ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



પ્રતિક્રમણ

૭. થાય ચોખ્ખો વ્યાપાર !

ધંધામાં પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : એક પ્રશ્શન છે દાદા ?

દાદાશ્રી : થોડું ઘણું સમાધાન થાય છે ? તે મને કહો.

પ્રશ્નકર્તા : હા, થાય છે.

દાદાશ્રી : તો પછી આગળ ચાલવા દો હવે, જે જે તમારી પાસે હોય એ બધી વિગત મેલો.

પ્રશ્નકર્તા : માનસિક દુઃખ કોઈને પહોંચાડીએ, ત્યારે અન્યાય કર્યો કહેવાય. જો આપણે ધંધો કરતાં હોઈએ અને ધંધામાં તો માલ એનો એ જ છે, ભાવ વધારીએ તો કમાણી થાય, જ્યારે તમે ભાવ વધારો તો એનાથી બીજાને મનદુઃખ થાય, તો એનાથી આપણને નુકસાન થાય ખરું ?

દાદાશ્રી : 'તમે' ભાવ વધારો તો દુઃખ થાય. ભાવ વધારો નહીં, તો કશો વાંધો નહીં. તમે કર્તા થઈ જાવ તો દુઃખ થાય. ને વ્યવસ્થિતને કર્તા જો સમજો તો તમારે કશી જવાબદારી નથી. વ્યવસ્થિત કર્તા છે, એ સ્વીકાર કરો, સમજો. ખરેખર, તો તમારી જોખમદારી નથી. મેં તમને એવા સ્ટેજ (ભૂમિકા) ઉપર મૂક્યા છે કે, તમારી જોખમદારી બંધ થઈ જાય. જોખમદારી એન્ડ (અંત) થાય. એટલે કર્મ કરવા છતાં અકર્મની સ્થિતિ પર મૂક્યા છે તમને.

છતાંય એમની ઇચ્છા એવી છે કે, 'આવું અકર્મની સ્થિતિ પર મૂક્યા ?! અમે કરી શકીએ એમ છીએ.' જો તમે કર્તા હો તો બંધન થશે ! આ તો જેને જ્ઞાન આપું છું તેને હં, બીજા બધા તો કર્તા છે જ. મારા જ્ઞાનને સમજી અને પાંચ આજ્ઞા સમજે, તો નિવેડો આવે.

પ્રશ્નકર્તા : આપણે કર્તા નથી, પણ આપણે એ કર્મમાં ભાગ લઈને બીજાને દુઃખ પહોંચે છે, આપણા કર્મથી.

દાદાશ્રી : આપણે એટલે કોણ પણ ? હુ (ષ્ત્ર્ં) ? ચંદુભાઈ કે શુદ્ધાત્મા ?

પ્રશ્નકર્તા : ચંદુભાઈ.

દાદાશ્રી : તમે તો શુદ્ધાત્મા છોને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો ચંદુભાઈ કર્તા છે, તેમાં તમારે શું લેવાદેવા ? તમે જુદા ને ચંદુભાઈ જુદા.

પ્રશ્નકર્તા : ચંદુભાઈ કર્તા બનીને તન્મયાકાર તો થાય. ત્યારે ખબર પડે કે સામી પાર્ટીને મન દુઃખ થાય છે.

દાદાશ્રી : તે પછી ચંદુભાઈને કહેવું કે, ભાઈ માફી માંગી લો, કેમ આ દુઃખ કર્યું ? પણ તમારે માફી નહીં માંગવાની. જે અતિક્રમણ કરે, તેણે પ્રતિક્રમણ કરવાનું. ચંદુભાઈ અતિક્રમણ કરે તો પ્રતિક્રમણ એની પાસે કરાવડાવવું.

પ્રશ્નકર્તા : હું સાડી વેચવાનો ધંધો કરતો હોઉં. આજુબાજુની દુકાનવાળાએ પાંચ રૂપિયા વધારી દીધા, તો મેં પણ પાંચ રૂપિયા વધાર્યા હોય તો મેં ખોટો ધંધો કર્યો કહેવાય ? મને એ અડે કે ના અડે ?

દાદાશ્રી : પણ કર્તા કોણ છે ત્યાં આગળ ?

પ્રશ્નકર્તા : એ ચંદુભાઈ સાડી વેચવાવાળા.

દાદાશ્રી : તમે શુદ્ધાત્મા છો અને પછી આ ચંદુભાઈ કહો તો યુ ાર નોટ રિસ્પોન્સિબલ. (તમે જવાબદાર નથી.)

અને બીજી રીતે કોઈને સામું પ્રત્યક્ષ દુઃખ થયેલું લાગે એને. તો તમારે ચંદુભાઈને કહેવું કે ભઈ 'તમે' અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો, બાકી તમારી જોખમદારી બિલકુલ નથી રાખી મેં. તમારી જોખમદારી ઊડાડી મેલી છે આ.

પ્રશ્નકર્તા : તમે એ રીતે ચંદુભાઈને છૂટા મૂકી દો તો એ તો ગમે તે કરે ?

દાદાશ્રી : ના. એ તેથી જ મેં વ્યવસ્થિત કહેલું કે, એક વાળ ફેરફાર કરવાનો અધિકાર એક જિંદગી માટે નથી. 'વન લાઈફ' માટે હં !! જે લાઈફમાં હું વ્યવસ્થિત આપું છું. એ વ્યવસ્થિતમાં ફેરફાર થઈ શકે એમ નથી. ત્યારે જ હું તમને છૂટા મૂકી દઉં છું. એટલે હું જોઈને કહું છું ને તેથી મારે વઢવું યે ના પડે, કે બૈરી જોડે કેમ ફરતા'તા ? ને કેમ આમ તેમ ?! મારે કશું વઢવું ના પડે. બીજી લાઈફ માટે નહીં, પણ આ એક લાઈફ માટે. યુ આર નોટ રિસ્પોન્સિબલ એટ ઓલ ! (બિલકુલ) એટલું બધું કહ્યું છે પાછું.

આ છે અક્રમ વિજ્ઞાન !

આ તો વિજ્ઞાન છે. તરત મુક્તિને આપનારું છે. અને જો આ વિજ્ઞાન સમજી જાય તો તાળા મળે એવું છે, જ્યાંથી તાળો મેળવો, ત્યાંથી તાળા મળ્યા જ કરે. અને જે કોઈ પણ વસ્તુનો તાળો ના મળતો હોય તો એ વિજ્ઞાન જ ના કહેવાય. તાળો મેળવવો હોય તો તાળો મળી રહેવો જોઈએ. વિરોધાભાસ ક્યારે પણ ના આવવો જોઈએ. સો વર્ષ થાય, પણ વિરોધાભાસ હોય નહીં એનું નામ સિદ્ધાંત કહેવાય. આ 'અક્રમસિદ્ધાંત' બુદ્ધિને ગાંઠતું નથી. ભલભલા બુદ્ધિશાળીઓ મુંબઈમાં આવ્યા, પણ કોઈને ગાંઠતું જ નથી. કારણ કે બુદ્ધિથી પર વસ્તુ છે આ !! બુદ્ધિ તો લિમિટેડ (મર્યાદિત) હોય. આની લિમિટે ય ના હોય.

વ્યાજ ખવાય કે નહીં ?

પ્રશ્નકર્તા : વ્યાજ ખવાય કે ના ખવાય ?

દાદાશ્રી : વ્યાજ ચંદુલાલને ખાવું હોય તો ખાય, પણ એને કહેવું કે પ્રતિક્રમણ કરજો પછી.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ શું કામ કરવાનું ? વ્યાજ એ અતિક્રમણ છે ?

દાદાશ્રી : અતિક્રમણ કર્યું માટે. વ્યાજને અતિક્રમણ ક્યારે કહેવાય છે ? સામા માણસને મનદુઃખ થાય ને એવું વ્યાજ હોય તેને અતિક્રમણ કહેવાય છે.

પ્રશ્નકર્તા : એ શાસ્ત્રમાં વ્યાજ ખાવાની ના લખી છે, એ શું ગણતરીઓ છે ?

દાદાશ્રી : વ્યાજ માટે તો ના એટલા માટે લખેલું છે કે, જે વ્યાજ ખાય છે એ માણસ ત્યાર પછી કસાઈ જેવો થઈ જાય છે, માટે ના પાડી છે. એ અહિતકારી છે એટલા માટે ! જો નોબલ (મોટા મનનો) રહી શકતો હોય તો વાંધો નથી.

આદર્શ વ્યવહારથી આપણાથી કોઈને ય દુઃખ ના થાય તેટલું જ જોવાનું, છતાં પણ આપણા થકી કોઈને દુઃખ થાય તો તરત જ પ્રતિક્રમણ કરી લેવાનું. આપણાથી કંઈ એની ભાષામાં ન જવાય. આ જે વ્યવહારમાં પૈસાની લેવડદેવડ વગેરેમાં વ્યવહાર છે, એ તો સામાન્ય રિવાજ છે, તેને અમે વ્યવહાર નથી કહેતા. કોઈને ય દુઃખ ના થવું જોઈએ તે જોવાનું ને દુઃખ થયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું, તેનું નામ આદર્શ વ્યવહાર !!

કરો ઉઘરાણીવાળાનાં પ્રતિક્રમણ !

આ પ્રતિક્રમણથી સામા ઉપર અસર પડે અને એ પૈસા પાછા આપે. સામાને એવી સદ્બુદ્ધિ ઉત્પન્ન થાય. પ્રતિક્રમણથી આમ સવળી અસર થાય છે. તો આપણા લોકો ઘેર જઈને ઊઘરાણીવાળાને ગાળો આપે તો તેની અવળી અસર થાય કે ના થાય ? ઊલટું લોકો વધારે ને વધારે ગૂંચવે છે. બધું અસરવાળું જગત છે.

પ્રશ્નકર્તા : આપણે કોઈ લેણદારનું પ્રતિક્રમણ કરીએ તોય એ માગતો તો રહેને ?

દાદાશ્રી : માંગવા-ના માંગવાનો સવાલ નથી. રાગ-દ્વેષ ના થવા જોઈએ. લેણું તો રહેય ખરું !

કાળા બજારનાં ય પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : અત્યારે ટેક્સો(કર) એટલા બધા છે કે ચોરી કર્યા વગર મોટા મોટા ધંધાનું સમતોલન થાય નહીં. બધાં લાંચ માંગે તો એના માટે ચોરી તો કરવી જ પડેને ?

દાદાશ્રી : ચોરી કરો પણ તમને પસ્તાવો થાય છે કે નહીં ? પસ્તાવો થાય તો ય એ હળવું થઈ જાય.

પ્રશ્નકર્તા : તો પછી આ સંજોગોમાં શું કરવું જોઈએ ?

દાદાશ્રી : આપણે જાણીએ કે આ ખોટું થાય છે, ત્યાં આપણે હાર્ટિલી (હ્રદયપૂર્વક) પસ્તાવો કરવો. બળતરા થવી જોઈએ તો જ છૂટાય. અત્યારે કંઈ કાળાબજારનો માલ લાવ્યાં તે પછી કાળાબજારમાં વેચવો પડે જ. તો ચંદુલાલને કહેવાનું, કે પ્રતિક્રમણ કરો. હા. પહેલાં પ્રતિક્રમણ કરતાં ન હતાં. તેથી કર્મનાં તળાવડાં બધાં ભર્યા. હવે આ પ્રતિક્રમણ કર્યુ એટલે ચોખ્ખું કરી નાખવું. લોભ કોના નિમિત્તે થાય છે ? લોખંડ કાળાબજારમાં વેચ્યું તો આપણે ચંદુલાલને કહેવું, ચંદુલાલ વેચો તેનો વાંધો નહીં, એ 'વ્યવસ્થિત'ના આધીન છે. પણ તેનું હવે પ્રતિક્રમણ કરી લો. અને કહીએ કે ફરી આવું ના થાય.

પ્રશ્નકર્તા : કેટલીક જગ્યાએ માણસો ભૂખે મરે છે અને એક બાજુ હું બ્લેકમાં પૈસા બનાવું છું એનો સમભાવે નિકાલ કેવી રીતે થાય ?

દાદાશ્રી : એ જે કરે છે ને એ જ બરાબર છ. પ્રકૃતિ જે કરે ને એ કૉઝ(કારણ)ની ઈફેક્ટ (પરિણામ) જ છે. પછી આપણે જાણીએ, આપણને સમજણ પડે કે આ ન્યાયમાં નથી થયું. એટલે આપણે 'ચંદુલાલ'ને કહેવાનું કે આ ના કરો. માફી માંગી લેવાની કે આવું ફરી નહીં કરું, એ કહે પણ ફરી એવું જ કરે. કારણ પ્રકૃતિમાં ગૂંથાયેલું એવું છે ને ! 'આપણે' ધોતા જવાનું પછી પાછળથી.

ચોરીઓનાં ય પ્રતિક્રમણ !

લોકો પર તને ચીઢ ચઢે છે ?

પ્રશ્નકર્તા : ઘરમાં કોઈના દોષો દેખાયને તો ચીઢ ચઢે.

દાદાશ્રી : ચીઢ ચઢે ચંદુલાલને ?

પ્રશ્નકર્તા : ચંદુલાલને જ ને !!

દાદાશ્રી : અને 'તને' ? 'તને' ચીઢ ના ચઢે ?!!

પ્રશ્નકર્તા : ચીઢેય એને ચઢે અને ભોગવટો ય એને આવે !

દાદાશ્રી : જેને ચીઢ ચઢે એને ભોગવટો આવે જ, પછી તને કેટલી ખોટ ગઈ ?

પ્રશ્નકર્તા : બહુ ભારે ખોટ ગઈ ?

દાદાશ્રી : એમ ? લોકોને મારવાના ભાવ નથી આવતા ને ? લોકોની પાસેથી પડાવી લેવાના ભાવ નથી આવતા ? પૈસા પડાવી લઈએ, આમ, તેમ ?

પ્રશ્નકર્તા : એવું નથી થતું.

દાદાશ્રી : લોકો પાસેથી ચોરીઓ કરવાના ભાવ આવે છે ?

પ્રશ્નકર્તા : લોકોની પાસેથી ચોરીઓ એ કેવી રીતે ?

દાદાશ્રી : માલ વેચવો, તેમાં છે તે વચન વધારે લખી નાખવું.

પ્રશ્નકર્તા : એ થોડું ઘણું રહ્યા કરે.

દાદાશ્રી : હજું ખરું ? પછી પ્રતિક્રમણ કરે છે તું ?

પ્રશ્નકર્તા : કોઈ વખતે થઈ જાય, કોઈ વખત નથી થતું.

દાદાશ્રી : બધું ધ્યાન તો રાખવું પડેને ? સો કિલોને બદલે એકસો એક કિલો ચઢાવી દો તો એક કિલોની ચોરી કરીને ?

પ્રશ્નકર્તા : એનું પ્રતિક્રમણ કરીએ તો શું થાય ?

દાદાશ્રી : આપણે એના અભિપ્રાયમાં નથી. એવો અભિપ્રાય આજે નથી. આજે તો ખૂબ ફોર્સથી (ધક્કાથી) થયા કરે છે આ. આજે તારો એવો ચોરી કરવાનો અભિપ્રાય ખરો ?

પ્રશ્નકર્તા : બિલકુલ નહીં.

દાદાશ્રી : એટલા માટે પ્રતિક્રમણ કર્યું તો જાણવું કે, આજે એનો અભિપ્રાય નથી. પૂર્વફોર્સથી થયા કરે છે.

પ્રશ્નકર્તા : એનું આવતા ભવે કર્મફળ બદલાઈ જાય ?

દાદાશ્રી : નહીં. આ ભવમાં જ ઊડી ગયું કહેવાયને ? જગતના લોકોને ચોરી કરવાનો અભિપ્રાય હોય, તે અભિપ્રાય તો મજબૂત કરે કે આ કરવું જ જોઈએ. અને તને શું થાય ?

પ્રશ્નકર્તા : આવું ના હોવું ઘટે.

દાદાશ્રી : એટલે તું ઉત્તરમાં જઈ રહ્યો છે ને લોક દક્ષિણમાં જઈ રહ્યું છે. આ તો ચંદુલાલનું પાછલું સ્વરૂપ દેખાય છે. કેવું ભયંકર હતું એ હિસાબે ! પાછલું સ્વરૂપ કેવું હતું ?

પ્રશ્નકર્તા : બહુ ભયંકર. પ્રતિક્રમણ કર્યા પછી ફરી દોષો કન્ટીન્યુઅસ (સતત) દેખાયા જ કરતા હોય તો શું કરવું ?

દાદાશ્રી : એનાં ફરી ફરી પ્રતિક્રમણ કરવાં. નહીં તો બધા દોષોનું જાથું પ્રતિક્રમણ કરવું, પા કલાક દોષો દેખાયા કરતા હોય, પછી જાથું પ્રતિક્રમણ, ભેગું પ્રતિક્રમણ કરવું જોઈએ.

લોકો કહે છે કે, 'આપણે ભેળસેળ કરીશું ને ભગવાન પાસે માફી માગી લઈશું', હવે માફી આપનારો કોઈ છે નહીં. તમારે જ માફી માંગવી ને તમારે ને તમારે જ માફી આપવાની.

અનીતિનાં પ્રતિક્રમણ ખૂબ ખૂબ !

એક જણ કહે, 'મને ધર્મ નથી જોઈતો. ભૌતિકસુખો જોઈએ છે.' તેને હું કહીશ, 'પ્રમાણિક રહેજે, નીતિ પાળજે.' મંદિરમાં જવાનું નહીં કહું. બીજાને તું આપું છું એ દેવધર્મ છે. પણ બીજાનું, અણહક્કનું લેતો નથી એ માનવધર્મ છે. એટલે પ્રમાણિકપણું એ મોટામાં મોટો ધર્મ છે. 'ડીસ ઑનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલીશનેસ !!!' ઑનેસ્ટ થવાતું નથી, તો મારે શું દરિયામાં પડવું ? મારા દાદા શીખવાડે છે કે, ડીસઑનેસ્ટ થાઉ તેનું પ્રતિક્રમણ કર. આવતો ભવ તારો ઉજળો થઈ જશે. ડીસઑનેસ્ટીને, ડીસઑનેસ્ટી જાણ ને તેનો પશ્ચાત્તાપ કર. પશ્ચાત્તાપ કરનાર માણસ ઑનેસ્ટ છે એ નક્કી છે.

દાન આપે, અનીતિથી પૈસા કમાય, એ બધું જ છે. તે એનો ઉપાય બતાવેલો હોય કે અનીતિથી પૈસા કમાય તો ચંદુલાલને રાત્રે શું કહેવું ? કે પ્રતિક્રમણ કર કર કરો કે, અનીતિથી કેમ કમાયા ? માટે પ્રતિક્રમણ કરો. રોજ ૪૦૦, ૫૦૦ પ્રતિક્રમણ કરાવડાવે. પોતાને કરવાનું નહીં. 'ચંદુલાલ'ની પાસે કરાવડાવવું. જે અતિક્રમણ કરે તેની પાસે પ્રતિક્રમણ કરાવડાવે.

હમણાં ભાગીદાર જોડે મતભેદ પડી જાય, તો તરત તમને ખબર પડી જાય કે, 'આ વધારે પડતું બોલી જવાયું. એટલે તરત એના નામનું પ્રતિક્રમણ કરવું. આપણું પ્રતિક્રમણ કેશ પેમેન્ટનું (રોકડું) હોવું જોઈએ. આ બેંકે ય કેશ કહેવાય છે. અને પેમેન્ટે ય કેશ કહેવાય છે.

અટકે અંતરાય કેમ કરીને ?

ઑફિસમાં પરમીટ (પરવાનો) લેવા ગયા, પણ સાહેબે ના આપી તો મનમાં થાય કે 'સાહેબ નાલાયક છે, આમ છે, તેમ છે', હવે આનું ફળ શું આવશે તે જાણતો નથી. માટે આ ભાવ ફેરવી નાખવો, પ્રતિક્રમણ કરી નાખવું. એને અમે જાગૃતિ કહીએ છીએ.

આ સંસારમાં અંતરાય કેવી રીતે પડે છે તે તમને સમજાવું. તમે જે ઑફિસમાં નોકરી કરતાં હો ત્યાં તમારા 'આસિસ્ટન્ટ' (મદદનીશ)ને અક્કલ વગરના કહો, એ તમારી અક્કલ પર અંતરાય પડ્યો ! બોલો, હવે આ અંતરાયથી આખું જગત ફસાઈ ફસાઈને આ મનુષ્યજન્મ એળે ખોઈ નાખ્યો છે ! તમને 'રાઈટ' (અધિકાર) જ નથી. સામાને અક્કલ વગરનો કહેવાનો. તમે આવું બોલો એટલે સામો પણ અવળું બોલે, તે એને ય અંતરાય પડે ! બોલો હવે, આ અંતરાયમાં જગત શી રીતે અટકે ? કોઈને તમે નાલાયક કહો તો તમારી લાયકાત ઉપર અંતરાય પડે છે ! તમે આનાં તરત જ પ્રતિક્રમણ કરો તો એ અંતરાય પડતાં પહેલાં ધોવાઈ જાય.

અંડરહેન્ડને ટૈડકાવ્યા તેનાં પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : નોકરીની ફરજો બજાવતાં મેં બહુ કડકાઈથી લોકોનાં અપમાન કરેલાં, ધુત્કારી કાઢેલાં.

દાદાશ્રી : એ બધાનું પ્રતિક્રમણ કરવાનું. એમાં તમારો ખરાબ ઈરાદો નહીં. તમારે પોતાને માટે નહીં. સરકારને માટે એ સિન્સીયારિટી (વફાદારી) કહેવાય.

પ્રશ્નકર્તા : એ હિસાબે હું બહુ ખરાબ માણસ હતો, ઘણાંને તો દુઃખ થયું હશે ને ?

દાદાશ્રી : એ તો તમારે ભેગું પ્રતિક્રમણ કરવાનું, કે મારા આ સ્વભાવથી લઈને, કડક સ્વભાવને લઈને જે જે દોષ થયા તેની ક્ષમા માગું છું, એ જુદું જુદું નહીં કરવાનું.

પ્રશ્નકર્તા : જાથું પ્રતિક્રમણ કરવાનું.

દાદાશ્રી : હા, તમારે આવું કરવાનું કે આ મારા સ્વભાવથી લઈને સરકારનું કામ કરવામાં, જે જે દોષો, લોકોને દુઃખ થાય એવું કર્યું છે, એની ક્ષમા માગું છું. એવું રોજ બોલવું.

ઠપકો આપવો, પણ...

પ્રશ્નકર્તા : એક અધિકારી હોય, બોસ હોય એ એના અંડરહેન્ડને ઠપકો આપે તો પેલાને દુઃખ તો થાયને ? કર્મચારી ખોટું કરે, તો પેલા અધિકારીને ઠપકો આપવાની ફરજ તો ખરીને ?

દાદાશ્રી : એવું છેને, ઠપકો આપવો એ બહુ જ જવાબદારી છે. ઠપકો આપવો એટલે આપણઓ હાથ દઝાય નહીં અને સામાને વાગે નહીં એવી રીતે ઠપકો આપવો જોઈએ. આપણા લોકો એ જોતા કરતા નથી ને ઠપકો આપી જ દે. એ ઠપકો આપનાર બહુ મોટો ગુનેગાર બને છે. ઠપકો સાંભળનાર માણસનું જે થવાનું હશે તે થશે, પણ ઠપકો આપનાર તો સપડાયો !

પ્રશ્નકર્તા : એની જે ફરજ હોય, એ ફરજની સામે એને કેટલાંક પગલાં લેવાં પડે. તો એમાં એ શું કરે ? એને તો છૂટકો જ નહીંને, એને કરવું જ પડેને ?

દાદાશ્રી : ના, એ કરવું, પણ એને પદ્ધતિસર એવી શોધખોળ કરો કે સામાને બહુ અસર ના થાય.

પ્રશ્નકર્તા : શોધખોળ તો બીજી શું કરે ? પેલો કામ ના કરતો હોય એટલે એને ઠપકો તો આપવો પડેને ?

દાદાશ્રી : પણ ઠપકો તોલીને આપો છો કે તોલ્યા વગર આપો છો ? ઠપકો તોલીને આપતા હશે લોકો ? આમ પાશેર તોલીને આપતા હશે ? નહીં ? તો એવું તો થતું હશે ?!

પ્રશ્નકર્તા : એ તો વગર તોલ્યે આપે પણ એમાં તો એવું છેને, નોકરી કરતાં હોય ત્યાં તો નક્કી જ કરેલું હોય કે ભઈ, આ કામ આટલું ના કરે તો તેની સામે આટલાં પગલાં લેવા. આવું બધું એના કોડ (નિયમો) નક્કી કરેલાં હોય છે.

દાદાશ્રી : કાયદેસર પગલાં લેવાને માટે વાંધો નથી. પણ ઑન પેપર. પણ તમે તો ઠપકો મોઢે આપી દો છો. એ તોલીને આપો છો કે તોલ્યા વગર આપો છો ?!

પ્રશ્નકર્તા : પણ દાદા, પેલો કામ ના કરતો હોય, આપણે એને કામ કહ્યું હોય, તે કામ ના કર્યું હોય અને કામ ટાળ્યું હોય એટલે આપણે ઠપકો આપવો જ પડેને ?

દાદાશ્રી : હા, ઠપકો આપવાનો.

પ્રશ્નકર્તા : કોઈ વખત ઠપકો આપવો પડે. નહીં તો એને છૂટો કરવો પડે. ડિસમિસ કરવો પડે. પછી આપણને મનમાં દુઃખ થાય કે એનાં છોકરાં ભૂખે મરશે.

દાદાશ્રી : પણ એવું છેને, આપણે એને ચેતવવો કે ભઈ, મારે તને છૂટો કરવો પડશે અને ડિસમિસ કરવો પડશે, માટે તું ચેતીને કામ કર.

પ્રશ્નકર્તા : એવું ચેતવીએ છીએ, એને લખીને આપીએ છીએ કે તું કામ કરતો નથી. તને ડિસમિસ કરવામાં આવશે. તારું કામ સંતોષકારક નથી. એવું બધું લખીને આપીએ.

દાદાશ્રી : પછી ?

પ્રશ્નકર્તા : છતાં ના સુધરે એટલે પછી એને ફરી છૂટો કરવો પડે. અને છૂટો કરીએ એટલે પછી એનાં છોકરાં બિચારાં દુઃખી થતાં રડતાં રડતાં ઘેર આવે. આપણને દુઃખ તો થાયને. એને પણ દુઃખ તો થાયને.

દાદાશ્રી : દુઃખ બંધ કરવું હોય તો રહેવા દેવાનું. કામ આપણે કરી લેવાનું.

પ્રશ્નકર્તા : એ પગલાં જો ના લે, તો અમને અમારા ઉપરથી પાછો ઠપકો સાંભળવો પડે.

દાદાશ્રી : તે પગલાં લ્યોને. પણ પગલાં એવી રીતે લ્યો કે તમે તો શુદ્ધાત્મા છો. હવે ચંદુભાઈ પગલાં લે, એમાં જોખમદારી નથી હોતી. ચંદુભાઈ છે, એ વસ્તુ તો ડિસ્ચાર્જ છે ! એટલે પગલાં લો તેની તમને જોખમદારી નથી હોતી. આપણે ચંદુભાઈને કહેવું કે બને ત્યાં સુધી પગલાં લેવાં નથી, આવાં પગલાં લેશો નહીં. છતાં પછી લેવાઈ જાય તે સાચું !

પ્રશ્નકર્તા : એ વાત તમારી સાચી. આપણે અલિપ્તતાથી પગલાં લીધાં, પણ એ પગલાં લીધાં પછી પેલાં માણસને મનદુઃખ જે થયું, એના માટે પ્રતિક્રમણ સિવાય બીજો શું રસ્તો ?

દાદાશ્રી : પ્રતિક્રમણ એકલું જ. બીજું કશું કરવાનું નથી !!

પસ્તાવો લેવો, નિમિત્ત બન્યાનો !

પ્રશ્નકર્તા : આજે આપણે એક નોકરી પર છીએ, ને આપણા તાબાનો જે માણસ છે, એ કંઈ ભૂલ કરે તો આપણે દંડ આપવો પડે. કારણ કે નોકરીમાં આપણે જગ્યા પર બેઠાં છીએ.

દાદાશ્રી : ના પણ તે એવું થયું હોયને તો આપણે ચંદુભાઈ પાસે પસ્તાવો કરાવવો. થઈ ગયા પછી કે, આ ન કરવા જેવું થાય છે. આપણા નિમિત્તે પેલાને દુઃખ થયું, તે બદલ પસ્તાવો કરવો કે, આપણે ભાગ ક્યાં આવ્યું આ ? આપણે કેમ આવું નિમિત્ત બન્યા ? આપણે આવું નિમિત્ત બનવું ના જોઈએ. પણ અત્યારે તમે એવી જગ્યાએ આવી ગયા છો, એવું કર્યા વગર ચાલે નહીં, એટલે તમારે હવે 'રૂટિન' (રોજીદું) તો બધું કરવું પડે.

આમાં જે ગુનો, તેને દંડ

પ્રશ્નકર્તા : હું ડી.એસ.પી.નો પી.એ. છું. તે મારે તો કેટલાકને ડિસમિસ કરવા પડે તો તેનું મને દુઃખ થાય છે. તો તેમાં બંધન ખરું ?

દાદાશ્રી : કેટલીક વખત એવું બને કે તમે ઉપર લખી મોકલાવો કે આ ભાઈને ડિસમિસ કરો. ને એ ડિસમિસ ના થાય. એવું બને ખરું ?

પ્રશ્નકર્તા : બને.

દાદાશ્રી : એટલે આ ડિસમિસ કરો એ પણ તમારું રૂટિન છે. અને મનમાં ભાવ રહે છે, કે ડિસમિસ કરવા નથી, તો તેનું બંધન નથી. આ તો કેવું છે કે જેનો જેટલો ગુનો છે, એટલો એને દંડ મળવાનો છે. એવો નિયમ છે. એ અટકાવી શકાય એવી વસ્તુ નથી. એટલે આપણે આવા ભાવ રાખવા કે આને દુઃખ ના હો. બાકી રૂટિન તો ચાલ્યા જ કરવાનું.

ભાવ પલટાયે, જોખમદારી ટળે !

ફાંસી કરનાર માણસને, એને જો જ્ઞાન આપેલું હોય, અને ફાંસી દેવાનું એને ભાગે આવે. પણ એના ભાવ ફરેલા હોય, તો એને કશું બંધન નથી. અને જેના ભાવ એવા છે કે આને ફાંસીએ ચઢાવવાં તેને બંધન છે. એ પછી પેલાને ફાંસીએ ના ચઢાવે તો ય બંધન છે. એટલે ભાવ એ જ મુખ્ય વસ્તુ છે. ભાવ ફરી જાય ને, પેલાને જેલમાં ઘાલો, તો ય એનું પુણ્ય બંધાય. એવું બધું આ જગત છે. પોતાના ભાવની સમજદારી જોઈએ.

ફરજો બજાવવી, 'જ્ઞાન'માં રહીને !

પ્રશ્નકર્તા : આપણે કોઈના ગુનાનો રીપોર્ટ કરીએ તો આપણને ગુનો લાગે કે ના લાગે ?

દાદાશ્રી : ના, કશુંય ના થાય.

પ્રશ્નકર્તા : આ મારા તાબાનો માણસ બરાબર કામ નથી કરતો અથવા ગોટાળા વાળે છે અને એ વસ્તુ આપણા સાહેબના ધ્યાનમાં લાવીએ ત્યારે આપણને કર્મ બંધાય ?

દાદાશ્રી : ના લાગે.

પ્રશ્નકર્તા : અને એ ધ્યાનમાં લાવીએ તો આપણું તંત્ર બધું બગડે.

દાદાશ્રી : એટલે સાહેબના ધ્યાનમાં લાવવું જ પડે. પણ એ વિનયથી લાવવું પડે. અને આપણે એને બધું સમજાવીને કહેવું જોઈએ. આપણે રુઆબથી ના કહી શકીએ.

પ્રશ્નકર્તા : બહાર વ્યવહારમાં એ કેવી રીતે બને ?

દાદાશ્રી : આપણે તો એવો ભાવ રાખવો. પછી બન્યું એ કરેક્ટ. આપણો ભાવ એવો રાખવાનો અને એને સમજાવીને કહેવું જરૂરી છે. જેટલી વખતે સમજાવીને કહેવાયું એટલી વખત કરેક્ટ અને સમજાવીને ના કહેવાયું તો પણ કરેક્ટ.

પ્રશ્નકર્તા : આજે કોઈ આડાઈ કરતો હોય, પણ આપણને સજા કરવાની સત્તા ના હોય, પણ આપણા ઉપરી હોય એને સજા કરવા માટે રીપોર્ટ કરીએ. હવે ઉપરીએ સજા કરી પણ રીપોર્ટ તો મેં કર્યા. તેથી નિમિત્ત હું થયોને !

દાદાશ્રી : ના, પણ મનમાં ભાવ આપણા નથીને ! આ તો ચંદુભાઈ કરે છેને ! તો તમારે શું કરવાનું ? ચંદુભાઈ જે કરે એ જોયા કરવાનું. જગત તો ચાલ્યા કરવાનું. એનો કશો ભો નહીં કરવાનો. મનમાં એવા ભાવ રાખવા કે કોઈ જીવને દુઃખ ના હો. પછી તમે તમારે રૂટિન કરવું, જે રૂટિન થાય તેમાં તમારે હાથ નહીં ઘાલવાનો. શંકા-કુશંકા નહીં કરવાની. તમારે તમારા સ્વરૂપમાં રહેવું. બાકી ફરજો તો બજાવવી જ પડેને !

છેવટે, ઉપાયમાં પ્રતિક્રમણ !

અત્યાર સુધી ફસાઈ ગયાં, પણ હવે કળા આવડીને ! આ લોક તો શું કહેશે 'વીંછી કૈડે તો કૈડવા દેવો !' 'અલ્યા પણ શક્તિ છે ?' 'એ શક્તિ ના હોય, પણ વીંછી કૈડવા દે, એ જ જ્ઞાનીની નિશાની !' કહેશે. અલ્યા, મહીં શક્તિ નથી તો વીંછીને બાજુએ મૂકી દેને અહીંથી. વીંછી હોય કે વીંછીનો બાપ હોય, બાજુએ મૂકી દેને. હા, એને મારશો નહીં.

પ્રશ્નકર્તા : એવા જ્ઞાની હોય કે વીંછીને કૈડવા દે ?

દાદાશ્રી : તેવું લોક કહે છે કે જ્ઞાની હોય તો વીંછીને કૈડવા દેવો.

પ્રશ્નકર્તા : એ તો અહંકાર થયોને ?

દાદાશ્રી : આ બધો અહંકાર જ છેને.

પ્રશ્નકર્તા : તો વીંછી ઊખડતો હોય તો ખેંચવો પણ મરી ના જાય એવી રીતે ખેંચવો ?

દાદાશ્રી : હા, તેમ છતાંય મરી જાય તો પ્રતિક્રમણ કરવું. એનો ઉપાય જ એવો હોય.

પ્રશ્નકર્તા : એવો મારી નાખવાનો આશય નથી.

દાદાશ્રી : એવો કોઈ આશય નથી, પણ વખતે આમ બને ત્યારે શું કરવું ? એનો ઉપાય તો હોવો જોઈએને ? અને વીંછી કૈડવા દેવાની મહીં શક્તિ તો છે નહીં અને પછી મનમાં 'હાયવોય, હાયવોય' કર્યા કરીએ, એના કરતાં પહેલેથી ચેતીને ચાલોને, બધાય ઉપાય છે. આપણી પાસે આ અક્રમવિજ્ઞાન છે આખું.

પ્રશ્નકર્તા : આ તો બધું પ્રેક્ટિકલ થયું, દાદા.

દાદાશ્રી : હા, પ્રેક્ટિકલ છે પાછું !!!

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21