ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



પ્રતિક્રમણ

૮. 'આમ' તૂટે શૃંખલા ઋણાનુબંધની !

ઋણાનુબંધથી કેમ છૂટાય ?

પ્રશ્નકર્તા : પૂર્વજન્મના ઋણાનુબંધમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : આપણને જેની જોડે પૂર્વનું ઋણાનુબંધ હોય અને તે આપણને ગમતું જ ના હોય, એની જોડે સહવાસ ગમતો જ ના હોય. અને છતાં સહવાસમાં રહેવું પડતું હોય, ફરજિયાત, તો શું કરવું જોઈએ ? કે બહારનો વ્યવહાર એની જોડે રાખવો જોઈએ ખરો, પણ અંદર એના નામનાં પ્રતિક્રમણ કરવાં જોઈએ. કારણ કે આપણે આગલા અવતારમાં અતિક્રમણ કરેલું હતું તેનું આ પરિણામ છે. કૉઝીઝ શું કર્યા'તાં ? તો કહે એની જોડે પૂર્વભવમાં અતિક્રમણ કર્યું'તું. તે અતિક્રમણનું આ ભવમાં ફળ આવ્યું, એટલે એનું પ્રતિક્રમણ કરીએ તો પ્લસ-માઇનસ (વત્તા-ઓછા) થઈ જાય. એટલે અંદર તમે એની માફી માંગી લો. માફી માંગમાંગ કર્યા કરો કે મેં જે જે દોષ કર્યા હોય તેની માફી માગું છું. કોઈ પણ ભગવાનની સાક્ષીએ, તો બધું ખલાસ થઈ જશે.

સહવાસ નહીં ગમે તો પછી શું થાય છે ? એના તરફ બહુ દોષિત જોવાથી, કોઈ પુરુષને સ્ત્રી ના ગમતી હોય તો બહુ દોષિત જો જો કરે, એટલે તિરસ્કાર છૂટે. એટલે ભય લાગે. જેનો આપણને તિરસ્કાર હોયને તેનો આપણને ભય લાગે. એને દેખો કે ગભરામણ થાય. એટલે જાણીએ કે આ તિરસ્કાર છે. એટલે તિરસ્કાર છોડવા માટે માફી માંગ માંગ કરો, બે જ દહાડામાં એ તિરસ્કાર બંધ થઈ જશે. એ ના જાણે પણ તમે અંદર માફી માંગ માંગ કરો, એના નામની. જેના તરફ જે જે દોષ કર્યા હોય, હે ભગવાન ! હું ક્ષમા માગું છું. આ દોષોનું પરિણામ છે, તમે કોઈ પણ માણસ જોડે જે જે દોષ કર્યા હોય, તો અંદર તમે માફી માંગ માંગ કરો, ભગવાન પાસેથી, તો બધું ધોવાઈ જશે.

સગાંવહાલાંનાં પ્રતિક્રમણ !

આ તો નાટક છે. નાટકમાં બૈરી-છોકરાંને પોતાનાં કાયમનાં કરી લઈએ તે કંઈ ચાલી શકે ? હા, નાટકમાં બોલે તેમ બોલવામાં વાંધો નહીં કે 'આ મારો મોટો દીકરો, શતાયુ.' પણ બધું ઉપલક, નાટકીય. આ બધાને સાચા માન્યા તેનાં જ પ્રતિક્રમણ કરવાં પડે છે. જો સાચું ના માન્યું હોત તો પ્રતિક્રમણ કરવાં ના પડત. જ્યાં સત્ય માનવામાં આવ્યું ત્યાં રાગ અને દ્વેષ શરૂ થઈ જાય અને પ્રતિક્રમણથી જ મોક્ષ છે. આ 'દાદા' દેખાડે છે તે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનથી મોક્ષ છે.

પ્રશ્નકર્તા : ક્યારેક તો મન દુઃખી થઈ જાય કે, એમણે ય જ્ઞાન લીધું છે, આપણે ય જ્ઞાન લીધું છે, તો આવું કેમ થાય છે ?

દાદાશ્રી : આ તો બધા કર્મના ઉદયો છે, એમાં આપણે પ્રતિક્રમણ કરવું આ તો કર્મના ઉદયો છે. ધક્કો લાગ્યા વગર રહે નહીં. એમની ઇચ્છા એવી ના હોય, છતાં ય બધા કર્મના ધક્કા વાગ્યા કરે. કર્મ તો ભોગવ્યે જ છૂટકો ને !

પ્રશ્નકર્તા : મને એમ થાય કે, 'એમનું' સારું કરું. પણ મારાથી બગડી જ જાય. અને હું ખોટી ઠરીને ઊભી રહું.

દાદાશ્રી : વાંધો શું છે પણ એ ! એનો વાંધો શું છે ? બન્યું એ કરેક્ટ. જેને સારું કરવું છે એને કોઈ ડર રાખવાની જરૂર નથી. જેને ખરાબ કરવું છે એ ગમે એટલો ડર રાખે તો એનો ભલીવાર આવવાનો નથી. એટલે આપણે સારું કરવું છે એમ નક્કી રાખવાનું.

પ્રશ્નકર્તા : પહેલાં મને બહુ ડર લાગતો હતો. હવે ડર નથી લાગતો.

દાદાશ્રી : પણ આવી વાતો ય કરવાની જરૂર નહીં. એઓને તો ખરાબ લાગીને ઘેર ગયાં હોય તો, એ બીજે દહાડે આવશે, તો રાજી થઈ જશે. આપણે પ્રતિક્રમણ કરવું.

આ બધા રીલેટિવ સંબંધો છે ને ? રીયલ સંબંધ નથી. પ્રતિક્રમણ ના થાય તો ફાટી જાય. પ્રતિક્રમણનો અર્થ શું ? સાંધવું. સામો માણસ ફાડે ને આપણે સાંધીએ તો એ લૂગડું ટકે. પણ સામો ફાડે ને આપણે ફાડીએ તો શું રહે ?

પ્રશ્નકર્તા : મારા પતિ મારાથી જુદા રહે છે, છોકરાઓ પણ લઈ ગયા છે. તે મારા કર્મમાં તેમ હશે ત્યારે થયું હશેને ?

દાદાશ્રી : હાસ્તો, બીજું શું ?! નવુૂં તો થાય નહીં ને કશું. અને એનાં પ્રતિક્રમણ ના કર્યા, તેને લઈને આ આવું થયું. પ્રતિક્રમણ કરવાથી પાછું ફરે ?

ચૂકવવાના માત્ર હિસાબ જ !

જગત આખું બધું હિસાબ જ છે અને હિસાબને ચૂકવવા માટે આપણે ત્યાં આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન છે. બીજી જગ્યાએ એની પાસે હિસાબ ચૂકવવાનું કંઈ સાધન નથી. આપણે અહીં સાધન છે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન. તમે થોડું ઘણું ચૂકવો છો હવે ? હિસાબ જ ચૂકવવાના છેને ? બીજું શું કરવાનું છે ?!

કોઈના હાથમાં પજવવાની યે સત્તા નથી. ને કોઈના હાથમાં સહન કરવાની યે સત્તા નથી. આ તો બધાં પૂતળાં જ છે. તે બધું કામ કરી રહ્યાં છે. તે આપણે પ્રતિક્રમણ કરીએ એટલે પૂતળાં એની મેળે સીધાં થઈ જાય.

બાકી ગમે તેવો ગાંડો માણસ હોય પણ તે આપણાં પ્રતિક્રમણથી ડાહ્યો બની શકે.

પ્રતિક્રમણનો પ્રતિસાદ અવશ્ય !

બે ખોટ ના ખાય એનું નામ જ્ઞાન. એટલે હું ગેરન્ટી (બાંયધરી) આપું કે બે ખોટ ના ખાય એનું નામ જ્ઞાન. અને બે ખોટ ખાય, તોય મનમાં પાછું એનું પ્રતિક્રમણ કરે તો બે ખોટ ના ખવાય. બે ખોટ ના ખાવી જોઈએ.

પ્રશ્નકર્તા : પણ પ્રતિક્રમણ કરે તો માફી થાયને ?

દાદાશ્રી : પ્રતિક્રમણ તો દોષ થયો તે બદલ પ્રતિક્રમણ કરીએ છીએ. દોષ ના થયો તો કંઈ પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. એ તો એની જોડે હિસાબ આપણો ચૂકતે થઈ ગયો. પણ ઊંધું થયું ના હોય તો કશી લેવાદેવા નથી. અને જેમ જેમ પ્રતિક્રમણ થશેને, તેમ તેમ બધું હલકું થતું જશે, તે માણસો જોડે. તે સંબંધો માણસો જોડે બિલકુલ ક્લિયર.

એક માણસ જોડે તમારે બિલકુલ ફાવતું નથી, તેનું જો તમે આખો દહાડો પ્રતિક્રમણ કરો, બે-ચાર દિવસ સુધી કર્યા કરો તો પાંચમે દહાડે તો તમને ખોળતો આવે અહીંયા. તમારા અતિક્રમણ દોષોથી જ આ બધું અટક્યું છે.

અને પ્રતિક્રમણ તો કોઈ કરે નહીં, આ ડાહ્યા માણસો ! તો પ્રતિક્રમણ કરતાં હશે કે ? દોષ એનો અને હું શાનો પ્રતિક્રમણ કરું કહેશે ?! પેલાને પૂછીએ કે ભઈ, તારે ? ત્યારે એ કહે, 'એનો દોષ, હું શાનો પ્રતિક્રમણ કરું તે ?' ચાલો નિરાંત થઈ ગઈ, આપણે હિન્દુસ્તાન ને પાકિસ્તાન, બોંબાર્ડિંગ ચાલુ જ રહેવા દોને !

એ છે આપણાં જ પરિણામ !

પ્રશ્નકર્તા : કોઈ વ્યક્તિ આપણું અહિત કરતું આપણને જણાય ત્યારે તે પરિણામ છે એમ સમજીને, જે થતું હોય તે જોયા કે જાણ્યા કરવું, કે રાત્રે સૂતી વખતે પ્રતિક્રમણ કરવું કે રૂબરૂ મળીને રોકડું પ્રતિક્રમણ કરવું ?

દાદાશ્રી : અહિત કરતું હોય તો અજ્ઞાનીને શું ઉપાય છે કે, એની જોડે બાઝે, લઢે, ગાળો દે, મારંમાર કરે. અજ્ઞાની શું ઉપાય કરે ? આ જ ઉપાય કરેને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : ગાળંગાળા કરે, લઢંલઢા કરે, તેથી કંઈ અહિત બંધ થઈ જતું નથી. એ તો હિસાબ લઈને આવ્યા છે, તો એવું થવાનું જ અને આ બધું વધારે કર્યું. તે આવતા ભવને માટે સિલ્લક કરી, એને વટેશ્રી. આવતા ભવની વટેશ્રી બાંધી એટલે આપણે વટેશ્રી ના કરીએ, આપણે અહિત કરતો હોય તેને જોયા-જાણ્યા કરવું. અહિત એ જે કરે છે એ તો મારું પરિણામ આવ્યું. જેમ પેલી વાવ 'ચોર' આપણને કહે છે, એ એમ કહેવાય કે, અહિત કરે છે વાવ ?! ના, આપણું પરિણામ આવ્યું, કારણ કે, એ તરત ને તરત કરે છે ને એટલે આપણને એમ લાગે છે કે આનું પરિણામ આવ્યું, નહીં તો ખબર નહીં પડતી. એટલે આમાં એનું પ્રતિક્રમણ કરવાની જરૂર જ નથી. કારણ કે એ અહિત કરે છે. આપણે અહિત કરતાં હોય તો આપણે પ્રતિક્રમણ કરવાનું. એ અહિત કરતો હોય તો આપણને પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. નિરાંતે જોયા કરો.

આપણું કોઈ હિત કરતો હોય તેય આપણું પરિણામ છે અને અહિત કરતો હોય તેય આપણું પરિણામ છે. જગતના લોકો આ બેઉ જગ્યાએ જુદું વર્તે. હિત કરતો હોય તેની પર રાગ અને અહિત કરતો હોય ત્યાં દ્વેષ. તમે તો મારું ખરાબ કરી નાખ્યું ને આમ છે ને તેમ છે. બેઉ રાગ-દ્વેષનાં પરિણામ છે. અને એવું તેવું છે નહીં, અહિત ને હિત કરનારો કોઈ છે જ નહીં, તમારા જ પડઘા, તમારા જ પડઘા છે. બીજું કોઈ છે નહીં. આમાં બહારથી કેવી રીતે આવે ?!

અપમાન કરે તેનાંય પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : આમાં કોઈ વખત આપણને ઓછું આવી જાય કે, હું આટલું બધું કરું છું છતાં આ મારું અપમાન કરે છે ?

દાદાશ્રી : આપણે તેનું પ્રતિક્રમણ કરવું પડે. આ તો વ્યવહાર છે. આમાં બધી જાતનાં લોક છે. તે મોક્ષે ના જવા દે.

પ્રશ્નકર્તા : એ પ્રતિક્રમણ આપણે શાનું કરવાનું ?

દાદાશ્રી : પ્રતિક્રમણ એટલા માટે કરવાનું કે આમાં મારા કર્મનો ઉદય હતો ને તમારે આવું કર્મ બાંધવું પડ્યું. એનું પ્રતિક્રમણ કરું છું ને ફરી એવું નહીં કરું કે જેથી કરીને કોઈને મારા નિમિત્તે કર્મ બાંધવું પડે !

જગત કોઈને મોક્ષે જવા દે તેવું નથી. બધી રીતે આંકડા આમ ખેંચી જ લાવે. તેનાથી આપણે પ્રતિક્રમણ કરીએ તો આંકડો છૂટી જાય, એટલે મહાવીર ભગવાને આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન આ ત્રણ વસ્તુ એક જ શબ્દમાં આપી છે. બીજો કોઈ રસ્તો જ નથી. હવે પોતે પ્રતિક્રમણ ક્યારે કરી શકે ? પોતાને જાગૃતિ હોય ત્યારે, જ્ઞાની પુરુષ પાસે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે એ જાગૃતિ ઉત્પન્ન થાય.

આપણે તો પ્રતિક્રમણ કરી લેવું, એટલે આપણે જવાબદારીમાંથી છૂટ્યા.

આમ વિશ્વાસ પાછો મેળવાય ?

પ્રશ્નકર્તા : કોઈ માણસ ઉપરથી આપણને વિશ્વાસ ઊડી ગયો હોય, એણે આપણી જોડે વિશ્વાસઘાત કર્યો હોય અને આપણને વિશ્વાસ ઊડી ગયો હોય. એ વિશ્વાસ પાછો મેળવવા શું કરવું જોઈએ ?

દાદાશ્રી : એના માટે જે ખરાબ વિચાર કર્યા હોયને, એનાં છે તે પશ્ચાતાપ કરવાં જોઈએ. વિશ્વાસ ઊડી ગયા પછી આપણે જે જે ખરાબ વિચાર કર્યા હોય, એનો પશ્ચાતાપ લેવો પડે, પછી રાગે પડી જાય. એટલે પ્રતિક્રમણ કરવાં પડે.

વારંવાર પ્રતિક્રમણ શાને ?

પ્રશ્નકર્તા : બધી એક્સ્પર્ટ બેનો ભેગી થઈ છે અને એકબીજા પર કપટ કરે છે. પણ પછી તરત મનમાં પ્રતિક્રમણ કરે ને મોઢેય માફી માંગી લઈએ. એકબીજા સામસામી ય કપટ થઈ જાય, પણ એમને તરત થાય કે, આ ભૂલ થઈ ગઈ. હવે આમાં આ ભઈ કહે છે કે, એવી ભૂલ થવા જ ના દેવી જોઈએ.

દાદાશ્રી : ના. એવું ચાલે નહીં. એવો પાછો નવો કાયદો લાવ્યો ? અહીં તો નો લૉ લૉ. અહીં કાયદો જ નથીને !

પ્રશ્નકર્તા : જો એકવાર સાચું પ્રતિક્રમણ કરે, તો એ ભૂલ બીજીવાર થવી ના જોઈએ.

દાદાશ્રી : ના. એવું ના કહેવાય. કેટલાંકનાં તો પચાસ પચાસ, સો સો છે તે પડળ હોય.

પ્રશ્નકર્તા : પણ એવું કંઈક જોરદાર એવું પ્રતિક્રમણ ના હોય કે એક સાથે બધાં પડળ કાઢી નાખે ?

દાદાશ્રી : ના થાય તે. એવું ના થાય.

પ્રશ્નકર્તા : અક્રમ પ્રતિક્રમણ કરોને ?

દાદાશ્રી : એ તો બે હાથે જમાય નહીં. એક જ હાથે જમવું પડે. એ તો પ્રમાણથી જ બધું સારું. બહુ દહાડાનો તાવ હોય તો એક દહાડો આખી દવાની શીશી પી ગયાં એ ચાલે ?

પ્રશ્નકર્તા : ના ચાલે.

દાદાશ્રી : એથી પછી ઊંધું થાય. બધું પ્રમાણથી શોભે. તે તો પછી નીકળી જાય.

એ છે ક્રિયા દૂધમાંથી મીઠું કાઢવાની !

દાદાની કૃપાથી બધું રાગે પડી જશે. એટલે નવું ઉમેરજો કે, છેવટે આપણે જાણીએ છીએ કે, આ બગડે એવું છે અને આ દૂધની સવારમાં ચા નહીં થાય, તો પછી મીઠું કાઢી નાખવાની ક્રિયા આપણે કરવી, નાખેલું મીઠું કાઢી નાખવું. એ તો આપણું વિજ્ઞાન એવું છે કે કાઢી નાખે. એ તો પછી હં.. બીજા મલમપટ્ટા મારી મારીને પછી સમું કરી દેવું. લોહી નીકળતું બંધ કરી દેવું. પછી જો અવળું ફર્યું, એવું આપણે જાણ્યું કે પછી, તમને ના સમજાય અવળું ફર્યું ?

પ્રશ્નકર્તા : સમજાય.

દાદાશ્રી : પછી છોડી દેવાનું આપણે. પછી એના મલમપટ્ટાને જ મારમાર કરવાના. પછી એને લોહી નહીં નીકલે. પણ ફરી એ કો'ક દહાડો કહેશે કે, આવજો. તો આપણે ફરી પાછું જવું ત્યાં.

અને લોહી નીકળ્યું તો સામો વાયદો થઈ જશે.

પ્રશ્નકર્તા : એટલે એવું બને છે. પેલી વ્યક્તિનું ઑપરેશન કરવા જઈએ તો બીજા પચ્ચીસનું પાછળ લોચો પડતો હોય છે.

દાદાશ્રી : હા. તો એવું થઈ ગયું છે. એટલે એવું સાચવીને કામ લઈ લેવું. એને વિવેક કહેવામાં આવે છે. સાચી વસ્તુ પણ વિવેકથી આપવી જોઈએ. એ ધોલ મારીને ના અપાય. સાચી વસ્તુ ખવડાવીએ તો ય ધોલ મારીને ના અપાય. કારણ કે બધાનું વોટીંગ છેને ! ગામડાનું કામ હોય તો ચાલ્યું જાય. એ લોકો હાર્ટીલી, એટલે તમારું ચાલ્યું જાય. બાકી અહીં શહેરમાં ના ચાલે. શહેરમાં કશું ના ફાવે.

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : ત્યાં હાર્ટીલી એટલે બધું ચાલ્યું જાય. એટલે જોઈ લેવું. ક્યાં બગડી જાય છે ? તે તપાસ કરી લેવું, કે આવું ના હોવું જોઈએ.

એની રીત આવડવી જોઈએ !

પ્રશ્નકર્તા : હું આપને એ જ કચાશની વાત કહેવા માંગતો હતો કે જ્યારે કોઈની બિલિફ તૂટે છે, એ વખતે એનો અહમ્ દુભાય છે ?

દાદાશ્રી : એને દુઃખ થાય તો, આપણને બિલિફ તોડતાં ના આવડે, તો તોડાય નહીં.

હું બિલીફ જ તોડી આપું છું ને ? કે ના તમે ચંદુભાઈ ન હોય. ચંદુભાઈ તમે નહીં. એટલે એમ કરતાં કરતાં એની મોટી જબરજસ્ત કેટલા અવતારની બિલીફ, એ તો ફ્રેકચર થવા માંડે. એકઝેક્ટનેસ હોવું જોઈએ. નહીં તો એને બહુ દુઃખ થાય. ભગવાન વિશેની બિલિફ હું તોડું છું. માટે 'ભગવાન નથી' એવું કહું તો માર્યો ગયો. પછી એને સમજાવતાં આવડવું જોઈએ કે કેવી રીતે નથી અને કેવી રીતે છે. એ બધું હોવું જોઈએ. અને કોને માટે ભગવાન છે અને ભગવાન કોને માટે નથી. એવી બધી રીતથી સમજણ પાડું, એના મનને સહેજે પણ દુઃખ ના થાય. આપણું હથિયાર વાગે નહીં. એકુંય, આપણું હથિયાર આપણને વાગે પણ એને ના વાગે એ તારે ખાસ જાણવું જોઈએ.

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : એને ઑપરેશન કહેવાય છે. થોડી થોડી કચાશ હોય તો કાઢી નાખવી ! નવી ક્ષમાપના લઈ લેવી જોઈએ. સામા માણસને કિંચિત્માત્ર દુઃખ ના થવું જોઈએ. એ ધ્યેયપૂર્વકનું જીવન હોય.

દુઃખ કરવા માટે આપણે આવ્યા નથી. કંઈ બને તો સુખ થાઓ, એ આપણો ધ્યેય છે. અગર તો દુઃખ કોઈને ન હોવાં જોઈએ. એટલે અણસમજણથી, આપણી ભૂલથી જ દુઃખ થાય સામાને. એની ભૂલથી થતું હોય તે પણ આપણને ન હોવું જોઈએ. એની ભૂલથી, એટલે એ ભૂલવાળો છે જ ! એને તમે સુધારવા નીકળ્યા છો તો એને દુઃખ કર્યા વગર જ સુધારવો જોઈએ.

જોતાં જ અભાવ આવે ત્યાં...

પ્રશ્નકર્તા : કોઈકવાર અમુક વ્યક્તિને જોઈને, એનું વર્તન જોઈને, અભાવ આવી જાય છે.

દાદાશ્રી : એ તો પહેલાની આપણને આદત ખરીને, એઆદતનો ધક્કો હજુ વાગ્યા કરેને ! પણ આપણું જ્ઞાન એના પર મૂકવું જોઈએને, આદત તો પહેલાંની એટલે આવ્યા કરે. પણ એમ કરતાં કરતાં આપણું જ્ઞાન મૂકીએને, એટલે એમ કરતું કરતું સ્થિર થાય. આદતો પૂરી થવી જ જોઈએને !

પ્રશ્નકર્તા : પ્રશ્શન એ છે કે અમુક માણસોને માટે જ કેમ થતું હશે ? એ તિરસ્કારવૃત્તિ કે એવું જે કંઈ આવે તે ?

દાદાશ્રી : પૂર્વનો હિસાબ હોય, ત્યારે આવેને ?! પણ તે આજે હવે લેવાદેવા નથીને ! આપણે એના શુદ્ધાત્મા જ જોઈએ છીએ. તે દહાડે તો એના બહારના ખોખા ઉપર તિરસ્કાર હતો. પેકિંગ જોડે હિસાબ હતા. આજે હવે તે પેકિંગની જોડે તો લેવાદેવા નથી. એના પેકિંગનું ફળ એને મળે. પહેલાં તો આપણે એમ જ જાણતાં હતાં કે આ જ ચંદુલાલ. એટલે આપણને તિરસ્કાર એવું થતું હતું.

પ્રશ્નકર્તા : એ અભિપ્રાયને આધારે રહેને ?

દાદાશ્રી : એ અભિપ્રાય બધા કરેલા તેના ફળરૂપે આ અભાવ રહ્યા કરે. તેનું આપણે 'પ્રતિક્રમણ' કરીને ફેરવી નાખવું કે સામો તો બહુ સારો છે, તે આપણને પછી સારો દેખાય.

પ્રશ્નકર્તા : અભિપ્રાયનું પ્રતિક્રમણ કરવાનું કે પ્રત્યાખ્યાન કરવાનું ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાનું. કોઈના માટે ખરાબ અભિપ્રાય બેઠેલો હોય તે આપણે સારો બેસાડવાનો કે બહુ સારો છે. જે ખરાબ લાગતો હોય, તેને સારો કહ્યો કે ફેરફાર થયો. એ પાછલા અભિપ્રાયને લીધે આજે ખરાબ દેખાય છે. કોઈ ખરાબ હોતું જ નથી. આપણા મનને જ કહી દેવાનું. અભિપ્રાય મને કરેલા છે. મનની પાસે સિલક છે. અમે જેટલા અભિપ્રાય આપીએ એ ધોઈ નાખીએ.

પ્રશ્નકર્તા : સાધન ક્યું ધોવાનું ?

દાદાશ્રી : પ્રતિક્રમણ. આ અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થયું હોય ને આત્મા-અનાત્માનું ભેદજ્ઞાન થયું હોય, તેને નવું કર્મ ના બંધાય. હા. અભિપ્રાયોનું પ્રતિક્રમણ ના થાય તો સામા પર તેની અસર રહ્યા કરે, તેથી તેનો તમારી પર ભાવ ના આવે. ચોખ્ખા ભાવથી રહે તો એકુંય કર્મ બંધાય નહીં. અને જો પ્રતિક્રમણ કરો તો એ અસરે ય ઊડી જાય. સાતે ગુણી નાખ્યા તેને સાતે ભાગી નાખ્યા એ જ પુરુષાર્થ.

એટલે આપણા મનની છાયા એની ઉપર પડે છે ! અમારા મનની છાયા બધા પર કેવી રીતે પડે છે !! ઘનચક્કર હોય, તો ય ડાહ્યો થઈ જાય. આપણા મનમાં 'ચંદુ' ગમે નહીં, એમ હોય તો ચંદુ આવ્યો એટલે પછી અણગમો ઉત્પન્ન થાય. ને તેનો ફોટો એની ઉપર પડે. એને તરત મહીં ફોટો પડે કે આપણી મહીં શું ચાલી રહ્યું છે ! એ આપણા મહીંનાં પરિણામો સામાને ગૂંચવે ! સામાને પોતાને ખબર ના પડે, પણ એને ગૂંચવે ! એટલે આપણે અભિપ્રાય તોડી નાખવા જોઈએ ! આપણા બધા અભિપ્રાય આપણે ધોઈ નાખવા એટલે આપણે છૂટ્યા. એટલે આપણું મન ફરે.

કેટલાકની વાણી બધી બગડી ગઈ હોય છે, તે પણ અભિપ્રાયને લીધે હોય છે. એટલે અભિપ્રાય જે ભર્યા છે, તેની ભાંજગડ છે. જે અભિપ્રાય નથી રાખ્યો, તેની ભાંજગડ હોતી નથી !

પ્રશ્નકર્તા : પણ અત્યારે ય તિરસ્કાર આવે તો પછી આપણે ગુનેગાર છીએ ?

દાદાશ્રી : ના. ગુનેગાર નથી. જોયું અને જાણ્યું. એટલે બહુ થઈ ગયું. કે આ આવે છે, ત્યારે એના માટે તિરસ્કાર થાય છે. અને આ આવે છે ત્યારે જરા મહીં આનંદ થાય છે.

પ્રશ્નકર્તા : તો પ્રતિક્રમણ કરવું જોઈએ ?

દાદાશ્રી : સામાને દુઃખ થાય તો પ્રતિક્રમણ કરવાનાં. બાકી વિચાર આવે ને જાય. તો એનું પ્રતિક્રમણ ના હોય. એને માટે તો એવું કરવું કે આમ ન હોવું ઘટે. એટલું જ બોલીએ તો બહુ થઈ ગયું. પ્રતિક્રમણ તો ક્યારે કરવું કે કંઈક ગુસ્સો નીકળી ગયો હોય, ને કો'કને વાગ્યું હોય તો આપણે પ્રતિક્રમણ કરવું જોઈએ.

પ્રશ્નકર્તા : પણ મનમાં આવો વિચાર આવ્યો હોય તો પ્રતિક્રમણ નહીં કરવાનું ?

દાદાશ્રી : એ તો એ બધું ચાલે જ. પેસતાં ય સ્પીડી પેસે અને નીકળતાં ય સ્પીડી નીકળે છે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21