ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

ખંડ : ૨

'ના જ પરણવા'નાં નિશ્ચયી માટેની વાટ

[૪]

વિષય વિચારો પજવે ત્યારે

એ તો છે ભરેલો માલ

પ્રશ્નકર્તા : મારે ધંધાને લીધે બહાર બધે ફરવાનું બહુ થાય છે.

દાદાશ્રી : હા, પણ એ સંજોગોમાં આપણે ચેતતા રહેવાનું, એ ચડી બેસે તો ચડી બેસવા નહીં દેવાનું. એ ન્યુટ્રલ છે ને આપણે છે તે પુરુષ છીએ. ન્યુટ્રલ, પુરુષને જીતે નહીં કોઈ દહાડોય.

માંસાહારની દુકાને જઉં તોય વિચાર ના આવે, તે શું ? કારણ કે એ માલ ભર્યો નથી ને ! એટલે પછી આપણે ના સમજી લઈએ કે ભઈ, ભરેલો હોય હવે તે જ કૂદે છે. ના ભર્યો હોય તો નથી કૂદવાનો. એ સમજણ પડે કે ન પડે ?

પ્રશ્નકર્તા : એ બરાબર છે. પણ બહુ વિચારો આવે ને એટલે પેલું એ થઈ જાય કે સાલું આવું બધું ?!

દાદાશ્રી : બહાર લોકો બૂમાબૂમ કરતાં હોય, તેથી કરીને આપણે બારણું વાસીને બેઠા હોય એકબાજ,ુ તો ભાંજગડ છે ? આપણે એની જોડે વ્યવહાર કરવો જ નહીં. તો પછી આપણે રહી શકીએ. એટલે એ ઝંઝાવાત આવે તે પછી પાર નીકળી જાય, ને ઝંઝાવાત ઊડી જાય. વંટોળીયા કંઈ રોજ હોય ? બે દહાડા. આખો દહાડો ચાલે તોય ઉડાવી દઈએ. આ બધા કહે ને, આમને કંઈ વંટોળીયા નહીં આવતા હોય ? હવે આને કેટલાય વંટોળીયા આવે છે, પણ શું કરે ?

પ્રશ્નકર્તા : ચંદ્રેશ વિષય ભોગવતો હોય એવા વિચારો આવે, આવું તેવું બધું દેખાય, ફોટાઓ બધા પડે અંદર. ગમે નહીં અંદર કશું પછી.

દાદાશ્રી : ભલેને ના ગમે. ના ગમે તોય ચંદ્રેશને ને ? તને તો નહીં ને ? તું તો જુદોને આમાં ! વિષય ના હોવો જોઈએ, હોય બીજી કોઈ ભૂલો તો ચલાવી લેવાય.

પ્રશ્નકર્તા : એવો વિચાર આવે કે આપણને ઈન્ટરેસ્ટ પડે છે, માટે દાનત ચોર હશે તો જ ઈન્ટરેસ્ટ પડે. નહીં તો ઈન્ટરેસ્ટ પડવો જ ના જોઈએ.

દાદાશ્રી : ઈન્ટરેસ્ટ પડે એવો માલ લાવ્યા છીએ આપણે. આપણને ખબર પડે. ઓહો ! ઈન્ટરેસ્ટ પડે એવો છે. એટલે કહીએ, 'ઈન્ટરેસ્ટ વાપરો તમે. પૈણો હઉ, કોણ ના પાડે છે ?'

આત્માને આમાં ઈન્ટરેસ્ટ હોતો જ નથી, એ ઈન્ટરેસ્ટ છે, આહારીને. આહારી જોયેલાં તે ! વધારેય ખઈ જાય છે તો દુઃખ થઈ જાય અને ઉપવાસ કરવા હઉ બેસે, પાછા એ જ આહારી !

પ્રશ્નકર્તા : પછી એવા વિચાર આવે કે આ નિશ્ચયમાં કચાશ છે કે દાનત ચોર છે કે આવું કેમ થાય છે ?

દાદાશ્રી : ના, એ તો ભરેલો માલ છે ને ટાઈમ થયો છે. આજુબાજુના સંજોગો એવા છે એટલે ફૂટે છે.

પ્રશ્નકર્તા : એક બેભાનપણામાં વિષયમાં ખેંચાઈ ગયા અને બીજું જાગૃતિપૂર્વક ખેંચાઈ ગયા, ચાલ્યું જ નહીં ત્યાં આગળ હવે. પછી શું કરવું ? અને એનો કેટલો દોષ બેસે ?

દાદાશ્રી : દોષ તો ખરો ને ! વૈદે કહ્યું હોય કે મરચું ના ખાજો ને આપણે મરચું ખાઈએ, તો શું થાય ?

પ્રશ્નકર્તા : આજ્ઞા ના પળાઈ તો શું કરવું પછી ?

દાદાશ્રી : તે તો એણે મરચું ખાધું, તે પછી રોગ વધ્યો.

પ્રશ્નકર્તા : પણ એનો ઉપાય તો હોવો જોઈએ ને ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાનું.

પ્રશ્નકર્તા : પણ જેણે આજ્ઞા આપી હોય, એને કહેવું તો પડશે ને ?

દાદાશ્રી : હા. કહે તો પણ એ પ્રતિક્રમણ કરવાનું કહે. બીજું શું કહે ? તે રૂબરૂ પ્રતિક્રમણ કર.

કો'ક દહાડો મહીં કંઈક વિચાર ખરાબ ઊગ્યો અને કાઢી નાખતાં વાર લાગી પછી એનું મોટું પ્રતિક્રમણ કરવું પડે. એ તો વિચાર ઊગ્યો કે તરત કાઢી નાખવાનો, ફેંકી દેવાનું.

પ્રશ્નકર્તા : પહેલાં એવી સ્થિતિ હતી કે હું આ બધાથી જુદો પડું ને, એટલે બ્રહ્મચર્ય રહે જ નહીં, એવી સ્થિતિ થઈ ગયેલી. સહેજ ટોળામાંથી જુદો રહું કે એકલો ઘેર રહું ને તો બધા વિચારો ફરી વળે.

દાદાશ્રી : વિચારો ફરી વળે, એમાં આપણે શું જાય છે તે ? આપણે જોનાર છીએ તેને ! આ કંઈ હોળીમાં કેમ હાથ નથી ઘાલતો ? હોળીનો દોષ કાઢે એ ખોટું ને ! દોષ તો આપણે હાથ ઘાલીએ એ કહેવાય.

વિચાર તો બધી જાતના ફરી વળે. મચ્છરાં ફરી વળતા હોય, એને આપણે આમ આમ કરીએ તો રહે નહીં. તે આ તો આમ તો હાથ દુઃખે, પણ આ તો કુદરતનો તો હાથ જ દુઃખે એવો નથી. આપણે કહીએ મચ્છરાં અડવા નથી દેવા, તો મહીં એવુંય બને. એ નિશ્ચય કરો ત્યાં બ્રહ્મચર્ય કેવું સરસ પળાય !!

જુદાપણાથી જીતાય

દાદાશ્રી : તારે કેમનું છે ? તારે રાગે પડી જશે ને ?

પ્રશ્નકર્તા : પડી જશે.

દાદાશ્રી : હેં ! તું તો એવું જ બોલે છે ને ! 'પડી જશે, પડી જશે' એને એ જ જગ્યાએ ઊગે છે ને એ જ જગ્યાએ આથમે છે. એ પડતો નથી ને કંઈ, એ કહે, પડી જશે સૂર્યનારાયણ !

પ્રશ્નકર્તા : એ મહીંનું રાગે પડી જશે, ચંદ્રેશનું !

દાદાશ્રી : એમ. પણ પૈણવાનું કહે છે ?

પ્રશ્નકર્તા : એ ગાંઠો ફૂટે છે.

દાદાશ્રી : એને કહેવું કે 'જો ગાંઠો ફૂટશે ને, તે અમે જ્યાં સુધી એક્સેપ્ટ નહીં કરીએ ત્યાં સુધી તમારું કંઈ વળવાનું નથી. અમથા તારા દા'ડા જ બગડશે, છાનોમાનો બેસી રહે ને !' અમથા પૈણો ને રાંડો, ને પૈણો ને રાંડો એમ કર્યા કરતા'તા. બેસી રહોને, પૈણશોય નહીં ને રાંડશોય નહીં. અમે સહકાર કંઈ આપવાના નથી.

પ્રશ્નકર્તા : એટલે હું સહી નથી કરતો ત્યાં સુધી ગાડું ફર્સ્ટક્લાસ ચાલે.

દાદાશ્રી : આપણે આપણી મેળે ઠપકો આપવો પડે કે કશું વળશે નહીં. માટે ચૂપ બેસો ને ! આવા બે-ચાર જાતના પ્રયોગ ગોઠવી દેવા કે જેનાથી છૂટા રહેવાય.

દાદાશ્રી : તને પસ્તાવો નથી થતો, ના પૈણ્યો તે ?

પ્રશ્નકર્તા : ના, એવું નહીં.

દાદાશ્રી : તો ના પૈણ્યા તે સારું લાગ્યું તને ?

પ્રશ્નકર્તા : હા. જે બીજા લોકો પૈણેલા હોય, એમનું બધુંય દુઃખ જોવા મળે ને ? ઘર ને બહાર બધે જોવા મળે, ઉઘાડું જ છે ને !

દાદાશ્રી : બળ્યા, આ પ્રત્યક્ષ દેખાતા દુઃખને મેલોને પૂળો ! પેલા દુઃખને જોઈ લેશું થોડુંક. એ દાદાના કહ્યા પ્રમાણે કરીશું, તો રાગે પડી જશે. આપણા મહાત્માઓને તો પચી જાય. પણ પેલી (બ્રહ્મચર્યની)ચોપડી એકેકી રાખવી પડે જોડે, તું નથી રાખતો ?

પ્રશ્નકર્તા : રાખું છું.

દાદાશ્રી : વાંચું છું ને પછી ? થોડું થોડું વાંચવું પડે. એટલે વાંચે ત્યારે મન જે બહુ કૂદાકૂદ કરતું હતું, તે ટાઢું થઈ જાય. તારે તો બહુ ફક્કડ રહે છે ને ?

પ્રશ્નકર્તા : સરસ. એ ચોપડી હેલ્પ કરે થોડી, પણ આ વિજ્ઞાન તો એકદમ જ છૂટું જ રાખે.

દાદાશ્રી : આ વિજ્ઞાનની વાત જુદી. આ વિજ્ઞાનની વાત જ ક્યાં થાય !

પ્રશ્નકર્તા : એટલે એ ચોપડીની હેલ્પ લઈએ ને, પણ વિજ્ઞાન પર વધારે જોર રાખીએ છીએ અમે.

દાદાશ્રી : વિજ્ઞાન તો બહુ કામ કરે.

પ્રશ્નકર્તા : એ ગમે તેવા સંજોગ આવે, એ પેલી ચોપડીમાં ના હોય.

દાદાશ્રી : તારું ગાડું રાગે પડી ગયું છે હવે. પહેલાં તો મને લાગતું હતું, કે આ સ્ત્રી થઈ જશે. પણ પછી બહુ ટકોર મારી. ત્યારે શું કરું ? મેં કહ્યું, 'આવતા ભવ છે તે કપડાં પહેરવા પડશે સ્ત્રીના, સાડી- બ્લાઉઝ.' ત્યારે શું કહું ?! હવે બધું નીકળી ગયું. મોઢાં પર જોઈ લઈએને અમે ! એના વિચાર-બિચારો બધા દેખાઈ જાય અમને. એ સ્ત્રીનાં કપડાં સારા લાગતાં હશે પહેરવાનાં ? વિષય જોઈએ એટલે સ્ત્રીના કપડાં લાવવાં જ પડે ને પછી ?

પ્રશ્નકર્તા : તમે અમારી સંભાળ પહેલેથી જ બહુ રાખી છે.

દાદાશ્રી : એ તો રાખવી જ પડે ને ! હવે સંભાળ રાખવા જેવા નથી, હવે એ ચાલ્યા કરે. એટલે હવે બીજાને પકડીએ. જે કાચું હોય, તેને પકડીએ.

પ્રશ્નકર્તા : પણ હજી ઘણી જરૂર છે. હવે બધું જલ્દી ખાલી થાય એવું કંઈક કરી આપો એમ.

દાદાશ્રી : એવું છે ને જલ્દી ખાલી થવું, એટલે આ દેહ ખલાસ થવો.

પ્રશ્નકર્તા : એટલે આ જે બધો, વિષયો ને કપટનો, જે માલ ભર્યો છે એ બધો માલ ખાલી કરવો છે.

દાદાશ્રી : ઓહોહો વિષયનો ! વિષયનું ખાલી કરવું છે ખરું ! પણ એને ટાઈમે ખાલી કરું તોય વાંધો શો છે પણ ?

પ્રશ્નકર્તા : એ ખૂંચે છે મહીં.

દાદાશ્રી : એ માલ ફૂટે, તેમાં તને શું વાંધો ? ખૂંચે, તું એ બાજુ સૂઈ જઉં ત્યારે. આ બાજુ સૂઈ જઈએ, આપણા મહીં સૂઈ જઈએ તો ! 'સ્ત્રી'ના પલંગમાં સૂઈ જઈએ ત્યારે ખૂંચે ને ! 'આપણા' પલંગમાં સૂઈ જઈએ તો આપણને પછી કોણ ખૂંચે ? બહુ ખૂંચે છે ? તો પછી પૈણી નાખ.

પ્રશ્નકર્તા : ના, એવું નહીં. આ પેલી ગાંઠો ફૂટે એ ખૂંચે.

દાદાશ્રી : એમાં ખૂંચે શાનું ? 'જોયા' કરવાનું. એમાં ખૂંચે શું ? 'આપણે' 'ત્યાં' બેસીએ તો ખૂંચે.

પ્રશ્નકર્તા : હા. એટલે ચંદ્રેશને જ ખૂંચે કે આવું ના હોવું જોઈએ.

દાદાશ્રી : ચંદ્રેશને ખૂંચે, તેમાં તારે શું ? ચંદ્રેશને કહીએ, 'લે કાઢ સ્વાદ ! લે તારા કરેલાં તું ભોગવ્યા કર.' આપણને કશું ના કરે. તમારે તો ઉંમર નાની તે હજુ હરકતના સ્ટેશનો આવવાના, નરી ઝાડી ને જંગલ બધું !

સ્ત્રી વિષય એ ખોટી વસ્તુ છે, એવું તને નિરંતર રહ્યા કરે છે ?

પ્રશ્નકર્તા : નિરંતર.

દાદાશ્રી : ને અભિપ્રાય તે જ રહે ?

પ્રશ્નકર્તા : એ જ.

દાદાશ્રી : હવે પહેલાં સ્ત્રી વિષય એ સારું છે માનેલું, એટલે તો આ મહીં ગાંઠો ભરાઈ છે, હવે આ ઊડી જશે આસ્તે રહીને. નવું માલ ભરતો નથી. એટલે તારે જોખમ રહ્યું નહીં ને ! નવું ભરાય એવું જ્ઞાન જ નથી ને આપણું !

સત્સંગમાંય સાવધ રહેવું

સ્ત્રી-પુરુષમાં વિકાર ના હોય એ પવિત્ર.

તમે જેટલો કામનો બદલો આપો, તેના કરતાં વધારે બદલો તમને મલે. એટલે આ કરવાનું. જગત કલ્યાણ થાય અને આપણું. નહીં તો આ તો કશો માલ જ નહોતો. મીઠું-મરચુંય નહોતું ને ! એ તો હવે છે તે નવેસરથી મોટીમોટી દુકાનો થઈ.

પ્રશ્નકર્તા : વિષય સંબંધી ખાસ ધ્યાન રાખવું પડે છે. ગામોગામ જઈએને, ત્યાં જેન્ટસ્ કરતાં લેડીઝ વધારે હોય હંમેશ માટે. આ ગામેગામ સત્સંગમાં જઈને તો સીત્તેર ટકા તો લેડીઝ જ હોય અને ત્રીસ ટકા જ પુરુષો હોય. એટલે બ્રહ્મચર્ય સંબંધી ખૂબ જાગ્રત રહેવું પડે. એ લોકોનો બધો રિસ્પોન્સ બહુ હોય. જેમ કે પદ ગવડાવે સુંદર, તો એ લોકો આમ ખુશ થઈ જાય.

દાદાશ્રી : આવું તો સ્થૂળ અબ્રહ્મચર્ય થાય નહીં ને ! આ તો અહીં આગળ સૂક્ષ્મમાં ભાંજગડ છે. તે રસ્તામાં-શહેરોમાં ભેગા થાય. પેલા ગામડામાં તો એટલું બધું રુચિનું કારણ જ ના હોય ને !

પ્રશ્નકર્તા : પણ ગાંઠો ફૂટે કો'કવાર.

દાદાશ્રી : એને તો તોડી નાંખીએ.

પ્રશ્નકર્તા : એનું નિવારણ તરત થઈ જાય. તરત જ પાંચ મિનિટમાં.

દાદાશ્રી : જેટલું ધોવાયું એટલું ઓછું. 'શૂટ ઓન સાઈટ' જ હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : 'શૂટ ઓન સાઈટ' જ થઈ જાય. આ તો અમારે પેલા ભેગા થવાના પ્રસંગો આવે ને. આમ તો ઘેર હોય તો આવે નહીં.

દાદાશ્રી : અનંત અવતારથી આના આ જ પડઘા. પહેલાના સંસ્કાર એ ભાન જ નહીં ને !

મનની પોલો સામે...

એક સ્ત્રી આપણા સામે આંખ માર-માર કરતી હોય, તેમાં આપણે શું ? એ તો સ્ત્રી તો મારે જ. એમાં આપણે શું ? તૂ ખરો છું ? એવો કાયદો છે કે સ્ત્રીને આંખ ના મરાય ? એવું આપણે એને કહેવાય ?

પ્રશ્નકર્તા : સ્ત્રીને ના કહેવાય, પણ ચંદ્રેશ મહીં ભેરવાઈ જાય છે, એનું શું ? ચંદ્રેશ એ ખેંચાઈ જાય છે.

દાદાશ્રી : એટલે જ એ પૈણી જાય, તો એ સારું ને !

પ્રશ્નકર્તા : ના, એવું નથી જોઈતું.

દાદાશ્રી : ત્યારે એવું જ ને ! આ જ તારી નબળાઈ ! આંખ મારે તેમાં આપણે શું ? આપણે થ્રી વિઝનથી જોઈએ તો, દેખાય શું એમાં ? થ્રી વિઝન તું નહીં જોતો ?

મા-બાપ આપણા ધ્યેયને બદલાવતા હોય, તો આપણે એ સાંભળતા નથી તો મનનું કેમ સાંભળીએ ? ઉઠાવી ગયું કોઈ ?

પ્રશ્નકર્તા : જાતે જ ખેંચાયા.

દાદાશ્રી : સાપના મોઢામાં પેસે, તેને કોઈ શું કરે ?

મનને કહી દેવું કે 'તું હવે ફસાવીશ તો હું સો રૂપિયાનો આપ્તપુત્રોને હું આઈસ્ક્રીમ ખવડાવીશ કે જમાડીશ'. તો પછી નહીં કરે તેવું. એક ભૂલે સો રૂપિયાનો દંડ !

પ્રશ્નકર્તા : એટલે ત્યારે જ મહીં થયું કે આ ખોટું છે, તોય એ બાજુ જતું રહ્યું. મનનું માની લીધું એ વખતે.

દાદાશ્રી : તો પછી હવે ખોટું થયું એ જાણે છે. ઉપરથી દરિયામાં ડૂબી જવાશે ને મરી જવાશે એવું જાણે, છતાંય કોઈ જાય તો એને કંઈ દરિયો ના કહે ? દરિયો તો કહેશે, 'આય ભઈ, હું તો મોટા પેટનો છું. બહુ જણને સમાવી લીધા છે.'

પ્રશ્નકર્તા : છેલ્લા એક વર્ષથી હું રેઝિસ્ટ કર્યા કરતો હતો.

દાદાશ્રી : મન તો બહુ મજબૂત છે, પણ તારી જાત નબળી હોય તો ફરી પૈણી જાય.

પ્રશ્નકર્તા : આવું બને, તે મન મજબૂત કહેવાય ?

દાદાશ્રી : માણસ એ નબળો જ કહેવાયને બધો ! મન નબળું ના કહેવાય. મન ઉલટું એને ખેંચી ગયું. મન તો જબરું કહેવાય.

પ્રશ્નકર્તા : આમાં આના કેસમાં તમે મનને 'જબરું' કહ્યું અને માણસ 'નબળો' કહ્યો. એટલે માણસ એટલે કોણ નબળું કહેવાય ?

દાદાશ્રી : અહંકાર અને બુદ્ધિ નબળા. આમાં ખરું ગવર્ન્મેન્ટનું રાજ છે, તે આમાં બુદ્ધિ ને અહંકારનું છે. તે એમાં મનનું રાજ થઈ જાય એટલે ખલાસ. મનનું તો પાર્લામેન્ટરી પદ્ધતિથી, એનો એક રોલ છે ખાલી. તે વળી બુદ્ધિ માને-સ્વીકાર કરે, તો અહંકાર સહી કરે. નહીં તો ત્યાં સુધી સહીએ ના થાય.

પ્રશ્નકર્તા : આમ એકલા સૂઈ ગયા હોય ને, તો પેલા વિચારો ફૂટે કે આવું બને તો ? આવી રીતે આ વિષય ભોગવાય તો ? પછી મને એ વખતે નવાઈ લાગે કે આપણે તો બ્રહ્મચર્ય પાળવું છે ને આ બધું ફૂટયું કંઈથી ? તે આ ગમે ખરાં વિચારો.

દાદાશ્રી : ફૂટે તેનો વાંધો નહીં, પણ એ તો તને ગમે છે ?

પ્રશ્નકર્તા : એ કો'કને તો ગમતા હશે ને અંદરથી ?

દાદાશ્રી : ઓહો, તારે કો'કની જોડે લેવાદેવા છે ?!

પ્રશ્નકર્તા : એ જેને ગમે, એનેય કાઢવો જ પડશે ને !

દાદાશ્રી : એને વઢવાનું. 'અહીં શી રીતે ધમાલ માંડી છે અમારે ઘેર ? અમારા પવિત્ર ઘરમાં, હોમમાં ?'

પ્રશ્નકર્તા : ત્યારે એની દવા શું ?

દાદાશ્રી : તારે દવા કરીને કામ શું છે ?

પ્રશ્નકર્તા : પણ આ તો બહુ મોટો રોગ છે. આ તો પછી પાછું એ માટલીમાં બિલાડી પછી મોઢું ઘાલે ને, એ લઈને ફરવું પડે પછી પેલું.

દાદાશ્રી : એ તો છૂટકો જ નહીં ને ! પછી તો કોણ કાઢી આપે ? ચલી ગઈ આ આખી જીંદગી ! આવી ફસાયા ભઈ, આવી ફસાયા. દુઃખ ગમતું હોય તો, પછી એનો ઉપાય જ નહીં ને !

પ્રશ્નકર્તા : દુઃખ નથી ગમતું. પણ પેલો વિષયનો ઈન્ટરેસ્ટ ગમે છે, એ દુઃખ ક્યાં છે ?

દાદાશ્રી : નહીં, એ એનું ફળ જ દુઃખ આવે ને ! જેનું ફળ દુઃખ આવે, એ વસ્તુ ગમવી ના જોઈએ. એ દુઃખ જ છે.

પ્રશ્નકર્તા : વિચારો આવાં આવી ગયા, પછી સહેજેય ના ગમે કે આ વિચારો કેમ આવ્યા આવાં ?

દાદાશ્રી : એ તો માટલીમાં મોઢું ઘાલ્યા પછી ને ? ફસાયા પછી આવવાના વિચારો ! અરે, એક ફેરો વિચારોને ઉખેડીને-કાઢી નાખીને, 'આ બધાય લોકો પૈણ્યા જ છે ને,' કહીએ.

પ્રશ્નકર્તા : પૈણવાના વિચાર આવતા હોય તો સારું, એક ફેરો પૈણી નાખીએ. આ તો વિષયના વિચાર આવે છે. આમાં જોખમદારી કેટલી પણ !! પછી એવો વિચાર આવે કે દાદા તો કહે છે કે આવું ચલાવી નહીં લે, તો શું થશે મારું ?

દાદાશ્રી : શું થવાનું છે ? આ નર્મદાનો ગોલ્ડન બ્રીજ પડી ગયો કંઈ ? ગોલ્ડન બ્રીજ બાંધનારા જતાં રહ્યાં, બધાય જતાં રહ્યાં ! થવાનું છે શું ? પડી જવાનું છે ? આપણી તૈયારી જોઈએ.

પ્રશ્નકર્તા : પણ તૈયારીમાં અંદર પોલ બહુ વાગે છે. સંજોગ ભેગા ના થાય ત્યાં સુધી સારું, પણ ભેગા થાય એટલે બધો માલ નીકળે છે.

દાદાશ્રી : ના, પણ એ તો આ વાત તું કરું ને, તે બધાને માટે નથી. આ તારા એકલાને માટે. કોઈની વાત છે નહીં. તારે અનુકૂળ હોય, તે પ્રમાણે કરી નાખવાનું એટલે ભાંજગડ મટી. પછી બીજાની ભાંજગડ નહીં. આ તો બીજાના મન બગડે પાછા. થાય પછી શું ? ગમતું હોય ત્યારે. ગમે ત્યાં સુધી આપણે બોલાય નહીં. ધણીય કહે, ગમે છે અને ગમનારો કહે, ગમે છે. બેઉ આમ બોલે, તો પછી થાય શું ?

પ્રશ્નકર્તા : ગમતાને ઉડાડવું પડશે ને ?

દાદાશ્રી : આ તો ગમનારો કહે કે 'મને ગમે છે' અને ધણી કહે, 'નથી ગમતું.' તો એ બેને સંઘર્ષ હોય તો ઉડાડી શકીએ. આ તો સંઘર્ષ નથી, એક મત છે, પછી શું ઉડાડવું ?! મિયાં-બીબી રાજી, તો ક્યા કરેગા મિયાંકાજી. પછી કાજીસાહેબ શું કરે ?!

પ્રશ્નકર્તા : પણ ફસાવું તો ગમતું નથી મને. એ વિષયમાં ફસાવું, એ મને નથી ગમતું.

દાદાશ્રી : જો હવે શું બોલે છે, પહેલાં શું બોલતો હતો હમણે ?

પ્રશ્નકર્તા : એ વિચારો આવે છે એ ગમે છે, એ એટલો સમય જ પણ પછી...

દાદાશ્રી : આપઘાત કરવો ગમે છે પણ મરવું નથી ! એક દહાડો કરી તો જો !

પ્રશ્નકર્તા : એ જોખમદારી. એ માર ખાવો પડે ને બધો. આ કોઈ વખત આમ. પછી એવો વિચાર આવે કે આ પુદ્ગલના ફોર્સને લીધે આવું થતું હશે એટલે આપણે આ પુદ્ગલનો ફોર્સ ઓછો કરીએ, ખાવાનું ઓછું કરી દઈએ. એનો કોઈ રસ્તો બતાવો.

દાદાશ્રી : પણ તેમાં તારે શું એમાં ? તને ના ગમતું હોય તો રસ્તો બતાડાય, તને તો ગમે છે ને !

પ્રશ્નકર્તા : એવું સતત ના ગમે. એ વિચાર આવે ને, તો થોડો સમય જ ગમે છે. પછી એવું ગમતું હશે ?!

દાદાશ્રી : ના, ના. ગમે એટલે સાઈન થઈ ગઈને થોડીવાર. તું વિરોધી હોય તો વાત કામની.

પ્રશ્નકર્તા : આખા ચોવીસ કલાકમાં હું વિરોધી જ છું, પણ પેલા સંજોગ એવા ભેગા થાય ને વિચારો ફૂટે તો એક થોડીક, એક મિનિટ માટે ગમી જાય કે આ વિચારો સારા છે.

દાદાશ્રી : મિનિટ માટે જ લોક પૈણી ગયેલાં.

પ્રશ્નકર્તા : આખો દહાડો હું ઓફિસમાં 'દાદા, મને બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આપો' એવું માંગ્યા જ કરું છું.

દાદાશ્રી : હા, પણ માંગ્યા કરને પછી. પણ ગમે તેનો વાંધો નહીં ને ! મહીં ખરાંને, આવા વ્યાપારી ખરાં ને ! દરેક જાતના વેપારી હોય ને ! ખોટ ખાય એવા વેપારી ! કો'ક ફેરો ડૂબી જાય તેમાં શું વાંધો ?

પ્રશ્નકર્તા : પણ જે પેલો એક્ઝેક્ટ દાખલો, આપો છો ને, કે ભઈ, એક ફેર તું નદીમાં ડૂબી જઈશ તો ? તો પેલો વિચાર કરતો થઈ જાય કે સાલું એક ફેર વિષયમાં સ્લિપ થઈશ તો ?

દાદાશ્રી : ના, પણ બીજી વાર એને જાગૃતિ રહે ને ! સો દહાડા તર્યા પણ એક દહાડો ડૂબી ગયા એટલે નકામું જ !

ગયા અવતારની મા છોડી યે થાય. જેવો ઋણ બંધાયો હોય એવું થાય. કાકી થાય, મામી થાય, માસી થાય, વહુ પણ થાય. એવું બધું થાય ! મા હોય તો આ અવતારમાં વહુ થાય તો વૈરાગ ના આવે ? એવું સમજવાનું !

પ્રશ્નકર્તા : કુસંગનું વાતાવરણ છે ત્યાં સુધી આનો નિવેડો નથી.

દાદાશ્રી : આ સત્સંગથી નિવેડો આવે જ છે ને ! આપણી મહેનત બધી ધૂળધાણી કરી નાખે કુસંગ.

પ્રશ્નકર્તા : કુસંગમાં માલ ફૂટે છે.

દાદાશ્રી : કુસંગની ગંધ જ એવી. કુસંગમાં જવાનું થાય તોય પ્રતિક્રમણ કરવું પડે.

પ્રશ્નકર્તા : એટલે એક બાજુ વિષય વિચારો ગમે અને એક બાજુ ના યે ગમે એવું બન્ને થાય છે.

દાદાશ્રી : એ ચાલે નહીં એવું, બ્રહ્મચારી રહેવું હોય તો. નહીં તો પૈણી જાવ.

બહુ લૂઝ થતું હોય તો મજબૂત કરી નાખ હવે ! એવું પૂછજે ને બધું વાતચીત કરજે !

બુદ્ધિની વકીલાતો, વગર ફીએ...

પ્રશ્નકર્તા : પ્રકૃતિ એનો સ્વભાવ તરત છોડે નહીં ને, હજુ એકદમ. વિચારો ને એ બધું થોડું થોડું રહે.

દાદાશ્રી : બહુ નહીંને પણ !

પ્રશ્નકર્તા : ના, પણ હજુ વિચારો આવે તો આપણે પાછું અંદરથી પોલ પણ મરાવે છે.

દાદાશ્રી : જ્ઞાન હાજર તરત થઈ જાય ને !

પ્રશ્નકર્તા : જ્ઞાન હાજર રહે, પણ એના પર થોડો વિશ્વાસ મૂકવા જઈએ ને, આ વિચાર આવ્યો કે આપણને શું વાંધો છે ?

દાદાશ્રી : એવું કહે ?! એને ઓળખું નહીં કે આ કોણ કહે છે તે ? વકીલ બોલે છે એવું ના જાણું ?

પ્રશ્નકર્તા : અંદર વકીલ એવું કહે.

દાદાશ્રી : એટલે તો તારે મઝા થઈ ગઈ ને (!)

પ્રશ્નકર્તા : એનું તો ના મનાય.

દાદાશ્રી : કોઈ દહાડો મનાતું હશે તે વકીલનું ? તું માનું છું ? સારું લાગે છે એ ?

પ્રશ્નકર્તા : એવા વિચાર આવે ને તો તરત ઉખેડીને ફેંકી દેવાના, એના બદલે, 'જોઈએ શું થાય છે, હજુ વિચાર આવ્યો છે ને !' એવું વકીલ બતાવે.

દાદાશ્રી : ત્યારે તો નિરાંતે પૈણાવી દે. તારે તો વાંધો નહીં, પૈણવાના સીગ્નલ પડી ગયા !

પ્રશ્નકર્તા : ના જોઈએ એવું, પણ એ મનમાં એવું થાય કે વિચારને ઉખેડી ને તરત ફેંકી દેવાનું દાદા કેમ કહેતાં હશે ?

દાદાશ્રી : એ તારો માલ છે ને !

વધે વિષયોની લીંકોથી એ...

ગમે ત્યાં આગળ બેઠા હોય ને, અગર તો નોકરી કરતાં નવરા પડ્યા તોય આ કર્યા કરવું. ઓફિસમાં બેઠા હોય ને નવરા પડ્યા તોય નિશ્ચય મજબૂત કરીએ થોડીવાર, બે શબ્દ વાંચી લઈએ તોય શું વાર આમાં ? એટલે લીંક તૂટી જાય બધી. જે અંદર લીંકો ચાલે છે ને એ તૂટી જાય બધી. વેર-વિખેર થઈ જાય, લીંકો વેર-વિખેર કરવાની છે. લીંકોથી વિષય વધે છે.

મહીં આનંદ થાય છેને, એ સામાયિક-પ્રતિક્રમણ કરો છો તે ઘડીએ ? જાણે મુક્ત હોય એવું લાગ્યા કરે ને ?

પ્રશ્નકર્તા : આ જે બધું ચિત્ત ભટકતું હતું, મન જે વિચાર કરતું હતું એ બધું બંધ થઈ જાય, ત્યાં થંભી જાય છે બધી વસ્તુઓ.

દાદાશ્રી : બધું થંભી જાય. એવું છે ને તમે બીજી ગોઠવણી કરો તો વિષય તો છેટો ઊભો રહે એવો છે બિચારો. એ તો ભડકે બિચારો. જેમ સારાં માણસો અહીં ઊભા હોય, તે ઘડીએ હલકી નાતના લોક ના ઊભા રહે, એવી રીતે.

પ્રશ્નકર્તા : આ તમે જ્યારથી બે દિવસથી બોલ્યા છો ને, તો આમ જાણે પરાક્રમ જેવું ઊભું થઈ ગયું છે કે આમ જેટલી પોલંપોલો ચાલતી હતી, એ બધી બંધ થઈ ગઈ છે.

દાદાશ્રી : હા, બંધ થઈ જાય. એ તો દાદાના આ શબ્દો, પોલંપોલ બધું બંધ થઈ જાય. તમે સાચવી રાખો તો બહુ સરસ છે. મહીં ચોક્કસ ને આમાંય ચોક્કસ, પણ એટલું જો આમાં ચોક્કસ રહે તો આમાં ફર્સ્ટકલાસ થઈ જાય. એ આવડત છે ને એક જાતની ! અને કહ્યા પ્રમાણે કરીએ તો. ફરી ફરી તાલ નહીં પડે આ. છેલ્લી આ તક છે. ઉઠાવી લ્યો આ છેલ્લી તક.

કળાથી કામ કાઢો

કંઈ ફેરફાર થાય તો મને કાગળ લખીને ચિઠ્ઠી આપી દેવી. બીજી બાબતની ભૂલો બધી ચલાવી લેવાય. બીજી બધી જાતની ભૂલો ના ચલાવી લઈએ તો માણસ મુશ્કેલીમાં મૂકાય, એ મૂંઝાઈ જાય બિચારો. ખાવાની જ મુશ્કેલી. ખાવાનું પાછું ખાવા ના દે. આમ ના ખવાય ને ત્યારે શું કરે ? કૂવામાં પડે કંઈ ? આપણે અહીં બધી છૂટ આપી. ખાજે બા, આઈસ્ક્રીમેય ખાજે. તારા મનને જેમ તેમ કરીને મનાવજે.

પ્રશ્નકર્તા : એ મનને એ રીતે મનાવે એટલે પૂરું થઈ જાય ?

દાદાશ્રી : ના, પૂરું ના થઈ જાય.

પ્રશ્નકર્તા : તો ?

દાદાશ્રી : આપણો દા'ડો નીકળી જાયને અત્યારે.

પ્રશ્નકર્તા : એટલે ખાલી સંતોષ ખાતર. પણ આગળ ઉપર પાછું કરવું તો પડે ને ?

દાદાશ્રી : એ તો ફરી પાછું વળી બ્રેક પાડીએ પાછી. જરા અત્યારની ઘડી ગઈ. એટલે પછી એની પાછળ સંચો લઈને ફરી વળીએ. અત્યારે ટાઈમ કાઢી નાખો. પોલીસવાળો વાંકો વળે તો 'સાહેબ, સલામ' કરીને એકવાર ખસી જવું ને પછી એ જોઈ લેવાય. પછી એની પાછળ પડીશું. પણ અત્યારે વઢીએ તો ચાલે નહીં. અત્યારે આપણે હાથમાં આવી ગયા, પકડાઈ ગયા એટલે ? કળાથી કામ લેવું પડે અને મન જડ છે. જડ છે એટલે કોઈને ગાંઠતું નથી ને, આપણે કળાથી લઈએ એટલે ઠેકાણે આવી જાય !

ફરી આવો તાલ ખાય નહીં આવો અને સરળ રીતે, ઓછી મહેનતે અને આનંદપૂર્વક પાછો. પેલા તપ કરવાનાં, તે કઠોર તપ બધાં. સહન જ ના થાય, જોતાં જ ચીતરી ચઢે.

આપણું જ્ઞાન છે એટલે આપણે તો વાંધો જ નહીં. જ્ઞાન તો મનને જુએ છે કે મન શું કરે છે ને શું નહીં ? એવું જોઈ શકે એવું છે. એટલે બહાર ક્રમિક માર્ગમાં છે તે મનની ઉપાધિ અને ગોળીઓ ખવડાવવી પડે. છતાંય આપણેય કોઈ વખત ખવડાવવી પડે તો ખવડાવી દેવી.

એટલે આપણે કહીએને કે ગોળીઓ ખવડાવીને કામ લઈ લેવું. એક જ બાબત ફાવતી નથી એવું એને છે નહીં. એને તો બધી બાબત, જેમાં ટેસ્ટ પડે, તેમાં ફાવે !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21