડશેને ? એમન

ે એમ કંઈ ગપ્પું ચાલે કંઈ ?

હવે તેથી આ લોકોએ કહ્યું છે કે 'યહી ગલી મેં ફાંસી' આ સામાયિક કરી, પ્રતિક્રમણ કર્યું, આ મેં ત્યાગ્યું એ બોલ્યા એ તમારા ગળામાં ફાંસી છે, તેં ગર્વરસ ચાખ્યા તેની !

સામાયિક પૂણ્યા શ્રાવકનું

પ્રશ્નકર્તા : પુણિયા શ્રાવકનું સામાયિક કેવું હતું ?

દાદાશ્રી : આપણે આ સામાયિક કરીએ છીએ તેવું સામાયિક. ક્રમિકમાર્ગમાં ત્યાં સુધી લઈ ગયેલો એ.

શ્રેણિક રાજાને નર્ક જવાનું થયું ત્યારે ભગવાને બધા ઉપાય બતાવ્યા. ભગવાનને કહે છે નર્ક ટળે એવા ઉપાય બતાવો ? ભગવાન તમે મને મળ્યા ને મારે નર્કે જવાનું થાય ? ત્યારે કહે, 'ભઈ, એમાં કોઈ શું કરે ? એમાં કંઈ ચાલે નહીં, એ તો આયુષ્ય બંધાઈ ગયું, તે બંધાઈ ગયું, એમાં ના ચાલે !' તો ય કહે છે, કંઈ ઉપાય બતાવો. તે ચાર ઉપાય બતાવ્યા કે ગમે તે એક લાવશો તો તમારે નર્કે નહીં જવું પડે. તેમાં ત્રણ ઉપાય ફેઈલ ગયા. ત્યાર પછી આ પુણિયા શ્રાવકનું સામાયિક આવ્યું. ત્યારે કહે છે એ તો હું પુણિયા શ્રાવક પાસેથી લઈ આવું છું.

શ્રેણિક રાજા પુણિયા શ્રાવક પાસે ગયા. કહે છે, 'તું મને સામાયિક આપ. તું મારા રાજમાં રહે છે, તું જે એની કિંમત માગીશ તે આપી દેશું. સામાયિક એટલે અડતાળીસ મિનિટનું તારું જે ફળ હોય તે મને એટલું આપી દે, અને તું મને કહે કે 'મેં તમને આપ્યું, અર્પણ કર્યું', એટલું બોલ. ત્યારે પેલો કહે છે, 'સાહેબ ના અપાય ? આ આપવા જેવી ચીજ ન હોય.' ત્યારે રાજા કહે છે. 'કેમ ના અપાય ? ના, આપવું પડશે તારે. ના શબ્દ જ બોલીશ નહીં !' ત્યારે કહે, એ અપાય નહીં, ભગવાન કહે તો અપાય. ત્યારે રાજા કહે, ભગવાને કહ્યું છે કે પુણિયા શ્રાવકનું સામાયિક તમારે લેવાનું છે. તારે શું કિંમત લેવાની છે ? તે પેલો બહુ દબાઈ ગયો ને એટલે પછી કહે છે સારું જો ભગવાને કહ્યું હોય તો આપીશ. એ જાણે કે કંઈ હાથોહાથ પ્રોમિસ કરવાનું હશે. બોલ શું કિંમત લેવી છે તારે ? પેલો રાજા એટલે માથે ઉપકાર ચઢે એવું ના જ કરે ને ? એટલે રાજા કહે છે, 'શું કિંમત લેવાની ?' ત્યારે પુણિયો કહે, 'એ તો ભગવાન જે કહેશે એ કિંમત લઈશ.'

એટલે પછી આમને નક્કી થયું કે હવે આણે આપવાની હા પાડી છે, સોદો કરી નાખ્યો પછી એમાં વાંધો શું છે ? એટલે પછી રાજાએ અહીં આવી ભગવાનને કહી દીધું. ભગવાનને કહે છે, શુકન બહુ સારા થયા આજે. ત્યારે કહે, શા શુકન થયા ? ત્યારે રાજા કહે, પેલાએ સામાયિક આપવાની હા પાડી છે, રાજીખુશીથી હા પાડી છે. હવે નર્કગતિમાં નહીં જવું પડેને ? ત્યારે ભગવાન કહે છે. શું આપવા-લેવાનું નક્કી કર્યું ? એટલે રાજા જાણે કે ઓહો, પાંચ-દસ લાખ અપાવી દેશે, બીજું શું કરશે ? એક અડતાળીસ મિનિટના ! હવે મારી નર્કગતિ નહીં થાય ને ? ત્યારે ભગવાન કહે, તો તો નહીં થાય, પણ તને કોણે કહ્યું ? તને કેવી રીતે આપી ? ત્યારે રાજા કહે, 'એણે તો તમારા ઉપર જ છોડ્યું છે. હવે તમે જે કિંમત કહો તે આપી દઉં' કહે છે. ત્યારે ભગવાન કહે, 'મારી પર છોડ્યું છે ? એની કિંમત તો હું જાણું જ ને ? ને મારાથી આડુંઅવળું કેમ કરીને બોલાય ?' ત્યારે રાજા કહે છે. 'જો હું તમને સમજ પાડું, એની કિંમત કેટલી થાય તે જાણો છો ? તારું રાજ એની દલાલીમાં જાય. ત્રણ ટકા દલાલીમાં જાય એટલી કિંમત છે. તે રકમ તો બાકી રહે છે. તે ક્યાંથી લાવીને આપીશ ?' એટલે રાજા કહે, 'મારું રાજ દલાલીમાં જાય ? તો બીજી મૂડી ક્યાંથી હું લાવીને આપું ? આ

તો મારી

નર્કગતિ અટકે જ નહીં ને !' ત્યારે ભગવાન કહે, 'એ સામાયિકની એટલી બધી કિંમત છે તારાથી પેમેન્ટ ના થાય !' એટલે પોતે જ ના કહી દીધું કે ના સાહેબ, મારાથી ના ચૂકવાય ! એટલે એમણે પ્રયત્ન બંધ રાખ્યો, અને નર્કમાં ગયા નિરાંતે, અને પહેલા તીર્થંકર થઈને ઊભાં રહેશે. 'પદ્મનાભ નામના !' હવે એવું સામાયિક રોજ કરાવડાવીએ છીએ. પણ લોકોને કશું નહીં. પાન ખાઈને પાછું થૂંકી નાખે.

પ્રશ્નકર્તા : પેલા આદિવાસીને હીરો આપ્યો હોય તો કાચ જ સમજે ને ?

દાદાશ્રી : હા એવું જ. બાળકના હાથમાં રતન આપ્યા જેવું થયું છે છતાં ય કોઈ દહાડો ગાડું હેંડશે. બાળક પછી મોટાં થતાં જાય ને એક બે ફેરા કોઈ લઈ લે પણ પછી. પાછો 'દાદા' પાસેથી લઈને ફરી ના આપે. એક ફેરો ઠપકો આપ્યો હોય છેતરાઈશ નહીં. હવે ના આપી દે, નહીં ?

અને તે ઘડીએ આનંદ ય એવો હોય, એવું સામાયિક થાય ને પુણિયા શ્રાવકનું, તો આનંદે ય તેવો હોય. તે ઘડીએ ભલે સ્પંદન થતાં હોય, સ્પંદન દેહનાં બધાં ચાલુ રહે. સામાયિકમાં આનંદ આવેને, એ પેલો આ સ્પંદન નથી થતાં એટલે આવે છે.

કાયોત્સર્ગ સહિત

ભગવાને સામાયિક કેવું કહેલું કે આ દેહને એ બધું મારું નથી, એવી રીતે સામાયિક કહ્યું હતું !

સામાયિક તો કાયોત્સર્ગપૂર્વક હોય. આપણું આ જ્ઞાન લીધેલું હોય તે સામાયિક કાયોત્સર્ગપૂર્વક કરે. કાર્ય ઉત્સર્ગપૂર્વક ! એ બહું જ કિંમતી.

હવે એ કાયોત્સર્ગ કેવી રીતે કરતા ? આ જે મોટાં મોટાં માણસો, ગણધરો બધા કાયોત્સર્ગ કરતાં. તે આમ ઊભાં રહે. થાંભલા જેવું પછી પહેલું નક્કી કરે, હું પગ નહીં, પેટ નહીં, છાતી નહીં, માથું નહીં, ફલાણું નહીં, તે ઉત્સર્ગ કરે, અને પછી મહીં નક્કી કરે કે હું શુદ્ધાત્મા છું. ત્યારે કહે, કેવો ? ત્યારે કહે, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતશક્તિ એવા પાંચ-છ ગુણધર્મ જાણતો હોય. શાશ્ત્રના શબ્દના આધારે તે શબ્દો વાગોળ વાગોળ કર્યા કરે. પહેલું ઉત્સર્ગ કરી નાખે. કાયોત્સર્ગ એને ભગવાને છેલ્લામાં છેલ્લો ઉપચાર કહ્યો.

આ મન-વચન-કાયા હું નહીં. હું શુદ્ધાત્મા છું, એવું બોલાવ્યું એ બધું કાયોત્સર્ગ જ હતું. હવે આવો કાયોત્સર્ગ જૈનો ક્યારે કરાવે ? કાયોત્સર્ગ એટલે શું એ સમજતા નથી, મિચ્છામિ દોકડો સમજતા નથી, દોકડો એટલે શું ? પૂછીએ ત્યારે કહે, પૂછી આવીશ.

જ્ઞાનવિધિ એ આત્માનું સામાયિક

સામાયિક એટલે મેં તમને જે આ જ્ઞાનવિધિ કરાવીને, એક કલાક એ સામાયિક કહેવાય. સામાયિક એટલે આધ્યાત્મ સંબંધમાં એક જ ધ્યાનમાં રહેવું એનું નામ સામાયિક. એ સામાયિક મનુષ્યથી પૂરેપૂરું સરસ થઈ શકે નહીં. એને માટે જ્ઞાની પુરુષ પાપ ધોઈ આપે અને પાપ ના ધોવાય ત્યાં સુધી કશું વળે નહીં.

અમે ફરી 'જ્ઞાન' આપીએ છીએ ત્યારે તમને શું કહીએ છીએ ? કે ફરી બેસેજો. આ સામાયિક ફરી ફરી નહીં થાય. માટે નવરા પડ્યા હોય તો બેસેજો. ના નવરા પડ્યા હોય તો ધંધો કરીને પણ અહીં આવજો.

અક્રમમાં નિરંતર સામાયિક !

પ્રશ્નકર્તા : આપણા અક્રમમાર્ગમાં સામાયિકની મહત્તા શું ?

દાદાશ્રી : આપણને આખો દહાડો સામાયિક જ હોય છે. સામાયિકની જરૂર જ નહીં આપણને. આખો દહાડો સામાયિક જ હોય છે. સામાયિકથી વધારે હોય છે. 'હું શુદ્ધાત્મા છું.' એનું લક્ષ, એનું નામ સામાયિક. તે પાછું સાચું સામાયિક. આ સામાયિક આખો દિવસ રહે.

આત્મા એ સામાયિક. 'હું શુદ્ધાત્મા છું' જેને એક કલાક રહ્યું એ જ સામાયિક. સમભાવે નિકાલ કરવું એ સામાયિક. રીલેટિવ અને રીયલ જોયું એ ય સામાયિક. આપણાં પાંચ વાક્યો એ સામાયિક સ્વરૂપ છે !

પ્રશ્નકર્તા : ક્રમિકમાર્ગમાં તો પુણિયા શ્રાવકનું સામાયિક ઊંચામાં ઊંચુ ?

દાદાશ્રી : હા, એ તો આ તમારું જ સામાયિક ! આ તમે સવારમાં નીકળો અને આ આંખે ગાય દેખાય અને પેલી અંદરખાની આંખે શુદ્ધાત્મા દેખાય, એ જ સામાયિક પુણિયા શ્રાવકનું હતું. તેથી હું તમને કહું છું ને, પુણિયા શ્રાવકનું સામાયિક તમને આપ્યું છે. પ્યોર સામાયિક.

હવે તમને ભોગવતાં આવડ્યું તો ભોગવો.

તે એવું સામાયિક આ કાળમાં થાય એવું છે. લાભ ના તાય તો ભૂલ છેને.

એક કલાક રીલેટિવ ને રીયલ બેનું જોતાં, જોતાં, જોતાં, એક કલાક સુધી એનો ઉપયોગ રાખે બરાબર એને ભગવાને શુદ્ધ ઉપયોગ કહ્યો. એ શુદ્ધ ઉપયોગ જો એક ગુઠાણું રહેને તો પુણિયા શ્રાવકનું સામાયિક થાય એવું છે. તો તમે લાભ ઉઠાવજો. કરી શકે તો તો અવશ્ય લાભ ઉઠાવો.

મહીં મન ગમે તે સળી કરે, તો ય કહીએ કે તમે હમણે બેસો, એક કલાક પછી આવો જે કંઈ આવવું હોય તે આવો. મહીં પાછા આવનાર હોયને, બૂમો પાડનાર હોય. એમને કહીએ હમણે એક કલાક બંધ છે. અમારું સામાયિક ચાલે છે. હમણે આવશો નહીં. અંદર હોમ ડિપાર્ટમેન્ટમાં કોઈને પેસવાનો અધિકાર નથી. ચૂપ કહીએ. ફોરેનમાં રહો કહીએ. અમે કલાક પછી બહાર નીકળીએ ત્યારે પછી. એટલે બંધ થઈ જાય, એની મેળે. આપણે ઓર્ડર કરીએ એ પ્રમાણે કારણ કે એ નિર્જીવ છે બધી વસ્તુઓ પણ સચેતન થયેલી છે. સચેતન ભાવને પામેલી છે. એટલે આ કલાક કરજો, પુણિયા શ્રાવકની સામાયિક, બધું ખંખેરીને જતું રહેશે !

જગત વિસ્મૃત કરાવે તે સામાયિક

સામાયિકનો અર્થ શું ? જગત વિસ્મૃત કરાવડાવે. જગત વિસ્મૃત કરાવડાવે એ સામાયિક. આ બહારવટિયાની વાત હોય તોય, જગત વિસ્મૃત કરાવડાવે. તમે ઘેર ગયા હોય, તે જમવાનું મૂકી દો, ત્યારે કહે, થોડીવાર છે, પાંચ મિનિટ, તો તમે અકળાયા કરતા હોય. પછી પેલી ચોપડી આવીને, ઝાલી કે, પેલા કહેશે, હેંડો, જમવા, તે ઊઠે નહીં પાછો. અલ્યા કેમ આમ ? ત્યારે કહે, પેલી ચોપડીમાં એકાગ્ર થઈ ગયો. કારણ કે ઉતારનારા જે સંસ્કારો છે, એ જલ્દી એકાગ્ર કરે માણસને. તે સંપૂર્ણ એકાગ્ર થાય તે ઊઠે નહીં પછી.

હવે તે ઘડીએ ય જગત વિસ્મૃત થાય. પણ એ અધોગતિમાં લઈ જનારું. એ આપણું જ ધન વટાવીને માર ખવડાવે છે. અને જે ઉર્ધ્વગામી સામાયિક એમાં જરા વાર લાગે. જગત વિસ્મૃત થતાં થતાં વાર લાગે.

દાદા સ્મૃતિમાં તો વિશ્વ વિસ્મૃતિમાં !

આ બધાને દાદા યાદ રહેતા હશે આખો દહાડો ?! અને દાદા યાદ રહે એટલે શું થાય ? કે જગત વિસ્મૃત થયું. એક યાદ હોય. કાં તો જગત યાદ હોય તો, દાદા યાદ ના હોય અને દાદા યાદ હોય તો જગત વિસ્મૃત થાય. જગતની વિસ્મૃતી થઈ ત્યાંથી કર્મો ઓછાં લાગે. જગત વિસ્મૃત કરવા માટે જ કૃપાળુદેવ કહેતા'તા. એક કલાક જો જગત વિસ્મૃત થઈ જાય તો એની તુલના જ બહુ મોટી લખી છે એમણે.

તે લોકોને તો સામાયિકમાં ય જગત વિસ્મૃત થતું નથી. તે સામાયિકમાં નક્કી કરે, કે આજ દુકાન સંભારવી નથી. તો ત્યાં જઈને સામાયિક કરતી વખતે પહેલો જ ધબડકો એ પડે.

મનમાં એવું હોય તે શું થાય ? મનમાં એવું હોય, પણ આત્માથી જુદો છે, એ શેઠને ય ખબર પડે કે આ સામાયિક કરું છું ને મન ઢેઢવાડે ગયું છે. તે કોને ખબર પડે ? એને પેલું મીઠાશ વર્તે છે એટલે ત્યાં પાછો દોડે છે. મીઠાશ વર્તે છે, ત્યાં જઈને ઉઘરાણી કરવા માંડે ! ઉઘરાણી શરૂ કરી દે !!

અને અત્યારે મારી હાજરીમાં બધું ભૂલી ગયા છો કે નથી ભૂલી ગયા છો ? એ સામાયિક કહેવાય. અહીં સંસારની વાત છે નહીં બિલકુલે ય. અહીં આત્મા ને પરમાત્માની બે જ વાત છે. તે બધું ભૂલી ગયાને, તે આ મોટામાં મોટું સામાયિક. બીજું કશું ના આવડે તો ય અહીં આવીને બેસી રહેજો. ને થોડીવાર, કલાકે ય બેસીને, હેંડતા થાવને, જુઓ નર્યા પાપો ધોવાઈ જશે. ભસ્મીભૂત થઈ જશે પાપો બધાં. આ સામાયિકમાં પાપો ભસ્મીભૂત થઈ જાય. જ્ઞાની પુરુષની અજાયબી કહેવાય.

સમભાવે નિકાલ કરો એ સામાયિક !

જૈનોની સામાયિક એટલે શું ? સમતાભાવ કેળવે.

હવે સમભાવે નિકાલ કરવાની તમે આજ્ઞા પાળો, એનું નામ જ સામાયિક. સમભાવે રહેવું એનું નામ જ સામાયિક અને વિષમભાવે રહેવું એનું નામ જ સંસાર અને સામાયિક એટલે, આ દુનિયાની વ્યવહારિક સામાયિક એટલે શું ? અડતાળીસ મિનિટ સુધી બીજા વિચારમાં ન આવવું, એક જ વિચારમાં. બસ એ સામાયિક.

આત્મા એકલાના જ વિચાર હોય, અને ભૌતિકનો કોઈ વિચાર આવે નહીં તો એ શુદ્ધ સામાયિક કહેવાય. અડતાળીસ મિનિટ સુધી. એથી વધારે મિનિટ થાય નહીં. કોઈથી ય થાય નહીં. અડતાળીસ મિનિટ, એથી વધારે નહીં.

સામાયિકની યથાર્થ વ્યાખ્યા

પ્રશ્નકર્તા : સામાયિક શબ્દનો ભાવાર્થ જરા બરાબર સમજાવો.

દાદાશ્રી : સામાયિક એટલે એકાગ્રતા નહીં ! પેણે દસ પ્યાલા પડી ગયાનું આમ જાણવામાં આવ્યું, તો ય મહીં સમતા રાખે, ત્રાજવાનો પલ્લો નમે નહીં એકુંય બાજુ, એનું નામ સામાયિક. સામાયિક એટલે ત્રાજવાનો પલ્લો એક્ઝેક્ટ !

આજ તો આ બધા જૈનો સામાયિક કરતી વખતે શું કરે છે ? આમ કુંડાળું ચીતરી અને જે યાદ આવે તેને બહાર કાઢો, ઉડાડી પાડો. રોજ એમ કરતો કરતો પોણો કલાક નીકળી જાય, જે યાદ આવેને, ગધેડું પેસી જાય, કૂતરું પેસી જાય એય, હાંક્યા કરે.

આવાં સામાયિક કરે છે, પેલું સામાયિક તો એને ફાવે જ નહીંને, સમતા તો રહે જ નહીંને. પણ આવા સામાયિક એટલે બીજું બધું જે આવતું હોયને, તેને કાઢ કાઢ કરે, ધક્કા માર માર કરેને, એટલે પોતે કોણ રહ્યું ? એકલો !

એણે નક્કી કર્યું હોય કે આજ દુકાન યાદ નથી કરવી તો આંખ મીંચતાની સાથે જ ધબડકો પહેલો જ એ પડે. અને આપણે કહીએ, 'દુકાન-બુકાન બધાં તમે આવો. બધા મને સામાયિકમાં આવીને હેરાન કરો.' તો બધા ય નાસી જશે. એ બધા જાણે કે સાલું શું કર્યું, કંઈ દવા-બવા કંઈક લાવ્યા હશે. ફટાકડા ફોડે એ ત્યારે શું કરીએ ?! એમાં ભડકો શું કરે છે ? 'દુકાન યાદ ના આવજે.' 'આવને તું, હું છું, હું બેઠો છું અને તું આવ.' 'હે ભગવાન, હે પ્રભુ, દુકાન યાદ ના આવે.' મેર મૂઆ, કઈ જાતનો ચક્કર છું તું, દુકાન નહીં યાદ આવે તો વહુ યાદ આવશે. પણ આવશેને. એ ય દુકાન જ છેને ! વહુ દુકાન નહીં ?

પ્રશ્નકર્તા : મોટી દુકાન !

દાદાશ્રી : પાછા આ મોટી દુકાન કહે છે !!

સામાયિકનો ખરો અર્થ એ છે કે, વિષમભાવ ન થવા દે, કોઈપણ કારણસર ! સમ ન રહે, પણ વિષમ ન થવા દો. એનું નામ સામાયિક. ત્યાં આગળ છોકરો એની માને ગાળો ભાંડતો હોય, આ પોતે સાંભળે, છતાં વિષમભાવ નહીં, પેલો ઉછાળો તો રહે પણ એને સમ કરી નાખે, જેમ આ તોલતી વખતે જરાક પેલામાં એ થયું તો પાછા આમાં નાખો, પાછું આ ઊંચું ગયું તો આમ નાખ્યું પણ રાગે પાડી દે. દેડકાની પાંચ શેરી જેવું ના હોય.

સામાયિક એટલે એક અડતાળીસ મિનિટ વિષમભાવ ન થવા દો, એનું નામ સામાયિક. પોતાને જ્ઞાન તો છે નહીં અને વિષમભાવ ન થવા દેવું, ઓહોહો, બહુ મોટી અજાયબી કહેવાય. જો કે આ અર્થ અત્યારે પ્રચલિત નથી, મૂળ અર્થ આ છે સામાયિકનો.

વિષમતા ન થવા દે તે !

સવારના પહોરમાં ઊઠીને શાક લેવા જતાં હોય તો શુદ્ધાત્મા જોતાં જોતાં જાવ તો કોઈ વઢે ખરું ? હેં ? ગધેડું કહેશે કેમ મારા સામે શુદ્ધાત્મા જોયું ? એવું કહે ? માટે સમતા. વિષમતા નહીં. પલ્લામાં ખૂટ્યું કે તરત આ બાજુ નાખે. દેડકાની પાંચ શેરીઓ બાંધીએ ત્યારે મુશ્કેલી ઊભી થાયને. ત્યાં સમતા ના રહે.

એવું છેને, આ બાજુ પાંચ શેરી મૂકી હોય અને પાંચ શેરનું, દસશેર કરવું હોય તો બીજી બાજુ પાંચ શેર બીજી વસ્તુ મૂકવી પડે. બીજું કોઈ પથ્થર કે ઢેખાળા કંઈ પણ મૂકવું પડે. અગર તો ઘઉં હોય તો ય ચાલે, એ જો એટલું પાંચ શેર તોલ્યા પછી આમાં પાછી પાંચ શેર મૂકીએ એટલે પછી ફરી દસશેર તોલી શકાય. પાંચ શેરી બાંધવા માટે શું કરે ? એક બાજુ આ પાંચ શેર મૂકે અને એક બાજુ કશુંય સાધન ના હોય તો, એક જણે દેડકા મૂક્યા. તે આમથી બે મૂકે ત્યાર હોરો ત્રણ કૂદીને બહાર ગયાં. એટલે એ બધું એવું પકડી પકડીને મૂકે ત્યાર હોરાં ત્રણ કૂદીને બહાર નીકળે. એટલે પાંચ શેરી બંધાય નહીં. એવી રીતે આ લોકોનું સામાયિક થાય છે.

પ્રશ્નકર્તા : હું હમણાં પૂછવાનો જ હતો કે દેડકાની પાંચ શેરી સાંભળ્યું છે ખરું પણ એ છે શું ?

દાદાશ્રી : હા, આ બે અહીંથી ઉઠાવીને મૂકે ત્યાર હોરો ત્રણ કૂદીને બહાર પાછાં. એટલે એવી સામાયિક થાય છે આ લોકોની. એટલે ત્રાજવું આમનું આમ થયા કરે. આમનું કોઈ દહાડો દેડકાની પાંચ શેરી જેવું સામાયિક થાય નહીં કોઈ દહાડો ય. આ દેડકાની પાંચ શેરી કહીએ તો વઢંવઢા કરે. હેં અમારા સામાયિકને દેડકાની પાંચ શેરી કહો છો ?! ત્યારે નહીં કહીએ ભઈ ! ત્રાજવું પલ્લું જરા ઊંચું-નીચું હતું. એટલું જ કહીએ. બાકી દેડકાની પાંચ શેરી જેવું જ છેને !! આમથી બે મૂકવા જાય ત્યાર હોરો ત્રણ કૂદીને બહાર નીકળે. પાંચ શેરી બંધાય ખરી ?!

પ્રશ્નકર્તા : ન બંધાય.

દાદાશ્રી : એટલે સામાયિકનો ખરો અર્થ આજે નીકળ્યો એક્ઝેક્ટ અર્થ. જે તીર્થંકરોના હ્રદયમાં હતું તે અને તે અર્થ પ્રચલિત નથી, આજ બબે હજાર વર્ષથી કોઈ જાણતું ય નથી. સામાયિક એટલે વિષમતા ન થવા દેવી તે.

છોકરો એની માને ગાળો ભાંડતો હોય આવડી આવડી. તે ઘડીએ બાપ સહન ન કરી શકે. પણ સામાયિકમાં બેઠો છે એટલે મનમાં એમ ખાતરી રહે કે અત્યારે સામાયિકમાં બેઠો છું, એટલે મારે વિષમતા નથી કરવી. આ એવી સામાયિક કરતો હોય તો કામ જ થઈ જાયને. આપણા મહાત્માઓને રહે છે, સામાયિક જેવી સમતા રહે છે. એમાં બે મત નહીં !

સામાયિકમાં શ્રાવક બને શ્રમણ !

પ્રશ્નકર્તા : સામાયિક કરતી વખતે શ્રાવક પણ શ્રમણ જેવો બની જાય છે.

દાદાશ્રી : એટલે શ્રમણ કોનું નામ કહેવાય કે વધુ સમતા ધરાવે એ શ્રમણ કહેવાય. સમતાધારી લોકો એ શ્રમણ કહેવાય. એટલે શ્રમણ જેવો જ થઈ જાયને !

પ્રશ્નકર્તા : હું શ્રાવક એટલે ગૃહસ્થી એમ સમજું છું.

દાદાશ્રી : હા, પણ ગૃહસ્થી શ્રમણ સમતાવાળો હોય નહીં, પણ તે સામાયિક કરે તે દહાડે એક કલાક માટે શ્રમણ જેવો બની જાય. હવે શ્રમણ જેવો, હમણે જે સામાયિકનો સાચો અર્થ ના નીકળ્યો હોય તો શ્રમણ જેવો બની જાય એનો વાંધો પડત. કારણ કે એકાગ્રતા તો અહીં બાવાઓ ય કરે છે, ગમે તે યોગવાળા !!

પ્રકાર સામાયિકના....

પ્રશ્નકર્તા : એવું કહ્યું છે કે અનેક પ્રકારે સામાયિક કરવી જોઈએ. એ સામાયિકના પ્રકાર ક્યા ક્યા ?

દાદાશ્રી : હા, એ તો અનેક પ્રકારે એટલે, આપણે અડતાળીસ મિનિટ કરીએ એ તો સામાયિક કહેવાય, પણ અમથા અમથા રસ્તામાં ય કો'કની જોડે ઝધડો થઈ ગયો તો તે ઘડીએ સામાયિક લઈ લેવું. સમત્વમાં આવી જવું. જ્યાં જ્યાં હોય ત્યાં સમત્વમાં આવી જવું અને આપણો માર્ગ એ જ છે ને, સમભાવ. આપણો સામાયિકનો જ માર્ગ છે આખો. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખાનનો આ માર્ગ સામાયિકનો એટલે આપણો છેલ્લો માર્ગ છે.

દાદાશ્રી : હવે બીજી કંઈ વાત છે ?

પ્રશ્નકર્તા : આપણે તો અડતાળીસ મિનિટમાં ક્યાંથી આવીએ ? આપણે તો ચોવીસ કલાક એ ભાવમાં જ રહેવાનું ને ?

દાદાશ્રી : એના જેવું તો એકુંય નહીંને, એની તો વાત જ જુદીને ! અરે, આપણા તો જે આ પ્રતિક્રમણ કરે છે, એ તે બહુ કિંમતી ! બબ્બે, ત્રણ-ત્રણ કલાક સુધી તો જગત યાદ જ ના હોય કશું એમને અને દોષો જ દેખાયા કરે, ત્રણ-ત્રણ કલાક સુધી !

દોષ દેખાય તો તે દોષ જતાં રહે. એ જીવતું પ્રતિક્રમણ કહેવાય ને આ નિર્જીવ પ્રતિક્રમણ કહેવાય છે. આનું પુણ્ય બંધાય. નકામું જાય નહીં એ.

પદ્માસનની આવશ્યકતા કેટલી ?

એક ભાઈ કહે છે, અમે સામાયિક કરીએ ત્યારે પદ્માસન કરીએ કે ના કરીએ ? મેં કહ્યું, આ કાળમાં પદ્માસન કરશો નહીં. નહીં તો પગ આપણને મરડવા જવું પડશે. એના કરતાં પદ્માસન કરશો નહીં. હા પણ સ્થિર બેસજે. અને સ્થિર બેસાય નહીં, તો સૂતાં સૂતાં કરજો. આંખો મીંચીને કરજો. આંખ ઉઘાડી રાખીને સામાયિક એક જ્ઞાની પુરુષ જ કરી શકે. બીજા લોકોનું કામ જ નહીં.

પ્રશ્નકર્તા : આપણું અક્રમનું સામાયિક એ સમજાવો.

દાદાશ્રી : આપણું સામાયિક તો આત્મારૂપ થઈ જવાનું. મહીં ચંદુભાઈનું તંત્ર શું ચાલી રહ્યું છે એ જોવું, ચંદુભાઈને આ વિચાર આવ્યો. તે વિચાર આવ્યો, ફલાણો આવ્યો, તેને બધાને જોવા, આપણે જોનાર અને વિચાર એ દ્રશ્ય. આપણે દ્રષ્ટા, જે સમજણ પડે એવા વિચાર હોય એ જ્ઞેય કહેવાય અને આપણે જ્ઞાતા.

પછી ચંદુભાઈની બુદ્ધિ શું કરે છે, ચિત્ત શું કરે છે, પગમાં દુઃખ છે, ત્યાં ચંદુભાઈ ધ્યાન રાખે છે કે નહીં ? એ બધું 'આપણે' જાણવું. પેટમાં ભૂખ લાગી હોય તો ય જાણવી અને બહારનાનો વિચાર આવે તેને શુદ્ધ જોવો. એ આપણું સામાયિક. શુદ્ધ રહેવું, શુદ્ધ જોવું, આખી રાત કચકચ કરી હોય ને પછી સામાયિકમાં બેઠાં, એટલે શુદ્ધ જોવું અને કહેવું ચંદુભાઈ માફી માગી લો !

એમાં જોયા જ કરવાનું !!

પ્રશ્નકર્તા : સામાયિક સમયે જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહીએ, એ વાત બરોબર પણ મન-બુદ્ધિ-ચિત્ત અહંકારની કેવી સ્થિતિ હોય ? સામાયિક સમયે ખાસ શું શું ધ્યાન રાખવું જોઈએ ?

દાદાશ્રી : આ મન-બુદ્ધિ-ચિત્ત અહંકાર શું શું કરી રહ્યા છે, એ જોયા કરવાનું. જેમ 'સુપરવાઈઝર' હોય ને તે સાહેબે કહ્યું હોય કે આનું 'સુપરવાઈઝ' કરો, એટલે આપણે શું કરીએ ?

પ્રશ્નકર્તા : બધાની સામું જોવાનું એ કોણ શું શું કરે છે ?

દાદાશ્રી : સુપરવિઝન જ કરવાનું, કોઈને ધોલ-બોલ મારવાની નહીં. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એને જોયા જ કરવાનું.

સામાયિકમાં અંદર આત્માને જુદો પાડ પાડ કરવો અને બીજું બધું મહીંનું જો જો જ કરવું. પણ એ 'જોવાનું ને જાણવાનું' બે જ અભ્યાસ 'આત્મા' કર્યા કરે છે. બીજા અભ્યાસમાં આત્મા ના ઉતરે. 'શું બન્યું' તે જોયા કરે. મન શું ધર્મમાં છે, બુદ્ધિ શું ધર્મમાં છે, એ બધું જોયા કરે. બધાને 'જોવાનું', ખાલી જો જો જ કર્યા કરવાનું. જેમ સિનેમામાં જોઈએ છીએ કે મહીં માણસ મારંમાર કરે છે, તોફાન કરે છે. પણ આપણે તેમાં 'ઈમોશનલ' થતાં નથી ને ? જેવું સિનેમામાં જોઈએ છીએ તેવું. અંદરનો બધો સિનેમા જોવાનો, એ સામાયિક છે. એડતાળીસ મિનિટ કરવામાં આવે તો બહુ કામ થઈ ગયું.

પ્રશ્નકર્તા : તો આમાં ભૂતકાળને યાદ કરવાની જરૂર નહીં ?

દાદાશ્રી : ભૂતકાળ યાદ કરવાનો નથી. સામાયિક કરવાની છે. સામાયિક કરવાની એટલે મહીં જે કૂદે છે, તેને આત્મા જોયા કરે છે, તે ઘડીએ આત્મા સંપૂર્ણ જ્ઞાતાદ્રષ્ટા રહે છે !

શુદ્ધ ઉપયોગ રાખવા માટે !

પ્રશ્નકર્તા : અક્રમ માર્ગમાં સામાયિકની જરૂર છે ?

દાદાશ્રી : દાદાની જાગૃતિ હોય, બીજી જાગૃતિ રહેતી હોય, આજ્ઞામાં રહેતાં આવડતું હોય, ગમે તેવું જાગૃતિનું તો સામાયિક ના કરે તો ચાલે.

બાકી કંઈ અબ્રહ્મચર્ય કે એવા બધા દોષો ક્યાં ક્યાં કર્યા, એવી સામાયિક લેવાની હોય તમારે.

પ્રશ્નકર્તા : એમાં હજી રસ જ ઉત્પન્ન નથી થયો ને કે સામાયિક થાય જ.

દાદાશ્રી : સામાયિક કરવું એવું લખી આપ્યું નથી. શુદ્ધ ઉપયોગ રહેતો હોય તો પછી વાંધો નહીં. શુદ્ધ ઉપયોગ રાખવા માટે જ સામાયિક કરવાની છે. સામાયિક માટે શુદ્ધ ઉપયોગ રાખવાની નથી.

સામાયિકથી વિકાર-ગ્રંથિ ઓગાળવી !

પ્રશ્નકર્તા : અમે યુવાન છીએ એટલે અમારી વિષય સંબધી ગાંઠ મોટી હોય. તો જો અમારો ઉપયોગ સામાયિકમાં હોય તો જ એ ગાંઠ ઓગાળી શકીએને ?

દાદાશ્રી : હં જોવાથી ઓગળી જાય છે.

પ્રશ્નકર્તા : હા. તે એ જોઈ જોઈને ઓગાળવાનું. એટલા માટે સામાયિકમાં બેસાય તો સારું ને ? અને એ પછી સામાયિકમાં બેસવું છે એવું નથી થતું.

દાદાશ્રી : સામાયિકમાં ના બેસાય તો આમ જ્યારે ગાંઠ ફૂટે ને, વિચાર આવે તો એને જ્ઞાને કરીને ચોખ્ખો કરવો એનું નામ જાગૃતિ કહેવાય. છેવટે કશું ના આવડે તો 'ન્હોય મારું' એમ કહે, એ વિચારોને, તો એ છૂટ્યો. વિચાર આવ્યો કે દ્રષ્ટિ બગડી તો 'ન હોય મારું' એમ કહે તો છૂટ્યો.

અને વિષયનો વિચાર તો જ્યારે ઉત્પન્ન થાય એને 'ન્હોય મારો' એમ કહીએ તો ય બંધ થઈ ગયું.

પ્રશ્નકર્તા : એટલે એમાં સામાયિકની જરૂર જ નથી ઊભી થતી કે રીતસર આપણે બેસવું જોઈએ કલાક.

દાદાશ્રી : સામાયિક થાય તો સારી વસ્તુ છે. ના થાય તો આમ, જેમ જેમ ઉત્પન્ન થાય તેમ તેમ કાઢતા રહેવું.

પ્રશ્નકર્તા : અમારી ઇચ્છા છે કે સામાયિક કરવું જોઈએ અને છતાં નથી બેસાતું એ શાથી ?

દાદાશ્રી : બધા ભેગા હોય ત્યારે બેસાય. એકલાને બેસતાં ના ફાવે. ભેગાનું વજન થાય સામસામી, વાતાવરણ ઊભું થાય. એટલે ભેગા ફરી બેસવું બધાયે.

પ્રશ્નકર્તા : અમારે એવું કેવી રીતે ગોઠવણી કરવી કે જેથી વધુમાં વધુ લાભ લેવાય ?

દાદાશ્રી : વધારે માણસ ભેગા થાય એટલે વધારે લાભ લેવાય. અસર થાય ને બધું સત્સંગની. સામાયિક કરવું હોય તો દસ-બાર માણસ ભેગા બેઠાં હોય તો સામાયિક કરો તો સારું થાય. એકલા બેસો તો ના થાય. બધાની અસર થાય.

નથી કરવાપણું આમાં !

પ્રશ્નકર્તા : આ તો આપણા વિજ્ઞાનની વાત છે. આપણે અડતાળીસ મિનિટ બેસીને કરીએ છીએ તે, આ ગાંઠો ઓગાળવા માટે આપે કહ્યું હતું.

દાદાશ્રી : એ તો આપણું અક્રમ વિજ્ઞાન છેને, એટલે સ્થિર બેસીને ગાંઠ બાળવા માટે ! બાકી સામાયિક આને કહેવાય નહીં. બીજું નામ આપવું પડે. ને બીજું નામ જડતું નથી એટલે આ ચાલવા દીધું.

અને સામાયિક એટલે તો બીજું કશું નહીં, મનમાંથી જે સ્ફૂરણા થાય તેના જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા કરવાનું.

પ્રશ્નકર્તા : સામાયિક ને પ્રતિક્રમણ એ ક્રિયા કહેવાય ?

દાદાશ્રી : ના, સામાયિક પ્રતિક્રમણ એ ક્રિયા નથી. એ જ્ઞાનક્રિયા છે. અજ્ઞાનથી કરે છે એ અજ્ઞાન ક્રિયા છે. અને આપણું તો આ જ્ઞાનક્રિયા છે. જ્ઞાનક્રિયાથી છૂટે, અને અજ્ઞાનક્રિયાનું તો ફળ આવે, ભૌતિક સુખો મળે.

પ્રશ્નકર્તા : મારો એવો અનુભવ છે કે સામાયિક કરવાથી જાગૃતિ બહુ વધે છે.

દાદાશ્રી : જાગૃતિ બહુ વધે. જાગૃતિ માટે એના જેવું એકેય નથી.

પ્રશ્નકર્તા : પણ હું એને ક્રિયા સમજતો હતો.

દાદાશ્રી : ના, એ તો જ્ઞાનક્રિયા છે. જ્ઞાનક્રિયાને ખરેખર ક્રિયા કહેવામાં આવતી નથી. વહેવારમાં કહેવું પડે કે હું સામાયિક કરું છું.

સામાયિક 'કરવાનું' એ તો 'કરવાનું' શબ્દ બોલીએ એટલું જ. જો કે સામાયિકમાં રહેવાનું જ હોય. આ તો પહેલાંની ટેવ પડી ગયેલી ને, શબ્દો બોલવાના, એટલે એવું બોલવું પડે. ભાષા થઈ ગયેલીને, કે સામાયિક કરવાની છે, બાકી સામાયિક તો રહેવાનું છે. કરવાનું તો છે જ નહીંને આપણે ત્યાં. એ ભાષા એવી થઈ ગયેલી તે બોલવું પડે. ભાષાનો વ્યવહાર બધો એવો થઈ ગયેલોને, આપણે ત્યાં કરવા જેવી વસ્તુ જ નથી ને !

અંદરની શુદ્ધિ સામાયિકથી !

પ્રશ્નકર્તા : આ સામાયિકમાં આપણે બેઠા હોઈએ તે જ્યારે મનમાં આવો ખરાબ વિચાર આવે તો એ સમયે જ પ્રતિક્રમણ કરવું ?

દાદાશ્રી : હા, એ સમયે જ કરવું બધું. અને તે 'આપણે' કરવાનું નથી. 'આપણે' જાણકાર છીએ. અને ચંદુભાઈને ભાન નથી ચંદુભાઈ કર્તા છે. એટલે કર્તાને આપણે એમ કહેવું કે 'આમ કરો, તમે આમ કેમ કર્યું ?' આપણે જ્ઞાતા છીએ ને એ કર્તા છે.

ધ્યાન-સાધનાની ક્રિયા જે છે તે તમને અહીં ફરીવાર આવશો ત્યારે બતાવશે. એક પ્રકારનું એવું સામાયિક છે કે જે અંદર આખી લાઈફના દોષો જોઈ શકે, તમે અંદર દોષો બધા જોઈ શકો અને જોવાથી એ ઓછા થઈ જાય. એ સામાયિક તમે અહીં આવશો ત્યારે બતાવશે. પણ હમણાં તો પાંચ આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કરોને !

અહીં આપણે આ બેન છે તે 'સામાયિક' દેખાડે છે. તો સામાયિકમાં એ વિષયને મૂકીને પોતે ધ્યાન કરે તો એ વિષય ઓગળતો જાય, ખલાસ થઈ જાય. જે જે તમારે ઓગાળી નાખવું હોય તે અહીં ઓગાળી શકાય.

પ્રશ્નકર્તા : એવું કંઈક હોય તો તે કામનું ને !

દાદાશ્રી : છે. અહીં બધું જ છે. અહીં તમને બધું જ દેખાડશે. તમને કોઈ જગ્યાએ જીભનો સ્વાદ નડતો હોય તે જ 'સામાયિક'માં મૂકવાનો. અને આ દેખાડે એ પ્રમાણે તેને જોયા કરવાનું. ખાલી જોવાથી જ બધી ગાંઠો ઓગળી જાય.

આપણે અહીં કરાવે છે એવી સામાયિકો કરવી. સામાયિકથી જે બહુ મોટી ગ્રંથિ હોય, જે બહુ હેરાન કરતી હોય તે ઓગળી જાય.

સામાયિકનો ઊઠાવો લાભ !

પ્રશ્નકર્તા : મારા મનની નબળાઈ છે એટલે મારાથી આપણી સામાયિકમાં બેસી શકાતું નથી.

દાદાશ્રી : બધાંની જોડે જોડે બેસીએ તો બેસાય તેનાથી સામસામી, પર્યાયી અસર થાય. તમારે સામાયિકમાં ગાંઠ ના મૂકવી. તમારે તો મન શું કરે છે, તે બધું જોવામાં જ કાઢવું. મનની નબળાઈ શું કરે છે, તે જોયા કરવું. પણ જ્યારે-ત્યારે એ ગાંઠોને ઓગાળવી તો પડશેને ! જેટલું ઓગાળીએ તેટલો લાભ થશે, આ ભવમાં ને આ ભવમાં લાભ થશે ! સંયમની શક્તિ ખૂબ વધી જશે ! આવા રસ્તા, આ માર્ગ, આવો અવસર ફરી ફરી મળે નહીં. માટે કામ કાઢી લો. આ સામાયિકથી ગમે તેવી ગાંઠ હોય તો તે ઊડી જાય ! નિરંતર સમાધિનો માર્ગ છે આ આપણો ! જેટલું અમારી આજ્ઞામાં રહેવાય, એટલી નિરંતર સમાધિ રહે, આજ્ઞામાં વધારે રહીશું તો સમાધિનો વધારે લાભ મળશે !

અક્રમમાં ગાંઠો ઓગાળવા !

શુદ્ધાત્માનું ભાન થયા પછી સામાયિક કરવાનું ના હોય. શુદ્ધાત્મા એ જ સામાયિક છે. જગતના લોકો કરે છે તેવું સામાયિક આપણે હવે કરવાનું રહ્યું નહીં. છતાં, અહીં જે સામાયિક કરાવવામાં આવે છે એ તો શેને માટે કરવી પડે છે ? આપણે 'અક્રમમાર્ગ' કર્મો ખપાવ્યા સિવાય 'લિફ્ટ'માં ઉપર ગયા છીએ તેથી, મહીં ગાંઠો સાબૂત છે, તેને ઓગાળવાનું સામાયિક આ બધા કરે છે. જે ગાંઠ મોટી હોય તેને સામી જ્ઞેય તરીકે મૂકે, ને પોતે જ્ઞાતા તરીકે રહે ને એક કલાક એમાં ગાળે, એટલે એ ગાંઠ એટલા પ્રમાણમાં ઓગળે. ગાંઠ બહુ મોટી હોય તો તે બહુ કલાક માંગે. રોજ એક એક કલાક જાય તો તે ખલાસ થઈ જાય. આ ભવમાં ને આ ભવમાં જ બધું ખલાસ થઈ જાય !!!

આ સામાયિકમાં શું કરે ? કે 'મન, વચન, કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું ને મારા સ્વ-સ્વભાવને પણ હું જાણું છું.' પણ એ સ્વભાવનું શું થાય ? કોઈને આટલો સ્વભાવ જાડો હોય, તો કોઈને આટલો જાડો હોય. હવે આ સામાયિક કરે ને, તે ઘડીએ એ સ્વભાવને મૂકીએ, તો તે બધું ઓગળી જાય. એ સ્વભાવનો જ્ઞાતાદ્રષ્ટા થયો તો એ ઓગળવા માંડે.

આપણી સામાયિક કેવી હોય ? જ્ઞાતાદ્રષ્ટાની સામાયિક હોય. એટલે એમાં કાયોત્સર્ગ પણ આવી જાય. આવી સામાયિક તો કોઈ કરે જ નહીં ને ! આ તો ઓર જ પ્રકારની સામાયિક છે.

હવે આ સામાયિકની શી જરૂર છે ? ત્યારે કહે કે અક્રમ છે એટલે મહીં માલ સ્ટોક પડેલો છે.

જ્યાં જ્યાં ઓગળવાનું છે, એ સ્વભાવને સામાયિકમાં મૂક્યાં કરવાનો અને આપણે જાણીએ એટલે એ સ્વભાવ ઓગળ્યા કરે. અને બીજો શું લાભ મળે કે આત્માનો રસાસ્વાદ ચાખે ! આત્મા સ્થિર છે, અચળ છે, અને દેહને જો અચળ કર્યો તો સ્વાદ ઉત્પન્ન થઈ ગયો ! બહાર જો અચળ કરીએ તો અચળતાનો મહીં સ્વાદ આવે. તેથી પેલા લોક સામાયિક કરે, કાયોત્સર્ગ કરેને, કે મહીંથી સ્વાદ આવે. એટલે જાણે કે બહાર ઇન્દ્રિયોનું સુખ નથી, સુખ અંદર છે અને આપણે તો સુખ અંદર છે એ જાણી ગયાં છીએ તો હવે આ સામાયિક શા માટે કરવાનું કે, આ સ્વાદ ચાખવા માટે છે. આત્મરસ ભોગવવા માટે આપણે સામાયિક કરવાનું છે. ને પેલા લોકોને તો આત્મરસનું ભાન થવા માટે કરવાનું છે.

સ્વભાવ રસ ઓગળે એમાં !

'મન, વચન, કાયાની ટેવો અને તેના સ્વભાવને 'શુદ્ધ ચેતન' જાણે છે અને પોતાના સ્વ-સ્વભાવને પણ 'શુદ્ધચેતન' જાણે છે. કારણ કે તે સ્વ-પર પ્રકાશક છે.'

આત્માનો મોક્ષગામી સ્વભાવ છે, જ્ઞાતાદ્રષ્ટા છે. ને સ્વરૂપજ્ઞાન પછી આપણે આપણા સ્વભાવને જાણીએ છીએ અને આ મન, વચન, કાયાની ટેવોને પણ જાણીએ છીએ. મન આવું છે, વાણીની ટેવ આવી છે, સામાને અપ્રિય થઈ પડે એવી છે, ખરાબ ભાષા છે, એવું બધું તમે જાણો કે ના જાણો ? તમે આ ય જાણો ને 'પેલું' ય જાણો. કારણ કે તમે સ્વ-પર પ્રકાશક છો. પોતાને, 'સ્વ'ને પણ પ્રકાશ કરી શકે અને પરને પણ પ્રકાશ કરી શકે. અજ્ઞાની માણસ, 'પર' એકલાને જ પ્રકાશ કરી શકે, 'સ્વ'ને પ્રકાશ ના કરી શકે. એમને એમ થાય ખરું કે મારું મન બહુ ખરાબ છે. પણ પાછા જાય ક્યાં ? ત્યાં ને ત્યાં જ રહેવું પડે. જ્યારે આત્મજ્ઞાનવાળો તો જુદો રહે.

પ્રશ્નકર્તા : 'ટેવો અને તેનો સ્વભાવ' એ ના સમજાયું.

દાદાશ્રી : મન, વચન, કાયાની ટેવ એકલી નથી કહી. જોડે તેનો સ્વભાવ કહ્યો છે ! સ્વભાવ એટલે કોઈ કોઈ ટેવ ખૂબ જાડી હોય છે, કોઈ ટેવ છે તે બિલકુલ પાતળી હોય છે, નખના જેટલી જ પાતળી હોય, તે એક કે બે વખત પ્રતિક્રમણ કરે એટલે ખલાસ થઈ જાય. અને જે ટેવ ખૂબ જાડી હોય તેનાં તો પ્રતિક્રમણ ખૂબ કરીએ, છોલ-છોલ કરીએ ત્યારે એ ઘસાઈ જાય !

મન, વચન, કાયાની ટેવો જે છે એ તો મરે ત્યારે છૂટે એવી છે, પણ એનો જે સ્વભાવ છે, તે ઘસી નાખવો જોઈએ. પાતળા રસથી બંધાયેલી ટેવોનાં તો બે-પાંચ વખત પ્રતિક્રમણ કરશો તો એ ઊડી જશે, પણ જાડા રસવાળાને પાંચસો પાંચસો વખત પ્રતિક્રમણ કરવાં પડે, ને કેટલી ગાંઠો, લોભની ગાંઠો તો એટલી મોટી હોય કે, રોજ બબ્બે ત્રણ-ત્રણ કલાક લોભનાં પ્રતિક્રમણ કર કર કરે તો ય છ વર્ષે ય પૂરી ના થાય ! અને કોઈને લોભની ગાંઠ એવી હોય કે એક દહાડામાં કે ત્રણ કલાકમાં ખલાસ કરી નાખે ! એવા જાતજાતના સ્વભાવ રસ હોય છે.

એટલે આપણું અક્રમનું પ્રતિક્રમણ જુદી જાતનું હોય. આ બધી જે ગાંઠો હોય, તે આમાં (સામાયિકમાં) મૂકી દેવાની. લોભ હોય, ક્રોધ હોય, તેની ગાંઠો મૂકી દેવાની. એ જ્ઞેય છે ને આપણે જ્ઞાતા છીએ. ક્રોધ હોય કે, માન હોય, એની ગાંઠ મૂકી દેવાની. એ જ્ઞેયને આપણે જ્ઞાતા, એવી રીતે અડતાળીસ મિનિટનું સામાયિક કરવાનું. જ્ઞેય-જ્ઞાતા સંબંધથી જ ગાંઠો બધી ઓગળી જાય. આ વ્યવહાર સામાયિક કરે છે. તે તો એકાગ્રતા કરવા માટે છે. અને આ સામાયિક તો ગાંઠો ઓગાળવા માટેનું છે. જે ગાંઠ વધારે હેરાન કરતી હોય, જેના બહુ વિચાર આવતા હોય એ ગાંઠ મોટી હોય.

આ પ્રતિક્રમણ વખતે માઈન્ડ એબસન્ટ છે. બીજું કશું નહીં. વિચારો જોડે જ્ઞાતા-જ્ઞેયનો સંબંધી, પ્રતિક્રમણ વખતે વિચારો આવતા જ નથી. વિચારો બંધ થઈ જાય અને વિચારો જો કોઈને આવતા હોય તો એ જુએ, એ જ્ઞેય છે ને આપણે જ્ઞાતા છીએ.

વિષય સંબંધીનું સામાયિક

અમે વિષય સંબંધીનું સામાયિક કરાવડાવ્યું હતું, કે અત્યારથી ઊંડા ઉતરો તે અત્યારે આપણી ચાલીસ વર્ષની ઉંમર છે, તે ૩૯ વર્ષમાં શું થયું, ૩૮ વર્ષમાં શું થયું, એમ કરતાં કરતાં છેવટે ૧૦ વર્ષની ઉંમર સુધી લોકો પહોંચેલા હતા. હવે એ તો પહોંચ્યા આ વાત જુદી જ છે. પણ એ પછી ય આઠ-આઠ દહાડા સુધી એમને એ દોષો દેખાવાના ચાલુ જ રહ્યા. તે બંધ જ ના થાય. ઘેર ખાતી વખતે, પીતી વખતે, મહીં ચાલુ જ રહે. મહીં કોતર્યા કરે. એટલે પછી એ લોકો કહે છે કે આ તો અમે કંટાળી ગયા છીએ. હવે બંધ કરાવી દેવડાવો. તે અમે પછી બંધ કરાવડાવ્યું. મહીં નિરંતર ચાલુ જ રહેલું. તે મહીં ખોળ, ખોળ, ખોળ, ખોળ કરે. પચ્ચીસ વર્ષ ઉપર આ - તે કયુ હતું, તે બધાં પર્યાય દેખે. પછી અમારે એ બંધ કરાવવું પડ્યું હતું. ભૂતકાળમાં વસાઈ ગયેલાં પર્યાયોને જોવાં એ આપણું સામાયિક.

આ સામાયિકમાં તો દોષો ધોવાય. અત્યાર સુધી જે, જ્ઞાન પ્રાપ્ત થતાં પહેલાંના, જે દોષો થયેલા હોય એ જોવાનું સામાયિક છે. તે કયા દોષ જોવા છે ? જ્ઞાન લેતાં પહેલાં જે દોષો બધા થયેલા હોય તેને જોવાથી એ દોષો બધા ધોવાઈ જાય. પણ હજુ પણ જોઈએ તો ધોવાઈ જાય. અને યાદ કરવા જાય તો યાદ એકુંય આવે નહીં. આ જ્ઞાને કરીને દેખાય બધા. આત્મા હાજર થઈને બધું દેખાય. ઠેઠ સુધીનું, આખી લાઈફનું દેખાય અને વિષયના દોષો તો...

પ્રશ્નકર્તા : વિષયના દોષોનું સામાયિક કરેલું.

દાદાશ્રી : હા, તે ઠેઠ સુધી બધા વિષયના જે જે દોષો થયા હોય તો બધા દેખાશે. દેખાતા, દેખાતા, દેખાતા બાર વર્ષનો થયો ને ત્યાં સુધી દેખાયા કરશે. જ્યાં સુધી વિષયની શરૂઆત થાય ત્યાં સુધી દેખાશે. શરૂઆતથી તે અંત સુધી જેટલા દેખાયા એટલા બધા ઊડી ગયા.

ફાડ ફાડ કરવાં ચીતરાયેલાં પાનાં !

અને સામાયિક શું છે ? જે તમારે આદત હોય, પેલા ભાઈ કહેતા'તાને કે મારે પુસ્તકો વાંચવાની આદત છે. તો એ પુસ્તકોનો ઢગલો મૂકવો, કલ્પનાથી અને પછી જ્ઞાતા-દ્રષ્ટા રહી, પુસ્તકો ફાડ ફાડ કરવાં, એક કલાક ફાડે, ને આપણે જોઈએ, ચંદુભાઈને કહેવું 'પુસ્તકો બધાં ફાડી નાખો' એટલે એ ગાંઠ ઓગળી જાય. લોભની ગાંઠ હોય તો લોભની ગાંઠ મૂકવી, આ ગાંઠો ઓગાળવાનું સાધન છે. મહીં ગ્રંથિઓ છે, છેવટે નિર્ગ્રંથ થવું પડશે. નિર્ગ્રંથ થયા વગર છૂટકો નથી.

હાર્ડવેઅર સામાયિકનું !

પ્રશ્નકર્તા : આગલા જન્મમાં અમે અતિક્રમણ કેટલાં કર્યા ? કેવાં કર્યા ? શું કર્યું ? એ તો અમને ખ્યાલ જ નથી. એ ખ્યાલ કેમ આવે ?

દાદાશ્રી : આગલા ભવનું આપણે શું કામ છે તે ? અત્યારે કેટલાં અતિક્રમણ કરીએ તે ધોવાનાં છે.

પ્રશ્નકર્તા : આ ભવમાં ય અતિક્રમણ કર્યા હોય તેનો ય ખ્યાલ ન આવે ને બધો કંઈ.

દાદાશ્રી : એ તો એકલા સામાયિકમાં બેસીએ ને એ બાજુ પડીએ કે મારે આ બધું ખોળી કાઢવું છે. તો બધું જડી આવે. વિગતવાર જડી આવે.

આજે એક સામાયિક કરજો.

પ્રશ્નકર્તા : હા, કેવી રીતે સામાયિક કરીએ ?

દાદાશ્રી : હા, નાનપણથી તે અત્યાર સુધી જેની જેની જોડે દોષ થયા હોય, હિંસા સંબંધી કોઈ જીવો જોડે થયા હોય, કોઈને દુઃખ દીધું હોય, કોઈને અવળો શબ્દ બોલ્યા હોય, કોઈની જોડે કષાય કર્યા હોય, એ હિંસા સંબંધી દોષો.

પછી જૂઠ, ચોરી-સંબંધી, વિષય-વિકાર સંબંધી કે આ વસ્તુઓમાં મમતા, એ શું કહેવાય ? પરિગ્રહ કહેવાય, એ જે જે દોષ કર્યા હોય એ દોષોને યાદ કરી કરી અને ભગવાન મહાવીરની સાક્ષીએ, અથવા શ્રી સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું એમ કહીને માફી માંગજો, કરજો આટલું, થાય એટલું ?

પ્રશ્નકર્તા : થાશે. જેટલાં યાદ આવશે એટલાં બધાં કરી જઈશું.

દાદાશ્રી : યાદ આવે એટલો વખત બધું કરજોને. જેની ઇચ્છા છે, જે સરળ છે, એને યાદ આવ્યા વગર રહેશે નહીં. અને ભગવાનના માર્ગમાં સરળતા એ મોક્ષનો સરળ રસ્તો, ઊંચો રસ્તો. સરળ ના થયો તો ભગવાનના માર્ગમાં જ નથી.

એટલે આટલું કરજો. બધું યાદ કરી કરીને કરજો. અને જોડે જોડે એમે ય કરજો કે જ્ઞાની પુરુષ હોવા છતાં ય, અમે શંકા કરીને, જ્ઞાની પુરુષ કેવા હોય, એવું બધું પૂછયું, તે ય અમારો દોષ છે. એવું પણ કરજો.

નાનપણમાં બિલાડીને માર્યું હોય પછી વાંદરાને કંઈક ઢેખાળો માર્યો હોય, એ બધું મહીં દેખી શકે છે. એ પહેલાંના પર્યાય મહીં દેખી શકે છે. પણ સામાયિક વધુ કરતાં હોય તો. પહેલી વખત સામાયિક કરે તો એવું એકદમ ના થાય. પણ પાંચ-દસ-પંદર સામાયિક થાય ત્યાર પછી બહુ ઝીણવટ આવતી જાય.

પહેલું દાદાનું ધ્યાન ધરી, સ્મરણ કરીને, એકાદ પદ વાંચી, અને પછી ત્રિમંત્ર બોલીને, પછી 'હું શુદ્ધાત્મા છું'ની સ્થિરતા કરી લેવાની ! પછી આજથી તે નાનપણ સુધીના જે જે બનાવો બન્યા હોય, વિષય વિકારી કે, હિંસાના બનાવો, જૂઠ પ્રપંચ કર્યા હોય એ બધું જેટલું તમને દેખાય, એટલા બધાનાં પ્રતિક્રમણ કરવાની શરૂઆત તમે કરજો ! આજથી પાછા ચાલવાનું, નાનપણથી સંભારવાનું અથવા ગઈ કાલે કોની જોડે કર્યું, પરમ દહાડે કોની જોડે કર્યું, ચોથે દહાડે કોની જોડે કર્યું, એ જેટલું યાદ આવેને એનાં પ્રતિક્રમણ કરવાનાં એ યાદ આવશે, કુદરતી રીતે જ યાદ આવશે. તમારે યાદ નહીં આવે તો શું કરીશું એવું ગભરાવું નહીં. તમે શરુ કરશો કે ધોધમાર વરસાદ પડશે ! રણમાં ય વરસાદ પડશે ! અને પછી જ્યાં આગળ હિંસા જેવા દોષ કર્યા હોય, અગર તો વાણીથી હિંસા કરી હોય, અગર તો કપટ કર્યા હોય, કંઈ લોભ કર્યા હોય, માન કર્યા હોય, ધર્મમાં વિરાધાના કરી હોય તે બધાનું પ્રતિક્રમણ કરતાં કરતાં આગળ ચાલો ! પછી અબ્રહ્મચર્ય સંબંધી અણહક્કના ભોગ ભોગવ્યા હોય અને વિચાર પણ એવો કર્યો હોય, એ પણ બધાંને સંભારીને ધો ધો કરજો ! જગત જેની નિંદા કરે, જ્યાં નિંદા થાય એવું હોય તેનું ફળ નર્કના અધિકારી થાય ! માટે એ બધાનું પ્રતિક્રમણ

કરી નાંખજો !

આ ચેતન વાણી છે. તે ચેતન વાણી જ કામ કરશે ! શુદ્ધતાપૂર્વક બેસીને પ્રતિક્રમણ શરુ કરી દો ! પાંચ મહાવ્રત છે. તે મહાવ્રત ક્યાં ક્યાં ભંગ થયો હોય એનું જ કરવાનું છે, બીજું કશું કરવાનું નથી ! બાકી હર્યા હોય, ફર્યા હોય, પાન ખાધું હોય, સીગરેટ પીધી હોય, એનું નથી કરવાનું, મનુષ્યને મનુષ્યના સામસામી દોષ થયા હોય તેનાં પ્રતિક્રમણ કરવાનાં છે ! એટલે મિશ્રચેતન જોડેના જેને દોષ થયાં હોય તે દોષ માટે પ્રતિક્રમણ કરવાનું આપું છું. એટલે તમે મિશ્રચેતન જોડે જે જે દોષ થયા હોય તેનાં પ્રતિક્રમણ કરજો ! આ 'દાદા'ની આજ્ઞા થઈ છે તે પાળજો ! આમ તો રોજ પ્રતિક્રમણ કર્યા કરીએ છીએ. કોઈ મિશ્રચેતન પ્રત્યે વિષયનો વિચાર આવ્યો હોય, કંઈ દોષ કર્યા હોય, તે બધાને નાનપણથી અત્યાર સુધીનું યાદ કરી કરીને પ્રતિક્રમણ કરવાનું. આ પ્રતિક્રમણ આજ્ઞાપૂર્વકનું છે તે બધું ધોવાઈ જશે ! માણસનો શું આચાર ના થાય ! પણ આજ્ઞા પાળી એટલે ચોખ્ખું થઈ જાય.

પ્રશ્નકર્તા : મિશ્રચેતનમાં શું શું આવે.

દાદાશ્રી : મિશ્રચેતન એટલે આ કૂતરાને લાત મારી કાઢી મેલ્યું હોય તો તેની જોડે વેર બાંધ્યું કહેવાય ! રસ્તા પર કોઈ સ્ત્રીને ધક્કો માર્યો હોય તે ય મિશ્રચેતન જોડે દોષ કર્યો કહેવાય, એ બધા દરેક મિશ્રચેતન જાડેના એક એક દોષને સંભારીને, એક-એક દોષને ખોળીને, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરજો ! જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવાથી દોષોનાં ઓપરેશન થતાં જાય ! આ તો 'લિફ્ટ' માર્ગ છે. તે રસ્તે ચાલતાં માર્ગ મળી ગયો છે ને ! એટલે આમ આજ્ઞામાં રહેવાથી માલ ચોખ્ખો થતો જાય. એમ કરતાં કરતાં મોક્ષે જવાશે !

પ્રશ્નકર્તા : ભૂલો ખ્યાલમાં ન આવે તો ?

દાદાશ્રી : તો દાદાને યાદ કરીને કહેવું, 'હે દાદા ભગવાન, હવે યાદ નથી આવતું' તે પાછું યાદ આવવા માંડશે ! અને જેટલા દોષ દેખાયા એટલા દોષ ભાંગી જશે ! હવે સુખ પોતાને મહીં શરૂ થઈ ગયું છે, પણ પૂર્વેના મિશ્રચેતન જોડેના હિસાબ બાકી હશે તે દાવા માંડશે ! અને આમ માર ખાઈને પાંસરા થવા કરતાં મિશ્રચેતન જોડે થયેલા દોષોની માફી જ માંગ માંગ કરીએ એટલે હલકા થઈ જવાય ! છોકરાં જોડે, બઈ જોડે, ફાધર, મધર એ બધાં મિશ્રચેતન જ કહેવાય. એ બધાનાં પ્રતિક્રમણ કરવાનાં ! આજ્ઞા પાછળ જ્ઞાની પુરુષનું વચનબળ કામ કરે ! એટલે કામ નીકળી જાય !

સોફ્ટવેઅર સામાયિકનું !

હવે અત્યારથી જોતાં જોતાં જોતાં ઠેઠ નાની ઉંમર સુધી અંદર જોયા કરો. જોતાં જોતાં આ વર્ષથી આગલા વર્ષમાં, ગયા વર્ષમાં એમ કરતાં કરતાં બધું દેખાશે, ઠેઠ સુધી !

નાનપણથી અત્યાર સુધીનું જોવું અગર તો અત્યારથી નાનપણ સુધી જોવું. ગમે તે એક અભ્યાસમાં પડી જજો મહીં. આત્મા થકી જોજો મહીં, અટકે તો ય જોજો કર્યા કરજો. એટલે દેખાતું જશે આગળ. અંતરાયો ઘણી વખત ના હોય અને કોઈનું હોય તો અટકે અને અંતરાય ઓછા હશે તેને દેખાતું જશે બધું. ઠેઠ નાના હતા ત્યાં સુધી દેખાશે બધું. શું શું કર્યું તે બધું ય.

સામાયિકની વિધિ

પ્રશ્નકર્તા : હે દાદા ભગવાન, હે શ્રી સીમંધર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગપૂર્વક, આખી જિંદગી થયેલા, વિષયસંબંધી દોષોનું સામાયિક પ્રતિક્રમણ કરવાની શક્તિઓ આપો.

દાદાશ્રી : દોષો જોવાની શક્તિ.

પ્રશ્નકર્તા : મને વિષયસંબંધી થયેલા દોષોને જોવાની શક્તિઓ આપો.

હું મન-વચન-કાયા, મારા નામની સર્વ માયા, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુનાં સુચરણોમાં સમર્પણ કરું છું.

દાદાશ્રી : હું શુદ્ધાત્મા છું (૫)

હું વિશુદ્ધાત્મા છું (૧)

હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું.

હું મન-વચન-કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું.

હું ભાવકર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું.

હું દ્રવ્યકર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું.

હું નોકર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું.

હું અનંતાજ્ઞાનવાળો છું. (૫)

હું અનંત દર્શનવાળો છું. (૫)

હું અનંત શક્તિવાળો છું. (૫)

હું અનંત સુખનું ધામ છું. (૫)

હું શુદ્ધાત્મા છું. (૫)

હવે અંદર ઊંડા ઉતરવા માંડો.

પ્રશ્નકર્તા : સામાયિક તો બહુ કામ કાઢી નાખે.

દાદાશ્રી : એકલા હોય તો બધું જેવું જોઈએ તેવું ના થાય. તમને હું બોલાવું એટલે બધું મહીં છૂટું થઈ જશે.

પ્રશ્નકર્તા : આ પહેલીવાર સામાયિક કરી. ગમ્યું !

દાદાશ્રી : એ તો રાગે પડી જશે. અને આપણું આ સામાયિક તો એ વસ્તુને આત્મા પ્રત્યક્ષ કરવું. આ આત્માનું સામાયિક કહેવાય. એમાં પુદ્ગલને લેવાદેવા નહીં. પુદ્ગલ જોડે લેવાદેવા નહીં. પુદ્ગલનો જ્ઞાતા થઈને કામ કરે એવું આ સામાયિક છે.

એવું કોઈ દહાડો દેખાયેલું નહીંને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : નવેનવું છે. કો'કને બરોબર ના થયું હોય, પણ આ ઉપાય છે. બહુ સુંદર.

તમને ક્યાં સુધી દેખાયું ?

પ્રશ્નકર્તા : નાનપણથી અત્યાર સુધી.

દાદાશ્રી : બધું દેખાય, આમ ફોટા સાથે દેખાય. કોઈને ચૂંટી ખણી હોય તો ય દેખાય. બચકું ભરી લીધું હોય તે ય ખબર પડે.

તમારે ખેદ નહીં કરવાનો. તમને ના દેખાય. કારણ કે મેં તમને હજુ દ્રષ્ટિ નથી આપીને. હું તમને દ્રષ્ટિ આપીશ પછી દેખાશે. બધાં બેઠાં હોય ત્યારે તમે ક્યાં જઈને બેસો.

પ્રશ્નકર્તા : કોશિશ કરી જોવાની.

દાદાશ્રી : હા, ખરું. નહીં તો મનમાં થાય કે આ જંગલમાં દાદાએ મને ક્યાં ઘાલ્યો ?!

વિધ વિધ અનુભવો સામાયિકમાં....

પહેલી જ વખત કર્યું ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : હવે આવું સામાયિક જૈનો કે કોઈ સાધુ સંન્યાસીઓ કોઈ કરી ના શકે.

પ્રશ્નકર્તા : આજે સામાયિક કર્યું તે મોટામાં મોટી પાવરફૂલ ટેકનિક (શક્તિશાળી વૈજ્ઞાનિક રીત) છે.

દાદાશ્રી : આ તો સામાયિક નથી. આ તો આપણી શોધખોળ છે. સામાયિક એટલે સમતામાં રહેવું. રાગ-દ્વેષ ન થવા દે. ે તો તમારે આખો દહાડો રહે જ છે ને એવું. એ તો આખો દહાડો તમારે સામાયિક છે. તે રાગ-દ્વેષ તો તમને થતાં નથી. એટલે તમારો આખો દહાડો, દહાડાના દહાડા સામાયિક થાય.

અને આ તો તમે અંદર જોયું તે ઘડીએ આત્મા કેવો થઈ ગયો ? એની શક્તિ કેટલી છે ? તે વખતે નહોતા ચંદુભાઈ, નહોતા કોઈના ધણી, નહોતા કોઈના કશું ત્યારે જ બધું દેખાયું. નહીં તો ધણી થયેલો, વળી આંધળો દેખે શું બહાર ? એ તો ફૂલ લાઈટ જ જોઈએ.

યાદ કરવા જાય તો એમાંનો એકુંય પર્યાય, યાદ ના આવે. ને આ જો બધા પર્યાય જોયાને.

બાકી સ્મૃતિ એટલી બધી સ્પીડી જલદી ફરી જ ના શકે. આ તો નાનપણમાં આમ થયું, પછી અમુક મોટી ઉંમરમાં આમ થયું. પછી અમુક ઉંમર સુધી આમ થયું, દેખાડેય જ જાય.

હવે આ દેખાય છે, તે બધાંનો ફેર હોય. કોઈને બિલકુલ પ્યૉર દેખાતું હોય. કોઈને સહેજ આવરણવાળું દેખાતું હોય, આમાં ફેર હોય.

પ્રશ્નકર્તા : સામાયિકમાં પહેલાં થોડા વખતમાં પંદર-વીસ મિનિટમાં આખી ફિલ્મ પતી ગઈ.

દાદાશ્રી : હા, એ પતી જાય.

પ્રશ્નકર્તા : તો પછી શું કરવાનું ?

દાદાશ્રી : પછી એમ ને એમ સ્થિર રહેવાનું એમાં કંઈ વાંધો નહીં. અગર તો બીજો કોઈ પણ ઉપયોગ લેવાનો.

પ્રશ્નકર્તા : પછી એ ફિલ્મ મેં બે વાર જોઈ લીધી.

દાદાશ્રી : એનો વાંધો નહીં. સારું. જેટલું જોવાય એટલું ચોખ્ખું કરવાનો ટાઈમ મળે ને. આ તો શુદ્ધ ચોખ્ખો પ્યૉર આત્મા છે.

આમ દોષ હોય એ બધા યાદ કરવા જઈએ તો એમાંનું કશું યાદ આવે નહીં અને સામાયિકમાં બધું એમ ને એમ દેખાય. એટલે એ જોનાર જ્ઞાતા-દ્રષ્ટા આત્મા હતો આનો. એટલે આત્મા તમને જુએને કે તમે શું કામ કરો છો.

બીજા કોઈને કશું કહેવું છે, અનુભવ સામાયિકનો ?

પ્રશ્નકર્તા : એકદમ શાંતિ થઈ ગી. બધાં દોષો ખૂબ દેખાયા.

દાદાશ્રી : દોષો જોયા એટલા ગયા. હજુ નાના નાના હશે તે ફરીવાર સામાયિક કરો આવું, ત્યારે જતા રહે.

પછી તમારે કશું આવ્યું ?

પ્રશ્નકર્તા : નાનપણથી તે અત્યાર સુધીના બધા દોષો દેખાયા અને હવે એક વિશેષ પ્રાર્થના છે કે હવે ફરી વિષય સંબંધી આવા દોષો ના થાય, એવું કરી આપો.

દાદાશ્રી : હા, એ કરી આપીશું. પણ કેટલી ઉંમર સુધી દેખાયા ?

પ્રશ્નકર્તા : નાનપણથી.

દાદાશ્રી : નાનપણથી અત્યાર સુધીના બધા દોષો દેખાયા ! આ તો બહુ સારું !

એ દેખનાર જ્ઞાતા-દ્રષ્ટા આત્મા, આ આત્મા દેખાયો ! તમે આમ યાદ કરવા જાવ તો એકુંય યાદ ના આવે. અને આ બધું દેખાયું.

તમારે કેમનું છે ?

પ્રશ્નકર્તા : નાનપણથી તે અત્યાર સુધીનું બધું આવી ગયું.

દાદાશ્રી : ચાલો કમ્પલીટ (પૂરું) થઈ ગયું હેંડો !

તમારે બેન કેમનું છે ? થોડું ઘણું દેખાયું ?

પ્રશ્નકર્તા : અત્યારથી પાછળ ગયું.

દાદાશ્રી : બસ, બહુ થઈ ગયું. ચાલો, જેટલા દેખાયા એટલા ગયા એ ફરી નહીં આવે.

નથી અસ્તિત્વ મનનું ત્યારે !

પ્રશ્નકર્તા : આ પોતાની ફિલ્મ જોતા હોઈએ અને એ વખતે એમાં મન ચોંટતું હોય, ગમતું હોય, એમાં કંઈ ખરાબ કર્યું છે કે કંઈ ખોટું થયું છે. એવા ભાવ ન થતા હોય તો એ કેવું દેખાય ?

દાદાશ્રી : સામાયિકમાં તે ઘડીએ મન હોય જ નહીં. મનનું અસ્તિત્વ જ ના હોય. આ તો જોવાનું જ હતું. સારું કે ખોટું એવું કશું જોવાનું નહીં. ખાલી જોવાનું જ હતું.

પ્રશ્નકર્તા : જોઈને એવું કહેવાનું નહીં કે માફી માગું છું ?

દાદાશ્રી : પ્રતિક્રમણ એ જુદી વસ્તુ છે. પણ આ આવું-તેવું અટકી રહેતું હતું, એવું ના બોલાય. આમાં અટકનારું કોઈ છે જ નહીં. આ મનની ક્રિયા નથી. આ આત્માની ક્રિયા છે.

આ આત્માની ક્રિયા છે તે એટલે આમ દેખાય ખરું, તેથી મનને એમાં કશું લેવાદેવા નથી.

દેખાય આત્માનું ચારિત્ર !

પ્રશ્નકર્તા : એકવાર પ્રતિક્રમણ કરીએ તો ફરી આવ્યા કરે ?

દાદાશ્રી : બહુ જાડું હોય તો આવ્યા કરે. લાંબું હોય તો ઠેઠ સુધી રહ્યા કરે. એટલા માટે જ ફરી કરવાનું ને ખલાસ થતાં સુધી કર કર કરવાનું. અને તે ઘડીએ આ સામાયિકમાં આત્માનું ચારિત્ર જોવાનું મળ્યું ને આપણને આ ચારિત્ર કહેવાય. પ્યૉર ચારિત્ર કહેવાય !

તે કોઈને જરા ઠીક પ્રમાણમાં દેખાયું તો આંગળી ઊંચી કરજો. તમને હઉ દેખાયું ?! પાટીદારને હઉ દેખાયું ?

પ્રશ્નકર્તા : ચોખ્ખું દેખાયું.

દાદાશ્રી : સાપ મળ્યો હોય તો ય માર્યા વગર જવા ના દે, એવા પાટીદારો. એમને પણ દેખાય. ત્યારે એ આત્મા કેવો પ્રાપ્ત થયો એમ કહેવાય ?!

આ વર્લ્ડની અજાયબી કહેવાય. એક કલાક પુણિયા શ્રાવકનું સામાયિક શ્રેણિક રાજાનું રાજ દલાલીમાં જાય, તે આ એક કલાકની કિંમત કેટલી ?! આ દાદાએ શું આપ્યું છે એ સમજાઈ ગયુંને તમને ?!

પછી સ્વયં ખોતર ખોતર થાય !

આખો દહાડો મારી જોડે બેસી રહ્યા છો તે ખોટ ગઈ નથી ?

પ્રશ્નકર્તા : કશી ખોટ નથી ગઈ.

દાદાશ્રી : ત્યારે શા હારું મારી જોડે રખડતા નથી ? આમ દુનિયામાં રઝળવું તેના કરતાં અહીં રઝળવું શું ખોટું ?

પ્રશ્નકર્તા : એ તો મોટો રઝળપાટ કહેવાય. આને રઝળપાટ ના કહેવાય.

દાદાશ્રી : આખા બ્રહ્માંડનું રાજ આપ્યું છે. જે સાધુ, આચાર્યો કોઈ દહાડો ય પામે નહીં, એ તમને આપ્યું છે.

ચાર વર્ષથી દેખાયું ? તે ક્યાં સૂઈ ગયો'તો, તે બધું ય દેખાય.

છોકરો મસ્તી કરતો હોય તે ય દેખાય. એટલે દેખાયું પાછું, યાદ આવે એ તો આત્મા ન હોય !

'હું શુદ્ધાત્મા છું.' શુદ્ધાત્મા કરીને પતંગ ઉડાડી આપી. આ તો આગળ-ઉપર હિંસાનું સામાયિક કરાવેલું, તે ઘેર જાય તો ય, સંડાસમાં ય હિંસાને હિંસાના દોષો દેખાવાનું ચાલું જ રહે મહીં, તે બંધ ના થાય. તે પછી એક ફેરો તો, પહેલી વખત તો ત્રણ દહાડા પછી બંધ કરાવવું પડ્યું. ત્રણ દહાડા સુધી ચાલું રહેલું. ખોતર, ખોતર, ખોતર, ખોતર થયાં જ કરે, તે બંધ કરાવેલું વિધિ કરીને.

૪૮ મિનિટ જ શાને ?

પ્રશ્નકર્તા : આપની ગેરહાજરીમાં સામાયિકમાં કોની આજ્ઞા લેવાની ?

દાદાશ્રી : ગેરહાજરી અમારી હોતી જ નથી. ત્યાં હાજર જ હોય. અને તમારે ત્યાં તો ગેરહાજર રહે જ નહીં. તમે તો બહુ ચોક્કસ પાકા !

પ્રશ્નકર્તા : સામાયિક ઓછામાં ઓછી કેટલો સમય કરાય ?

દાદાશ્રી : ઓછામાં ઓછી આઠ મિનિટ ને વધારેમાં વધારે પચાસ મિનિટ.

પ્રશ્નકર્તા : આ સવારની સામયિક કરીએ છીએ એમાં તો ૫૦ મિનિટ પછી સુખનો ઉભરો આવે છે.

દાદાશ્રી : આવે જ ને ! કારણ કે આપેલો આત્મા છે અને અચળ આત્મા છે. લોકોની પાસે તો ચંચળ આત્મા છે અને તમારે તો આત્મસ્વરૂપ થઈને સામાયિક કરો. એટલે ગજબ આનંદ આવે. જેટલી સ્થિરતા વધારે ઉત્પન્ન થાયને, એટલું સુખ વધારે આવે.

પ્રશ્નકર્તા : અડતાળીસ મિનિટનું કેમ રાખ્યું સામાયિક ?

દાદાશ્રી : સુડતાળીસ નહીં, અડતાળીસ મિનિટ. અરે એક દહાડો જો અડતાળીસ મિનિટ રહ્યું તો થઈ ગયું. પ્રખર આત્મા ! ફૂલ ટેસ્ટેડ.

આઠ મિનિટ મન-વચન-કાયા જેને બંધ થઈ જાય, તેને ભગવાને સામાયિકની શરૂઆત કહ્યું ને આઠથી અડતાળીસ મિનિટ રહે. તેને સામાયિક કહી. અડતાળીસ મિનિટથી તો વધારે કોઈને પણ ના રહે. આત્મામાં જ રહેવું એ સામાયિક.

'અક્રમ'માં સામાયિક !

પ્રશ્નકર્તા : સામાયિકમાં વિચારો આવે ને 'દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' બેઉ ચાલે. તે શું છે ?

દાદાશ્રી : અહીં પાડોશમાં મીંયાભાઈની ઘાણી ચકડ ચકડ બોલતું હોય, ને તમે રેંટિયો કાંતતા હોય તો શું કરો ? તેમ આ મનના મીંયાભાઈનો ચક્કો ચાલ્યા જ કરશે. તમારે એને જોયા જ કરવાનો. ખરાબ વિચારો કે સારા વિચારો જોયા જ કરવાના છે. હવે પાડોશી હોય તેની કંઈ વાણી બંધ કરાય ? એનાથી ગભરાવાની જરૂર નથી. આપણે અહીં સત્સંગ કરતાં હોઈએ. આ આપણે આપણી સ્ટડી રૂમમાં હોઈએ ને બહાર હુલ્લડ થાય તો તમારે શું ? મન જ્ઞેય થયું ને તમે જ્ઞાતા થયાં, એટલે મન વશ થઈ ગયું. અમારે ય મન તો હોય, મોક્ષ થતાં સુધી મન તો હોય. પણ અમારું મન કેવું હોય ? સેકંડના કાંટાની જેમ ફર્યા કરે, અટકે નહીં. અમારું મન બધું ખલાસ થયેલું તેના જ્ઞાતા-દ્રષ્ટા રહો તો મન ખલાસ થાય.

પ્રશ્નકર્તા : વ્યવહાર સામાયિક અને નિશ્રય સામાયિકમાં શો ફેર ? હિતકારી ક્યું ?

દાદાશ્રી : નિશ્રય સામાયિક ! વ્યવહાર સામાયિક મનથી થાય અને નિશ્રય સામાયિક આત્માથી થાય. મનને એકાગ્ર કરવું ને બહાર દોડધામ ના કરવા દેવું તે વ્યવહાર સામાયિક.

પ્રશ્નકર્તા : વ્યવહાર સામાયિકનું ફળ શું ?

દાદાશ્રી : પુણ્યાનુબંધી પુણ્ય. નિશ્રય સામાયિક તે તમે શુદ્ધાત્મા છો એ ફરી નક્કી કરાવડાવે. ને પછી વિષયસંબંધી દોષો જોવા માંડે, તે ૩૫ થી ૩૪, ૩૩ તે ઠેઠ સુધી જોવા માંડે પછી હિંસા સંબંધી, કષાય સંબંધી આમાં ફક્ત આત્મા જ હોય. મન, બુદ્ધિ, બધું આઈડલ રહે.

જોયા કરવું એ સામાયિક કહેવાય. ને આ પ્રતિક્રમણ સામાયિક કહેવાય.

પ્રશ્નકર્તા : ખાલી સામાયિક કરવાથી ધોવાય કે પ્રતિક્રમણ કરવું પડે ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરવું પડે. આ સામાયિક પ્રતિક્રમણ કહેવાય છે. સામાયિક એટલે બહારનો વ્યવહાર બંધ અને પ્રતિક્રમણ એટલે મહીં ચાલું.

પ્રશ્નકર્તા : સામાયિક બધાં ભેગાં થઈને અમે કરીએ છીએ. તો તેમાં દર વખતે શું કરવું ?

દાદાશ્રી : વિષયનું વધારે કરવું. પહેલા વિષયનું પ્રતિક્રમણ લો. તે તેને ઠેઠ સુધી જાય. પછી ઋણાનુબંધ પર લો, ઋણાનુબંધ એટલે આપણને જે જે ભેગાં થયાં હોય, તે બધાને યાદ કરીને પ્રતિક્રમણ કરો.

હિંસા સંબંધી દોષો જોવાથી હિંસાનાં પરમાણુઓ ખાલી થઈ જાય. બ્રહ્મચર્યનું સામાયિક કરવાથી અબ્રહ્મચર્યનાં પરમાણુઓ ખલાસ થઈ જાય.

ગ્રંથિઓ છે એમ ખબર પડે પણ વ્યવહારમાં સમજાય તેમ નથી. માટે અમે એ ગ્રંથિને સામાયિકમાં મૂકવા કહીએ છીએ. સામાયિકમાં એક ગ્રંથિને મૂકીને ઓગળવા જઈએ પણ મહીં બીજી ગાંઠો ફૂટે. વિચારો દેખાય. તે પેલી ગાંઠ પર ઉપયોગ મૂકવા ના દે. ત્યારે જે દેખાય તેને જોવું.

પ્રશ્નકર્તા : આ સામાયિક પ્રતિક્રમણમાં દોષો જોવાને પ્રતિક્રમણ કર્યું તો એ દોષો ભોગવવા તો પડે ને ?

દાદાશ્રી : ના. ધોવાઈ જાય. કેટલાક ચીકણા હોય તે રહે. પણ તે કેવાં રહે, કે આ ભીંતે ચોંટેલા રહે પણ એ આમ અડતાંની સાથે જ ઊખડી જાય.

પ્રશ્નકર્તા : સામાયિકમાં જે દ્રશ્યો દેખાય તે ટાઈમે તેનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું.

દાદાશ્રી : ક્યારે દ્રશ્યો દેખાયાં હતાં ?

પ્રશ્નકર્તા : સામાયિકમાં.

દાદાશ્રી : સામાયિકમાં એ દ્રશ્યો દેખાય એનું પ્રતિક્રમણ ના હોય. જે દેખાય એ તો ગયા. પ્રતિક્રમણ તો દેખાય નહીં, તેનું કરવાનું હોય. સમજ પડીને ? દ્રશ્ય જોયું એ તો ગયું. જોયું એટલે ચોખ્ખું થઈ ગયું.

પ્રશ્નકર્તા : પણ ફરીથી દેખાયને, એ ?

દાદાશ્રી : ફરી તે બીજા દેખાય છે. આ ડુંગળી હોય તેવું એક પડ જતું રહે જોવાથી. પાછું ડુંગળીને ડુંગળી દેખાય.

પ્રશ્નકર્તા : પણ એનાં એ દ્રશ્યો દેખાય છે ને ?

દાદાશ્રી : દ્રશ્યો એનાં એ ના દેખાય. બે વખત ના દેખાય.

પ્રશ્નકર્તા : કોઈ જીવ સાથે વેર હોય, એનું પ્રતિક્રમણ કર્યું, પાછું એના એ જ જીવનું પ્રતિક્રમણ કરવાનું રહે છે.

દાદાશ્રી : હા, પણ પ્રતિક્રમણ કરવાનું છે તો આપણો, મોટો દોષ હતો તે પ્રતિક્રમણ કર્યું એટલે એક પડ તૂટ્યું. બીજાં બધાં લાખો પડ રહ્યાં. એનાં પડ ઊડે છે. એટલે જ્યાં સુધી પૂરું ના થાય. કોઈ માણસની જોડે આપણે મહિના બે મહિનાનાં પ્રતિક્રમણથી બધું પૂરું થઈ જાય, હિસાબ ચૂકતે. કોઈ માણસને આખી જિંદગી સુધી હિસાબ ચાલ્યા કરે. વધારે ગ્રંથિ બહુ મોટી હોય. આ ડુંગળી હોય છે તેનું એક પડ જાય એટલે પાછું ડુંગળી દેખાય ને ? એવી રીતે આ દોષોમાં પડ હોય છે બધાં, પણ એક ફેરો પ્રતિક્રમણ કર્યું એટલે એક પડ જાય જ. એટલે તમારે બીજી વખત ના કરવું પડે. એક જ વખત, એકનું પ્રતિક્રમણ એક જ હોય.

હાજરી ગેરહાજરીની અસરો !

પ્રશ્નકર્તા : આપણું આ જે પ્રતિક્રમણ ને સામાયિક કરીએ છીએ, તે વખતે દાદાની હાજરી હોય તો, આ જે અનુભવ થાય છે તે થાય કે અમસ્તું યે થાય ?

દાદાશ્રી : ના, દાદાની હાજરી હોય તો વધારે સારું થાય. બહારનું કોઈનું અડે નહીં, ને વાતાવરણ બહુ ઊંચું હોયને ? અને હું જે કરું છું, 'હું શુદ્ધાત્મા છું' એ ય પાંચ-છ વાર બોલું છું ને એ બધું કામ કરે. મારા શબ્દો બહુ કામ કરે.

પ્રશ્નકર્તા : અને એ સિવાય પણ અસર તો રહે ને દાદા ન હોય તો પણ ?

દાદાશ્રી : કરી શકાય, કરી શકાય. પણ જરા આઘુંપાછું થાય એટલું જ. તો ય બહુ થઈ ગયું, બે મિનિટ થાય તો ય બહુ ! અમુકને તરત જ અનુભવ થાય. આપણે ત્યાં આ સામાયિક કરાવે છેને એ મોટો પુરુષાર્થ છે. આ સામાયિક એ આત્માનું વિટાનિ છે. વ્યવહારમાં આ વિટામિન દેહનું લેવું પડે. એવું એ આત્માનું વિટામિન અને તમારે તો આખો દહાડો સામાયિક ! આખી જિંદગી સામાયિક જ રહે. ગાડી હાંકતા હાંકતા રહે કે ના રહે ? એવું હોવું જોઈએ. આત્મા પોતે જ સામાયિક છે. શક્તિઓ તો બધી અનંત છે, પણ પ્રગટ થઈ નથી.

એમાં 'જોયો' 'જોનારો'ને !

સામાયિકમાં 'જોનારો'ને જોયો 'તમે' !

આ સામાયિકમાં દોષો ધોવાઈ જાય !

સામાયિક વખતે આત્મા તમે પોતે અને આ જોનારને ય તમે જોયો, અંદરથી ! નહીં તો માણસમાં યાદ કરવાની શક્તિ તો હોય જ નહીં ને આટલી ?! યાદ કરવાની શક્તિ હોય જ નહીં ને ? આ તો બધું પડે પડ જોઈ લે.

થોડુંઘણું તમને મહીં ભાસ પડ્યો કે નહીં ? એમ ? શું વાત કરો છો ? કહેવું પડે ! તમારે કેમનું છે મહીં ? થોડું ઘણું રાગે પડ્યું હતું ? આ તમને સામાયિકનો લાભ મળી ગયો કારણ કે આ સામાયિક તો આત્મ-સામાયિક કહેવાય. અને વ્યવહાર સામાયિક એટલે શું ? મનનું સામાયિક, મનને સ્થિર કરવાનું સામાયિક, આ બહાર જે સામાયિક કરે છે તે મનને સ્થિર કરવાનું સામાયિક. તે ય પૂરું મન સ્થિર થાય તો ઉત્તમ અને અહીં આ તો મનની વાત જ નહીં ને ? આ તો આત્મ સામાયિક. પુણિયા શ્રાવકનાં સામાયિક આ બધાં !

પ્રશ્નકર્તા : આપે પેલું હમણાં કહ્યુંને કે આ સામાયિકમાં જોનારાને જુએ છે તો એ જરા સમજાયું નહીં.

દાદાશ્રી : આત્મા સિવાય બુદ્ધિની શક્તિ છે એટલે બહારની વસ્તુને જોઈ શકે, સંસારી વસ્તુઓને જોઈ શકે. અને આ દોષોને બધાંને 'એ' જુએ. એટલે આ જાણવાની શક્તિ આત્માની.

આત્મા સ્વ-પર પ્રકાશક છે. એટલે એ જોઈ શકે છે. પોતાને ય જુએ છે અને પારકાને ય જુએ છે. સ્વ-પર પ્રકાશક એટલે સંસારને ય પ્રકાશી શકે અને પોતાની જાતને ય પ્રકાશી શકે. બન્ને જોઈ શકશે.

પ્રશ્નકર્તા : પણ તમે તો એમ કહ્યું કે જોનારાને એ જુએ.

દાદાશ્રી : હા, એટલે ત્યાં ખરેખર અહીં આ મૂળ આત્મા જ કામ કરે છે. એટલે જુદું પાડ્યું અમે. મૂળ આત્મા જ કામ કરે છે. સ્વ પર પ્રકાશક જે છે તે જ કામ કરી રહ્યું છે. માટે એ સ્વ-પર પ્રકાશકની તમને ખાતરી થઈ કે આ સ્વ-પર પ્રકાશક મહીં છે. અને કાર્ય કરી રહ્યો છે તે આપણે જોયું. જોનારને જોયો હવે. જોનારને જોવામાં બીજો અભ્યાસ નથી થતો. પણ અહીં આગળ આપણને ખાતરી થઈ કે આ કોણે જોયું ?! એટલે આપણે ખોળીએ કોણ ? ત્યારે કહે જોનારને ! એટલે કહ્યું જોનારને જોયો આપણે !!

પ્રશ્નકર્તા : આપને ચોવીસે ય કલાક સામાયિક જ હોય ને !

દાદાશ્રી : હા, સામાયિક તો હોય જ. સામાયિક તો સ્વભાવિક જ છે ને. કારણ કે આત્મા જ સમ છે. અને એ પોતે જ સામાયિક છે. આત્મા સ્વભાવમાં આવ્યો એટલે સામાયિક જ છે. પણ જ્ઞાની પુરુષને સામાયિક ઉપર છે, તે બીજા ગુણો, બધા બહુ ગુણો હોય, સ્વભાવિક ગુણો હોય.

'છૂટું' પાડવાની સામાયિક !

આજે છૂટું પાડવાની સામાયિક બતાડીએ છીએ. ચંદુલાલ અને શુદ્ધાત્માને જુદા પાડવાની આ ઊંચામાં ઊંચી રીત છે ! એ સામાયિકમાં તમારે આ પ્રમાણે બોલ્યા કરવાનું,

૧. 'હે શુદ્ધાત્મા ભગવાન ! તમે જુદા ને ચંદુલાલ જુદા.'

૨. 'હે શુદ્ધાત્મા ભગવાન ! તમે રીયલ છો અને ચંદુલાલ રિલેટિવ છે.'

૩. 'હે શુદ્ધાત્મા ભગવાન ! તમે પરમનન્ટ છો અને ચંદુલાલ ટેમ્પરરી છે.'

આટલું અડતાલીસ મિનિટ બોલ્યા કરવું.

એમાં તમારે જે કાંઈ શક્તિઓ ખૂટતી લાગતી હોય તે સામાયિકમાં શુદ્ધાત્મા ભગવાન પાસે મંગાય. આનાથી તદ્દન છૂટું જ પડી જશે. દિવસમાં જ્યારે પણ યાદ આવે ત્યારે ત્રણ વાક્યો બોલી નાખશો, પાંચ પચીસ વાર તો ય તરત મહીં બધું છૂટું પડી જશેને ક્લિયર (ચોખ્ખું) થઈ જશે બધું.

અરીસા સામાયિક !

અરીસામાં ચંદુભાઈ સામા દેખાય. એમાં એક આત્મા છે અને સામા ઊભા છે એ ચંદુભાઈ છે. આપણે એમને કહ્યું કે, 'ચંદુભાઈ, આવી આવી ભૂલો ક્યાં સુધી કરશો ?' જરા તમને ઠપકો આપવા જેવો છે' એમેય કહીએ.

તમે કોઈ દહાડો અરીસામાં જોઈને માજીને ઠપકો આપો છો ? આપણે અરીસામાં માજીને સામાં બેસાડીને કહીએ કે, 'તમે ચોપડીઓ છપાવી, જ્ઞાનદાન કર્યું, એ તો બહુ સારું કામ કર્યું, પણ તમે બીજું આમ કરો છો, તેમ કરો છો, તે શાને માટે કરો છો ?' આવું પોતાની જાતને કહેવું પડે કે નહીં ? દાદા એકલા જ કહે કહે કરે ?! એના કરતાં તમે પણ કહો તો એ બહુ માને, તમારું વધુ માને ! હું કહું ત્યારે તમારા મનમાં શું થાય ? દાદા મારી જોડે પાડોશમાં છે તેમને નથી કહેતા ને મને શું કરવા કહે છે ?! માટે આપણે જાતે જ ઠપકો આપીએ.

પારકાની ભૂલો કાઢતાં બધી ય આવડે અને પોતાની એકુંય ભૂલ કાઢતાં નથી આવડતી. પણ તમારે તો ભૂલો કાઢવાની નથી. તમારે તો 'ચંદુભાઈ'ને વઢવાનું જ છે જરા. તમે તો તમારી બધી ભૂલો જાણી ગયા છો. એટલે હવે 'તમારે' ચંદુભાઈને ઠપકો આપવાનો છે, પાછું 'માની' લે એવું છે. બધી રીતે 'માનવાળું' છે. એટલે એને જરા પટાવીએ તો વધુ કામ થાય.

હવે આ વઢવાનો આપણે ક્યારે અભ્યાસ કરીએ ? આપણે ઘેર એક-બે માણસો વઢનારા રાખીએ પણ એ સાચું વઢનારા ના હોયને ?! સાચું વઢનારા હોય તો જ પરિણામ આવે. નહીં તો જૂઠું બનાવટી વઢનારું હોય તો પરિણામ ના આવે. આપણને વઢનારું હોય તો આપણે એનો લાભ લેવો જોઈએ. આ તો આવું ગોઠવતાં આવડતું નથીને ?

પ્રશ્નકર્તા : વઢનારા હોય તો આપણને ગમે નહીં.

દાદાશ્રી : એ નથી ગમતા, પણ રોજના વઢનારા લાગુ થયા હોય પછી તો આપણને નિકાલ કરતાં આવડેને બળ્યું કે આ રોજનું લાગ્યું છે, તો ક્યાં પત્તો પડશે ?! એના કરતાં આપણે આપણી 'ગુફામાં' પેસી જાવને ?

પ્રશ્નકર્તા : આપે કહ્યું છે કે હું જીવ નથી પણ શિવ છું પણ એ જુદું પડતું નથી.

દાદાશ્રી : એ એનો ભાવ છોડે નહીં ને ? એના એ હક્ક છોડે કે ? એટલે આપણે એને સમજાવી સમજાવીને, પટાવી પટાવીને કામ લેવું પડે, કારણ કે એ તો ભોળું છે. પુદ્ગલલનો સ્વભાવ કેવો છે ? ભોળો છે. તે એને આમ કળામય કરીએ તો તો એ પકડાઈ જાય. જીવ ને શિવ ભાવ બન્ને જુદા જ છેને ? હમણાં જીવભાવમાં આવશે તે ઘડીએ બટાકાવડા બધું ખાશે અને શિવભાવમાં આવશે ત્યારે દર્શન કરશે !!!

પ્રશ્નકર્તા : પણ જીવનું મન સ્વતંત્ર છે.

દાદાશ્રી : બિલકુલ સ્વતંત્ર છે. મન તમારા સામું થાય તે જોયેલું કે નહીં તમે ? અલ્યા, 'મારું' મન હોય તો એ સામું શી રીતે થાય ? એ સ્વતંત્ર છે કે નહીં, એવું સામું થાય ત્યારે ખબર પડી જાય !!

પ્રશ્નકર્તા : વાણી ઉપર કંટ્રોલ નથી એટલે મન ઉપરે ય કંટ્રોલ નથી.

દાદાશ્રી : જે સામું થાય એના પર આપણો કંટ્રોલ નથી.

પહેલાં તો તમેે 'હું જીવ છું' એવું માનતા હતા. હવે માન્યતા તૂટી ગઈ છે ને 'હું શિવ છું' એવી ખબર પડી ગઈ પણ જીવ કંઈ એમનો ભાવ છોડે નહીં, એમનો હક-બક્ક કશું ય છોડે નહીં. પણ એમને જો પટાવીએ તો એ બધું ય છોડે તેમ છે. જેમ કુસંગ અડે છે ત્યારે કુસંગી થઈ જાય છે ને સત્સંગ અડે ત્યારે સત્સંગી થઈ જાય છે, તેમ સમજણ પાડીએ તો એ બધું જ છોડી દે એવો ડાહ્યો છે પાછો ! હવે તમારે શું કરવાનું કે તમારે ચંદુભાઈ જોડે, ચંદુભાઈને બેસાડીને વાતચીત કરવી પડે કે, 'તમે સડસઠ વરસે રોજ સત્સંગમાં આવો છો, તેનું બહુ ધ્યાન રાખો છો તે બહુ સારું કામ કરો છો !' પણ જોડે બીજી સમજણ પાડવી, ને સલાહ આપવી કે, 'દેહનું ધ્યાન શું કામ બહુ રાખો છો ! દેહમાં આ આમ થાય છે તે છો ને થાય. તમે અમારી જોડે ટેબલ ઉપર આમ આવી જાવને ! અમારી જોડે પાર વગરનું સુખ છે.' એવું તમારે ચંદુભાઈને કહેવું. ચંદુભાઈને આમ સામે બેસાડ્યા હોય તો તમને 'એક્ઝેક્ટ' દેખાય કે ના દેખાય !

પ્રશ્નકર્તા : અંદર વાતચીત તો મારે કલાકો સુધી ચાલે છે.

દાદાશ્રી : પણ અંદર વાતચીત કરવામાં બીજા ફોન લઈ લે છે, એટલે એમને સામા બેસાડીને મોટેથી વાતચીત કરીએ એટલે કોઈ બીજો ફોન લે જ નહીંને !

પ્રશ્નકર્તા : પોતાને સામે કેવી રીતે બેસાડવું !

દાદાશ્રી : તું 'ચંદુભાઈ'ને સામે બેસાડીને વઢવઢ કરતા હોય તો 'ચંદુભાઈ' બહુ ડાહ્યો થઈ જાય. તું જાતે જ વઢું કે, 'ચંદુભાઈ આવું તે હોય ! આ તેં શું માંડ્યું છે ! ને માંડ્યું તો હવે પાંસરું માંડને !!' આવું આપણે કહીએ તે શું ખોટું છે ? કો'ક લપકા કરતું હોય, તે સારું લાગતું હશે ! તેથી અમે તને 'ચંદુભાઈ' ને વઢવાનું કહીએ, નહીં તો હપુચું (સદંતર) અંધેર જ ચાલ્યા કરે ! આ પુદ્ગલ શું કહે છે કે તમે તો શુદ્ધાત્મા થઈ ગયા પણ અમારું શું ! એ દાવો માંડે છે, એ પણ હક્કદાર છે. એ પણ ઈચ્છા રાખે છે કે અમારે પણ કંઈક જોઈએ છે. માટે તેને અટાવીપટાવી લેવું. એ તો ભોળું છે. ભોળું એટલા માટે કે મૂરખની સંગત મળે તો મૂરખ થઈ જાય ને ડાહ્યાની સંગત મળે તો ડાહ્યા થઈ જાય. ચોરની સંગત મળે તો ચોર થઈ જાય ! જેવો સંગ એવો રંગ ! પણ એ પોતાનો છોડે તેવા નથી.

તારે 'ચંદુભાઈ'ને અરીસા સામે બેસાડી આમ પ્રયોગ માંડવો. અરીસામાં તો મોઢું બધું જ દેખાય. પછી આપણે 'ચંદુભાઈ'ને કહીએ, 'તે આમ કેમ કર્યું ! તારે આમ નથી કરવાનું. વાઈફ જોડે મતભેદ કેમ કરે છે ? નહીં તો તમે પૈણ્યા શું કરવા ! પૈણ્યા પછી આમ શું કરવા કરો છો ?' આવું બધું કહેવું પડે. આવું અરીસામાં જોઈને ઠપકો આપ એક એક કલાક, તો બહુ શક્તિ વધી જાય. આ બહુ મોટામાં મોટું સામાયિક કહેવાય. તને ચંદુભાઈની બધી જ ભૂલોની ખબર પડે ને ! જેટલી બૂલો દેખાય એટલી આપણે અરીસા સામે ચંદુભાઈને બેસાડીને એક કલાક સુધી કહી દીધી કે એ મોટામાં મોટું સામાયિક !

પ્રશ્નકર્તા : આપણે અરીસામાં ના કરીએ ને આમ મન સાથે એકલા એકલા વાતો કરીએ તો તે ના થઈ શકે ?

દાદાશ્રી : ના, એ નહીં થાય. એ તો અરીસામાં તને ચંદુભાઈ દેખાવા જોઈએ. એકલા એકલા મનમાં કરીએ તો આવડે નહીં. એકલા એકલા કરવાનું એ તો 'જ્ઞાની પુરુષ'નું કામ. પણ તમને તો આમ આ બાળભાષાનું શીખવાડવું પડેને ?! અને આ અરીસો છે તે સારું છે, નહીં તો લાખ રૂપિયાનો અરીસો વેચાતો લાવવો પડત. આ તો સસ્તા અરીસા છે ! ઋષભદેવ ભગવાનના વખતમાં ભરત ચક્રવર્તીએ એકલાએ જ અરીસાભવન બનાવેલું ! અને અત્યારે તો એ ય મોટા મોટા અરીસા બધે દેખાય !

આ બધી પરમાણુની થિયરી છે. પણ જો અરીસા સામું બેસાડીને કરે તો બહુ કામ નીકળી જાય એવું છે, પણ કોઈ કરતું નથી ને ?! અમે કહીએ ત્યારે એક-બે વખત કરે ને પછી પાછો ભૂલી જાય !

ભરત રાજાને, ઋષભદેવ ભગવાને 'અક્રમજ્ઞાન' આપ્યું ને છેવટે તેમણે અરીસાભાવનનો આશરો લીધો ત્યારે તેમનું રાગે પડ્યું. અરીસાભવનમાં વીંટી નીકળી ગયેલી, આંગળીને અડવી દીઠી, ત્યારે તેમને થયું કે બધી આંગળીઓ આવી દેખાય છે ને આ આંગલી કેમ આવી દેખાય છે ? ત્યારે ખબર પડી કે વીંટી નીકળી પડી છે. તેથી વીંટીને લીધે આંગળી કેટલી બધી રૂપાળી દેખાતી હતી, એ ચાલ્યું મહીં તોફાન ! તે ઠેઠ 'કેવળ' થતાં સુધી ચાલ્યું ! વિચારણાએ ચઢ્યા કે વીંટીને આધારે આંગલી સારી દેખાતી હતી ? મારે લીધે નહીં ? તો કહે કે તારે લીધે શાનું ? તે પછી આ ન હોય મારું, ન હોય મારું, ન હોય મારું, એમ કરતાં કરતાં 'કેવળજ્ઞાન' ને પામ્યા !!! એટલે આપણે અરીસાભવનનો લાભ લેવો. આપણું 'અક્રમ વિજ્ઞાન' છે. જે કોઈ આનો લાભ લે તે કામ કાઢી નાખે. પણ આની કોઈને ખબર જ ના પડે ને ? ભલે આત્મા જાણતો ના હોય છતાં ય અરીસાભવનની સામાયિક ફક્કડ થાય.

ઠપકા સામાયિક !

હેય, પોતાની રૂમમાં જઈને 'ચંદુભાઈ તું શું સમજે છે ? ચંદુભાઈ તારા ડાબા હાથે જમણા ગાલને ધોલ માર.' એમ આપણે કહેવું. એક છોકારને ક્રોધ જતો નહોતો. તે એ છોકરાને મેં કહ્યું, 'ટૈડકાવ, આખો દહાડો, બિચારો પ્રતિક્રમણ કરે, તો એ ગાંઠે નહીં એ પ્રતિક્રમણને, એ તો નિરાંતે પાછો હતો તેવો ને તેવો.' ત્યારે મેં કહ્યું, 'ટૈડકાવને.' ત્યારે કહે, 'શી રીતે ટૈડકાવું ?' મેં કહ્યું, 'અગાશીમાં જઈને ટૈડકાવ.'

હા, પછી એણે ભાઈને જે ટૈડકાવ્યો, પોતે શુદ્ધાત્મા અને ભાઈને જે ટૈડકાવ્યો 'અરે, શું તું સમજું છું ?' તે ભાઈ રડી પડ્યો. પોતે ટૈડકાવનાર ને પોતે રડી પડ્યો. અને આત્મા જુદો થઈ ગયો ઉલટો ! ટૈડકાવે ત્યાં આત્મા જુદો થઈ ગયો.

એટલે રૂમમાં બેસીને ટૈડકાવજો. સારો કરીને તું યે ટૈડકાવજે થોડુંક. તારા નાનાભાઈને હમણાં રહેવા દે. જરા મોટી ઉંમર તો થાય ત્યારે... ઠપકા સામાયિક અમારી આજ્ઞા લઈને જ કરવું. તો જ પ્રજ્ઞા રહે, નહીં તો બીજું કશું ચોંટી પડે તો વેહ થઈ પડે.

પ્રશ્નકર્તા : તમે જે પ્રયોગ બતાવો છોને, અરીસામાં સામાયિક કરવાની, પછી પ્રકૃતિ સાથે વાતચીત કરવાની, એ પ્રયોગ બતાવો ત્યારે સારો લાગે છે, પછી બે-ત્રણ દિવસ સારું ચાલે છે. પછી એમાં કચાશ આવી જાય છે.

દાદાશ્રી : કચાશ આવે ત્યારે ફરીથી નવેસરથી કરવું. જૂનું થાય એટલે બધી કચાશ જ આવે. પુદ્ગલનો સ્વભાવ જૂનું થાય એટલે બગડતું જાય. નવી પાછી કરીને મૂકી દેવાની.

પ્રશ્નકર્તા : એટલે એ પ્રયોગ દ્વારા જે કાર્ય સિદ્ધ થવું જોઈએ, એ થતું નથી. અને અધવચ્ચે એ પૂરું થઈ જાય છે પ્રયોગ.

દાદાશ્રી : એ એમ કરતાં કરતાં સિદ્ધ થાય. એકદમ ના થઈ જાય.

પ્રશ્નકર્તા : એ પ્રયોગ અધુરો રહ્યો એટલે પછી બીજો પ્રયોગ પાછો કરીએ. એ અધુરો મૂકીએ ત્રીજો પ્રયોગ કરી બતાવ્યા પ્રમાણે એ હમણાં અધુરો એટલે બધા અધુરા રહે છે.

દાદાશ્રી : આપણે એ ફરી પૂરા કરવા ધીમે ધીમે કરીને. હજુ પણ પ્રયોગ પૂરો નથી થયો ?

સામાયિક, 'નથી થતી, નથી થતી'ની !!!

પ્રશ્નકર્તા : મારાથી સામયિક ક્યારે નથી થતી.

દાદાશ્રી : તારે નથી થતી, નથી થતી, એનું સામાયિક કરી નાખવું.

એક ધ્યાનમાં હતા કે બે-ધ્યાનમાં હતા, એટલું જ ભગવાન પૂછે છે. હા તે બે-ધ્યાનમાં ન હતા. 'નથી થતું' એનું ધ્યાન કર્યું. પેલાએ 'થતું હતું' એનું ધ્યાન કર્યું. બીજી કશી ભાંજગડ છે નહીં. આ તો એનું એ જ છે. આમ એક વસ્તુ છે, આમ જુએ તો ને આમ જુએ તો. આપણે આમ ન ફરીએ તો બેક (પૂંઠ) પેલું કહેવાય અને પેલી બાજુ ફર્યા તો બેક આમ કહેવાય. વસ્તુ એની એ જ છે. અમે તો આવું ઊંધું ચલાવીએ કે 'નથી થતી'. જો એની જગ્યાએ હું હોઉં તો હું ક્યારનો બેસી જાઉં, 'નથી થતી, નથી થતી' એટલે બધા અંતરાય-બંતરાય બધું ય જતા રહે, અંતરાય તો કહે આમને જિતાય નહીં. આ તો અવળું ફરીને બેઠાં. આ દિશા વાંકી પડી તો આપણે આમ ફરી ગયા. પછી એ દિશા સીધા જાય ત્યારે આ વાંકુ થાય. તો પેલી બાજુ ફરી જઈએ. દિશાઓ ફર્યા કરવાની. એટલે આ બધું એકનું એક છે. પણ એમાં બે ન થવું જોઈએ. ત્યાં આગળ ઘર સાંભરે, એવું ના થવું જોઈએ. 'નથી થતું, નથી થતું' એ જ ધ્યાન હોવું જોઈએ. આ દાદાના ધોળા વાળ આખાય દેખાય ! કો'કને ધ્યાનમાં આખા કાળા દેખાય. એનો કોઈ વાંધો આવતો નથી. આપણે કામ શું છે ? એકાગ્ર ધ્યાન હતું કે નહીં ? ધ્યાન ક્યારે કહેવાય ? એકાગ્ર થાય તો એક જ વસ્તુ અને આ બધા રામરામ બોલે છે તે એ ધ્યા

ન ન હોય. અને આ ધ્યાન તો દાદાઈ ધ્યાન કહેવાય. એની તો અજાયબી કહેવાય.

ધ્યાન કરનાર 'ચંદુભાઈ' ! ધ્યાનનો અનુભવ કરનાર 'ચંદુભાઈ' ને જાણનાર આત્મા, એટલે તું જાણે કે બરાબર ધ્યાન 'થતું નથી, થતું નથી' અને પેલો જાણે કે 'થાય છે, થાય છે'.

એટલે બધા ય માર્ગ ખુલ્લા થયેલા હોય, જો જ્ઞાન હોયને તો બધાય માર્ગ ખુલ્લા ને જો જ્ઞાન નથી તો એક જ માર્ગ ખુલ્લો છે ને બીજા માર્ગે જશે તો ભ્રષ્ટાચાર થઈ જશે. એક જ માર્ગ ખુલ્લો હોય.

સામાયિક-પ્રતિક્રમણની પરિવ્યાખ્યા !

પ્રશ્નકર્તા : આપણા પ્રતિક્રમણ અને સામાયિકમાં શું કનેકશન (સાંધો) છે ?

દાદાશ્રી : પ્રતિક્રમણ તો અતિક્રમણ થયું હોય તેનું. તમારો વ્યવહાર એ ક્રમણ છે. ને વધારે બોલાયું તે અતિક્રમણ છે. તે તમારે ચંદુભાઈને કહેવું કે અતિક્રમણ કેમ કર્યુ ? માટે પ્રતિક્રમણ કર. અતિક્રમણ થાય તેની પર પ્રતિક્રમણ.

સામાયિક એટલે હું શુદ્ધાત્મા છું નું ભાન તે સામાયિક. પાંચ આજ્ઞામાં નિરંતર સામાયિક રહે. સમભાવે નિકાલ કરવો એ પહેલું સામાયિક. અને સહજદશામાં, સ્વભાવિક રહેવું તે અમારા જેવું સામાયિક. તે તમને ય થોડું-ઘણું રહે.

આ સામાયિક કરો છો, ત્યારે પ્રકૃતિ બિલકુલ સહજ કહેવાય.

સામાયિક કરતાં કરતાં વર્તમાનકાળને પકડતાં આવડે. એમ સીધે-સીધું ના આવે. કલાક સામાયિકમાં બેસો છો ત્યારે વર્તમાનમાં જ રહો છો ને ?!

ફેર સામાયિક અને પ્રતિક્રમણમાં

જગત જે સામાયિક કરે છે એ જુદું સામાયિક છે. અને આપણું આ સામાયિક એ જુદી જાતનું સામાયિક છે ! ગજબનું ઊંચું છે આ સામાયિક !!! આવું સામાયિક તો હોય જ નહીંને ! આ લોકોનું સામાયિક તો કેવું હોય છે કે સામાયિક કરે તેમાં બાઉન્ડ્રી બાંધીને બેસે, પછી જે વિચાર આવ્યો એમ ધક્કા માર માર કરે. દુકાનનો વિચાર આવ્યો કે તેને ધક્કો મારે એટલે પછી બીજાને ધક્કો મારે, એટલે ધક્કા માર માર કરે, એમ કરતાં કરતાં એક ગુંઠાણું પૂરું થયું એને આ સામાયિક કહે છે !

અને આપણું આ સામાયિક તો ઓર જ જાતનું છે. આ સામાયિક શેને માટે છે ? બહારની ગાંઠો ઓગાળી નાખવાની, તે આપણે જાતે 'ખુદ' થયાં હોઈએ પછી આ સામાયિક થાય. આપણે શું કહીએ છીએ કે, 'મન-વચન-કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું ને મારા સ્વ-સ્વભાવને પણ જાણું છું.' તો એ મન-વચન-કાયાના સ્વભાવને તું ઓગાળી નાખ. સામો પૂછે કે શી રીતે એ ઓગળે ? ત્યારે હું કહું, એને જોવાથી કે મન-વચન-કાયાનો સ્વભાવ આટલો જાડો છે, આટલો જાડો છે. તે તને ખબર પડેને કે આ આટલો જાડો છે ?

પ્રશ્નકર્તા : ખબર પડે.

દાદાશ્રી : તે સ્વભાવને સામાયિકમાં મૂકી દેવાનો. તે એટલો એક એનો સ્વભાવ ઓગળીને ખલાસ થઈ ગયો. એટલે પછી બીજો સ્વભાવ પકડવાનો. એટલે આ ગાંઠો ઓગાળી નાખવા માટે આ સામાયિક છે. આપણે એનો અક્રમ માર્ગ છે, એટલે સ્વભાવ ઓગાળવા માટે આપણે આ સામાયિક કરવાની છે. નહીં તો આપણને, આ જ્ઞાન જ એવું છે કે આખો દહાડો સામાયિક જ હોય.

સામાયિક કોને કહેવામાં આવે છે કે કષાયનો અભાવ. કષાયના અભાવને ખરું સામાયિક કહેવામાં આવે છે. પણ કષાયનો અભાવ તો લોકોને રહે નહીં ને ! શી રીતે રહે ?

તે આપણે તો કાયમ આખો દા'ડો સામાયિક રહે છે, પણ આ સામાયિક તો શેને માટે કરવું પડે છે કે આ બધો ભરેલો માલ ખાલી કરવાનો છે, તે બધો બહુ માલ છે ! મસાલો એટલો બધો ભરી આવેલાં છે કે મુસ્લિમ માર્કેટમાંથી હઉ ભરી લાવ્યાં છે. અલ્યા, આપણી દેશી, હિન્દુ માર્કેટમાંથી લે ને ? ત્યારે કહે, ના આ બટાકા જેવું લાગે છે એમ કરીને આ બધું જાતજાતનું ભરી લાવ્યાં. આપણે કહેવા જઈએ તો યે શરમ આવે, ઘડીવાર !!!

આત્મા એ જ સામાયિક !

સામાયિકના કર્તા તમે નથી, પ્રતિક્રમણના કર્તા તમે નથી. આ તો ઉદયકર્મ કરાવે છે અને આ લોકો, અણસમજણથી બધા સાધુઓ કહે છે, 'મેં કર્યું, હું કરું છું' એ બધું અજ્ઞાન પેસી ગયું છે.

પ્રશ્નકર્તા : સમભાવ એટલે સામાયિક અને સમભાવમાં જો રહેવાય તો પછી આ સામાયિક કરવી જોઈએ ?

દાદાશ્રી : અરે, આત્મા એ જ સામાયિક. આ તમને જ્ઞાન પ્રાપ્ત થયું અને મારી આજ્ઞામાં રહો તો આખો દહાડો સામાયિક કહેવાય.

અને બીજું આ સામાયિક કરવાનું નથી. આ તો ફક્ત પાછલા દોષ ધોવા માટેનું છે. મોટું પ્રતિક્રમણ છે આ એક જાતનું ! તે મહીં પાછલા દોષ ધોવાનું. આ પાછળ જે દોષ થયા હોય તેને ધોઈ નાખે બધું. તેને આ લોકો સામાયિક કહે છે.

બાકી આત્મા એ જ સામાયિક અને આત્મા પ્રાપ્ત થયે આખો દિવસ સામાયિકમાં જ રહી શકાય !

જય સચ્ચિદાનંદ

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21