ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



પ્રતિક્રમણ

૧૧. પુરુષાર્થ, પ્રાકૃત દુર્ગુણો સામે...

રાગમાંથી દ્વેષ ને દ્વેષમાંથી રાગ !

પ્રશ્નકર્તા : અકારણ કોઈનો ડંખ હોય, અકારણ કોઈ દ્વેષ કરે, અકારણ કોઈ કપટ કર્યા કરતું હોય, તો એનો અર્થ એ કે કો'ક જન્મમાં આપણે એના માટે રાગ.

દાદાશ્રી : હા. આપણે આ હિસાબ કર્યો છે. તેનું જ આ રીએક્શન (પ્રતિક્રિયા) છે.

પ્રશ્નકર્તા : તો એ આપણો કયો હિસાબ હોય ? આપણા રાગનો કે દ્વેષનો ?

દાદાશ્રી : કપટ એ બધું રાગમાં આવી જાય અને અહંકાર ને ક્રોધ એના અંગેનું હોય એ બધું દ્વેષમાં જાય. પેલું રાગમાં જાય, કપટ ને લોભ, લોભની ઇચ્છાઓ થયેલી હોય એ બધું રાગમાં જાય. હું શું કહેવા માગું છું. એ પહોંચે છે ?

પ્રશ્નકર્તા : હા. પહોંચે છે.

દાદાશ્રી : આ રાગ કયો ? તો કહે લોભ અને કપટ. અને માન અને ક્રોધ એ દ્વેષમાં કહેવાય. એટલે કોઈ કપટ કરતું હોય તો તે રાગમાં ગયો, રાગવાળો, જેની જોડે આપણે રાગ હોય ને એ કપટ કર્યા કરે.

રાગ વગર તો લાઈફ જ કોઈ ગયેલી નહીં. જ્યાં સુધી જ્ઞાન મળે નહીં, ત્યાં સુધી રાગ ને દ્વેષ બે જ કર્યા કરે છે. ત્રીજી વસ્તુ જ નાાહોય.

પ્રશ્નકર્તા : પણ દાદા, દ્વેષ એ તો રાગનું જ ફરજન્દ છેને ?

દાદાશ્રી : હા. એ ફરજન્દ તેનું છે, પણ એનું પરિણામ છે, ફરજન્દ એટલે એનું પરિણામ છે એ રાગ બહુ થયોને, જેના પર રાગ કરીએને, તે એક્સેસ (વધુ પડતો) વધી જાય, એટલે એની પર દ્વેષ થાય પાછો. કોઈ પણ વસ્તુ એને પ્રમાણની બહાર જાયને એટલે આપણને ના ગમતી થાય અને ના ગમતી હોય એનું નામ દ્વેષ. સમજમાં આવ્યું ?

પ્રશ્નકર્તા : હા. સમજમાં આવ્યું.

દાદાશ્રી : એ તો આપણે સમજી લેવાનું કે, આપણા જ રીએક્શન આવ્યાં છે બધાં ! આપણે એને માનથી બોલાવીએ અને આપણને એમ થાય કે એનું મોઢું ચઢેલું દેખાય, એટલે આપણે જાણવું કે આપણું આ રીએક્શન છે. એટલે શું કરવું ? પ્રતિક્રમણ કરવા. બીજો ઉપાય નથી જગતમાં. ત્યારે આ જગતના લોકો શું કરે ? એની પર પાછું મોઢું ચડાવે ! એટલે ફરી હતું એવું ને એવું જ ઊભું કરે પછી. આપણે શુદ્ધાત્મા થયા એટલે અટાવીપટાવીને આપણી ભૂલ એક્સેપ્ટ (સ્વીકાર) કરીને પણ ઊંચું મૂકી દેવું જોઈએ. અમે તો જ્ઞાની પુરુષ થઈને એમ એક્સેપ્ટ બધી ભૂલો કરીને કેસ ઊંચો મૂકી દઈએ.

માન, શુભમાર્ગાર્થે

પ્રશ્નકર્તા : પણ દાદા, માનના પરમાણુ હોય બહુ જ, તો નુકસાનકારક કહેવાય ?

દાદાશ્રી : ક્યાં ?

પ્રશ્નકર્તા : એવું માન હોય કે, ચાલો ભઈ, આનું ભલું કરીએ, આનું સારું કરીએ.

દાદાશ્રી : ના. કશું કોઈ વસ્તુ નુકસાનકારક છે નહીં. નુકસાનકારક તો બીજાને તિરસ્કારવાળું માન એ વ્યક્તિને નુકસાનકારક છે.

માન એટલે કોને કહેવું ? કે જે માન એક્સેસ હોય, લોકોને તિરસ્કારવાળું હોય, બાકી આ હું સારું કરું કે, એનો વાંધો છે જ નહીં.

પ્રશ્નકર્તા : હું આમ બહુ એનાલીસીસ (પૃથક્કરણ) કરું ત્યારે એમ લાગે કે ઊંડે ઊંડે એવી એક ઇચ્છા રહી હોય કે, આમ માન, વટ, પણ એ કેવી જાતનો કોઈનો લાભ લેવા માટે નહીં, કોઈનું સારું કરવા માટે.

દાદાશ્રી : આ જે માન છેને, તે માન તમને આ જગ્યાએ લાવ્યાં. નહીં તો આ માન જો ભરેલું ના હોત તો તમે બીજી જગ્યાએ હોત.

પ્રશ્નકર્તા : કેમ કે સીમંધર સ્વામીનું મંદિર હોયને, તો મને એમ થાય કે, હું તો આમાં હરીફાઈમાં ઊતરું.

દાદાશ્રી : એના જેવી વાત જ ના હોયને આ દુનિયામાં. એ તો બહુ સારામાં સારી વસ્તુ.

બાકી માન કોને કહેવાય ? હું તમને કંઈક કહીશ, પણ બીજાને દુઃખ થાય એવું હોય, પછી એવું આપણું વર્તન હોય તેને માન કહેવાય. આ તો લોકોને બહુ આનંદ થાય. સવારમાં ઊઠેને તો જેને ભગવાન ઉપર ભાવ છે, એની પર દાદાનો ભાવ સંપૂર્ણ જ હોય. એટલે આ તો સારી વસ્તુ છે. આવું બને નહીં. પછી એ બન્યું કે ના બન્યું, એ વાત જુદી છે. પણ આ ભાવ આવ્યો, ઊંચો બહુ સારો. તમને ખ્યાલમાં આવી ગયું. બધી વાત ?

પ્રશ્નકર્તા : હા. એ ભાવના સતત રહે, કે કંઈક કરું, કંઈક કરું, એવી ભાવના સતત રહે કે કંઈક કરું, કંઈક કરું. અને ગમે તેટલું કરું તોયે એમ જ લાગે કે હજુ કશું કર્યું નથી ?

દાદાશ્રી : હા. એવું લાગ્યા કરે. જાણે ભૂખ્યાને ભૂખ્યા હોય ! બહુ ઊંચી વસ્તુ છે આ ! કોઈક મહાપુણ્યશાળીને પ્રાપ્ત થાય એવી વસ્તુ છે આ.

એ છે પૂર્વે ભરેલા પરમાણુઓ !

પ્રશ્નકર્તા : ઈર્ષા થાય છે તે ના થાય તે માટે શું કરવું ?

દાદાશ્રી : તેના બે ઉપાય છે. ઈર્ષા થઈ ગયા પછી પશ્ચાતાપ કરવો. ને બીજું ઈર્ષા થાય છે, તે તમે ઈર્ષા નથી કરતાં. ઈર્ષા એ પૂર્વભવનાં પરમાણુઓ ભરેલાં છે તેને એક્સેપ્ટ (સ્વીકાર) ના કરો, તેમાં તન્મયાકાર ના થાય, તો ઈર્ષા ઊડી જાય. તમને ઈર્ષા થયા પછી પશ્ચાતાપ કરવો એ ઉત્તમ છે.

શંકામાંથી નિઃશંકતા !

પ્રશ્નકર્તા : સામા પર શંકા કરવી નથી, છતાં શંકા આવે તો તે શી રીતે દૂર કરવી ?

દાદાશ્રી : ત્યાં પછી એના શુદ્ધાત્માને સંભારીને ક્ષમા માંગવી, એનું પ્રતિક્રમણ કરવું. આ તો પહેલાં ભૂલો કરેલી તેથી શંકા આવે છે.

પ્રશ્નકર્તા : આપણા કર્મના ઉદયને લીધે જે ભોગવવું પડે, એ પ્રતિક્રમણ કર્યા કરીએ તો ઓછું થાયને ?

દાદાશ્રી : ઓછું થાય. અને 'આપણને' ભોગવવું નથી પડતું. 'આપણે' 'ચંદુભાઈ'ને કહીએ 'પ્રતિક્રમણ કરો' એટલે ઓછું થાય. જેટલું જેટલું પ્રતિક્રમણ કરીએ એટલું એ ઓછું થાયને ! પછી રાગે પડી જશે.

આ તો કર્મના ઉદયથી બધા ભેગા થયેલા છે. આને અજ્ઞાની કંઈ ફેરવી શકવાનો નથી ને જ્ઞાનીયે ફેરવી શકવાના નથી. તો આપણે શા માટે બે ખોટ ખાવી ?

પ્રશ્નકર્તા : પેલું બરાબર કહ્યું દાદા, કે આ જગત પહેલેથી આવું જ છે.

દાદાશ્રી : આમાં બીજું છે જ નહીં. આ તો ઢાંક્યું છે એટલે એવું લાગે છે. અને શંકા જ મારે છે. એટલે શંકા આવે તો આવવા ના દેવી ને પ્રતિક્રમણ કરવાં. પ્રતિક્રમણ કરવાનાં બાકી ના રહ્યાં. એટલે તમારા પર કોઈને શંકા જ ના આવે. નિઃશંક પદ થાય.

કોઈના માટે સહેજ પણ અવળો સવળો વિચાર આવે કે, તરત તેને ધોઈ નાખવો. એ વિચાર જો, થોડીક જ વાર જો રહેને તો એ સામાને પહોંચી જાય અને પછી ઊગે. ચાર કલાકે, બાર કલાકે કે બે દહાડે ય એને ઊગે, માટે સ્પંદનનું વહેણ એ બાજુ ના જતું રહેવું જોઈએ.

પ્રશ્નકર્તા : એના માટે આપણે શું કરવું ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરી ભૂંસી નાખવું તરત જ. પ્રતિક્રમણ ના થાય તો 'દાદા'ને યાદ કરીને, કે તમારા ઈષ્ટદેવને યાદ કરીને ટૂંકામાં કહી દેવું કે, 'આ વિચાર આવે છે તે બરોબર નથી, તે મારા નથી.'

જંગલમાં જાય ત્યારે લૌકિકજ્ઞાનના આધારે બહારવટિયા મળશે તો ? એવા વિચાર આવે. અથવા વાઘ મળશે તો શું થશે. એવો વિચાર આવે. તે ઘડીયે પ્રતિક્રમણ કરી નાખવું. શંકા પડી એટલે બગડ્યું. શંકા ના આવવા દેવી. કોઈ પણ માણસ માટે, કોઈ પણ શંકા આવે, તો પ્રતિક્રમણ કરવું. શંકા જ દુઃખદાયી છે.

શંકા પડી તો પ્રતિક્રમણ કરાવી લઈએ. અને આપણે આ બ્રહ્માંડના માલિક, આપણને શંકા કેમ થાય ?! માણસ છીએ તે શંકા તો પડે. પણ ભૂલ થઈ એટલે રોકડું પ્રતિક્રમણ કરી લઈએ.

જેના માટે શંકા આવે એનું પ્રતિક્રમણ કરવાનું. નહીં તો શંકા તમને ખાઈ જશે.

પ્રશ્નકર્તા : સંશય એ ગ્રંથિમાં જાય ?

દાદાશ્રી : સંશય એટલે શંકા ને ?

પ્રશ્નકર્તા : હા. એ દુર્ગુણમાં જાય કે ગ્રંથિમાં જાય ?

દાદાશ્રી : ગ્રંથિમાં ને દુર્ગુણમાં કશાયમાં ના જાય. એ તો ભયંકર આત્મઘાત છે. એ અહંકાર છે એક પ્રકારનો. શંકા એટલે સંદેહ કરવો. શંકા કરવી એ સંદેહથી માંડીને શંકા સુધીના બધા લખ્ખણ આત્મઘાતી છે. એમાં એક પણ ફાયદો ના થાય. ભયંકર નુકસાન જ થયા કરે. એટલે અમે શંકા કરવાની જ ના પાડીએ છીએ. શંકા કોઈ કરશો નહીં. એ ઊભી થાય, ખરેખર એવું લાગે. થયું હોય તોય તમારે શંકા કરવાથી કંઈ મળશે નહીં.

એ એક જાતનો અહંકાર છે. મારી વાત સમજણ પડી ?

પ્રશ્નકર્તા : શંકાના ઉપાયમાં પ્રતિક્રમણ કરી લેવાનું ? શંકા આવે કે તરત જ પ્રતિક્રમણ કરી લેવાનું ?

દાદાશ્રી : હા. જેના માટે શંકા આવે તેનું પ્રતિક્રમણ કરવાનું.

પ્રશ્નકર્તા : એટલે એ જ ઉપયા છેને એનો ?

દાદાશ્રી : હા. એ જ ઉપાય. નહીં તો શંકા તો તમને ખઈ જશે.

પ્રશ્નકર્તા : કોઈપણ શંકા આવે એને ચોખવટ કરી લેવી સારી. તો શંકાનો નિકાલ આવે.

દાદાશ્રી : કોઈપણ વસ્તુની શંકા આવતી હોયને, તે આ બધી તપાસ કરી આવવી અને આવીને સૂઈ જવું. અને છેવટે તપાસેય બંધ કરી દેવાની છે.

ભયનું મૂળ કારણ !

પ્રશ્નકર્તા : આ જે ભય છેને, ભયસંજ્ઞા એ કઈ જાતનું છે ? એ કેવી રીતે ઉત્પન્ન થાય છે ? આ બધું કેવી રીતે એનો ચાર્જ ને ડિસ્ચાર્જ થાય છે ?

દાદાશ્રી : ભય તો જેટલો પોતાની જાતને ટેમ્પરરી (વિનાશી) સમજે એટલો વધારે ભય લાગે.

પ્રશ્નકર્તા : એ સમજાણું નહીં. પોતાની જાતને ટેમ્પરરી સમજે એટલે શું ?

દાદાશ્રી : હું ચંદુભાઈ જ છું, એ ટેમ્પરરી અને તેવું પોતાની જાતને માને, એટલે ભય લાગ્યા કરે. હું શુદ્ધાત્મા છું. મને કંઈ જ ના થાય, હું તો સનાતન છું, તો ભય શેનો લાગે ?

પ્રશ્નકર્તા : પછી ના લાગે.

દાદાશ્રી : ફોરેનના લોકોને છે તે ટેમ્પરરી વધારે લાગે, આપણા લોકોને ટેમ્પરરી ઓછું લાગે. કારણ કે કર્તાભાવ થયો. હું કરું છું ને આ કર્મ મારાં કરેલાં થાય છે. એટલે અહીં જરા ફોરેનનાં કરતાં ઓછાં ભયવાળું. ફોરેનવાળા તો ચકલાંની પેઠે ઊડી જાય.

શંકા અને ભય !

પ્રશ્નકર્તા : આ ભય અને શંકા એ બેને અરસપરસ સંબંધ ખરો ?

દાદાશ્રી : શંકાથી જ ભય ઉત્પન્ન થાયને અને ભયથી શંકા થાય. એ બેઉ કારણ-કાર્ય જેવું છે. શંકા બિલકુલ રાખવી ના જોઈએ. કોઈપણ બાબતમાં શંકા રાખશો નહીં. છોકરો બગડ્યા કરે છે, કે છોકરી બગડ્યા કરે છે. એ શંકા રાખશો નહીં. એને માટે પ્રયત્ન કરજો.

પ્રશ્નકર્તા : પણ શંકા તો ઘડીયે ઘડીયે થઈ જાય છે.

દાદાશ્રી : શંકા એ તો પોતાનો આપઘાત છે. શંકા તો ક્યારેય પણ કરશો નહીં.

પ્રશ્નકર્તા : પણ એ શંકા કેમ થઈ જાય છે ? શંકા કરવાનો સવાલ જ નથી. શંકા ક્ષણે ક્ષણે થઈ જાય છે.

દાદાશ્રી : એ થઈ જાય માટે આપણે કહેવાનું કે ભઈ, શંકા ન હોય મારું, આ મારું ન હોય, થઈ ગઈ કે તરત કહેવું.

શંકા આપણને હોય નહીં, શંકાથી જ આ જગત સડી રહ્યું છે, પડી રહ્યું છે. શંકા ન હોય, પોતે મરવાનો છે. પણ કેમ શંકા નથી થતી ? કેમ નથી થતી ? નથી મરવાનો ?

પ્રશ્નકર્તા : એ તો ખબર જ હોય છે કે મરવાનો જ છે.

દાદાશ્રી : પણ ત્યાં શંકા કેમ નથી પડતી ? મરી જવાની શંકા પડેને તો કાઢી નાખે એ. શંકા પડે કે તરત કાઢી નાખે. ભય લાગે ખૂબ. એટલે કાઢી નાખવાની હોય. ઊખેડીને ફેંકી દેવાની. ઊગી કે તરત ઊખેડીને ફેંકી દેવાની.

બને બળેલી સીંદરી સમ !

હમેશાં કોઈપણ કાર્યનો પસ્તાવો કરો, એટલે એ કાર્યનું ફળ બાર આની નાશ જ થઈ જાય છે. પછી બળેલી દોરી હોયને, એના જેવું ફળ આપે. તે બળેલી દોરડી આવતે ભવે આમ જ કરીએ, તે ઊડી જાય. કોઈ ક્રિયા એમ ને એમ નકામી તો જાય જ નહીં. પ્રતિક્રમણ કરવાથી એ દોરડી સળગી જાય છે. પણ ડિઝાઈન તેની તે જ રહે છે. પણ આવતે ભવે શું કરવું પડે ? આમ જ કર્યું ખંખેર્યું કે ઊડી ગઈ.

અક્રમમાં ક્રિયા માત્ર મડદાલ !

કરેલી ક્રિયા તો જાય જ નહીં. પણ આ જ્ઞાન લીધા પછી, તમે ચેતન બહાર છૂટું પાડ્યા પછી, એ ક્રિયાઓ મડદાલ ક્રિયાઓ છે. નિશ્ચેતન ક્રિયાઓ છે. એટલે એની જવાબદારી છૂટી જાય છે.

આ અક્રમ વિજ્ઞાન છે. કોઈ વિજ્ઞાન એવું ન હોય કે, સંસારમાં સંપૂર્ણ રીતે રહેવા છતાં, સંપૂર્ણ રીતે મોહમાં રહેવા છતાં ય, મોક્ષે જાય. એવું વિજ્ઞાન કોઈ હોય નહીં, એવું આ વિજ્ઞાન છે.

મોક્ષે જવું એટલે શું ? ક્રમિક, સ્ટેપ બાય સ્ટેપ, જેટલો મોહ ઓછો થયો, એટલાં સ્ટેપ તમે ચઢો. અને તે ક્રમિકમાર્ગમાં તો, જ્ઞાનીઓને ય ચિંતા હોય ને. અંદર આનંદ હોય, અને બહાર ચિંતા હોય. અહીં તો બહારે ય ચિંતા નહીં, અને અંદરે ય ચિંતા નહીં. ચિંતા વગરની લાઈફ વર્લ્ડમાં કોઈ જગ્યાએ હોઈ શકે નહીં. આ અક્રમ વિજ્ઞાનના પ્રતાપે છે હજારો માણસોને !!!

એ ઘટવા માંડે પછી....

દાદાશ્રી : હવે પ્રતિક્રમણ કરવાં પડે છે કે ?

પ્રશ્નકર્તા : હવે પ્રતિક્રમણ તો કરવાં જ પડે ને !

દાદાશ્રી : હવે ઓછાં થયાં છે ? પહેલાં જેટલાં નથી ને ?

પ્રશ્નકર્તા : હવે ઓછાં થયાં પણ કરવાં પડે.

દાદાશ્રી : પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના આ જ સાધન છે મોક્ષે જવાનું. બીજું કોઈ સાધન નહીં. કર્મ તો થયા જ કરવાનાં. ના ઇચ્છા હોય તો ય કર્મ તો થયા જ કરવાનાં.

પ્રશ્નકર્તા : કર્મ તો આડાં આવીને ગળામાં ભરાય.

દાદાશ્રી : હા. ગળામાં ભરાય. કર્મનો નિયમ જ એવો છે. તમને ખબર પડી જાય ને કે આ અતિક્રમણ કર્યું. સમભાવે નિકાલ ના થાય તો અતિક્રમણ થઈ જાય. તું અતિક્રમણ કરું ત્યારે શું કરું છું.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરું છું.

દાદાશ્રી : સારું. એમ તો બહુ પાકી છે. જેટલી બહાર છે. એટલી મહીં છે. બોલો એટલી પાકી છે કે જરા ય કર્મ ના બંધાય એવું કર્યું છે, ત્યારે સારું ને, એટલું તો બહુ સારું. આમાં પાકી હોય તે સારું. સંસારમાં પાકો માણસ પોતાનું નુકસાન કરી રહ્યો છે, અને આમાં પાકો હોય તો સારું.

ભાંગવી ઈફેક્ટને ઈફેક્ટથી !

પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ છીએ એ કર્મના લીધે જ કરીએ છીએ ને ? પ્રતિક્રમણ આપણે કરીએ છીએ એ આપણા હાથમાં નથી. એ તો ઈફેક્ટ (અસર) છે ને ?

દાદાશ્રી : પ્રતિક્રમણ એ ઈફેક્ટ જ છે, પણ ઈફેક્ટને ઈફેક્ટથી ભાંગવાની છે અને એ ચોખ્ખું થઈ જાય, ધોઈ નાખીએ તરત. આપણે કહેવું કે, 'ભઈ ચંદુલાલ ! ધોઈ નાખો. આ પેલું શા માટે કર્યું આવું ? અને સામાને દુઃખ નથી થતું. એવા કર્મને માટે વાંધો નહીં. ખાવો-પીવો બધું-જેટલાં કારેલાં ખાવાં હોય એટલાં ખાવને ! મહીં ગોળ નાખીને પણ કારેલું ખાવ. કારણ કે કડવા રસની શરીરને જરૂર છે. માટે એમને એમ ના ખવાય તો મહીં ગોળ નાખીને ખાવ. પણ ખાવ.

'એ' છે પુરુષાર્થ !

કોઈને કિંચિત્માત્ર દુઃખ ન થવું જોઈએ. આ તો અજાણ્યે પાર વગરનાં દુઃખ થાય છે. સામાને દુઃખ ના થાય એવી રીતે તમે કામ લો. એ ક્રમણ કહેવાય. પણ અતિક્રમણ ક્યારે કહેવાય ? તમારે ઊતાવળ હોય ને અહીં ચા પીવા ગયો હોય, પછી એ આવે કે તરત તમે બૂમાબૂમ કરો કે, ક્યાં ગયો હતો ? નાલાયક છે ને, 'આમ-તેમ' કરો તે અતિક્રમણ કર્યું કહેવાય. અને એ સ્વભાવિક થઈ જાય. તેમાં તમારે કંઈ ઇચ્છા નથી હોતી. એ સ્વભાવિક તમારાથી થઈ જાય.

અતિક્રમણ થવું એ સ્વભાવિક છે, પણ પ્રતિક્રમણ કરવું એ આપણો પુરુષાર્થ છે. એટલે એ જે કર્યું હોય એ ભૂંસાઈ જાય. પ્રતિક્રમણથી પડેલો ડાઘ તરત ભૂંસાઈ જાય.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21