ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



પ્રતિક્રમણ

૧૩. વિમુક્તિ આર્તરૌદ્ર ધ્યાન થકી !

આર્તધ્યાન એટલે....

પ્રશ્નકર્તા : આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ક્ષણે ક્ષણે થયાં જ કરતાં હોય છે. તો આર્તધ્યાન કોને કહેવું ને રૌદ્રધ્યાન કોને કહેવું એ જરા સ્પષ્ટીકરણ કરી આપો.

દાદાશ્રી : આર્તધ્યાન છે તે પોતે પોતાને જ. કોઈનેય વચ્ચે લાવે નહીં. કોઈના ઉપર ગોળી વાગે નહીં. એવી રીતે સાચવી અને પોતે પોતાની મેળે દુઃખ વેદયા કરે અને કોકના ઉપર ગોળી છોડી દે એ રૌદ્રધ્યાન.

આર્તધ્યાન તો પોતાને જ્ઞાન ના હોય અને 'હું ચંદુલાલ છું' એમ થઈ જાય, અને મને આમ થાય કે આમ થયું તો શું થઈ જશે ? છોડીઓ તું પૈણાવાનો હતો ? ૨૪ વરસની થાય ત્યારે પૈણાવાની. ૩૦ વરસની થાય ત્યારે, આ પાંચ વર્ષની હોય ત્યારથી ચિંતા કરે, એ આર્તધ્યાન કર્યું કહેવાય. સમજ પડીને ?

પોતાને માટે અવળું વિચારવું, અવળું કરવું, પોતાની ગાડી ચાલશે કે નહીં ચાલે. માંદા થયા ને મરી જવાય તો શું થાય ? એ આર્તધ્યાન કહેવાય.

પ્રશ્નકર્તા : અગ્રશોચના, ભવિષ્યની ચિંતા ?

દાદાશ્રી : અગ્રશોચના, એ બધું આર્તધ્યાન કહેવાય સમજ પડીને ? એ પણ જ્ઞાન ના હોય ત્યારે આર્તધ્યાન કહેવાય. કાલે શું થશે ? ફલાણો કાગળ આવ્યો છે. ઇન્કમટેક્ષવાળો શું કરશે ? ભવિષ્યના વિચાર કરતાં જે ભય લાગે તે વખતે આર્તધ્યાન થયેલું હોય તો જ ભય લાગે. ભવિષ્યના વિચાર કરતાં જો ભય લાગે તો જાણવું કે આર્તધ્યાન થયું છે.

આર્તધ્યાનમાં પોતે પોતાની ઉપાધિ કર્યા કરે. કે આમ થશે તો શું થશે ? આમ થશે તો શું થશે ? એવો ભડકાટ લાગ્યા કરે.

રૌદ્રધ્યાનથી બીજાને અસર !

રૌદ્રધ્યાન તો આપણે બીજાને માટે કલ્પના કરીએ કે આણે મારું નુકસાન કર્યું. એ બધું રૌદ્રધ્યાન કહેવાય.

અને બીજાના નિમિત્તે વિચાર કરે, બીજાને કંઈપણ નુકસાન થાય એવો વિચાર આવ્યો, તો એ રૌદ્રધ્યાન થયું કહેવાય. મનમાં વિચાર આવ્યો કે, કાપડ ખેંચીને આપજો. તેં ખેંચીને આપજો કહ્યું, ત્યારથી જ ઘરાકોના હાથમાં કાપડ ઓછું જશે. એવી કલ્પના કરી અને તેના વધારે પૈસા પોતે પડાવી લેશે, એવી કલ્પના કરી, એ રૌદ્રધ્યાન કહેવાય. બીજાનું નુકસાન કરે એ ધ્યાન. રૌદ્રધ્યાન કહેવાય.

પ્રશ્નકર્તા : રૌદ્રધ્યાનમાં આપણા થકી બીજાને દુઃખ થાય, એટલે રૌદ્રધ્યાન થયુંને ?

દાદાશ્રી : હા. એ દુઃખ થાય કે ના થાય પણ આપણે એમને કહીએ કે આ બધા નાલાયક છે. લુચ્ચા છે, ચોર છે એ બધું રૌદ્રધ્યાન જ કહેવાય.

ખરેખર જગતમાં કોઈ દોષિત છે જ નહીં. દોષિત લાગે છે તે આપણી ગેરસમજણથી લાગે છે.

પ્રશ્નકર્તા : રૌદ્રધ્યાન તો મને થાય છે. એ બીજાની ભૂલ હું જોઉં છું. એમાં બીજાને શું દુઃખ થાય ? હું એને દોષિત ગણું તો એને દુઃખ ક્યાં થાય છે ? સામા માણસને તો એને ખબર પડતી નથી તો એ રૌદ્રધ્યાન કહેવાય કે નહીં ?

દાદાશ્રી : એની અસર પડે, રૌદ્રધ્યાન જ કહેવાય. એને અસર પડે, કેમ પડે નહીં ? એ તો તમને એમ લાગે છે, એને ખબર નથી પડતી. એને અસર તો બધી જગ્યાએ થયા વગર રહે જ નહીં. એને પોતાનેય ખબર ના પડે.

આર્ત-રૌદ્રધ્યાનમાંથી ધર્મધ્યાન !

પ્રશ્નકર્તા : ઘણીવાર એવું બને કે, આપણે આર્તધ્યાનમાં ને રૌદ્રધ્યાનમાં ઊંડા ને ઊંડા ઘૂસતા જઈએ છીએ, અને છતાં આપણે જાણતા નથી, તો એ કેમ જાણી શકાય ?

દાદાશ્રી : એ તો દુઃખ થાય એટલે આર્તધ્યાન થયું એ જ છે ને ! અને રૌદ્રધ્યાનમાં બળતરાનું દુઃખ થાય, વધારે પડતું દુઃખ થાય. એ આર્તધ્યાન-રૌદ્રધ્યાન બધું માણસને દુઃખદાયી છે. એ અશાતાવેદનીય જ છે બધી.

પ્રશ્નકર્તા : એ પણ ક્ષણે-ક્ષણે થયા કરે છે. એમાંથી મુક્ત થવા માટે શું કરવું ?

દાદાશ્રી : એ જોયા કરવું, આપણે કે આ ખરેખર એ કઈ દોષિત છે નહીં, આ તો મારા કર્મના ઉદયે મને દેખાય છે. પણ એ વાત ખરેખર એવું નથી. એટલે એ દોષિત દેખાય તો નિર્દોષ છે. એવું કર્યા કરવું અને પ્રતિક્રમણ કરવાનું.

આપણને કોઈ માણસને માટે ખરાબ વિચાર આવ્યા, એટલે આપણે હિસાબ કાઢવો કે ભઈ, આ મારા જ કર્મના ઉદય છે, એમાં આનો શો દોષ બિચારાનો. એ મારા કર્મનો ઉદય છે. એટલે એ દોષિત દેખાતો બંધ થઈ જાય. અને તો એ ધર્મધ્યાન કહેવાય. અને આ રૌદ્રધ્યાન થવાનું હતું, ત્યાં જ ધર્મધ્યાન થયું. અને તે અંદર બહુ આનંદ આપે. મારા જ કર્મના ઉદયે એ દોષિત દેખાય છે. એ તો નિમિત્ત માત્ર છે. અત્યારે સામો ખરેખર દોષિત હોતો જ નથી. તે નિમિત્ત જ હોય છે.

આપણા જ કષાયો આપણા શત્રુ !

તમારે નિમિત્ત આવે કોઈ દહાડો ?

પ્રશ્નકર્તા : આવે કોઈક વખત.

દાદાશ્રી : હા. એ તો નિમિત્ત જ છે આ. ખરેખર નથી. આ ચોર આપણા ગજવામાંથી રૂપિયા કાપી જાય, તે નિમિત્ત છે. એ ખરેખર ગુનેગાર એ નથી. ખરેખર ગુનેગાર આપણા કષાય છે.

પોતાના દુશ્મનો જ પોતાના કષાય છે. બીજું કોઈ બહાર દુશ્મન છે જ નહીં. અને એ કષાય જ એને મારી રહ્યા છે. એને બહારનો કોઈ મારતો નથી.

પશ્ચાત્તાપ પરિવર્તાવે ધ્યાન !

હવે જબરજસ્ત રૌદ્રધ્યાન કર્યું હોય, પણ પ્રતિક્રમણથી તે આર્તધ્યાન થઈ જાય છે. બે જણાંએ રૌદ્રધ્યાન એક જ પ્રકારનું કર્યું. બે જણે કહ્યું કે ફલાણાને હું મારી નાખીશ. એવું બે જણે મારવાનો ભાવ કર્યો. તે રૌદ્રધ્યાન કહેવાય. પણ એકને ઘેર જઈને પસ્તાવો થયો કે 'બળ્યો મેં આવો ભાવ ક્યાં કર્યો.' એટલે એ આર્તધ્યાનમાં ગયું અને બીજા ભાઈને રૌદ્રધ્યાન રહ્યું.

એટલે પસ્તાવો કરવાથી રૌદ્રધ્યાન પણ આર્તધ્યાન થઈ જાય છે. પસ્તાવો કરવાથી નર્કગતિ અટકીને તિર્યંચગતિ થાય છે. અને વધુ પસ્તાવો કરે તો ધર્મધ્યાન બંધાય. એક વખત પસ્તાવો કરે તો આર્તધ્યાન થાય ને વધુ પસ્તાવો કર કર કર્યા કરે, તો ધર્મધ્યાન થઈ જાય. એટલે ક્રિયા તેની તે જ, પણ ફેરફાર થયાં કરે છે.

રૌદ્રધ્યાન પર પશ્ચાત્તાપનો પૂંઠ દીધો કે ફેરફાર થાય, અને આનંદનો પૂંઠ દીધો કે નહીં, એને મારવો જ જોઈએ. મેં વિચાર કર્યો તે બરોબર હતો.' એવું કહે ત્યારે એ નિગોદ સુધી પહોંચે. ફરી મનુષ્યમાં આવવું ય મુશ્કેલ થઈ જાય. ત્યાં સુધી પેસે એટલે રૌદ્રધ્યાનમાં આનંદ એ નિગોદ સુધી પહોંચી જાય.

એટલે રૌદ્રધ્યાન કરીશ જ નહીં અને રૌદ્રધ્યાન થઈ જાય તો પશ્ચાત્તાપ કરજે. આર્તધ્યાન કરીશ જ નહીં અને આર્તધ્યાન થઈ જાય તો પશ્ચાત્તાપ કરજે.

આર્તધ્યાન થઈ જાય અને 'એ' પશ્ચાત્તાપ કરે તો ભગવાને કહ્યું કે, તારું ધર્મધ્યાન અમે જમે કરીશું. શું ખોટું કહ્યું ભગવાને. ભગવાન કંઈ ડાહ્યા હશે કે ચક્કર હશે ?

પ્રશ્નકર્તા : ભગવાનને ચક્કર કહીને ક્યાં જવું છે ? ભગવાન ડાહ્યા જ છે !!!

પ્રતિક્રમણથી પુદ્ગલ પામે ધર્મધ્યાન

'દાદા' ના નામથી પસ્તાવો કરજો. તો ત્યાં આગળ એનું ધર્મધ્યાન થઈ જશે. જેટલું આવડ્યું તેટલું તો હેંડ્યું ! રૌદ્રધ્યાન થાય તો ય પસ્તાવો કરજો. અને આર્તધ્યાન થાય તો ય પસ્તાવો કરજો. ધર્મધ્યાન તો આવડે એવું નથી આ કાળમાં. માટે આ રૌદ્રધ્યાન અને આર્તધ્યાન પર પસ્તાવો કરીને ધર્મધ્યાન બનાવ્યું એટલું કારખાનું કરી નાખજો. ધર્મધ્યાન માણસને સીધી રીતે નથી આવડે એવું આજ. કારણ કે ભગવાનનાં દર્શન કરે ને, તે ઘડિયે ધ્યાન બહાર જોડામાં હોય. એટલે ભગવાન ખુદ જ કહે છે ને કે, મારાં દર્શન કરે છે. તે ઘડિયે જોડાનાં દર્શન જોડે કરે છે. એટલે ફોટો જોડે લે છે. હું શું કરું તે ?!

એટલે આ કાળમાં ધર્મધ્યાન થઈ શકતું નથી. એટલે આ દાદા શું કહે છે, જેટલાં આર્તધ્યાન થાય તેનો પસ્તાવો કરો, તો ધર્મધ્યાનનું ફળ મળશે. અને ધર્મધ્યાન વગર આ પુદ્ગલ છૂટે એવું નથી. આ પુદ્ગલને શુક્લધ્યાન થાય નહીં કોઈ દહાડો ય !!

એટલે આર્તધ્યાન થાય તેનો વાંધો નથી. પણ ધર્મધ્યાનમાં ફેરવી શકાય છે.

આપણે કહીએ, 'હે ચંદુલાલ, શું કરવા તું આર્તધ્યાન કર્યા કરે છે ? હવે આર્તધ્યાન કર્યું તે, માટે પસ્તાવો કરો ! પ્રતિક્રમણ કરો.' એટલે ધર્મધ્યાન થઈ ગયું.

પ્રશ્નકર્તા : 'આપણે' પોતે છૂટા રહીને પ્રતિક્રમણ કરાવડાવીએ તો એ શું થયું કહેવાય ?

દાદાશ્રી : એવું છે ને, આપણે શુદ્ધાત્મા થયા, પણ આ પુદ્ગલનો છૂટકારો થવો જોઈશે ને ? એટલે જ્યાં સુધી એની પાસે પ્રતિક્રમણ નહીં કરાવો, ત્યાં સુધી છૂટકારો નહીં થાય, એટલે જ્યાં સુધી પુદ્ગલને ધર્મધ્યાનમાં નહીં રાખો ત્યાં સુધી છૂટકારો નહીં થાય. કારણ કે પુદ્ગલને શુક્લધ્યાન થાય નહીં. માટે પુદ્ગલને ધર્મધ્યાનમાં રાખો. એટલે પ્રતિક્રમણ કરાવ, કરાવ કરવાં. જેટલી વખત આર્તધ્યાન થાય, એટલી વખત પ્રતિક્રમણ કરાવવું.

આર્તધ્યાન થવાનું એ પૂર્વની અજ્ઞાનતા છે. એટલે થઈ જાય. તો 'આપણે' એની પાસે પ્રતિક્રમણ કરાવવું.

ન ખસે શુક્લધ્યાન કદી

પ્રશ્નકર્તા : શુક્લધ્યાનમાંથી પતન થઈ આર્તધ્યાન, રૌદ્રધ્યાનમાં અવાય છે, તેથી ત્યાં પ્રતિક્રમણ એને કરવું પડે છે ?

દાદાશ્રી : એ બધી વાત ખરી, પણ વસ્તુસ્થિતિમાં પ્રતિક્રમણ 'પોતાને' કરવાનું નથી. શુક્લધ્યાન ખસતું જ નથી. આ તો સંજોગવશાત્. સંજોગોથી કામ લેવાનું છે. 'પોતે' પ્રતિક્રમણ કરે ત્યારે શુક્લધ્યાન ઊડી જાયને ?!

પ્રશ્નકર્તા : રૌદ્રધ્યાન ને આર્તધ્યાન જે 'ડિસ્ચાર્જ સ્વરૂપમાં થઈ જાય તો તેનું 'ઓન ધી મોમેન્ટ' (તત્ક્ષણ) પાછું પ્રતિક્રમણ કરી લે.

દાદાશ્રી : ચોપડે ઉધાર ના થવું જોઈએ. રૌદ્રધ્યાન ને આર્તધ્યાન ચોપડે ઉધાર ના થવું જોઈએ.

અને તમે તે પદમાં શુક્લધ્યાન ને ધર્મધ્યાન પદમાં, ફક્ત તમારે પ્રતિક્રમણ કરવું પડે એટલું જ. બીજું કશું નહીં ને વધારે. અમારા જેટલા સંસારી લાભો ના પ્રાપ્ત થાય તમને. પણ તમે એવા જ પદમાં બેઠેલા છોને !

રૌદ્રધ્યાન ને એ બધું થઈ જ જાય, સ્વભાવિક રીતે થઈ જાય, પણ એનું પ્રતિક્રમણ તરત હોવું જોઈએ.

અહીં આવ્યો તે ફસાયો ! (?)

આપણે તો કશું કરવાનું નહીંને, તમે તો શુદ્ધાત્મા થઈ ગયા, તમારે ચંદુભાઈને કહેવાનું, પ્રતિક્રમણ કરો. અતિક્રમણ કેમ કર્યું ? શું કહેવાનું આપણે ? 'તમે અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો' આવું કંઈક કોઈને દાન આપ્યું હોય, તેનું પ્રતિક્રમણ આપણે કરવાની જરૂર નથી. કારણ કે અહીં ધર્મધ્યાન સાથેનું છે આ વિજ્ઞાન.

અતિક્રમણનું પ્રતિક્રમણ કરવાનું છે. આ વિજ્ઞાન એકલું શુક્લધ્યાન નથી. મોક્ષે સીધો જઈ શકે એમ નથી, એકાવતારી થઈ શકે એમ છે, કો'ક બે અવતારી, કોઈ ત્રણ અવતારી થઈ શકે એમ છે. કોઈ લોભિયા હોય તો પંદર પૂરા કરે. એ કહેશે, કે ભઈ, હવે ફરી આવવાનો નહીં, એના કરતાં અતિક્રમણ કરી લો ને !

એટલે અમારા ભાગીદાર એવાં હતાં કે, એમને કહેતો હતો કે, તમે પંદર અવતાર પૂરા કરશો ? ત્યારે કહે છે, એવું તમને લાગે છે ? મેં કહ્યું, હા. તમારા લોભ તો આ ફરી અહીં આવવાનું નથી ત્યારે હવે પંદર અવતાર પૂરા કરી જ લો ને ! પણ પંદરથી બહાર ના થાય ને પછી.

બહુ લોભિયા હોય તો, પંદરથી બહાર થાય નહીં ને ! એ તો અટકણમાં આવી ગયો હવે. માટે જો હજુ સંસાર ભોગવવાની, ભૌતિક સુખોની ઇચ્છા જ છે, તે થયા કરતી હોય, અને પાંચ-છ હજાર અવતાર ભોગવવા હોય, તો દાદાને ભેગો ના થઈશ. અને ભેગો થયો તો, જ્ઞાન ના લઈશ. નહીં તો પછી તું નક્કી કરીશ કે મારે હવે છૂટવું છે તો ય નહીં છૂટાય, મોક્ષે જવું જ પડશે. એવો કોઈ મૂર્ખ હોય નહીં. પણ વખતે, હું તો પહેલેથી કહી દઉં, કે ભઈ, ચેતતો રહેજે. પછી તું કહું કે, હવે મને આમાંથી છોડો, આ પંદર ભવમાંથી એ નહીં છૂટાય. કારણ કે, જ્ઞાનીનો સિક્કો છે. કોઈથી ભૂંસી ના શકાય, છેકો ના મારી શકાય.

જ્ઞાની એટલે લાઈસન્સદાર માણસ કહેવાય. આખા વર્લ્ડનું લાયસન્સ હોય એમની પાસે, જ્યાં દેવલોકો બેસે છે, દેવલોકો સાંભળવા આવે એવું આ વિજ્ઞાન છે. આ પરમહંસની સભા કહેવાય. જ્યાં આત્મા ને પરમાત્મા સિવાય બીજી વાત નથી, સંસારસંબંધી વાત નથી, પણ ધર્મધ્યાન સાથેનું છે. આપણું અક્રમ છે ને !!

આત્મજ્ઞાન ત્યાં નહીં આર્ત-રૌદ્રધ્યાન !

આર્તધ્યાન ને રૌદ્રધ્યાન એ તિર્યંચગતિનું ને નર્કગતિનું કારણ છે.

પ્રશ્નકર્તા : આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કરવું જ નથી હોતું. છતાં થઈ જાય છે.

દાદાશ્રી : મારું કહેવાનું છે કે, એ થઈ જાય, તેનો વાંધો નથી આપણને, તમે પ્રતિક્રમણ કરો ને ? અમે એનો વાંધો ઊઠાવ્યો જ નથી. કે કેમ તમે આમ કરો છો ? તમે પ્રતિક્રમણ કરો. એમ કહીએ છીએ. અમે કોઈને કાઢવા માંગતા નથી. આપણા અહીં 'નિગેટિવસેન્સ' (નકારાત્મક) જ નથી, 'પોઝેટિવસેન્સ' (હકારાત્મક) છે. અમે કોઈનું નિકંદન કાઢવા માંગતા નથી. તમે રહો કહીએ અને અમે પ્રતિક્રમણ કરીએ. એટલે એ એની મેળે જતાં રહેશે.

આપણું જ્ઞાન જ એવું છે કે, આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થાય જ નહીં. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થવા જ ના દે એવું છે. અને જે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન દેખાય છે, તે આપણું ધ્યાન નથી, પણ ગૂંગળામણ છે ખાલી. ખરેખર એ ના થાય કોઈ દહાડો ય !! આત્મજ્ઞાન જો છે તો આર્તધ્યાન ને રૌદ્રધ્યાન નથી અને આર્તધ્યાન ને રૌદ્રધ્યાન છે, તો ત્યાં આત્મજ્ઞાન નથી. બે ભાષા જુદી જુદી ના હોય.

દેહમાં ધર્મધ્યાન હોય ને આત્મામાં શુક્લધ્યાન હોય. પણ પેલી ગૂંગળામણ આવે ને મનમાં એમ લાગે કે, આ રૌદ્રધ્યાન ને આર્તધ્યાન થઈ ગયું. બસ એટલા માટે આપણે કહેવાનું કે, અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો !

આત્મજ્ઞાન છે ત્યાં આર્તધ્યાન ને રૌદ્રધ્યાન હોય નહીં. નહીં તો આત્મા પ્રાપ્ત થાય નહીં કોઈ દહાડો ય. હવે તમને જે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થાય છે તે ખાલી ગૂંગળામણ છે. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કોને થાય ? કે જે પેલો જીવતો ઈગોઈઝમ હોય તેને થાય. તે જીવતો ઈગોઈઝમ મેં ખલાસ કરી નાખ્યો. હવે મડદાલ ઈગોઈઝમ રહ્યો. તેને કંઈ આર્તધ્યાન રૌદ્રધ્યાન થાય નહીં. મરેલું કંઈ નવું હાલે-ચાલે નહીં.

એટલે વિગતમાં કશું છે નહીં, સમજો બરાબર. હું શું કહું છું ? સમજો તો આમાં કશું જ નથી.

આ જ્ઞાન જ એવું આપેલું છે કે, ઈટસેલ્ફ (સ્વયં) બધું કામ કર્યા કરે અને પૂરેપૂરું સમજો. વિગતપૂર્વક સમજો. અને છેવટે ના સમજણ પડે તો પ્રતિક્રમણ કર્યા કરો ને, એટલે જેને સમજણ ના પડે, તેને પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે અને સમજે તો તો પોતાને કશું થતું જ નથી, બહાર જ વાગે છે, અને એના મનમાં એમ લાગે છે કે અહીં જ વાગ્યું, ખરેખર વાગે છે બહાર !

પ્રશ્નકર્તા : એટલે આ બધી ભ્રમણા જ છે ?

દાદાશ્રી : ના. ભ્રમણા નથી. આ તો બધું ગૂંગળામણ ઊભી થાય ને ! કર્મના બહુ ડખા હોય ને, તો એવું થાય. અહીં બહુ ધૂળ ઊડાડે તો શું થાય ? આપણને આગળનું ના દેખાય.

પ્રશ્નકર્તા : આવરણો છે ?

દાદાશ્રી : આ તો બધાં મોહનીય કર્મો છે, જે ભરેલાં તે બધાં ઊખડે, તેમ તેમ એ નીકળ્યા કરે.

આપણે હવે કામ કાઢી લો ! પ્રતિક્રમણ કર્યા કરજો. એ એનો ઉપાય અને એ જ એનો ઈલાજ ! તમારે કશું લેવા-દેવા નહીં, એટલે મહાત્માઓને આર્તધ્યાન થાય જ નહીં. આત્માને આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય જ નહીં. આપણા મહાત્માઓને આર્તધ્યાન, રૌદ્રધ્યાન થાય જ નહીં. કારણ કે એ શુદ્ધાત્મા છે, નામરૂપ નથી પોતે.

પ્રશ્નકર્તા : ભૂતકાળમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં જે મુંઝાઈ ગયા હોય, અને પૂર્વે જ્યારે એવાં ને એવાં કામ કરી ચૂક્યાં હોય, તો આજે એનાં પરિણામો ઉદયમાં આવે તો શું કરવું ?

દાદાશ્રી : એ તો એ જ આવે ને ! એ જ આવવાનાં ને. પણ આજે એને જ્ઞાને કરીને છોડીએ. તે દા'ડે જ્ઞાન નહીં એટલે છોડાય નહીં. હવે આપણે જ્ઞાને કરીને છોડી શકીએ. પ્રતિક્રમણ તેને લીધે કરવાનું. તે દા'ડે પ્રતિક્રમણ કર્યા નથી. અપ્રતિક્રમણ દોષ લાગેલો છે. જગત આખું આ દોષને લઈને ઊભું રહ્યું છે. જ્યારે પ્રતિક્રમણ થાય છે, ત્યારથી છૂટકારો થવા માંડે છે.

'જ્ઞાન' પછી કર્મ ક્યારે બંધાય ?

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી, જાણે અજાણે, આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય અને તે જ ક્ષણે મનમાં ખૂબ પસ્તાવો થયા પછી પ્રતિક્રમણ કરવામાં આવે, તો જ્ઞાન લીધા પછી મહાત્માઓને કર્મ બંધાય ખરું ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરે તો ના બંધાય, પ્રતિક્રમણ કરે છે દરેક વખતે ?

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરી લઉં છું તરત.

દાદાશ્રી : અને તું 'ચંદુલાલ' કે 'શુદ્ધાત્મા' છે ?

પ્રશ્નકર્તા : હું તો શુદ્ધાત્મા છું.

દાદાશ્રી : તો તો વાંધો નહીં. પ્રતિક્રમણ કરે એટલે વાંધો નહીં.

પ્રશ્નકર્તા : રૌદ્રધ્યાનનું કંઈ નિમિત્ત બન્યું ને પ્રતિક્રમણ ના થયું તો અને એ ગૂંચવાડામાં રહ્યું. તો એ કર્મ બંધાઈ ગયું ?

દાદાશ્રી : કર્મ તો બંધાય ક્યારે ? કે દર્શન ફરે તો બંધાય. દર્શન ફરે, શ્રદ્ધામાં ડામાડોળ થાય, નહીં તો કર્મ બંધાય નહીં. પ્રતીતિ એની ખસે નહીં, તેને કશું થાય નહીં.

પ્રશ્નકર્તા : એટલે ટાઈમ લિમિટ કોઈ નહીં ? કે આટલા ટાઈમમાં કર્મ બંધાઈ જાય ?

દાદાશ્રી : કર્મ ક્યારે બંધાય ? કે પ્રતીતિ ડામાડોળ થાય, આમ-તેમ થાય, ખાંડ ને મીઠું મિક્સ કરવાથી શું થાય ?

પ્રશ્નકર્તા : ફેરફાર થઈ જાય.

દાદાશ્રી : એટલે પછી બધું કર્મ બંધાય, ખાંડ-ખાંડમાં રહેવા દે. મીઠાને-મીઠામાં રહેવા દે. એટલે પ્રતીતિ બગડવી ના જોઈએ. પ્રતીતિ પર ડાધ ના પડવો જોઈએ.

દ્રવ્ય પરિણામ અને ભાવ પરિણામ

હવે આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાયને ?

પ્રશ્નકર્તા : હવે થતું નથી. દશ દિવસથી બંધ થઈ ગયું છે.

દાદાશ્રી : પછી ક્યારે થશે ?

પ્રશ્નકર્તા : બીજાના દોષ જોશે ત્યારે થશે ?

દાદાશ્રી : દોષ જુએ તો પ્રતિક્રમણ રવું. હવે આપણે કર્તા નથીને, એટલે આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય. અને કોઈના દોષ જોતો હોય એ એનું પહેલાંનું દ્રવ્ય છે, એ ભાવ નથી, ભાવ હોય ત્યારે આર્તધ્યાન-રૌદ્રધ્યાન કહેવાય. આ તો દ્રવ્ય છે, એટલે જેવું મહીં ભર્યું હોય એવું બોલે.

પ્રશ્નકર્તા : બીજાના દોષ જુએ એટલે આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય ?

દાદાશ્રી : હા. તે બીજાના દોષો જોવાનો, મહીં માલ ભરી લાવ્યો હોય, તો એવું જુએ. તો પણ એ પોતે દોષમાં નથી આવતો. એણે પ્રતિક્રમણ કરવું જોઈએ, કે આમ કેમ થાય છે ? એવું ના થવું જોઈએ. બસ એટલું જ એ તો જેવો માલ ભર્યો હોયને, એવું બધું નીકળે. એને આપણે ભરેલો માલ એવું આપણી સાદી ભાષામાં બોલીએ. ને ભગવાને એને દ્રવ્ય કહ્યું, ભરેલો માલ બહાર નીકળે. એવું કહીએ, એટલે તરત સમજણ પડી જાય સામાને. હવે એને શાસ્ત્રીય ભાષામાં દ્રવ્ય પરિણામ છે કહેશે. અને ભાવ-પરિણામ છે એવું કહેશે.

હવે એવું આ બધું ઝીણું આ બધાને શી રીતે આવડે ? ને આ બધાને શીખવાડવા જાય તો ? ઊલટું બીજું વળી ભૂલી જાય. એના કરતાં આપણી ગામડાની ભાષા સારી, તરત સમજણ પડી જાય. આપને સમજાયુંને ? આ ભરેલો માલ છે, તે હવે ખાલી થાય છે.

પ્રશ્નકર્તા : એવું બને છે કે, ધારો કે આપણે કોઈની પાછળ ખરાબ બોલીએ કે આવો છે, તેવો છે, નાલાયક છે અને પછી પોતાની જાતને માનીએ કે, હું બરાબર છું. મારું બધું કરેક્ટ છે. હું જરાયે દોષિત નથી, મારી કોઈ ભૂલ જ નથી, તો એવું આર્તધ્યાન-રૌદ્રધ્યાન અંદર ક્ષણે ક્ષણે થયાં જ કરતાં હોય છે. તો એમાં જાગૃતિ કેવી રીતના રાખવી કે જેથી કરીને આનાથી છૂટું રહેવાય ?

દાદાશ્રી : એ તો થયા જ કરે. ત્યાર પછી આપણે જાણીએ કે, આ જાગૃતિ રહેતી નથી. તો આખા દહાડામાં જે થઈ ગયું હોય તે સાંજે પછી નક્કી કરવું કે, મારે રાતે નવથી અગિયાર સુધી પ્રતિક્રમણ કરવાં.

પ્રશ્નકર્તા : બરાબર છે, પ્રતિક્રમણ એ એનો ઉપાય છે.

દાદાશ્રી : હા. આ બધાં જે રસ્તામાં, પોળમાં મળ્યાં હોય, બીજાં મળ્યાં હોય, એ બધાંના પ્રતિક્રમણ રાતે બેસીને કરો.

પ્રશ્નકર્તા : જેટલાં જેટલાં મળ્યાં હોય.

દાદાશ્રી : ભેગો થયો કે ના થયો, પણ બધાનાં પ્રતિક્રમણ કરો. કલાક, બે કલાક તે ઘડિયે એની એટલી બધી શક્તિ વધશે કે ન પૂછો વાત !! ને આનંદેય પુષ્કળ થશે.

પ્રશ્નકર્તા : સમજી ગયો. એટલે જે છેવટે નિવૃત્તિમાં ય પ્રતિક્રમણ કરી લેવું.

દાદાશ્રી : યાદ કરીને પ્રતિક્રમણ કરો.

એનું નામ ધર્મધ્યાન !

પ્રશ્નકર્તા : આર્તધ્યાનનું પ્રતિક્રમણ કરે તો શેમાં જાય ?

દાદાશ્રી : કશાયમાં જાય નહીં, પ્રતિક્રમણ કરી નાખ્યું, એટલે ડાઘ પડ્યો તે ધોવાય.

પ્રશ્નકર્તા : અને રૌદ્રધ્યાનનું પ્રતિક્રમણ કરે તો ?

દાદાશ્રી : એ તો સામાનું કરવું પડે.

પ્રશ્નકર્તા : પણ હવે આ ચોપડીમાં એવું છાપ્યું છે કે ધર્મધ્યાનમાં જાય.

દાદાશ્રી : હા. એટલે રૌદ્રધ્યાનનું પ્રતિક્રમણ કરે એટલે ધર્મધ્યાનમાં જ જાય તે. કારણ કે રૌદ્રધ્યાન અટકાવ્યું.

પ્રશ્નકર્તા : તો પછી આર્તધ્યાનનું પ્રતિક્રમણ કરે તો શેમાં જાય ?

દાદાશ્રી : એવું નહીં, એવું નહીં લખ્યું. ચોપડીમાં જુદું લખ્યું. રૌદ્રધ્યાનને અટકાવ્યું એનું નામ ધર્મધ્યાન. એવું લખ્યું નથી ?

પ્રશ્નકર્તા : અને આર્તધ્યાનને ?

દાદાશ્રી : રૌદ્રધ્યાન અટકાવે એનું નામ ધર્મધ્યાન અને આર્તધ્યાનને અટકાવે તોય ધર્મધ્યાન. હા. બેઉનું, બન્નેનું.

પ્રશ્નકર્તા : અને પશ્ચાતાપ કરે તો.

દાદાશ્રી : અને પશ્ચાતાપ કરે તો ધોઈ નાખે એનું !!

પ્રશ્નકર્તા : આપ ઘણીવાર સત્સંગમાં એવું કહો છો કે આર્તધ્યાન-રૌદ્રધ્યાન થવાની જગ્યા હોય તો કંટ્રોલ હોય એ ધર્મધ્યાન.

દાદાશ્રી : એ ધર્મધ્યાન કેવી રીતે કંટ્રોલમાં રહે કે, આ મારા જ કર્મનો ઉદય છે. એમાં એ નિમિત્ત છે, એનું એ ધર્મધ્યાન કહેવાય.

પ્રશ્નકર્તા : હા. પણ એ કંટ્રોલમાં રહે તો ને ?!

દાદાશ્રી : હા. ગોળી છૂટી ગઈ તો પ્રતિક્રમણ કરવું પડે.

પ્રશ્નકર્તા : રૌદ્રધ્યાનનાં પ્રતિક્રમણથી સીધું ધર્મધ્યાન થાય ?

દાદાશ્રી : નહીં, એવું નહીં. એવું છેને, યથાર્થ શબ્દ ઉપર છે આ. પ્રતિક્રમણ ને એ બેમાં ફેર. યથાર્થ પ્રતિક્રમણ કરવું, એટલે પોતે શુદ્ધભાવે કરવું.

પ્રશ્નકર્તા : તો પછી થવા જ ના દે.

દાદાશ્રી : એને ધર્મધ્યાનનું પ્રતિક્રમણ થઈ ગયું. આપણે જોઈ લેવું બસ. બીજા કોઈને હસ્તક્ષેપ નથી, એટલું જોઈ લેવું. મારો શબ્દ હોય છે કે નહીં ? એટલું જ તમારે જોઈ લેવાનું. બીજા કોઈની ડખલ છે કે નહીં. એટલું જ જોવાનું. બીજાની ભૂલ જોવાની આપણે જરૂર જ ના હોય, બીજાની ડખલ હોય તે જોઈ લેવું.

પ્રશ્નકર્તા : ભૂલની વાત નથી. એક્ઝેક્ટ (યથાર્થ) જાણવું તો જોઈએને !

દાદાશ્રી : નહીં, એ બધા શબ્દ. એક એક સાચા હોય ! એમાં ફેરફાર કરવાની, આમાં છેકો મારવાની, ભવિષ્યના તીર્થંકરોનેય અધિકાર નથી !!!

'યથાર્થ' પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : છેકો મારવાનું નહીં કહેતો, કારણ કે બે-ત્રણ વાક્યો સાથે આવ્યા ને...

દાદાશ્રી : ના, એ તો એવો કોઈ સંજોગવશાત્ એ આખું પુસ્તક લાવ્યો ત્યારે મારાથી કહેવાય કે કેવા સંજોગોમાં, કેવી વાત થઈ હોય... એની આજુબાજુનું કનેક્શન (સાંધો) જોઈએ. તમે અદ્ધર વાક્ય લો, ને તેનો અર્થ ના થાય બરાબર.

પ્રશ્નકર્તા : નહીં. નહીં. આપણું સમ્યક્ સાધનાનું પુસ્તક છેને, સમ્યક્ સાધના...

દાદાશ્રી : પુરું વાક્ય જે આખું બોલેલું છે. એટલે આમાં તમારે તો એટલું જ જોવાનું કે બીજાની ડખલ છે કે નહીં. ડખલ હોય તો મને કહેવું બીજું. આને તોલવા ના જશો. આનો અર્થ આ થાય કે નહીં. એ સંજોગોના અનુસાર હોય. સમજ પડીને ?

યથાર્થ એટલે જેમ હોવું જોઈએ એવું વાક્ય જ્ઞાની પુરુષ કરી શકે. બીજું કોઈ ના કરી શકે.

પ્રશ્નકર્તા : એ યથાર્થનો ફોડ પાડો.

દાદાશ્રી : યથાર્થ એટલે જેમ હોવું જોઈએ તેવું સંપૂર્ણ. હવે એવું સમજાય નહીંને ? અમુક, અમુક મોટા માણસ આપણામાં થયેલા હોય, તમે જો સમજતાં હો તો કરી શકો એમ છો.

પ્રશ્નકર્તા : અત્યાર સુધી હું એવું સમજતો હતો કે, આપણને આમ કો'કનું ખોટું કરવાનું મનમાં આવેને, તો એ આપણું કામ આપણાથી ના થાય. એને હું ધર્મધ્યાન માનતો હતો. આણે મારું નુકસાન કર્યું. એટલે મને તરત રીએક્શન (પ્રતિક્રિયા) થાય કે, આમનું આમ કરું. તો કહે કે, ભઈ, એ આપણું કામ નહીં.

દાદાશ્રી : હા. તે ધર્મધ્યાન કહેવાય. પણ એ તો ધર્મધ્યાન છે એ જ તો જોવાજેવું કે આર્તધ્યાન-રૌદ્રધ્યાન અટકાવ્યું. એ તો ધર્મધ્યાન રોકડું જ છે. પણ આ યથાર્થ પ્રતિક્રમણ કરવું એ તો બહુ મોટી વાત છે. નહીં તો એ પ્રતિક્રમણ જુદી વાત છે. તમે કહો છો એ પ્રમાણે, પણ યથાર્થ.

પ્રશ્નકર્તા : દાદા, કૉમન લેંગ્વેજ (સામાન્ય ભાષા)માં જતો રહ્યો. ચોપડીમાં છપાયું એટલે.

દાદાશ્રી : હા. પણ સાચો માણસ હોય તેને પહોંચે જ ને ? યથાર્થ કોણ માણસ સમજે ?

પ્રશ્નકર્તા : મેં પછી વિચાર કરીને એવો અર્થ કાઢ્યો હતો કે, યથાર્થ પ્રતિક્રમણ એટલે સહેજ પણ કર્તાભાવ ના હોય.

દાદાશ્રી : ના. એ બિલકુલ હોય નહીં. કર્તાભાવ તો નથી. આ જ્ઞાન લીધા પછી. પણ યથાર્થ એટલે જેમ હોવું ઘટે તેવી રીતે એક્ઝેક્ટલી. યથાર્થનો અર્થ જ એવો થાય. જેમ હોવું ઘટે તેવું.

પ્રશ્નકર્તા : જ્ઞાનીઓને પ્રતિક્રમણ કરવાનું હોય નહીંને ?

દાદાશ્રી : આ અક્રમ વિજ્ઞાનીઓને હોય.

પ્રશ્નકર્તા : ના. પણ યથાર્થ પ્રતિક્રમણ છેને ?

દાદાશ્રી : યથાર્થ તો અમારી જોડે પેલાં રહે છે, એ કરી શકે બધાં. અમુક, અમુક માણસો હજુ આપણા છે જ. બીજાય તે કરી શકે. તમેય કરી શકો એ માણસની જેમ. યથાર્થ તમે સમજતાં ન હો તેનો વાંધો નથી. પણ યથાર્થ તમે કરો ખરા એ હું જાણું છું. યથાર્થનો અર્થ જ બહુ ભારે થાય છે. 'જેમ હોવું જોઈએ તેમ.'

ધ્યાન અંદર શુક્લ ને બહાર ધર્મ

આપણું સાયન્સ શું કહેવા માંગે છે, તે હું તમને કહું, અત્યારે ઉદયમાં જે દોષ નીકળતો હોય, કે ઉદયમાં સારો ભાવ નીકળતો હોય. બે જ જાતના ભાવ નીકળવાના ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો એ ઉદયને જુઓ કે, પોતાના દોષ દેખાય, જે દોષવાળો હોય, તેને દોષ દેખાય અને સારાવાળું ને સારું દેખાય. પણ આપણે આપણા દોષ જ જોવાના. બીજું કશું જોવાનું નથી.

આ પુરુષાર્થથી આવતા ભવમાં ફેર પડે છે. પણ આપણે તો એવું કહેવા માગતા જ નથી. આપણે શું કહીએ છીએ. આપણે તો 'શુદ્ધાત્મા' થયા ને આવતો ભવ જોઈતો નથી. એટલે આપણે શું કહેવા માંગીએ છીએ. આ ઉદય જે છે. તે અમે એનો નિકાલ કરી નાખીએ છીએ, જાણીએ છીએ.

દોષ થયો એ જાણ્યું એનું નામ ધર્મધ્યાન. અને મહીં અંદર શુક્લધ્યાન છે. આ બેઉ, ધર્મધ્યાનને શુક્લધ્યાન હોય ત્યારે એકાવતારી થાય. અને એકલું શુક્લધ્યાન હોય ત્યારે મોક્ષ થાય.

એટલે દોષ થાય, તેને તમારે દોષને વળગવાનું નહીં. આ પાછલાં પુસ્તકો વાંચેલાં. તે તમને એવું લાગે કે આ શું થયું ? આ શું થયું ? આપણે સુટેવો ને કુટેવો બન્નેને સેફસાઈડ કર્યું છે. આપણે શુદ્ધાત્મા છીએ ને સ્વરૂપમાં આપણે આવી ગયા છીએ. હવે જે દોષ છે એ આપણને દેખાય છે. એ આપણને દેખાવા માંડે. બધા દોષો ઝીણામાં-ઝીણા દેખાયા કરશે. પણ દોષને જોવાની દ્રષ્ટિ જેમ ખીલશે. તેમ તેમ એ વધારે ને વધારે દેખાતા જશે.

હવે પ્રતિક્રમણ ના થાય તો ય હું કહું ને વાંધો નથી. પણ ફક્ત એ દોષો જોયા કરો. અને આ વસ્તુ ખોટી છે એવું જાણ્યું. જાણ્યું ત્યારથી જ એ ધર્મધ્યાન કહેવાય. એટલે આ બહારનું ધર્મધ્યાન અને અંદરનું શુક્લધ્યાન આ માર્ગ તદ્દન જુદો છે. ચોખ્ખો માર્ગ છે અને સ્વભાવિક માર્ગ છે.

અત્યારે કંઈથી મૂઆ...

હવે રાત્રે સાત-આઠ જણ આવ્યા. અને ચંદુભાઈ છે કે, એમ કરીને બૂમો પાડે, રાતે સાડા અગિયાર વાગ્યા છે ને, તો તમે શું કહો ? તમારા ગામથી આવ્યા હોય ને, તો એમાં એક-બે ઓળખાણ વાળા હોય અને બીજા બધાં એનાં ઓળખાણવાળા હોય અને દશ-બાર માણસનું આમ ટોળું હોય અને બૂમ પાડે, તો સાડા અગિયાર વાગે શું કહો એ લોકોને ? બારણું ઊઘાડો કે ના ઊઘાડો ?

પ્રશ્નકર્તા : હા. ઊઘાડીએ.

દાદાશ્રી : અને પછી શું કહો, એ લોકોને ? પાછા જાવ એમ કહો ?

પ્રશ્નકર્તા : ના. ના. પાછા જાવ, એમ કેમ કહેવાય ?

દાદાશ્રી : ત્યારે શું કહો ?

પ્રશ્નકર્તા : અંદર બોલાવીએ આપણે. 'આવો અંદર.'

દાદાશ્રી : 'આવો પધારો પધારો.' આપણા સંસ્કાર છેને ? એટલે આવો પધારો કહીએ, બધાને સોફાસેટ ઉપર બેસાડીએ. સોફા ઉપર છોકરું સૂઈ ગયું હોય તો ઝટ ઝટ ઊઠાડી દઈએ અને બાજુમાં ફેંકી દઈએ. સોફા ઉપર બેસાડીએ. પણ મનમાં એમ થાય કે, 'અત્યારે ક્યાંથી મૂઆ આવ્યા આ ?!'

હવે આ આર્તધ્યાન નથી, રૌદ્રધ્યાન છે. સામા માણસની ઉપર આપણે આ ભાવ બગાડીએ, આર્તધ્યાન તો પોતે પોતાની જ પીડા ભોગવવી. આ તો પારકાની ઉપાધિ પોતે કરીને પારકા ઉપર આ 'બ્લેમ' (આરોપ) કર્યો. 'અત્યારે કંઈથી મૂંઆ ?'

હવે તોય પાછા આપણે શું કહીએ ? આપણાં સંસ્કાર તો છોડે નહીંને ?! ધીમે રહીને કહે, 'જરાક... જરાક... જરાક...' અલ્યા પણ શું ? ત્યારે કહે, થોડીક ચા... ત્યારે કહે પેલા એવા હોયને તે કહે. 'ચંદુભાઈ અત્યારે ચા રહેવા દોને, અત્યારે ખીચડી-કઢી કરી નાખોને, બહુ થઈ ગયું.' જો આ તારી બૈરીની ગાડી ચાલી. રસોડામાં શું થઈ જાય ?

હવે અહીં શું કરવાનું છે, ભગવાનની આજ્ઞા, જેને મોક્ષે જવું હોય તેને શું કરવું જોઈએ કે અત્યારે કંઈથી મૂઆ એવો ભાવ આવી જ જાય માણસને. અત્યારે તો આ દુષમકાળનું દબાણ એવું છે, વાતાવરણ એવું છે, એટલે એને આવી જાય. મોટો માણસ હોય તેનેય આવી જાય. સંયમીને ય આવી જાય.

પણ સંયમી ત્યાં આગળ ફેરફાર કરે કે આ રહેવાના જ છે. હવે આને શા હારું તું મહીં આ ચીતરે છે ? બહાર સારું કરું છું અને અંદર ઊંધું ચીતરે છે. એટલે આ ગયા અવતારનું ફળ ભોગવીએ છીએ. આપણે આ સારી રીતે બોલાવીએ કહીએ છીએ અને નવું આવતા અવતારનું બાંધીએ છીએ. આપણે અંદરના હિસાબે અત્યારે કંઈથી મૂઆ એટલે અત્યારના અવળું બાંધીએ છીએ.

એટલે ત્યાં આગળ આપણે ભગવાન પાસે માફી માંગી લઈને કહેવું, કે ભગવાન મારી ભૂલ થઈ ગઈ, આ વાતાવરણના દબાણને લઈને બોલી ગયો પણ આવી મારી ઇચ્છા નથી. એ ભલે રહે. તેનું તમે ભૂંસી નાખોને, એટલે તમારો પુરુષાર્થ કહેવાય.

આવું થાય તો ખરું જ, એ તો મોટામાં મોટા સંયમીઓને થાય. એવો કાળ વિચિત્ર છે આ. પણ તમે જો ભૂંસી નાખો તો તમને એવું ફળ મળશે.

અને સ્ત્રીઓ પણ અંદર ભૂંસી નાખે કે, બળ્યું હવે આજે આ માથા પર હશે, તો એ ખાધા વગર રહેવાના નથી. તો પછી આ આવું શા હારું કરું ? એનાં કરતાં કહીએ આવો, નિરાંતે જમો.

એટલે આપણે આમ ઉપાય કરવો પડે. ઉપાય ના કરીએ અને માથે જે પડ્યા છે તો ચાર દહાડાએ ખસે જ નહીં.

પ્રશ્નકર્તા : અમે તો રાતના જમાડીએ જ નહીં, અમે બધાં ચોવિહાર કરીએ.

દાદાશ્રી : તો તમે શું કહો અહીં. જમવાનું નહીં મળે ?

પ્રશ્નકર્તા : ના પાડી દઈએ.

દાદાશ્રી : ચા માંગે તો ?

પ્રશ્નકર્તા : માંગે તોય ન આપીએ ?

દાદાશ્રી : એમ ?! પછી લોક શું કરે છે ? અમે બહાર જઈને જમાડી આવીએ.

પ્રશ્નકર્તા : બહાર જઈને જમાડ્યા એ એકનું એક જ થયુંને ?

દાદાશ્રી : તો શું કરે ? ભૂખ્યા સુવાડે ? આપણા હિન્દુઓ કોઈને ભૂખ્યા ના સુવાડે. આપણા સંસ્કાર એવા !

એ જે આવ્યા છે એ કર્મના ઉદયથી આવ્યા છે. આપણા કર્મનો ને એના કર્મનો ઉદય ! હવે કર્મના ઉદય જ્યાં સુધી પૂરા ના થાય, ત્યાં સુધી જવાના નથી.

હવે બૈરી શું કહે, ચંદુભાઈને ?! આ તમારા ઓળખાણવાળા ક્યારે જશે ? ત્યારે એ કહે, 'મારા શેના ઓળખાણવાળા ?' એ તો ગમે ત્યાંથી આવ્યા. એટલે પછી ઓળખાણવાળાની વાતો ન કરે.

અત્યારે તો લોકો ડેવલપ (વિકસિત) થયેલા છેને. એટલે બૈરી કહે કે, તમારા ઓળખાણવાળા તો એના પિયરનાાઆવે તો કહે, 'એ તમારા ઓળખાણવાળા ! એટલે એની વઢવાડ કરે. એટલે લોકો લેટ ગો (જવા દો) કરતાં હોય એને.

હવે આમાં મોટું મન કરી નાખ્યું છે લોકોએ. કે ભઈ, આવું કશું ડખોડખલ કરવી નહીં. પણ છેવટે આ રહેવાનો તો છે જ. એટલે આપણે મનમાં એમ માનવું કે, ભલે કર્મના ઉદય છે, ત્યાં સુધી ભલે રહો. મારા ને એમના કર્મના ઉદય પૂરા થશે તો એની મેળે જ જશે. એમ કહીએ એટલે એવા આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ન કરવા. હવે ભલે રહે.

હવે જે વખતે જતાં હોયને, જ્યારે ચાર દહાડા પછી જતાં હોયને, તો આપણે કહીએ, ના આજ તો તમારે રહેવું જ પડશે. તોય એ તમારો હાથ છોડીને તરત નાસી જશે. કારણ કે કર્મના ઉદય છે. એ રહેશે જ નહીં. એની પોતાની મરજીથી નહીં રહેતો. કર્મ રાખે છે. અને જો તમે રાખવા માંગશોને છેલ્લે દહાડે, આજ તો જવાનું નથી. તોય ઝાટકો મારીને જતો રહે.

એટલે કર્મના આધીન છે માટે તમારે શું કરવું કે, આ તમારા આવતા ભવનું ચિતરામણ બગાડશો નહીં. ભાવકર્મથી આવતો ભવ બંધાય છે. માટે આટલું સાચવશો તો બહુ થઈ ગયું.

આર્તધ્યાન ને રૌદ્રધ્યાન સાચવોને તો આવતો ભવ તો સારો આવે બળ્યો ?

મન ના બગડે માટે...

પ્રશ્નકર્તા : આપ શું સલાહ આપો છો ? અમારે ત્યાં તો એવો રિવાજ છે કે બધાં ચોવિહાર કરે તો રાતના આવે તો અમારે જમાડવા કે નહીં ?

દાદાશ્રી : એ તો કહીએ કે એમને જમાડો. એ શેઠ તો મારે માથે દોષ નાખશે કે એમની આજ્ઞાથી જમાડીએ છીએ, તો એનોય વાંધો નહીં. દર અસલ તમારો ગુનો નહીં. આજ્ઞા અમે આપીને, એટલે ગુનો અમારો. પણ જમાડો. એ કહે કે, મને જમાડો તો ભૂખ્યા ના રહેશો.

પ્રશ્નકર્તા : આમાં અતિથિ દેવો ભવ એવું ધર્મમાં આવે છે. એમાં ખરું શું ?

દાદાશ્રી : એ એટલા માટે જ અતિથિદેવો ભવ મૂકેલું. પહેલેથી કે લોકોનાં મન બગડે નહીં, એટલા માટે મૂકેલું. અતિથિ એટલે શું કે, પહેલેથી કાગળ લખ્યા વગર, તિથિ લખ્યા વગર આવે. આપણે જોઈએ ત્યારે ખબર પડે કે, ઓહોહો ચંદુ'શેઠ આવ્યા અત્યારે.

મહીં થાય કે, આ કંઈથી મૂઆ આવ્યા ?! એવો ભાવ ન બગડવા દેવા. ભાવ ન બગડે તો આવતો ભવ સુધરી જાય. ભાવ બગડે તો તરત પ્રતિક્રમણ કરી નાખવું. અને આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરવા જેવાં છે જ નહીં.

જમે કરીને છૂટી જાવ !

બધું કર્મના ઉદયે છે, એ ગાળ ભાંડે તે ય આપણા કર્મના ઉદયે છે. ચંદુભાઈને એક માણસે સો માણસની રૂબરૂમાં ચાર ગાળ ભાંડી ગયો, હવે કર્મના ઉદયે એ ભાંડી ગયો. એટલે આપણે જાણીએ કે, આ મારા કર્મના ઉદયે છે, અને એ નિમિત્ત બન્યો છે. એટલે આપણે મનમાં શું કરવું જોઈએ. એના માટે ભાવ બગાડવો નહીં. પણ એનું સારું થજો. એ મન કર્મમાંથી મુક્ત કર્યો. આ કર્મમાંથી છોડાવ્યોને.

ચાર ગાળો ખાઈને પણ છૂટા થઈ ગયાને, એટલે હલકા થઈ ગયાને, હવે છૂટા થતી વખતે બીજ અવળાં ના પડે એટલું જ જોવાનું.

લોકો ચાર ગાળો ખાય છે ખરાં, પણ બીજ અવળાં નાખે છે. પછી પાંચ ગાળ એને ભાંડે. અલ્યા ચાર તો સહન થતી નથી. પણ પાછા પાંચ ધીર્યા ! આ ચાર જમે કરી દે ને !! તારે જો સહન ના થતી હોય તો પાછી ફરી ધીરે છે શું કરવા ?!

આવી રીતે ભટક-ભટક કર્યા જ કરે છે. વગર કામના ગુનામાં એ આવી જાય છે. કોઈની માટે ભાવ બગાડશો નહીં અને બગડે તો સુધારી લેજો તરત ને તરત. પણ આમાંથી કેમ આપણે કામ કાઢી લેવું. મોક્ષે જવું હોય તો, એ કળા શીખી લો. એ જ્ઞાનીપુરુષ કળા શીખવાડે ! કે આવી રીતે નીકળી જજો.

'એ'નાથી નહીં નવા ભાવ !

દાદાશ્રી : શું કહે છે ? 'અત્યારે મૂઆ ક્યાંથી ?' શું હેલ્પ(મદદ) કરે એને ?

પ્રશ્નકર્તા : ના, કશું હેલ્પ ના કરે. ઊલટું હેરાન કરે.

દાદાશ્રી : ઊલટો એનો આવતો ભવ બગાડ્યો.

પ્રશ્નકર્તા : પણ દાદા, એ જ વખતે પ્રતિક્રમણ ને પસ્તાવો કરે તો મહાત્માએ પ્રતિક્રમણ કર્યું, એટલે ભાવ ફેરવ્યો, તો પણ બીજા નવા ભાવ તો રહ્યા જ ને ? ખરાબ ભાવમાંથી સારા ભાવ કર્યા એટલે ભાવકર્મ પાછું એને તો રહેવાનું જ ને ? જ્યાં સુધી કેવળજ્ઞાન ના થાય ત્યાં સુધી ?!

દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાથી ખરાબમાંથી સારા ભાવ આવે નહીં. પ્રતિક્રમણ તો પેલું ધૂએ છે. ભઈ, આ અતિક્રમણ કર્યું માટે હું પ્રતિક્રમણ કરું છું અને ફરીથી એવું નહીં કરું.

પ્રારબ્ધફળ અને કર્મબંધ

હું છે તે ચંદુલાલ છું ત્યારે કર્મ બંધાય છે. એટલે કર્મ પડી ગયાં, હતાં જ નહીં ને ! એટલે છે તે બધાં પ્રારબ્ધકર્મ રહ્યાં હવે, ખાવ છો, પીવો છો, બધું ય, રાત્રે સૂઈ જાવ છો. એ બધું ય કરો.

પ્રશ્નકર્તા : તો આપે એવું કહેલું કે, દેવતા છે, એ દેવતાને અડીએ તો દઝાવાય તો ખરું ને ? આપણે દેવતાનું જ્ઞાન છે કે, આમાં અહીં દઝાવાય એવું જ્ઞાન છે, છતાં જો અડી જવાય તો દઝાવાય તો ખરું ને ?! તો એ ફળ આપે કે ના આપે ? એ ફળ આપ્યું કહેવાય ને ?

દાદાશ્રી : ના. એ તો પ્રારબ્ધ ફળ કહેવાય. આ અજ્ઞાની માણસ હું જ છું, એ માન્યતાથી કર્મ બંધાય છે. એ માન્યતા છૂટી ગઈ એટલે કર્મબંધ છૂટી ગયું.

પ્રશ્નકર્તા : એટલે દાદા, જ્ઞાનથી વાત બરાબર છે, પણ જ્યારે એ કાર્ય કરતો હોય છે, મનમાં ખરાબ વિચાર આવતો હોય તો પછી પ્રતિક્રમણ કરવું પડે ?

દાદાશ્રી : આપણે નહીં કરવાનું. 'એની' પાસે કરાવડાવાનું. જવાબદારી તો ભૂંસી નાખવી પડે ને ? પ્રતિક્રમણ કરીએ એટલે જવાબદારી ભૂંસી નાખીએ. ચંદુભાઈએ અતિક્રમણ કેમ કર્યું માટે પ્રતિક્રમણ 'કર' કહ્યું. એ જવાબદારી આપણે ભૂંસી નાખવી.

પ્રશ્નકર્તા : અને પ્રતિક્રમણ ના થાય તો જોખમદારી ખરી ?

દાદાશ્રી : એટલું બાકી રહ્યું. ફરી પ્રતિક્રમણ કરવાનું. એના કરતાં પ્રતિક્રમણ કરી નાખવું ઊલટું સારું ને ?! અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કર.' બાકી આ જ્ઞાન મળ્યા પછી પ્રારબ્ધકર્મ એકલું જ ભોગવવાનું રહ્યું.

પ્રશ્નકર્તા : પ્રારબ્ધકર્મ ભોગવતાં, ભોગવતાં અતિક્રમણ થઈ જાય ને પણ...

દાદાશ્રી : પછી પ્રતિક્રમણ કરવાં જ પડે. એની પાસે જ કરાવડાવવાનું અને એની પાસે જ ધોવડાવવાનું.

પ્રશ્નકર્તા : એ ના ધૂએ તો શું થાય ?

દાદાશ્રી : ફરીથી ધોવું પડે.

પ્રશ્નકર્તા : ફરી એટલે કેટલા અવતાર થાય ?

દાદાશ્રી : ફરી એટલે એક-બે અવતાર વધારે થાય. બધી આપણી જ જોખમદારી છે, બીજો કોઈ બહારનો જોખમદાર નથી. 'ચંદુભાઈ'એ ખોટું કર્યું. એટલે 'ચંદુભાઈ'ને આપણે કહીએ, કેમ અતિક્રમણ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો. આપણે એની પાસે જ ધોવડાવી લેવું. કપડું બગાડ્યું, માટે ધોઈ નાખજે.

પ્રશ્નકર્તા : એ મજૂરી પડે એટલે ફરી ના થાય. તો પછી આખો દહાડો ઉપયોગ રહે જ નહીં ને ?

દાદાશ્રી : એ જ ઉપયોગ.

પ્રશ્નકર્તા : એ કયો ઉપયોગ થયો.

દાદાશ્રી : એ જ શુદ્ધ ઉપયોગ.

પ્રશ્નકર્તા : પણ આ અતિક્રમણ કર્યું ને ?

દાદાશ્રી : હા. પણ પ્રતિક્રમણ કરાવીએ એ શુદ્ધ ઉપયોગ.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કે અતિક્રમણ ?

દાદાશ્રી : અતિક્રમણ થાય તેની પર પ્રતિક્રમણ કરાવીએ એ શુદ્ધ ઉપયોગ. અતિક્રમણ કરવા માટે આપણે એને લેવા-દેવા નહીં. અતિક્રમણ ફક્ત જાણ્યું, અને પ્રતિક્રમણ એ શુદ્ધ ઉપયોગ.

પ્રશ્નકર્તા : સામાન્ય એક કલાકની અંદર પાંચ-પચીસ અતિક્રમણ થઈ જાય.

દાદાશ્રી : એ ભેગાં કરીને કરવાં. સામટાં થાય. એ સામટાં પ્રતિક્રમણ કરું છું કહીએ.

પ્રશ્નકર્તા : તો કેવી રીતે કરવું ? શું કહેવું ?

દાદાશ્રી : આ બધાં બહુ થયાં એટલે આ બધાનાં સામટા પ્રતિક્રમણ કરું છું. વિષય બોલવા કે આ વિષય પર આ બોલવા અને સમટા પ્રતિક્રમણ કરું છું. એટલે ઉકેલ આવી ગયો, અને છતાં બાકી રહ્યું તો એ ધોઈ નાખીશું. આગળ ધોવાશે. પણ એની પર બેસી ના રહેવું. બેસી રહીએ તો બધાં આખું ય રહી જાય. ગુંચવાડામાં પડવાની જરૂર નથી.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21