ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



પ્રતિક્રમણ

૧૫. ભાવઅહિંસાની વાટે...

અંતિમ પ્રતિક્રમણે લેણ-દેણ સમાપ્ત !

પ્રશ્નકર્તા : મોક્ષે જતાં પહેલાં, કોઈ બી જાતના જીવ સાથે લેણદેણ હોય તો, આપણે એનાં પ્રતિક્રમણ કર્યા કરીએ તો એ આપણને છૂટકારો આપી દે ?

દાદાશ્રી : હં.

પ્રશ્નકર્તા : આપણે જાણતા ન હોય એવા બધા જીવો.

દાદાશ્રી : ભેગા મળીને, જેટલું લખેલું એટલું જ, પછી કંી નહીં.

પ્રશ્નકર્તા : પણ એ શું બોલાય ?

દાદાશ્રી : જે જે જીવોને કંઈ પણ મારાથી દુઃખ થયાં હોય, તે બધા મને માફ કરો.

પ્રશ્નકર્તા : જીવમાત્ર ?

દાદાશ્રી : જીવમાત્રને.

પ્રશ્નકર્તા : એટલે પછી એમાં વાયુકાય, તેઉકાય બધા જીવો આવી જાય.

દાદાશ્રી : એ બધું બોલ્યા, એટલે એમાં બધું આવી જાય.

દુઃખ ન દેવાનો ભાવ !

પ્રશ્નકર્તા : કોઈ જીવની અજાણીથી હિંસા થઈ જાય તો શું કરવું ?

દાદાશ્રી : અજાણથી હિંસા થાય એટલે આપણને તરત જ પશ્ચાતાપ થવો જોઈએ, કે આવું ન થાય. ફરી આવું ના થાય એની જાગૃતિ રાખવાની. એવો આપણો ઉદ્દેશ રાખવાનો. ભગવાને કહ્યું હતું, કોઈને મારવો નથી એવો ભાવ સજ્જડ રાખજે. કોઈ જીવને સહેજેય દુઃખ નથી દેવું, એવું રોજ પાંચ વખત ભાવના રાખજે. મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિતમાત્ર દુઃખ ન હો એવું પાંચ વખત સવારમાં બોલી અને સંસારી પ્રક્રિયા ચાલુ કરજે. એટલે જવાબદારી ઓછી થઈ જાય. કારણ કે ભાવનો અધિકાર છે. પેલું સત્તામાં નથી.

અજાણતાની ભૂલ, પાપ બાંધે ?

અત્યારે મહીં બીજા આડાઅવળા ભાવ આવે છે, તે પડી ગયેલાં બીજ છે. તમારે હવે જીવડું મારવું નથી, છતાંય જીવડું તમારા પગ નીચે વટાઈ જાય તો જાણવું કે આ પડી ગયેલું બીજ. ત્યાં જાગૃત રહીને પ્રતિક્રમણ કરી લેવું.

તમને શું ખબર પડે કે એ જીવડું તમારાથી વટાઈ ગયું તે શું ય વેર બાંધે ? ભૂલથી વટાઈ ગયું તે વેર કેટલું બધું બાંધે. કારણ કે એ જીવડાંના જે સંસારી, એનાં બૈરા-છોકરાં બધાં હોયને, ઋણાનુબંધી તો હોયને ? એ તો એમ જ જાણે કે આ ભાઈએ જાણી જોઈને માર્યું, ખૂન કર્યું આ ભાઈએ. તમને અજાણથી લાગે, પણ એમને તો એમ જ લાગેને કે મારા ઘરનો માણસ મરી ગયો, ખૂન થઈ ગયું. એનેય સંસાર તો ખરોને ? જ્યાં જાય ત્યાં સંસાર તો ખરોને ?

પ્રશ્નકર્તા : ભૂલથી થઈ ગયું હોય તો પણ પાપ લાગેને ?

દાદાશ્રી : ભૂલથી દેવતામાં હાથ મૂકું તો શું થાય ?

પ્રશ્નકર્તા : દાઝી જવાય.

દાદાશ્રી : નાનું છોકરું ના દાઝે ?

પ્રશ્નકર્તા : દાઝે.

દાદાશ્રી : એ હઉ દાઝે ? એટલે કશું છોડે નહીં. અજાણતાથી કરો કે જાણીને કરો, કશું છોડે નહીં.

એ અજાગૃતિ કહેવાય !

પ્રશ્નકર્તા : કોઈ મહાત્માને જ્ઞાન પછી, રાત્રે મચ્છર કૈડતા હોય, તો તે રાત્રે ઊઠીને મારવા માંડે, તો તે શું કહેવાય ?

દાદાશ્રી : એ ભાવ બગડ્યો કહેવાય. જ્ઞાનની જાગૃતિ ન કહેવાય.

પ્રશ્નકર્તા : એને હિંસક ભાવ કહેવાય.

દાદાશ્રી : હિંસક ભાવ તો શું, પણ હતો તેવો ને તેવો થઈ ગયો કહેવાય. પણ પછી પ્રતિક્રમણ કરે તો ધોવાઈ જાય.

પ્રશ્નકર્તા : પાછું ફરી તેવું ને તેવું, બીજે દહાડે કરે તો ?

દાદાશ્રી : અરે સો વખત કરે તો ય પ્રતિક્રમણથી ધોવાઈ જાય.

'એનાથી' નિકાચિત પણ બને હળવાં.....

પ્રશ્નકર્તા : ગયા ભવનું નિકાચિત કર્મ આ ભવમાં ભોગવવાનું, પણ આ ભવનું નિકાચિત કર્યું હોય એ ?

દાદાશ્રી : એ તો આવતા ભવમાં ભોગવવાનું. એ તરત ફળ આપે નહીં. પાક્યા સિવાય ફળ આપે નહીં.

પ્રશ્નકર્તા : એ નાશ પામે જ નહીંને, ભોગવવું જ પડે ને ?

દાદાશ્રી : મોળું થાય, હલકું થાય, જો એની પર પસ્તાવો કર કર કરીએ તો હલકું થાય. અડધો રસ નીકળી જાય. હજુ રસ, એમાં જે કડવા રસો, જે પેઠાં હોય ને તે પાછા નીકળી જાય. નિકાચિત એટલે ભોગવ્યે જ છૂટકો થાય. બીજા કોઈ ઉપાય જ નહીં. પણ એને મોળું કરી શકાય.

પ્રશ્નકર્તા : ભોગવટામાં ફેર થઈ જાય ?

દાદાશ્રી : હા, એક જણને અહીં વાગ્યું હોય તે રહેવાય નહીં. અને બીજાને એવું વાગ્યું હોય તો એ તો શાંતિથી હરેફરે બધું જ કરે. પાટો બાંધીને.

પ્રશ્નકર્તા : મહાવીર ભગવાનને જ્યારે કાનમાં બરૂ માર્યા......

દાદાશ્રી : એ નિકાચિત હતું.

પ્રશ્નકર્તા : એ તો ભગવાન હતા, એટલે એમને હલકું થઈ ગયું હશે ને ?

દાદાશ્રી : ના, હલકું નથી ગયું.

પ્રશ્નકર્તા : તો પછી આપણા જેવા ને કેવી રીતે હલકું થાય ?

દાદાશ્રી : તમે તો કરો તો હલકું થાય હજુ. એ તો મોટા માણસ હતા. એટલે હલકું ના કરે. એ તો રાજા હતા, તે પેલાના કાનમાં સીસું રેડાવ્યું પછી પ્રતિક્રમણે ય કરેલું નહીં ને !

પ્રશ્નકર્તા : પણ એમણે તો જાણીને સીસું રેડાવ્યું પણ આપણે માંકડ કે એવી જીવાતને આમ સોયા ઘાલી ઘાલીને માર્યા હોય....

દાદાશ્રી : સોયા મરાતા હશે કે ? કેવા માણસ છો ?! એ માણસને કેમ નથી મારતા ? એને માબાપ નહીં એટલે ? છોકરો ઉપરાણું લેનાર નહીં એટલે ?

પ્રશ્નકર્તા : હવે રસ્તો બતાડો એનો ? આવાં તો બહુ પાપ કરેલાં છે, એના માટે શું કરવું ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરો પ્રતિક્રમણ ! એક વાડકીમાં માંકડ રાખી પછી એનો દેહ જોઈને, પ્રતિક્રમણ બધું કરી ને, પછી એને જમાડીને છૂટો કરી દેવાનો.

પ્રશ્નકર્તા : અંદર બહુ રડવું જ આવે કે આટલું બધું પાપ કર્યું છે ને. એટલે બધું આમ સાંભરે તો ખરું, દરરોજે ય દેખાય.

દાદાશ્રી : પ્રતિક્રમણ કરીને હલકું કરી નાખો. તે ઘડીએ કોઈને પૂછીને કરવું હતું ને.

પ્રશ્નકર્તા : પણ બીજું કોઈ મળ્યું જ નહીં ને.

દાદાશ્રી : ઘરમાં પૂછવું હતું, ગામવાળાને પૂછવું હતું.

પ્રશ્નકર્તા : ઘરમાં તો અમારી મારવાની વિધિ ચાલુ જ હતી.

દાદાશ્રી : એમ ? બેઉ જણ સાથે જ ?

પ્રશ્નકર્તા : એ ય એની રીતે મારે, અને હું ય મારું મારી રીતે.

દાદાશ્રી : રોજ બસ્સો-પાંચસો મારી નાખો નહીં ?

પ્રશ્નકર્તા : હા, જેટલા હોય એટલા મારી નાખીએ !! દાદા મળ્યા પછી નથી માર્યા.

દાદાશ્રી : મારી નાખવાનો તો વિચારે ય ના કરવો. કોઈ પણ વસ્તુ ના ફાવે તો બહાર મૂકી આવવી. તીર્થકરોએ 'માર' શબ્દ હઉ કાઢી નખાવેલો. 'માર' શબ્દે ય ના બોલશો કહે છે. 'માર' એ ય જોખમવાળો શબ્દ છે, એટલું બધું અહિંસાવાળું, એટલા બધા પરમાણુ અહિંસક ! હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : નહીં તો ભાવમાં ફેરફાર થઈ જાય.

દાદાશ્રી : હા, કિંચિત્માત્ર કોઈને દુઃખ ના થાય. કારણ કે કોઈ આ દુનિયામાં દોષિત છે જ નહીં.

હિંસા દ્રવ્ય ને ભાવની !

પ્રશ્નકર્તા : ભાવહિંસા અને દ્રવ્યહિંસાનું ફળ એક જ પ્રકારનું આવે ?

દાદાશ્રી : ભાવ હિંસાનો બીજાને ફોટો પડે નહીં અને સિનેમાની પેઠે સિનેમા ચાલે છે ને, તે આપણે જોઈએ છીએ. એ બધી દ્રવ્યહિંસા છે. ભાવ-હિંસામાં આવું સૂક્ષ્મ વર્તે. અને દ્રવ્યહિંસા તો દેખાય, પ્રત્યક્ષ, મન-વચન-કાયાથી જે જગતમાં દેખાય છે, એ દ્રવ્યહિંસા છે. તમે કહો કે જીવોને બચાવવા જેવા છે. પછી બચે કે ના બચે, તેના જોખમદાર તમે નહીં. તમે કહો કે, આ જીવોને બચાવવા જેવા છે, તમારે એટલું જ કરવાનું. પછી હિંસા થઈ ગઈ, તેના જોખમદાર તમે નહીં ! હિંસા થઈ એનો પસ્તાવો, એનું પ્રતિક્રમણ કરવાનું એટલે જોખમદારી બધી તૂટી ગઈ.

ખેડૂતો માટે સ્પેશિયલ પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : આપની ચોપડીમાં વાંચ્યું કે 'મન, વચન, કાયાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના હો' એવું વાંચ્યું, પણ એક બાજુ અમે ખેડૂત રહ્યા, તે તમાકુનો પાક પકવીએ ત્યારે અમારે ઉપરથી દરેક છોડની કૂંપણ, એટલે એની ડોક તોડી જ નાખવી પડે. તો આનાથી એને દુઃખ તો થયું ને ? એનું પાપ તો થાય જ ને ? આવું લાખો છોડવાઓનું ડોકું કચડી નાખીએ છીએ. તો આ પાપનું નિવારણ કેવી રીતના કરવું ?

દાદાશ્રી : એ તો મહીં મનમાં એમ થવું જોઈએ કે બળ્યો આ ધંદો કંઈથી ભાગે આવ્યો ? બસ એટલું જ. છોડવાની કૂંપણ કાઢી નાખવાની. પણ મનમાં આ ધંદો ક્યાંથી ભાગમાં આવ્યો, એવો પશ્ચાત્તાપ થવો જોઈએ. આવું ના કરવું જોઈએ એવું મનમાં થવું જોઈએ, બસ.

પ્રશ્નકર્તા : પણ, આ પાપ તો થવાનું જ ને ?

દાદાશ્રી : એ તો છે જ. એ જોવાનું નહીં, એ તમારે જોવાનું નહીં. થયા કરે છે એ પાપ જોવાનું નહીં. આ નહીં થવું જોઈએ એવું તમારે નક્કી કરવાનું, નિશ્ચય કરવો જોઈએ. આ ધંધો ક્યાં મળ્યો ? બીજો સારો મળ્યો હોત તો. આપણે આવું કરત નહીં. પેલો પશ્ચાત્તાપ ના થાય. આ ના જાણ્યું હોય ને ત્યાં સુધી પશ્ચાત્તાપ ના થાય. ખુશી થઈને છોડવાને ફેંકી દે. સમજણ પડે છે તમને ? અમારા કહ્યા પ્રમાણે કરજોને, તમારી બધી અમારી જવાબદારી. છોડવો ફેંકી દો તેનો વાંધો નથી, પશ્ચાત્તાપ થવો જોઈએ કે આ ક્યાંથી આવ્યું મારે ભાગે ?

પ્રશ્નકર્તા : સમજ્યો. આ ખેડૂત કરતાં વેપારીઓ પાપ વધારે કરે છે. અને વેપારીઓ કરતાં આ ઘેર બેસી રહે છે તે બહુ પાપ કરે છે મૂઆ. પાપ તો મનથી થાય છે. શરીરથી પાપ થાય નહીં.

દાદાશ્રી : તમારે વાત સમજવાની. આ બીજા લોકોને સમજવાની જરૂર નહીં. તમારે તમારા પૂરતી સમજવાની. સમજ પડીને ? બીજા લોકો જે સમજે છે એ જ બરોબર છે.

પ્રશ્નકર્તા : કપાસમાં દવા છાંટવી પડે છે તો શું કરવું ? એમાં હિંસા તો થાય જ ને ?

દાદાશ્રી : નાછૂટકે જે, જે કાર્ય કરવું પડે તે પ્રતિક્રમણ કરવાની શરતે કરવું.

તમને આ સંસાર વ્યવહારમાં કેમ ચાલવું તે ના આવડે. એ અમે તમને શીખવાડીએ. એટલે નવાં પાપ બંધાય નહીં.

ખેતરમાં તો ખેતીવાડી કરે એટલે પાપ બંધાય જ. પણ એ બંધાય તેની સાથે અમને તમને દવા આપીએ કે આવું બોલજો. એટલે પાપ ઓછાં થઈ જાય. અમે પાપ ધોવાની દવા આપીએ. દવા ના જોઈએ ? ખેતરમાં ગયા એટલે ખેડો કરો, એટલે પાપ તો થવાનાં જ. મહીં કેટલાય જીવો માર્યા જાય. આ શેરડી કાપો તો પાપ કહેવાય નહીં ? એ જીવો જ છે ને બિચારાં ? પણ એનું શું કરવાનું એ અમે તમને સમજાવીએ, એટલે તમને દોષ ઓછા બેસે. અને ભોતિક સુખો સારી રીતે ભોગવો.

ખેતીવાડીમાં જીવજંતુ મરે તેનો દોષ તો લાગે ને ? એટલે ખેતીવાડીવાળાએ દરરોજ પાંચ-દશ મિનિટ ભગવાન પાસે પ્રાર્થના કરવી કે આ દોષ થયા તેની માફી માગું છું. ખેડૂત હોય તેને કહીએ કે તું આ ધંધો કરું છું તેના જીવો મરે છે. તેનું આ રીતે પ્રતિક્રમણ કરજે. તું જે ખોટું કરું છું તેનો મને વાંધો નથી. પણ તેનું તું આ રીતે પ્રતિક્રમણ કર.

પ્રતિક્રમણો હિંસાનાં

પ્રશ્નકર્તા : ગઈકાલે હું કાર ડ્રાઈવ કરતો'તો ને, ત્યારે ગાડી નીચે કબૂતર આવી ગયું. તો બહુ દુઃખ થયું.

દાદાશ્રી : તે ચંદુભાઈને દુઃખ થયુંને. તો ચંદુભાઈને કહીએ કે પસ્તાવો કરો. પ્રતિક્રમણ કરો.

પ્રશ્નકર્તા : બધું કર્યું.

દાદાશ્રી : કર્યું ને, સારું !

પ્રશ્નકર્તા : પણ ખબર ન પડી કે કેવી રીતે ક્યાંથી રસ્તામાં એ આવી ગયું ?

દાદાશ્રી : એવું છે ને કે એના કોઈ ગુનાથી એ મરવાનું હતું. પણ મારનારને ખોળતું હતું એ. કોઇ હિંસક જનાવર છે ? ત્યારે કહે. આ ચંદુભાઈ આવા ભાવવાળા છે, એવા મારનારને ખોળતું હતું.

અને જેણે નક્કી કર્યું છે કે મારે કોઈ જીવને મારવો નથી, તેને એ અડે નહીં. મારવો છે એવો ભાવ ના હોય, પણ ગાડી નીચે આવે તો મરી ય જાય, એમાં અમે શું કરીએ ? એવું કહે, તો એને એવું ભેગું થાય. સાચવવું હોય તેને એવું ભેગું થાય. જેવો ભાવ એવો તમારો હિસાબ. એ અત્યારે ભાવ થોડો મળી ગયો. જૈન થઈને ઉતાવળ કરેને, વચ્ચે કોઈ આવે તેને હું શું કરું કહે.

ગમે ત્યારે પણ સ્ટ્રોંગ પોલિસી રાખવી જોઈએ. ના, કોઈપણ સંજોગોમાં મો મારવું નથી.

હશે, આપણે અહીં પ્રતિક્રમણ કરાવીશું ને તો એ તો બધું ચોખ્ખું થઈ જાય. આ તો મોટા જીવ દેખાય છે, બીજા નાના જીવ તો કેટલાય વટાઈ જાય. એનું એ 'ચંદુભાઈ' પાસે પ્રતિક્રમણ કરાવવું.

પ્રશ્નકર્તા : મનમાં એવું થયેલું કે વ્યવસ્થિત રીતે એનો પણ એ રીતનો હિસાબ હશે, એવું નહીં ?

દાદાશ્રી : હિસાબ ખરો ને. એનો હિસાબ ને નિમિત્ત આપણે. પણ આપણા મહાત્માઓ એ નિમિત્ત ના થાય. એ ગાડી હાંકતા હોય ને તો ય ના થાય કે મનમાં ભાવ ના હોય કે મારે કોઈને મારવું છે.

અને આપણે તો જરા ઉતાવળ આ કરે ને. તો વચમાં આવી જાય તો 'શું કરીએ' કહેશે.

પ્રશ્નકર્તા : એમાં મનના વિચારો કેવી રીતે બદલવા હવે ?

દાદાશ્રી : હવે એ કશું કરવાનું નથી. હવે તો આની પાસે પ્રતિક્રમણ કરાય કરાય કરવાનું.

પણ ચોખ્ખું થઈ ગયું ને !

પ્રશ્નકર્તા : હા, થઈ ગયું.

તમે પેલું વાક્ય કહ્યું હતું ને કે કોઈ જીવમાત્રને મન, વચન, કાયાથી દુઃખ ન હો. એટલું સવારમાં બોલે તો ચાલે કે ના ચાલે ?

દાદાશ્રી : એ પાંચ વખત બોલે, પણ આ એવી રીતે બોલવું જોઈએ કે પૈસા ગણેને, અને જેવી સ્થિતિ હોય એવી રીતે બોલવું જોઈએ.

રૂપિયા ગણતી વખતે જેવું ચિત્ત હોય, જેવું અંતઃકરણ હોય એવું બોલતી વખતે રાખવું પડે.

૧૬. વસમી વેરની વસુલાત...

વેરનાં પ્રતિક્રમણો

પ્રશ્નકર્તા : એક ભાઈ કહે છે. 'તે એમનો ઓળખાણવાળો છે, એને મારવા ફરે છે. એટલે મને તરત વિચાર આવ્યો કે આ હું ક્યાં વેર બાંધું છું ?'

દાદાશ્રી : હા, સીધું વેર બાંધે પેલો. આપણે વેર કરીએ અને પેલો જાણતો હોય કે, આ મારી જોડે વેર કરે છે, એટલે એ પછી સીધું બાંધે તે આવતો ભવ કરડીને મારી નાખે.

પ્રશ્નકર્તા : એને તો ખબર નથી કે કોણે વેર બાંધ્યું છે તે ?

દાદાશ્રી : એટલે એ વેર બાંધતો નથી આમાં. તમે વેર બાંધી રહ્યા છો, એકાંતિક. બન્ને પક્ષનાં વેર હોયને, તો વેર કહેવાય. અને વેર એટલે એ વેર લે પેલો. અને આ તો આપણી મેળે જ ઉત્પન્ન થાય મહીં, પોતે જે બાંધ્યું. હવે શું કરશો ?

પ્રશ્નકર્તા : આ વિચાર આવ્યો એની પરથી આટલું બધું પીંજણ નીકળ્યું.

દાદાશ્રી : પણ વિચાર જ આવ્યો હતો, ને બીજું કશું ઇચ્છા નહીંને ! પછી પ્રતિક્રમણ કર્યું હતું ?

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ મારાથી નથી થતાં.

દાદાશ્રી : એ કરવું પડે. એમ કંઈ ચાલતું હશે ?

પ્રશ્નકર્તા : આ પ્રતિક્રમણ જ થયુંને ? આટલું બધું પીંજણ થઈને ?

દાદાશ્રી : પોતાનો ભાઈ આવ્યો હોય તેને મારવાનો વિચાર આવે કોઈને ?

પ્રશ્નકર્તા : પણ આટલું બધું પછી એની પર વિચાર કર્યા કે આ વેર કોણ બાંધે છે, કેમ બાંધે છે, એ બધું પ્રતિક્રમણમાં જ જાયને ?

દાદાશ્રી : પીંજણ કર્યું.

કો'ક બાંધે છે એ તો તમને લાગ્યુંને ? કોઈ કશું કરે છે ?

પ્રશ્નકર્તા : પોતે પોતાની જાતને જ બધું કરે છે.

દાદાશ્રી : ત્યારે બીજું શું ? સામાને જાણતાં કે અજાણતાં એના અહંકારને 'એ' કરીએ તો બીજું એ બાંધે. અને જે પછી આવે વેરનું ફળ, એવું આવે કે જિંદગી ભુલાડી દે, એવું દુઃખ આવે. કોઈ જીવને ત્રાસ ના અપાય. એ તમને ત્રાસ આપતો હોય તો તમારો હિસાબ છે. માટે જમે કરી લો. અને નવેસરથી આપવાનું બંધ કરી દો, જો આનાથી છૂટાં થવું હોય તો, તમે શું નક્કી કર્યું છે ?

પ્રશ્નકર્તા : એ જે આપે છે તે હિસાબનું જ આપે છે.

દાદાશ્રી : હંઅ, આ આપણી પાસે માર્ગ સરળ આવી ગયો. ઉપાધિઓ નથી, ચિંતાઓ ઘટી ગઈ, બીજું બધું નથી. તો પછી હવે જે ધારેલું હોય એ કરી શકાય એવું છે. અને પ્રતિક્રમણ થઈ ગયાં એટલે ગમે તેટલું વેર હોય તોય આ ભવમાં જ છૂટી જવાય. પ્રતિક્રમણ એ એક જ ઉપાય છે.

ચીકણી ફાઈલો સામે પ્રતિકારભાવ

પ્રશ્નકર્તા : મારી ઑફિસમાં ત્રણ-ચાર ચીકણી ફાઈલો છે. આ ફાઈલો સળી કરે, તો ફેણ મારવાના ભાવ થાય છે.

દાદાશ્રી : એમ ? હજુ આમ પહેલાંના ભાવ થાય, ફેણ માંડે નહીં ?

પ્રશ્નકર્તા : તો આવા ભાવ અહંકારને દબાવી દેવાના કે ક્રિયામાં આવવા દેવાના ?

દાદાશ્રી : આપણે દબાવવાના ય નહીં ને ક્રિયામાં આવવા દેવાના ય નહીં. શું થાય છે એ 'જોવાનું'. તમને સમજ પડીને ? ત્યારે ચંદુભાઈ શું કરે છે એ તમારે જોયા કરવાનું, બસ ! આ તમારી ફરજ, જ્ઞાતા-દ્રષ્ટની અને ચંદુભાઈ કોના આધારે ચાલશે ? ત્યારે કહે, 'વ્યવસ્થિત'ના આધારે. આ સાયન્ટિફિક સરકમસ્ટેન્સ્યીલ એવિડન્સના આધારે ફાઈલોનો સમભાવે નિકાલ ! બીજો કશો વાંધો નહીં. બધું કમ્પ્લીટ (સંપૂર્ણ) છે.

આમ તૂટે વેરના તાંતા !

પ્રશ્નકર્તા : મારે એ વેર છૂટતાં નથી, વેરના તાંતા જે ઊભાં છે, જે વાણીથી એ બંધાયેલાં છે, ઈ તાંતા છોડવાં જતાં, એનાં એવાં પડ જામેલાં પડ્યાં છે કે ઊખડતા નથી અને એની સામે જ્યારે દાદાને યાદ કર્યા, પછી અતિક્રમણનું પ્રતિક્રમણ કરવા જતાં પ્રતિક્રમણ અટકી જાય છે અને તાંતા ઊભા રહે છે. અને તાંતા પાછા જોર કરે છે. એટલે હજી એમ થાય છે કે આ કેમ છૂટતાં નથી ?

દાદાશ્રી : એ તો બહુ 'કોમ્પેક્ટ' કરેલું તેથી. જેમ આ રૂ હોય છેને, તે જો ગાંસડી છૂટી કરી નાખે તો આખો રૂમ ભરાઈ જાય. તેવું આ દબાવીને 'કોમ્પેક્ટ' (ઠાંસી ઠાંસીને) કરી કરીને માલ ભરેલો છે એટલે તમારે તો નિરંતર પ્રતિક્રમણ ચાલુ રાખવાં પડે તો પાર આવશે.

પ્રશ્નકર્તા : પણ ગમે એટલો પ્રયત્ન કરીએ તોય પ્રતિક્રમણ આવતાં અટકાવી દ્યે છે. એમ થાય છે કે એની સામે પેલા વેરના તાંતા જોર કરે છે. એટલે પુરુષાર્થને પણ થકવી દ્યે છે.

દાદાશ્રી : એ તો એવું છે ને કે ગમે એટલું જોર કરે, તોય રાતે સૂઈ જવાનું ભગવાને કહ્યું છે, દહાડે કામ કરજે પણ રાતે સૂઈ જજે. એટલે આપણે મહીં બંધ થઈ જાયને તો પેલુંય બંધ કરી દેવું. એવું એકદમ એની ઉપર જોર ના કરવું.

પ્રશ્નકર્તા : જોર એટલે મારું શું કહેવાનું છે કે પ્રતિક્રમણ આપણા હાથમાં આવવા દેતાં પેલાં તાંતો અટકાવી દે છે. એટલે પુરુષાર્થ આપણો અટકી જાય છે.

દાદાશ્રી : પણ એ પુરુષાર્થ તો અટકી જાય. એનું કારણ છે. ત્યાં આગળ આપણે બંધ રાખવું. થોડીવાર રીલિફ લીધા પછી પાછું બીજું ફરીવાર પ્રતિક્રમણ ચાલુ કરવું. પણ રીલિફ લેવાની. કારણ કે અનંત અવતારનાં આ બધાં અતિક્રમણ થયેલાં છે. અતિક્રમણ સિવાય બીજું કરે છે જ શું તે ? અતિક્રમણ સિવાય બીજું કશું થતું જ નથી. કાં તો પ્રેમ કરે છે, રાગ કરે છે, તેય અતિક્રમણ કહેવાય છે. કાં તો દ્વેષ કરે છે, તેય અતિક્રમણ કહેવાય છે. બન્ને અતિક્રમણ છે. અને અતિક્રમણ હોય ત્યાં પ્રતિક્રમણ અવશ્ય હોવું ઘટે. જ્યાં પ્રતિક્રમણ નથી તો મોક્ષમાર્ગ નથી. પ્રતિક્રમણ શૂટ ઑન સાઈટ હોવું જોઈએ. તો જ પેલાં અતિક્રમણ ભૂંસાય.

પ્રશ્નકર્તા : આમાં બહુ પુરુષાર્થ કરવો પડે છે.

દાદાશ્રી : પુરુષ થયા માટે પુરુષાર્થ થઈ શકે.

પ્રશ્નકર્તા : તો એમાંથી મુક્ત રહેવા માટે શું પુરુષાર્થ કરવો ?

દાદાશ્રી : મન શું કરે છે, ચિત્ત શું કરે છે, તે જોયા કરવું એ એનો પુરુષાર્થ છે.

એનાથી સર્વ કંઈ ઓગળે !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથીીગમે તેવી કોઈની દુશ્મની હોય, વેરભાવ હોય કે તેજોદ્વેષ કરતો હોય એ ઓગળી જાય ખરો ?

દાદાશ્રી : અતિક્રમણથી આ જગત ઊભું થયું છે. બધા દુર્ગુણો, સદ્ગુણો, ને એ બધું અતિક્રમણથી થયું છે અને પ્રતિક્રમણથી બધું ધોવાઈ જાય. બે જ વસ્તુ છે આ.

પ્રશ્નકર્તા : એના હ્રદયનું પરિવર્તન થઈ જાય ?

દાદાશ્રી : બધું હ્રદયનું પરિવર્તન થાય. અને એ તમને ઘેર ખોળવા આવે. બધું થઈ જાય.

પ્રતિક્રમણનો અર્થ શું ? કે પોતાના દોષ જોવા. ને જો બીજાના દોષ જુઓ તો પાછું આગળ ને આગળ ચાલે. માટે બીજાના દોષ જોવાય જ નહીં. તો જ વેર છૂટે.

તો બંધન રહે ચાલુ જ....

પ્રશ્નકર્તા : તો પછી પ્રતિક્રમણ કરવાની જરૂર ક્યાં રહી, આપણને ભેગો જ નથી થવાનો તે ?

દાદાશ્રી : એ પ્રતિક્રમણ એનો જે અર્થ જ એ કે આ 'જે થઈ ગયું'ને તેનું પ્રતિક્રમણ કરીએ છીએ. 'થવાનું છે' તેનું પ્રતિક્રમણ નથી કરતા. આપણે થઈ ગયાનું પ્રતિક્રમણ કરીએ છીએ એટલે આ ભાવથી આપણે છૂટ્યા. આપણે છોડીએ છીએ. એ છોડતાં નથી.

પ્રશ્નકર્તા : સમજો કે પ્રતિક્રમણ ન કરીએ તો પછી કોઈ વખત ચૂકવવા પણ જવું પડેને ?

દાદાશ્રી : ના, એને ચૂકવવાનું નથી. આપણે બંધાયેલા રહ્યા, એનું આપણે લેવાદેવા નથી. સામા જોડે આપણે કશું લેવાદેવા નથી.

પ્રશ્નકર્તા : પણ આપણે ચૂકવવું પડેને ?

દાદાશ્રી : એટલે આપણે જ ફરી બંધાયેલા છીએ. માટે આપણે પ્રતિક્રમણ કરવું જોઈએ. તેથી પ્રતિક્રમણ મટે. તેથી તો તમને હથિયાર આપેલુંને, પ્રતિક્રમણ !

આલોચના-પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એનાથી બધા હિસાબ ચૂકતે થાય. બાકી વેરથી તો વેર જ વધે. સામા થઈએ તો વેર વધે. બીજાની સામા થઈએ તો વેર ના વધે ?

પ્રશ્નકર્તા : વધે જ.

દાદાશ્રી : અનુભવ કરી જોયેલો ? એટલે વેરથી વેર વધે એટલે આપણે જેમ તેમ કરીને માફી માગીને છૂટકારો મેળવવો.

'નિર્લેપ' આમ રહેવાય !

પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ ને વેર છોડી દઈએ. પણ સામો વેર રાખે તો ?

દાદાશ્રી : ભગવાન મહાવીર ઉપર એટલા બધા લોક રાગ કરતા હતા ને દ્વેષ કરતા હતા, તેમાં મહાવીરને શું ? વીતરાગને કશું ચોંટે નહીં. વીતરાગ એટલે શરીરે તેલ ચોપડ્યા વગર બહાર ફરે છે, ને પેલા શરીરે તેલ ચોપડીને ફરે છે. તે તેલવાળાને બધી ધૂળ ચોંટે. આજ્ઞામાં રહેવું છે ને તમારે ? તો તમને નહીં ચોંટે. એટલે આજ્ઞામાં રહેવાનું. સમજાયું તમને ? તેલ ચોપડે તો ચોંટે ને ?

દેહની જ્યારે ચીકાશ છે એને તેલ કહેવાય. દેહની ચીકાશ છે તેને આ ધૂળ ચોંટે. એ ચીકાશ જ નથી તો કેવી રીતે ચોંટે તે ? આ મારી પર ય રાગ-દ્વેષ કર્યા કરે છે. લોકો. વખાણે ય કરે છે, કોઈને ના ગમતું હોય ત્યારે મહીં ગાળો દે છે. આડું ય બોલે કારણ કે સ્વતંત્ર છે. અને અધોગતિમાં જવાની જવાબદારી એને પોતાને માથે જ છે. પોતાની જવાબદારીથી માણસ ફાવે એ કરે. આપણાથી ના કેમ કહેવાય ? મારે હઉ ! શું ના કરે ?! અણસમજણ શું ના કરે ? અને સમજણવાળો તો નામ ના લે. વકીલ હોય તે ગુનો કરતાં ડરે કે ના ડરે ?

પ્રશ્નકર્તા : એટલે રાગ-દ્વેષ જે હોય છે તે વ્યક્તિલક્ષી હોય છે ?

દાદાશ્રી : પોતાના જ હોય. પોતે ચીકણું કરે, તેલ ચોપડીને કરે તેમાં આપણને શું ?

છતાં એટલું ખરું, એક વાત ખરી કે, આપણા ઘરનું કોઈ માણસ હોય, તો એના માટે ચંદુલાલને કહેવું કે 'ભઈ, પ્રતિક્રમણ કર્યા કર.' પહેલાનું સામસામી ધર્ષણ છે, અને એ ઘર્ષણ પરિણામ છે, આ અહંકાર પરિણામ નથી. 'આ' જ્ઞાન પરિણામ છે. એટલે આપણે એટલું કહેવું કે પહેલાનું છે તે પ્રતિક્રમણ કરો.

પ્રશ્નકર્તા : આ બે વ્યક્તિની વચ્ચે જે વેર બંધાય છે, રાગ-દ્વેષ થાય છે, હવે એમાં હું પોતે પ્રતિક્રમણ કરીને છૂટી જઉં, પણ પેલી વ્યક્તિ વેર છોડે નહીં, તો એ પાછી આવતા ભવે આવીને એ રાગ-દ્વેષનો હિસાબ પૂરો કરે છે ? કારણ કે એ વેર એનું તો એણે ચાલુ રાખેલું જ છે ને ?!

દાદાશ્રી : બરાબર છે. એને આપણાથી દુઃખનું પ્રમાણ વધારે થયું હોય એટલે આપણે એના દુઃખને ભૂલી જઈએ છીએ, પણ એ એનું આવતા ભવ સુધી ના ભૂલે તો આપણે પ્રતિક્રમણ કરવાં પડે. જેટલું પ્રમાણ વધારે થયેલું હોય, સમજાયું ને ?

પ્રશ્નકર્તા : એ વેર છૂટે એટલે આપણા પ્રતિક્રમણની ઈફેક્ટિવનેસ (અસર) થઈ કહેવાય.

દાદાશ્રી : હા. પ્રતિક્રમણથી એનું વેર ઓછું થઈ જાય. એક ફેરો એક ડુંગળીનું પડ જાય, બીજું પડ, જેટલાં પડ હોય એનાં એટલાં જાય. સમજણ પડીને તમને ?

પ્રશ્નકર્તા : હા.

ભગવાન મહાવીર ઉપર ઘણા લોકો રાગ-દ્વેષ કરતા હતા પણ એમને અડતું ન હતું.

દાદાશ્રી : અરે પાર વગરના રાગ-દ્વેષ કરતા હતા, મારતા હતા હઉ. મારતા હતા ને રાગે ય કરતા હતા. એમને ઉઠાવીને લઈ જતા હતા.

પ્રશ્નકર્તા : ના, પણ એમને અડતું ન હતું.

દાદાશ્રી : એમનો તો આમાં ઉપયોગ જ ન હતો ને ? આ દેહમાં ઉપયોગ જ નહીંને ? એ દેહને જે કરવું હોય તે કરે. દેહનું માલિકીપણું જ નહીં તેમાં ઉપયોગ નહીં. માલિકીપણું તો મહીં નહીં, પણ ઉપયોગે ય નહીં.

આ ટેબલને તું આમ ભાંગી નાખે, મારે, તો એને લેવાદેવા નહીં. 'યુ આર રિસ્પોન્સિબલ' (તું જવાબદાર છે) એવી રીતે આ દેહ એમને આની માફક છૂટો દેખાયેલો ! ચાલો પછી ?..............

સ્મૃતિમાં નથી લાવવું છતાં આવે છે, એ 'પ્રતિક્રમણ દોષ' બાકી છે તેથી.

એમાં નથી ઉથામતાં ભૂતકાળ !

પ્રશ્નકર્તા : ગઈકાલે સત્સંગમાં એવી વાત નીકળી કે ભૂતકાળ યાદ કર મા અને વર્તમાનમાં રહે. હવે મને થયું કે ભૂતકાળ યાદ કરવો નથી પણ ભૂતકાળનું તો, મન અને ચિત્ત સામે આ એકદમ તાદ્રશ્ય ખડું થઈ જાય છે. એટલે ભૂતકાળ તો આમ ડંખે છે, રુંવાડે, રુંવાડે ભૂતકાળ ઊભો થાય છે. એટલે એમ થાય કે આ ભૂતકાળ ભૂલવો કેવી રીતે ?

દાદાશ્રી : એવું છે ને, તમારી આ ક્રિયા વેરના નિકાલ માટે ચાલે છે. તમારે તો ભૂતકાળ દેખાય, એટલે પછી પ્રતિક્રમણ ચાલુ થાય. એટલે ભૂતકાળ ઉથામ્યા વગર તમારે પેલા હિસાબ ના દેખાય ને ! સમજ પડીને ! બાકી આવું, તમારા જેવું કો'કને જ હોય. આવું બીજા બધાને ના હોય એટલે બીજા બધાને 'વર્તમાનમાં રહો' એમ કહીએ.

ભૂતકાળ તો બુદ્ધિશાળી માણસો હોય, જે 'જ્ઞાન' નથી સમજતા, તે ય ભૂતકાળને નથી ઉથામતા. શાથી ? ભૂતકાળ ઉથામવો નહીં ? કે જેનો ઉપાય નહીં, તેનો સંકલ્પ નહીં. ભૂતકાળ એટલે ઉપાય વગરની વાત. એટલે આપણે સું કહીએ છીએ કે જ્ઞાન મળ્યું છે માટે ભૂતકાળનો ઉથામશો નહીં. ભૂતકાળને મૂર્ખોયે ઉથામતો નથી, તો તમને તો આ 'જ્ઞાન' મળ્યું છે અને ભવિષ્ય 'વ્યવસ્થિત' ના તાબામાં સોંપ્યો છે. એટલે વર્તમાનમાં રહો. વ્યવસ્થિત ઉપર તો તમને ખાતરી થઈ ગઈ છે ને ? તો પછી ભવિષ્યકાળ માટે તમને કશું કરવાનું રહ્યું નહીં. અને આ ભૂતકાળ જે તમે ઉથામો છો તે તમારી પાછળની ફાઈલોનો નિકાલ કરો છો એટલે એને કંઈ ભૂતકાળ ઉથામ્યો ના કહેવાય.

પ્રશ્નકર્તા : હા, હવે એ બરોબર છે.

દાદાશ્રી : આ બીજા માણસોના અમથા અમથા બીજી બાબતોમાં ભૂતકાળ ઉથામે. ફાઈલોનો નિકાલ કરવા માટે તો ભૂતકાળ ઉથામવો જ પડે. કારણ કે દુકાન આપણે કાઢી નાખવી છે એટલે હવે આપણે શું કરવાનું ? ભરેલો માલ વેચવાનો અને નવો માલ લેવાનો નહીં. છતાં ય પાછો એટલો વિવેક રાખવો પડે કે અમુક માલ વેચાતો ના હોય તો, ખાંડ ખલાસ થઈ ગઈ હોય તો બીજી નવી લાવવી પડે પાછી, એટલે વિવેકપૂર્વક આ દુકાન ખાલી કરવાની છે.

પ્રશ્નકર્તા : જો ભૂતકાળને ઉથામશે નહીં કહીએ તો પછી પ્રતિક્રમણ કરવાની જરૂર શી રહી ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરે છે તેને ભૂતકાળનો વાંધો નથી. પ્રતિક્રમણ એ તો આપણે અતિક્રમણને કાઢીને એનો નિકાલ કરીએ છીએ. ભૂતકાળ ઉથામવો નહીં એટલે શું કે પરમ દા'ડે કો'કની જોડે લઢવાડ થઈ હોય તે મનમાં અંદર રાખી મૂકીએ. બાકી પ્રતિક્રમણ કરવા માટે યાદ આવતું હોય તો તેનો વાંધો નથી. પણ મનમાં રાખી મૂકીએ નહીં, એને આપણે બોજારૂપ સમજીએ. એવું આપણે ના કરવું. ભૂતકાળ ઉથામવો એટલે ભૂતકાળની વાત આજે સંભારીને કોઈ માણસ રડે તે. પરમ દા'ડે એકનો એક છોકરો મરી ગયો હોય તેને સંભારીને આજે રડે તેને ભૂતકાળ ઉથામ્યો ના કહેવાય ?

પ્રતિક્રમણ તો કરવાં જ પડે ને ! અને એ પ્રતિક્રમણ તો ભૂતકાળમાં થઈ ગયેલા ના જ થાય ને. ભવિષ્યકાળને માટે પ્રત્યાખ્યાન હોય. પ્રત્યાખ્યાન ભલે થાય કે આમ બધું કરવું પડે. પણ ભવિષ્યકાળ બધો વ્યવસ્થિતના તાબામાં સોંપો છો. પછી તમારે વર્તમાનમાં રહેવું જોઈએ. બસ આટલું જ આપણું વિજ્ઞાન કહે છે, 'વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાંહી.' એટલે આ 'જ્ઞાન' પછી તમારે નિરંતર વર્તમાન જ હોવો જોઈએ. જે વખતે જે સંયોગ હોય ત્યાં વર્તમાનમાં જ રહેવું, એક ક્ષણ પણ વર્તમાન ન જાય, 'અમે' નિરંતર વર્તમાનમાં જ હોઈએ. 'અમે' અમારા સ્વરૂપમાં રહીએ અને આ 'પટેલ' વર્તમાનમાં રહે નિરંતર !!!

પ્રતિક્રમણ કરવા માટે તો ભૂતકાળને સાંભારવો પડે. પ્રતિક્રમણ તો જેટલાં કંઈ આપણે ભૂલી ગયાં હોઈએ તેને બોલાવીને, આજે પાછું એનું અતિક્રમણ થયું હોય તો તેને સંભારીને કરવું પડે. તે તો ચાલે જ નહીં ને ! આ પ્રતિક્રમણનો મુખ્ય માર્ગ છે આપણો ! અને 'જ્ઞાન' લીધા પછી, આત્મા પ્રાપ્ત થયા પછી પ્રતિક્રમણ ના હોય. પણ આ અક્રમમાર્ગ એટલે કર્મો ખપાવ્યા સિવાય આત્મા પ્રાપ્ત કર્યો છે.

ટેટા તો ફૂટ્યા જ કરવાનાં !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ તે ટાઈમે જ અતિક્રમણ થાય તો શું કરવું ?

દાદાશ્રી : પછી થોડીવાર પછી કરવું. આપણે દારૂખાનું હોલવવા ગયા ત્યાં ફરી એક ટેટો ફૂટ્યો તો આપણે ફરી જવું. પાછા થોડીવાર પછી હોલવવું. એ તો ટેટા ફૂટ્યા જ કરવાના. એનું નામ સંસાર.

પ્રતિક્રમણ કરતાં કરતાં અતિક્રમણો !

પ્રશ્નકર્તા : ઘણીવાર એવું બને કે આ પ્રતિક્રમણ કરવા બેઠાં, તો પ્રતિક્રમણ કરતાં કરતાં ડબલ અતિક્રમણ થાય, એના દોષ વધારે જોસથી દેખાવા માંડે, તો અતિક્રમણ બાજુએ રહે અને ડબલ અતિક્રમણ ચાલુ થઈ જાય તો એ કઈ જાતનો કર્મનો ઉદય છે ?

દાદાશ્રી : એ તો થઈ જાય તો આપણે બંધ કરી દઈએ અને ફરી જોવું, બંધ કરીને ફરી પાછું આપણું ચાલું કરવું.

કેટલાકને થોડા પ્રતિક્રમણ કરવાથી ચોપડો ચોખ્ખો થાય. કેટલાકને બહુ પ્રતિક્રમણ કરવાં પડે ત્યારે ચોપડો ચોખ્ખો થાય. કારણ કે ચોપડો બહુ ચીતરેલો હોય !

પ્રશ્નકર્તા : એનો અર્થ એ થયો, વારંવાર પ્રતિક્રમણ કરવાં ?

દાદાશ્રી : બસ, એ જ પુરુષાર્થ !

પ્રશ્નકર્તા : એટલે જે આવું અતિક્રમણ ચાલુ થઈ જાય, પ્રતિક્રમણ કરતાં કરતાં, એ ચીકાશ જે પકડી લે તો એમાં ભૂલ તો નથી થતીને ?

દાદાશ્રી : ના, તે ઘડીએ બંધ કરી દેવું આપણે. આ જેમ દૂધપાકને આપણે ઉકાળવો તો છે જ, તે ઉકળતાં ઉકળતાં ઉભરાય એટલે લાકડાં જરા બહાર ખેંચી લેવાં, વળી પાછું ફરીવાર લાકડાં ઘાલવાં. અને તે ઘડીએ બંધ ન થાય તો એમ કહેવું કે એ તો મહાન ઉપકારી છે, આવા ફરી પાછા આવા લોચામાં ક્યાં પડે છે ? એ તો મહાન ઉપકારી છે.

પ્રશ્નકર્તા : મહાન ઉપકારી કહેવાથી થોડીકવાર શાંત રહે છે, પણ પાછા જરા છેટા પડીએ કે ચઢી બેસે છે.

દાદાશ્રી : પણ તોય પછી વધારે ચીકણા નહીં થાય, આ ય અજાયબી છેને ! આ આટલું રાગે પડ્યું છે એ જ સારું છેને ! જબરદસ્ત કષાય છે અને ચોપડો બહુ છે પાર વગરનો.

પણ આ એમને બધું જે લખાતું હતું તે આ જ્ઞાન એમને સાચું લાગે છે એટલે એને જ્ઞાન સાચું લાગ્યું ને તે જ્ઞાની થવાનાં. એટલે આ પુરુષાર્થનું ફળ લાવશે. એ મને ખાતરી છે. સાચા હ્રદયનાં છે.

એ શું પ્રતિક્રમણ કે અતિક્રમણ ?

પ્રશ્નકર્તા : મને એક વ્યક્તિ જોડે પ્રતિક્રમણ બે-બે ત્રણ-ત્રણ દિવસ સુધી ચાલે. મારું પાર જ નથી પડતું. ત્યારે હું એટલો થાકી જાઉં છું કે બેહદ થાકી જાઉં છું ત્યારે મને એમ થાય છે કે મૂક લપ, આ પ્રતિક્રમણ જ નહીં જોઈએ આપણને. આ તે પ્રતિક્રમણ છે કે અતિક્રમણ છે એવું થાય છે. પણ એટલું છે એના પછી શાંતિ મેળવી શકાય છે.

દાદાશ્રી : શાંતિ તો એવી શાંતિ થાય ! પ્રતિક્રમણ કરો કે જબરજસ્ત શાંતિ થાય. ચાખી ના હોય એવી શાંતિ ઉત્પન્ન થાય.

પ્રશ્નકર્તા : પણ આવું ત્રણ દહાડા સુધી એકનું જ પ્રતિક્રમણ ચાલે તો શું કરવું ?

દાદાશ્રી : એ ગૂંચાયેલું વધારે. ચોપડા મોટા વધારે એટલે. આવડા મોટા ચોપડવાળા ફરે જ નહીં, પણ ફર્યા છે તે અજાયબી જ છેને !

પ્રશ્નકર્તા : બસ એટલું જાણવું છે કે આ હું ખોટે રસ્તે તો નથીને ?

દાદાશ્રી : ના, તમે તો ખોટે રસ્તે ક્યાં આવ્યા છો ? તમે તો સેફસાઈડ રસ્તે છો.

પ્રશ્નકર્તા : બસ અમને એટલી શક્તિ આપો.

દાદાશ્રી : હા, એ શક્તિ અમે આપ્યા જ કરીએ છીએ. પણ હવે અહીં આવો ત્યારે વધારે થાય.

મને ખાતરી થયેલી ને એટલે પછી એમનામાં ધ્યાન આપતો નથી. હવે સેફસાઈડ નહોતી થઈ ત્યાં સુધી ધ્યાન રાખ્યું. હવે સેફસાઈડ ઉપર છે ! જતે દહાડે કામ કાઢી લેશે.

ધોવાનું, વેરની ચીકાશ પ્રમાણે !

પ્રશ્નકર્તા : કેમ ? આપણે કોઈ જીવ સાથે વેર હોય, એનું પ્રતિક્રમણ કર્યું, પાછો એ જ જીવ જોડે પ્રતિક્રમણ કરવાનું રહે ?

દાદાશ્રી : હા, પણ પ્રતિક્રમણ કરવાનું છે, તો આવડો મોટો દોષ હતો, તે પ્રતિક્રમણ કર્યું એટલે એક પડ તૂટ્યું, બીજાં બધાં લાખો પડ રહ્યાં. એનાં પડ ઉખડે છે એટલે જ્યા ંસુધી પૂરું ના થાય ત્યાં સુધી પ્રતિક્રમણ કરવાનાં. કોઈ માણસ જોડે આપણે મહિના-બે મહિનાના પ્રતિક્રમણથી બધું પૂરું થઈ જાય. હિસાબ ચૂકતે થઈ જાય. કોઈ માણસનો આખી જિંદગી સુધી હિસાબ ચાલ્યા કરે. ગ્રંથિ બહુ મોટી હોય. આ ડુંગળી હોય છેને, તેનું એ પડ ઊડી જાય આપણે આમ 'એ' કરીએ એટલે, પણ પાછું ડુંગળીને ડુંગળી દેખાયને.

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એવી રીતે આનાં પડ હોય છે બધાં. પણ એક ફેરો પ્રતિક્રમણ કર્યું એટલે એક પડ જાય જ. એટલે તમારે બીજી વખત ના કરવું પડે. દોષના એક પડનું એક જ વખત હોય.

પોતે જ છૂટવાનું સ્વબંધનથી !

આ એક્સિડન્ટમાં એ બચે એવા ન્હોતા, તે બચી ગયા. પેલા એક્સિડન્ટમાં તો બચે, પણ કષાયના માર્ગે જે એક્સિડન્ટ થાય, જબરજસ્ત, તેમાં બચી ગયા અને કષાય માર્ગથી રહિત થઈ ગયા.

પ્રશ્નકર્તા : અને હું આ કષાય માર્ગે જઈશ તો એક્સિડન્ટ અવશ્ય થશે એવું એને ફીટ થઈ ગયું છે.

દાદાશ્રી : અવશ્ય થશે એવું ફીટ થઈ ગયું.

પ્રશ્નકર્તા : એટલે પોતે પ્રતિક્રમણ કર્યા કરે. તો પોતાનો નિવેડો આવે એમને એમ થાય કે આ ભાઈઓ છે. બીજી બધી વ્યક્તિઓ છે, એ બધાને જેટલું પોતાને મહીં ઊંધું ઊભું થાય એવું પેલા લોકોને પણ મહીં થાય કે, આને સપડાવો બરોબર, તો હવે હું પ્રતિક્રમણ કર્યા કરીશ તો પછી પેલા લોકોની જે મારી માટે આંટી છે એનું શું થાય ? એટલે મને પાછો બંધમાં નાખશે ?

દાદાશ્રી : ના, તમે તમારા બંધથી છૂટી જાવ. એ એના બંધથી છૂટશે. નહીં તો એ બંધાયેલું ને બંધાયેલું રહેશે. આ તો ન્યાય છે, ભગવાન મહાવીરનો ન્યાય. નહીં તો ભગવાન મહાવીર છૂટત જ નહીંને ! કોઈને કોઈ બંધ રહી જ જાયને, ભગવાન મહાવીરેય છૂટતે નહીં. તમે જ્યાં જ્યાં બંધાયેલા ત્યાંથી છૂટી જાવ.

પ્રશ્નકર્તા : એટલે પોતે પોતાનું છોડી નાખવાનું. પોતે પ્રતિક્રમણથી પોતાના બંધનો છોડી નાખવાનાં ?

દાદાશ્રી : છોડી નાખવાનાં.

વેરવી પ્રત્યે ન અવળો એક વિચાર !

એ વાકું કરે, અપમાન કરે તોય અમે રક્ષણ મૂકીએ. એક ભાઈ મારી જોડે સામા થઈ ગયેલા. મેં બધાને કહ્યું એક અક્ષર અવળો વિચારવો નહીં. અને અવળો વિચાર આવે તો પ્રતિક્રમણ કરજો. એ સારા માણસ છે પણ એ લોકો શેના આધીન છે ? કષાયના આધીન છે. આત્માના આધીન નથી આ. આત્માના આધીન જ હોય તે આવું સામું બોલે નહીં. એટલે કષાયના આધીન થયેલો માણસ કોઈપણ જાતનો ગુનો કરે તે માફ કરવા જેવો. એ પોતાના આધીન જ નથી બિચારો ! એ કષાય કરે તે ઘડીયે આપણે દોરો શાંત મૂકી દેવો જોઈએ. નહીં તો, તે ઘડીએ બધું ઊંધું જ કરી નાખે. કષાયને આધીન એટલે ઉદયકર્મને આધીન. જે ઉદય આવ્યું એવું ફરે.

સમત્વયોગ પાર્શ્વનાથનો !

પ્રશ્નકર્તા : હવે વાત કેવી રીતે નીકળી'તી કે પાર્શ્વનાથ ભગવાનને તો ખબરે ય નહોતી અને પેલાએ વેર બાંધ્યું અને એ વેરમાં પેલાં હંમેશા આની જોડે ભેગાં થાય, એટલે કંઈને કંઈ આનું નુકસાન કર્યા કરે, તો કહે, આવું બને ને ? પોતાને ખબરે ય ના હોય, પેલો વેર બાંધ્યા કરતો હોય અને પછી એ દસભવ સુધી ચાલ્યું.

દાદાશ્રી : એ તો જેટલું નુકસાન કર્યું હોય એટલું કરે. માટે હજુ નુકસાન કરશો નહીં કોઈને.

પ્રશ્નકર્તા : એમાં પાર્શ્વનાથ ભગવાનને ખબરે ય નહોતી ને ?

દાદાશ્રી : એ બધાને ખબર કેવી રીતે હોય તે ? એ શેનું ફળ આપે છે ? એટલે આપણું આપેલું તે જ આપે છે એ નક્કી છે. પાર્શ્વનાથ ભગવાનને એટલી તો ખબર પડે ને કે મારું આપેલું છે તે જ આપે છે એ લોકો. તેની મહીં ઉશ્કેરાટ વધતો જાય, એટલે ટાઈમ વધતો જાય, મુદત પૂરી થવામાં.

પાર્શ્વનાથ ભગવાનને ઉશ્કેરાટ વધ્યો નથી એટલે દસ અવતારમાં પૂરું થયું.

પ્રશ્નકર્તા : તો ય પણ દસ અવતાર સુધી ચાલ્યું એટલે કંઈ ઓછું કહેવાય ?

દાદાશ્રી : આ દસ અવતાર છે એ કેટલા અવતારના આધારે દસ અવતાર છે. એ જાણું છું તું ?

પ્રશ્નકર્તા : એ કશી ખબર નહીં.

દાદાશ્રી : આ એક વાળ બરાબર. દસ અવતાર એક વાળે ય નહીં.

પ્રશ્નકર્તા : ઓ હો, અનંત અવતારની સામે કશું જ ના કહેવાય. એટલે એમણે દરેક અવતારમાં પેલી સમતા રાખ્યા જ કરી'તી.

દાદાશ્રી : ત્યારે પૂરું થયું. પહેલા બે ત્રણ અવતાર સુધી જરા કાચું પડી જાય, ચિઢાઈ જાય, એટલે થોડું વધતું જાય. એકદમ સમતા રહે એવું આ જગત નથી. જ્ઞાનીઓથી ના રહે. આ તો 'અક્રમ વિજ્ઞાન' જુદી જાતનું છે, તેથી રહી શકે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21