ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

ખંડ : ૨

'ના જ પરણવા'નાં નિશ્ચયી માટેની વાટ

[૬]

'પોતે' પોતાને વઢવો

પોતાને ઠપકારી સુધારો

પ્રશ્નકર્તા : આપની પાસે આજ્ઞા લીધી. પછી જરાક ઘરે ગયા પછી બગડી ગયું.

દાદાશ્રી : હવે ક્યા હોગા ? ઐસા હો ગયા ફિર અલીખાન ક્યા કરે(!).

પ્રશ્નકર્તા : આવું કેમ થાય ? આવું થવાનું કારણ શું ?

દાદાશ્રી : અણસમજણ આપણી. અહીંથી નક્કી કરીને ગયા હોય કે મારે ઘેર જઈને દવા પી લેવી, પણ ના પીવે તો પછી આપણી અણસમજણ જ કહેવાય ને ! આ ભાઈએ જુઓને ખખડાવ્યો હતો પોતાની જાતને, ધમકાવી નાખ્યો. આ રડતો હતો હઉ, એ ખખડાવતો હતો, બેઉ જોવા જેવી ચીજ.

પ્રશ્નકર્તા : એક વાર બે-ત્રણ વખત ચંદ્રેશને ટૈડકાવેલો, ત્યારે બહુ રડેલો પણ ખરો. પણ મને એમ પણ કહેતો હતો કે હવે આવું નહીં થાય, છતાં ફરીથી થાય છે.

દાદાશ્રી : હા. એ તો થવાનું તો ખરું, પણ એ તો વારેઘડીએ પાછું કહેવાનું, આપણે કહેતાં રહેવાનું ને એ થયા કરવાનું. કહેવાથી આપણું જુદાપણું રહે. તન્મયાકાર ના થઈ જઈએ. એ પાડોશીને વઢીએ એવી રીતે ચાલ્યા કરે. એમ કરતું કરતું પૂરું થઈ જાય અને બધી ફાઈલો પૂરી થઈ જશે ને !ં

વિચારોને જોયા કરવા. 'તો તમે મહીં ભરાઈ રહ્યા છે !' એવું કહેવું આપણે ઊલટું ! 'આટલો બધો કરફ્યુ મૂકયો તોય હજુ પેસી ગયા છો ?' કહીએ ! માટે 'ભાગો, નહીં તો આ કરફ્યુ છે' કહીએ, 'હવે, આવી બન્યું જાણો.'

બ્રહ્મચર્ય બરાબર પળાય એટલે ધીમી ધીમી અસર થવા માંડે. આ મોઢા ઉપર તેજ આવતું જાય. પણ હજુ બહુ ખાસ મોઢા ઉપર બહુ તેજ નથી દેખાતું. ખોટ નથી દેખાતી પણ તેજ તો દેખાતું નથી બરોબર !

પ્રશ્નકર્તા : એનું શું કારણ હશે ?

દાદાશ્રી : દાનત ! દાનત તારી ખરાબ છે. ક્યાંથી તેજ દેખાય ? એ તો જોતાં પહેલા તારી દાનત બગડી જાય છે. વિષય-વિકાર તો હોતા હશે, બ્રહ્મચારી થયા પછી ?!

પ્રશ્નકર્તા : એ માટે શું કરવું જોઈએ ? આ દાનત આવી છે એટલે દાનત સુધરે, એના માટે શું કરવું જોઈએ ? એનો ઉપાય શું ?

દાદાશ્રી : વિચાર આવે છે તે હું ન્હોય. આપણે એને ટૈડકાવો જોઈએ. તું શું ટૈડકાવતો'તો ? ચંદ્રેશને ટૈડકાવતો હતો ને ? તે કોઈ દહાડો ટૈડકાવ્યો છે ? પછી પંપાળ પંપાળ કરું તો શું થાય ? એને ટૈડકાવીએ ને, બે ધોલો મારી દઈશ, એમ કહીએ. રડે તો ચંદ્રેશ. તું ટૈડકાવતો હોય અને ચંદ્રેશ રડતો હોય ! એવું થશે ત્યારે રાગે પડશે. નહીં તો અણહક્કના વિષય-વિકાર તો નર્કગતિમાં લઈ જાય. એનાં કરતાં પૈણું તો સારું, એ હક્કનો તો ખરો ! વિષય-વિકારની ઈચ્છાઓ થતી નથી ?

પ્રશ્નકર્તા : એવું કો'ક વાર વિચાર આવે છે !

દાદાશ્રી : પણ તે કો'ક વખત ને ? એટલે રોજ જમવાનો વિચાર આવે છે, એવું નહીં ને ? એ કો'ક કો'ક વખતે હાજર થાય વખતે. કો'ક દા'ડે વરસાદ પડે એવું ?

પ્રશ્નકર્તા : એ કો'ક દા'ડે. એટલે પહેલાં આમ બહુ આવતા'તા ને આખો દહાડે, એ બંધ થઈ ગયા.

દાદાશ્રી : અને હજુ તો વધુ ટાઈમ જશે ને એટલે એ દિશા જ બંધ થઈ જશે. જ્યાં આગળ જે દિશામાં આપણે જવું'તું એ દિશા આપણે નક્કી થઈ જાય, પછી પાછલી બધી અડચણ આવતી બંધ થઈ જાય ને પછી એ દિશા જ બંધ થઈ જાય. પછી આવે નહીં. પછી અમારા જેવું રહેવાય. એવું ઉત્પન્ન થઈ જાય.

પ્રશ્નકર્તા : હમણાં આ થ્રી વિઝન સારું રહે છે.

દાદાશ્રી : થ્રી વિઝન તો બહુ કામ કાઢી નાખે. નિદિધ્યાસન દાદાનું રહે છે ને ? એ નિદિધ્યાસનથી બધું ફળ મળે. નિદિધ્યાસન પછી ઈચ્છા જ ના થાય કોઈ ચીજની. ભીખ જ ના હોય.

વિષયનો વિચાર આવે તોય કહીએ, 'હું ન્હોય' આ જુદું, એને ટૈડકાવો પડે. ચંદ્રેશને 'આમ કર, આમ કામ કર, આમ કામ કર' ઊલટી આપણે દોરવણી કરવી. ના કરતો હોય તો આપણે એવું જરા કહેવું પડે કે આ બધાંની જોડે નહીં ચાલો તો, તમારી શી દશા થશે ? હાંકનાર તો જોઈએ કે ના જોઈએ ?

પ્રશ્નકર્તા : જોઈએ.

દાદાશ્રી : એટલે આ જ્ઞાન આપ્યું છે, શુદ્ધાત્મા રહે જ. હવે એમાં જો ચૂક ના ખઈશ, હવે જે કંઈ આવે તે બધું ચંદ્રેશનું છે. એટલે ચંદ્રેશની જોડે તારે ભાંજગડો કર્યા કરવી. 'તું તો પહેલેથી એવો જ છું, મારે લેવા દેવા નથી.' એવું તારે કહી દેવું. 'જો સીધો ચાલ. સીધો ચાલવું હોય તો ચાલ, નહીં તો પછી હું તો હપૂચો તરછોડ કરી દઈશ' કહીએ. કિંચિત્માત્ર દુઃખ એ મારું સ્વરૂપ ન્હોય. કિંચિત્માત્ર મહીં આ ઉપાધિ થાય એ સ્વરૂપ મારું ન્હોય. દાદાએ મને જે આપ્યું છે એ નિર્ઉપાધિપદ, પરમાનંદી પદ આપ્યું છે, એ મારું સ્વરૂપ છે.

થોડું થોડું ચંદ્રેશનેય ટૈડકાવતો રહે. કોઈ ટૈડકાવનાર નહીં તને. તને ટૈડકાવે તેને તું કૈડી ખઉં એવો છું. તને ધોલ મારવાની ટેવ છે ને ? તે કહીએ, ચંદ્રેશ, તને ધોલો મારીશ હવે તો. કંઈ પણ મહીં એ લાગે, એ વિષય વિકારી વિચાર એટલે સમજી જવાનું કે આ ચંદ્રેશ, હું ન્હોય. કંઈ પણ ફેરફાર થાય એ ચંદ્રેશ, આપણે નહીં. આપણામાં હોય જ નહીં ને !

પ્રશ્નકર્તા : પોતાના બધા દોષો જલ્દી નીકળી જાય, એના માટે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : જલ્દી વળી હોતું હશે ? એક દોષ કાઢી નાખવા જેવો થયો છે જલ્દી. એ તો ભ્રાંતિથી આ દોષ ઉત્પન્ન થાય છે, વિષય-વિકાર એકલો જ. બીજા બધાં દોષો તો એની મેળે ટાઈમ પર જ જાય, એકદમ જલ્દી ના જાય. આ વિષય-વિકાર તો એક જાતની ખાલી ભ્રાંતિ છે.

પ્રશ્નકર્તા : આમાંથી પાર ઊતરી જવાશે, એવી શ્રદ્ધા બેસી ગઈ છે આમ.

દાદાશ્રી : બેસી જાય. નીકળી જવાય આમ કરતાં કરતાં. દસ વર્ષ કાઢી નાખ્યાને એટલે એમ થયે પછી હવા જુદી આવે. અત્યારે ખીણમાં છે એટલે લાગે એવું. ખીણમાંથી બહાર નીકળ્યા એટલે 'ફક્કડ' ! બિમારી નીકળીને એટલે ગભરામણ થાય જરા. પણ મારીએ રોફ ને, ચંદ્રેશને 'તારા મનમાં શું સમજુ છું ?' કહીએ. પણ મને પૂછીને ટૈડકાવજે, હો. નહીં તો બ્લડપ્રેશર પર અસર થઈ જાય. પછી અહીં છટકયા એટલે પોતે ફાવ્યા. પછી બીજી મૂંઝવણને મૂંઝવણ ગણશો નહીં. અમે ઈશારો કરીએ તમને, અમે જાણીએ છીએ કે તમે જુવાન ઊંમરના છો.

ભેગા મળીને કામ કરે ત્યાં એ ભાગીદાર, જવાબદારીનું કામ કરે. ભાગીદારીમાં એ ભેગા કામ કરે, એ બંનેને ભોગવવું પડે. પણ જો જુદા રહીને કરેને, તો સહુ સહુની જવાબદારી. એટલે તમે જુદા રહીને કરો એટલે પછી ચંદ્રેશને એકલાને જ ભોગવવાનું. તમારે નહીં ભોગવવાનું અને પેલું તો તમારે ને ચંદ્રેશને બન્નેને ભોગવવાનું. છે પ્રકૃતિનું, આત્માએ કર્યું એવું ના હોય, તો રાગે પડશે.

પતાવો પ્રકૃતિને પટાવીને

પ્રશ્નકર્તા : દરેકે પોતાની ફાઈલ જોઈને કરવું જોઈએ. દરેકની ફાઈલને જુદી જુદી દવા માફક આવે. એકસરખી દવા ના માફક આવે. મારી ફાઈલને એવું વઢવાની કડક દવા માફક ના આવે.

દાદાશ્રી : હા, કોઈને પ્રેશર વધી જાય, કોઈને કશું એવું થઈ જાય.

પ્રશ્નકર્તા : તો આ બધા એકબીજાનું જોઈ જોઈને કરવા જાય આમ.

દાદાશ્રી : ના, જોઈ જોઈને કરશો નહીં. મને પૂછવું એ. એ મેં કહ્યું છે. અલ્યા, કોઈ કરશો નહીં, ગેટ-આઉટ, ગેટ-આઉટ કહીએ તો બ્લડપ્રેશર વધી જાય. એટલે તમારે તો અરીસામાં જોઈને કહેવું કે ભઈ હું છું, તારી સાથે. તું ગભરાઈશ નહીં, કહીએ. એમાં પ્રેશર ના થઈ જાય. નિશ્ચય જોઈએ આમાં, નિશ્ચય.

પ્રશ્નકર્તા : તમે જે પ્રયોગો બતાવો છો ને, અરીસામાં સામાયિક કરવાનું. પછી પ્રકૃતિ સાથે વાતચીત કરવાની, એ પ્રયોગ બધા બહુ સારા લાગે છે. પછી બે-ત્રણ દિવસ સારું થાય, પછી એમાં કચાશ આવી જાય છે.

દાદાશ્રી : કચાશ આવે તો પાછું ફરી નવેસર કરવું. જૂનું થાય એટલે બધું કચાશ જ આવે. પુદ્ગલનો સ્વભાવ જૂનું થાય એટલે બગડતું જાય અને નવી પાછી ગોઠવણી કરીને મૂકી દેવાનું.

પ્રશ્નકર્તા : એટલે એ પ્રયોગ દ્વારા જ કાર્ય સિદ્ધ થઈ જવું જોઈએ. એ થતું નથી ને અધવચ્ચે પૂરો થઈ જાય છે પ્રયોગ.

દાદાશ્રી : એમ કરતાં કરતાં સિદ્ધ થાય, એકદમ ના થઈ જાય.

પ્રશ્નકર્તા : એ પ્રયોગ અધૂરો હોય અને પછી બીજો પ્રયોગ પાછો કરીએ. એ અધૂરો મૂકીએ. ત્રીજો પ્રયોગ કંઈ બતાવે. એમાં અધૂરો એટલે બધા અધૂરા રહે છે.

દાદાશ્રી : એ આપણે ફરી પૂરા કરવા, ધીમે ધીમે એક એક લઈને. અરીસાનો પ્રયોગ પૂરો નહીં કર્યો ?

પ્રશ્નકર્તા : ના, એટલે જ્યારે કરીએ એટલો લાભ થાય. પણ આપણે પછી જે છૂટાપણું રહેવું જ જોઈએ. આ ભાઈને જે છૂટો જોઉં છું, એમ પછી પરમેનન્ટ નથી જોવાતું. પ્રકૃતિને જાણીએ ખરા, જુદી છે.

દાદાશ્રી : કેટલું વઢ્યો'તો એ, રડ્યો ત્યાં સુધી વઢ્યો'તો. તે બોલો હવે કેટલું છૂટું પડી ગયું ?! તું કંઈ વઢ્યો હતો એવું કોઈ દહાડો ? રડે એવો ?

પ્રશ્નકર્તા : રડ્યો નહોતો, પણ ઢીલો થઈ ગયો'તો.

દાદાશ્રી : ઢીલો થઈ ગયો'તો. તું ટૈડકાવું તો સીધો થઈ જાય ખરો ! ત્યારે પછી એ પ્રયોગ કેટલો કિંમતી પ્રયોગ છે. લોકોને આવડે નહીં. જુઓને, આ ભઈ બેસી રહે ઘેર, પણ આવો પ્રયોગ ના કરે.

પ્રશ્નકર્તા : અમે હઉ બેસી રહીએ છીએ. એટલે એમાં કચાશ છે કે પછી પ્રયોગનું મહત્વ સમજાયું નથી કે પછી આમાં હકીકત શું બને છે ?

દાદાશ્રી : એટલો ઉલ્લાસ ઓછો છે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21