ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



પ્રતિક્રમણ

૨૧. છૂટે પ્રકૃત્તિ-દોષો આમ....

અંતરાય, પૂર્વની ભૂલના પરિણામે...

પ્રશ્નકર્તા : લક્ષ જ્યારે ચૂકાય ત્યારે આપણી ભૂલ સમજવી કે અંતરાય સમજવા ?

દાદાશ્રી : ભૂલ તો એવું છેને કે અંતરાય આવ્યા તે ઊભા કરેલા છે. એટલે બધી ભૂલો આપણી જ કહેવાય છે. અંતરાય કેમ આવ્યા ? હવે એ અંતરાય ધીમે ધીમે ઓછા થઈ જશે. એટલે ભૂલનો ખેદ કરવા જેવું નથી.

પ્રશ્નકર્તા : અંતરાય આપણી ભૂલોનાં પરિણામ છે.

દાદાશ્રી : પહેલાં ભૂલો કરેલી તેનાં આ બધાં પરિણામ છે. તે તો અંતરાયથી જ ભોગવવાં પડે ને.

પ્રશ્નકર્તા : પછી તેનો ખેદ ના કરવો ને ?

દાદાશ્રી : ના, ના. અફસોસ કોણ કરનારાં. આત્મામાં અફસોસનો ગુણ જ નથી ને ? જાગૃતિ વધારે રાખવી જરા, તે ઘડીએ શુદ્ધાત્મા, શુદ્ધાત્મા બોલીયે એટલે જાગૃતિ આવી જાય.

પ્રશ્નકર્તા : ખેદને બદલે પ્રતિક્રમણ ઘટે ?

દાદાશ્રી : એટલાં બધાં પ્રતિક્રમણ ના થાય માણસને. બધાનું ગજુ નહીં ને. બધાં તો વ્યવહારથી કરે એટલું જ બહુ થઈ ગયું. બહુ પ્રતિક્રમણ ના થાય. આખો દહાડો કામકાજ બધાં જાતજાતનાં હોય.

અહીંનું પોઇઝન, પણ પ્રતિક્રમણવાળું

પ્રશ્નકર્તા : આ દુઃખ જે કાયમ છે એમાંથી ફાયદો કેમનો ઉઠાવવાનો ?

દાદાશ્રી : આ દુઃખને વિચારવા માંડે તો દુઃખ જેવું નહીં લાગે. દુઃખનું જો યથાર્થ પ્રતિક્રમણ કરશો તો દુઃખ જેવું નહીં લાગે. આ વગર વિચારે ઠોકમઠોક કર્યું છે કે આ દુઃખ છે, આ દુઃખ છે ! એટલે આનો પ્રતિકાર ના કરાય. પ્રતિકાર ભૂલથી થઈ જાય તો પ્રતિક્રમણ કરવું પડે. પ્રતિકારનો વિચાર આવ્યો હોય તો ય પ્રતિક્રમણ કરવું પડે.

આ સત્સંગનું પોઇઝન પીવું સારું છે. પણ બહારનું અમૃત પીવું ખોટું છે. કારણ કે આ પોઇઝન પ્રતિક્રમણવાળું છે. અમે બધા ઝેરના પ્યાલા પીને મહાદેવજી થયા છીએ.

બીજાને અડચણ થાય એ બધાનું પ્રતિક્રમણ કરી લેવું જોઈએ.

પ્રશ્નકર્તા : નિઃસ્વાર્થ કપટવાળાને કર્મ બંધાય ખરું, જ્ઞાન લીધા પછી ?

દાદાશ્રી : હા, પણ પ્રતિક્રમણ કરવું જોઈએ.

પ્રશ્નકર્તા : છેતરાયા પછી પ્રતિક્રમણ કરવું ?

દાદાશ્રી : હા, આપણે તો પ્રતિક્રમણ કરવું જ જોઈએ. મહારાજનો દોષ નથી. એ તો એમની જગ્યાએ છે. આપણી ભૂલ છે કે એ દુકાને ગયા. એટલે આપણે એમને છંછેડ્યા એટલે પ્રતિક્રમણ કરવું જોઈએ. આપણે પ્રતિક્રમણ કરવું જોઈએ. ગુનો ન થવો જોઈએ.

પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ પણ સામો કર્મ બાંધે છેને ?

દાદાશ્રી : આપણે પ્રતિક્રમણ મનમાં કરી નાખવું. પછી સામાનું જોવું નહીં.

સૂક્ષ્મતા, જ્ઞાનીનાં પ્રતિક્રમણોની

પ્રશ્નકર્તા : આપની પાસે ખૂબ આવવાનું વિચારીએ પણ અવાતું નથી.

દાદાશ્રી : તમારા હાથમાં શું સત્તા છે ? તો પણ આવવાનું વિચારે, અવાતું નથી એનો મનમાં ખેદ રહેવો જોઈએ. આપણે એમને કહીએ કે, ચંદુભાઈ પ્રતિક્રમણ કરોને, જલદી ઉકેલ આવે. નથી જવાતું માટે પ્રતિક્રમણ કરો. પ્રત્યાખ્યાન કરો. આવી ભૂલચૂક થઈ માટે હવે ફરી ભૂલચૂક નહીં કરું.

અને અત્યારે જે ભાવો આવે છે તે શાથી ભાવો વધારે આવે છે ? અને કાર્ય નથી થતું ? ભાવ શાથી આવે છે કે કમીંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડોઝ બીફોર ? (બનવાનું તેના પડઘા પહેલેથી) આ બધી વાત થવાની છે.

પ્રશ્નકર્તા : આ ચિંતા થઈ જાય એનું પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું ?

દાદાશ્રી : આ મારા અહંકાર લઈને આ ચિંતા થાય છે. હું કંઈ આનો કર્તા ઓછો છું ? એટલે દાદા ભગવાન ક્ષમા કરો. એનું કંઈક તો કરવું પડેને ? ચાલે કશું ?

પ્રશ્નકર્તા : આપણે બહુ ઠંડી પડી, બહુ ઠંડી પડી કહીએ તો એ કુદરતની વિરુદ્ધ બોલ્યા તો તેનું પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : ના, પ્રતિક્રમણ તો જ્યાં રાગ-દ્વેષ થતો હોય, 'ફાઈલ' હોય ત્યાં કરવાનું. કઢી ખારી હોય તેનું પ્રતિક્રમણ નહીં કરવાનું. પણ જેણે ખારી કરી તેનું પ્રતિક્રમણ કરવાનું. પ્રતિક્રમણથી સામાની પરિણતિ ફરે છે.

પેશાબ કરવા ગયો ત્યાં એક કીડી તણાઈ ગઈ તો અમે પ્રતિક્રમણ કરીએ. ઉપયોગ ના ચૂકીએ. તણાઈ એ 'ડિસ્ચાર્જ' રૂપે છે. પણ તે વખતે અપ્રતિક્રમણ દોષ કેમ થયો ? જાગૃતિ કેમ મંદ થઈ ? તેનો દોષ લાગે.

વાંચતી વખતે પુસ્તકને નમસ્કાર કરીને કહેવું કે, 'દાદા, મને વાંચવાની શક્તિઓ આપો.' અને જો કોઈવાર ભૂલી જવાય તો ઉપાય કરવો. બે વાર નમસ્કાર કરવા અને કહેવું કે 'દાદા ભગવાન, મારી ઇચ્છા નથી છતાં ય ભૂલી ગયો તો તેની માફી માગું છું. તે ફરી આવું નહીં કરું.'

ટાઈમે વિધિ કરવાની ભૂલી ગયા હોઈએ ને પછી યાદ આવે તો પ્રતિક્રમણ કરીને પછીથી કરીએ.

અમે બે જણને છૂટાં પાડીએ તેનો દોષ બેસે, તેથી પ્રતિક્રમણ કરીએ.

પ્રશ્નકર્તા : તમે કર્તાભાવથી ના કરો તો ય ?

દાદાશ્રી : ગમે તે ભાવથી કરે પણ સામાને દુઃખ થાય તેવું કર્યું એટલે પ્રતિક્રમણ કરવું પડે.

'ડિસ્ચાર્જ'માં જે અતિક્રમણો થયેલાં હોય છે તેનાં આપણે પ્રતિક્રમણો કરીએ છીએ. સામાને દુઃખ પહોંચાડે તેવા 'ડિસ્ચાર્જ'નાં પ્રતિક્રમણો કરવાનાં. અહીં મહાત્માઓનું કે દાદાનું સારું કર્યું તેનાં પ્રતિક્રમણ ના હોય. પણ બહાર કોઈનું સારું કર્યું તો તેનું પ્રતિક્રમણ કરવું પડે, કારણ કે ઉપયોગ ચૂક્યા તેનું પ્રતિક્રમણ કરવું પડે.

પૂગે, સાચાં પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ તો સામાને પહોંચે ?

દાદાશ્રી : સામી વ્યક્તિને પહોંચે. નરમ થતો જાય. તેને ખબર પડે કે ના પડે. એનો આપણા પ્રત્યેનો ભાવ નરમ થતો જાય. આપણાં પ્રતિક્રમણમાં તો બહુ અસર છે. એક કલાક જો કરો તો સામામાં ફેરફાર થાય છે. જો ચોખ્ખા થયા હોય તો. જ્યાં આપણે જેનું પ્રતિક્રમણ કરીએ તેને આપણા દોષ તો જુએ નહીં પણ આપણા માટે તેને માન ઉત્પન્ન થાય.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ તો નવું 'ચાર્જ' ન કરીએ ?

દાદાશ્રી : આત્મા કર્તા થાય તો કર્મ બંધાય. પ્રતિક્રમણ આત્મા કરતો નથી. ચંદુભાઈ કરે ને તમે તેના જ્ઞાતા-દ્રષ્ટા રહો.

નિજસ્વરૂપની પ્રાપ્તિ પછી સાચાં પ્રતિક્રમણ હોય. પ્રતિક્રમણ કરનાર જોઈએ, પ્રતિક્રમણ કરાવનાર જોઈએ.

આપણું પ્રતિક્રમણ એટલે શું ? કે ગરગડી ખોલતી વખતે જેટલા ટુકડા ટુકડા હોય તેને સાંધીને ચોખ્ખા કરી નાખીએ તે આપણું પ્રતિક્રમણ છે.

પ્રશ્નકર્તા : ચારિત્રમોહ જોવામાં ભૂલ થાય ખરી ? રોજ પ્રતિક્રમણ કરીએ ને પછી એની એ જ ભૂલ કરે કે ના કરે ?

દાદાશ્રી : જે રોજ-રોજ ભૂલ થાય એને ઓળખી લેવી. એ જ ખરી. પ્રતિક્રમણ કરીએ તો ય ખસે નહીં. એક એક પડ તૂટતું જાય.

એક કલાક પ્રતિક્રમણ કરો તો ય સ્વસત્તાનો અનુભવ થાય. પ્રતિક્રમણ જો તર્ત જ રોકડું થઈ જાય તે, ભગવાન પદમાં આવી જાય તેમ છે. એક એક પ્રતિક્રમણમાં રૂપ ભરેલું હોય છે, ને અપ્રતિક્રમણ એ કદરૂપું નિશાન છે.

સજીવન પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : સમૂહમાં બેસીને પ્રતિક્રમણ કરવું જોઈએ ?

દાદાશ્રી : એવું તો કશું નહીં. એકલા કરીએ તોય ચાલે. સૂતા સૂતા કરીએ તોય ચાલે, મનમાં કરીએ તોય ચાલે.

પ્રતિક્રમણ કેવું હોય ? સજીવન હોય.

આ તો મૃત પ્રતિક્રમણ. કોઈ દોષ ઘટ્યો નહીં, ઊલટા દોષ વધારે રહ્યાને. પ્રતિક્રમણ ચાલુ રહ્યાં. આઠ-આઠ વર્ષથી પ્રતિક્રમણ કરે છે ને એકે દોષ ઘટતો નથી.

પ્રતિષ્ઠિત આત્મા થયો પ્રતિક્રમણ આત્મા !

પ્રશ્નકર્તા : ઊંઘમાંથી જાગતાં જ પ્રતિક્રમણ શરૂ થાય છે.

દાદાશ્રી : આ પ્રતિક્રમણ આત્મા થયો. શુદ્ધાત્મા તો છે પણ આ પ્રતિષ્ઠિત આત્મા તે પ્રતિક્રમણ આત્મા થઈ ગયો. લોકોને કષાયી આત્મા છે. કોઈ એકું ય પ્રતિક્રમણ કરી શકે તેમ નથી વર્લ્ડમાં.

જેમ જેમ પ્રતિક્રમણ રોકડું થતું જાય તેમ તેમ ચોખ્ખું થતું જાય. અતિક્રમણ સામે આપણે પ્રતિક્રમણ રોકડું કરીએ એટલે મન વાણી ચોખ્ખાં થતાં જાય.

પ્રતિક્રમણ એટલે બીજને શેકીને વાવવું.

આલોચના - પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એટલે રોજનું સરવૈયું કાઢવું.

જેટલા દોષ દેખાયા એટલા કમાયા. એટલાં પ્રતિક્રમણ કરવાનાં.

નથી જોખમદારી 'એવા' પ્રકૃતિદોષમાં !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ ના થાય એ પ્રકૃતિદોષ છે કે અંતરાય-કર્મ છે ?

દાદાશ્રી : એ પ્રકૃતિદોષ છે. અને આ પ્રકૃતિદોષ બધી જગ્યાએ નથી હોતો. અમુક જગ્યાએ દોષ થાય ને અમુક જગ્યાએ ના થાય. પ્રકૃતિદોષમાં પ્રતિક્રમણ ના થાય તેનો વાંધો નથી. આપણે તો એટલું જ જોવાનું છે કે આપણો શો ભાવ છે ? બીજું કંઈ આપણે જોવાનું નથી. તમારી ઇચ્છા પ્રતિક્રમણ કરવાની છેને ?

પ્રશ્નકર્તા : હા, પૂરેપૂરી.

દાદાશ્રી : તેમ છતાં પ્રતિક્રમણ ના થાય, તો એ પ્રકૃતિદોષ છે. પ્રકૃતિદોષમાં તમે જોખમદાર નથી. કોઈ વખતે પ્રકૃતિ બોલેય ખરી ને ના ય પણ બોલે, આ તો વાજું કહેવાય. વાગે તો વાગે, નહીં તો ના ય વાગે, આને અંતરાય ના કહેવાય.

નિકાચિત કર્મમાં ઊંડાં પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : 'સમભાવે નિકાલ' કરવાનો દ્રઢ નિશ્ચય હોવા છતાં ય ઝઘડો ઊભો રહે, એ શાથી ?

દાદાશ્રી : કેટલી જગ્યાએ એવું થાય છે ? સોએક જગ્યાએ ?

પ્રશ્નકર્તા : એક જ જગ્યાએ થાય છે.

દાદાશ્રી : તો એ નિકાચિત કર્મ છે. એ નિકાચિત કર્મ ધોવાય શાનાથી ? આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાનથી. એનાથી કર્મ હલકું થઈ જાય. ત્યાર પછી જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય. એના માટે તો પ્રતિક્રમણ નિરંતર કરવું પડે. જેટલા 'ફોર્સ'થી નિકાચિત થયું હોય તેટલાં જ 'ફોર્સ'વાળા પ્રતિક્રમણથી એ ધોવાય.

બોજો, જૂની ભૂલોનો !

પ્રશ્નકર્તા : જૂનું જે બધું થઈ ગયું હોય ને તેનો બોજો રહે.

દાદાશ્રી : જૂનાનો બોજો આપણે તો આમ બાજુએ નાખી દેવાનો. બોજો આપણે શું કરવા રાખીએ ? આપણને જો હજુ ટચ (અડતું) થતું હોય તો બોજો રહે.

પ્રશ્નકર્તા : પેલું જે જૂની ભૂલો હોયને, એનો બોજો લાગે.

દાદાશ્રી : કેટલા વર્ષ પહેલાની !

પ્રશ્નકર્તા : મહિના, બે મહિના પહેલાની.

દાદાશ્રી : એમાં શી મોટી ભૂલો તે ! પ્રતિક્રમણ કરી નાખવાનું બીજું શું કરવાનું.

પ્રશ્નકર્તા : આમ પ્રતિક્રમણ કરીએ પણ ભૂલ એક્ઝેક્ટ દેખાય.

દાદાશ્રી : એ તો પ્રકૃતિ દેખાય. પ્રકૃતિ જાય નહીં. પ્રકૃતિ એટલે શું ? કે ડુંગળીની પેઠ હોય. એક ભૂલ નીકળી, પાછી બીજી નીકળે, ત્રીજી નીકળે, એની એ જ ભૂલ નીકળ્યા કરે પણ પ્રતિક્રમણ તો કર્યે છૂટકો.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ તો કરે પણ પોતે આનાથી છૂટો ના થઈ જાય, ત્યાં સુધી બોજો રહે.

દાદાશ્રી : એ તો છૂટકો જ નહીં. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન સિવાય બીજો કોઈ રસ્તો નથી. અતિક્રમણથી આ ઊભું થયું છે ને પ્રતિક્રમણથી એ નાશ થાય છે, બસ !

પ્રશ્નકર્તા : આપણે નક્કી કરીએ કે ભવિષ્યમાં આવું નથી જ કરવું. આવી ભૂલ ફરી નથી જ કરવી. એવું હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) ભાવ સાથે નક્કી કરે. છતાં ય ફરી એવી ભૂલ થાય, કે ના થાય ? એ પોતાના હાથમાં ખરું ?

દાદાશ્રી : એ તો થાય ને પાછી. એવું છે ને આપણે અહીં આગળ એક દડો લાવ્યા અને મને આપ્યો, હું અહીંથી નાખું. મેં તો એક જ કાર્ય કરેલું. મેં તો એક જ ફેરો દડો નાખ્યો. એટલે હું કહું કે હવે મારી ઇચ્છા નથી. તું બંધ થઈ જા. તો એ બંધ થઈ જશે ?

પ્રશ્નકર્તા : ના થાય.

દાદાશ્રી : તો શું થશે ?

પ્રશ્નકર્તા : એ તો ત્રણ-ચાર-પાંચ વખત કૂદશે.

દાદાશ્રી : એટલે આપણા હાથમાંથી પછી નેચરના હાથમાં ગયો. પછી નેચર જ્યારે ટાઢો પાડે ત્યારે, તે એવું આ બધું છે. આપણી જે ભૂલો છે, એ નેચરના હાથમાં જાય છે !!

પ્રશ્નકર્તા : નેચરના હાથમાં ગયું તો પણ પ્રતિક્રમણ કરવાથી શું ફાયદો થાય છે ?

દાદાશ્રી : બહુ અસર થાય. પ્રતિક્રમણથી તો એટલી બધી અસર થાય છે. સામા માણસને કે જો કદી એક કલાક એક માણસનું પ્રતિક્રમણ કરો. તો એ માણસની અંદર કંઈ નવી જાતનો ફેરફાર થઈ જાય. બહુ જબરદસ્ત ફેરફાર થાય. પ્રતિક્રમણ કરનારો તો આ જ્ઞાન આપેલો હોવો જોઈએ. ચોખ્ખો થયેલો, હું શુદ્ધાત્મા છું એવા ભાનવાળો. તો એના પ્રતિક્રમણની તો બહુ અસર થવાની. પ્રતિક્રમણ તો અમારું હથિયાર છે મોટામાં મોટું !

પ્રકૃતિ સુધરે ?!

''જ્ઞાન'' ના લીધું હોય તો પ્રકૃતિનું આખો દહાડો અવળું જ ચાલ્યા કરે. અને હવે તો સવળું જ ચાલ્યા કરે. તું સામાને ચોપડી દઉં, પણ મહીં કહેશે કે 'ના, ના, આવું ના કરાય. ચોપડી દેવાનો વિચાર આવ્યો તેનું પ્રતિક્રમણ કરો.' અને જ્ઞાન પહેલાં તો ચોપડી દઉં, ને ઉપરથી કહું કે વધારે આપવા જેવું છે.

મનુષ્યોનો સ્વભાવ કેવો હોય છે કે જેવી પ્રકૃતિ એવો પોતે થઈ જાય. જ્યારે પ્રકૃતિ સુધરતી નથી ત્યારે કહેશે, 'મેલ છાલ' ! અલ્યા, ના સુધરે તો કશો વાંધો નથી, તું આપણે અંદર સુધાર ને ! પછી આપણી 'રિસ્પોન્સિબિલિટી (જવાબદારી) નથી ! આટલું બધું આ 'સાયન્સ' છે !!! બહાર ગમે તે હોય તેની 'રિસ્પોન્સિબિલિટી જ નથી. આટલું સમજે તો ઉકેલ આવી જાય. તમને સમજ પડી હું શું કહેવા માગું છું તે ?

પ્રશ્નકર્તા : હા. સમજણ પડી.

દાદાશ્રી : શું સમજણ પડી ?

પ્રશ્નકર્તા : ખાલી જોવાનું, એની જોડે તાદાત્મ્ય નહીં થવાનું.

દાદાશ્રી : એવું નહીં. તાદાત્મ્ય થઈ જાય તો ય આપણે તરત કહેવું, 'આમ ના હોવું જોઈએ.' આ તો બધું ખોટું છે ! પ્રકૃતિ તો બધું જ કરે, કારણ એ બેજવાબદાર છે. પણ આટલું બોલ્યા કે તમે જવાબદારીમાંથી છૂટ્યા. હવે આમાં કંઈ વાંધો આવે એવું છે ?

પ્રશ્નકર્તા : વાંધો ના આવે, પણ જ્યારે ક્રોધ થાય ત્યારે તે વખતે ભાન ન આવે.

દાદાશ્રી : આપણું જ્ઞાન એવું છે કે ભાનમાં રાખે. પ્રતિક્રમણ કરે, બધું જ કરે. તમારે ભાન રહે છે કે નહીં ?

પ્રશ્નકર્તા : રહે છે, દાદા.

એ કહેવાય પ્રત્યાખ્યાન !

પ્રશ્નકર્તા : ભૂલનું પ્રતિક્રમણ હાર્દિક કરે, બહુ સારુ કરે, પણ પાછો નિશ્ચય બહુ સારો ન કર્યો તો ?

દાદાશ્રી : નિશ્ચય એ પ્રત્યાખ્યાન બરાબર છે. નિશ્ચય કરે તો ઉત્તમ વસ્તુ છે. ના નિશ્ચય કરે, ને ફક્ત પ્રતિક્રમણ કરે એટલે પેલી ભૂલ તો ભૂંસાઈ ગઈ પછી ફરી આવશે એટલે ફરી ભૂંસી નાખશે. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન એટલે નહીં કરું એવું. પ્રત્યાખ્યાનનો અર્થ એ ફરી નહીં કરું એટલે નિશ્ચય કરેને એ ઉત્તમ વસ્તુ છે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21