ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



પ્રતિક્રમણ

૩. ન હોય 'એ' પ્રતિક્રમણ મહાવીરનાં !

એ છે ધર્મનો સાર !

સાચાં પ્રતિક્રમણ હોય તો તો આખો જૈન શાસ્ત્રોનો સાર જ આ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન છે. આ જૈન શાસ્ત્રોનો સાર જ આટલો છે.

પ્રશ્નકર્તા : આ બહુ સાયન્ટિફિક (વૈજ્ઞાનિક) વસ્તુ છે.

દાદાશ્રી : હા, બહુ સાયન્ટિફિક વસ્તુ છે. અને પ્રતિક્રમણ તો બધા જ ધર્મોમાં છે. પણ સાયન્ટિફિ એ છે કે આ પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન ! આ સાયન્ટિફિક વસ્તુ છે. વૈજ્ઞાનિક ઢબ છે. અને ક્રોધ-માન-માયા-લોભ ઓછાં થઈ જાય. ક્રોધ-માન-માયા-લોભ પોતાના તાબામાં જ છે. પણ લોકોને ઓછાં કરવાં નથી.

દરેક જગ્યાએ પસ્તાવાની શરૂઆત છે. હા, ઠેઠ અંગ્રેજોની શરૂઆત પસ્તાવાથી થાય. તે ત્યાંથી મુસ્લિમો ય પસ્તાવો કરવાના. લોકો શું કહે છે કે, આ જે જે અમે કર્યું, એ બધો પસ્તાવો કરીએ છીએ, પશ્ચાતાપ કરીએ છીએ અને આપણે અહીં પ્રતિક્રમણરૂપે આપ્યું કે આપણે શું કહીએ છીએ કે અતિક્રમણ થયું માટે પ્રતિક્રમણ કરો. અતિક્રમણ એટલે વ્યવહારમાં જોઈએ તેનાં કરતાં વિશેષ થઈ ગયું માટે એનું પ્રતિક્રમણ કરો.

પ્રશ્નકર્તા : જે અમુક વખતે ડખોડખલ થઈ જાય છે કે સેન્સિટિવ (લાગણીશીલ) થઈ જાય છે, એને અટકાવવા માટે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : પ્રતિક્રમણ ને પસ્તાવો કરવાનો ને ભાવના ભાવવી જોઈએ કે આમ ન થવું જોઈએ ને આમ થવું જોઈએ. આપણી પેલી ચોપડીઓની નવ કલમો જેને આવડી ગઈ, તેનું થઈ ગયું કલ્યાણ !!

'એ' તો ખપે રોકડું જ !

નહીં તો પછી ભગવાને કહ્યું છે કે એ પ્રતિક્રમણ કર્યા કરવું.

પ્રશ્નકર્તા : અનાદિકાળથી પ્રતિક્રમણ તો કરતો આવ્યો છે. છતાં છૂટકારો તો થયો નથી.

દાદાશ્રી : પ્રતિક્રમણ તો સાચાં પ્રતિક્રમણ કર્યા નથી. સાચાં પ્રત્યાખ્યાન ને સાચાં પ્રતિક્રમણ કરે તો એનો ઊકેલ આવે. પ્રતિક્રમણ શૂટ ઑન સાઈટ હોવું જોઈએ. હવે મારાથી એક શબ્દ જરા વાંકો નીકળી ગયો, એટલે મારે અંદર પ્રતિક્રમણ થઈ જ જવું જોઈએ. તરત જ ઑન ધી મોમેન્ટ. આમાં ઉધાર ના ચાલે. આ તો વાસી રખાય જ નહીં. આ પ્રતિક્રમણ વાસી રખાય નહીં. એટલે 'શૂટ ઑન સાઈટ' પ્રતિક્રમણ હોય. તમે કેવું પ્રતિક્રમણ કરો છો ? રોકડું, શૂટ ઑન સાઈટનું કે વાસી રાખો છો ?

પ્રશ્નકર્તા : રોકડું પ્રતિક્રમણ ક્યા સંજોગને માટે કેવી રીતે કરવું ?

દાદાશ્રી : એકુંય રોકડું પ્રતિક્રમણ કર્યું હતું ?

પ્રશ્નકર્તા : ના. નથી કર્યું, હજુ સુધી. હું પ્રતિક્રમણ વાંચું છું દરરોજ.

પસ્તાવા વિનાનાં પ્રતિક્રમણ !!

નવકાર મંત્ર બોલો છો ?

પ્રશ્નકર્તા : હા. નવકાર બોલું બધું આખું સમરણ ગણું બધું જ કરું.

દાદાશ્રી : તો ય ચિંતા થાય છે.

પ્રશ્નકર્તા : રોજની ચાર-પાંચ સામાયિક કરું છું.

દાદાશ્રી : ઓહોહો ! ચાર-પાંચ સામાયિક કરો છો ?

પ્રશ્નકર્તા : અને સવારનું જે સાંજનું પ્રતિક્રમણ બેઉ કરું છું.

દાદાશ્રી : પ્રતિક્રમણ એટલે પસ્તાવો કરવાનો. તો પસ્તાવો શેનો કરો છો ?

પ્રશ્નકર્તા : પસ્તાવો નથી કરી શકતાં. ક્રિયા કર્યા રાખીએ બધી.

દાદાશ્રી : પ્રતિક્રમણ એટલે પાછા વળવું. પાપ જે કર્યા હોય, ક્રોધ કર્યા હોય, તેની પર પસ્તાવો કરવો એનું નામ પ્રતિક્રમણ કહેવાય.

પ્રશ્નકર્તા : એ બધું અંદર લખ્યું હોય સૂત્ર એ બધું અમે ગોખી લઈએ.

દાદાશ્રી : એ તો ગોખીને શું કામ છે તે ? એ તો રેડિયો ગોખી લે છે ને ? આ રોજ રોજ રેડિયો આખો દહાડો બોલ-બોલ કર્યા કરે.

'એને' સાચા ન કહેવાય !

પ્રશ્નકર્તા : આ બધી પ્રવૃત્તિઓ......

દાદાશ્રી : પાછું કો'કની ઉપર શું કામ ડફણું મારો છો ? મૂળ ગુનેગારને મારતા નથી ને ત્રીજાને મારે. જે હાથમાં આવે એને મારે. મૂળ ગુનેગારને પકડોને !

પ્રશ્નકર્તા : મૂળ ગુનેગાર બહાર તો નથી ને ? પોતે જ છે ને ?

દાદાશ્રી : આ પ્રતિક્રમણ જ ન હોય. આ પ્રતિક્રમણને તો ક્રૂડ ફોર્મ (અણઘડ સ્વરૂપમાં) કહ્યાં છે અને પાછું બાર મહિને ભેગાં કરીને કહે કે અમે પ્રતિક્રમણ કર્યુ એ તો વળી વધારે ક્રૂડ !!!

પ્રતિક્રમણ કોનું નામ કહેવાય ! બાર મહિના જો પ્રતિક્રમણ કરે તો દોષ બધા ઘટી જાય. આ તો આખી જિંદગી કરતાં કરતાં આવ્યાં. સાધુ, સંન્યાસી એંસી વર્ષનાં, સાઠ વર્ષનાં, સિત્તેર વર્ષનાં થયાં, એક પણ દોષ ઘટ્યો નથી, વધ્યા છે.

જયજિનેન્દ્ર ભગવાનની આબરૂ ખૂબ વધારી (!) આ લોકોએ !! અને તમે તો ભગવાનનું કહેલું ગોખી જાવ છો અને એને પ્રતિક્રમણ કહો છો ? પેલું ગોખે છે તેને ?

પ્રશ્નકર્તા : અત્યારે તો એ જ સમજણ છે !!

દાદાશ્રી : પણ બળ્યું, એને ગોખવાનું ? એ તો પોપટને ય શીખવાડીએ તો તે ય બોલી જાય !! એમાં શું વળે ?

પોપટની પેઠે પ્રતિક્રમણ !!!

પ્રશ્નકર્તા : સાંપ્રદાયિક પ્રતિક્રમણ, સામાયિકનું તથ્ય કેટલું ?

દાદાશ્રી : કશું યે નહીં. માગધિભાષામાં પ્રતિક્રમણ કરીએ તો પેલું પોપટ રામ-રામ બોલે એના જેવું. પોપટ રામ-રામ બોલે તેથી એ મોક્ષે જવાની છે ? તે માગધિ ભાષામાં આપણે પ્રતિક્રમણ કરીએ તો આપણી પોપટના જેવી દશા થઈ !

પ્રશ્નકર્તા : સાંપ્રદાયિકમાં તો કરવું પડે ને દાદા ?

દાદાશ્રી : ના ના, એ ઊંધે રસ્તે ચાલે તો આપણે શું કરવા ઊંધે રસ્તે ચાલીએ ? આપણે કંઈ પોપટ છીએ ? આપણો મનુષ્યનો અવતાર સમજ્યા વગર જે કંઈ પણ કરવામાં આવે તે પોપટ કહેવાય બધાં. હું અહીં તમને શું કહું છું ? સમજીને ગાજો મારી જોડે. સમજવા માટેનો અવતાર છે આ. મહારાજ માગધિભાષામાં ગા-ગા કર્યા કરે. તેમાં મહારાજ ના સમજે, પેલાં યે ના સમજે. બધાંયે પોપટે પોપટ ! રામ રામ ! આયારામ ! ગયારામ !!!

આ જૈનો પડક્કમણું કરે છે પણ એમાં પશ્ચાત્તાપ નથી. એના કરતાં અંગ્રેજોનો પશ્ચાત્તાપ સારો.

એ જે પ્રતિક્રમણ કરે છે, પણ એમનાં પ્રતિક્રમણ કેવાં હોય છે, કરનારો જાણે નહીં, કરાવનારો જાણે નહીં, કે આ શું છે તે. તમે કરેલાં કે ? કરેલાં ? તે સમજણ ના પડે. નહીં ?

પ્રતિક્રમણ કોનું નામ કહેવાય ? કે જે કરવાથી દોષ ઘટે. જે કરવાથી દોષ વધ્યા કરે એને પ્રતિક્રમણ કેમ કહેવાય ? એટલે આ ભગવાનને આવું નહોતું કહ્યું. ભગવાન કહે છે, સમજાય એ ભાષામાં પ્રતિક્રમણ કરો. પોત-પોતાની ભાષામાં પ્રતિક્રમણ કરી લેજો. નહીં તો લોકો પ્રતિક્રમણને પામશે નહીં. તે આ માગધિભાષામાં રાખી મેલ્યું છે. હવે આ ગુજરાતી નથી સમજતાં, એની પાસે માગધિનું પ્રતિક્રમણ કરવું, શું ફાયદો કરે ? અને સાધુ-આચાર્યો સમજતાં નથી, કશો એમનામાં ય દોષ ઘટ્યાં નથી. એટલે આમાં પરિસ્થિતિ આ થાય છે.

માગધિ ભાષામાં ભગવાને ફક્ત એક નવકારમંત્ર એકલો જ છે તે ગાવાનો કહ્યો હતો. નવકાર-મંત્ર એકલો જ માગધિ ભાષામાં બોલવાનો, ને તે ય પાછો સમજીને ગાજો.' એટલે માગધિમાં ફક્ત રાખવા જેવું ફક્ત આ નવકારમંત્ર એકલો જ, કારણ કે ભગવાનના શબ્દો છે. એટલું ફક્ત ભલે એનો અર્થ સમજી લીધો. બાકી પ્રતિક્રમણમાં પહેલાં તો એનો અર્થ સમજવો જ પડે કે, આ હું પ્રતિક્રમણ કરું છું ! કોનું ? મને ચંદુભાઈએ અપમાન કર્યું, અગર તો મેં કોઈનું અપમાન કર્યું, તેનું હું પ્રતિક્રમણ કરું છું.

પ્રતિક્રમણ એટલે કષાયને ખલાસ કરી નાખવાના.

આ તો ધર્મ કે અધર્મ ?!

પ્રશ્નકર્તા : એ ક્રમિકમાર્ગમાં અહંકારનું શુદ્ધીકરણ કેવી રીતે કરે ?

દાદાશ્રી : એ તો સાબુથી મેલ કાઢે, એવી રીતે મેલથી મેલ કાઢે એમ. તે છે તે પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન બેઉનો આશરો લેવો પડે. નિરંતર આખો દિવસ આશરો લેવો પડે. બેનો આશરો નિરંતર લે ત્યારે અહંકારનું શુદ્ધીકરણ થાય. ત્યાં સુધી શુદ્ધીકરણ થાય નહીં. ત્યાં પ્રતિક્રમણ હોતું નથી. ક્રમિકમાર્ગમાં પ્રતિક્રમણ હોતું નથી. પેલું માગધિ ભાષાનું પ્રતિક્રમણ હોય છે. મોઢે બોલવાનું તે.

પ્રશ્નકર્તા : એ વ્યવહારિક પ્રતિક્રમણને ?

દાદાશ્રી : એ કશું ય કામ ના કરે. હેલ્પ જ ના કરે. કો'ક યુરોપીયન, ચાર જણ બેઠાં હોય, તે આપણે થોડી થોડી વારે અંગ્રેજીમાં વાત કરીએ ને પછી એમને કહીએ કે તમે લબાડ છો, લુચ્ચા છો, તો એમને શું અસર થાય ?

પ્રશ્નકર્તા : કંઈ ના થાય.

દાદાશ્રી : એવું આ પ્રતિક્રમણને લોક સમજતા જ નથીને ? મહારાજેય નથી સમજતાં ને આય નથી સમજતાં. એકુંય પ્રતિક્રમણ જો કર્યું હોય કોઈની જોડે, તો એના બાપના સમ ! તેથી તો ક્રોધ-માન-માયા-લોભ વધી ગયાં. વચલા બાવીસ તીર્થંકરોનાં શિષ્યો તો એવાં વિચક્ષણ હતાં, તે ક્ષણે ક્ષણે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરતાં. આ મહાવીર ભગવાનના જડ ને વાંકા શિષ્યો છે. તે બાર મહિનેય પ્રતિક્રમણ પાંસરું ના કરે. બાર મહિનેય 'મિચ્છામિ દોકડો' બોલી આવે.

આને ધર્મ કહેવાય ?

આને ધર્મ કહેશો તો અધર્મ શાને કહેશો ? આ અધર્મને ધર્મ કહી રહ્યા છો. ને એને ધર્મ સમજે છે. બીજાની ભૂલ ખોળી આપે કે તમે બધું ખોટું કરી રહ્યા છો. પોતાની જોડે કોઈ કપટ કરતો હોયને તો કહેશે, તમે અધર્મ કરી રહ્યા છો. લુચ્ચાઈ કરતો હોય તો કહેશે, કે તમે અધર્મ કરી રહ્યા છો. તો આપણે કહીએ, 'તું તે લખ' કે આને ધર્મ કહેવાય. પણ ના, ભાન જ નથી ને ! હજુ આત્મા છે એટલે બીજાની ભૂલો તરત ખબર પડી જાય છે. હું જ ઉપાશ્રયમાં બેઠો હોઉં તે આપણે બધાં ગયાં હોય તો મહારાજ મારા ચાર-પાંચ દોષો તો જોઈ જ નાખે કે, માથે વાળ રાખવાની શી જરૂર છે ? વાળ ઓળવાની શી જરૂર છે ? હાથે વીંટી શા માટે પહેરે છે ? આ માળા શાને પહેરે છે ? બધી ભૂલો ખોળી કાઢે. કારણ કે દ્રષ્ટિ બધી બગડી છે. કરુણા ખાવા જેવું છે. એ તો છંછેડે ત્યારે ખબર પડે. છંછેડે ત્યારે આપણા મહાત્મા જરા ઊંચા-નીચા થાય પણ પછી પાછું જ્ઞાન એને ઠેકાણે લાવી દે. ને પેલાને ઠેકાણે ના આવે. પેલો મોંઢે બોલતાં બીક લાગતી હોય તો અંદરથી માર માર કરે. એટલે છંછેડે ત્યારે ખબર પડે.

વંક જડાય પછીમા...

શાસ્ત્રકારોએ લખ્યું છે કે, ભગવાન મહાવીરના શિષ્યો વાંકા અને જડ કહેવાય અને ઋષભદેવના શિષ્યો ભોળા અને જડ. એટલો જ ફેર. એમાં એક બે અપવાદ નહીં. બધાયે સરખા. આ બેઉ તીર્થકરોના શિષ્યો પ્રતિક્રમણને સમજે નહીં. એટલે એમને પ્રતિક્રમણ કરવાનું કહેલું ભગવાને. આ શાસ્ત્રમાં લખેલી વાત છે. આ કંઈ એમ ને એમ ગપ્પું નથી.

પહેલા તીર્થકરના શિષ્યોને કહ્યું હોય કે, નમસ્કાર કર્યા કરો. તો સવાર સુધી એ કર્યા જ કરતાં હોય. અને હોય એકેકું પાંચ-પાંચ હજાર ફૂટ, દસ-દસ હજાર ફૂટ ઊંચા હોય. ને નાક બસો બસો ફૂટ તો લાંબા હોય. તે કહ્યું હોય તે પ્રમાણે નમસ્કાર કર્યા જ કરતાં હોય. સવારથી સાંજ સુધી કર્યા જ કરે. ભગવાન જો કંઈ બંધ કરવાનું કહેવાનું ભૂલી જાય, તો એ અટકે નહીં.

અને મહાવીર ભગવાન જો કહીને ગયા હોય કે એક કલાક સામાયિક કરજો, તો ત્રણ મિનિટ થઈને ભગવાન બહાર ગયા કે આ શીશી જોયા કરે !

મહાવીર ભગવાને જાણ્યું કે મારી પાછળ જે બધા મારા ફોલોઅર્સ છે, આ લોકો કેવા છે ? વિચક્ષણ નથી, વચલા બાવીસ તીર્થંકરોના શિષ્યો વિચક્ષણ જીવો હતા. વિચક્ષણ એટલે, ગુજરાતી અર્થ શું થાય એનો ?

પ્રશ્નકર્તા : બહુ ચાલાક, શિયાળ જેવાં.

દાદાશ્રી : ના. અરે શિયાળ જેવો અવળો અર્થ કર્યો આવો ? વિચક્ષણ એટલે જે ક્ષણે ક્ષણે વિચારે કે આ શું થયું ? આ શું થયું, આ દોષ બેઠો, અને તરત જ પ્રતિક્રમણ કરે. એમાં પ્રતિક્રમણ કરવાનુ કહેવું ના પડે. એ તો એમ ને એમ પ્રતિક્રમણ થઈ જ જાય. તે ઘડીએ દોષ થયો કે તરત જ પ્રતિક્રમણ કરે. વિચક્ષણ એટલે તરત સમજી જાય કે આમની જોડે આ દોષ થયો. આમની જોડે બોલતાં બોલતાં આ શબ્દ જરા ભારે બોલાયો. અને એટલે તરત જ પ્રતિક્રમણ કરે. અગર તો તમારે ને મારે ઝગડો થયો અત્યારે, કંઈ તમારે માટે મને ખરાબ વિચાર આવ્યો, તો તે ઘડીએ પ્રતિક્રમણ ત્યાં ને ત્યાં ઑન ધી મોમેન્ટ એનું પ્રતિક્રમણ કરી નાખે એટલે શૂટ ઑન સાઈટ. પ્રતિક્રમણ કરે. તો એ દોષ જાય, નહીં તો આ દોષ જતા હશે ? આ બાર મહિને ભેગા કરીને આપણે અહીં આગળ પ્રતિક્રમણ કરીએ તેમાં એકુંય દોષ યાદ આવતો હોય ?

એટલે વચલા બાવીસ તીર્થકરોના શિષ્યો બહુ ડાહ્યા ! કંઈક વધતું-ઓછું ખરાબ બોલી ગયો એટલે તરત પ્રતિક્રમણ ઑન ધી મોમેન્ટ થઈ જ જાય. આ એકલા જ ઊધારી. 'એય, પર્યુષણ આવશે ને ત્યારે પડકમણું કરી આવીશ.' કહેશે અને પછી ત્યાં આગળ આવીને મિચ્છામિ દુક્કડમ્ કરે. અલ્યા, દોકડો લાવને, મને આપને ! (!)

હવે આનો અર્થ કોણ સમજે ?! પડકમણુનો જ અર્થ સમજતાં નથીને. હવે આને શું કરવું ત્યારે ? એક ૭૬ વર્ષના ડોસા હતા, શ્વેતાંબરી હતા. આપણે બે-ચાર જણ બેઠાં હતાં, ને તેમને મારે દેખાડવું હતું. મેં કહ્યું, 'આ લોકો પડક્કમણું સમજતાં નથી. અને પડકમણું કરે છે.' મેં એ ડોસાને બોલાવ્યા. મેં કહ્યું, 'શેઠ, શેઠ, અહીં આવો.' 'શું કહો છો', કહે છે. મેં કહ્યું, 'ક્યાં ગયા'તા ?' ત્યારે કહે, 'પડક્કમણું કરી આવ્યો.' એટલે મેં કહ્યું 'પડક્કમણું એટલે શું ?' ત્યારે કહે, 'એ તો ચાળીસ વર્ષથી કરું છું, પણ એ મને ખબર નથી' કહે છે. 'હું કાલે મહારાજને પૂછી આવીશ' કહે છે. ત્યારે ધન્યભાગ્ય મારાં !! મહાવીરના ધન્ય કે કોના ધન્ય છે એ ! આ ચાલે છે. તે ય ધન્યભાગ્ય છે !! 'મહારાજને પૂછી લાવીશ !' હવે આને ક્યાં પહોંચી વળાય ?!

તમે પડકમણું કરો છો કે નથી કરતાં ?

પ્રશ્નકર્તા : હા, એક જ કરું છું બાર મહિનામાં. આખા વર્ષની માફી માંગી લેવાની તે દહાડે !

દાદાશ્રી : બસ, પછી પતી ગયું બધું તે દહાડે ?! પ્રતિક્રમણ કરવાનાં હોય ને, તે દહાડે નવાં લૂગડાં પહેરીને પ્રતિક્રમણ કરે છે, પર્યુષણમાં આવીને કહે છે, 'મિચ્છામિ દુક્કડમ્' એટલે મેં કહ્યું, દુક્કડો તારી પાસે છે ? દુક્કડો એટલે શું ? ત્યારે એ કહે, એ તો કાલે મહારાજને પૂછી આવીશ. મેં કહ્યું, તમે કઈ જાતના માણસો છો ? દુક્કડો એટલે શું એ મહારાજને પૂછવાનું રાખ્યું ?! મેં કહ્યું કલ્યાણ થઈ ગયું ! તમારું કલ્યાણ થઈ ગયું ને મહારાજનું કલ્યાણ થઈ ગયું, સંવત્સરી સમજે ત્યારે ? પર્યુષણ શું ? એવું સમજે, ત્યારે ને ? શું થાય ?

૪૦ વર્ષથી કરે છે !!! પૂછવું ના પડે ?! આપણે જે કરીએ એ આપણે પૂછવું ના જોઈએ કે ભઈ, શું છે આ ? શેના હારુ છે, એવું ના પૂછવું પડે ?

હે પડકમણાંના લોક ! શું ભગવાનની દશા કરી છે ? જયજિનેન્દ્રને કેટલો વગોવ્યો છે ?!

તો કોણ ઠપકો આપશે તમને ?

આ લોકો વરસમાં એક વાર પ્રતિક્રમણ કરે, ત્યારે નવાં કપડાં પહેરીને જાય. તે પ્રતિક્રમણ એ શું પૈણવાનું છે કે શું છે ? પ્રતિક્રમણ કરવાનું એટલે કેટલું બધું પસ્તાવાનું ! ત્યાં નવાં કપડાં શેમાં ખાવાં છે ?! એ કંઈ પૈણવાનું છે ? પાછાં રાયશી ને દેવશી. તે સવારનું ખાધેલું સાંજે યાદ રહેતું નથી, તે કેવી રીતે પ્રતિક્રમણ કરે ?!

વીતરાગ ધર્મ કોને કહેવાય ? કે રોજ ૫૦૦, ૫૦૦ પ્રતિક્રમણ કરે. જૈનધર્મ તો છે બધે, પણ વીતરાગ ધર્મ નથી. બાર મહિને એકવાર પ્રતિક્રમણ કરે એને જૈન કેમ કહેવાય ? છતાં સંવત્સરી પ્રતિક્રમણ કરો તેનો ય વાંધો નથી.

મિચ્છામિ દુક્કડમ્ !

પ્રશ્નકર્તા : મિચ્છામિ દુક્કડમ્ એટલે શું ?

દાદાશ્રી : મિચ્છામિ દુક્કડમ્ એ છે તે અર્ધમાગધિ ભાષાનો શબ્દ છે. મિચ્છામિ દુક્કડમ્ એટલે શું કહેવા માગે છે કે, મિથ્યા મે દુષ્કૃતમ એવું કહેવા માગે છે, કે મારા દુષ્કૃત થયેલાં મિથ્યા થાઓ.

પણ એથી કશું થાય નહીં, એ તો પ્રતિક્રમણ તમાો કરવું પડે. મિચ્છામિ દોકડો કર્યા કરે એ સમજ્યા વગર બધું નકામું ગયું ! મહેનત બધી ધૂળધાણી થઈ ગઈ. મિચ્છામિ દુક્કડમ્ એટલે જેટલાં દુષ્કૃત થયાં હોય એ બધી જાતનાં દુષ્કૃત મિથ્યા થાવ.

પ્રશ્નકર્તા : એ જે કામ કરતાં હોય એનાં પ્રતિક્રમણ કરવાની જરૂર ?

દાદાશ્રી : ના, એ કામ કરતાં હોય એમાં ગભરાવાનું નહીં. બધી બાબતનું પ્રતિક્રમણ છે એ, આ એકલું દુષ્કૃત નથી. એટલે ગભરાવાનું કંઈ કારણ નથી. દુષ્કૃત કયું કહેવાય કે જેમાં પ્રત્યક્ષ હિંસાનો વેપાર થતો હોય ત્યાં દુષ્કૃત કહેવાય. આ અનાજ-કરિયાણાનો ધંધો હોય એમાં જીવડાં પડી ઊઠે, એ જૈનોને ના શોભે. અને છતાંય ફરજિયાત આવી પડ્યું હોય તો પણ પશ્ચાતાપ તો લેવો જ જોઈએ ને ! કે 'હે ભગવાન ! મારે ભાગે ક્યાં આવ્યું આ !!' ખુશ તો ના જ થવું જોઈએ ને ? અભિપ્રાય તો જુદો હોવો જ જોઈએ ને આપણો ?!

જ્ઞાની પ્રરૂપે વીતરાગ ધર્મ !

હવે જ્યાં ચોપડવાની પી ગયાં, અને પછી કહેશે, ડૉક્ટર ખરાબ છે, ડૉક્ટરે આમ કર્યું, દવા એની બરોબર ના આપી. તે મારા છોકરાને, બાબાને ના મટ્યું, અલ્યા, ચોપડવાની પી ગયો, તે શેનું મટે ? જે ચોપડવાની પી જાય તો મરી જાય ને ? ચોપડવાની દવા તો પોઈઝન હોય ને ? એવું આ ચોપડવાની પી ગયાં છે, અને જૈનધર્મને વગોવે છે.

ક્યાં વીતરાગ માર્ગ, ને તેમાં કેટલા ભાગ પડ્યા આજે. જે અક્કલવાળો પાક્યો તે એને જુદો લઈને બેઠો, અલ્યા પણ આ જુદો લઈને બેસીશ, તો વખતે તને બાપજી બાપજી કરનારા મળશે, પણ આની જવાબદારીનું ભાન કોના માથે ? ત્યારે તે જુદો માંડ્યો તેથી !!

આ ચૂલો કેમ જુદો માંડ્યો ? આ એક ચૂલાની રસોઈ તે ચૂલો જુદો કેમ માંડ્યો ?! અહંકારીઓ બધા ભાગ જ પાડે હમેશાં.

આપણે અહીંયા યે આ દાદાની વંશાવળી બે-પાંચ પેઢી થશેને, એટલે એય જાત-જાતના ભાગ પાડશે. 'રીવીઝનાલિસ્ટ' થશે. તે મેં અત્યારે ચેતવ્યા છે. મેં કહ્યું 'રીવીઝનાલિસ્ટ' ના થશો પાછાં હોં ! આ સાયન્સ છે, જીવતું રહેવા દેજો. કામ કાઢી નાખશે આ.

મહાવીર ભગવાન જાતે જ કહીને ગયા છે. અમારા શિષ્યો બધા વાંકા ને જડ થશે. કારણ કે એ નિયમ જ હોય છે. આ એકલી ચોવીશીનો નહીં, બધી ચોવીશીયોનો નિયમ એવો જ હોય.

જૈન ધર્મનો કંઈ દોષ છે આમાં ? આ કાળચક્ર એવું છે એટલે. હવે આ કાળચક્રમાં આવું જ હોય. આ તો જ્ઞાનીપુરુષ કોક ફેરો હોય છે. દરેક પાંચમા આરામાં હોય છે જ. નહીં તો આ જગતનું આ છેલ્લા તીર્થકરના શાસનનું શું થાય ? જંગલ થઈ જાય. એટલે આવું કંઈ ને કંઈ એક પુષ્ટિ હોય છે. એ હોય છે ને તે ચાલ્યા કરે છે. શાસન દીપશે. અત્યારે બહુ સરસ દીપશે.

આ શાસન અમારું ના ગણાય. અમે શાસનના શણગાર કહેવાઈએ. મહાવીર શાસનના શણગાર ! હંઅ. અમારે એ શાસનને શું કરવું ? આ પીડા અમે ક્યાં લઈએ ? આ તો ભગવાન મહાવીરનું શાસન કહેવાય. એ તીર્થકરને શોભે. અમને શોભે નહીં આ. અમે તો વચ્ચે એમાં પુષ્ટિ દેનારા.

આ ફક્ત અમારું જ્ઞાન, એનું એ જ વિજ્ઞાન છે આ. પણ આ ગલી-ગૂંચીઓવાળું છે આ. અત્યારે લોક ગલીગૂંચીઓમાં પેસી ગયા છે. અને તે આડી ગલી એકલીમાં નહીં પણ આડીમાં પાછી ઊભી ને ઊભીમાં પાછી ત્રાંસી. ફરી જડે જ નહીં પાછો. હવે ત્યાં જ્ઞાન પહોંચાડવું એટલે બહુ સહેલું ના હોય.

આ ભગવાનનું જ્ઞાન તે કેવું સ્ટ્રેઈટ ફોરવર્ડ ! આ સ્ટ્રેઈટ લાઈનને આ સ્ટ્રેઈટ લાઈન. નોર્થ, નોર્થ-વેસ્ટ, સાઉથ-વેસ્ટ, એવું બધું પણ એકઝેક્ટ ફીગરનું. અને આ તો અત્યારે કંઈ ગલીની મહીં ગલી ને તેની મહીં ગલી. અને ગોળ કુંડાળું ફરીને પાછા ત્યાંના ત્યાં જ આવે એટલે આ અક્રમજ્ઞાન આવ્યું.

અક્રમ એટલે ક્રમ-બ્રમ કશું ય નહીં. કશું જ કરવાનું નહીં. જ્ઞાનીપુરુષની હાજરીમાં સર્વ પાપો ભસ્મીભૂત કરી શકે, એટલો બધો પાવર હોય, એટલી બધી એની શક્તિ હોય, અનેક જાતના પાવર હોય, છતાં જાતે શાસનના માલિક થવું નથી. શું કામ માલિક થાય ? માલિકને તો દુઃખ હોય. એક તીર્થકર વગર કોઈ માલિક થઈ શકે નહીં. તીર્થંકરને માલિકપણું હોય નહીં. તીર્થકર તો સ્વભાવથી માલિક છે. હંઅ. તીર્થકર સ્વભાવ છે એવો. અમારે આનું શું કરવું છે ? અમારું આ નિમિત્ત છે. એ પૂરું કરીને અમે ચાલ્યા જવાના. 'જય સચ્ચિદાનંદ.'

વચલા બાવીસ તીર્થકરોના વખતમાં જે જાગૃતિ હતી, એવું જો વર્તન આવી ગયું, એટલે ભગવાન કહેવાય. કારણ કે આર્તધ્યાન, રૌદ્રધ્યાન થઈ જાય છે ખરું. ચંદુલાલથી પણ તે પ્રતિક્રમણ કરે છે એનું, માટે એ પાછો ધર્મધ્યાનમાં આવી ગયો કહેવાય.

પ્રતિક્રમણ જો રોકડું આવું થઈ ગયું જેનું, સર્વસ્વ રીતે તો, એ ત્યાંથી જ એ ભગવાન પદ જ ગણાય. જેને રૌદ્રધ્યાન ને આર્તધ્યાન વધારે થતું નથી. જેને ખાતે ચોપડે લખાતું નથી. થાય તો ય વાંધો નથી, પણ પ્રતિક્રમણ કરશે ને તે ચોપડે નહીં લકાય. એટલે સુધી 'પદ' આપણે આપેલું છે. 'ભગવાનપદ' તમારા હાથમાં આપેલું છે, હવે તમને જેવું વાપરતાં આવડે એવું વાપરજો. અમે તો આપી છૂટીયે.

કારુણ્ય ભાવે સરેલાં વેણ !

બાવીશ તીર્થંકરોના જે શિષ્યો હતા તે બધા શૂટ ઑન સાઈટવાળા હતા. એટલા બધા જાગૃત હતાં કે દોષ થાય કે તરત ખબર પડી જાય. હવે ચોવીસમા તીર્થકર મહાવીરના અને ઋષભદેવ ભગવાનના, બેઉના શિષ્યો એ જુદી જાતના, ઋષભદેવના જડ અને સરળ અને મહાવીરના જડ અને વાંકા. 'વંક જડાય પછીમા.' હવે આ મહાવીર ભગવાને કહેલું જ છે ને, હવે આપણે સાધુઓને પૂછીએ કે 'ભગવાને કહેલું છે ?' ત્યારે એ કહે, 'હા, કહેલું જ છે ને ? એ એની જાત ઉપર ના લે. લોક એવા થઈ ગયા છે એવું કહે પમ બધાં એવું જ કહે ને ! એટલે એના ભાગે, કોઈના ભાગે આવ્યું જ નહીં ને ! એટલે જા પછી પાછું મહાવીરને ઘેર ! પાછું હતું ત્યાં ને ત્યાં !!

અમે આવું બોલીએ, પણ અમે તો બોલતાં પહેલાં જ પ્રતિક્રમણ કરી લીધેલું હોય, તમે આવું બોલશો નહીં. અમે આવું કડક બોલીએ છીએ, ભૂલ કાઢીએ છીએ, છતાં અમે નિર્દોષ જોઈએ છીએ. પણ જગતને સમજાવવું તો પડશે ને ? યથાર્થ, સાચી વાત તો સમજાવવી પડશે ને ?!

પણ એટલું ખરું કે, વચલા તીર્થકરના વખતમાં એ લોકો પ્રતિક્રમણમાં બહુ ડાહ્યા હતા. એટલે બહુ ઊંધા ના પડી જાય એ. એમની પ્રગતિઓ સારી થાય. એ બહુ સારું હોય !

પ્રશ્નકર્તા : એ લોકો જેમ આપણું પ્રતિક્રમણ છે, 'શૂટ ઑન સાઈટ'નું એવું પ્રતિક્રમણ કરતા'તા, એલોકો ? એ જરા ખુલાસો કરોને ?

દાદાશ્રી : હા, એવું શૂટ ઑન સાઈટનું. હા અને એ કંઈ મોક્ષનો માર્ગ નહોતો. એ સંસારમાં શૂટ ઑન સાઈટ થયું ને, એટલે ગતિ સારી રહે, ફર્સ્ટકલાસ રહે, દુઃખ ના આવે, અડચણો ના આવે. વેર બંધાય નહીં. એટલે સંસારી સુખનો માર્ગ હતો એ. અને જેને મોક્ષે જવું હોય તેને મોક્ષના માર્ગમાં આ કામ લાગતું હતું. બન્ને રીતે કામ લાગતું હતું.

અને આ તો જુઓને, આ પ્રતિક્રમણ, પડકમણું, પડકમણું બોલે, તે મહારાજ બોલે ને લોકો સાંભળે. અને લોકો મહીં બોલે. આપણે પૂછીયે પડકમણાનો અર્થ શું ? એ બોલે ખરા કે પ્રતિક્રમણ કરવાનું. પણ એકુંય દોષ ધોવાય નહીં. કપડું, સાબુ ઘાલતાં છતાં, ચોખ્ખું પાણી વાપરવા છતાં, જે ડાઘ ના જતો હોય, તો સાબુ ખોટો હતો, કે કોઈ ધોનારો ખોટો હતો, કે પાણી ખોટું હતું ? એકુંય દોષ ઘટ્યો નથી. શાથી દોષ ના ધટ્યો ? રોજ આટલાં આટલાં પ્રતિક્રમણ કરે છે, તમે એ તો જાણો છો. તમે આ મહારાજ સાહેબ પાસે ગયેલા ને પ્રતિક્રમણ કરવા માટે ?

પ્રશ્નકર્તા : હા ગયાં હતાં.

દાદાશ્રી : પડકમણું કર્યા તોય કેમ દોષ ધોવાયો નહીં એકુંય ?! કારણ કે પ્રતિક્રમણ માગધિભાષામાં બોલે છે, એ પેલો પોપટ બોલેને, આયારામ-ગયારામ, મોક્ષ એ બધું બોલે તોય એમાં આપણે શું ? પોપટનું નામ દેવો, એટલે આ સમજ્યા વગર પ્રતિક્રમણ કોનું કરે છે ? સમજે તો ધોવાય. એટલે મેં કહ્યું, મહારાજને કહ્યું કે ગુજરાતીમાં પ્રતિક્રમણ કરી નાખો. સમજે તો મનમાં એમ વિચાર આવે કે આ પ્રતિક્રમણ કરીએ છીએ પણ આપણે કશું સાચું પ્રતિક્રમણ કરતાં નથી. ફળ તો આવવું જોઈએ ને !!

પ્રાપ્તિ, હેતુ પ્રમાણે !

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે જે બાવીસ તીર્થંકરો હતા. તે વખતે 'શૂટ એટ સાઈટ'નાં પ્રતિક્રમણો કરતાં હતાં, માણસો બધાં વિચક્ષણ હતાં, આપે એમ કહ્યું, અને એ પ્રતિક્રમણ સંારના સુખ માટે કરતાં હતાં અને મોક્ષ બન્ને વસ્તુ માટે આપે કહ્યું.

દાદાશ્રી : નહીં, એવું સુખ માટે નહીં, કેટલાકનો મોક્ષનો હેતુ, કેટલાકનો આ હેતુ, કોઈનો સુખનો હેતુ. આ પ્રતિક્રમણથી લાભ, જે એનો હેતુ હતો તે પ્રમાણે એો લાભ મળી જતો હતો.

પ્રશ્નકર્તા : પણ હું એમ પૂછું છું કે પ્રતિક્રમણમાં તો મોક્ષનો જ રસ્તો હોયને, પેલો સુખનો રસ્તો પ્રતિક્રમણમાં કેવી રીતે આવે ?!

દાદાશ્રી : પ્રતિક્રમણ એટલે પ્રતિક્રમણનો અર્થ શું ? કે આજે ખોટું થયું તે બદલ ક્ષમા માગી લઉં છું એટલે ખોટું ભૂંસાઈ ગયું એટલે પુણ્યૈ બંધાઈ. પુણ્યૈ બંધાઈ, એટલે પુણ્યૈ ભોગવવા જવું પડે.

પ્રશ્નકર્તા : પણ એ તો મોક્ષમાર્ગમાં પણ એમ જ થયુંને, તો પેલુંય પ્રતિક્રમણ થયું ને આય પ્રતિક્રમણ !

દાદાશ્રી : એ સહુ સહુના હેતુ જુદા હોય. દરેકના હેતુ અને ધ્યેય જુદાં હોય.

પ્રશ્નકર્તા : પણ પ્રતિક્રમણ તો દાદા, દોષનું છે, કોઈ પણ દોષ થયો એટલે પ્રતિક્રમણ કરે, હવે દોષ ભૂંસાવો એલે મોક્ષમાર્ગે જવું.

દાદાશ્રી : ના. એવું કશું નહીં.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે ? અમને જરા સમજાવો કે એક પ્રતિક્રમણથી પુણ્યૈ મળે છે અને...

દાદાશ્રી : આપણે અહીં પ્રતિક્રમણ છે તે મોક્ષને માટેનું છે. પણ આ સંસારનું પ્રતિક્રમણ તો સંસારનો કોઈ દોષ, સંસારના સુખને માટે, એનો જે હેતુ હોય એમાં વપરાય.

પ્રશ્નકર્તા : બરાબર છે, હું એય સમજવા માગું છું કે, પ્રતિક્રમણ બે પ્રકારના આપે કહ્યું, એમાં એક પ્રતિક્રમણનું પરિણામ...

દાદાશ્રી : બે પ્રકારનાં નહીં, પ્રતિક્રમણ એક જ પ્રકારનાં હોય.

પ્રશ્નકર્તા : હા, પણ એમાં જે ધ્યેય છે, ધ્યેય બે પ્રકારનાં આવ્યાં ને ? એક મોક્ષનો ધ્યેય...

દાદાશ્રી : ધ્યેય બે પ્રકારનાં નહીં, કેટલીય પ્રકારનાં ધ્યેય, એમાં માણસે માણસે જુદી જુદી જાતનાં ધ્યેય એમાં.

પ્રશ્નકર્તા : હવે આમાં સંસારના સુખનું જે ધ્યેય છે. એનો અર્થ થયો કે પ્રતિક્રમણથી એને ધર્મધ્યાન થાય. શુક્લધ્યાન ન થાય.

દાદાશ્રી : પ્રતિક્રમણ ને શુક્લધ્યાનને લેવાદેવા નથી. શુક્લધ્યાન તો લેવાદેવા જ ના હોય સંસારમાં. આપણે ત્યાં અહીં આગળ, આ તો અક્રમ છે એટલે શુક્લધ્યાન. નહીં તો શુક્લધ્યાન બોલાય જ નહીં.

પ્રશ્નકર્તા : તો એ પ્રતિક્રમણ કેવી રીતે થાય ? મારે સમજો કે, પ્રતિક્રમણ કરવું છે. મારે સંસારમાં સુખ જોઈએ છે. તો એ કેવી રીતે પ્રતિક્રમણ, કેવો ધ્યેય રાખવાનો એટલે ધ્યેય રાખીને, કેવી રીતે પ્રતિક્રમણ કરવાનું છે ?

દાદાશ્રી : ના, ના. પ્રતિક્રમણ તો એ કરેને, તો આપણી મહીં દોષ થયેલો એ ભૂંસાઈ ગયો.

પ્રશ્નકર્તા : ભૂંસાઈ ગયો તો ભૂંસાઈ ગયો પછી.

દાદાશ્રી : એટલે પુણ્યૈ બંધાઈને.

પ્રશ્નકર્તા : હા, તો એવી રીતે આ મોક્ષમાર્ગમાં એને પુણ્યૈ બંધાઈ જ ને ?

દાદાશ્રી : ના.

પ્રશ્નકર્તા : તો કેવી રીતે સમજવું તે ?

દાદાશ્રી : મોક્ષમાર્ગમાં છૂટા થવા માટે પ્રતિક્રમણ કરીએ છીએ.

પ્રશ્નકર્તા : પણ એ છૂટા થવા માટે અને પેલાં ?

દાદાશ્રી : પેલાં છૂટાં થવાને લેવાદેવા નહીં.

પ્રશ્નકર્તા : તો એ મનમાં એવું ધારેલું હોય કે, ભઈ અમને આ...

દાદાશ્રી : ના, એ તો 'ચંદુલાલ' થઈને પ્રતિક્રમણ કરતો હોયને ?

પ્રશ્નકર્તા : અજ્ઞાની અને જ્ઞાની ?

દાદાશ્રી : બસ.

પ્રશ્નકર્તા : એનો ભેદ. હા, તો બરોબર. અજ્ઞાની જે કરે, પ્રતિક્રમણ એને પુણ્યૈ મળે.

દાદાશ્રી : અજ્ઞાની જે કરે એને પુણ્યૈ કે પાપ જ હોય. બીજું કશું જ ના હોય. એ તો મોક્ષનો માર્ગ જ ના હોય.

પ્રશ્નકર્તા : હા, બરાબર છે.

મળે માલ શું પ્રતિક્રમણથી !

પ્રશ્નકર્તા : અક્રમવિજ્ઞાન પણ પેલા બાવીસ તીર્થંકરોના જેવી સ્થિતિમાં લાવી આપે છેને ?

દાદાશ્રી : એટલી બધી સ્થિતિમાં ના લાવે પણ આ તો અક્રમ વિજ્ઞાન મોક્ષ ફળ આપે ! પેલું મોક્ષ આપે એવું નથી. એટલું ફેર છે.

પ્રશ્નકર્તા : કયું ?

દાદાશ્રી : આ આપણું અક્રમ મોક્ષ આપે એવું છે, અને પેલું તો જાગૃતિ એકલી જ, એટલે પુણ્યૈ બાંધે મોક્ષની. પેલી જાગૃતિ જ લાવે છે.

પ્રશ્નકર્તા : પણ તીર્થંકરોના આશ્રયે એ હતાંને ?

દાદાશ્રી : એમના તીર્થંકરોના આશ્રયે ગયાં એટલે તો મોક્ષમાં પહોંચી જાય. બીજા બધા લોકો છે તે પુણ્યૈ બાંધે બધાં.

પ્રશ્નકર્તા : પણ પ્રતિક્રમણથી એને મોક્ષમાર્ગ ખુલ્લો નથી થતો ?

દાદાશ્રી : ના.

પ્રશ્નકર્તા : એવું કેમ ? એ કાળમાં નહીં ?

દાદાશ્રી : પ્રતિક્રમણ મોક્ષમાર્ગ નથી.

પ્રશ્નકર્તા : પણ એનો આખો જે હેતુ છે તે એને આ રસ્તા પર લાવેને ?

દાદાશ્રી : આત્મજ્ઞાન એ મોક્ષમાર્ગ છે. આત્મજ્ઞાન થયા પછીનાં પ્રતિક્રમણ મોક્ષમાર્ગ આપે. પછી બધી સાધનાઓ મોક્ષમાર્ગ આપે.

પ્રશ્નકર્તા : તો એને આત્મજ્ઞાન થવાનું કારણ બની શકે એ પ્રતિક્રમણ ?

દાદાશ્રી : ના. આ જૂનાનું પ્રતિક્રમણ કરે ને નવાં અતિક્રમણ ઊભાં થાય છે પાછાં મોહનાં. મોહ બંધ થયેલો નહીં ને ? મોહ ચાલુ ને ? દર્શનમોહ એટલે જૂનાં બધાં પ્રતિક્રમણ કરે ને એ વિલય થી જાય અને નવાં ઊભાં થાય. પુણ્યૈ બંધાય, પ્રતિક્રમણ કરીએ તે ઘડીએ.

પ્રશ્નકર્તા : એટલે દોષોનાં પડો, આવરણો પાતળાં પડતાં જાય ને ?

દાદાશ્રી : દોષો જ નાશ થતા જાય.

પ્રશ્નકર્તા : તો પછી બીજા ક્યા દોષ ઊભા થતા જાય એને ?

દાદાશ્રી : બધા. દર્શનમોહ એટલે દોષ ઊભા થયા જ કરે, અને પ્રતિક્રમણ એને કાઢ્યા કરે.

પ્રશ્નકર્તા : એટલે એને ધર્મધ્યાનમાં રાખે પ્રતિક્રમણ ?

દાદાશ્રી : બધું ધર્મધ્યાન શી રીતે થઈ શકે ? શુક્લધ્યાન, તો હોય જ નહીં ત્યાં, ધર્મધ્યાને ય ક્યાંથી હોય ?

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ એ ધર્મધ્યાનમાં ના કહેવાય ?

દાદાશ્રી : એ પ્રતિક્રમણ જુદી જાતનું છે.

પ્રશ્નકર્તા : એ શું છે ?

દાદાશ્રી : એ પ્રતિક્રમણ જે મોહ હોય એનો નાશ કરે છે. ફરી એ મોહ ઉત્પન્ન ના થાય એમાં. અને દર્શન મોહનીય બીજો મોહ ઉત્પન્ન થવા દે. અને પ્રતિક્રમણ એ ફરી પાછાં નાશ કરે. દર્શન મોહનીયથી પાછો ફરી મોહ ઊભો થાય. પ્રતિક્રમણથી ફરી નાશ કરે. એ કર્યા જ કરે.

પ્રશ્નકર્તા : મોહ ઘટાડવાની જે પ્રક્રિયા છે, એને દોષ ઘટાડવા જેવું કહો છો ?

દાદાશ્રી : આખા જગતના પરમાણુ છે એટલા બધા દોષ છે. એ દોષ આ પ્રતિક્રમણથી ખપી જાય છે બધા.

સંસારના લોકો પ્રતિક્રમણ કરે, કોઈ જાગૃત હોય તો, રાયશી-દેવશી બેઉ કરે, તે એટલાં છે તો દોષ ઓછા થઈ ગયા, પણ દર્શનમોહનીય જ્યાં સુધી છે ત્યાં સુધી મોક્ષ ના હોય, દોષો ઊભા થયાં જ કરે. જેટલાં પ્રતિક્રમણ કરે એટલાં બધાંય જાય.

પ્રશ્નકર્તા : એટલે એનો એક દાખલો આપો ને કે, બાવીસ તીર્થંકરોના વખતમાં ક્યો દોષ કર્યો, કેવી રીતે પ્રતિક્રમણ કર્યું.

દાદાશ્રી : આપણે ત્યાં કરીએ છીએ, એવી રીતે જ તો ! અત્યારે જે દોષ આપણને દેખાય છે ને, એવી રીતે એ કરે !

પ્રશ્નકર્તા : કંઈક ચોરી કરી, કંઈક ઊધું બોલાઈ ગયું હોય એનાથી, તો થાય કે, આ ખોટું થયું, આવું ના હોવું જોઈએ.

દાદાશ્રી : હા. તો એ બધું ઊધું ના બોલાય ફરી.

પ્રશ્નકર્તા : એટલે છતું બોલવું જોઈએ એવો એનો નવો બંધ પડ્યો ?

દાદાશ્રી : પાછું એ થાય.

પ્રશ્નકર્તા : એટલે આવી રીતે આખી પ્રોસીજર બદલાય છે.

દાદાશ્રી : હા, દર્શનમોહનીય ખરું ને ! ેટલે આ ફેરે પાછું થઈ ગયું. આવતે-ભવે ફરી પાછું વીંટાય એવું ને એવું.

પ્રશ્નકર્તા : એટલે આ બધું ઊધું બોલાયું તે અટક્યું ને છતું બોલાવું જોઈએ. એ ચાર્જ થયું ?

દાદાશ્રી : છતું તો આ ભવમાં જ થાય, પાછા આવતા ભવમાં કોઈ કુસંગ મળ્યો તો પાછું ઊધું બોલતાં શીખી જાય !

પ્રશ્નકર્તા : એટલે પ્રતિક્રમણ કર્યું એટલે એનાથી જૂનો દોષ ગયો.

દાદાશ્રી : હા, ગયો બસ.

પ્રશ્નકર્તા : પછી આપે કહ્યું, કે દર્શનમોહનીય છે ત્યાં સુધી નવું કર્મ બાંધે જ. નવો દોષ તો ઊભો કરે જ.

દાદાશ્રી : એ તો નવો દોષ ચાલુ જ હોય.

પ્રશ્નકર્તા : એનું ફળ આવતે ભવે આવે એને.

પ્રશ્નકર્તા : એટલું ઊધું બોલાયું હોય એ દોષ છેદ્યો એણે. પણ પાછો નવો તો ચાલુ જ રહે છે એનો.

દાદાશ્રી : હા, પણ એ ઊધું બોલવાનો દોષ આ ભવમાં જતો રહ્યો એનો. તે આ ભવમાં ના બોલે એ. પણ આવતો ભવ પાછો તે ઓળખાણવાળા જુદી જાતના મળી આવે તે ફરી ટેવ પડી જાય. દર્શનમોહ રહેલો એટલે ઊગ્યા જ કરે ને બધું !

પ્રશ્નકર્તા : પણ એણે એ દોષ કાઢ્યો કેવી રીતે ? પ્રતિક્રમણ કર્યું હશે તે ઘડીએ શું ?

દાદાશ્રી : શાસ્ત્રના આધારે આ ખોટું છે, આમ ન થવું જોઈએ, એવું બોલે. પ્રતિક્રમણ કરું છું, પ્રત્યાખ્યાન કરું છું. હવે નહીં બોલું એમ નક્કી કરે. એટલે એ બધો ગયો દોષ અને એટલો ટાઈમ છે તે આત્મા માટે કાઢ્યો. એમાં પુદ્ગલ ભાગ હેતુ નથી. એટલે પુણ્યૈ બંધાઈ.

આ હાથીને તે જોયેલો નહીં ? એ નહાય છે તે જોજો ત્યાં આગળ.

નહાયા પછી શું કરે છે તે જોઉં છું ને ?!

પ્રશ્નકર્તા : ગજસ્નાનવત્ કહે છે ને ! એ પાછી ધૂળ ઊડાડે શરીર પર !

દાદાશ્રી : અને પાછો ધોઈ નાખે. એટલે જ્યાં સુધી દર્શન-મોહનીય છે ત્યાં સુધી ગજસ્નાનવત્ ચાલ્યા કરે.

પ્રશ્નકર્તા : આપે કહ્યું એમ દોષ થયો. એનું એ અત્યારે આ ભવમાં પ્રતિક્રમણ કરી લે. એટલે હવે એ નિર્દોષ થઈ ગયો પછી આવતા ભવમાં ફરી દોષ કરે જ કેમ ?

દાદાશ્રી : એ તો કરવાનો જ. પછી જેવા સંજોગ મળે ને, તે દર્શન-મોહનીય ચાલુ છે. એટલે જેવા સંજોગ મળે તેવું કરે.

પ્રશ્નકર્તા : એટલે મૂળ કહેવાની વાત એ છે કે આત્મજ્ઞાન થાય પછી પ્રતિક્રમણ કરે, તો જ નિર્દોષ થાય અને પછી કોઈપણ જન્મમાં એવું ન થાય.

દાદાશ્રી : અનંત અવતારથી ચોરીઓ છોડી છોડીને આવ્યો હોય તે આવતા ભવે મા-બાપ ચોર મળે તે પાછો ચોર થઈ જાય. જેને દર્શનમોહ છે એ શું ના કરે ?

પ્રશ્નકર્તા : તો એને પેલું પ્રત્યાખ્યાન કરેલું ફળ ના આપે ?

દાદાશ્રી : ના. એ તો એને તે ભવ પૂરતું જ હોય, પછી ના હોય. પછી બીજા સંજોગો ભેગા થાય તો બીજું બધું થાય.

આ તો આપણને અહીં આગળ પ્રતિક્રમણ કામ લાગ્યાં કે ભાઈ, આવક બંધ થઈ ગઈ છે. માટે જાવકનો નિકાલ કરો. દર્શનમોહ બંધ થઈ ગયો, આવક બંધ થઈ ગઈ છે. આવક જો ચાલુ રહે તો રહે ? તો એ લોકોને આવક ચાલુ છે જથ્થાબંધ. જાવક કરતાં આવક વધારે. કેટલી આવક હોય. જેટલી કલ્પના કરે એટલાં કર્મ !

આમ સર્જાયો એનો ઇતિહાસ !

પ્રશ્નકર્તા : આ જૈનમાં સંવત્સરી કરવાનું કેમ કહ્યું ? એ પર્વનો ઇતિહાસ શું ?

દાદાશ્રી : કશો ઇતિહાસ નહીં. જે તે રસ્તે કરજે એવું છે. ભગવાને કહેલું, રોજ પૂંજો વાળજે. રાતે ને દહાડે. બે વખત પૂંજો વાળજે. સૌથી પહેલું કહ્યું કે, 'શૂટ ઑન સાઈટ' કરજે. ત્યારે કહે, સાહેબ, એવું કંઈ વારે ઘડીયે બંદુક સાથે હોય છે ? ત્યારે કહે, રાતની જોખમદારીઓની બંદૂક સવારમાં લગાવજે. બાકી પહેલું કહેલું શૂટ ઑન સાઈટ કહ્યું. ત્યારે કહે કે બંદૂક જોડે હોય ? ક્યાંથી લાવીએ સાહેબ ? સારું ત્યારે તો રાજે લગાવજે. ને સવારે લગાવજે. પછી એ પાછા હજારમાંથી બે જણ નીકળ્યા એ પાછા કહે અમારે સાહેબ શું કરવું ? અમારે થતું નથી આવું. સવારને-સાંજનું લગાડવાનું. ત્યારે કહે છે, પાક્ષીક કરજો. તે પણ ના નીકળ્યા ત્યારે કહે, ચાર મહિને કરજો. ભગવાનને આગળ કંઈ રસ્તો દેખાડવો પડે ને. છેવટે ભગવાન અહીં આવીને અટક્યા કે, ભઈ સંવત્સરી તો કરજે છેવટે. ત્યારે અમારે તો છમત્છરી કહે છે. સંવત્સરીનું છમત્છરી કહે છે, તે સંવત્સરીને દહાડે કરજે. બાધેભારે બોલજો કે બધાની માફી માગું છું. મિચ્છામિ દોકડો. જૈનો મારે ત્યાં આવે છે, ત્યારે હું કહું છું, 'લાવો, દોકડો', ત્યારે એ કહે, 'હું ક્ષમા માગું છું તમારી પાસે.'

એટલે આ કાળમાં અત્યારે 'શૂટ ઑન સાઈટ'ની વાત તો ક્યાં ગઈ પણ સાંજે કહે છે કે, આખા દહાડાનું પ્રતિક્રમણ કરજો. તે વાતેય ક્યાં ગઈ, અઠવાડિયે એકાદવાર કરજો તે વાતે ય ક્યાં ગઈ, ને પાક્ષીકે ક્યાં ગયું અને બાર મહિને એક ફેરો કરે. તે ય સમજતા નથી ને કપડાં સરસ પહેરીને ફર્યા કરે છે. એટલે આમ રીયલ પ્રતિક્રમણ કોઈ કરતાં નથી. એટલે દોષો વધતા જ ચાલ્યા. પ્રતિક્રમણ તો એનું નામ કહેવાય, કે દોષ ઘટતા જ આવે.

અતિક્રમણથી આ જગત ઊભું થયું અને પ્રતિક્રમણથી બંધ થાય બસ !

માર્ગદર્શન વંકાયાં ત્યાં શું ?!

પ્રશ્નકર્તા : દાદા, આમ તો અમે પ્રતિક્રમણ કરીએ છીએ.

દાદાશ્રી : તમને પ્રતિક્રમણ કરતાં આવડતું હશે ? એ તો બધું ઠીક છે. એ તો બાળકના હાથમાં રતન આપવા જેવું. પ્રતિક્રમણ તો સમજ્યા પછી પ્રતિક્રમણ ! નિજ સ્વરૂપની પ્રાપ્તિ પછી પ્રતિક્રમણ હોય. પ્રતિક્રમણ કરાવનાર જોઈએ ને પ્રતિક્રમણ કરનાર જોઈએ. બધું સાથે જોઈએ. આ તો કોણ કરાવનાર તમારે ત્યાં ?

પ્રશ્નકર્તા : આ પ્રતિક્રમણ અમને મહારાજ કરાવડાવે છે તેની મને ખબરે ય નથી. પ્રતિક્રમણ શું છે, પણ એમાં કહે છે કે, ઢીંગલા-ઢીંગલી પૈણાવ્યાં, આ કર્યું, એ બધાં પાપ છે. એના મિચ્છામિ દુક્કડમ કરાવે છે.

દાદાશ્રી : નહીં, આવું સાધુ મહારાજ કહે છે એમાં કોઈ વસ્તુમાં પાપ જ નથી. એ તો મગજ બધાં ખરાબ કરી નાખ્યાં. જૈનોનાં મગજ ખરાબ કરી નાખ્યાં. નવરાં પડ્યાં, એમને સમકિત ના આવ્યું, તે એમનું મગજ ખરાબ થઈ ગયું ને લોકોનાં મગજ ખરાબ કરી નાખ્યાં.

હવે આવું બોલવું એ ય ગુનો છે. કારણ કે કૃપાળુદેવે કહ્યું કે આવું કરતો હોય ને જો તમે ખોટું કહેશો, તો એ છોડી દેશે. માટે કશું બોલવું નહીં.

એટલે આવું પ્રતિક્રમણ થઈ જવાથી બધું બગડી ગયેલું છે. એમ કહીએ તો ચાલે. છતાં કાઢી ના નખાય. જે છે એનાથી ચલાવી લેવાનું છે. આમાંથી સુધરશે પાછું. કાળ સુધારી રહ્યો છે.

ઓર્નામેન્ટલની એમાં નથી જરૂર !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાની કોઈ ટેકનિક ખરી ?

દાદાશ્રી : હવે કશું ના આવડે, તો માફી માંગો - હે દાદા, તમારી સાક્ષીએ મને આ સમજણ પડતી નથી, આવી-તેવી કે ચાલ્યું. અને ટેકનિકની ત્યાં જરૂર નથી. તમારો હેતુ શો છે ?

એટલે પછી હેતુને બુદ્ધિશાળી લોકો ઓર્નામેન્ટલ બનાવે ને ઓર્નામેન્ટલ બનાવે એટલે પેલો બિચારો ભડક્યા કરે કે, આપણા જેવાને સમજણ પડતી નથી, આપણાથી થાય નહીં. અરે, મેલને પૂળો અહીંથી, માફી માગો. મને સમજણ પડતી નથી. આ બધી ભૂલો થઈ, તે ભગવાન આપની સાક્ષીએ માફી માગું છું. ત્યાં તો ઓર્નામેન્ટલ હોતું હશે ? ત્યાં તો ભગવાન સાવ અભણ, ત્યાં આગળ આવું હોતું હશે, બળ્યું ?! એ તો પંડિત પાસે હોય બધું. તે ક્રમિક માર્ગના જ્ઞાનીઓ પંડિત જેવા, તે આમ શબ્દે શબ્દ તોલ જુએ.

અતિક્રમણ, ડગલે ને પગલે...

આ પ્રતિક્રમણ આ જે તમે કરો છો, એ પ્રતિક્રમણથી એક વરસ દહાડામાં બે આના મળે. અને સાચું પ્રતિક્રમણ કરે ને તો વરસ દહાડામાં ત્રણસોને પાંસઠેય દહાડાના, ચોવીસેય કલાકના સોળ આના મળે !

સાચું પ્રતિક્રમણ એટલે સમજાયું તમને ? આપણે આમ વ્યવહારમાં ક્રમણ રાખીએ છીએ, ક્રમણ એટલે, 'મને ખાવાનું આપો માજી.' તે માજી ખાવાનું આપે. એમાં કશી ભાંજગડ નથી. પણ આપણે કહીએ, 'માજી આ કઢી ખારી કરી નાખી', તે અતિક્રમણ કર્યું કહેવાય. અને અતિક્રમણ કર્યું હોય તો પ્રતિક્રમણ કરવું પડે. અતિક્રમણ ના કર્યું હોય તો પ્રતિક્રમણ ના કરવું પડે. અતિક્રમણ કરે છે ખરાં કે લોક ?

પ્રશ્નકર્તા : અતિક્રમણ તો ઓટોમેટિક જ થઈ જાય.

દાદાશ્રી : અતિક્રમણ કરો તો પ્રતિક્રમણ કરવાનું ભગવાને કહ્યું છે. અતિક્રમણ ના કરતા હોય તો કશો વાંધો નથી. તમે કઢી ખારી આપી ને હું ખાઈ લઉં તેમાં પ્રતિક્રમણની જરૂર નથી.

પ્રશ્નકર્તા : ડગલે ને પગલે અતિક્રમણ તો થાય છે.

દાદાશ્રી : તો અતિક્રમણ થશે ત્યાં સુધી આ મનુષ્યપણું ફરી આવશે નહીં. જૈનપણું તો નહીં આવે પણ મનુષ્યપણું ફરી આવશે નહીં માટે ચેતજો. ચેતીને ચાલજો. આ તો પોપાબાઈનું રાજ નથી. ત્યાં તો વીતરાગોનું રાજ છે. અહીં જરા યે લાંચરુશ્વત ના ચાલે. હા, બધાં જાણે અહીં તો. આવું પોલ ના ચાલે ત્યાં આગળ તો.

પ્રશ્નકર્તા : એ ના માટે રસ્તો ખરો ?

દાદાશ્રી : આ બેનને તમારા માટે જરાક અવળો વિચાર આવે કે આ વળી આવ્યાં ને મને ભીડ શું કરવા કરી ? એટલો વિચાર મહીં આવે પણ તે તમને જાણવા ના દે. મોઢું હસતું રાખે. તે વખતે પ્રતિક્રમણ કરે. અવળો વિચાર કરે તે અતિક્રમણ કર્યું કહેવાય. એ રોજ પાંચસો, પાંચસો પ્રતિક્રમણ કરે છે. નર્યા દોષ જ છે. ભાન જ નથી હોતું.

ખપે રોકડું પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : આ કર્મો 'ડિસ્ચાર્જ' થાય છે, ત્યારે જે ખરાબ થયાનું પ્રતિક્રમણ કરીએ તોય એટલાં કર્મનાં ફળની થોડીક અસર તો ભોગવવી પડેને ?

દાદાશ્રી : કોને ?

પ્રશ્નકર્તા : આપણને.

દાદાશ્રી : દોષ થાય એટલે પ્રતિક્રમણ કરે. પણ એ પ્રતિક્રમણો તમારાથી ના થાય. સાધુઓને નથી આવડતુંને, આ પ્રતિક્રમણ તો શૂટ ઑન સાઈટ દોષ થતાંની સાથે જ પ્રતિક્રમણ હોય.

પ્રશ્નકર્તા : અમે રાયશી ને દેવશી બે પ્રતિક્રમણ કરીએ.

દાદાશ્રી : એ પ્રતિક્રમણ ના ચાલે. એ તે કેવું જોઈએ. દોષ થાય કે તરત. દોષ ઓળખતાં આવડવું જોઈએ. એ ચાલે. આ રાયશી-દેવશી કરીને તો અત્યાર સુધી ભટક ભટક કર્યા કર્યું અનંત અવતારથી !!

પહેલાંના વખતમાં પ્રતિક્રમણ શૂટ ઑન સાઈટ કરતા. તે માણસને અત્યારે એ રહે નહીં એટલે પછી આખો દહાડો દોષ થયા હોય તે રાત્રે સંભારીને દહાડાનાં પ્રતિક્રમણ કરવાનાં, તે દેવશી કહેવાય. અને આખી રાતના દોષો તે સંભારી અને સવારનાં પ્રતિક્રમણ કરવાનાં તે રાયશી કહેવાય.

ન હોય કદી ક્રિયા-પ્રતિક્રમણ !

અમે આ કાળના માણસોને ધર્મ જાણવો હોય તો અમે એને શું શીખવાડીએ કે તારાથી ખોટું બોલાઈ જવાય તેનો વાંધો નથી, મનમાં તું જુદું બોલ્યો તેનો વાંધો નથી, પણ હવે તું એનું પ્રતિક્રમણ કર, કે ફરી આવું નહીં બોલું. પ્રતિક્રમણ કરવાનું અમે શીખવાડીએ.

પ્રશ્નકર્તા : તો અમે સવાર-સાંજ રાયશી ને દેવશી પ્રતિક્રમણ કરીએ છીએ એ શું ખોટું છે ?

દાદાશ્રી : એ તો મરી ગયેલાં મડદાંનાં કરો છો. જીવતાનાં પ્રતિક્રમણ નથી કરતા. એ તો મરી ગયેલાં મડદાં હોય એવું પ્રતિક્રમણ કરીએ તો એને પુણ્ય બંધાય.

પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે જ્યારે ખોટું કરીએ ત્યારે પ્રતિક્રમણ કરવું.

દાદાશ્રી : પ્રતિક્રમણ તો હંમેશાં શૂટ ઑન સાઈટ કરવાનું હોય. પ્રતિક્રમણ તો કોઈ દહાડો ય ઉધાર ના રખાય.

પ્રશ્નકર્તા : જીવ તો હમેશાં કર્મની વર્ગણા બાંધ્યા કરે છે તો એણે સતત પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : હાસ્તોને, કરવું પડે.

આમાં ઘણા મહાત્માઓ ૫૦૦-૫૦૦ પ્રતિક્રમણ રોજ કરતા હશે. આ બેન તો કેટલાં કરતાં હશે ? આજે આઠ વર્ષથી રોજ ૫૦૦-૫૦૦, હજાર એટલાં પ્રતિક્રમણ કરે.

પ્રશ્નકર્તા : એ તો ભાવ પ્રતિક્રમણ છે. ક્રિયા પ્રતિક્રમણ તો થાય જ નહીંને ?

દાદાશ્રી : ના, ક્રિયામાં પ્રતિક્રમણ હોય જ નહીં, પ્રતિક્રમણ તો ભાવ પ્રતિક્રમણની જ જરૂર છે, જે કામ કરે. ક્રિયા-પ્રતિક્રમણ હોય નહીં. ક્રિયા-પ્રતિક્રમણ તો મડદું છે મડદું. એ તો ખરાબ જગ્યાએ ટાઈમ ના વપરાય અને સામાયિક થાય. સામાયિકનું ફળ મળે એમાં મન સારું રહે.

પ્રશ્નકર્તા : એ નિર્જરા ખરી કે નહીં ?

દાદાશ્રી : નિર્જરા તો હમેશાં થયા જ કરે. નિર્જરા તો દરેક જીવને થઈ જ રહી છે પણ એ સારો ભાવ છે કે તારે પ્રતિક્રમણ કરવું છે. એ ભાવ સારો છે એટલે નિર્જરા સારી થાય બાકી પ્રતિક્રમણ તો શૂટ ઑન સાઈટ હોય.

આ બધા દિવસમાં પચાસ, સો વખત પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણ વગર તો કોઈ દહાડો કશું થાય એવું નથી. અને આ જે પ્રતિક્રમણ છે એ દ્રવ્ય-પ્રતિક્રમણ છે. ભાવ-પ્રતિક્રમણ જોઈશે.

પ્રશ્નકર્તા : દ્રવ્યની સાથે ભાવ જોઈએને ?

દાદાશ્રી : હા, પણ દ્રવ્ય એકલું જ થાય છે, ભાવ નથી હોતો. કારણ કે દુષમકાળના જીવોને ભાવ રાખવો એ બહુ મુશ્કેલ વસ્તુ છે. એ જ્ઞાની પુરુષની કૃપા હોય અને ઉપર હાથ મૂકે ત્યાર પછી ભાવ ઉત્પન્ન થાય. નહીં તો ભાવ ઉત્પન્ન થાય નહીં.

પ્રશ્નકર્તા : દ્રવ્ય-પ્રતિક્રમણ અને ભાવ-પ્રતિક્રમણ એટલે શું એ જરા સમજાવો.

દાદાશ્રી : ભાવથી બોલવું કે આવું ન હોવું જોઈએ. ભાવ એવો રાખવો કે આવું ન હોવું જોઈએ, એ ભાવ-પ્રતિક્રમણ કહેવાય છે. અને પેલું દ્રવ્યથી તો આખું બધું શબ્દે શબ્દ બોલવો પડે. જેટલા શબ્દ લખેલા હોય છે ને, એ બધા આપણે બોલવા પડે. એ દ્રવ્ય પ્રતિક્રમણ કહેવાય.

સાચી સામાયિક

પ્રશ્નકર્તા : તમે કોઈ દિવસ સામાયિક કે કશું કરેલું ?

દાદાશ્રી : અમે પ્રતિક્રમણ જ કરતાં, કાયમ જ પ્રતિક્રમણ કરતાં.

પ્રશ્નકર્તા : આ જ્ઞાન મેળવ્યા પહેલાંની વાત કરું છું.

દાદાશ્રી : એમાં આવું નહીં.

આ સામાયિક તો દૂરથી પગે લાગવા જેવું, એમાં તો પેસાયે ય નહીં. કારણ કે આ લોકોએ ભગવાને કહેલા સામાયિકનો અનર્થ કર્યો છે.

પ્રશ્નકર્તા : તો પછી આ સામાયિકની વિધિ ને પ્રતિક્રમણની વિધિ એ બધી આચાર્ય ભગવંતોએ કરેલી હશે ?

દાદાશ્રી : એ તો ગૌતમ સ્વામી નેે ગણધરોએ નેપછી એમના આચાર્યોએ, ઘણું ખરું તો આચાર્યોએ કર્યું છે. પણ એ કંઈ કામની વસ્તુ નથી.

એ જે પ્રતિક્રમણ છેને, તે ભગવાને કહ્યું'તું કે આ પ્રતિક્રમણની ભાષા જો સમજણ પડે તો આ પ્રમાણે પ્રતિક્રમણ કરજો. ભગવાને આમાં હાથ ઘાલ્યો નથી. પણ જો ના સમજણ પડે તો એની જે ભાષા સમજતો હોય તો એ ભાષામાં પ્રતિક્રમણ સમજાવજો.

એવું છેને પ્રતિક્રમણ કોને કહેવાય ? પ્રતિક્રમણ કરે તેને પ્રતિક્રમણ કહેવાય. આ પ્રતિક્રમણ ના કહેવાય. પ્રતિક્રમણ એટલે તમે છે તે ત્યાં ને ત્યાં કાંકરાચાળી કરતા હોય, તો પ્રતિક્રમણ ના કરતા હો.

ઑન ધી સ્પોટ, શૂટ ઑન સાઈટ, એનું નામ પ્રતિક્રમણ કહેવાય. આ તો પ્રતિક્રમણ કહેવાય કેમ કરીને ?

પ્રશ્નકર્તા : મહાવીર સ્વામીના એમાં એવું આવે છે કે તું છેવટે સંવત્સરી પ્રતિક્રમણ કરીશ તોય વાંધો નહીં આવે.

દાદાશ્રી : ના, એવું કશું કહ્યું નથી. અને ત્યાં આ પ્રતિક્રમણ હતું જ નહીં. ભગવાન મહાવીરના વખતમાં આવું પ્રતિક્રમણ હતું જ નહીં. આ પ્રતિક્રમણો મહાવીર ભગવાનના ગયા પછી શરૂ થયાં છે.

અને પ્રતિક્રમણ હોવું જ જોઈએ. અને તે પ્રતિક્રમણ પોતાની ભાષામાં હોવું જોઈએ. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન વગર તો મોક્ષ જ નથી કોઈનો.

એક માણસ જમવાનું એવું શીખ્યો હોય, કે હોઈયા, હોઈયા, હોઈયા કરે એટલે આપણી ભૂખ મટે ?

પ્રશ્નકર્તા : ન મટે, એ તો મહીં જાય ત્યારે મટે.

દાદાશ્રી : કેમ ? થાળીમાં લઈ કોળિયા ભર્યા ને આપણે, હોઈયા કર્યુંને ?

પ્રશ્નકર્તા : પણ એ પેટમાં ન ગયું. એ તો બહાર ગયું.

દાદાશ્રી : તો આ પ્રતિક્રમણ તો જો આ જ ભગવાન હોતને, તો આ બધાને જેલમાં પૂરી દેત. તે મૂઆ આવું કર્યું ? પ્રતિક્રમણ એટલે એક ગુનાની માફી માંગી લેવી, સાફ કરી નાખવું. એક ડાઘ પડ્યો હોય, એ ડાઘાને ધોઈને સાફ કરી નાખવું એ હતી એવી ને એવી જગ્યા કરી નાખવી એનું નામ પ્રતિક્રમણ. હવે તો નર્યું ડાઘવાળું ધોતિયું દેખાય છે.

આ તો એક દોષનું પ્રતિક્રમણ કર્યુ નથી અને નર્યા દોષના ભંડાર થઈ ગયા છે.

આ બેન છે, તે શાથી એમના આચાર-વિચાર બધા ઊંચા ગયા છે, ત્યારે કહે, પાંચસો-પાંચસો પ્રતિક્રમણ કરે છે અને આ બેન તો કહે છે, મહીંથી બારસો-બારસો વખત પ્રતિક્રમણ થાય છે અને આ લોકોએ એક નથી કર્યું. એમના બાપના સમ ! જો એક પણ કર્યું હોય તો.

રાયશી-દેવશી !

એવું છે, પ્રતિક્રમણનો અર્થ દોષ ઘટવા. જો દોષ ઘટે નહીં તો પ્રતિક્રમણ નથી કરતા, અતિક્રમણ કરી રહ્યા છે. ઉલ્ટું વધારે છે. એટલે એના કરતાં રાયશી-દેવશી એ બે કચ્છી ભાઈઓ સારા (!)!

પ્રશ્નકર્તા : 'રાયશી-દેવશી કોઈ જીવ છે.' એ તો કલ્પના છે. કૃપાળુદેવે ચોખ્ખું લખ્યું છે.

દાદાશ્રી : પણ એ તો લોકો એમ સમજે ને કે આ રાયશી છે, આ દેવશી છે. તો આ દેવશીનો ભાઈ. તે કચ્છમાં એક જણ પ્રતિક્રમણ કરવા બેઠો. તેમણે તો રાયશી પ્રતિક્રમણ કર્યું અને પેલો સાંભળે કે મારા હાળા, લોક કેટલાક દેવશીનું પ્રતિક્રમણ કરે છે, કેટલાક રાયશીનું કરે છે તે અમારું ખેતશીનું કેમ નહીં કરતા હોય ? એ નામે ય હોય છે ને દેવશી ને રાયશી !

હવે એ લોકો જે પ્રતિક્રમણ કરે છે ને, એમાં પ્રતિક્રમણનું બળ જ નથી હોતું. સમજ્યા વગરનું કરે છે.

અને તે પાછું કેવું કરે છે ? માગધિ ભાષામાં, એક અક્ષરે ય સમજે નહીં, સમજ્યા વગરનું. અંગ્રેજીમાં આપણે કહીએ, 'પારડન મી, પારડન મી' કરીએ તો શું ભલીવાર આવે ? અંગ્રેજી તો સમજતા નથી !!

આટલાં પ્રતિક્રમણ કરવા છતાં એકુંય પ્રતિક્રમણ એમના બાપના સમ જો સાચું કર્યું હોય તો. એના કરતાં ગુજરાતી શીખવાડી દીધું હોય ને કે ભઈ, આ પ્રતિક્રમણ એટલે આવું કરજે. તો એ જાણે કે આની જોડે દોષ થયા માટે પ્રતિક્રમણ કરું છું. પણ આ તો સમજતા જ નથી ને ! ને બાર મહિનાનું ભેગું કરે છે. નહીં તો રાયશી-દેવશી પ્રતિક્રમણ કરે.

ત્યારે પેલો કહે, મેં પ્રેમશી પ્રતિક્રમણ કર્યું. એ એમ સમજી જાય કે 'આ પેલા એના નામનું ગાય છે, ત્યારે હું મારા નામનું ગાઉં.'

આ તો ચોપડવાની પી ગયો છે. માટે હવે ચોપડવાની ચોપડો ને પીવાની પીવો. જો પોતાની ભૂલ પોતાને માલમ પડે તો એ પરમાત્મા થાય.

હમેશાં ય કર્યાનું આવરણ આવે છે. આવરણ આવે એટલે ભૂલ દબાઈ જાય ને એટલે ભૂલ દેખાય જ નહીં. ભૂલ તો આવરણ તૂટે ત્યારે દેખાય અને એ જ્ઞાની પુરુષની પાસે આવરણ તૂટે, બાકી પોતાથી આવરણ તૂટે નહીં. જ્ઞાની પુરુષ તો બધાં આવરણ ફ્રેકચર કરી ઊડાડી મેલે !! પછી આ લોકોને તો રાયશી ને દેવશી ના પોષાય. આખા દહાડાનું સરવૈયું રાતે ના નીકળે, ભૂલી જાય આ લોકો. આ લોકો બેભાન છે ને !!

એવું છે, રાયશી ને દેવશી એ બે પ્રતિક્રમણ જે કરે છે એને ભગવાન ચાર આના આપે છે. મહેનત કરીને ? એ બેમાં બે કલાક થતા હશે ને ? તો મહેનત કર્યાના ચાર આના આપે છે. એક સામાયિકના ચાર આના. એમ બેના આઠ આના થાય ને એને ? આપડા મહાત્માઓ તો દહાડામાં સો સો પ્રતિક્રમણ કરે ને તેના એક લાખ રૂપિયા આપે છે. (સમજવા માટે રૂપક મૂક્યું છે.)

મૃત પ્રતિક્રમણ ?!

ખરેખર તો કેવું હોવું જોઈએ ? આજથી ૫૦૦ વર્ષ પહેલાં કેવાં પ્રતિક્રમણ થતાં ? તે મહારાજ સાહેબને પૂછે કે સાહેબ, મારે શૂટ ઑન સાઈટ પ્રતિક્રમણ કેવી રીતે કરવાં ? અમારે ધંધો કરીએ તે, આ સોપારી ઓછી તોલીને આપું છું, સારું મીઠું લેવા આવે, ત્યારે ખરાબ મીઠું આપું છું, તેલ લેવા આવે ત્યારે ભેળસેળવાળું આપું છું. મહીં તોલ્યામાં દોષ થાય છે, એ શી રીતે હું પ્રતિક્રમણ કરું ? ત્યારે મા'રાજ કહે, દેવશી પ્રતિક્રમણ કરજે. આખા દહાડાની ભૂલને યાદ કરી, લલ્લુ જોડે સોપારી ઓછી આપી'તી, તેનું પ્રતિક્રમણ, આને મીઠું ખરાબ આપ્યું તેનું પ્રતિક્રમણ, આને તેલ ભેળસેળવાળું આપ્યું'તું. દુકાનમાં ભાંજગડ કર કર કરી તેનું પ્રતિક્રમણ. એટલે દેવશી રીતે કરજે. ચોપડો ઉધાર છે, રાયશી, દેવશી કરતાં કરતાં કચ્છી લોકોએ નામ પાડી દીધાં. રાયશી, કરમશી, દેવશી... !

રાયશી એટલે રાતના કરેલા દોષો તેનું પ્રતિક્રમણ, એમ કરતાં કરતાં નામ પડી ગયાં, તો રહ્યું જ શું તે ? તે પાંચસો વર્ષ પહેલાં કંઈક સજીવન હતું. આ પ્રતિક્રમણ તે અત્યારે તો મરી ગયા પછી એની પૂજા થાય છે. હજુ તો એ પ્રતિક્રમણની મરી ગયા પછી પૂજા થાય છે ! અલ્યા છોડને ! મૂઆ, હવે મરી ગયેલા પ્રતિક્રમણ છોડને ! ત્યારે કહે, ના આવું પૂજા કરવાની. આજ પ્રતિક્રમણ છે. આવજો બધા ત્યાં આગળ. અલ્યા મૂઆ, મરી ગયેલા પ્રતિક્રમણની શું કામ પૂજા કરો છો ?

અલ્યા, ઘનચક્કરો કઈ જાતના ચક્કરો પાક્યા ! ભગવાને પહેલેથી બધું જ ભાખેલું છે. ભગવાન બધું જ જાણતા'તા કે કેવા પાકવાના છે.

મોક્ષ માટેના પચ્ચખાણ !

અને ક્રમિક માર્ગમાં પ્રત્યાખ્યાન કરે છે, પણ પ્રતિક્રમણ કરતા નથી. મહારાજ પાસે પચ્ચખાણ લે પણ પ્રતિક્રમણ તો સમજતા જ નથી. પ્રત્યાખ્યાને ય સમજતા નથી. આ તો બટાકા નહીં ખાવાને કે એવાં તેવાં પચ્ચખાણ લે. લીલોતરી નહીં લઉં એવાં પચ્ચખાણ લે. એ પચ્ચખાણ મોક્ષે જવાનાં ન હોય. મોક્ષે જવા માટેનાં પચ્ચખાણ તો જુદાં હોય, જેનું પ્રતિક્રમણ કરીએ તેનું જ પચ્ચખાણ હોય કે ફરી એ નહીં કરું. આપણે મોક્ષે જવાનું પ્રતિક્રમણ કરીએ. એ કોઈ જગ્યાએ હોય નહીં. પ્રતિક્રમણ ઊભું જ નથી થયું કોઈ દહાડોય. ક્રમિક માર્ગમાં પ્રતિક્રમણ હોતું જ નથી. અત્યારે એક પણ એવો નથી કે જે (યથાર્થ) પ્રતિક્રમણ કરતો હોય.

આ તો બધા જાથું પ્રતિક્રમણ કરે. આમાં જે માગધિ ભાષામાં લખખયાં તે મહારાજ બોલે જાય ને પેલાં સાંભળ્યે જાય. એટલે સાબુ ઘસો. એમ કહે છે. અલ્યા, પણ સાબુ ધોતિયામાં ઘસવાનો કે અહીં ટેબલ પર ઘસવાનો ? એ પ્રતિક્રમણ બધાં નકામાં જાય છે.

મહારાજ પ્રતિક્રમણ કરાવડાવે તે મહારાજ ટેબલ ઉપર સાબુ ઘસ ઘસ કર્યા કરે અને પેલાં જમીન ઉપર, નીચે લાદી ઉપર ઘસ ઘસ કર્યા કરે. કોઈએ પ્રતિક્રમણ નથી કરેલાં. પચ્ચખાણ લીધેલાં પણ તે કેવાં પચ્ચખાણ ? આ લીલોતરી નહીં ખાઉં, ફલાણું નહીં ખાઉં, બટાકા નહીં ખાઉં, કંદમૂળ નહીં ખાઉં, રાત્રે નહીં ખાઉં. રાત્રે નહીં ખાવાની બાધા એનું નામ પચ્ચખાણ. એને ને મોક્ષમાર્ગને કશું લેવાદેવા નથી. એ જે પચ્ચખાણ છે તે બધાં સંસારમાર્ગ છે. આવતો ભવ સારો અને જરા ભૌતિક સુખવાળો આવે.

આપણાં પ્રત્યાખ્યાન તો પ્રતિક્રમણ કરે તેનાં જ પચ્ચખાણ કરવાનાં, ફરી નહીં કરું હવે. ફરી એવું થાય એ તો સ્વાભાવકિ છે. ડુંગળી (કાંદો) છે તે પડ આવ્યા જ કરે. તેથી કરીને આ ખોટું હતું એવું ના કહેવાય આપણાથી. પચ્ચખાણ લે છે ! તે ફરી આવું થાય છે, તેમાં મને શું સમજણ પડે ? તું શું કામ પાસ કરે ? દોષ થવા એમાં લેવાદેવા નહીંને પચ્ચખાણ સાથે ! એ એને એમ જાણે કે આ પચ્ચખાણ લીધું એટલે દોષ બંધ થઈ જવો જોઈએ. એ તો ડુંગળીનાં પડ પંદરસો, પંદરસો, પાંચસો, પાંચસો હજરા, બે હજાર કે પાંચ હજાર હોય એ કંઈ પડ જાય નહીં ત્યાં સુધી દોષ થયા કરે. આમાં એને શું સમજણ પડે બિચારાને ?!

કેવી આ સંસારની ગતિ અને ગત કેવી છે એ એને શું સમજ પડે ?

ખોટું કરતો હોય તેને પ્રત્યાખ્યાન લેવાનું હોય. ખોટું કરતો જ ના હોય એને પ્રત્યાખ્યાન કેવાં લેવાનાં હોય !

પ્રશ્નકર્તા : તો પછી પ્રતિક્રમણ શા માટે ?

દાદાશ્રી : ખોટું કરતો હોય તો પ્રતિક્રમણ, ખોટું કરતો હોય તો આલોચના, ખોટું કરતો હોય તો પ્રત્યાખ્યાન.

આજે આ સાધુ-સાધ્વીજીઓ એ બધા અમને કહે છે, કે તમે પ્રત્યાખ્યાન નથી કરતાં, પચ્ચખાણ લેતા નથી. અલ્યા પચ્ચખાણ એનું નામ કહેવાય કે જે ગ્રહણ કરતો હોય તેનું પચ્ચખાણ લેવાનું હોય, ગ્રહણ ના કરતો હોય તો પચ્ચખાણ શું લે ?

એટલે સાધુ-સાધ્વીઓ એ લોકો પચ્ચખાણ કરતા જ નથી. એ ત્યાગને પચ્ચખાણ કહે છે.

બાકી ત્યાગને પચ્ચખાણ કહેવાય નહીં. પચ્ચખાણ તો જેનો ત્યાગ થયો નથી, તેનું પચ્ચખાણ હોય પછી તે ત્યાગમાં પરિણામ પામે.

પચ્ચખાણ શેનાં લેવાનાં છે એ ના સમજાયું તમે ?

પ્રશ્નકર્તા : જે ગ્રહણ કર્યું છે, તેનાં ?

દાદાશ્રી : ના. ના છોડવાનું છે તેમાં પચ્ચખાણ લેવાનાં છે. એ લોકો તો છોડ્યું છે એને પચ્ચખાણ કહે છે, અમે પચ્ચખાણ લીધાં છે. જે છોડ્યું છે એને પચ્ચખાણ કહે છે.

આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન એ જ મોક્ષ માર્ગ.

વ્રત તો વર્ત્યા જ કરે. આ અમને વ્રત વર્ત્યા જ કરે છે. જો અમને અહિંસા મહાવ્રત હોય, પછી સત્ય, પછી અચૌર્ય, પછી બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એટલે બધાં વ્રત અમને વર્તતા હોય, પરિગ્રહ તો અમને નામે ય ના હોય. આ શરીરે ય અમને પરિગ્રહ ના હોય. એટલે વ્રત એવું-તેવું ના હોય.

એટલે અક્રમ માર્ગમાં આવી તેવી કોઈ ચીજ નહીં. વ્રત નિયમ કશું જ ના હોય. આ બધું જ સંસારમાર્ગમાં જ હોય. આ બધા વ્રત, જપ, તપ, ઉપધાન, બધા આ નિયમો, બધુંય આમાં, સંસાર માર્ગમાં છે.

સંસારમાર્ગમાં એટલે પુણ્ય ભેગું કરવું.

બે રસ્તા ભગવાને બતાવ્યા. એક પુણ્ય માર્ગ બતાવ્યો. અને એક મોક્ષમાર્ગ બતાવ્યો મોક્ષમાર્ગ એટલે શું ? કે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આ ત્રણની સાથે જે ચાલ્યો એ મોક્ષે ગયા વગર રહે નહીં.

પ્રશ્નકર્તા : એ પુણ્ય ભેગાં કર્યા, એ આવતા ભવમાં સંયોગો સારા મળે એના માટે કામ આવેને ?

દાદાશ્રી : એ પુણ્ય ભેગાં કર્યા તે આવતા ભવમાં હેલ્પ કરે, બીજું શું કરે ?

ન રહે ઇર્યાપથિકિ પ્રતિક્રમણ !

ક્રમિકમાર્ગમાં ઇર્યાપથિકિ ક્રિયા પહેલા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી હોય. ઇર્યાપથિકિ ક્રિયા એટલે શું ? કે અહંકાર હોય ત્યાં સુધી ઇર્યાપથિકિ ક્રિયા હોય. એટલે ક્ષાયક સમકિત પછી ઇર્યાપથિકિ ક્રિયા હોતી જ નથી. ક્ષાયક સમકિત થયા પછી અહંકાર ખલાસ થયા પછી ઇર્યાપથિકિ ક્રિયા હોય નહીં.

ઇર્યાપથિકિ ક્રિયા એટલે શું કે પોતે જે બહાર ગયો અને આવ્યો એમાં જે જે દોષ થયા હોય, ત્યાં એનું આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરવું. અહંકાર ગયા પછી પેલાને ક્રિયા હોતી નથી. અહંકાર હોય ત્યાં સુધી કંઈકેય ક્રિયા હોય. ક્રમિકમાર્ગ એટલે અહંકાર ઠેઠ સુધી. આમાં (અક્રમમાં) અહંકાર નહીંને !

તમને થોડું સમજાયું ?

પ્રશ્નકર્તા : હા, પ્રતિક્રમણ કરવું પડે પછી.

દાદાશ્રી : તમારે ઇર્યાપથિકિનું પ્રતિક્રમણ કરવાનું નહીં. એ તો ક્રમિકમાર્ગમાં કરવું પડે. અને જો અક્રમ માર્ગમાં તમે પ્રતિક્રમણ કરો તો તમે છે તે દેહના માલિક છો એમ પાછું પૂરવાર થઈ ગયું પછી.

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : 'તમે કરો' તો શું થઈ જાય ?

પ્રશ્નકર્તા : આ દેહના માલિક સમજીને જ પછી પ્રતિક્રમણ કરવાનું.

દાદાશ્રી : એ પૂરવાર થઈ ગયું.

પ્રશ્નકર્તા : પૂરવાર થયું એટલે વિરોધાભાસ થયું.

દાદાશ્રી : એટલે તમારે કરવું હોય, તમારી પોતાની ઇચ્છા હોય તો 'તમારે' 'ચંદુભાઈ'ને કહેવું કે તમે પ્રતિક્રમણ કરી લો. આમ કહીએ આટલું. અને તમે મોટાં મોટાં પ્રતિક્રમણ કરજો. બહુ ઝીણી વાતમાં ઉતરશો નહીં. કારણ કે ઝીણી કરવા રહીએ તો મોટાં રહી જાય. રહી જાય કે ના રહી જાય ?

પ્રશ્નકર્તા : રહી જાય.

એ છે કરુણાજનક !

એવું છેને, અંતઃકરણ સમજે એ ભાષામાં પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. આ તો માગધિ ભાષામાં તો અક્ષરે ય સમજે તો એના બાપના સમ !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવા બેઠા હોય ને ત્યારે જ ઝગડો કરે.

દાદાશ્રી : એ કાયદો જ છે એ તો. પ્રતિક્રમણ એટલે ઝગડો કરવો જ, એનું નામ જ પ્રતિક્રમણ (!) એ આગળના બધા જવાનીઆઓ આમ ખોળી કાઢશે એનો અર્થ, કે પ્રતિક્રમણ એટલે ઝગડો કરવો !(!) અને આ જે બાર મહિને પ્રતિક્રમણ કરે છે, તે દહાડે ફર્સ્ટ ક્લાસ સારામાં સારાં કપડાં પહેરવાં, ત્યારે જ પ્રતિક્રમણ થાય. એવું આપણા લોકો માને. ખરેખર તો એ લોકો પ્રતિક્રમણ સમજતાં જ નથી. મિચ્છામી દોકડો બોલે છે.

એટલે આમાં આપણે નિંદા કરવા જેવું નથી. આ જે છે તે સારું છે. પણ છતાંય એ લોકોની દાનત તો સારી છે. ખોટી નથી દાનત.

સાધુ-આચાર્યોનો કોઈનો દોષ છે એવું કહેવા નથી માગતો, સમજ પડીને ? આ સમજાયું નહીં તો કોઈ શું કરે ?

એમનો ઈરાદો બહુ સાચો છે બિચારાનો, કે આપણે મહાવીરની આજ્ઞા પાળવી છે. તે ય જેટલું પળાય એટલી, સમજણ પડે એટલું તો પાળવા તૈયાર જ છે કે નહીં, તે જોવાની જરૂર છે આપણે. પછી સમજણ ના પડે તો પછી મુખ્ય વાત એમની દાનત શું છે કે પાળવા તૈયાર છે. એમાં સોમાં અઠ્યાસી જણ પાડવા તૈયાર જ છે. પછી એ માર્ગ આપણાથી ખોટો તો કેમ કહેવાય ? પણ એ અઠ્યાસી જણને પોતાનો દોષ દેખાતો નથી. પોતાનો એકુંય દોષ દેખાતો નથી. એમ મોટી મોટી વાતો કરે છે. 'હા, જરાક ગુસ્સો છે ને એ છે !' આવું બોલે, પણ દોષ છે એવું ના કહે.

હિન્દુસ્તાનમાંથી કોઈથી એવું બોલાય નહીં કે મને મોક્ષ વર્તે છે. કારણ કે હમણે સળી કરેને તો ઉપાધિ. સળી કરે કે ફેણ માંડે. પછી મોક્ષ શાનો હોય ત્યાં આગળ ? અને આપણે અહીં તો બે ધોલ મારેને તો ય કોઈ ફેણ કશું ના માંડે અને વખતે ફેણ મંડાઈ ગઈ, તો એનું પ્રતિક્રમણ કરે પાછું. અને બીજે ત્યાં તો પ્રતિક્રમણે ય ના કરે ને કશું ય નહીં.

પ્રતિક્રમણથી નિઃશેષતા !

મોક્ષે તો ક્રેડીટ(જમા) અને ડેબીટ(ઉધાર) બન્ને ખાતાં પૂરાં થયા તો જાય. ક્રેડીટ શેષ રહે તો અવતાર રહે. ડેબીટ શેષ રહે તો અવતાર લેવો પડે.

પ્રશ્નકર્તા : કર્મની શેષ હોય છે કે ભાવની શેષ હોય છે ?

દાદાશ્રી : કર્મની મા કોણ ? ભાવ. મા છે તો છોકરો છે.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ ક્રેડીટ અને ડેબીટ બન્નેને નિઃશેષ કરવા માટે છે ?

દાદાશ્રી : હા, બેઉને માટે પ્રતિક્રમણ કરવાનું પણ ક્રેડીટનું યાદ ના રહેને. એટલે આ ક્રેડીટનું પ્રતિક્રમણ તો હમેશાં કરવાનું.

તે પામ્યો મહાવીરનો માર્ગ !

પણ અત્યારે બધું આવું ચાલ્યું આવ્યું છે અને બહુ વર્ષનું જૂનું થઈ ગયેલું છે. ૨૫૦૦ વર્ષ થઈ ગયાં. બહુ વર્ષ જૂનું થાય એટલે એવું જ થઈ જાય ને ! આટલું બાર મહિને કરે છે તે જ સારું છે ને ?

ત્યાં બાર મહિને પ્રતિક્રમણ કરીએ તેથી દોષ કંઈ ઘટે નહીં. તું કેવાં પ્રતિક્રમણ કરે છે ?

પ્રશ્નકર્તા : શૂટ ઑન સાઈટ.

દાદાશ્રી : એવાં પ્રતિક્રમણ કરવાં પડે. હવે એ પ્રતિક્રમણ કરવા માટે જાગૃતિ જોઈએ. અને જાગૃતિ વગર શી રીતે થાય ? પોતાને ખબર જ ના પડે ત્યાં આગળ દોષ થયો છે તે જ ઘડીવાર પછી ભૂલી જાય ને ! આ જાગૃતિ હોય નહીં એટલે પ્રતિક્રમણ થાય નહીં. એટલે અમે એને જાગૃતિની સ્થિતિમાં લાવીને મૂકીએ. તે નિરંતર જાગૃત થઈ જાય. પછી તે બધું શૂટ ઑન સાઈટ થાય. એક માણસના હાથમાં દોરો છૂટી ગયેલો હોય ને પતંગ એની પોતાની હોય, તે પછી પતંગી ગૂલાંટ ખાય ને બૂમો મારે તો કશું વળે ?

પ્રશ્નકર્તા : છૂટી ગયા પછી કંઈ ના વળે.

દાદાશ્રી : એવી સ્થિતિ આજે મનુષ્યોની છે. તે જો દોરો તમારા હાથમાં પકડાવી આપે, પછી ગુલાંટ ખાય તો તમે ખેંચો એટલે આવી જાય પાછું ઠેકાણે નહીં તો ત્યાં સુધી પોતાના હાથમાં પરિસ્થિતિ જ નથી કોઈ જાતની.

મહાવીર ભગવાનના માર્ગને ક્યારે પામ્યો કહેવાય ? જ્યારે રોજ પોતાના સો સો દોષો દેખાય, રોજ સો સો પ્રતિક્રમણ થાય ત્યાર પછી મહાવીર ભગવાનના માર્ગમાં આવ્યો કહેવાય. 'સ્વરૂપનું જ્ઞાન' તો હજી એની પછી ક્યાં ય દૂર છે. પણ આ તો ચાર પુસ્તકો વાંચીને સ્વરૂપ પામ્યાનો કેફ લઈને ફરે છે. આ તો 'સ્વરૂપ'નો એક છાંટો પણ પામ્યો ન કહેવાય. જ્યાં 'જ્ઞાન' અટક્યું છે ત્યાં કેફ જ વધે. કેફથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ખસવાનું અટક્યું છે.

અજ્ઞાનદશામાં પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : સાચાં પ્રતિક્રમણ કેવી રીતે કરવાં ?

દાદાશ્રી : સાચાં પ્રતિક્રમણ તમારે કામનાં નથી અત્યારે. તમને તો હું દ્રષ્ટિ આપું ત્યાર પછી કામનું. કારણ કે જાગૃતિ આવ્યા વગર પ્રતિક્રમણ માણસથી થાય નહીં. અને જાગૃતિ જ્ઞાન આપ્યા વગર આવે નહીં. અને જ્ઞાન આપીએ ત્યારે જાગૃતિ નિરંતર રહ્યા કરે. આ તો હું તમને પ્રતિક્રમણનું કહીશ, સમજણ પાડીશ, તો ય કાલે તમે પાછા ભૂલી જશો.

હવે આપને જો તાત્કાલિક જ યાદ નથી આવતું તો સાંજે શું યાદ આવે તે ? આખો દહાડો મુંઝાયેલો ને આખો દહાડો ગભરાયેલો. શી રીતે દોષ યાદ આવે ? જાગૃતિ જ ક્યાં છે. બેભાનપણે ! અભાનતાથી ફરે છે. 'હું કોણ છું' એનું ભાન નથી, એટલે દોષ શી રીતે દેખાય ? દોષ દેખાય તો કલ્યાણ થાય.

પ્રશ્નકર્તા : પણ જે માણસે જ્ઞાન ના લીધું હોય એ પ્રતિક્રમણ જેવું કરી શકે ? જેણે જ્ઞાન લીધેલું નથી એવાં માણસોને આપણે પ્રતિક્રમણ ક્રિયા સમજાવીએ તો એને પરિણામ પામે ?

દાદાશ્રી : ના થાય, થાય નહીં. જાગૃતિ ના રહેને ! જ્ઞાનથી બધાં પાપો ભસ્મીભૂત થાય એટલે જાગૃતિ ઉત્પન્ન થાય અને જાગૃતિ ઉત્પન્ન થાય તો આ બધું ખ્યાલ રહે.

પ્રશ્નકર્તા : એટલે આ પ્રતિક્રમણનો ઈલાજ દરેકને આપી શકાય એમ નથી.

દાદાશ્રી : થઈ શકે નહીંને ! બીજાને કામ લાગે નહીં. પણ આપણે કહીએ કે થોડું ઘણું થાય એટલું તો કરજે. થોડું ઘણું કરે તોય લાભ થાય એને. પણ એને જાગૃતિ રહે નહીંને ? જાગૃતિ કેમ કરીને રહે ? પણ છેવટે થોડો ઘણો લાભ થાય. આ પ્રતિક્રમણ જાણતો હોય તો ! પણ આ ય ઈલાજને જાણતા જ નથી. તેને શું લાભ થાય ?

એટલે આખું જગત જાગૃતિ નહીં હોવાથી બાર મહિને પર્યુષણ કરે છે. જાગૃતિ નહીંને બિલકુલ ?!

જ્ઞાન પહેલાં ય પ્રતિક્રમણ કરત અમે એ કેવાં ? આ કર્મ ખોટું બંધાઈ રહ્યું છે એના પસ્તાવાપૂર્વકનાં પ્રતિક્રમણ; પણ એ સાચાં પ્રતિક્રમણ કહેવાય નહીં. જ્ઞાન પછીનાં સાચાં પ્રતિક્રમણ થયેલાં.

સમક્તિ થકી સાચાં પતિક્રમણ !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ ગણાય ? સાચું પ્રતિક્રમણ કેવી રીતે થાય ?

દાદાશ્રી : સમક્તિ થયા પછી સાચું પ્રતિક્રમણ થાય. સમ્યક્ત્વ થયા પછી, દ્રષ્ટિ સવળી થયા પછી, આત્મદ્રષ્ટિ થયા પછી સાચું પ્રતિક્રમણ થઈ શકે. પણ ત્યાં સુધી પ્રતિક્રમણ કરે અને પસ્તાવો કરે તો એનાથી ઓછું થઈ જાય બધું. આત્મદ્રષ્ટિ ના થઈ હોય અને જગતના લોક ખોટું થયા પછી પસ્તાવો કરે ને પ્રતિક્રમણ કરે, તો એનાથી પાપ ઓછાં બંધાય, સમજ પડીને ? પ્રતિક્રમણ. પસ્તાવો કરવાથી કર્મો ઊડી ય જાય !

દાદાશ્રી : કપડાં પર ચ્હાનો ડાઘ પડે કે તરત તેને ધોઈ નાખો છો તે શાથી ?

પ્રશ્નકર્તા : ડાઘ જતો રહે એટલા માટે.

દાદાશ્રી : એવું મહીં ડાઘ પડે કે તરત ધોઈ નાખવું પડે. આ લોકો તરત ધોઈ નાખે છે. કંઈ કષાય ઉત્પન્ન થયો, કશું થયું કે તરત ધોઈ નાખે તે સાફ ને સાફ, સુંદર ને સુંદર ! તમે તો બાર મહિને એક દહાડો કરો, તે દહાડે બધાં લૂગડાં બોળી નાખે ?!

અમારું શૂટ ઑન સાઈટ પ્રતિક્રમણ કહેવાય. એટલે તમે કરો છો એને પ્રતિક્રમણ કહેવાય નહીં. કારણ કે કપડું એકુંય ધોવાતું નથી તમારું. અને અમારાં તો બધાં ધોવાઈને ચોખ્ખાં થઈ ગયાં. પ્રતિક્રમણ તો એનું નામ કહેવાય કે કપડાં ધોવાઈ ને ચોખ્ખાં થઈ જાય.

લૂગડાં રોજ એક એક ધોવાં પડે. ત્યારે જૈનો શું કરે ? બાર મહિના થાય એટલે બાર મહિનાનાં બધાં લૂગડાં ધૂએ ! ભગવાનને ત્યાં તો એ ના ચાલે. આ લોકો બાર મહિને લૂગડાં બાફે છે કે નહીં ? આ તો એકે એક ધોવું પડે. પાંચસો, પાંચસો લૂગડાં દરરોજનાં આખો દહાડો ધોવાશે ત્યારે કામ થશે.

જેટલા દોષ દેખાય એટલા ઓછા થાય. આમને રોજના પાંચસો દોષ દેખાય છે. હવે બીજાને નથી દેખાતા, એનું શું કારણ ? હજુ કાચું છે એટલું કંઈ દોષ વગરનો થઈ ગયો છે, તે નથી દેખાતો ?!

ભગવાને રોજ ચોપડો લખવાનો કહ્યો હતો, તે અત્યારે બાર મહિને ચોપડો લખે છે. જ્યારે પર્યુષણ આવે છે ત્યારે. ભગવાને કહ્યું કે સાચો વેપારી હોય તો રોજ લખજે ને સાંજે સરવૈયું કાઢજે. બાર મહિને ચોપડો લખે છે, પછી શું યાદ હોય ? એમાં કઈ રકમ યાદ હોય ? ભગવાને કહ્યું હતું કે સાચો વેપારી બનજે અને રોજનો ચોપડો રોજ લખજે અને ચોપડામાં કંઈ ભૂલ થઈ, અવિનય થયો એટલે તરત ને તરત પ્રતિક્રમણ કરજે, એને ભૂંસી નાખજે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21