ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



પ્રતિક્રમણ

૯. નિર્લેપતા, અભાવથી ફાંસી સુધી !

એવી ખબર પડે જ !

પ્રશ્નકર્તા : સામા માણસને દુઃખ થયું એ કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : એ તો એનું મોઢું-બોઢું તરત ખબર પડી જાય. મોઢા ઉપરતી હાસ્ય જતું રહે. એનું મોઢું બગડી જાય. એટલે તરત ખબર પડેને, કે સામાને અસર થઈ છે એવી. ન ખબર પડે ?

પ્રશ્નકર્તા : પડે.

દાદાશ્રી : માણસમાં તો એટલી શક્તિ હોય જ કે સામાને શું થયું તે ખબર પડે !

પ્રશ્નકર્તા : પણ ઘણા એવા ડાહ્યા હોય છે કે જે મોઢા ઉપર એક્સ્પ્રેશન (હાવભાવ) ના લાવે.

દાદાશ્રી : તો પણ આપણે જાણીએ કે આ શબ્દો ભારે નીકળ્યા છે આપણા. એટલે એને વાગશે તો ખરું. માટે એમ માનીને પ્રતિક્રમણ કરી નાખવું. નીકળ્યું હોય ભારે તો આપણને ના ખબર પડે કે, એને વાગ્યું હશે ?!

પ્રશ્નકર્તા : ખબર પડે ને.

દાદાશ્રી : તે ય કરવાનું એને માટે નથી. એ આપણો અભિપ્રાય આમાં નથી. આપણે અભિપ્રાયથી દૂર થવા માટે છે. પ્રતિક્રમણ એટલે શું ? એ પહેલાના અભિપ્રાયથી દૂર કરવા માટે છે અને પ્રતિક્રમણથી શું થાય કે, સામાને જે અસર થતી હોય તે ના થાય, બિલકુલે ય ના થાય. મનમાં નક્કી રાખો કે, મારે સમભાવે નિકાલ કરવો છે. તો એની પર અસર પડે તો એનું મન આવું સુધરે, અને તમે મનમાં નક્કી કરો કે આને આમ કરી નાખું કે તેમ કરી નાખું. તો એનું મન એવું જ રીએકશન (પ્રતિક્રિયા) લે.

પ્રશ્નકર્તા : એનો અર્થ એમ કે પ્રતિક્રમણ કરતાં રહેવું ને ધીમે ધીમે આપણી ટેવો જતી રહેને બધી ?

દાદાશ્રી : પ્રતિક્રમણથી બધું જતું રહે.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણની પાછળ જેટલો ભાવ વધારે જોરથી હોય એટલું....

દાદાશ્રી : નહીં. સાચા દિલથી હોવું જોઈએ. ભાવથી, શબ્દો એ આવડ્યા કે ના આવડ્યા. એ તો કંઈ નહીં, પણ સાચા દિલથી હોવું જોઈએ.

નાદારી પ્રકૃતિની ત્યાં !

દાદાશ્રી : એને તો કોઈ એનામાં ડખલ કરે, એવું કરે તો સામું 'તું અક્લ વગરનો છે, ને આમ કરું છે.' એવું બોલી નાખે, ત્યારે તો એને સંતોષ થાય. પછી આખી રાત નિરાંતે ઊંઘ આવે.

પ્રશ્નકર્તા : એવું કેમ થતું હશે ?

દાદાશ્રી : અહંકાર એવો કે, કેવો ડફડાવ્યો ?! એનો આનંદ લે. તમે હઉ ડફડાવતા'તાને ?

પ્રશ્નકર્તા : પણ મેં પ્રતિક્રમણ બહુ કર્યા. બધાયનાં.

દાદાશ્રી : ત્યારે રાગે પડ્યું.

પ્રશ્નકર્તા : એને પ્રતિક્રમણ કેમ નહીં થતાં હોય ?

દાદાશ્રી : એને પ્રતિક્રમણ શરૂ થાય જ નહીંને.

પ્રશ્નકર્તા : કેમ ના થાય ?

દાદાશ્રી : હજુ તો એ દેવાળું સ્થિતિ. દેવું જ ઓછું થયું નથીને ?

પ્રશ્નકર્તા : શેનું દેવું ? કેવા પ્રકારનું દેવું ?

દાદાશ્રી : એને નાદારી છે. તમારે તો પ્રતિક્રમણ થાય એવું હતું. એને નાદારી છેલ્લી ડીગ્રીની થઈ, પહેલો નંબર જ છે, એટલે ચાલે એવું છે, જલ્દી ઊકેલ આવશે. પોતાનું ડહાપણ શું કરવા કર્યું ? કે વધ્યું પાછું.

પ્રશ્નકર્તા : પછી એવું આવે છે કે દોષ દેખાય, દોષ થાય, પણ જ્યાં સુધી પ્રતિક્રમણ ના થાયને ત્યાં સુધી ચેન ના પડે.

દાદાશ્રી : એ જગ્યાએ આવતા તો બહુ વાર લાગે. જબરજસ્ત નાદારી છે. કોઈને દુઃખ દેવાનું બાકી નથી રાખ્યું. જે ભેગો થાય તેને દુઃખ જ આપ્યું છે.

પ્રશ્નકર્તા : એટલે દુઃખ દેવાથી નાદારી થાય ?

દાદાશ્રી : ત્યારે બીજું શું થાય ? નાદારી જ થાયને ?

પ્રશ્નકર્તા : શું શું કર્યું હોય તો નાદારી થાય ?

દાદાશ્રી : બધું આવું કર્યું હોય, લોકોને દુઃખ દીધાં હોય, એણે કોઈને બાકી જ રાખ્યા નથીને, મા-બાપ હોય કે ગમે તે. પૂર્વે લુચ્ચા લોકોના ટોળામાં આવી ગયેલા. કેટલાય અવતારથી આવું ને આવું જ રહ્યા કરેલું, એવું એને ગમે જ ને !

પ્રશ્નકર્તા : હવે ના ગમે.

દાદાશ્રી : કેટલાં કર્મ ભર્યા હતાં. એની ઊંચાઈ જોઈ તમે ? ગંઠાઈ ગયેલો હોય, બહુ કર્મ હોયને તેમ દેહ નાનો હોય, સાંકડો હોય.

પ્રશ્નકર્તા : હવે ઉપાય શું કરે ? પ્રતિક્રમણ નથી થતાં તો શું કરે બીજું ?

દાદાશ્રી : થોડીવાર કરે તો, આમ થોડે થોડે થોડે આગળ વધે.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી.

દાદાશ્રી : અત્યારે અસરકારક ના હોય, પણ એ કરતાં કરતાં પછી અસરકારક થતો જાય.

પ્રશ્નકર્તા : એક દહાડો થઈને ઊભું રહે.

દાદાશ્રી : પતાવાની સ્પીડેય એટલી જ છે.

પ્રશ્નકર્તા : નાનપણથી એવું જ હોય તો એનો અર્થ ગયા ભવે એવા ભાવ કરેલા ?

દાદાશ્રી : રોફ પાડવા, ગયા અવતારના ભાવ કરેલા, બીજાને દબડાવી દઉં, બીજાને આમ કરી નાખું, બિવડાવી દઉં, બીજાને આમ કરી નાખું.

પ્રશ્નકર્તા : તો આ બિવડાવીએ એટલે તો કેટલો મોટો દોષ થયો કહેવાયને ?

દાદાશ્રી : એ તો જ્યારે ખબર પડેને ! ત્યારે ખબર પડે એવું તમને કોઈ બિવડાવે ત્યારે ખબર પડે કે ઓહોહો, આ લોકો આવું કરે છે ! પણ તે આપણે કરીએ છીએ તે ખબર ના પડે ?

દુઃખ દેવાયાનું પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : મારાથી એને દુઃખ થાય એવું કશું કરવું નથી, છતાં એને દુઃખ દેવાઈ જાય છે. એવી આપ કૃપા કરો કે, મારાં પરમાણુ ઊછળે નહીં.

દાદાશ્રી : આજે તમને આશીર્વાદ આપીશું. તમારે એની માફી માંગ માંગ કરવાની. ગયા અવતારમાં બહુ એને ગોદા માર માર કરતી હતી.

પ્રશ્નકર્તા : બહુ થયું. મારી મોટી ગાંઠ છે આ.

દાદાશ્રી : હા. એ તો કંઈ કરવું પડેને ? એની માફી માંગ માંગ કર્યા કરવી. નવરાશ મળે કે ક્ષમા માગું છું અને પ્રતિક્રમણ કરવું. ટૂંકમાં કરવું. એની જોડે અતિક્રમણ કર્યું છે. એટલે પ્રતિક્રમણ કરવું પડે. ગોદા માર માર કર્યા છે તે ?

પ્રશ્નકર્તા : હું એના બહુ જ પ્રતિક્રમણ કરું છું.

દાદાશ્રી : ખૂબ કરજે. ક્ષમા માગું છું. અને હે દાદા ભગવાન ! મને એને કંઈ દુઃખ નહીં આપવાની, ત્રાસ નહીં આપવાની શક્તિ આપો. એ માગ માગ કરવાનું. અમે એ ચીજ આપીએય ખરા. તું બોલીશ તો મળશે.

પ્રશ્નકર્તા : રોજ માંગીશ.

દાદાશ્રી : સારું.

પ્રશ્નકર્તા : આપણાથી કિંચિત્માત્ર દુઃખ થઈ ગયું હોય તો અહીં એકાંત મળ્યું હોય તો એમનું પ્રતિક્રમણ કરીએ. એ ચાલી શકે ?

દાદાશ્રી : એ તો તરત જ તે ઘડીએ જ કરી નાખવું.

કોઈને દુઃખ દેવાની ઇચ્છા તને થતી નથી ને હવે ?

પ્રશ્નકર્તા : કોઈ વાર દેવાઈ જાય.

દાદાશ્રી : દુઃખ દેવાઈ જાય તો શું કરો ?

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ.

દાદાશ્રી : પ્રતિક્રમણ કર્યું એટલે પછી કોર્ટમાં કેસ નહીં ચાલવાનો. 'ભઈ, તારી માફી માગીએ છીએ' એમ કરીને નિકાલ કરી નાખ્યો.

પસ્તાવાથી કર્મો ખપે !

પ્રશ્નકર્તા : કોઈ પણ માણસને તરછોડ મારીને પછી પસ્તાવો થાય તો તે શું કહેવાય ?

દાદાશ્રી : પસ્તાવો થાય એટલે પછી તરછોડ મારવાની ટેવ છૂટી જાય, થોડો વખત તરછોડ મારીને. પસ્તાવો ના કરેને, મેં કેવું સારું કર્યું. તો તે નર્કે જવાની નિશાની. ખોટું કર્યા પછી પસ્તાવો તો કરવો જ જોઈએ.

પ્રશ્નકર્તા : સામાનું મન ભાંગ્યું હોય તો તેમાંથી છૂટવા શું કરવું ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાં. અને સામો મળે તો મોઢે બોલવું કે 'ભઈ, મારામાં અક્કલ નથી, મારી ભૂલ થઈ', એમ કહેવું, આવું બોલવાથી એના ઘા રુઝાય.

ઉપાય તરછોડમાં પરિણામનો...

પ્રશ્નકર્તા : શું ઉપાય કરવો કે જેથી તરછોડનાં પરિણામ ભોગવવાનો વારો ના આવે ?

દાદાશ્રી : તરછોડના માટે બીજો કોઈ ઉપાય નથી, એક પ્રતિક્રમણ કર કર કરવાં. જ્યાં સુધી સામાનું મન પાછું ના ફરે ત્યાં સુધી કરવાં. અને પ્રત્યક્ષ ભેગાં થાય તો ફરી પાછું મીઠું બોલીને ક્ષમા માંગવી કે, 'ભઈ, મારી તો બહુ ભૂલ થઈ, હું તો મૂરખ છું, અક્કલ વગરનો છું.' એટલે સામાવાળાના ઘા રુઝાતા જાય. આપણે આપણી જાતને વગોવીએ એટલે સામાને સારું લાગે, ત્યારે એના ઘા રુઝાય.

અમને પાછલા અવતારના તરછોડનું પરિણામ દેખાય છે. તેથી તો હું કહું કે, કોઈને તરછોડ ના વાગે. મજૂરને ય તરછોડ ના વાગે. અરે છેવટે સાપ થઈને ય બદલો વાળે. તરછોડ છોડે નહીં. એક પ્રતિક્રમણ બચાવે.

શું આવાં પાપો ધોવાય ?

પ્રશ્નકર્તા : કોઈને આપણે દુઃખ પહોંચાડીએ અને પછી આપણે પ્રતિક્રમણ કરી લઈએ, પણ એને જબરજસ્ત આઘાત, ઠેસ વાગી હોય તો એનાથી આપણને કર્મ ના બંધાય ?

દાદાશ્રી : આપણે એના નામનાં પ્રતિક્રમણ કર્યાં કરીએ ને એને જેટલા પ્રમાણમાં દુઃખ થયું હોય એટલા પ્રમાણમાં પ્રતિક્રમણ કરવાં પડે.

પ્રશ્નકર્તા : સાસુએ વહુને કહ્યું, ને પેલી વહુએ આપઘાત કરી નાખ્યો, ત્યાં સુધીનું થયું. એમાં એ મરી ગઈ. પછી એનું પ્રતિક્રમણ કરીએ તો સામાને શાંતિ થાય ?

દાદાશ્રી : આપણે તો પ્રતિક્રમણ કર્યા કરવાનાં, બીજું જવાબદારી આપણી નથી. અને જો જીવતો હોયને તો આપણે કહેવું, શું નામ છે આપનું ?

પ્રશ્નકર્તા : ચંદુભાઈ.

દાદાશ્રી : તે જીવતો હોય તો આપણે એનેય કહેવાય કે આ 'ચંદુભાઈ'નામાં તો અક્કલ નથી. તમે એને માફ કરજો. એવું કહેવું આપણે. એટલે ખુશ થઈ જાય. આપણી અક્કલ ઓછી છે એવું દેખાડ્યું કે સામો ખુશ થઈ જાય. અક્કલનો ઓછો છે એવું દેખાડ્યું કે ખુશ એવું કહેવું કે, ચંદુભાઈનામાં કંઈ બરકત નથી, અક્કલ નથી તેથી આ તમને આવું કર્યું, આવું થયું હશે, કહીએ એટલે પેલો ખુશ થઈ જાય. હાથ ભાંગી ગયા પછીએ જો કદી એટલું કહીએને તો હાથ ભાંગી જવાની ખોટને ના ગણે. પેલો ખુશ થઈ જાય. કારણ કે ભાંગી જવો એ ડિસાઈડેડ (નિશ્ચિત) હતું. પણ નિમિત્ત આપણે હતાં. તે નિમિત્ત થઈ ગયું. એટલે વાળી દીધું. રકમ જમા-ઉધાર થઈ ગઈ.

આમ ફાંસી આપતાં ય નિર્લેપ !!

પ્રશ્નકર્તા : માઠા ભાવ થઈ જાય છે, પણ તરત જ એમ થાય છે કે આ મેં ભૂલ કરી.

દાદાશ્રી : એટલે આ તમને કહું કે, રીલેટીવમાં જે ડિસ્ચાર્જ ભાવ છે, એ માઠા ભાવ છે, ડિસ્ચાર્જમાં માઠા ભાવ થાય છે, સમજ પડીને ? અને ચાર્જ થતું નથી. માઠા ભાવ ઉપર તરત જ એમ કહે છે કે આમ ન હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ એમ કહે છે. એ શું કહે છે ? સંયમ. સમજ પડીને ? નહીં તો માઠા ભાવ થાય તેની સાથે એકાકાર થવું એનું નામ અસંયમ. પણ જુદું ને જુદું રહે છે ને, માઠાભાવથી ?

પ્રશ્નકર્તા : હા, હા.

દાદાશ્રી : હવે માઠાભાવ ઈફેક્ટિવ (અસરકારક) વસ્તુ છે. ટળે નહીં, ટાળ્યા ટળે નહીં અને અત્યારે આ ચંદુલાલ કો'કને ટૈડકાવે, તો તમને મહીં એમ થાય કે, આમ ન હોવું જોઈએ. એ શેને માટે ? એવું થાય ? એટલે ચંદુલાલ કરે તે ય તમે જાણો. આ મહીં આવું કરે છે, તે ય તમે જાણો અને 'તમે' જાણનારા, આ બેઉની વાતને. સંયમ પરિણામને જાણનારા, અસંયમને ય જાણનારા, એ તમે 'પોતે'. અનુભવમાં આવે છે ને ?!

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : હા. આ બધું જોયા કરો આ તાલ. એક જજ મને કહે કે, સાહેબ, તમે મને જ્ઞાન તો આપ્યું અને હવે મારે કોર્ટમાં ત્યાં દેહાતદંડની શિક્ષા કરવી કે નહીં ? ત્યારે મેં એને કહ્યું, 'એને શું કરશો, દેહાતદંડની શિક્ષા નહીં આપો તો ?!' એણે કહ્યું, 'પણ મારે દોષ બેસે.' મેં કહ્યું, 'તમને મેં ચંદુલાલ બનાવ્યા છે કે શુદ્ધાત્મા બનાવ્યા છે ?' ત્યારે એ કહે, 'શુદ્ધાત્મા બનાવ્યા છે.' તો ચંદુલાલ કરતા હોય તેના તમે જોખમદાર નથી. અને જોખમદાર થવું હોય તો તમે ચંદુલાલ છો. તમે રાજીખુશીથી ભાગીદાર થતા હો તો અમને વાંધો નથી. પણ ભાગીદાર ના થશો. પછી મેં એને રીત બતાવી કે આ કહેવું કે, 'હે ભગવાન, માો ભાગે આ કામ ક્યાં આવ્યું તે ?' અને તેનું પ્રતિક્રમણ કરજો ને બીજું ગવર્મેન્ટના (સરકારના) કાયદા પ્રમાણે કામ કર્યે જજો. સમજ પડીને ?

પછી ન રહે જવાબદારી !!

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથી છૂટી જવાય એવો ખ્યાલ જો આપણે રાખીએ તો બધાને સ્વચ્છંદતાનું લાયસન્સ મળી જાય લોકોને.

દાદાશ્રી : ના, એવી સમજ રાખવાની નહીં, વાત એમ જ છે. આપણે પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ કર્યું એટલે આપણે છૂટા. તમારી જવાબદારીમાંથી તમે છૂટાં. પછછ એ ચિંતા કરીને, માથું ફોડીને મરી ય જાય. તેનું હવે તમારે કશું લેવાદેવા નહીં.

પ્રશ્નકર્તા : આપણે પ્રત્યક્ષમાં સોરી કહીએ છીએ, ત્યારે તેમાં ય જૂનિયર (હાથ નીચેના) માણસને કહીએ તો, તેના મગજમાં એટલી બધી રાઈ ચઢી જાય છે, જેનો કોઈ હિસાબ નહીં.

દાદાશ્રી : એવું કશું કહેવાનું નહીં. જો આપણે બોલ છૂટી ગયો, પછી આપણને પસ્તાવો થાય છે કે નહીં ? પસ્તાવો થાય એટલે પ્રતિક્રમણ કરીએ છીએ. પછી 'યુ આર નોટ રિસ્પોન્સિબલ એટલ ઓલ.' તમે એના જવાબદારી નથી. એટલે અમે આ કહેલું કે એમની જવાબદારી અમે માથે સ્વીકારીએ છીએ. કારણ કે તમે જો આટલું કરોને તો પછી તમારી જોખમદારી નથી. પછી એની વકીલાત કરતાં અમને આવડે. પણ આટલું અમારું કહેલું કરો, પછી તમે કાયદામાં આવી ગયા. એટલે પછી વકીલાત, પછી જે થાય એ તો અમને આવડે. સમજ પડીને ? અમે પહોંચી વળીએ. પણ આટલું અમારું કહ્યું કરો, તો બહુ થઈ ગયું.

સામો આપણા કહેવાથી, સામો આપઘાત કરે. એવી દશા થઈ ગઈ હોય તો આપણે પા, અડધો કલાક પ્રતિક્રમણ કર કર કર્યા કરવું કે અરેરે, મારી આવી દશા ક્યાંથી થઈ આ ?! આવું મારા નિમિત્તે બધું ?! પછી જવાબદારી આપણી નથી. એટલે ગભરાવું નહીં આમાં. આટલે સુધી અમારું આ પાળ્યું તે પછી આગળની કોર્ટનું બધું અમે અમારે માથે રાખીએ છીએ. પછી એની જવાબદારી દેવલોકોની. ઝગડો ઊભો થાય તે એને પતાવી દઈએ અમે. પણ આ આટલે સુધી જાવને, તો બહુ થઈ ગયું. જેટલો હિસાબ છે એટલું જ, બહુ ઊંડું ઊતરવા જેવું છે નહીં. તમને સમજ પડીને ?

જ્ઞાનીનાં વાડ સહિત પ્રતિક્રમણ !

અમારાથી ય કોઈ કોઈ માણસને દુઃખ થઈ જાય છે, અમારી ઇચ્છા ના હોય, તોય હવે એવું અમારે બનતું જ નથી પણ કોઈ માણસની આગળ થઈ જાય છે અત્યાર સુધીમાં. પંદર-વીસ વર્ષમાં બે-ત્રણ માણસોનું થયું હશે. એય નિમિત્ત હશે ત્યારેને ? અમે પાછળ પછી એનું બધું પ્રતિક્રમણ કરી એની પર પાછી વાડ મૂકીએ જેથી એ પડી ના જાય. જેટલો અમે ચઢાવ્યો છે ત્યાંથી એ પડે નહીં. એની વાડ. એનું બધું રક્ષણ કરીને પાછી મૂકી દઈએ. પડવા તો ના જ દઈએ. સામું બોલી ગયો, ગાળો દઈ ગયો હોય તોય ના પડવા દઈએ. એને બિચારાને ખ્યાલ જ નથી. બેભાનપણે બોલી રહ્યો છે. એનો અમને વાંધો નથી. પડવા દઈએ તો આપણે ચઢાવેલો ખોટો.

અમે સિદ્ધાંતિક હોઈએ કે, ભાઈ, આ ઝાડ રોપ્યું, રોપ્યા પછી રોડની એક લાઈનદોરીમાં આવતું હોય તો, રોડ ફેરવીએ પણ ઝાડને કશું ના થાય. અમારો સિદ્ધાંત હોય બધો. એવો કોઈને પડવા ના દઈએ. એની એ જ જગ્યાએ રહે એ પછી. એના વિચારો જ બધા ફેરવી નાખીએ અમે. અહીં બેઠાં બેઠાં. અહીં ઘેર બેઠાં બેઠાં એના વિચારો જ ફેરવી નાખીએ અમે. ત્યાં અમે વધારે મહેનત કરીએ જરા. મહેનત વધારે કરવી પડે. તમાો માટે, બધાને માટે મહેનત ના કરવી પડે. એને માટે બહુ મહેનત કરવી પડે. એના વિચારો જ બધા અમારે પકડી લેવા પડે. આથી વિચાર આગળ કરી શકે નહીં. એવું કરવું પડે. એવો કો'ક જ કેસ હોયને. બધા કેસ ના હોયને !!

પ્રશ્નકર્તા : આ વાડ-બાડ મૂકવાનું એ બધું શું છે ? એ બધું શું કરવાનું એને ?

દાદાશ્રી : એનું અંતઃકરણ પકડી લેવાનું, એનું વ્યવસ્થિત અમારા હાથમાં લઈ લેવાનું.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે ?

દાદાશ્રી : એ અમે બધું લઈ લઈએ, એવું ના લઈએ તો તો પડી જાયને !!

પ્રશ્નકર્તા : આપણે જે કંઈ પ્રતિક્રમણ કરીએ, એ અતિક્રમણ થયું, એટલે પ્રતિક્રમણ કરવાનું છે. તો સામાવાળાને આપણા અતિક્રમણ દરમિયાન આપણે જે દુઃખ પહોંચાડ્યું એટલા માટે પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : હા, એટલા માટે જ. બીજા કોઈ કારણ માટે નહીં. હવે આપણે તો લેવાદેવા જ ના રહીને ! હવે આની જોડે વ્યવહાર જ નથી રહ્યો. ફક્ત આ કોઈને દુઃખ ના પડે એટલું જ જરા જોવા પૂરતું જ, તે જે ગુનેગાર હોય તેને કહી દેવું કે 'પ્રતિક્રમણ' કર. બાકી આપણે 'શુદ્ધાત્મા'ને તો કંઈ ધોવાનું નથી રહ્યું. ધોવાઈ ગયું બધું.

પ્રશ્નકર્તા : પણ આપણાથી બીજીવાર આવાં અતિક્રમણો ના થાય ?!

દાદાશ્રી : 'ના થાય' એવું નહી,ં અતિક્રમણો એ ડિસ્ચાર્જ છે એટલે હોય જ. જેટલાં હોય એટલાં જ નીકળવાનાં. 'ના થાય ને થાય' એવો સવાલ જ નથી. આપણને લાગે કે આ અતિક્રમણ છે, એટલે તેનાં પ્રતિક્રમણ કરાવવાં. અતિક્રમણ ના હોય તો ડિસ્ચાર્જ જોયા જ કરવાનું. કશુંય નહીં. એને જોયા જ કરવાનું આ.

પ્રશ્નકર્તા : આપણા કોઈ સગા છે, તો એ એટલી બધી મોટી ભૂલો કરે છે, બ્લંડર્સ, કે એને ભગવાને ય માફ ના કરે. અને આપણી પાસે માફી માંગે, ભૂલ થઈ ગઈ મારી, ભૂલ થઈ ગઈ, એવું કહ્યા કરે તો ત્યાં માણસ શું કરે ?

દાદાશ્રી : માણસે માફી આપવી, ભગવાન ના કરી શકે ? ભગવાનમાં નબળાઈને (!)! આપણે જબરા કહેવાઈએ. કારણ કે ભગવાન તો છેવટે એનો પૂરેપૂરો બદલો આપે, ત્યારે માફી થાય. એમને તો બદલો આપવાના. આપણે કંઈ બદલો આપવો નથી. આપણે તો માફી આપી દઈએ, સારું થજો તારુ !

વારંવાર એ જ ભૂલ કરે તો ?!

પ્રશ્નકર્તા : કોઈ માણસ ભૂલ કરે, પછી આપણી પાસે માફી માંગે, આપણે માફ કરી દઈએ, ના માંગે તોય આપણે મનથી માફ કરી દઈએ, પણ ઘડીયે ઘડીયે એ માણસ ભૂલ કરે તો આપણે શું કરવું ?

દાદાશ્રી : પ્રેમથી સમજાવીને, સમજાવાય એટલું સમજાવવું, બીજો કોઈ ઉપાય નથી અને આપણા હાથમાં કોઈ સત્તા નથી. આપણે માફ કર્યે જ છૂટકો છે આ જગતમાં. નહીં માફ કરો તો માર ખવડાવીને માફ રશો તમે. ઉપાય જ નથી. આપણે સમજણ પાડવી, એ ફરી ફરી ભૂલ ના કરે, એવા ભાવ ફેરવી નાખે તો બહુ થઈ ગયું. એ ભાવ ફેરવી નાખે કે હવે ભૂલ કરવી નથી. છતાં થઈ જાય એ જુદી વસ્તુ છે. માણસ નક્કી કરે કે, હવે મારે ભૂલ કરવી જ નથી, છતાં થઈ જાય છે. એ જુદી વસ્તુ છે. પણ કરવી જ છે, એવું કહે તો એનો પાર જ નહીં આવે. એ તો ઊંધે ફરેલો માણસ કહેવાય. પણ કરવી નથી એવું નક્કી કર્યા પછી પોતાને પણ પસ્તાવો થાય અને એ ભૂલનો વાંધો નથી. ભૂલ કરનારને પોતાને પસ્તાવો થાય ને નહીં કરું એવું નક્કી કરે પછી છે તે ફરી ભૂલ થાય તો વાંધો નથી. નહીં કરું એવું નક્કી પણ કરે, પસ્તાવો થાય, પશ્ચાતાપ કરવો જોઈએ. પછી થાય તો પાછો પશ્ચાતાપ કરવો જોઈએ.

એનું કારણ શું છે ? તો કે ભૂલનાં કેટલાં પડ છે, ડુંગળીની પેઠે, એ પડ પસ્તાવો કરવાથી જતાં રહે, પણ બીજું પડ પાછું આવે, એટલે ડુંગળી એવી ને એવી દેખાય. એ તો જ્યારે બધાં પડ જતાં રહે ત્યારે ખાલી થાય. ત્યાં સુધી ના થાય. એ તો અનંત અવતારની ભૂલો પાર વગરની કરી છે.

એ છે અર્થહીન !

પ્રશ્નકર્તા : એને ખબર જ ના પડે કે હું ભૂલ કરું છું અને ભૂલ કર્યા જ કરે તો ? પસ્તાવોય ના થાય તો ?

દાદાશ્રી : તો પછી એનો અર્થ જ નહીં. એ મીનીંગલેસ (અર્થહીન) છે તે, જ્યાં ભાન જ ના હોય ત્યાં મીનીંગલેસ છે. એ તો આપણે એનો વિરોધ તો કરવો જોઈએ. એને ભાન કરાવવું જોઈએ. ભાન થવા માટે વિરોધ કરવો જોઈએ.

પ્રશ્નકર્તા : એ ઘડી ઘડી કોઈ આવી ભૂલ કરે, તો આપણે એના માટેનો પ્રેમભાવ ઊઠી જાય, એને માટે માન હોય તે ઊઠી જાય.

દાદાશ્રી : ત્યાર પછી શું થાય ? આપણે બનતાં સુધી ના ઊઠાડવો. કારણ કે આ કળિયુગમાં તો આ સિવાય બીજું શું હોય તે ? આપણે રિલેટીવ સંબંધ છે, એ બીજું શું હોય તે ? આપણે એ ઊઠાડ્યા પછી આપણું ઊલટું બગડી જાય. આપણે અજાણમાં ગયા, ત્યારે આપણે શું કરીએ છીએ, એના જેવું આપણે રાખવું.

છોકરાને શાક લેવા મોકલીએ અને મહીં પૈસા કાઢી લે તો એ પછી જાણીને શું ફાયદો છે ? એ તો જેવો છે એવો ચલાવી લેવાનો, નાખી દેવાય ? કંઈ, બીજો લેવા જવાય કંઈ ? બીજો મળે નહીંને ? કોઈ વેચે નહીં. ગમે તેવો માલ રાખીએ તોય !!

પ્રશ્નકર્તા : મળે તો એનાથી ચઢિયાતા ના હોય, એની શી ખાતરી ?

દાદાશ્રી : હા. હા. આજે બધું પૂછો. અને બધું કામ કાઢી લો.

સામાને લો નભાવી !

પ્રશ્નકર્તા : તો પછી એવી વ્યક્તિ માટે આપણે શું કરવું જોઈએ ? આ પેલી ભૂલ કર્યા કરે સામો માણસ ને એને કંઈ પસ્તાવો ના થાય, ખબરે ય ના પડે તો આપણે શું કરવાનું ત્યાં ?

દાદાશ્રી : આપણે આપઘાત નહીં કરવો જોઈએ. બીજું શું કરવાનું ? તે આ દેહનો આપઘાત એટલે પેલો મોટો આપઘાત, પછી મનનો આપઘાત કરે. મનનો આપઘાત કરે એટલે સંસાર ઉપરથી મન ઉઠી જાય. એવું નહીં કરવું જોઈએ. એને લીધે છોકરા ઉપરેય ઊઠી જાય. બધા ઊપર ઊઠી જાય. એવું નહીં કરવું જોઈએ. આપણે નભાવી લેવું જોઈએ. આ સંસાર એટલે જેમતેમ નભાવીને કાઢવા જેવું છે. અત્યારે કળિયુગ છે, એમાં કોઈ શું કરે ત્યાં ? 'ધેર ઈઝ નો સેફ સાઈડ એની વેર.' (ક્યાંય સલામતી નથી.) આ તો સેફસાઈડ માનીને સૂઈ જવાનું. 'સીનિસયારીટી - મોરાલિટી ગોન ફોર એવર.' (નિષ્ઠા અને નૈતિકતા હંમેશ માટે ગયાં) એટલે આ જ્ઞાન લઈ લેજો. તો સુખી થવાય કાયમનું. પછી આ અડચણ તો નહીં કોઈ જાતની. એ ય મજા !!

પ્રતિક્રમણની સૂક્ષ્મ કચાશો !

પ્રશ્નકર્તા : આપણાથી કોઈ દુભાયો હોય તેથી અહીં ન આવતો હોય, પછી આપણે અહંકાર કરીને પણ ખંખેરી નાખીએ ને કહીએ ભઈ, હવે મેં પ્રતિક્રમણ કરી લીધું, હવે એ નથી આવતો એમાં મારે શું લેવાદેવા ?

દાદાશ્રી : પણ એ તો બધું ખોટું કહેવાય. પણ એકંદરે આપણા નિમિત્તે બની ગયુંને, આ બધું ! તે આપણે બને એટલું કરવું જોઈએ. પછી ના બને તો રહ્યું. ના બને તો પછી એના માટે કંઈ મરી ફીટાય નહીં.

પ્રશ્નકર્તા : એ બરાબર છે. પણ આજે પોતાની અંદર સમજણની વાત છે કે, પોતાની સમજણમાં શું હોવું જોઈએ ? કે હવે મેં પ્રતિક્રમણ કર્યું, મને એના માટે કશું નથી. હવે પોતે ગોળી છોડી દે, પછી પોતાને તો આટલું કરીને ભૂંસાડી નાખવાનું સહેલું છે. પણ જેને વાગી હોય એને લ્હાય બળતી હોયને !

દાદાશ્રી : પણ એ દર્શન કરવા નથી આવતો, તે કેટલી લ્હાય બળતી હશે કે, આ નાલાયક માણસ મળ્યો. તેથી મારે આ જવાયું નહીં. એટલે એ તો આપણે સમભાવે નિકાલ કરવો જોઈએને ?!

પ્રશ્નકર્તા : બીજું એવું છે કે, એ ડીમાર્કેશન કેવી રીતે ખબર પડે કે આપણે એનું પ્રતિક્રમણ કર્યું અને આપણને એના માટે અભિપ્રાય નથી રહ્યા હવે ? હવે એ હંડ્રેડ પરસેન્ટ આપણો અભિપ્રાય ઊડી ગયો છે ?

દાદાશ્રી : છતાં એને જતું નથીને ?

પ્રશ્નકર્તા : એનું નથી જતું. અને આપણુંય કદાચ મહીં રહેતું હોય, કોઈવાર એવુંય થઈ જાયને, કે હવે એ તો કેટલા સેન્સિટિવ છે, આટલું કહ્યું, એમાં આટલું બધું શું લઈ લેવાનું ? એવું બી આવી જાયને પોતાને, તો ત્યાં એટલી કચાશ રહે અભિપ્રાય ઊડવામાં.

દાદાશ્રી : આપણને રહેતો હોય તોય એ ખબર ના પડે.

પ્રશ્નકર્તા : ના પડે. એ ખરી વાત છે. બહુ ઝીણું છે આ. એટલે સેફસાઈડ માટે પ્રતિક્રમણ કરવું સારું એમનું ?

દાદાશ્રી : આવા કેસ દુનિયામાં ઓછા બને છે. એટલે વાળી આવવું. જુઓને ! આવતાં નથીને ?!!

એડજસ્ટ એવરીવ્હેર !

એનાં મા-બાપ ગાળો ભાંડતા હોય, કે અવળે રસ્તે ચઢાવે છે, ને બૈરી ગાળો ભાંડતી હોય, એ જોખમને. આ તો બધું, આ જોખમના સોદા.

એટલે કહ્યું એડજસ્ટ એવરીવ્હેર. (બધે સાનુકૂળ થાઓ) એડજસ્ટ ના થતું હોય તો આપણે પ્રયત્ન કરોને. આ તો શું કરીને આવેલો ? એ અરજી નક્કી કરીને આવેલો, કે આ 'ચંદુભાઈ'ને પેસાવ નહીં દેવા આજે. એમ કરવાથી ભમરડા થઈ જાય.

આપણા મહાત્માઓ જે કરવાનું કહે છે, એ તો ડિસ્ચાર્જ ભાવે કહે છે. એ તો પેલા નાટકમાં એમ કહેતો હોયને, તમને મારી નાખીશું. તે એને હિંસા ના બેસે.

અકર્તા છતાં સામાને દુઃખ !

દાદાશ્રી : વાતચીત આગળ ચલાવો.

પ્રશ્નકર્તા : આપણે અકર્તા રહીએ છીએ પણ ચંદુભાઈ જે પણ કંઈ કર્મ કરે છે, એનાથી એના આજુબાજુવાળાને કોઈને દુઃખ પહોંચે છે, તો એમને એમ લાગે છે કે આ ચંદુભાઈ જ એમને દુઃખ પહોંચાડે છે. તો એની આપણને જે અસર પહોંચે તો એના માટે શું કરવું ?

દાદાશ્રી : એ તો કહ્યું છેને મેં, ચંદુભાઈ જો કોઈને અતિક્રમણ કરે, એટલે દુઃખદાયી થઈ પડે, તો ચંદુભાઈને કહેવું કે, 'ભઈ પ્રતિક્રમણ કરો, એના નામનું' અતિક્રમણ નહીં તો કશું જ નહીં કરવાનું.

૧૦. અથડામણની સામે...

ઋણાનુબંધી સાથે !

પ્રશ્નકર્તા : જેની સાથે કંઈ ઋણાનુબંધ હોય એની જ સાથે ટકરાઈ જવાયને ? બીજા કોઈ સાથે ના ટકરાવાયને ?

દાદાશ્રી : એ તો પહેલાના હિસાબ હોયને, ત્યાં જ ટકરાવાય.

પ્રશ્નકર્તા : મારે હવે કોઈની સાથે ના ટકરાવાય. બધે સાચવી લઉં, પણ આમની સાથે છ-આઠ મહિને, જોકે હવે બહુ ઓછું થઈ ગયું છે, પણ એમની સાથે આંતરિક તપ ના થાય. કહેવાઈ જ જાય.

દાદાશ્રી : તે વાંધો નહીં. આપણે તો, એ તો તારે નિકાલ કર્યે જ છૂટકોને ! એમણે નિકાલ કરવો, પછી તમારે નિકાલ કરવો. ત્યાં જ ટકરામણ થઈ એટલે ભૂલ તો એક જણની નહીં કહેવાય. બે જણની જ ભૂલ હોય, કોઈકની ચાળીસ ટકાવાળી, કોઈની સાઠ ટકાવાળી, કોઈકની ત્રીસ ટકાવાળી, પછી એંસી ટકા, સિત્તેર ટકા હોય એ બેની કંઈક હોવી જોઈએ.

પ્રશ્નકર્તા : અને પછી સમાધાન તો આવી જાય, બે-પાંચ મિનિટમાં.

દાદાશ્રી : એ આવી જાય.

પ્રશ્નકર્તા : પણ ત્યારે પેલું પરાક્રમ જો વપરાઈ જાય અને સંજોગ સાચવી લઈએ તો આનંદ થાય. પણ હજુ એ સચવાય નહીં.

દાદાશ્રી : પણ એટલે એ ધીમે ધીમે જાગૃતિ એવી રાખીને કરવાનું. તમે જેમ મારી જોડે રહોને, તેમ તેમ એ ફેરફાર થતો જાય. મારો એક જ શબ્દ તમોને કાનમાં પડેને, તો એ શબ્દ જ કામ કર્યા કરે.

પ્રશ્નકર્તા : પેલી કહેવત છેને, અણીને ચૂક્યો સો વર્ષ જીવે. એવી રીતે અમારા કષાયો ઉત્પન્ન થાય. એના પર જો કાબુ આવી જાય તો કેટલું બધું જીતી જઈએ.

દાદાશ્રી : એવું છે ને, કાબુ એટલે શું કહેવાય ? આપણે ધારીએ ત્યારે કરી શકીએ. આપણું જ્ઞાન આપણને જડ્યું તો આ મૂઆ કંટ્રોલમાં જ હોય, જ્ઞાન જ કામ કરે.

એટલે સૌથી સારામાં સારો એનો ઉપાય કે, ચંદુલાલ કેમ છે, કેમ નહીં, એ વાતો કરવા જેવી એ જ ઉપાય !!! શું કહેવું જોઈએ ?!

પ્રશ્નકર્તા : એની સાથે નિરંતર વાતો કરીએ અને કહે કહે કરવું જોઈએ કે આ સારું ના કહેવાય. અણી કેમ ચૂકી જાવ છો ?

દાદાશ્રી : એવું કહેવાય. એ તો બધું કહેવાય. પછી ફરી પાછા ચૂકી જાય, તો પાછું કહેવાનું, ને પ્રતિક્રમણ કરવાનું. પ્રત્યાખ્યાને ય કરવું જ પડે. નહીં તો પછી આ ખરું હતું એવું માની લે.

કર્મોદયના ફોર્સ સામે...

પ્રતિક્રમણ કર્યું એટલે હવે આપણો અભિપ્રાય છૂટ્યો આ બાબતનો કે આજ સાચું છે અને આ ખોટું છે. એ આપણો અભિપ્રાય તૂટી ગયો.

પ્રશ્નકર્તા : અભિપ્રાય તો મહાત્માઓના તૂટીને ભૂક્કો થઈ ગયા પણ ઉદય આવે ત્યારે હલાવી કાઢે. આ હમણાં એ ભાઈ જે બોલ્યા, એ એમના સ્વભાવથી બહાર બોલાઈ ગયું છે.

દાદાશ્રી : હા. સ્વભાવની બહાર બોલાઈ ગયું, એટલું તમે સમજી ગયાં ને ? કે આ કર્મના ઉદયે એટલું બધું જોર કર્યું કે પોતે ન બોલે તેવું ન બોલી ગયાં. એટલે હવે આપણે વધારે પસ્તાવો થાય કે આ શું હતું ? ત્યારે કહે, મહીં હજુ મોટો રોગ છે, તે નીકળી જવા દો. અને તે ઘડીએ એને માટે આજ નિરાંત ખોળી કાઢી અને પાંચેક કલાક પશ્ચાત્તાપ કર કર કરવા.

પશ્ચાત્તાપમાં શું કહેવું પડે ? તમારે ક્યાં જવાનું છે ? શું ભાંજગડ તમારે ? અને વખતે ભાંજગડ થઈ ગઈ તો - 'બન્યું એ કરેક્ટ.' છોડી દેવાનું. ખેંચ રાખી તો માર પડે. તમારી જે પ્રકૃતિ ન્હોતી તે નીકળી ખરી ?!

પ્રશ્નકર્તા : કોઈ દહાડો આવું ય કરે નહીં અને ખબર નહીં એ કેમ કર્યું ?

દાદાશ્રી : એ જ જોવાનું, અને પેલાનો રોગ નીકળવાનો હશે, આમનો રોગ નીકળવાનો હશે તે ભેગું થઈ ગયું !

પ્રશ્નકર્તા : આ તો એમનો ઉદય છે, એ પોતે નથી બોલતાં.

દાદાશ્રી : હા. એ પોતે નથી, એનો ઉદય બહુ જોર કરે છે. આપણે પૂછવું કે, તમારી ભાવના આવી હતીને ? ત્યારે કહે, ના. મારી ઇચ્છા આવી નહોતી તો ય થઈ ગયું. તો એ નીકળી ગયું, ધોવાઈ ગયું અને સાફ થઈ ગયાં. ક્લીયર કટ !! એવું છે ને મન ક્લીયર કરવાનું છે.

જાથું પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : અમુક કર્મોમાં વધારે, લાંબી બોલાચાલી થઈ હોય તો, લાંબો બંધ પડે, તે માટે બે-ચાર વાર પ્રતિક્રમણ કે વધારે વાર કરવાં પડે. કે પછી એકવાર કરે તો આવી જાય બધામાં ?

દાદાશ્રી : જેટલું થાય એટલું કરવું. અને પછી જાથું કરી નાખવું. એકદમ પ્રતિક્રમણ બહુ ભેગાં થઈ જાય, તો જાથું પ્રતિક્રમણ કરવું. 'હે દાદા ભગવાન ! આ બધાનું ભેગું પ્રતિક્રમણ કરું છું.' આપણે દાદા ભગવાનને કહી દેવાનું, બીજા કોઈને નહીં. 'હે દાદા ભગવાન ! આ બધાનું ભેગું પ્રતિક્રમણ કરું છું' પછી પતી ગયું.

સમાધાન આતમ જ્ઞાન થકી જ

પ્રશ્નકર્તા : દાદા, આ અહંકરાની વાત સારી છે. ઘરમાં ય ઘણી વખત લાગુ પડે. સંસ્થામાં લાગુ પડે. દાદાનું કામ કરતાં હોય, એમાંય કંઈ અહંકાર વચ્ચે ટકરાતાં હોય, ત્યાંય લાગુ પડે. ત્યાં પણ સમાધાન જોઈએને ?

દાદાશ્રી : હા, સમાધાન જોઈએને ? એ આપણે ત્યાં જ્ઞાનવાળો સમાધાન લે, પણ જ્ઞાન નથી ત્યાં શું સમાધાન લે ? ત્યાં પછી જુદો પડતો જાય, એની જોડે મન જુદું પડતું જાય. આપણે અહીં જુદું ના ડે !!

પ્રશ્નકર્તા : પણ દાદા, ટકરાવવું ના જોઈએને ?

દાદાશ્રી : ટકરાય છે, એ તો સ્વભાવ છે. ત્યાં માલ એવો ભરેલો લાવ્યા છે. એટલે એવું થાય છે. જો એવો માલ ના લાવ્યા હોત તો એવું ના થાત. એટલે આપણે સમજી લેવું કે ભાઈની આદત જ છે આવી. એવું આપણે જાણવું. ચંદુભાઈની આદત છે, એવું આપણે જાણવું. એટલે પછી આપણને અસર નહીં કરે. કારણ કે આદત આદતવાળાની અને 'આપણે' આપણાવાળા ! અને પછી તેનો નિકાલ થઈ જાય છે. તમે અટકી રહો ત્યારે ભાંજગડ. બાકી ટકરામણ તો થાય. ટકરામણ ન થાય એવું બને જ નહીંને ! એ ટકરામણથી આપણે જુદા ન પડાય એવું જોવાનું ફક્ત. ટકરામણ તો અવશ્ય થાય. એ તો બૈરી-ભાયડાને ય થાય. પણ તે એકનાં એક રહીને છીએ ને પાછાં ?! એ તો થાય. એમાં કોઈના પર કંઈ દબાણ નથી કર્યું કે તમે ના ટકરાશો.

પ્રશ્નકર્તા : એમાં તાંતો ન રહેવો જોઈએ.

દાદાશ્રી : તાંતો રહેતો જ નથી. જે કોઈ કહેશે કે, મને તાંતો રહે છે, એ ય તાંતો નથી. (મહાત્માઓને માટે)

પ્રશ્નકર્તા : પણ દાદા, ટકરામણો ન થાય એવો સતત ભાવ રહેવો જોઈએને ?

દાદાશ્રી : હા, રહેવો જોઈએ. એમાં એ જ કરવાનું ને ! એનું પ્રતિક્રમણ કરવાનું ને એના તરફ ભાવ રાખવાનાં ! ફરી પાછું એવું થાય તો ફરી પાછું પ્રતિક્રમણ કરવાનું, કારણ કે એક પડ જતું જ રહે, પછી બીજું પડ જતું રહે. એમ પડવાળાં ને ? મને તો જ્યારે ટકરામણ થતી હતી, એટલે નોંધ કરતો હતો કે, આજે સારું જ્ઞાન મળ્યું ! ટકરાવાથી લપસી ના પડાય, જાગૃત ને જાગૃત જ રહેને ! એ આત્માનું વિટામિન છે. એટલે આ ટકરાવામાં ભાંજગડ નથી. ટકરાયા પછી જુદું નહીં પડવું. એ અહીંયા પુરુષાર્થ છે. મન જુદું પડતું હોય તો પ્રતિક્રમણ કરીને બધું રાગે પાડી દેવાનું. અમે આ બધાની જોડે શી રીતે મેળ પાડતાં હોઈશું ? તમારી જોડેય મેળ પડે છે કે નથી પડતો ? એવું છે, શબ્દોથી ટકરામણ ઊભી થાય છે. તે મારે બોલવાનું બહુ, છતાંય ટકરામણ નથી થતીને ?

એક માણસે મને એમ કહ્યું કે, 'હું મહાન બળવાખોર છું, તમારે ત્યાં જ મને એલાઉ કર્યો, બાકી કોઈ એલાઉ ના કરે મને.' મેં કહ્યું, 'ભાઈ અહીં તો બધાંની જગ્યા છે. બળવાખોરની, બધાંની જગ્યા અહીં !' બળવો કરો પણ આત્મા પામો. બળવો કરી કરીને પાંચ-દસ જણને ગાળો દઈ દેશે, બીજું શું કરવાનાં હતાં ? 'તમે અક્કલ વગરના છો, આમ છો, તેમ છો' કહેશે. તે પુદ્ગલને જ ગાળો દેવાનો છે ને ? આત્માને કોઈ દઈ શકે ?

ટકરામણ તો થાય. ટકરામણ તો આ વાસણો ખખડે કે ના ખખડે ? પુદ્ગલનો સ્વભાવ છે ટકરાવું તે. પણ માલ ભર્યો હોય તો. ના ભર્યો હોય તો નહીં. અમારે ય ટકરામણ થતી હતી. પણ જ્ઞાન થયા પછી ટકરામણ નથી થઈ. કારણ કે અમારું જ્ઞાન અનુભવજ્ઞાન છે. અને અમે નિકાલ કરીને આવેલા છીએ, આ જ્ઞાનથી ! બધું વિચાર કરી કરીને આવેલા છીએ. અને તમારે નિકાલ કરવાનો બાકી છે. તમે તો મોક્ષમાં બેઠા, ઉપર ત્રીજો માળ ચણીને, પણ અહીં નીચે ચણવાનું બાકી રહ્યું ને ? હવે ઊંધું ચણતર કરવું પડશે, ઉપર બેઠા પછી. અને સીધાં મોક્ષ માટે તો પાયા ખોદીને, તગારા, પાવડાં અહીં મૂકીને જ લોક જતાં રહેલાં. મહીં શાંતિ ના હોય, ત્યાં કોણ માથાકૂટ કરે આ ?! પહેલીં શાંતિ અમે આપીએ, પછીથી નીચેનું બધું એ કરી લે. એટલે અક્રમ કાઢ્યું ને આ ! ક્રમ નહીં, અક્રમ !!!

ત્રણ અવતારની ગેરન્ટી

અથડામણ ના થાય તેને ત્રણ અવતારે મોક્ષ થાય તેની હું ગેરન્ટી આપું છું. અથડામણ થઈ જાય તો પ્રતિક્રમણ કરવું. અથડામણ પુદ્ગલની છે અને પુદ્ગલ, પુદ્ગલની અથડામણ પ્રતિક્રમણથી નાશ થાય છે.

પેલો ભાગાકાર કરતો હોય તો આપણે ગુણાકાર કરવા, એટલે રકમ ઊડી જાય. સામા માણસ માટે વિચારો કરવો કે, 'એણે મને આમ કહ્યું, તેમ કહ્યું,' એ જ ગુનો છે. આ રસ્તામાં જતી વખતે ભીંત અથડાય તો તેને કેમ વઢતાં નથી ? ઝાડને જડ કેમ કહેવાય ? જે વાગે એ બધાં લીલાં ઝાડ જ છે ! ગાયનો પગ આપણા ઉપર પડે તો આપણે કંઈ કહીએ છીએ ? એવું આ બધા લોકોનું છે. 'જ્ઞાની પુરુષ' બધાને શી રીતે માફી આપે ? એ સમજે કે, આ બિચારા સમજતા નથી, ઝાડ જેવાં છે. ને સમજણવાળાને તો કહેવું જ ના પડે, એ તો મહીં તરત પ્રતિક્રમણ કરી નાખે.

અહિંસા તો પૂરેપૂરી સમજાય એવી નથી, અને પૂરી રીતે સમજવી બહુ ભારે છે. એના કરતાં આવું પકડ્યું હોય કે, 'ઘર્ષણમાં ક્યારેય ન આવવું.' એટલે પછી શું થાય ? કે શક્તિઓ અનામત રહ્યા કરેને, દહાડે દહાડે શક્તિઓ વધ્યા જ કરે પછી ઘર્ષણથી થતી ખોટ ના જાય !

વખતે ઘર્ષણ થઈ જાય તો ઘર્ષણની પાછળ આપણે પ્રતિક્રમણ કરીએ તો ભૂંસાઈ જાય. આ સમજવું જોઈએ કે, અહીં આગળ ઘર્ષણ થઈ જાય છે, તો ત્યાં પ્રતિક્રમણ કરવું જોઈએ, નહીં તો બહુ જોખમદારી છે. આ જ્ઞાનથી મોક્ષે તો જશો, પણ ઘર્ષણથી મોક્ષે જતાં વાંધા બહુ આવે ને મોડું થાય !

આ ભીંતને માટે અવળા વિચાર આવે તો વાંધો નથી, કારણ એકપક્ષી ખોટ છે. જ્યારે જીવતા માટે એક અવળો વિચાર આવ્યો કે જોખમ છે. બન્ને પક્ષે ખોટ જાય. પણ આપણે એની પાછળ પ્રતિક્રમણ કરીએ તો બધા દોષો જાય. એટલે જ્યાં જ્યાં ઘર્ષણ થાય છે ત્યાં આગળ પ્રતિક્રમણ કરો. એટલે ધર્ષણ ખલાસ થઈ જાય.

અથડામણ ટાળો !

પ્રશ્નકર્તા : આપણું વાક્ય છે કે 'અથડામણ ટાળો'.

એ વાક્યનું આરાધન કરતો જાય તો ઠેઠ મોક્ષે પહોંચાડે. એમાં સ્થૂળ અથડામણ પછી ધીમે ધીમે વધતો વધતો સૂક્ષ્મ અથડામણ, સૂક્ષ્મતર અથડામણ ટાળો.

દાદાશ્રી : એની સૂઝ પડતી જ જાય, જેમ જેમ આગળ જાયને. તો એની મેળે. કોઈને શિખવાડવું ના પડે. એની મેળે જ આવડે. એ શબ્દ જ એવો છે કે, ચાલે નહીં. એ ઠેઠ મોક્ષે લઈ જાય.

બીજા 'ભોગવે એની ભૂલ' એ પણ મોક્ષે લઈ જાય. આ એક એક શબ્દ મોક્ષે લઈ જાય. એની ગેરન્ટી આપણી.

અથડામણો સ્થૂળથી સૂક્ષ્મતમ સુધીની !

પ્રશ્નકર્તા : તો એ સ્થૂળ અથડામણનો દાખલો આપ્યો, પેલો સાપનો, થાંભલાનો કીધો, પછી સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એના દાખલા. સૂક્ષ્મ અથડામણ કેવી હોય ?

દાદાશ્રી : તારે ફાધર જોડે થાય છે તે બધી સૂક્ષ્મ અથડામણ.

પ્રશ્નકર્તા : એટલે કેવી કહેવાય ?

દાદાશ્રી : એ મારંમાર કરો છો ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : એ સૂક્ષ્મ અથડામણ.

પ્રશ્નકર્તા : સૂક્ષ્મ એટલે માનસિક ? વાણીથી હોય એ પણ સૂક્ષ્મમાં જાય ?

દાદાશ્રી : એ સ્થૂળમાં. જે પેલાને ખબર ના પડે. જે દેખાય નહીં, એ બધું સૂક્ષ્મમાં જાય.

પ્રશ્નકર્તા : એ સૂક્ષ્મ અથડામણ ટાળવાની કેવી રીતે ?

દાદાશ્રી : પહેલાં સ્થૂળ, પછી સૂક્ષ્મ, પછી સૂક્ષ્મતર અને પછી સૂક્ષ્મતમ અથડામણ ટાળવાની.

પ્રશ્નકર્તા : સૂક્ષ્મતર અથડામણો કોને કહેવાય ?

દાદાશ્રી : તું કો'કને મારતો હોય, ને આ ભઈ જ્ઞાનમાં જુએ કે હું શુદ્ધાત્મા છું, આ વ્યવસ્થિત મારે છે. તે બધું જુએ પણ મનથી તરત સ્હેજ દોષ જુએ, એ સૂક્ષ્મતર અથડામણ.

પ્રશ્નકર્તા : ફરીથી કહો, સમજાયું નહીં બરાબર.

દાદાશ્રી : આ તું બધા લોકોના દોષ જોઉં છું ને, એ સૂક્ષ્મતર અથડામણ.

પ્રશ્નકર્તા : એટલે બીજાના દોષ જોવા, એ સૂક્ષ્મતર અથડામણ.

દાદાશ્રી : એવું નહીં, પોતે નક્કી કર્યું હોય કે આ બીજામાં દોષ છે જ નહીં, અને છતાં દોષ દેખાય એ સૂક્ષ્મતર અથડામણો. એ દોષ તને દેખાવા જોઈએ. કારણ કે એ છે તે શુદ્ધાત્મા છે અને દોષ જુદો છે.

પ્રશ્નકર્તા : દોષ જુએ છે એ કોણ જુએ છે ?

દાદાશ્રી : દોષ જોનારા.

પ્રશ્નકર્તા : પણ એ મનનું સ્થાન ત્યાં નથી. માનસિક સ્તરે નથી એ વસ્તુ.

દાદાશ્રી : એ ગમે તે સ્તર છે, પણ દોષ જુએ છે.

પ્રશ્નકર્તા : તો એ જે માનસિક અથડામણ કીધી તે ?

દાદાશ્રી : એ તો બધું સૂક્ષ્મમાં ગયું.

પ્રશ્નકર્તા : તો આ બે વચ્ચે ક્યાં ફેર પડે છે ?

દાદાશ્રી : આ મનની ઉપરની વાત છે આ તો.

પ્રશ્નકર્તા : માનસિક અથડામણ અને જે દોષો....

દાદાશ્રી : એ માનસિક નથી.

પ્રશ્નકર્તા : એટલે આ સૂક્ષ્મતર અથડામણ છે તે ઘડીએ સૂક્ષ્મ અથડામણ પણ જોડે હોય ને ?

દાદાશ્રી : એ આપણે જોવાનું નહીં. સૂક્ષ્મ જુદું હોય. અને સૂક્ષ્મતર જુદું હોય. સૂક્ષ્મતર એટલે તો છેલ્લી વાત.

પ્રશ્નકર્તા : એક વખત સત્સંગમાં જ વાત એવી રીતે કરી હતી કે, ચંદુલાલ જોડે તન્મયાકાર થવું એ સૂક્ષ્મતમ અથડામણ કહેવાય.

દાદાશ્રી : હા. સૂક્ષ્મતમ અથડામણ ! એને ટાળવી. ભૂલથી તન્મયાકાર થયું ને. પછી ખબર પડે છે ને કે, આ ભૂલ થઈ ગઈ.

પ્રશ્નકર્તા : હવે કેવળ શુદ્ધાત્માતત્ત્વ સિવાય આ જગતની કોઈપણ વિનાશી ચીજ મારે ખપતી નથી, છતાં પણ આ ચંદુભાઈને તન્મયાકારપણું અવારનવાર રહે છે. એટલે એ સૂક્ષ્મતર અથડામણ થઈને ?

દાદાશ્રી : એ તો સૂક્ષ્મતમ કહેવાય.

પ્રશ્નકર્તા : એક ભાવના એવી છે કે, એક શુદ્ધાત્મા તત્ત્વ સિવાય અને દાદાની પાંચ આજ્ઞા સિવાય બીજી કોઈ વસ્તુમાં કંઈ જ ઇચ્છા નથી.

દાદાશ્રી : આ તો મુખ્ય વસ્તુ જ હોયને બધાને. એટલે ધીમે ધીમે શું કરતાં જવાનું છે કે એ દેખાવું જોઈએ એને.

પ્રશ્નકર્તા : દેખાય છે એ, કે આપણે આ ત્રીજી આજ્ઞાનો ભંગ થયો, બીજી આજ્ઞાનો ભંગ થયો, એવું રીતસર દેખાય છે.

દાદાશ્રી : હા. રીતસર દેખાય. બરાબર છે.

પ્રશ્નકર્તા : એ ભંગ થયો એ અથડામણ થઈ કહેવાય ?

દાદાશ્રી : એ તો ફાઈલ કરી તપાસવાની જરૂર છે.

પ્રશ્નકર્તા : સૂક્ષ્મતર અથડામણની વાત કરી કે, સામાવાળો આપણા અભિપ્રાયમાં નિર્દોષ જ છે. છતાં દોષિત ઠરાવાઈ જાય છે. એટલે એની સાથે અથડામણ થઈ જાય છે ને ?

દાદાશ્રી : દોષિત ઠરાવાઈ જાય છે. એ ગુનો લાગુ થાય છે ને ?

પ્રશ્નકર્તા : એમાં થોડેઘણે અંશે તન્મયાકાર થયો અને પાછા આવી ગયા.

દાદાશ્રી : પાછા આવી જાય.

પ્રશ્નકર્તા : તો એ અથડામણ ટાળવાનો ઉપાય ફક્ત પ્રતિક્રમણ એકલો જ છે કે બીજું કોઈ છે ?

દાદાશ્રી : બીજું કોઈ હથિયાર છે જ નહીં.

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : આ આપણી નવ કલમો, એ ય પ્રતિક્રમણ જ છે. બીજું કોઈ હથિયાર નથી. આ દુનિયામાં પ્રતિક્રમણ સિવાય જગતમાં બીજું કોઈ સાધન નથી. ઊંચામાં ઊંચુ સાધન. કારણ કે અતિક્રમણથી ઊભું થયું છે જગત.

પ્રશ્નકર્તા : પણ દાદા, પ્રતિક્રમણ તો એટલા ઝડપથી થઈ જાય છે, એ જ ક્ષણે !

દાદાશ્રી : હા. એ જ ક્ષણે થઈ જાય.

પ્રશ્નકર્તા : આ તો ગજબ છે દાદા !!

દાદાશ્રી : આ ગજબ જ છે !

પ્રશ્નકર્તા : એ દાદાની કૃપા ગજબ છે.

દાદાશ્રી : હા, એ ગજબ છે. વસ્તુ સાયન્ટિફિક છે ફક્ત.

શું એ અહંકાર નથી ?

પ્રશ્નકર્તા : એ તો એટલું બધું વિસ્મયકારી છે. એક એક વાક્ય 'બન્યું તે જ કરેક્ટ' (ખરું), 'ભોગવે તેની ભૂલ' આ બધાં એક એક જે વાક્યો છે એ બદાં અદ્ભૂત વાક્યો છે. અને પ્રતિક્રમણ દાદાની સાક્ષીએ કરીએ છીએને, તો એનાં સ્પંદનો પહોંચે જ છે.

દાદાશ્રી : હા. ખરું છે. સ્પંદન તરત જ પહોંચી જ જાય અને એનું ફલ આવે છે. આપણને ખાતરી થાય છે કે આ અસર થઈ લાગે છે, અસર થઈ એવું લાગે છે, સ્પંદનો બધા પહોંચી જાય.

પ્રશ્નકર્તા : પણ દાદા, આપણે પ્રતિક્રમણ કરવું પડે, એ આપણો અહમ્ ના કહેવાય ?

દાદાશ્રી : ના. એટલે આપણે પ્રતિક્રમણ નથી કરવાનું. એ ચંદુભાઈનો છે, શુદ્ધાત્મા તો જાણે છે, શુદ્ધાત્માએ તો ગુનો કર્યો નથી. એટલે 'એને' એ ના કરવું પડે. ફક્ત ગુનો કર્યો હોય 'તેને' અને ચંદુભાઈના નામનું કર્યું. એ ચંદુભાઈ પ્રતિક્રમણ કરે અને અતિક્રમણથી જ સંસાર ઊભો થયો છે. અતિક્રમણ કોણ કરે છે ? અહંકાર ને બુદ્ધિ બેઉ ભેગા થઈને.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21