ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

ખંડ : ૨

'ના જ પરણવા'નાં નિશ્ચયી માટેની વાટ

[૧]

વિષયથી, કઈ સમજણે છૂટાય ?

ના પૈણવાના નિશ્ચયીને

પ્રશ્નકર્તા : મારે લગ્ન કરવાની ઇચ્છા નથી, પરંતુ મા-બાપ તેમજ અન્ય સગાસંબંધી લગ્ન માટે દબાણ કરે છે. તો મારે લગ્ન કરવાં કે નહીં ?

દાદાશ્રી : જો લગ્ન કરવાની ઇચ્છા જ ના હોય તો આપણું આ 'જ્ઞાન' તમે લીધું છે એટલે તમે પહોંચી શકશો. આ જ્ઞાનના પ્રતાપે બધું જ થાય એમ છે. હું તમને કેવી રીતે વર્તવું, તે સમજાવીશ અને જો પાર ઊતરી ગયા, તો તો બહુ ઉત્તમ. તમારું કલ્યાણ થઈ જશે !!!

પ્રશ્નકર્તા : પૈણાવા માટે બધા લોકો બહુ ફોર્સ કરે છે.

દાદાશ્રી : તમને 'વ્યવસ્થિત' સમજાઈ ગયું છે કે નહીં ?

પ્રશ્નકર્તા : વ્યવસ્થિત તો સમજાઈ ગયું છે.

દાદાશ્રી : તો 'વ્યવસ્થિત'ની બહાર કોઈનુંય ચાલવાનું નથી. માટે 'વ્યવસ્થિત' ઉપર છોડીને નક્કી રાખો, દ્ઢ નિશ્ચય કરો કે મારે નથી જ પૈણવું.

પણ પૈણ્યા વગર તને શી રીતે ચાલશે ?

પ્રશ્નકર્તા : કયા ભવમાં અનુભવ નથી કર્યો ?

દાદાશ્રી : ખરું કહે છે કે કયા ભવમાં અનુભવ નથી કર્યો ! બકરીમાં, કૂતરામાં, ગધેડામાં, વાઘમાં, જ્યાં જાવ ત્યાં આના આ જ અનુભવ કર્યા છે ને?! પણ પૈણવાનું જો ધ્યેયપૂર્વક છૂટે તો સારું. હવે તારે 'લોકોને જે અનુભવ થયા છે એ મને જ થયા છે', એવી ગોઠવણી કરી લેવી પડશે ને ? નહીં તો જગતના લોકો તને બિનઅનુભવી કહેશે. પૈણવું કે ના પૈણવું એ 'વ્યવસ્થિત'ના તાબામાં છે, પણ અત્યારે જો પાંચ વર્ષ આ જ્ઞાનના આધારે બ્રહ્મચર્ય પાળે તો કેટલી બધી શક્તિઓ પ્રગટ થઈ જાય અને આ દેહનું બંધારણ કેવું સરસ થઈ જાય ! આખી જિંદગી તાવતરિયો જ ના આવે ને !!

આપણું આ વિજ્ઞાન થોડા વખતમાં સેફસાઈડ કરી નાખે એવું છે. જેને ભગવાન પણ ના પૂછી શકે એવી સેફસાઈડ કરે એવું આ વિજ્ઞાન છે. ખાવાપીવાની બધી છૂટ આપી છે ને ? મેં જો ખાવાપીવાનો વાંધો કર્યો હોત, તો અહીં ઘણા ખરાં આવત જ નહીં. એટલે અમે છૂટ આપી છે.

આ સંસારચક્રનો આધાર વિષય પર છે. છે તો પાંચ જ વિષય, પણ સ્ત્રી સંબંધીનો તો બહુ જ ભારે વિષય છે. એના તો પછી ભારે સ્પંદનો ઊડે છે. આપણું જ્ઞાન એવું સરસ છે ને એમાં રહ્યા કરે, તો કશું એને અડે નહીં અને પાછલું બધું ધોવાઈ જાય. પણ વિષય બાબતમાં જાગૃત રહેવું પડે. ત્યાં તો 'આમાં સુખ જ નથી અને આ ફસામણ જ છે' એ અભિપ્રાય રહેવો જોઈએ. એ બગીચો ન હોય. એ ફસામણ જ છે. એવું ભાન રહે તો છૂટી જવાય. પણ અહીં એવું ભાન રહેતું નથી ને ? ફસામણ હોય તો ત્યાં કેવું રહે ? અને બગીચામાં ફરતા હોય તો કેવું રહે ? બગીચામાં તો આમ ઉલ્લાસ રહે જ્યારે ફસામણમાં તો ક્યારે આમાંથી છૂટાય એવું રહે ને ? માટે 'આપણે' 'ચંદ્રેશ'ને કહેવું 'ચંદ્રેશ આમાંથી ક્યારે છૂટશો ! આ તો ફસામણ છે. આમાં પડવા જેવું નથી.' પણ આમાં ફસામણ જેવું નથી રહેતું ને ત્યાં જ મુક્ત ભાવ થઈ જાય છે ને ? હવે જો આખી સમજણ ફેર કરી નાખે તો ઉકેલ આવે.

સમજીને પેસો આમાં...

પ્રશ્નકર્તા : આજે ડીસિઝન લઈ લીધું છે, પણ પાછલો માલ ઘણો છે. તો ડીસિઝનના આધારે આમાંથી મારે નીકળી જવાશે ?

દાદાશ્રી : ડીસિઝન સાચું હોય તો નીકળી જ જવાય, નિશ્ચય મુખ્ય વસ્તુ છે. નિશ્ચય જેણે પકડ્યો છે, એને દુનિયામાં કોઈ કશું નામ ના દે. તને કેમ શંકા પડે છે ? શંકા પડે છે, એ જ અનિશ્ચય કહેવાય.

પ્રશ્નકર્તા : આપને પૂછીને ચોક્કસ કરી લઉં છું.

દાદાશ્રી : ના, પણ શંકા પડે છે એ જ અનિશ્ચય છે. કશું થવાનું નથી. દાદા માથે છે, પછી શું થનાર છે ? માટે શંકા રાખવા જેવું નથી. આ જ્ઞાન છે એટલે બ્રહ્મચર્યમાં રહેવાશે, નહીં તો હું તમને ના જ પાડી દઉં. હું તો આજ્ઞા કરી દઉં કે તમારે પૈણવું પડશે. આ તો 'આ' જ્ઞાન છે એટલે તમને હા પાડું છું. કારણ કે માણસને સુખનું સાધન જોઈએને ? મરતો માણસ કયા સુખના આધારે જીવે ? આ જ્ઞાન એવું છે કે તમે આ જ્ઞાનથી આત્માના ધ્યાનમાં રહો કે તરત આનંદમાં આવી જાવ. અગર તો કલાક બધે શુદ્ધાત્મા જુઓ, રીયલ ને રીલેટિવ જુઓ તો બધું રેગ્યુલર.

બ્રહ્મચર્ય અરધી જિંદગી પાળીશ કે પછી પૈણીશ ?! પછી તો પૈણાય જ નહીં અને પછી તો પૈણવાનો વિચાર સરખોય ના આવવો જોઈએ, એ વિચાર એય ગુનો છે. હું કહું છું કે કોઈ કોઈની નકલ કરશો નહીં. અલ્યા, જરા વિચાર તો કરો. આ કંઈ નકલ કરવા જેવી ચીજ ન હોય. એના કરતાં પૈણને ! પૈણવાથી કંઈ મોક્ષ જતો રહેવાનો નથી. બીજા ધર્મમાં તો પૈણવાથી મોક્ષ જતો રહે. ના પૈણવાથીય કંઈ મોક્ષ મળતો નથી અને પૈણવાથીય મોક્ષ મળતો નથી. તે અનંત અવતારથી આ બાવા થયેલા છે, તોય મોક્ષ થયેલો નહીં. પેલો બ્રહ્મચર્ય પાળે છે, માટે મારે પણ તેવું કરવું જ જોઈએ. એવું બધા કરશો નહીં. એવું આમાં ના ચાલે. પોતાની જાતને ખૂબ તાવી જોવી જોઈએ. અમે આ અમુક અમુક છોકરાને તાવી જોયેલા, એમને તો સ્ત્રીની વાત કહેતાં જ એ ડરે છે. પૈણાવાની વાત સંભારીએ તે પહેલાં જ એને ભડકાટ ભડકાટ થઈ જાય છે. એટલે પછી અમે જાણ્યું કે એનાં ઉદયમાં સ્ત્રી છે જ નહીં.

આ જે બ્રહ્મચર્યનું પકડ્યું છે, એ બહું સારું કર્યું છે. પણ તાનના માર્યા પકડો, એવું ના પકડશો. પકડો તો સમજીને પકડજો. હવે જો કુસંગમાં પેઠો કે મહીં તરત દહીં થઈ જશે. જે દૂધની ચા કરવાની છે, તે દૂધ ફાટી જશે. મહીં દહીં નાખ્યા વગર આખી રાત પાંજરામાં દૂધ અને દહીં જોડે જોડે મૂક્યા હોય તો સવારે દૂધ ફાટી જાય કે નહીં ? એવું બને કે નહીં ? એટલે આટલી બધી અસરવાળું આ જગત છે. દહીં નાખ્યા વગર ફાટી જાય. એટલા માટે બહુ સ્ટ્રોંગ રહેવું. આ બ્રહ્મચર્યની લાઈનમાં સુખેય પાર વગરનું છે. બેફામ સુખ તમને મળ્યા કરે. પણ જો કદી તેમાં સહેજ ગૂંચાયા ને લપસી પડ્યા તો મારેય એટલો પડે. માટે અમે તમને ચેતવીએ. વિષય તો એવી વસ્તુ છે ને, કે એ માણસને લપસાવી પાડે. લપસી પડ્યો તેનો ખેદ ના કરીશ. પણ આ જગ્યાએ લપસી પડાય એમ છે, માટે ત્યાં જાગૃત રહેજે.

ફરી ફરી કરવો નિશ્ચય દ્ઢ

બ્રહ્મચર્યવ્રત લેવાના વિચાર આવે અને જો એનો નિશ્ચય થાય તો એના જેવી મોટામાં મોટી વસ્તુ બીજી કઈ કહેવાય ? એ બધા શાસ્ત્રો સમજી ગયો !! જેને નિશ્ચય થયો કે મારે હવે છૂટવું જ છે, તે બધા શાસ્ત્રો સમજી ગયો. વિષયનો મોહ એવો છે કે ગમે તેવા નિર્મોહીને પણ મોહી બનાવી દે. અરે, સાધુ-આચાર્યોનેય ટાઢા પાડી મેલે !

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યનો નિશ્ચય કર્યો છે, એને વધારે મજબૂત કરવા શું કરવું જોઈએ ?

દાદાશ્રી : આપણે 'નિશ્ચય મજબૂત કરવો છે ' એવું નક્કી કરવું જોઈએ.

પ્રશ્નકર્તા : એકવાર આપણે આટલું બોલ્યા પછી હેન્ડલ તો વારંવાર મારવા પડે ને ?

દાદાશ્રી : હા, એ જ ફરી ફરી નિશ્ચય કરવાનો છે અને 'હે દાદા ભગવાન! હું નિશ્ચય મજબૂત કરું છું, મને નિશ્ચય મજબૂત કરવાની શક્તિ આપો.' એવું બોલ્યા કે શક્તિ વધે.

પ્રશ્નકર્તા : આ અવતારે તો ઉદયમાં બ્રહ્મચર્ય આવ્યું. પછી તે બીજા અવતારમાં કેવું હોય ?

દાદાશ્રી : બીજા અવતારમાં પણ એવું જ આવે. અત્યારે એ એમ જ કહે કે આ બ્રહ્મચર્ય તો બહુ સરસ છે, આવું જ જોઈએ. તો બીજા અવતારમાં પણ એ થવાનું.

પ્રશ્નકર્તા : અમને વિચારો ઉપરથી ખ્યાલ તો આવેને, કે ઉદયમાં કેવું આવે છે ?

દાદાશ્રી : નિશ્ચય હોય તેને કશુંય અડે નહીં. એ ગમે તેવું કરે કે ગમે તેવા વિચાર આવે તો પણ અડે નહીં. નહીં તો ઓછા વિષયવાળાને પણ 'વિષય' ઉદયમાં આવી જાય. માટે નિશ્ચય જોઈએ ! જેનો નિશ્ચય ડગે નહીં એને કશું ના થાય, નિશ્ચય ડગે તેને બધા ભૂતાં પેસી જાય, બધોય રોગ પેસી જાય.

પ્રશ્નકર્તા : નિશ્ચય મજબૂત હોય તો વિચાર આવે તો વાંધો નહીં ?

દાદાશ્રી : ના, એ વિચાર પેસે જ નહીં એને. કારણ કે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એટલે નિશ્ચય થાય, નહીં તો નિશ્ચય થાય જ નહીં.

હે વિષય ! તારા પક્ષમાં, હવે નહીં

પ્રશ્નકર્તા : આ વિચારોને દબાવી દઉં, એમ કરું છું છતાંય વિચારો આવે છે.

દાદાશ્રી : મારું કહેવાનું કે વિચારો આવે છે તેનો વાંધો નથી, પણ વિચારો જે આવે છે, તેને જોયા કરો અને એના અમલમાં તમે ના ભળો. જે વિચારો આવે છે, એના અમલમાં તમે સહી ના કરો. એ કહે, 'સહી કરો.' તો આપણે કહીએ 'ના બા, હવે સહી નહીં થાય. બહુ દહાડા અમે સહી કરી, હવે સહી નહીં કરી આપીએ.' અમે એવું કહીએ છીએ કે તું એવું નક્કી કર કે આમાં ભળવું જ નથી. છૂટો રહીને જોયા કર. એટલે એક દહાડો તું છૂટી જઈશ.

પ્રશ્નકર્તા : વિષયના વિચાર આવે તો પણ જોયા કરવાના ?

દાદાશ્રી : જોયા જ કરવાના. ત્યારે શું એને સંગ્રહી રાખવાના ?

પ્રશ્નકર્તા : ઉડાડી નહીં દેવાના ?

દાદાશ્રી : જોયા જ કરવાના, જોયા કર્યા પછી છે તે આપણે ચંદ્રેશને કહેવું કે એનાં પ્રતિક્રમણ કરો. મન-વચન-કાયાથી વિકારી દોષ, ઇચ્છાઓ, ચેષ્ટાઓ, એ બધા દોષો જે થયા હોય, એનું પ્રતિક્રમણ કરવું પડે. વિષયના વિચાર આવે છે પણ પોતે એમાંથી છૂટે, તો કેટલો બધો આનંદ થાય છે ?! તો વિષયથી કાયમ છૂટે તો કેટલો આનંદ રહે ?

મોક્ષે જવાના ચાર પાયા છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ. હવે તપ ક્યારે કરવાનું આવે ? મનમાં વિષયના વિચાર આવતા હોય અને પોતાનો સ્ટ્રોંગ નિશ્ચય હોય કે મારે વિષય ભોગવવો જ નથી. તો આને ભગવાને તપ કહ્યું. પોતાની કિંચિત્માત્ર ઇચ્છા ના હોય, છતાં વિચારો આવ્યા કરે ત્યાં તપ કરવાનું છે.

અબ્રહ્મચર્યના વિચારો આવે, પણ બ્રહ્મચર્યની શક્તિઓ માંગ માંગ કરે, એ બહુ ઊંચી વાત છે. બ્રહ્મચર્યની શક્તિઓ માંગ માંગ કરે એટલે કોઈને બે વર્ષે, કોઈને પાંચ વર્ષે પણ એવો ઉદય આવી જાય. જેણે અબ્રહ્મચર્ય જીત્યું એણે આખું જગત જીત્યું. બ્રહ્મચર્યવાળા પર તો શાસનદેવ-દેવીઓ બહુ ખુશ રહે.

લોકદ્ષ્ટિથી ઊંધું જ ચાલ્યા કરે ને ? પણ જ્ઞાની પુરુષની હાજરી હોય ત્યારે બ્રહ્મચર્ય પળાય, નહીં તો ના પળાય. એક વિચાર ના બગડવો જોઈએ. વિચાર ફર્યો કે બધું બગડ્યું. કોઈ પણ રસ્તે એક વિચારેય ફરવો જ ના જોઈએ. આ જ્ઞાન છે એટલે જાગૃતિ તો છે જ આપણને ! જાગૃતિ છે એટલે વિચાર આપણો ફરે નહીં, તો કશું થાય નહીં. છતાં વિચારફેર થાય તો પ્રતિક્રમણ કરવાં પડે. કારણ એ પાછલો હિસાબ છે. એ એક ભવનો જે બગાડ થયેલો હોય, તે ચૂકવી નાખો.

એક ચેતવા જેવું તો વિષય બાબતમાં છેે. એક વિષયને જીતે તો બહુ થઈ ગયું. એનો વિચાર આવતાં પહેલાં જ ઉખેડી નાખવું પડે. મહીં વિચાર ઊગ્યો કે તરત જ ઉખેડી નાખવું પડે. બીજું, આમ દ્ષ્ટિ મળી કો'કની જોડે, તો તરત ખસેડી નાખવી પડે. નહીં તો એ છોડવો આવડો અમથો થાય કે તરત એમાંથી પાછાં બીજ પડે. એટલે એ છોડવો તો ઊગતાં જ કાઢી નાખવો પડે. આપણને ખબર પડે કે આ ગુલાબનો છોડ ન હોય; આ બીજો છે. એટલે તરત ઉખેડીને ફેંકી દેવું.

જે સંગમાં આપણે ફસાઈએ એવું હોય એ સંગથી બહુ જ છેટા રહેવું, નહીં તો એક ફેરો ફસાયા કે ફરી ફસાય ફસાય જ થયા કરે, માટે ત્યાંથી ભાગવું. લપસવાની જગ્યા હોય ત્યાંથી ભાગવું, તો લપસી ના પડાય. સત્સંગમાં તો બીજી 'ફાઈલો' ભેગી નહીં થવાની ને ? એક જાતના વિચારવાળા બધા ભેગા થાય ને?!

બે પાંદડે જ નિંદી નાખવું

મનમાં વિષયનો વિચાર આવ્યો કે તરત તેને ઉખેડી નાંખવો જોઈએ અને કંઈક આકર્ષણ થયું કે એનું તરત જ પ્રતિક્રમણ કરવું જોઈએ. આ બે શબ્દ પકડે તેને બ્રહ્મચર્ય કાયમ રહે. આપણને એમ લાગે કે આ વિષય-વિકારનું આકર્ષણ થયું કે તરત પ્રતિક્રમણ કરવું જોઈએ અને કોઈ વિષય-વિકારનો મહીંથી વિચાર ઊગ્યો તો એ છોડવો તરત જ ઉખેડીને બહાર ફેંકી દેવો. બસ, આ બે કરે, એને પછી વાંધો ના આવે.

પ્રશ્નકર્તા : પણ જાગૃતિ અને આ બે એકી સાથે રહે ?

દાદાશ્રી : ના, જાગૃતિ હોય તો જ આ થાય, નહીં તો થાય નહીં ને !

આ છોડવો ઉગતો હોય તો, ત્યાંથી જ સમજી જવું કે આ છોડવો કૂંચનો છે. એટલે એને ઉગતાંની સાથે જ ઉખેડીને ફેંકી દેવું. નહીં તો ચોંટશે, તો એ કૂંચથી આખા શરીરે લ્હાય બળશે. માટે ફરી ઊગે નહીં એવી રીતે ફેંકી દેજો. એવું આ મિશ્રચેતનના વિચાર આવે તો ઉગવા જ ના દેશો. એને તો નિંદી જ નાખજો, તો એક દહાડો આનાથી ઉકેલ આવશે. નહીં તો એક જો ઉગ્યું તો કેટલાંય અવતાર બગાડી નાખે. ભગવાને વિષયના છોડવાને જ નિંદી નાખવાનું કહ્યું છે. બીજા છોડવા તો છો ને ઊગે, એ જોખમી નથી. પણ મિશ્રચેતન જોખમી છે. અનાદિકાળનો અભ્યાસ એટલે મન પાછું આનું આ જ ચિંતવન કરે. ત્યારે પાછો વિષયનો છોડવો ઊગે. આ મગને પાણી નાખે તો ઊગે, તે નીચે મૂળિયું નાખે. એટલે ત્યાંથી આપણે જાણીએ કે આ તો છોડવો થશે. એટલે આવું આમાં વિચાર આવ્યો એટલે ત્યાંથી જ એને ઉખેડીને ફેંકી દેવો. આ વિષય એકલો જ એવો છે કે આવડો સહેજ છોડવો મોટો થયા પછી જતો નથી. એટલે એને મૂળમાંથી જ ઉખેડીને ખેંચી કાઢવું.

હવે જો આવી જાગૃતિ રહે તો માણસ આરપાર જઈ શકે, નહીં તો આ તો બેભાનપણું છે. આ તો ચાદરે વીંટેલું માંસ છે. આખી દુનિયાનો બધો કચરો આ શરીરમાં છે, છતાંય આ ચાદરને લીધે કેવો મોહ થાય છેે ! એ મોહ શાથી ઉત્પન્ન થાય છે ? અજાગૃતિથી ! પછી પાછળથી પસ્તાવુંય પડે છે ને ? પસ્તાવો એટલે શું ? પશ્ચાતાપ. પશ્ચાતાપ એટલે મહીં ડંખ્યા કરે. એના કરતાં જાગૃતિ હોય તો કેવું સરસ ! જાગૃતિ જો ના રહેતી હોય તો પછી શાદી કર. આપણને તેનો વાંધો નથી. શાદી એટલે નિકાલી બાબત. નહીં તો જાગૃતિ રાખવી પડે. અત્યાર સુધી નરી અજાગૃતિ જ હતી. આ તો તેમાંથી આ જાગૃતિ કરવાની બાકી રહી. એકસો ને આઠ દીવા હોય, તે બાર દીવા તો સળગાવ્યા. પછી તેરમો, ચૌદમો એમ સળગાવ્યે જવાના.

પ્રશ્નકર્તા : જાગૃતિપૂર્વક ભાનમાં હોવા છતાં ખેંચાઈ ગયા, આપણું ત્યાં આગળ કશું ચાલ્યું નહીં, તો શું કરવું ? એનો કેટલો દોષ બેસે ?

દાદાશ્રી : દોષ તો ખરો જ ને ! વૈદે કહ્યું હોય કે મરચું ના ખાશો ને આપણે મરચું ખઈએ, તો શું થાય ? પણ એવાં તો કંઈ બહુ ફૂલિશ નીકળે નહીં, થોડાંક જ નીકળે અને એણે મરચું ખાધું, તે પછી એનો રોગ વધે.

પ્રશ્નકર્તા : પણ હવે એણે કરવું શું ? ઉપાય તો હોવો જોઈએને ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાનું. બીજું શું ?

પ્રશ્નકર્તા : પણ જ્ઞાનીને કહેવાનું નહીં ? જેણે આજ્ઞા આપી હોય, એને કહેવું તો પડશે ને ?

દાદાશ્રી : હા, કહે તો પણ પ્રતિક્રમણ કરવાનું. બાકી પેલો મરચું ખાય, એમાં જ્ઞાની કંઈ ઓછા ઝેર ખાય ?

કોઈક દહાડો મહીં ખરાબ વિચાર ઉગ્યા અને એને કાઢી નાખતાં વાર લાગી તો જરા મોટું પ્રતિક્રમણ કરવું પડે. નહીં તો વિચાર ઉગ્યો કે તરત કાઢી નાખવાનું, ઉખેડીને તરત ફેંકી દેવાનું. બાકી આ વિષય-વિકાર એવો છે કે એક સેકન્ડેય જરાય રહેવા ના દેવાય. નહીં તો ઝાડ થતાં વાર ના લાગે. એટલે ઉગ્યો કે તરત ઉખેડીને ફેંકી દેવાનો. જેમ આપણે ઘઉં વાવવાના હોય ને તમાકુનો છોડવો ઊગી નીકળે તો એને તરત કાઢી નાખીએ. એવું આમાંય વિષયને ઉખેડી નાખવાનો.

પ્રશ્નકર્તા : વિષયનું અજ્ઞાન એ શું છે ?

દાદાશ્રી : બગીચામાં શું રોપ્યું છે, એ ઊગે ત્યારે ખબર પડે કે આ તો ધાણા ઊગ્યા, આ તો મેથી ઊગી, એના પાંદડાં પરથી ખબર પડે ને ? તેવું વિષયના બીજનું છે, તેને ઊગે ત્યાંથી જ ખેંચી નાખીએ.

જે પડેલાં બીજ ઉખેડી નાખે છે, એ ઉખેડી નાખ્યા પછી જે વિષયો છે, એ વિષય જ નથી. ઝાડ છે તો ભલે રહ્યું, વરસાદ પડે તો ભલે પડે. એમ માનોને, અહીં બોરડીનું ઝાડ હોય, તે એનું બીજ તો ફર્લાંગ છેટે ઊગે. પવન છે તે બીજને ગમે ત્યાં ખેંચી જાય એટલે આપણે બોરડી નીચે જ નહીં, પણ આજુબાજુ બધે ઊગેલા બીજને ઉખેડી નાખવાનાં. બીજ કોને કહેવાય ? અન્ય સંયોગ ભેગા થાય ત્યારે બીજ પડે તો એ ઊગે, તો ઊગતાંની સાથે એને ઉખેડી નાખવું.

બે પ્રકારના વિષય, એક ચાર્જ ને બીજો ડિસ્ચાર્જ. ચાર્જના બીજને ધોઈ નાખવાનું. ખરી રીતે તો વિચાર જ ના આવવો જોઈએ. જ્ઞાની પુરુષને લક્ષ્મીના, વિષયના વિચાર જ ના આવે, એટલે બીજ પડવાની ને ઊગવાની વાત જ ક્યાં રહી ?! જો તમને વિચાર આવે તો તમે એને ઉખેડી નાખજો, તો પછી વિચારો ના ઊગે. એક એકને આમ ઉખેડી નાખવાનાં. આ તો અક્રમ જ્ઞાન છે, તે અજ્ઞાન ગયું છે, પણ પાછલો માલ રહ્યો છે તેથી ચેતવણી આપવી પડે. આ બીજનો સ્વભાવ કેવો છે કે પડ્યા જ કરે. આંખો તો જાત જાતનું જુએ એટલે મહીં બીજ પડે, તો એને પછી ઉખેડી નાખવાનું. આ હોટલ દેખે તો ખાવાની ઇચ્છા થાયને ? એના જેવું છે. આપણે તો મોક્ષે જવું છે માટે ચેતવાનું છે. આંખથી જોવાથી કંઈ પણ ખેંચાણ થાય એ ભયંકર રોગ છે એમ માનો. જ્યાં સુધી બીજ રૂપે છે ત્યાં સુધી ઉપાય છે, પછી કશું ના વળે.

ખેંચાય ચિત્ત રસ્તે જતાં...

પ્રશ્નકર્તા : અહીં ઘેર બેઠા હોઈએ તો ચિત્ત આઘુંપાછું થતું નથી, પણ રસ્તા પર સહેજ નીકળ્યા તો સ્ત્રી વગર રસ્તા હોતા નથી અને આ બાજુ વિષયની ગાંઠ ફૂટ્યા વગર રહેતી નથી.

દાદાશ્રી : અને તમારે બહાર ફર્યા વગર ચાલે એવું નથી! બહાર કંઈક લેવા જવું પડે, નોકરી-ધંધે જવું પડે અને વિષય ઊભો થયા વગર રહે નહીં અને એટલે તેના પ્રતિક્રમણ કર્યા વગર ચાલે નહીં. પ્રતિક્રમણ કરીએ તો ઉકેલ આવે, નહીં તો પેલું આકર્ષણ ઊભું રહેલું તો ચોટ્યું જ પછી. બહાર જવું-આવવું પડે, તે ચાલે એવું નથી, જગતમાં ઘેર બેસી રહે તો ચાલે નહીં. 'વ્યવસ્થિત' પ્રમાણે જવું પડે અને પેલા ચોંટ્યા વગર ના રહે. જાગૃતિ તો હોય, તોય ગયા અવતારના બધા મેળ છે ને, તે આકર્ષણ થાય ને પાછું ભાંજગડ થયા વગર રહે નહીં. એટલે ઘેર આવીને પછી પ્રતિક્રમણ કરે તો ઊખડી જાય.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ બરોબર થતાં નથી.

દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાનો નિશ્ચય કરીએ તો થાય. પ્રતિક્રમણ તો અવશ્ય કરવાં જ જોઈએ. પ્રતિક્રમણ કર્યા પછી મન ચોખ્ખું થઈ જાય.

આ લપસણો કાળ કહેવાય છે. સત્યુગમાંથી દ્વાપર, ત્રેતા એમ લપસતો લપસતો આ છેલ્લો કાળ આવી રહ્યો છે, એમાં બ્રહ્મચર્યનું મહત્ત્વ ઘટી ગયું છે, એટલે જ આ દશા બેઠી છે. બ્રહ્મચર્યનું જો મહત્ત્વ રહ્યું હોત તો આ દશા જ ના બેસત ! સંસારી સ્થાન માટે વાંધો નથી, પણ બ્રહ્મચર્યનું મહત્ત્વ જ લોકોએ ઉડાડી મૂક્યું. એટલે પછી પોતાની જાગૃતિ બધી મંદ પડી જાય. આપણે આ જ્ઞાન આપ્યું તોય કેટલાંકને જાગૃતિ જોઈએ એવી નથી રહેતી, નહીં તો આપણું જ્ઞાન આપ્યા પછી તો જાગૃતિ કેવી રહે ? ભગવાન જેવી જાગૃતિ રહે. તને જાગૃતિ બહુ રહે છે કે મંદ પડી જાય છે ?

પ્રશ્નકર્તા : લિમિટની બહુ ખબર નથી પડતી.

દાદાશ્રી : બહુ જાગૃતિ હોય તો આપણને ઠોકરો ના વાગે ને ? ભૂલ થાય છે તારે ? ભૂલ થઈ ગયા પછી ખબર પડે છે ને?

પ્રશ્નકર્તા : હા, પછી ખબર પડે.

દાદાશ્રી : એટલે જો જાગૃતિ બહુ હોય તો, ભૂલ થઈ ગયા પછી ખબર પડે એવું ના થાય. ભૂલ થઈ હોય તે પહેલેથી જ ખબર પડી જાય અને એ વસ્તુ થાય પણ ખરી પાછી, પણ પોતાને પહેલાં ખબર પડે ને પછી થાય. એટલે વસ્તુ કંઈ અટકતી નથી, પણ જાગૃતિ બહુ હોય તો પહેલેથી ખબર પડી જાય.

પ્રશ્નકર્તા : જો આપણે નિરંતર બ્રહ્મચર્યમાં રહેવું હોય તો જાગૃિત ભારે જોઈએને ?

દાદાશ્રી : જાગૃતિ એ જ આત્મા છે અને પોતે જો ઊંઘી ગયો હોય તો બીજા કામ થઈ જાય. માટે જાગૃતિમાં કશુંય કામ અવળું ના થાય અને બીજી ડખલ નથી ને બહુ, પણ ડખલો અણસમજણથી ઊભી થયેલી તો માર ખાવો પડે છે ને ?

પ્રશ્નકર્તા : પોતે વિષયમાં સહમત ના થાય તો બચી જવાય, એવી તે દહાડે વાત નીકળી હતી. એટલે એમાં પોતાની સ્થિરતા કેવી રીતે આવી શકે ?

દાદાશ્રી : હા. પણ સહમત એટલે, આ નિશ્ચયમાં ક્યારેય પણ છૂટે નહીં. એવી સહમતતા હોય, તો પછી કશું ના થાય, પણ એ છૂટી ગયા વગર રહે નહીં ને ! કારણ કે કર્મના ઉદયે જ્યારે એવું બનવાનું હોય છે ત્યારે છૂટી જઈને બની જાય. એટલે તારે શું કરવાનું ? કે તારે તો ફક્ત જાગૃતિ જ રાખવાની કે, 'આમાં નહીં જ !' સહમતતા છૂટે નહીં એને માટે 'કેરફૂલ' રહેવું પડે, છતાં પછી પડી ગયા તો એનો વાંધો નહીં. આપણે ગાડીમાંથી પડી જવું નથી, છતાં પડી ગયા તો એને આપણે 'વ્યવસ્થિત' કહીએ છીએ ને ? પણ જાણીજોઈને કોઈ પડે ?

દ્ષ્ટિ માંડીએ, તો દ્ષ્ટિ બગડેને

ગમે તે એક બાજુ હ્રદય તો લાગેલું જ રહે છે, કાં તો આ બાજુ લાગેલું રહે કાં તો આ બાજુ રહે. અહીં છૂટી જાય તો પેણે લાગી જાય, એના માટે આપણે બેસી ના રહેવું પડે. માટે બહુ ચેતવા જેવું છે. આપણે અહીંથી છોડીએ ત્યારે જ પેણે લાગેને ? અને ત્યાં ચોંટવાનું થાય, તે પહેલાં ચેતી જવું. દ્ષ્ટિ તો માંડવી જ નહીં, નીચું જ જોઈને ચાલવું. તું કોઈના સામે દ્ષ્ટિ માંડતો નથી ને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો તો બહુ ડાહ્યો, તું જીતી ગયો. દ્ષ્ટિ તો ક્યારેય ના માંડવી, બહુ બૂમાબૂમ કરે તોય. નહીં તો અહીં આ સત્સંગમાં દિલ લાગેલું હશે તે ઊડી જશે.

દુષમકાળમાં આંખને સંભાળવી. આ દુષમકાળ છે, માટે ચેતો, હજુ ચેતો. દ્ષ્ટિ તો બિલકુલ શુદ્ધ રહેવી જોઈએ. પહેલાંના કાળમાં તો કડક માણસો, આંખો ફોડી નાખતા હતા. આપણે આંખને ફોડી નહીં નાખવાની એ તો મૂર્ખાઈ છે; પણ આપણે દ્ષ્ટિ ફેરવી નાખવાની છે, તેમ છતાં જોવાઈ જાય તો પ્રતિક્રમણ કરી લેવું. આ પ્રતિક્રમણ તો એક મિનિટ ચૂકશો નહીં. ખાધે-પીધે વાંકું થયું હશે તો ચાલશે, પણ આ દ્ષ્ટિ જ કેમ કરાય ? સંસારમાં મોટામાં મોટો રોગ જ આ છે, આને લઈને સંસાર ઊભો રહ્યો છે. વિષયના મૂળિયા ઉપર સંસાર ઊભો રહ્યો છે, વિષય જ મૂળ છે.

વિષય તો દરેકને ના જ ગમે, પણ આ પહેલી વખતના હિસાબ થઈ ગયા છે ને આંખ માંડી ત્યારથી હિસાબ ચાલુ થઈ ગયો. તે પછી ના છોડે. આ બધી સ્ત્રીઓ કંઈ આપણને આકર્ષતી નથી, જે આકર્ષે છે તે આપણો પાછલો હિસાબ છે; માટે ત્યાં ઉખેડીને ફેંકી દો, ચોખ્ખું કરી નાખો. આપણા જ્ઞાન પછી કશો વાંધો નથી આવતો, માત્ર એક વિષય માટે અમે ચેતવીએ છીએ. દ્ષ્ટિ માંડવી જ ગુનો છે અને એ સમજ્યા પછી જોખમદારી ખૂબ વધી જાય છે, માટે કોઈની જોડે દ્ષ્ટિ જ ના માંડવી. દ્ષ્ટિ માંડવાથી જ બધું બગડે છે. દ્ષ્ટિ બગડે છે, તેય એકદમ નથી બગડતી, પહેલાંનો હિસાબ હોય તો જ આકર્ષણ થાય. મૂળ દ્ષ્ટિ ના બગડે, બગડેલી જ દ્ષ્ટિ બગડે.

પ્રતિક્રમણ પછી, દંડનો ઉપાય

ગયા અવતારે જે ભૂલ થયેલી, તેનાથી આ અવતારે દ્ષ્ટિ પડી જાય. આપણે દ્ષ્ટિ ના પાડવી હોય તોય દ્ષ્ટિ પડી જાય. દ્ષ્ટિ પડ્યા પછી આપણે ના ખેંચાવા દેવું હોય તોય પાછું મન ખેંચાય. એટલે પહેલાંનો હિસાબ છે માટે આવું બધું થાય છે, ત્યાં આપણે પ્રતિક્રમણ કરીને છૂટીએ, તોય પાછું ફરી દ્ષ્ટિ પડે તો ફરી પ્રતિક્રમણ કરીએ, એવું સો-સો વખત પ્રતિક્રમણ કરે ત્યારે છૂટાય. કેટલાંક પાંચ પ્રતિક્રમણથી છૂટે. કેટલાંક એક પ્રતિક્રમણથી છૂટે.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્યા છતાંય ત્યાં ચાલ્યું જાય, તો એ નબળાઈ જ ને ? કે પછી દાનત ચોર થઈ જાય છે ? કે મહીં, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર પોતાને છેતરવા લાગે છે ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કર્યા છતાં કાર્ય થઈ જાય, તો તો પછી એ 'વ્યવસ્થિત' છે. એ 'વ્યવસ્થિત'ના હાથમાં આવી ગયું કહેવાય, એ વ્યવસ્થિતની ભૂલ છે. છતાં આ વધારે પડતું થાય ત્યારે એના માટે ખાસ ઉપવાસ ને એવું બધું દંડ લેવો જોઈએ, આને વીંધ્યું કહેવાય. ગોળી મારીએ ને એક્ઝેક્ટ જગ્યાએ વાગે એવું આ વીંધ્યું કહેવાય. એનાથી કર્મ ના બંધાય. એટલે આ ફરી ભૂલ થાય ત્યાં આગળ તો આપણે પ્રતિક્રમણ કરવું જોઈએ, જોડે જોડે બીજી કંઈક શિક્ષા લેવી જોઈએ. આપણા મનને ભાવતું હોય તે દહાડે ઓછું કરી નાખીએ, એવી કંઈક શિક્ષા કરવી જોઈએ.

જોવું, સામાન્ય ભાવે

સ્ત્રી સંબંધી તો આંખ પહેલી બગડે. આંખ બગડે પછી આગળ વધે છે. જેની આંખ ના બગડી તેને કશું જ ના થાય. હવે તારે જો સેફસાઈડ થવું હોય તો આંખ બગડવા ના દેવી અને આંખ બગડી હોય તો પ્રતિક્રમણ કરવું.

પ્રશ્નકર્તા : એ વિષય-વિકારી દ્ષ્ટિના પરિણામ કેવા ?

દાદાશ્રી : અધોગતિ. આ તો આખો દહાડો 'ચા' સાંભરે. 'ચા' દેખે ને દ્ષ્ટિ બગડે, તો તે ચા પીધા વગર રહે કે પછી ? દ્ષ્ટિ ના બગડે એ મોટામાં મોટો ગુણ કહેવાય.

ભગવાને કહેલું કે જગતમાં બધી ચીજો ખાજો, પણ મનુષ્ય જાતિની આંખને ના જોશો અને એના મોઢાને ધારી ધારીને ના જોશો. જુઓ તો સામાન્ય ભાવે જોજો, વિષય ભાવે જોશો નહીં. આ કેરીઓ જોઈએ અને બાજુએ મૂકીએ તો પડી રહે, એને એક જ બાજુ છે; પણ આ જીવતી જીવાત તો ચોંટી પડશે, પછી બાજુએ મૂકશો તો દાવો માંડશે. આ લગનમાં દરવાજે ઊભા હોય ને દરેક માણસ આવે, એને ધારી ધારીને જુએ છે ? ના. એ તો એક આવે ને એક જાય એમ સામાન્ય ભાવે જુએ, એવું જોવાનું છે. અમારે જ્ઞાન થતાં પહેલાં નક્કી જ રાખેલું કે સામાન્ય ભાવે જોવું.

આ બધા લોકો ના હોત તો સારું ને ? આપણા ભાવ જ બગડત નહીં ને ?!

પ્રશ્નકર્તા : ના, એ તો આપણી મહીં જ એવા ભાવ છે, એટલે સામાં નિમિત્ત ભેગાં થયાં છે ને ? એટલે આપણા ભાવ જ આપણે તોડી નાખવા જોઈએ, તો નિમિત્ત વળગે નહીં ને !

દાદાશ્રી : ખરું કહ્યું. એટલે જ અમે કહીએ છીએ કે આપણે ભાવનિદ્રા ટાળો. સર્વ પ્રકારના ભાવ આવે એવા આ લોકો છે, તેમાં ભાવનિદ્રા ના આવવી જોઈએ, દેહનિદ્રા આવે તો ચાલશે.

પ્રશ્નકર્તા : પણ ભાવનિદ્રા જ આવે છે ને ?

દાદાશ્રી : એવું કેમ ચાલે ? આ ટ્રેન સામેથી આવતી હોય તો ભાવનિદ્રા નથી રાખતો. ટ્રેન તો એક અવતારનું મરણ લાવે તેવું છે, પણ આ તો અનંત અવતારનું જોખમ છે. ચિત્ર-વિચિત્ર ભાવ ઉત્પન્ન થાય એવું આ જગત છે, એમાં તારે તારી મેળે સમજી લેવાનું છે. ભાવનિદ્રા આવે છે કે નહીં ? ભાવનિદ્રા આવે તો જગત તને ચોંટશે. હવે ભાવનિદ્રા આવે, તો ત્યાં એ જ દુકાનના શુદ્ધાત્મા પાસે બ્રહ્મચર્ય માટેની શક્તિઓ માંગવી કે, 'હે શુદ્ધાત્મા ભગવાન, મને આખા જગત જોડે બ્રહ્મચર્ય પાળવાની શક્તિઓ આપો.' અમારી પાસે જો શક્તિઓ માંગે તો ઉત્તમ જ છે, પણ પેલું ડિરેક્ટ, જે દુકાન જોડે વ્યવહાર થયો છે ત્યાં માંગી લેવું એ સારામાં સારું.

સુંદર ફૂલો હોય ને ત્યાં જોવાનું મન થાય છેને ? તેમ આ સુંદર રૂપાળા મનુષ્યોને જોવાનું મન થઈ જાય છે ને ત્યાં જ ઝાપટ વાગી જાય છે. આ ફૂલાં સોડજો, ખાજો, પીજો; પણ 'આ' એક જ જગ્યાએ જોવાની જરૂર નથી, ક્યાંય આંખ મિલાવવી નહીં.

પ્રશ્નકર્તા : ના જોવું હોય તોય સુંદર સ્ત્રી દેખાઈ જાય, તો ત્યાં શું કરવું ?

દાદાશ્રી : તે ઘડી આંખ ના મિલાવવી.

પ્રશ્નકર્તા : આંખ મિલાઈ જાય તો શું કરવું ?

દાદાશ્રી : આપણી પાસે પ્રતિક્રમણનું સાધન છે, તેનાથી ધોઈ નાખવું. આંખ મળે તો તો પ્રતિક્રમણ તરત જ કરી નાખવું જોઈએ. તેથી તો કહ્યું છે ને કે ચિતરામણવાળી સ્ત્રીનો ફોટો કે મૂર્તિ ના મૂકશો.

એ મીઠાશનું પૃથક્કરણ તો કરી જોઈએ

હવે ક્યાંય મીઠું લાગે છે કે ?

પ્રશ્નકર્તા : મીઠું તો લાગી જાય છે, પણ એ જોખમદારી છે એવું સમજાય.

દાદાશ્રી : જ્યાં સુધી મીઠું લાગે છે ને, જોખમદારી ભલે લાગતી હોય, પણ મીઠું લાગે ત્યાંથી જોખમદારી કો'ક દહાડો ભૂલાડી દે. કર્મના ઉદય એવા એવા આવે કે જોખમદારી ભૂલાવી દે. અને આ કયા હિસાબે મીઠું લાગે છે, એ જ મને સમજાતું નથી. આમાં કયો ભાગ મીઠો છે ?!

પ્રશ્નકર્તા : એ ભ્રાંતિથી મીઠું લાગે છે ?

દાદાશ્રી : ભ્રાંતિથી મીઠું લાગતું હોય તોય સારું, આ તો ભ્રાંતિય ન હોય. આને કોણ મીઠું કહે ?

આ મુંબઈમાં પાણી એટલું બધું ઓછું થઈ જાય કે નહાવાનો તાલ જ ના પડે, તો આ લોકોની શી દશા થાય ? ઘરમાં એક રૂમમાં બધાથી બેસાય નહીં, એવાં તો ગંધાઈ ઊઠે ! આ તો રોજ નહાય છે, તોય ગંધાય છે ને ? અને જો ના નહાય તો માથું ફાટી જાય એવા ગંધાય. આ નહાય છે તોય બપોરે બે વાગે કપડું ઘસીને જો પાણીમાં નીચોવીએને, તો પાણી ખારું થઈ જાય. છતાં આ દેહ કિંમતી કેમ ગણ્યો છે ? કારણ કે ભગવાન મહીં પ્રગટ થયા છે, વ્યક્ત થયા છે. એટલા માટે બધા દેહ કરતાં આને કિંમતી ગણ્યું; ત્યારે લોકો એને કિંમતી બીજી રીતે લઈ ગયા.

પ્રશ્નકર્તા : વિષયમાં સૌથી વધારે મીઠાશ માનેલી છે, તો કયા આધારે માનેલી છે ?

દાદાશ્રી : એ જે મીઠાશ એને લાગી ગઈ અને બીજી જગ્યાએ મીઠાશ જોઈ નથી, એટલે એને વિષયમાં મીઠાશ બહુ લાગે છે. જોવા જાય તો વધારેમાં વધારે ગંદવાડો ત્યાં જ છે, પણ મીઠાશને લીધે એને બેભાનપણું થઈ જાય છે. એટલે એને ખબર નથી પડતી. જો આ વિષય એ ગંદવાડો સમજાય, તો એની મીઠાશ બધી ઊડી જાય.

ગલગલિયાંથી જ જગત ફસાયેલું છે. ગલગલિયાં થાય કે તરત જ જ્ઞાન મૂકી દેવાનું, એટલે તેનાથી બધું જુદે જુદું દેખાય ને તેનાથી છૂટાય.

છતાંય આકર્ષણ કેમ ?

પ્રશ્નકર્તા : અમુક એક જ જગ્યાએ ચિત્ત વધુ ખેંચાય છે.

દાદાશ્રી : એ જગ્યા ખોદી નાખવી, ખોદીને કાઢી નાખવી. એ જગ્યા ક્યાં છે ?

પ્રશ્નકર્તા : એક જગ્યા એટલે અમુક અવયવો તરફ જ વધુ દ્ષ્ટિ જાય.

દાદાશ્રી : જેને બહુ જતું રહેતું હોય તેણે પૈણવું. બધે દ્ષ્ટિ બગાડવા કરતાં એક કૂવામાં પડવું સારું, પછી પચાસ વર્ષેય કોઈ નહીં મળે.

ચોરી કરવાની ગમે છે ? જૂઠું બોલવાનું, મરવાનું ગમે ? ત્યારે પરિગ્રહ ગમે ? તો બસ વિષયમાં એવું મહીં શું પડ્યું છે કે ગમે છે ?

પ્રશ્નકર્તા : બિલકુલ ગમતું જ નથી, તોય આકર્ષણ થઈ જાય છે. એનો બહુ ખેદ રહ્યા કરે છે.

દાદાશ્રી : એ ખેદ રહે તો પેલું જાય. એક આત્મા જ જોઈએ. તો પછી વિષય શેનો થાય ? બીજું જોઈએ, તો વિષય થાય ને ? વિષયનું તને પૃથક્કરણ કરતાં આવડે છે ?

પ્રશ્નકર્તા : આપ જણાવો.

દાદાશ્રી : પૃથક્કરણ એટલે શું કે વિષય એ આંખે ગમે એવા હોય છે ? કાને સાંભળે તો ગમે ? અને જીભથી ચાટે તો મીઠું લાગે ? એકુંય ઇન્દ્રિયને ગમતું નથી. આ નાકને તો ખરેખરું ગમે ને ? અરે, બહુ સુગંધ આવે ને ? અત્તર ચોપડેલું હોય ને ? એટલે આવું પૃથક્કરણ કરે, ત્યારે ખબર પડે. આખું નર્ક જ ત્યાં પડ્યું છે, પણ આવું પૃથક્કરણ નહીં હોવાથી લોક મૂંઝાયું છે. ત્યાં જ મોહ થાય છે, એય અજાયબી જ છે ને !

પ્રશ્નકર્તા : તો એ આકર્ષણ શેનું રહે છે ?

દાદાશ્રી : અણસમજણનું. જેમ આ અણસમજણથી તાર જોઈન્ટ રહી ગયો હોય તો તેનું આકર્ષણ થયા કરે. પણ હવે સમજણ આવી કે આ તો આવું છે. પહેલાં તો આપણે સાચું જાણતા નહોતા ને આવું પૃથક્કરણ કરેલું જ નહીં ને ! લોકોએ માન્યું તેવું આપણે સાચું માન્યું કે આ જ ખરો રસ્તો છે, પણ હવે જાણ્યું ત્યારથી આપણે સમજી ગયા કે આ આમાં તો પોલું ખાતું છે. એમાં તો ઓહોહોહો... એટલાં બધાં જોખમ છે કે એના લીધે તો આખો સંસાર ઊભો રહ્યો છે અને આખો દહાડો માર પણ એને લીધે જ પડે છે. એમાંય જો ઇન્દ્રિયોને ગમે એવું હોય તો ઠીક, પણ આ તો એકુંય ઇન્દ્રિયને ગમતું જ નથી.

પ્રશ્નકર્તા : ચિત્ત હજી ખેંચાયા કરે છે, દ્ષ્ટિ બગડે છે.

દાદાશ્રી : આપણી બેન હોય, ત્યાં શી રીતે જોવાય છે ?

પ્રશ્નકર્તા : ત્યાં તો કશું ના થાય.

દાદાશ્રી : કેમ, એ સ્ત્રી જ છે ને ? ત્યાં શાથી વિકાર ના થાય ? એની પર કેમ વિચાર નહીં બગડતા હોય ? બેન એ સ્ત્રી નથી ?

પ્રશ્નકર્તા : પરમાણુની અસર હશે તેથી ?

દાદાશ્રી : આ તો આપણે જ્યાં ભાવ કર્યો હોય ત્યાં જ આપણી દ્ષ્ટિ બગડે. બેન ઉપર કોઈ દહાડોય ભાવ કર્યો નથી, તેથી દ્ષ્ટિ બગડેય નહીં અને કેટલાંક લોકોએ બેન ઉપરેય ભાવ કર્યો હોય તો ત્યાંય દ્ષ્ટિ બગડે !!!

પ્રશ્નકર્તા : છતાં, આમ વ્યવહારમાં સ્ત્રીના સંજોગો તો ભેગા થાય છે, તે આમ દ્ષ્ટિ પડી જ જાય છે.

દાદાશ્રી : દ્ષ્ટિ પડી જાય, એ તો સ્વાભાવિક છે. એમાં પૂર્વભવનો દોષ છે. પણ હવે આપણે શું કરવું ? દ્ષ્ટિ પડી જવી, એમાં તો કંઈ ચાલે એવું નથી. આપણે ગમે એટલું પકડી રાખો તોય આંખનો સ્વભાવ છે જોવાનો, એ જોઈ લીધા વગર રહે જ નહીં. હિસાબ છે, એટલે જોયા વગર નહીં રહે.

પ્રશ્નકર્તા : આવું દહાડામાં બે-ચાર વખત થઈ જાય. બે-ચાર વખત તો એમ લાગે કે આ કંઈ બરોબર રહેતું નથી.

દાદાશ્રી : એ ને આપણે બે જુદા જ છીએ ને ? અને એ તો ફરે નહીં. અફરને આપણે ફેરવવા જઈએ તો શું થાય ? પણ આ પ્રતિક્રમણથી દહાડે દહાડે ફેરફાર થતો જાય ને ?

પ્રશ્નકર્તા : હા. એ બાજુની આમ સ્થિરતા વધે છે.

રાજા જીત્યે, જીતાયું આખું રાજ

કૃપાળુદેવે તો શું કહ્યું છે કે,

''નીરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન,

ગણે કાષ્ટની પૂતળી, તે ભગવાન સમાન.''

- શ્રીમદ્ રાજચંદ્ર

આપણે અક્રમમાર્ગમાં સ્ત્રીને કાષ્ટની પૂતળી નહીં ગણવાની. આપણે આત્મા જોવો. આ તો ક્રમિકમાર્ગવાળા કાષ્ટની પૂતળી કહે, પણ એ ગોઠવણી ક્યાં સુધી રહે ? જરા ફરી વિચાર આવે, તે ઘડીએ પાછું ઊડી જાય. પણ આપણે શુદ્ધાત્મા જોઈએ તો ? એટલે નવયૌવનાને દેખી અને મહીં ચિત્ત ઝલાયું હોય, ત્યાં આગળ શુદ્ધાત્માને જો જો કરીએ એટલે બધું જતું રહે, ચિત્ત પછી છૂટી જાય. વિષય જીતવા માટે શુદ્ધાત્માને જુએ તો ઉકેલ આવશે, નહીં તો ઉકેલ નહીં આવે.

''આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ,

એ ત્યાગી ત્યાગ્યું બધું, કેવળ શોક સ્વરૂપ.''

- શ્રીમદ્ રાજચંદ્ર

બધો શોક જ એનાથી ઊભો થયો છે. આ સ્ત્રીનો ત્યાગ થયો, એનાથી છૂટા થયા કે બધો ઉકેલ આવી ગયો. જે બધું નિરંતર શોકનું જ સ્વરૂપ છે. આખો દહાડો શોક, શોક ને શોક જ હોય. શોક જ મળતો હોય, એ પછી જતું રહે. નહીં તો જે વળગ્યું, તે પછી છૂટું જ ના થાય ને ?

''એક વિષયને જીતતાં, જીત્યો સહુ સંસાર,

નૃપતિ જીતતાં જીતિયે, દળ, પૂર ને અધિકાર.''

- શ્રીમદ્ રાજચંદ્ર

એક રાજાને જીત્યો હોય તો દળ, પૂર ને અધિકાર બધું આપણને મળી જાય. એનું લશ્કર બધું જ મળી જાય. લશ્કર જીતવા જઉં તો રાજા ના જિતાય. તેમ આ રાજા (વિષયરૂપી) જીત્યો કે બધું જ આપણા તાબામાં આવ્યું. તેથી અમે મુક્ત રહીએ છીએને ! આ એક જ વિષય એવો છે કે જે જીતે તો રાજપાટ બધું હાથમાં આવી ગયું. અમને વિષયનો વિચાર સરખોય આવે નહીં.

ટળે જ્ઞાન ને ધ્યાન...

''વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન અને ધ્યાન,

લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન.''

- શ્રીમદ્ રાજચંદ્ર

એક જ જો વિષય કર્યો તો બધું બગડી જાય. ફરી અનંત અવતારની ખોટ આવે અને નર્કગતિનો અધિકારી થાય. ક્યો વિષય છે તે નર્કગતિ ના કરે ? જે લોકમાન્ય હોય. કોઈ પરણેલો માણસ, એની સ્ત્રીને લઈને જતો હોય તો લોકો વાંધો ઉઠાવે ?

પ્રશ્નકર્તા : ના ઉઠાવે.

દાદાશ્રી : અને પરણેલો ના હોય ને જતો હોય તો ?

પ્રશ્નકર્તા : તો વાંધો ઉઠાવે.

દાદાશ્રી : એ લોકમાન્ય ના કહેવાય. એ નર્કગતિનો અધિકારી થાય. બંનેને નર્કમાં જવું પડે, બંનેને નર્કમાં સાથે રહેવું પડે પાછું.

પ્રશ્નકર્તા : 'વિષયરૂપ અંકુરથી...' એટલે ?

દાદાશ્રી : અંકુર એટલે મહીં બીજ હોય ને એ વિચાર આવ્યો ને તેની મહીં તન્મયાકાર થાય એ અંકુર કહેવાય. એ અંકુર ઊભો થયો કે ગયો... તેથી આપણે નક્કી કરીએ છીએ ને કે વિચાર આવતાં પહેલાં ખેંચીને બહાર નાખી દેજો. એ અંકુર ફૂટ્યો કે પછી જ્ઞાન ને ધ્યાન બધું તૂટી જાય, ખલાસ થઈ જાય.

પ્રશ્નકર્તા : આ અક્રમ વિજ્ઞાનમાં પણ એવું જ હોય ?

દાદાશ્રી : જ્ઞાન ને ધ્યાન ટળી જાય. વિચાર આવેને તો જ્ઞાન ને ધ્યાન એકલું જ નહીં પણ આત્મા જ જતો રહે. ક્રમિકમાં તો જ્ઞાન, ધ્યાન જતું રહે ને અક્રમમાં તો આત્મા આપેલો છે, તે જતો રહે. એટલે અંકુર સુધી કરાય નહીં.

લીંક ચાલુ, તેનું જોખમ

આમાં છે કશું નહીં. જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો સમજાય કે વિષયમાં છે કશુંય નહીં.

પ્રશ્નકર્તા : આપના જ્ઞાન પછી અમે આ અવતારમાં જ વિષય બીજથી એકદમ નિર્ગ્રંથ થઈ શકીએ ?

દાદાશ્રી : બધું જ થઈ શકે. આવતા ભવ માટે બીજ ના પડે. આ જૂનાં બીજ હોય એ તમે ધોઈ નાખો, નવાં બીજ પડે નહીં.

પ્રશ્નકર્તા : એટલે આવતા અવતારમાં વિષય માટે એકેય વિચાર નહીં આવે ?

દાદાશ્રી : નહીં આવે. થોડું ઘણું કાચું રહી ગયું હોય તો પહેલાના એટલા થોડા વિચાર આવે પણ તે વિચાર બહુ અડે નહીં. જ્યાં હિસાબ નહીં, તેનું જોખમ નહીં. એ તો લીંક ચાલુ હોય તેનું જોખમ આવે. અમથા અમથા તો માણસને એની મા જોડેનોય વિષયનો વિચાર આવે. પણ તે લીંક નહીં એટલે ઊડી જાય પછી.

વિષયનું સહેજ ધ્યાન કરે કે જ્ઞાન ભ્રષ્ટ થઈ જાય. 'હતો ભ્રષ્ટ, તતો ભ્રષ્ટ' થઈ જાય. જલેબીનું ધ્યાન કરે તો એવું ના થાય, આ યોનિ વિષયનું ધ્યાન કરે તો તેવું થઈ જાય.

હાર જીત, વિષયની કે પોતાની ?

અમે તો કેટલાંય અવતારથી ભાવ કરેલા. તે અમને તો વિષય માટે બહુ જ ચીઢ, તે એમ કરતાં કરતાં છૂટી ગયા. વિષય અમને મૂળથી જ ના ગમે. પણ શું કરવું ? કેમ છૂટવું ? પણ અમારી દ્ષ્ટિ બહુ ઊંડી, બહુ વિચારશીલ, આમ ગમે તેવાં કપડાં પહેરેલાં હોય તોય બધું આરપાર દેખાય નર્યું, એમનું એમ દ્ષ્ટિથી ચોગરદમનું બહુ દેખાય. એટલે રાગ ના થાય ને ? અમને બીજું શું થયું કે આત્મસુખ પ્રાપ્ત થયું. જલેબી ખાઈએ, ત્યાર પછી ચા મોળી લાગે. એમ આત્માનું સુખ જેને પ્રાપ્ત થઈ ગયું, તેને વિષયસુખ બધા મોળાં લાગે, તને મોળું નથી લાગતું ? પહેલાં જે લાગતું હતું, એવું હવે ના લાગે ને ?

પ્રશ્નકર્તા : મોળું લાગે તો ખરું, પણ પાછો મોહ ઉત્પન્ન થઈ જાય.

દાદાશ્રી : મોહ તો ઉત્પન્ન થઈ જાય. એ તો કર્મના ઉદય હોય. કર્મ બંધાયેલાં છે, તે મોહ ઉત્પન્ન કરાવે. પણ તમને આમ લાગે ખરું કે ખરું સુખ તો આત્મામાં છે ?

પ્રશ્નકર્તા : હા, એ બરાબર લાગે. આ વિષયમાં સુખ નથી, એ તો પાકું સમજાઈ ગયું છે.

દાદાશ્રી : બીજી કોઈ સ્ત્રીને જોઉં, તો તને વિચાર નથી થતો ને ?

પ્રશ્નકર્તા : થાય કોઈ વાર.

દાદાશ્રી : એવું થાય એટલે કે હજુ કચાશ છે.

પ્રશ્નકર્તા : ખાલી આમ સાધારણ મોહ જ થાય, બીજું કંઈ નહીં.

દાદાશ્રી : મોહ તો પછી ઢસડી જ જાય ને ! આ વિષયની બાબત તો જીતવી બહુ અઘરી વસ્તુ છે. આ આપણા જ્ઞાનથી જીતી શકે એમ છે. આ જ્ઞાન કાયમ સુખદાયી છે ને તો જીતાય.

એ સેવનથી પાત્રતા

પછી કૃપાળુદેવ તો શું કહે છે કે,

''પાત્ર વિના વસ્તુ ના રહે, પાત્રે આત્મિક જ્ઞાન,

પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિ માન.''

- શ્રીમદ્ રાજચંદ્ર

બ્રહ્મચર્ય સેવે તો પાત્ર થાય, એમ કૃપાળુદેવ કહે છે. એમણે એમ નથી કહ્યું કે કેરીઓ ના ખાશો. મૂળ જ પકડ્યું છે આખું. જો સામો અજીવ હોત ને દાવો ના માંડે, તો બ્રહ્મચર્ય ના સેવત આપણે. પણ આ તો દાવો માંડે.

''જે નવવાડ વિશુદ્ધિથી, ધરે શિયળ સુખદાય''

- શ્રીમદ્ રાજચંદ્ર

પ્રશ્નકર્તા : નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યની વ્યાખ્યા શું ?

દાદાશ્રી : નવવાડ એટલે એવું છે ને, મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળવાનું. મનથી જે વિચારતા હોય, તે બધું વિચારવા કરવાનું નહીં. આગળના વિષયો યાદ આવે તો, તે ઘડીએ બધું વિસારે પાડી દેવાનું. વાણીથી બોલવાનું નહીં, દેહથી બહુ દૂર રહેવાનું.

નવવાડ કહી છે ને, કે સ્ત્રી બેઠી હોય ત્યાં આપણે બેસવું નહીં, તેને જોવી નહીં. કોઈ વિષય ભોગવતો હોય તો આપણે ખાનગી રીતે તિરાડમાંથી જોવું નહીં. જોઈએ તોય આપણું મન બગડી જાય. આપણે પાછળ જે સંસાર ભોગવ્યો હોય, તેને યાદ કરવો નહીં. યાદ કરીએ એટલે ફરી પાછાં વિચાર આવે, આમ આવી રીતે બધી નવવાડો છે.

સ્ત્રી બેઠી હોય તે જગ્યાએ બેસશો નહીં એવું કહે. પછી એ જગ્યા ઉપર શું થાય ? રાગ બેસે કે દ્વેષ બેસે ? દ્વેષ થયા કરે. ઊલટું, રાગ-દ્વેષનાં કારખાનાં વધ્યાં. એટલે નવવાડને આપણે શું કરીએ ? એના કરતાં એક વાડ કરી નાખને તોય બહુ થઈ ગયું. નવવાડ કરવા જતાં પાછાં બીજા રાગ-દ્વેષ ઊભાં થશે. એના કરતાં સ્થૂળ બ્રહ્મચર્ય પાળોને અને મનમાં જે વિચાર આવે તો એનાં પ્રતિક્રમણ કરી ધોઈ નાખો. નવવાડ તો અત્યારે કોઈથી પણ થઈ શકે નહીં, એક-બે વાડ તો તૂટી ગયેલી હોય. તો તમે શી રીતે નવવાડ પૂરી કરી શકો ? આપણે તો અમે જે દેખાડ્યું છે એમાં રહો. આપણું કરે તો એમાં નવવાડ બધુંય આવી જાય છે. નવવાડનું કરવામાં અહંકારની જરૂર પડે. પણ આપણે ત્યાં તો કરવાનો માર્ગ જ નથી.

પ્રશ્નકર્તા : તો પછી પ્રતિક્રમણ કરતી વખતે આપણે યાદ કરીએ છીએ, એટલે એનો નવો બંધ ના પડે ?

દાદાશ્રી : હા, યાદ આવે, પણ પ્રતિક્રમણ એટલે આપણે તો એ શું કરવા માંગીએ છીએ ? કે વિષયને ઉડાડી દેવા માંગીએ છીએ અને પેલા તો લાલચને માટે યાદ કરે. બન્નેના ભાવમાં ફેર છે. પેલું યાદ આવે છે, તે લાલચથી યાદ આવે છે અને આ તો પ્રતિક્રમણથી યાદ આવે છે. પ્રતિક્રમણ કરવા પાછળ છોડવાનો ભાવ છે, જ્યારે પેલો લાલચનો ભાવ છે. એટલે બેઉના ભાવમાં ફેર છે.

''ભવ તેનો લવ પછી રહે, તત્ત્વ વચન એ ભાઈ''

- શ્રીમદ્ રાજચંદ્ર

'લવ પછી' એટલે ભવ થોડા રહે પછી, ભવ ઓછા થઈ જાય. એ તત્ત્વ વચન છે, તત્ત્વનો સાર છે.

''સુંદર શિયળ સુરતરુ, મન-વાણી ને દેહ,

જે નર-નારી સેવશે, અનુપમ ફળ લે તેહ''

- શ્રીમદ્ રાજચંદ્ર

શિયળ એટલે શીલવાન. મન-વચન-કાયાથી શીલવાનપણું રાખે, તે અનુપમ ફળ લે.

પ્રશ્નકર્તા : શીલવાન કોને કહેવાય ?

દાદાશ્રી : વિષયનો વિચાર ના આવે. જેને ક્રોધ-માન-માયા-લોભ ના થાય, એને શીલવાન કહેવાય. એકલો આ સ્ત્રીનો વિષય જ નહીં, પણ ક્રોધ-માન-માયા-લોભ પણ પોતાને વશ થયા હોય એટલે એ શીલવાન કહેવાય. જે ક્રોધ-માન-માયા-લોભ પોતાને દુઃખ દે, બીજાને દુઃખ ના દે, એ 'કંટ્રોલેબલ' કહેવાય. ત્યાંથી ભગવાને એને 'શીલ' કહ્યું.

પ્રશ્નકર્તા : એટલે મન-વચન-કાયાથી કોઈ પણ જીવમાત્રને કિંચિત્માત્ર પણ દુઃખ ન દેવું એ જે ભાવ છે, એ શીલવાન ?

દાદાશ્રી : એ તો ભાવ છે જ. એ તો અહિંસક ભાવ કહેવાય છે. એ વસ્તુ જુદી છે અને આ તો સ્ત્રીસંબંધી વિષય જીત્યો, એ બધું જીત્યો.

પ્રશ્નકર્તા : મેં બ્રહ્મચર્ય વ્રત લીધા પછી એક મહિનો કૃપાળુદેવનું આ પદ 'નિરખીને નવયૌવના' ગાયું હતું.

દાદાશ્રી : આ પદ જે ગાયને તેમનું ચોખ્ખું થઈ જાય. આ પદ તો તમારે રોજ ગાવું જોઈએ, બબ્બે વખત ગાવું જોઈએ. એક વિષય જીતે તો આખું જગત જીતી ગયો, બસ ! ભલેને પછી ગમે તે ખાવ કે પીવો, એમાં કશું નડવાનું નથી. પણ આ જેણે જીત્યું, તે આખું જગત જીતી ગયો. આ એકલું જ, માણસ અહીં જ ફસાય છે. વિષય જીત્યો એટલે દુનિયાનો રાજાને ! કર્મો જ બંધાય નહીંને ! એમાંથી તો નર્યા કર્મો, ભયંકર કર્મો બંધાય. એક જ ફેરાનો વિષય એ કેટલાં જીવો ખલાસ કરી નાંખે. એ બધા જીવોનું ઋણાનુબંધ બંધાય. એટલે આટલો એક વિષય જીતી જાય તો બહુ થઈ ગયું.

ન છૂટકાની પાશવતા

પ્રશ્નકર્તા : પાછું આપે કહ્યું છે કે પરણવાનું સત્યુગમાં હતું. કળીયુગમાં તો છે જ નહીં પરણવા જેવું.

દાદાશ્રી : બાકી, તેમાં પરણવા જેવું છે જ શું ? આ તો અણસમજણ હોય તો પૈણે, નહીં તો પૈણે જ નહીં.

પ્રશ્નકર્તા : મેં એક જોયું કે લોકોને આ માર્ગ જોઈએ છે બ્રહ્મચર્યનો. પણ મળતો નથી.

દાદાશ્રી : હા, મળતો નથી. ઉપરી હોવો જોઈએ ને, વચનબળવાળા જોઈએ. પોતે પોતાનાં એકલાથી પાળી ના શકાય. એ તો આપણું આ વચનબળ ને આપણું આ માર્ગદર્શકપણું, તેને લીધે પાળી શકે અને આ પાળ્યું એટલે રાજા, આખી દુનિયાનો રાજા !

પ્રશ્નકર્તા : કારણ કે લોકો પરણતી વખતે બોલે છે કે હવે હું ગયો. પણ બિચારાને બીજો માર્ગ નથી.

દાદાશ્રી : પાશવતા ગમતી નથી, પણ તે શું કરે ?

ત્યાં ન છૂટકે પાશવતાનું છે આ બધું. વિષય એ તો ઉઘાડી પાશવતા છે. છૂટકો નહીંને ? આટલુ જીતી ગયા એટલે બસ થઈ ગયું. એટલે રોજ મનમાં એમ નક્કી કરવું કે, એક જ ફેરો આ જીતવું છે, બીજું કશું નહીં. અને જીતાય એવું છે અત્યારે. આ દાદાના હાથ નીચે બધાં માણસોને જીતાંય એવું છે. કસોટીના કોઈવાર પ્રસંગ આવે તો, એને માટે ઉપવાસ કરી નાખવા બે-ત્રણ. જ્યારે કર્મો બહુ જોર કરે ને ત્યારે ઉપવાસ કર્યા કે બંધ થઈ જાય. પેલા ઉપવાસ કરાવે તો એ લાકડી જેવો થઈ જાય. એ ઉપવાસથી મરી ના જાય.

પ્રશ્નકર્તા : એટલે ઉપવાસ કરે એટલે પેલા ફોર્સીસ બધાં ઓછા થઈ જાય ?

દાદાશ્રી : બધા બંધ થઈ જાય. આ બધો ખોરાકનો જ ફોર્સ છે અને બીજા ગુનાઓ ચલાવી લેવાય. આ ગુનો એકલો નહીં ચલાવાય એવો. આ તો અનંત અવતારનું ખલાસ કરી નાખે. ધૂળધાણી. એટલે આટલું જીત્યો તો બહુ થયું.

બ્રહ્મચર્યનું બળ હોય તો એ પછી વિષયની ગાંઠ બંધ થઈ જાય છે. એટલે બળ એવું રાખે કે આ વિચાર આવે ને ધોઈ નાખવાં, કચડી નાખવાં.

પ્રશ્નકર્તા : એ વિચાર તો મને બ્રહ્મચર્યના જ આવે છે.

દાદાશ્રી : ના. તે જ કહું છું એટલે બ્રહ્મચર્યના જ આવે છે ? નહીં !

પ્રશ્નકર્તા : હા, હા.

દાદાશ્રી : પેલા વિચાર નથી આવતા !!

પ્રશ્નકર્તા : પેલું તો મને એટલું ગંદું લાગે છે.

દાદાશ્રી : બહુ સારું.

પ્રશ્નકર્તા : અને મને એક સમજાઈ ગયું કે આ જે જન્મ થયો છે, એ આ વિષયની ગાંઠ કાઢવા માટે જ થયો છે ? બીજું બધું તૈયાર જ છે મારું !

દાદાશ્રી : તો તો બહુ સારું, તો તો ડાહ્યો. મારે ગમતી વાત આવી હવે. બસ, બસ, મને ગમી વાત. હવે ઓલરાઈટ. એ બહુ સંતોષ થયો મને.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21