ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



પ્રતિક્રમણ

૧૭. વારણ, 'મૂળ' કારણ અભિપ્રાયનું...

એક અવતારનાં જ પ્રતિક્રમણો !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાનાં જે કહ્યાં છે, તે ડગલે ને પગલે, રાતદિન, નિરંતર પ્રતિક્રમણ કરે, તો એક અવતારના દોષોનાં જ પ્રતિક્રમણ કરવાનાં છેને ?

દાદાશ્રી : પ્રતિક્રમણ એટલે શું ? કે આપણો અભિપ્રાય ન હોવો જોઈએ. પ્રતિક્રમણ એટલે અભિપ્રાય આપણો 'ચેન્જ' (બદલાયો) છે. આપણો અભિપ્રાય હતો. કે આ બરોબર છે, એ બરોબરપણું છોડવા માટે પ્રતિક્રમણ કરવાનું છે કે અમે આની માફી માગીએ છીએ. ને હવે ફરી નહીં કરીએ. એટલે પ્રતિક્રમણ, અભિપ્રાય છોડવા માટે જ છે ખાલી !

પ્રશ્નકર્તા : પણ તમે મળ્યા ત્યારથી અભિપ્રાય તો છૂટ્યા જ હોય છે.

દાદાશ્રી : એ બરોબર છે, પણ તોય છે તે પ્રતિક્રમણ કરવું જોઈએ.

પ્રશ્નકર્તા : કોઈ પૂર્વગ્રહ અથવા તો અભિપ્રાય બહુ કઠણ હોય તેને વારંવાર પ્રતિક્રમણ કરવાથી ધોવાઈ જાય ?

દાદાશ્રી : હા, ધોવાઈ જાય.

પ્રશ્નકર્તા : એ જેટલીવાર અભિપ્રાય કે પૂર્વગ્રહ ઊભો થતો હોય એટલીવાર એનું પ્રતિક્રમણ કર્યા કરવું ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કર કર કરે ને એટલે ધોવાઈ જાય બધું. પૂર્વગ્રહ કેમ થાય છછ ? ત્યારે કહે, 'એને જ ચોપડ ચોપડ કર્યું' અતિક્રમણ કર, કર કર્યા. એટલે પ્રતિક્રમણ કરે એટલે ધોવાઈ જાય. અતિક્રમણ કર્યું એને ચોપડ ચોપડ એને જ કર્યું તે પૂર્વગ્રહ ઊભો થઈ જાય. આટલાં બધાં માણસો છે ને અહીં ક્યાંથી આ જ જડ્યો ?

ચોરને ક્ષમા આપો, પણ સંગ ન રખાય !

આપણા ગુસ્સાથી સામાને દુઃખ થયું હોય કે સામાને કંઈ પણ નુકસાન થયું હોય, ત્યારે આપણે ચંદુલાલને કહેવું કે, 'હે ચંદુલાલ પ્રતિક્રમણ કરી લો, માફી માગી લો. સામો માણસ જો પાંસરો ના હોય, ને એને આપણે પગે લાગીએ ત્યારે એ ઉપરથી આપણને ટપલી મારે કે જુઓ હવે ઠેકાણે આવ્યું !! મોટા ઠેકાણે લાવનાર આ લોક ! આવા લોકની જોડે ઓછી ભાંજગડ કરી નાખવી. પણ એનો ગુનો તો માફ કરી દેવો જ જોઈએ. એ ગમે તેવા સારા ભાવથી કે ખરાબ ભાવથી તમારી પાસે આવ્યો હોય, પણ એની જોડે કેવું રાખવું એ તમારે જોવાનું. સામાની પ્રકૃતિ વાંકી હોય તો એ વાંકી પ્રકૃતિ જોડે માથાકૂટ નહીં કરવી જોઈએ. પ્રકૃતિનો જ જો એ ચોર હોય, આપણે દશ વર્ષથી એની ચોરી જોતા હોઈએ ને એ આપણને આવીને પગે લાગી જાય તો આપણે એના ઉપર શું વિશ્વાસ મૂકવો ? વિશ્વાસ ના મૂકાય. ચોરી કરે તેને માફી આપણે આપી દઈએ કે તું જા હવે તું છૂટ્યો. અમને તારા માટે મનમાં કંઈ નહીં રહે. પણ એના ઉપર વિશ્વાસ ના મૂકાય અને એનો પછી સંગેય ના રખાય. છતાં સંગ રાખ્યો ને પછી વિશ્વાસ ન મૂકો તો તે પણ ગુનો છે. ખરી રીતે સંગ રાખવો નહીં ને રાખો તો એના માટે પૂર્વગ્રહ રહેવો ના જોઈએ. જે બને તે ખરું એમ રાખવું.

અમોધ શસ્ત્ર અભિપ્રાયો સામે !

પ્રશ્નકર્તા : છતાં અવળો અભિપ્રાય બંધાઈ જાય તો શું કરવું ?

દાદાશ્રી : બંધાઈ જાય તો માફી માંગવાની. જેના માટે અવળો અભિપ્રાય બંધાઈ ગયો એના એ જ માણસની માફી માંગવાની.

પ્રશ્નકર્તા : સારો અભિપ્રાય આપવો કે નહીં ?

દાદાશ્રી : કોઈ અભિપ્રાય જ આપવો નહીં. અને એ અપાઈ જાયને, તે પછી ભૂંસી નાખવું આપણે. ભૂંસી નાખવાનું સાધન છે, અમોઘ શસ્ત્ર છે, તમારી પાસે. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનનું 'અમોઘ શસ્ત્ર'.

પ્રશ્નકર્તા : જ્યાં આગળ આપણને રાગ-દ્વેષ ના હોય, કંઈ સ્વાર્થ ના હોય, કોઈ વ્યક્તિને સ્પર્શતું ના હોય, એવું બિનઅંગત અભિપ્રાય આવ્યા હોય એનું પ્રતિક્રમણ કરવાની જરૂર ખરી ?

દાદાશ્રી : બિનઅંગત અભિપ્રાય આપવાની જરૂર જ નહીં. અને આપવા હોય તો પછી પ્રતિક્રમણ કરવું પડે. એ અંગત હો કે બિનઅંગત હો, તમને અભિપ્રાય આપવાનો કોઈને રાઈટ (અધિકાર) જ નથી હાથમાં. એ પોતાનો સ્વચ્છંદ છે એટલે એમાં આપણે પોતાની મેળે જરાક ભૂંસી નાખવો જોઈએ.

પ્રશ્નકર્તા : દાખલા તરીકે હિટલરે સમાજનું બહુ અહિત કર્યું એવો આપણો અભિપ્રાય આપીએ તો એમાં તો ક્યાં કશું.... ?

દાદાશ્રી : આપણે હાથ જ ના ઘાલવો જોઈએ. લેવાદેવા વગરનો હાથ ઘાલવો નહીં. હિટલર જોડે આપણને લેવા ય નહીં ને દેવાય નહીં. અને છતાંય બોલી જવાય એ વ્યવસ્થિત. તો પછી એને આપણે ધોઈ નાખવાનું. શબ્દ તો બોલી જવાય. એ તો અમેય બોલીએ કે ભઈ, રોટલી સરસ છે, કેરી સારી છે. એવું બોલીએ પણ ધોઈ નાખીએ પછી. અમે કોઈ કારણસર કો'કને હેલ્પ કરીએ માટે કહીએ કે સારું બનાવ્યું છે. તો પછી ધોઈ નાખીએ અમે. જેટલો અભિપ્રાય આપ્યો ને તરત ધોઈ નાખીએ. ધોવાનું સાધન આવી ગયુંને !

પ્રશ્નકર્તા : એ કયું સાધન ધોવાનું ?

દાદાશ્રી : પ્રતિક્રમણ.

પ્રતિક્રમણથી પલટાય અભિપ્રાય !

તમે સામાના જેટલા ગુણ જુઓ અને આપણો એના પર અભિપ્રાય બેઠો કે આ ગુણ તો ઉત્તમ છે. એટલે પોતાનામાં એ ગુણો ઉત્પન્ન થાય. અભિપ્રાય ફરવો જોઈએ. સામાનો દોષ કાઢીએ કે તરત આપણામાં દોષ ઊભો થઈ જાય.

પ્રશ્નકર્તા : કોઈનામાં ભૂલચૂકથી ય દોષ જોવાઈ જાય કે તરત જ પ્રતિક્રમણ કરી નાખવું. પછી માથાકૂટ નહીં.

દાદાશ્રી : હા, પ્રતિક્રમણ કરી નાખવું. એના જેવો ઉપાય જ નહીં એકુંય !

આપણને આ ચંદુભાઈ માટે ખરાબ વિચાર આવતો હોય તો તમારા મોઢા પર તેની અસર રહે. તે ચંદુભાઈ એ ભાવો વાંચી જાય. તો એના માટે શું કરવું કે ચંદુભાઈ મારા બહુ ઉપકારી છે, ઉપકારી છે એમ કહેવું.

આમ ગાઢ અભિપ્રાય કઢાય !

પ્રશ્નકર્તા : ગાઢ અભિપ્રાય કાઢવા કેવી રીતે ?

દાદાશ્રી : જ્યારથી નક્કી કર્યું કે કાઢવા છે ત્યારથી એ નીકળવા માંડે. બહુ ગાઢ હોય તેને રોજ બબ્બે કલાક ખોદીએ તો એ ખલાસ થાય. આત્મા પ્રાપ્ત થયા પછી, પુરુષાર્થ ધર્મ પ્રાપ્ત થયો કહેવાય અને પુરુષાર્થ ધર્મ પરાક્રમ સુધી પહોંચી શકે, જે ગમે તેવી અટકણને ઉખાડી ફેંકી શકે. પણ એકવાર જાણવું પડે કે આ કારણથી આ ઊભું થયું છે, પછી એનાં પ્રતિક્રમણ કરવાં.

તમે ઓપીનિયન (અભિપ્રાય) આપો છો હવે ?

પ્રશ્નકર્તા : ના, બિલકુલ નહીં હવે.

દાદાશ્રી : તો બસ, નિવેડો આવી ગયો.

ચેતો અભિપ્રાય સામે !

અભિપ્રાય ના બંધાય એટલું જરા જોવું. મોટામાં મોટું સાચવવાનું છે અભિપ્રાયનું. બીજું કશું વાંધો નથી. કોઈકનું જોતા પહેલાં જ અભિપ્રાય બંધાય, આ સંસાર જાગૃતિ એટલી બધી કે અભિપ્રાય બંધાઈ જાય. એટલે અભિપ્રાય બંધાઈ જાય કે આપણે છોડી નાખવો. અભિપ્રાય માટે બહુ સાવચેત રહેવાની જરૂર છે. એટલે અભિપ્રાય બંધાશે તો ખરા, પણ બંધાય તો આપણે તરત છોડી નાખવો. અભિપ્રાય બાંધ્યા કરવાની, અમુક ટાઈમ સુધી બાંધ બાંધ જ કરશે, પણ આપણે એને છોડ છોડ કરવાં. અભિપ્રાય બંધાયા તેની તો આ બધી ભાંજગડ થઈ છે.

અમારે અભિપ્રાય બંધાયેલો હોય ને કે, આ ભાઈ એટલે આવા છે, એટલે એ ભાઈ અહીં આવે ત્યારે અમારું મન એ ફેરફારવાળું દેખે, અમારામાં એને સમતા ના દેખાય, તો મને જોતાં પહેલાં એ સમજી જાય કે દાદાનામાં કંઈ ફેર લાગે છે. એટલે અભિપ્રાયની બધી આવી અસરો થાય. અને અભિપ્રાય છોડી દીધો કે કશું નથી. અમારે કોઈની ઉપર અભિપ્રાય નહીં એટલે અમને નિરંતર સમતા રહે. પ્રકૃતિ છે એટલે અભિપ્રાય બંધાઈ તો જવાના, નિરંતર બંધાયા કરવાના. પણ બંધાય પછી આપણે બેઠાં બેઠાં અભિપ્રાય છોડ છોડ કરવાના.

પ્રશ્નકર્તા : અભિપ્રાય બંધાય, તે છોડવું કેવી રીતે ?

દાદાશ્રી : અભિપ્રાય છોડવા માટે આપણે શું કરવું પડે કે 'આ ભાઈ માટે મને આવો અભિપ્રાય બંધાયો, ખોટો છે, આપણાથી આવું કેમ બંધાય ?' એવું કહીએ તે, અભિપ્રાય છૂટી જાય. આપણે જાહેર કરીએ કે 'આ અભિપ્રાય ખોટો છે, આ ભાઈ માટે આવો અભિપ્રાય બંધાતો હશે ? આ તે તમે કેવું કરો છો ?' એટલે એને એ અભિપ્રાયને ખોટો કહ્યો, એટલે એ છૂટી જાય.

ગુણાકાર થતાં જ કરો ભાગાકાર !

એવું છે, કે કોઈ રકમને સાતે ગુણી હોય તે સાતે જ ભાગવી પડે તો તેની તે જ રકમ થઈ જાય. આપણે રકમ તેની તે જ રાખવી છે ને ? આપણે જાણીએ છીએ કે આ કઈ રકમે ગુણાઈ ગયું છે, તેટલી રકમે આપણે ભાગવું. આપણને ખબર પડે કે અહીં આગળ તો બહુ ભારે રકમથી ગુણાકાર થઈ ગયો છે, તો આપણે ભારે રકમથી ભાગી નાખવું, એટલે ગુણાકાર તો થયા જ કરે, પણ ભાગાકારનું આપણી પાસે હથિયાર છે. આપણે પુરુષ થયા છીએ, અને પુરુષાર્થ આપણો ધર્મ છે ! સામો પેલો દેખાયો ને કે અભિપ્રાય તો અપાયા વગર રહેવાનું નથી, એટલે અભિપ્રાય બંધાઈ જાય તો તરત ‘આ તો ખરાબ કહેવાય, આવું શેને માટે ?’ એટલે એવી રીતે આપણે ભાગી નાખો કે છૂટું થઈ ગયું. બાકી, અભિપ્રાય તો બંધાઈ જ જવાના. અને અભિપ્રાય બંધાઈ જાય એટલે એ ફળ આપે, એનું ફળ આપીને જ જાય.

પ્રશ્નકર્તા : એનું ફળ આપીને જાય એટલે વેદના આપીને જાય ?

દાદાશ્રી : ફળ આપે એટલે શું, કે તમે કોઈને માટે અભિપ્રાય બાંધોને તો પેલાનાં મન પર આવી અસર કુદરતી રીતે જ થયાં કરે છે. એટલે પેલાય સમજી જાય કે આમને મારે માટે આવું છે. પણ જો આપણે એ અભિપ્રાય ભાગી નાખીએ તો પછી પોતાના મન પર એની અસર ના થાય. અભિપ્રાય પડ્યો કે તરત ને તરત સાતે ભાગી નાખીએ તો ત્યાં અસર પડતાં પહેલાં ભાગી જાય. નહીં તો કોઈ પણ વસ્તુ નકામી જતી નથી અને તેની અસર આવ્યા વગર રહેતી જ ના હોય. અમે જાણીએ કે આ તો આવું જ હોય. કળિયુગમાં સાસુ આવી જ હોય, એવું વહુ જાણતી હોયને ? કે ના જાણતી હોય ? એટલે એમાં શું અભિપ્રાય બાંધવાનો ? કળિયુગ છે એટલે આવું જ હોય.

એવું છે, ગમતી વસ્તુ ભેગી થાય એનું નામ પુણ્યૈ અને ના ગમતી વસ્તુ ભેગી થાય એનું નામ પાપ ! એટલે પાપના ઉદય હોય ત્યારે આપણને ના ગમતી વસ્તુ ભેગી થઈ જાય, ના ગમતા સંયોગો મળતા આવે, એમાં ઉદય કોનો ? પાપનો. હવે એ કડવાશ આપે, પણ લાબું ના ચાલે પણ જો એમાં સાસુ માટે અભિપ્રાય બંધાયો તો પેલાં ઉપર એની અસર થાય ને લાંબુ ચાલ્યા કરે. માટે કોઈના માટે અભિપ્રાય તો બાંધવો જ નહીં. કારણ કે એ આત્મા જ છે, તો પછી એને માટે અભિપ્રાય બંધાય જ કેમ ? એ આત્મા જ છે, માટે બહારનું કશું જોશો જ નહીં.

છૂટવાનું વસ્તુથી નહીં, અભિપ્રાયથી !

પ્રશ્નકર્તા : સમજણમાં તો બધું બહુય છે, પણ એ પ્રમાણે નથી થતું એનું શું ?

દાદાશ્રી : એ ના થાય એનો વાંધો નથી. સમજણની જ જરૂર છે. સમજણ એટલે અભિપ્રાય જુદો થયો ત્યાંથી એ છૂટ્યો એનાથી. કોઈ પણ ખરાબ કાર્ય ચંદુભાઈ કરતા હોય અને એ કહે કે મારે આ કામ નથી જોઈતું, કરવું નથી અને ત્યાંથી અભિપ્રાય જુદો થયો. ને એ અભિપ્રાય કાયમ રહે તો એ છૂટો જ પડે. અભિપ્રાયથી જ મુક્ત કરવાનું છે. વસ્તુથી મુક્ત કરવાનું નથી. વસ્તુ તો એની મેળે મુક્ત થયું ત્યારે ખરું. પણ એને નિરાધાર બનાવી દેવાનું છે. એટલે અભિપ્રાયથી મુક્ત થવાનું છે. એથી આપણે પ્રતિક્રમણનું સૂત્ર મૂક્યુંને, પ્રતિક્રમણ એટલે અભિપ્રાયથી મુક્ત થઈ ગયો. એનું સચોટ કરે, પ્રતિક્રમણ કરે, એટલે અભિપ્રાયથી મુક્ત થયો અને હવે પસ્તાવો ય કરું છું !

પ્રતિક્રમણ ના કરો તો તમારો અભિપ્રાય રહ્યો, માટે તમે બંધનમાં આવ્યા. જે દોષ થયો તેમાં તમારો અભિપ્રાય રહ્યો. આ પ્રતિક્રમણ કરો એટલે પેલો અભિપ્રાય તૂટી ગયો. અભિપ્રાયોથી મન ઊભું થયેલું છે. જો મને કોઈ પણ માણસ ઉપર સહેજે મારો અભિપ્રાય નથી. કારણ કે એક જ ફેરો જોઈ લીધા પછી બીજો અભિપ્રાય હું બદલતો નથી. કોઈ માણસ સંજોગાનુસાર ચોરી કરે અને હું જાતે જોઉં તોય એને ચોર હું હું નહીં. કારણ કે સંજોગાનુસાર છે. જગતના લોકો શું કહે છે કે જે પકડાયો એને ચોર કહે છે. સંજોગાનુસાર હતો કે કેમ, કે કાયમ ચોર હતો, એવું જગતનાં લોકોને કંઈ પડેલી નથી. હું તો કાયમ ચોરને ચોર કહું છું. અને સંજોગાનુસારને ચોર હું કહેતો નથી. એટલે હું તો એક અભિપ્રાય બાંધ્યા પછી બીજો અભિપ્રાય જ બદલતો નથી. કોઈપણ માણસનો મેં અત્યાર સુધી બદલ્યો નથી.

'એનાથી' તૂટે સહમતતા !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ તો, અભિપ્રાય ઊભા થાય છે એનાં જ કર કર કરવાં પડે છે ને, હવે ?

દાદાશ્રી : એ અભિપ્રાય ઊભો થયો એ પહેલાંના હિસાબથી થયો છે. હવે પ્રતિક્રમણ કરીએ તો ફરી અમે અભિપ્રાય બાંધતા નથી. એવું આમાં, આ વાતમાં અમે સહમત નથી, તે વખતે છૂટયો. પહેલાનો બંધાયેલો અભિપ્રાય આ વખતે છૂટ્યો. અને એવું સમજાય એટલે કશું ડખલ રહે નહીં. તમારે ભૂલનું પ્રોટેક્શન (રક્ષણ) થતું હોય તે સુધારી લેવાનું. હા, બીજું કશું છે નહીં. ભૂલ થઈ, કોઈકને નુકશાન થાય એવું થયું. તો પ્રતિક્રમણ કરી લીધું એટલે થઈ ગયું. નિવેડો આવ્યો.

પ્રતિક્રમણનો અર્થ શું કહેવાય છે ? આ જે ભૂલ થઈ રહી છે એમાં હું સહમત નથી. એ પ્રતિક્રમણ ઈટસેલ્ફ પ્રુવ (જાતે જ સાબિત) કરે છે આ, કે એમાં હું સહમત નથી. પહેલાં એ દોષમાં સહમત હતો કે આવું જ કરવું જોઈએ. હવે એમાં સહમત નથી. અભિપ્રાય ફર્યા એટલે થઈ રહ્યું. આ જગત અભિપ્રાયથી ઊભું રહ્યું છે.

ખ્યાલ તો ખપે તુર્ત જ !

તારે તો બધું સહમત થઈને ચાલે છેને ? સહમત સાથે ચાલું છું ?

પ્રશ્નકર્તા : આજનો અભિપ્રાય જુદો પડી જાય.

દાદાશ્રી : આજનો અભિપ્રાય ક્યાં જુદો પડે છે ! ત્યાં આગળ પેલા ભાઈ બાઝ્યા'તાને !

પ્રશ્નકર્તા : પછી પાછળથી અભિપ્રાય જુદો પડ્યો.

દાદાશ્રી : પણ કેટલા વખત પછી ! છ-આઠ મહીના સુધી અજાગૃતિ ! જાગૃતિ એક કલાક-બે કલાકમાં આવી જવી જોઈએ. પણ માલ એવો કચરો ભરેલો છે. મારું કહેવાનું કે કેટલો બધો કચરો ભરેલો છે !! તને નથી લાગતું એવું ?

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : કેટલા કલાકમાં ખ્યાલ આવવો જોઈએ ? કે આ ખોટું છે.

પ્રશ્નકર્તા : બે કલાકમાં !

દાદાશ્રી : બે કલાક-ચાર કલાક કે બાર કલાકે ય પણ ખ્યાલ આવવો જોઈએ કે આ ખોટું થયું અને તે અમે તમને બોલીએ તો ય પણ તમને ખ્યાલ ના આવે, હજુય કેટલીક બાબતમાં થાય છે પણ તમને ખબર ના પડે. મને ખબર પડી જાય કે આ વાંકા ચાલ્યા, ્મને ખબર પડે કે ના પડે ?

પ્રશ્નકર્તા : પડેને.

દાદાશ્રી : છતાં ચાલવા દઈએ. પણ પાછું અમો જાણીએ કે હમણે રાગે આવી જશેને.

હિંસકભાવનો ખપે સંપૂર્ણ અભાવ !

ને આ સંસાર તો વધારે સમજવા જેવો છે, અમે બોલીએ છીએ ને, જોડે જોડે આ અભિપ્રાય બેઉ જુદેજુદા રહે છે. બન્ને ય અભિપ્રાય સાથે જ ચાલે છે.

આપણે હિંસક ભાવ તો હોવો જ ના જોઈએ. એક માણસ આપણને મારી નાખે તો ય એ ખોટો છે, એવું ના હોય. હિંસકભાવ ના હોવો જોઈએ.

પ્રશ્નકર્તા : એ ખોટો છે એમ હોવું જ ના જોઈએ.

દાદાશ્રી : એ મારી નાખતો હોય તો ય આપણને આણે મારી હિંસા કરી છે એમ ના કહેવાય. એ કરનાર મારા ઉદયકર્મનું અને એના ઉદયકર્મનું, બન્નેનું સામસામે ઉદયકર્મ લડે છે આ, હું જાણનાર છું, એ ય જાણનાર છે. ભલે એ ના હોય, એણે દારૂ પીધો હોય, તો ય મારે લેવા-દેવા નથી. પણ હું તો જાણનાર છું.

પુદ્ગલ પરમાણુઓ શું કહે છે ?

પ્રતિક્રમણ કરવાનું કહીએ છીએ. બાકી જરૂર નથી. બહુ જાગૃત હોય તેને પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. પણ જેને જાગૃતિ જરા ઓછી છે તેને પ્રતિક્રમણ કરવાનાં કહીએ છીએ.

પ્રશ્નકર્તા : જાગૃતિ ઓછી હોય તો પ્રતિક્રમણ કરવું જ પડે.

દાદાશ્રી : હા, એટલે અભિપ્રાય ફેરવવા માટે કે 'આ અભિપ્રાય મારો નથી.' અમે આ અભિપ્રાય નથી. અભિપ્રાયથી બંધાયા હતા. હવે એ અભિપ્રાય અમે છોડી દીધો. એના વિરુદ્ધ આપણે અભિપ્રાય ધરાવીએ છીએ. કોઈને ગાળ દેવી, કોઈને દુઃખ દેવું એ અભિપ્રાય અમારો નથી. ગુસ્સો કર્યો તે અમારો અભિપ્રાય હવે અમારો નથી. એટલે આપણે એને શુદ્ધ કરીને પરમાણુ કાઢ્યા. શુદ્ધ કર્યું એટલે પરમાણુ પછી વિશ્રસા થઈ જાય છે. સંવર રહે છે, બંધ થતો નથી, ને વિશ્રસા થાય છે. જો કે વિશ્રસા તો જીવ માત્રને થાય છે, પણ એમને બંધ પાડી ને વિશ્રસા થાય છે. જ્યારે અહીં બંધ પડ્યા સિવાય વિશ્રસા થાય છે.

આપણે શુદ્ધ થયા, અને ચંદુભાઈને શુદ્ધ કરવો એ આપણી ફરજ. એ પુદ્ગલ શું કહે છે ? કે ભઈ, અમે ચોખ્ખા જ હતા. તમે અમને બગાડ્યા, ભાવ કરીને, અને આ સ્થિતિએ અમને બગાડ્યા. નહીં તો અમારામાં લોહી, પરુ, હાડકાં કશું જ નહોતું. અમે ચોખ્ખા હતા. તમે અમને બગાડ્યા. માટે અમને તમારે જો મુક્તિમાં રાખવું હોય, મોક્ષે જવું હોય તો તમે એકલા જ શુદ્ધ થઈ ગયા એટલે દહાડો વળશે નહીં. અમને શુદ્ધ કરશો તો જ તમારો છૂટકારો થશે. તમને સમજ પડીને ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : એટલે આપણે શું આજ્ઞા કરી ? કે આ સમભાવે નિકાલ કરવો. હા, અને શુદ્ધ જ જુઓ. અને છે તે કોઈને ના ગમે એવું હોય, એવું મહીંથી થઈ ગયું હોય, ચંદુભાઈ થકી, તો એણે અતિક્રમણ કર્યું હોય તો પ્રતિક્રમણ કરો. એટલે એના અભિપ્રાયની વિરુદ્ધ છીએ, એવું કહેવા માગીએ છીએ. અભિપ્રાય અમે ફેરવ્યો. પહેલાંના અભિપ્રાયમાં અમે નથી હવે. અભિપ્રાય ફર્યો કે એ ચોખ્ખા થઈ ગયા. અભિપ્રાય જો એનો એ જ રહ્યો તો પાછો મૂળ બગાડ રહ્યો. અભિપ્રાય ફેરવવા માટે છે આ !

એ દ્રષ્ટિથી છૂટે અભિપ્રાય !

પ્રશ્નકર્તા : એટલે સંપૂર્ણ અભિપ્રાય રહિત કેવી રીતે થવાય ?

દાદાશ્રી : આ તમને અભિપ્રાય રહિત જ જ્ઞાન આપ્યું છે. બાય રિયલ વ્યુ પોઈન્ટ 'એ શુદ્ધાત્મા' છે. અને બાય રિલેટિવ વ્યુ પોઈન્ટ 'એ ચંદુભાઈ' છે અને રિલેટીવ માત્ર કર્મના આધીન હોવાથી 'ચંદુભાઈ' પણ નિર્દોષ છે. જો પોતાના સ્વાધીન હોય તો 'એ' દોષિત ગણાત. પણ 'એ' બિચારો ભમરડાની પેઠ છે. એટલે 'એ' નિર્દોષ છે. 'આમ શુદ્ધાત્મા છે અને બહારનું નિર્દોષ છે.' બોલો હવે ત્યાં આગળ અભિપ્રાય રહિત જ રહેવાય ને !

પ્રતિક્રમણનું સબસ્ટીટ્યુટ ? (બદલીમાં)

પ્રશ્નકર્તા : શીલદર્શકમાં જે પ્રતિક્રમણ કરવાનાં કહ્યાં છે, તે ડગલે ને પગલે રાતદિન નિરંતર પ્રતિક્રમણ કરે તો એક અવતારમાં દોષોનું પ્રતિક્રમણ કરવા પચ્ચીસ અવતાર જોઈએ.

દાદાશ્રી : પ્રતિક્રમણ, પ્રતિક્રમણ એટલે શું ? કે આપણો અભિપ્રાય ના હોવો જોઈએ. આ પ્રતિક્રમણ એટલે અભિપ્રાય આપણો 'ચેન્જ' છે. આપણે એનાથી, આપણો એ અભિપ્રાય હવે રહ્યો નથી. કોઈ ખોટું કાર્ય થયું, એ કાર્યમાં જે આપણો અભિપ્રાય હતો, પોતાનો ઓપિનિયન હતો કે 'આ બરોબર છે', એ બરોબરપણું છોડવા માટે પ્રતિક્રમણ કરવાનું છે કે અમે આની માફી માગીએ છીએ ને હવે ફરી નહીં કરીએ. અભિપ્રાય છોડવા માટે જ છે ખાલી.

પ્રશ્નકર્તા : પણ અભિપ્રાય તો છૂટો જ છે તમે મળ્યા ત્યારથી.

દાદાશ્રી : એ બરોબર છે. પણ તોય છે તે પ્રતિક્રમણ કરવું જોઈએ.

પ્રશ્નકર્તા : પણ દાદા, પ્રતિક્રમણ કેટલાં કરે ?

દાદાશ્રી : બધાં નહીં, કેટલાં નહીં, એક જ.

પ્રશ્નકર્તા : એ કહે, હું કેટલા કરું ?

દાદાશ્રી : એક જ, એક જ.

પ્રશ્નકર્તા : આપે જે કહ્યું છેને, કે સવારના પહોરમાં આટલું બોલવું કે 'આ મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો' તો આટલું ચાલે ખરું ? પેલામાં ?

દાદાશ્રી : એ પાંચ વખત બોલે, પણ એટલું બધું, એ રીતે બોલવું જોઈએ કે પૈસા ગણે અને જેવી સ્થિતિ હોય એવી રીતે બોલવું જોઈએ.

પ્રશ્નકર્તા : એવી જ રીતે આ વિષયની બાબતમાં પ્રતિક્રમણમાં જો એવું એક સવારનાં પાંચ વખત બોલે, તો ચાલે ? કારણ કે આ તો કેટલાં પ્રતિક્રમણ કરે, કેટલી બધીવાર આંખ ખેંચાય ?!

દાદાશ્રી : હા, ચાલે, ચાલે. પણ બોલવું જોઈએ કેવું ? રૂપિયા ગણતવી વખતે જેવું ચિત્ત હોય છે, એવું રાખવું જોઈએ. રૂપિયા ગણતી વખતે અંતઃકરણ જેવું હોય એવું રાખવું પડે, બોલતી વખતે.

ભયંકર કર્મબંધનો !

પ્રશ્નકર્તા : મનુષ્યને કર્મો રાતદિન એટલાં બધાં બંધાય છે કે એક અવતારના કર્મોની નિર્જરા થતાં અનંતકાળ લાગે, તો મનુષ્ય છૂટે ક્યારે ?

દાદાશ્રી : કોણે કહ્યું આ ? આ તો લોકોને બંધાય, તમને ક્યાં બંધાય છે ?

પ્રશ્નકર્તા : હું લોકોની જ વાત કરું છું.

દાદાશ્રી : તે લોકોને તો એટલા બધા બંધાય છે, તે આ સાયકલ લઈને ફરે છે સવારનો સાત વાગ્યાનો, પ્લેનમાં ફરે, તોય કર્મ પૂરાં નથી થતાં અગ્યાર વાગ્યા સુધી રાતે.

પ્રશ્નકર્તા : હવે એટલે, એટલે એ લોકોની શું દશા થતી હશે ? કારણકે એક દિવસનું કર્મ છે ને એક વર્ષમાં ય પૂરાં ના થાય એટલાં કર્મ બંધાય છે.

દાદાશ્રી : હા, તે એ કર્મ બંધાતાં બંધાતાં શું થશે ? કે આ મનુષ્યમાંથી પાંચ ઇન્દ્રિયો ખલાસ થશે ને ચારમાં જશે, ચારમાંથી ત્રણમાં જશે, ત્રણમાંથી બેમાં જઈ ને એક ઇન્દ્રિય જીવો થઈ જશે. એટલાં બધાં ભયંકર કર્મો બંધાઈ રહ્યાં છે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21