ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



પ્રતિક્રમણ

૨૪. જીવનભરના વહેણમાં, તણાતાને તારે જ્ઞાન...

યાદ આવે તે ચોખ્ખું થવા....

પ્રશ્નકર્તા : યાદ કરીને પાછલા દોષ જોઈ શકાય ?

દાદાશ્રી : પાછલા દોષ ઉપયોગથી જ ખરેખર દેખાય, યાદ કરવાથી ના દેખાય. યાદ કરવામાં તો માથુ ખંજવાળવું પડે. આવરણ આવે એટલે યાદ કરવું પડે ને ? આ ચંદુભાઈ જોડે ભાંજગડ થઈ હોય તો, આ ચંદુભાઈનું પ્રતિક્રમણ કરે તો ચંદુભાઈ હાજર થઈ જાય જ. એ ઉપયોગ જ મૂકવાનો. આપણા માર્ગમાં યાદ કરવાનું તો કશું છે જ નહીં. યાદ કરવાનું એ તો 'મેમરી'(સ્મૃતિ)ને આધીન છે. જે યાદ આવે છે તે પ્રતિક્રમણ કરાવવા માટે આવે છે, ચોખ્ખા કરાવવા.

આ સ્મૃતિ ઇટસેલ્ફ બોલે છે કે 'અમને કાઢ, ધોઈ નાખ'. જો સ્મૃતિ ના આવતી હોત તો બધા લોચા પડી જાત. એ જો ના આવે તો તમે કોને ધોશો ? તમને ખબર શી રીતે પડે કે ક્યાં આગળ રાગ-દ્વેષ છે ? સ્મૃતિ આવે છે એ તો એની મેળે નિકાલ થવા આવે છે, ચોંટને ધોઈ નંખાવવા આવે છે. જો સ્મૃતિ આવે ને તેને ધોઈ નાખો, ચોખ્ખું કરી નાખો, તો એ ધોવાઈને વિસ્મૃત થઈ જાય. યાદ એટલા માટે જ આવે છે કે તમારે અહીં ચોંટ છે, તે ભૂંસો, તેનો પશ્ચાતાપ કરો, અને ફરી એવું ના થાય એવો દ્રઢ નિશ્ચય કરો. આટલાથી તે ભૂંસાય એટલે એ વિસ્મૃત થાય. કોઈ એક વખત યાદ આવે તો તેનું એક વખત પ્રતિક્રમણ કરવું પડે, પણ જાથુમાં તો જેટલી વાર યાદ આવ્યો તેટલીવાર પ્રતિક્રમણ કરવું પડે.

'આ જગતમાં કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી.' એવું તમે નક્કી કર્યું છે ને ? છતાં કેમ યાદ આવે છે ? માટે પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ કરતાં ફરી પાછું યાદ આવે ત્યારે આપણે જાણવું કે આ હજુ ફરિયાદ છે ! માટે ફરી આ પ્રતિક્રમણ જ કરવાનું.

પ્રશ્નકર્તા : એ તો દાદા, જ્યાં સુધી એનું બાકી હોય ત્યાં સુધી પ્રતિક્રમણ થયા જ કરે છે. એને બોલાવવું નથી પડતું.

દાદાશ્રી : હા બોલાવવું ના પડે. આપણે નક્કી કર્યું હોય એટલે એની મેળે થયા જ કરે.

પ્રત્યાખ્યાન રહી ગયાં એની ઈચ્છા !

યાદ એ રાગ-દ્વેષના કારણે છે. જો યાદ ના આવતું હોય તો ગૂંચ પડેલી ભૂલ જવાત. તમને કેમ કોઈ ફોરેનર્સ યાદ નથી આવતાં ને મરેલાં યાદ કેમ આવે છે ? આ હિસાબ છે અને તે રાગ-દ્વેષના કારણે છે, તેનું પ્રતિક્રમણ કરવાથી ચોંટ ભૂંસાઈ જાય. ઈચ્છાઓ થાય છે તે પ્રત્યાખ્યાન નથી થયાં તેથી. સ્મૃતિમાં આવે છે તે પ્રતિક્રમણ નથી કર્યાં તેથી.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ માલિકીભાવનું હોય ને ?

દાદાશ્રી : માલિકીભાવનું પ્રત્યાખ્યાન હોય. ને દોષોનું પ્રતિક્રમણ હોય.

છતાં ય અતિક્રમણો ચાલુ જ....

પ્રશ્નકર્તા : પહેલાં જે દોષો કરેલા તેની અત્યારે તીવ્રતા ઓછી થયેલી હોય, ઘણી વસ્તુઓ યાદ પણ ઓછી રહે. તો પ્રતિક્રમણ કરતી વખતે એ બધું ભુલાઈ ગયેલું હોય તો એ કેટલી યાદ આવે ? એકવાર કહેલું કે રોજના સો સો પ્રતિક્રમણો ને એથી પણ વધારે પણ કરવાં પડે. હવે એ બધું ભુલાઈ ગયેલું છે ને એ દોષો તો બાંધી દીધેલા છે, એ કઈ રીતે યાદ આવે ?

દાદાશ્રી : એવું બધું કરવાની જરૂર નથી. એ ઘણા ખરા આપણે આ જ્ઞાન આપીએ ને ત્યારે તરત બળી જાય. ત્યારે તમને આ જ્ઞાન હાજર થાય. એટલે ઘણુંખરું બળી ગયેલું હોય. કોઈ મોટો ગુનો યાદ આવેને, તો એનું પ્રતિક્રમણ કરવું. કોઈ મોટો ગુનો થયેલો હોય અને યાદ આવે તો એનું પ્રતિક્રમણ કરવું. બાકી કશું કરવાનું નહીં. યાદ ના આવે તેને કશું કરવાનું ન હોય.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવા છતાં વારંવાર એ ગુનો યાદ આવે તો એનો અર્થ એવો કે, એમાંથી હજી મુક્ત નથી થયા ?

દાદાશ્રી : આ ડુંગળીનું એક પડ નીકળી જાય તો બીજું પડ પાછું આવીને ઊભું રહે, એવા બહુ, બહુ પડવાળા છે આ ગુના. એટલે એક પ્રતિક્રમણ કરીએ તો, એક પડ જાય એમ કરતું કરતું, સો પ્રતિક્રમણ કરીએ ત્યારે એ ખલાસ થાય. કેટલાકનાં પાંચ પ્રતિક્રમણ કરીએ ત્યારે એ ખલાસ થાય, કેટલાંકનાાદશ ને કેટલાંકના સો થાય. એના પડ હોય એટલા પ્રતિક્રમણ થાય. લાંબું ચાલ્યું એટલે લાંબો ગુનો હોય.

પ્રશ્નકર્તા : ઘણી વખત એવું બને કે ભૂલ થઈ તે ખબર પડે. તેનું પ્રતિક્રમણે ય થાય, કરતાં જાય છતાં પાછા ફરી ફરીને એની એ ભૂલો ચાલુ જ હોય.

દાદાશ્રી : જે થાય તે, પણ ફરી ફરીને પણ, પ્રતિક્રમણ કર્યા જ કરવાનું. કારણ કે એ પડ છે ને એ પડ ગયું, બીજું પડ ગયું, એટલે એ ભૂલનો દોષ નથી, કરનારનો દોષ નથી. એ પડ વધારે છે તેથી.

પ્રશ્નકર્તા : એ સ્વભાવને લીધે છે કે એટલી જાગૃતિ ઓછી છે માટે ?

દાદાશ્રી : ના, ના, ના. હજાર જન્મ સુધી આનું આ કર્યું હોય તો એટલાં પડ વધારે હોય. પાંચ જ જન્મ કર્યું હોય તો એટલાં. અને તોય થશે ફરી. કારણ કે ડુંગળી હોય એનું એક પડ જાય તો તે ડુંગળી મટી જાય ? એ પાછું બીજું પડ આવે, ત્રીજું આવે. એમ કરતાં કરતાં કેટલાય પડવાળા દોષો છે. તે દશ પડવાળા દોષોનો દશ પ્રતિક્રમણમાં નિકાલ થઈ જશે. પચાસ પડવાળા દોષોનો પચાસ પ્રતિક્રમણમાં નિકાલ થઈ જશે. પ્રતિક્રમણ કર્યું એટલે એનું ફળ તો અવશ્ય મળે જ. અવશ્ય ચોખ્ખું થાય છે.

અતિક્રમણનું પ્રતિક્રમણ હોવું જોઈએ. અહીંયા આવીને કશું અતિક્રમણ કર્યું નથી. એટલે તમારે એનું પ્રતિક્રમણ કરવાનું રહેતું નથી. અતિક્રમણ કરો તો જ પ્રતિક્રમણ કરવાનું છે.

યાદનું પ્રતિક્રમણ : ઇચ્છાનું પ્રત્યાખ્યાન !

પ્રશ્નકર્તા : યાદ આવે તેનું પ્રતિક્રમણ કરવું અને ઇચ્છા થાય તેનું પ્રત્યાખ્યાન કરવું. એ સમજાવો.

દાદાશ્રી : યાદ આવે છે એટલે જાણવું કે અહીં આગળ વધારે ચીકણું છે તો ત્યાં પ્રતિક્રમણ કર કર કરીએ તો બધું છૂટી જાય.

પ્રશ્નકર્તા : તે જેટલી વાર યાદ આવે એટલીવાર કરવું ?

દાદાશ્રી : હા, એટલી વખત કરવું. આપણે કરવાનો ભાવ રાખવો. એવું છેને, યાદ આવવાને માટે ટાઈમ તો જોઈએને. તો આનો ટાઈમ મળે. રાતે કંઈ યાદ આવતા નહીં હોય ?

પ્રશ્નકર્તા : એ તો કંઈ સંજોગ હોય તો.

દાદાશ્રી : હા, સંજોગોને લઈને.

પ્રશ્નકર્તા : અને ઇચ્છાઓ આવે તો ?

દાદાશ્રી : ઈચ્છા થવી એટલે સ્થૂળવૃત્તિઓ થવી. પહેલાં આપણે જે ભાવ કરેલો હોય તે ભાવ ફરી ઊભા થાય છે, અત્યારે, તો ત્યાં આગળ પ્રત્યાખ્યાન કરવું.

પ્રશ્નકર્તા : તે વખતે 'દાદા'એ કહેલું કે આ વસ્તુ હવે ન હોવી ઘટે. દરેક વખતે એવું કહેવાનું.

દાદાશ્રી : આ વસ્તુ મારી ન હોય. વોસરાવી દઉ છું. અજ્ઞાનતામાં મેં આ બધી બોલાવી હતી. પણ આજે મારી ન હોય આ. એટલે વોસરાવી દઉં છું. મન, વચન, કાયાથી વોસરાવી દઉ છું. હવે મારે કંઈ જોઈતું નથી. આ સુખ મેં અજ્ઞાનદશામાં બોલાવ્યું હતું, પણ આજે આ સુખ મારું ન હોય. એટલે વોસરાવી દઉ છું. મન-વચન-કાયાથી વોસરાવી દઉ છું, હવે મારે કંઈ જોઈતું નથી. જેમાં સુખ માન્યું હતું તેને આપણે બોલાવ્યા, પણ અત્યારે તો આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ એટલે આપણને એ સુખ મિથ્યાભાસ લાગવા માંડ્યા. સાચું સુખ તો નહીં, પણ મિથ્યા સુખે ય નહીં, પણ મિથ્યાનો ય ભાસ્યમાન લાગ્યો !!!

શોર્ટ પ્રતિક્રમણ !

આ અક્રમ વિજ્ઞાનનો હેતુ જ આખો શૂટ ઑન સાઈટ (દેખો ત્યાંથી ઠાર) પ્રતિક્રમણનો છે. એના બેઝમેન્ટ (પાયા) ઉપર ઊભું રહ્યું છે. ભૂલ કોઈની થતી જ નથી. સામાને આપણા નિમિત્તે જો કંઈ નુકસાન થાય, તો દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી મુક્ત એવાં તેના શુદ્ધાત્માને યાદ કરીને પ્રતિક્રમણ કરવું.

પ્રશ્નકર્તા : પણ દર વખતે આખું લાંબું બોલવું ?

દાદાશ્રી : ના, એવું કશું નહીં. શોર્ટમાં પતાવી દેવાનું. સામાના શુદ્ધાત્માને હાજર કરી તેમને ફોન કરવો કે 'આ ભૂલ થઈ, માફ કરો'.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણમાં પણ ગમે ત્યારે શૂટ ઑન સાઈટ કરીએ એટલે સ્થિરતાથી બેસવાની જરૂર નહીં ?

દાદાશ્રી : સ્થિરતાથી બેઠા ના હોય પણ પ્રતિક્રમણ કરે તો ચાલે. પણ શૂટ ઑન સાઈટ. દોષ થઈ ગયો કે તરત, પછી વખતે રહી જાય તો, ભૂલી જઈએ ત્યારે ?

પછી ના ચીટકે પરભવે !

પ્રશ્નકર્તા : દિવસમાં કેટલાં પ્રતિક્રમણ કરવાનાં ?

દાદાશ્રી : જેટલા દોષ કરો એટલાં જ પ્રતિક્રમણ, વધારે નહીં. શૂટ ઑન સાઈટ. જે દોષ થયો કે તરત શૂટ કરી દો. દાદા ભગવાનનું નામ લઈને તરત જ શૂટ કરી દો. શૂટ થઈ જશે. પ્રતિક્રમણ તો ચા પીતાં ય કરાય, નહાતાં નહાતાં ય કરાય. જ્યાં દેહધર્મ છે, મનોધર્મ છે, બુદ્ધિધર્મ છે, ત્યાં સ્થાનને જોવું પડે. પણ આપણને આત્મધર્મ છે એટલે દેહધર્મ બધું જોવાની જરૂર નહીં, ગમે ત્યાં આપણે પ્રતિક્રમણ કરાય.

જેટલી ભૂલ ભાંગી પ્રતિક્રમણ કરી, કરીને તેટલો મોક્ષ પાસે આવ્યો.

પ્રશ્નકર્તા : એ ફાઈલો પાછી ચીટકે નહીંને બીજા જન્મમાં ?

દાદાશ્રી : શું લેવા ? આપણે બીજા જન્મની શું લેવા ? અહીં ને અહીં પ્રતિક્રમણ એટલાં કરી નાખીએ. નવરા પડીએ કે એને માટે પ્રતિક્રમણ કર કર કરવાં.

એટલે પ્રતિક્રમણ કરાય, કરાય કરવાં પડે. ચાલો. પ્રતિક્રમણ કરો આનાં, કહીએ. વ્યવહારમાં આપણાથી થાય એવું હોય ત્યારે, 'પ્રતિક્રમણ કરો' કહીએ.

ઘરનાં, કુટુંબીજનોનાં પ્રતિક્રમણો !

અને બીજું ઘરના માણસોનાં ય રોજ પ્રતિક્રમણ કરવાં જોઈએ. તારા મધર, ફાધર, ભાઈઓ, બહેનો બધાનું. રોજે ય પ્રતિક્રમણ કરવું પડે. કુટુંબીઓ બધાનું કારણ કે એની જોડે બહુ ચીકણી ફાઈલ હોય.

એટલે પ્રતિક્રમણ કરોને, એક કલાક જો કુટુંબીઓ માટે પ્રતિક્રમણ કરોને, આપણા કુટુંબીઓને સંભારીને, બધા નજીકથી માંડીને, દૂરના બધા, એમના ભાઈઓ, બઈઓ, એમના કાકાઓ-કાકાના દીકરાઓ, ને એ બધાં, એક ફેમીલી (કુટુંબ) હોયને, તો બે ત્રણ-ચાર પેઢી સુધીનું, તે બધાને સંભારીને. દરેકનું એક કલાક પ્રતિક્રમણ થાય ને, તો મહીં અંદર ભયંકર પાપો ભસ્મીભૂત થઈ જાય. અને એ લોકોનાં મન ચોખ્ખાં થઈ જાય, આપણા તરફથી. એટલે આપણા નજીકનાંને, બધાને સંભારી સંભારીને કરવું. અને રાતે ઊંઘ ના આવતી હોય તે ઘડીએ આ ગોઠવી દીધું કે ચાલ્યું. આવું નથી ગોઠવતા ? એવી એ ગોઠવણી, એ ફિલ્મ ચાલુ થઈ તો તે બહુ આનંદ તે ઘડીએ તો આવે. એ આનંદ માશે નહીં !

પ્રશ્નકર્તા : હા, ખરી વાત છે.

દાદાશ્રી : કારણ કે પ્રતિક્રમણ જ્યારે કરે છે ને, ત્યારે આત્માનો સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ હોય છે. એટલે વચ્ચે કોઈની ડખલ નથી હોતી.

પ્રતિક્રમણ કોણ કરે છે ? ચંદુભાઈ કરે. કોના માટે કરે ? ત્યારે કહે, આ કુટુંબીઓને સંભારી સંભારીને કરે. આત્મા જોનારો. એ જોયા જ કરે. બીજી કશી ડખલ છે જ નહીં એટલે બહુ શુદ્ધ ઉપયોગ રહે.

આજે રાતે કરજો ને તમારા કુટુંબીઓના બધાને આખા કુટુંબીઓના, ટાઈમ ખૂટી પડે તો કાલે રાતે. પછી ખૂટી પડે તો પરમ દહાડે રાતે, અને તે એટલે સુધી નહીં, આપણે ગામમાં ઓળખતા હોય એ બધાને સંભારીને પ્રતિક્રમણ કરવાં જોઈએ. ગામમાં કોઈને જરા આમ ધક્કો વાગ્યો હોય ને કોઈના ઉપર મારાથી રીસ ચઢી હોય, એ બધું ચોખ્ખું તો કરવું પડશે ને. બધાં કાગળિયાં ચોખ્ખાં કરવાં પડશે.

પ્રશ્નકર્તા : ઘણા વર્ષો પહેલાં થઈ ગયું હોયને, તે આપણને યાદ પણ ના આવતું હોય, તો ?

દાદાશ્રી : યાદ ના આવે તેને ? તે તો રહી ગયું. એમ ને એમ જ ! એ પછી સામાયિક કરવાનું એમાં યાદ આવશે.

પ્રશ્નકર્તા : સામાયિકમાં યાદ આવે ?

દાદાશ્રી : હા, કેટલાકને તો પાંચ વર્ષ સુધીનું બધું યાદ આવે.

નિર્ગ્રથદશા, ગ્રંથિઓ છેદીને...

પ્રશ્નકર્તા : આપણે બચપણમાં ભૂલ કરી છે, જુવાનીમાં ભૂલ કરી છે, કે પછી ભૂલ કરી છે, એ બધું એક પછી એક દેખાય.

દાદાશ્રી : હવે તે રોજ એક કલાક ટાઈમ મળે ત્યારે કરવું. રોજ ટાઈમ મળે નહીં એટલે બે દહાડામાં પણ એક સામાયિક કરવું. એમાં વિષયોના દોષ જોવાના. એક દહાડો સામાયિકમાં હિંસાના દોષ જોવાના. એ બધા દોષો જોવાનું સામાયિક આપણે ગોઠવવું. અને તે આ 'દાદાની' કૃપા છે કે સામાયિકમાં બધા જ દોષ દેખાય. નાની ઉંમર સુધીનું બધું તમને દેખાશે અને દોષ દેખાયા એટલે ધોવાઈ જશે અને ધોવાઈ જાય છતાં ય, પાછી મોટામાં મોટી ગાંઠ પકડી રાખવી. તેને તો રોજ સામાયિકમાં પોતે લાવવી. એટલે આમ કરતાં કરતાં સામાયિક કરતાં જાવ.

પ્રશ્નકર્તા : એ મોટી ગાંઠ છે એમ કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : મોટી ગાંઠ તો, વારે ઘડીએ એના વિચાર આવે એ મોટી ગાંઠ. આ બાજુ લીંબુ મૂક્યાં હોય ને આ બાજુ સંતરાં મૂક્યાં હોય, ને આ બાજુ ડુંગળી મૂકી હોય, એ બધાંની ગંધ આવે. પણ જેની વધારે ગંધ આવે તે જાણવું કે આ માલ અહીં વધારે છે. એટલે મહીં આપણને ખબર પડે. બહુ વિચાર આવે, વિચાર પર વિચાર, વિચાર ઉપર વિચાર આવે એટલે આપણે જાણીએ કે ઓહો, આ માલ વધારે છે એટલે એની પછી નોંધ કરવી કે આ ફર્સ્ટ, આ સેકન્ડ, એવાં કેટલી ગાંઠો છે એ જોઈ લેવી. પછી રોજના ઉપયોગમાં લેવું એને. એક ફેરો જુએ, જાણે, અને પ્રતિક્રમણ કરે, એટલે એક પડ જાય. એવાં કોઈને પાંચસો પાંચસો પડ હોય, કોઈને સો પડ હોય, કોઈને બસો પડ હોય, પણ બધું ખલાસ થઈ જાય. હવે તો મોક્ષે જવાનું તે નિર્ગ્રંથ થઈને જવું પડે. નિર્ગ્રંથ એટલે અંદરની ગ્રંથિ બધી ગઈ. હવે બહારની ગ્રંથિઓ રહી. બાહ્ય ગ્રંથિઓ રહી. અને એ ય પાછું આ 'ચંદુભાઈ'ને રહી.

પ્રશ્નકર્તા : દાદા, આપના અમેરિકા જતાં પહેલાં આપની હાજરીમાં એક વખત પ્રતિક્રમણ કરવાનું રાખીશું બધા ?

દાદાશ્રી : હા, આજે સાંજે જ કરાવડાવીએ. મારી હાજરીમાં જ કરીએ. હું ત્યાં બેસીશ ને ! મારી હાજરીમાં બધાએ કરવાનું. આ પ્રતિક્રમણ તો એક ફેર કરાવેલું, મારી હાજરીમાં જ કરાવેલું અને મેં જાતે કરાવેલું, બહુ વર્ષોની વાત કરું છું અને તે વિષય સંબંધીનું જ કરાવેલું. તે એ કરતાં કરતાં બધા ઊંડા ઊતર્યા, ઊતર્યા, ઊતર્યા તે હવે ઘેર જાય તો ય બંધ ના થાય. સૂતી વખતે ય બંધ ના થાય. ખાતી વખતે ય બંધ ના થાય પછી અમારે જાતે બંધ કરાવવું પડ્યું. સ્ટોપ કરાવવું પડ્યું !!! એ બધાંને તો ખાતી વખતે ય બંધ ના થાય એ સૂતી વખતે બંધ ના થાય. ફસાયા હતા બધા, નહીં ?! એની મેળે પ્રતિક્રમણ નિરંતર રાત-દહાડો ચાલ્યા જ કરે. હવે પ્રતિક્રમણ કર્યા પછી 'બંધ કરો હવે બે કલાક થઈ ગયા' એમ કહેવામાં આવે તોય પછી એની મેળે પ્રતિક્રમણ ચાલુ રહ્યા કરે. બંધ કરવાનું કહે તોય બંધ ના થાય. મશીનરી બધી ચાલુ થઈ ગઈ એટલે. મહીં ચાલુ રહ્યા કરે.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણમાં 'દાદા' એવું કહે છે ને કે પાછલા દોષો એ બધાં જે ઊભરો આવે, તે ગમે તેટલું કરે તો ય સમાય નહીં એવું બધા ઊભરાયા જ કરે.

દાદાશ્રી : હા, એ બધું ઊભરાયા કરે.

પૂર્વભવના દોષોનું પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ વિધિમાં પૂર્વભવના દોષોની આલોચના કેવી રીતે કરી શકાય ?

દાદાશ્રી : પ્રતિક્રમણ વિધિ એટલે પૂર્વભવના જે દોષ છેને, તે જ આ ભવમાં પ્રગટ થાય, ત્યારે આલોચના કરવાની હોય છે. આ ભવમાં જે પ્રગટ થાય છે, એ પૂર્વભવના દોષો છે. દોષો પૂર્વભવમાં થાય છે, તે આયોજન રૂપે થાય છે અને ત્યાર પછી પ્રગટ થાય છે, ત્યારે આપણને દેખાય કે પૂર્વભવમાં આ દોષ કરેલો હતો. તેવું અહીં આપણને દેખાય, અનુભવમાં આવે.

પ્રશ્નકર્તા : અમુક દોષો એવા ના હોય કે જે આ ભવને 'બાય પાસ' (બાજુએ ફરીને) કરીને આગલા ભવમાં જતા રહે ? કે વહેલા આવી જાય ?

દાદાશ્રી : ના, ના એ એવા ના હોય. કોઈ આંબો એવો હોય કે જે મોર આવ્યા સિવાય, શાખ પડેલી કેરીઓ તરત આપે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તેવી રીતે પહેલાં આનો મોર આવે. આ બધુ વિધિપૂર્વક છે, અવિધિપૂર્વક નથી, ગપ્પું નથી આ. એટલે ગયા અવતારમાં મોર આવે અને આ અવતારમાં હાફૂસ કેરી તૈયાર થાય. ત્યાર પછી કડવું, મીઠું ફળ આપે.

પ્રશ્નકર્તા : ફળ એક ભવ પછી, મોડું ના આવે ?

દાદાશ્રી : ના એવું નહીં.

પ્રશ્નકર્તા : આ જ ભવમાં ફળ આવે બધાં ?

દાદાશ્રી : આ ભવમાં આવી જવું પડે. કારણ કે બીજા ભવનો શો વિશ્વાસ ? બીજા ભવમાં તો ગધેડામાં ગયો હોય અને મનુષ્યનાં કર્મો હોય ! એટલે મનુષ્યમાં જ ફળ આવી જાય બધાં.

કાઢો દરરોજ એક કલાક.....

દાદાશ્રી : તમે તમારા મોટા ભાઈનું પ્રતિક્રમણ કરેલું ?

પ્રશ્નકર્તા : એવું કંઈ પ્રતિક્રમણ નથી કર્યું.

દાદાશ્રી : એ બધાં પ્રતિક્રમણ કરવાં પડે. ત્યારે ભેગા થયેલા હોય તો છૂટે. આ પ્રતિક્રમણ કરતી વખતે જે આનંદ થાય તે ખરેખરો થાય. પહેલું તમારા ઘરનાં માણસો જોડે, પછી કુટુંબીઓ જોડે, પછી આપ બેઉની સરખામણી કરતા જાવ રોજ. બપોરે જે આરામ કરોને, તે વખતે કરતાં જાવ. એક એક માણસને. પેલા ઘરનાં છોકરાં-બોકરાં બધુંય. છોકરાં, છોકરાંની વહુ, પછી જુઓ આનંદ ! ઘરમાં આવી રીતે પ્રતિક્રમણ કરો. એક કલાકનો પ્રયોગ રાખવો. તે ઘડીએ આનંદ તો જો, જો, સંભારી સંભારીને ! નાનું છોકરું હઉ દેખાય !

આપણું આ જ્ઞાન તો જુઓ, આપણું જ્ઞાન કેટલું બધું ક્રિયાકારી છે ?! આમ યાદ ના આવે, પણ આમ પ્રતિક્રમણ કરવા બેઠા તો ઘરનાં છોકરાં-બોકરાં બધું ય દેખાય.

પ્રશ્નકર્તા : દાદા, જો આપે ટકોર કરી હોય કોઈ બાબતમાં કે પ્રતિક્રમણ રોજ કરવાં. પછી એક દિવસ ના થાય, ઓછાં થાય એટલે જે આપણે ટાઈમ કાઢતા હોઈએ, એની પાછળ એ ઓછાં થાય તો હવે ખૂંચે છે. પહેલાં તો એમ કે કર્યા હવે પ્રતિક્રમણ, એવું થતું હતું.

દાદાશ્રી : ખૂંચે એટલે જાણવું કે આપણે આ બાજુ ગયા. હવે આ બાજુ આપણું વોટીંગ કર્યું.

પ્રશ્નકર્તા : એ પ્રતિક્રમણનું બહુ સારું થઈ ગયું દાદા.

દાદાશ્રી : પ્રતિક્રમણ તો કામ કાઢી નાખે.

આજે રાત્રે પહેલાં નજીકનાં જે બધાં હોય ને ફાધરથી માંડીને, બેનથી માંડીને શરૂઆત કરવાની તે ઠેઠ નાનામાં નાના છોકરા સુધી, કાકા, મામા, મામીઓ, છોકરાં બધાંને એટલું પ્રતિક્રમણ તું કરી લેજે, ઘરનાં છે એટલા સુધીનું કરી લેજે. પછી કાલે વિસ્તાર વધારવાનું પાછું. રોજ વિસ્તાર વધારવાનો પછી. ઓળખાણવાળા, માસ્તર, આવી જાય. પછી કોલેજિયનો એનું પ્રતિક્રમણ કરવાનું. બધાંની સાથે ચોખ્ખું કરવાનું. માનસિક સંબંધ ચોખ્ખો કરવાનો. જે કર્મો બંધાઈ ગયેલાં હશે તે પછી જોઈ લેવાશે.

પ્રતિક્રમણ કરો છો કોઈ દહાડો કોઈનાં ! અત્યાર સુધી આ બધાં શેઠીયાઓ-બેઠીયાઓ, બધા ઓળખાણ થયેલાંને, તે આપણા નિમિત્તે કોઈને દુઃખ થયું હોય તેનું પ્રતિક્રમણ કરવું પડે.

પહેલાં રાગ-દ્વેષ જ્યાં કરેલાં હોય, ત્યાં પ્રતિક્રમણ કરવાં પડશેને ? અને એ ચોખ્ખું કરવામાં જે આનંદ આવે છે એના જેવો કોઈ આનંદ જ નથી બીજો. થઈ ગયા એ તો અજ્ઞાનતામાં થયા, પણ હવે જ્ઞાન થયા પછી આપણે એને ધોઈએ નહીં, એ કપડાં પેટીમાં મૂકી રાખીએ તો ?

તમે તો બહુ પેટીમાં મૂકી રાખ્યા, નહીં ? જોજો ને, મહીં ડાઘ પડેલા હશે.

પછી ફ્રેન્ડ સર્કલ (મિત્રવર્તુળ) પકડવું. પછી બીજું સર્કલ પકડવું. કામ તો બધું બહુ હોય છે. આવી ગોઠવણી મૂકી દઈએ કે અમુક જગ્યાએ આ રહી ગયું આટલું. અમુક જગ્યાએ આ બાકી રહી ગયું. એના પ્રતિક્રમણ કર્યા કરીએ. હા, નહીં તો મનને શું કામ આપવાનું ? આ પ્રતિક્રમણ કરે, એ સંસાર સંબંધ હેતુ માટે નથી. સંસાર સંબંધના હેતુ માટે તો વેપારીઓ છે તે પછી મનને ચલાવડાવે કે આવતી સાલ આમ કરીશું. પછી ત્યાં ગોડાઉન બાંધીશું. પછી એ કરીશું એમાં બે-ચાર કલાક કાઢે.

'અમે' આમ કરેલું નિવારણ વિશ્વથી !

ચંદુભાઈમાં જે જે દોષો હોય તે બધા દેખાય. જો દોષો ના દેખાતા હોય તો આ જ્ઞાન કામનું શું ? એટલે કૃપાળુદેવે શું કહ્યું હતું ?

''હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ,

દીઠા નહીં નીજ દોષ, તો તરીયે કોણ ઉપાય ?''

તે પોતાના દોષ દેખાય. દોષ છે તેનો વાંધો નથી. તે કોઈનામાં પચ્ચીસ હોય કે કોઈનામાં સો હોય. અમારામાં બે હોય. તેની કંઈ કિંમત નથી. ઉપયોગ જ રાખવાનો. ઉપયોગ રાખ્યો એટલે દોષ દેખાયા જ કરે. બીજું કશું કરવાનું નથી.

'ચંદુભાઈ'ને 'તમારે' એટલું કહેવું પડે કે પ્રતિક્રમણ કર્યા કરો. તમારા ઘરનાં બધાં જ માણસો જોડે, તમારે કંઈ ને કંઈ પહેલાં દુઃખ થયેલું હોય, તેનાં તમારે પ્રતિક્રમણ કરવાનાં. સંખ્યાત કે અસંખ્યાત ભવોમાં જે રાગ-દ્વેષ, વિષય, કષાયથી દોષ કર્યા હોય તેની ક્ષમા માગું છું. એવું રોજ એક એક માણસનું આવું ઘરનાં દરેક માણસને લઈ લઈને કરવું. પછી આજુબાજુનાં, આડોશી-પાડોશી બધાને લઈને ઉપયોગ મૂકી આ કર્યા કરવું જોઈએ. તમે કરશો ત્યાર પછી આ બોજો હલકો થઈ જશે. એમ ને એમ હલકો થાય નહીં. અમે આખા જગત જોડે આવી રીતે નિવારણ કરેલું. પહેલું આવું નિવારણ કરેલું, ત્યારે તો આ છૂટકો થયો. જ્યાં સુધી અમારો દોષ તમારા મનમાં છે, ત્યાં સુધી મને જંપ ના વળવા દે ! એટલે અમે જ્યારે આવું પ્રતિક્રમણ કરીએ ત્યારે ત્યાં આગળ ભૂંસાઈ જાય. એટલે આલોચના મારી રૂબરૂમાં નહીં કરવાની, પણ તમે શુદ્ધાત્મા છો તે વખતે તમારા શુદ્ધાત્માની રૂબરૂમાં ચંદુભાઈ આલોચના કરે. ચંદુભાઈને કહીએ, આલોચના કરી લો પછી પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરાવડાવો. તે કલાક કલાક કરાવડાવો. ઘરનાં દરેક માણસની જોડે કરાવડાવો. જેની જોડે સંબંધ હોય તેનાં ય કરવાં પડે.

ઋણાનુબંધી ત્યાં જ ચીકણું !

નિરંતર પ્રતિક્રમણ કરીને રાગ-દ્વેષની ચીકાશને ધોઈ નાખી પાતળી કરી નખાય. સામો વાંકો છે એ આપણી ભૂલ છે, આપણે એ ધોયું નથી અને ધોયું છે તો બરોબર પુરુષાર્થ થયો નથી. નવરા પડીએ ત્યારે ચીકાશવાળા ઋણાનુબંધી હોય તેનું ધો ધો કરવાનું. એવા વધારે હોતા નથી, પાંચ કે દશ જોડે જ ચીકાશવાળું ઋણાનુબંધ હોય છે. તેમનું જ પ્રતિક્રમણ કરી નાખવાનું હોય છે, ચીકાશને જ ધો ધો કરવાની છે. કોણ કોણ લેવાદેવાવાળો છે તેમને ખોળી કાઢવાના છે. નવો ઊભો થશે તો તરત જ ખબર પડી જશે. પણ જે જૂના છે એને ખોળી કાઢવાના છે. જે જે નજીકના ઋણાનુબંધી હોય, ત્યાં જ ચીકાશ વધારે હોય. ફૂટી કયું નીકળે ? જે ચીકાશવાળું હોય તે જ ફૂટી નીકળે.

બધું ચોખ્ખું થાય ત્યારે વાણી સારી નીકળે. નહીં તો વાણી સારી નીકળે નહીં. આ બધું ચોખ્ખું જ. બધી બાબત, જ્યાં જ્યાં ઓળખાણ માત્ર છે. એ બધાનું જિલ્લાવાર કરવું જોઈએ. લત્તાવાર પ્રતિક્રમણ કરવું જોઈએ, આ વકીલ છે તે વકીલો, પછી જજો એટલે બધા જ જજો આવે.

બીજા બધાં પ્રતિક્રમણ બહુ કરવાં પડે. રસ્તામાં આવતાં-જતાં, કંઈ વાતચીત કરતાં એ થયું હોય, તો એમના નામથી પ્રતિક્રમણ કરવું. આ રસ્તે ચાલતાં ઠોકર વાગી તો શાથી ઠોકર વાગી એ. બધાં સાર કાઢીએ કે આ રસ્તે ચાલ્યા માટે ઠોકર વાગી. એટલે ફરી ના થાય, પણ આપણે ફરી ઊથામવાનું નહીં એને.

પ્રતિક્રમણ તો તમે બહુ જ કરજો. જેટલાં તમારા સર્કલમાં પચાસ સો માણસો હોય, જેને જેને તમે રગડ રગડ કર્યા હોય તે બધાનાં નવરા પડો એટલે કલાક કલાક બેસીને, એક એકને ખોળી ખોળીને પ્રતિક્રમણ કરજો. જેટલાને રગડ રગડ કર્યા છે તે પાછું ધોવું પડશેને ? પછી જ્ઞાન પ્રગટ થશે.

એમાં બેઉ છે....

પ્રશ્નકર્તા : નાનપણમાં એક છોકરીના દસ રૂપિયા ચોરી લીધા ને બીજી છોકરીને જરૂર હતી તેના કંપાસમાં છાનામાના મૂકી દીધા. તેનું પ્રતિક્રમણ થયું.

દાદાશ્રી : આ કેવું છે ? આપ્યા તે દાન કર્યું. તેનું પુણ્ય બંધાયું. ને ચોરી તેનું પાપ બંધાયું. હવે પુણ્ય કર્યાં તો સો મળ્યા ને પાપ કર્યું તેનાં ત્રણસો ખોયા. આવું છે જગત. ઘાલમેલ કરવામાં ય નુકસાન છે.

એટલે બધાં જેટલાં ઓળખાણવાળાં છે એ પ્રતિક્રમણમાં લેવા. પછી અસીલો, વકીલો, બધા જજ, પ્રતિક્રમણમાં લેવા. પછી જેની જોડે પરિચય થયો એ બધા લેવા. બપોરે આરામ કરતી વખતે પ્રતિક્રમણ કરવાનું લો. એટલે ઊંઘેય આવે નહીં અને આ પ્રતિક્રમણો થાય અને આરામેય થાય. અમારે એવી રીતે લેવાય. પણ અમારું બધું પૂરું થઈ ગયેલું હોય.

સાધુ-સાધ્વીઓનું પ્રતિક્રમણ !

પછી આ ભવ, ગતભવ, ગત સંખ્યાત ભવ, ગત અસંખ્યાત ભવોમાં, ગત અનંતા ભવોમાં દાદા ભગવાનની સાક્ષીએ દીગંબર ધર્મનું, સાધુ, આચાર્યની જે જે અશાતના, વિરાધના કરી - કરાવી હોય તો તે બદલ ક્ષમા માગું છું. દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માગું છું. કિંચિત્માત્ર અપરાધ ના થાય એવી શક્તિ આપજો. એવું બધા ધર્મનું લેવાનું.

આમ કરજો પ્રતિક્રમણ !

અરે, તે વખતે અજ્ઞાનદશામાં અમારો અહંકાર ભારે. 'ફલાણા આવા, તેવા' તે તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર.... અને કોઈને વખાણે ય ખરા. એકને આ બાજુ વખાણે ને, એકને આનો તિરસ્કાર કરે. ને પછી ૧૯૫૮માં જ્ઞાન થયું ત્યારતી 'એ. એમ. પટેલને' કહી દીધું કે, આ તિરસ્કાર કર્યા, ધોઈ નાખો બધાં હવે, સાબુ ઘાલીને, તે માણસ ખોળી-ખોળીને બધાં ધો ધો કર્યા. આ બાજુના પાડોશીઓ, આ બાજુના પાડોશીઓ, આ બાજુનાં કુટુંબીઓ, મામો, કાકો, બધાં ય જોડે તિરસ્કાર થયેલા હોય બળ્યા ! તે બધાંના ધોઈ નાખ્યા.

પ્રશ્નકર્તા : તે મનથી પ્રતિક્રમણ કર્યું સામે જઈને નહીં ?

દાદાશ્રી : મેં અંબાલાલ પટેલને કહ્યું કે આ તમે ઊંધાં કર્યાં છે, એ બધાં મને દેખાય છે. હવે તો તે બધાં ઊંધાં કરેલાં ધોઈ નાખો ! એટલે એમણે શું કરવા માંડ્યુ ? કેવી રીતે ધોવાનાં ? ત્યારે મેં સમજ પાડી કે એને યાદ કરો. ચંદુભાઈને ગાળો દીધી અને આખી જિંદગી ટૈડકાવ્યા છે, તિરસ્કાર કર્યા છે, તે બધું આખું વર્ણન કરી અને 'હે ચંદુભાઈ, મન, વચન, કાયાનો યોગ, દ્રવ્યધર્મ, ભાવકર્મ, નોકર્મથી ભિન્ન પ્રગટ શુદ્ધાત્મા ભગવાન ! ચંદુભાઈના શુદ્ધાત્મા ભગવાન ! આ ચંદુભાઈની માફી માગ માગ કરું છું તે દાદા ભગવાનની સાક્ષીએ માફી માગું છું. ફરી એવા દોષો નહીં કરું' એટલે પછી તમે એવું કરો. પછી તમે સામાના મોઢા ઉપર ફેરફાર જોઈ લેશો. એનું મોઢું બદલાયેલું લાગે. અહીં તમે પ્રતિક્રમણ કરો ને ત્યાં બદલાય.

પ્રશ્નકર્તા : રૂબરૂમાં પ્રતિક્રમણ કરાય ?

દાદાશ્રી : રૂબરૂમાં કરાય. રૂબરૂમાં કરીએ તો બહુ ખાનદાન માણસ હોય તો જ કરાય. નહીં તો પાછો કહેશે, 'હે હવે ડાહી થઈને !!! હું કહેતો હતો ને ના માન્યું, ને હવે ડાહી થઈ !!!' મેર ચક્કર, અવળો અર્થ કર્યો એને ?! પછી ડફળાવી મારે - બિચારાને. એના કરતાં ના કરશો. આ લોક તો બધાં અણસમજુ. એ તો કોક જ ખાનદાન માણસ હોય ને નરમ થઈ જાય અને પેલો તો કહેશે, 'હવે ભાન થયું ? હું ક્યારનો કહું છું, માનતી નહોતી.' એ શું કહેશે એ ય મને ખબર હોય. અને તમને શું થયું તે ય મને ખબર હોય. નાટક, ડ્રામા ! એટલે આવું પ્રતિક્રમણ અમે કરી નાખીએ.

બુદ્ધિવાળા જગતમાં...

અમે કેટલું ધોયેલું ત્યારે ચોપડો છૂટેલો. અમે કેટલાય કાળથી ધોતા આવેલા ત્યારે ચોપડો છૂટ્યો. તમને તો મેં રસ્તો દેખાડ્યો. એટલે જલદી છૂટી જાય. અમે તો કેટલાક કાળથી જાતે ધોતા આવ્યા હતા.

આપણે તો પ્રતિક્રમણ કરી લેવું. એટલે આપણે જવાબદારીમાંથી છૂટ્યા. મને શરૂ શરૂમાં બધા લોકો 'એટેક' કરતા હતા ને ! પણ પછી બધા થાકી ગયા. આપણો જો સામો હલ્લો હોય તો સામા ના થાકે. આ જગત કોઈને ય મોક્ષે જવા દે તેવું નથી. એવું બધું બુદ્ધિવાળું જગત છે. આમાંથી ચેતીને ચાલે, સમેટીને ચાલે તો મોક્ષે જાય.

આ પ્રતિક્રમણ કરી તો જુઓ પછી તમારા ઘરના માણસોમાં બધામાં ચેન્જ થઈ જાય. જાદુઈ ચેન્જ થઈ જાય. જાદુઈ અસર !!

અહીં માર ખઈને પડી રહેવું સારું. અને ત્યાં માલ ખઈને પડી રહેવું તે ય ખોટું છે. જગ્યા સારી-ખોટી જોઈ લેવી જોઈએને ?

પ્રશ્નકર્તા : તમે મને પ્રતિક્રમણ આપેલું જ્યારે આ પગ પેલો થયેલોને ત્યારે પણ બે દિવસમાં એની જાદુઈ અસર હતી, એ પ્રતિક્રમણની.

દાદાશ્રી : અમે આશીર્વાદ મોકલ્યાતા.

પ્રશ્નકર્તા : એની બહુ જાદુઈ અસર થઈ બે દહાડામાં.

દાદાશ્રી : જાદુઈ અસર છે આ અમારી, આજ્ઞાપૂર્વક પ્રતિક્રમણ કરે તો. ભગવાન ન કરી શકે એટલું કામ કરી શકે.

હવે ન પોષાય ગલીપચીઓ...

પ્રશ્નકર્તા : એમાં સારો અનુભવ થયો.

દાદાશ્રી : હા, એટલે વસ્તુસ્થિતિમાં આટલો સહેલો માર્ગ છે આ. સરળ છે. સમભાવી છે ! કશું ઉપાધિ નહીં. અને પાછાં માર્ગ બતાવનાર અને કૃપા કરનારા પોતે શું કહે છે, હું નિમિત્ત છું. માથે પાઘડીએ પહેરતાં નથી. હેય, નહીં તો છેલ્લો ધોળો પાઘડો ખાલીને ફર્યા કરે, તો આપણે ઉપાધિ પાછી, પાઘડીની. એટલે બધું સરળ થઈ પડ્યું છે. તો હવે આપણું કામ પૂરું કરી લો. એવું એટલું કહેવા માગું છું. બહુ સરળ નહીં આવે, આટલું બધું સરળ નહીં આવે ફરી. આવા ચાન્સ નહીં મળે. માટે આ ચાન્સ ઊંચો છેને, એટલે આ બીજી ગલીપચીઓ ઓછી થવા દોને. આ ગલીપચીઓમાં મજા નથી. લોક તો ગલીપચી કરનારા મળશે. પણ એમાં તમારું હિત નથી. એટલે ગલીપચીના શોખ જવા દો હવે. એક અવતારે આ હવે અરધો અવતાર રહ્યો. આ એક આખો ક્યાં રહ્યો છે ?

એમના શુદ્ધાત્માને નમસ્કાર કરીને !

પ્રશ્નકર્તા : આપે જે સગા-સંબંધીઓનું પ્રતિક્રમણ કરવાનું જે કીધું એટલે એ લોકોની સાથે કંઈ એટલે કે જોયા જ કરવાનું કે બોલવાનું કશું ?

દાદાશ્રી : બોલવાનું મનમાં.

પ્રશ્નકર્તા : એમના પ્રત્યે રાગ કર્યો હોય તો એ પણ દોષ છે, દ્વેષ કર્યો હોય એ પણ દ્વેષ છે, તો એનું પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : રાગ-દ્વેષ એકલું નહીં. બધી બહુ ચીજ બોલવી પડે. આ ભવમાં સંખ્યાતા-અસંખ્યાતા ભવમાં રાગ-દ્વેષ. અજ્ઞાનતાથી જે દોષો થયા હોય તેનું આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરું છું. બોલવું પડે.

પ્રશ્નકર્તા : આ ભવ અસંખ્યતા ભવથી જે કંઈ રાગ-દ્વેષ થયા છે તે બધાનું.

દાદાશ્રી : રાગ-દ્વેષ, અજ્ઞાનતાથી જે જે દોષ થયા હોય, અગર આક્ષેપો કર્યા હોય, અહંકાર ભગ્ન કર્યા હોય, એ બધું બોલવું પડે. એ બોલી રહ્યા, એક ફાઈલ પતી, પછી બીજી ફાઈલ, જેમ ડૉક્ટરો પેશન્ટને (દર્દી) કાઢે છેને ?

અમે તો ગામવાળા જોડે ય ચોખ્ખું કરી નાખ્યું. ગામમાં ય અમારી ખડકીમાં ખોળી ખોળીને કર્યું. અણસમજણથી કરેલા દોષો જ બાંધેલા હોય. તમે બાંધેલા કે નહીં બાંધેલા કોઈ દહાડો ?

પ્રશ્નકર્તા : ઘણા.

દાદાશ્રી : બહુ બાંધેલા ?!

પોતાની પડીકી પેસાડાય નહીં....

પ્રશ્નકર્તા : મેં ચોપડીમાં વાંચેલું છે કે સંખ્યાત-અસંખ્યાત ભવોનાં પ્રતિક્રમણ કરીએ તો ચોખ્ખું થઈ જ જાય છેને ? આગલા ભવમાં દોષો થઈ ગયેલા હોય તેનું ?

દાદાશ્રી : કંઈક આગલા થયેલા હોય તો અડસટ્ટો ના હોય. એ તો મહીં ક્લેઈમ (દાવો) લેતો આવેલો હોય. કંઈક ક્લેઈમ લઈને આવે, કાગળ લઈને આવે એટલે સમજી જવાનું કે આ પેલો હિસાબ છે. અત્યારનું આ વખતનું નથી લાગતું ને પહેલાનું લાગે છે.

પ્રશ્નકર્તા : હા, પણ ક્લેઈમ લઈને આવે જ નહીં એટલા માટે આપણે આગળથી જ પ્રતિક્રમણ કરી નાખવાં હોય કે જે એકદમ શુદ્ધ જ થઈ જાય ને જલદી બધાં પ્રતિક્રમણ થઈ જાય આપણાં, તો એવી રીતે ક્લેઈમ લઈને ન આવેલાં દોષોનું પણ પ્રતિક્રમણ કરવું હોય તો આવી રીતે બોલીએ તો એનું પ્રતિક્રમણ થાય ?

દાદાશ્રી : ક્લેઈમ લેતો આવે તો જ થાય. ક્લેઈમ ના લેતો હોય તેને કશું લેવાદેવા નહીં. ક્લેઈમ હોય તેનું પ્રતિક્રમણ થાય.

પ્રશ્નકર્તા : તો પછી એક એક, એક એક દોષ ક્લેઈમ લે ત્યાં સુધી છૂટાય જ નહીંને ? સંખ્યાત-અસંખ્યાત ભવોના દોષો જે જે કર્યા હોય તેનું પેલું બાધેભારનું પ્રતિક્રમણ છેને ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : તેની માફી માગું છું. પ્રતિક્રમણ કરું છું તો એનું કેવી રીતે પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : એ તો એટલું જ બોલવાની જરૂર. બીજું કશું બોલવાનું નહીં. બીજું પ્રતિક્રમણ કરવામાં એમાં પોતાનો હિસાબ નહીં કરવાનો. આમ ને આમ લખ્યું હોય તે જ કરવાનું. બીજું એટેક લઈને આવ્યો હોય એટલાનું જ કરવાનું. બીજું કંઈ નહીં. જ્ઞાનમાં કહ્યું એટલું બાધેભારેનું કરવાનું.

પ્રશ્નકર્તા : પણ દાદા, જેવું એટેક હોય એવું જ વારેવારે લાગતું હોય તો પ્રતિક્રમણ શૂટ ઑન સાઈટ તો કરીએ. પણ...

દાદાશ્રી : અમે કહીએ છીએ એટલું જ કરવાનું, વધારે બીજું કરવાનું નહીં.

પ્રશ્નકર્તા : ના, પણ બીજે જે ફાજલ સમય હોય તો કલાકોના કલાકો સુધી એ જ બોલ્યા કરીએ તો ચાલે ?

દાદાશ્રી : અમે કહ્યું છે, એ જ પ્રમાણે કરવાનું. ફાજલ સમય હોય તો ય કે આ ભવમાં કર્યું તે, સંખ્યાતા. અસંખ્યાતા ભવમાં, બધુંય.. બીજું પોતાનું ડહાપણ નંખાય નહીં. ઘરની પડીકી ન નખાય એમાં. અર્ધું પોઇઝન થઈ જાય. અને ક્લેઈમ લઈને આવ્યો તેના પૂરતું. નવું નહીં, નવું ના બોલવું. જે છે એ પ્રમાણે કર્યા કરવું. બુદ્ધિ અવળું ચીતરી આવે. મારી નાખે એ. આમ કરીએ તો શું વાંધો છે ? એવું દેખાડે.

હંમેશાં રાગ ક્યારે ઉત્પન્ન થાય છે ? દ્વેષમાંથી ઉત્પન્ન થયેલો હોય અને પછી રાગમાંથી પાછો દ્વેષ ઉત્પન્ન થાય. એટલે બધા દોષ જે છે. દોષ હોય ત્યાં રાગ-દ્વેષ હોય, એ ચીકણી ફાઈલ કહેવાય !

આના પર ખડો સિદ્ધાંત મહાવીરનો !

આપણે જેનાં પ્રતિક્રમણ કરીએ ને તેને આપણા માટે કંઈ ખરાબ તો ના હોય, પણ માન ઉત્પન્ન થાય અને પ્રતિક્રમણ થઈ ગયાં એટલે ગમે તેટલું વેર હોય તો ય છૂટી જાય, આ ભવમાં જ !!! આ એક જ ઉપાય છે ! આ ભગવાન મહાવીરનો સિદ્ધાંત આખો, પ્રતિક્રમણ ઉપર જ ઊભો રહેલો છે. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન ! જ્યાં આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન નથી ત્યાં ધર્મ જ નથી. હવે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન જગતના લોકોને યાદ રહે નહીં. તમે શુદ્ધાત્મા થયા છો, એટલે તમને તરત યાદ આવે !

ખૂંચે તેનું પ્રતિક્રમણ !

એવું છે, જ્યાં સુધી સામાનો દોષ પોતાના મનમાં છે ત્યાં સુધી જંપ ના વળવા દે. આ પ્રતિક્રમણ કરો ત્યારે એ ભૂંસાઈ જાય. રાગ-દ્વેષવાળી દરેક ચીકણી 'ફાઈલ'ને ઉપયોગ મૂકીને, પ્રતિક્રમણ કરીને, ચોખ્ખું કરવું. રાગની ફાઈલ હોય તેનાં તો પ્રતિક્રમણ ખાસ કરવાં જોઈએ.

આપણે ગાદી ઉપર સૂઈ ગયા હોય તો જ્યાં જ્યાં કાંકરા ખૂંચે ત્યાંથી તમે કાઢી નાખો કે ના કાઢો ? આ પ્રતિક્રમણ તો, જ્યાં જ્યાં ખૂંચતું હોય ત્યાં જ કરવાનાં છે. તમને જ્યાં ખૂંચે છે ત્યાંથી તમે કાઢી નાખો, ને તે એમને ખૂંચે છે, ત્યાંથી એ કાઢી નાખો ! પ્રતિક્રમણ દરેક માણસનાં જુદાં જુદાં હોય !

અત્યારે કોઈ માણસ કોઈની ઉપર ઉપકાર કરતો હોય, છતાં એને ઘેર અનાચાર થાય એવા કેસ બને, તો ત્યાં આગળ પ્રતિક્રમણ કરવાં જ પડે. પ્રતિક્રમણ તો, જ્યાં ખૂંચે ત્યાં બધે જ કરવું પડે, પણ દરેકનાં પ્રતિક્રમણ જુદાં જુદાં હોય. કારણ કે એ પોતે સમજી ગયો છે કે, મારે ગુનો થયો છે એટલે ખૂંચ્યા કરે. જ્યાં સુધી એનું પ્રતિક્રમણ ના થાય, ત્યાં સુધી ખૂંચ્યા કરે નહીં ?

પ્રશ્નકર્તા : બહુ ખૂંચતું હતું.

દાદાશ્રી : આ તો આપણે પહેલાં ભૂલ કરેલી તેથી ખૂંચે છે. ભૂલથી જ બંધાયા છીએ. બંધન રાગનું હોય, દ્વેષનું હોય, જેનું હોય તેનું પ્રતિક્રમણ કરી નાખવાનું. સામો નમ્ર અને સરળ હોય તો મોઢે માફી માગી લેવાની. નહીં તો અંદર જ માફી મંગાય, તો ય હિસાબ ચોખ્ખો થઈ જાય.

બેઉ પ્રતિક્રમણ કરે ત્યારે !

કોઈને ય માટે અતિક્રમણ થયાં હોય તો, આખો દહાડો તેના નામનાં પ્રતિક્રમણ કરવાં પડે, તો જ પોતે છૂટે. જો બન્નેય સામસામા પ્રતિક્રમણ કરે તો જલદી છૂટાય. પાંચ હજાર વખત તમે પ્રતિક્રમણ કરો ને પાંચ હજાર વખત સામો પ્રતિક્રમણ કરે, તો જલદી પાર આવે. પણ જો સામોવાળો ના કરે ને તારે છૂટવું હોય તો, દસ હજાર વખત પ્રતિક્રમણ કરવાં પડે.

પ્રશ્નકર્તા : જ્યારે આવું કંઈક રહી જાય તો મનમાં ખૂબ થયાં કરે કે આ રહી ગયું.

દાદાશ્રી : એ કકળાટ નહીં રાખવાનો પછી. પછી એક દા'ડો બેસી બધાં ભેગાં પ્રતિક્રમણ કરી નાખવાનાં. જેનાં જેનાં હોય, ઓળખાણવાળાનાં, જેની જોડે વધારે અતિક્રમણ થતું હોય એનાં નામ દઈને એક કલાક કરી નાખ્યું તો બધું ઊડી ગયું પાછું. પણ એવો આપણે બોજો નહીં રાખવાનો.

પ્રશ્નકર્તા : સવારમાં સામાયિકમાં બેસીએ છીએ તે એનો અડધો પોણો ટાઈમ પ્રતિક્રમણ કરવામાં જ જતો રહે છે.

દાદાશ્રી : તે ઘડીએ એવો બોજો નહીં રાખવાનો. પંદર દહાડે, મહિને કરોને, બાર મહિને કરો તો ત્યારે ભેગાં કરી નાખો.

અતિક્રમણનાં અતિક્રમણો !

અતિક્રમણને સાચવવા માટે મોટું અતિક્રમણ કરે, એને સાચવવા માટે એથી મોટું અતિક્રમણ કરે.

પ્રશ્નકર્તા : એટલે આંટીઓ વધતી જ જાય.

દાદાશ્રી : અરે, આંટી એવી વધે તે ફરી ઠેકાણું જ ના પડે. રાત-દહાડો બૂમાબૂમ કરાવડાવે. એટલે પછી મનુષ્યોમાં આંટીઓ છૂટતી નથી. માટે એ છૂટવા માટે ચાર પગમાં જવું પડે છે.

પ્રશ્નકર્તા : એટલે પહેલું અતિક્રમણ બંધ થાય. અતિક્રમણ થોડો ટાઈમ બંધ થાય ત્યાં સુધી પેલો ભોગવી આવે.

દાદાશ્રી : ના. ભોગવે એટલે પેલું બધું ધોવાઈ જાય પછી અતિક્રમણ કર્યા હતાં. તેનું એ પ્રતિક્રમણ કરે.

પ્રશ્નકર્તા : એટલે ચાર પગમાં બીજાં અતિક્રમણ તો કરે નહીં. ભોગવવા જાય.

દાદાશ્રી : બીજી કશી ભાંજગડ નહીં. ભોગવવાને માટે જ ભોગવે, બસ. એ ભોગવે એટલે પછી પાછો આવે. એવું કશું નહીં કે ત્યાં ને ત્યાં ચોંટી રહે છે. એ કહેશે, મારે હવે અહીંના અહીં ચોંટી રહેવું છે ! તો ય ચોંટવા ના દે. હિસાબ ચૂકતે થઈ ગયો કે જાવ અહીંથી. ચાલ્યા જાવ.

પ્રશ્નકર્તા : અતિક્રમણ બહુ કર્યા હોય તો પશુયોનિમાં જ જાય ?

દાદાશ્રી : વધુ અતિક્રમણનું ફળ જ પશુયોનિ. અને બહુ મોટાં અતિક્રમણ થાય, એથી મોટાં, હિટલર જેવા, તો પછી નર્કયોનિ.

પ્રશ્નકર્તા : કેટલાક પશુઓને માણસો કરતાં ય બહુ સારી રીતે રાખે છે.

દાદાશ્રી : એ તો કોઈ પુણ્યશાળી હોય ને પછી અતિક્રમણ વાળા ય પુણ્યશાળી હોય ને પાછા.

પ્રશ્નકર્તા : એટલે બન્ને કર્મ સાથે કર્યા હોય, અતિક્રમણ કર્યુ હોય અને પુણ્ય કર્યું હોય.

દાદાશ્રી : અરે, અતિક્રમણ તો પેલાના હિતને માટે કરતો હોય.

પ્રશ્નકર્તા : પણ તમે કહો છો ને કે સામાના હિતને માટે કરેલું અતિક્રમણ ગુનામાં નથી આવતું.

દાદાશ્રી : પુણ્ય આપે. ગાયકવાડ સરકારના ઘેરે ય બળદ તરીકે આવે.

ઋણ પ્રમાણે ભોગવટો !

આ ભ્રષ્ટાચાર કરે એ બધું પાશવતા કહેવાય. એ બધું ભોગવવા જાનવરના અવતારમાં જવું તો પડે ને ?

પ્રશ્નકર્તા : સારું, ખરાબ ગમે તે બધું ઋણ ચૂકવીને જવાનું ને ?

દાદાશ્રી : હા, ઋણ તો બધું ચૂકવવું જ પડશે ને ? આપણે આ જ્ઞાન લીધા પછી ઋણ ના બંધાય એવો રસ્તો આપણી પાસે છે જ. આપણે જેટલા શુદ્ધાત્મામાં રહીએ તેટલું બિલકુલ ઋણ બંધાતું નથી. અને શુદ્ધાત્મામાંથી ચૂક્યા અને અતિક્રમણ થયું તો તેનું પ્રતિક્રમણ કરવાથી બધું ધોવાઈ જાય છે. એટલે આપણે જાગૃત રહીએ તો ! બાકી આ જ્ઞાન લીધા પહેલાં જે કર્મ બંધાયેલાં છે તે અમુક કર્મો ઓગળી ગયાં, ખલાસ થઈ ગયાં અને જે કર્મોનો ગઠ્ઠો થઈ ગયો હોય, જામી ગયેલાં હોય તે કર્મો તો ભોગવવાં જવું પડે. પણ તે બહુ લાંબું નથી હોતું.

પ્રશ્નકર્તા : આપ મળ્યા પહેલાં તો જાતજાતનાં દોષો કરેલા તેનું શું કરવું ?

દાદાશ્રી : એનું જાથું પ્રતિક્રમણ કરવું. જાથું એટલે ભેળસેળવાળું. રોજ અડધો કલાક કરવું. નાનપણમાં કો'ક છોકરાને પથરો માર્યો હતો તેનું ય પ્રતિક્રમણ કરી નાખો. પ્રતિક્રમણ કરો એટલે પુદ્ગલ શુદ્ધ થઈ જાય.

પ્રશ્નકર્તા : ગમે તેવું મોટું પાપ થયું હોય તો પણ એ પ્રતિક્રમણથી નાશ પામી જાય ?

દાદાશ્રી : ભયંકર પાપ કર્યું હોય પણ પ્રતિક્રમણ કર્યું હોય તો પાપ નાશ થાય.

પ્રશ્નકર્તા : કોઈના હાથે ખૂન થયું હોય તો ય દાદા ?

દાદાશ્રી : હા, ખૂન નહીં, બે ખૂન કરે. આખું ગામ બાળી મૂકે તો ય.

પ્રશ્નકર્તા : પણ એ પ્રતિક્રમણ હોવું જોઈએ ?

દાદાશ્રી : એ સરસ હોવું જોઈએ. જેવું અતિક્રમણ, એવું પ્રતિક્રમણ હોવું જોઈએ.

છૂટક છૂટક થાય તે જ સાચું !

બધા દોષ દેખાશે તેમ પ્રતિક્રમણ થશે. ત્યારે છૂટ્યા. તમારે જેટલાં પ્રતિક્રમણ થયાં એટલો છૂટકારો થઈ ગયો. જેટલાં બાકી રહ્યાં, એટલાં રહ્યાં, તે ફરી પ્રતિક્રમણ કર્યા જ કરવાનાં.

પ્રશ્નકર્તા : આપણે આખા જગતના જીવોની ક્ષમા માગી લઈએ તો પ્રતિક્રમણ થઈ ગયું કહેવાય ને ?

દાદાશ્રી : પ્રતિક્રમણ તો ક્યારે થાય એવું કહેવાય ? એ છૂટક છૂટક કરીએ ત્યારે.

પ્રશ્નકર્તા : આપણે જ્ઞાન પહેલાં જે કર્મ કર્યાં છે હવે એનું સરવૈયું કાઢવા બેઠા છે કે આ કર્યું છે. તે ક્યારે પ્રકાશમાં આવશે ?

દાદાશ્રી : એ યાદ આવે તો પ્રતિક્રમણ કરવું. જેટલાં યાદ આવે એટલાં પ્રતિક્રમણ કરવાં. નહીં તો પછી અહીં આગળ અમે સામાયિક કરાવીએ છીએ. તે દહાડે બેસવું તે આખું એક્ઝેક્ટ કરવું. તે દહાડે થોડું ધોવાઈ જાય. એમ કરતું કરતું બધું ધોવાઈ જાય.

'સોફ્ટવેઅર' પ્રતિક્રમણનું...

આ અપૂર્વ વાત છે, પૂર્વ સાંભળી ના હોય, વાંચી ના હોય, જાણી ના હોય, તેવી વાતો જાણવાને માટે આ મહેનત છે.

આપણે અહીં પ્રતિક્રમણ કરાવવા માટે બેસાડીએ છીએ તે પછી શું થાય છે ? મહીં બે કલાક પ્રતિક્રમણ કરાવડાવે છેને, કે નાનપણમાંથી તે અત્યાર સુધી બધા જે જે દોષ થયા હોય, બધાં યાદ કરી કરીને પ્રતિક્રમણ કરી નાખો, સામાના શુદ્ધાત્માને જોઈને એવું કહે. હવે નાની ઉંમરથી જ્યાંથી સમજણ શક્તિની શરૂઆત થાય, ત્યારથી જ પ્રતિક્રમણ કરવા માંડે, તે અત્યાર સુધીનું પ્રતિક્રમણ કરે. આવું પ્રતિક્રમણ કરે એના બધા દોષોનો મોટો મોટો ભાગ આવી જાય. પછી ફરી પાછો પ્રતિક્રમણ કરે. ત્યાર ફરી નાના નાના દોષ પણ આવી જાય. પાછું ફરી પ્રતિક્રમણ કરે તો એથી ય નાના દોષો આવી જાય, આમ એ દોષોનો બધો આખો ભાગ જ ખલાસ કરી નાખે.

બે કલાકના પ્રતિક્રમણમાં આખી જિંદગીના પાછળના ચોંટેલા દોષોને ધોઈ નાખવા. અને ફરી ક્યારેય એવા દોષો નહીં કરું એમ નક્કી કરવું એટલે કે પ્રત્યાખ્યાન થઈ ગયું.

આ તમે પ્રતિક્રમણ કરવા બેસો ને, તે અમૃતનાં ટપકાં પડ્યાં કરે એક બાજુ, અને હલકા થયેલા લાગે. તારે થાય છે કે ભઈ, પ્રતિક્રમણ ? તે હલકા થયેલા લાગે ? તમારે પ્રતિક્રમણ ચાલુ થઈ ગયાં છે બહુ ? ધમધોકાર ચાલે છે ? બધાં ખોળી, ખોળી, ખોળીને પ્રતિક્રમણ કરી નાખવાં. તપાસ કરવા માંડવી. એ બધું યાદ હઉ આવતું જશે. રસ્તો હઉ દેખાશે. આઠ વર્ષ ઉપર કો'કને લાત મારી હોય એ હઉ દેખાશે. તે રસ્તો દેખાશે. લાતે ય દેખાશે યાદ શી રીતે આવ્યું આ બધું ? આમ યાદ કરવા જઈએ તો કશું યાદ ના આવે ને પ્રતિક્રમણ કરવા ગયા કે તરત લીંકવાર (ક્રમવાર) યાદ આવી જાય. એકાદ ફેરો આખી જિંદગીનું કર્યું હતું તમે ?

પ્રશ્નકર્તા : કર્યું હતું.

દાદાશ્રી : ફરી કરવાની કોઈએ ના પાડી છે ખરી ?

પ્રશ્નકર્તા : ના, હમણાં ફરી કરાતું હતું. એક દિવસ એ બધા બેઠા હતા.

દાદાશ્રી : આ તો ઘેરે ય કરવું હોય તો ય થાય આપણે.

પ્રશ્નકર્તા : આજે પહેલીવાર સામાયિકમાં બેસાયું દાદા, ઘણો આનંદ થયો.

દાદાશ્રી : એટલે બધાનાં પ્રતિક્રમણ કરે, ઘરવાળાનાં તો રોજે ય, પછી આપણા નજીકના સગાંઓનાં, જેને તણછા વાગ્યા હોય એ બધાનાં પહેલાં પ્રતિક્રમણ કરી નાખવાં. યાદ આવે કે ના આવે ?

પ્રશ્નકર્તા : આવે ને. રોજ સામાયિકમાં બેસીને કર્યા કરવાનું.

દાદાશ્રી : આ પ્રતિક્રમણ કરવાથી તને એમ મહીં ખાત્રી થઈ કે હવે આ અનુભવ સારો થયો ?

પ્રશ્નકર્તા : પહેલાં દાદા કેવું હતું ? પ્રતિક્રમણ કરુંને, તો મને એમ જ થાય કે મારો દોષ નથી ને ખોટું ખોટું શું પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : ના, પણ હવે ?

પ્રશ્નકર્તા : હવે ખ્યાલ આવે.

દાદાશ્રી : આજે આનંદ થયો ?

પ્રશ્નકર્તા : હા, શું ભૂલ એ સમજાઈ, પહેલાં તો એ સમજાતું જ ન હતું. હવે થોડા વખતથી સમજાય છે.

દાદાશ્રી : હજુ મૂળ ભૂલ સમજાશે ને ત્યારે બહુ આનંદ થશે પ્રતિક્રમણથી. હમેશાં આનંદ ન થાય તે પ્રતિક્રમણ કરતાં આવડ્યું નથી. અતિક્રમણથી જો દુઃખ ના થાય તો આ માણસ, માણસ નથી.

પ્રશ્નકર્તા : મૂળ ભૂલ કંઈ દાદા ?

દાદાશ્રી : પહેલાં ભૂલ જ દેખાતી ન હતીને ? હવે દેખાય છે તે સ્થૂળ દેખાય છે. હજુ તો આગળ દેખાશે.

પ્રશ્નકર્તા : સૂક્ષ્મ, સૂક્ષ્મતર....

દાદાશ્રી : ભૂલો દેખાથી જશે. આ તો જાડું ખાતું. ઉપરનો દેહ દેખાયો. મહીં કેવાં છે એ શું ખબર પડે ? આ બે બેનો ઉપર ગોરાં ગપ જેવાં છે, મહીં કેવાં છે એ શું ખબર પડે ? એટલે મહીનું જુએ ત્યારે મૂળ ભૂલ સમજાય, સમજાય છે તને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : આ ઢીંગલી જેટલો દેહ, ચણા જેટલું આપણું નાક, પણ આ સમજણ જુઓને, કેટલી ભરેલી છે !

નિશાની જીવંત પ્રતિક્રમણ તાણી.....

આપણાં અહીં બે-ત્રણ કલાક પ્રતિક્રમણ કરે, તે બે-ત્રણ કલાક સુધી તો દોષો જ દેખાય. આને જીવતું પ્રતિક્રમણ કહેવાય. આ પ્રતિક્રમણ કરવા બેસે ને, તે ઘડીએ તો શુદ્ધાત્મા થઈ જ જાય. પ્રતિક્રમણ કરવા બેસે પછી તો પ્રતિક્રમણ થા થા કરે છે કે ? આપણે ના કરવાં હોય તો ય થયા કરે ?

પ્રશ્નકર્તા : હા, પછી થયા કરે.

દાદાશ્રી : મેં કહ્યું, 'બંધ કરી દો હવે તો ?'

પ્રશ્નકર્તા : તો ગરગડી ચાલુ જ રહે.

દાદાશ્રી : કોણ ચલાવે છે એ ? ત્યારે કહે, 'શુદ્ધાત્મા પ્રાપ્ત થયો છે, આ બધી ક્રિયા છે તે પ્રજ્ઞાની છે. પહેલાં 'અજ્ઞા'ની ક્રિયા હતી. આ જે પેલા લોકો બધા શુદ્ધાત્મા બોલે છે તે 'અજ્ઞા'ની ક્રિયા ચાલુ રહી છે, પ્રજ્ઞાની ક્રિયા ઉત્પન્ન થઈ નથી. શું થયું ? આપણે 'અજ્ઞા'ની ક્રિયા બંધ થઈ ગઈ છે, અને પ્રજ્ઞાની ક્રિયા ચાલુ થઈ ગઈ છે. 'અજ્ઞા'ની ક્રિયા શું કરે ? અજ્ઞા એ નિરંતર સંસાર જ વિંટાળ વિંટાળ કરે. નવો નવો, રોજ રોજ ઊભો જ કરી આપે.

'હાર્ડવેઅર' પ્રતિક્રમણનું !

આખી જિંદગીનાં પ્રતિક્રમણ તમે કરો છો, ત્યારે તમે નથી મોક્ષમાં કે નથી સંસારમાં. આમ તો તમે પાછલાનું બધું વિવરણ કરો છો પ્રતિક્રમણ વખતે. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધાના ફોન-બોન બંધ હોય. અંતઃકરણ બંધ હોય. તે વખતે માત્ર પ્રજ્ઞા એકલી જ કામ કરતી હોય છે. આત્મા ય આમાં કશું કરતો નથી. આ દોષ થયો પછી ઢંકાઈ જાય. પછી બીજો લેયર (પડ) આવે. એમ લેયર ઉપર લેયર આવે. પછી મરણ વખતે છેલ્લા એ કલાકમાં આ બધાનું સરવૈયું આવે.

ભૂતકાળના દોષો બધા વર્તમાનમાં દેખાય એ જ્ઞાન પ્રકાશ છે એ મેમરી (સ્મૃતિ) નથી.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી આત્મા ઉપર ઈફેક્ટ થાય ખરી ?

દાદાશ્રી : આત્મા ઉપર તો કશી ઈફેક્ટ અડે જ નહીં. ઈફેક્ટ થાય તો સંજ્ઞી કહેવાય. આ તો આત્મા છે એ હંડ્રેડ પરસેન્ટ ડીસાઈડેડ છે. જ્યાં મેમરી ના પહોંચે ત્યાં આત્માના પ્રભાવથી થાય છે. આત્મા અનંત શક્તિવાળો છે એ એની પ્રજ્ઞાશક્તિ પાતાળ ફોડીને દેખાડે છે. આ પ્રતિક્રમણથી તો પોતાને હલકાં થયેલાં ખબર પડે, કે હવે હલકો થઈ ગયો અને વેર તૂટી જાય, નિયમથી જ તૂટી જાય. અને પ્રતિક્રમણ કરવા માટે પેલો સામો ભેગો ના થાય તેનો વાંધો નથી. આમાં રૂબરૂની સહીઓની જરૂર નથી. જેમ આ કોર્ટમાં રૂબરૂની સહીઓની જરૂર છે એવી નથી જરૂર. કારણ કે આ ગુન્હા રૂબરૂથી થયેલા નથી. આ તો લોકોની ગેરહાજરીમાં ગુન્હા થયેલા છે. આમ લોકોની રૂબરૂમાં થયા છે, પણ રૂબરૂની સહીઓ નથી કરેલી. સહીઓ અંદરની છે, રાગ-દ્વેષની સહીઓ છે.

કોઈ દહાડો એકાંતમાં બેઠા હોય, અને કંઈક પ્રતિક્રમણનું કે એવું બધું કરતાં, કરતાં, કરતાં, થોડો આત્માનો અનુભવ જામી જાય મહીં. એ સ્વાદ આવી જાય. તે અનુભવ કહેવાય.

દોષને સ્વીકાર્યો, કે ગયો એ !

કોઈની ય ભૂલ છેવટે ના દેખાય. પહેલાં દેખાય પછી પ્રતિક્રમણ કરે. પછી કોઈની ય ભૂલ ના દેખાય, એવું જો આખી રાત રહે અને ચોપડી બીડાઈ ગયા, તો કામ થઈ ગયું. તમારે પછી તે દિવસનો આવતા ભવનો ભો રહ્યો નહીં, બીજે દિવસે એવી રીતે વર્તવું જોઈએ. અને એવું સર્વ સમાધાની જ્ઞાન છે આ તો. આમાં કશું બાકી રહે નહીં ! દોષ થાય ને એનાં પ્રતિક્રમણ કરે તો એ બધું ચોખ્ખું કરી નાખે. પ્રતિક્રમણ એટલે લીધેલું પાછું આપી દેવું. પ્રતિક્રમણ કર્યું એટલે ચોપડા ચોખ્ખા ! એટલે તમે દોષનો સ્વીકાર કર્યોને. સ્વીકાર કર્યો એટલે યુ આર નોટ રિસ્પોન્સિબલ. (તમે જવાબદાર નથી.) આ તો વિજ્ઞાન કહેવાય. તરત જ ફળ આપે, કેશ ઈન હેંડ. (રોકડું) ધીમે ધીમે થઈ જાય એ તો. અમે કહ્યું એવું એકદમ ના થાય. દોષનો સ્વીકાર કરો, કે ધોવાઈ જાય. પ્રતિક્રમણ કરો એટલે ધોવાઈ જાય.

ત્યારે થશે સાચું પ્રતિક્રમણ !

જ્યારે ઘરનાં માણસો નિર્દોષ દેખાય ત્યારે સમજવું કે તમારું પ્રતિક્રમણ સાચું છે. ખરેખર નિર્દોષ જ છે, જગત આખું ય નિર્દોષ જ છે. તમારા દોષો કરીને તમે બંધાયેલાં છો, એમના દોષથી નહીં, તમારા પોતાના દોષથી જ બંધાયેલાં છો. હવે એવું જ્યારે સમજાશે ત્યારે કંઈક ઊકેલ આવશે !

દ્રષ્ટિ નિજદોષ ભણી !

કો'કની ભૂલ દેખાવાથી સંસાર ઊભો થાય ને પોતાની ભૂલ દેખાવાથી મોક્ષ થાય.

પ્રશ્નકર્તા : 'રીલેટિવ' તો દેખીતું દોષિત દેખાયને ?

દાદાશ્રી : દોષિત ક્યારે ગણાય ? એનો શુદ્ધાત્મા એવું કરતો હોય ત્યારે. પણ શુદ્ધાત્મા તો અકર્તા છે. એ કશુંય કરી શકે તેમ નથી. આ તો 'ડિસ્ચાર્જ' થાય છે, એમાં તું એને દોષિત ગણે છે. દોષ દેખાય તેનું પ્રતિક્રમણ કરવું. જ્યાં સુધી જગતમાં કોઈ પણ જીવ દોષિત દેખાય છે, ત્યાં સુધી સમજવું કે અંદર શુદ્ધીકરણ થયું નથી, ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન છે.

પ્રતીતિમાં નિર્દોષ ને વર્તનમાં ?!

'ડિસ્ચાર્જ માલના આધારે સામો દોષિત દેખાય. પણ પોતાના મનમાં રહેવું ના જોઈએ. નિર્દોષ દેખાવું જોઈએ.

પ્રશ્નકર્તા : નિશ્ચયમાં તો ખાતરી છે કે જગત આખું નિર્દોષ છે.

દાદાશ્રી : એ તો પ્રતીતિમાં આવ્યું કહેવાય. અનુભવમાં કેટલું આવ્યું ? એ વસ્તુ એવી સહેલી નથી. એ તો માંકડ ફરી વળે, મછરાં ફરી વળે, સાપ ફરી વળે, ત્યારે નિર્દોષ લાગે ત્યારે ખરું, પણ પ્રતીતિમાં આપણને રહેવું જોઈએ કે નિર્દોષ છે. આપણને દોષિત દેખાય છે, એ આપણી ભૂલ છે. પ્રતિક્રમણ કરવું જોઈએ. અમારી પ્રતીતિમાં ય નિર્દોષ છે અને અમારા વર્તનમાં ય નિર્દોષ છે. તને તો હજુ પ્રતીતિમાં ય નિર્દોષ નથી આવ્યું, હજુ તને દોષિત લાગે છે. કોઈ કશું કરે, તો પછી તેનું પ્રતિક્રમણ કરું છું એટલે શરૂઆતમાં તો દોષિત લાગે છે. નથી લાગતું ?

પ્રશ્નકર્તા : પછી પ્રતિક્રમણ કરે એને પ્રતીતિમાં ના કહેવાય ?

દાદાશ્રી : પણ આમ તો શરૂઆતમાં તો દોષિત જ લાગે છે ત્યારે પ્રતિક્રમણ કરવું પડે છેને ?

પ્રશ્નકર્તા : હા, પછી પ્રતિક્રમણ કરવું પડે છે.

દાદાશ્રી : પણ દોષિત લાગે ત્યારે ને ? માટે નિર્દોષ હજુ તને બેઠું નથીને ?

પ્રશ્નકર્તા : એ નિર્દોષની પ્રતીતિ બેઠી હોય ત્યારે પ્રતિક્રમણ કરી શકાયને ?

દાદાશ્રી : પણ દોષિત લાગે છે તેને જોયા કરવાનો.

જાગૃતિ વધે તેમ અતિક્રમણ ઘટે !

પ્રશ્નકર્તા : જેમ જેમ જાગૃતિની અખંડતા વધતી જાય તેમ તેમ પ્રતિક્રમણો ઓછાં થતાં જાય.

દાદાશ્રી : પ્રતિક્રમણ તો જો મહીં દોષ થયો હોય તો જ કરવાનાં છે. અતિક્રમણ થયું હોય તો જ. જાગૃતિ વધતી હોય તે દહાડે અતિક્રમણ ભારે થયેલું હોય એવો કોઈ નિયમ નથી.

પ્રશ્નકર્તા : શુદ્ધ ઉપયોગ હોય તો અતિક્રમણ થાય ?

દાદાશ્રી : થાય. અતિક્રમણે ય થાય ને પ્રતિક્રમણે ય થાય.

ઉપયોગ ચૂક્યાનાં ય પ્રતિક્રમણ !

આવું સરસ વિજ્ઞાન હાથમાં આવ્યા પછી કોણ છોડે ? પહેલાં પાંચ મિનિટ પણ ઉપયોગમાં રહેવાતું નહોતું. એક ગુઠાણું સામાયિક કરવું હોય તો મહા મહા કષ્ટે કરીને રહેવાય અને આ તો સહેજે ય તમે જ્યાં જાવ ત્યાં ઉપયોગપૂર્વક રહી શકાય એવું થયું છે !

પ્રશ્નકર્તા : એ સમજાય છે દાદા.

દાદાશ્રી : હવે જરા ભૂલોને આંતરો, એટલે કે પ્રતિક્રમણ કરો. આપણે નક્કી કરીને નીકળવું કે આજે આ કરવું છે ! શુદ્ધ ઉપયોગમાં રહેવું છે. એવું નક્કી ના કરીએ તો પછી ઉપયોગમાં ચૂકી જવાય ! અને આપણું વિજ્ઞાન તો બહુ સરસ છે. નથી બીજી કોઈ ભાંજગડ !!

આપણને એમ લાગે કે આ તો આપણે ઉપયોગ ચૂકીને ઊંધે રસ્તે ચાલ્યા. તે ઉપયોગ ચૂક્યા બદલનું પ્રતિક્રમણ કરવું પડે. ઊંધો રસ્તો એટલે વેસ્ટ ઑફ ટાઈમ એન્ડ એનર્જી (સમય અને શક્તિનો બગાડ) કરે છે, છતાંય એનાં પ્રતિક્રમણ નહીં કરે તો ચાલશે. એમાં એટલું બધું નુકશાન નથી. એક અવતાર હજુ બાકી છે એટલે લેટ ગો કરેલું (જવા દીધેલું) પણ જેને ઉપયોગમાં બહુ રહેવું હોય તેણે ઉપયોગ ચૂક્યાનું પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ એટલે પાછું ફરવું. કોઈ દહાડો પાછો ફર્યો જ નથી ને !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી આગળ ઉપર ચોખ્ખું પ્રતિબિંબ પડે ?

દાદાશ્રી : હાસ્તો, બધું ક્લિયર થઈ જાય. દર્શન ચોખ્ખું થઈ જાય ને દર્શન વધે. પ્રતિક્રમણ વગર કોઈ મોક્ષે ગયેલું નહીં. પ્રતિક્રમણ કરે એટલે પોતાના દોષ ઓછા થાય ને ધીમે ધીમે જતા રહે.

ઔરંગાબાદનું અજાયબ વાર્ષિક પ્રતિક્રમણ !

કોઈ જગ્યાએ અમે વિધિ મૂકતા નથી. ઔરંગાબાદ અમે અનંત અવતારના દોષ ધોવાઈ જાય એવી વિધિ મૂકીએ છીએ. એક કલાકની પ્રતિક્રમણ વિધિમાં તો બધાનો અહંકાર ભસ્મીભૂત થઈ જાય છે ! અમે ત્યાં ઔરંગાબાદમાં તો બાર મહિનામાં એક ફેરો પ્રતિક્રમણ કરાવતાં હતાં. તે બસો-ત્રણસો માણસ બસ રડે-કરે ને બધો રોગ નીકળી જાય. કારણ કે બૈરીને એનો ધણી પગે લાગે, ત્યાં આગળ માફી માગે, કેટલા ય અવતારનું બંધન થયેલું તે માફી માગે, તે કેટલું ય ચોખ્ખું થઈ જાય.

ત્યાં દરસાલ, અમારે બહુ મોટી વિધિ કરવી પડે આની પાછળ, બધાનાં મન ચોખ્ખાં કરવા માટે, આત્મા (વ્યવહાર આત્મા) ચોખ્ખો કરવાનો, મોટી વિધિ કરી અને પછી મૂકી દઈએ કે બધાના ચોખ્ખા થઈ જાય તે ઘડીએ. કમ્પ્લીટ ક્લીયર, પોતાની ધ્યાનમાં ય ના રહે કે હું શું લખું છું, પણ બધું ચોક્કસ લખી લાવે. પછી 'ક્લીયર' થઈ ગયો. અભેદભાવ ઉત્પન્ન થયોને, એક મિનિટ મને સોંપ્યું ને કે હું આવો છું સાહેબ, એ અભેદભાવ થઈ ગયો. એટલી તને શક્તિ વધી ગઈ.

અને પછી હું તારા દોષોને જાણું ને દોષની ઉપર વિધિ મૂક્યા કરું. આ કળિયુગ છે, કળિયુગમાં શું દોષ ના હોય ? કોઈનો દોષ કાઢવો એ જ ભૂલ છે. કળિયુગમાં બીજાનો દોષ કાઢવો એ જ પોતાની ભૂલ છે. કોઈનો દોષ કાઢવાનો નહીં. ગુણ શું છે ? એ જોવાની જરૂર છે. શું રહ્યું છે એની પાસે ? સિલક શું રહી એ જોવાની જરૂર છે. આ કાળમાં સિલક જ ના રહેને. સિલક રહી છે એ જ મહાત્માઓ ઊંચે છેને !

ધર્મબંધુઓ જોડે જ વેર....

જ્ઞાની પુરુષની આજ્ઞાથી આ પ્રતિક્રમણ થાય તે અનંત અવતારનાં પાપો બાળી નાખે. આ પ્રતિક્રમણ તે કેવું પ્રતિક્રમણ ? વેર બધાં છૂટી જાય. કારણ કે સહાધ્યાયી જોડે જ વધારે વેર બંધાયેલાં હોય. વર્લ્ડમાં (દુનિયા) બીજા બધા જોડે વેર હોય નહીં કોઈ દહાડો ય અને સહાધ્યાયી તો આખો દહાડો યાદ રહ્યા કરે.

પ્રશ્નકર્તા : સત્યુગમાં પણ સહાધ્યાયી જોડે વેર બંધાય ?

દાદાશ્રી : ના, ત્યારે વેર ના બંધાય. એ સમજણ જ ઊંચી હતી બધાની. અન એ બધો ચીકણો પ્રેમ !

પ્રશ્નકર્તા : સહાધ્યાયી જોડે વેર બાંધવાનું કારણ શું ?

દાદાશ્રી : અણસમજણથી. સત્યુગમાં આવું તેવું ના હોય. ચોર એ ચોર, જે લુચ્ચા એ લુચ્ચા અને શાહુકાર એ શાહુકાર. ચોર વગર તો આ દુનિયા રહી જ નથી કોઈ દહાડોય. પણ સત્યુગમાં તેમની વસ્તી થોડી હોય.

જે આપણી જોડે હોય, પહેલાં ય હતા અને આજે ય છે, એ આપણા ધર્મબંધુ કહેવાય અને પોતાના ધર્મબંધુઓની જોડે જ ભવેભવનાં વેર બંધાયેલા હોય છે. તે એમની જોડે કંઈ વેર બંધાયેલું હોય તો, એટલા માટે આપણે પ્રતિક્રમણ સામસામી રી લો તો હિસાબ બધો ચોખ્ખો થઈ જાય. એકુંય માણસને સામસામી પ્રતિક્રમણ કરવાનું ચૂકશો નહીં. સહાધ્યાયી જોડે જ વેર બંધાય વધારે અને તેમનાં પ્રત્યક્ષ પ્રતિક્રમણ કરે તો ધોવાઈ જાય. આ ઔરંગાબાદમાં જે પ્રતિક્રમણ કરાવીએ છીએ એવાં પ્રતિક્રમણ તો વર્લ્ડમાં કંઈએ ય ના હોય.

ચોધાર આંસુ સાથે પગલાં પડે !

પ્રશ્નકર્તા : ત્યાં બધાં રડતાં હતાં ને ! મોટા મોટા શેઠિયાઓ ય રડતા હતાં.

દાદાશ્રી : હા, આ ઔરંગાબાદનું જુઓને ! કેટલું બધું રડતાં હતાં ! હવે એવું પ્રતિક્રમણ આખી જિંદગીમાં એક કર્યું હોય તો બહુ થઈ ગયું.

પ્રશ્નકર્તા : મોટા માણસને રડવાની જગ્યા ક્યાં છે ? આ કો'ક જ હોય.

દાદાશ્રી : હા. બરાબર. અહીં તો ખૂબ રડ્યા હતા બધા.

પ્રશ્નકર્તા : મેં તો પહેલી જ વખત જોયું એવું કે, આવા બધા માણસો સમાજની અંદર જેને પ્રતિષ્ઠિત કહેવાય એવા માણસો ખુલ્લા મોઢે રડે ત્યાં !!!

દાદાશ્રી : ખુલ્લા મોઢે રડે અને પોતાની બૈરીના પગમાં નમસ્કાર કરે છે. ઔરંગાબાદમાં તમે આવ્યા હશોને, ત્યાં એવું જોયું નથી ?

પ્રશ્નકર્તા : હા, બીજે આવું દ્રશ્ય કોઈ ઠેકાણે જોયેલું નહીં !

દાદાશ્રી : હોય જ નહીંને ! અને આવું અક્રમ વિજ્ઞાન ના હોય, આવું પ્રતિક્રમણ ના હોય, આવું કશું હોય જ નહીં.

પ્રશ્નકર્તા : આવો દાદો ય ના હોય !

દાદાશ્રી : હા. આવો દાદો ય ના હોય.

દુનિયાની મોટામાં મોટી અજાયબી ઔરંગાબાદમાં !

આવું ઔરંગાબાદમાં અમે વરસમાં એક વાર સમૂહમાં પ્રતિક્રમણ કરાવીએ છીએ એ તો અજાયબી જ કહેવાયને ? આ આપણું પ્રતિક્રમણ થયું એ તો દુનિયાની મોટામાં મોટી અજાયબી છે આપણી !

આનાથી તો બહુ શક્તિ વધે. આ તો નરી શક્તિનું જ કારખાનું છે. અને તે ઘડીએ અમે એવડી મોટી વિધિ કરીને મૂકીએ છીએ કે માણસમાં નરી શક્તિઓ જ ઉત્પન્ન થાય. નહીં તો આ વકીલ કંઈ જેવા તેવા માણસ છે ? મરી જાઉં પણ કોઈને પગે ના લાગું કહે ! તે શૂરવીર માણસ. પણ એમને એક ફેરો એ શક્તિ ઉત્પન્ન થઈ હતી, ઔરંગબાદમાં પ્રતિક્રમણ કરાવ્યું ત્યારે સારી એવી શક્તિ ઉત્પન્ન થયેલી. અને એ સમજી ગયેલા કે મને આમાં લાભ છે. શક્તિ, ઉત્પન્ન થાય, જબરજસ્ત ! નિર્બળતા જતી રહે બધી.

આલોચના આપ્તપુરુષ પાસે જ !

પ્રશ્નકર્તા : આપની પાસે એવા લોકો આવે છે કે જે પોતાના પાછલા દોષો થયા હોય તેની આપની પાસે આલોચના કરે, તો આપ એને છોડાવો છો ?

દાદાશ્રી : મારી પાસે આલોચના કરે એટલે મારે તો અભેદ થયો કહેવાય. અમારે તો છોડાવવા જ પડે. આલોચના કરવાનું સ્થળ જ નથી. જો સ્ત્રીને કહેવા જાય તો સ્ત્રી ચઢી બેસે, ભઈબંધને કહેવા જઈએ તો ભઈબંધ ચઢી બેસે. પોતાની જાતને કહેવા જઈએ તો જાત ચઢી બેસે ઉલટું, એટલે કોઈને કહે નહીં. અને હલકું થવાતું નથી.

એટલે અમે આલોચનાની સિસ્ટમ (પદ્ધતિ) રાખી છે.

પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષ સમક્ષ આ ભવમાં જે દોષો આપણે કર્યા હોય તેની માફી માંગી શકાય ?

દાદાશ્રી : હા. એ દોષો પછી મોળા થઈ જાય. જ્ઞાની પુરુષ પાસે આ કરવામાં આવે, તે પોતે મોઢે કહે તો ઉત્તમ. મોઢે ના કહી શકે તો કાગળ લખીને આપે એ સેકન્ડરી. અને મનમાં ને મનમાં કર્યા કરે એ થર્ડ સ્ટેજમાં. એટલે જે 'સ્ટાન્ડર્ડ'માં બેસવું હોય તે 'સ્ટાન્ડર્ડ'માં બેસવું. સેકન્ડમાં બેસવું હોય કે ફર્સ્ટમાં બેસવું હોય, એ આપણી મરજીની વાત છે.

પ્રશ્નકર્તા : એટલે એ પોસિબલ (શક્ય) ખરું ?

દાદાશ્રી : હા, 'પોસિબલ' એ તો બહુ મોટામાં મોટું પોસિબલ. આ બધા પ્રશ્શનોમાં મોટામાં મોટો પ્રશ્શન આ છે. બહુ બહુ પોસિબલ.

અમને રૂબરૂ કહે, બધાની હાજરીમાં કહે એ ઓર્કેસ્ટ્રા ક્લાસ પછી તમે કહો કે ના હું એકલો હોઈશ, ત્યારે દાદા કહીશ, એ ફર્સ્ટ ક્લાસ અને પછી તમે કહો કે દાદા મોઢે નહીં કહું, કાગળમાં આપીશ તો સેકન્ડ ક્લાસ. અને તમે કહો કાગળમાં ય નહીં હું મનમાં ત્યાં ને ત્યાં ઘેર કરી લઈશ, એ થર્ડ ક્લાસ. જે ક્લાસમાં બેસવું હોય તેને છૂટ છે. અહીં આગળ પૈસા બૈસા નથી.

પ્રશ્નકર્તા : આ તો શક્ય છે એટલું જ પૂછવું'તું.

દાદાશ્રી : હન્ડ્રેડ પરસેન્ટ (સો ટકા) શક્ય છે.

પ્રત્યક્ષ પુરુષ પાસે પ્રત્યક્ષ આલોચના !

પોતાની ખાનગી કોઈ એક વાત કહેવી હોય તો શાથી લોકો વાત નથી કરતાં ? પછી પેલો દબડાવ દબડાવ જ કરે. લગામમાં આવી ગયું ને ! દબડાવે કે ના દબડાવે ? અને આપણે આ દબડાવવા હારું નથી કરતાં. આપણે એને છૂટો કરવા માગીએ છીએ કે, હું તારા દરેક ગુના તને માફ કરી આપું. આ 'દાદા ભગવાન' પ્રગટ થયા છે !!! જગતમાં મોટામાં મોટું વાક્ય જ આટલું છે. ખરું સમજવાનું જ આ છે કે આ અમારી પાસે આલોચના કરે ને કર્મ ભસ્મીભૂત થઈ જાય. ક્રમિકમાર્ગ એ જુદી વસ્તુ છે અને આ અભેદ, અભેદધર્મ છે, ભેદ જ નહીં, જુદાઈ જ નહીં !

આ બધાંને એક દિવસ મેં પ્રતિક્રમણ કરવાનું કહ્યું. બધાંને આલોચના માટે, જે જે દોષ થયો હોય તે લખી લાવવા કહ્યું. એમ ને એમ તો રોજ બધાં પ્રતિક્રમણ કર્યા જ કરે છે. પણ આલોચના એટલે મારી પાસે રજૂ કરો એમ કહ્યું એક દા'ડો. તમારા જે જે દોષો હોય તે મારી પાસે રજૂ કરો. તે અમારી પાસે આલોચના કેવી કરે છે ? ક્યારેય ન બન્યું હોય એવી આલોચના કરે છે. એટલે એમની ખોટામાં ખોટી વસ્તુઓ બધી જાહેર કરી દે છે. પણ ઑન પેપર. બીજી રીતે, મોઢાંમોઢ નથી કહેતા. એટલે ઑન પેપર કરે તો ય બહુ થઈ ગયું. પેપરમાં લખી આપે છે, પાછું નીચે સહી કરીને. અને સ્ત્રીઓ હઉ સહી કરીને વાંચવા આપે છે. બધા દોષો દેખાય એને. એટલે બધાં ય પોતાના જેટલા દોષ થયા હતા, એટલા બધા જ દોષો લખી લાવેલાં. એકુંય દોષ બાકી રાખેલા નહીં.

હવે એવું ક્યારે બને, જાણો છો ? અભેદતા હોય ત્યારે ! આવી હિંમત ક્યારે આવે ? અભેદતા હોય ત્યારે. સ્ત્રીઓએ પણ કહ્યું કે, અમુક જગ્યાએ, મારે આમ થયું હતું, ને અમુક જગ્યાએ આમ થયું હતું. નામ સાથે લખેલું. ગમે તે દોષ થાય તેનો વાંધો નથી. બધાં દોષો હું તોડી નાખવા તૈયાર છું. તમારા લાખો દોષો હું તમને એક કલાકમાં તોડી નાખવા તૈયાર છું, પણ તમારી તૈયારી જોઈએ. નિર્દોષને દોષ અડે શી રીતે ?

મારી પાસે દસ હજાર માણસોએ નબળાઈ ખુલ્લી કરી હશે. તે નબળાઈ કાઢવા તો તમે મારી પાસે આવ્યા છો ! મારે એ નબળાઈ બીજા કોઈને કહેવાય જ નહીં. તમારી નબળાઈ તમારા ભાઈને પણ મારાથી ના કહેવાય. તમારા વાઈફને ય ના કહેવાય. તમે કોઈને ય ના કહી શકતા હો એવી તમારી નબળાઈ અમારી પાસે કહો અને એ નબળાઈ કોઈને કહેવાય નહીં અને અમારી પાસે તો નબળાઈ એટલા પ્રકારની કહે કે આખા જીવનમાં નાનામાં નાનીથી મોટી સુધી બધી નબળાઈઓ અમને કહે. એને આલોચના કહેવાય. એ બધાં ધોઈ નાખે. પણ અમે જાણીએ ને કે આવું જ હોય જગત. કળિયુગમાં કેવું હોય ?

પ્રશ્નકર્તા : આવું જ હોય.

દાદાશ્રી : આવું હોય એ અમે જાણીએ ને એની તો અમને કરુણા છૂટે કે અરેરે રે ! આ શું દશા છે ! અમે ધોઈ આપીએ અને અમારામાં કંઈ દોષ ન હતા એવું અમે ઓછું કહીએ છીએ ?! અમે ય કળિયુગમાં જ જન્મેલા ને ! કંઈને કંઈ તો દોષ હોય જ ને ! કોઈના વધારે હોય ને કોઈના ઓછા હોય.

આલોચના સંપૂર્ણ ગુપ્ત !

એ વાંચવા આપીએ તો બીજાને તો માણસ આપઘાત કરી નાખે, માટે એ જ કાગળિયું અમે એને વિધિ કરી આપીએ. એના દોષો ભાંગી અને એને જ પાછું આપી દઈએ, કારણ કે તમારા દોષ હું બીજા કો'કને કહું તો તમે આપઘાત કરો. દોષ કહેવા જેવા ના હોય એવા હોય બધા. આ પેપરમાં આવે છે એવા નહીં, સાંભળ્યા ના હોય, વિચારમાં ના આવ્યા હોય એવા દોષો હોય. પ્રાઈવેટ (ખાનગી) દોષો કહેવામાં આવે છે ને એ પ્રાઈવેટ દોષો !

પ્રશ્નકર્તા : પણ જ્ઞાની ચરણે આવ્યા પછી આપઘાત શું કરવા કરે ?

દાદાશ્રી : જ્યાં સુધી પોતાના દોષો જ્ઞાની જાણે ત્યાં સુધી સારું છે, પણ બીજો કોઈ એ દોષો જાણે તો વ્યવહારમાં મુશ્કેલી ઊભી થાય. એટલે અમે એવું કરીએ નહીં. એવું કોઈને જાણવા ના દઈએ. એ કેટલું ખુલ્લા હ્રદયથી એનું ઓપન કરે છે ! પછી એને એનું કાગળિયું પાછું શા માટે આપું છું ? એને હું એમ કહું કે આને ગુપ્ત રાખજે અને મહિના સુધી આ વાંચ વાંચ કરજે અને પસ્તાવો કર્યા કર, હવે એની પર આંસુ પાડ, રડ. અને પછી કાગળ બાળી મેલજે.

મહિના સુધી વાંચીને પશ્ચાતાપ કરજે. મૂળ મેં ઉડાડી દીધું. હવે તારે ઉપરનો ભાગ ચોખ્ખો કરવાનો રહ્યો. એટલું તું કરજે.

પ્યૉર હાર્ટ ત્યાં જ એકતા !

એકતા આવી ગઈ એ 'હાર્ટની પ્યૉરિટી' (હ્રદયની ચોક્ખાઈ) કહેવાય.

મારે બધાંની જોડે એકતા આવી જાય કારણ કે હાર્ટ 'પ્યૉર' જ છે ને ! મને તો અભેદ જ લાગે બધા. અને પોતાનું જે એફીડેવીટ (ગુનાની કબુલાત) લખે છે, તેમાં એકે દોષ લખવાનો બાકી નથી રાખતાં. પંદર વર્ષની ઉંમરથી માંડીને ચાલીસ વર્ષની ઉંમર થઈ ત્યાં સુધીના બધા દોષો, એકે ય દોષ બાકી નહીં રાખતાં, મને જાહેર કરી દે છે. આ છોકરાં, છોકરીઓ બધાં ય જાહેર કરી દે છે તેનું શું કારણ ?

પ્રશ્નકર્તા : એ પ્યૉરિટી છે.

દાદાશ્રી : એ પ્યૉરિટી છે. એ જાહેર કરી દે છે, એ પછી હું એને જોઈ વિધિ કરી આપું અને કાગળિયું એને પાછું આપું.

આ તીર્થંકરોએ શું કહ્યું ? આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. અમારે ત્યાં આલોચના થઈ ગઈ એટલે થઈ ગયું. પછી આગળ કોઈ ઉપરી છે જ નહીં કે જે મંજૂર કરી શકે. અહીં છેલ્લી જ મંજૂરી છે. તે મંજૂર થઈ ગયું પછી તું એની મેળે પ્રતિક્રમણ કર અને પ્રત્યાખ્યાન ભાવ રાખ કે ફરી આ નથી કરવું.

વિવિધ આલોચનાઓ !

એટલે છોકરીઓ બધી માફી માંગી લે બધી. યાદ કરી કરીને બધું હં. આ પંદર વરસે આવો ગુનો કર્યો હતો, વીસ વરસે આવો કર્યો હતો, આવા ગુના કર્યા હતા, તે બધા ગુના અહીંયા યાદ કરીને માફી માગી લે. અને મને કહે કે આજે માફી માગું છું માટે માફી આપી દેજો.

પછી રહે શું તે તમે જાણો છો ? આપણે આ ઘોડાગાંઠ વાળી હોયને તે આવતે જન્મે છોડીઓને તે બહુ મુશ્કેલી પડી જાય. પણ એને બાળી મેલીએ અત્યારે તો, બળેલી ઘોડાગાંઠ રહે, તે આમ કરીએ ને ઊડી જાય ! પછી આવતે ભવ એટલું જ કરવાનું રહ્યું, બસ સમજ પડીને !

તે સહેલો માર્ગ છે કે ખોટો છે ? બધું ધોઈ આપીએ. એક બાઈ તો મને એવું કહેવા માંડી, 'દાદાજી, મેં તો આ પેલી બેન જોડે વેર બાંધ્યું છે !' મેં કહ્યું, 'શેના હારુ વેર બાંધ્યું ? શું વેર બાંધ્યું છે તે ?' તો એ કહે, 'આવતે ભવે સાપણ થઈને એને કરડીશ ! એવું વેર બાંધ્યું છે !' મેં કહ્યું, 'વેર ના બાંધશો.' ત્યારે એણે કહ્યું કે 'મેં તો આવું વેર બાંધ્યું છે તો મારે શું કરવું ?' એટલે પછી મેં એને ધોઈ આપ્યું. પણ આવતે ભવ શું વેર બાંધ્યું, એણે ?

પ્રશ્નકર્તા : સાપણ થઈને કરડીશ !

દાદાશ્રી : મેં કહ્યું, 'બેન, આવડું મોટું જોખમ શું કરવા માંડ્યું ?' ત્યારે એ કહે, 'અમે પૈણ્યા ત્યારે એને મારા ધણી જોડે મિત્રચારી હતી. એ મારા ધણીને છોડતી જ નથી. એટલે મેં તે દહડો જ નક્કી કર્યું કે હવે આવતે ભવ હું તને છોડું નહીં. આવતે ભવે સાપણ થઈને પણ એને કરડીશ.' હવે મેં કહ્યું, 'હવે તને વેર છે ?' ત્યારે એ કહે, 'ના, દાદાજી હવે મારે વેરમાંથી છૂટવું છે.' ત્યારે મેં કહ્યું કે 'હું તને છોડી આપું.' પેલાને બોલવવાનું નહીં પાછું, એની ગેરહાજરીમાં એ બેનને સમજાવવાનું. ધણીને બોલાવીએ તો ઉલટી ઉપાધિઓ થાય પછી.

અહીં માથામાં વાગ્યું હોયને, તો ય બેભાન થઈ જાય, અરે આટલી શીશી પી જાય, તો ય બેભાન થઈ જાય એટલે બેભાન થવું એમાં કંઈ ગુનો નતી. એટલે એવું બેભાનપણું થાય, તો ગભરાવાનું નહીં એ તો ! પણ જે દોષ થાયને એની દાદા પાસે આલોચના કરી નાખવાની કે દાદા, મને માફ કરો. ત્યારે અમે એને વિધિ કરી આપીએ, કે જે દોષ હતાં એને શેક્યા અને શેક્યા એટલે એ ઉગવાને પાત્ર રહ્યાં નહીં હવે, ફરી ફળ નહીં આપે. એ બધા નિષ્ફળ ગયા.

આલોચના પાત્ર કૃત્યો !

આ જાગૃતિ, અમે જે આપેલી છે, તે જ જાગૃતિ છે, આ કંઈ બીજી જાગૃતિ નથી. એ જાગૃતિને આવરણ આવ્યાં ના હોય તો આજે બહુ દશા ઊંચી હોત. અમે જ્ઞાન આપીએ છીએ, તે દહાડે બહુ ઊંચી જાગૃતિ આવેલી હોય છે. તે ખરી જાગૃતિ છે.

પ્રશ્નકર્તા : અમે બધા દાદા પાસે 'કન્ફેશન' (કબૂલાત) નથી કરતા, દાદાને કશું કહેતા નથી, આવીને ચૂપચાપ બેસી રહીએ છીએ. પોતાના દોષોનું કંઈ વર્ણન કરતા નથી...

દાદાશ્રી : દોષોનું વર્ણન ના કરે તેનો કશો વાંધો નહીં. પણ મહીં જે દાદા બેઠા છે તેની પાસે તો વર્ણન કરે છેને ?

પ્રશ્નકર્તા : હા, એ તો કરું છું પણ જાગૃતિ તો વધવી જોઈએને ! નહીં તો જાગૃતિ વધારવા માટે અમે બધા દોષ દાદાને બતાવ્યા કરીએ ?

દાદાશ્રી : બધા દોષ મને કહેવાના ના હોય. બધા દોષ કહેવા જાવ તો એનો ક્યારે પાર આવે ?

જેને દોષ કાઢવા હોય તેણે મારી પાસે આલોચના કરવી જોઈએ. જેને બહુ મોટો દોષ થયો હોય અને એ દોષ કાઢવો હોય, તો મારી પાસે આલોચના કરે તો આલોચના કરતાંની સાથે જ તે દોષ બંધાઈ ગયો. તેનું મન મારી પાસે બંધાઈ ગયું. પછી એ એનાથી શી રીતે છૂટે ? પછી અમે ભગવાનની કૃપા ઉતારીએ પણ એનું મન અમારી પાસે બંધાઈ જવું જોઈએ. આ બધી માથાકૂટ હું ક્યાં કરવા જઉં ?! એટલે એની મેળે આવશે ને કહેશે તો હું દવા કરીશ. હું ક્યાં બધાંને ઘેર ઘેર પૂછવા જઉં ?

જેટલો ફાયદો થયો, એટલો તો લાભ થયો. બાકી એનો પાર નથી આવે એવો. અને જેને બહુ જાગૃતિ હોય અને ચોખ્ખું કરવાની ઇચ્છા હોય તો તે મારી પાસે આવશે. અને મને ખાનગીમાં આવીને કહેશે કે મારો આવો દોષ થઈ ગયો છે. તો એ દોષ બંધાઈ જાય. હમેશાં આલોચના કરવાથી દોષ બંધાઈ જાય, દોષ બંધાઈ જાય એટલે એ દોષ આપણને બહુ ચોંટે નહીં.

જગતને ગમતા હોય એટલાં જ દોષ બધાની વચ્ચે મને કહેવા, બીજા બધા ખાનગીમાં જ કહેવા. અમારી પાસે ખાનગીમાં બહુ જણના દોષ આવેલા હોય, પણ તે બધા પ્રાઈવેટ હોય. દોષને ઓપન કરવાથી તો લોકો દુરુપયોગ કરે. એક જ્ઞાની પુરુષ એકલા જ એનો દુરુપયોગ ના કરે. બાકી બીજા બધાય લોકો જાણી જાયને ત્યારથી દુરુપયોગ કરે. આ ઘાલમાં (પંગતમાં) બેસીને જમે ત્યાં વધારે શાક ખાઈ જાય, લાડવા વધારે ખાઈ જાય પણ ઘાલમાં (પંગતમાં) બેસીને જમે છે ને ? એ દોષ ઢાંક્યા ના કહેવાય. ઢાંક્યા દોષ તો આપણે અહીં આગળ છાનામાના કરીએ છીએ, બારણાં વાસીને કરીએ છીએ. અંધારાં ખોળીએ છીએ, એ બધા ઢાંક્યા દોષ કહેવાય ! એવું અંધારું તમે નથી ખોળતાને ? એને છૂંપાં કામ કહેવાય. હવે એ છૂપાં કરવાનાં કામ ઉઘાડાં કરે તો લોકોનો બહુ તિરસ્કાર પામી જાય. લોકો તરફથી તિરસ્કાર થાય એ વાત અહીં ના કરાય. બીજી બધી ખુલ્લી વાતો હોય તે બધી અહીં કરાય કે મારાથી પરમ દા'ડે ચોરી થઈ ગઈ ને આમ થઈ ગયું, મારાથી જૂઠું બોલાઈ જ જવાયું, મારાથી કોઈને દગો ફટકો થઈ ગયો, એ બધું કહેવાય. પણ અમુક તો મને ખાનગીમાં કહી શકાય. છૂપું તને ના ઓળખાયું ? જ્ઞાન મળતાં પહેલાં જે છૂપું રહેતું તેને તો તું ઓળખું ને ? એવું જ્ઞાન મળ્યા પછી છૂપું રહેતું

તેને તું ના ઓળખું ? છૂપું ના હોય તો વાંધો નહીં.

પ્રશ્નકર્તા : એટલે દાદા મારી દ્રષ્ટિમાં આવી ગયા છે.

દાદાશ્રી : દ્રષ્ટિમાં આવી ગયા છે એટલે તું દોષને જાણી ગયો છું પણ તે છૂપાં તો રહ્યાં જ કહેવાયને ! એને આપણે જમે તો કર્યા ને ?!

કો'ક માણસને વધારે શાક ભાવતું હોય અને તે બહુ શાક ખાઈ ગયો હોય તો લોકો બૂમો પાડે કે, આટલું બધું શાક ખાય છે. ત્યારે એ કહે છે કે, મારે ખાવું છે. તું કોણ કહેનારો ? એટલે જગતમાં છૂપાં રાખવાં એટલે શું ? કે એ ઉઘાડું પાડે ત્યારે જગતના સહુ લોકો બૂમો પાડે કે, આવું કર્યું ?! આવા ધંધા માંડ્યા છે ?! આ તો નિંદ્ય કામ કહેવાય, લોકનિંદ્ય કહેવાય. અહીં ધોળે દા'ડે તમે રસ્તા પર દાઢી કરવા જાવ તો કોઈ વઢે ? તમે કહો કે મારે અહીં અજવાળામાં રસ્તા પર દાઢી કરવી છે. તો આપણાથી ના કહેવાય ? કોઈ કહેશે કે મારે સંડાસમાં બેઠા બેઠા દાઢી કરવી છે. ત્યારે આપણે કહીએ કે કરો ભઈ. એ બધી છૂટ હોય. એ બધા છૂપાં રાખવાનાં કામ ના કહેવાય.

સાચી આલોચના !

સાચી આલોચના કરી નથી માણસે. તે જ મોક્ષે જતાં રોકે છે. ગુનાનો વાંધો નથી. સાચી આલોચના થાય તો કશો વાંધો નથી. અને આલોચના ગજબનાં પુરુષ પાસે કરાય. પોતાના દોષોની કોઈ જગ્યાએ આલોચના કરી છે જિંદગીમાં ? કોની પાસે આલોચના કરે ? અને આલોચના કર્યા વગર છૂટકો નથી. જ્યાં સુધી આલોચના ના કરો તો આને માફ કોણ કરાવે ? જ્ઞાની પુરુષ ચાહે સો કરી શકે. કારણ એ કર્તા નથી માટે. જો કર્તા હોત તો એમને ય કર્મ બંધાય. પણ કર્તા નથી માટે ચાહે સો કરે.

છેલ્લા ગુરુ 'દાદા ભગવાન' !

ત્યાં આપણે આલોચના ગુરુ પાસે કરવી જોઈએ. પણ છેલ્લા ગુરુ આ 'દાદા ભગવાન' કહેવાય. અમે તો તમને રસ્તો બતાવી દીધો. હવે છેલ્લા ગુરુ બતાવી દીધા. એ તમને જવાબ આપ્યા કરશે અને તેથી તો એ 'દાદા ભગવાન' છે. તે જ્યાં સુધી એ પ્રત્યક્ષ ના થાય, ત્યાં સુધી 'આ' દાદા ભગવાનને ભજવા પડે. એ પ્રત્યક્ષ થાય પછી એની મેળે આવતું આવતું પાછું એ મશીન ચાલુ થઈ જાય. એટલે પછી એ પોતે 'દાદા ભગવાન' થઈ જાય.

અમારી પાસે ઢાંકે તે ખલાસ !!!

જ્ઞાની પુરુષ પાસે ઢાંકે એટલે ખલાસ થઈ ગયું. લોક ઉઘાડું કરવા હારુ તો પ્રતિક્રમણ કરે. પેલો ભઈ બધું લઈને આવ્યો હતોને ? તે ઉલટું ઉઘાડું કરે જ્ઞાની પાસે ! તો ત્યાં કોઈ ઢાંકે તો શું થાય ?!! દોષ ઢાંકે ત્યારે એ ડબલ થાય.

એફિડેવિટની જેમ જ !

મારી પાસે સ્ત્રીઓ અને પુરુષો જેમ એફિડેવિટ કરાવે છેને, ત્યાં આગળ પોતાના ગુના, પોપ (પાદરી) આગળ કે ભઈ, તમારા ગુના અમને કહો. ત્યારે ત્યાં અંધારું કરવામાં આવે છે, મોઢું દેખવાનું નહીં. કારણ કે એ પેલો ગુનેગાર સહન કરી શકે નહીં. સામાને જુએ ત્યાં સુધી પોતાનો ગુનો બોલી શકવાની શક્તિ નથી ધરાવતા માણસો.

અને મારી પાસે તો ઘણીખરી સ્ત્રીઓ ને ઘણાખરા પુરુષો, સોળ વર્ષની ઉંમર હતી ત્યારથી અત્યાર સુધીનો આખો તકતો આપે છે. આ આવું મોટું એફિડેવિટ થયેલું નહીં. એને આલોચના કહે છે. આખો તકતો દેખાડે, એટલે હું જોઈ લઉં. આશીર્વાદ આપું. એટલે બધું એનું ઊડી જાય. એની મહીં રસ કસ ઊડી જાય. જેમ દોરી હોય ને મહીં ગાંઠો પાડ પાડ કરી હોય, પણ એ દોરી આમ બાળી મેલીએ ને ગાંઠો રહે, એ ગાંઠો કંઈ નુકસાન કરે કંઈ ?! ના. એવી રીતે હું દોરી બાળી મેલું. પછી ગાંઠો તો હોય પણ તે આમ આમ તમારે કરવું પડશે. એટલે ખરી પડશે બધું !

આલોચના પત્ર

અમારી પાસે આલોચના લખી લાવે. તે જેટલા જેટલા દોષ એ પોતે જાણતો હોય, એ બધા જ દોષ આમાં લખે છે. તે પછી એક જણ નહીં, હજારો માણસ ! હવે એ દોષોનું અમે શું કરીએ છીએ ? એનો કાગળ વાંચી, એની પર વિધિ કરીને પાછાં એના હાથમાં આપીએ છીએ. અમે કોઈને કહીએ કે આનાં આવા આવા દોષ છે, સ્હેજ વાત ફૂટે ને એના દોષો જ્યારે બહાર પડે તો... પોતાના દોષ એ બહાર પડવા નથી દેતો, એટલા માટે તો એ સાચવ સાચવ કરે બિચારો. પોતાના દોષ સાચવે કે ના સાચવે ? બહાર શાથી નહીં પડવા દેતા હોય ? આબરુ જાય એમ કહેશે. એણે મને લખી આપ્યું તે કંઈ આબરુ બગાડવા માટે કંઈ આપ્યું છે ? એ તો કહે, સાહેબ મને ધોઈ આપો, મારાં આવા આવા દોષ થયા છે, કંઈક માફ કરી આપો. તે એને કેટલો વિશ્વાસ ! વર્લ્ડમાં ના બન્યા હોય એવા દોષો લખે છે ! દોષો વાંચીને જ તમને એમ થઈ જાય કે અરેરે, આ કેવાં દોષ ?!

આવા હજારો માણસોએ પોતાના દોષ લખી આપેલા. સ્ત્રીઓએ બધા દોષ ઊઘાડા કરીને કહેલાં છે, સંપૂર્ણ દોષ. સાત ધણીઓ કર્યા હોય તો, સાતેયના નામ સાથે લખેલા હોય, બોલો હવે અમારે શું કરવું, અહીં ? વાત સહેજ બહાર પડી તો એ આપઘાત કરી નાખે, તો અમારે જોખમદારી બહુ આવે. એટલે અમે શું કરીએ ? જોખમદારી અમારી પાસે, કારણ કે એની સાત ભૂલો થઈ હોય એને અમે ઊઘાડી કરીએ તો, શું ઉઘાડી કરવા માટે એણે આ આપ્યું છે ? એટલે આમાં તો અમે બહુ જોખમદારી લીધી છે ! કોઈ માણસ છે તે એમની દસ-અગિયાર વર્ષની છોકરી હોય ને એ પછી મને કહે કે, 'દાદા, મારી નાખવા જેવો છું'. મેં કહ્યું, 'અલ્યા કેમ ?' છોડીને જાતે ઊંચકીને પાછો મહીં હાથ ફેરવી લે. એવું કહે.

પ્રશ્નકર્તા : એવું કેવું બાંધ્યું છે એણે ?

દાદાશ્રી : એવું એક નહીં, કેટલાય આવ્યા'તા. એટલે તો એની બૈરીને એણે કહ્યું કે, 'આ છોડી દસ-અગિયાર વર્ષની છેને, તે મને ભોગવવા દેને', બાપ હાથ ફેરવે, પછી એ છોડીની દ્રષ્ટિ ફરી જાય અને ફરી જાય એટલે એ બીજા બધાને જો જો કરતી હોય.

છોડી વિકારી થઈ જાય પછી. બાપે તો બહુ સ્થિરતાથી રહેવું જોઈએ. એટલે એણે કોઈ સ્ત્રીને જોવાય નહીં. એવું કશું ભાન ના હોયને. પેલાને તો મારેલો હઉ. બૈરીને બધાયે ભેગા થઈને, કે કેમ આવી માંગણી કરી ?

દુષમકાળનાં વર્તન જોયાં બધાં ?!

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ સત્સંગમાં આવ્યા'તાને, એ ત્યાં જાત્રામાં, એ છોકરાઓ, સત્સંગના જ માણસો જોડે પૈણેલા. પોતે હોય પચ્ચીસ વર્ષનો અને પેલા પૈણેલા હોય પાંત્રીસ વર્ષના. તો ય મને લખે કે એની જોડે મને ભાવ ઉત્પન્ન થયો હતો. એનું પ્રતિક્રમણ કરું છું. આમનું પ્રતિક્રમણ કરું છું.

અલ્યા મૂઆ, આ બધું કરતો'તો ? અલ્યા સત્સંગમાં પંદર માણસોની શરમ નહીં ? એવું બધું પ્રાયશ્ચિત, ક્ષમા કરવા જવું. કાળનો પ્રભાવને ! અત્યારે તો બેનો જોડે, ભાઈઓ જોડે, આ બધું કઈ જાતનું. આ તો સાંભળવામાં ના આવ્યો હોય, આંખને, કાનને પીડા થઈ પડે. ભટકી ગયા છે ! બહુ થયું, ચેતો હજી ચેતો !

એક એક દોષ અસંખ્ય પડવાળાં !

એવું છે ને, આ દુનિયામાં માફી એ મોટામાં મોટું શસ્ત્ર છે. પશ્ચાત્તાપ અને માફી. ભગવાન માફ કરતા નથી. ભગવાનને માફ કરવાનો રાઈટ જ નથી. આ જ્ઞાની પુરુષ બધા એ માફ કરી આપે. એ એજન્ટો છે. મૂળ ભગવાન દેહધારી છે જ નહીં. દેહધારી હોય તે જ કરી શકે. એટલે હજુ કંઈ દોષ થયા, તે મારી પાસે માફી માંગી લેવી.

તને તારા કેટલા દોષ રોજ દેખાય છે ?

પ્રશ્નકર્તા : બસ્સો-ત્રણસો દેખાય.

દાદાશ્રી : સાત વર્ષથી, બસ્સો-ત્રણસો દેખાય છે ને, બસ્સો-ત્રણસો નીકળ્યા કરે છે. પાછા બીજા નવા દોષ દેખાય.

અગર તો એ દોષની પાંખડી બહુ હોય. ને નવા દોષો ય હોય પણ આ બધા દોષો છે ને અનંત પડવાળા !

પ્રશ્નકર્તા : આમાં રોજ દોષ થયા જ કરે અને એનું પશ્ચાત્તાપ આ રીતે કરીએ એ લીંક તૂટે ક્યારે ?

દાદાશ્રી : એ ખલાસ થાય જ, આ રીતે કરે તો બધા દોષ ખલાસ થાય જ. જે રસ્તે હું ગયો છું તે રસ્તો તમને દેખાડું છું.

પ્રતિક્રમણ જોડે પ્રીતિ પત્નીની જેમ !

સ્ત્રી જોડે જેટલી ઓળખાણ છે એટલી પ્રતિક્રમણ જોડે ઓળકાણ હોવી જોઈએ. જેમ સ્ત્રી ભુલાતી નથી તેમ પ્રતિક્રમણ ભુલાવું ના જોઈએ. આખો દહાડો માફી માંગ માંગ કરવી. માફી માગવાની ટેવ જ પાડી નાખવી. આ તો પારકાના દોષ જોવાની દ્રષ્ટિ જ પડી છે !

પ્રશ્નકર્તા : આ પ્રતિક્રમણ કેટલાંક તે કરવાનાં ?

દાદાશ્રી : આ ખાવ છો, પીવો છો. આખો દહાડો હવા લો છો. તેમ આ આખો દહાડો પ્રતિક્રમણ કરવાનાં.

પ્રતિક્રમણોની વણઝાર....

જેટલા દોષનું પ્રતિક્રમણ કર્યુ, એમ દોષ વધારે દેખાતા જાય. પછી તો કેટલાકને બસ્સો, બસ્સો દેખાય છે. એક ભાઈ કહે છે, શી રીતે દાદા પહોંચી વળું. આ મારું મગજ થાકી જાય છે, પાંચસો પાંચસો, હજાર પ્રતિક્રમણ કરું છું. દહાડો નથી વળતો !!! કારણ કે માલે ય એવો જ ભરેલોને ! આમની પાસે બિચારા પાસે માલ જ ક્યાં છે, નાની નાની હાટડીઓ માંડેલી ! અને પેલાં મોટા ગોડાઉન ભરેલાં, બહુ ખાલી કરી નાખ્યું.

પ્રશ્નકર્તા : આ મહાત્માઓને તો આમ કંઈ થયું કે તરત જ પ્રતિક્રમણના ભાવ આવે.

દાદાશ્રી : તરત જ. એની મેળે જ આવે. સહજમય જ થઈ જાય.

તમારે કેટલાં પ્રતિક્રમણ કરવાં પડે છે ?

પ્રશ્નકર્તા : રોજના પાંચસો થઈ જાય.

દાદાશ્રી : 'આ' રોજ પાંચસો પાંચસો પ્રતિક્રમણ કરે છે. તે કોઈ પચાસ કરે, કોઈ સો કરે, જેટલી જેટલી જાગૃતિ વધી તે એટલાં પ્રતિક્રમણ કરે. પણ નિરંતર પ્રતિક્રમણ કરવાનો માર્ગ છે આ.

આ પ્રતિક્રમણ એટલે 'શૂટ ઑન સાઈટ'. 'શૂટ ઑન સાઈટ' એટલે દોષ થતાંની સાથે જ એનું નિવારણ કરી નાખવું, તરત જ 'ઑન ધી મોમેન્ટ, શૂટ ઑન સાઈટ !' જાગૃતિ એટલી બધી રહે ! જાગૃતિ એટલી બધી રહે કે 'શૂટ ઑન સાઈટ' કર્યા વગર રહે જ નહીં. એક પણ દોષ જોયાની બહાર ન જાય. અને તો માણસના દોષો ખાલી થઈ જાય છે. અને નિરંતર સંયમ રહે ! નિરંતર સંયમ !!! બધાને કહેલું કે રસ-રોટલી ખાજો, ઘી લેજો, બધું લેજો, બધું ખાજો અને નિરંતર સંયમમાં રહે એવો વીતરાગનો માર્ગ છે.

પ્રશ્નકર્તા : આપણે જે કહ્યું કે રોજ પાંચસો પ્રતિક્રમણ થાય છે. તો જેમ વધારે પ્રતિક્રમણ થાય તેમ સારું કે જેમ ઓછાં પ્રતિક્રમણ થાય તેમ સારું ?

દાદાશ્રી : જેમ વધારે થાય તેમ સારું. નર્યા દોષના જ ભંડાર છે. કૃપાળુદેવે કહ્યું કે 'હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ.' પછી 'દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય ?' આ દોષ તો પાંચ દોષ દેખાતા નથી, તે શી રીતે તરાય ? આખું દોષનું ભાજન છે. એટલેપાંચસો પાંચસો દોષો જેના નીકળે એનું જલદી સાફ થાય છે. કોઈને પચાસ પચાસ નીકળતા હોય, કોઈને સો સો નીકળતા હોય ! પણ નીકળવા માંડ્યા છે, દોષો !

પ્રશ્નકર્તા : પણ જેમ ઉર્ધ્વીકરણ થાય એમ દોષ ઓછા થતા જાય ને પછી ?

દાદાશ્રી : ના, ઉર્ધ્વીકરણની કોઈ જરૂર નથી. દોષ તો જેમ જાગૃતિ હોય કે તરત જ પકડાય. અને દોષ પકડાય એટલે તરત જ એને ત્યાં આગળ પ્રતિક્રમણ કરી નાખે. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, તરત જ 'ઑન ધી મોમેન્ટ' કરી નાખે ! 'શૂટ ઑન સાઈટ !!!'

પ્રશ્નકર્તા : જેટલાં પ્રતિક્રમણ થાય પછી અમુક સ્ટેજે તો પ્રતિક્રમણ ઓછાં થઈ જાય ને ? વધતાં કેવી રીતે જાય પછી ?

દાદાશ્રી : એ તો ઓછાં થતાં થતાં ઘણો ટાઈમ લાગે. કારણ કે અનંત અવતારનો બધો આ માલ ભરેલો છે.

તે થઈને રહે ભગવાન !

આ નીરુબેન રોજ પાંચસો પાંચસો પ્રતિક્રમણ કરે છે, કેટલાય વર્ષથી તે આજે એનો ઉકેલ આવવા માંડ્યો છે. બીજું કશું કરવાનું નથી. આ આજ્ઞા જ લેવાની છે. ને 'શૂટ ઑન સાઈટ' કરવાનું છે. મહીં કો'ક આવ્યો અને આપણા મનમાં એમ થાય કે, 'આ વળી આટલી ભીડમાં શું કરવા આવ્યા ?' એ આપણે એના તરફ વિરાધના કરી, માટે એનો આત્મા મહીં જાણી ગયો બધું ય સમજ પડીને ? એટલે આપણે તરત જ કહેવું કે, 'ભઈ ચંદુભાઈ, આવી કેમ ભાવના કરી ? અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો.' તમને સમજાય છે ને ?

આ પ્રતિક્રમણનો માર્ગ છે. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન, 'શૂટ ઑન સાઈટ'નો માર્ગ છે. રોજ ત્રણસો ત્રણસો ભૂલો, ચારસો, ચારસો ભૂલો રોજ દેખાશે. પોતાની એક ભૂલ જ જેને દેખાય તે ભગવાન થાય. અને દોષ ના હોત માણસમાં, તો ભગવાન જ હોત બધે ! દોષ રહિત જે માણસ થયો એ ભગવાન કહેવાય !

કામ નીકળી ગયું ! હજુ જેમ જેમ શક્તિ વધશે ને એમ દેખાતા જશે. અત્યારે સ્થૂળ દોષો દેખાય. પછી સૂક્ષ્મ દેખાય. જેટલા દેખાયા એટલા જાય. નિયમ એવો છે કે જે આપણી અંદર દોષો છે, જેટલા દેખાયા એટલા ગયા. જેમ આપણે ઊંઘી ગયા હોય ને ચોર પેઠો હોય, અને જાગીએ તો ? ચોર ભાગવાની તૈયારી કરે. જાગ્યા એટલે, એવું આ દોષો ભાગવાની તૈયારી કરે. જાગ્યા કે તરત !

ટૂંકામાં ટૂંકું ને પદ્ધતિસરનું પ્રતિક્રમણ...

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણની ક્રિયા સમજાવોને. ઘણા એવું કહે છે મેં બસ્સો પ્રતિક્રમણ કર્યા, તો એ કેવી રીતે કરે ?

દાદાશ્રી : એવું છેને, જેમ જેમ વધારે ઊંડો ઉતરતો જાયને, તેમ પોતાના દોષ દેખાતા જાય વધારે.

પ્રશ્નકર્તા : મને તો મારા જ દોષ દેખાય.

દાદાશ્રી : એ તો અત્યારે જ્ઞાન આપ્યું છે એટલે નહીં તો પહેલાં ક્યાં દેખાતું હતું ? અત્યારે દેખાય છેને. હવે દેખાય, એ દેખાય એની માફી માગવી પડે. એનાં પ્રતિક્રમણ કરે એટલે દોષ દેખાવા માંડે પછી. તે કોઈને રોજના પચ્ચીસ દોષ દેખાય. કોઈને પચાસ દેખાય. કોઈને સો દેખાય. પાંચસો-પાંચસો સુધી દોષ દેખાય એવી બધી દ્રષ્ટિ ખીલી જાય. દર્શન ખૂલતું જાય.

તમારી જોડે વાતચીત કંી થાય, તો કડક બોલે. પણ જોડે એમને દોષે ય દેખાય કે આ થઈ ગયું ખોટું. અને તને દેખાય કે ના દેખાય ?

પ્રશ્નકર્તા : હા, મારા દોષો મને દેખાય છે.

દાદાશ્રી : તો કલ્યાણ જ થઈ ગયું ને !

પ્રતિક્રમણ તો આપણા મહાત્માઓ કેવું કરે છે ? પટ, પટ, પટ થયું કે તરત જ ! 'શૂટ ઑન સાઈટ', એવું પ્રતિક્રમણ કરે છે. એટલે પછી દોષ જ ઊભો ના થાયને.

પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ ત્યારે આખી લાંબી વિધિ પ્રતિક્રમણની બોલવાની કે પછી આપણે ભાવથી ટૂંકામાં કરવાની ?

દાદાશ્રી : ભાવથી ટૂંકામાં જ કરી નાખવાની. એ દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ તો આપણે લખીએ એટલું જ છે. બાકી એને ટૂંકું કરીએ તો ય ચાલી જાય.

પ્રશ્નકર્તા : તો દાદા ટૂંકું પ્રતિક્રમણ કેવું કરવાનું ?

દાદાશ્રી : આ થયું એ બરાબર નથી, એવું આપણને લાગવું જોઈએ.

પ્રશ્નકર્તા : હા, પણ ટૂંકામાં ટૂંકું પ્રતિક્રમણ આમ કરવાનું કેવી રીતે ?

દાદાશ્રી : દાદા ભગવાનની સાક્ષીએ, આ દોષ થયો તેની હું ક્ષમા માગું છું. હવે ફરી નહીં કરું. બસ એટલું જ. એનું ટૂંકામાં ટૂંકું પ્રતિક્રમણ. એના મન-વચન-કાયાને, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ એવું બધું બોલવાની કંઈ જરૂર નથી. એ તો નવા માણસોને શીખવાડવા માટે છે.

અત્યારે જ્યારે કોઈ માણસને બીજા જોડે વેર હોયને, ત્યારે આ પદ્ધતિસર બોલવું પડે. વેર હોયને ત્યારે પહોંચાડવા માટે, તો વેર છૂટું થાય. એમ બોલ બોલ કરેને, પદ્ધતિસરનું, આખું વિગતવાર લાંબું તો વેર છૂટતું જાય બધાનું. અને સાથે પેલાને ય ખબર પડે કે હવે મારું મન એમના તરફ સારું થતું જાય છે. પ્રતિક્રમણ તો એટલી બધી જબરજસ્ત શક્તિ છે.

પ્રશ્નકર્તા : દોષો માટે આપણે બોલીએ કે આ ભવ, સંખ્યાત ભવ, અસંખ્યાત ભવથી વાણીના દોષ થયા હોય, રાગ-દ્વેષના, કષાયના દોષ થયા હોય, એ બધું બોલવાનું ?

દાદાશ્રી : હા, તે બધું બોલવું જોઈએ. બીજા લોકોની જોડે હોય તો એમને એમ થાય. ક્ષમા માંગી લઈએ, પસ્તાવો કરી લઈએ, તો ચાલી જાય.

એ છે અમારી ઝીણામાં ઝીણી શોધખોળ !

જેની જોડે વિશેષ અતિક્રમણ થયું હોય તેની જોડે પ્રતિક્રમણનો યજ્ઞ શરૂ કરી દેવો. અતિક્રમણ ઘણાં કર્યાં છે. પ્રતિક્રમણ નથી કર્યાં તેનું આ બધું છે.

આ પ્રતિક્રમણ તો અમારી ઝીણામાં ઝીણી શોધખોળ છે. જો એ શોધખોળને સમજી જાય તો કોઈની જોડે કશો ઝગડો રહે નહીં.

ઊંડા પ્રતિક્રમણમાં પૂર્વભવ પણ દેખાય !

પ્રતિક્રમણમાં જે બહુ ઊંડા ઊતરે તેને પૂર્વભવ હઉ આરપાર દેખાઈ જાય ! કો'કને પૂર્વભવ હઉ દેખાઈ જાય. બધાંને ના દેખાય. કો'કને સરળ પરિણામ હોય, તેને આરપાર દેખાઈ જાય. હવે પૂર્વભવ જોઈને આપણે શું કરવાનું છે ? આપણે તો મોક્ષ જોઈએ છેને ?

ભેગું પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : આપણે જે પ્રતિક્રમણ કરીએ છીએ, એમાં જે જે દોષ થયા હોય, તેને યાદ કરીને આપણે ક્ષમા માગીએ છીએ. તો દોષો ઘણા બધા હોય અને એમાં અત્યાર સુધી આપણે ભૂલી ગયાં હોઈએ, તો ફરી એની યાદ તાજી કરીને શા માટે દુઃખી થવું ?

દાદાશ્રી : એ દુઃખી થવા માટે નથી. જેટલો ચોપડો ચોખ્ખો થયો એટલું ચોખ્ખું થયું. એ છેવટે ચોપડો તો તમારે ચોખ્ખો કરવો પડસે. નવરાશનો વકત કલાક એમાં કાઢો, તો શું બગડી જાય ?

પ્રશ્નકર્તા : દોષોનું લીસ્ટ તો બહુ લાંબું બને છે.

દાદાશ્રી : એ લાંબુ બને તો એમ માનોને કે આ એક માણસ જોડે સો જાતના દોષ થયા હોય તો ભેગું પ્રતિક્રમણ કરી નાખવું કે આ બધાય દોષોની હું તારી પાસે માફી માગી લઉં છું !

વ્યક્તિગત પ્રતિક્રમણ !

વ્યક્તિગત પ્રતિક્રમણ કોનું કરવું પડે ? કે જેની જોડે આપણને થતું હોય. સામૂહિકમાં તો આપણે પૂર્વભવનાં કર્મો હોય, બીજાં બધાં કર્યાં હોય, ઓળખીતા ના હોય, તમને મારાથી કંઈ વાગ્યું હોય, એવું પોતે જાણતો ના હોય, એ બધાનું સામૂહિક પ્રતિક્રમણ કરવાનું. અને હું જાણતો હોઉં કે મારાથી તમને પગ વાગ્યો છે, તો પછી મારે એનું વ્યક્તિગત પ્રતિક્રમણ કરવું પડે. તે તરત જ કરી નાખવું જોઈએ.

સામૂહિક કે જાથ પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : આપણે જે જાથું પ્રતિક્રમણ કહીએ છીએ એ જ સામૂહિક પ્રતિક્રમણને ?

દાદાશ્રી : હા, એ જ એ જ સામૂહિક.

જોરદાર અવસ્થાઓ અવરોધે પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : દાદા, હું ઘણીવાર ભૂલ થાય તો આપને યાદ કરી, 'હે દાદા ભગવાન, મારી ભૂલ છે તેની હું માફી માગું છું.' પછી લાંબું પ્રતિક્રમણ કરતી નથી.

દાદાશ્રી : માફી માંગે તો કશો વાંધો નહીં, પણ ખાસ કરીને પ્રતિક્રમણ કરવું. ના થાય એવું હોય તો માફી માંગવી.

પ્રશ્નકર્તા : ઘણીવાર અવસ્થાઓ એટલી બધી જોરદાર હોય ને તે પ્રતિક્રમણ ના થવા દે.

દાદાશ્રી : તેની માફી માંગી લેવી.

બોમ્બાર્ડિંગ અતિક્રમણોની !

પ્રશ્નકર્તા : એક કલાકની અંદર પાંચ, પચ્ચીસ અતિક્રમણ થઈ જાય.

દાદાશ્રી : તો એનાં પ્રતિક્રમણ ભેગાં કરીને થાય. સમાટાં થાય એટલે પ્રતિક્રમણ સામટાં કરું છું. એમ કહીએ ?

પ્રશ્નકર્તા : એ સામટાં પ્રતિક્રમણ કેવી રીતે કરવા ?

દાદાશ્રી : આ બધા બહુ અતિક્રમણ થયાં છે તેનું સામટાં પ્રતિક્રમણ કરું છું. જે વિષય પર અતિક્રમણ થયાં હોય તે વિષય બોલવાં કે આ વિષય પર, આ વિષય પર, સામટાં પ્રતિક્રમણ કરું છું એટલે ઉકેલ આવી ગયો. અને છતાં બાકી રહે એ ધોઈ આપીશું અમે. પણ એને લીધે બેસી ના રહેવું. બેસી રહીએ તો બધું આખુંય મહીં રહી જાય. ગૂંચવાડામાં પડવાની જરૂર નથી.

એક ભાઈ મને કહે, 'દાદા, એક દહાડામાં મને બે બે હજાર પ્રતિક્રમણ કરવા પડે છે. તે મારે શું કરવું ? હું થાકી જાઉં છું.' એટલે એને અમે ભેગાં પ્રતિક્રમણ કરવાનું કહ્યું. બે બે હજાર પ્રતિક્રમણ માણસ શી રીતે કરી શકે ? બે બે હજાર વખત બોલવું ને કરવું, શી રીતે કરી શકે ? હવે જેટલા દોષ દેખાય તે જતા રહે પાછા. ને પાછા બીજા આવે. જેટલા દોષ દેખાયા એ મુક્ત થઈને ગયા. ત્યારે કોઈ કહે કે 'એવો ને એવો દોષ ફરી દેખાયો છે.' ત્યારે કહીએ કે એના એ જ દોષ ફરી ના આવે. પણ આ ડુંગળીનાં પડ હોય છેને, એક કાઢીએ એટલે પાછું બીજું આવીને ઊભું રહે, તેમ આ દોષ ડુંગળીના પડવાળા હોય છે. એકની એક વસ્તુનું આપણે એક પડ કાઢીએ ત્યારે બીજું પડ ઊભું રહે એટલે એનું એ જ પડ ના હોય, એ તો ગયું જ. આ ત્રીસ પડ હતાં તેનાં ઓગણત્રીસ રહ્યા. પછી ઓગણત્રીસમાંથી એક પડ જશે એટલે અઠ્ઠાવીશ રહેશે.

અનંત દોષનું ભાજન છે. તે ત્રણ ત્રણ હજાર દોષ મહીં રોજ દેખાશે. તે ભઈ તો થાકી ગયો એટલે અમે તેનું લેવલ ઉતારી નાખ્યું. એટલું બધું માણસથી ના થાય. જાગૃતિ બહુ વધી ગઈ એટલે દોષો ખૂબ દેખાય. હવે એ માણસ મોટો ધંધાદારી એટલે એને મુશ્કેલી થાય ને ! એટલે એની જાગૃતિ પાછી અમે મંદ કરી નાખી ને એને 'જાથું પ્રતિક્રમણ' કરવાનું કહ્યું. જાથું એટલે બધાનું સામટું. જેટલા દોષ થયા હોય તેનું. બાકી આપણું પ્રતિક્રમણ કેવું હોવું જોઈએ ? શૂટ ઑન સાઈટ હોવું જોઈએ ! આ તો કેશ જ બધું હોવું જોઈએ. જાથું પ્રતિક્રમણ એટલે ભેળું પ્રતિક્રમણ.

દોષ થયો કે તેની સાથે જ પ્રતિક્રમણ તે કેટલાક માણસો તો એટલે સુધી કહે છે કે દાદા, સહન થતું નથી. આ પ્રતિક્રમણ કરી શકાતું જ નથી મારાથી. એટલાં બધાં પ્રતિક્રમણ કરવાનાં, તે એક પછી એક, પૂરાં થતાં જ નથી. એટલા બધા દોષ દેખાય છે. એટલે પછી એમને જાથું પ્રતિક્રમણ કરવાનું કહીએ. બહુ દોષ થાય તેને શું થાય તે ? નર્યા દોષનો જ ભંડાર છે. અને મનમાં શું ય માની બેઠો છે કે હું કંઈક છું, હું કંઈક છું. શેમાં છું તે તું ? જરા અપમાન કરે ત્યારે ખબર પડે કે શું છે તે ?

ઉપાય, રહી ગયેલા દોષોનો !

પ્રશ્નકર્તા : ભૂલચૂકથી પ્રતિક્રમણ કરવાના રહી જાય તો સામૂહિક પ્રતિક્રમણથી નીકળી જાય ?

દાદાશ્રી : હા. એનાથી તો બધા બહુ નીકળી જાય. એ તો એક મોટામાં મોટો રસ્તો છે કે બહુ દહાડાની સિલક ભેગી થઈ હોય, તે હડહડાટ ઊડાડી મેલે ! એ રસ્તો સારો ઊલટાનો !

સામાયિકમાં દોષો ચકનાચૂર !

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પહેલાંના જે બધા દોષો થયા હોય એ બધા દોષોનું શૂટ ઑન સાઈટ કેવી રીતે થઈ શકે ?

દાદાશ્રી : એ દોષો જરા જાડા હોયને, એટલે એની પ્રકૃતિમાં આવ્યા કરે. એટલે આપણને ખબર પડે, કે આ પહેલેથી છે. એટલે એ દોષનાં વધારે પ્રતિક્રમણ કરવા.

પ્રશ્નકર્તા : એ સામાયિકથી વધારે ઓળખાયને ?

દાદાશ્રી : હા, સામાયિકથી તો બધાં બહુ ઓળખાય. પણ મહીં તો આપણને આ દોષ આવેને, તે પહેલેથી આ પ્રકૃતિનો ગુણ છે, એટલે પહેલાં આ દોષ હતા, એટલે એનું પ્રતિક્રમણ વધારે કરવું. અને કેટલાક દોષો છે નહીં એનું કશું નહીં.

છૂટાય કર્મો થકી જ્ઞાને કરીને....

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી કર્મો બંધાય ખરાં કે ?

દાદાશ્રી : વાંકું બોલે, તો બંધાય નહીં. પણ છૂટે ય નહીં. કર્મ છૂટે ક્યારે ? કે એ જ્ઞાનપૂર્વક હોય, એટલે સમજણપૂર્વક જ્ઞાનપૂર્વકથી એનો નિવેડો થાય, અજ્ઞાને કરીને બાંધેલા તે જ્ઞાને કરીને એનો નિવેડો કરી લાવીએ ત્યારે છૂટીએ. અત્યારે ના ગમે તો ય એનો જ્ઞાને કરીને નિવેડો લાવવો પડે. 'હું શુદ્ધાત્મા છું' થઈને એ બધું જોયા કરીએ, એ રીતે બધો નિવેડો લાવવો પડે.

પ્રતિક્રમણ તો મોટામાં મોટું હથિયાર છે.

આમને 'શૂટ ઑન સાઈટ' કેટલા વખતથી ચાલે છે. કેટલા દોષો ઠાર કર્યા છે !

મારવાના નહીં ઠાર કરવાનાં. એ પછી ઠારવાનાં એને. મરાય નહીં, મરાય તો નહીં. આપણામાં મારવાનો શબ્દ તો હોય જ નહીં ને.

ચરણવિધિમાં પ્રતિક્રમણ કે શક્તિઓની માંગણી !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરી નાખીએ તો ? તો વધારે જલદી ઉકેલ ના આવે ?

દાદાશ્રી : ક્યારે ?

પ્રશ્નકર્તા : તમારી ચરણવિધિ કરીએ ત્યારે ?

દાદાશ્રી : ના. તે ઘડીએ તો શક્તિ ભરવાની. પ્રતિક્રમણ તો પછી એની મેળે કર્યા કરવાનું.

પૈણતી વેળાનાં ય પ્રતિક્રમણ !!!

પ્રશ્નકર્તા : કેટલું, કેટલું ધો ધો કરીએ પણ હજુ કેટલાં ચીકણાં કર્મો છે.

દાદાશ્રી : સંસાર એટલે અતિક્રમણ અને પ્રતિક્રમણથી ધોઈ નાખવાનું. નિયમિત ખાઓ છો, પીઓ છો, હવા આખો દહાડો લો છો, ને ?! એવું એ પ્રતિક્રમણે ય આખો દહાડો રહે.

ફૂમતું ઘાલી પૈણ્યા'તા, તે ઘડીએ શરમ નહોતી આવતી ? આમ ફૂમતું ઘાલીને પૈણેલાને બધા ? હવે તે ઘડીએ વિચાર નહોતો કર્યો કે આ બધાં પ્રતિક્રમણ કરવાં પડશે. હવે ભેગાં પ્રતિક્રમણ કરવાં પડે છે તે વસમાં લાગે છે.

દોષ છે તો જોનારો ય છે !

પ્રશ્નકર્તા : દાદા, દોષ દેખાતા બંધ થઈ જાય એવું કરો.

દાદાશ્રી : ના, એ તો, દોષો તો દેખાય બળ્યા ! દોષો દેખાય છે તેથી તો આત્મા છે ને, પેલું જ્ઞેય છે.

પ્રશ્નકર્તા : પણ દેખાય નહીં એવું ન થાય ?

દાદાશ્રી : ના, ના દેખાય તો તો આત્મા જતો રહે. આત્મા છે તો દોષ દેખાય છે. પણ હવે એ દોષો નથી, એ જ્ઞેય છે ને તમે જ્ઞાતા છો.

અતિક્રમણોથી કંટાળો હવે !

પ્રશ્નકર્તા : આજે બધી ફાઈલો છે ને, એટલે આખો દિવસ એટલા બધા દોષો દેખાય છે કે હવે મને મારાથી ખૂબ કંટાળો આવે છે. મને મારાથી જ ભયંકર કંટાળો આવે છે હવે.

દાદાશ્રી : એ તો આવે જ.

પ્રશ્નકર્તા : આખો દિવસ દોષ એટલા બધા દેખાય છે ક્ષણે ક્ષણે.

દાદાશ્રી : દોષ દેખાય છે, એટલે એ દોષ જતા રહેવાના. દોષ તો દેખાય જ ને. દોષ દેખાય તો આત્મા થયો. શુદ્ધ થાય તો જ દોષ દેખાયને.

પ્રશ્નકર્તા : પણ આખો દિવસ, હરેક ક્ષણે ?

દાદાશ્રી : હા, તે દોષ દેખાય તો સારું ઊલટું. તપ એટલા માટે કરવાનાં કહ્યાં છે કે દોષ પોતાના દેખાય. એ જાગૃતિ આવે. એ જાગૃતિ જ દોષ દેખાડે.

પસ્તાવો કરે ચંદુ !

પ્રશ્નકર્તા : કોઈ ભૂલ કરીએ, એનું આપણે પ્રતિક્રમણ કરીએ છતાં ય એ પ્રતિક્રમણ કરીને શુદ્ધ કેમ ના થઈ જવાય ? મનનો ભાવ આનંદિત કે નોર્મલ કેમ ના થાય ? એ તો એકાદ દિવસ સુધી કેમ વળગેલો રહે ?

દાદાશ્રી : તેમાં શું વાંધો છે ? જો પસ્તાવો વધારે તો ફરી ભૂલ થાય નહીં. જાગૃતિ રહે એટલે નુકસાનકારક નહીં. છોને વળગતું હશે, ફરી ભૂલ ના થાય.

પ્રશ્નકર્તા : પસ્તાવો થાય એટલે પછી આપણે બીજા ધ્યાનમાંથી છૂટીને એમાં રહ્યા કરીએને ?

દાદાશ્રી : જેમ જેમ પસ્તાવો થાય તેમ તેમ સારું. તમારે પસ્તાવાની જરૂર નહીં. તમારે તો આ ચંદુલાલ પસ્તાય. આપણે કર્યું નથી.

અધવચ્ચે ફિલ્મ બંધ કરાય ?

પ્રશ્નકર્તા : હવે આ જિંદગીનો ડ્રામા જલદી પૂરો થયા તો સારું.

દાદાશ્રી : આવું કેમ બોલ્યા ? તો આ બંગડીઓ કોણ પહેરશે ?

પ્રશ્નકર્તા : નથી પહેરવી હવે.

દાદાશ્રી : નહીં, પહેરો. હરો, ફરો, બધું કરો. જલદી પૂરો કરવાનું ના કહેવાય. બધું બહુ કામ છે હજુ આપણે તો. આ દેહને સાચવવાનો. આવું ક્યાં બોલ્યાં ?

પ્રશ્નકર્તા : તમે વીસ દિવસ હતાં, તો ય એકે જગ્યાએ અવાયું નહીં.

દાદાશ્રી : તેથી કરીને દેહ પૂરો કરી નાખવાનો હોય ?

પ્રશ્નકર્તા : પણ એ કાચું કેટલું પડે છે ?

દાદાશ્રી : આ દેહે 'દાદા ભગવાન' ઓળખ્યા. આ દેહનો તો ઉપકાર એટલો બધો કે, ગમે તે દવા કરવી પડે તે કરવી. આ દેહે તો 'દાદા' આપણને ઓળખાયા. અનંત દેહ ખોયા બધા. નકામા ગયા. આ દેહે ઓળખ્યા માટે આ દેહ મિત્ર સમાન થઈ પડ્યો. અને આ સેકન્ડ (બીજો) મિત્ર, સમજ પડીને ? તે હવે દેહને સાચવ, સાચવ કરવાનો. એટલે આજે પ્રતિક્રમણ કરજો. 'દેહ વેલો જતો રહેશે.' એમ કહ્યું તેની માફી માગું છું.

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : આપણે સિનેમામાં બેઠા હોય, અને ફિલ્મ બંધ થઈ ગઈ તો શું કરવાનું ?

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21