ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



પ્રતિક્રમણ

૧૪. ...કાઢે કષાયની કોટડીમાંથી

દ્વેષ થયો ત્યાં પ્રતિક્રમણ

આ તો જંજાળ છે બધી. તને એમના માટે જેટલા વિચાર આવે, એટલાં પ્રતિક્રમણ કર કર કરવાં. જે દહાડે કો'ક વિચાર આવે, તેનાં પ્રતિક્રમણ કર કર કરવાં બસ. એ ભૂંસી નાખવાં તરત. પ્રતિક્રમણ કરવાથી આપણા બધા એટેકના વિચાર બંધ થઈ જાય પછી. એટલે પછી મનને દ્વેષ ના આવે. જેના તરફ મન અકળાતું હોય એનાં પ્રતિક્રમણ કરીએ તો બંધ થઈ જાય પછી.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાનાં હોય, તે મનથી કરવાં કે વાંચીને અથવા બોલીને ?

દાદાશ્રી : ના. મનથી જ, મનથી કરીએ, બોલીને કરીએ, ગમે તેનાથી કે મારો એના પ્રત્યે જે દોષ થયો છે તેની ક્ષમા માગું છું. તે મનમાં બોલીએ તો ય ચાલે. માનસિક એટેક થયો એટલે એનાં પ્રતિક્રમણ કરવાનાં બસ. હલકી નાતોમાં મારં-માર કરે. અને આપણામાં શબ્દ મારે. નહીં તો મનથી મારે, શબ્દ મારે કે ન મારે ?

પ્રશ્નકર્તા : મારે.

દાદાશ્રી : આ બેનો તો કહે, હજુ તો કાળજેથી શબ્દ જતો નથી. એવો ઘા વાગ્યો છે મને. એવા શબ્દો બોલે ! અને મનથી મારે તે ય એના ઘરનાં હોય.

પ્રશ્નકર્તા : મનથી એટલે બોલ્યા વગર જ ને ?

દાદાશ્રી : જો શબ્દો બોલે ને, તો એ સામી થઈ જાય એવી હોય, તો મનથી મારે. વહુથી યે, ધણી સામો થઈ જતો હોય તો, એ મનથી મારે. મારા લાગમાં આવે તો તેને તે વખતે હું સીધો કરીશ, લાગ ખોળે !

પ્રશ્નકર્તા : એક ખરાબ પ્રસંગ આવ્યો હોય, સામેથી વ્યક્તિ તમારા માટે ખરાબ બોલતી હોય કે, કરતી હોય, તો એના રીએકશનથી અંદર આપણને જે ગુસ્સો આવે છે, એ જીભથી શબ્દો કાઢી નાખે છે, પણ મન અંદરથી કહે છે કે, આ ખોટું છે, તો બોલે છે એના દોષ વધારે કે મનથી કરેલા તેના દોષ વધારે ?

દાદાશ્રી : જીભથી બોલે તેનો ? જીભથી એની જોડે ઝઘડો કર્યો તે.

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : જીભથી કરેને, તે ઝઘડો અત્યારે ને અત્યારે હિસાબ આપીને જતો રહે છે. અને મનથી કરેલો ઝઘડો આગળ વધશે. જીભથી કરે ને, તે તો આપણે સામાને કહ્યું એટલે આપી દે. તરત એનું ફળ મળી જાય. અને મનથી કરે તો એનું ફળ તો એ ફળ પાકશે, એ અત્યારે બીજ રોપ્યું એટલે કૉઝીઝ કહેવાય. એટલે કૉઝીઝ ના પડે. એટલા માટે મનથી થઈ ગયું હોય તો મનથી પ્રતિક્રમણ કરવું.

રાગ સામે પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : આપણે અત્યાર સુધીનાં પ્રતિક્રમણ કરીએ છીએ, તે કોઈની સાથે કંઈ ગુસ્સો કર્યો, દ્વેષ થયો એટલે દ્વેષનાં પ્રતિક્રમણ કર્યા. તો રાગનાં પણ આપણે પ્રતિક્રમણ કરવાં કે કેમ ?

દાદાશ્રી : એ તો પછી પ્રતિક્રમણ કરવાનાં ના હોય. આ રાગ થાય છે, એ આપણે બંધ કરવાની જરૂર છે. બસ એટલું જ.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે બંધ કરવું ?

દાદાશ્રી : મારે વીતરાગ થવું છે માટે રાગ બંધ કરી દેવાનો. મારે જે સ્ટેશન પર પહોંચવું છે. જલદી, એટલે ત્યાં આગળ બેઠાં હોય ત્યાંથી ઊઠવાનું એવું જ હોય ને ? એ રીતે બંધ કરી દેવાનાં.

કારણ કે એ રાગ-દ્વેષ બેઉ ડિસ્ચાર્જ સ્વરૂપે છે, જ્ઞાન લીધા પછી. અને દ્વેષ જો થાય સામા પર, તો એને દુઃખ થાય, ઈફેક્ટ (અસર) આવે એટલે આપણે પ્રતિક્રમણ કરીએ તો દ્વેષ ધોવાઈ જાય અને રાગ તો કોઈને કશું થવાનું નહીં. અને ડિસ્ચાર્જ છે એટલે એ તો ઊડી જવાનું છે. એટલે પ્રતિક્રમણ ના થાય તો ય ઊડી જવાનું છે, એટલે પ્રતિક્રમણ ના થાય તો ય કશું ના થાય.

જેમ આપણે વ્યાપાર કરતાં હોય, અને આપણે દસ લાખ રૂપિયા માંગતા હોઈએ, અને લોકો પાંચ લાખ રૂપિયા આપણી પાસે માંગતા હોય, તો લોકોને એમ લાગે કે ત્યાંથી લી આવો. હવે એમને તો રાતે બે વાગે ઊઘરાણીમાં આવે તો એટલે આપણે તો મોક્ષે જવું છે, એટલે આપી દેવાના. અને આપણા છે તે પેલા ના આવે તો આપણે માંડવાળ કરી શકીએ. એવી રીતે રાગ ને દ્વેષનું.

પ્રશ્નકર્તા : એનો અર્થ એ કે રાગનો વાંધો નથી. દ્વેષનો વાંધો છે. પણ રાગથી આત્માના પ્રોગ્રેસ (પ્રગતિ)માં અંતરાય આવે ?

દાદાશ્રી : એ તો જે રાગ ભરેલો છે એ આવ્યા વગર રહે નહીં ને, અને રાગ આપણો વધવાનો નથી, એ ડિસ્ચાર્જ છે. એ આપણને હરકત કરતાં નથી. એ ભરેલો છે માલ, એ આવ્યા વગર રહે નહીં ને ? આપણે રાગ કરતાં નથી, આ તો ભરેલો માલ છે. એ રાગ થાય છે. એટલે આપણે એની જોડે મીઠાશથી બોલીએ એટલું જ ! એ બધું ય ડિસ્ચાર્જ છે. અવરોધ તો કરવાનો જ હતો પણ એ ડિસ્ચાર્જ થયું એટલે આજ્ઞા પાળવી જોઈએ ને ! એટલે તમે જો આજ્ઞા પાળોને તો નિરંતર આત્મામાં જ છો. તમે નોકરી કરતાં હો કે ગમે તે પણ આજ્ઞા પાળો ને તો નિરંતર આત્મામાં જ છો.

પ્રશ્નકર્તા : રાગ હોય ત્યાં આગળ કેવી રીતે આજ્ઞામાં રહેવાય ?

દાદાશ્રી : એ રાગ ને જે દ્વેષ છે બેઉ, એ કોને કહેવાય છે ? કૉઝીઝ રાગને રાગ કહેવાય છે. ઇફેક્ટિવ રાગને રાગ નથી કહેવાતો. તે આ અત્યારે જે રાગ છેને, એ કૉઝીઝ રાગ નથી. ઇફેક્ટિવ છે. કારણ કે તમે શુદ્ધાત્મા થઈ ગયા. અને શુદ્ધાત્માને રાગ-દ્વેષ હોય નહીં અને ઇફેક્ટ છે તે ચંદુલાલની છે આ.

ઇફેક્ટ રાગ હોય કે દ્વેષ હોય તો આપણે 'ચંદુલાલ'ને એમ કહેવું પડે કે, ખરાબ થાય એમાં આને 'એટેક' કેમ કરો છો ? માટે પ્રતિક્રમણ કરો. અને રાગને માટે કશુંય નહીં, સમજાયું તમને ?

રાગ વખતે જુદાપણાની જાગૃતિમાં ના રહે, આજ્ઞામાં ના રહે, તો પછી તેનું પ્રતિક્રમણ કરવું પડે.

સ્વમાન છૂટતાં જ મોક્ષ !

પ્રશ્નકર્તા : આપણું સ્વમાન ઘવાય નહીં અને છતાં પ્રતિક્રમણ થાય એવો કોઈ રસ્તો ખરો ?

દાદાશ્રી : પ્રતિક્રમણ તો થાય. પ્રતિક્રમણ ને સ્વમાનને ક્યાં વાંધો છે ? તેમાં સ્વમાન ક્યાં ઘવાય છે ? ભગવાનની પાસે સ્વમાન હોય નહીંને ? સ્વમાન તો લોક પાસે હોય. ભગવાન પાસે તો આપણે દીનતા દેખાડવામાં કોઈ વાંધો નથી. બીજાને પાસે દીન ન થવું જોઈએ. સ્વમાનનો અર્થ શું કે બીજાની પાસે દીન ન થાવ. અને સ્વમાન જેનું છૂટ્યું એ મોક્ષનો અધિકારી થઈ ગયો.

આપણા અભિપ્રાયની સામા પર અસરો !

પ્રશ્નકર્તા : અમારા એ અભિમાનથી કોઈને તકલીફ ના થાય અને સંતાપ ના થાય, એને બદલે સામાને સુખ થાય, એને માટે અમારે શું કરવાનું ?

દાદાશ્રી : આટલો ભાવ જ કરવાનો. બીજું કશું કરવાનું નહીં. 'આપણા અભિમાનથી કોઈને દુઃખ ન હો ને સુખ થાવ.' એવો ભાવ કરવાનો. પછી દુઃખ થઈ જાય તો પ્રતિક્રમણ કરવાનાં ને આગળ હેંડવા માંડવાનું. ત્યારે શું કરે તે ?! કંઈ આખી રાત ત્યાં આપણે બેસી રહેવું ? બેસી રહેવાય એવું નથી. આ પાછું આપણે બેસી રહેવું હોય તોય બેસાય એવું નથી, તો શું કરવાનું ?

છતાં આ લોકોને દુઃખ ના થાય એવી રીતે આપણે પગલું ભરવું જોઈએ.

પ્રશ્નકર્તા : એ હિસાબે તો આખો સંસાર અહંકારનું પરિણામ જ છે. 'હું ચંદુભાઈ છું' એનું પરિણામ જ આખો સંસારને ?

દાદાશ્રી : પણ હવે એ અહંકાર આ 'જ્ઞાન' પછી તમને ગયો. ફરી અહંકાર રહેતો હોય તો પરિણામ ઊભાં થયા કરેને ! આ 'જ્ઞાન' પછી તો નવાં પરિણામ ઊભાં થાય નહીંને ! અને જૂનાં પરિણામ ઊડ્યા જ કરે. જૂનાં એકલાં જ ઊડી જવાનાં. એટલે ઊકેલ આવી ગયો. એ ટાંકી નવી ભરાતી નથી. કોઈની ટાંકી પચાસ ગેલનની હોય ને કોઈની પચ્ચીસ લાખ ગેલનની હોય. મોટી ટાંકી હોય ત્યારે વાર લાગે. પણ ખાલી થવા માંડ્યું એને શું ?

પ્રશ્નકર્તા : પણ ટાંકી ખાલી થતાં થતાં તો પેલા ફ્લડની માફક કોઈને ગબડાવી દે. કોઈને અથડાય ને કોઈને મારી દેને, પાછું.

દાદાશ્રી : હા. એ તો બધું જે મારે છેને, તે તો એનાં પરિણામ છે ને ! એમાં આપણને શું લેવા-દેવા ? પણ કોઈને દુઃખ થાય તો એનું પ્રતિક્રમણ કરી લેવાનું.

ક્રોધનાં પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : મને ક્રોધ આવે છે એનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું ?

દાદાશ્રી : આ જ્ઞાન પછી તમને ક્રોધ થાય જ નહીં. પરવસ્તુમાં તાંતો રહે એને આપણે ક્રોધ કહીએ છીએ. આ જ્ઞાન પછી હવે તમને તાંતો રહે નહીં. હવે ઊગ્રતા રહી. એ પરમાણુના ગુણ રહ્યા.

આ જ્ઞાન લીધા પછી ક્રોધ, માન, માયા, લોભ બધું ય જતું રહે છે. આમને જો ક્રોધ થયો હોય ને, તો કોઈ બીજો એક માણસ કહેશે. 'ના.' આ ગુસ્સે થતાં'તાં. મેં કહ્યું ગુસ્સો ને ક્રોધ બે જુદી વસ્તુ છે. ગુસ્સો એ પૌદગલિક વસ્તુ છે. ક્રોધ એ પુદગલ ને આત્માની તન્મયાકાર વસ્તુ છે. હવે એ ગુસ્સો થાય ને, એ ગુસ્સે થાય તો ય ક્રોધ કેમ ના કહેવાય. કારણ કે, ક્રોધ હંમેશા ય હિંસકભાવ એની પાછળ હોય, ત્યારે આમને હિંસકભાવ ના હોય. આમને મહીં પાછળ પ્રતિક્રમણ કરતાં હોય જોડે, જોડે. એક બાજુ ક્રોધ થતો હોય ને, એક બાજુ પ્રતિક્રમણ કરતાં હોય, એકબાજુ આ થયાનાં પ્રતિક્રમણ કરતાં હોય. મહીં કરો છો કે નહીં ? નિરંતર પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણ કરે છે, માટે હિંસકભાવ ત્યાં નથી.

અને તાંતો ના હોય. તાંતો એટલે શું ? રાતે કંઈ ઝગડો થયો હોય ને તે સવારમાં પ્યાલાં ખખડે !

આ જગતના લોકોને સજીવ ક્રોધ છે ને તમને નિર્જીવ ક્રોધ છે. પણ નિર્જીવ ક્રોધ કોને નિમિત્તે થાય છે. એને બિચારાને થોડુંક તો નુકસાન થાય ને ?

ફેર 'ક્રોધ' અને 'ગુસ્સા'માં

છતાં ય પણ જો ગુસ્સો થવા માંડે, કો'કને બહુ દુઃખ થાય એવું બોલી ગયેલું હોય, તો આપણે ચંદુભાઈને કહેવું કે, ચંદુભાઈ ચુમ્મોત્તેર વર્ષ થયાં. જરા પાંસરા રહો ને ! અને પ્રતિક્રમણ કરો. પશ્ચાત્તાપ કરો. શા માટે આવું કર્યું ? કહેવાય કે ના કહેવાય ?

પ્રશ્નકર્તા : કહેવાય. કહેવું જ જોઈએ.

દાદાશ્રી : આમ ભલે ગર્વમેન્ટના (સરકારના) મોટા ઑફિસર (સાહેબ) હોય, ત્યાં એમની શરમ નહીં રાખવી જોઈએ. આપણે કહેવું જ જોઈએ કે આ ચુમ્મોત્તેર વર્ષ થયાં, હવે તો જરા ધીમા પડો. એટલે આવું થયું હોય તો, ક્ષમાપના માંગી લેવી. કોઈને વધારે પડતું દુઃખ થયું હોય તો, ક્રમણનો વાંધો નથી. અતિક્રમણનો વાંધો છે. એટલે અતિક્રમણ થાય તેનો સરકારે ય ગુનો ગણે છે. તમને સમજ પડીને ? આ બધા બોલે એનો વાંધો નથી. નવી જ જાતનું, તૃતિયમ બોલે, અને આ બધાના મનમાં એમ થાય કે, અરેરે ' આવું કેવું બોલે છે, એ અતિક્રમણ કહેવાય. જેની દાનત ચોર હોય તે અતિક્રમણ કહેવાય. ઇરાદો ખરાબ હોય તે અતિક્રમણ કહેવાય.

તાંતો જતો રહે એટલે જાણવું કે આ ક્રોધ-માન-માયા-લોભ રહ્યું નથી હવે. તમે શુદ્ધ જ થઈ ગયા હવે. તમે જ્ઞાતાદ્રષ્ટા પરમાનંદી. 'ચંદુભાઈ' શું કરે છે, એને જોયા કરવું. ચંદુભાઈનું ચલાવશે કોણ ? વ્યવસ્થિત નામની શક્તિ. અને બહુ સારું ચાલશે.

ગુસ્સો થાય અને સામા માણસને દુઃખદાયી થઈ પડ્યો હોય. ભલે ક્રોધ ના થયો, પણ દુઃખદાયી થઈ પડ્યો તો આ તો પોતે શુદ્ધાત્મા છું એમ માને છે. પણ જેણે અતિક્રમણ કર્યું છે. તેની પાસે પ્રતિક્રમણ કરાવો. એટલે અતિક્રમણ કરનાર ચંદુભાઈ - તે ચંદુભાઈને તમારે કહેવું પડે કે પ્રતિક્રમણ કરો. તમારે નહીં કરવાનું. આત્મા થયા પછી પ્રતિક્રમણ હોય નહીં. પણ જેણે અતિક્રમણ કર્યું, તેની પાસે પ્રતિક્રમણ કરાવો, તમારા પડોશી પાસે.

હવે ક્રોધ, માન, માયા, લોભ થવાનાં નહીં, પણ છોકરા જોડે એકદમ બહુ આકરા થઈ ગયા હોય તો તમારે ચંદુભાઈને કહેવું કે, 'આટલા બધા આકરા શું કરવા થાવ છો ? બેબીને કેટલું ખરાબ લાગે ! અંદરખાને માફી માગી લો. બેબીને મોઢે કહેવાનું નહીં પણ અંદરખાને માફી માંગી લો. ફરી નહીં કરવું આવું. અને નહીં તો પછી માફી માંગવાની હોતી નથી. આપણે જો કશી કચ-કચ કે દુઃખ થાય એવું ના કર્યુ હોય તો !

પ્રશ્નકર્તા : કષાયોના તાંતા પછી પ્રતિક્રમણ નથી થતું.

દાદાશ્રી : ઉદ્વેગમાં પ્રતિક્રમણ બહુ મોડું થાય, ને તાંતામાં થોડીવાર લાગે. ઉદ્વેગ એટલે બોમ્બાર્ડીંગ કરે એના જેવું છે. ને તાંતો એટલે ગેસટીયર-ગેસ છોડીને ગુંગળાવે તેના જેવું.

પ્રકૃતિને જોવી એ પુરુષાર્થ !

પ્રશ્નકર્તા : એ બરોબર છે. ક્રોધ આવે તો તે ઘડીએ અંદર ભાવમાં થાય કે, આ ખોટું છે. તારે ક્રોધ ના કરવો જોઈએ.

દાદાશ્રી : આપણે છે તે ચંદુભાઈને કહેવું કે ભઈ, પ્રતિક્રમણ કરો. અતિક્રમણ કેમ કર્યું ?

પ્રશ્નકર્તા : પેલો ક્રોધ આવે તો આ બાજુ અંદર પેલું ઊભું થાય કે, આ ચંદુ શા માટે કરે છે ? આવું શું કામ કરે છે ? આ ખોટું છે. પણ કો'ક દહાડો એ ક્રોધ આપણને પાડી નહીં નાખે ને ? તો શું કરવું ?

દાદાશ્રી : આપણને કોઈ પાડી નહીં નાખે. એ બધાં મડદાં છે. જીવતાને શી રીતે પાડે ? પુદ્ગલમાત્ર મડદાલ છે. કોઈ નામ ના દે. 'હું તો દાદાનો, મારી પાસે ક્યાં આવો છો ? શરમ નથી આવતી. દાદા, દાદા, દાદા કહીએ.

પ્રશ્નકર્તા : એટલે એમ થાય કે, ક્રોધ પાછો પરિભ્રમણમાં નાખી દે, નવા બંધ પાડે ?

દાદાશ્રી : એ શું નાખતો'તો ? એ બિચારા ન્યૂટ્રલ, નપુંસક જાતના લોક. એ તો જે ક્રોધના દબાયેલા છે એને માટે. આપણે દબાયેલા નથી.

અને પ્રતિક્રમણ ના થતું હોય તેને એમ કહી શકો છો કે ભઈ પ્રતિક્રમણ કરો.

પ્રશ્નકર્તા : ક્રોધની શરૂઆત થાય પછી પ્રતિક્રમણની શરૂઆત થાય.

દાદાશ્રી : શરૂઆત થાય. બેઉ સાથે થાય.

પ્રશ્નકર્તા : ક્રોધ ચાલતો હોય, પાછું પ્રતિક્રમણ થાય. બેઉ ભેગું. મારામારી કરે બેઉ, અતિક્રમણ અને પ્રતિક્રમણ સામાસામી.

દાદાશ્રી : એટલે આ બધું છેદ ઊડી જાય હવે. હિસાબ ચોખ્ખો થઈ રહ્યો છે. આ પ્રકૃતિ છે અને તમે પુરુષ છો. પુરુષ શુદ્ધાત્મા. શુદ્ધાત્માને કશું અડે નહીં એનું નામ શુદ્ધાત્મા. શુદ્ધાત્મા જ્ઞાતાદ્રષ્ટા. પ્રકૃતિને જોયા કરવી એ પુરુષાર્થ !

હવે તમે પુરુષ થયા અને આ થઈ પ્રકૃ.િ પ્રકૃતિ શું કરે છે એ જોયા કરવાની. ચંદુભાઈ ખરાબ કરતા હોય કે સારું કરતા હોય, તે તમારે લેવા-દેવા નહીં. તમે છૂટ્ટા, જોનારો છૂટ્ટો. આ જેમ મોટી હોળી જબરદસ્ત બળતી હોય, પણ જોનાર હોય ને. એક માકન પોતાનું હોય, અને હોળીની પેઠે સળગતું હોય. પણ જોનાર હોય તેને દઝાય નહીં. અને મારું સળગ્યું કે તરત દઝાયો.

પ્રશ્નકર્તા : જોનારને 'મારું' હોય નહીં.

દાદાશ્રી : જોનારને 'મારું' હોય નહીં, પ્રેક્ષક કહેવાય. આપણને 'મારું' હોતું નથી. 'મારું' ઊડાડી મેલ્યું છે. 'મારું' તમે 'મને' અર્પણ કરી ગયા છે.

જોયા કરો એટલે પ્રકૃતિ ચાલવા જ માંડે એટલાં કર્મ ઊડી ગયાં.

ગુનો પણ મડદાલ !

પ્રશ્નકર્તા : અતિક્રમણથી જે ઉશ્કેરાટ હોય ને એ પ્રતિક્રમણથી ટાઢો પડી જાય છે.

દાદાશ્રી : હા. ટાઢો પડી જાય. પ્રતિક્રમણ તો 'ચીકણી ફાઈલ' હોય તેમાં તો પાંચ-પાંચ હજાર પ્રતિક્રમણ કરવાં પડે. ત્યારે ટાઢું પડે. ગુસ્સો બહાર ના પડ્યો ને અકળામણ થઈ હોય તોયે આપણે એના પ્રત્યે પ્રતિક્રમણ ના કરીએ ને તો એટલો ડાધ આપણને રહ્યા કરે. પ્રતિક્રમણ કરીએ એટલે ચોખ્ખું થઈ જાય. અતિક્રમણ કર્યું એટલે પ્રતિક્રમણ કરો.

પ્રશ્નકર્તા : કોઈની જોડે ક્રોધ થઈ ગયા પછી, ખ્યાલમાં આવે અને એની આપણે માફી માગી લઈએ, તેની તે જ મિનિટે તો એ શું કહેવાય ?

દાદાશ્રી : અત્યારે જ્ઞાન લીધા પછી ક્રોધ થઈ જાય ને અને પછી માફી માંગી લે, તો કશો વાંધો નહીં. થઈ ગયું છૂટું ! અને માફી આમ રૂબરૂ ના મંગાય એવું હોય તો અંદરથી માંગી લે. તો થઈ ગયું.

પ્રશ્નકર્તા : રૂબરૂમાં બધાની વચ્ચે ?

દાદાશ્રી : વાંધો નહીં, એવું ના માંગે કોઈ અને એમને એમ મહીં કરી લે તો ય ચાલે. કારણ કે આ ગુનો જીવતો નથી આ 'ડિસ્ચાર્જ' છે. 'ડિસ્ચાર્જ' ગુનો એટલે જીવતો ગુનો ન હોય આ ! એટલે એટલું બધું ખરાબ ફળ ના આપે !

રોકડાં પરિણામ દિલથી પ્રતિક્રમણનાં !

પ્રશ્નકર્તા : કોઈની પર ખૂબ ગુસ્સો થયો, પછી બોલીને બંધ થઈ ગયા, પછી આ બોલ્યા એને લીધે જીવ વધારે બળબળ થાય તો એમાં એકથી વધારે પ્રતિક્રમણ કરવાં પડે ?

દાદાશ્રી : એ બે ત્રણ વખત સારા દિલથી કરીએ ને એકદમ ચોક્કસ રીતે થઈ ગયું એટલે પતી ગયું. 'હે દાદા ભગવાન ! ભયંકર વાંધો આવ્યો. જબરદસ્ત ક્રોધ થયો. સામાને કેટલું દુઃખ થયું ? સામાની માફી માગું છું, આપની રૂબરૂમાં, ખૂબ જબરદસ્ત માફી માગું છું. માફી કોણ માંગે ? તમારે નહીં માંગવાની. ચંદુલાલને માંગવાની. જે અતિક્રમણ કરે તે પ્રતિક્રમણ કરે. તમે અતિક્રમણ નથી કરતા.

અતિક્રમણોની વણજાર સામે....

પ્રશ્નકર્તા : કોઈની જોડે વધારે બોલાચાલી થઈ ગઈ, તો એ મનમાં અંતર લાબું પડ્યા કરે. અને કોઈની જોડે કોઈ એકાદ બે, તો અમુકમાં પ્રતિક્રમણ બે-ત્રણ ચારવાર, એમ વધારે વાર કર્યા કરવાં પડે ? એકવાર કરે તો આવી જાય બધામાં ?

દાદાશ્રી : જેટલું થાય એટલું એમ કરવું. અને પછી જાથું કરી નાખવું. એકદમ પ્રતિક્રમણ ભેગાં થઈ જાયને, તો જાથું કરવું કે આ બધા કર્મોનાં મારાથી પ્રતિક્રમણ થતાં નથી. આ બધાનું ભેગું પ્રતિક્રમણ કરું છું. આપણે દાદા ભગવાનને કહી દેવાનું. બીજા કોઈને નહીં, કે હે દાદા ભગવાન ! આ બધાનું ભેગું પ્રતિક્રમણ કરું છું.' તે પહોંચી ગયું.

રૂબરૂમાં માફી ?

પ્રશ્નકર્તા : દાદા, પશ્ચાત્તાપ કે પ્રતિક્રણ કરીએ તો ઘણીવાર એવું હોય કે કોઈ ભૂલ, કોઈની પર ક્રોધ થઈ ગયો, તો અંદરથી તો બળતરા થાય કે આ ખોટું થઈ ગયું, પણ પેલાની સામે માફી માંગવાની હિંમત ના હોય.

દાદાશ્રી : એવી માફી માંગવી ય નહીં. નહીં તો એ તો પાછાં દુરુપયોગ કરે. 'હા, હવે ઠેકાણે આવી કે ?' એવું છે આ. નોબલ (ઉમદા) જાત નથી. આ માફી માંગવા જેવા માણસો ન હોય. મહીં ખરો, ખરાં મહીં. તે હજારોમાં દસેક જણ એવાં હોય કે માફી માગતાં પહેલાં એ નમી જાય વધારે. તમે માગવા આવો તે પહેલાં એ નમી જાય વધારે. સમજ પડીને ? બાકી આ તો કહેશે, 'હા, જો ક્યારનો કહેતો હતો. માનતી ન્હોતી ને ? હવે ઠેકાણે આવી ને ?! એટલે અંદર જ માફી માંગી લેવી. એના શુદ્ધાત્માનું નામ દઈને !

એ આપણે નથી જોવાનું !

પ્રશ્નકર્તા : આપણે ક્રોધ કરીએ, સામા માણસ પર, પછી તરત આપણે પ્રતિક્રમણ કરી લઈએ, છતાં પણ આપણા ક્રોધની અસર સામા માણસને તરત તો નાબૂદ થતી નથી ને ?

દાદાશ્રી : એ નાબૂદ થાય કે ના થાય, એ આપણે જોવાનું નથી. આપણે તો આપણાં જ કપડાં ધોઈને ચોખ્ખું રહેવું. સામો મળ્યો તો તે સામાનો હિસાબ હશે તેથી એ મળી ગયો હશે ! આપણી ઇચ્છા નથી છતાં ય. તમને મહીં ના ગમે છતાં થઈ જાય છે ને ?!

પ્રશ્નકર્તા : થઈ જાય છે ક્રોધ.

દાદાશ્રી : માટે એને આપણે જોવાનું નહીં, આપણે પ્રતિક્રમણ કરવાનું. આપણે કહેવાનું કે, 'ચંદુભાઈ પ્રતિક્રમણ કરો.' પછી એ જેવું કપડું બગડ્યું એ ધોશે ! બહુ ઘડભાંજમાં ઉતરવાનું નહીં. નહીં તો પાછું આપણું ફરી બગડે.

વ્યવહાર, અંડરહેન્ડ સાથેનો !

પ્રશ્નકર્તા : હવે નિંદા કરી, ત્યારે ભલે એને જાગૃતિ ન હોય, નિંદા થી કે ગુસ્સો આવ્યો. તે વખતે નિંદા કરી જાય.

દાદાશ્રી : તે એને જ કષાય કહે છે, કષાય એટલે બીજાના તાબામાં થઈ ગયો. તે ઘડીએ એ બોલે, પણ છતાં ય પોતે જાણતો હોય કે, આ ખોટું થઈ રહ્યું છે, કેટલીક વખતે ખબર હોય ને કેટલીક વખતે બિલકુલે ય ખબર ના હોય, એમ ને એમ જ જતું રહે. પછી થોડીવાર પછી ખબર પડે. એટલે બન્યું તે ઘડીએ 'જાણતો' હતો.

પ્રશ્નકર્તા : અમારે ઑફિસમાં ત્રણ-ચાર સેક્રેટરી છે. એને કહીએ આમ કરવાનું છે, એકવાર, બેવાર, ચાર, પાંચવાર, કહીએ તો ય એની એ જ ભૂલ કરે રાખે. તો પછી ગુસ્સો આવે, તો શું કરવાનું એનું ?

દાદાશ્રી : તમે તો શુદ્ધાત્મા થઈ ગયા છો. હવે તો તમને ક્યાં ગુસ્સો આવે છે. ગુસ્સો તો ચંદુલાલને આવે. એ ચંદુલાલને પછી આપણે કહેવું. હવે દાદા મળ્યા છે. જરા ગુસ્સો ઓછો કરો ને.'

પ્રશ્નકર્તા : પણ એ સેક્રેટરીઓ કશું ઈમ્પ્રુવ (સુધારો) નથી થતી. તો શું કરવું એને ? સેક્રેટરીને કંઈ કહેવું તો પડે ને, નહીં તો, એ તો એવી ને એવી જ ભૂલ કર્યે રાખે એ કામ બરોબર કરતી નથી.

દાદાશ્રી : તે તો આપણે 'ચંદુભાઈને' કહેવું, એને ટૈડકાવો. જરા ટૈડકાવો. તારે આની પાસે કહેવું કે, આ સમભાવે નિકાલ કરીને ટૈડકાવો. અમથા, અમથા નાટકીય ઢબે લઢવું કે, આવું બધું કરશો તો તમારી સર્વિસ કેમ રહેશે ? એવું બધું કહેવું.

પ્રશ્નકર્તા : પણ એને તે વખતે સામે દુઃખ થાય ને આપે કહ્યું છે ને દુઃખ નહીં આપવાનું બીજાને.

દાદાશ્રી : દુઃખ નહીં થવાનું. કારણ કે એ આપણે નાટકીય બોલીએ ને તો દુઃખ ના થાય એને, ખાલી એને મનમાં જાગૃતિ આવે, એના નિશ્ચય બદલાય. એ દુઃખ નથી આપતાં. દુઃખ તો ક્યારે આવે ? આપણો હેતુ જો હોય તો, દુઃખ ઉત્પન્ન થાય. આપણો હેતુ દુઃખ કરવાનો હોય ને, કે એને સીધો કરી નાખું, તો એને દુઃખ ઉત્પન્ન થાય.

અને પછી આવું કહી અને તરત પાછું 'ચંદુભાઈ'ને કહેવું કે, આને જરા કડક કહ્યું દોષ થયો, માટે પ્રતિક્રમણ કરો. એટલે પછી એની મનમાં માફી માંગી લેવી. પણ કહેવું અને પ્રતિક્રમણ કરવું, બેઉ સાથે કરવું, સંસારવ્યવહાર તો ચલાવવો પડે ને !

ડિસ્ચાર્જ દ્વેષ, જ્ઞાન પછી !

પ્રશ્નકર્તા : કામ કરતો ના હોય ને નોકરને કાઢી મૂકીએ તો તેનો દોષ લાગે ? કે વ્યવસ્થિત છે ?

દાદાશ્રી : એ દોષ નથી. જ્યાં રાગ-દ્વેષ નથી, ત્યાં પુદગલની સામસામી મસ્તી છે. રાગ-દ્વેષ છે ત્યાં સંડોવાય છે. જ્ઞાન મળ્યા પછી રાગ-દ્વેષ રહેતો નથી. ને જો રહેતો હોય તો તેનો ગુનો આપણને લાગે છે. પણ તે ડિસ્ચાર્જ દ્વેષ છે. એટલે લાંબો ગુનો લાગતો નથી.

કોઈપણ ક્રિયા રાગથી થાય કે દ્વેષથી થાય. જ્ઞાન પછી રાગ-દ્વે, ના થાય. રાગ-દ્વેષ નથી ત્યાં પુદગલ સામસામી ટકરાય. તેને જુએ, જ્ઞાતાદ્રષ્ટા તે આત્મા ! તેમાં જો તન્મયાકાર થાય, તો માર ખાય. તન્મયાકાર ક્યારે થાય કે, એમાં બહુ વણાઈ ગયેલું હોય તો તન્મયાકાર થાય, પણ પછી તમારે ચંદુભાઈને પ્રતિક્રમણ કરવા કહ્યું, જેથી ચોખ્ખું થઈ જાય.

ગુસ્સાનો જ્ઞાતાષ્ટા રહ્યો એટલે ચોખ્ખો થઈને ગુસ્સો ચાલ્યો ગયો. એ પરમાણુ ચોખ્ખાં થઈને ચાલ્યાં ગયાં. એટલી તમારી ફરજ.

પ્રશ્નકર્તા : ગુસ્સો કર્યા પછી પ્રતિક્રમણ કરીએ તો તે પુરુષાર્થ કહેવાય કે પરાક્રમ કહેવાય ?

દાદાશ્રી : એ પુરુષાર્થ કહેવાય, પરાક્રમ ના કહેવાય.

પ્રશ્નકર્તા : તો પછી પરાક્રમ કોને કહેવાય ?

દાદાશ્રી : પરાક્રમ તો આ પુરુષાર્થની ય ઉપર જાય. અને આ તો પરમાક્રમ ન હોય. આતો લ્હાય બળતી હોય તે દવા ચોપડીએ એમાં પરાક્રમ ક્યાં આવ્યું ? એ બધાને જાણે, અને આ જાણકાર જાણે એનું નામ પરાક્રમ. અને પ્રતિક્રમણ કરે એનું નામ પુરુષાર્થ. છેવટે આ પ્રતિક્રમણ કરતાં, કરતાં બધું શબ્દોની જંજાળ ઓછી થતી જશે, બધું ઓછું થતું જશે એની મેળે. સમજ પડીને ? નિયમથી જ બધું ઓછું થતું જશે. બધું બંધ થઈ જાય કુદરતી. પહેલો અહંકાર જાય, પછી બીજું બધું જાય. બધું ચાલ્યું સહુ સહુને ઘેર બધું. અને મહીં ઠંડક છે. હવે મહીં ઠંડક છે ને ?

પ્રશ્નકર્તા : બિલકુલ દાદા.

દાદાશ્રી : હા. તો આ બસ. એ જોઈએ આપણે અને માટે કરેક્ટ (સાચું) છે કે નહીં એ આ વકીલને પૂછી જોવું. કેટલા ટકા કરેક્ટ લાગે છે ?

વિવિધ ગુંઠાણામાં કષાયોની તરતમતા !

પ્રશ્નકર્તા : ચૌદ ગુણસ્થાનકો સમજાવો.

દાદાશ્રી : પહેલા ત્રણ ગુંઠાણા કામ લાગે નહીં, મોક્ષને માટે, ત્યાં ચાલશે નહીં. એ તો મંદિરમાં આવે, જાય. કરે એટલું જ. ભટક ભટક કરે. મહીં સમકિત થાય. ઊઘાડ થાય, ત્યારે ચોથા ગુંઠાણેથી કામ લાગે. સમકિતનો ઉધાડ થાય પછી તેથી આ બધા ભટક-ભટક કર્યા કરે છે પહેલાં ત્રણ ગુંઠાણામાં. ચોથામાં અજવાળું થાય. એ સમકિત થયું ત્યારથી આગળ વધે. પછી ચોથામાંથી પાંચમામાં આવે. પ્રતિક્રમણ કરતો, કરતો વધારે પ્રતિક્રમણ કરતો, કરતો છઠ્ઠામાં આવે. બસ એ જ પ્રતિક્રમણ કરતો કરતો આગળ વધે.

અનંતાનુબંધી કષાય !

હવે શાસ્ત્રકારોએ શું લખ્યું ? કે ભઈ, એક માણસ આ બેનની જોડે બે જ વાક્યો એવાં બોલ્યો કે જેથી એ બેનનું મન ભાંગી ગયું. એ ભઈ મન ભાંગી ગયું, એવું બોલ્યા, કે આખી જિંદગીભર હવે સંધાય નહીં. આવું મન કાયમનું તૂટી જાય. એને શાસ્ત્રકારોએ શું કહ્યું ? અનંતાનુબંધી ક્રોધ, જે અનંત અવતાર સુધી રખડાવી મારે એવો આ ક્રોધ.

બીજા પ્રકારનો ક્રોધ થયો તો વર્ષ દહાડા સુધી બોલે નહીં એ વર્ષ દહાડો થાય ત્યારે રૂઝાય, ક્રોધ ભૂલી જાય ને રૂઝાઈ જાય. એટલે વર્ષ દહાડાની મુદતનો, એ ક્યા પ્રકારનો ક્રોધ ? અપ્રત્યાખ્યાની ક્રોધ, એટલે જેનાં પશ્ચાત્તાપ લીધા નહોતાં, પ્રતિક્રમણ કર્યા નહોતાં, એટલે આ નીકળ્યો, કહે છે.

પ્રશ્નકર્તા : એકવાર જે ગુસ્સો થયેલો તે જ ગુસ્સો પાછો નીકળ્યો કહેવાય ?

દાદાશ્રી : ના, એમ નહીં. ગુસ્સો થાય પછી પ્રતિક્રમણ ન કરે, તો ફરી એવા ને એવા ફોર્સમાં નીકળે. ગુસ્સો કર્યા પછી પ્રતિક્રમણ ન આકરે તો વર્ષ દહાડાનું, અને પછી પ્રતિક્રમણ કરે તો પંદર દહાડાનું. પંદર દહાડામાં બેઉ પાછા બોલતા થઈ જાય, ભૂલી જાય બધું. એ કેવું કહે છે. આખી જિંદગીનું અનંતાનુબંધી આ પથ્થરની ભેખડની વચ્ચે ફાટ થયેલી હોય ફૂટે કે બે ફૂટની, એ ગમે એટલી મહીં વસ્તુઓ પડે, તો પણ મૂળ એ ફાટ છે તે કાયમની રહે.

એની આગળ વર્ષ દહાડાનું કયું રહ્યું ? ખેતરની જમીનમાં માટીમાં ફાટ પડી હોય, એટલે વર્ષે દહાડામાં સંધાઈ જાય.

પછી એની આગળનો ક્રોધ - પંદર દહાડાવાળાનો શું છે ? રેતીમાં એક લીસોટો પાડ્યો, આજે દરિયાને રેતીમાં લીસોટો પાડીએ તો શું થઈ જાય ? કેટલી વારમાં ભૂંસાઈ જાય ?

પ્રશ્નકર્તા : તરત, પવન આવે કે તરત !

દાદાશ્રી : પવન આવે એટલે એક થઈ જાય. એક કલાક-બે કલાકે ય લાગે, એ પ્રત્યાખ્યાની ક્રોધ. અને ચોથો પાણીમાં લીસોટો કરીએ ને પાછો સંધાઈ જાય. તે આ પાણીનો લીસોટો કહેવાય. એ સંજ્વલન ક્રોધ. મહાત્માઓ બધાને પાણીના લીસોટા જેવું ના હોય. બધાને પંદર દહાડા પછી સંધાય. કેટલા ને પાણી જેવુંય હોય.

બુદ્ધિ કબુલ કરે એવી વાત કરી છે ને !! આ શાસ્ત્રકારોએ !!

પ્રશ્નકર્તા : આત્મા કબૂલ કરે એવી વાત છે.

દાદાશ્રી : એ આત્મા એટલે કયો ? વ્યવહાર આત્મા, પ્રતિષ્ઠિત આત્મા. એ બુદ્ધિના ઊકેલ છે. અને આત્મા કયો હોય, બધું વ્યવહાર આત્મા. મૂળ આત્મા તો બધું જાણે છે, એને ય જાણે !!

અપ્રત્યાખ્યાનાવરણ કષાય !

પ્રશ્નકર્તા : એક વખત અનંતાનુબંધી તૂટે, તો પછી એ ઊતરતી કક્ષામાં જાય એટલે એ પછી ધીમે ધીમે ઘટ્યા કરે ?

દાદાશ્રી : એ તો વધી ય જાય. પણ અપ્રત્યાખ્યાન આવે. એટલે કષાય જે થાય છે, તેની પર ક્યારે ય પણ પ્રતિક્રમણ કે પ્રત્યાખ્યાન કર્યું નથી. એટલે બધાં જે કષાય આવે છે તે, પ્રત્યાખ્યાન નથી કર્યા માટે આવે છે. એટલે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન શરૂઆત થાય. ત્યાં આગળ પછી પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કર્યા કરે, પાંચમા ગુંઠાણામાં, એનું ફળ આવે ત્યાં છઠ્ઠા ગુંઠાણામાં જાય. છઠ્ઠામાં શું થાય ? પ્રત્યાખ્યાનાવરણ કષાય !

પ્રત્યાખ્યાનાવરણ કષાય !

પ્રત્યાખ્યાનાવરણ એટલે શું ? પ્રતિક્રમણ - પ્રત્યાખ્યાન કર્યું તો ય કષાયો આવે છે. એ તો કટેલાય પડવાળા છે, એ આ આવે છે. થોડાં પડવાળાં જતા રહ્યા, પણ બહુ પડવાળાં પ્રત્યાખ્યાન આવરણ.

લાખો પ્રતિક્રમણ કરો તો ય ના જાય.

પ્રશ્નકર્તા : એ કયા દોષો ?

દાદાશ્રી : એને પ્રત્યાખ્યાનાવરણ કહ્યા છે. પ્રત્યાખ્યાન કર્યા છે તો ય છે તે જતાં નથી.

પ્રશ્નકર્તા : તે શું કારણ એટલું બધું ?

દાદાશ્રી : બહુ ઊંડાં, જાડાં ! પાંચ હજાર પડ હોય ને ડુંગળીનાં, તે આપણે પડ ઉતાર ઉતાર કરીએ તો ય એ દેખાયા કરે ને. એક જાતનું આવરણ છે. બધાનામાં એક-બે હોય. વધારે ના હોય.

પ્રશ્નકર્તા : એ વારંવાર આવ્યા કરે.

દાદાશ્રી : હા, વારંવાર તે આવ્યા કરે.

પ્રશ્નકર્તા : પણ ગમે ત્યારે તો જાય ને ?

દાદાશ્રી : જવા માંડે. હિસાબ થવા માંડે એટલે ઓછું જ થાય, એ જવાને માટે વાંધો નથી. જવાનાં તો ખરાં જ પણ આજે શું વાંધો આવ્યો ? પ્રતિક્રમણ કરું છું, પ્રત્યાખ્યાન કરું છું, પણ પાછાં આવે છે ?

એટલે અપ્રત્યાખ્યાન આવરણ કર્યા પ્રત્યાખ્યાન કરી ને. પણ હવે એ પ્રત્યાખ્યાનનું આવરણ થયું તેનું શું થાય ?

પ્રશ્નકર્તા : એનું ય આવરણ થાય ?

દાદાશ્રી : હા, સાબુથી તો તું અત્યારે મેલ કાઢું, પણ સાબુનો મેલ આવ્યો તેનું ?! એટલે પ્રત્યાખ્યાનાવરણ.

એટલે પછી આમ કરતાં કરતાં વધતું વધતું ચોખ્ખું થાય ને, એ પ્રત્યાખ્યાનાવરણ !

પ્રત્યાખ્યાન કર્યા હોય તો ય દોષ થાય તે પ્રત્યાખ્યાનાવરણ કષાય કહેવાય. કારણ કે જાથું પ્રતિક્રમણ કરેલુંને, તેથી !

સંજ્વલન કષાય

નિરંતર પ્રતિક્રમણ - પ્રત્યાખ્યાન હોય તેને પ્રત્યાખ્યાનાવરણ કહેવાય. એ છઠ્ઠું ગુંઠાણું. પહેલાનાં અપ્રત્યાખ્યાનનું અત્યારે પ્રત્યાખ્યાન કરે. છઠ્ઠું નિશ્ચયનું ને વ્યવહારનું ગુંઠાણું બાપજીનું ક્યારે કહેવાય ? ક્ષણે ક્ષણે પ્રતિક્રમણ - પ્રત્યાખ્યાન હોય. પહેલાંના પ્રત્યાખ્યાનનું અત્યારે ઉદય આવ્યો હોય તે ત્યાગ વર્તે.

એટલે છઠ્ઠું ગુંઠાણું કોને કહેવાય ? કષાય કાર્યકારી થાય. રૂપકમાં દેખાય એવા કાર્યકારી થાય. રૂપક તો વાત જુદી છે, પણ કાર્યકારી કષાય દેખાય. હવે પ્રતિક્રમણ હોવા છતાં કાર્યકારી થાય છે, માટે પચ્ચખાણી પ્રતિક્રમણ કર્યા છે, છતાં હજી બાકી રહ્યું છે આ. આ ગાંઠ ખોટી હોવાથી એ પ્રત્યાખ્યાની કહેવાય. પ્રત્યાખ્યાન આવરણ છે. અને મહીં ઉદય થાય પણ કાર્યકારી ના થાય તો એ સંજ્વલન કહેવાય. ધોલ બોલ ના આપી દે, પ્રત્યાખ્યાનાવરણમાં પણ મહીં દુઃખ થાય, વેદના થાય. પણ સમાધિ રહે છે એ તો જ્યારે અનુભવ થાય ને ત્યારે ખબર પડે કે 'આ શું છે ?' એટલે આ વાત જુદી જાતની છે !

ક્રોધ-માન-માયા-લોભ પ્રત્યાખ્યાની હોય. એટલે કેવાં ? કે બીજાને ખબર ના પડે. બીજો કોઈ બુદ્ધિવાળો પણ બુદ્ધિથી માપી ના જાય. કે આ ક્રોધે ભરાયા છે. એ પોતે એકલાં જ જાણે. એ પ્રત્યાખ્યાની હોય ! એટલે પંચ મહાવ્રતધારીની તો વાત જ ક્યાં થાય ?! એવો જો કોઈ હોય તો બહુ થઈ ગયું ને આ કાળમાં. એ પ્રત્યાખ્યાની ગયા, એટલે પછી સંજ્વલન કષાયો રહ્યા.

છઠ્ઠાથી નવમા ગુણસ્થાનકની દશાઓ.....

વ્યવહાર ગુંઠાણું બધાંનું ફર્યા કરવાનું. કોઈ ચોથામાં આવે, કોઈ પાંચમામાં આવે, કોઈ છઠ્ઠામાં આવે. પહેલાં અપ્રત્યાખ્યાન હતાં, અપ્રતિક્રમણ હતાં. તે હવે આલોચના થઈ, પ્રતિક્રમણ થયાં, પ્રત્યાખ્યાન થયાં ! એટલે એ અપ્રત્યાખ્યાન આવરણ પણ ગયાં.

જેને હજુ વ્યવહારમાં જાડી 'ફાઈલો' છે તે હજુ છઠ્ઠા ગુંઠાણામાં આવ્યા કહેવાય.

વ્યવહારમાં છઠ્ઠું ગુંઠાણું કોને કહેવાય ? સ્ત્રી-પુરુષો, એ બધું છોડ્યું, તેને નહીં પણ અપ્રત્યાખ્યાન આવરણ ના હોવું જોઈએ. પ્રત્યાખ્યાન કરીએ તો ય પાછું એનું એ જ દેખાય, એટલે ફરી પાછું ડુંગળીનું પડ દેખાય. એ પ્રત્યાખ્યાન આવરણ કો'ક ફેરો કલાક બેસી જાય ત્યારે અપ્રમત આવે છે સાતમું ગુંઠાણું. વળી કો'ક ફેરો આઠમું અપૂર્વ આવે ! ત્યાં એવો આનંદ આનંદ થઈ જાય ને !!! પણ નવમું ઓળંગાય નહીં. કારણ કે સ્ત્રી-પરિગ્રહ છે ત્યાં સુધી નવમું ગુંઠાણું ઓળંગાય નહીં.

પરિણામ સ્વરૂપે પણ કષાય રહિતતા !

આ દેહમાં સ્હેજ પણ ક્રોધ જેવી વસ્તુ ના હોવી જોઈએ, એટલે ક્રોધનું પરમાણુ ના હોવું જોઈએ. લોભનું પરમાણુ ના હોવું જોઈએ, માનનું પરમાણું, કપટનું કોઈ પરમાણુ રહે નહીં, ત્યાર પછી એ ભગવાન કહેવાય.

પ્રશ્નકર્તા : કષાયની શૂન્યતા, કમ્પલીટ (સંપૂર્ણ) શૂન્યતા થવી જોઈએ.

દાદાશ્રી : એ તો જાણે ગયા, કષાય તો ગયા, ત્યાર પછી એનું પરમાણુ પણ ના રહેવું જોઈએ, એટલે પરિણામ સ્વરૂપે પણ ના રહેવું જોઈએ. કષાયનું જવું એટલે શું કે કૉઝીઝ (કારણ) સ્વરૂપે જવું એનું નામ કષાય જવું કહેવાય. પણ એનું પરિણામ પણ જતું રહે છે, શરીરમાં પરિણામ ના રહે. હમણાં 'કૉઝીઝ' તો તમારાં જતાં રહેલાં, પણ પરિણામ સ્વરૂપે હોય કોઈ જગ્યાએ ચોંટેલું.

પ્રશ્નકર્તા : ડિસ્ચાર્જ એ પણ પૂરો થઈ ગયો હોય.

દાદાશ્રી : હા, એ દશા મેં જોયેલી. ત્યારે તો આ મૂળ સ્વરૂપ ઉત્પન્ન થાય. અનુભવ થાય. નહીં તો ના થાય. આત્મા દેખાય નહીં. કષાયનો અભાવ ત્યાં જ આત્મા રહેલો છે.

પ્રશ્નકર્તા : અને તે તે ટોટલ (સંપૂર્ણ) અભાવ.

દાદાશ્રી : તે હોઈ શકે નહીં, ઈમ્પોસીબલ (અશક્ય) વસ્તુ છે આ કાળમાં, અને સુષમકાળમાં ઈમ્પોસીબલ જેવી વસ્તુ છે નહીં.

પ્રશ્નકર્તા : એટલે કષાયના ઉદ્ભવસ્થાનમાં પણ ન હોય, જ્યાં એનો ઉદ્ભવ થાય છે ત્યાં પણ ના હોય.

દાદાશ્રી : ત્યાં પણ ન હોય.

કષાય સહિત પ્રરૂપણા નર્કની નિશાની !

પ્રશ્નકર્તા : એટલે વસ્તુ જ ન હોય એમ ?

દાદાશ્રી : અત્યારે તો જ્યાં જ્ઞાન ઉદ્ભવ થાય છે, એટલે આ પાટો ઉપર જે છે ને, એ મહારાજ જેટલાં પૂછે, એમને કહી દઉ છું કે 'મહારાજ સાહેબ, વિનંતી કરું છું કે તમે કોઈ દહાડો વ્યાખ્યાન કરશો નહીં.' તો એ કહે કે 'કેમ, અમને શું વાંધો છે ?' મેં કહ્યું, 'નરકે જવું હોય, તો કરજો. આ નરકે જવાનું મોટામાં મોટું લક્ષણ છે.' બોલો હવે આ જવાબદારી શી રીતે સમજે ? ભૂલ ખાનાર માણસ આ ભૂલ શી રીતે ખોળી કાઢે ?

પ્રશ્નકર્તા : ભૂલ દેખાય જ નહીં ને 'પોતાની'.

દાદાશ્રી : એ ના દેખાય તો તો પછી એ છોડે નહીં ને, નરકે જવા જેવી ભૂલ દેખાય. કષાય સહિત પ્રરૂપણા એ નરકે જવાની નિશાની છે. એટલે કષાય સહિત વ્યાખ્યાન આપવાં નહીં. હવે ક્યા કષાય ? એનો નિયમ છે કે પ્રત્યાખ્યાનાવરણ કષાય હોય એ લોકોને વ્યાખ્યાન આપવાનો અધિકાર છે. પણ જેને અનંતાનુબંધી હોય. સમકિત ના થયું એટલે અનંતાનુબંધી હોય જ. હવે એમને આમ પૂછીએ કે સમકિત થયું તો કહે કે, 'ના, નથી થયું.' એ સમકિત છે નહીં. અનંતાનુબંધીની હાજરીમાં ઉપદેશ આપવો, એ મિથ્યાત્વી કહેવાય. શું કહેવાય ?

પ્રશ્નકર્તા : મિથ્યાત્વી.

દાદાશ્રી : અને મિથ્યાત્વી એટલે 'પોઈઝનસ.' એટલે ભગવાને શું કહ્યું તે તીર્થંકરોની વાણી મિથ્યાતવી વાંચે તો 'પોઈઝન' થાય અને મિથ્યાત્વીની વાણી, મિથ્યાત્વ પુસ્તકો, ધર્મ પુસ્તકો, એને જો કદી સમકિત જીવ વાંચે તો એ અમૃત થાય. કારણ કે સાપના મોઢામાં દૂધ જાય તો એ ત્યાં 'પોઈઝન' થાય. અત્યારે આ બધે નર્કે જવાની નિશાની છે, કહીએ ત્યારે મારામાર કરે, હિંસા વધે એટલે અમે બોલીએ નહીં. આ શબ્દ કે જે સામાને સમજાય નહીં, ત્યાં બોલવાનો શું શોખ ? પૂછે તો હું જવાબ આપું. એક બાઈએ છોડી દીધું હઉ. અને પછી જ્ઞાન લેવા આવ્યાં. એ મહાસતી કહે કે 'અમે વ્યાખ્યાન બે વખત કરીએ છીએ. અને અમે આવું જ કરીએ છીએ. અમે નરકે જવાની તૈયારી કરી છે.' એટલે તો અમારે એમને ઉપદેશ આપવાનું મન થાય છે. અને તમારી પાસે જ્ઞાન લઈએ તો ઉપદેશ અપાય ? મેં કહ્યું, 'હા, અપાય.' પછી એમણે જ્ઞાન લીધું. આવા બધા પાટ ઉપરના લોકોએ જ્ઞાન લીધું ને એનું બહુ સારું પરિણામ આવે છે.

સમકિતદ્રષ્ટિથી જ ભેદાય આવરણો !

પ્રશ્નકર્તા : જ્ઞાયક સ્વભાવીના સંસારી ઉદયો આવે ત્યારે એ એમાં ઉદયવશ ના થાય ?

દાદાશ્રી : ના, ઉદયનો એ જ્ઞાતા હોય. ઉદયનો જ્ઞાતા હોય ત્યારે જ્ઞાયક સ્વભાવ કહેવાય, અને ઉદયનો જ્ઞાતા ના હોય ત્યારે ઉદયવશ કહેવાય.

પ્રશ્નકર્તા : દાદા, એક વખત જ્ઞાયક સ્વભાવમાં આવ્યો હોય એ પછી પાછો ઉદયવશ થઈ જાય ખરો ?

દાદાશ્રી : એ તો ઉદયવશ થઈ જાયને, ભારે ઉદય આવે ત્યારે, ઉદય ભારે ચીકણા હોય. તેથી આ પ્રત્યાખ્યાનાવરમ કષાય એમ લખ્યું. તે હું બહુ વિચાર કરતો હતો કે ઓહોહો ! આ પ્રત્યાખ્યાનાવરણ એ કષાય પાછા કઈ જાતના ? જ્ઞાન થતાં પહેલાં હું બહુ વિચાર કરતો હતો. કારણ કે એ લોકોએ શું કહ્યું, અવિરત કષાય એટલે અનંતાનુબંધી પછી અપ્રત્યાખ્યાની, આ પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કર્યું નથી એવા કષાયને શું કહે છે ? 'અપ્રત્યાખ્યાની.'

પ્રશ્નકર્તા : હવે અનંતાનુબંધીમાંથી અપ્રત્યાખ્યાનીમાં આવે, પછી પ્રત્યાખ્યાનીમાં આવે. તો એ જે પ્રોસીજરમાં (પ્રક્રિયા) આવવાની જે દશા છે એની પાછળ સમકિતની દ્રષ્ટિ છે ?

દાદાશ્રી : સમકિત જ. સમકિત દ્રષ્ટિને લઈને જ આગળ વધ્યા કરે.

જીવતો ગયો ને રહ્યો મડદાલ.....

તે આપણને જે આ ચારે કષાયનું એક પણ કષાય હોય નહીં. એ કષાય મુક્ત બનેલાં. ચિંતા રહિત માણસ થઈ શકે નહીં અને ક્રમિકમાર્ગમાં ચિંતા રહિત માણસ કોઈ હોય નહીં. જ્ઞાનીઓ ય ચિંતા રહિત ના હોય. એ અંદર આનંદ હોય, અને બહાર ચિંતા હોય. વ્યવહારમાં, એમને અગ્રશોચ હોય. ભવિષ્યમાં શું થશે એનો. અને 'અમને' અગ્રશોચ ના હોય. અમે 'વ્યવસ્થિત' પર છોડી દીધું. કારણ કે અગ્રશોચ ક્યાં સુધી ? શોચ કરનારો જીવતો હોય. અને તમારે શોચ કરનારો જીવતો નહીં ને ? કોણ શોચ કરનારો ?

પ્રશ્નકર્તા : 'ચંદુલાલ.'

દાદાશ્રી : હા, એટલે અહંકાર, જીવતો છે. અહંકાર બે પ્રકારના એક કર્મનો કર્તા સ્વરૂપે અને એક ભોક્તા સ્વરૂપે.

પ્રશ્નકર્તા : હા, અને કર્તા સ્વરૂપે અહંકાર તો ગયો.

દાદાશ્રી : કર્તા સ્વરૂપે જીવંત અહંકાર છે જીવતો, અને ભોક્તા સ્વરૂપે મુડદાલ અહંકાર છે. અને મડદાલ બીજું કશું કરી શકે નહીં. અને જીવંતનું નામ લીધું હોય તો શુંનું શું કરી નાખે. એટલે પેલો (જીવતો) ગયો ને આ (મડદાલ) રહ્યા.

કર્તાની ગેરહાજરીમાં કર્મ ભૂંસાય !

એટલે ગુસ્સો આવી જાય. પછી કહે કે, 'હે દાદા ભગવાન ! તમે તો ના કહ્યું છે. અને મારે તો આ થઈ ગયું એની માફી માગું છું.' એટલે ભૂંસાઈ જાય પછી.

પ્રશ્નકર્તા : આવું થવું ન ઘટે.

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : એ તરત થવું જોઈએ ?

દાદાશ્રી : હા, એટલે ભૂંસાઈ જાય પાછું. શાથી ભૂંસાઈ જાય ? પ્રતિક્રમણથી. બધાં જ કર્મ ભૂંસાઈ જાય. કર્તાની ગેરહાજરી છે, માટે સંપૂર્ણ ભૂંસાઈ જાય. કર્તાની ગેરહાજરીમાં આ ફળ આપણે ભોગવીએ છીએ. કર્તાની ગેરહાજરીમાં ભોક્તા છીએ. માટે આ ભૂંસાઈ જાય અને આ જગતમાં લોકો કર્તાની હાજરીમાં ભોક્તા છે. એટલે પ્રતિક્રમણ કરે તો ય પણ એને થોડું ઢીલું થાય, પણ ઊડી ના જાય. ફળ આપ્યા વગર રહે નહીં અને તમારે તો એ કર્મ ઊડી જ જાય. 'હે દાદા ભગવાન, આવું ના હોવું જોઈએ.'

સર્વવિરતી ગુણસ્થાનક !

'શૂટ ઑન સાઈટ' (દેખો ત્યાંથી ઠાર) જેના હાથમાં આવી ગયું એને રહ્યું શું ? અને દ્વેષ ગયો પછી રહ્યું શું તે ? દ્વેષ ગયો એટલે શું ? ચાર કષાયોમાંથી બે કષાય નિર્મૂળ થઈ ગયા. નિર્મૂળ થયા એટલે શું ? ક્રોધ. પણ ક્રોધના પરમાણુ નહીં. એટલે ભઈને ગુસ્સો થાય પણ એમને પોતાને ના ગમે. એટલે દ્વેષ તો સંપૂર્ણ ગયો છે. અને કપટ અને લોભ કંઈક અંશે રહ્યું છે. એ જ્યારે પૂરું થશે ત્યારે વીતરાગ થાય. તે આ ચારિત્રમોહનીયમાં જતું રહેશે. દરેકનું વિભાજન કરીએ ત્યારે જુદું જુદું થઈ જાય.

સર્વવિરતી કોને કહેવાય છે ? બીજા કોઈ જીવનો દોષ ના દેખાય. કોઈ ગાળો ભાંડતો હોય, પણ તેનો દોષ ના દેખાય એનું નામ સર્વવિરતી ! આથી વધારે મોટું સર્વવિરતી પદ હોતું નથી.

કોઈના દોષ દેખાય નહીં તો જાણવું કે સર્વવિરતી પદ છે, સંસારમાં બેઠાં ય ! એવું આ 'અક્રમ વિજ્ઞાન'નું સર્વવિરતી પદ જુદી જાતનું છે. સંસારમાં બેઠાં, ધૂપેલ, ઑઈલ માથામાં નાખતાં ય, કાનમાં અત્તરનાં પૂમડાં ઘાલીને ફરતો હોય પણ એને કોઈનો ય દોષ ના દેખાય.

'અક્રમ'નું સર્વવિરતી પદ એને કહેવાય છે કે કોઈનો કિંચિત્ માત્ર દોષ ના દેખાયો. ત્યારથી સર્વવિરતી પદ છે, એવુ ંમાનીને ચાલજો. ભલે પછી કાનમાં અત્તરનાં પૂમડાં નાખ્યાં હોય તેનો 'મને' વાંધો નથી, પણ કોઈ જીવનો દોષ ના દેખાય, સાપ કરડે તો ય સાપનો દોષ ના દેખાય, એવું આ વિજ્ઞાન છે આપણું.

પ્રશ્નકર્તા : પછી 'અક્રમ'ના એ પદમાં 'પ્રતિક્રમણ' જેવું કશું જ ના રહેને ?

દાદાશ્રી : પછી પ્રતિક્રમણ રહેતું જ નથી. પણ એ દોષ ના દેખાય એવું માની ના લેશો - એના કરતાં પ્રતિક્રમણ કરજો ને ! તમને શું ખોટ જવાની ? એ પાછું નવું કંઈ ખોળી કાઢતાં ક્યાંય ઊઘું પાછું ચાલ્યું જાય.

વીતદ્વેષ થયો તેને એકાવતારી કહેવાય છે. એમાં, વીતદ્વેષમાં જેને કાચું રહ્યું હોય, તેને બે-ચાર અવતાર થાય.

જ્ઞાતા દ્રષ્ટા ત્યાં કષાય શૂન્યતા !

જ્ઞાની પુરુષનું આપેલું પ્રતિક્રમણ હોય તો દોષ જાય, નહીં તો દોષ જાય નહીં. અનંત અવતાર પ્રતિક્રમણ કર્યા કરે તેનાથી પુણ્યૈ બંધાય. આ સાધુ, આચાર્યો, પ્રતિક્રમણ બોલે એનાથી દોષ ભાંગે નહીં, પુણ્યૈ બંધાય અને જ્ઞાની પુરુષનું આપેલું પ્રતિક્રમણ એ તો શૂટ ઑન સાઈટનું હોય. દોષ થતાંની સાથે જ પ્રતિક્રમણ કરે. આ બધાંને એટલી બધી જાગૃતિ વર્તે છે કે દોષ થતાંની સાથે દેખાયા જ કરે. હજારો દોષ દેખાય, તે ઊભા થાય કે તરત દેખાય, કારણ કે કષાયભાવ બધા ઓગળી ગયા હોય છે.

કષાયભાવને લીધે અજાગૃતિ છે.

પ્રશ્નકર્તા : બીજા તરફ અતિક્રમણ ન હોય, અને કોઈને કોઈ કષાય ના હોય તો, તે વગર સો ટકા જ્ઞાતાદ્રષ્ટા કેવી રીતે રહેવાય ?

દાદાશ્રી : એમ નહીં, કોઈના તરફ ભલે અતિક્રમણ વિચારમાં ય ન હોય, પણ મન તો કોઈને કોઈ કષાયમાં હોય જ. કાં રાગમાં ના હોય તો દ્વેષમાં હોય, જ્ઞાતાદ્રષ્ટામાં ના રહેવાય ત્યાં સુધી કષાય જ હોય.

પ્રશ્નકર્તા : આ કોઈ પણ વિચાર ચાલતો હોય ને એમાં કોઈને કોઈ કષાય હોય જ છે ?

દાદાશ્રી : હોય જ, હોય જ. પણ જે વિચારો આપણે જોઈ શકીએ એ વિચારમાં કષાય નથી.

પ્રશ્નકર્તા : એ ગૂંચાળું આખું આવીને જાય પછી જ ખબર પડે.

દાદાશ્રી : ના, એને જોઈ શકીએ, પછી ખબર પડે. તો પણ ત્યાં સુદી કષાય કહેવાય.

પ્રશ્નકર્તા : પંદર વીસ મિનિટ ચાલે પછી દેખાય.

દાદાશ્રી : કષાય આપણી જાગૃતિ બંધ કરી દે. એટલે જ્ઞાતાદ્રષ્ટાપણું ના રહેવા દે. અને જો આપણને ખરાબમાં ખરાબ વિચાર આવતા હોય અને તે જોયા કરીએ તો કષાયનો કોઈ ભાગ અડતો નથી.

ક્રોધનો અભાવ ત્યાં વર્તે ક્ષમા !

આ લોકો કહેશે કે, 'ભગવાન મહાવીરને તો બહુ કષ્ટ પડ્યાં કહે છે. બહુ દુઃખ વેઠ્યું ને બહુ તપ કર્યા ને બહુ કષ્ટ કર્યા.' એ બધું કષ્ટો કરતાં મોક્ષ થાય નહીં. એ બધી શેના જેવી વાત છે, લોકો શું કહે કે કોઈ ગમે તેવો ભયંકર દોષ કરે પણ ભગવાન ક્ષમા રાખે. ભગવાન કોઈ દહાડો ક્ષમા રાખતા જ નથી. બધા લોકોને ક્ષમા દેખાય. કારણ કે ક્ષમાનો અર્થ શું છે ? ક્ષમા જેવી વસ્તુ જ નથી. ક્રોધનો અભાવ એનું નામ જ ક્ષમા. એટલે ક્ષમા કરવી ના પડે. તે આપણા આ જૈન સાધુઓને-બાધુઓને સમજાય નહીં એટલે કહે કે ભગવાન તો કેવી ક્ષમા રાખે છે ! ક્ષમા હોતી નથી. અહંકારે કરીને જે કહે છે કે જા તને માફી આપું છું એ બીજી વસ્તુ છે. એ ક્ષમા સમજાય છે, પણ તે સ્થૂળ ભાગમાં. ક્રોધનો અભાવ એનું નામ જ ક્ષમા.'

કષાય પરવશપણે, પ્રતિક્રમણ સ્વવશપણે......

આ અક્રમવિજ્ઞાન એટલું સ્વીકાર કરે છે તે ક્રોધ-માન-માયા-લોભ એ બંધ હોય તો જ સંયમ છે. નહીં તો એ થાય તો પ્રતિક્રમણ કરજો. કારણ કે એ અતિક્રમણ છે. વિષયો એ અતિક્રમણ હોતા નથી. અને આ કષાયો એ અતિક્રમણ કહેવાય. એ અતિક્રમણનું પ્રતિક્રમણ શીખવાડેલું છે. અતિક્રમણથી જગત ઊભું થયું છે. ને પ્રતિક્રમણથી બંધ થઈ જશે. કષાયોના વ્યવહારથી જગત ઊભું થયું છે, વિષયોના વ્યવહારથી નથી થયું. કષાયોના વ્યવહારથી થયું છે જગત, એ અતિક્રમણ કહેવાય અને પ્રતિક્રમણ કરો તો ધોવાઈ જાય. કષાય થવા એ પરવશતાથી થાય છે. અને એનું પ્રતિક્રમણ કરવું એ સ્વવશતાથી થાય છે. એટલે પુરુષાર્થ પ્રતિક્રમણથી છે.

તમારામાં અહંકાર અને માન એ જાય છે કે નહીં, ઓછા થાય છે કે નહીં ?

પ્રશ્નકર્તા : ઓછા થાય છે.

દાદાશ્રી : હં. તો એ બધો જે માલ છે તે જવા માંડ્યો, એ બાર મહિના થાય એટલે ચાલતા થયા. આ માલ છે એ ઓછો થઈ ગયો એટલે આત્મા થઈ ગયા.

પ્રશ્નકર્તા : આ ક્રોધ-માન-માયા-લોભ એ ડિસ્ચાર્જ છે, એટલે આવે તો ખરું, પણ હવે એને જોયાં પછી પોતે છૂટા કેવી રીતે રહે ?

દાદાશ્રી : જાગૃતિ પછી, ડીમ થઈ જાય તો એમણે શું કરવું પડે ? મારી આજ્ઞામાં જ રહેવાનો પ્રયત્ન કર્યા જ કરવો. પછી ઢસરડો વાળે ને આજ્ઞામાં ના રહે, તો પછી એનું એ જ !

એટલે તું આજ્ઞામાં રહેવાનો કેટલો પ્રયાસ કરે છે ?

પ્રશ્નકર્તા : ઘણો વખત.

દાદાશ્રી : તમને હઉ ક્રોધ-માન બધું દેખાય છે ?

પ્રશ્નકર્તા : થઈ ગયા પછી દેખાય.

દાદાશ્રી : તેનો વાંધો નહીં. થઈ ગયા પછી જ દેખાય ને. થતી વખતે ય દેખાય, થયા પછી ય દેખાય.

પ્રશ્નકર્તા : અને કોઈ વખત એવું થાય કે દોષ થતી વખતે દેખાતું હોય, ને તો ય આ કર્યા કરે.

દાદાશ્રી : ના, એ અટકે નહીં, અટકાવવું એ ગુનો કહેવાય. કારણ કે ચાલુ ફિલ્મને જોઈ રહેવાની છે. પછી મારામાર કરતો હોય કે, અહિંસા કરતો હોય, કે હિંસા કરતો હોય. જોનારને હરકત નથી. એ મારામાર કરતી વખતે રડી ઊઠે તેનો વાંધો છે કે એમ ના મારશો, ના મારસો, અલ્યા ! આ ભરેલી જ ફિલ્મ છે. એટલે જોનારને કોઈ વાંધો નથી.

પ્રશ્નકર્તા : પણ એવી રીતે થતું હોય ને, ત્યારે ખબર પડેને આપણને અંદર વઢીએ પણ ખરાં, કે આ તમે કરો છો એ સાચું નથી, તો ય પાછા એક બાજુથી એ માને નહીં. તે કરે જ.

દાદાશ્રી : એનો વાંધો નહીં. કારણ કે જોનાર શુદ્ધ છે. જુએ છે એ સારું અને ખરાબ છે, પણ તે સાપેક્ષ દ્રષ્ટિથી છે. આપણને જોનારને માટે સારું-ખરાબ હોતું નથી. જોનારને તો બધું સરખું જ છે. આ તો લોકોના મનમાં આ સારું-ખોટું છે, બાકી ભગવાનને ઘેર સારું ખોટું છે નહીં. સમજને સારું-ખોટું છે. ભગવાન તો શું કહે છે, જોઈ ગયો, એટલે છૂટો થઈ ગયો ! એ છૂટો ને આ છૂટું !

એટલે શું થયું કે, અજ્ઞાને કરીને, અણસમજણે કરીને, બાંધેલા હિસાબ એ 'જોઈને' કાઢો. એટલે તમે છૂટા ને એ છૂટા. 'જોયા' વગર બાંધેલા હિસાબ 'જોઈને' કાઢો, એ છૂટા !

આ ટાંકી ખલાસ થતી, થતી, થતી અને જ્યારે ખલાસ થવા આવશે ને, ત્યારે તમને શરીર હલકું ફૂલ જેવું લાગશે. અહીં જ છૂટી ગયા એવું લાગશે.

હવે શાથી ટાંકી ખલાસ થશે ? કારણ કે એમાંથી નીકળ્યા કરે છે ખરું, પણ નવી આવક નથી અને આવક વગરની ટાંકીમાં શું રહે પછી એને ?

પ્રશ્નકર્તા : કાંઈ ન રહે.

દાદાશ્રી : પછી એ વહેલું ખાલી થઈ જાય.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21