ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

ખંડ : ૧

વિષયનું સ્વરૂપ, જ્ઞાની દ્ષ્ટિએ

[૩]

માહાત્મ્ય, બ્રહ્મચર્યનું

વિષયની કિંમત કેટલી ?

પ્રશ્નકર્તા : વિષયમાંથી વિરક્ત થવાની તીવ્ર ભાવના હોય તો પછી એનાથી આસ્તે આસ્તે નીકળી જવાય ?

દાદાશ્રી : હા. એ જે તમન્ના છે, એ જ આમાંથી છોડાવે. પણ વિષયની કિંમત સમજી લેવી જોઈએ, કે આની કિંમત કેટલી ? ઉતરેલી દાળની કિંમત છે, ઊતરેલી કઢીની કિંમત છે, પણ વિષયની કિંમત નથી. પણ આ વાત આખા જગતને સમજાય નહીં ને !

પ્રશ્નકર્તા : એટલે એ તો શૂન્ય થયું ?

દાદાશ્રી : શૂન્ય તો સારું, પણ આ તો નર્યું માઇનસ જ છે.

મનુષ્યને બેક જોવાની શક્તિ જ નથી ને ! એટલે વિષય ચાલુ રહ્યો છે. જુઓને, પાછા રોફથી ચાલે જ છે ને ? એટલે જ્ઞાની પુરુષ પાસે વાતને સમજે તો વિષય જાય ને તો મુક્તિ થાય. વિષયને લઈને તો આ બધું અટક્યું છે.

વિષયથી ખરડાયેલાં જીવન

પ્રશ્નકર્તા : જે બાળબ્રહ્મચારી હોય તે વધારે ઉત્તમ કહેવાય કે પરણ્યા પછી બ્રહ્મચર્ય પાળે તે ઉત્તમ કહેવાય ?

દાદાશ્રી : બાળબ્રહ્મચારીની વાત જ જુદી ને ! પણ આજના બાળબ્રહ્મચારી કેવા છે ? આ જમાનો ખરાબ છે. તેમનું અત્યાર સુધી જે થયું છે તે જીવન તમે વાંચો, તો વાંચતાની સાથે જ તમારું માથું ચઢી જાય.

પ્રશ્નકર્તા : આપણે પોતાનું જ જીવન જોઈએ તો માથું ચઢી જાય, તો વળી એમના જીવનની કંઈ વાત કરો છો ?!

દાદાશ્રી : છતાંય હજી એ પાળશે, હજી પાળ બાંધશે તો કંઈક આનો ઇલાજ છે. જ્ઞાની પુરુષ તો કોઈ દહાડો માથે હોય જ નહીં, ને દહાડો વળે નહીં. જ્ઞાની પુરુષ હોય તો આ પાળી શકાય, નહીં તો આ શી રીતે પાળી શકે ? જ્ઞાની પુરુષની કૃપા જોઈએ. ચોગરદમથી જ્યારે મૂંઝાય ત્યારે માર્ગદર્શન બતાવનાર જોઈએ, આમાંથી શી રીતે છૂટાય ? એની બધી ચાવીઓ જ્ઞાની પુરુષને ખબર હોય.

બ્રહ્મચર્ય પાળવાના પગથિયાં

પ્રશ્નકર્તા : સ્વભાવ મુજબ, પ્રાકૃતિક ગુણધર્મ મુજબ, બીજે દ્ષ્ટિ બગડી જાય, તો એ સંસાર કેમ કરીને ભૂંસે ?

દાદાશ્રી : એ ભૂંસવાની અમારી પાસે બધી દવા હોય. આ વર્લ્ડમાં એવી કોઈ દવા નથી કે જે દવા અમારી પાસે ના હોય. આ છોકરાંઓને અમે બ્રહ્મચર્યવ્રત આપ્યું છે. હવે આ બ્રહ્મચર્યવ્રતને લઈનેય કો'ક સ્ત્રી એને ભેગી થઈ જાય, તો એને દ્ષ્ટિનું ખેંચાણ થઈ જાય, ને મન એમનું બગડી જાય ખરું, તો તેને હું દોષ કહેતો નથી. પણ એ થઈ જાય, તો એને પછી એ તરત ભૂંસી નાખવાનાં. કારણ કે અમે સાબુ આપેલો હોય છે. હું રસ્તામાં જતો હોઉં અને મારાં કપડાં ઉપર ડાઘ પડ્યો. તે તરત મને ધોઈ નાખવાનું આવડતું હોય, તો પછી તમારે ત્યાં ચોખ્ખો આવું કે ના આવું ?

પ્રશ્નકર્તા : હા, અવાય.

દાદાશ્રી : એવી રીતે આમને બધું સાધન આપેલું હોય, નહીં તો મન-વચન-કાયાથી બ્રહ્મચર્યવ્રત શી રીતે પાળી શકાય ? અને તેય આવાં બળતરાના કાળમાં !

જો તમારે બ્રહ્મચર્ય પાળવું હોય તો તમને ઉપાય બતાવું. તે ઉપાય તમારે કરવાનો હોય, નહીં તો તમારે બ્રહ્મચર્ય પાળવું જોઈએ એવું એ ફરજિયાત વસ્તુ નથી. એ તો જેને મહીં કર્મના ઉદય હોય તો થાય. પૈણવાનો કોઈ જાતનો વાંધો નથી. પણ આ લોકોને પૈણવામાં સુખ દેખાતું જ નથી. એમને પોષાતું જ નથી. એ ના પાડે છે, ત્યારે અમે બ્રહ્મચર્યવ્રત આપીએ છીએ, નહીં તો હું કોઈને એવું બ્રહ્મચર્યવ્રત લેવાનું કહું નહીં. કારણ કે વ્રત લેવું, વ્રત પાળવું એ કંઈ જેવી તેવી વસ્તુ નથી. બ્રહ્મચર્યવ્રત લેવું એ તો એમનો પૂર્વકર્મનો ઉદય હોય તો સચવાય. પૂર્વે ભાવના કરેલી હોય તો સચવાય, અગર તો જો તમે સાચવવા ધારશો તો સચવાશે. અમે શું કહીએ છીએ કે તમારો નિશ્ચય જોઈએ ને અમારું વચનબળ જોડે છે, તો આ સચવાય એવું છે.

વ્રતના પરિણામ

પ્રશ્નકર્તા : એ તો એની ભૂમિકા પ્રમાણે થાય ને ? આ મનોબળ ઉપર કંઈ બધી વસ્તુનો આધાર રખાતો નથી. એની આધ્યાત્મિક સ્ટેજની ભૂમિકા જોઈએ, તો જ આ વસ્તુ શક્ય છે ને ?

દાદાશ્રી : એ શક્ય હોય કે ના હોય, પણ અત્યારે શક્ય થઈ પડ્યું છે. કેટલાંક સ્ત્રી-પુરુષો અમારી પાસે કાયમનું બ્રહ્મચર્યવ્રત લે છે. આ ભાઈ ને એમનાં વાઇફે નાની ઉંમરથી બ્રહ્મચર્યવ્રત લીધું છે. એવું મુંબઈમાં કેટલાંય જણે લીધું છે. કારણ કે મહીં ગજબનું સુખ વર્તે. સુખ એટલું બધું વર્તે કે આ વિષય એમને યાદ જ નથી આવતો.

પ્રશ્નકર્તા : દેહની સાથે જે કર્મ ચાર્જ થઈને આવેલા હોય તે ફેરફાર તો ના થાય ને ?

દાદાશ્રી : ના, કશો ફેરફાર ના થાય. છતાં વિષય એવી વસ્તુ છે ને, કે જ્ઞાની પુરુષની આજ્ઞાથી આ એકલું જ ફેરફાર થાય. છતાં આ વ્રત બધાને ના અપાય. અમે અમુકને જ આ આપેલું છે. જ્ઞાનીની આજ્ઞાથી બધું જ ફેરફાર થઈ જાય. સામાએ ખાલી નિશ્ચય જ કરવાનો કે ગમે તે થાય, પણ મારે આ જોઈતું જ નથી. તો તેને પછી અમે આજ્ઞા આપીએ છીએ અને અમારું વચનબળ કામ કરે છે. એટલે પછી એનું ચિત્ત બીજે ના જાય.

આ બ્રહ્મચર્ય જો કોઈ પાળે ને, જો ઠેઠ સુધી પાર નીકળી ગયો ને, તો બ્રહ્મચર્ય તો બહુ મોટી વસ્તુ કહેવાય. આ 'દાદાઈજ્ઞાન', 'અક્રમ વિજ્ઞાન' અને જોડે જોડે બ્રહ્મચર્ય એ બધું હોય, પછી એમને શું જોઈએ ? એક તો આ 'અક્રમ વિજ્ઞાન' જ એવું છે કે જો કદી એ અનુભવ, વિશેષ પરિણામ પામી ગયો, તો એ રાજાઓનો રાજા છે. આખી દુનિયાના રાજાઓએ પણ ત્યાં નમસ્કાર કરવા પડે !!

પ્રશ્નકર્તા : અત્યારે તો પડોશીય નમસ્કાર નથી કરતો !

દાદાશ્રી : તે શી રીતે પડોશી કરે ? જ્યાં સુધી હજુ પારકા ખેતરમાં પેસી જાય છે, ત્યાં સુધી શી રીતે એવું બને ?

આજ્ઞાપૂર્વકનું વ્રત તે સાચું

પ્રશ્નકર્તા : કોઈ વિધવા હોય, વિધુર હોય તે બ્રહ્મચર્યવ્રત પાળે છે, એનાં કરતાં આપનું આપેલું બ્રહ્મચર્યવ્રત પાળે તો બહુ ફેર પડે ને?

દાદાશ્રી : પેલું બ્રહ્મચર્યવ્રત કહેવાય જ નહીં ને ! જ્યાં બ્રહ્મચર્ય મનનું નથી, ત્યાં બ્રહ્મચર્ય કહેવાતું નથી અને જ્ઞાન સિવાય બ્રહ્મચર્ય કોનું પાળે ? પોતાને જ્ઞાન છે નહીં. આ તો 'હું કોણ છું', એનું જ ઠેકાણું નથી ને !

પ્રશ્નકર્તા : એ મેડિટેશનવાળામાં એવું કહે છે કે તમે બ્રહ્મચર્યવ્રત પાળો.

દાદાશ્રી : હા, પણ એવું કંઈ સહેલું નથી. એને કહીએ, 'તું જ પાળને, મને શું કરવા કહું છું ?' આમ બધાને કહે, પણ પોતે પાછાં પોલ મારે. બ્રહ્મચર્ય તો કોણ પાળી શકે ? જ્ઞાની પુરુષના હાથ નીચે હોય, એ બધા બ્રહ્મચર્ય પાળી શકે. એટલે આ બ્રહ્મચર્ય, જો એમ ને એમ પાળવા ગયો અને જો કદી સાચવતાં ના આવડ્યું તો માણસ મેડ થઈ જાય. અમારી આ શોધખોળ બહુ સુંદર છે, આખું વિજ્ઞાન બહુ સુંદર છે અને આખું વર્લ્ડ એક્સેપ્ટ કરે એવું છે. આ સાયન્ટિસ્ટો બધાનેય આ એકસેપ્ટ કરવું પડશે.

બ્રહ્મચર્ય તો કેવું હોવું જોઈએ ?

આ 'અક્રમ વિજ્ઞાન' છે. આ તો બહુ અજાયબ વિજ્ઞાન છે. જગત જ્યારે જાણશે ત્યારે કૂદાકૂદ કરશે.

તમને સ્ત્રી ઉપર વૈરાગ આવ્યો કે ના આવ્યો ? કેટલી વારમાં? અત્યારે પા કલાકમાં જ ? ત્યારે જ્ઞાનીઓની ચાવીઓથી કેવા વૈરાગ આવે છે !!! અને આમ પહેરો ભરીએ, તે ક્યારે પાર આવે ? આમ પહેરો ભરે તો પેલી બાજુ પેસી જશે. અમે કોઈની ઉપર પહેરો જ ભરીએ નહીં ને ! અમે ક્યાં પહેરો ભરીએ ? આ ગંદવાડામાં જેને લબદાવું જ છે, તેને પછી અમે છોડી દઈએ !

અહીં આ છોકરાઓ બ્રહ્મચર્ય પાળે છે એ તો સહજ સ્વભાવે રહે, એક ક્ષણ પણ ચૂક્યા સિવાય નિરંતર રહે.

સાતમી નર્કનું વર્ણન કરે તોય માણસ સાંભળતા જ મરી જાય. ત્યારે બોલો, ત્યાં કેટલો ભોગવટો હશે ? કે ફરી સંસાર ભોગવવાની તો ચડીચૂપ ! એક વિષયને લીધે આ સંસાર ઊભો રહ્યો છે. આ સ્ત્રી વિષય ના હોય ને, તો બીજા બધા વિષય તો કોઈ દહાડોય નડતા નથી. એકલા આ વિષયનો અભાવ થાય તોય દેવગતિ થાય. આ વિષયનો અભાવ થયો કે બીજા બધા વિષયો બધું જ કાબૂમાં આવી જાય અને આ વિષયમાં પડ્યો કે વિષયથી પહેલાં જાનવર ગતિમાં જાય અને એથી વધારે વિષયી હોય તો નર્કગતિમાં જાય. વિષયથી બસ અધોગતિ જ છે. કારણ કે એક વિષયમાં તો કંઈ કરોડો જીવ મરી જાય છે ! સમજણ ના હોય છતાંય જોખમદારી વહોરે છે ને ! એટલે જ્યાં હિંસા છે, ત્યાં ધર્મ જેવું કશું જ નથી.

પ્રશ્નકર્તા : સમજવા છતાં જગતના વિષયોમાં મન આકર્ષાયેલું રહે છે, સમજીએ છીએ કે સાચું-ખોટું શું છે, છતાં વિષયોમાંથી છૂટાતું નથી. તો એનો ઉપાય શો ?

દાદાશ્રી : જે સમજણ ક્રિયાકારી હોય તે જ સાચી સમજણ કહેવાય. બીજી બધી વાંઝિયા સમજણ કહેવાય. બે શીશી હોય. એક શીશીમાં વિટામીનનો પાવડર હોય, બીજી શીશીમાં પોઈઝન હોય, બંનેમાં સફેદ પાવડર હોય તો આપણે છોકરાંને સમજ પાડીએ કે આ વિટામીન છે તે લેજે અને આ બીજી શીશીમાંથી ના લઈશ. બીજી શીશીમાંથી લઈશ તો મરી જવાશે. એટલે એ છોકરો 'મરી જઈશ' શબ્દ સાંભળ્યો એટલે એ સમજી ગયો નથી. બોલે ખરો કે આ દવા લેવાથી મરી જવાય, પણ મરી જવું એટલે શું, એ સમજતો નથી. આપણે એને કહેવું પડે, કે ફલાણા કાકા તે દહાડે મરી ગયા'તા ને ? પછી બધાએ એને ત્યાં બાળી મેલ્યા'તા, એવું આ દવાથી થાય. એવી એક્ઝેક્ટલી જ્યારે સમજ પડે ત્યારે એ સમજ જ ક્રિયાકારી થાય. પછી એ પોઈઝનને અડે જ નહીં. અત્યારે આ સમજની એને એક્ઝેક્ટનેસ આવી નથી. આ સમજ તો લોકોએ શીખવાડેલી લોન તરીકે લીધેલી છે.

પ્રશ્નકર્તા : એ સમજ ક્રિયાત્મક થાય, તે માટે શું પ્રયત્ન કરવો ?

દાદાશ્રી : હું તમને વિગતવાર સમજણ પાડું. પછી એ સમજણ જ ક્રિયા કર્યા કરે. તમારે કશું કરવાનું નહીં. તમે ઉલટો ડખો કરવા જાવ તો બગડી જાય. જે જ્ઞાન, જે સમજણ ક્રિયાકારી હોય, તે સાચી સમજણ છે અને તે સાચું જ્ઞાન છે.

મારી વાત તમને ઠોકી બેસાડવાની નથી. તમને તમારી પોતાની જ સમજમાં આવવું જોઈએ. મારી સમજ મારી પાસે અને એ સમજ તમને ઠોકી બેસાડાય નહીં અને એમ ઠોકી બેસાડવાથી તો કશું કામ જ ના થાય. તમને એ સમજ બેસી જાય અને તમે તમારી સમજથી ચાલો.

આ દુનિયામાં કોઈ ચીજની નિંદા કરવા જેવી હોય તો તે અબ્રહ્મચર્ય. બીજી બધી એટલી નિંદા કરવા જેવી ચીજ નથી.

બ્રહ્મચર્ય ન પળાય એની વાત જુદી છે, પણ બ્રહ્મચર્યના વિરોધી તો ન જ થવું જોઈએ. બ્રહ્મચર્ય તો મોટામાં મોટું સાધન છે. આપણું બ્રહ્મચર્ય એ પવિત્ર વસ્તુ હોવી જોઈએ. બ્રહ્મચર્ય એ માનસિક વસ્તુ નથી, આ બીડીના વ્યસન જેવું અબ્રહ્મચર્યનું નથી. વિષય સંબંધી અણસમજણને લઈને બ્રહ્મચર્ય ટકતું નથી. બ્રહ્મચર્યને માટે, જ્ઞાની પુરુષની પાસે સમજણ જો સમજી લે તો બ્રહ્મચર્ય સરસમાં સરસ ટકે. સમજવાની જ જરૂર હોય છે એમાં. આ વ્યસન એ જુદું છે ને અબ્રહ્મચર્ય એ જુદી વસ્તુ છે. આ તો અનાદિથી લોકપ્રવાહ આવો ને આવો ચાલ્યો આવે છે, ને તેનાથી લૌકિક જ્ઞાન ઊભું થઈ ગયું છે અને પાછી એની અવળી સમજ બેસી ગઈ. હવે જેવી સમજ બેસી ગઈ એટલે પછી એવું વર્તનમાં આવ્યા વગર રહે નહીં.

વ્યવહારમાં પણ બ્રહ્મચર્ય પાળવાનું શાથી કહ્યું છે કે નોર્માલિટીમાં રહે. તેનાથી દેહ, મન બધું સારું રહે. જગતના લોકોને તો મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પળાય જ નહીં ને ?! આ તો ફક્ત આપણે અહીં પાળી શકાય. આ લોકો વ્રત લે છે. તે પછી વ્રત લેવાથી શું થાય કે મન બધું ઠેકાણે રહે, મન બાઉન્ડ્રીમાં રહ્યા કરે અને વ્રત ના લે તો એમનું ચિત્ત બધું ભટકતું જ હોય ! છતાં, સંસારમાંય જો કદી આ દ્ષ્ટિ સાચવે તો એ આગળ આગળ વધતો જાય અને એને પણ મોક્ષનો રસ્તો મળી આવે. આ તો જે મને ભેગો ના થયો હોય, એવા બહારના લોકો માટે કહું છું !

બ્રહ્મચર્ય એ કદી એક છ જ મહિના સાચા દિલથી પાળ્યું હોય, મન-વચન-કાયાએ કરીને, તો એ ગુલાબ આવડાં આવડાં મોટાં થાય. બ્રહ્મચર્ય એ તો મોટામાં મોટું ખાતર છે. જેમ ગુલાબને ખાતર નાખીએ તો આવડાં નાનાં હોય તે પછી આવડાં મોટાં થાય. એટલે એક છ જ મહિના જેને પાળવું હોય તે પાળે ! છ મહિનાના બ્રહ્મચર્યથી તો શરીરમાં કેટલો બધો ફેરફાર થઈ જાય ! પછી વાણી બોલે તે આમ બોમ્બ પડે એવી નીકળે ! જ્યાં સુધી સંસારના કોઈ પણ વિષયમાં મન ઘૂસી ગયું હોય ત્યાં સુધી બધા જ ડીપાર્ટમેન્ટ ઉપર ફૂલ (શ્શ્યશ્રશ્ર) શક્તિ ચાલે નહીં ! કોઈ પણ દિશામાં પ્રવહન કરવું એ મનનો સ્વભાવ છે ! આથી મનને ધાર્યું વાળી શકાય એવું છે, એને ડાયવર્ટ કરી શકાય એવું છે. બે-પાંચ વર્ષ જ જો મનને આ બ્રહ્મચર્ય તરફ વાળે, આ એક જ દિશામાં વહન કરે તો એની સામે કોઈ આંખ પણ માંડી ના શકે !

અબ્રહ્મચર્યથી જ બધા રોગ ઊભા થાય છે. એટલે બ્રહ્મચર્ય પાળવું એ સિદ્ધાંત રાખવો જોઈએ અને તે પહેલેથી જ જાણવો સારો ! એંસી વર્ષે આ સિદ્ધાંત જાણીએ તો શું કામનો ? આપણું અસ્તિપણું એક જ જગ્યાએ હોય, બે જગ્યાએ ના હોય. એટલે બને ત્યાં સુધી સિદ્ધાંતને પાળવો. અત્યારે ચારિત્રની કિંમત જ ઊડી ગઈ છે. બ્રહ્મચર્યની તો કિંમત જ ઊડી ગઈ છે ને ? સ્વચ્છ જીવન જીવવાની કિંમત જ ઊડી ગઈ છે ! પવિત્ર જીવન જ જીવવાનું છે.

અભિપ્રાય બદલ્યે નીકળવા માંડે

પ્રશ્નકર્તા : પણ માનસશાસ્ત્રીઓ કહે છે કે વિષય બંધ થાય જ નહીં, છેક સુધી રહે. એટલે પછી વીર્યનું ઉર્ધ્વગમન થાય જ નહીં ને?

દાદાશ્રી : હું શું કહું છું કે વિષયનો અભિપ્રાય બદલાય કે પછી વિષય રહેતો જ નથી ! જ્યાં સુધી અભિપ્રાય બદલાય નહીં ત્યાં સુધી વીર્યનું ઉર્ધ્વગમન થાય જ નહીં. આપણે અહીં તો સીધો આત્મામાં જ ઘાલી દેવાનો છે, એનું નામ જ ઉર્ધ્વગમન છે ! વિષય બંધ કરવાથી એને આત્માનું સુખ વર્તાય અને વિષય બંધ થયો એટલે વીર્યનું ઉર્ધ્વગમન થાય જ. અમારી આજ્ઞા જ એવી છે કે વિષય બંધ થઈ જાય છે.

પ્રશ્નકર્તા : આજ્ઞામાં શું હોય છે ? સ્થૂળ બંધ કરવાનું ?

દાદાશ્રી : સ્થૂળને અમે કંઈ કહેતા જ નથી. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બ્રહ્મચર્યમાં રહે એવું હોવું જોઈએ. અને મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર, બ્રહ્મચર્ય માટે ફરી ગયાં એટલે સ્થૂળ તો એની મેળે આવે જ. તારાં મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકારને ફેરવ. અમારી આજ્ઞા એવી છે કે આ ચારેય ફરી જ જાય છે !!

ગજબના એ બ્રહ્મચારી

'આ' 'પબ્લિક ટ્રસ્ટ' એવું છે કે સંપૂર્ણ નીરોગી છે. વર્લ્ડનું ટોપમોસ્ટ છે આ ! તમારે જે રોગો કાઢવા હોય, તે કાઢી શકાય એમ છે ! જે સુંદર બ્રહ્મચર્ય પાળતા હોય, એમને આધીન રહીને બ્રહ્મચર્ય પાળી શકાય. નહીં તો પોતે પાળતા ના હોય, પોતાની મહીં ગુપ્ત 'ડિફેક્ટ' હોય, તો પોતાને જ પાળવાની મુશ્કેલી પડી જાય. એટલે આખા હિન્દુસ્તાનમાં કોઈ જગ્યાએ બ્રહ્મચર્ય સંબંધી વાત કોઈ કરતું જ નથી ને ?! હું જેમાં 'હન્ડ્રેડ પરસેન્ટ' કરેક્ટ હોઉં, તેનો જ તમને ઉપદેશ આપું, તો જ મારું વચનબળ ફળે. પોતામાં સહેજ પણ 'ડિફેક્ટ' હોય તો બીજાને ઉપદેશ શી રીતે આપી શકાય ?

વિષયની જોખમદારી બહુ જ મોટી છે. મોટામાં મોટી જોખમદારી હોય, તો તે વિષયની છે. એનાથી પાંચેય મહાવ્રત અને અણુવ્રત તૂટે છે.

પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષનાં વાક્યો વિષયનું વિરેચન કેવા પ્રકારે કરાવે ?

દાદાશ્રી : વિષય બંધ થતા જાય દહાડે દહાડે, નહીં તો લાખ અવતાર ચોપડીઓ વાંચે તોય કશું ના વળે.

પ્રશ્નકર્તા : એમનું વાક્ય શાથી આવું અસરકારક થઈ શકે છે ?

દાદાશ્રી : એમનું વાક્ય બહુ જબરજસ્ત હોય, જોરદાર હોય ! 'જુલાબ આપે એવા શબ્દ' કહ્યું, ત્યારથી જ ના સમજીએ કે એમના શબ્દમાં કેટલું બળ છે !

પ્રશ્નકર્તા : એ વચનબળ જ્ઞાનીને કઈ રીતે પ્રાપ્ત થયું હોય ?

દાદાશ્રી : પોતે નિર્વિષયી હોય તો જ વચનબળ પ્રાપ્ત થાય, નહીં તો વિષયનું વિરેચન કરાવે એવું વચનબળ હોય જ નહીં ને ! મન-વચન- કાયાથી સંપૂર્ણ રીતે નિર્વિષયી હોય ત્યારે એમના શબ્દથી વિષયનું વિરેચન થાય.

'જ્ઞાની પુરુષ'નાં વાક્યો વિષયનું વિરેચન કરાવનારાં છે. વિષયનું વિરેચન ના કરાવતાં હોય તો એ 'જ્ઞાની પુરુષ' જ નથી.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21