ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



પ્રતિક્રમણ

૪. અહો, અહો એ જાગૃત દાદો !

નિર્દોષ દ્રષ્ટિ છતાં બોલાય દોષિત !

આ દુનિયામાં બધા નિર્દોષ છે. પણ જો આવી વાણી નીકળે છે ને ?! અમે તો આ બધાને નિર્દોષ જોયેલા છે, દોષિત એકુંય છે નહીં. અમને દોષિત દેખાતો જ નથી. ફક્ત દોષિત બોલાય છે. બોલાતું હશે આવું આપણે ? આપણે શું ફરજિયાત છે ? કોઈનું ય ના બોલાય. એની પાછળ તરત જ એનાં પ્રતિક્રમણ ચાલ્યા કરે. એટલું આ અમારે ચાર ડિગ્રી ઓછી છે તેનું આ ફળ છે. પણ પ્રતિક્રમણ કર્યા વગર ના ચાલે.

અમે ડખોડખલ કરીએ, કડક શબ્દ બોલીએ તે જાણી જોઈને બોલીએ પણ કુદરતની ભૂલ તો થઈ જ ને ! તે તેનું અમે પ્રતિક્રમણ કરાવીએ. દરેક ભૂલનું પ્રતિક્રમણ હોય. સામાનું મન તૂટી ના જાય તેવું અમારું હોય.

પ્રશ્નકર્તા : શુભ આશયથી વઢીએ તો ય પ્રતિક્રમણ કરવું પડે ?

દાદાશ્રી : શુભ આશયથી પુણ્ય બંધાય છે. જ્ઞાન ના હોય ને આના પર ક્રોધ કરો તો ય પુણ્ય બંધાય. કારણ કે આશય પર છે. આ જગતમાં બધું આશયથી બંધાય છે.

મારાથી 'છે' એને 'ના નથી' એમ ના કહેવાય. અને 'નથી' એને 'છે' એમ ના કહેવાય. એટલે મારાથી કેટલાક લોકોને દુઃખ થાય. જો 'નથી' એને હું 'છે' કહું તો તમારા મનમાં ભ્રમણા પડી જાય. અને આવું બોલું તો પેલા લોકોને મનમાં અવળું પડી જાય કે આવું કેમ બોલે છે ? એટલે મારે પેલી બાજુનું પ્રતિક્રમણ કરવું પડે રોજ. આવું બોલવાનું થાય તો ! કારણ કે પેલાને દુઃખ તો ન જ થવું જોઈએ. પેલો માને કે અહીં આ પીપળામાં ભૂત છે અને હું કહું કે ભૂત જેવી વસ્તુ નથી આ પીપળામાં. એનું પેલાને દુઃખ તો થાય, એટલે પાછું મારે પ્રતિક્રમણ કરવું પડે. એ તો હમેશાં કરવું જ પડેને. હું કોઈને દુઃખ કરવા માો નથી આવ્યો. કોઈને દુઃખ થાય એને માટે અમે નથી આવ્યા. અમે તો સુખ કરવા માટે આવ્યા છીએ અને અજ્ઞાની અને જ્ઞાની. બેઉ જણને સુખ આપી શકાય નહીં, માટે આ બાજુનું પ્રતિક્રમણ કરવું પડે.

પ્રશ્નકર્તા : ઘણીવાર અજ્ઞાન હોય છે, તે જ્ઞાનનો આંચળો ઓઢીને પ્રગટ થાય છે.

દાદાશ્રી : અજ્ઞાન પ્રગટ થાય તો ટકે નહીં. એક સેકન્ડેય ટકે નહીં. અને આપણે અહીં તો બિલકુલ ટકે નહીં. કારણ કે આપણું જ્ઞાન કેવું છે ? ડિમાર્કેશનવાળું જ્ઞાન છે ! આ અજ્ઞાન ને આ જ્ઞાન, બેની વચ્ચે ડિમાર્કેશનવાળું એટલે અહીં તો ચાલે જ નહીં ને કોઈપણ.

પછી એને દુઃખ થયું હોય તો પ્રતિક્રમણ કરવું પડે. વાળી લેવાય એટલું વાળી લઈએ પાછા. કે ભઈ, અમારી ભૂલચૂક થઈ હોય તો અમે પ્રતિક્રમણ કરીએ છીએ.

દુઃખ તો મનુષ્યોને ન જ કરાય. તને એની અણસમજણ હોય, પણ એને મન તો એ સમજણ જ છેને, આપણને એની અણસમજણ લાગે, પણ એને તો સમજણ જ માની બેઠો છે ને એને દુઃખ કેમ થાય આપણાથી ?

તો પ્રતિક્રમણ નહીં !

પ્રશ્નકર્તા : હવે આપણને ખ્યાલ હોય કે સામો માણસ ઉદયકર્મને આધીન વર્તે છે એવો ભાવ આપણને રહેતો હોય, તો પછી પ્રતિક્રમણ કરવાની જરૂર નહીંને ?

દાદાશ્રી : એ સ્થિતિ સારી કહેવાય ને ! પણ પ્રતિક્રમણ તો આપણને એના પ્રત્યે ભાવ જો અવળો થયો હોય તો જ કરવાનું.

પ્રશ્નકર્તા : અને ન થયો હોય તો નહીં ને ?

દાદાશ્રી : ના.

પ્રશ્નકર્તા : આપણે એને ખોટો માનતા જ નથી.

દાદાશ્રી : તો પછી નહીં.

જગત આખું નિર્દોષ છે. એક ક્ષણવાર પણ કોઈ જીવ દોષિત થયો નથી. આ જે દોષિત દેખાય છે તે આપણા દોષે કરીને દેખાય છે. અને દોષિત દેખાય છે એટલે જ કષાય કરે છે. નહીં તો કષાય જ ના કરેને.

એટલે દોષિત દેખાય છે એટલે ખોટું જ દેખાય છે. આંધળે આંધળા અથડાય છે. એના જેવી વાત છે આ. આંધળા માણસોમાં ટીચાય તો આપણે જાણીએ ને કે આ આંધળા લાગે છે એટલે આટલા બધા અથડાય છે. એનું શું કારણ ? દેખાતું નથી.

બાકી જગતમાં કોઈ દોષિત છે જ નહીં. જે દોષ દેખાય છે તેથી કષાય ઊભા રહ્યા છે.

સત્ય-અસત્ય સાપેક્ષ !

પ્રશ્નકર્તા : સત્ય વાત હોય તો પછી એનું પ્રતિક્રમણ કેમ કરવાનું ?

દાદાશ્રી : આ સત્ય એ જ અસત્ય છે. જે જે સત્ય છે, એ બધુંય અસત્ય છે. કઈ વાત સત્ય છે એ તમે કહો. કઈ વાત તમને સત્ય લાગે છે ? હું તમને કહી આપું કે આ અસત્ય છે.

પ્રશ્નકર્તા : આપણે સાચું કહીએ, આપણે સામું કહી દઈએ તો એને ખરાબ લાગે તો પછી એનું પ્રતિક્રમણ કેમ ?

દાદાશ્રી : સાચું કોઈ કહી શકતો નથી. આ હિન્દુસ્તાનમાં કોઈ માણસ એવો પાક્યો નથી કે જે સાચું કહી શકે. હું જ નથી કહી શકતો ને ! માણસ સાચું કેવી રીતે કહી શકે ! એ તો સહુ સહુની સમજણથી સાચું છે. બીજાની સમજણથી ખોટું લાગે છે ને !

અમને કોઈ દોષિત દેખાતું જ નથી. આ વાણી નીકળે છે તેની જોડે પાછું પ્રતિક્રમણ હોય છે. એટલે 'આમ ન હોવું જોઈએ' એમ અભિપ્રાય જુદો હોય છે અમારો કે આવું છે નહીં. દેખાય છે કેવું ? નિર્દોષ દેખાય છે અને આ વાણી કેમ આવી નીકળે છે ? અવર્ણવાદ ના હોવા જોઈએ. અમારે તો મૌન રહેવું જોઈએ. હવે મૌન રહે ત તમે બધાં જાણો નહીં કે શું થયું તે પણ સત્ય ના કહેવાય. આ સત્ય કહેવાય નહીં.

શુદ્ધાત્મા સિવાય સબ જૂઠા !

પ્રશ્નકર્તા : બીજાની સમજણે ખોટું લાગતું હોય તો એનું શું કરવાનું ?

દાદાશ્રી : આ જેટલાં સત્ય છે એ બધાં વ્યવહારિક સત્ય છે. એ બધાં જૂઠાં છે. વ્યવહારના પૂરતાં સત્ય છે. આ મોક્ષમાં જવું હોય તો બધાં ય જૂઠાં છે. બધાનું પ્રતિક્રમણ કરવું પડે. 'હું આચાર્ય છું' એનું ય પણ પ્રતિક્રમણ કરવું પડશે. 'હેય, મેં આચાર્ય માન્યું મારી જાતને.' એનું ય પ્રતિક્રમણ કરવું પડશે. 'હું શુદ્ધાત્મા છું.'

એટલે આ બધું જ જૂઠું છે. સબ જૂઠા. તને એવું સમજણ પડે કે ના પડે ?

પ્રશ્નકર્તા : પડે જ.

દાદાશ્રી : સબ જૂઠા. બધા તો નહીં સમજવાથી કહે છે કે 'હું સત્ય કહું છું.' અરે, સત્ય કહે તો કોઈ સામો આઘાત જ ના હોય.

એને સત્ય કહેવાય !

હું અહીં આગળ બોલું છું, એ કોઈ માણસ સામો અવાજ આપવા તૈયાર થાય છે ? વિવાદ હોય છે ? હું જે બોલ બોલ કરું છું એ બધા સાંભળ્યા જ કરે છને. વિવાદ નથી કરતાને ! એ સત્ય છે. એ વાણી સત્ય છે અને સરસ્વતી છે અને જેની અથડામણ થાય, એ તો ખોટી વાત. એક્ઝેક્ટલી ખોટી !

આમાં તો સામો કહે, અક્કલ વગરનો, બોલ બોલ ના કરશો. એ પેલોય ખોટો ને આય ખોટો અને સાંભળનારાય ખોટા પાછા. સાંભળનારા કશું ના બોલે અને તે બધા એ ટોળું આખું ખોટું !

પ્રશ્નકર્તા : પણ આપણા કર્મનો ઉદય એવો હોય, કે આપણે સામાને ખોટા જ લાગતા હોઈએ. આપણી વાત સત્ય હોય, એકદમ બરાબર હોય, આપણે કહીએ આ મેં નહોતું કર્યું છતાં કહેશે, ના તેં આમ જ કર્યું હતું, તો એ આપણા કર્મનો ઉદયને ? તો જ એને ખોટું લાગ્યુંને ?

દાદાશ્રી : સાચું હોતું જ નથી. કોઈ માણસ સાચું બોલી શકતો જ નથી. જૂઠું જ બોલે છે. સાચું તો સામો માણસ કબૂલ કરે, તે સાચું નહીં તો પોતાની સમજણનું સત્ય માનેલું છે. પોતે માનેલું સત્ય એ કંઈ લોકો સ્વીકાર ના કરે.

એટલે ભગવાને કહ્યું કે સત્ય કોનું ? વીતરાગ વાણી ! વીતરાગ વાણી એટલે શું ? વાતી કબૂલ કરે, પ્રતિવાદી કબૂલ કરે, પ્રમાણ ગણવામાં આવે. આ તો બધી રાગી-દ્વેષી વાણી. જૂઠી-લબાડી, જેલમાં ઘાલી દેવા જેવી ! આમાં સત્ય હોતું હશે ? રાગી વાણીમાં સત્ય ના હોય. એ લાગે છે તમને એમાં સત્ય હોય ? આ અમે અહીં વઢીએ ત્યારે આત્મા કબૂલ કરે. વિવાદ ના હોય આ આપણામાં કોઈ દહાડો વિવાદ થયો છે ? કો'ક માણસ જરા કાચો પડી ગયો હશે, બાકી કોઈ વિવાદ થયો નથી. દાદાના શબ્દો ઉપર ફરી કોઈ બોલ્યો નથી. કારણ કે આત્માની ચોખ્ખી પ્યોર વાત, પ્રત્યક્ષ સરસ્વતી ! દેશના !

અને રાગી-દ્વેષી વાણીને સાચી કહેવાય ?

પ્રશ્નકર્તા : ના કહેવાય.

દાદાશ્રી : ત્યારે તું કહું છું ને સત્ય ?

પ્રશ્નકર્તા : વ્યવહાર સત્ય કહેવાયને એ તો ?

દાદાશ્રી : વ્યવહાર સત્ય એટલે નિશ્ચયમાં અસત્ય છે.

વ્યવહાર સત્ય એટલે સામાને જો ફિટ થયું તો સત્ય અને ના ફિટ થયું તો અસત્ય. વ્યવહાર સત્ય એટલે ખરેખરા સત્ય તો છે જ નહીં.

પ્રશ્નકર્તા : આપણે સત્ય માનતા હોઈએ અને સામાને ફિટ ના થયું...

દાદાશ્રી : એ બધું જૂઠું. બધું જ જૂઠું. ફિટ ના થયું એ જૂઠું. અમે હઉ કહીએ છીએને કો'કને જેને અમારી વાત ના સમજાતી હોય તો એની ભૂલ નથી કાઢતા, અમારી ભૂલ કહીએ છીએ કે અમારી એવી કેવી ભૂલ રહી કે એમને વાત ન સમજાઈ. વાત સમજાવી જ જોઈએ. સામાને સમજણ ના પડી એમાં સામાનો દોષ કાઢતા જ નથી. અમે અમારો દોષ જોઈએ. એની પાસે મને સમજાવતાં આવડવું જોઈએ. એટલે સામાનો તો દોષ હોતો જ નથી. સામાનો દોષ જુએ છે એ તો ભયંકર ભૂલ જ કહેવાય. સામાનો દોષ તો અમને લાગતો જ નથી. કોઈ દહાડો લાગ્યો ય નથી.

આ તો અમને પૂછે એટલે જવાબ આપવો પડે. ને પાછું અમારે પ્રતિક્રમણ કરવું પડે. હવે સત્ય તો પ્રતિક્રમણપૂર્વકનું જ કહેવાય છે હમેશાં. પ્રતિક્રમણ ના હોય તો એ સત્ય સત્ય જ નથી. આ જગતનું સત્ય નિશ્ચયમાં અસત્ય છે.

એ વેણ કારુણ્ય ઝરણામાંથી...

અમે તો દવા કરી નાખીયે ઝટ. અને પછી અમે તો વીતરાગ જ હોઈએ. અમને રાગ-દ્વેષ ના હોય. દવા કરવામાં તૈયાર. અને ભૂલેચૂકે એના તરફ સહેજ અભાવ થઈ જાય. આમ તો ના જ થાય, પણ વખતે થઈ જાય તો અમારી પાસે પ્રતિક્રમણની દવા હોય, એટલે તરત જ દવા કરી નાખીએ. તરત જ પ્રતિક્રમણની દવા હોયને !

આ તો આ અવતારમાં હું મહારાજનું આવું બોલું છું. આખા જગતના તમામ ધર્મમાર્ગમાં જે બધા ઊંધું કરી રહ્યા છે, એ બધા માટે ઊંધું બોલું છું. કેમ જાણે કે આ ધર્મનો રાજા જ હું છું ! એવી રીતે લોકોનું ઊંધું બોલું છું. જાણે મારે જ લેવાદેવા છે ! પણ અમારે શું લેવાદેવા ? હું તો વન ઑફ ધી મેન ! અએ બોલાય નહીં આવું પણ લોકો આનાથી છૂટવા જ જોઈએ ! એટલે આવું બોલીને પાપ વહોરેલાં છે. વખતે કંઈ ભોગવવાનાં હોય તો ય પાપ મારે ભોગવવાં પડે. બીજું પાપ નથી કર્યું, અને બીજાં મારાં સ્વતંત્ર પાપ તો છે જ નહીં.

કાયદો શું છે કે કોઈપણ માણસને તમે જ્ઞાનની વાત કરી શકો. પણ એ જ્ઞાન ના લઈ શકે એવાં હોય, ઠંડા હોય, તો તમારે ધીમું મૂકવું. વીતરાગ થવું. પણ આની પાછળ એ કરુણા છે કે 'આ અહીં સુધી આવ્યા છે તો પામો ને અલ્યા ! આ આટલો તાવ છે તે અલ્યા દવા નથી પીતા ! દવા તૈયાર છે.' પણ તે કાયદેસર ના ગણાય. એટલે પછી પ્રતિક્રમણ કરવું પડે. આપણે લેવાદેવા થઈ હોય તેનું પ્રતિક્રમણ કરવું પડે. આને ભગવાને કરુણાનાં પ્રતિક્રમણ કહ્યાં છે.

નિર્દોષ દ્રષ્ટિ છતાં સદોષ વાણી !

હવે આ જે કહેવું પડે છે ને, કે આ વ્યાજબી નથી. એવું કહ્યું ત્યાં સ્યાદ્વાદ ચૂક્યો. છતાં વ્યાજબી પર ચઢાવવા માટે આમ બોલવું પડે છે. પણ ભગવાન તો શું કહે છે ? કે આય વ્યાજબી છે, પેલુંયે વ્યાજબી છે, ચોરે ચોરી કરી તે ય વ્યાજબી છે, આનું ગજવું કપાયું તે ય વ્યાજબી છે. ભગવાન તો વીતરાગ. ડખોડખલ કરે નહીં ને. 'ઘાલમેલ કરે નહીં ને', અને અમારે તો ખટપટ બધી. અમારે ભાગે આ ખટપટ આવી.

પ્રશ્નકર્તા : પણ એ ય અમારા રોગ કાઢવા માટે ને !

દાદાશ્રી : હા. તે લોકોને તૈયાર કરવા માટે. આમાં હેતુ સારો છે ને અમારો હેતુ અમારી જાત માટે નથી. બધાને માટે છે.

અને જોડે જોડે અમારી પ્રતીતિમાં છે કે દોષિત નથી. પ્રતીતિમાં નિર્દોષ છે. એ પ્રતીતિ આખીયે બદલાઈ ગયેલી છે. એટલે નિર્દોષ છે એમ માનીને હું બોલું છું આ.

પ્રશ્નકર્તા : નિર્દોષ છે, એમ સમજીને બોલો છો ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : તો પછી તમારે પ્રતિક્રમણ શા માટે કરવાં પડે ?

દાદાશ્રી : પણ ના બોલાય. શબ્દેય બોલાય નહીં. એવો વાંકો શબ્દેય કેમ બોલ્યા ? સામો તો છે જ નહીં, અહીં આગળ. સામાને દુઃખ થતું નથી. અને તમારે બધાને વાંધો નથી કે દાદાને એમની બિલીફમાં તો આવું નિર્દોષ જ છે. પછી હવે વાંધો નથી. પણ શબ્દ આવો ભારે કેમ બોલ્યા ? માટે પ્રતિક્રમણ કરવું પડે. ભારે શબ્દેય ના હોવો જોઈએ.

પ્રશ્નકર્તા : તમે તો છૂટાને છૂટા જ રહો છો, બોલો ત્યારે પણ તો પછી શા માટે પ્રતિક્રમણ ?

દાદાશ્રી : છૂટા છે, એટલે પ્રતિક્રમણ 'મારે' નહીં બોલવાનું. આ અંદરના અંદર, જે કરે ને, જે બોલેને, તેને જ કહેવાનું, 'તમે પ્રતિક્રમણ કરી લો.' અને તમારે ય એવું જ છે. આ પ્રતિક્રમણ તે 'તમારે' નહીં કરવાનું. 'ચંદુભાઈ'ને કહી દેવાનું. 'તમારે' પ્રતિક્રમણ કરવાનું હોય નહીં, જેણે અતિક્રમણ કર્યું ને, તેણે જ પ્રતિક્રમણ કરવાનું.

પ્રશ્નકર્તા : તે ભૂલનું પ્રતિક્રમણ કેવી રીતે કરો ?

દાદાશ્રી : પ્રતિક્રમણ પછી કરવું પડે, ભૂલ, જ્ઞાન સંબંધી ના હોય. કોઈ સ્યાદ્વાદના વિરોધમાં જતો હોય એ માણસ પર કડકાઈ થઈ ગઈ હોય. સ્યાદ્વાદ હોય ત્યારે કડકાઈ ના થાય, બિલકુલ સંપૂર્ણ સ્યાદ્વાદ ! આ તો સ્યાદ્વાદ કહેવાય, પણ સંપૂર્ણ સ્યાદ્વાદ કહેવાય નહીં ને ! એટલે કેવળજ્ઞાન થાય ત્યારે સંપૂર્ણ સ્યાદ્વાદ ! આમાં તો કો'કનો હાથ કે આંગળી કપાઈ જાય !

'કેવળદર્શન' દેખાડે ભૂલ !!!

અમારું જ્ઞાન અવિરોધાભાસ હોય અને વાણી સ્યાદવાદ ના હોય. કોઈ ઝપટમાં આવી જાય એમાં. અને તીર્થંકરોની વાણીમાં કોઈ ઝપટમાં ના આવે. એ તો સંપૂર્ણ સ્યાદ્વાદ ! ઝપટમાં લીધા સિવાય બોલે એ. વાત તો એ એવી જ બોલે, પણ ઝપટમાં આવ્યા સિવાય.

પ્રશ્નકર્તા : આપનું આ સ્યાદવાદ કોઈ ઝપટમાં આવી જાય છે તેથી સંપૂર્ણ ના કહ્યું, તો ય પણ એ દર્શન તો સંપૂર્ણ છેને કે ભૂલ સ્યાદવાદમાં થઈ ગઈ ?

દાદાશ્રી : હા, દર્શન તો પૂરેપૂરું, દર્શનનો વાંધો નહીં. જ્ઞાને ય ખરું, પણ જ્ઞાનમાં ચાર ડિગ્રી ઓછું. એટલે આ સ્યાદ્વાદ છે તે ના હોય. અમારે દર્શન પૂરેપૂરું હોય. દર્શનમાં બધું તરત જ આવી જાય. ભૂલ તરત ખબર પડે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલની ય તરત ખબર પડે. જે ભૂલો તો હજુ તમને જોતાં ઘણો ટાઈમ લાગશે. તમો તો સ્થૂળ ભૂલો જુઓ છો. મોટી મોટી દેખાય એવી જ ભૂલો જુઓ છો. તેથી અમે કહીએ છીએને કે અમારો દોષ હોય, છતાંય કોઈને આ અમારો દોષ દેખાય નહીં, અમને પોતાનો દેખાય.

પ્રશ્નકર્તા : સ્યાદ્વાદમાં ભૂલ થઈ એવા દોષો બધા દેખાય ?

દાદાશ્રી : સ્યાદ્વાદ-અનેકાંતમાં ભૂલ થઈ એવા દોષો બધા દેખાય. હવે અમારું સ્યાદવાદ સંપૂર્ણ થઈ રહ્યું છે. સ્યાદવાદ પૂરું થઈ રહે એટલે કેવળજ્ઞાન પૂરું થઈ જાય. દર્શન છે તેથી તો ખબર પડે કે આ ભૂલ છે. 'ફૂલ' દર્શન છે. તેથી બધાને કહ્યું ને કે કેવળદર્શન આપું છું.

અમારે પ્રતિક્રમણ કરવું પડે. અમારે મોઢે નીકળ્યા કરે છે. જુઓને આપણું એટલું ફરજિયાત છે. કોઈ ફેરો આચાર્યનું બોલાતું હશે ! બાકી કોઈનું ય ના બોલાય. આ દુનિયામાં બધાય નિર્દોષ છે, એવું જાણીએ છીએ. પણ કોઈનું બોલાય ?

પ્રશ્નકર્તા : ના બોલાય.

દાદાશ્રી : એ જ વાણી નીકળે છેને, એની પાછળ તરત જ પાછું આનાં પ્રતિક્રમણ અમારાં ચાલ્યા કરે. એ ય જુઓને કેવી દુનિયા છે !

વાણી બોલે એની ઉપર જ અભિપ્રાય જુદો. કેવી આ જગત છે ?! એ વાણી બોલે છે, તેની ઉપર અભિપ્રાય કેવો છે કે આવું નથી આ, આ ખોટું છે, આવું ન્હોય. પણ આ દુનિયા કેવી ચાલે છે. એ એની સાથે જાગૃતિ કરીને ચાલે.

બોલીએ ને સાથે ને સાથે એ જાગૃતિ હોય કે આવું ન હોવું જોઈએ. કારણ કે અમે આખું જગત નિર્દોષ જોયું છે. ફક્ત અનુભવમાં નથી આવ્યું. તે અનુભવમાં કેમ નથી આવ્યું ? તો આ છે તે આ વાણી છે તે એ ડખલ કરે છે.

પ્રશ્નકર્તા : ડખલ કરે છે છતાંય આપની તો સતત જાગૃતિ છે.

દાદાશ્રી : નહીં, પણ જાગૃતિ છે, પણ આ આવી વાણી બંધ ના થાય ત્યાં સુધી પૂર્ણપદ તો મળે નહીંને ! આ વાણી કેવી નીકળે છે ? આ જોશબંધ !

હવે આ વાણી ક્યારે ભરેલી ? કે જ્યારે જગત નિર્દોષ જોયું ન્હોતું તે વખતે ભરેલી કે આ આ દોષિત આવા, આવું કેમ કરે છે ? આવું કેમ કરે છે ? આ આવું ના હોવું જોઈએ, જૈનધર્મ આવો કેમ હોવો જોઈએ ? એ ભરેલું તે આજે નીકળે છે. ત્યારના અભિપ્રાય આજ નીકળે છે. અને આજ તે અભિપ્રાયથી અમે સહમત નથી.

જ્ઞાનીનાં પ્રતિક્રમણો !

પ્રતિક્રમણ કર્યા બધાં ? પ્રતિક્રમણ કરજે, નહીં તો ચોખ્ખું નહીં રહે. રોજ પ્રતિક્રમણ કરજે, દાદાની હાજરીમાં આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન !

પ્રશ્નકર્તા : આપણી ભાવના ના હોય એની વિરાધના કરવાની, તો પછી પ્રતિક્રમણ કરવાં જોઈએ ? આપણે તો જે સાચી વાત છે એ જ કહીએ છીએને !

દાદાશ્રી : એવું છે ને અમે જે ઘડીએ બોલીએ તે ઘડીએ અમારે પ્રતિક્રમણ જોરદાર ચાલતું હોય. બોલીએ ને સાથે જ.

પ્રશ્નકર્તા : પણ જે સાચી વાત છે એ કહેતા હતા એમાં શું પ્રતિક્રમણ કરવાના ?

દાદાશ્રી : ના, પણ તો ય પ્રતિક્રમણ તો કરવાં જ પડે ને. કોઈનો ગુનો તેં કેમ દીઠો ? નિર્દોષ છે તો ય દોષ કેમ જોયો ? નિર્દોષ છે તો ય એનું વગોવણું તો થયું ને ? વગોવણું થાય, એવી સાચી વાત પણ ના બોલાય, સાચી વાત એ ગુનો છે. સાચી વાત સંસારમાં બોલવી એ ગુનો છે. સાચી વાત હિંસક ના હોવી જોઈએ. આ હિંસક વાત કહેવાય.

અમારે તરત પ્રતિક્રમણ. અમે સાધુ, આચાર્યો બધાંને નિર્દોષ જોયેલા છે. અમારે દોષિત એકુંય છે નહીં અને દોષિત જે દેખાય છે, દોષિત અમને દેખાતો જ નથી, પણ તે દોષિત બોલાય ખરું, એટલું છે ને અમારે એની પાછળ પ્રતિક્રમણ હોય છે તરત. એટલી અમારી આ ચાર ડિગ્રી ઓછી છેને, તેનું આ ફળ છે. બાકી નહીં તો સંપૂર્ણ વીતરાગતા વર્તે છે.

અને અમારે તો બહુ જ પ્રતિક્રમણ કરવાં પડશે. હું બોલું ને, પણ અમારી જાગૃતિ રહે અને તમારાથી બોલાય નહીં આવું. જાગૃતિ હોવી જોઈએને. મોંઢેથી બોલાય નહીં.

દાદાશ્રી : પ્રતિક્રમણ ના કરો તો પછી શું થાય ? દોષ લાગે ?

પ્રશ્નકર્તા : એ દાવા કરી આપે. આપણી પર કોર્ટમાં સો દાવા માંડ્યા હોય લોકોએ. એનું નિકાલ ના કરીએ તો શું થાય ? દાવા ઊભા જ રહ્યા, એટલે પ્રતિક્રમણ ના કરે ત્યાં સુધી દાવા ઊભા રહ્યા.

આત્મજ્ઞાન પછી જળકમળવત્ !

પ્રશ્નકર્તા : બાકી 'આ' જ્ઞાન લીધા પછી જળકમળવત્ રહી શકાય છે.

દાદાશ્રી : હા. જળકમળવત્ જ રહે. આ માર્ગ જ જળકમળવત્નો છે. એવું કેટલાં વર્ષે તમે રહી શક્યા ? તમને કેટલાં વર્ષ જ્ઞાન લીધે થયાં ?

પ્રશ્નકર્તા : એક વર્ષ પૂરું થશે.

દાદાશ્રી : તો આવું દસ વર્ષ થશે ત્યારે શું દશા થશે ? જ્યારે પહેલાં વર્ષમાં આ જોર કરે છે આટલું, તો દસ વર્ષ થાય ત્યારે શી દશા આવે ?! અને એ જગતમાં લોકો બધા બોલે, હિમાલયમાં. હે જળકમળવત્ રહીએ છીએ. તો એ રહી શકે નહીં. એ બધી વાતો છે, કલ્પનાઓ બધી ! કલ્પનાનાં જાળાં !! અને એ કહેતા હોય અમે જળકમળવત્ રહીએ છીએ, તો એ જતા હોય તે તમે મને કહો કે આ જળકમળવત્ રહે છે, તો હું એમને કહું કે મહારાજ તમારામાં અક્કલ છાંટો ય નથી. તો જળકમળવત્ ખબર પડી જાય, હડહડાટ ! કોઈ મહારાજને એવું કહેવાય નહીં. ખોટું કોઈનું અપમાન કરવું, એ ગુનો કહેવાય એટલે પછી મહારાજને હું બસ્સો એક રૂપિયા આપી દઉં, એ બસ્સો એ ના માનતા હોય ત્યારે શું કહું ? કે મગજ જરા એવું છે, બ્રધર જોડે ઝઘડો થઈ ગયો છે. ત્યારે કહેશે, હા, મગજ એનું જરા એવું જ છે. પછી પાછો મારે માથે હાથ હઉં મૂકે !

આ ભમરડાઓને મૂરખ બનાવવાના એમાં શું વાર છે ? નર્યા ભમરડા !! કારણ કે જેને જારી જતાં આવડે, ત્યાં ભમરડા કેટલું જીતે ? જેને હારી જતાં આવડ્યું, એ કળા આવડી, ત્યાં ભમરડો કેટલું કૂદે ?!

આ ભમરડા કોણ ? આપણે માણસને નથી કહેતાં. જેને કૃષ્ણ ભગવાને કહ્યું છે કે પ્રકૃતિ પરાણે નચાવે છે અને પોતે નાચે છે અને પાછા કહે છે, 'હું નાચ્યો'. એને ભમરડા કહીએ છીએ. કૃષ્ણ ભગવાને કહ્યું છે તેને જ કહીએ છીએ. આને બીજા શબ્દોમાં ભમરડા કહેવા. ત્યારે ભમરડા કોઈ કહે નહીં.

આવું ખોટું લાગે એવું કોણ કહે ? મને તો પ્રતિક્રમણ આવડે એટલે કહું. હું તો બોલુંય ખરો અને દવા ફાકુંય ખરો. પણ ઊંધી વાત નીકળી જવી જોઈએ જગતમાંથી ! ઊંધાને જ પ્રોત્સાહન મળ્યું છે એ ઊડી જવું જોઈએ. પછી પ્રતિક્રમણ કરે તો વાંધો આવે ખરો ?! પણ પ્રોત્સાહન તો ઊડી જાય.

આપણે 'અક્કલ નથી' કહીએ એટલે જળકમળવત્ ઊડી જાયને ? જળે ય ઊડી જાય ને કમળે ય ઊડી જાય. હવે લોક શું કહે છે ? આપણે પરીક્ષા કરોને મહિના સુધી. અલ્યા મૂઆ, ના થાય આમાં પરીક્ષામાં તો તું ગાંડો થઈ જઈશ.

એટલે રૂપિયો તરત ખખડાવી જુઓને, બોદો છે કે કલદાર છે ! ખબર પડી જાય. પછી બસ્સો રૂપિયાનો ખર્ચ એની પાછળ આપો ! અને બસ્સો રૂપિયામાં ના માને તે એવાય હોય છે પાછા, ત્યારે આપણે કહેવું કે મગજ જરા એવું છે, જરા ચસકેલું છે. એટલે ખુશ ! નહીં તો કોઈ સારો માણસ તો આપણને કહે જ નહીં. આ તો ચસકેલું છે એટલે કહે છે આ. ન્યાય કરતાં એને આવડે ને ! પણ જો આપણને તો માલમ પડી ગયુંને. આપણે જે જોઈતું હતું કે આ જળમાં છે કે કમળમાં છે એ બેઉ ઊડી ગયુંને ? એટલે આપણે દુકાનમાં બેસતા બંધ થઈ જઈએને ?! એટલે વાંધો આવે ખરો એમાં ?

આવી પરીક્ષા કરવાની કોઈ શીખવાડે નહીં. લોકો શું જાણે કે મારી પર કરે તો ? અને હું તો મારી પર કરે તો ખુશ છું, કરીને જો ડાહ્યા થતા હોય તોય સારું. પણ પરીક્ષા વગરના બોદા, ક્યાં સુધી ઘરમાં રાખી મેલશો ?! બહાર લેવા જઈએ તો જલેબીનો એક કકડોય ના આવે.

આટલો જ છે મોક્ષમાર્ગ !

આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એ મોક્ષમાર્ગ. આપણા મહાત્માઓ શું કરે છે ? આખો દહાડો આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન જ કર્યા કરે છે. હવે એમને કહેશે કે 'તમે આ બાજુ હેંડો, વ્રત, નિયમ કરો.' તો કહેશે, 'અમારે શું કરવા છે વ્રત, નિયમને ? અમારે મહીં ઠંડક છે, અમને ચિંતા નથી. નિરુપાધિ રહે છે. નિરંતર સમાધિમાં રહેવાય. પછી શા માટે ?' એ કકળાટ કહેવાય. ઉપાધાન તપ ને ફલાણા તપ. એ તો ગૂંચાયેલા માણસો કરે બધા. જેને જરૂરિયાત હોય, શોખ હોય. તેથી અમે કહીએ છીએ કે આ તપ એ તો શોખીન લોકોનું કામ છે. સંસારના શોખીન હોય એણે તપ કરવાં જોઈએ.

પ્રશ્નકર્તા : પણ એવી માન્યતા હોય કે તપ કરવાથી કર્મોની નિર્જરા થાય છે.

દાદાશ્રી : કોઈ દહાડો એવું થાય નહિ. કયા તપથી નિર્જરા થાય ? આંતરિક તપ જોઈએ. અદીઠ તપ, જે આપણે કહીએ છીએને કે આ બધા આપણા મહાત્માઓ અદીઠ તપ કરે છે, જે તપ આંખે દેખાય નહીં. અને આંખે દેખાતા તપ અને જાણ્યામાં આવતાં તપ એ બધાનું ફળ પુણ્ય અને અદીઠ તપ એટલે અંદરનું તપ આંતરિક તપ, બહાર ના દેખાય એ બધાનું ફળ મોક્ષ.

એટલે આપણાં લોકોના મનમાં એમ થાય કે અરે વ્રત, નિયમ તો આપણે કરતા નથી. વ્રત નિયમ મોક્ષમાર્ગ માટે નથથ આ. નિયમ-બિયમ જેને સંસારમાં ભટકવું છે એને માટે નિયમ છે. જેને મોક્ષે જવું હોયને તો આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાનની ગાડીમાં બેસી જ જવાનું હડહડાટ. નિરંતર ચોવીસેય કલાક એ જ કર્યા કરવાનું. બીજું કંઈ કરવાનું નહીં.

ખમાવો સઘળા કષાયો !

આ સાધ્વીજીઓએ શું કરવું જોઈએ. આ સાધ્વીજીઓ જાણે છે કે મને કષાય થાય છે, આખો દહાડો કષાય થાય છે. તો એમણે શું કરવું જોઈએ ? સાંજે બેસી અને એક ગુંઠાણું આખું, આ કષાય ભાવ થયો, આની જોડે આ કષાય ભાવ થયો, આની જોડે આ કષાય ભાવ થયો,' એમ બેસીને એની જોડે પાછાં પ્રતિક્રમણ કરે એ, એની જોડે જ, આમ ધારીધારીને, અને પાછું પ્રત્યાખ્યાન કરે, કે આવું નહીં કરું, આવું નહીં કરું, તો એ મોક્ષમાર્ગ ઉપર ચાલે છે.

એવું તો કશું કરતા નથી એ બિચારાં, એટલે શું થાય ? આમ મોક્ષમાર્ગ સમજે તો હેંડેને, સમજવાની જરૂર છે.

પ્રશ્નકર્તા : જ્યાં સુધી એમને પ્રત્યક્ષ ન ખમાવે ત્યાં સુધી એમનામાં ડંખ તો રહે જ ને. એટલે પ્રત્યક્ષ તો ખમાવવું જ પડે ને ?

દાદાશ્રી : પ્રત્યક્ષ ખમાવવાની જરૂર જ નથી. ભગવાને ના પાડી છે. પ્રત્યક્ષ તો તમે ખમાવવા જજો, જો સારો માણસ હોય તો, એને ખમાવજો અને નબળો માણસ હોય તો ખમાવશો તો માથામાં ટપલી મારશે. અને નબળો માણસ વધારે નબળો થશે. માટે પ્રત્યક્ષ ના કરશો અને પ્રત્યક્ષ કરવાં હોય તો બહુ સારો માણસ હોય તો કરજો. નબળો તો ઉપરથી મારે. અને જગત આખું નબળું જ છે. ઉપરથી ટપલી મારશે, 'હેં હું કહેતી'તી ને, તું સમજતી નહોતી. માનતી નહોતી, હવે ઠેકાણે આવી.' અલ્યા મૂઆ, એ ઠેકાણે જ છે, એ બગડી નથી. તું બગડી છે એ સુધરી છે, સુધરે છે.

આવું ખબર ના પડે. બિચારાને ભાન ના હોયને ! એક સહેજ જ જો ભાન હોયને, એની વાત જ જુદી હોય. એક જરાય ભાન નથી, આટલુંય ભાન નથી.

ક્રિયાકાંડથી નથી મોક્ષમાર્ગ !

મોક્ષમાર્ગ એટલે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. એનું નામ જ મોક્ષમાર્ગ. પોતાના ગુનાઓ જાહેર કરવા. પછી તે ખોટું છે એમ પશ્ચાત્તાપ કરવો, અને ફરી નહીં કરું એવું નક્કી કરવું. એવો આ મોક્ષમાર્ગ આપણો.

મોક્ષમાર્ગમાં ક્રિયાકાંડ કે એવું કશું હોતું નથી. ફક્ત સંસારમાર્ગમાં ક્રિયાકાંડ હોય છે. સંસારમાર્ગ એટલે જેને ભૌતિક સુખો જોઈતાં હોય, બીજું જોઈતું હોય, તેને માટે ક્રિયાકાંડ છે, મોક્ષમાર્ગમાં એવું કશું હોતું નથી. મોક્ષમાર્ગ એટલે શું ? આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. ચલાવ્યે જ જાવ ગાડી. તે આપણો આ મોક્ષમાર્ગ છે. એમાં ક્રિયાકાંડને એવું બધું ના હોય ને ! ક્રિયાકાંડ તમને સમજ પડીને ? શેના માટે ? ભૌતિક સુખોને માટે, એટલે ભગવાને કહેલું કે જેને ભૌતિક સુખો જોઈતાં હોય તે આ તપ કરજો, અને તેથી તમને ભૌતિક સુખો, દેવગતિનાં સુખો પ્રાપ્ત થશે. સંસારનાં સુખો પ્રાપ્ત થશે, પણ તમારે એ સુખો ના ખપતાં હોય, તો આપણો મોક્ષમાર્ગ છે. અને પછી ત્યાં આગળ લોકો કહેશે ત્યાં ક્રિયાઓ કેમ નથી ? ભઈ, અમારે તો ક્રિયાની લાઈન નહીંને, અમારે ધંધો નહીં, બીઝનેસ નહીંને. અને એ ખોટું બોલે. એ અવળું બોલે. એમાં એનો દોષ નથી. એ કર્મના ઉદયના આધીન બોલે છે. અને તમે પણ કર્મના ઉદયના આધીન બોલો પણ તમે તેના જાણકાર હોવા જોઈએ કે આ ખોટું બોલાઈ રહ્યું છે. અને એ પુરુષાર્થ છે.

પુરુષ અને પ્રકૃતિ, પ્રકૃતિ શું કરી રહી છે એને જાણવી જોઈએ અને પ્રકૃતિ જ્યારે કશું નહીં કરે, તે દહાડે તમારી ૩૬૦ ડિગ્રી થઈ ગઈ હશે. પછી કંઈ પણ, સહેજ પણ, હિંસક વર્તન નહીં, હિંસક વાણી નહીં, હિંસક મનન નહીં.

આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન એ જ આ મોક્ષમાર્ગ. કેટલાય અવતારથી અમારી આ લાઈન, કેટલાક અવતારથી આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરતાં કરતાં કરતાં અહીં સુધી આવ્યા છીએ.

તેથી તીર્થંકર ભગવાનોએ કહેલું કે અનંત અવતાર ગયા પછી સમક્તિ થયા પછી યે અમુક ભાગનો વ્યવહાર સમક્તિ થયા પછી તે અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ હોય છે. તો બોલો હવે કેટલાં બધાં આયુષ્ય કપાઈ ગયાં તે. અર્ધપુદ્ગલમાં આવ્યો તો ય ઘણું આયુષ્ય કપાઈ ગયું.

પ્રશ્નકર્તા : લિમિટમાં આવી ગયો.

દાદાશ્રી : હા. લિમિટમાં આવી ગયો, તેમાંથી પાછો ઊગે. ભગવાનને સત્યાવીસ અવતાર થયા હતા, સમક્તિ થયા પછી. પણ લિમિટમાં આવી ગયું. એવું ભગવાને કહેલું.

બે જ વસ્તુનો ધર્મ !

કષાય નહીં કરવા અને પ્રતિક્રમણ કરવાં એ બે જ ધર્મ છે. કષાય નહીં કરવા એ ધર્મ છે. અને પૂર્વકર્મના અનુસાર થઈ જાય તેનાં પ્રતિક્રમણ કરવાં એ જ ધર્મ છે. બાકી બીજી કોઈ ધર્મ જેવી વસ્તુ નથી. અને આ બે આઈટમ જ આ બધાં લોકોએ કાઢી નાખી છે !!

હવે તમે એમને અવળું કહ્યું તો તમારે પ્રતિક્રમણ કરવું પડે. પણ એમણે પણ તમારું પ્રતિક્રમણ કરવું પડે. એમણે શું પ્રતિક્રમણ કરવું પડે કે, 'મેં ક્યારે ભૂલ કરી હશે કે આમને મને ગાળ દેવાનો પ્રસંગ ઉત્પન્ન થયો ?' એટલે એમણે એમની ભૂલનું પ્રતિક્રમણ કરવું પડે. એમણે એમના પૂર્વ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે ને તમારે તમારા આ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે ! આવાં પ્રતિક્રમણો દિવસના પાંચસો પાંચસો કરે તો મોક્ષે જાય !

હવે આવું ધર્મધ્યાન અને આવાં પ્રતિક્રમણ તો ઉપાશ્રયમાં યે અત્યારે તો રહ્યાં નથી ને ! પછી હવે શું થાય ? નહીં તો યે રડી રડીને ભોગવવું પડે છે જ ને ? તો એના કરતાં હસીને ભોગવે તો શું ખોટું છે ?

જો આટલું જ કરોને તો બીજો કોઈ ધર્મ ખોળો નહીં તો ય વાંધો નથી. આટલું પાળો તો બસ છે, અને હું તને ગેરન્ટી આપું છું, તારા માથે હાથ મૂકી આપું છું. જા, મોક્ષને માટે, ઠેઠ સુધી હું તને સહકાર આપીશ ! તારી તૈયારી જોઈએ. એક જ શબ્દ પાળે તો બહુ થઈ ગયું !

મતાગ્રહ એ અતિક્રમણ ?

અતિક્રમણથી જગત ઊભું થયેલું તે પ્રતિક્રમણથી જગત બંધ થઈ જાય. બસ એટલો આનો 'લૉ' (કાયદો). એ પ્રતિક્રમણ આ જૈન શાસ્ત્રોમાં રહ્યું નથી. એટલે આ બધું બંધ થઈ ગયું છે. એ લોકો પ્રતિક્રમણ જેને કહે છે. એ બધી જડક્રિયા છે, જેનાથી એક પણ દોષનો નાશ ના થાય. અને છતાં દોષ નાશ કરવાની વાતો કરે અને બોલે એમાં કશું વળે નહીં.

પ્રશ્નકર્તા : મતાગ્રહ એ અતિક્રમણ કહેવાય ને ?

દાદાશ્રી : મતાગ્રહ એ મોટામાં મોટું અતિક્રમણ. એના પોઈઝનથી તો આ હિન્દુસ્તાન મરી રહ્યું છે. અત્યારે આ મોટામાં મોટું પોઈઝન છે. દરેક લોકોએ પોઈઝન એટલું બધું ઊભું કર્યું છે.

મૂળ તો અમે મહાવીરના જ !

પ્રશ્નકર્તા : આપની વાણીમાં જૈનધર્મના પારિભાષિક શબ્દો બહુ આવે છે.

દાદાશ્રી : પણ એ બધું, આ જ્ઞાન જ બધું પ્રગટ થઈ ગયેલું છે. એમ ને શબ્દો નીકળ્યા જ કરે. અને છેવટે મૂળ તો અમે ભગવાન મહાવીરના જ ને ! બીજું ગમે નહીં. બીજી વાત કોઈની ગમે નહીં. અમે વૈજ્ઞાનિકની વાત માનવા તૈયાર છીએ. ભગવાન મહાવીર વૈજ્ઞાનિક કહેવાય. અમે પણ વૈજ્ઞાનિક કહેવાઈએ.

દુષમકાળમાં ભગવાન મહાવીરે શું આજ્ઞા કરી છે ? આજ્ઞા પ્રમાણે વર્તવાનું કહ્યું છે. ને આજ્ઞા પ્રમાણે ના વર્તાય તો પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21